સ્વ-વિકાસ : વિચાર વલોણું

તન્મય વોરા

જ્યારે કોઈ સંસ્થાના કે ટીમના ભાગ રૂપે કામ કરતાં હોઇએ છીએ ત્યારે, કંપની માટે, ટીમના સંચાલક માટે કે કોઈ ગ્રાહક માટે, એટલે કે કોઈ ‘બીજાં માટે કામ કરી રહ્યાં છીએ’ એવું લાગી શકે.

પરંતુ એ જ કામ આપણે આપણા માટે જ કરી રહ્યાં છીએ એમ લાગે તો બહુ મોટો ફરક પડી જાય છે.

આપણું કામ આપણી ઓળખનું પ્રતિબિંબ છે. કળાકાર તેની કળા મારફત, લેખક તેની લેખની મારફત કે ટીમ અગ્રણી તેની નેતૃત્વ શૈલી મારફત પોતાની ઓળખ ઊભી કરે છે. આપણાં કામમાં આપણાં વ્યક્તિત્વની ઝલક છલકતી રહે છે. આપણું કામ આપણાં વ્યક્તિત્વનું અનોખું નિરૂપણ છે.

‘આ કામ મારું છે’ એ વિધાન એ કામ સાથે આપણી જાતને વણી લે છે. અને જ્યારે આપણું વ્યક્તિત્વ આપણાં કામમાં વણાઈ જાય ત્યારે જ તે પોતાની ઉત્કૃષ્ટતા નીખરી  શકે છે. ગમે તેટલી નિષ્ઠાથી કરાતું હોય, પણ બીજાં માટે છે એ અનુભૂતિમાં કામ કરવાની ફરજ પુરી કરવાનો, ઊંડે ઊંડે પણ, ભાવ રહે છે. ફરજ છે એટલે તેને પુરી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી કરવું એ પણ તમારાં વ્યક્તિત્વનાં જ એક પાસાંની ઓળખ જરૂર છે,પણ લાંબે ગાળે તે કામમાંથી રસ ઊડતો જાય એવી ભીતિ રહેલ છે.

એ જ કામ ‘મારું’ છે તેવી ભાવના ગમે તેવાં વિપરીત સંજોગોમાં પણ આપણી અંતરની શક્તિઓની સરવાણીને સુકી નથી પડવા દેતી.

તમારાં કામને ‘સરેરાશથી વધારે’ કે ‘ઉત્કૃષ્ટ’ની ઓળખ આપવી તે આપણાં મનની વાત છે. ‘કામ મારું છે’ એ ભાવના આપણને જ નવી ઉર્જા નથી આપતું પણ આપણી આસપાસનાં વાતાવરણને પણ ઉર્જામય કરી શકવાની તાકાત ધરાવે છે.

એટલે હવે જ્યારે કોઈ પણ કામ કરવાનું આવે ત્યારે એ કામ ‘મારું’ છે તેવી સ્પષ્ટ ભાવનાથી કરી જોજો, કંઈ અનોખી જ મજા આવશે !


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.