બીરેન કોઠારી
ગાયિકા- સંગીતકાર તરીકેની તેમની ઓળખ, પણ એ ક્ષેત્રે તેમનું પ્રદાન સાવ મર્યાદિત જણાય છે. ૧૯૪૮માં રજૂઆત પામેલી ‘અમ્બિકા ફિલ્મ્સ’ નિર્મિત, એમ.આઈ.ધરમશી દિગ્દર્શીત ફિલ્મ ‘અનોખા પ્યાર’માં તેમનું એક યુગલ ગીત હતું એમ જાણવા મળ્યું. આ ફિલ્મ સંગીતપ્રેમીઓને યાદ છે એમાંના લતા મંગેશકરે ગાયેલાં ગીતો માટે. સંગીતકાર અનિલ બિશ્વાસે ફિલ્મનાં દસ ગીતો પૈકી નવ ગીતમાં લતાના સ્વરનો ઉપયોગ કર્યો હતો. દસમું ગીત મુકેશનું એકલગાન હતું. લતાએ ગાયેલાં નવ ગીતમાંથી બે યુગલગીત હતાં, અને સાત એકલગીત. આ બે યુગલગીતમાંથી એક ગીતના સહગાયક છે મુકેશ, જ્યારે બીજા ગીતમાં લતાનાં સહગાયિકા છે ઈરા નાગરથ.

હિન્દી ફિલ્મોમાં આપણે એક જ ‘નાગરથ’ને જાણીએ છીએ- રોશનલાલ નાગરથ. ઈરા નાગરથ તેમનાં પત્ની. મૂળ તો ઈરા મોઈત્રા, પણ રોશનલાલ સાથે લગ્ન કર્યા પછી ‘નાગરથ’ બન્યાં.
હરમંદીરસિંઘ ‘હમરાઝ’ સંપાદિત હિન્દી ફિલ્મ ગીતકોશ અનુસાર આ ગીત મૂળ તો અનિલ બિશ્વાસે મીના કપૂર પાસે ગવડાવીને તેનો ઉપયોગ ફિલ્માંકનમાં કર્યો હતો, પણ આ ગીતની રેકોર્ડ બહાર પાડતી વખતે મીના કપૂર બીમાર હોવાથી તેમણે એક યુગલ ગીતમાં મીના કપૂરને બદલે ઈરા નાગરથના સ્વરનો ઉપયોગ કર્યો.
યુ ટ્યૂબ પર આ યુગલ ગીત ‘એ દિલ મેરી વફા મેં કોઈ કસર નહીં‘ ઉપલબ્ધ છે, અને તેમાં લતાનાં સહગાયિકા તરીકે ઈરા નાગરથનું નામ છે, પણ ગીતકોશની માહિતી અનુસાર ફિલ્માંકન મીના કપૂરના સ્વરમાં કરવામાં આવ્યું હોવાથી આ સ્વર હકીકતમાં મીના કપૂરનો હોવો જોઈએ. આ ગીતની 78 આર.પી.એમ.ની રેકોર્ડ નં. N 35594 પર ઉપલબ્ધ ગીતમાં ઈરા નાગરથનો સ્વર હશે.
ઈરા નાગરથના સ્વરવાળી રેકોર્ડ સિને પ્લોટ પર મુકાયેલ છે. .
‘અનોખા પ્યાર’આં અનિલ બિશ્વાસે સંગીતબદ્ધ કરેલું, લતા સાથેનું યુગલગીત અહીં સાંભળી શકાશે, આ ફિલ્મની ક્લિપ હોવાથી તેમાં સ્વર મીના કપૂરનો છે.
૧૯૪૮ની જ એક અન્ય ફિલ્મ ‘ગજરે’માં પણ ઇરા નાગરાથનું લતા મંગેશકર અને કોરસ સાથેનું એક ગીત પણ મળી આવે છે.
રોશનના ૧૯૬૭માં થયેલા અવસાન વખતે અધૂરી રહેલી ફિલ્મ ‘અનોખી રાત’ (૧૯૬૮)માં પાર્શ્વસંગીત સલીલ ચૌધરીએ આપ્યું હતું. અન્ય ગીતો રોશને તૈયાર કરી દીધાં હશે, પણ ‘મહલોં કા રાજા મિલા’ ગીત ઈરા રોશને પૂર્ણ કર્યું હતું. એ ફિલ્મના ટાઈટલમાં ‘એસોસિયેટ મ્યુઝીક ડિરેક્ટર’ તરીકે ઈરા રોશનનું નામ જોઈ શકાય છે.

રોશનના પુત્ર રાજેશ રોશને સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી હજી અપનાવી નહોતી. એ છેક ૧૯૭૪માં ‘કુંવારા બાપ’થી બન્યું.
૧૯૮૧માં રજૂઆત પામેલી ફિલ્મ ‘શાકા’માં પણ સહાયક સંગીતકાર તરીકે ઈરા રોશનનું નામ છે. આ ફિલ્મમાં રાજેશ રોશનનું સંગીત હતું.

રાજેશ રોશનના સંગીતવાળી, ૨૦૦૨માં રજૂઆત પામેલી ‘આપ મુઝે અચ્છે લગને લગે’ના આખરી ટાઈટલમાં પણ સહાયક સંગીત નિર્દેશક તરીકે તેમનું નામ છે.

એમ લાગે છે કે ઈરા રોશનની પોતાની સાંગિતીક પ્રતિભા સિમીત હશે અથવા તેમણે પોતે એ સાવ સિમીત કરી દીધી હશે.
હકીકત જે હોય એ, આ વીસરાયેલાં રોશનને આ પોસ્ટ થકી યાદ કરીએ.
(તસવીર નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
