આશા વીરેંદ્ર
રંગય્યા ને નિર્મળાનાં પાંચ પાંચ સંતાનો હરિશરણ થયાં. એ પછી કેટલાય દોરા-ધાગા કર્યા પછી રમણ જીવ્યો તો ખરો પણ એના જન્મતાંની સાથે જ નિર્મળાએ આંખ મીંચી દીધી.
‘દેવા રે દેવા,આ તેં મારી સાથે કેવી મજાક કરી? એની માને દીકરાના કેટલા ઓરતા હતા ને એ તો એનું મોઢું જોવાય ન ઊભી રહી!’ રંગય્યા મનોમન પ્રભુ સાથે આવા સંવાદ કરતો પણ પછી એણે રમણમાં જ પોતાનો જીવ રેડી દીધો.
એ મોચીકામ કરતો. ચંપલ ને છત્રી રિપેર કરવાં, બૂટનું તળિયું નાખવું, એવાં નાનાં-મોટાં કામ કરીને બાપ-દીકરા જોગું કમાઈ લેતો. બરાબર સરકારી નિશાળની સામે એની બેસવાની જગ્યા હતી. ત્યાં લીમડા નીચે એ પોતાની પેટી લઈને બેસતો. એ કામ કરતો હોય ત્યારે રમણ એની બાજુમાં બેસી રહેતો. એક દિવસ શાળાના મુખ્ય શિક્ષક દિલીપસરની નજર આ બાપ-દીકરા પર પડી. એમણે રંગય્યાને કહ્યું, “ભાઈ, તું આખો દિવસ છોકરાને તારી પાસે બેસાડી રાખે છે એના કરતાં નિશાળમાં ભણવા મોકલતો હોય તો? વાંચતાં-લખતાં શીખશે તો કાલ ઊઠીને આગળ આવી જશે.”
રંગય્યાને પોતાના કાન પર ભરોસો ન બેઠો. એને થયું, સાહેબ મારી મજાક તો નહીં કરતા હોય ને? અમારા જેવા ચામડા સાથે કામ કરનારના છોકરાને કોણ ભણાવે? બે હાથ જોડી એણે કહ્યું, “મારા રમણને નિશાળમાં આવવા દેશો? અમે તો… અમે તો પેલી બસ્તીમાં રહેવાવાળા લોકો છીએ.”
“એમાં શું થયું? હું ઊંચ-નીચમાં નથી માનતો. મારે માટે તો બધા સરખા. કાલથી છોકરાને મોકલવા માંડ. સરકારની મધ્યાહ્ન ભોજન યોજનામાં એને જમવાનું પણ મળશે એટલે તારે જરાય ચિંતા નહીં.”
રમણ નિશાળમાં ભણવા જશે? હજીય રંગય્યાના માનવામાં નહોતું આવતું. ઘરે જઈને પાઈ પાઈ કરીને જે કમાણી ભેગી કરી હતી એ પૈસા લઈ એ બજારમાં ગયો. રમણ માટે એક ખમીસ અને ચડ્ડી ખરીદ્યાં. બીજે દિવસે નવાં કપડાં પહેરીને રમણ તૈયાર થયો ત્યારે એ કોઈ રાજકુંવર હોય એમ રંગય્યા એને તાકી રહ્યો.
“એમ કર ભાઈ, આજે તો તું જ આવીને જોઈ લે કે, તારો છોકરો શું કરે છે?”
કંઈક ડરતો અને કંઈક સંકોચાતો રંગય્યા છોકરાઓ જ્યાં ભણતા હતા એ પરસાળ નજીક જઈને ઊભો. રમણનો અવાજ સાંભળતાં એના કાન સરવા થયા. પાસે જઈને જોયું તો બાકીના છોકરાઓ બેઠા હતા અને રમણ વચ્ચે ઊભો રહીને બોલતો હતો, “આજે હું તમને ‘બાલશિક્ષા’માંથી એક વાર્તા વાંચી સંભળાવું છું. એક વખત એક રાજા શિકારે નીકળ્યો… ”
‘લે, મારા રમણિયાને વાંચતાં આવડી ગયું! આટલા બધા છોરાઓની સામે ઊભો રહીને કેવો વાંચે છે!’ રંગય્યાની આંખમાંથી ટપટપ આંસુ પડવા માંડ્યાં. દિલીપસરે બાજુમાં આવી એને ખભે હાથ મૂકી કહ્યું, “તારો દીકરો બહુ પાણીદાર છે. એટલે જ તો મેં એને મોનિટર બનાવ્યો છે. એક દિવસ રમણ તને મોટરમાં બેસાડીને ફેરવશે જોજે! આજથી એની બધી જવાબદારી મારી, બસ?”
જાણે સાક્ષાત્ ભગવાનને જોતો હોય એમ રંગય્યા બે હાથ જોડીને સાહેબને જોઈ રહ્યો. વાંકો વળીને એમને પગે લાગવા ગયો ત્યારે એણે સાહેબનાં તૂટેલાં ચંપલ જોયાં. “સાહેબ, આજનો દિવસ તમારાં ચંપલ મને આપો. કાલે નવાં કરીને પાછાં આપીશ. ના ન પાડશો સાહેબ, મને આટલું કરવા દો.”
સાહેબે હસીને કહ્યું, “સારું લઈ જા ને મારે માટે કંઈક કરવાની તારી ઇચ્છા પૂરી કર. મને તો ખુલ્લા પગે ફરવાની આદત છે એટલે તને ચંપલ આપવામાં વાંધો નથી.”
ઘરે જઈને રંગય્યા ખાધા-પીધા વિના ચંપલની મરામત પાછળ લાગી પડ્યો. દોઢ-બે કલાકની મહેનતને અંતે ચંપલ એકદમ નવાં જેવાં થઈ ગયાં ત્યારે પોલિશ કરીને, ચમકાવીને એણે અભરાઈ પર મૂક્યાં ને ઘડીક આડે પડખે થયો. હજી તો માંડ આંખ મળી હશે ત્યાં ચારે બાજુ હો હા ને બૂમાબૂમ સંભળાવા લાગી, “ભાગો, ભાગો, બસ્તીમાં આગ લાગી છે. જલદી ઘરની બહાર નીકળો.”
“આ તેં શું કર્યું રંગય્યા? ચંપલ તો બીજાં પણ લઈ શકાત પણ તને કંઈ થઈ જાય તો તારા રમણનું કોણ?”
“તમે છો ને સાહેબ, મારી કરતાં સવાયા ! હું તો જીવું તોય એને ચંપલ સાંધવા સિવાય બીજું કંઈ શીખવી શકું એમ નથી. જ્યારે તમે? તમે તો એને મોટરમાં ફરતો કરવાના છો. એને મોટો સાહેબ બનાવવાના છો. વધારે કંઈ નહીં તોય હું તમારા પગમાં ચંપલ પહેરાવ્યાનો સંતોષ તો લઈને જઈ શકું ને?” બોલતાં બોલતાં એનો શ્વાસ ફૂલવા લાગ્યો. સાયરન વગાડતી એમ્બ્યુલંસ આવી પહોંચી. રંગય્યાને એમાં સુવડાવી દિલીપસર એની બાજુમાં બેઠા અને એનો હાથ પકડીને કહેવા લાગ્યા, “તને કંઈ નહીં થાય.”
હળવું સ્મિત કરતા રંગય્યા બોલ્યો, “મને કંઈ થાય એની મને ચિંતા નથી. હું જાણું છું કે, મારા દીકરાને એક બીજો બાપ મળી ગયો છે.”
(વેંકટ નારાયણરાવની તેલુગુ વાર્તાને આધારે)
ભૂમિપુત્ર : ૧૬ મે, ૨૦૨૪
