વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • એક હતી અમૃતા

    પારુલ ખખ્ખર

       એક દિવસ પુસ્તકમેળામાં ફરતાં ફરતાં એક પુસ્તક હાથમાં આવી ગયું જે ઘણા સમયથી વાંચવાની ઈચ્છા હતી પણ બજારમાં અપ્રાપ્ય હતું.નામ હતું ‘રેવન્યુ સ્ટેમ્પ’ . પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમની આત્મકથા જે ‘રસીદી ટીકીટ’ નામથી અનુવાદિત થઇ છે.ઘરે આવીને વાંચવા બેઠી, ધાર્યુ હતું કે આ બૂક તો એક બેઠકે જ વાંચી નાંખીશ પણ ન વાંચી શકાયું , આ કંઇ નવલકથા થોડી હતી કે વાંચી લઉં? એક જીવતાજાગતા માણસની હયાતિનો દસ્તાવેજ હતો, વક્ત તો લગતા હી હૈ ના! કહેવાય છે કે ‘આત્મકથા એટલે વિનમ્રતા અને સ્વપ્રશસ્તિ વચ્ચે સમતુલા જાળવીને ભૂતકાળના બાઝેલા થરને ઉખેડીને સ્વ-રુપનો સાક્ષાત્કાર કરવો અને પ્રગટ કરવો.’ અમૃતાજીએ આ કામ સુપેરે પાર પાડ્યું છે. પોતાની આત્મકથા લખવાનો વિચાર જ્યારે મિત્ર ખુશવંતસિંગને કહ્યો ત્યારે જવાબ મળ્યો કે તારી આત્મકથામાં હોય, હોય ને શું હોય? એકાદ બે પ્રસંગો? એ માટે તો રેવન્યુ સ્ટેમ્પની પાછળની બાજુ પણ બસ થઇ પડે!આ સાંભળીને અમૃતાજીને આત્મકથાનું ટાઇટલ મળી ગયું ‘રેવન્યુ સ્ટેમ્પ’.

            ૩૧ ઓગસ્ટ ૧૯૧૯માં પંજાબના ગુજરાનવાલા ગામમાં અમૃતાજીનો જન્મ થયો.પિતા કરતારસિંઘ વૈરાગી જીવ હતા,કવિ હોવા ઉપરાંત સંસ્કૃત, વ્રજભાષા અને તત્વજ્ઞાનના અભ્યાસુ પણ ખરા.માતા-પિતા બન્ને શિક્ષક હતા. એકવખત સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના વખતે ઇશ્વર પાસે માંગ્યું કે અમારા પ્રિય શિક્ષકને એક દીકરી ભેટ આપો. અને જાણે ઇશ્વરે એ નિર્દોષ બાળાઓની વાત માની લીધી હોય એમ એક જ વર્ષમાં માતા રાજબીબીને ખોળે અમૃતાજીનો જન્મ થયો.પિતા ‘પિયુષ’ના ઉપનામથી કવિતા લખતા તેથી દીકરીનું નામ રાખ્યુ ‘અમૃતા’.અમૃતાજીને બાળપણથી જ પિતા તરફથી રદીફ-કાફિયાની સમજણ અને અક્ષરની અદબ વારસામાં મળી હતી.અમૃતાજી એક જગ્યાએ લખે છે કે હું જન્મી ત્યારથી મોતના પડછાયા અમારા ઘરની દિવાલો પર ઉતરી આવ્યા હતાં. માત્ર ત્રણ વર્ષના હતા ત્યાં જ અમૃતાજીનો નાનો ભાઇ ઈશ્વરને વ્હાલો થઇ ગયો.અમૃતાજીની માત્ર ૧૧ વર્ષની ઉંમરે માતા રાજબીબી અનંતની યાત્રાએ ચાલ્યા ગયા.પિતાનો જીવ વૈરાગ્ય તરફ ખેંચાતો હતો પરંતુ દીકરીની જવાબદારીને કારણે અનિચ્છાએ સંસારમાં રહ્યા. અમૃતાજીને નાનપણથી એ સવાલ મુંઝવતો કે પિતાને હું સ્વીકાર્ય છું કે અસ્વીકાર્ય ? આ જ મથામણને કારણે તે પિતાને વ્હાલા થવાની કોશીશમાં કવિતા લખવા લાગ્યા.પિતાનું પ્રોત્સાહન મળતું ગયું અને માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ બહાર પડ્યો.અને જે પિતાએ હાથમાં કલમ પકડાવી હતી તે પણ ચાલ્યા ગયા.

    ઘરનું વાતાવરણ રુઢિચુસ્ત હોવાથી આ ઉંમરે અમૃતાજીને બહારના કોઇ જ મિત્રો ન હતા, આખું ઘર પુસ્તકોથી ભરેલું હોવાથી પુસ્તકો જ મિત્રો બન્યા.અનેક મનાઇઓ, ધાર્મિક બંધનો, રિવાજોથી અકળાયેલા અમૃતાજીનો રોષ એમની કલમમાંથી ટપકવા લાગ્યો. એ કહે છે કે સંતોષ અને ધૈર્યથી જિંદગીના ખોટા મૂલ્યો સાથે કરેલી સુલેહ જેવી સમાધિ કરતા રખડવાની બેચેનીનો શાપ મને વધુ વ્હાલો છે.મધ્યમવર્ગી કુટુંબમાં ઉછરેલા અમૃતાજી નાનપણથી જ સત્ય અને મૂલ્યો માટે લડતાં.હીંદુ-મુસ્લીમ માટે ઘરમા અલગ વાસણો રહેતા એ વાતનો એમણે સજ્જડ વિરોધ કરેલો, રોજ રાત્રે થતી ફરજીયત પ્રાર્થનાનો પણ એ વિરોધ કરતા. આવી અનેક બાબતો માટે તે ઘરના સભ્યોનો રોષ વહોરી બેસતા પરંતુ સત્યનો અને પોતાની માન્યતાનો સાથ ક્યારેય ન છોડતા.

    જીંદગીના પહેલા અને અગત્યના પડાવ વિશે વાત કરતા અમૃતાજી લખે છે કે માત્ર ચાર વર્ષની વયે થયેલી સગાઇ સોળમા વર્ષે લગ્નમાં પરિણમી. બધું ઠીક ચાલી રહ્યું હતુ. આ લગ્નજીવન દરમ્યાન એક પુત્ર અને એક પુત્રી પણ જનમ્યા. થયુ એવું કે નાનપણથી સપનામા  એક ચહેરો આવતો હતો જેને અમૃતાજીએ રાજન નામ આપ્યુ હતું.૨૦ વર્ષની ઉંમરે રાજન જાણે સાહિરના વેશમાં નજર સામે આવી ગયો.અને અમૃતાજી સાહિરના પ્રેમમાં પડી ગયા. પોતે પરણિત છે એ જાણવા છતાં મન ખેંચાતું ગયું. જીવનમાં, મનમાં, પરિવારમાં,સંસારમાં, સમાજમાં. બધુ તંગ થઇ ગયું.પતિ સાથે રહીને અન્ય પુરુષને પ્રેમ કરતા રહેવું અમૃતાજી જેવા સત્યના ઉપાસકને ક્યારેય ન પરવડે , તેમને લાગ્યું કે પોતે પતિ પ્રીતમસિંગને તેનો હક નથી આપી શકતા, તેના હિસ્સાનો પ્રેમ નથી આપી શકતા. તે વિચારતા કે  હું તેની દેવાદાર છું, એમની છાયા મે ચોરી લીધી છે જે પાછી આપવી જરુરી છે.

    અને આમ અનેક કશ્મકશ પછી પતિ-પત્ની  બન્ને એક મૈત્રીભર્યો ફેંસલો કરે છે છુટા પડવાનો.સાથે રહેવું અને છુટા પડવું બન્ને દુઃખદ હતા પણ બીજો વિકલ્પ ઓછો દુઃખદ હોવાથી એ પસંદ કરવામાં આવ્યો.કોઇ જ ફરિયાદ વગર બન્ને એ પોતપોતાના ભાગનું દર્દ વહેંચી લીધું.સમાજથી મોઢુ છૂપાવ્યા વગર આ નિર્ણય લીધો.આ દર્દને ચહેરાના એક તલ કે મસાની માફક અસ્તિત્વના એક ભાગ તરીકે સ્વીકારી લીધું.છુટા પડ્યા પછી પ્રીતમસીંઘને એકલતાનો સાપ ડસી ગયો.એ માણસે કોઇ જ ફરિયાદ કે કકળાટ વગર આંસુઓ સહન કર્યા. અમૃતાજી કહે છે કે અલગ થવાનો અર્થ એ ન હતો કે ‘સલામ ભી ના પહુંચે’ બન્ને એકબીજાની મુશ્કેલીમાં સહભાગી થતા રહ્યા. નાનામોટા કાયદાકીય કે આર્થિક વ્યવહારોમાં બન્ને એકબીજાની સાથે જ રહ્યા.આજીવન અજબ સંવેદનાનો સંબંધ કાયમી રહ્યો.

    જીવનનો બીજો પડાવ એટલે સાહિરનું મળવું.સાહિર એટલે સપનાનો એ રાજકુમાર જેને બાળપણથી જ ઝંખ્યો હતો.જે લોકો માટે ઘરના વાસણો સુદ્ધા અલગ રાખવામાં આવતા હતા એવા વિધર્મી પુરુષનાં પ્રેમમાં એક પરણિત સ્ત્રી પડી ગઇ હતી.સાહિર લુધિયાનવી એટલે એક સંવેદનશીલ શાયર . સાહિર અને અમૃતાજી ખૂબ અંગત મિત્રો બની ગયા. અમૃતાજી સાહિરને ચાહતા રહ્યા, એની ચાહત માટે લગ્નસંબંધ પણ તોડી બેઠા.અમૃતાજીએ સાહિર માટે જે સંદેશાઓ લખ્યા છે તે ‘સુનેહડે’ નામના કાવ્યસંગ્રહમાં પ્રકાશિત થયા છે. આ પુસ્તક અકાદમીના એવોર્ડ માટે પસંદગી પામ્યું ત્યારે અમૃતાજી વિચારે છે કે જેના માટે લખ્યું એણે જ ન વાંચ્યું, હવે આખી દુનિયા વાંચે તો પણ શું ? એ પુસ્તક વિશે વાત કરવા અને ઇન્ટર્વ્યુ લેવા પત્રકારો આવ્યા અને કહ્યું કે કંઇક લખતા હો એવો પોઝ જોઇએ છે ત્યારે અમૃતાજી એ અજાણતા જ એક કોરા કાગળ પર માત્ર ‘સાહિર’ ‘સાહિર’ લખ્યે રાખ્યું અને આખો કાગળ ભરાઇ ગયો.અમૃતાજી કહે છે મારી અને સાહિરની દોસ્તીમાં ક્યારેય શબ્દો ઝખ્મી નથી થયા, આ ખામોશીનો હસીન સંબંધ હતો.સાહિર સાથેની દોસ્તીના દિવસો અમૃતાજીએ બહુ જતનથી આલેખ્યા છે.એક વખત મુશાયરામાં લોકો સાહિરના ઓટૉગ્રાફ લઇ રહ્યા હતાં, બધા ચાલ્યા ગયા પછી અમૃતાજીએ કોરા કાગળ જેવી પોતાની હથેળી લંબાવી દીધી ત્યારે સાહિરે એ હથેળી પર પોતાનું નામ લખીને કહ્યું કે ‘આ કોરા ચેક પર મારા હસ્તાક્ષર છે, જે રકમ ઇચ્છે તે ભરીને જ્યારે ઇચ્છે ત્યારે કેશ કરાવી લેજે.’સાહિરને અડધી પીધેલ સીગારેટ છોડી દેવાની ટેવ હતી.અમૃતાજીએ સાહિરની યાદમાં એમની અડધી સીગારેટના સાચવી રાખેલા ટૂકડાઓ ફરી પીધા છે અને એ ધુમાડામાં સાહિરની આકૃતિને જોવાની કોશીશ કરી છે.એમના જેવું બાળક મેળવવા ગર્ભાવસ્થા દરમ્યાન સતત સાહિરનું ચિંતન કરતા રહ્યાં.બાળક નવરોઝ સાચ્ચે જ સાહિરની શક્લ સુરત લઇને જનમ્યો ત્યારે અમૃતાજીને લાગે છે હું જ ઈશ્વર છું, મે જ મારી મનગમતી સૃષ્ટિની રચના કરી છે.જો કે લોકો એ અનેક પ્રકારની સાચીખોટી વાતો કરી પણ અમૃતાજીએ હીંમતથી જવાબો આપ્યા છે.બીજા તો ઠીક એક નજીકના મિત્ર સુદ્ધા આ સવાલ પૂછી લે છે ત્યારે જવાબ આપે છે કે આ કલ્પનાનું સત્ય છે હકીકતનું સત્ય નથી.પુત્ર નવરોઝ જ્યારે પૂછે છે કે મા, હું સાહિર અંકલનો દીકરો છું? ત્યારે જવાબ આપે છે કે ‘ના નથી, પણ જો તું સાહિરનો દીકરો હોત તો હું તને જરુર જણાવત.’આવું હાડોહાડ સત્ય જીવ્યા હતા અમૃતાજી !

    અમૃતાજીએ સાહિર માટે ચિક્કાર લખ્યું, જાણતા અજાણતા અનેક કવિતાઓ, વાર્તાઓ, નવલકથાઓમાં સાહિર પ્રત્યેની લાગણી વ્યક્ત થતી રહી.’રસીદી ટીકીટ’ પોતે જ અમૃતાજીના પ્રેમનો દસ્તાવેજ છે, પરંતુ બે માંથી કોઇએ એકબીજા સાથે આ પુસ્તક વિશે ક્યારેય એક શબ્દ ઉચ્ચાર્યો નથી.અમૃતાજી કહે છે અમારી દાસ્તાનની શરુઆત પણ ખામોશ હતી અને અંત પણ ખામોશ જ રહ્યો.આ માત્ર કોરા કાગળની દાસ્તાન છે. અને આ લાગણીને એક નક્કર સ્વરુપ આપીને સંબંધોને નામ આપવા માટે અમૃતાજીએ પોતાના ઘરનો ઉંબર છોડી અને સાહિરના દરવાજા પર દસ્તક દેવા નીકળ્યા ત્યારે તેમને ખબર પડી કે એ ઘરમાં તો કોઇ બીજાનો પ્રવેશ થઇ ચુક્યો છે.સાહિરને નવી મુહબ્બત મળી ગઇ હતી,સુધા મલ્હોત્રા નામની ગાયીકા સાહિરના જીવનનો હિસ્સો બની ચૂકી હતી. અમૃતાજીને એક ભયંકર આઘાત લાગ્યો. એક ઘેરી ઉદાસીએ એમને ભાંગી નાંખ્યા, એકલતાએ દિલો-દિમાગ પર ભરડો લીધો, જાણે બધું ગૂમાવી બેઠા હોય એવો ખાલીપો છવાઇ ગયો.મરવાનો વિચાર પણ આવી ગયો પણ જીવી ગયાં. આ માનસિક આઘાતને કારણે ડીપ્રેશનમાં સરી પડ્યા, સાઇકીઆટ્રીસ્ટની સારવાર હેઠળ રહી સાજા થવા લાગ્યા. આ ગાળામાં તેમણે ‘કાળા ગુલાબ’ જેવી કવિતાઓ લખી છે.

    મિત્રો, આ દુનિયામાં કશું જ કાયમ નથી રહેતું પેલું વાક્ય હંમેશા યાદ રાખવું કે ‘યે દિન ભી ચલા જાયેગા’.અમૃતાજીના જીવનના એ કાળા દિવસો પણ ગયા. અમૃતાજીનું મન જ એમને કહેતું રહ્યું કે ‘અમૃતા…લૂક એ બીટ હાયર! જીંદગીથી હારી ન જા…બધી હાર બધી પરેશાનીથી ઉપર જો જ્યાં તારી કવિતા, તારી રચનાઓ, તારી વાર્તાઓ,તારી નવલકથાઓ છે.’અને ખરેખર અમૃતાજીએ હાર સ્વીકારવાને બદલે ફરી લડવાનું પસંદ કર્યું.એક ફિનિક્સ પક્ષી જેમ પોતાની જ રાખમાંથી બેઠું થાય તેમ ફરી એક નવી અમૃતા પોતાની જ રાખમાંથી બેઠી થઈ.પોતાના બાળકો માટે, પોતાની કલમ માટે, સત્યની લડાઇ માટે, મૂલ્યોની રક્ષા માટે જીવવા લાગ્યા અને લખવા લાગ્યા.વર્ષો પછી જ્યારે સાહિરના મૃત્યુના સમાચાર સંભળ્યા ત્યારે અમૃતાજીને એક ઘટના યાદ આવી. દિલ્હીમાં પ્રથમ ‘એશિયન રાઇટર્સ કોન્ફરન્સ’ યોજાઇ હતી . બધા લેખકોને એમના નામના ‘બેઝ’ મળ્યા હાતા જે પોતપોતાના કોટ પર લગાવવાના હતા, સાહિરે પોતાના કોટ પર અમૃતાજીનો અને અમૃતાજીના કોટ પર પોતાનો ‘બેઝ’ લગાવી દીધો.કોઇએ ધ્યાન દોર્યુ ત્યારે હસીને કહે, ‘દેવાવાળાએ ખોટો બેઝ આપ્યો હતો અમે સાચો જ લગાડ્યો છે.’જ્યારે સાહિર ન રહ્યા ત્યારે અમૃતાજી વિચારે છે કે મૃત્યુએ પોતાનો નિર્ણય એ બેઝને જોઇને લીધો હશે જે મારા નામનો હતો કારણકે હૃદયની રોગી તો હું છું.

    ભારત- પાકિસ્તાનના વિભાજન વખતે અમૃતાજી લાહોર છોડી ભારતમાં આવી ગયા.અનેક પ્રકારની આર્થિક, સામાજીક, માનસિક મુશ્કેલીઓનો સામનો કર્યો.એ કહે છે લાહોરમાં જ્યારે રોજ રાત્રે આસપાસના ઘરોમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી,નિર્દોષ લોકોની ચીસો સંભળાવા લાગી ત્યારે લાહોર છોડવનો નિર્ણય લેવો પડ્યો. આ ચીસો, જે દિવસે કર્ફ્યુને કારણે દબાઇ જતી હતી પણ વર્તમાનપત્રોમાં સંભળાતી હતી.થોડા દિવસ દહેરાદૂનમાં રહ્યા પરંતુ ત્યાં પણ એ જ હાલત જોઇને દિલ્હી આવ્યા.ત્યાં જોયુ કે અનેક  બેઘર લોકો વીરાન ચહેરાઓ લઇને એ જમીનને જોતા હતા જ્યાં એમને આશ્રીત કહેવામાં આવતાં હતા. પોતાના જ વતનમાં બેવતન થયેલા લોકો અને લાચાર સ્ત્રીના ચિત્કારો અમૃતાજીને બેચૈન કરી મુકતા.આ લોહીયાળ દિવસોના ચિતાર આપતી અનેક કવિતાઓ અને વાર્તાઓ લખી.આ દિવસોમાં વારિસ શાહ એ ‘હીર’ની વ્યથાને વાચા આપતી લાંબી કવિતા લખી હતી જે પંજાબના ઘરેઘરે ગવાતી હતી તે અમૃતાજીના હાથમાં આવી અને અમૃતાજીએ વારિસ શાહને સંબોધીને એક કવિતા લખી કે’તમે પંજાબની એક દીકરી રોઇ ત્યારે એક લાંબી વાર્તા લખી હતી, આજે તો લાખો દીકરીઓ રડે છે તમે કબરમાંથી બહાર આવો અને આ દીકરીઓ માટે લખો.’ આ આખી કવિતા લોકોમાં ખૂબ જ પ્રિય થઇ,લોકો રડતાં રડતાં આ નજ્મ ગાતા હતા. ત્યારે એક અજીબ સમય હતો કે એક તરફ લોકો આ નજ્મને ગળે લગાડીને ફરતા હતા ત્યારે અમુક વર્તમાનપત્રોએ અમૃતાજી ને ગાળો આપી કે તમે આ કવિતા એક મુસલમાન વારિસ શાહને સંબોધીને શા માટે લખી? શીખ લોકો કહે કે ગુરુ નાનકને સંબોધીને લખવી જોઇએ ને? કમ્યુનિસ્ટ કહે લેનિનને સંબેધીને લખવી જોઇએ ને?ખૈર…કવિતા ક્યારેય કોઇના બંધનમાં ન હોય.અમૃતાજીની કલમ ભાગલાનાં સમયમાં આંસુની શાહીથી ચાલતી રહી.’તવારીખ’, ‘મજદૂર’ જેવી લાંબી નજ્મો લખી. ‘પીંજર’ નામની નવલકથા લખી જે પાછળથી હિન્દી ફિલ્મમાં સ્વરુપે લોકો સુધી પહોંચી.

    ૧૯૫૬ ના સમય દરમ્યાન એકલા ઝઝૂમતા અમૃતાજીને ખારા રણમાં મીઠી વિરડી સમાન એક સાથી મળ્યા ઈમરોઝ. જે અમૃતાજી કરતા સાડા છ વર્ષ નાના હતા.ઈમરોઝ એક જન્મજાત કલાકાર હતા.ચિત્રકામ એમનો મુખ્ય શોખ પરંતુ અનેક પ્રકારની કળાઓમાં કૌશલ્ય ધરાવતા હતા.અમૃતાજીનો સાહિર માટેનો પ્રેમ જાણતા હોવા છતાં તેમને ચાહતા રહ્યા બન્ને સાથે રહેવા લાગ્યા.બન્ને એકબીજાને એમની ખામીઓ અને ખૂબીઓ સહિત સ્વીકારે છે. અમૃતાજી પોતાના દર્દોની ટોપલી ઈમરોઝને સોંપી દીધી અને આધ્યાત્મિક રચનાઓ લખવા લાગ્યા.૪૫ વર્ષની વયે કોઇ પુરુષ સાથે નામ વગરના સંબંધે રહેવું આજના જમાનામાં પણ પડકારભર્યુ ગણાય છે તો એ સમયે શું શું થયુ હશે?તેમ છતાં પ્રેમને ખાતર ઉંમર, નાત,જાત,સમાજ, રિવાજને ઠોકરે ચડાવીને બન્ને સાથે રહ્યાં. ઈમરોઝ માટે અમૃતાજી લખે છે કે ‘તે મારી પંદરમી ઓગષ્ટ છે જેણે મારા અસ્તિત્વને  અને મનની અવસ્થાને સ્વતંત્રતા આપી છે.ઈમરોઝ મારો એવો સાથી છે કે જે ભાઇ, પતિ,પિતા,મિત્ર જેવા નામથી પર હોવા છતા સાવ નજીક છે અને સાવ પોતાનો છે.’અમૃતાજીએ દેશમાં અને વિદેશમાં અનેક પ્રવાસો કર્યા છે. તેવી જ રીતે ઈમરોઝ પણ અમુક વખત માટે અમૃતાજીથી દૂર વ્યાવસાયિક કામે જાય છે તે દરમ્યાન બન્ને એ એકબીજાને બહુ જ સુંદર પત્રો લખ્યા છે જે ‘કિસી તારીખ કો’ નામે પુસ્તક સ્વરુપે પ્રકાશિત થયા છે. આ પુસ્તકમાં ઇમરોઝ લખે છે જે જે સુંદર કે શક્તિશાળી નામ મને ગમી જાય તે અમૃતા માટે વાપરવા ગમે છે અને એવા અનેક શબ્દોથી સંબોધન કરીને એમને પત્રો લખ્યા છે.ઈમરોઝ અને અમૃતાજી ચાલીશ વર્ષ સુધી સાથે રહ્યા. ઇમરોઝે એમની બીમારીમાં એમની ચાકરી કરી અને એમના મરણ સુધી એમનો સાથ નિભાવ્યો.

    અમૃતાજીની વાર્તાઓ પરથી ફિલ્મો બની, એમને પદ્મવિભુષણનો ખિતાબ મળ્યો,યુનિવર્સીટીની ડી.લીટ. ની પદવી મળી, સાહિત્ય અકાદમીના અનેક પુરસ્કારો મળ્યા. એમણે લખેલા ૭૫ પુસ્તકોમાંથી અનેકના વિદેશી ભાષામાં અનુવાદો થયા.સિનિયરોએ અને ભાષાપ્રેમીઓએ એમની કલમને ફુલડે વધાવી છે, એમને ચિક્કાર પ્રેમ આપ્યો છે.પરંતુ અફસોસની વાત એ છે કે તેમના સમકાલિનોએ અમૃતાજીને જીવનભર માત્ર કડવાશ જ આપી છે.ડીક્શનરીના ખરાબમા ખરાબ શબ્દો તેમના માટે વાપર્યા છે.તેમની પ્રસિદ્ધીને બદનામીમાં ખપાવવાની હર મુમકિન કોશીશો કરી. તેમની દરેક કૃતિને મારી મચડીને વિકૃત સાબિત કરી.. તેમની જાહેર અને અંગત જીવનની બાબતોને નકારાત્મકતાથી રજુ કરી.પરંતુ શબ્દની એ ઝળહળતી મશાલને કોઇ જીવનપર્યંત ઠારી ન શક્યું.

    પંજાબની માટીમાં જન્મેલી આ અમૃતા ખરા અર્થમાં અમર બની ગઇ.૮૬ વર્ષની વયે તારીખ ૩૧ સપ્ટેમ્બર ૨૦૦૫ ના રોજ અમૃતાજી અનંતની સફરે ચાલી નીકળ્યા.એમની સત્ય માટેની જીદ, એમનો મૂલ્યો માટેનો આગ્રહ આજે પણ અમર છે, લોકોને પ્રેરણા આપે છે. તેમણે વર્ણવેલી પીડાઓ, વ્યથાઓની કહાનીઓ આજે પણ લોકો આદર અને પ્રેમથી યાદ કરે છે.જીવનના અનેક સારા ખરાબ અનુભવોમાંથી પસાર થતાં થતાં એમણે જે સર્જન કર્યુ છે તે હંમેશા યાદ રહેશે.અમૃતાજી મર્ત્ય શરીર છોડીને ગયા અને પંજાબી કવિતાનું એક સોનેરી પન્નું હંમેશા માટે શબ્દસ્થ થયું. ભલે એ આજે હયાત નથી પણ એમના લાખો ચાહકોને હૃદયસ્થ છે.


    સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • નકરી ઊજળી રેખાઓનો જણ: હેમરાજ શાહ

    લ્યો, આ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    કેવળ હેમરાજ શાહની આ વાત નથી પણ કોઇ પણ અતિશય વિખ્યાત મહાનુભાવને આ લાગુ પડે.વળી આમ જુઓ તો  એકદમ બે-દાગ ! જેમના વિષે વિપરિત એવું એક પણ વેણ આજ સુધી વાંચ્યું તો ઠીક પણ કોઇએ જાહેરમાં કે મારા કાનમાં કહ્યું પણ ન હોય તો એમના વિષે વાતની માંડણીમાંય લખવું શું ? એ તો મોટી સમસ્યા છે કે બધું જ ઊજળું ઊજળું હોય ત્યાં કોઇ જુદી પડે એવી વધુ ઊજળી રેખા દોરવી કઇ રીતે ?

    (હેમરાજ શાહ)

    એમણે જાત જાતના અને ભાત ભાતના અને વળી અલગ અલગ ખૂણેથી અલગ અલગ ફોટા પણ પડાવ્યા નથી. અને ચહેરા ઉપર અલગ અલગ ભાવ પણ એ કોઇ કુશળ અભિનેતાની જેમ પાથરી શકતા નથી. ફેસબુક કે એવા કોઇ સોશ્યલ મીડીયા ઉપર કોઇ નવા નવા ચમકારા બતાવીને લોકની નજરે ચડતા રહેવાનો કિમિયો પણ એ અજમાવતા નથી અને રોજ સવારે ઉઠીને એ મોબાઇલ હાથમાં લઇને સંબંધોનો સંજીવની મંત્ર પણ ભણતા નથી.

    તો મુશ્કેલી આ છે !

    થોડાં વરસ પહેલાં કાંતિસેન શ્રોફ કે બિદડા સર્વોદય ટ્રસ્ટના બચુભાઇ રાંભીયા અને બીજા ડૉ. મધુકર રાણા અને ડૉ. કૌશિક શાહ સાથેના સંબધે કોઇ કાર્યક્રમમાં જવાનું થયું હોય ત્યારે બીલકુલ મિતભાષી એવા આ હેમરાજ શાહને અલપઝલપ મળવાનું થયું હતું. એ બોલે નહીં, પણ કોઇ સ્વયમસેવકીય ગતિવિધીમાં પરોવાયેલા હોય ત્યારે એમની અસલી ઓળખાણ ન પડે. એ તો કોઇ સ્થાનિક વ્યક્તિ કરાવે ત્યારે પડે, પણ એ વખતેય હેમરાજભાઇ ગરવાઇથી મોં મરકાવે એટલું જ. જે વચલા માણસે અમારી સહજ ઓળખાણ કરાવી હોય તેમાં પોતાની જાતે ઉમેરો કરીને અહોભાવ ઉઘરાવવાથી દૂર જ રહે.

    આવા શાંત,અંતર્મુખી  અને ઓછાબોલા હેમરાજભાઇ આવા શાથી ?  એનું થોડું રહસ્ય મારાથી એમના વિષેના વિવિધ વૃત્તાંતોમાં ઊંડા ઉતર્યા પછી પામી શકાયું, આમેય બાહ્ય વિગતો, પછી ભલે તે સો ટકા યથાર્થ હોય તો પણ મારા મનને આકર્ષી શકતી નથી. એટલે હું હેમરાજ શાહના જીવનની મને પ્રાપ્ત વિગતો પરથી એવા પરિબળોને શોધી રહ્યો કે જેણે આજના સમર્થ અને તેજસ્વી હેમરાજનું ઘડતર કર્યું હોય.

    એ જાણવા-સમજવા માટે એમના ઉદભવ સુધી જવું પડે.

    જે કચ્છી માડુઓ વતન છોડીને પારકી ભૂમિ પર રોજીરોટી માટે ગયા છે  તેઓ પોતાના આત્મબળે, બુદ્ધિબળે સાહસબળે અને એ બધુ સરવાળે સારું હોય તોય પ્રારબ્ધબળે સમૃદ્ધ થયા છે.  થોડા જ વર્ષ પહેલા એક કચ્છી વ્યાપારરત્ન શેઠ ચાંપશી નંદુની બૃહદ જીવનકથા લખવા માટે હું તેમના મહેમાન તરીકે મુંબઇ-દાદરમાં તેમની શોપ નજીક આવેલી એક હોટેલમાં લાંબો સમય રોકાયો હતો અને તેમના જીવતરને તેમની પાસેથી બહુ નજીકથી જાણ્યું હતું. એવી જ રીતે વર્ષોથી મારા વાચક ચાહક રહેલા મિત્ર બુદ્ધિચંદ મારુ ( શેમારુવાળા) અને તેમની પ્રગતિગાથાને પણ દાયકાઓથી જાણી-પ્રમાણી છે,  પણ આ હેમરાજભાઇની સાથે શાંતિથી બેસીને તેમની આજ સુધીની જીવનયાત્રા જાણવા સમજવાનો મોકો હજુ મળ્યો નથી. એવું હોત તો આ લેખ વધુ વિશદ અને એમના જીવનના અનેક પરિમાણોને આવરી લેતો બન્યો હોત પણ હવે જ્યારે એ બને એમ નથી ત્યારે મારી પાસે જે જાણકારી આવી છે તેના આધારે જ થોડું આલેખું છું.

    હેમરાજ શાહને જન્મથી જ ચડતી અને પડતી એમ બન્ને પાસાંનો અનુભવ. પાંચ વર્ષ સુધીની અબોધ વયમાં જે જે ઘટનાઓ એમની સાથે બની ગઇ એણે એમની જિંદગીના નકશા ઉપર અમીટ ઘસરકાની છાપ છોડી દીધી. સામાન્ય ધોરણ મુજબ બાળક પોતાના મા-બાપના ખોળામાં જ એવી હૂંફ અનુભવતું હોય છે કે જે એના માટે જીવનભરની સંજીવની બની રહે. પણ ૧૯૪૧માં એમના જન્મ પછી અતિ ધનવાન ગણાતો એમનો પરિવાર બહુ વિકટ પરિસ્થીતીમાં આવી પડ્યો. એ શું હતું અને એના કારણો કયા કયા હતા તેની ઝાઝી વિગતો મને મળી નથી, પણ ગામના આગેવાન ગણાતા એવા એમના પિતા વિરમભાઇ કોઇના કરજની આર્થિક જવાબદારી પોતાના માથે લેવાના કારણે વિપત્તિમાં ઘેરાઇ ગયા. સમૃદ્ધ ગણાતો પરિવાર એકાએક ઊંડી આર્થિક વિમાસણમાં સરી પડ્યો!  એના વિષે વધારે ઝીણી માહિતી મળતી નથી, પણ જે મળે છે તેના ઉપરથી હેમરાજભાઇના  પિતાની પરગજુ વૃત્તિ અને અને જીવનરીતિ બન્નેનો અંદાજ આવે છે. પિતાના લોહીમાં ઘોળાઇ ગયેલો આ ગુણ હેમરાજ શાહમાં અનુસંધાન પામ્યો હોય તેમ જણાય છે, એમ પોતે સંસારના મેદાનમાં આવતાંવેંત એ પરગજુપણાએ નવા નવાં આયામો બતાવ્યા એની વિગતો મળે છે.

    પણ હેમરાજભાઇના જીવનમાં સૌથી વધુ કાતિલ ફટકો એમના જીવનના પહેલા વર્ષમાં જ પડ્યો. કોઇ અતિ કરુણ ફિલમી કથામાં પણ આવી ઘટના પ્રેક્ષકોને બતાવવામાં આવે તો પુખ્ત સમજવાળા પ્રેક્ષકો એને ફિલ્મી – ફિલ્મમાં અતિ કરુણ રસ પેદા કરવા માટે લેખકની કલમે ઊભી કરેલી ઘટના ગણે, પણ ના! અહીં તો બાળ હેમરાજના જીવનમાં બનેલી આ તો વાસ્તવિક કારુણી છે. અને તે એ કે એ એક વર્ષ પૂરું કરે તે પહેલાં એમના માતા અને પિતા બેઉનું  અવસાન થયું.  ૧૯૪૧માં હેમરાજનો જન્મ. ૧૯૪૨માં પિતા ગયા. એ જીવનના બોજથી થાકીને બિમાર પડ્યા અને એ બિમારીએ એમનો પ્રાણ હરી લીધો. બસ, એ પછી તરત માતા પણ ગયાં. લખતાં લખતાં કલમ થંભી જાય એવી આ ઘટના છે. કારણ કે મારા જેવા વાર્તાકારના જીવનમાં એવું કંઇ બન્યું હોતું નથી પણ એની ધ્રૂજારી તો અનુભવી જ શકે છે. હેમરાજભાઇના જીવનમાં આ બન્યું, પણ એ એ શી રીતે બન્યું તેની કોઇ વિસ્તૃત જાણકારી નથી. આપણે કલ્પી  શકીએ તેવા કોઇ ઘટનાતંતુ પણ મારી પાસે નથી. પણ એથી કરીને એની ઘનતા ઓછી થતી નથી. માત્ર એક વર્ષના અબુધ બાળકની બદનસીબીનો આછો, કેવળ આછો અંદાજ આપણે લગાવી શકીએ.

    એક વર્ષની વયે એમની ઉપર છત્ર એક મોટાભાઇ અને એક મોટી બહેનનું રહ્યું. એમનાં આવકના સાધનો શાં શાં હતાં અને એમનો નિભાવ શી રીતે થતો હશે તેની આપણને ખબર નથી. કુદરતે જેના ઉપરથી છત્ર હઠાવી લીધું છે એવા માત્ર વરસ સવા વરસના બાળકને ઉછેરવામાં એ મોટાભાઇ અને મોટી બહેનને કેવી કેવી આપદાઓ પડી હશે તેની તો માત્ર કલ્પના જ થઇ શકે.પણ એ બન્યું એ હકીકત છે અને એ રીતે એ ઊછર્યા.

    અનેક કચ્છીઓ મુંબઇના ખોળામાં માથું મૂકે છે એમ એ મોટાભાઇ પણ પણ મુંબઇ આવ્યા અને પહેલાં નોકરી કરી અને પછી દુકાન. એની વિગતો મને મળી હોત તો એ કલ્પનાનો જરા પણ પુટ આપ્યા વગર મેં લખી હોત, પણ અનેક કચ્છી વાચકો અને મિત્રોના જીવન મેં જોયાં છે એ ઉપરથી સહેજે કલ્પી શકું છું કે એમનો માર્ગ પણ કંઇ સીધો સપાટ નહીં હોય. મુંબઇ સૌને ફળે છે એમાં ના નથી પણ ફળતાં પહેલાં એ બહુ ‘દળે’ પણ છે. ત્યાં નવો આવનાર ઘંટીના બે પડ વચ્ચે જ નહીં, પણ એક સાથે અનેક ઘંટુલે દળાય છે. અને એનાથી હારી જઇને એ જ્યારે મેદાન છોડીને  પાછો વતન ભણી નાસી છૂટતો નથી ત્યારે જ નસીબ એને કંઇક નિપજ આપે છે. એમ કંઇક હેમરાજ નાના હશે ત્યારે પણ એમના મોટાભાઇના જીવનમાં બન્યું જ હોય અને એમાં પણ એ વખતે કુમળી વયના હેમરાજ ઘડાયા હોય. એમના  જીવનની ગડમથલો અને નાના મોટા સંઘર્ષો જોઇને જ એ ઘડાયા એ સમજી શકાય છે.

    જીવનનાં એ રંગો જોતાં જોતાં જ એ માત્ર શીખ્યા જ નહીં, ઘડાતા પણ ગયા. મહાપાલિકાની શાળામાં એ ભણ્યા અને પછી ગ્રાન્ટ રોડની સેન્ટ્રલ સ્કૂલમાં ભણ્યા. રહ્યા પણ માટુંગાની બોર્ડિંગમાં રહીને. પહેલી વાર એ ઘર-પરિવારથી અલગ રહીને સમૂહજીવન જીવતાં શીખ્યા.

    આ ચૌદ-પંદરની વયનો ગાળો જુવાનીનો ઉદગમકાળ હોય છે. એમાં આજ સુધી ચેતનામાં ધરબાઇ રહેલા હોય એવા તત્વોના અંકુર જરી ફણગાય છે. સેવાભાવના કે જે એમના પિતા વિરમભાઇએ એમને એમના જીન્સમાં રોપી હશે એ બહાર આવી. માટુંગાની બોર્ડિંગમાં એંસી ટકા વિદ્યાર્થીઓ  ગરીબ ઘરના હતા. એમની આર્થિક સ્થિતિ હેમરાજે નજીકથી જોઇ. એ જોવાનું એમને માટે કેવળ ‘જોઇ રહેવાનું’ નહોતું . આંતરિક સંસ્કારો બહાર આવ્યા. પોતે એ વખતે શ્રીમંત નહોતા પણ પોતાના એક રુપિયામાંથી અધેલો કોઇને આપી દેવાના જન્મજાત સંસ્કારો ધીરે ધીરે બહાર આવ્યા. નબળી સ્થિતિના વિદ્યાર્થીઓને એ પોતાના ખર્ચ પર કાપ મૂકીને પણ સહાય કરતા રહ્યા. એમની વૃત્તિનું સુકાન આ રીતે સેવાપ્રવૃત્તિ તરફ વળી ગયું. એટલે એમણે એ જમાનામાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ માટે નોવેલ્ટી ટોકિઝમાં ફિલ્મ ‘સંગમ’નો એક ચેરીટી શો રાખ્યો.

    આંતરિક શક્તિઓના વિકાસ માટે મુંબઇની જે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં પણ દાખલ થઇ ગયા કે જ્યાં આગળ જતાં ફિલ્મો અને નાટકોના સેટ્સ અને મંચસજ્જાઓના બેનમૂન કલાકારો અને નિર્માણકર્તા એવા છેલ વાયડા ( સુવિખ્યાત ફિલ્મ ડીરેક્ટર સંજય છેલના પિતા કે જેમણે પોતાના મિત્ર પરેશ દરુ સાથે મળીને છેલપરેશની જોડી બનાવી હતી) તેમની સાથે કલાશિક્ષણ લેતા હતા. અલબત્ત, સંજોગોવશાત હેમરાજ એ અભ્યાસ પૂરો ન કરી શક્યા. એ અભ્યાસકાળ દરમિયાન જ તેમનાં લગ્ન લેવાયાં, પણ એમનામાં એ કલાદૃષ્ટિ જીવંત રહી જે આજ સુધીના તેમના વ્યવસાયમાં અને એના નિર્માણોમાં પણ આવિર્ભાવ પામી રહી છે.

    આ દરમિયાન અને તે પહેલાં અને તે પછી પણ એમણે સેવાપ્રવૃત્તિને એક અહર્નિશ ચાલતા યજ્ઞનું રૂપ જ આપી દીધું. પોતાની માત્ર ૨૪ વર્ષની યુવાન વયે જ પોતાના વતન સામખિયાળીમાં એક યુવક મંડળ સ્થાપી દીધું અને મુંબઇ રહ્યે રહ્યે પણ એનું સફળ સંચાલન અને સંકલન કરતા રહ્યા. એ બાબતમાં તેમના પ્રેરણાપુરુષ ‘વાગડના ગાંધી’ તરીકે ખ્યાત થયેલા ચાંપશીઅદા હતા. તેમની સેવાપ્રવૃત્તિની એટલી પ્રગાઢ  અસર હેમરાજભાઇ ઉપર હતી કે તેમની યાદને અનુલક્ષીને હેમરાજ ભાઇએ તેમની સ્મૃતિમાં એક વિશદ સ્મૃતિગ્રંથ પણ પ્રકાશિત કર્યો, જેનું વિમોચન કરવા માટે હેમરાજભાઇની નિષ્ઠા અને ગુરુભક્તિથી પ્રભાવિત એવા કચ્છના સુવિખ્યાત સાહિત્યકાર (સ્વ) દુલેરાય કારાણી ખાસ આવ્યા હતા.

    વિશેષ તો તેમના સાહિત્ય અને સાંસ્કારિક પ્રદાનની વિગતો બહુ જ જ્વલંત છે. તેમણે ૧૫થી પણ વધારે સર્જનો પુસ્તકોરૂપે આપ્યાં છે. સેન્સર બૉર્ડમાં પણ તેઓ  ત્રણેક વર્ષ સુધી નિયુક્તિ પામ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીમાં પણ લાંબો સમય ચેરમેન રહ્યા છે, અને આ ઉપરાંત અનેક મહત્વના માનવંત પદો પર હેમરાજભાઇ આસીન રહ્યા છે. મહારાષ્ટ્રના ગુજરાતીઓ પરત્વેની તેમની સેવાઓ તો બેમિસાલ છે. સમગ્ર ગુજરાતી સમાજ તેમનો કાયમી ઋણી રહે તેવું અનેકક્ષેત્રીય માતબર તેમનું પ્રદાન છે. અનેક માનસન્માનો તો એમને એનાયત થયાં જ છે, પણ હજુ વધારે અને અનેક રાષ્ટ્રીય સ્તરના બહુમાનોના તેઓ અધિકારી છે એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ હું જોતો નથી. એમને સન્માનો અર્પણ કરનારી સંસ્થાઓ કે કોમ પોતે જ એનાથી ગૌરવ અનુભવે તેવી સિધ્ધિ તેમણે હાંસલ કરી છે.

    शिवास्ते पंथान: सन्तु


    લેખક સંપર્ક-

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • અવ્યવસ્થિત

    અવલોકન

     – સુરેશ જાની

    વ્યવસ્થિત નહીં, પણ અવ્યસ્થિત? 

    હા! ‘વ્યવસ્થિત’ તો દાદા ભગવાનનો પ્રિય શબ્દ છે. તેઓ  હમ્મેશ વ્યવસ્થિતનો જ ઉલ્લેખ કરતા. આ સૃષ્ટિનો ‘કોઈ બાપોય બનાવનાર નથી.’ એમ એ સતત કહેતા આવ્યા છે. ઈશ્વર, અલ્લા, યહોવા, વ્યવસ્થિત શક્તિ – જે નામ આપો તે પણ મુદ્દે વાત એક જ છે. કશુંક સનાતન સત્ય, કશુંક સાવ વ્યવસ્થિત, કશુંક અપરિવર્તનશીલ.

    પણ અહીં અવ્યવસ્થિતની વાત છે, અવ્યવસ્થિતતાનું અવલોકન છે!

    કદાચ એનો મહિમા ગાવાનો છે!

        વાત જાણે એમ છે કે, આ અવલોકન લખાયું ત્યારે,  ઘર નવેસરથી સજાવવાનું કામ ચાલુ હતું. પહેલાં દસેક દિવસ કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવડાવ્યા અને પછી બે અઠવાડિયાના વિરામ બાદ  અને બારી, બારણાંને રંગ કરવાનું કામ ચાલ્યું. આખોય વખત સરસામાન ભડાભૂટ પડેલો રહ્યો.

    અમારું આ મકાન ખરીદે  પાંચ વર્ષ થયાં હતાં. દિવાલો પર ખોટી લગાવેલી  ખીલીઓના કાણાં, બાળકોના ચિતરામણ, મેલના ડાઘા, અભાવ પેદા કરે એવો ફિક્કો રંગ,  સતત નજર કોરી ખાતા હતા. કાર્પેટ સાવ જૂની અને ગંદી લાગતી હતી. એની ઉપર ઠેર ઠેર ડાઘા, ક્યાંક ઢોળાયેલા જ્યુસના અવશેષના રેલા હમ્મેશ દિલમાં ખટકો પેદા કરતાં હતાં.

    છેવટે  એમ નક્કી થયું કે, કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવવા અને દિવાલો અને બારી બારણાંને નવેસરથી, નવા રંગે રંગાવવા. કામ શરૂ થયું અને બધું સાવ અવ્યવસ્થિત.

    તમે કહેશો- ‘એ તો એમ જ હોય ને? કાંઈક નવી વ્યવસ્થા કરવી હોય, થોડીક અવ્યવસ્થા તો થાય જ ને? ‘

         હા!  તમારી વાત સાવ સાચી છે. અને આ અવલોકનમાં એ જ કહેવાનું છે.

         જો સઘળું સદા વ્યવસ્થિત જ રહેવાનું હોય, તો એમાં કશી મજા નથી. મારી પ્રિય રમત ‘સુડોકુ’ની જ વાત કરું. ખાલી બોર્ડ  કેવું સોહામણું હોય  છે? પણ એમાં કોઈ રમત નહીં; કોઈ સમસ્યા નહીં; કોઈ જંગ નહીં; હાર કે જીત પણ નહીં! કોઈ ભૂલભુલામણી નહીં. કોઈ ચાવીઓ નહીં. પણ એ બોર્ડ જ રહે – રમત નહીં.

    અધુરા આંકડા,  
    એક અવ્યવસ્થા, 
    થોડીક ચાવીઓ  
    થોડીક મગજમારી જ

    એક  રમત બનાવી શકે છે!

          અને બધેય એમ જ હોય છે. એક સરસ મજાની વ્યવસ્થા હોય; સદીઓ  સુધી એમને એમ જ ચાલતું હોય. પણ કશુંક બને અને બધી વ્યવસ્થા ખળભળી ઊઠે. આખુંય માળખું કડડભુસ્સ થઈને ટૂટી પડે. અને નવી વ્યવસ્થા આકાર લે. એક આમૂલ ક્રાન્તિ સર્જાઈ જાય. પણ એનાય ગણતરીના જ દિવસો ને? ફરીથી બધું અવ્યવસ્થિત!

    ઉત્ક્રાન્તિની તવારીખ જોઈએ તો, એક જીવરચના પર્યાવરણ સાથે સંતુલન સાધવા અને જીવન સાતત્યની રક્ષા કરવા; એના અંગ ઉપાંગ અને સ્વભાવ બદલતી રહે. કાળક્રમે એક નવી જ  જીવરચના આકાર લે. એક  માછલી તરફડતી, તરફડતી દરિયા કિનારે જીવતી રહી જાય અને સરિસૃપોની આખી વણજાર જીવન જીવવાની સાવ નવી રીત શરૂ કરી દે.

    અરે! એ લાખો વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થા કે અવ્યવસ્થાની કલ્પના કે વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત બાજુએ જવા દઈએ; અને માત્ર ચાર પાંચ હજાર વર્ષ જૂ્ના માનવ ઈતિહાસ પર જ નજર નાંખીએ, તો તરત આંખે ઊડીને વળગે એમ જણાશે  કે,  માનવ સમાજ, એની સમજ, જ્ઞાન, પ્રજ્ઞા, ચેતના એ બધાંએ કેવા કેવા ઉથલા જોયા છે? એક વ્યવસ્થા, એક માન્યતા, જીવન જીવવાની એક રીત ખેદાન-મેદાન બની જાય; અને નવી વ્યવસ્થા, નવી માન્યતાઓ, જીવવાની  અવનવી રીતો પેદા થાય.

    ભગવદગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને કહ્યું છે –

    परित्राणाय साधुनाम् विनाशाय च दुष्कृताम्
    धर्मसंस्थापनार्थाय  सम्भवामि युगे युगे।

    ગાંધી બાપુ જેવા શીલ, સદાચાર અને સત્યના પૂજારીને પણ સવિનય કાનૂન ભંગ અને અસહકારના શસ્ત્રનો આશરો લેવો પડ્યો હતો. સમાજને આઝાદીનો અહેસાસ અને તરોતાજા શ્વાસ લેતો કરવા, દેશનું તંત્ર ખોરવી નાંખ્યું હતું.  અને હવે એ આઝાદીથી પણ હવે ઉબકા આવે એવી પરિસ્થિતી ફરી સર્જાઈ ગઈ છે. એક  આમૂલ ક્રાન્તિ બારણાં ખખડાવી રહી છે. અવ્યવસ્થિતના ટકોરા.  

     અમારા ઘરના રંગકામના એ નજારાની જેમ!

        આ માઉસ, કીબોર્ડ અને મોનિટરની માયામાં, ઓલી નોટબુક અને કલમ હવે શોધવા જવું પડે એમ છે. કેવી સરસ મજાની, સુસ્થાપિત વ્યવસ્થા હતી? ઈબુક/ વેબ સાઈટ અને સોશિયલ મિડિયાના માહોલમાં હવે ગ્રંથોની પણ ઘડીઓ ગણાઈ રહી છે!

    દરેક  પરિવર્તન માટે જોઈએ –  ‘અવ્યવસ્થિત’. અહીં અવ્યવસ્થિતતાનો મહિમા ગાવાનો આશય નથી. પણ, અવ્યવસ્થિત પણ વ્યવસ્થિત રચનાનું એક અવિભાજ્ય અંગ જ છે. એના અસ્તિત્વનો પણ સ્વીકાર.

    Disorder in order.

          આમ તો આ બધી સાહિત્યિક / આધ્યાત્મિક વાત થઈ ગણાય પણ આપણને જાણીને નવાઈ થશે કે, સૌથી આધુનિક વિજ્ઞાન પણ અવ્યવસ્થિતતાનો સ્વીકાર કરે છે ! એ માટે એમણે એક રૂપકડો શબ્દ બનાવ્યો છે-

    CHAOS THEORY


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ‘આ કથા નથી.’

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ઘર માટે જરૂરી પત્થર, ચૂનો બધું જ હતું. જો થોડુંક વિસ્તરીને ઊંચાઈ પકડી હોત તો ઘરની દીવાલો બની હોત. એક ઘર બન્યું હોત, પણ બન્યું નહીં. ધરતી પર જ પ્રસરાઈને રહી ગયું. ઉંમરભર બંને સડકની જેમ સડક પર જ ચાલતાં રહ્યાં.

    સડકની જેમ સાવ સાથે તેમ છતાં દૂર દૂર જ રહ્યાં. ક્યારેક મળીને લીન થઈ જતાં રસ્તાની જેમ મળ્યાં. ક્યારેક મળીને છૂટાં પડી ગયાં. ક્યારેક પગની નીચે ફેલાયેલી સડકને જોઈને બંનેને એક વિચાર આવતો. અરે! અહીં તો એક ઘર બની શક્યું હોત, તેમ છતાં બન્યું નહીં એ વાસ્તવિકતા હતી જે બંનેને પીડા આપતી રહી. ક્યારેક નીચે ફેલાયેલી જમીનમાં એ ઘરનો પાયો ખોદાતો, એમાંથી એક સપનાનાં ઘરને રચાતું જોઈ શકતાં. અત્યંત સહજતાથી એ ઘરમાં વર્ષોથી બંને પોતાને વસેલાં અનુભવી શકતાં.

    આ વાત છે ‘અ’ નામની સ્ત્રી અને ‘સ’ નામના પુરુષની.

    આજની જે વાત છે એ કોઈ એમની ભરપૂર યુવાવસ્થાની વાત નહીં, ઢળતી ઉંમરની વાત છે. ‘અ’ સરકારી મીટિંગ માટે ‘સ’ ના શહેરમાં ગઈ હતી. ‘અ’ અને ‘સ’ બંને એક સમાન સરકારી હોદ્દા પર હતાં. ‘અ’ માટે આજની મીટિંગ પછી પાછા જવાની ટિકીટ પણ તૈયાર હતી. પણ ‘સ’ આજે ‘અ’ અહીં રોકાઈ રહે એવું ઇચ્છતા હતા.

    ‘અ’ નો સામાન હોટલ પરથી લઈને ગાડી એરપોર્ટના બદલે સીધી પોતાના ઘર તરફ લીધી.

    “અરે, બે કલાકમાં માંડ હું એરપોર્ટ પહોંચી શકીશ. પ્લેન ચૂકી જઈશ.” ‘અ’ થી બોલાઈ ગયું.

    “પ્લેન તો કાલે પણ જશે, પરમદિવસે પણ જશે. મા ઘરે રાહ જોતી હશે” બસ આટલું કહીને ‘સ’ એ ચુપકીદી સાધી લીધી.

    મીટિંગ માટે એ આવવાની છે એવું મા ને કેમ કહ્યું હશે એ સવાલ ‘અ’ ના મનમાં ઊઠ્યો પણ મન પાસે એનો કોઈ જવાબ નહોતો. ગાડીની બહાર વિસ્તરેલા શહેરની ઈમારતો એ જોતી રહી. થોડા સમય પછી ગાડી શહેરની બહારના ખુલ્લા, મોકળા વિસ્તાર સુધી પહોંચી ગઈ. ઈમારતો પાછળ રહી અને પામ વૃક્ષોની હારમાળા નજરે ચઢવા માંડી.

    સાવ નજીક આવી રહેલા સાગર પરથી વહી આવતી સુવાસથી ‘અ’ના શ્વાસો જાણે ખારાશ અનુભવી રહ્યા. પવનથી ફરફરી રહેલાં પામ વૃક્ષોના પાંદડાની જેમ ‘અ’ એના હાથોમાં કંપન અનુભવી રહી. ઘર વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું.

    વૃક્ષોથી ઘેરાયેલા કૉટેજ જેવાં ઘર પાસે ગાડી પહોંચી. ઘરની અંદર જતાં પહેલાં ‘અ’ કેળાનાં ઝાડ પાસે અટકી ગઈ. એને થયું કે પોતાના હાથની કંપન આ કેળાના પત્તાની કંપનની વચ્ચે મૂકી દે પણ ન કરી શકી.

    માએ ગાડીનો અવાજ સાંભળી લીધો હતો. મા બહાર આવી અને હંમેશની જેમ ‘અ’નું માથું ચૂમી લીધું અને કહ્યું, “આવ દીકરી.”

    જાણે માએ માથે હાથ ફેરવવાની સાથે વર્ષોથી અનુભવાતો ભાર ઊતારી દીધો, એવી હળવાશ ‘અ’ એ અનુભવી.

    “શું પીશ દીકરા?”  મા એ પૂછ્યું.

    “પહેલાં ચા બનાવ મા, પછી જમવાનું” અંદર આવેલા ‘સ’ એ જવાબ આપ્યો. ‘અ’ નો સામાન લઈને અંદર આવી રહેલા ડ્રાઈવરને બે દિવસ પછીની ટિકિટ લાવવાનું કહીને મા તરફ ફર્યો.

    “મા, કેટલાંય સમયથી તું દોસ્તોને જમવા બોલાવવાનું કહેતી હતી. કાલે બોલાવી લે.”

    “પણ બે કલાક પછી મારી પ્લેનની ટિકિટ છે.”

    “ટિકિટની શું ચિંતા કરે છે. આટલું કહે છે તો રોકાઈ જા.”

    હવે ‘અ’ પાસે બોલવાનું કશું બાકી નહોતું. એ ખુરશી પરથી ઊભી થઈને બહાર વરંડામાં આવી ગઈ. સામે દેખાતી પામ વૃક્ષોની પેલે પાર દેખાતા સમુદ્રનો ધ્વની સંભળાતો હતો.

    “પણ કેમ?” ‘અ’ પૂછવા માંગતી હતી. પણ ન પૂછી શકી. એને થયું કે માત્ર આજે જ નહીં, જીવનના અનેક ‘કેમ’ સાગરના તટ પર ઊગેલા આ પામ વૃક્ષોના ફરફરી રહેલાં પત્તાની જેમ એના મનમાં ફરફરી રહ્યા છે. અંદર આવીને ઘરનાં મહેમાનની જેમ એણે ચા પીધી.

    ઘરમાં એક લાંબી બેઠક, ડાઇનિંગ અને બીજા બે રૂમ હતા જેમાંનો એક મા અને બીજો ‘સ’નો હતો. આજે જીદ કરીને માએ પોતાનો રૂમ ‘અ’ને આપી દીધો અને પોતે બેઠકરૂમમાં સૂઈ ગઈ.

    માના રૂમની બરાબર બાજુમાં ‘સ’ નો રૂમ હતો. બંને સૂઈ ગયાં હતાં. ઘરમાં જાણે નિતાંત શાંતિ હતી. થોડી વારે ‘અ’ પણ સૂઈ ગઈ. સવારે ઊઠી ત્યારે સવારનો કૂણો તડકો કડક બનીને રૂમમાં રેલાઈ રહ્યો હતો. બહાર સંભળાતા અવાજ પરથી સાંધ્ય દાવતની તૈયારી ચાલી રહી હોય એવું એ અનુભવી શકી.

    ‘અ’ બહાર આવી. સામે જ ‘સ’ એના રાત્રી પોષાકમાં ઊભો હતો,.આજ સુધી જોયેલા ‘સ’ કરતા સાવ જુદો. આજ સુધી ‘સ’ને સડક પર, કૉફી શૉપમાં, હોટલમાં, સરકારી મીટિંગોમાં જ જોયો હતો. આજની આ નવી ઓળખ ‘અ’ની આંખોમાં જડાઈ ગઈ.

    “આ બે સોફા છે એને જરા ખસેડીશું તો બેઠકમાં જગ્યાની મોકળાશ લાગશે. પછી જેને સાંજે જમવા બોલાવવા છે એમના ઘરે જઈને આમંત્રણ આપી આવીએ અને પાછાં વળતાં ફળો વગેરે લેતા આવીશું.”. ‘સ’ બોલ્યો. જાણે ‘અ’ની અસ્વસ્થતા પારખીને એને સહજ કરવાનો પ્રયાસ કર્યો.

    બંને એમના જૂના પરિચિત દોસ્તોના ઘરે જઈને આમંત્રણ આપી આવ્યાં અને સાંજ માટે ઘરને ફૂલોથી સજાવવામાં વ્યસ્ત બની ગયાં.

    લગભગ સાત વર્ષે બંને મળ્યાં હતાં, તેમ છતાં સાત વર્ષે મળતી વ્યક્તિઓની વાતો જેટલી ઉત્કટતાના બદલે સાવ સહજભાવે, સાવ ઉપરછલ્લી સપાટીએ વાતો થતી રહી.

    આજે બંનેને એકસાથે જોઈને દોસ્તોને આશ્ચર્ય થયું. એ દોસ્તોનું આશ્ચર્ય જોઈને ‘સ’ને મઝા આવતી હતી. પાછાં ફરતાં હવે ‘અ’ પણ થોડી હળવાશ અનુવભવી રહી. ‘સ’ના આનંદ, ઉમળકાની સાથે એ પણ આનંદિત બની રહી.

    સાંજે ‘સ’એ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી. કટોરામાં બ્રાંડી કાઢીને માએ ‘સ’ની છાતી પર લગાવવા ‘અ’ને આપી. હવે એ થોડી સહજ થઈ હતી. શર્ટનાં બટન ખોલીને ‘સ’ ની છાતીથી માંડીને ખભા સુધી ચોળવા માંડી.

    બહાર પવનના લીધે પામ વૃક્ષોના પાંદડામાં કંપન હતું પણ ‘અ’ના હાથમાં હવે કંપન નહોતું રહ્યું.

    સાંજ પડતાં મહેમાનોથી ઘર ભરાવા માંડ્યું. ‘અ’ હવે એકદમ સહજતાથી મહેમાન મટી, યજમાન બનીને મહેમાનોનું સ્વાગત કરવા માંડી હતી.

    સૌ વિખરાવા માંડ્યા. આજે ‘અ’એ સૂટકેસમાંથી રાત્રી પોશાક કાઢીને પહેર્યો. કદાચ એને અહીં ઘર જેવી અનુભૂતિ જોઈતી હતી? જો કે ગમે એટલી સહજ બનવા છતાં એ પેલાં સપનાના ઘર જેવી લાગણી અનુભવી શકતી નહોતી. એ ઘર જે એણે કેટલીય વાર બનતાં. વિખેરાતાં જોયું હતું.

    કેટલાંય વર્ષો પસાર થઈ ગયાં? એ વિચારી રહી. કદાચ પચ્ચીસ કે ત્રીસ?

    પહેલી વાર એ બંને જીવનના કોઈ એક મોડ પર મળી ગયાં હતાં. કોણ કયા રસ્તેથી આવ્યું એ પૂછવાનું, કહેવાનું રહી ગયું હતું. ત્યાંથી અને ત્યારથી એક ઘર, સપનાનું ઘર હંમેશા બનતું રહ્યું હતું અને બંને જણ સહજતાથી આખો દિવસ એ સપનાના ઘરમાં વસી શકતાં હતાં, શ્વસી શકતાં હતાં.

    બંનેને જાણે યાદ આવતું કે એમના રસ્તા જ અલગ હતાં. બંનેના રસ્તા વચ્ચે એક ઊંડી ખાઈ હતી. બંનેને એ ખાઈ ઓળંગવી હતી.

    “આ ખાઈને તું કેવી રીતે ઓળંગી શકીશ?”  ‘સ’ જાણે ‘અ’ને પૂછતો હતો.

    ‘‘તું હાથ પકડીને પાર કરાવીશ તો મજહબની એ ખાઈ પણ પાર કરી શકીશ” ‘અ’ને કહેવું હતું.

    એ શક્ય નહોતું. ‘અ’ની આંગળીઓ પર ચમકતી હીરાની વીંટી આડી આવતી હતી.

    “તારી આંગળીઓ પર કાનૂનની મહોર લાગેલી છે, એનું હું શું કરીશ?”

    “તું એક વાર કહી તો જો, કાનૂનની આ મહોર પણ હું ત્યજી દઈશ.”

    એ શક્ય ન બન્યું. સમાંતરે ચાલતી પણ ક્યારેય નજીક ન આવી શકતાં રસ્તાની બે બાજુની જેમ એ બંને પણ એમ જ અલગ અલગ ચાલતાં રહ્યાં. સમય સરતો રહ્યો.

    લાંબા અરસા બાદ અચાનક ‘સ’એ ‘અ’ને જોઈ. સાથે એક બાળક હતું. સમાયંતરે મળેલાં એ બંને બાળકની સાથે જ કૉફી શૉપમાં ગયાં. એકવાર ફરી એ ખૂણામાં સપનાનું ઘર રચાઈ ગયું. વિખેરાઈ ગયું.

    વળી એકવાર અચાનક ટ્રેનમાં બંનેની મુલાકાત થઈ ગઈ. ‘સ’ ની સાથે મા હતી, એક દોસ્ત હતો. દોસ્તે સમજીને પોતાની સીટ ‘અ’ને આપી. ગાડીમાં ઠંડીની બચવા માએ ઓઢવા બંને વચ્ચે એક કામળો આપ્યો. ચાલતી ગાડીમાં એ કામળાની કિનારે કિનારે સપનાના ઘરની દીવાલો ઊભી થવા માંડી હતી.

    સપનાનાં ઘરની દીવાલો ચણાતી રહી, તૂટતી રહી, બંને વચ્ચે ખંડિયેર જેવી શાંતિનો ખડકલો થતો રહ્યો. ‘સ’ ને કોઈ બંધન નહોતું. ‘અ’ને હતું. એ તોડવા તૈયાર પણ હતી. તો એવું શું હતું કે આખું જીવન બંને જણ રસ્તાના બે કિનારાની જેમ અલગ ચાલતાં રહ્યાં? હવે તો ઉંમર પણ વીતતી ગઈ. ‘અ’એ જીવનનાં એ ચઢતા મધ્યાનના દિવસો અને હવે પછી ઢળતી સંધ્યાના દિવસોમાં પણ પોતાની જાતને અનેકવાર સવાલ કર્યા. એકવાર તો ‘સ’ ને પૂછી પણ લીધું. એની પાસે પણ કોઈ ઉત્તર નહોતા.

    ‘સ’ને દિવસના અજવાળા માફક નહોતાં આવતાં. ‘અ’ ને થતું કે એ એકવાર સૂરજને પકડીને એનું અજવાળું ઓલવી દે. દિવસે તો ક્યાંય પણ રહી શકાય પણ રાત તો માત્ર ઘરમાં જ હોય, પણ ઘર ક્યાં હતું? એમની પાસે માત્ર ખુલ્લા રસ્તાઓ હતા, દિવસો હતા, સૂરજ હતો અને ‘સ’ ને તો સૂરજની રોશની કરતા, રાતની ચાંદની વધુ ગમતી.

    હવે ઉંમર ઢળવામાં હતી. ‘અ’ને યુવાનીના એ તપતા દિવસોનો વિચાર આવ્યો અને વર્તમાનના ઢળતા દિવસોનોય વિચાર આવતો હતો. એને યાદ આવતું હતું કે એણે ‘સ’ ના મૌન વિશે જાણવા પ્રયાસ કર્યો હતો.

    કેટલીય વાર ‘અ’ને મન થઈ આવતું કે એ થોડી આગળ આવીને, હાથ લંબાવે અને ‘સ’ને એની ખામોશીમાંથી ખેંચીને બહાર લઈ આવે. પણ એની નજર પોતાના લંબાવેલા હાથ તરફ જતી અને એ અટકી જતી. કદાચ આંગળી પરની હીરાની વીંટી એને એમ કરતાં રોકતી હતી.

    એકવાર તો ‘અ’ને વિચાર આવ્યો કે કોઈ એવી દુનિયામાં એ બંને પહોંચી જાય, અને ક્યારેય ફરી પાછાં જ ન આવે. એમ ન થયું. બંને માત્ર કોઈ એક રસ્તા પર મળતાં રહ્યાં. હા, હંમેશા એવું બનતું કે જ્યાં મળતાં ત્યાં સપનાના ઘરની દિવાલો ઊભી થવા માંડતી.

    આજે ‘અ’ના ચહેરા પર સ્મિત ફરકી ગયું. એ સમય હતો જ્યારે બંનેની યુવાની દિવસો હતા. અને હવે? તેમ છતાં આજે પણ એ સપનાનું ઘર બંધાતું અનુભવી શકતી હતી. જાણે સપનાના ઘરને ઉંમર સાથે કોઈ નિસ્બત જ નહોતી.

    બાકીની રાત પણ એમ જ વિચારોમાં વહી ગઈ. સવારે એરપોર્ટ જવાનો સમય થઈ ગયો. ‘અ’ રૂમમાંથી બહાર જવા નીકળી. ‘સ’ રૂમમાં અંદર આવવા ગયો. બંને એક એવા દરવાજા પર ઊભા હતાં જે ફરી બહાર રસ્તા પર ખૂલતો હતો.

    ડ્રાઇવરે આવીને ‘અ’નો સામાન કારમાં મૂકી દીધો. ‘અ’ને પોતાના હાથ ખાલી, સાવ ખાલી લાગ્યા. ઉંબરા પાસે એ અટકી ગઈ. પાછી વળીને બેઠકમાં સૂઈ રહેલાં માને ખાલી હાથ જોડીને પ્રણામ કરીને બહાર આવી ગઈ.

    કાર એરપોર્ટ પર જવાના રસ્તા પર આવી. રસ્તો ક્યાં શરૂ થયો અને ક્યારે પૂરો થયો?

    ‘અ’ અને ‘સ’ બંને ચૂપ હતાં. બંનેને ઘણું કહેવું હતું, સાંભળવું હતું, ઘણી વાતો હતી પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હવે તો શબ્દોય જાણે રસ્તા પર વેરાઈ ગયા હતા કે પછી સમુદ્ર કિનારે ફેલાયેલા પામનાં વૃક્ષ બની ગયા હતા.


    અમૃતા પ્રિતમ લિખિત – ‘યે કહાની નહીં’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જુલિયેટ

    વલીભાઈ મુસા

    પારંપરિક લૂક ધરાવતા  બેડરૂમની સીલિંગ લાઈટ્સ ઓફ છે. એક માત્ર પ્રવેશદ્વારે ટ્યુબલાઈટ ઝળહળી રહી છે. ઓરડાના મધ્યભાગે પિત્તળના મહાકળશમાં ઉગાડાયેલાં વિવિવિધરંગી ગુલાબનાં ફૂલોની જગ્યાએ માત્ર શ્યામરંગી ગુલાબ જ દેખા દે છે. બારીઓના પડદા શ્યામ અને ફ્લોર ઉપરની કારપેટ પણ શ્યામ. પલંગની મચ્છરદાની, ગાદલાની ચાદર, રજાઈ,  પિલોકવર સઘળું શ્યામ; દિવાલો પણ બ્લેક વોલપેપરથી એવી શ્યામરંગી, જાણે કે બેડરૂમ કોઈ સ્ટુડીઓનો ડાર્કરૂમ ન હોય! તો વળી તેણે પરિધાન કરેલો નાઈટગાઉન પણ શ્યામ જ છે. એક માત્ર ગૌર દેખાય છે, એનું વદન; હા, જુલિયેટનું વદન. ફુલ સ્લીવ નાઈટગાઉનની બાંયોની નીચેથી દેખાતા એના હાથના ગૌર પંજા અને પગનાં તળિયાં પણ ગૌર જ. જુલિયેટે તેના પતિ લોરેન્સ સાથેના સંબંધોનો છેદ ઉડાડીને બે બાળકો સાથે માતૃગૃહે પાછી ફર્યા પછી ઇન્ટિરિઅર ડેકોરેટર્સને બોલાવીને પોતાના બેડરૂમની આંતરિક સજ્જાને વૈરાગ્ય અને ઉદાસીના પ્રતીકસમી શ્યામલ બનાવડાવી દીધી હતી, એટલા માટે કે હવે લોરેન્સથી છૂટા પડ્યા પછી તેના જીવનમાં અન્ય રંગો માટે કોઈ સ્થાન રહ્યું ન હતું. જો કે જુલિયેટની માતા ઈલિઝાબેથ કે તેનાં સંતાનોને તેની આ હરકતનું કોઈ આશ્ચર્ય થયું ન હતું, કેમ કે તેઓ તેને ધૂની અને સ્વૈરવિહારી સમજતાં હતાં; વળી તેના આંતરિક કારણથી તેઓ અજ્ઞાત પણ હતાં.

    એ રાત્રિએ જુલિયેટ ભરનિદ્રામાં હતી અને તેને લાગ્યું કે તેના મસ્તકના કેશમાં કોઈકની કોમળ આંગળીઓ ફરી રહી છે. એ આંગળીઓ હળવેકથી પક્ષીના પીછાની જેમ તેની ભ્રમરના મધ્ય ભાગ, કાનબુટ્ટીઓ અને નાસિકાના મધ્ય ભાગથી ઉપલા ઓષ્ઠ વચ્ચેની ખાંચ(Philtrum)ને સ્પર્શી રહી છે. હવે એ આંગળીઓ કેટલાક સમય સુધી તેના બિડાયેલા ઓષ્ઠને હળવેકથી સ્પર્શ્યા પછી તેની હથેળીનો પૃષ્ઠભાગ તેના ગાલો ઉપર નાજુક રીતે ફરવા માંડે છે અને તે ઝબકીને જાગી જાય છે. ઉપરાઉપરી તાલીસ્વરે તે સેન્સર નાઈટ લેમ્પને તેજોમય કરીને ભયભીત નજરે બેડરૂમમાં ચારે તરફ જોઈ વળે છે અને કોઈ ન દેખાતાં તેને ખાત્રી થઈ જાય છે કે એ સ્વપ્ન માત્ર જ હતું. વળી એને એ અહેસાસ પણ થઈ જાય છે કે સ્વપ્નિલ એ સ્પર્શ અન્ય કોઈનો નહિ, પણ લોરેન્સનો જ હતો. શય્યાસુખ પૂર્વે આવી જ આંગિક પ્રણયચેષ્ટાઓ લોરેન્સ કરતો અને જુલિયેટ પણ એ ચેષ્ટાઓની આદી થઈ ગઈ હતી. વળી બંધ આંખે એ સઘળી સંવનનક્રિયાઓને મન ભરીને તે માણતી પણ ખરી.

    જાગી ગયેલી જુલિયેટ પલંગ નીચેની સુટકેસમાંથી ફોટો-આલ્બમ કાઢે છે અને શૂન્યમનસ્કભાવે અને શુષ્ક નજરે ટેબલ લેમ્પના અજવાળામાં મેરેજના અને હનીમૂનના ફોટાઓ જોવા માંડે છે. પરંતુ લોરેન્સ સાથે બેસીને આ જ આલ્બમને અનેકવાર જોવા છતાં પણ ધરપત મહેસુસ ન કરી શકતી એ જ જુલિયેટને આજે રસ પડતો નથી. બગાસું ખાતાં તેને છાતી સરસું ચાંપીને નાઈટલેમ્પને ડીમ કરી દે છે અને છેલ્લા અઠવાડિયા સિવાયના દસકાનાં મધુર દાંપત્યજીવનનાં સંસ્મરણોને વાગોળતાં વાગોળતાં તે ફરી પાછી નિદ્રાધીન થઈ જાય છે.

    પરંતુ જુલિયેટનું અજ્ઞાત મન તો લોરેન્સથી વૈવાહિક સંબંધે છૂટા પડવાના છેલ્લા ઘટનાક્રમને જ  ઉખેળવા માંડે છે. આજલગીનું સુમેળભર્યું અને અન્યોન્ય નિર્ભેળ પ્રેમનું સિંચન પામીને ઘટાદાર બનેલું એમનું દાંપત્યવૃક્ષ એ દિવસે  અચાનક ઉન્મૂલન પામ્યું હતું અને એના માટે જવાબદાર પોતે જ  હતી. એ સાંજે ખુશમિજાજ ચહેરે ઓફિસેથી ઘરે આવેલા લોરેન્સ ઉપર કોઈપણ જાતની પૂર્વભૂમિકા વગર એણે વજ્રઘાત કર્યો હતો. જુલિયેટપક્ષે સ્વસ્થતાપૂર્વક અને લોરેન્સપક્ષે આઘાત અને આશ્ચર્યમિશ્રિત ભાવે તેમની વચ્ચે આમ સંવાદ થયો હતો :

    ‘મારી કેટલીક શરતો તને સ્વીકાર્ય હોય, લોરેન્સ, તો આપણી આપસી સંમતિથી;, નહિ તો ફેમિલી કોર્ટના ચૂકાદા હેઠળ આપણે છૂટાં પડીએ છીએ.’

    ‘ઓ માય ગોડ, તું ગાંડી તો નથી થઈ ગઈ! તને ભાન છે કે તું શું બોલી રહી છે? તારો મજાક કરવાનો ભાવ હોય તો આવી ગંભીર અને આઘાતજનક મજાક થાય ખરી?’’

    ‘મજાક નથી, હકીકત છે; અને તું માથું પટકશે તો પણ તને કારણ તો નહિ જ જણાવું.’

    ‘જુલી, ફોર ધ ગૉડઝ સેક, મને પરેશાન ન કર. ઘડીભર માની લઉં કે તું ગંભીર છે, તો પણ ફેમિલી કોર્ટની રૂએ મને કારણ તો આપવું જ પડે ને!’

    ‘આપણો મામલો કોર્ટે જશે, તો ત્યાં કારણ આપીશ; અને એ પણ સાવ ખોટેખોટું! ડાયવોર્સની મારી માગણીને સાચી ઠેરવવા ઈશ્વરની માફી માગીને મારે તારા ઉપર ખોટા આક્ષેપો પણ કરવા પડશે! આપણાં બેઉની ભલાઈ એમાં છે કે આપણે રાજીખુશીથી છૂટાં પડીએ.’

    ‘જો હવે હું ગંભીરતાપૂર્વક કહું છું કે આપણા કેબિનેટની આંતરિક સેઈફમાંની મારી  રિવોલ્વરથી મને શુટ કરી દે એટલે ડાયવોર્સની જફા વગર તું મારાથી આપોઆપ છૂટી, બસ! વળી હું સ્વૈચ્છિક રીતે સુસાઈડ કરી રહ્યો છું એવી  નોટ લખીશ એટલે તું આરોપમુક્ત! આનાથી વધારે તો તારા માટે હું બીજું શું કરી શકું?’ આમ કહેતાં લોરેન્સ રડી પડ્યો હતો.

    ‘એમ કરું કે, લોરેન્સ, હું જ મને પતાવી દઉં તો!’

    ‘આમ કહીને તું મને ઇમોશનલ ધમકી આપી રહી છે, ખરું ને! ઈશ્વરને ખાતર ધીમેથી બોલ, નહિ તો છોકરાં સમજશે કે આપણે ઝઘડી રહ્યાં છીએ.’

    ‘મેં એમને મારી મોમના ત્યાં મોકલી દીધાં છે.’

    ‘વાત આટલે સુધી પહોંચી ગઈ અને એ પણ મારી ગેરહાજરીમાં! તું મને ગાંડો કરી દઈશ, જુલી!’

    ‘હવે આડીઅવળી વાત પડતી મૂક, લોરેન્સ, અને મને જવાબ આપ કે આપણે કઈ રીતે છૂટાં પડવું છે?’

    ‘મારાં પેરન્ટ્સ તો આ દુનિયામાં મોજુદ નથી અને આપણાં બેઉ વચ્ચે એક માત્ર પેરન્ટ તરીકે તારાં મોમ મોજુદ છે. ચાલ, આપણે તેમના ઉપર છોડીએ કે આપણે કેવી રીતે છૂટાં પડવું? જોઈએ તો ખરાં કે તેઓ  કેવો માતૃધર્મ નિભાવે છે!’ લોરેન્સ ખિન્ન વદને બોલ્યો.

    ‘તું ભલે મને ઇમોશનલી બ્લેક મેઈલ ન કરતો હોય, પણ એટલું તો મક્કમતાપૂર્વક કહીશ કે મારો નિર્ણય અફર છે. હું ઇચ્છું છું કે આપણે આપસી સંમતિથી છૂટાં પડીશું તો જ આ વાત આપણા બે જણ પૂરતી ખાનગી રહેશે અને ખાસ તો મારાં  મોમથી પણ અજાણ રહેશે. હું બાળકો સાથે મોમ સાથે રહીશ એ સૌને બાહ્ય રીતે એમ જ દેખાશે કે મારો ભાઈ જેક કોલેજશિક્ષણ માટે ફિલાડેલ્ફીઆ ચાલ્યો ગયો હોઈ મોમને એકલવાયાપણું ન લાગે માટે હું ત્યાં રહું છું.’

    ‘તારું ખરેખરું કારણ એ જ હોય તો તું ત્યાં રહે અથવા એમને આપણા ભેગાં બોલાવી લઈએ, પણ આ માટે તારું ડાયવોર્સ લેવાનું લોજિક મને સમજાતું નથી.’

    ‘એ સમજાવીશ પણ નહિ. પરંતુ હા, આપણી આપસી સહમતિથી આપણે છૂટાં પડીએ છીએ તેમ મેં તારા ઉપરના વિશ્વાસથી માની લીધું છે; અને તેથી લે, આ કાગળ વાંચી જો, જેમાં મેં મારી શરતો લખી છે. તારે નીચે કોઈ સહી કરવી જરૂરી નથી, કેમ કે એ આપણે બેઉએ સમજવા પૂરતી છે અને આપણે સજ્જનોની જેમ તેનું પાલન કરીશું.’ આમ કહીને જુલિયેટે ભાવવિહીન શુષ્ક ચહેરે લોરેન્સ આગળ કાગળ ધરી દીધો હતો; જેમાં આમ લખેલું હતું. .

    -આપણે આપસી સંમતિથી છૂટાં પડીએ છીએ અને આપણા ડાયવોર્સ આપણા બે જણ વચ્ચે ખાનગી જ રહેશે.

    -હું બંને બાળકો સાથે મોમના ત્યાં રહીશ, એ બાહ્ય દેખાવ હેઠળ કે આપણા સંબંધો નોર્મલ છે અને તું  પણ  વિના રોકટોક અવારનવાર અમારા ત્યાં આવતોજતો રહીશ.

    -ઈશ્વરસાક્ષીએ અને આપણા અંતરાત્માના અવાજે આપણે લગ્નવિચ્છેદ કર્યો હોઈ આપણે એકબીજાંને અજનબી વ્યક્તિઓ તરીકે જ મળીશું અને આપણે પતિપત્ની હોવાનો વિચારસુદ્ધાં પણ નહિ કરીએ.

    -કાયદેસર તારી સ્થાવર-જંગમ મિલ્કતના મારા અડધા હકદાવા હેઠળ મને મળવાપાત્ર નાણાં અથવા વન ટાઈમ એક મિલિયન ડોલર એ બેમાંથી જે ઓછું હોય તે જ તારે રોકડ સ્વરૂપે જ મને ચૂકવવાનું રહેશે.

    -મારા કે સંતાનોના ભરણપોષણ તરીકે કે અન્ય ખર્ચ નિમિત્તે તારે મને કશુંય આપવાનું રહેશે નહિ.

    -સંતાનો પુખ્તવયનાં થયેથી તેમની ઇચ્છા મુજબ ગમે ત્યાં રહી શકશે.

    -આપણે પુનર્લગ્ન કરીશું નહિ.

    -મારી ઇચ્છા થયેથી હું ગમે ત્યારે ડાયવોર્સ રદબાતલ કરીને ફરીવાર તારી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ શકીશ.

    લોરેન્સે જુલિયેટને કાગળ પરત આપતાં કહ્યું હતું. ‘હું સારી રીતે જાણું છું કે તું ખુદ્દારી અને કૃતનિશ્ચયતાની એક જીવંત મિસાલ હોઈ તારા નિર્ણયને નહિ જ બદલે અને તેથી કપાતા દિલે પણ તારી ઇચ્છાને માન આપીશ, કેમ કે હું તને બેહદ ચાહું છું અને તે માટે હું ગમે તે કરવા તૈયાર છું. પરંતુ એક વાત તો નક્કી કે તું મારાથી કંઈક છુપાવે છે, જુલિયેટ!’

    ‘હા, એ સાચું અને સમય આવ્યે એ હું તને કહીશ પણ ખરી. મૂળ વાત કે તું નાણાંની વ્યવસ્થા કેટલા દિવસમાં કરી શકીશ?’

    ‘અઠવાડિયું તો થશે જ, કેમ કે તારે રોકડા જ જોઈએ છે. આમ તો તારા હક્કની રૂએ તો મારે અઢળક આપવાનું થાય, પણ તું  એક મિલિયન જ માગે છે એટલે રોકડ સગવડ અંગે મારા માટે એટલી રાહત ગણાય. વળી એ પણ હાથ ઉપર ન હોઈ મારે મિત્રોને ચેક આપીને તેમની પાસેથી રોકડા મેળવવા પડશે.’

    * * *

    ઈલિઝાબેથ દોહિત્ર-દોહીત્રીને સ્કૂલબસમાં બેસાડવા માટે વહેલી સવારે ડ્રાઈવ-વે પાસે ઊભેલાં હતાં અને લોરેન્સની લેક્સસ કાર આવી પહોંચી. એણે કાર ધીમી પાડીને છોકરાંઓને હેલો-હાય કહીને ગરાજ આગળ પાર્ક કરી દીધી. ડોરબેલના અવાજે જુલિયેટે દરવાજો ખોલીને લોરેન્સને આવકાર્યો. ટેલિફોનિક ગોઠવણ મુજ્બ લોરેન્સ સમયસર આવી ગયો હતો.

    લોરેન્સે અંદર દાખલ થતાં જ એકાંતનો લાભ લઈને જુલિયેટના હાથમાં કરન્સીનું પાકીટ પકડાવી દેતાં કહ્યું, ‘મોટી નોટો છે, પૂરા એક મિલિયન.. મોમના આવવા પહેલાં ઠેકાણે મૂકી દે.’

    જુલિયેટના બ્લેક નાઈટ ગાઉન તરફ લોરેન્સનું ધ્યાન જતાં તેનાથી ટીખળ કર્યા સિવાય રહેવાયું નહિ અને કહ્યું,  ‘અરે, આ શું જોઈ રહ્યો છું? શ્યામરંગી વસ્ત્રપરિધાન કરેલી ‘ક્લિયોપેટ્રા’ મુવીની ઈલિઝાબેથ ટેલરની પ્રતિકૃતિ કે પછી મારા એક ભારતીય મિત્રના કહેવા પ્રમાણેની પૂર્વીય મીરાંબાઈ? ‘ઓઢું કાળો બ્લેન્કેટ, દુઝો ડાઘ ન લાગે કોય’ (I am wrapped up in a black  blanket, so that no any stain can tarnish it) એ મતલબનું કંઈક એ ગાતો હતો. મને તેણે એ પણ સમજાવ્યું હતું કે મીરાંનું કાસળ કાઢવા તેને ઝેરનો પ્યાલો મોકલવામાં આવ્યો હતો, પરંતુ આપણા કિસ્સામાં તો સાવ જુદું થાય છે. તેં તો ‘પાશ્ચાત્ય મીરાં’ બનીને જાતે જ ઘૂંટેલા ઝેરનો પ્યાલો ગટગટાવ્યો છે, કેમ ખરું કે નહિ?’

    ‘હવે વહેલી સવારમાં મારો મુડ ખરાબ કર્યા વગર ચૂપ બેસી રહે તો સારું! હવે આપણે મિત્રો છતાંય તારાથી રિસાઈ જવાના મારા અધિકારને મેં જતો કર્યો નથી!’ આમ કહીને જુલિયેટે મધુર ગુસ્સાસહ ત્વરિત બેડરૂમમાં જઈને પેકેટને કેબિનેટમાં મૂકી દીધું.

    થોડીવાર પછી ઈલિઝાબેથનું આગમન થયું અને તેમણે આવતાંની સાથે જ જણાવી દીધું કે પોતે હાલ જ ગ્રોસરીનો કેટલોક સામાન ખરીદવા બહાર જાય છે. એક અઠવાડિયે ભેગાં મળેલાં એમને પ્રાયવસી મળી રહે તે આશયે એમણે બહાનું ઊભું કર્યું હતું.

    જુલિયેટે લોરેન્સને બ્રેકફાસ્ટનું પૂછતાં તેણે અનીચ્છા દર્શાવી અને જુલિયેટને હાથના ઈશારાથી સામેના સોફા ઉપર બેસવાનું કહ્યું.

    ‘સામેના સોફે કેમ? તારી પાસે અડીને ન બેસી શકું?’

    ‘તારી જ તો શરત છે કે આપણે એકબીજાંને અજનબીની રીતે મળીશું અને પતિપત્ની હોવાનો વિચારસુદ્ધાં પણ નહિ કરીએ!’

    ‘તો પછી તું મને પજવે છે કેમ? રાત્રે ચેનથી ઊંઘવા પણ દેતો નથી!’

    ’હું તને પજવું છું! તને અહીં આવ્યાને અઠવાડિયું થયું. પહેલીવાર રૂબરૂ મળીએ છીએ અને આપણી વચ્ચે ફોન ઉપર  રાત્રે કે ક્યારેય કોઈ વાતચીત પણ થઈ નથી. પણ હા સમજ્યો!  તો હું રાત્રે જ હેરાન કરું છું, એમ ને! એ પણ સપનામાં જ, ખરું ને! ખરે જ તું હેરાન થતી હોય, તો …તો હું રોજ રાત્રે એમ જ કરીશ!  ’

    ‘ચાલ, એ વાત રહેવા દે. હું તને પૂછું છું કે મારી ગેરહાજરીમાં તને કોઈ અગવડતા પડે છે, ખરી?’

    ‘તમાચો ઠોકી દીધા પછી પૂછવાનું કે ગાલ તતડે છે?’

    ‘મારા ગાલ ઉપર પણ તમાચો તો પડ્યો જ છે ને, ભલે ને પછી મેં જ મને જડી દીધો હોય!’

    ‘પોતાના હાથે પોતાના ગાલ ઉપર તમાચો તો હળવો જ પડે, સામેવાળાને તો ખેંચીને જ દેવાય ને! હું કહું છું કે આપણે એકબીજાંના તતડતા ગાલોને પંપાળીને રાહત આપવી જ હોય, તો હજુય ક્યાં મોડું થયું છે? હાલ જ ચર્ચ તરફ દોડી જઈએ, ફાધર આગળ પશ્ચાત્તાપ કરી લઈએ, ફરી જોડાઈ જઈએ અને એકબીજાંના ગાલોને પંપાળી લઈએ!’

    ‘એમ જ થશે, પણ એ સમય આવ્યે! મારી આખરી બે શરતો પણ એવી જ છે ને! કેમ ભૂલી જાય છે?’

    ‘ભૂલ્યો નથી, કેમ કે એ જ તો મારા જીવનની આશાદોરી છે ને! પણ હું પૂછું છું કે આ તે તારી કેવી અદાલત? તું કેદની સજા ફરમાવે, પણ કેટલાં વર્ષની એ ચૂકાદામાં જણાવે જ નહિ!’

    ‘અંદાજે વર્ષ જણાવું તો ચાલે?’

    ‘ના, મારે તો સજામાફી જ જોઈએ. તું નહિ સાંભળે, તો ઉપલી અદાલતમાં અપીલ કરીશ, મોમની અદાલતમાં!’

    ‘ઈશ્વરને ખાતર તેમ કરીશ નહિ. મોમ દુ:ખીદુ:ખી થઈ જશે!’

    ‘તો તારા આ પગલાથી હું સુખીસુખી થઈ ગયો એમ તું માને છે? તારા ચૂકાદાની પાયાની ખામી એ જ કે તેં મને આરોપ તો સંભળાવ્યો જ નથી!’

    ‘પણ તું આરોપી હોય તો જ આરોપનામું સંભળાવું ને! આરોપી તો હું જ છું અને મેં જ મને સજા ફરમાવી છે. તારા ઉપર તો મારી સજાની આડઅસર થઈ ગણાય!’

    ‘નિર્દોષને સજા એ વળી ક્યાંનો ન્યાય ગણાય? વળી મારા માટે એ સજાની આડસસર નહિ, પણ સીધી જ અસર કહેવાય!.’

    ‘તો શું તું એમ માને છે કે મને આપણા વિયોગનું કોઈ દુ:ખ નહિ થતું હોય! જાણવું છે તારે, મારું દુ:ખ? તો જા, મારો બેડરૂમ જોઈ આવ.’

    ‘શું દિવાલો ઉપર મારા ફોટા જડી દીધા છે કે શું?’

    ‘એ તો તું જ જોઈ આવ ને!’ આમ કહેતાં જુલિયેટ હૈયાફાટ રડી પડી.

    ગભરાયેલો લોરેન્સ જુલિયેટના બેડરૂમ તરફ ધસી ગયો અને શ્યામરંગી ઇન્ટિરિયર જોતાં જ ફાટ્યા અવાજે બોલી ઊઠ્યો, ‘અરે પગલી, હું મરી નથી ગયો; જીવું છું, જીવતોજાગતો તારી સામે તો છું! તારી આવી માનસિક હાલત જોતાં હવે મને લાગે છે કે મારે તને હમણાં જ મારી સાથે લઈ જવી પડશે. હું તારી શરતોને ખારિજ કરું છું. તું એમ ન માનતી કે મને તારા આવા ઘાતકી પગલા પાછળના કારણની ખબર ન પડે! તારે કોઈક કારણોસર નાણાંની જરૂર હતી અને તેં તારી ખુદ્દારીએ મારી પાસે સીધી માગણી ન મૂકતાં આપણા મધુર દાંપત્યજીવનને વટાવી ખાધું. પરંતુ તું એ ભૂલી ગઈ કે દિવ્ય પ્રેમથી જોડાયેલાં પતિપત્ની એકબીજાંનાં સુખદુ:ખનાં સાથી હોય છે. આપણે લગ્ન પહેલાં ‘હું’ અને ‘તું’ હતાં અને લગ્ન પછી ‘આપણે’ બની ગયાં કહેવાઈએ. તારે ડાયવોર્સના આવા જલદ માર્ગે જવા પહેલાં મને ચકાસવો જોઈતો તો હતો!  ખેર, આમ છતાંય હું તને દોષ નથી દેતો, કેમ કે તેં કોઈ ઉમદા હેતુ માટે ડાયવોર્સ અને તે થકી મળનારા નાણાંકીય લાભને રોકડો કરી લીધો લાગે છે. હવે મારે જાણવું તો પડશે જ કે તારો કયો એવો ઉમદા હેતુ છે કે જેના માટે તારે આમ ઝેરનાં પારખાં કરવાં પડ્યાં!’

    જુલિયેટને લોરેન્સના સીધા વાકપ્રહાર સામે ઝૂકી જવું પડ્યું અને રડતાંકકળતાં કહેવું પડ્યું, ‘લોરેન્સ, એ ઉમદા હેતુ છે, બબ્બે જિંદગીઓ બચાવવાનો; એક, જેકની અને બીજી તેના દોસ્ત જહોન્સનની. હું આજે જ મોમ આગળ જેકને મળવા જવાનું બહાનું કરીને આ નાણાં લઈને હું ફિલાડેલ્ફિઆ જવાની હતી. હવે આપણા બેઉ વચ્ચે વાત ઊઘાડી પડી જ ગઈ છે, તો આપણે બંને સાથે જ જઈશું. મોમને આ વાતની ખબર ન પડવી જોઈએ, નહિ તો તે આંતરિક રીતે તૂટી પડશે.’

    લોરેન્સ આ સાંભળીને રાડ પાડતાં બોલી પડ્યો, ‘આટલી ગંભીર વાતનો મારી સાથે પડદો! તેં મને પરાયો ગણ્યો, એમ ને! કેમ, જેક મારો પણ ભાઈ ન ગણાય? વળી એનો મિત્ર પણ પરાયો કેમ ગણાય? એ જુવાનિયાઓ એવું તે શું પરાક્રમ કરી બેઠા કે આવડી મોટી નાણાંકીય આફતમાં ઘેરાઈ ગયા? કોઈ ખંડણીખોરોએ એમને બાનમાં લીધા છે કે શું? આજકાલ આપણા દેશમાં આવા ક્રાઈમ ખૂબ જ વધી ગયા છે. ખેર, માંડીને વાત કર કે હકીકત શું છે?’

    ‘વાત એમ છે, લોરેન્સ, કે આપણો જેક સીધોસાદો અને નિખાલસ હોઈ સહજ રીતે જ જહોન્સનનો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો. તેણે વાતવાતમાં જણાવી દીધું હતું કે પોતે આર્થિક રીતે મધ્યમવર્ગનો માણસ છે. અહીં ફિલાડેલ્ફિઆ ખાતે પોતે ભણવા આવી શક્યો છે તે તેનાં બહેન અને જીજાજીની ઉદારદિલિ આર્થિક સહાયના કારણે જ તો. તેણે એ પણ જણાવ્યું હતું કે અમે સ્વમાની છીએ અને મારી બહેનને પણ જીજાજીની આવી સહાય લેવી ગમી નથી. તે માને છે કે દાંપત્યજીવનમાં અંગત સ્વાર્થ આડો આવવો જોઈએ નહિ. જહોન્સને જેકની વાત ગંભીરતાથી લેતાં તેને મદદરૂપ થવા માટેની તૈયારી બતાવી અને તેણે પોતાની યોજના સમજાવી. જહોન્સનના પિતા બિલિયોનર હોઈ તેમણે બેંકના પિતાપુત્રના સંયુક્ત લોકરમાં એક મિલિયન ડોલર રિઝર્વ હાર્ડ કેશ મૂકી રાખ્યા હતા, જે ભવિષ્યે જહોન્સનને કામમાં આવી શકે. લોકરની એક ચાવી જહોન્સન પાસે રહેતી હતી. મૂર્ખાઓએ જલ્દી નાણાં કમાઈ લેવાનો શોર્ટ કટ વિચાર્યો અને કેસિનોના રવાડે ચઢી ગયા. તેમનું ભાગ્ય ખૂલવાની આશામાં ને આશામાં એકાદ મહિનામાં તો સૂપડું સાફ! તેઓ દસેદસ લાખ ડોલર ગુમાવી ચૂક્યા. જહોન્સન ખૂબ જ સંવેદનશીલ હોઈ પિતા આગળ શરમિંદગી ન અનુભવવી પડે તે માટે તેણે જેક આગળ આત્મહત્યા કરી લેવાની ઇચ્છા જણાવી. જેકે કહ્યું કે આ આફત માટે જવાબદાર તે પોતે જ છે અને તેથી આત્મહત્યા તેણે કરી લેવી જોઈએ. જહોને કહ્યું કે ભલે તને આર્થિક સહાય માટે આમ કરવાનો મને વિચાર આવ્યો હોય, પણ તને કંઈ લાખો ડોલરની સહાયની જરૂર ન હતી. મારી પોતાની પણ લાલસા હતી કે પિતાએ મને આપેલા મિલિયન ડોલર આમ લોકરમાં વ્યર્થ પડ્યા રહે તેના કરતાં તેમાં વૃદ્ધિ કરીને હું તેમને સરપ્રાઈઝ આપું. આખરે તેમણે તાજેતરમાં જ ઊજવેલા ફ્રેન્ડશીપ ડે ઉપર એકબીજા માટે મરી ફીટવાના તેમના સંકલ્પને યાદ કરીને એ નતીજા ઉપર આવ્યા હતા કે બંને સાથે જ આત્મહત્યા કરી લેશે. પરંતુ જેકને આપણા ઉપર થોડી આશા બંધાઈ અને એક ચાન્સ લેવાના ઈરાદે તેણે મને ટેલિફોનિક બધી કેફિયત જણાવી. મેં વારાફરતી બંને સાથે વાતચીત કરીને તેમને હૈયાધારણ આપી કે હું પૂરા મિલિયન ડોલર લઈને ટૂંક સમયમાં રૂબરૂ આવું છું અને તમે લોકો કોઈ અવિચારી પગલું ભરતા નહિ. મેં એમને એમ પણ સમજાવ્યું કે તમે બેઉ તરવરતા યુવાન છો, અભ્યાસમાં તેજસ્વી છો, જીવનમાં કંઈક કરી શકવાની તમે લોકો ક્ષમતા ધરાવો છો. તમે જીવન જ ગુમાવી  બેસશો તો બધું ખતમ થઈ જશે. તમારા બેઉના જીવન સામે એક મિલિયન ડોલરની કોઈ વિસાત નથી. ઈશ્વરને ખાતર મારી રાહ જુઓ અને મેં જેકને મોમની તેના પ્રત્યેની લાગણીની યાદ અપાવીને તેને સમજાવીને વારી લીધો હતો..’

    * * *

    જુલિયેટ અને લોરેન્સ એરપોર્ટથી સીધાં જેક અને જહોન્સનની હોસ્ટેલે પહોંચી ગયાં. એ બેઉ મિત્રો તેમને ભેટી પડીને ચોધાર આંસુએ રડી પડ્યા. લોરેન્સે જહોન્સનને પૂછ્યું, ‘બોલ, શું કરવું છે? આ નાણાં બેંકના લોકરમાં સીધાં મૂકી દેવાં છે કે તારા પિતાના હાથમાં આપી દેવાં છે?’

    ‘મારી-અમારી વિચારશક્તિ બહેર મારી ગઈ છે. આપ બેઉ વડીલોને ઠીક લાગે તેમ કરી શકો છો. આપ બેઉનો આભાર વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી. આપે અમને જીવતદાન આપ્યું છે, તેનું ઋણ અમારાથી અદા થઈ શકશે તો નહિ; પણ અમે ઈસુને પ્રાર્થીએ છીએ કે આપને આ લોક અને પરલોકમાં સુખ, સમૃદ્ધિ, સામર્થ્ય અને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ..’

    જુલિયેટ અને લોરેન્સનાં દિમાગોમાં એકસાથે સમાન વિચાર ઝબૂક્યો અને ચારેય જણાં જહોન્સનના પિતાની એપોઈન્ટમેન્ટ લઈને તેમની ઓફિસમાં પહોંચી ગયાં. મિ. જહોનની ચેમ્બરમાં સંવેદનશીલ વાતાવરણ બની રહ્યું. સઘળી કેફિયત રજૂ થઈ. મિ. જહોને જુલિયેટ અને લોરેન્સની સજ્જનતાને બિરદાવતાં કહ્યું, ‘આપે આપના સુખી દાંપત્યજીવનને હોડમાં મૂકીને આપણા બેઉ દીકરાઓની જિંદગી બચાવી છે, જે નાનીસૂની વાત નથી. જુવાનિયાઓએ ભૂલો કરી છે અને આ ઉંમરે એ થાય એ સ્વાભાવિક પણ છે. આપ આપનાં નાણાં પાછાં લઈ જાઓ, જેને આપ બેઉના પુનર્મિલનની મારા તરફની ભેટ સમજજો. જેક હવે મારો દીકરો જ છે. તેને જેટલું ભણવું હશે તે ભણવા માટેના તેના ખર્ચની જવાબદારી હું આનંદભેર સ્વીકારું છું. જહોન્સને જે કંઈ ભૂલ કરી છે તે ક્ષમ્ય છે, એટલા માટે કે તેણે લોકરમાંનાં નાણાંને મોજમજા માણવા માટે નહિ, પણ મિત્રભાવે જેકને મદદરૂપ થવા માટે લીધાં હતાં. જો કે એણે એમાંથી સીધી મદદ કરી હોત તો એ વધારે ઉચિત ગણાત. ખેર, જે થયું તે થયું. માનવજીવનમાં ઘટતી આવી ઘટનાઓ પાછળ કોણ જાણે કેટકેટલા ભેદ જળવાયેલ હોય છે. ઈશ્વર સૌનું ભલું કરે.’

    પ્રસન્ન વદને અને ભાવવિભોર હૈયે એ પાંચેય જણ છૂટાં પડે છે.

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
    ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577

    નેટજગતનું સરનામુઃ
    • William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા
    દો | હળવા મિજાજે

  • મા વિનાના ગલુડિયાં

    આશા વીરેન્દ્ર

    મારા પતિ જિતેન્દ્ર અને નરેન્દ્ર બે ભાઈઓ અને અમે શીલા ને નીલા બંને દેરાણી-જેઠાણી. ચારેયનાં નામોમાં જેવું સામ્ય હતું એવું જ સામ્ય ચારેયના સ્વભાવમાં પણ હતું. અમારો આદર્શ, સુખી પતિવાર હતો. નીલા પરણીને આવી ત્યારે મારો આદિ છ-સાત વર્ષનો. નીલાએ એને એવી માયા લગાડેલી કે આખો દિવસ કાકી, કાકી કરતો એનો પાલવ પકડી ફર્યા કરતો. હું હસીને કહેતી,   ‘નીલા તું તો મારા કાનુડાની જશોદા મૈયા છે. ઘરમાં હું ન હોઉં  એને ચાલે પણ તારા વિના એને ઘડીભર ન ચાલે.’નીલા હસીને કહેતી, ‘દીદી, હું નથી કહેતી હં, એને મારી પાછળ પાછળ ફરવાનું.’

    આ સંબંધનું જાણે સાટું વાળવું હોય એમ નીલાની કૂખે રત્ના જન્મી અને જન્મતાંની સાથે મારી જ થઈ ગઈ. એને માલિશ કરવું, નવડાવવી, કડવાટ પાવી એ બધાં કામ મેં મારા હાથમાં લઈ લીધેલાં. મને તો જાણે રત્નાના રૂપમાં સ્વર્ગ મળી ગયેલું. જરીકે વાર એને રેઢી ન મૂકું. ને એ મીઠડી ય મને ભાભુ, ભાભુ કરતી જાય ને મીઠું મીઠું હસતી જાય. એ માંડ ત્રણેક વર્ષની થઈ હશે ત્યાં અમારા સુખને કોઈની નજર લાગી ગઈ હોય એમ બે જ દિવસના તાવમાં મારો લાડકો દિયર નરેન્દ્ર ચાલતો થયો.

    ‘નીલા, બસ કર. હવે રડવાનું બંધ કર ને જરા આ કુમળી છોકરી સામે તો જો !’ હું નીતરતી આંખે નીલાને સમજાવવાની નિષ્ફળ કોશિશ કર્યા કરતી. આખા ઘરમાં સ્મશાનવત્ શાંતિ પથરાઈ ગઈ હતી. થોડા વખત પછી એક દિવસ નીલાનાં માતા-પિતા મળવા આવ્યાં. રાત્રે સહુ બેઠાં હતાં ત્યારે એમણે ધીમેથી વાત મૂકી.

    ‘જિતેન્દ્રભાઈ, એક વાત કહું? ખરાબ ન લગાડશો. તમે અને શીલાબહેન તો નીલા માટે કંઈ કરવામાં બાકી નથી રાખતાં પણ આ ઘરમાં રહીને એ કોઈ દિવસ પોતાનું દુ:ખ ભૂલી નહીં શકે. રાત-દિવસ એને નરેન્દ્રના જ ભણકારા વાગ્યા કરશે. જો તમારી સંમતિ હોય તો અમે નીલા અને રત્નાને લઈ જઈએ.’

    મારા હૈયામાં ચિરાડો પડ્યો. નરેન્દ્રને તો ગુમાવ્યો જ હતો. હવે આ બંને પણ જતા રહેશે. રત્ના વિના મારી જિંદગીમાં રહેશે શું? પણ ક્યા હક દાવે અમે ના કહી શકીએ ?

    થોડા દિવસની રજા ભેગી થાય કે રત્ના અહીં જ આવી જતી.એને ય એની ભાભુ વિના સોરવતું તો નહીં પણ બાળકો તો જ્યાં જાય ત્યાંનાં થઈ જાય. નીલા ત્યાંની શાળામાં શિક્ષિકાની નોકરી કરવા લાગી હતી. એક વખત અચાનક એ રત્નાને લીધા વિના આવી પહોંચી. મારો પહેલો સવાલ હતો—‘કેમ એકલી આવી? રત્નાને ન લાવી?’

    ‘દીદી, તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી હતી એટલે એની હાજરીમાં….’

    એના સહશિક્ષક એવા વિનોદની પત્ની એક દીકરા વીકીને મૂકીને અવસાન પામી હતી. વિનોદ અને નીલાની વારંવારની મુલાકાત પછી એ બંને લગ્ન કરવાના નિર્ણય પર આવ્યાં હતાં.

    ‘આનાથી રૂડું બીજું શું હોઈ શકે? તું તારા જીવનમાં સારી રીતે ગોઠવાઈ જાય એનો અમને ખૂબ આનંદ હોય પણ રત્ના….’

    ‘દીદી, એમને રત્ના ખૂબ વહાલી છે. એ કહે છે, વીકી અને રત્ના ભાઈ-બહેન બનીને રહેશે. હું રત્નાને સાથે લઈ જવાની છું. અમારે એ ચોખવટ થઈ ગઈ છે.’

    નીલા ખૂબ ખુશ જણાતી હતી. મેં એને અંતરથી આશિષ આપ્યા. એટલું સારું હતું કે પુનર્લગ્ન પછી પણ એણે અમારી સથે સંબંધ એવા ને એવા જ રાખ્યા હતા. વિનોદનો સ્વભાવ પણ સારો જણાતો હતો અને મારા માટે સૌથી ખુશીની વાત એ હતી કે, હ્જુ પણ ત્રણ-ચાર દિવસની રજા ભેગી થવાની હોય ત્યારે રત્ના અહીં જ આવતી. આદિ જઈને એને લઈ આવતો. આ વખતે તો દિવાળીની રજાઓમાં એ લોકો કેરળ ફરવા જવાનાં હતાં તો યે રત્ના જીદ કરીને અહીં જ આવી. ફરવા ન ગઈ.

    ‘રત્ના સાંજે ફરવા ક્યાં જવું છે? દરિયાકિનારે જઈશું? ’ ‘તમે જેમ કહો તેમ.’ ‘રત્ના, જમવામાં શું બનાવું? શીખંડ ખાવો છે કે શીરો?’ ‘તમે જે બનાવો તે.’મેં જોયું કે , હંમેશા  મારી પાસે પોતાનું જ ધાર્યું કરાવનારી રત્ના બદલાઈ ગઈ હતી. આખો દિવસ અહીંથી તહીં દોડાદોડ કરતી ને બડબડ ક્રતી રહેતી રત્ના સાવ શાંત થઈ ગઈ હતી. એને કોઈ વાતમાં રસ નહોતો પડતો ને ઉદાસ બેસી રહેતી હતી.

    એ દિવસોમાં અમારી સોનુને ત્રણ બચ્ચાં આવેલાં. ધોળાં ધોળાં માખણના પિંડા જેવાં ગલુડિયાંને પોતાની મા પાછળ ફ્ર્યાં કરતાં જોયા કરતી. મને થયું, ગલુડિયાંને જોઈને રત્ના કંઈક ખુશ થઈ છે એટલે હું એમનું કામ એને સોંપતી. ‘રત્ના, લે, સોનુના વાસણમાં આ પાણી રેડી આવ.’

    ‘રત્ના, આજે તો સોનુ માટે શીરો બનાવ્યો છે. ચાલ જોઈએ, કેવી ચપચપ કરતી ખાય છે. !

    એક દિવસ સવારથી સોનુ ક્યાંક ગાયબ થઈ ગઈ, કંપાઉન્ડમાં દરવાજો બંધ કરવાનું તો અમે બરાબર ધ્યાન રાખતાં તો ય એ કેવી રીતે ને ક્યાં જતી રહી હશે? મારી ચિંતા વધતી જતી હતી. રત્નાએ આવીને કહ્યું, ‘ભાભુ, મેં મોટો દરવાજો ખોલીને જોયું. દૂર દૂર સુધી સોનુ ક્યાંય દેખાતી નથી. હવે તો એનાં બચ્ચાં પણ રડવા લાગ્યાં છે.’એનો અવાજ પણ રડમસ થઈ ગયો.

    ‘આવી જશે બેટા, જરૂર આવી જશે. પોતાનાં બચ્ચાંને મૂકીને એ ક્યાં જવાની હતી?’મારા મનમાં પણ એ આવશે કે કેમ એવી શંકા તો હતી છતાં મેં રત્નાને આશ્વાસન આપવા કહ્યું.

    ‘મને ખબર છે એ ક્યાં ગઈ હશે.’અચાનક રત્ના બોલી, એ ગલુડિયાના નવા પપ્પા પાસે ગઈ હશે. હવે પાછી નહીં આવે. એને પોતાનાં બચ્ચાં કરતાં નવા પપ્પા વધારે ગમે છે. ભાભુ , હવે આ બચ્ચાં મરી જશે તો?’ એ ડૂસકાં ભરતાં મને વળગી પડી.

    ‘નહીં મરવા દઉં, તું ચિંતા નહીં કર. આ બચ્ચાંઓને હું જિવાડીશ.’

    ‘સાચ્ચે જ ભાભુ, તમે એને જિવાડશોને ? પ્રોમિસ?’ રત્નાએ વિશ્વાસપૂર્વક મારી સામે જોઈને કહ્યું.


    (ઉષા પરમની મરાઠી વાર્તાને આધારે)


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં માર્ચ ૨૦૨૩નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s Creations for Month of March 2023

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • એક બાર મુસ્કુરા દો (૧૯૭૨)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ‘આસમાન’ (૧૯૫૨)થી સંગીત દિગ્દર્શક તરીકે કારકિર્દી શરૂ કરનાર ઓમકારપ્રસાદ નય્યર એટલે કે ઓ.પી.નય્યરની છેલ્લી ફિલ્મ ‘ઝીદ’ (૧૯૯૩) હતી, પણ તેમની કારકિર્દીનો મધ્યાહ્ન 1950 અને 1960નો દાયકો ગણાવી શકાય. આ વીસેક વર્ષમાં તેમણે 62 ફિલ્મોમાં સંગીત પીરસ્યું, જેમાંની ઘણી બધી ફિલ્મોનાં ગીતો અત્યંત લોકપ્રિય બન્યાં. ઓ.પી.નય્યરની સંગીતશૈલીમાં પંજાબી ઠેકો સૌથી મહત્ત્વનો હતો. આ ઉપરાંત તાલમાં ભારતીય અને પશ્ચિમી તાલનું સંયોજન ગીતને અનોખો ઉઠાવ આપતું. (‘આંખો હી આંખોં મેં ઈશારા હો ગયા’, ‘જાઈયે આપ કહાં જાયેંગે’, ‘હમદમ મેરે ખેલ ના જાનો’ જેવાં અનેક ગીતો આના નમૂના) અલબત્ત, આ પ્રકાર ઓ.પી.નય્યરની શૈલી પણ હતી, એમ એમાં એકવિધતા પણ હતી એમ અનેક ગીતો સાંભળતાં જણાય. ૧૯૬૯માં તેમના સંગીત નિર્દેશનવાળી ફિલ્મ ‘સમ્બન્ધ’ની રજૂઆત થઈ અને તેનું ‘ચલ અકેલા’ ગીત યાદગાર બની રહ્યું, પણ એ પછી તેમની પ્રતિભાનો દીવો જાણે કે છેલ્લા ઝબકારા મારી રહ્યો હોય એમ એ પછીનાં ગીતોમાં જણાઈ આવતું હતું. ‘બુઝતે દીયે કી આખરી રોશની’ કહી શકાય એવી તેમની બે ફિલ્મો ‘એક બાર મુસ્કુરા દો’ (૧૯૭૨) અને ‘પ્રાણ જાય પર વચન ન જાય’ (૧૯૭૩) કહી શકાય. ‘પ્રાણ જાય…’ પછીના વીસ વર્ષના સમયગાળામાં તેમણે સાતેક ફિલ્મો કરી એ કેવળ તેમના અસ્તિત્વનો પુરાવો આપવા હશે, કેમ કે, એમાં એમનો એ ‘જાદુઈ સ્પર્શ’ નહોતો.

    ૧૯૭૨માં રજૂઆત પામેલી ‘મુખર્જી બ્રધર્સ’ નિર્મિત, રામ મુખર્જી દિગ્દર્શીત ‘એક બાર મુસ્કુરા દો’  ઓ. પી.નય્યરના સંગીતને કારણે ખૂબ જાણીતી બની. જોય મુખર્જી, તનુજા, દેવ મુખર્જી, રાજેન્દ્રનાથ, સજ્જન એવા કલાકારોને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મનાં કુલ આઠ ગીતો હતાં, જે ત્રણ ગીતકાર ઈન્દીવર, એસ.એચ.બિહારી અને શેવન રિઝવી વચ્ચે વહેંચાયેલાં હતાં. આઠમાંથી પાંચ ગીતો કિશોરકુમારે ગાયેલાં હતાં અને આ તમામ ગીતોએ કમાલ કરી હતી. ‘રુપ તેરા ઐસા દર્પણ મેં ના સમાય’ અને ‘સબેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ’ ઉપરાંત કિશોરકુમારનું એકલ ગીત અને કિશોરકુમાર- આશાના યુગલ ગીત તરીકે ‘તૂ ઔરોં કી ક્યૂં હો ગઈ’ ગીત તેના ફાસ્ટ ટેમ્પોને કારણે ખૂબ જ જાણીતું બની ગયું. આ ત્રણે ગીતો ઈન્દીવરે લખ્યાં હતાં. અનેક સંગીતપાર્ટીઓમાં, કૉલેજની ટેલેન્ટ ઈવનિંગમાં આ ગીત અનિવાર્ય બન્યું. અનેક રીક્ષાઓ પાછળ આ ફિલ્મનું નામ ‘1 12 મુસ્કુરા 2’ તરીકે લખાયું હોવાનું યાદ છે.

    આ ઉપરાંત મહમ્મદ રફીના સ્વરે ગવાયેલું ‘જમાને કી આંખોં ને દેખા હૈ યારોં’ તેમજ મુકેશ અને આશાના સ્વરે ગવાયેલાં બે ગીતો ‘ચેહરે સે જરા આંચલ જબ આપને સરકાયા’ તેમજ ‘યે દિલ લેકર નજરાના’ પણ ઠીક ઠીક જાણીતાં બન્યાં. આ ત્રણ ગીત એસ.એચ.બિહારીએ લખ્યાં હતાં. અલબત્ત, આ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે કિશોરકુમાર- આશાના સ્વરે ગવાયેલું ‘એક બાર મુસ્કુરા દો’ લેવાયું હતું, જે શેવન રિઝવીએ લખ્યું હતું.

    (એસ.એચ.બિહારી)

    એક સમયે પૂરેપૂરી દિપ્તીથી પ્રજ્વલિત હોય એવો દીવો બુઝાતાં બુઝાતાં જે ઝબકારો મારે એ કેવો હોય એનો જીવતોજાગતો નમૂનો એટલે ઓ.પી.નય્યરે સંગીતબદ્ધ કરેલાં ‘એક બાર મુસ્કુરા દો’નાં ગીતો.

    ફિલ્મના ટાઈટલ સોન્ગના શબ્દો આ મુજબ છે:

     

    एक बार मुस्कुरा दो, आहाहा आहाहा
    एक बार मुस्कुरा दो, आहाहा आहाहा

    कहाँ से उठे हैं कदम याद रखना
    मोहब्बत की पहली कसम याद रखना
    कहाँ से उठे हैं कदम याद रखना

    एक बार मुस्कुरा दो, आहाहा आहाहा
    आ..आ..आआआ……आ…आ…आआआ….

    ये मंदिर की दीवार सदियों पुरानी
    ये मंदिर की दीवार सदियों पुरानी
    कहेगी हमारी तुम्हारी कहानी
    कहेगी हमारी तुम्हारी कहानी
    ये मंदिर है घर, प्यार के देवता का
    ये मंदिर है घर, प्यार के देवता का
    कहीं तुम ने छोड़ा जो दामन वफ़ा का
    कहीं तुम ने छोड़ा जो दामन वफ़ा का
    यहीं जान दे देंगे हम याद रखना
    मोहब्बत की पहली कसम याद रखना
    यहीं जान दे देंगे हम याद रखना
    मोहब्बत की पहली कसम याद रखना
    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो

    મોટાં ભાગનાં ટાઈટલ ગીતની જેમ આ ગીત ફિલ્મના અંતભાગે પણ સાંભળવા મળે છે, જેમાં માત્ર મુખડાનું જ પાંચ વખત આવર્તન છે.

    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो

    ‘એક બાર મુસ્કુરા દો’નું આ ટાઈટલ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.

    https://youtu.be/rH-Q4lJ8444


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : સાતમું સીલ – THE SEVENTH SEAL (1957) – DET SJUNDE INSEGLET (Swedish )

    ભગવાન થાવરાણી

    મહાન સ્વીડીશ ફિલ્મ – સર્જક ઈંગમાર બર્ગમેન ( ૧૯૧૮ – ૨૦૦૭ ) ની મારી પસંદગીની દસ ફિલ્મોના સવિસ્તાર રસાસ્વાદની આ શ્રેણીમાં આપણે આવી પહોંચ્યા દસમા અને અંતિમ મુકામ પર. આ આખરી મણકામાં આજે વાત કરીશું એમની અમર ફિલ્મ THE SEVENTH SEAL ( 1957 )[1] વિષે.

    વિશ્વભરના અગ્રણી ફિલ્મ – વિવેચકો લગભગ સર્વાનુમતે આ ફિલ્મને વિશ્વની સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન આપે છે. કેટલાક તો એને વિશ્વની શ્રેષ્ઠ દસ ફિલ્મોમાં પણ ગણે છે ! ભારતીય ફિલ્મ – સર્જક અને વિવેચક અદૂર ગોપાલકૃષ્ણન કહે છે કે આ એક એવી ફિલ્મ છે જેને સબટાઈટલ વિના પણ માત્ર દ્રષ્યોના આનંદ ખાતર જોઈ શકાય !  બર્ગમેને જે પચાસથી ઉપર ફિલ્મો બનાવી એમાંની આ સત્તરમી ફિલ્મ, પરંતુ આ જ એ ફિલ્મ છે જેના થકી બર્ગમેન એક મહાન સર્જક તરીકે પહેલી વાર વિશ્વના ફલક પર સ્વીકૃતિ પામ્યા.

    ફિલ્મ વિષે વાત કરીએ પહેલાં થોડીક વધુ વાતો બર્ગમેન વિષે. આજની પેઢી એમને બહુ યાદ નહીં કરે. એમની નિષ્પલક આંતર-ખોજકારક દ્રષ્ટિ દર્શકો પાસે ઉચ્ચ સમજણની અપેક્ષા રાખે છે. એમણે એમની ફિલ્મોમાં ભાગ્યે જ માનવીય પરિસ્થિતિઓની હળવી બાજુ ચીતરી કારણ કે એમની નજર હંમેશા એમણે જે રીતે જિંદગીને જોઈ એના પર કેંદ્રિત રહેતી. બર્ગમેન વિશ્વના એકમેવ એવા ફિલ્મ સર્જક છે જેમની મોટા ભાગની ફિલ્મો આત્મકથાત્મક હતી. એમની ફિલ્મો પરિપક્વ દર્શકો માટે હતી, એમના પોતાના જેવા ગંભીર લોકો માટે ! અન્ય કોઈ પણ ફિલ્મકાર કરતાં સવિશેષ – એમણે જ સિનેમાને એક ખરા કલા – માધ્યમ તરીકે પ્રતિષ્ઠા અપાવી. એમની ફિલ્મોના લિસ્ટ પર દ્રષ્ટિપાત જાણે શેક્સપિયરના સમગ્ર સાહિત્ય પર નજર નાખવા તુલ્ય છે. આપણને આશ્ચર્ય થાય કે એક જ માણસ એક જ જિંદગીમાં આટલું બધું ઉત્કૃષ્ટ કઈ રીતે સર્જી શકે ! ( અને ૧૯૫૭ ના એક જ વર્ષમાં એમણે આ THE SEVENTH SEAL ઉપરાંત લગભગ એ જ હરોળમાં ઊભી શકે એવી મહાન ફિલ્મ WILD STRAWBERRIES પણ બનાવેલી જેના વિષે આપણે આ જ શ્રુંખલામાં અગાઉ વાત કરી ચૂક્યા છીએ. )  આટલી બધી ફિલ્મો લખવા અને નિર્દેશિત કરવા ઉપરાંત એમણે વિપુલ પ્રમાણમાં નાટકો, રેડિયો અને ટીવી માટે પણ લખ્યું. પુસ્તકો લખ્યાં, આત્મકથા લખી, સમગ્ર વિશ્વનાં નાટકો વિષે ભણાવ્યું પણ ખરું. આશ્ચર્ય એ કે તેઓ જિંદગી આખી સ્વીડનમાં જ રહ્યા ! એમને વિશ્વાસ હતો કે એમના સર્જન વિષે જાણવા લોકો, ભાષા અને સંસ્કૃતિના અવરોધોને અતિક્રમીને એમના લગી પહોંચશે . એમને હોલીવુડની જરૂર નહોતી. એમને અંગ્રેજી ભાષા અને આંતરરાષ્ટ્રીય કલાકારોની પણ ખપ નહોતી સફળતા માટે ! સફળતાની એમની પોતાની વ્યાખ્યા હતી અને એ વ્યાખ્યામાં ‘ ભવ્ય સફળતા ‘ ને કોઈ અવકાશ નહોતો !

    એ જન્મજાત સર્જક નહોતા. સાચા અર્થમાં સ્વ-નિર્મિત હતા. એમના પિતા એક કડક ( અને ક્યારેક નિર્દય પણ ! ) શિસ્તવાન પાદરી હતા. બચપણમાં એ સજા તરીકે ઈંગમારને કબાટમાં પૂરી દેતા ‘ જ્યાં ભલે ઉંદરો તારા પગના આંગળાં કાતરી જાય . ‘ બર્ગમેનની શરુઆતની ફિલ્મો એ આકરા બચપણની સ્મૃતિઓની ગવાહી છે. એ પોતે દૈનંદિન જીવાતા જીવનથી ખુશ નહોતા. એમની આ THE SEVENTH SEAL અને WILD STRAWBERRIES માં સમાનતા એ કે બન્ને ફિલ્મોના નાયકો જીવનના અંતની નજીક છે અને ‘ જીવનનો અર્થ ‘ પામવા નીકળી પડ્યા છે. વળી બન્ને ફિલ્મોમાં ઈશ્વરના અસ્તિત્વ અને મૃત્યુની અનિવાર્યતાની વાત પણ છે. પોતાની કારકિર્દીના મધ્યાહ્ને બનાવેલી આ બે ઉપરાંત અન્ય કેટલીક ફિલ્મોના હાર્દમાં એમની આ આધ્યાત્મિક ખોજ હતી.

    ફિલ્મની વાત વિગતે કરીએ. ફિલ્મનું કથાવસ્તુ ચૌદમી સદીના મધ્યકાલીન યુરોપ – સ્વીડનમાં આકાર લે છે. આ એ ગાળો હતો જ્યારે યુરોપ દરેક મોરચે આફતોમાંથી પસાર થઈ રહ્યું હતું. પ્લેગ ( BLACK DEATH ) માં યુરોપની ૩૦ થી ૬૦ ટકા વસતી સાફ થઈ ગઈ હતી. એ ઉપરાંત દુષ્કાળ અને ફ્રાંસ અને ઈંગ્લેંડ વચ્ચેનું શતકીય યુદ્ધ પણ સામાન્ય પ્રજાની કમર તોડી ચૂક્યું હતું.

    પોતાનો ગઢ અને પ્રેમાળ પત્નીને છોડીને ધર્મયુદ્ધ ( CRUSADE ) માટે નીકળી પડેલો ઉમરાવ એંતોનિયસ બ્લોક ( અભિનેતા મેક્સ ફોન સિંદો ) દસ અર્થહીન વર્ષો એ યુદ્ધમાં વેડફીને વતન પાછો ફર્યો છે. એ જીવનનો અર્થ પામવાની મથામણમાં છે. એની મૂંઝવણ એ છે કે આટલા બધા હાહાકાર અને તબાહી વચ્ચે પણ ઈશ્વર મૌન કેમ છે ? એની સાથે એનો સહાયક ( SQUIRE ) યોન ( અભિનેતા ગુન્નાર બ્યોર્નસ્ટ્રેંડ ) છે. ( આ બન્ને કલાકારો બર્ગમેનની અનેક ફિલ્મોના આધારસ્તંભ હતા. ) ચોમેર પ્લેગથી થઈ રહેલા ટપોટપ મોતના ચિત્કાર વચ્ચે આ બન્ને ઘોડેસ્વારો દેશમાં ફરીને અનાયાસ જેમના – જેમના સંપર્કમાં આવતા જાય છે એમની પાસેથી જાણ્યે – અજાણ્યે જીવનનો મર્મ સમજે છે. આ ગાથા એ સમજણની છે. એ લોકો જેમને મળે છે એ ચરિત્રોમાં જોફ ( અભિનેતા નીલ્સ પોપ ), એની પત્ની મિયા ( અભિનેત્રી બીબી એંડર્સન ), એમનો નાનકડો પુત્ર અને એમનો મેનેજર સ્કેટ છે. આ લોકો ગામેગામ ફરીને ખેલ અને અંગકસરતના દાવ થકી માંડ પેટિયું રળે છે. આ ઉપરાંત ગામનો લુહાર પ્લોગ, એની પત્ની લીસા, દંભી ઉપદેશક પણ વાસ્તવમાં ચોર એવો રેવલ, જીવનથી ત્રસ્ત એવી એક મૂંગી યુવતી, જેના પર ડાકણ હોવાનો આરોપ છે અને જેને ધર્મગુરુઓ દ્વારા સળગાવીને મારી નાંખવાનો આદેશ અપાયો છે એવી એક નિર્દોષ સ્ત્રી અને ફિલ્મના અંત ભાગમાં દેખા દેતી બ્લોકની પત્ની કારીન – આટલા મુખ્ય પાત્રો છે.

    પણ આ સૌમાં ફિલ્મનું સૌથી અગત્યનું પાત્ર રહી જાય છે એ છે મૃત્યુ ! સાક્ષાત મૃત્યુ પોતે ! ફિલ્મની શરુઆતના અદ્ભુત પ્રસંગથી મૃત્યુનો પરિચય મેળવીએ. દરિયાકિનારે શતરંજની બાજી ગોઠવી બ્લોક, બાજુમાં સૂઈ રહેલા પોતાના સહાયક યોનના જાગવાનો ઈંતેજાર કરે છે. અચાનક સામે કાળા વસ્ત્રોમાં સજ્જ મૃત્યુ પ્રગટ થાય છે ( અભિનેતા બેંગ એકેરોટ). આપણે એ બન્ને વચ્ચેનો સંવાદ જોઈએ :

    બ્લોક :  કોણ છો તું ? 

    મૃત્યુ :  હું મૃત્યુ.

    બ્લોક :  મને લેવા આવ્યો છો ?

    મૃત્યુ :  હું ક્યારનો તારી પડખે જ છું.

    બ્લોક :  જાણું છું. 

    મૃત્યુ :  તૈયાર છો ને ?

    બ્લોક :  હું તૈયાર છું, મારું શરીર ભયભીત છે !

    મૃત્યુ એને પોતાના પાશમાં લેવા પોતાનો ઝભ્ભો ફેલાવે છે ત્યાં –

    બ્લોક :  ઊભો રહે.

    મૃત્યુ :  તમે બધા એવું જ કહો છો, પણ હું કોઈને સમય આપતો નથી !

    બ્લોક : તને ચેસ આવડે છે, નહીં ?

    મૃત્યુ :  તને કઈ રીતે ખબર ? 

    બ્લોક :  મેં ચિત્રોમાં જોયું છે. 

    મૃત્યુ :  હા. હું કુશળ ખેલાડી છું. 

    બ્લોક :  મારા કરતાં વધુ નહીં.

    મૃત્યુ :  મારી સાથે કેમ રમવા માગે છે તું ?

    બ્લોક :  એ મારો પ્રશ્ન છે. પણ હું તારો સામનો કરું, હારું નહીં ત્યાં સુધી મને જીવાડવાનો. જીતી જાઉં તો છોડી મૂકવાનો. કબૂલ ? ‘ મૃત્યુની હા સાંભળી બ્લોક સફેદ – કાળું મહોરું પોતાની મુઠ્ઠીઓમાં સંતાડી મૃત્યુને એક પસંદ કરવાનું કહે છે. મૃત્યુ હાથ મૂકે એમાં કાળું મહોરું નીકળે છે.

    મૃત્યુ : ( મરકીને ) મને એ રંગ બરાબર માફક આવે છે. 

    આ શતરંજની બાજી બન્ને વચ્ચે આખી ફિલ્મ દરમિયાન બન્નેના અનુકુળ સમયે ચાલતી રહે છે.

    ફિલ્મમાં આ ઉમરાવ બ્લોક જેવું જ સુરેખ – સુસ્પષ્ટ પાત્રાલેખન એમના સહાયક યોનનું છે. એની પ્રકૃતિ પોતાના માલિક કરતાં સદંતર વિરુદ્ધ છે. પોતાના માલિકની ઈશ્વરના અકળ મૌનવાળી વાત એને વેદિયાવેડા લાગે છે. એ મૃત્યુને એક કડવી પણ નક્કર મજાક લેખે છે અને સ્પષ્ટપણે માને છે કે આપણે બધાએ એ મજાકમાંથી પસાર થવાનું જ છે. આપણે મૃત્યુ સાથે સંતાકૂકડી રમવી જ પડે જેમાં અંતિમ વિજય એનો જ થવાનો ! આ રમત સારી રીતે રમવી એટલે સારી રીતે જીવવું. આ માટે માનવીને એની ભૌતિક સ્થિતિમાં ચાહવો પડે. ધિક્કાર કે અલિપ્તતાથી નહીં ! એ જીવનને એક ઉજવણી માને છે. માલિકનો વિરોધી હોવા છતાં એ કાયમ એમની આમન્યા રાખે છે, છેલ્લા એક દ્રશ્યને બાદ કરતાં ! એ ચરિત્ર બ્લોક કરતાં મજબૂત છે કારણ કે એના વિચારોમાં સંશયને કોઈ સ્થાન નથી. એ પોતાની માન્યતાઓમાં મક્કમ છે. એ માનવીઓ પ્રત્યે હમદર્દી ધરાવે છે. એને જેહાદ – ધર્મયુદ્ધ સામે ચીડ છે. એ માને છે કે ‘ કોઈ મૂરખ આદર્શવાદી જ એમાં જોડાવાનું વિચારી શકે ! ‘ એનામાં વિનોદવૃતિ ઠાંસી – ઠાંસીને ભરી છે. ક્યારેક એ નિજાનંદમાં ગીતો લલકારવા માંડે છે ઘોડે બેઠો – બેઠો ! એના માલિકને ગીતો પ્રત્યે અણગમો હોવા છતાં ! ફિલ્મમાં પ્લોગ જ્યારે એને પૂછે છે કે ‘ આટલો બધી સલાહ આપો છો તો એમાં પોતે માનો છો ખરા ? ‘ ત્યારે જવાબમાં કહે છે કે ‘ બિલકુલ નહીં, પણ કોઈ એક સલાહ માંગે તો હું બે આપું. નહીંતર હું વિદ્વાન કેમ ગણાઉં ? ‘ બર્ગમેનના અમર પાત્રોમાંનું એક પાત્ર.

    બન્ને ઘોડે બેસી ભમે છે અને રસ્તે અકાળ મૃત્યુ પામેલા માનવ – કંકાલો જૂએ છે. એ દરમિયાન જ ગામના પાદરે પડાવ નાંખી પડેલા અને અનેક અભાવો છતાં જીવનને મોજથી જીવતા જોફ, મિયા અને એમના શિશુને જૂએ છે. એ લોકો ગામેગામ ફરી પોતાનો ખેલ કરી પેટિયું રળે છે. પ્લેગના આતંક વચ્ચે ગામલોકોને એમના તમાશામાં કોઈ દિલચસ્પી નથી. બન્ને સરળ, પારદર્શક અને જીવનને દિલોજાનથી ચાહતા લોકો છે અને પોતાના પુત્રના ભાવિ અંગે સોનેરી સપનાં સેવે છે. જોફ તો એવો સ્વપ્નસેવી છે કે જાગૃત અવસ્થામાં જ એને પોતાની નજીકથી માતા મેરી અને બાળ ઈસુ ખ્રિસ્ત આશીર્વાદ વરસાવતા પસાર થતા દેખાય ! મિયાને એના આ દિવાસ્વપ્નો પ્રત્યે મીઠી ચીડ છે. જોફને પોતે ગીતો રચી પોતાની વીણા પર કોઈ સાંભળે નહીં તો પણ ગાવાનો શોખ છે ! એ મસ્ત – મૌલા છે !

    ગામોમાં હવે માણસો ઓછા બચ્યા છે અને અવાવરુ ત્યજી દેવાયેલા ખંડિયેર જેવા મકાનો ઝાઝા . બ્લોક અને યોન ગામના ચર્ચમાં પ્રવેશે છે. ત્યાં એક કલાકાર તન્મયતાપૂર્વક ચર્ચની દિવાલ પર DANSE MACABRE – મૃત્યુ નર્તન ચીતરી રહ્યો છે. મરી રહેલા, મરી ચૂકેલા, મૃત્યુથી ભયભીત લોકોનું ચિત્ર. ‘ આવું કેમ ચીતરો છો ? ‘ યોન. ‘ લોકોને ઝળુંબી રહેલા મૃત્યુની યાદ અપાવવા. ‘ ‘ એનાથી લોકોને શું રાહત મળશે ? ‘ ‘ ભલે રાહત નહીં, ચેતવણી તો મળે. ‘  ‘ તમારા ચિત્ર સામે જોશે કોણ ? ‘  ‘ લોકોને ખોપરીનું ચિત્ર હમેશા નગ્ન સ્ત્રીના ચિત્ર કરતાં વધુ આકર્ષે ! ‘  ‘ એમને આવા ચિત્રોથી બીવડાવશો તો એ પાદરીઓના શિકંજામાં જઈ પડશે. ‘  ‘ મારું કામ ચિત્રો દોરવાનું. જે જોઉં તે ચીતરું. લોકોને જે માનવું હોય તે. જીવવું તો ખરું ને. પ્લેગ ભરખી ન લે ત્યાં સુધી ! ‘  ‘ આ બધું જુગુપ્સાપ્રેરક છે. ‘  ‘ લોકો એમ માને છે કે પ્લેગ ઈશ્વરનો શ્રાપ છે. લોકોના ટોળેટોળાં ઘૂમી રહ્યા છે, સ્વયંને અને અન્યોને ચાબુકથી ફટકારતા, જેથી ઈશ્વર પ્રસન્ન થઈ માફી આપે. ‘  ‘ એકમેકને પીડા આપવાથી ઈશ્વર રાજી થાય ? ‘

    આ સંવાદ પ્રવર્તમાન પરિસ્થિતિનું બયાન કરે છે અને યોનની પ્રકૃતિનું પણ !

    એ જ ચર્ચમાં બનતો એક પ્રસંગ નાયક બ્લોકના ચરિત્રને ઉજાગર કરે છે. બ્લોકને ચર્ચની બારીની સામે પાર ‘ પાદરી જેવું કોઈક ‘ દેખાય છે. એ CONFESSION – કબૂલાત અર્થે બારીની આ પાર જાય છે. સંવાદ :

    મારું હૃદય ખાલીખમ ભાસે છે. જાણે મારું પોતાનું પ્રતિબિંબ. હું નફરત અને દહેશત અનુભવું છું. બધાથી કપાઈ ગયો છું. મારી જ રચેલી ભૂતાવળ જોઉં છું ચોમેર. મારા જ સપનાઓનો કેદી જાણે. ‘

    ‘ તેમ છતાં તું મરવા માગતો નથી ? ‘  પાદરી .

    ‘ ઈચ્છું છું. પણ થોડુંક જાણી લઉં એ પછી. ‘

    ‘ તો હું તને શી બાંહેધરી આપું ? ‘

    ‘ મને લાગે છે, ઈન્દ્રિયો દ્વારા ઈશ્વરને પામવા અઘરા છે. પણ એણે અદ્રષ્ય ચમત્કારોની આડમાં લપાવું શા માટે જોઈએ ? આપણને આપણામાં જ શ્રદ્ધા ન રહે તો એનામાં કેમ શ્રદ્ધા રાખીએ ? એ કરતાં આપણી ભીતરના ઈશ્વરને મારી ન નંખાય ? હું ઈચ્છું છું કે ઈશ્વર પોતાનો હાથ લંબાવે. મોં દેખાડે. વાત કરે. 

    ‘ પણ ઈશ્વર તો મૌન જ હોય. તું પોકારે છે એનો જવાબ નથી એનો અર્થ જ એ કે કોઈ છે જ નહીં. ‘

    ‘ તો બધું શૂન્ય છે એ જાણવા છતાં માણસ કોના સહારે જીવે ? ‘ 

    ‘ મોટા ભાગના લોકો મૃત્યુ અને શૂન્યતા અંગે વિચારતા નથી. તું અસ્વસ્થ છો. ‘

    ‘ મને આજે સવારે જ મૃત્યુનો ભેટો થયો. મેં એમને ચેસના રમતમાં રોકી રાખ્યા છે.  એનાથી મને જે મુદ્દત મળી છે એ મને એક અગત્યનું કામ પતાવવામાં કામ લાગશે.‘  

    ‘ કયું કામ ? ‘

    ‘ મેં આખી જિંદગી અર્થહીન શોધખોળ કર્યા કરી. હવે કશુંક સારું કરું. મૃત્યુ ઉસ્તાદ ખેલાડી છે પણ હું હજી લગી એની આગળ એક પણ મહોરું હાર્યો નથી. ‘

    ‘ તું મૃત્યુ જેવા મૃત્યુને કઈ રીતે હરાવીશ ? ‘

    ‘ ઊંટ અને ઘોડાના સહિયારા આક્રમણ દ્વારા હું એની સંરક્ષણ હરોળને છિન્નભિન્ન કરી નાંખીશ. ‘

    ‘પાદરી’  હવે બ્લોક તરફ મોઢું ફેરવે છે. એ પાદરી નહીં, મૃત્યુ પોતે છે ! બ્લોક સ્તબ્ધ ! એણે કેવડી મોટી ભૂલ કરી ! પોતાનો વ્યૂહ દુશ્મન સમક્ષ ખોલી દીધો !

    ‘ હું તારી વાત યાદ રાખીશ. ‘

    ‘ તેં મને છેતર્યો. કંઈ નહીં . હું કોઈક રસ્તો શોધી લઈશ. ‘

    ‘ આપણે આપણી રમત ચાલુ રાખીશું ‘ કહી મૃત્યુ રવાના થાય છે.

    બ્લોક પોતાના હાથ સામે જોઈ કહે છે ‘ આ મારા હાથ છે. હું એને મારી મરજીથી હલાવી શકું છું. મારી નસોમાં હજી લોહી ધબકે છે. મારો સૂર્ય હજી અસ્ત પામ્યો નથી. હું એંતોનિયસ બ્લોક મૃત્યુ સાથે રમું છું અને હજી હાર્યો નથી. ‘ 

    ગામલોકોએ એક સ્ત્રીને કેદ કરી છે. સૈનિકો એને જીવતી સળગાવી નાંખવાના છે. એના પર આરોપ છે કે એણે શયતાન જોડે સહશયન કર્યું છે અને એ કારણે જ પ્લેગની મહામારી ફેલાઈ છે.

    બ્લોક અને યોન એક ઝૂંપડામાં પીવાના પાણીની તલાશમાં પ્રવેશે છે. એક મૃતદેહ પડ્યો છે અને કોઈક એ મૃતદેહના હાથ પરથી બંગડી ચોરી લેવાની વેતરણમાં છે. યોન એ ચોરને ઓળખી જાય છે. આ એ જ રેવેલ છે જેણે એના માલિક બ્લોકને બધું છોડી – છાંડી ધર્મયુદ્ધમાં જોડાવા પ્રેરેલો ! યોનને પોતાના એ સાવ એળે ગયેલા દસ વર્ષનો મોટો વસવસો છે! યોન એ જ વખતે એક મૂંગી સ્ત્રીને પણ રેવેલના કુકર્મથી બચાવે છે. એ પાછો પોતે કંઈ ધર્માત્મા નથી એટલે જતાં-જતાં એ સ્ત્રીને કહેતો જાય છે ‘ મારે એક ઘરરખ્ખુ સ્ત્રીની જરૂર છે. મેં તને બચાવી એનો અહેસાન માનતી હો તો આવ મારી સાથે , બાકી તારી મરજી ! ‘ સ્ત્રી કશુંક વિચારી એની સાથે ચાલી નીકળે છે.

    બહાર એક પાદરી આત્મ – પીડક લોકોના જુલુસની સરદારી લઈ લોકોને ઉદ્દેશી બરાડે છે. ‘ ઈશ્વર આપણને આપણા કર્મોની સજા આપી રહ્યો છે. બધા મરીશું. તમારામાંના ઘણાની આ અંતિમ ઘડીઓ છે. મૃત્યુની તલવાર સૌ પર ઝળુંબે છે. ‘ ( યોનને પહેલેથી બીક હતી કે આવા પાદરીઓ પ્રજાને ગેરમાર્ગે દોરશે ! )

    લોકો ભ્રમિત છે. બધાંને લાગે છે કે આ કયામત છે. અનેક જીવનની છેલ્લી ઘડીઓને ઉપભોગવામાં પડ્યા છે, તો કેટલાય શું કરવું એ બાબતે હતપ્રભ છે. કેટલાય જાતજાતની ધડમાથા વિનાની અફવાઓ ઉડાડે છે. લુહાર પ્લોગની પત્ની જોફના મેનેજર સ્કેટ સાથે ભાગી ગઈ છે. જોફને એનું નિમિત માની પ્લોગ અને અન્ય લોકો એને ધક્કે ચડાવે છે. યોન એને એ ટોળાના મારથી બચાવે છે.

    હવે ફિલ્મનું સૌથી યાદગાર દ્રષ્ય . દરિયાકિનારે ચેસના મહોરા ગોઠવી ‘ જોડીદાર’ ની રાહ જોતા બ્લોકની નજર પોતાના બાળકને રમાડતી પ્રસન્ન મિયા પર પડે છે. નજીક જઈ એ પતિ – પત્નીએ ગામમાં રજૂ કરેલા નાટકની પ્રશંસા કરે છે ‘ તમારા ટાબરિયાને શું બનાવશો ? ‘  ‘ ઉમરાવ ‘  ‘ ના, ના, એમાં કશું દાટ્યું નથી ‘  ‘ તમે થાકેલા લાગો છો ? ‘  ‘ ખોટા સંગાથના કારણે ‘  ‘ સંગાથ એટલે તમારા સહાયક યોનના કારણે ? ‘ ના. મારા પોતાના કારણે . ‘  ‘ હા, લોકો પોતે જ પોતાને પીડે છે.’

    ત્યાં તો માર ખાધેલો જોફ વિસામે પાછો આવે છે. મિયા ‘ શું થયું ? ‘ પૂછી એના ઘાની સુશ્રુષા કરે છે. એ ઘણા સમયે દીકરાને મળી પોતાની ઈજા ભૂલા જાય છે અને એને બાથમાં લઈને સૂંઘે છે. ‘ આપણા છોકરામાંથી કેવી સુગંધ આવે છે, નહીં ! ‘ 

    થોડેક દૂર બેઠેલો બ્લોક સંતોષપૂર્વક આ સુખી કુટુંબ અને સુખ પામવાની એમની રીત જૂએ છે. મિયા એની ઓળખાણ પતિ જોડે કરાવે છે. ‘ તેં મહેમાનને કશું ખવડાવ્યું ? ‘  ‘ ઊભા રહો. હું ગાડીમાંથી જંગલી સ્ટ્રોબેરી અને તાજું દુધ લઈ આવું. આજે અમારી સાથે જમજો તમે ‘ 

    ‘ અહીંથી હવે ક્યાં નાટક દેખાડવા જવાના ? ‘ મિયા હવે પછીના મુકામનું નામ કહે છે. ‘ ના ના. એ તરફ ન જતા. ત્યાં પ્લેગ ખૂબ ફેલાયો છે. ઘણા મરી ગયા. એ કરતાં મારી સાથે મારા ગઢમાં આવો. ત્યાં સલામત છે બધું. ‘ 

    મિયા ખાણું લાવી મહેમાનને ધરે છે. ત્યાં તો યોન એની સ્ત્રીને લઈને આવે છે અને ખાણામાં જોડાય છે. બધા આનંદિત. જોફ ટહુકે છે ‘ મેં વસંત વિષે એક ગીત લખ્યું છે. સંભળાવું ? ‘ યોન ટાપસી પૂરે છે  ‘ એમ તો હું પણ ગાઉં છું ક્યારેક ‘ જોફ પોતાનું વાદ્ય લઈને આવે છે. બ્લોક પોતે ગઢમાં છોડીને આવ્યો એ નવવિવાહિત પત્ની સાથેના સોનેરી દિવસો યાદ કરે છે ‘ કોણ જાણે એ પ્લેગમાંથી બચી હશે કે કેમ ? ‘ જોફ વાદ્ય વગાડી ગીત ગાતો પત્ની અને બ્લોક વચ્ચેનો સંવાદ પ્રસન્નતાપૂર્વક  સાંભળે છે.

    અને બ્લોકના મોંએથી અચાનક અને સ્વયંભૂ આ શબ્દો સરી પડે છે :

    ‘ હું આ પ્રશાંત ક્ષણોને જીવનભર યાદ રાખીશ. તમારું ભોજન. તમારા સૌના સાંધ્યકાળે ચમકતા સોનેરી ચહેરા. તમારું નિદ્રાધીન બાળક. જોફનું ગાયન – વાદન. આપણો આ સંવાદ. આ સ્મૃતિને હું સદૈવ સાચવીશ. આ ક્ષણો જાણે તાજા દૂધની તાંસળી. આ એક નિશાની મારી સ્મૃતિમાં જડાઈ જશે.‘ 

    આ ઉદ્દગારો સાંભળી આપણે અગાઉ ચર્ચી ગયા છીએ એ ફિલ્મ CRIES AND WHISPERS ની કેંસર – પીડિત નાયિકાના આવા જ ઉચ્ચારણો યાદ આવે જે ફિલ્મના અંતે દોહરાવાય છે.

    બ્લોક ઊભો થઈ મૌનપુર્વક ચોમેર ફેલાયેલી સૃષ્ટિની ખૂબસુરતીને નિહાળે છે. ( કદાચ એને મનોમન પ્રતીત થઈ રહ્યું છે કે આવો આનંદ એ ચર્ચની પીંજણ અને ઈશ્વરની શોધ કરતાં વધુ અગત્યનો છે ! )

    શતરંજની બાજી આગળ ચાલે છે. મૃત્યુ આક્રમક શરુઆત કરે છે કારણ કે એણે ચબરાકીથી બ્લોકની વ્યુહરચના જાણી લીધી છે. ‘ જલદી કર. હું ઉતાવળમાં છું. ‘  ‘ જાણું છું. તારે કેટલાયને પતાવવાના છે. ‘ અચાનક મૃત્યુ પૂછે છે ‘ તું જોફના પરિવારને લઈને તારા ગઢ તરફ આજે નીકળવાનો ને ? ‘ બ્લોક મૃત્યુનો ઈરાદો સમજી જાય છે. મનોમન કોઈ ગાંઠ વાળે છે.

    બ્લોક, યોન, જોફ, મિયા, એમનું બાળક, પ્લોગ અને પેલી મૂંગી સ્ત્રીનો કાફલો બ્લોકના ગઢમાં ‘ પ્લેગ અને મૃત્યુથી સલામતીની શોધમાં ‘ નીકળે છે. રસ્તામાં પ્લોગની પત્ની લીસા અને એનો પ્રેમી સ્કેટ મળે છે. લીસા પતિની માફી માંગે છે અને એની પાસે પાછી ફરે છે જ્યારે સ્કેટને રસ્તામાં જ મૃત્યુ દબોચી લે છે. આ કાફલાને રસ્તામાં પેલી ‘ ડાકણ ‘ માની લેવાયેલી સ્ત્રીને સળગાવી નાખવા લઈ જતા સૈનિકોનો કાફલો મળે છે. યોન એ નિર્દોષને સૈનિકો પાસેથી છોડાવવા તત્પર છે પણ બ્લોક એને એમ કહીને રોકે છે કે ‘ એ સ્ત્રી લગભગ મરી જ ગઈ છે. ‘ એને સાવ મારી નંખાય એ પહેલાં બ્લોક એને શયતાન વિષે પૂછે છે જેથી કદાચ એની પાસેથી ઈશ્વરના સગડ મળે ! સ્ત્રી કહે છે કે ઈશ્વરની જેમ એ પણ સર્વત્ર છે ! મારી આંખોમાં પણ તમને એ દેખાશે ! બ્લોકને ત્યાં જ થોડે દૂર ઊભેલું મૃત્યુ દેખાય છે.

    કાફલાનો રસ્તે પડાવ નાંખી રાતવાસો. બન્ને ખેલાડીઓ. આખરી વાર શતરંજની બાજી. ‘ ચાલો, પૂરું કરીએ ‘ મૃત્યુ અંતિમ ચાલ ચાલીને બ્લોકનો વજીર કબ્જે કરે છે. ચેક અને મેટ ! 

    પાસે જ ગાડીમાં મિયા અને બાળક સંગે બેઠેલા જોફને બન્ને ખેલાડી રમતા દેખાય છે. એ મૃત્યુને ઓળખી જાય છે. આતંકિત થઈ પત્નીને કહે છે ‘ આ તો મૃત્યુ. આપણી સાવ પડખે. ચાલ, એનું ધ્યાન આપણા પર જાય એ પહેલાં ભાગી છૂટીએ. ‘ એ લોકો ઘોડાગાડી મારી મૂકે છે. બ્લોક નિરાંતનો શ્વાસ લઈ એમને છટકી જતા જૂએ છે. મરતાં પહેલાં એણે કરવા ધારેલું ઉમદા કાર્ય આખરે પૂરું ! મૃત્યુ એને પૂછે પણ છે ‘ ચાલ નથી ચાલવી ? રસ નથી ? ચિંતામાં છો ? કશુંક છુપાવે છે ? ‘  ‘ તારાથી કોઈ છટકતું નથી, નહીં ? ‘  ‘ હા, કોઈ જ નહીં , પણ તારી ચાલ લંબાવીને શું મેળવ્યું તેં ? ‘  ‘ ઘણું બધું ‘   ‘ સરસ. હવે પછી મળીએ ત્યારે તું અને તારા મિત્રો મારી સાથે આવવા તૈયાર રહેજો. ‘  ‘ ત્યારે તો તમારા રહસ્યો કહેશો ને ? ‘  ‘ મારું કોઈ રહસ્ય નથી. હું સાવ અણજાણ છું. ‘

    મૃત્યુને થાપ આપીને દૂર નીકળી ગયેલા જોફ અને એના પરિવાર વિનાનો કાફલો આગળ વધે છે. બધા બ્લોકના ગઢમાં પહોંચે છે.

    બ્લોકની પત્ની કારીન એને પાછો આવેલો જોઈને રાજી છે, એ એને અંતરિયાળ છોડી ગયો હોવા છતાં ! ‘ હું રાહ જોતી હતી. બાકી બધા તો પ્લેગથી ડરીને નાસી ગયા. હું યાદ તો છું ને ? ‘ એ બ્લોકની આંખોમાં ધારી – ધારીને જુએ છે. ‘ તમારી આંખોમાં વર્ષો પહેલાં મને છોડીને જતો રહેલો કુમળો યુવક ભાળું છું. તમને અફસોસ નથી થતો મને છોડી ગયાનો ? ‘ 

    બધા સાથે આખરી વાર જમવા બેસે છે. જાણે Last Supper ! બ્લોકની પત્ની બાઇબલમાંથી Seventh Seal વાળા પરિચ્છેદનું પઠન કરે છે. દરવાજો જોર – જોરથી પછડાય છે. બધાંને લાગે છે કે ‘ એ ‘ આવ્યો . યોન જઈને તપાસ કરે છે. કોઈ નથી. ત્યાં અચાનક દરવાજો વટાવી મૃત્યુ સફાળું સામે આવી ઊભે છે. બધા એને ઓળખી અદબપૂર્વક ઊભા થઈ એનું અભિવાદન કરે છે. પોતપોતાનો ભૌતિક પરિચય આપે છે.

    મૃત્યુને સાક્ષાત સામે ઊભેલું જોઈ યોન પોતાના માલિકની અત્યાર સુધી જાળવેલી આમન્યા ખંખેરી નાંખી સ્પષ્ટ કહે છે  ‘ આગળ આવો. ત્યાં અંધારામાં તમારો વલોપાત કોઈ જોશે નહીં. મેં તમારી માન્યતાઓ ક્યારની ખંડિત કરી દેખાડી હોત, પણ હવે એ માટે બહુ મોડું થઈ ગયું. તમારે ખરેખર તો છેવટ લગી જીવતા હોવાના આશીર્વાદને માણવો જોઈએ. ‘ બ્લોકની પત્ની એને ચૂપ રહેવા કહે છે તો જવાબમાં ‘ ભલે ચૂપ રહીશ, પણ વાંધા સહિત ! ‘ કહીને એ ચૂપ થાય છે !

    એક માત્ર યોન સાથે આવેલી મૂંગી સ્ત્રી જ એવી છે જે મૃત્યુના આગમનથી રાજી દેખાય છે. એ પહેલી વાર મોં ખોલી રાહતથી પૂછે છે  ‘ તો હવે બધું પૂરું ને ? ‘ 

    જોફ સપરિવાર એક ઉજ્જવળ સવાર વચ્ચે જાગે છે. એ લોકો જાણે મૃત્યુને શેહ આપી સામે પાર સલામત પહોંચ્યા છે. જોફને વધુ એક દ્રષ્ય દેખાય છે. સ્વાભાવિક છે, એ મિયાને દેખાતું નથી. દૂર ટેકરી પર તોફાની ક્ષિતિજે મૃત્યુ બધાંને દોરીને લઈ જઈ રહ્યું છે. એ હરોળમાં બ્લોક છે, યોન છે, પ્લોગ, સ્કેટ અને કારીન છે, પણ પેલી મૂંગી સ્ત્રી અને સળગાવી દેવાયેલી ડાકણ નથી ! ( કારણ કે એ બન્નેને મૃત્યુનો ભય નહોતો ! ) બધા મૃત્યુ – નર્તન  DANSE MACABRE કરી રહ્યા છે, મૃત્યુ એમને નચાવી રહ્યું છે. બધા ઊગી રહેલા પ્રભાતથી મોઢું ફેરવી જાણે અનંત મુસાફરીએ જઈ રહ્યા છે, અંધારિયા પ્રદેશો ભણી !

    એ મિયાને  પોતે શું જોયું એ કહે છે. મિયા વધુ એક વાર એના વહાલા પતિ જોફને ચીડવે છે ‘ તારી કલ્પનાના તરંગોનો જોટો નથી ! ‘

    _=_=_=_=_=_=_=_=_=_=_=

    ‘ જે લોકો મૃત્યુ, ઈશ્વર, જીવન, અસ્તિત્વ વિષે ગહન ચિંતન કરતા રહ્યા, એ વિશ્લેષણમાં જ રહી ગયા અને મૃત્યુ લાગલું એમને ઉપાડી ગયું અને જેમણે વર્તમાનને, કુટુંબને અને જીવ માત્રને ચાહ્યા એ જીવતા રહ્યા – દરેક અર્થમાં ! ‘ જોફનું બચી ગયેલું કુટુંબ તો માત્ર એક પ્રતીક છે. આ કુટુંબ એટલે વસ્તુત: એવા લોકો જે ઝાઝા બહાદુર પણ નથી અને બહુ બાયલા પણ નહીં. એ લોકો ઈશ્વર કરતાં પોતાના પરિવારને વધુ સમર્પિત છે અને એટલે જ ઈશ્વરની એમના પર મહેરબાની છે !

    ફિલ્મ એક ઐતિહાસિક ફેંટેસી છે અને સમગ્ર ફિલ્મને એવા પરિવેશમાં બાંધીને બર્ગમેને એ સુનિશ્ચિત કર્યું છે કે ફિલ્મને સમયનો કાટ ન લાગે !  ફિલ્મ બર્ગમેનના પોતાના લખેલા નાટક WOOD PAINTING  ઉપરથી બનાવવામાં આવી છે. એ નાટકનું દિગ્દર્શન એમના મિત્ર બેંગ એકેરોટ કર્યું હતું. આ જ કલાકારે ફિલ્મમાં મૃત્યુનો રોલ અદા કર્યો છે. ફિલ્મની પટકથા સ્વયં બર્ગમેનની અને ફોટોગ્રાફી ગુન્નાર ફીશરની છે, જે સ્વેન નિકવીસ્ટ ના આગમન પહેલાં બર્ગમેનના સ્થાયી કેમેરામેન હતા.

    ફિલ્મનું શીર્ષક અંતિમ બાઈબલ – BOOK OF REVELATION માં જગતના અંત વિષયક પરિચ્છેદમાં ઉલ્લેખાયું છે ‘ અને જ્યારે લેમ્બ ( એટલે ઈસુ ખ્રિસ્ત પોતે ! ) દ્વારા સાતમું સીલ ઉઘાડવામાં આવ્યું ત્યારે સ્વર્ગમાં લાંબો સમય સન્નાટો છવાઈ ગયો ! ( આ દરેક સીલ ઉઘાડતી વખતે વિશ્વ પર અલગ – અલગ પ્રકારની આફત ઉતરી આવે છે ! )

    બર્ગમેને આ ફિલ્મની પટકથા પાંચ વાર લખીને મઠારેલી. ફિલ્મના પ્રારંભિક અને અંતિમ સિવાયના બધા દ્રષ્યો સ્ટુડિયોમાં ફિલ્માવાયેલા. ફિલ્મને પ્રતિષ્ઠિત કાન ફિલ્મોત્સવમાં જ્યૂરીનું સ્પેશિયલ પ્રાઈઝ એનાયત થયેલું.

    ફિલ્મમાં નાના – મોટા પાત્રો ભજવતા બધા કલાકારોએ એમના પાત્રોને અદ્ભૂત અંજામ આપ્યો છે, વિશેષ કરીને મેક્સ ફોન સિંડો, ગુન્નાર બ્યોર્નસ્ટ્રેંડ અને બીબી એંડર્સન . 

    આ ફિલ્મ દ્વારા બર્ગમેનની સાત ફિલ્મોની એક એવી શ્રેણી શરુ થઈ જે હિટલરની બર્બરતા અને જાપાન પરના અણુ – હુમલા પછીના માણસની ઈશ્વરમાંની શ્રદ્ધાને નવેસરથી નિરૂપે છે.

    ઘણા બધા અર્થોમાં આ એક ‘મૂંગી ફિલ્મ’ છે. આવી ફિલ્મો હવે ચલણમાં નથી. એનો વિષય ઈશ્વરની અનુપસ્થિતિથી કમ અંધારિયો નથી ! હવેની ફિલ્મો ઈશ્વરના મૌન સાથે નહીં, માનવીની વાચાળતા સાથે સંબંધિત છે. એની પારદર્શકતા જ એની શક્તિ છે. એ અસમાધાનકારી કૃતિ છે. બર્ગમેનની બીજી કેટલીક ફિલ્મો પણ ‘ ઈશ્વરના અદ્રષ્ય રહેવાના નિર્ણય ‘ પ્રતિ એમનો રોષ ઠાલવે છે પરંતુ અહીં એ વાત એટલે નિર્ભયતાપૂર્વક શબ્દોમાં અંકિત કરી છે કે કોઈ મર્ત્યને સાક્ષાત મૃત્યુ સાથે ચેસ રમતો જોવાની કલ્પના જ અવિસ્મરણીય છે ! એક દર્શક તરીકે આપણને એ નિષ્કર્ષ પર પહોંચવાની લાલચ થાય કે કદાચ મૃત્યુ જ ઈશ્વર છે ! બર્ગમેને આત્મવિશ્વાસપૂર્વક ફિલ્મનો અંત કોઈ વિધાન સાથે નહીં, પોતાના શિકારોને દોરી જતા મૃત્યુની છબી સાથે આણ્યો છે. જોફ એ દ્રષ્ય જોઈને કહે છે  ‘ કઠોર મૃત્યુ એ બધાંને નચાવી રહ્યું છે ! 

    ફિલ્મમાં જે રીતે ઉમરાવ બ્લોક મૃત્યુ પહેલાં એક આખરી ઉમદા કાર્ય કરી જવાની ખેવના મૃત્યુ આગળ વ્યક્ત કરે છે, સ્વયં બર્ગમેન પણ ‘ મૃત્યુ પછી એમને સદૈવ યાદ કરવામાં આવે ‘ એવી ફિલ્મો સર્જવાની સળગતી મહત્વાકાંક્ષા ધરાવતા લાગે છે!

    મૃત્યુ અને બ્લોક વચ્ચેની રમત હજી પણ મનુષ્ય અને મૃત્યુ વચ્ચે જારી છે. પરિણામ પહેલાં પણ મનુષ્યની વિરુદ્ધમાં હતું, હજી પણ છે અને કદાચ કાયમ રહેશે. હા, મનુષ્યની જિજીવિષાની જ્યોત કાયમ જલતી રહેશે. કદાચ અંતિમ અનિવાર્ય પરિણામ છતાં મૃત્યુને બ્લોક સાથે ચેસ રમવાની મજા પડી હશે કારણ કે બ્લોક મર્યાદાઓને ઉલ્લંઘી ઈશ્વરને પડકારતો હતો અને માણસના મનમાં સદીઓ સુધી ધરબાઈને પડેલા SEVENTH SEAL સુધી પહોંચવા પ્રયત્ન -રત્ત હતો !

    THE SEVENTH SEAL એ બર્ગમેનનું ‘ હેમલેટ ‘ છે, એમનું ‘ ફોસ્ટ ‘ છે..


    [1]

    https://youtu.be/AVjTOK4NG1M


    મહાન સ્વીડીશ ફિલ્મ – સર્જક ઈંગમાર બર્ગમેન (૧૯૧૮ – ૨૦૦૭) ની દસ ફિલ્મોના સવિસ્તાર રસાસ્વાદની આ શ્રેણીના બધા મણકા ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ   પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મુન્શીયારી ભણી વળતો પ્રવાસ

    નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

    આશા વીરેન્દ્ર

    નારાયણ આશ્રમથી મુન્શીયારી સુધીનો રસ્તો ઘણો લાંબો અને દુર્ગમ હતો. વળી રસ્તામાં અમને ભૂખ્યાં જનોને ક્યાંય ભોજન મળી શકે તેમ નહોતું, એટલે હૉટલ ‘મિલામ ઈન’માં પહોંચ્યાં ત્યારે સૌનો જઠરાગ્નિ પ્રજ્વળી ચૂક્યો હતો. હોટલ બહુ સરસ હતી. દરેક રૂમમાંથી હિમાલય દૃષ્ટિગોચર થતો હતો. પરંતુ જ્યાં સુધી પેટની પૂજા નહોતી થઈ ત્યાં સુધી કોઈને સૌંદર્ય માણવાનું યાદ નહોતું આવ્યું. લાંબો પ્રવાસ કરીને પહોંચ્યાં હતાં એટલે બાકીનો બધો કાર્યક્રમ બીજા દિવસ પર મોકૂફ મુકીને  રાતે બધાંએ એક રૂમમાં ભેગાં થઈ ગીતો ગાયાં, એકપાત્રી અભિનય માણ્યો અને શાહબુદ્દીન રાઠોડના ‘વનેચંદના વરઘોડા’ના અનેક પ્રસંગો યાદ કરી કરીને ખૂબ હસ્યાં. બધાં આટલા દિવસમાં એકબીજા સાથે એવાં હળીમળી ગયાં હતાં, એટલાં નજીક આવી ગયાં હતાં કે રાજેંદ્ર શાહ રચિત ગીત ‘આપણ એકબીજાના સંગમાં રાજી રાજી’ વારંવાર યાદ આવતું હતું.

    મુન્શીયારીમાં ‘ખાલિયા ટૉપ’નું ટ્રેકિંગ હતું. જેમને જવું હતું એ બધાં એ ટ્રેકિંગમાં ગયાં. ખુબ વિશાળ જગ્યામાં નંદાદેવીનું રૂપકડું મંદિર છે તેનાં દર્શન કર્યાં.

    મુન્શિયારીમાં આવેલું નંદાદેવી મંદિર

    તે પછી બહેનોને યાદ આવ્યું કે કાલથી નવરાત્રિનો આરંભ થાય છે તો આજે જ માતાજી સમક્ષ ગરબા કેમ ન ગાવા !  એક વખત આવો તુક્કો મનમાં સળવળવાનું ચાલુ થાય પછી ગુજરાતણો ઝાલી રહે? મંદિરના પરિસરમં એક પછી એક એમ ગરબાની રમઝટ જમાવી દીધી. શરૂઆતમાં થોડા દૂર રહેલા ભાઈઓ પણ એક પછી એક તાલીઓના તાલમાં જોડાવા લાગ્યા.

    અમને  ગરબા કરતાં જોઇ પરભાષી અન્ય યાત્રીઓ રમૂજ અનુભવતા હોય એમ લાગ્યું. કદાચ અંદરોઅંદર એ લોકો એમ પણ કહેતાં હશે કે ‘કેવાં ગાંડાં છે આ લોકો, નહીં?’ પણ અમને એ બધાંની બહુ પરવા નહોતી. આમ પણ ‘કુછ તો લોગ કહેંગે, લોગોંકા કામ હૈ કહેના’. જેને જે કહેવું હોય તે કહે, પણ એક દિવસ અગાઉ અમે તો ગરબાની નેટ પ્રેક્ટીસ કરી લીધી.

    મંદિરના પરિસરમાં ગરબા ઘેલા ગુજરાતીઓ

    મુન્શીયારીથી ચૌકોરી જતાં રસ્તામાં બ્રીથી ફૉલ આવે છે, એ જોવાનું ચુકવા જેવું નથી. ફૉલના મૂળ નજીક જવા લગભગ ૧૦૦ -૧૨૫ પગથિયાં ચઢવાની કસરત કરવી તો પડે, પણ ત્યાં પહોંચ્યા પછી ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ જેવી અનુભૂતિ અવશ્ય સાર્થક થાય. કેટલીએ ઊંચાઈએથી પડતું ધડધડડાટ કરતું ઝરણું ચારેકોર જળશિકરો ઉડાડતું, અવનવ અકારો રચતું પૃથ્વીને મળવા આતુર બનીને દોડ્યું આવે છે. બેઉનાં મિલન સમયે જે સપ્તરંગી સુભગ મેઘધનુષ્યનો માંડવો રચાય એ દૃશ્યના સાક્ષી બનવું એ પણ એક અલભ્ય ધન્યતાની અનુભૂતી હતી. શરીર પર ઝીલાતી વાછટ એક અનોખો જ રોમાંચ પેદા કરતી હતી. મારાં જેવાંઓ જે નાયગ્રા ફૉલ ન જોઈ શકયાં હોય તેમને માટે તો બિથી ફૉલની મુલાકાતથી ‘સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા’નો સંતોષ મળી શકે તેમ હતું. જુદી જુદી જગ્યાએથી ફૉલનાં અલગ અલગ સ્વરૂપો જોવામાં અને જાત જાતના એંગલથી સેલ્ફીઓ પાડવામાં  કલાકેક તો ચપટી વગાડતાં નીકળી ગયો, અને તો પણ કોઈને ત્યાંથી પાછા ફરવાનું મન થતું નહોતું.

    બ્રિથી ફોલનો અદ્ભુત નજારો

    બ્રિથી ફૉલ જોઈને નીચે ઉતર્યા પછીથી માડ દોઢ બે કિલોમીટર આગળ ગયાં હોઈશું ત્યાં ખબર પડી કે એકાદ મહિના પહેલાં ખીણમાંનીચે પડી ગયેલી ટ્રકને બહાર ખેંચી કાઢવાની કામગીરી ચાલી રહી છે.  ડ્રાઈવરોને અંદાજ આવી ગયો કે હવે ચાર પાંચ કલાક તો સાચા ! અમને લોકોને એક વાર તો વિચાર આવી ગયો કે મહિના પહેલાં અંદર જઈ પડેલી ટ્રકને બહાર કાઢવાનું મૂરત અત્યારેજ, અમારે અહીંથી પસાર થવાનું થયું છે ત્યારે જ,  ક્યાં પાક્યું ! અત્યાર સુધીનો આપણો પ્રવાસ કેવો નિર્વિઘ્ને નીકળી ગયો છે એવો વરંવાર હરખ કરતાં અમને હવે વખાણી ખીચડી દાઢે વળગ્યાનો અફસોસ ચચરવા લાગ્યો હતો. પરંતુ વધારે કકળાટ કે કચવાટ કરવા બહુ વારો ન આવ્યો. અમારા નસીબ થોડાં પાધરાં હશે, એટલે બ્રિથી ફૉલ પાછાં પહોંચ્યાં ત્યાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે સાવ નજીકમાંજ કુમાઉ નિગમનું ગૅસ્ટ હાઉસ છે.

    ત્યાં પહોંચીને થોડું રમ્યાં, અને ઘણું જમ્યાં ! પછી પાનાંની થોડી રમતો કરી, બેઠાં બેઠાં થોડાં ઝોકાં પણ ખાઈ લીધાં એટલામાં જ ડ્રાઈવર દોડતો દોડતો કહેવા આવ્યો કે રસ્તો ખૂલી ગયો છે.


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.