નિસબત

ચંદુ મહેરિયા

દિલ્હીના જંતર મંતર પર તબીબી વિદ્યાશાખામાં  પ્રવેશ માટેની પરીક્ષાના પેપર લીક થવા નિમિત્તે શિક્ષણમાં સુધારાની માંગ સાથે યુવા આક્રોશ જાગ્યો હતો. તેને ઠારવા કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રણાલીમાં સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરીને નંદન નીલેકણીના અધ્યક્ષસ્થાને છ સભ્યોના હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના કરી છે. દેશની પરીક્ષા પ્રણાલીને વિશ્વસનીય, પારદર્શી, સંપૂર્ણ સુરક્ષિત અને લીકમુક્ત બનાવવા આ સમિતિ ભલામણો કરશે. ટાસ્ક ફોર્સ સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, મેડિકલ, એન્જિનિયરીંગ અને બીજી વિદ્યાશાખાઓની પ્રવેશ પરીક્ષાઓ તથા જાહેર પરીક્ષાઓમાં થતી ગરબડો કે અનિયમિતતાઓને રોકવા અને પરીક્ષાઓના સંચાલન તંત્રને મજબૂત બનાવવા વિચારણા કરશે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

વર્તમાન પરીક્ષા પ્રણાલીમાં કેવા કેવા સુધારા આવશ્યક છે તે માટે સમિતિએ લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. પરીક્ષા વ્યવસ્થાને વધુ સમાવેશી, ગોપનીય, ન્યાયસંગત, પારદર્શી અને ભવિષ્ય ઉન્મુખ બનાવવા માટેના ધ્યેયને પરિપૂર્ણ કરવા સમિતિ કાર્ય કરશે. વિદ્યાર્થીઓમાં રહેલા ટીકાત્મક, રચનાત્મક વિચારોમાં વૃધ્ધિ થાય તથા તેમની જિજ્ઞાસા વિકસે તેવી શિક્ષણ અને પરીક્ષણ વ્યવસ્થા માટે નંદન નીલેકણી કમિટી રાષ્ટ્રીય વિમર્શ પણ યોજશે.

મેડિકલની એન્ટ્રન્સ એકઝામ નીટમાં ૨૨ લાખ અને એન્જિનિયરીંગની એન્ટ્રન્સ એકઝામ જે ઈ ઈમાં ૧૬ લાખ વિદ્યાર્થીઓ બેસે છે. કેન્દ્ર અને રાજ્યોનાં સરકારી નોકરીઓ માટેના પબ્લિક સર્વિસ કમિશનોની પરીક્ષાઓમાં પણ હજારો વિદ્યાર્થીઓ ઉમેદવારો હોય છે. હવે જો આ બધી પરીક્ષાઓના પેપર લીક થાય તો તેનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર માઠી અસર પડે છે. એટલે પરીક્ષાઓના પેપર્સ ફૂટવાના કારણો શોધી તમામ પરીક્ષાઓ કઈ રીતે લીક મુક્ત, પવિત્ર અને વિશ્વસનીય બને તે માટે સરકાર અને સમાજ બંને એ પ્રયત્નો કરવાના છે.

ઈજનેરી વિદ્યા શાખાઓની પ્રવેશ પરીક્ષાઓ ઓનલાઈન કે કમ્પ્યુટર બેઝડ હોય છે. તે જ રીતે મેડિકલની પ્રવેશ પરીક્ષા કેમ ઓનલાઈન નથી લેવાતી તેવો સવાલ છે. પરીક્ષા પધ્ધતિમાં સૌથી પહેલો અને મહત્વનો સુધારો તો એન્જિનિયરીંગની જેમ મેડિકલની પ્રવેશ પરીક્ષા પણ ઓનલાઈન કે કમ્પ્યુટર બેઝ્ડ હોવી જોઈએ. તેને કારણે તેમાં માનવ હસ્તક્ષેપનું પ્રમાણ ઘટશે તેથી પેપર લીક કે ગરબડોની શક્યતાઓ ખૂબ જ ઓછી થશે.

નીટની એકઝામ વરસમાં એક જ વખત લેવામાં આવે છે. ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના થાક અને ભારમાંથી વિદ્યાર્થી જરાય મુક્ત થયો ન હોય ત્યાં જ તેના માથે નીટની પરીક્ષાનો બોજ આવી ગયો હોય છે. દક્ષિંણ ભારતના રાજ્યો લાંબા સમયથી નીટની એકઝામ રદ કરવાની માંગણી કરી રહ્યા છે. અગાઉની જેમ બારમા ધોરણના મેરિટના આધારે પ્રવેશ આપવો જોઈએ. જેથી વિદ્યાર્થી, વાલી અનેક પરીક્ષા તંત્ર વધુ એક પરીક્ષાથી બચી શકે.

જો એમ ન થઈ શકે તો નીટની પરીક્ષા વરસમાં એક કરતાં વધુ વખત લેવી જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું છે. જો દક્ષિણ ભારતનું દબાણ વધે તો કદાચ નીટ નાબૂદીની દિશામાં સરકારને વિચારવું પડે. નીટની પરીક્ષા એક કરતાં વધુ વખત લેવામાં જોખમ એ છે કે આપણું પરીક્ષા તંત્ર વરસમાં એક વખત પણ સરખી રીતે નીટની પરીક્ષા લઈ શકતું નથી તો તે બે કે ચાર વખત લેવા જેટલું સક્ષમ છે તેમ માની શકાતું નથી. વળી તેને કારણે પ્રવેશની પ્રક્રિયા લગભગ આખું વરસ ચાલુ રહે. પહેલી નીટથી ચોથી નીટ સુધીમાં કેટલી બેઠકો માટે પરીક્ષા છે તે સ્પષ્ટ કરી શકાય નહીં તેથી એક થી વધુ નીટ એકઝામનું સૂચન વ્યવહારુ પણ નથી અને અમલ પણ થઈ શકે તેમ નથી

શું આપણું સરકારી તંત્ર કશું જ ગોપનીય રાખી શકે તેમ છે જ નહીં? જો એમ હોય તો જ પરીક્ષાઓના પેપર્સ ફૂટે છે. જો તંત્ર ગોપનીય રાખી શકે તેમ હોય તો પેપર્સ ફૂટવા અશક્ય છે. કેન્દ્ર અને રાજ્યોના બજેટ દર વરસે તૈયાર થાય છે અને આઝાદીના ૭૫ વરસોમાં તે ફૂટ્યા હોવાની ફરિયાદો ભાગ્યે જ સાચી સાબિત થઈ છે. જે તંત્ર બજેટ લીકને રોકી શકતું હોય તે પેપર્સ લીકને પણ રોકી જ શકે. પેપર્સ લીકમાંથી મુક્તિનું ઉદાહરણ નજર સામે જ છે. એટલે પરીક્ષાઓના પેપર્સ ફૂટતા રોકવા માટે બજેટ જેવી જ વ્યવસ્થા વિચારવામાં આવે તો તે લીક થવાની શક્યતા ઘટી જાય છે.

હાલની પરીક્ષા પધ્ધતિમાં જે ગરબડો જોવા મળે છે અને તેને કારણે સમગ્ર રાષ્ટ્ર શરમમાં મુકાય છે તેનું કારણ પરીક્ષા પ્રબંધન જેટલું જ પૂંજીમાં રહેલું છે. અમીરો પોતાના સંતાનોને ખાસ કશી મહેનત વિના ડોકટર બનાવવા  માંગે છે તેથી તેઓ પૈસાના જોરે પેપરો ફોડે છે અને પોતાના સંતાનોને મેડિકલમાં પ્રવેશનો માર્ગ મોકળો કરે છે. કહે છે કે ૧૯૯૦માં જે નવી અર્થનીતિ અમલી બની અને આર્થિક ઉદારીકરણ આવ્યું તેણે ખાનગી ક્ષેત્રોને માટે બધા જ દરવાજા ખૂલ્લા મૂક્યા છે. શિક્ષણના ખાનગીકરણને કારણે પૈસાદારોના સંતાનો ખાનગી મેડિકલ કોલેજોમાં અઢળક રૂપિયા ખર્ચીને પ્રવેશ મેળવે છે.તેમાં નીટ અવરોધરૂપ છે એટલે તેઓ નીટના પેપર ફૂટે અને તેમના બાળકો ખાસ મહેનત, આવડત વિના કે સામાન્ય તેજસ્વીતા છતાં ડોકટર બની જાય તે માટે પેપર લીકના માર્ગો અપનાવે છે. તેથી પરીક્ષા તંત્રને ચુસ્તદુરસ્ત કરવાની જરૂર છે.

પરીક્ષા પધ્ધતિમાં સુધારા માટે પરીક્ષાના પ્રશ્નપત્રો તૈયાર કરવા, તેના એક થી વધુ સેટ પરથી ફાઈનલ પ્રશ્નપત્ર બનાવવું, તેની છપામણી, તેને પરીક્ષા કેન્દો પર પહોંચાડવા જેવા તબક્કા હોય છે. આ બધા જ તબક્કાઓમાં સંપૂર્ણ ઈમાનદાર માણસો અને એકદમ ચુસ્ત વ્યવસ્થા જ હોય તેમ માની શકાતું નથી. વળી પૈસાના બળે તો ગમે તે ખરીદી શકાય છે તો પરીક્ષાના પેપર્સ ખરીદવા થોડા અઘરા છે?  આ દ્રષ્ટિએ વિચારતાં  અમીરો પરીક્ષા વ્યવસ્થાની કોઈ પણ નબળી કડીનો લાભ લે છે અથવા તો નાણાં ખર્ચીને ગમે તેવી મજબૂત વ્યવસ્થાંને પણ નબળી કરે છે એટલે પરીક્ષાના પ્રબંધનની સાથે જ અતિ સક્રિય મૂડીના રોલને અવગણી શકાય નહીં. વળી બધા જ સરકારી કર્મચારી-અધિકારીઓ ઈમાનદાર જ હોતા નથી તેથી નબળી કડીનો લાભ લઈને પેપર લીક કરી શકાય છે.

અગાઉ ઈસરોના પૂર્વ ચેર પર્સન ડો. કે. રાધાકૃષ્ણનના અધ્યક્ષસ્થાને સરકારે આ જ હેતુસર સમિતિની રચના કરી હતી. રાધાકૃષણનની સમિતિએ ૨૦૨૪માં પરીક્ષા પ્રણાલી અને શિક્ષણ સુધારણા આ માટે ૧૦૧ ભાલામણો સાથેનો અહેવાલ સરકારને આપ્યો હતો. પરંતુ તેમાંથી અડધોઅડધ ભલામણો સરકારે લાગુ જ પાડી નથી.. એટલે નીલેકણી કમિટીની રચના વર્તમાન આગને બુઝાવવા પૂરતી જ સરકારે કરી હશે તો તેના હાલ પણ તેની પુરોગામી કમિટી જેવા  થઈ શકે છે અને પરીક્ષા પ્રણાલીના દૂષણો ચાલુ જ રહી શકે છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.