નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

આશા વીરેન્દ્ર

બીનસરનાં પ્રાકૃતિક સૌંદર્ય વિશે ઘણું સાંભળેલું. વળી ત્યાં અગાઉ જઈ આવેલા લોકોએ એમ પણ કહેલું કે ત્યાં લાઈટ નહીં હોય એટલે દિવસનાં અજવાળે અજવાળે પહોંચી જવું જ સારૂં. આ બધું વિચારીને રસ્તામાં ક્યાંય સમય ન બગાડતાં સાંજના  ચારની આસપાસ અમે ત્યામ પહોંચી ગયાં.

કુમાઉ નિગમનાં ગેસ્ત હાઉસમાંથી જે પ્રકૃતિ દર્શન કરવા મળતું હતું એણે અને બગીચામાં પૂરબહારમાં ખીલેલાં અવનવાં, અગાઉ કદિએ જોયાં પણ ન હોય એવાં, ફૂલો એ ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’નો અનુભવ કરાવી દીધો. રાત્રે હજુ જમવાનું પતે ન પતે ત્યાં તો ‘બત્તી ગુલ’ થઈ ગઈ.  રાત્રે સૌ ભેગાં મળીને બેસશું, ‘ગપ્પાં’ મારીશું અને ગીતો લલકારીશું એવાં કરેલા વિચારો પણ બત્તીની સાથે જ બુઝાઈ ગયા. ‘રાતે વહેલા જે સૂએ, વહેલા ઊઠે તે વીર’ વાળી ઉક્તિનો પરાણે અને કંઈક કમને અમલ કરવો પડ્યો.

બીનસરનો અદ્‍ભૂત સૂર્યોદય

જોકે જે વીરો અને વીરાંગનાઓ વહેલાં ઊઠી શક્યાં, તેમને દિલ ખુશ થઈ જાય એવો સૂર્યોદયનો અદ્‍ભૂત નજ઼ારો જોવા મળ્યો. પળેપળ બદલાતી રંગછટા, વિદાય લેતી કાલિમા અને ધીરગંભીર પગલે અવતરી લાલિમાને જોઈને ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ એ ચિરંજીવ ગીત સ્મૃતિપટ પર ઊભરી આવ્યું.

ચા નાસ્તો પતાવીને હવે પછીના રાત્રિપડાવનાં સ્થાન લોહાઘાટ જવા માટે ઊચાળા ભર્યા.

– પર્સ પ્રકરણ –

ત્રણેક કલાકની મુસાફરી બાદ જોગેશ્વરનાં મંદિરે પહોંચવાનું હતું. એકાદ કલાક જેટલું આગળ વધ્યાં હઈશું, ત્યાં મને ફાળ પડી ‘હાય, હાય મારૂં પર્સ?’ તે સાથે જ સહપ્રવાસીઓના ચહેરાઓ પર આશ્ચર્યો, પ્રશ્નો અને મુંઝવણોની રેખાઓ ઉપસવા લાગી. જોકે સારૂં થયું કે ‘પર્સમાં પૈસા હતા? … કેટલા હતા?’ જેવા સવાલ મને કોઇએ પૂછ્યા નહીં.  એ સવાલોનો સાચો જવાબ આપતાં મારી (અને સાથે મારા પતિ વીરેન્દ્રની પણ) આબરૂના વટાણા વેરાઈ જાય તેમ હતું. જોકે આટલા લાંબા પ્રવાસે નીકળેલી એક મહિલાના પર્સના ખજાનામાં બીજાં, વધારે, મહામૂલાં રત્નો ન હોય એ તમારી કલ્પના અહીં પણ સાવ સાચી જ છે !

મારાં પર્સમાં પણ, મુસાફરી દરમ્યાન કદાચ જરૂર પડે તો હાથવગાં નીવડે એવાં અનેક શસ્ત્ર સરંજામનો અક્ષય ભંડાર ભર્યો હતો. પર્સનાં એક ખાનામાં ચપ્પુ, કાતર, ચાંદલાનું પૅકેટ, સેફ્ટી પિન, રબર બેન્ડનું બંડલ, વગેરે હતાં તો બીજાં ખાનામાં પાવડરની ડબ્બી, ગોગલ્સ, જાત જાતની દવાઓ, મુખવાસનાં પૅકેટ હતાં. તો વળી ત્રીજાં ખાનામાં મોબાઈલ, પાન કાર્ડ, અધાર કાર્ડ એવું કંઈ કંઈ ભર્યું હતું. ધાર્યે સમયે આમાંની એક વસ્તુ પણ ન મળે તો હું તો સાવ આધાર વિનાની જ થઈ  જાઉં !!

આવાં મહામૂલાં પર્સને શોધવા આ પહાડી પ્રદેશના વાંકાચૂંકા, ઉબડખાબડ રસ્તાઓ  પર ફરી પાછા જવું એનો સીધો અર્થ હતો કે હવે પછીના મુકામે પહોંચવાના સમયનું ત્રણથી ચાર કલાકનું આંધણ! તે ઉપરાંત વધારામાં એ આખો સમય ‘એટલી ખબર ન પડે?’,  ‘પર્સ જેવું પર્સ એમ તે કેમ ભૂલી જવાય?’, ‘બધાંની મજા બગડી ને !’ જેવા અન્ય પ્રવાસીઓના પ્રગટ કે અપ્રગટ કચવાટ અને ગુસ્સાના ધુંધવાટ, ચુપચાપ સહન પણ કરવા પડે.

આ બધી કલ્પનાઓથી મારૂં મન થથરી જતું હતું. તો પણ શિયાંવીયાં થતાં થતાં, હિંમત એકઠી કરીને ડ્રાઈવરની હળવેથી સૂચના આપી, ‘ ભૈયા, ગાડી થોડા સાઈડ પર કર લેંગે?’ ગાડી ધીમી પડીને  હજુ તો બાજુએ પહોંચી જ હતી ત્યાં પાછળ પાછળ આવી રહેલી ગાડીમાંથી અંજુબેને બારીમાંથી હાથ બહાર કાઢીને મારાં પર્સને ઝુલાવતી સબ સલામતની છડી પોકારી. તે સાથે જ, મારા જ નહીં, અમારી ગાડીનાં સાથી પ્રવાસીઓના પણ, જીવમાં જીવ આવ્યો.

મને તો ફ્લેશ લાઈટ થઈ જ ગઈ કે હોટલથી નીકળતી વખતે બધી ગાડીઓમાં ચીકીના પૅકેટ વહેંચવા ગઈ ત્યારે પર્સ હોટલનાં પગથિયાં પર મૂકેલું, અને પછી ત્યાં જ ભૂલી ગઈ હતી ! ભલું થજો અંજુબેનનું કે તેમણે એ પર્સ જોયું અને સાથે લઈ લીધું, અને મને ઘોર સંકટમાંથી ઉગારી લીધી. અમારી ગાડી પણ હવે ફરીથી રસ્તા પર આવી ગઈ હતી, એટલે મનોમન વિચાર્યું કે  મહાદેવનાં મંદિરે જતાં વેંત ભોળા શંભુને અંજુબેન પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરી જ લઈશ !

–  ઈતિ પર્સ પ્રકરણ –


ક્રમશઃ


સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.