વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ગામ-શહેરનાં ચોક, બજાર, ગલી, મહોલ્લામાં ચારેકોર સ્મશાનવત્ સૂનકાર હતો. કોરોનાની મહામારીના આતંક લીધે નિસ્તબ્ધતા છવાયેલી હતી. મોતની સંખ્યા દિવસે દિવસે વધતી હતી. નાનાં-મોટાં, અમીર-ગરીબ, નેતા-અભિનેતા વચ્ચે ભેદ રાખ્યા વગર કોરોનાએ અનેક પરિવારોને પરેશાન કરી દીધા.
સુરેશ આમાંથી બાકાત નહોતો. છેલ્લા ચાર-પાંચ દિવસથી તાવ જરાય ઓછો નહોતો થતો. અકાળ મૃત્યુનો ડર તીક્ષ્ણ ધારની જેમ મનને છેદી રહ્યો હતો એના ચહેરા પર ભય અને પીડાનો આતંક સાફ દેખાતો હતો. નાની અમસ્તી વાત કે વસ્તુ પણ ભયાનક સ્વરૂપે દેખાતી. અખબાર, ટીવી., મોબાઇલ પર મિત્રો સાથે વાતોમાં કે ખાવા-પીવામાંય મન નહોતું લાગતું. પતિની પીડા જોઈને અનુપમા હોસ્પિટલમાં દાખલ થવા કહેતી. હોસ્પિટલનું નામ સાંભળતા જ સુરેશ સહેમી જતો.
દર્દીની સારવાર કરવામાં કોવિડથી સંક્રમિત થવાની શક્યતાને લીધે હોસ્પિટલમાં સારવારમાં લાપરવાહી વર્તાતી હોય છે એવો ભ્રમ એના મનમાં ઘર કરી ગયો હતો. મરણાસને પહોંચી ગયો હોય એવી લાગણીથી ઘેરાયેલા સુરેશને મૃત્યુ સિવાય અન્ય કોઈ વિચારોય નહોતા આવતા. જીવન અર્થહીન લાગવા માંડ્યું.
એ મરશે ત્યારે શત્રુઓ કેટલા ખુશ થશે, પત્ની બીજા લગ્ન કરશે, મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર કરવાના બદલે એની લાશને જમીનમાં દાટી દેવાશે એવા સંભવિત દૃશ્યોની કલ્પનામાંથી જાતને જુદો તારવી નહોતો શકતો.
સુરેશના શ્વાસ ખૂબ તીવ્રતાથી ચાલતા હતા. અડોશપડોશમાં કોઈનેય સુરેશની બીમારીની જાણ ન થાય એવી સતર્કતાથી અનુપમા દવા લઈ આવતી.
“જાણો છો, અષાઢ મહિનામાં દર વર્ષે રથયાત્રાના પંદર દિવસ પહેલાં ઠાકુર જગન્નાથજીને પણ તાવ આવે છે, એમનેય નાની કોટડીમાં બંધ રહેવું પડે છે? આપણે તો સામાન્ય માણસો છીએ અને આ તો સીઝનલ તાવ છે. થોડી પીડા વેઠવી પડે એમાં ડરવાનું નહીં. જગન્નાથજી સહાય કરશે ને સૌ સારા વાના થશે. પણ, હવે સરકારી નિયમ અનુસાર ઓળખપત્ર આપીશું તો જ દવા મળશે ને વળી સ્વાસ્થ્યકર્મીઓ ઘેર આવીને તમને જોઈ જશે.” અનુપમા સુરેશને આશ્વાસન આપતા બોલી.
સ્વાસ્થ્યકર્મી આવીને કોવિડ છે એવું કહેશે તો હોસ્પિટલમાં જવું પડશે, એ વિચારે સુરેશ વધુ ગભરાઈ ગયો. થોડીવારમાં સ્વાસ્થ્યકર્મીઓ આવ્યા. નજીકના પરીક્ષણ કેન્દ્ર પર લઈ જઈને પરીક્ષણ કરવામાં આવ્યું. રિપોર્ટ આવે ત્યાં સુધી ઘરમાં જ ઈલાજ કરવાની સૂચના મળી. તત્કાળ તો સુરેશને હાશ થઈ, પણ એ હાશ લાંબી ન ચાલી.
સોસાયટીમાં સુરેશને કોરોના થયાની અફવા ફેલાવાથી લોકોએ એનાથી અંતર રાખવા માંડ્યું. દૂધવાળા, છાપાવાળા, શાકભાજીવાળાએ ઘેર આવવાનું ટાળ્યું. સોસાયટીના લોકોના વ્યવહારથી એ વધુ ભયભીત થયો.
હવે તો સુરેશને સપનામાંય કાળાં, બિહામણા, ડ્રેગન જેવી આગ ઓકતા રાક્ષસો, હાથમાં તલવાર અને ગળામાં ખોપરીઓની માળા પહેરેલી રાક્ષસીઓ દેખાતી. ઘડીભરમાં એ સૌના ચહેરા સોસાયટીવાળાના ચહેરામાં ફેરવાઈ જતા. એમના પાશમાંથી છૂટવા મથતા સુરેશને એ લોકો ચારેકોર લપકારા લેતી આગ કે જ્વાળામુખીમાં ફેંકી દેતા.
ઊંઘમાંય સુરેશ ‘કોરોના ….કોરોના…’ની બૂમો મારતો. પરસેવાથી લથબથ સુરેશને અનુપમા હડબડાવીને ઊઠાડી દેતી.
એટલામાં ડોર-બેલ વાગ્યો. પરીક્ષણ કેન્દ્રમાંથી રિપોર્ટ લઈને ‘કોરોના વૉરિઅર’ ઊભો હતો.
“અભિનંદન મી.સુરેશ. તમારો કોવિડ રિપોર્ટ નેગેટિવ છે.” સુરેશ કંઈ પૂછે એ પહેલાં એ બોલ્યો.
સુરેશ તો ખુશીથી પાગલ…
“મેં કોવિડ જેવા અજાણ્યા શત્રુને મહાત કર્યો.”
સુરેશ તો જાણે જંગ જીત્યો, પણ કોરોનાએ જે જંગ આદર્યો હતો એનાથી ફરી લૉકડાઉનની જાહેરાત થઈ. જાનહાનીનો આંક ઉત્તરોઉત્તર વધતો ચાલ્યો. લાશોના ખડકલા વધતા ચાલ્યા. જાનલેવા બીમારીના ભયના લીધે સ્વજનોને અંતિમ સંસ્કાર આપવાથીય લોકો દૂર રહ્યા.
સૌને સમજાયું કે પ્રકૃતિની સામે માનવ કેટલો પામર, કેટલો અસમર્થ છે. જીવન-મૃત્યુ, સુખ-દુઃખ, સ્મિત-શોક, હાનિ-લાભ જીવનના અંશ માત્ર છે.
સુરેશ સાથે પણ એમ જ બન્યું. થોડા સમય પહેલાં કોરોના સામે જંગ જીતીને ખુશ થયેલા સુરેશના નસીબમાં એ ખુશી ઝાઝી ટકી નહીં. કોવિડ વૅક્સીન, બુસ્ટર ડૉઝ લેવા છતાં એ ફરી બીમાર પડ્યો. જીવન મોત સામે જંગ હારી ગયું.
સુરેશ-અનુપમાના પ્રેમલગ્ન બંનેમાંથી એક પણ પરિવારે સ્વીકાર્યા નહોતા. પતિના મૃત્યુ બાદ અનુપમા પોતાની જાતને સંભાળવા અસમર્થ હતી ત્યાં નાનકડી દીકરીને ક્યાં સંભાળે? મોત જ એક રસ્તો દેખાતે હતો જેનાથી આ સંજોગો સામે મુક્તિ મેળવી શકે. એણે નિર્ણય લઈ લીધો, પણ માનવીએ લીધેલા નિર્ણયને ઉપરવાળો ક્યાં માન્ય રાખે છે? આત્મહત્યા કરવા નદીમાં કૂદવા જતી અનુપમાને કોઈએ બચાવી લીધી.
“મને મરવા દો. મારા જીવનમાં માત્ર દુ;ખ અને અંધકાર જ છે.” અનુપમા રડી પડી.
“સંસારમાં પરિવર્તન અફર છે. દિવસ પછી રાત અને હર રાત પછી દિવસ આવે જ છે. સુખ-દુઃખનું પણ એમ જ છે. બંનેમાંથી એક પણ સ્થાયી નથી, એ સત્ય જે સમજી લે એ કશાથી ચલિત નથી થતાં. કૃપા કરીને હું જ્યારે બોલાવું ત્યારે જરૂર આવજો. મહત્વપૂર્ણ વાત કરવી છે.” કહીને અનુપમાને બચાવનાર એ વૃદ્ધે એને એક કાર્ડ આપ્યું.
એટલામાં દીકરીના રડવાનો અવાજ સાંભળીને સફાળી ચોંકી.
“અરેરે.. વગર વિચાર્યે એ શું કરવા બેઠી હતી !! જાણે વૃદ્ધના સ્વરૂપે આવીને ભગવાને એને અનર્થમાંથી બચાવી લીધી.
એક દિવસ એને નિશ્ચિત સ્થળે બોલાવવામાં આવી.
આખો હૉલ ભરેલો હતો. મંચ પર ઉપસ્થિત પેલા સજ્જનનું ભાષણ શરૂ થયું.
“પ્રિયજનો,
“આપને એવું લાગે છે કે, આપ સૌ વિફળ અને પરાજિત લોકો છો, પણ ખરેખર તો તમે સૌ હાર્યા પછી પણ વિજેતા બની શકો છો. વિફળતા વિરામચિહ્ન કે દુઃખદાયક સ્થિતિ નથી.
“તમે જ સિદ્ધ કરી શકશો કે જીવન મૂલ્યવાન હીરો છે. માત્ર એને ચમકાવવાની જવાબદારી પોતાની છે.
“આપણે હવા ભરેલો ફુગ્ગો લઈએ છીએ, પણ બીજા દિવસે એના હાલ જુદા હોય છે. સાચવીને રાખવા છતાં એમાંથી ધીમેધીમે હવા નીકળતી જાય એમ એ ઢીલો પડતો જાય છે. એવી રીતે મોહ-માયા, સુખઃદુખમાંથી પણ સમય આવતા તમારું મન મુક્ત થશે.
“નિષ્ફળતા કાયમ સાથે નથી રહેતી. કેટલીય ચૂંટણીઓ હાર્યા પછી અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા. ૧૦૦ થી વધુ શૉટ અને ૩૦૦ મેચ હાર્યા પછી માઇકલ જોર્ડન બાસ્કેટ- બોલના શ્રેષ્ઠ ખેલાડી ગણાય છે.
“રામેશ્વરમ્ માં અખબાર વેચવાવાળો છોકરો- અબ્દુલ કલામ ‘મિસાઇલ-મેન’નું બિરુદ અને ભારતના રાષ્ટ્રપતિનું સન્માન પામ્યા.
“એક અખબારમાંથી છુટ્ટા કરવામાં આવેલ યુવાન વૉલ્ટ ડિઝનીનું નામ આજે પણ અમેરિકાની એનિમેશન ઇન્ડસ્ટ્રિમાં આદરથી લેવાય છે.
“કમ્પ્યૂટર, ઈ-મેઇલ કે ઇન્ટરનેટથી સાવ અજાણ એવા જેક- મા ચીનના સૌથી સફળ મેગ્નેટ, રોકાણકાર, અલીબાબા ગ્રુપના સહ-સ્થાપક ધનિક વ્યક્તિ તરીકે વિશ્વભરમાં જાણીતા છે.
“જેમની મા માનસિક રોગીઓની હોસ્પિટલમાં હતી, પિતાના મૃત્યુ પછી ભારે જહેમતથી ભાઈને ઉછેર્યો, જેમનું બાળપણ અતિ કષ્ટદાયી હતું એવા ચાર્લી ચેપ્લિન આજે પણ સૌ કોઈની સ્મૃતિમાં છે.
“યાદ રાખજો, ખરું ગૌરવ નિષ્ફળતા પછી હાર માનવાના બદલે ઊભા થઈને સફળ થવાનો પ્રયાસ કરવામાં, નિષ્ફળતા પરથી પાઠ શીખીને વિજેતા બનવામાં છે.”
મંચ પર વક્તવ્ય પૂરું થયું ત્યારે ઉપસ્થિત શ્રોતાના ચહેરા પરથી દુઃખની છાયા ઓસરી અને સાહસ, ઉત્સાહની ભરતી ચઢી. સુરેશના ગયા પછી અનુપમાને પહેલી વાર દુઃખને સફળતાનો પાયો કેવી રીતે બનાવાય એ સમજાયું.
દાશરથિ ભૂયાં લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
