વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • શ્રદ્ધાંજલિ રેખાંકનો [૧]

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah – Tribute Sketces -1


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ગઝલઃ હરદ્વાર ગોસ્વામી

    કોનાં પગલે પર્વત પરથી ઝરે સુગંધી ઝરણાં રે !
    સાત સમંદર તરી જવાના કારણમાં છે તરણાં રે !
    મેં ય મને પીધો પરબારો ત્યારે સઘળી પ્યાસ બૂઝી,
    કોરેકોરાં લાગે તારાં વરસાદી પાથરણાં રે !
     
    દોથેદોથા સૂરજ ઊગે, તારાં ગમતાં કિરણો લઈ,
    વાવી દેજો ગુલાબ વચ્ચે બે ચપટી ચાંદરણાં રે !
    દોસ્ત ગઝલનો ભેટો થાશે એ જ ક્ષણોની મસ્તીમાં,
    બે ટીંપા માટે પણ જયારે માંગો નભનાં ગરણાં રે !
     
    દુશ્મનના બાળકની આંખે મેં ય કવિતા વાંચી છે,
    તારાં આંસુ તેં લૂછ્યાંના તને કદી સાંભરણા રે !
     
    દંતકથાની દૂંટીમાંથી સોનપરીનું મરડાવું,
    છાતી ઠેકી ભાગી જાતાં ત્રણસો પાંસઠ હરણાં રે !
     
    હરદ્વાર ગોસ્વામી
  • ઊર્મિલ સંચારઃ પ્ર. ૫. ઋણાનુબંધ

    શોમ અને અંજલિના પ્રેમ સંબંધથી આનંદ છાવાય છે. અંજલિની માતાનો પત્ર આવે છે જેમાં માયા અને શોમના લગ્ન થયા હતા તે રહસ્ય ખૂલે છે. હ્યુસ્ટનમાં આયુર્વેદિક સેન્ટર સંભાળતા ડોક્ટરના આંકડાઓ ખોટા છે. શોમ અને અંજલિ વચ્ચે અણબનાવ…

    હવે આગળ ……

    સરયૂ પરીખ


    એબી સેન્ટરમાં ગંભીર વાતાવરણ હતું. દરેકના મનમાં જુદી જુદી આશંકાઓ હતી. મિટિંગ માટે ડોક્ટર રાકેશ અને ડોક્ટર અંજલિને બોલાવ્યા હતા. અંજલિ તો ગઈકાલથી જ નિસ્તેજ લાગતી હતી. સારા અને ડીનની સાથે શોમને જોઈને તેનું દિલ એક ધડકન ચૂકી ગયું. નજર મેળવ્યા વગર જ ‘હેલો’ કહીને રાકેશની બાજુની ખુરશીમાં અંજલિ બેઠી. …પોતે માયાની ફોઈની દીકરી છે તે જાણ્યા પછીનો, શોમનો ગુસ્સો તે ભૂલી નહોતી.

    “એબી સેન્ટરનું કામ બરાબર ચાલે છે તે મેં સાંભળ્યું છે. ડોક્ટર રાકેશ! તમે મને જણાવશો કે દર્દી અહીં આવે પછી કઈ રીતનો નિત્યક્રમ હોય છે?” ડીને વાતની શરૂઆત કરી.

    “દર્દીને તપાસીને પછી ટ્યુમરના માપ વગેરે મારી ઓફિસમાં લેવાય છે અને પછી દર્દીને ડોક્ટર અંજલિ પાસે મોકલવામાં આવે છે” …અંજલિને થયું કે આવી સામાન્ય નિત્યક્રમની વાતો કેમ કરે છે? એણે સારા સામે જોયું અને સારાએ ઇશારાથી ધીરજ રાખવા કહ્યું.

    શોમે રાકેશને ત્યાં જ અટકાવી પરિણામની ફાઈલ તેની સામે ધરી. “રાકેશ તમે જુઓ કે પહેલા કોલમમાં હ્યુસ્ટન ક્લિનિકના માપ લખેલા છે. બીજા કોલમમાં ત્રણથી પાંચ દિવસના ગાળામાં જ તમે લીધેલા માપ આટલા વધારે કેમ છે?” આ સાંભળીને અંજલિની આંખો પહોળી થઈ ગઈ. તેને પરિસ્થિતિનો તરત ખ્યાલ આવી ગયો અને શોમની સામે જોઈ રહી.

    શોમ રાકેશની ઉલટ તપાસમાં પરોવાયેલો હતો. અંતે રાકેશે કબૂલ કર્યું કે “હા, મેં ઊંચાં નંબર લખ્યા જેથી સંકોચાયેલ ટ્યુમરની સરખામણીનું અંતિમ પરિણામ ખુબ સરસ લાગે.”

    શોમ નિઃશબ્દ, રાકેશ સામે તાકી રહ્યો. ડીન કહે, “તમે માનવસેવાના ક્ષેત્રમાં કામ કરવા આવ્યા અને આ જાતનું કર્મ? તમારી પાસે ખરા પરિણામો છે ને? તે તમારી ઓફિસમાંથી લઈ આવીએ, ચાલો. અને સારા, તમે પણ સાથે આવો.”

    શોમ સાથે એકલા પડતા,  અકળામણનો ભાવ અંજલિને ઘેરી વળ્યો. બન્નેમાંથી કોને શું બોલવું તેની મૂંઝવણનો ભાર હવામાં તોળાઈ રહ્યો…શોમ અંતે બોલ્યો, “અંજલિ, ગઈકાલની મારી તોછડાઇ માટે માફ કરીશ?”

    “ગઈકાલે મને બહુ દુઃખ લાગ્યું હતું, પણ અત્યારે હું કારણ સમજી શકું છું. તમે ખુબ અસ્વસ્થ હતા કારણ કે તમને લાગ્યું હતું કે હું પણ આ કાંડમાં ભળેલી છું, ખરું?” જાણે મનમાં ગણગણી, “હવે વિશ્વાસના તૂટેલા તારને કેમ જોડશું?” અંજલિના સવાલનો શોમ જવાબ આપે તે પહેલા, ડીન રાકેશને કહેતા સંભળાયા, “આ ઘડીથી તમારા બધા હક્ક રદ થાય છે. તમારા બાકીના ડોલરની ચુકવણી નહીં થાય. ઓફિસ ખાલી કરીને અત્યારે નીકળી જાવ.”

    રાકેશ બારણા પાસેથી જ પાછો ફરી ગયો. ડીન બોલ્યા, “મિસ અંજલિ, આ વાત જાણીને તમને આંચકો લાગ્યો હશે. થોડા દિવસો તમારી જવાબદારી વધી જશે પણ તમને પૂરતી મદદ મળે તેવી વ્યવસ્થા કરશું જેથી તમારા છેલ્લા મહિનાનું અહીંનું કામ સફળ રીતે પાર પાડી શકો.”

    શોમના હોઠ ખુલ્યા પણ શબ્દ ન નીકળ્યા અને અંજલિ વિદાય લઈ ચાલી ગઈ. શોમે પોતાના એપાર્ટમેન્ટ પર જઈને તેની ચિંતા કરતી મમ્મીને તરત ફોન જોડ્યો.

    “મા, અંજલિ નિર્દોષ છે.”

    “હાં… મને તો ખાત્રી હતી. તારા ડેડી હોસ્પિટલથી આવી ગયા છે તેમને જણાવી દઈશ. તું અંજલિને મનાવી લે જે.” માહી બોલી. અંજલિ સાથે વાત કરવાની શોમે ઈચ્છા બતાવી.

    “અરે બેટા, અંજલિ તો આજે સવારે જ પંડ્યાસાહેબને ઘેર શિફ્ટ થઈ ગઈ. મીસીસ પંડ્યા આવીને સામાન લઈ ગયા. મેં સમજાવી પણ અંજલિ કહે કે ‘મને હવે અહીં રહેવાનું વિચિત્ર લાગશે’.”

    શોમે એક બે વખત અંજલિને ફોન કર્યો પણ સહકાર્યકર માફક વાત થતી, અને ફોન લાઈન કપાઈ જતી. એ દિવસે હોસ્ટ અને ગેસ્ટનાં માનમાં મેળાવડો હતો. શોમ, માહી અને રમેશ બેન્ક્વેટ હોલ માં દાખલ થયા અને પરિચિત ચહેરાને શોધી રહ્યાં હતાં. મુખ્ય ટેબલ પર પંડ્યા સાથે બેઠેલી અંજલિના ટેબલ પાસે આવ્યાં. અંજલિ ઊભી થઈને માહીને વળગી પડી.

    “અંજલિ, ભારત પાછા ફરવાનો સમય નજીક આવી રહ્યો છે. મારા તરફથી યાદગીરી સમજી આ એક ભેટ સ્વીકારજે.” કહીને માહીએ એક નાજુક બ્રેસલેટ તેના કાંડા પર પહેરાવી દીધું.

    “ઓહ! આંટી, બહુ સુંદર છે અને મારા માટે અત્યંત મૂલ્યવાન.” શોમ એ બન્ને વચ્ચેનો સ્નેહ જોઈ રહ્યો. શ્રી અને શ્રીમતી પંડ્યા, માહી અને રમેશ વાતોએ વળગ્યાં. હવે અંજલિને શોમથી દૂર ભાગવાનો કોઈ રસ્તો ન હતો કારણકે તે પણ એ જ મુખ્ય ટેબલ પર બેસવાનો હતો. કાર્યક્રમ શરૂ થયો. જમણ અને ત્યારબાદ માન સન્માનની વાતો એક પછી એક વક્તાઓ કરતાં ગયાં. વિચારોમાં ખોવાયેલ શોમ, કાર્યક્રમનો અગત્યનો ભાગ પૂરો થતાં બોલ્યો,

    “અંજલિ, તું મારી સાથે બહાર આવીશ?” અને તેણે આંખો નમાવી હા ભણી. મીસીસ પંડ્યાની રજા લેતા શોમ બોલ્યો, “આંટી, અંજલિ અને હું નીકળીએ છીએ અને પછી તમારે ઘરે હું તેને મૂકી જઈશ.”

    “ભલે. ખુશ રહો.”

    શોમની કારમાં પોતપોતાનાં વિચારોમાં ખોવાયેલા હતા. સ્વીચ ઓન કરતા કારનું કેસેટ ચાલુ થયું અને “લટ ઊલજી સુલજા જા બાલમ, હાથમે મહેંદી લગી મોરે બાલમ…” પંડિત જસરાજ ગાઈ રહ્યા હતા. અંજલિના ચહેરા પર સ્મિત આવી ગયું. “રાગ બિહાબ. હું ગોઆમાં હતી ત્યારે તેમનો પ્રોગ્રામ સાંભળવા ગયેલી. એક અદ્ભુત અનુભવ! આ રાગ અને તેમની રજૂઆત મને બહુ પસંદ છે.”

    “મારું પણ આ માનીતું છે.” શોમ બોલ્યો. હર્મન પાર્ક પાસે કાર રોકી, હાથમાં ચાવી રમાડતા તેના પ્રસન્ન ચહેરા સામે જોઈ રહ્યો. અંજલિ શરમાઈને બારણું ખોલી બહાર નીકળી ગઈ. સમી સાંજના આછા ઉજાસમાં બહુ દિવસની એકલતાથી આળા થયેલા હૈયાને શીતળ પવન મીઠો લાગ્યો. અંજલિ મનોમન પ્રાર્થના કરી રહી કે, “હે પ્રભુ, આ પળ અનંત બની જાય અને હું શોમના સાથમાં ચાલતી જ રહું.”  ગહેરા વિચારમાં ચાલતાં ચાલતાં શોમ થંભી ગયો અને અંજલિને ખભે હાથ મુકી બોલ્યો, “મને કહે, તું શું વિચારે છે? આ પરાયાપણું મને પાગલ કરી દે છે. આપણે પહેલા હતા એમ જ કેમ ન થઈ શકીએ?” “હું પણ એ ચાહું છું, પણ આપણે આશંકા અને બીજા સંબંધોમાં સંપૂર્ણ સ્પષ્ટ ન થઈએ ત્યાં સુધી મારાથી કોઈ ખાત્રી આપી શકાય નહીં. માયાએ કરેલા કપટને કારણે હું તમારે યોગ્ય નથી તેવું મને લાગ્યા કરે છે.”

    “પણ અમે કોઈ તને જવાબદાર નથી માનતા.”

    “હું જાણું છું, પણ મારા મન પર વળગેલું આ ગીલ્ટનું કોચલું મારે જ ઉતારવાનું છે. જ્યાં સુધી પ્રમાણિકતાનો દીવો દિલમાં ન જલે ત્યાં સુધી પ્રેમનો પ્રકાશ અલ્પજીવી હોય, તે નિશ્ચિત છે.” અંજલિનો અંતરાઆત્મા માનતો નહોતો.

    “તું એકાદ સપ્તાહમાં જતી રહીશ, પછી શું?” શોમ નિરાશ થઈને બોલ્યો.

    “મને ખબર નથી. આવી ડામાડોળ મનઃસ્થિતિમાં કોઈ નિર્ણય લેવો શક્ય નથી.” તટસ્થ ભાવ સાથે બોલાયેલ અંજલિનું વાક્ય, બન્ને માટે આકરું હતું, શોમને માટે પીડાકારી પણ હતું. પંડ્યાસાહેબને ઘેર અંજલિને ઉતારી, અંતિમ વિદાય આપીને શોમ જતો રહ્યો.

    પોતાના રૂમની ગહેરી એકલતામાં અંજલિ શોકાતુર થઈ ગઈ. શોમના સાથનો તલસાટ તેને અકળાવી રહ્યો… શોમનું ભેટ આપેલું પ્રેમ-કાવ્યોનું પુસ્તક લઈ તેણે પોતાના વક્ષઃસ્થળ પર ચાંપ્યુ, અને એક પાનું ખોલ્યું,

    મનના  પતંગાને  સાહિને કોરથી,
    અંતર  આકાંક્ષા  સંકોરી  વિચારે…
    ઓ’ મારા પ્યાર!
    તું હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે,
    જીવન સરિયામ હોત નોખે વળાંકે!

    અંજલિ ગુરુવારની સાંજે જવાની હતી. શોમ ઉદાસ હશે તેમ સમજીને તેના મિત્રો, સ્ટિવ અને આરી તેની ઓફિસમાં આવી ચડ્યા. “ચાલો, આપણે એક ખાસ જગ્યાએ ડિનર લેવા જવાનું છે. ત્યાં પહોંચતા કલાક લાગશે.” શોમને થોડું કામ પતાવવાનું હોવાથી, તેના મિત્રો રાહ જોતા બેઠા. શોમ જવા ઊભો થયો…ને ફોનની ઘંટડી વાગી. “ઓહ, આ લેવો પડશે…” કહી ફોન ઉપાડ્યો.

    “બેટા શોમ, તારી મમ્મી બેહોશ થઈ ગઈ હતી. હમણાં ભાન આવ્યું છે તેથી હું હોસ્પિટલ લઈને આવું છું. તું Emergency entrance પાસે મળજે.” રમેશનો ગભરાયેલો અવાજ તેના મિત્રોએ પણ સાંભળ્યો અને ત્રણે મિત્રો ERની દિશામાં ઉતાવળે પગલે ગયા.

    માહીને તપાસવા માટે ડોક્ટરની ટિમ તૈયાર હતી. શોમે પ્રાથમિક ચિન્હો જોઈ લીધા પછી બહાર આવીને તેના પિતા અને મિત્રો પાસે બેઠો.

    રમેશે કહ્યું, “હું ઘરમાં દાખલ થયો ને માહી બોલી ‘આવી ગયા?’ અને ઢળી પડી. મને ખ્યાલ આવી ગયો કે સ્ટ્રોક કે હાર્ટએટેક નથી. હું એને બોલાવતો રહ્યો અને માનું છું કે, લગભગ ચારેક મિનિટમાં ભાનમાં આવી.” શોમ ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને પછી તરત ઊઠીને એક્ઝામ રૂમમાં ગયો. પછી બહાર આવીને જણાવ્યું કે, “મમ્મીને Brain scan માટે લઈ જશે. તેથી વાર લાગશે.” મિત્રોના આગ્રહથી તેઓ કાફેટેરિયામાં ગયા અને ત્યારબાદ, સ્ટિવ અને આરિ ઘેર ગયા.

    શોમની હાજરીમાં MRI લેવાયો. માહીને વ્હીલચેરમાં બહાર લઈને આવતા શોમના ગમગીન ચહેરા પરથી રમેશને ખરાબ સમાચારના એંધાણ આવી ગયા. “કાર લઈને આવું” કહીને રમેશ
    ગયા. કારમાં થોડા સમયની શાંતિ લાવા રસની જેમ પથરાયેલી હતી. ઘેર આવ્યા પછી શોમે જણાવ્યું કે, “મમ્મીને Meningioma Brain Tumor છે. ટ્યુમરની ગંભીરતા તો બીજા પરિણામો આવશે પછી ખબર પડશે.” શોમ માને વ્હાલથી હિંમત આપતો બોલ્યો, “મોમ! તમે ગભરાતા નહીં. તમારો દીકરો આ વિષયમાં નિષ્ણાત છે. આનો ઉપાય છે જ અને થોડા સમયમાં તમે પાછા સંપૂર્ણ સારા થઈ જશો.”

    શોમને ખભે માથું ઢાળીને માહી ભીની પલકો સાથે હસી. રમેશના ચહેરા પર ચિંતાની રેખાઓ ગહેરી બની ગઈ. રાતના મોડે સુધી રમેશ સાથે વાતચીત કરી શોમે નિર્ણય લીધો હતો કે એલોપથી અને આયુર્વેદિક બંને રીતે સારવાર કરવી.

    વધારાના ટેસ્ટના પરિણામ જાણવા શોમ વહેલી સવારે માહીનાં ડોક્ટરની ઓફિસમાં પહોંચી ગયો. નિરાંતનો શ્વાસ લઈ તેણે ઘરે ફોન કર્યો, “મોમ! ટ્યુમર benign છે, ફેલાયેલું નથી. મેં અહીં સર્જન સાથે વાત કરી છે અને અમે આયુર્વેદિક સારવાર પણ સાથોસાથ કરવાની યોજના કરી છે.”

    “બેટા, બહુ ચિંતા નહીં કરતો…ઈશ્વરઇચ્છા પ્રમાણે થયા કરશે. પંદર મિનિટ પહેલા તારા ડેડી ત્યાં આવવા નીકળી ગયા છે. અને હાં, મોટીમાસી મારી સંભાળ લેવા ડલાસથી આવી રહ્યાં છે. બસ, ફોન મૂકું છું. અલ્લા હાફીસ.”

    “મોમ, તમારી આ… બન્ને તરફના ભગવાન સાથે સારા સંબંધ રાખવાની પદ્ધતિ અજબ છે.” માહી હસી પડી. શોમ મનમાં બોલ્યો, “ઓહ! મમ્મીને ઔષધો વિષે બરાબર સમજાવવા માટે અંજલિની અહીં સખ્ત જરૂરત છે…પણ એ તો અત્યારે ભારત જવાના અડધે રસ્તે હશે.”

    ડોક્ટરની ઓફિસમાં બધા પરિણામો આવી ગયા હતા અને સારવાર વિશે વાત આગળ ચાલી. શોમને થયું કે ‘ડેડી કેમ હજી નથી આવ્યા?’ ત્યાં બારણાં પર ટકોરા વાગ્યા અને, “અમે અંદર આવી શકીએ?” એ અવાજ સાંભળીને શોમ સ્તબ્ધ થઈ ગયો.


    ક્રમશઃ


    સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
  • ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૩

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    ગુલામ મોહમ્મદ (જન્મ: ૧૯૦૩ – અવસાન: ૧૭ માર્ચ ૧૯૬૮) તાલીમથી ઢોલકના વાદક હોવાની સાથે  સાથે તેમની સંગીતની આગવી આંતરસુઝને  કારણે લોકસંગીતનાં ડફ અને મટકા જેવાં તાલવાદ્યોની પણ તેમને સહજ ફાવટ હતી. વળી, નાનપણમાં પિતા સાથે સંગીતના કાર્યક્રમોમાં હાજર રહેવાનો લાભ તેમને મળતો રહ્યો, જેને પણ સંગીતની તેમની સમજને તાલની સાથે સુરાવલીનાં માધુર્યની પાસાં સુધી આપોઆપ વિસ્તારી. ૧૯૨૪માં મુંબઈ આવ્યા પછીનાં આઠ વર્ષોનો તેમનો સંઘર્ષ તેમનામાં સંગીતનાં નૈસર્ગિક હીરને તરાસવામાં ઉપકારક પણ નીવડ્યો. ફિલ્મજગતની નિયતિ અને વરવી વાસ્તવિકતાઓએ ગુલામ મોહમ્મદનાં હીરની સાચી પરખ કરવામાં ભલે કંજૂસી કરી પણ તેમણે રચેલ ૩૭ જેટલી ફિલ્મોનાં સંગીતને સમયની ગર્તામાં સાવ વિલીન કરી દેવામાં કામયાબી તો ન  જ મેળવી.

    આવા બહુમુખી પ્રતિભાશાળી સંગીતકારનાં અંતકાલીન મહિનામાં તેમણે રચેલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ આપણે આ મંચ પર પ્રયોજેલ છે.  તદનુસાર સમયે સમયે તેમણે જ એજે પાર્શ્વગાયકો સ્વરો દ્વારા એ ગીતોને વાચા આપી તેને કેંદ્રમાં રાખીને આપણી આ શ્રેણીની રચના કરેલ છે. અત્યાર સુધી આપણે

    વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં, અને

    વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં

    કેટલાંક ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

    આજે હવે વર્ષ ૧૯૫૩માં રજુ થયેલી તેમની સંગીતબધ્ધ કરેલી પાંચ ફિલ્મો – દિલ-એ-નાદાન, ગૌહર, હજ઼ાર રાતેં, લૈલામજનુ અને રેલકા ડિબ્બા-નાં કેટલાંક ગીતો સાંભળીશું.

    જગજીત કૌર  – ચંદા ગાયે રાગની છમ છમ બરસે ચાંદની, મસ્ત જિયા લહરાયે મોરા મસ્ત જિયા લહરાયે – દિલ -એ – નાદાન (૧૯૫૩)  – ગીતકાર: શકીલ બદાયુની

    આનંદના ભાવનાં આ ગીતમાં જગજીત કૌરના સ્વરને ગુલામ મોહમ્મદે કેટલી આકર્ષક રીતે રજુ કર્યો છે!

    આ ફિલ્મમાં જગજિત કૌરનું એક કરૂણ ભાવનું સૉલો – ખામોશ જિંદગીકો એક અફસાના મિલ ગયા –  પણ છે, જે જગજિત કૌરનાં શ્રેષ્ઠ ગીતો પૈકી એકનું સ્થાન ધરાવે છે.

    સુધા મલ્હોત્રા – ન વો હમારે, ન દિલ હમારા. કહીં ભી અપના નહીં ઠીકાના – દિલ -એ – નાદાન (૧૯૫૩)  – ગીતકાર: શકીલ બદાયુની

    ગુલામ મોહમ્મદે હિંમતભરી પ્રયોગશીલતા દાખવીને સુધા મલ્હોત્રાના સ્વરમાં પણ સ્વતંત્ર સૉલો ગીત મુક્યું છે. ગીતની બાંધણી અને વાદ્યસજ્જામાં પણ તેમણે અલગ જ કેડી કોતરી છે.

    આશા ભોસલે – લીજો બાબુલ હમારા સલામ રે, હમ તો જાતે હૈ સાજન કે ગામ રે – દિલ -એ – નાદાન (૧૯૫૩)  – ગીતકાર: શકીલ બદાયુની

    અહીં ગુલામ ઓહમ્મદે આશા ભોસલેને તેમની કારકિર્દીના સંઘર્ષના સમયમાં તક આપી છે. કન્યા વિદાયની પરંપરાગત ધુનનો પ્રયોગ પણ ગુલામ મોહમ્મદની પ્રયોગશીલતાનો એક વધારે પુરાવો છે.

    તલત  મહમુદ – યે રાત સુહાની  રાત નહીં,  અય ચાંદ સિતારો સો જાઓ – દિલ -એ – નાદાન (૧૯૫૩)  – ગીતકાર: શકીલ બદાયુની

    તલત મહમુદ ઊંચા સપ્તકમાં પણ ગીતની કરૂણા કેટલી અસરકારક રીતે રજુ કરી રહ્યા છે.

    આશા ભોસલે, મોહમ્મદ રફી – હૌલે હૌલે ધીરે ધીરે ….  દિલ મેરા લેકે ચલે – ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    ગુલામ મોહમ્મદની પ્રયોગશીલતાના ખજાનાંમાં અથાગ રત્નો ભર્યાં પડ્યં છે. ગીતની બાંધણીમાં જેટલી નવીનતા છે તેટલું જ માધુર્ય પણ છે.

    શમશાદ બેગમ – સાવન મેં યાદ તેરી આયે જબ પિયા,  હો દેખો જી કાલી ઘટા બરસ બરસ જાયે – ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    શ્રાવણની કાળી ઘટાઓ કવિઓ માટે એક પ્રિય વિષય છે. ગુલામ મોહમ્મમ્દ અહીં શમશાદ બેગમના સ્વરની ખુબીનો પુરેપુરો ઉપયોગ કરીને મૌસમની તાજગીને ઝીલી લે છે.

    સુધા મલ્હોત્રા, શમશાદ બેગમ – સૈંયા તોરે પૈયાં પડું આ જા રે, મેરે મનકી અગન બુજા જા રે – ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    ઢોલકના તાલ પર બે સખીઓ અને તેમનાં મિત્રવૃંદના યૌવન સભર ભાવોને ગુલામ મોહમ્મદ તાદૃશ કરી રહે છે.

    મોહમ્મદ રફી  –  જરા સંભલ કે બેટા જમુરા તુ નાચ મૈં છેડૂં તમુરા – હજ઼ાર રાતેં (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    દેખીતી રીતે તો મદારી વાંદરાનો નાચ કરાવતો હોય ત્યારે જે શૈલીમાં ગીત ગાતો હોય છે તે ધુન પર ગુલામ મોહમ્મદે પસંદગી ઉતારી છે, પરંતુ મોહમ્મદ રફીના સ્વરને અલગ જ મુડમાં રજુ કરેલ છે.

    શમશાદ બેગમ, મોહમ્મદ રફી – રાજા જી રાજા જી તુમ મેરી કહાની ક્યા જાનો, મૈં હું ક્યા તુમ ભલા દિલકી બાતેં પુરાની ક્યા જાનો  – હજ઼ાર રાતેં (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    આમ તો બે પ્રેમીઓ વચ્ચે પ્રેમાલાપનું યુગલ ગીત છે, પરંતુ ગીતની રચનામાં પ્રયોગો કરીને ગુલામ મોહમ્મદ અનોખો  અંદાજ લાવે છે અને સાથે ઢોલકના ઉપયોગને હાર્મોનિયમન ટુકડાઓનો સંગાથ કરીને ગીતને નાવીન્યસભર તાજગી બક્ષે  છે.

    મોહમ્મદ રફી – મિલનેકી હસરતમેં બેતાબી કે સાથ, રહ ગયા ફૈલાકે દો હાથ, ફૂલ દો દિન હંસ કે જી બહલા ગયે ઔર યે ગમસે બીન ખીલે મુરઝા ગયે – લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    બેકગ્રાઉંડમાં ગવાતાં આ ગીતમાં મોહમ્મદ રફીને ગુલામ મોહમ્મદે રફીને હવે અઢી સપ્તકમાં ઉપરનીચે વહેતા સુરના તેમના જાણીતા અંદાજમાં રજુ કરેલ છે.

    લૈલા મજનુમાં મોહમ્મદ રફીના અન્ય બે ગીતો પણ છે. તે જ રીતે આશા ભોસલે તેમ જ શમશાદ બેગમનાં સ્વરોમાં પણ ગીતો છે. આ બધાં ગીતોને પુરતો ન્યાય તો લૈલા મજનુનાં બધાં ગીતોને સાંભળવા લઈએ તો કરી શકાય તેમ છે.

    મોહમ્મદ રફી, ખાન મસ્તાના – બુલબુલમેં હૈ નગમે તેરે ગુલમેં તેરી બુ હૈ, હર સાયે મેં તેરા નુર હૈ હર ચિજ મેં તુ હી તુ હૈ – લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    કવ્વાલી થાટમાં રચાયેલાં આ ગીતમાં આમ તો ક઼ૈસ (મજનુ)ની લૈલાના દિદારની તડપ છે, પણ સુફી રચનાઓમાં જોવા મળતું હોય છે તેમ પરવર દિગારનાં દર્શનની પણ તડપ અનુભવી શકાય છે.

    મોહમ્મદ રફી, તલત મહમૂદ – ભર દે જોલી અલ્લા નામ ભર દે જોલી અલ્લા નામ, સભીકી ખૈર માયી બાબાકી ખૈર તેરે બના દે બીગડે કામ – લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    ભિક્ષુકોની એક ટુકડી ઈશ્વરની ભક્તિના ભાવ સાથે ભિક્ષા માગવા નીકળ્યા છે, મુખડા અને પહેલા અંતરામાં તો મોહમ્મદ રફી અને તલત મહમૂદ બીજા બીજા કલાકારો માટે સ્વર આપે છે, પરંતુ બીજા અંતરામાં (૧.૫૯થી) પરદા પર ભિક્ષુકો સાથે કૈસ પણ દેખાય છે જે હવે ફિલ્મમાં વ્યાપકપણે પ્રયોજાયેલ તેના માટેના તલત મહમુદના સ્વરમાં ખૈરાત વહેંચતી લૈલા (નુતન) પાસે એક જલવાની ખૈરાત માગે છે.

    નૈના (૧૯૫૩)નાં ૪ ગીતો મન્ના ડે એ અને ત્રણ ગીતો ગુલામ મોહમ્મદે સંગીતબધ્ધ કરેલ છે.

    મીના કપૂર – બરબાદીયોંને હોશસે બેગાના કર દિયા, અબ આંસુઓંકો દર્દ કા ફસાના કર દિયા – નૈના (૧૯૫૩) – ગીતકાર: અંજુમ

    દેખીતી રીતે હિંદી ફિલ્મની મસાલા ફોર્મ્યુલા મુજબનું પ્રેમભગ્ન હીરોઇન દ્વારા ગવાતું કરૂણ ભાવનાં ગીતને મીના કપૂરનો સ્વર અને માધુર્યપ્રચુર લય્માં મુખડો કે અંતરાની પહેલી પંક્તિને સાવ ધીમા તાલમાં મુકીને ગુલામ મોહમ્મદે કેટલા બધા પ્રયોગો કરી બતાવ્યા છે.

    ગીતા દત્ત – દિલ ઉનકો દે દિયા….. દિલકા માલિક જાન કે – નૈના (૧૯૫૩) – ગીતકાર: અંજુમ

    ગુલામ મોહમ્મદ પ્રેમના એકરારને પણ ગીતની બાંધણીમાં નવીનતાની સાથે ગીતા દત્તના સ્વરની મદદથી તેમની પ્રયોગશીલતાનું હજુ એક નવું પાસું રજુ કરે છે.

    ૧૯૫૩માં રીલીઝ થયેલી શમ્મી કપૂરની ત્રણેય ફિલ્મો – ઠોકર, લૈલા મજનુ અને રેલ કા ડીબ્બા – ટિકીટબારીની સફળતાના અનુક્રમે ૨૧, ૨૨ અને ૧૯મા ક્રમે ટ્રેનના છેલ્લા ડબ્બાઓ જેવી હાલતમાં હતી.

    શમશાદ બેગમ – છમ છમાછમ પાયલ બાજે, નાચે મોરા મન, ચંદાસે ગવાહી લે લે તુ મેરે સાજન  હો – રેલ કા ડીબ્બા (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    ૧૯૫૩માં ગુલામ મોહમ્મદે મધુબાલા માઅટે શમશાદ બેગમનો સ્વર કેમ પસંદ કર્યો હશે તે જાણવા જેવી ઘટના કહેવાય.

    પર્દા પર ગીતને પુરો ન્યાય કરવા મધુબાલાએ પુરી કોશીશ કરી છે, પણ એકંદરે ગીત ધારી અસર ઉપજાવવામાં ઉણું પડતું અનુભવાય છે.

    મોહમ્મદ રફી, ગાંધારી – દુનિયા જવાન હૈ દિલ મહેરબાન હૈ, ઐસેમેં સજન મિલ જાયે સનમ સનમ મેરી કસમ – રેલ કા ડીબ્બા (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    શેરીમાં પોતાની કરતબ બતાવતાં કળાકારોના ગીતોને અનુરૂપ ગીતની રચના કરાઈ છે.

    શમશાદ બેગમ, મોહમ્મદ રફી  – લા દે મોહે બાલમા આસમની ચુડીયાં જી આસમાની ચુડીયાં – રેલ કા ડીબ્બા (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

    લોક ગીતની ધુનને ગુલામ મોહમ્મદે પોતાની રીતે સજાવીને બે પ્રેમીઓની મજાક મસ્તીનાં અઠખેલીનાં ગીતમાં સજાવી દીધેલ છે

    આજના અંકની સમાપ્તિ કરતાં પહેલાં ૧૯૫૩નાં વર્ષમાં ગુલામ  મોહમ્મદે તલત મહમુદનાં ખુબ જ લોકચાન અમેળવેલ, અને તલત મહમુદનામ સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામે એવાં ગીતોને યાદ કરવાં આવસ્યક બની રહે. એ ગીતો હતાં –

    ઝિંદગી દેનેવાલે સુન, જો ખુશી સે ચોટ ખાયે, મુહોબ્બતકી ધુન બેક઼રારોસે પુછો (જગજિત કૌર અને સુધા મલ્હોત્રા સાથે) (ત્રણેય ગીત ફિલ્મ(દિલ – એ – નાદાન) ચલ દિયા કારવાં લુટ ગયે હમ યહાં, આસમાનવાલે તેરી દુનિયાસે જી ભર ગયા (લત મંગેશકર સાથે) (બન્ને ગીત ‘લૈલા મજનુ’ માટે)

    આટઆટલાં સફળ ગીતો આપવા છતાં આ ફિલ્મો ટિકિટબારી પર પિટાઈ ગઇ અને તેની સાથે ગુલામ મોહમ્મદની કારકિર્દીને પણ પીટતી ગઈ એ નસીબની વક્રતા જ ગણીએ!

    ગુલામ મોહમ્મદની કારકિર્દીના ખજાનાની આપણી ખોજ તો હજુ પણ ચાલુ જ છે…..

  • મહેન્દ્ર શાહનાં ફેબ્રુઆરી ૨૦૨૩નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Creations 022023


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • વનવૃક્ષો : ખાખરો

    ગિજુભાઈ બધેકા

    ખાખરો એટલે પ્રશ્નોરા નાગર ગૃહસ્થોનાં બાળકો સવારે ઊઠીને દૂધમાં બાંધીને કરેલી ટાઢી રોટલી ખાય છે તે નહિ. ખાખરો એટલે ચૂરમું બનાવવા માટે બ્રાહ્મણો ઘઉંના લોટની મોટી જાડી બાટી બનાવે છે તે પણ નહિ. ખાખરો એટલે માર પણ નહિ. પરંતુ ખાખરો એટલે એક જાતનું ઝાડ.

    ખાખરાનું સંસ્કૃત નામ છે પલાશ. ઋષિમુનિઓ આ પલાશ એટલે ખાખરાનાં પાતળાં લાકડાંની સમિધ કરતા. સમિધ એટલે યજ્ઞકુંડમાં હોમવાનાં લાકડાં. હજી પણ યજ્ઞ કરનારાઓ ખાખરાની સમિધ એકઠી કરે છે અને યજ્ઞકુંડમાં હોમે છે.

    બ્રાહ્મણોનાં બાળકોને જનોઈ દે છે ત્યારે ખાખરાની ડાળીનો દંડ કરે છે, ને તે દંડ ઉપર ભિક્ષા બાંધે છે. સંન્યાસીઓ પણ ખાખરાની ડાળીનો દંડ ધારણ કરે છે.

    ખાખરાનું ઝાડ નહિ બહુ ઊંચું, નહિ બહુ નીચું, એવું થાય છે. ઝાડનાં પાંદડાં ગુંદાનાં પાંદડાં જેવાં અને જેવડાં થાય છે. બ્રાહ્મણો ખાખરાનાં અને ગુંદાનાં પાંદડાંનાં પડિયાપતરાવાળાં કરે છે, ને તેમાં લાડુ જમે છે.

    ખાખરાનું ઝાડ રૂપાળું નથી પણ તેનાં ફૂલ બહુ રૂપાળાં છે. ખાખરાનાં ફૂલ એટલે કેસૂડાં.

    જ્યારે ખાખરા ઉપર કેસૂડાં આવે છે ત્યારે ખાખરાની સુરત બદલાઇ જાય છે. કેસરી રંગનાં ફૂલોથી ખાખરો ઢંકાઈ જાય છે. જાણે કેસરી વાઘા સજેલો કોઇ રસિયો ! સૂરજના તડકામાં દૂરથી કેસૂડાં એવાં લોભામણાં લાગે છે કે પાસે ગયા વિના અને લીધા વિના રહેવાય જ નહિ.

    અને કેવાં સુંદર એ ફૂલો ! જોતાં આંખો ધરાય જ નહિ. અને એની કળીઓ ! જામે મખમલની બનેલી ! ફૂલોની ઘેરી લીલી કાળી પાંખડીઓ અને કળીઓ કેસૂડાને બમણો શણગારે છે; કેસરિયા રંગને બમણો દિપાવે છે. એની મખમલ જેવી સુંવાળપ જાણે છેક નાનાં છોકરાંની આંગળીઓ અને હથેળીઓ ! નાનાં છોકરાંઓ તો એના ઉપર હાથ ફેરવી ફેરવીને થાકે જ નહિ. કેસૂડાંને પાણીમાં નાખીએ તો પાણી કેસરી રંગનું થાય. છોકરાંઓ કેસૂડાંના પાણીમાં કપડા રંગી કેસરિયાં કરે છે. હોળીમાં છોકરાંઓ કેસૂડાંનું પાણી એકબીજા પર છાંટીને મજા કરે છે. હોળીટાણે હવેલીઓમાં કેસૂડાંના પાણીની પિચકારીઓ ઉડાડે છે. કેસૂડાંના પાણીથી છેક નાના બાળકોને નવરાવવાથી તેને ગરમી લાગતી નથી. રજપૂતો કેસરિયાં કરતા એટલે કે તેઓ લડવા અને મરવા માટે આખરના નિકળી જતા. તે વખતે તેઓ કેસૂડાંના પાણીથી કપડાં કેસરિયાં કરતા હશે. કેસરી વાઘા સજીને વરરાજા જેવા બનીને તેઓ મેદાને પડતા હશે. કેસરીસિંહ એમ આપણે કહીએ છીએ તેનો અર્થ એવો તો નહિ હોય કે તેનો રંગ કેસરી-કેસૂડાંના પાણી જેવો છે ? કોણ જાણે, જેમ હોય તેમ ખરું. કોઈ કોઈ ઠેકાણે ખાખરાનાં વન હોય છે. જ્યારે એ વનના ખાખરા ઉપર કેસૂડાં બેસે છે ત્યારે વનવગડો કેસરી ફૂલ-બાગ બની રહે છે. વનની સઘળી શોભા ખાખરા ઉપર આવીને વસે છે, એટલું બધું એ રળિયામણું લાગે છે.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • હું મીઠડી ચકલી, મને પાછી લાવોને: વિશ્વ ચકલી દિવસ!

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    ઘર ચકલીને જોઈ ન હોય તેવું બને પણ તેને જોઈને ઓળખે નહિ તેવું ન બને. લગભગ આખા વિશ્વમાં જોવા મળતી ચકલી ઘણા વર્ષોથી દુર્લભ થઇ ગઈ છે. એક સમયે કુટુંબનો ભાગ ગણાતી ચકલીથી માનવી  રિસાઈ ગયો છે અને ચકલીને નામશેષ થવા દેવા જઈ રહ્યો છે.

    *ચકલી/ हिंदी: चिड़िया / संस्कृत: गोरैया મરાઠી: ચીમની/ House Sparrow / Passer domesticus*
    કદ: ૬ ઇંચ – ૧૫ સે.મી, આયુષ્ય: ૬ વર્ષ સુધી, ખોરાક: ૨ થી ૪ ગ્રામ, ઈંડા: ૪ થી ૫, રંગ: માદા: ગ્રે કલર – નર: ચમકીલો ગ્રે અને કથ્થાઈ પટ્ટા, વજન: ૩૦ ગ્રામ સુધી

    ના, તેને નામશેષ ન થવા દેવા માટે ભેખ ધરીને બેઠેલા લોકો ઘણી મહેનત કરી રહયા છે. જયાં પહેલા ચકલી દેખાતી બંધ થઇ ગઈ હતી ત્યાં આજે ચકલી જોવા મળી પણ રહી છે પરંતુ આટલા ઓછા લોકોની સરાહનીય કામગીરીમાંથી શીખી, સાથ આપીને દરેક જગ્યાએ ભૂતકાળની જેમ ચકલીની વસ્તી વધારવી ઘણી અઘરી નથી.

    દરેક માનવી પોતાનું યોગદાન આપે અને જે લોકો કામ કરે છે તેને સાથ આપે તો ચકલીની વસ્તી વધારવી મુશ્કેલ વાત નથી. તેના માટે ધીરજ રાખી નિયમિત રીતે થોડો સમય અને મામૂલી ખર્ચ કરીએ તો હાલ જે ચકલી ઘણી બધી જગ્યાએ જોવા મળતી થઇ છે તે રીતે બધે તે જોવા મળી શકે છે.

    સમાજ દ્વારા સામુહિક રીતે મહેનતની જરૂર છે. બસ માણસની દ્રઢ ઈચ્છાશક્તિ, બીજા જે લોકો ચકલી બચાવો અભિયાનમાં કામ કરે છે તેમને સહકાર આપે, પોતાની આસપાસ શક્ય હોય તેટલા માળા લગાવે, લગાવેલા માળાનું જરૂર પડે તો નાનું – મોટું ધ્યાન રાખે, પોતાના ઘરની આસપાસ દાણા (બાજરી ૫૦%- ચોખા ૨૫% – કાંગ- ૨૫% અને અનુકૂળ હોય તો ૨૫% પૌષ્ટિક કાંગ ઉમેરી ૨૫% બાજરી ૨૫% કરવી) અને પાણી રાખે જેથી નહિવત ખર્ચે પક્ષીઓને પાયાની જરૂરિયાત મળી રહે. જુના પેકિંગના બોક્સમાંથી માળા બનાવી મુકવા જોઈએ. આ ખુબ નાની દેખાતી જાગૃતતા ઘણું મોટું કામ કરી આપશે.

      આપણે દર વર્ષે ૨૦ માર્ચ વિશ્વચકલી દિવસ ઉજવીને ચકલીને યાદ નહિ કરવી પડે.આપણી સવાર સુધારશે.

    માનવી જો આટલું યોગદાન આપે તો ચકલી નામશેષ નહિ થાય તે ખાતરીની વાત છે. આ વિશ્વાસ ચકલીની સંખ્યા વધારવાના આજ સુધીના પ્રયત્નની સફળતાના આધારે આશા જગાડે છે. આવા માનવીય પ્રયાસોમાં જાગ્રૃત બની ક્લાઈમેટ ચેઇન્જના સખતાઈ ભર્યા પ્રશ્નોનો સામનો કરવામાં રૂઝ આપનાર , સુધારનાર પ્રયત્નોમાં પ્રતિભાવશીલ આગવું યોગદાન દરેકે આપવું રહ્યું.

    પરંતુ આજના સમયમાં ચકલી અને બીજા સામાન્ય રીતે માનવીની આસપાસ વસતા પક્ષીઓ માટે માળો ગૂંથવા જગ્યા, માળામાં ભરવા માટે ઘાસ અને તણખણા, બેસવા અને આરામ કરવા માટે તેમજ કુદરતી ખોરાક માટે છોડ અને વૃક્ષ નથી મળતા. અસહ્ય ગરમીમાં પીવાનું પાણી કે ખોરાક માટે દાણા નથી મળતા.

    જે મળે છે તેમાં બગીચા અને ખેતરમાં જંતુનાશક/ પેસ્ટીસાઇડથી મરેલા જીવલેણ જીવડાં, કોંક્રિટના જંગલ જેમાં જીવવું દોહ્યલું થઇ જાય છે. સફાઈ માટે તોડી પડાતા માંડમાંડ  સફળ થયેલા માળાથી કમોત મળે છે. સાથેસાથે ખુલ્લામાં રહેતા પક્ષીઓને અવાજ અને હવાનું પ્રદુષણ ભારે તકલીફ આપે છે.

    માળો બાંધવા કોઈ જગ્યા ન મળતી હોઈ, કોઈપણ ભયજનક જગ્યાએ માળો બનાવી લેવા માટે મજબુર થઇ જાય છે અને ચારરસ્તા વચ્ચે, ભારે ગરમીમાં ટ્રાફિકની સિગ્નલ લાઇટની બખોલમાં માળા જોવા મળે છે. તેવી રીતે હાઇવે ઉપર માથાના ગરમીના રક્ષણ માટે વેચાતી કેપની બખોલમાં ઘાસ – તણખણા ભરી માળા બનાવેલા જોવા મળે છે જે જોઈને મનમાં ગ્લાનિ ઉભી થઇ જાય છે.

    આધુનિક સમયમાં માનવીની પાસે પક્ષી વિશેની સામાન્ય માહિતી પણ નથી હોતી અને માનવી સહઅસ્તિત્વમા જીવતાં બધા જીવ માટે સંવેદનશીલતા ઘુમાવી બેઠો છે.

    વરસોવરસ માનવી વધારે અને વધારે ભૌતિકવાદ તરફ દોડી રહ્યો છે. સર્વત્ર વિકાસની ડોટ લાગેલી છે અને માનવી પ્રકૃતિથી વિમુખ થઇ ગયો છે. આજના સમયમાં સર્વત્ર દુઃખદ પરિસ્થિતિ ઉભી થઇ છે. ભાગદોડ ભર્યા જીવનમાં પોતાને કે કુટુંબ સાથે જીવવા માટે સમય નથી રહેતો તો તેવા સંજોગોમાં માનવીની પોતાની આસપાસના બધા જીવ માટે ક્યાંથી સમય કાઢે કે ધ્યાન આપે.

    પ્રકૃતિની રચનામાં દરેક જીવ પોતાનું એક આગવું સ્થાન અને પોતાની આગવી ભૂમિકા લઈને જન્મેલા છે. વિકાસ સાથે કુદરતની સંપૂર્ણ શૃંખલા ખોરવાઈ ગઈ છે જેના કારણે અનેક પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે.

    ચકલી જેવા જીવ ઈયળ, જીવાત, મચ્છરના ઈંડા વગેરે ખાઈ જાય છે અને હાલના સમયમાં ચકલી જેવા જીવ ન હોવાના કારણે મચ્છર વગેરેના શરીરમાં રહેતા વાયરસ સક્ષમ થઇ બધા માટે અનેક રોગ ઉભા કરી રહયા છે. બાયોડાઇવર્સીટી વિજ્ઞાન કહે છે કે જો તમારી આસપાસ ચકલી ન હોય તો તમે એક તંદુરસ્ત વાતાવરણમાં/ ઈકો સિસ્ટમમાં નથી રહેતા!

    દિવસે દિવસે એક નવો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે. ચકલીની જેવીજ પરિસ્થિતિ બીજા બધા પક્ષીની પણ  થઇ રહી છે અને કબૂતર સિવાય બધા પક્ષીની સંખ્યા ઘટી રહી છે. બીજા પક્ષીઓને પણ આધુનિક સિમેન્ટ કોન્ટ્રિકના જંગલમાં જીવવું દોહ્યલું થઇ ગયું છે. તેમને માળો, માળાના ઘાસ તેમજ તણખણા અને દાણા – પાણી વગેરે પાયાની જરૂરિયાત મળી રહયા નથી  .

    ચકલી માટે લગાવેલા માળામાં બીજા નાના પક્ષી પોતાનો માળો બનાવી રહયા છે. ટપસીયું/ Indian  Silverbill, દૈયડ/ Magpie Robin, બુલબુલ, દેવ ચકલી/ Indian Robin, કાબર/ Myna વગેરે નિયમિત રીતે ચકલી માટે લગાવેલો માળો ઉપયોગમાં લેતા જોવા મળે છે અને તે સંજોગોમાં ચકલીને માટે મુકેલો માળો ચકલીને નથી મળતો અને તો હવે કરવું શું?

    જે લોકો ચકલીની સંખ્યા વધારવા માટે કામ કરી રહયા છે તેઓ બીજા પક્ષીઓ માટે પણ જરૂરી માપના  વધારે માળા મૂકી રહયા છે જે આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે.

    ચકલીને નામશેષ થતી અટકાવવા માટે અને પર્યાવરણના જતન માટે પ્રજામાં સામુહિક ક્લચર વિકસાવવું પડે. પર્યાવરણથી અલિપ્ત રહી જીવન જીવવું શક્ય નથી.

    સભાનાવસ્થામાં સ્વ, સર્વે અને સદાય માટે આજની શિક્ષિત પ્રજાને જાગૃત થવાની જરૂર છે.

     

    *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • કોઈનો લાડકવાયો – (૧૯) – મહારાષ્ટ્રમાં વિદ્રોહ (૧) – ખાનદેશ

    દીપક ધોળકિયા

    મહારાષ્ટ્રમાં ૧૮૫૭ના બળવાનાં મુખ્ય ત્રણ કેન્દ્ર રહ્યાં – સાતારા, કોલ્હાપુર અને ખાનદેશ. ખાનદેશમાં ભીલો અંગ્રેજોની સામે પડ્યા તો સાતારા અને કોલ્હાપુરમાં વિદ્રોહની નેતાગીરી છત્રપતિ શિવાજીના વારસોના હાથમાં હતી. પરંતુ, બીજી ઘણી જગ્યાએ લોકોએ પોતાનો રોષ દેખાડીને અંગ્રેજોને થકવ્યા.

    નાશિક જિલ્લાના પેઠ રાજ્યમાં રાજા ભગવંતરાવ  નીલકંઠરાવે લોકોને વિદ્રોહ માટે એકઠા કર્યા. ૧૮૫૭ની છઠ્ઠી ડિસેમ્બરે કોળીઓએ બજારમાં લૂંટફાટ કરીને ખજાનો લૂંટી લીધો અને જંગલમાં નાસી છૂટ્યા. અંગ્રેજી ફોજ એમની પૂંઠે પડી, એમાં કેટલાયે પકડાઈ ગયા. એમને તરીપાર કરી દીધા અને એમના નેતા પેઠના રાજા ભગવંતરાવને ફાંસી આપવામાં આવી.

    એના પછી તરત ૨૧મી જાન્યુઆરીએ નાશિક શહેર પોતે જ બળવામાં કૂદી પડ્યું. નાંદગાંવના ભીલો સાથે અંગ્રેજી ફોજની ભારે લડાઈ થઈ. કંપનીની ફોજે ભીલો પર હુમલા કરીને કેટલાયને કેદ કર્યા અને કેટલાયને ફાંસી દઈ દીધી.

    એ જ રીતે, ઔરંગાબાદમાં પણ અંગ્રેજી સેના છોડીને ઘણા સિપાઈઓ વિદ્રોહીઓ સાથે જોડાયા. એમાં ઘોડેસવાર દળમાં મુસલમાન સિપાઈઓની ખાનગીમાં ચાલતી પ્રવૃત્તિ અંગ્રેજી ફોજને શંકાસ્પદ લાગી. એમણે બળવો થાય તે પહેલાં જ એમની પકડી લીધા અને તરત ફાંસી આપી દીધી.

    નાગપુરના વિદ્રોહીઓને લખનઉ  અને કાનપુરના વિદ્રોહીઓની મદદ મળી.  ૧૮૫૭ની ૧૩મી જૂન ખુલ્લા બળવા માટે નક્કી કરવામાં આવી. રાતે ૧૨ વાગ્યે મનોરંજન માટેના રંગબેરંગી ફુક્કા ચડાવીને જાહેરાત કરી દેવાઈ. એ સંકેત મળતાં તરત જ સીતાબર્ડીની રેસિડેંસીના સિપાઈઓ હુમલો કરવાના હતા, પરંતુ   કંપનીને આ બાતમી પહેલાં જ મળી ગઈ. એને વિદ્રોહીઓને પકડી લીધા કેટલાયને જનમટીપની સ્જા થઈ અને ઘણાને ફાંસીએ લટકાવી દેવાયા.

    મુધોળમાં બેરડ કોમે વિદ્રોહ કર્યો. ૧૮૫૭માં સરકારે લોકોને પોતાનાં હથિયારો જમા કરાવી દેવાનો આદેશ આપ્યો. સરકારી જાહેરાતમાં એમ પણ કહ્યું કે જેમની પાસે સ્વબચાવ માટે કોઈ હથિયાર હશે તો એનું લાઇસન્સ આપવામાં આવશે. બેરડ કોમ શસ્ત્રો આપવા નહોતી માગતી. કોમના મુખીએ જવાબી હુકમ બહાર પાડ્યો કે હથિયાર જમા કરાવનારને ગદ્દાર માનવામાં આવશે. તે પછી પાંચસો જેટલા બેરડ એકઠા થયા. પણ પોલિટિકલ એજન્ટ સુધી આ ખબર પહોંચી ગઈ. સ્થિતિની તપાસ કરીને સેના પાછી ફરી પરંતુ રાતના અંધારામાં ફોજની ટુકડી રાતે પાછી આવી.  એ વખતે બેરડો ઊંઘતા ઝડપાયા અને એમને તરત પકડીને ફાંસી આપી દેવાઈ.

    ખાનદેશ

    આજે આ નામ નથી રહ્યું પણ મહારાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમે સાતપુડા પર્વતની હારમાળા પાસે આવેલો પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાતો. એનો થોડો ભાગ આજના મધ્યપ્રદેશમાં પણ હતો. બ્રિટિશ શાસન દરમિયાન એના પૂર્વ ખાનદેશ અને પશ્ચિમ ખાનદેશ એવા બે ભાગ પાડવામાં આવ્યા. મુંબઈ દ્વિભાષી રાજ્ય બન્યું ત્યારે પૂર્વ ખાનદેશની જગ્યાએ જળગાંવ જિલ્લો અને પશ્ચિમ ખાનદેશની જગ્યાએ ધૂળે જિલ્લો એમ બે જિલ્લા બનાવાયા. અહીં પર્વતવાસી ભીલોની મુખ્ય વસ્તી હતી.

    આમ તો ૧૮૧૮થી જ ત્યાં વિદ્રોહ જેવી હાલત હતી. ઈસ્ટ ઇંડિયા કંપનીએ જંગલોમાંથી એમને હાંકી કાઢીને જમીનો આંચકી લીધી હતી. ૪૦ વર્ષના સંઘર્ષ પછી આખા દેશમાં ૧૮૫૭માં બળવાની આગ ભભૂકી ઊઠી ત્યારે ભીલો પણ પોતાના અન્યાયનો બદલો લેવા માટે અંગ્રેજો સામે કૂદી પડ્યા. ભીલોએ જુદા જુદા ઠેકાણે હુમલા કર્યા.  જ્યાં હુમલા થયા તે સ્વયંભૂ હતા એટલે કે કેન્દ્રીય નેતા વિના જેમણે અંગ્રેજો સામે બાથ ભીડીને પોતાના પ્રાણોની આહુતિ આપી. આવા પચાસેક નેતાઓ હતા, જેમાંથી અમુક નામ બહુ પ્રખ્યાત થયાં, જેમ કે, ભગોજી નાયક, ભીમા નાયક, ખાજા (કાજી સિંઘ) નાયક, કનૈયા, ચિલ્યા, રામ, સંભાજી, દશરથ વગેરે અનેક નામો મળે છે.

    ૧૮૫૭ના સપ્ટેમ્બરમાં બે ભાઈઓ, ભીમા નાયક અને ખાજા નાયકે બળવાનું એલાન કર્યું અને અંગ્રેજી ફોજને પીછેહઠ કરવાની ફરજ પાડી. ભીમાએ તો પોલીસને સરકારની નોકરી છોડીને વિદ્રોહમાં જોડાવા છડેચોક આહ્વાન કર્યું. એનો પ્રભાવ એટલો બધો વધતો જતો હતો કે એને પકડવા માટે સરકારે મોટું ઇનામ જાહેર કર્યું. ૧૮૫૮ની ૧૧મી ઍપ્રિલે ભીલો અને  અંગ્રેજી ફોજ વચ્ચે અંબપાણી પાસે લોહિયાળ જંગ ખેલાયો. પણ ભીલો પાસે બંદુકો નહોતી. અંગ્રેજોએ બે  બાજુથી એમને ઘેરી લીધા. આમ છતાં ફોજના ૧૬ સિપાઈઓ માર્યા ગયા અને ૪૫ જખમી થયા. જો કે ભીલોએ પણ ભારે ખુવારી વેઠી. અંતે ફોજે એ બધાંને કેદી બનાવ્યાં. ખાજા નાયકના પુત્ર પોલડ સિંઘનું આ લડાઈમાં મૃત્યુ થયું. આમાં ખાજા અને ભીમા નાયકનાં કુટુંબોની સ્ત્રીઓ પણ હતી. બધાં મળીને એમની સાથે ૪૬૦ જેટલી સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. ફોજે એ બધાંને પકડી લીધાં.

    આ વીરાંગનાઓ શત્રુ સામે ઝૂઝતા વીરોને ખોરાક-પાણી અને હથિયારો આપીને મદદ કરતી હતી. અંગ્રેજ સરકારે ભીમા અને ખાજા નાયક અને બીજા ભીલો શરણે આવે તે માટે જેલમાં એમની સ્ત્રીઓ પર સિતમ કર્યા. એમાં ખાજા સિંઘની પુત્રવધૂ અને શહીદ પોલડ સિંઘની પત્નીનું મોત થયું. ખાજા નાયકે આમ છતાં શરણાગતી ન સ્વીકારી. અંતે એના એક સાથીને ફોડીને અંગ્રેજોએ એનો શિરચ્છેદ કરાવ્યો.

    બીજી બાજુ સાતમાળામાં ભગોજી નાયકે વિદ્રોહની આહલેક જગાવી. ભગોજી અને ખાજા નાયક એકબીજાના સંપર્કમાં હતા. એમણે જે સાહસ દેખાડ્યું તેની સભ્ય લોકોના ઇતિહાસમાં નોંધ નથી લેવાઈ.

    સાતારા અને કોલ્હાપુરની વાત હવે પછી.

    ૦૦૦

    સંદર્ભઃ

    ૧. http://ruralsouthasia.org/wp-content/uploads/2021/05/Article_II_-Ojas-Borse_Final.pdf RURAL SOUTH ASIAN STUDIES, Vol. III, No. 3, 2017  Contribution of Bhil Adivasis of Khandesh in the Revolt of 1857  Ojas Borse.

    ૨. https://www.adda247.com/mr/jobs/revolt-of-1857-in-india-and-maharashtra/

    https://cultural.maharashtra.gov.in/english/gazetteer/VOL-I/PAGE_177_194.pdf


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

     

  • ઢોળી દીધેલા દૂધ પર અફસોસની ઉજવણી

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પંચોતેરના આંકડા સાથે વિવિધ બાબતોનો મેળ બેસાડવામાં આવી રહ્યો છે. આ ઉપક્રમમાં વધુ એક બાબતનો સમાવેશ કરવામાં આવ્યો, જેની પ્રસાર માધ્યમોમાં નોંધ પ્રમાણમાં ઓછી લેવાઈ એમ લાગે છે. રામસર સાઈટ તરીકે ઓળખાતા મહત્ત્વના જળપ્લાવિત વિસ્તારોમાં અગિયાર આવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો અને દેશમાં રામસર સાઈટ તરીકે ઓળખાતાં વિસ્તારોનો આંકડો પંચોતેર કરવામાં આવ્યો.

    આ બાબતનું મહત્ત્વ જાણવા માટે પહેલાં જળપ્લાવિત વિસ્તાર અને રામસર સાઈટ વિશે પ્રાથમિક વિગત જાણવી આવશ્યક બની રહે. અંગ્રેજીમાં જેને ‘વેટલેન્‍ડ’ તરીકે ઓળખાવાય છે એવો જળપ્લાવિત વિસ્તાર એટલે પાણીથી સંપૂર્ણપણે ભરાયેલો, પાણીમાં ડૂબેલો હોય એવો વિસ્તાર. રામસર અધિવેશનમાં વ્યાખ્યાયિત થયા મુજબ જેની જમીન કાદવ કે કળણયુક્ત હોય, નીચાણવાળી ભેજવાળી જમીન કે ભેજવાળી જમીનમાં કહોવાયેલી વનસ્પતિ હોય, પાણીથી ભરપૂર હોય, ત્યાં પાણી કુદરતી રીતે એકઠું થતું હોય કે કૃત્રિમ રીતે ભરવામાં આવતું હોય એવા વિસ્તારને જળપ્લાવિત વિસ્તાર કહે છે. આ પાણી સ્થિર હોય કે વહેતું હોય, તાજુ હોય યા ઓછું ખારું કે ખારું પણ હોઈ શકે. તેમજ દરિયાઇ પાણી સહિત નાની ભરતી સમયે તેની ઉંડાઇ છ મીટરથી વધુ ન હોવી જોઇએ. આવા વિસ્તારમાં પાણી વર્ષનો મોટા ભાગનો સમય ભરાયેલું રહેતું હોય છે. આવા વિસ્તાર પર્યાવરણ માટે ખૂબ મહત્ત્વના ગણાય છે, કેમ કે, તેમાં ઉગતી વિશિષ્ટ વનસ્પતિઓ, તેમજ તેની પર અવલંબિત જીવસૃષ્ટિ એક પ્રકારની જૈવપ્રણાલિની રચના કરે છે. ઉપરાંત પૂર નિયંત્રણમાં, પાણીની ગુણવત્તાની સુધારણામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં તે અગત્યની ભૂમિકા ભજવે છે.

    રામસર ઈરાનમાં આવેલું શહેર છે, જેમાં ૧૯૭૧માં એક આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું હતું. પ્રવાસી પક્ષીઓ માટેના જળપ્લાવિત વિસ્તારોને થતા નુકસાનથી ચિંતીત દેશોએ તેમાં ભાગ લીધો હતો. આ અધિવેશનનું ધ્યેય ‘જળપ્લાવિત વિસ્તારોનું સંરક્ષણ અને બુદ્ધિપૂર્વકના ઉપયોગમાં સ્થાનિક લોકોનો સહકાર તેમજ રાષ્ટ્રીય પગલાં તથા આંતરરાષ્ટ્રીય સહકાર, સમગ્ર વિશ્વમાં સાતત્યપૂર્ણ વિકાસની સિદ્ધિને હાંસલ કરવામાં સહયોગ’ હતું. તેમાં જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ અંગેની સંધિ પર ભાગ લીધેલા દેશના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતા. જૈવવૈવિધ્યની જાળવણીમાં મહત્ત્વની ભૂમિકા હોય એવા પ્રદેશોની આ અધિવેશન અંતર્ગત ઓળખ કરવામાં આવી અને તેના વ્યવસ્થાપન અંગેના નિયમ ઘડવામાં આવ્યા. આવાં સ્થળ  ‘રામસર સાઈટ’ તરીકે ઓળખાય છે. ભારત સમગ્ર એશિયામાં સૌથી વધુ સંખ્યામાં જળપ્લાવિત વિસ્તાર ધરાવે છે, પણ તેની જાળવણી અત્યંત જરૂરી બની રહે છે. કહેવાય છે કે વિશ્વભરની પ્રજાતિઓ પૈકીની 40 ટકા પ્રજાતિઓ આ વિસ્તારમાં રહે છે અને ઉછરે છે.

    વેટલેન્‍ડ્સ ઈન્ટરનેશનલના એક અભ્યાસ અનુસાર છેલ્લા ત્રીસ વર્ષમાં દર પાંચમાંથી બે જળપ્લાવિત વિસ્તારે પોતાનું કુદરતી અસ્તિત્ત્વ ગુમાવી દીધું છે. એમાંના 40 ટકા વિસ્તારો જળચરોના જીવનને જાળવવામાં નિષ્ફળ ગયા છે. જળપ્લાવિત વિસ્તાર જોખમગ્રસ્ત હોવાનું કારણ જાણવા લાંબું વિચારવાની જરૂર નથી. સતત વધતું જતું શહેરીકરણ, ઔદ્યોગિક અને તેની સાથે માળખાકીય વિકાસ, ખેતીવાડી અને વધુ પડતી માછીમારી, લોકો દ્વારા કરવામાં આવતું દબાણ, અવૈજ્ઞાનિક ઢબે થતી જાળવણી  ઉપરાંત યોગ્ય દરકાર ન લેવાવાને કારણે આમ થઈ રહ્યું છે.

    એક અંદાજ મુજબ, વન કરતાં ત્રણ ગણી ઝડપે તે લુપ્ત થઈ રહ્યા છે. હવામાન પલટાને કારણે આમ બને છે, એમ એ લુપ્ત થતા રહેવાને કારણે હવામાન પલટો આવે છે. આમ આ આખું એક પ્રકારનું વિષચક્ર છે.

    જળપ્લાવિત વિસ્તારોના આવા નિરાશાજનક માહોલમાં સહેજ રાજીપો અનુભવાય એવી ઘટના 2022ના ડિસેમ્બરમાં બની. નવી મુમ્બઈના ખારઘર વિસ્તારમાં આવેલા એક જળપ્લાવિત વિસ્તારને પર્યાવરણ પ્રેમીઓએ ઉગારી લીધો. આ વિસ્તાર સાતેક હેક્ટર જેટલો હતો. આ વિસ્તારમાં ખટારાના ખટારા ભરીને માટી કે અન્ય કચરો ઠલવાઈ રહ્યો હતો. તેને પગલે પર્યાવરણપ્રેમીઓએ સતર્કતા દાખવી અને નેટકનેક્‍ટ ફાઉન્‍ડેશને પર્યાવરણ મંત્રાલય, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને જાણ કરી. તેને પગલે મુંબઈ વડી અદાલતે વેટલેન્‍ડ્સ કમિટીની નિમણૂક કરી. સામૂહિક પ્રયાસો થકી આખરે આ વિસ્તાર બચી શક્યો. આ ઘટના ઘણી નાની, છતાં સૂચક અને આનંદ પમાડનારી છે. ભલે એ ‘નુકસાનમાં નફો’ ગણાય, પણ અનેકવિધ સરકારી આંટીઘૂંટીને પાર કરીને આખરે કશોક નક્કર નિર્ણય લઈ શકાયો એ મહત્ત્વની બાબત છે. ‘સીડકો’ (સીટી એન્‍ડ ઈન્‍ડસ્ટ્રીઅલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન) દ્વારા નિર્માણાધીન આવાસ યોજના અંતર્ગત તૈયાર થતાં મકાનોના કામ દરમિયાન નીકળતો કાટમાળ આ જમીન પર ઠાલવવામાં આવતો હતો.

    દર વરસે વિશ્વભરમાં બીજી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્‍ડ ડે’ ઉજવવામાં આવે છે. આ દિનવિશેષને ઉજવવામાં આવે છે એનો અર્થ જ એ થયો કે જળપ્લવિત વિસ્તાર અંગે જોઈએ એવી જાગૃતિ નથી. નવી મુંબઈમાં આ દિવસે યોજાયેલી એક સમૂહચર્ચામાં ‘નેટકનેક્ટ’ના સ્થાપક બી.એન.કુમારે એ બાબત ભારપૂર્વક જણાવી હતી કે પૂર્વ પ્રાથમિકથી લઈને છેક અનુસ્નાતક (કેજી થી પી.જી.) સુધીના અભ્યાસક્રમમાં પર્યાવરણનો વિષય ફરજિયાત બનાવવો જોઈએ. કમનસીબે પ્રાથમિક શાળા પછી આ વિષય ભૂલાઈ જાય છે. આમ પણ, આપણા અભ્યાસક્રમોમાંના વિષયોનું મહત્ત્વ પરીક્ષામાં ગુણ લાવવા પૂરતું જ રહી ગયું છે. પર્યાવરણ અંગેનાં જ્ઞાન તેમજ માહિતીને યોગ્ય રીતે આપવામાં આવે અને તેને ભણનારામાં તે સાચી સમજ અને જાગૃતિ કેળવી શકે તો જ એનો અર્થ સરે. સમજણ ઉગે ત્યારથી સવાર માનીને એનો આરંભ કરી દેવા જેવો છે, નહીંતર જાતે કરીને ઢોળેલા દૂધ પર અફસોસ વ્યક્ત કરવા સિવાય બીજું કંઈ કરવાનું બાકી નહીં રહે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૨ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – ભક્તિનાં અખંડ કાવ્યનો આસ્વાદ

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    ગઈ સદીની અંતિમ પચીસીમાં ગુજરાતી સાહિત્યને કેટલાંક વિરલ જીવનચરિત્રો સાંપડ્યાં, જેમાં શ્રી નારાયણ દેસાઈએ પિતા મહાદેવ દેસાઈની શતાબ્દી વેળાએ અર્ધ્ય રૂપે આલેખેલું મહાદેવ દેસાઈનું ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ દ્રષ્ટાંતરૂપ ચરિત્ર સાબિત થયું.

    પ્રસ્તુત ચરિત્રનું આલેખન એના આલેખક નારાયણ દેસાઈ માટે બે રીતે કસોટીરૂપ છે. એક તો, એ પિતાનું ચરિત્ર તેથી તાટસ્થ્ય જાળવવું મુશ્કેલ ને પાછું એ ચરિત્ર મહાત્મા ગાંધીમાં ભળી – ઓગળી ગયેલું ચરિત્ર. મહાદેવના આલેખનમાં ઉપર તરી આવતું વ્યક્તિત્વ તો ગાંધીજીનું જ.આવા બે પડકારોની વચાળે ચરિત્રકારે ભારે નાજુકાઈ ને સાવધાનીથી આ કાર્ય પાર પાડવાની જહેમત ઉઠાવી છે ને એમાં સફળતા પ્રાપ્ત કરી છે.

    માત્ર પચાસ વર્ષ જીવેલા મહાદેવના જીવનના અહીં બે ખંડ પડે છે : ગાંધીજી વિનાનાં પહેલાં પચીસ વર્ષનો પ્રથમ ખંડને ગાંધીજી સાથે ગાળેલાં બીજાં પચીસ વર્ષનો દ્વિતીય ખંડ. પ્રથમ ખંડ પછીથી ગાંધીજીમાં ઓગળનાર મહાદેવ માટે જાણે પૂર્વ તૈયારીનો કાલખંડ છે તો બીજો એ તૈયારીની ક્રમશઃ પ્રગટતી ગયેલી ફલશ્રુતિનો.

    લેખકે કૃતિના પાંચ ખંડ પાડ્યા છે : સ્મૃતિ, પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ ને આકૃતિ. આ પાંચ ખંડમાં મહાદેવ ક્રમશઃ જીવતરના સમર્થ આરોહી સાબિત થતા રહ્યા છે.

    કૃતિનો આરંભ, લેખકે મહાદેવનાં મૃત્યુથી કર્યો છે. મહાદેવના પરિવારને મહાદેવનાં મૃત્યુ અંગે જણાવતો તાર ગાંધીજીએ આ શબ્દોમાં લખાવ્યો છે : ‘મહાદેવનું મરણ તો યોગી અને દેશભક્તનું હતું. એનો શોક ન થાય.’ ૧૯૪૨માં મહાદેવ વિશે ઉચ્ચારાયેલા મહાત્માનાં આ અભિપ્રાયને પાંચ દાયકા પછી મૂલવતાં પુત્ર નહીં, પણ ચરિત્રકાર નારાયણ નોંધે છે : ‘એક યોગીની ચિંતનધારા હતી જે ગાંધીજીના ખોળામાં માથું મૂકીને પોતાની જીવનલીલા સમાપ્ત કરવા ઝંખતી હતી. બીજી દેશભક્તની ચિંતનધારા હતી જે ભારત છોડો આંદોલનમાં ‘કરેંગે યા મરેંગે’ના સૂત્રને ચરિતાર્થ કરવા મથતી હતી. બંને ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૨ના પ્રાતઃકાળે સંગમ અનુભવી રહી.’ યોગી અને દેશભક્ત મહાદેવના ખમીસનાં ખિસ્સામાંથી નીકળી ગીતની એક પ્રત અને બીજા ખિસ્સામાંથી નીકળી ફાઉન્ટેન પેન. લેખક નોંધે છે : ‘જે મહાન યજ્ઞમાં થોડી ક્ષણો પહેલાં જ મહાદેવે જીવનની આહુતિ આપી હતી તેનું મૂળ પ્રેરણાસ્ત્રોત હતી ગીતા અને એ યજ્ઞની જ્વાળાઓ પ્રગટ થઈ હતી સતત મહાદેવનાં વક્ષ:સ્થળ પર વિરાજતી આ કલમ દ્વારા … ગીતા પ્રતીક હતી મહાદેવના ચારિત્ર્યના ઊંડાણની અને કલમ પ્રતીક હતી એના વિસ્તારની.’ આ બે બિંદુ વચ્ચેની યાત્રા એ જ મહાદેવના વિરલ જીવતરનો ચોખ્ખો હિસાબ.

    મહાદેવના જીવનના બે ખંડમાંનો પહેલાં પચીસ વર્ષોનો ખંડ એમનાં ઘડાતાં રહેલાં ચારિત્ર્યનો છે.  ઈશ્વરપ્રીતિના સંસ્કાર મહાદેવના લોહીના લયમાં ભળેલા છે. ગીતાકથિત ‘શ્રીમતાં શુચિતાં ગેહે’ જન્મ થયો એ મહાદેવનું સદભાગ્ય તો ખરું જ, પણ એમના મૂળમાં રહેલી ઈશ્વરશ્રદ્ધા એ જ એમને પછીના જીવનકાળમાં પ્રેર્યા – દોર્યા છે. હાઈસ્કૂલના શિક્ષણકાળમાં અડાજણ ગામના મલિન માહોલમાં એક છોકરોએ મહાદેવને કોઈ છોકરી પાસે લઈ જવાનું ગોઠવ્યું પણ રાત્રે મોડું થવાથી મહાદેવે એની સાથે જવાની ના પાડી દીધી. પછીથી મહાદેવે આ અંગે મિત્ર નરહરિભાઈને કહેલું, ‘આવા ગંદવાડની વચ્ચે રહીને શુદ્ધ રહેવા પામ્યો તે મારો દહાડો પાધરો અને ઈશ્વરની મારી ઉપર મોટી મહેર તેથી જ.’ (પૃ.૩૧) મહાદેવના મૂળમાં રહેલી આ ઈશ્વરશ્રદ્ધા પછીથી ગાંધીશ્રદ્ધામાં વિલીન થતી રહીને એ રીતે એમની આસ્તિકતાને ચોક્કસ ઘાટ આપતી રહી.

    જીવનના પ્રારંભિક વળાંકોમાં મહાદેવની પ્રતિભા ઓળખાતી – પરખાતી રહી. દુર્ગાબહેન સાથે લગ્ન, દેશસેવામાં જોડાવાની લગન; એલ.એલ.બી,ની ઉપાધિ મેળવીને ૧૯૧૭માં ગાંધીજી સાથે પ્રત્યક્ષ રીતે કામગીરીમાં જોડાઈને મહાદેવ કાર્યપસંદગી માટે પ્રયત્નશીલ બનતા રહ્યા. આ ગાળાના મહાદેવ માટેનું ચરિત્રકારનું સૂક્ષ્મ અવલોકન સ્વાભાવિક રીતે જ માત્ર પુત્રનું નથી : ‘તે દરમિયાન એમણે જે ઠેકઠેકાણે કામો લીધાં, તેને આપણે થોડાં વિગતવાર જોઈશું તો આપણને દેખાઈ આવશે કે એ કામોની પસંદગી અને ફેરબદલીઓ અને છેવટે ધ્યેયની વરણી પાછળ અર્થપ્રાપ્તિ કે કીર્તિનો વિચાર એ ગૌણ હતો. અને પિતૃસેવા, પોતાની અભિવ્યક્તિ, આંતરિક વિકાસની ઝંખના અને આધ્યાત્મિક માર્ગની શોધ એ મુખ્ય પ્રેરક તત્ત્વો હતાં. પાછળથી બરાબર અડધું જીવન જે યજ્ઞમાં તેઓ આહુતિ આપવાના હતા તેનો યજ્ઞમંડપ રચવા, અને તેની વેદીને લીંપીગૂંપીને પ્રસ્તુત કરવાનાં આ ચાર વર્ષ હતાં.’(પૃ.૪૨-૪૩)

    ૧૯૧૫ની નવમી જાન્યુઆરીએ ભારત આવી પહોંચેલા ગાંધીજી પ્રત્યે ગોખલેજીના અભિપ્રાયથી આકર્ષાયેલા મહાદેવ અને નરહરિએ ગાંધીજીની આશ્રમવિશેની નિયમાવલિ વાંચીને લાંબો પત્ર લખ્યો તે પછીથી એમને મળ્યાને તરત મહાદેવે નરહરિને કહેલું : ‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’ આ હતી મહાદેવની પહેલી દીક્ષા. મહાદેવને જોતાંવેંત ગાંધીજીને એમનામાં જે દેખાયું તે એમની પ્રમાણિકતા, વફાદારી અને હોશિયારી. જેનાથી જિતાઈને ગાંધીજીએ મહાદેવને પોતામાં ભેળવવા લગભગ પ્રેમાક્રમણ જ કર્યું.

    આ દિવસોમાં મૂંઝવણ અનુભવતા મહાદેવ વિશે લેખક નોંધે છે તેમ, મહાદેવ જીવનથી નિરાશ થઈ ગયા હતા તેનું કારણ હતું તેમનો લાગણીશીલ સ્વભાવ. જેને પછીથી ગાંધીજીના ટાંકણાથી યોગ્ય ધાર મળતો રહ્યો ને મહાદેવને સ્વસ્થ મનુષ્ય બનવા ભણી દોરતો રહ્યો. ગાંધીજી સાથે ૧૯૧૭ના નવેમ્બર માસમાં જીવનનું અર્ધવર્તુળ પૂરું કરનાર મહાદેવ જોડાયા આવા એક સંકલ્પથી : ‘મારી મનોકામના તો હનુમાન જેવાને આદર્શ રાખી તેની સ્વાર્પણસેવા પોતામાં ઉતારવી અને કેવળ સેવાભક્તિથી તરી જવું.’ની.(પૃ.૬૭)

    બ્રહ્મચર્યાશ્રમ પૂર્ણ કરીને ગૃહસ્થ થયેલા મહાદેવ ભલે ક્રમશઃ મહાત્મામાં ઓગળતા રહ્યા પણ એમનો સ્વામીપ્રેમ એમની પિતૃભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ, મિત્રપ્રેમને ક્યાંય નડ્યો જણાતો નથી. મહાદેવે સંબંધમાત્રનું ઊચિત મૂલ્ય ને ગૌરવ કર્યું છે. ગાંધીજી પાસે જતી વેળા આરંભે પિતા દુભાયા છે ત્યારે મહાદેવ મન મારીને ઘેર બેસી રહેવા તૈયાર છે પણ પિતાની રજા વિના ઉપાસ્ય દેવ ભણી ધસી જવાની ઉતાવળ કરતા નથી. પુત્રવત્સલ પિતાની આજ્ઞા પછી જ મહાદેવે સ્વામી ભણી ડગ માંડ્યાં છે.

    મહાદેવની પિતૃભક્તિને પ્રમાણતા ગાંધીજીએ મહાદેવના પિતા હરિભાઈને પોતાને થયેલી મહાદેવની પ્રાપ્તિનો આનંદ પત્ર દ્વારા વ્યક્ત કર્યો છે ને થોડા દિવસ પછી હરિભાઈ રેલવે સ્ટેશન પર ગાંધીજી ને મહાદેવને મળ્યા છે એ ક્ષણનું દાદા હરિભાઈની મનોદશાને પરકાયાપ્રવેશની અદ્રશ્ય શક્તિથી પ્રમાણી શકેલા લેખકે ચિત્રાત્મક અને ભાવાત્મક અભિવ્યક્તિની મદદથી સહૃદયને ભીંજવી દેતું વર્ણન કરતાં નોધ્યું છે : ‘..રેલગાડીના ડબ્બામાં બે વાક્યો પૂરતો આ વાર્તાલાપ અને દીકરાની માનસરોવરના સહસ્રદલ કમલ જેવી શોભતી મુખાકૃતિનાં દર્શન અને વાંકા વળીને પગે લાગતાં એની પીઠનો સ્પર્શ હરિભાઈ સારુ અનેક દિવસો સુધી વાગોળવાનો વિષય બની રહ્યો હશે !’ (પૃ.૯૦,૯૧)

    અર્ધું જીવન ગાંધીને ચરણે બેસીને જીવતર સાર્થક કરનાર મહાદેવના હૃદયનો એક તંતુ આજીવન પિતા સાથે જોડાયેલો રહ્યોને પિતાને છોડવાનું દુઃખ એક કસક બનીને તેમનામાં શ્વસતું રહ્યું. પિતાનાં મૃત્યુ વેળા નરહરિભાઈને તેમણે લખ્યું : ‘ મને એમ જ થયા કરે છે કે ‘દેશસેવા’ના વિચિત્ર ખ્યાલને લીધે એમના આખરના કાળમાં એમની સાથે રહી એમની આંતરડી ઠારવી જોઈએ, એ મારાથી ન થયું.  આ પશ્ચાતાપ એક કાયમનો જખમ મારી જિંદગીમાં રહી જશે.’ (પૃ.૩૧૬) તો જવાહરલાલ નહેરુને પણ આ જ મતલબનો લાંબો પત્ર તેમણે પાઠવ્યો. જેના જવાહરે આપેલા ઉત્તરમાં મહાદેવને આશ્વાસન આપવાની સાથે એના ઔદાત્યનું ભારે ગૌરવ થયું છે : ‘તમારા પિતાની પાસેથી તમે સેવાનો જે પાઠ શીખ્યા તે તમે બહારની દુનિયામાં લાવ્યા છો અને તમારા અંગત ઉદાહરણ દ્વારા તમે નિઃશંક અનેક લોકો પર અસર પાડી છે. તમારા પિતા એ સામે વાંધો ઉઠાવે અથવા દેશની સેવાના તમારા વ્યાપક ક્ષેત્રને બદલે તેઓ તમારા માટે કુટુંબનું સંકુચિત ક્ષેત્ર વધારે પસંદ કરે એમ બને જ નહીં.’ (પૃ.૩૧૭) ગાંધીમાં ઓગળેલા મહાદેવે એ કાળના ભલભલા મહાનુભાવો પર એવી છાપ છોડી છે એનાં અનેક દ્રષ્ટાંતોમાંનું આ એક છે.

    પત્ની દુર્ગા ને પુત્ર નારાયણને પણ મહાદેવે પોતાના પ્રેમથી ભીંજવી દીધાનાં અનેક ઉદાહરણો કૃતિનાં પૃષ્ઠોમાં આલેખાયાં છે. આવા મુલાયમ મહાદેવની ગાંધીભક્તિ હનુમાનના આદર્શમાં રસાતી જરૂર રહી છે પણ મહાદેવના આરાધ્ય દેવની ઉપાસના કેટલી કઠિન રહી છે એની ગાથા તો શીર્ષકથી માંડીને કૃતિનાં પાને પાને વેરાયેલી છે.

    મહાદેવને પહેલી જ નજરે નખશિખ પારખી ગયેલા ગાંધીજીએ મહાદેવની એમની પાસે ગાળેલા કાલખંડ દરમ્યાન વધારે મનોમન ને ક્યારેક દેખીતી રીતે કોઈનેય ઈર્ષા ઉપજાવે એવી કદર કરી છે. દીનબધું એન્ડ્રુઝને ગાંધીજી કહે છે ‘એ આશ્રમથી ધન્ય થવા નહીં પણ આશ્રમને ધન્ય કરવા આવ્યા છે.’ (પૃ.૧૨૬) ગાંધીજીએ મહાદેવમાં નિહાળી પ્રસંગ પડ્યે શૂન્યવત થઈ જવાની વિરલ ક્ષમતા. જે ક્ષમતાએ કરીને તો પોતાથી તદ્દન ભિન્ન પ્રકૃતિના મહાત્મા જેવા આરાધ્યને તેઓ ઉપાસી શક્યા. મહાદેવને ગાંધીભણી મોકલતા પિતાને ‘મહાદેવ ફૂલ જેવો કોમળ છે અને ગાંધીજી સાથે કામ કરનારાને તો આકરું જીવન જીવવું પડે, એ એનાથી શી રીતે ખમાશે?’ એવો ઊઠેલો પ્રશ્ન યથાર્થ હતો. પણ મહાદેવ એ ખમી શક્યા એમનામાં રહેલી આ શક્તિથી ગાંધીભક્તિનાં શસ્ત્રથી.

    પિતા મહાદેવની ગાંધીપ્રીતિને પ્રમાણતા, તેની અદબ કરતા ચરિત્રકારે એટલી જ નિર્ભયતાથી મહાદેવની ગાંધીભક્તિથી પોતાના કુટુંબજીવનમાં આવેલા વાળાઢાળાય સ્વસ્થતાથી આલેખી જાણ્યા છે. મહાદેવનાં પત્ની દુર્ગાને મહાદેવ પાસે સાબરમાટી આશ્રમમાં આવવાની માંડ રજા મળી છે ત્યારે દુર્ગાબહેને ગાંધીજીને લખેલા પત્રમાં સંયમિત રીતે ઠાલવેલો આક્રોશ એનું દ્રષ્ટાંત છે.

    ગાંધીજી સાથેના વસવાટ દરમ્યાન કોમળ પ્રકૃતિના મહાદેવની અનેક કસોટીઓ થતી રહી છે, જેમાં કંચનની જેમ મહાદેવ શુદ્ધ થઈને નીકળતા રહ્યા છે. આ કસોટીઓમાં સૌથી મોટી કસોટી ઓરિસ્સાના ડલાંગ ગામે ભરાયેલા સંમેલન પ્રસંગની છે, જે ઘટનાના પ્રકરણને લેખકે ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ શીર્ષક આપીને મહાદેવનું કદાચ અંતિમ મૂલ્યાંકન કર્યું છે. આ સંમેલન જગન્નાથ પુરીની નિકટનાં સ્થળે હોવાથી એમાં કસ્તૂરબા, દુર્ગાબહેન પણ હોંશેહોશે જોડાયાં છે – પુરી મંદિરનાં દર્શનના હેતુથી. બીજી બાજુ એ મંદિર માં હરિજનોનો પ્રવેશ નિષેધ હોવાથી ગાંધીજી આ જગન્નાથને પોતાનો નાથ માનવાનો ઇન્કાર કરી દે છે. આ પ્રસંગે પત્ની દુર્ગાને પુરી દર્શનની થયેલી ઈચ્છા જોઈને મહાદેવ નોંધે છે : ‘અસ્પૃશ્યતાને એણે કદી સંઘરી નથી, હરિજનોની યથાશક્તિ સેવા કરે છે, દસ વર્ષ થયાં હરિજનેને ઘરમાં પ્રવેશ કરાવ્યો છે. હવે મંદિરપ્રવેશમાં એને શ્રદ્ધા હોય તો એને હું કેમ હલાવું ? એ પણ મારી વૃત્તિ હતી..’(પૃ.૬૭૪)

    મહાદેવે પત્નીને મંદિરમાં જવા દીધાનાં વલણથી અકળાયેલા ગાંધીજીએ સંઘ સમક્ષ ઠાલવેલી વેદનાથી અકળાઈ ઊઠેલા મહાદેવને લાગ્યું કે ગાંધીજી પાસે મારું સ્થાન નથી. ને એ મતલબની ચિઠ્ઠી તેમણે મહાત્માને લખી ત્યારે અનાસક્ત ગાંધીજી પણ ક્ષણેક હલી ઊઠીને કહી બેઠા : ‘હજારો ભૂલો સહન કરીશ પણ મારાથી તમારો ત્યાગ થનાર નથી.’ (પૃ.૬૭૭) ને પછી જણાવે છે તેમ, મહાદેવનાં કવિત્વમાં તેમને કાયરતા જણાઈ છે. મહાદેવ જો ગાંધીજીનો ત્યાગ કરે તો પ્યારેલાલ ને સુશીલા નૈય્યર પણ ન જ રહે. આ બધું વિચારતાં આક્રમક શૈલીમાં ગાંધીજી જણાવે છે : ‘તમે વાચન ઓછું કરો, વિચાર વિશેષ કરો..’(પૃ.૬૭૮)

    ગાંધીજીથી છૂટા પડવા અંગે મહાદેવે પત્ની દુર્ગાને નાનકડા પુત્ર નારાયણ સાથેય ચર્ચા કરી, પણ એ બંનેનો તેમને ટેકો ન મળ્યો એમાં ગાંધીજીના પ્રેમનો વિજય પણ હશે ને પતિ ને પિતામાં ગાંધીભક્તિની જ્યોતને ઝળહળતી રાખવાની ચિંતા પણ.

    પછીથી સ્વસ્થ થયેલા મહાદેવે નોંધ્યું : ‘આ મારી તે કાળની લાગણી છે …. તંદ્રારહિત રહીને પચાસ પચાસ વર્ષો થયાં ધર્માચરણ કરનાર ધર્મ વધારે સમજે કે રાગદ્વેષથી ભરેલો હું ધર્મ સમજું?..’ (પૃ.૬૭૮) સાંપ્રતકાળના મહાત્મા પર પુરાણકાળનો અંશ લઈને જન્મેલા શિષ્યનો કદાચ આ અંતિમ વિજય હતો. આથી જ આ ચરિત્ર લખતીવેળા પિતાની જેમ જ સ્વસ્થ બનેલા નારાયણ ભાઈ નોંધે છે : ‘કાકાના સ્વર્ગવાસ પછી શ્રી મેઘાણીએ એમને વિશે જે લેખ લખ્યો હતો એનું મથાળું આપ્યું હતું : ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’. આ મથાળું આ પ્રસંગે શબ્દશઃ સિદ્ધ થયું હતું.’ (પૃ.૬૭૯) પ્રસ્તુત ચરિત્રનો સમગ્ર સાર આ પ્રકારે ઘટેલી આ ઘટનામાં સમાયેલો સહૃદય પણ નિહાળી શકે છે.

    ગાંધીજી પાસે આવેલા મહાદેવે પોતાના પૂર્વાશ્રમમાં કેટકેટલું અર્જિત કર્યું ? સાહિત્યપ્રીતિ, અનુવાદકલા, પત્રકારિત્વની અનન્ય હેસિયત ને બીજું કંઈ કેટલુંય. મહાદેવને આ શક્તિઓથી ઓળખનારાઓનો પ્રશ્ન એક જ હતો – મહાદેવ જો ગાંધીજીમાં ભળ્યા ન હોત તો એમની પ્રતિભા જુદી જ હોત. ક્ષણેક માનવા જેવી લાગતી આ વાતને આભાસી ઠેરવતાં લેખક નોંધે છે : ‘ગાંધીજી સાથે મહાદેવ જોડાયા ન હોત તો તેઓ સારા સાહિત્યકાર, સારા ભાષાંતરકાર, વકીલ થયા હોત.. પણ વિવેકપુરુષ કિશોરલાલ મશરૂવાળાએ જેમને ‘સર્વ શુભોપમાયોગ્ય’ કહ્યા, વેરિયર એલ્વિને ગાંધીરૂપી સોક્રેટિસના પ્લેટો કહ્યા, રાજાજી જેવાએ ગાંધીજીના ‘હૃદયમ દ્વિતીયમ’ કહ્યા…એ ગાંધીજી સાથે ન જોડાયા હોત તો મહાદેવભાઈ ક્યાંથી થયા હોત ?… તેમનો અહમ ઓગળ્યો અને અસ્મિતા અનંતગણી વધી ગઈ’… ને એ ય સાચું કે મહાદેવના શૂન્યવત થવાથી ગાંધીજીની કિંમત દસ ગણી વધી ગઈ…’(પૃ.૭૦૮)

    ગાંધીજીને પચીસ પચીસ વર્ષ સુધી સેવતાં સેવતાં મહાદેવભાઈએ શું ન કર્યું? ‘નવજીવન’ના તંત્રી રહ્યા, અનેક પ્રવાસો ખેડ્યા, અનેક લોકોનો સંપર્ક કર્યો, વધાર્યો ને સાચવ્યો, અનેકના હૃદયમાં સ્થાન મેળવ્યું ને એ બધાથી ઉપર ગાંધીજીની એક એક ક્ષણને સાચવતી અમૂલ્ય ડાયરીઓ આપી. ગાંધીની એક વાત પણ મહાદેવની છાની ન રહી એ અર્થમાં ગાંધીના એ અંતર્યામિય પ્રમાણિત થયા. ગાંધીજી માટે સમર્પિત થયેલા અનેક લોકોએ તેમની ઈર્ષા ન કરતાં તેમની ભક્તિ કરી.

    ગાંધીને મહાદેવના ગુરુ –શિષ્યના યુગલને ડૉ. જોનસન અને બોઝવેલ, જર્મન કવિ ગટે અને એકરમેન,  રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના યુગલો સાથે મૂકતાં- એ સૌ કરતાં ભિન્ન જોડકું ઘટાવીને નારાયણ ભાઈ નોંધે છે : ‘…બે ભિન્ન પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓનાં વ્યક્તિત્વ એક જીવ, બે ખોળિયાં થઈને રહે. સહેલાઈથી અદલાબદલી કરી શકાય એવું ભાષાસામ્ય હોય, સ્વતંત્ર પ્રતિભા છતાં એકનું વ્યક્તિત્વ બીજામાં વિલીન થઈ ગયું હોય, વિલીન થયેલું વ્યક્તિત્વ હોવા છતાં આગવી પ્રતિભા જરાય ઝાંખી ન પડી હોય એઈ જોડીનું ઉદાહરણ આ લેખકની જાણમાં મોહન- મહાદેવની જોડીનું એક અને અદ્વિતીય જ છે.’ (પૃ.૭૦૯)

    મહાદેવે જીવનમાં બે ઈચ્છા કરી : ગેરસપ્પાનો ધોધ જોવાની ને રમણ આશ્રમમાં રહેવાની. પણ એની પૂર્તિ થવાની આગલી ક્ષણે જ એ ઈચ્છામાંથી તેઓ મુક્ત થયા – ગાંધીજીને જ ગેરસપ્પાનો ધોધ ગણીને ‘મારે તો એક જ સ્વામી બસ છે’ એવો નિશ્વય કરીને.

    લેખકનું નિરીક્ષણ એ છે કે મહાદેવે તો બાપુનો પ્રભાવ શિવ થઈને પોતાની જટામાં ધાર્યો પણ બાપુ પર મહાદેવનો પ્રભાવ પડ્યો ખરો ? લેખક નોંધે છે : ‘બર્લિનના શ્રી ક્રિશ્ચિયાન બાર્તોલ્ફે એક મુલાકાતમાં આ લેખકને ભારપૂર્વક જણાવ્યું છે કે, મહાદેવનાં સંપર્કમાં આવ્યા પછી ગાંધીની ભાષામાં કોમળતાની સાથોસાથ ચોકસાઈ આવી છે.’ મહાદેવ હતા ત્યારે બાપુ કહેતા કે ‘મહાદેવે આશ્રમનું ગૌરવ વધાર્યું છે.’ અને એમના ગયા પછી કહેતા કે , ‘એમની ખોટ છ છ જણથી પુરાતી નથી.’ (પૃ.૬૯૪)

    ચરિત્રકાર નારાયણને આનંદછે પિતાની ગાંધીભક્તિની ફળશ્રુતિ પિતાને સાંપડેલાં ઈચ્છામૃત્યુની પ્રાપ્તિનો. મહાદેવે સતત પ્રાર્થ્યું છે બાપુ પહેલાંનું પોતાનું મૃત્યુ. ને મહાદેવને શ્રદ્ધા છે તેમ એની પ્રાર્થના કદી તરછોડાઈ નથી. મહાદેવને મુખે આ વાત સાંભળનારાઓએ જોયું મહાદેવનું ભીષ્મ સમું વિરલ ઇચ્છામૃત્યુ. ભીષ્મને એ સાંપડ્યું એમની અવિચળ પિતૃભક્તિની ફલશ્રુતિએ તો મહાદેવને ગાંધીભક્તિની.

    મહાદેવનું મૃત્યુતેના સમગ્ર જીવનનો હિસાબ પુરવાર થયું – કબીરની જેમ સ્વચ્છ ચાદર ઓઢીને ને તેને સ્વચ્છતર બનાવીને પ્રભુને સોંપીને. આથી જ તેમને અંતિમ અંજલિ આપતાં મશરૂવાળાએ લખ્યું : ‘ગાંધીજીના અવેજી બનવામાં એમના અવિકારનો કોણ ઇન્કાર કરી શકે એમ છે ? જીવતા હતા ત્યારે તો એમણે બધી વાર એમનું પ્રતિનિધિત્વ કર્યું હતું ને મૃત્યુમાં એમના વતી ભાગ ભજવાતો હક તેઓ ખરેખર કમાયા હતા.’ (પૃ.૭૨૧)

    અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબએ ગુલાબની અગ્નિમાં સમર્પિત થવાનીને અગ્નિનાં તેજને સુગંધ સાંપડ્યાની વિરલ કથા છે. જે છે તો એક સદભાગી પુત્રે પોતાની સાક્ષીમાં પિતાએ આપેલી જાતની આહુતિની કથા, પણ એમાં પિતા –પુત્ર બંને ઓગળ્યા છે, દેશભક્તિમાં, સ્વાતંત્ર્યની ગાથાના એ દેશકાળમાં ને એ દેશકાળને ઘાટ આપનાર મહાત્મા ગાંધીમાં. તે થી જ આ ચરિત્રગાથા માત્ર એક વ્યક્તિની કથા ન બનતાં ઐતિહાસિક કૃતિય બની છે.


     સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.