કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
ઘાટ ઘડીયા પછી નામ-રૂપ ઝૂજવાં
અંતે તો હેમનું હેમ હોએ
– નરસૈંયો ભક્ત હરિનો.
તમામ માનવીઓ તો એક જ તત્વથી બન્યા છે. અપાયેલાં નામો તેને નોખા પાડે છે. સમજાય તો ઝાઝા ઝઘડાઓ આવાં નામોનાં છે. આ વાત સમજાવતી એક મજેદાર કહાની છે.
ધર્મધ્યાનમાં વિશેષ રુચિ રાખતી કુંવરી તરફ રાજાની બહુ અનુકંપા નહોતી. દરેક ધર્મમાં રાજાને કોઇ ને કોઇ ખામી જ જણાતી હતી. આત્મોદ્ધારની આકાંક્ષા હોવા છતાં ફરી વળેલાં બધાં તીર્થસ્થાનોમાં યે બધે તેને ગંદકી જ ભળાતી હતી. પિતાનું ધ્યાન સ્વધર્મમાં સ્થિર થાય તેવા પ્રયત્નોમાં રાજકુંવરી હતી.
એમાં તેને એક અનુકૂળ પ્રસંગ હાથ લાગી ગયો. નગરમાં એક નામી સંત પધાર્યા હતા.રાજકુંવરીએ તેની પધરામણી રાજમહેલમાં કરી. તેનો સંગ તેણે પિતાજી સાથે કરાવ્યો. સંતશ્રીએ રાજવીને પૂછ્યું, “આપને શ્રેષ્ઠધર્મ વઇશે જાણવું છે ને ? તો આપને ગામની બહાર જે નદી વહે છે તેના સામે કિનારે મારી સાથે આવવું પડશે. ત્યાં હું આપને શ્રેષ્ઠધર્મનું જ્ઞાન આપીશ.” રાજવી તો તરત તૈયાર થયા છે અને રાજવીનો હુકમ થયા ભેળી નદી પાર કરવા કેટલીય નૌકાઓ હાજર થઈ ગઈ ! પણ સંતે રાજાને રોક્યા, અને કહ્યું, “ “આ નૌકા તો જૂની છે, આ નૌકા તો કાળી છે, આ હોડી તો સાવ નાની છે, અરે ! આ નૌકામાં તો છીદ્ર હોય તેવી શંકા છે,- આવી નૌકાઓ તો ડુબાડી જ મારે ને ?“ સંતને બસ આવું જ કહ્યા કરતા સાંભળી રાજવીએ તેમને સમજાવ્યું. “અરે બાપજી ! આટલી નાની એવી નદી છે, ગમે તે એક નૌકામાં બેસીશું તો પણ ઘડીકમાં સામેપાર પહોંચી જઈશું. એમાં આટલી બધી ખોટ-ખામીઓ દર્શાવો છો તે બરાબર નથી.”
ત્યારે સંત હસી પડ્યા અને કહ્યું કે “ રાજવી ! આ જ મારો તમને જવાબ છે ! તમે એ ધર્મરૂપી દૂધમાંથી પૂરા શોધવાનું – પડતું કરો અને કોઇ પણ એક ધર્મ પકડી લ્યો ! બધા જ ધર્મોનો આશય સંસાર સાગર તરી જવાનો છે. બધા જ ધર્મો સાધનાના સાધન છે.”
મારા કૃષક ભાઈઓ-બહેનો ! આ ઉદાહરણ આપી મારે એ વાત કહેવી છે કે આપણે ખેડૂતો પણ પેલા રાજવીની જેમ “આ ખેતી પદ્ધત્તિમાં આટલી ખામી છે”, “આ પદ્ધત્તિમાં તો બહુબધી નબળાઇઓ છે”, “આ પદ્ધત્તિમાં તો સિદ્ધાંત જેવી કોઇ વાત જ નથી. આમાં તો બધું આડેધડ ચાલે છે,” “આના કરતા અમારી પદ્ધત્તિ ઉત્તમ ગણાય” એવું કહી, એકબીજાને નસેડવાનું બંધ કરીએ. કારણ કે “સજીવખેતી” કહીએ કે “જૈવિકખેતી” કહીએ, અરે ! ‘ઓર્ગેનિક ફાર્મિંગ” જેવું નામ આપી સંબોધન કરીએ કે “ઋષિખેતી”, “પ્રાકૃતિકખેતી” કે ભલેને “ગાય આધારિત ખેતી” કહીએ. આ બધી જ પદ્ધત્તિઓનો હેતુ બસ એક સમાન જ છે, શુભ જ છે.
બધી પદ્ધત્તિઓનો મૂળ હેતુ : આ બધી જ પદ્ધત્તિઓ બસ રસાયણ મુક્ત ખેતી કરવાની જ વાત કહી રહી છે. હાલની પારંપારિક ખેતીમાં ખેતીપાકની પોષણપૂર્તિ માટે “રાસાયણિક ફર્ટિલાઇઝર્સ”, ખેતીપાકના રોગ-જિવાત સામેના રક્ષણ વાસ્તે વપરાતી “ઝેરીલી પેસ્ટીસાઈડ્ઝ” અને નિંદણનાશ તથા શાકભાજી-ફળફળાદિ-મરીમસાલાના પાકોમાં તેના જીવનચક્રને કૃત્રિમરીતે તોડફોડ કરનારા હોર્મોંસનો જે ઉપયોગ થઈ રહ્યો છે તે બધાના હિસાબે જમીનનું બંધારણ બગડી રહ્યું છે, તેની જીવંતતા નષ્ટ થઈ રહી છે, તેની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઓટ ઊભી તઈ રહી છે. તથા પાણીના તળ તૂટી રહ્યા છે, ઝેરી બની રહ્યા છે. અરે, પર્યાવરણને ન પૂરી શકાય તેટલું નુકશાન થઈ રહ્યું છે, ઉપરાંત ખેતર-વાડીઓમાં જે ઉત્પન્ન થઈ રહ્યું છે, તેને આરોગવાથી જીવજગતની તંદુરસ્તી જોખમમાં મૂકાવા લાગી છે. આવાં બધાં તારણો હાથ લાગ્યાં પછી-આ બધી બદીઓમાંથી છૂટકારો મેળવવા ઉપરાંત ખેતીમાંથી ઓછા ખર્ચથી નરવ્યું અને વધારે ઉત્પાદન મેળવવું હોય તો કેવા પ્રકારની ખેતી પદ્ધત્તિ અપનાવી હોય તો આ બધા હેતુઓ સુપેરે પાર પડે ? એ માટે થઈને કેટલાક દ્રષ્ટિસંપન ખેડૂતો, વિજ્ઞાનીઓ, પ્રયોગવીરો અને શુભચિંતકોના પ્રયોગગૃપ દ્વારા આ બાબતે જે અનેકવિધ અખતરા-પ્રયોગો થઈ રહ્યા છે તે પ્રયોગપદ્ધત્તિને આવાં જુદાં જુદાં નામો અપાયાં છે. આ બધી જ પદ્ધત્તિઓનો બસ “રાસાયણિક ખેતીની ચુંગાલમાંથી છૂટવું” એ એક જ આશય રહ્યો છે.
એક નાનકડું ઉદાહરણ : માની લો કે આપણે ૫૦ ખેડૂત જુવાનિયા ગિરનારના ઊંચા શીખરે બિરાજમાન અંબાજીની ટુંકના દર્શને જવા નીકળ્યા. તળેટીમાં જઈ પૂછ્યું તો ખ્યાલ આવ્યો કે શીખર ઉપરે તો “રોપ વે” દ્વારા, “ડોળી દ્વારા”, “પગથિયા દ્વારા” અને “કેડી” દ્વારા-એમ ચાર રીતે ચડી શકાય છે. બધાને મનગમતી રીતે શીખર ચડવાની છૂટ હતી. એક ટુકડી કહે અમારે તો રોપવે દ્વારા પહોંચવું છે. બીજી ટુકડી ડોળીઓમાં બેસી ઉપર જવા તૈયાર થઈ. ત્રીજી ટીમના યુવાનોએ ચણતર કરી બાંધેલ પગથિયા ચડીને ઉપર પહોંચવાનું નક્કી કર્યું. જ્યારે કેટલાક સાહસિક અને મક્કમ મનોબળ વાળા યુવાનો નીકળ્યા કે જેમણે વાંકીચુંકી પગદંડીએ પગપાળા ચાલીને જ ઉપર પહોંચવાની હોંશ દેખાડી.
આપણે જોયું કે આ યુવાનોમાં દરેકના શીખર ચડવાના રસ્તા જુદા જુદા હોવાછતાં દરેકનો હેતુ બસ એક જ રહ્યો કે અંબાજીની ટુકના દર્શને પહોંચવું. આમાં આપણે કોઇ એવું થોડા કહી શકવાના કે “કેડીએ કેડીએ ચાલીને” કે “પગથિયા ચડીને” દર્શને જવું એ બરાબર નથી. દર્શને તો બસ, “રોપવે દ્વારા” જઈએ તો જ સાચા દર્શન થયા ગણાય ? બસ, આવું જ ત્રણ-ચાર નામધારી ખેતી પદ્ધત્તિઓ આવી વિશિષ્ટ રીતથી ખેતી કરવાના પંથે આગળ વધી રહી છે તે સૌનું ધ્યેય બસ એક જ રહ્યું છે કે આ રાસાયણિક ખેતીની નાગચૂડમાંથી કેમ છૂટવું ? બધી જ પદ્ધત્તિના શુભ આશય વિશે થોડી વિગત જાણીએ.
[અ]….સજીવખેતી પદ્ધત્તિ : છેલા ૩૦-૩૫ વરસોથી માત્ર ગુજરાત રાજ્ય જ નહીં, પણ અન્ય રાજ્યોમાં અને દેશ લેવલે આ પદ્ધત્તિનો વ્યાપ કેમ વધે તે વાસ્તે ખેડૂત અને ઉપભોક્તાને જાગૃત કરવા અનેક જાતના પ્રચાર-પ્રસારના કાર્યક્રમો-નિદર્શનો-પ્રદર્શનો-સભા-સંમેલનો-સાહિત્ય પ્રચાર અને જણસીના વેચાણકેંદ્રો જેવા અનેકવિધ કાર્યક્રમો વડોદરામાં આવેલ “જતન ટ્રસ્ટ” [શ્રી કપીલભાઇ શાહ] દ્વારા ચલાવાઇ રહેલ છે. જેમાં ખેતીપકના જી.એમ.બીજ, રાસાયણિક ફર્ટિલાઇઝર્સ, ઝેરીલી પેસ્ટીસાઇઝ અને નિંદણનાશક રસાયણો તથા વિવિધ પ્રકારના હોર્મોંસ થકી થઇ રહેલાં નુકશાન સમજાવી, સામે દેશી તથા સંકર બીજના ઉપયોગની સાથે પાકની ફેરબદલી, મિશ્રપાક, લીલો પડવાસ, કઠોળ વાવેતર, ગોપાલન અને કંપોસ્ટ ખાતરની ભેર, અળસિયાં પાલન, સૂર્યપ્રકાશ અને કુદરતી સ્ત્રોતોની મદદ, વૃક્ષ ઉછેર, તથા જળસંચય અને પાણીનો વિવેકસભર વપરાશ, ગોબર-ગોમુત્ર અને વાનસ્પતિક પાક રક્ષકો, મિત્ર કીટકોનો ઉછેર, ફેરોમેન ટ્રેપ, પ્રકાશપિંઝર, પંખીવસાહત, અને વાડી ફરતી જીવંતવાડ જેવાં અનેકવિધ કાર્યક્રમોના અમલ થકી એક આખો જીવંતમાહોલ ઊભો કરી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા ઉપરાંત બિનઝેરી ઉત્પાદન તૈયાર કરી સારાએ સમાજને ચરણે ધરનારી અને ખેડૂતને પણ પ્રમાણમાં ઓછા ખર્ચથી તેમની મહેનતનું વ્યાજબી વળતર મળી રહે અને ઉપભોક્તાને અહિંસક પોષક આહાર મળી રહે તે અંગેની ચિંતા સેવનારી જે પદ્ધતિનો વ્યાપ વધી રહ્યો છે તે પદ્ધત્તિને આપણે “સજીવખેતી” જેવા નામથી ઓળખીએ છીએ. આવી ખેતીને કેટલાક “પ્રાકૃતિક ખેતી”,”જૈવિકખેતી” કે ‘ઓર્ગેનિક ફાર્મિંગ”ના નામથી પણ સમ્બોધતા હોય છે.
જમીન વિજ્ઞાનીઓનો અભિપ્રાય : જમીન વિજ્ઞાનીઓનું એવું તારણ છે કે ખેતર-વાડીની જમીનની અંદર કઠ્ઠણ સ્વરૂપે પડી રહેલા ખનીજ ઘટકોમાંથી તત્વો ખેંચવાનું કામ વનસ્પતિના મૂળિયાં માટે ઘણું અઘરું છે. પણ આ કઠ્ઠણ કામ જમીનની અંદર રહેલા બેક્ટેરિયાને બહુ ફાવે છે. પણ એ બેક્ટેરિયાની સંખ્યા ઘણી ઓછી પડે છે. એ બેક્ટેરિયાની સંખ્યા જો વધારી દેવામાં આવે તો એ બધા બેક્ટેરિયા ખુબ બધા ખનીજોને ખાઇ ખાઇ એવા સુપાચ્ય રસ સ્વરૂપે બનાવી દે છે કે હવે મૂળિયાં એ બધું આસાનીથી ચૂસી શકે છે. એ બધા જ બેક્ટેરિયા ખુબ ખનીજો ખાઇ, પોતે તગડા બની જ્યારે મરી [આયુષ્ય સાવ ટુંકું હોઇ] જાય છે, ત્યારે તે મૃત પદાર્થો ખેતી પાકનાં મૂળિયાં માટે મિજબાની સમાન હોય છે. આવા ઉપયોગી બેક્ટેરિયાની સંખ્યા દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ સુધીની હોય છે.
એક ખાસ વાત : મહારાષ્ટ્રના વિજ્ઞાની ડૉ. આનદ કર્વે એ એક પ્રયોગ કરેલો. ૧ કિલો વાડીની માટી લઈ તેમાં પાણી સાથે માત્ર અરધો ગ્રામ શુદ્ધ સાકર નાખી જોઇ. તો એ માટી માહ્યલા બેક્ટેરિયાની સંખ્યા ૨૪ કલાકમાં ૫૦૦ ગણી વધી ગયેલી જોઇ. જ્યારે ગાયના ગોબરમાં તો માટી કરતાં પણ અનેકગણા જીવાણું હોય છે. પણ એ ગોબર-ગોમુત્રમાં ખોરાકરૂપી શર્કરા-એટલે કે ગોળ-શેરડીનો રસ કે પાકાં ફળો જેવાનું ગળપણ અને સાથે પ્રોટીનયુક્ત શક્તિ અર્થે કોઇપણ કઠોળનો લોટ ઉમેરાય તો જીવાણુની સંખ્યા અધ..ધ અનેકગણા ગુણાંકમાં વધી જાય. અને હવે આવું દ્રાવણ પાકને આપવાનું ગોઠવ્યું હોય તો બીજા કોઇ પદાર્થોના ઉપરથી ઉમેરણની જરૂર રહેતી નથી.
[બ] ગાય આધારિત સુભાષપાલેકર – આધ્યાત્મિક ખેતી: મહારાષ્ટ્રના ખેડૂત પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ ખેડૂતોને રાસાયણિક ખેતીની ચુંગાલમાંથી મુક્ત કરવાની જે શોધ ચાલુ કરી તેના પાયામાં [૧] બીજામૃત,[૨]જીવામૃત [૩]આચ્છાદન [૪]બાષ્પ.આ ચાર ફેક્ટરના ઊંડા અભ્યાસમાંથી એવો સુજાવ મળી ગયો.કે જેમાં રાસાયણિક ફર્ટિલાઇઝર નાખવાની તો જરૂર ન જ પડે, પણ ગાડામોઢે ગોબરયુક્ત ખાતરો પણ નાખવાની જરૂર ન પડે ! સતત ૬ વરસના સંશોધન કાર્ય બાદ તેમને માલુમ પડ્યું કે જો ખેડૂત પાસે એક દેશી ગાય હોય તો તે પોતાની ૩૦ એકર જમીનમાં અન્ય કોઇ ખાતરરૂપી પદાર્થના ઉમેરણ વિના માત્ર ગાયના ગોબર-ગોમુત્ર સાથે કેટલાક પદાર્થોના સહયોગથી પાકના પોષણ અને સંરક્ષણની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય છે. આ વાતને વ્યવહારમાં મૂકવા તેમણે એક ૨૦૦ લીટર પાણી ભરેલા બેરલમાં ૧૦ કિલો દેશી ગાયનું ગોબર, ૧૦ લીટર ગોમુત્ર, ઉપરાંત ૨ કિલો ગોળ અને ૨ કિલો કોઇપણ કઠોળનો લોટ તથા ખોબો ભરી શેઢાપાળાની માટીનું ઉમેરણ કરી, બેરલને છાંયડે રાખી, ત્રણથી સાત દિવસ લાકડીના દંડાથી સવાર-સાંજ હલાવતા રહી જે દ્રાવણ તૈયાર થયું તેને “જીવામૃત” એવું નામ આપ્યું. આવું દ્રાવણ મહિનામાં એક વાર એક એકરમાં પાણી સાથે પાઈ દેવાથી પાકની ખોરાકી જરૂરિયાત સંતોષાઇ જાય છે. અને આ જ રીતે ગાયના ગોબર-ગોમુત્ર થકી બનતું સુકું-ઘન જીવામૃત તથા અન્ય પદાર્થોના ઉમેરણ થકી બીજ માવજત માટે “બીજામૃત”, ચૂસિયાં અને નાની ઇયળો માટે “નીમાસ્ત્ર”, મોટી ઇયળો માટે “બ્રહ્માસ્ત્ર” તથા ફળઝાડો-અને ફળોમાં નુકશાન કરતી માટે “અગ્ન્યાસ્ત્ર” તથા બધા જ પ્રકારની નુકશાન કારક જીવાતો માટે દસપર્ણીઅર્ક” જે કેટલાક લીમડો, સીતાફળી, કરંજ, કરેણ, ધતુરો, બીલી, આંકડા જેવી વનસ્પતિના સહયોગ થકી ઓછા-વધુ પ્રમાણ રાખી પાક પર છંટકાવ અને ફુગ માટે છાશની આશનો છંટકાવ અક્સીર ઉપાય લાગ્યો છે. આ બધી બાબતોમાં કેંદ્રમાં “ગાય” હોઇ, ”ગાય આધારિત સુભાષ પાલેકર આધ્યાત્મિક ખેતી” નામ અપાયું છે.
[ક] માત્ર બેક્ટેરિયલ કલ્ચર થકી થતી ખેતી પદ્ધત્તિ નેશનલ સેંટર ઓફ ઓર્ગનિક ફાર્મિંગ કો-ઓપરેશન-ગાજિયાબાદ થકી બહાર પાડેલ “વેસ્ટ ડી કમ્પોઝર” કે જેમાં અનેકવિધ વનસ્પતિઓમાંથી ઉપયોગી બેક્ટેરિયા એકઠા કરી, તેને ફ્રોજન કરી એક નાની બોટલમાં સંગ્રહિત કરેલા હોય છે. ૨૦૦ લીટર પાણીમાં આ એક બોટલ માહ્યલા સુષુપ્ત બેક્ટેરિયાના જથ્થા સાથે માત્ર ૨ કિલો ગોળ ઉમેરી, છાંયડે રાખી, રોજ સવાર-સાંજ દ્રાવણને લાકડીના ડંડાથી હલાવતા રહી- પાંચ સાત દિવસે જ્યારે દ્રાવણ કેસરી રંગ પકડે ત્યારે 1 એકરમાં પાણી સાથે મહિનામાં બે વાર પાઇ દેવાનું. પછીથી નવું દ્રાવણ બનાવવા તૈયાર દ્રાવણમાંથી ૨૦ લીટર દ્રાવણ લઈ, ૨૦૦ લીટર પાણીમાં ૨ કિલો ગોળ સાથે ઉમેરી દેવાથી કામ ચાલી રહે છે. નવું બેક્ટેરિયલ કલ્ચર ઉમેરવાની જરૂર પડતી નથી.. આ રીતે જોઇએ એટલા બેરલ તૈયાર કરી શકાય છે. વળી આ જ દ્રાવણ પાક સંરક્ષણ અર્થે ખેતીપાકો પર છંટકાવ કરવામાં અને કાચા –કુચાવાળા સેન્દ્રિય ખાતરને સેડવીને કમ્પોસ્ટીંગ કરવાના કામમાં પણ ખુબ જ ઉપયોગી થાય છે.
અને ઉત્તમ અને કમ ખર્ચાળ ખેતી કરવા માટે કોઇ રાસાયણિક ફર્ટિલાઇઝર અને ઝેરીલી પેસ્ટીસાઇડ્ઝની જરૂર ન પડે તેવો હેતુ પારપાડનારા “ગો-કૃપા અમૃતમ-બેક્ટેરિયા” બંસી ગીર ગોશાળાવાળા શ્રી ગોપાલભાઇ સુતરિયા દ્વારા બહાર પડાયા છે. તેનાં પરિણામો પણ ઉત્તમ મળી રહ્યાં છે, અરે ! ખેડૂત અને ખેતીને ખુબ જ લાભદાયી પુરવાર થઇ રહ્યા છે.
અંતે..: જળ જમીન અને પર્યાવરણની સુરક્ષાની સાથોસાથ જીવજગતને ગુણવત્તા યુક્ત આહાર આપી શકાય અને પ્રમાણમાં કમ ખર્ચથી વધુ ઉત્પાદન પણ મેળવી શકાય એવી પદ્ધતિનો વ્યાપ વધે તો જ ખેડૂત, ખેતી અને જન સમાજ શાંતિથી ટકી શકે. આવા હેતુ સર અમલમાં આવી રહેલી આ ખેતીની જુદી જુદી પદ્ધતિઓ બધી સમાન ધ્યેયવાળી અને ભગિની પદ્ધતિઓ છે. આમાં કોઇ ઉંચ કે નીચ નથી. બધી શુભ જ છે. આ બધી જ પદ્ધતિઓની ખોજ અને એના પ્રચાર-પ્રસારમાં લાગેલા સૌ મહાનુભાવો-ખેડૂતો-વિજ્ઞાનીઓ અને પદ્ધતિને અમલમાં મૂકી ખેતી કરનારા સૌ ખેડૂત ભાઇ-બહેનો બધા જ વંદનના અધિકારી છે. સૌએ છાતી માથે હાથ રાખી નક્કી બસ એટલું જ કરવાનું છે કે ભૂલમાંયે આપણા કોઇમાંથી ક્યારેય “આ પદ્ધત્તિ ઉત્તમ છે” અને “પેલી પદ્ધત્તિ ઉતરતી કક્ષાની છે” એવું વિધાન કે ચર્ચા-વેણ આપણા મુખમાંથી નીકળવા ન જોઇએ. એવું થયા કરશે તો આમાંની કોઇ ને કોઇ પ્રયોગપદ્ધતિને જબરો અન્યાય થઈ બેસશે હો મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

very interesting.
LikeLike