પ્રકૃતિની પાંખો
હીત વોરા
ભારતના જંગલો અને શહેરોને રંગીન બનાવતા અનેક પક્ષીઓમાં Plum-headed Parakeet એટલે કે ગુજરાતીમાં “તુઈ” તરીકે ઓળખાતું સુંદર અને નયનરમ્ય પક્ષી છે. ઘણી વાર તે વૃક્ષોની ટોચ ઉપરથી ઝડપથી ઊડતા જ દેખાય છે અને તેની તીક્ષ્ણ સીટી જેવી કિલકારીઓથી પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. તેનો અવાજ સંભાળીએ તો જાણે તે “તુઈ-તુઈ” બોલતું હોય તેવું લાગે જેથી તેનું ગુજરાતી નામ તુઈ રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે મળતા સુડો પોપટની સરખામણીએ તે ઓછો નજરે પડે છે, પરંતુ તેની સૌમ્ય સુંદરતા અને રંગોની અનોખી ભવ્યતા તેને ખાસ બનાવે છે.


ગુજરાતમાં તુઈનું વિતરણ સૌરાષ્ટ્ર, ગીર વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને હરિયાળા શહેરી વિસ્તારો સુધી ફેલાયેલું છે. તે ઘણીવાર જંગલની ધાર, ગામડાંઓ, વાડીઓ, ખેતીવાડી પ્રદેશો અને શહેરોના બગીચાઓમાં જોવા મળે છે, ખાસ કરીને જ્યાં ફળ આપતાં વૃક્ષો વધુ હોય. ભલે તે રોઝ-રિંગ્ડ પેરાકિટ એટલે કે સૂડો પોપટ જેટલો સામાન્ય ન હોય, પરંતુ ઘણા વિસ્તારોમાં નાનાં ટોળાં નિયમિત રીતે સવાર અને સાંજના સમયે ખોરાક અને વસવાટ માટે અવરજવર કરતા જોવા મળે છે.
વર્તનમાં તુઈ અત્યંત સામાજિક પક્ષી છે. તે સામાન્ય રીતે જોડીમાં અથવા નાનાં ટોળાંમાં જોવા મળે છે, જોકે ખોરાકની ઉપલબ્ધતા વધારે હોય ત્યારે મોટા જૂથોમાં પણ ભેગાં થાય છે. તેની ઉડાન ઝડપી અને સીધી હોય છે, અને તેની ધાતુ જેવી તીક્ષ્ણ કિલકારીઓ તેને દેખાયા પહેલાં જ ઓળખાવી દે છે. ખોરાક લેતી વખતે તે તેની વાંકી ચાંચ અને પગની મદદથી ડાળીઓ પર અદભુત ચપળતા દર્શાવે છે. તેનો મુખ્ય ખોરાક ફળો, બીજ, ફૂલો, જંગલી બેરીઓ અને ક્યારેક પાકના દાણા હોય છે. ફૂલધારી વૃક્ષો પર ખોરાક લેતાં તે ક્યારેક પરાગસંચારમાં પણ મદદરૂપ બને છે.

તુઈની એક રસપ્રદ વાત એ છે કે હવે તે ધીમે ધીમે એક “શહેરી પક્ષી” થતું જાય છે. ભારતના અનેક શહેરોમાં તે રસ્તા કિનારાના વૃક્ષો, બગીચાઓ, કોલેજ કેમ્પસ અને રહેણાંક વિસ્તારોની હરિયાળીનો ઉપયોગ કરીને માનવો સાથે સહઅસ્તિત્વ શીખી રહ્યું છે. તેની હાજરી આપણને યાદ અપાવે છે કે શહેરોમાં રહેલી જૂના ઝાડ; વડ, ઉંબરો, શેમડો, બિલી કે કેસુડા જેવા સ્વદેશી વૃક્ષોની હાજરી અનેક પક્ષીઓ, જીવજંતુઓ, ખિસકોલીઓ અને અન્ય જીવસૃષ્ટિને જીવન આપે છે.
આજના ઝડપથી શહેરીકરણ પામતા સમયમાં, જ્યારે સિમેન્ટ અને કોંક્રીટ હરિયાળીને બદલી રહ્યા છે, ત્યારે સાંજના આકાશમાં ઊડતી તુઈની ઝલક આપણને યાદ અપાવે છે કે કુદરત હજી પણ આપણા આસપાસ જીવંત છે. “તુઈ” માત્ર એક સુંદર રંગબિરંગી પોપટ નથી તે સહઅસ્તિત્વ, અનુકૂલન અને કુદરતની મધુર સુંદરતાનું જીવંત પ્રતિક છે.
તુઇનો એક વિડિઓ જેમાં તેનો મધુર અવાજ અને વર્તન જોવા મળે છે!
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
