ફિર દેખો યારોં

બીરેન કોઠારી

કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણતૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.

કવિ દલપતરામની આ કવિતા ગુજરાતી માધ્યમમાં રહી ચૂક્યા હશે એવા સહુ કોઈને યાદ હશે. તેમાં કરોળિયાના હિંમત, ખંત, ધીરજ અને પ્રયત્નશીલતા જેવા ગુણોને બીરદાવીને કહેવાયું છે કે મનુષ્ય પણ કરોળિયા પાસેથી આ ગુણો શીખે તો તેને માટે લાભદાયી નીવડે છે.

કરોળિયાના જાળાની રચના, તેની મજબૂતાઈ અને કળાત્મકતા વિશે પણ ઘણું કહેવાયું છે. પશ્ચિમમાં તો કરોળિયા જેવાં લક્ષણો ધરાવતા ‘સ્પાઈડરમેન’નું પાત્ર સર્જાયું છે, જેણે વિશ્વવ્યાપી લોકપ્રિયતા મેળવી છે એમ કહી શકાય. ‘વર્લ્ડ વાઈડ વેબ’ની મૂળભૂત વિભાવના કરોળિયાના જાળા પર આધારિત છે. આનો અર્થ એવો હરગીજ નથી કે મનુષ્યને કરોળિયો બહુ ગમે છે. કરોળિયાનું જાળું કાર્ટૂનકળામાં સ્થગિતતાના પ્રતીક તરીકે વપરાય છે. ચાહે પૂર્વ હોય કે પશ્ચિમ, ઘરના કોઈક ખૂણે કરોળિયાનું જાળું નજરે પડે એ સાથે જ તેને હટાવવાનો ઉદ્યમ આરંભી દેવાય છે. એટલે કે કરોળિયો, એનું જાળું અને એનાં ગુણો કવિતા પૂરતા સારા. વાસ્તવ જીવનમાં એનો કશો ખપ નથી એમ માનવું. એમાંય દિવાળી પહેલાંના દિવસો એટલે રીતસર કરોળિયાનાં જાળાં સાફ કરવાનો કાર્યક્રમ.

તસવીર સાંદર્ભિક છે –
સ્રોત : ઇન્ટરનેટ

આગામી ત્રણ મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી આમસ્ટર્ડામના એક સ્થળે કરોળિયાનાં જાળાં સાફ કરવા પર પાબંદી મૂકાઈ છે. તેનું કારણ રસપ્રદ છે. અહીંના રાઈક્સ મ્યુઝિયમમાં વીતેલા સમયના રેમ્બ્રાં, વર્મીઅર જેવા મહાન ચિત્રકારોની કૃતિઓ પ્રદર્શિત છે. કોઈ મ્યુઝિયમમાં કરોળિયાનાં જાળાં હોવાં આવકાર્ય ન ગણાય. પણ ટોમસ સારાચેનો નામના એક કલાકારે આ મ્યુઝિયમમાં કરોળિયાની આ કૃતિઓને આવા ઉત્તમ કલાકારોની કૃતિની જેમ પ્રદર્શિત કરવાની વિનંતી કરી છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તદનુસાર અહીંના સફાઈ કર્મચારીઓને સૂચના અપાઈ છે કે આ સમયગાળા દરમિયાન તેમણે અહીં દેખાતું કરોળિયાનું એક પણ જાળું સાફ કરવું નહીં.

આટલું વાંચીને ઘડીભર એમ લાગે કે કળાના નામે કંઈ પણ તુક્કો ચલાવી દેવાની આ તરકીબ હશે. આવી ધારણા બાંધતા અગાઉ ટોમસ સારાચેનો અને તેના કામ વિશે જાણવું જરૂરી છે. આ કલાકારની વિશેષતા તરતાં શિલ્પ તૈયાર કરવાની છે, જેમાં તેમનો મુખ્ય વિષય પર્યાવરણ સાથે સુસંગતતા જાળવીને સહઅસ્તિત્ત્વ કેળવવાનો છે. વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રકલ્પ, ઈન્‍ટરએક્ટિવ ઈન્સ્ટૉલેશન તેઓ તૈયાર કરી ચૂક્યા છે. તેમની વિશેષ રુચિ કરોળિયામાં અને તેના જાળામાં છે. ‘એરેક્નોફીલીઆ’ નામના એક સંશોધનાત્મક પ્રકલ્પ થકી તેઓ કરોળિયા અને તેના જાળાંને લગતી વિવિધ પ્રકારની કળાત્મક, વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક વિગતોનો પ્રસાર કરતા રહે છે.

સારાચેનો માને છે કે મનુષ્યો આક્રમક પ્રજાતિ છે. મોટા ભાગનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓને તે ‘જીવાત’ કે ‘કીટક’ ગણીને તેનો નાશ કરી દે છે. આજે જ્યાં મકાનો, ઑફિસ કે મ્યુઝિયમો ઊભેલાં છે એ તમામ સ્થળે સદીઓથી આ જીવોનો વસવાટ હતો. આજને તબક્કે નૈતિક અને તાર્કિક રીતે કમ સે કમ એટલું તો થઈ જ શકે કે સહઅસ્તિત્ત્વનો સ્વીકાર થાય. તેમને જોતાંવેંત તેમને કચડી નાંખવા માટે તત્પર થઈ જવાને બદલે તેમની સર્જકતાનો સ્વીકાર થાય અને તેમને જોવાનો એક નવો દૃષ્ટિકોણ વિકસે.

સૂક્ષ્મદર્શક યંત્રો નહોતાં એવે સમયે જીવાત અને અન્ય અપૃષ્ઠવંશી જીવ ડર અને જુગુપ્સા પેદા કરતાં. તેમનું શારિરીક બંધારણ સસ્તન કરતાં સાવ અલગ હોવાને કારણે આમ થતું. તેમને અનિષ્ટ અને ભેદભરમ સાથે સાંકળવામાં આવતાં. વિજ્ઞાને પ્રગતિ કરતાં તેમના શરીરની વિશેષતાઓ, તેમની સર્જનશીલતા અને જીવનશૈલી વિશે જાણકારી પ્રાપ્ત થતી ગઈ. કરોળિયાની કળાકારીગરી વિશે જાણવું સરળ બન્યું. સારાચેનો માને છે કે પ્રત્યેક ઘરમાં સફાઈ બાબતે સહેજ આળસ દાખવવામાં આવે તો કરોળિયાના જાળાંરૂપી કળાકૃતિનું અદ્‍ભુત પ્રદર્શન આયોજિત કરી શકાય.

સારાચેનોની વાત સહેજ વિચિત્ર લાગી શકે એવી છે, પણ તેમની વાતમાં વજૂદ છે. તેઓ પોતે ચાર અલગ અલગ પ્રજાતિના કરોળિયાનાં જાળાંને પોતાની કૃતિઓમાં પ્રયોજે છે. સારાચેનો અને એરેક્નોફીલીઆ (કરોળિયાપ્રેમી) સમુદાયે અપૃષ્ઠવંશી પ્રાણીઓના હક માટેનો ખુલ્લો પત્ર તૈયાર કરેલો છે, જેમાં રાઈક્સ મ્યુઝિયમના સત્તાવાળાઓને કરોળિયાના તેમજ તેમના જાળાંના હકને પિછાણવા અને તેને આદર આપવાની અપીલ કરવામાં આવી છે.

મૂળ વાત એ છે કે પૃથ્વી પરની કોઈ પણ પ્રજાતિ અલાયદી કે એકલવાયી જીવતી નથી હોતી. અનેક અન્ય પ્રજાતિ અને પ્રણાલિઓ સાથે એ અરસપરસ સંકળાયેલી હોય છે. આથી કોઈ એક પ્રજાતિનું નિકંદન સમગ્ર પૃથ્વીના પર્યાવરણને ખલેલ પહોંચાડે છે, અને એ પણ એવી રીતે કે તેની વિપરીત અસરનો ખ્યાલ ઝટ ન આવે. અપૃષ્ઠવંશી જીવોના સહઅસ્તિત્ત્વ અને તેમના અંગેની સમજણ વિકસાવીને તેમની સાથે પુનર્જોડાણ કરવું જરૂરી બની રહે છે અને આ ઉપક્રમમાં કરોળિયા આદર્શ પણ છે, તેમજ રૂપક પણ! આ સાવ તુચ્છ, નાજુક અને નબળી દેખાતી આ પ્રજાતિ સહસ્ત્રાબ્દિઓથી શી રીતે પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખી શકી છે એ જાણવા માટે તેમના પ્રત્યેની સૂગ દૂર કરવી રહી. સારાચેનો અને એરેક્નોફીલીઆ સમુદાયની આ ઝુંબેશ પ્રશંસનીય છે, કેમ કે, એ રીતે તેઓ છેવટે તો સમગ્ર પૃથ્વીની ખેવના દર્શાવી રહ્યા છે. પણ માનવ એક એવી પ્રજાતિ છે કે એ જેમ સુવિકસીત અને સભ્ય બનતી જાય એમ તે વિનાશના અવનવા અખતરા પ્રયોજે. માનવ માનવનો જાન લેવા તત્પર રહેતો હોય ત્યાં એ કરોળિયાને બચાવવા વિશે વિચારશે એમ માનવામાં ભારોભાર આશાવાદ જોઈએ. ટોમસ અને તેમના જેવા અનેક લોકોમાં આવો આશાવાદ છે એ આનંદની વાત ગણાય.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪-૧૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)