સોરઠની  સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

આ ફલકમાં વિવિધ વિષયોના લેખોના સંપાદક ભાઈ શ્રી. અશોક હારે વરખારી માહોલમાં અમદાવાદમાં શું અને ક્યાં ખાવું ઈ વાત થોડા દી’ પે’લાં હાલીતી ને મને ખાણીપીણી કરવાનો ને કરાવાનો શોખ એટલે આજ એવી જ ક્યાંક વાત મારા અનુભવોની માંડીને હૈડું હોથલ પદમણીના મોરલાની જેમ ખાલી કરીને વીંછળી નાખું:

“અષાં ગિરિવર જા મોરલા કંકણ પેટ ભરાં,
રત આવે ન બોલીએં તો તો હૈડાં ફાટ મરાં.”

આમ તો યુ.એસ.માં મને ૫૭ વરસ થઇ ગ્યાં છ પણ સ્વાદિષ્ટ ને શાનદાર ખાણાં ખાવાખવરાવા પ્રતિ મારી પ્રીતી ગરવા ગિરનારની જેમ અડીખમ છે ને એમાં ભારતીય ને એમાંયે વળી કાઠિયાવાડી ખાણું તો ગોરખનાથની ટૂંક છે. અલબત્ત, ઉંમરે હવે સામટું નથી ખવાતું પણ હજીયે જે ખાંવ છ ઈ ઈશ્વરની કૃપા ગણી કણેકણ મા’ણું છ કારણ કે મારે ઘરેથી મને ભાવતું બધું જ ફરતુંફરતું બનાવે છ ને હું પણ કાઠિયાવાડી તરી વાળાં શાક, વ. બનાવું છ. ટૂંકમાં, ઘરનું લૂલીએ વળગેલું ખાઈને હવે રેસ્ટોરાં, કાફે કે બજારુ ખાવાનું નથી ભાવતું કે ફાવતું ને એમાંયે બજારુ ભારતીય ખાણું તો મુદ્દે નહીં.

હવે આમ તો મારો ઉછેર જૂનાગઢ તાબાનાં ગામડાઉંમાં કે જ્યાં ત્યારે બજારુ નાસ્તાઓમાં ચાર જાતના ગાંઠિયા, જાડી સેવ, ચેવડો ને ફાડેલ દૂધના કે માવાના પેંડા એમ મળતું. સંપૂર્ણ બજારુ થાળી ભાણું તો ત્યારે ગામડામાં કોઈએ સ્વ્પ્નામાંયે નો’તું ભાળ્યું. આવામાં મારો પે’લો બા’ર ખાવાનો અનુભવ જૂનાગઢમાં ૧૯૬૨માં નવી ખુલેલી “મોડર્ન” રેસ્ટોરાંમાં કે જ્યાં અમે સહપરિવાર ગ્યા. ઈ ટાણે મારા પપ્પા સિવાય અમારા સૌ ઉપર ત્રિપાંખી કઠણાઈ બેઠીતી – ટેબલખુરસીએ બેસીને જેનું નામ પણ નો’તું સાંભળ્યુ ઈ “ઢોસા” છરીકાંટાથી ખાવા. મને યાદ છે કે મોટાભાગના અમે છરીકાંટામાં નાપાસ થ્યા, ટેબલખુરસીએ બેસીને ખાવામાં ચડાવો પાસ થ્યા ને ઢોસા કેમ ખાવા ઈ ન સમજાણું એટલે પેટ ન ભરાણું ને બબ્બે કટોરા રજવાડી ગુલાબ આઈસ્ક્રીમ ખાઈને પેટ ભર્યું. વધુમાં ઈ ખંપાળી જેવો કાંટો મને મોમાં વાગ્યો એટલે થોડુંઘણું લોહી નીક્ળ્યું ને આખો રસ્તો ઘર લગી મારાં માં બોલ્યાં કર્યાં, “તમારા બાપને પૈસા ઉલ્લેળ છ તે આમ બગાડે છ” ઈ સાંભળવું પડ્યું.

બા’ર ખાવાનો બિનઅનુભવી હું જયારે ૧૯૭૬માં પે’લીવાર દેશ આવ્યો ત્યારે નોનવેજ અને વેજ વાનગીઓ માટે અમદાવાદમાં પ્રચલિત “નીલમ” રેસ્ટોરાંમાં મારી શાકાહારી મંગેતર હારે ગ્યો. યાં અમે ખુરસીમાં બેઠા એટલે સ્ટીલના મોટા કટોરામાં અર્ધું લીંબુ તરતું મળમળું પાણી આવ્યું ને મેં ઈ કટોરો ઉપાડીને સૂપ માનીને પીવાનું શરુ કર્યું ઈ ટાણે બા’ર ખાવે માહિર મંગેતરે નરમાશથી કીધું, “કદાચ આનાથી હાથ ધોવાના હશે.” મારી આ મૂર્ખાઈ પછી પણ ઈ મને પચાસેક વરસથી વળગી રઈ છ ઈ મારું સદ્દનસીબ છે. બીજું, હું ઈ વખતે યુ.એસ.ના દક્ષિણ રાજ્યમાં સાડાછ વરસથી હતો કે જ્યાં મસાલામાં મીઠા સિવાય કાંઈ જ ન મળતું – મરી પણ નહીં – એટલે ત્યારે તેલ વિનાનો, બાફેલ, સધર્ન અમેરિકન ખોરાક હું ખાતો ને ભાવતો. પછી મારા પે’લા સ્વદેશ ગમન વખતે તદ્દન મસાલાહીન ખાનાર મને મારી મંગેતર ઉત્સાહે અમદાવાદમાં પ્રખ્યાત જગ્યાએ મારા માટે તદ્દન નવતર “ભાજી-પાઉં” ખાવા લઇ ગઈ. પણ મિત્રો, મેં એક ચમચી ઈ ભાજી મોમાં મૂકી ને મારી જીભ માંથી લોહી ને આંખમાંથી પાણી પડવાનાં ચાલુ થ્યાં. પછી મેં હાંડો પાણી પીધું ને એકાદ પાઉં ખાઈને પેટ ભર્યું. આમ ત્યારે મારા જેવા મસાલાહીન ખાનારને રસહીન ન સમજીને મંગેતર હજીયે મને ફેરિકોલથી ચોંટી રઈ છ ઈ પણ હું એક ચમત્કાર જ ગણું છ. જો કે વખતને જાતાં કે માણસને બદલાતાં વાર નથી લાગતી એમ હું પણ પયણીને ધીમેધીમે તીખું ખાતો થઇ ગ્યો ને હવે તો અમારું રોજીંદા વપરાસનું મરચું પણ તિખાસ માટે પટણી ને રંગ માટે કાશ્મીરીનું મિશ્રણ ને વઘારના આખાં સુકાં મરચાં થાઈ પેપર્સ હોય છ.

જો બજારુ ખાવાની વાત કરું તો છેલ્લા ચારસાડાચાર દાયકાથી તો અમે દર બેએક વરસે દેશ આંટો મરીયે છ ને ભારતની વીવીધ ક્ષેત્રે પ્રગતિ જોઈને ગર્વ અનુભવીયેં છ પણ બજારુ ખાણીપીણીમાં દેશ જે હરણફાળે વિકાસ કરે છ ઈ જોઈને તો આંખ ફાટી જાય છ ને ચે’રો તયડાય જાય છ કારણ કે કોઈ રેંકડી, ખૂણાની દુકાન કે મોંઘી રેસ્ટોરાં સવારથી મોડી રાત લગી મને ખાલી નથી દેખાતી. જે લોકો પાસે બા’ર ખાવાનો વખત નથી, ઉંમરે બા’ર જઈ સકતા નથી કે “વેઇટ લિસ્ટ” ને ગીરદીથી કંટાળી જાય છ એવા લોકો પસંદગીનું ખાણું “પારસલ” કરાવે છ. આ બધું ઓછું હોય એમ દેશનાં ઘણાં ગામોમાં “રાત્રી બજાર” રાતના ૧૨થી સવારના ૪ લગી ધમધોકાર હાલતી હોય છ. ટૂંકમાં, લોકો ક્યાંક પણ ચાવવાનું ને ચાવીને મોમાં સમણવાનું સુતા હોય છ ત્યારે જ બંધ કરે છ. આ બધાના સરવાળે ભારતમાં એક સાલમાં લગભગ ૮ લાખ કરોડ રૂપિયા કે રોજના ૧૦૫૬ કરોડ રૂપિયા બજારુ ખાધાખોરાકીમાં વપરાય છ. મોટા શહેરોમાં લોકો માસિક પાંચથી આઠ વાર બજારુ ખાણાં ખાય છ. મધ્યમ વર્ગીય પરિવાર વરસના રૂ.૬૫૦૦-૭૦૦૦ ને સ્થતિપાત્ર રૂ.૮૭૦૦-૯૦૦૦ બજારુ ખાણામાં વાપરે છ. આ પૈસામાંથી લગભગ ૧૧% “ઝોમેટો” ને “સ્વિગી” જેવી સુવિધામાં ખર્ચાય છ. ટૂંકમાં, ભારતમાં દરેક સુખી કુટુંબદીઠ ૨.૫%થી ૩% કમાણી બજારુ ખાધાખોરાકીમાં વાવરે છ.

સમજું છ કે મારી ઉંમરે માત્રુ કે પિતૃ પક્ષે વડીલો હવે હૈયાત ન હોય એટલે ત્રણેક નજીકનાં સગાં સિવાય યુ.એસ.ની જેમ ૧૦૦% ઘરના ચૂલે બનાવી દેશમાં કોઈ જમવા ન બોલાવે. પણ જે બોલાવે છ ઈ ગામની સારી રેસ્ટોરાંમાં લઇ જાય છ કે પોણાભાગનું ખાણું એવી એકાદ રેસ્ટોરાંમાંથી ઘેર આવે ને ઘરના નોકરો ઈ પીરસે ઈ અમે હારે બેસીને જમીયે. આનું એક સુખ ઈ છે કે આ ઘેર આવેલ બજારુ વાનગીઓમાં જો ક્યાંક ઘટતું હોય તો છેલ્લી મિનિટે “ઝોમેટો” કે “સ્વિગી” જેવી સુવિધાથી ઈ વસ્તુ ચકલીની જેમ ઉડીને થાળીમાં ગોઠવાઈ જાય. હું માનુ છ કે સમય હારે આ બદલાવો જરૂરી ને સ્વીકાર્ય છે ને જે કોઈ સપ્રેમ મને જમાડે છ એનો હું ઋણી છું કારણ કે કેટલાક તો વળી દર વખતની જેમ સીધું એમ જ કે’છ કે “આ વખતે નહીં તો બીજી વાર તો ચોક્કસ ને ચોક્કસ ઘેર જમવા આવજે.” હું ત્યારે મનોમન કહું પણ ખરો કે “મને આ વખતે પણ ક્યાં વાંધો છે.”

સ્વાભાવિક છે કે અમને લોકો ઘેર જમવા બોલાવે કે બા’ર લઇ જાય એટલે અમે પણ ઈ બધાને જુદીજુદી જગ્યાએ જમવા લઇ જીયેં કે જે વડોદરામાં વિશેષ બને. બીજું, ઉંમરે મોટાભાગના અમારી હારના હોય ને શાકાહારી હોય એટલે સૌ અનલિમિટેડ ગુજરાતી થાળી પસંદ કરે. વડોદરામાં “એક્સપ્રેસ હોટેલ”માં “મંડપ” આ ભાણા માટે પ્રચલિત છે ને અમે એનો લાભ લન્ચમાં ઘણીવાર લીધો છ એટલે એના વિષે થોડુંક લખું: તો ઉપરના મજલે આવેલ આ “મંડપ”માં દાખલ થાવ એટલે ભાડુતી સત્તકાર પામી યોગ્ય ટેબલખુરસી ગોતી બેસો. જેવા ખુરસીએ બેસીને પુંઠ આઘીપાછી કરીને ગોઠવાવ એવામાં બ્લયુજીન ને સફેદ ટી-શર્ટમાં એક છોકરો ફટાફટ થાળી મૂકી જાય, આવો બીજો સફેદ નેપકીન ને ચમચાચચમી મૂકી જાય ને પાછળ ત્રીજો બે આંગળી માય માંડ બૂડે એવી દસેક વાટકીયું હયડીમહમ થાળીમાં ગોઠવી જાય ને પાણી ને છાસના બે ચળકતા પ્યાલા મૂકી જાય. આ છોકરાઉ જાય એટલે ચોથો, પાંચમો, છઠો “વારાફરતી વારો મેં પછી ગારો” એમ છોકરાઉ અથાણાં, સંભારો, ચટણી, રાયતું, બેએક ફરસાણ, ફુલકાં રોટલી, ભાખરી, પરોઠા, થેપલાં જે જોયેં ઈ થાળીમાં મૂકી જાય ને વાટકીયુંમાં દાળ, કઢી, ચોડવેલ કોરું શાક, ભીનું શાક, લીલું શાક, કોરું કઠોળ, ભીનું કઠોળ, મીઠાઈ, વ. મૂકી જાય ને “ભો” કરવાનો સમો થાય એટલે સૌ મનોમન નક્કી કરીલે કે એને સુ ભાવશે.

હું થોડોક થાંથો એટલે ધીરેકથી મારા ભાણા સામે જોવું કે મને આ રસથાળમાંથી સું ભાવશે એવામાં તો મારી પડખે ને સામે બેસનારાની તરલા દલાલની જેમ ટીકાટિપ્પણ ચાલુ થાય; “આ વખતે ખમણ ગયા વખત જેટલાં જાળીદાર ને સ્પન્જી નથી,” “ઉંધીયામાં મૂઠિયાં ઓછાં છે,” કઢી પીળીપચરક છે; હળદર બાર પડતી છે,” “રોટલી આમ સુંવાળી છે પણ ઘઉંનો લોટ ગઈસાલ કરતાં બદલ્યો લાગે છ,” “આ વખતે દાળ મસ્ત છે, મઢીની તૂરદાળ વાપરી લાગે છ,” વ. હવે આ ટીકાટિપ્પણ કરનારા જ હાથ ઊંચા કરીકરીને એને વગોવેલી ને અન્ય વાનગીઓ સારાતિયા આગળ મંગાવ્યા કરે ને દોઢ પેટે ખાય. તો અમારામાંથી ડાયાબિટીક્સ વળી એમ પણ કે; “ગુલાબજાંબુમાં ચાસણી હોય એટલે હું જાંબુ શ્રીખંડમાં નાખીને ખાઇસ. આમ પણ શ્રીખંડ તો દહીં જ ને,” “મારી ભૂખ્યાપેટે સવારની સ્યુગર તો ૨૦૦-૨૫૦ જ રે‘ છ ને કંટ્રોલમાં છે,” ને ત્રીજો વળી એમ પણ કે “હવે બહોત ગઈ થોડી રહી એટલે મેં તો પરેજી મૂકી દીધી છ.” ટૂંકમાં, આવા સંવાદો ઉપરાંત પરિચિત વાતો જેવી કે “આપણા કાંતીકાકાના દીકરાની વહુ માથાભારે તો ખરી,” “ઓલ્યા દિલુફૂવાનો દીકરો દૂબઈ કમાવા તો ગ્યો છ પણ વહુને કોણજાણે કે દી‘ બોલાવશે” વચ્ચે સૌ જમણ જમતા હોય એવામાં બેંગોલી સાડીમાં સજ્જ યુવતી આવીને ઔપચારિક વાક્યો બોલી જાય કે “પ્લીઝ એંજોય ધ લંચ સર. આઈ એમ ઓન્લી હીઅર, ઇફ યુ નીડ હેલ્પ, સર.” આમ નાદઆનંદે સૌ જમે, અમે બિલ ચૂકતે કરીયેં ને બાર નીકળી અમીરી પાન ખાઈ સૌ છુટા પડીયેં.

ઘણીવાર અમે જેને બાર જમવા લઇ જીયેં ઈ લોકોની પસંદગી સાઉથ ઈંડિયન ફૂડની હોય તો વડોદરામાં “વુડલેન્ડ,” “શઁકલ્પ” કે એવી કોક પ્રખ્યાત રેસ્ટોરાંમાં અમે જીયેં. આવી જગ્યાએ પણ પરિસ્થિતિ તો ગુજરાતી થાળી જેવી જ થાય. આંઈ વળી નાનીનાની વાટકીયુંમાં ગુજરાતીઓનો ગળ્યો સાંભાર, ટમેટાંની લાલ, કોથમીરનારીયેળની લીલી ને લીલા નારિયેળની ધોળી ચટણીયું ને તેલમાં ભેળવેલ ગન પાવડર (પોડી) ને થાળીમાં કે કેળના પાનમાં વચાળે ચમચી શાક મુકેલ સવા ગજ મોટો ઢોસો, ગોદડાછાપ ઉથપમ ને બેત્રણ જુદુજુદી જાતની ઈડલી મૂકી જાય. મારે શાક ઢોસામાં નહીં પણ અલગ ને વધુ જોતું હોય એટલે સારતીયો પે’લાં મેનેજર આયરની મંજૂરી મેળવવા જાય, મેનેજર ખુદ આવે ને કે’, ” યસ, યસ સર. વી વિલ ચાર્જ ફોર ઈટ બટ સ્યોર.” છેવટે અમે ગુજરાતીઓ આ નોન-ગુજરાતી ભાણુ ખાતા જીયેં, અલકમલકની વાત્યું કરતા જીયેં ને વચ્ચે રામારાવ રેડી, ક્રિષ્ના વડ્લામુડી ને કમલા આયંગર બનીને થોડાક ઉવાચે; “ઢોસામાં જાળી ઓછી છે ને ક્રિસ્પી પણ જોયેં એવા નથી,” સાંભારમાં ગળપણ ગયા વખત કરતાં મને ઓછું લાગે છ,” કે “આ વખતે નાળિયેરની ચટણીમાં નાળિયેરનો સ્વાદ સારો આવે છ.” અન્ય લોકોને મન હોય પણ મને પંજાબી કે ઈંડિયન ચાઈનીઝ ખાણું પસંદ નથી એટલે ઈ તો હું ટાળું જ.

છેલ્લે એક ખુલાસો કરી દઉં કે ઉપર મેં જે કાંઈ લખ્યું છ ઈ મારા હળવા હૈયે મારા અનુભવો વિષે છે બાકી જ્યારેજ્યારે અમે દેશ આવીયેં છ ત્યારે અમારાં સગાંવ્હાલાં અમને પ્રેમપૂર્વક આવકારવામાં રતીભારે કસર નથી છોડતાં. મારા તાલુકાશાળાથી લઈને કોલેજ લગીના મિત્રો હજી મારે ખભે હાથ મૂકીને જૂની વાત્યું વાગોળે છ ને હું પણ આ બધા વચાળે મારા જોગી વાત્યું માંડું. ચોરવાડમાં કરસન ચૂડાસમા, રણમલ ડાભી ને સદરૂ લાલાણી સાઈંઠ વરસ પછી મારો અવાજ ફોન ઉપર ઓળખીને મને વાડીએ ને એને ઘેર આવકારે છ. તો માંગરોળમાં મારા એકથી ચાર ધોરણ લગીના મેંદરડાનાં સહાધ્યાયી નવિંચંદ્ર ભટ્ટ ને કૌશિક વસાવડાને માંગરોળ મળવા જાઉં ત્યારે એનાં હૈયાં નીચોવીને મને આવકારે છ. એકબે આત્મીય લોકોતો એવા પણ છે કે જે મેં જયારે પે’લીવાર ભારત છોડ્યું ત્યારે ઈ ઉંમરે પાંચેક વરસના હશે ને ઈ લોકો મને માત્ર નામથી જ ઓળખે. આ લોકો પણ જૂનાગઢ પો’ચું એટલે બીજે દી’ સવારનાપોરમાં ગીગાના ડબલ મારી, ડબલ હિંગના વણેલ ગાંઠિયા, બંગડી જેવી જલેબી, કાચા પોપૈયાંનો સંભારો ને તળેલ મરચાની ફોરમે મને જગાડીને આવકારે. ટૂંકમાં, પશ્ચિમી દેશોએ ઘણી નોંધનીય પ્રગતિ કરી હશે પણ કાઠિયાવાડનાં આવકાર, સત્તકાર, અંતરનો ઉમળકો, નિસ્વાર્થ પ્રેમ, લાગણી ને એના રોટલાના બ્રહ્માંડ ચક્રસમા ઘેરાવા વચાળે હંધીયે પશ્ચિમી પ્રગતિ એક માત્ર મધ્યબિંદુ છે.


ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.