વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ભાષા અને બહુભાષાની કહાણી : ભાષા મરે છે કે રૂપ બદલે છે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    જિયાદ યુસુફ ફજાહ
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    તમે કેટલી ભાષાના જાણકાર છો? એવા સવાલનો જવાબ શું હોઈ શકે? ભાષાના જાણકાર હોવાના કોઈ ચોક્કસ માપદંડો નથી. એટલે કેટલી ભાષા વાંચી, લખી, બોલી શકો છો તેના આધારે ભાષાના જાણકાર હોવાનું નક્કી થઈ શકે. એક ગુજરાતીભાષીને જો આવો સવાલ કરવામાં આવે તો તેનો જવાબ કદાચ ગુજરાતી અને હિંદી એમ બે ભાષા તે વાંચી, લખી, બોલી શકે છે તેમ કહી શકે. અંગ્રેજી અને સંસ્કૃત કદાચ વાંચી કે લખી શકે છે. એટલે સામાન્ય ભારતીય એક કે બે ભાષાનો જાણકાર હોય છે.મોટેભાગે તો એક જ ભાષાથી આપણું ગાડુ ગબડે છે. ક્યારેક જ તેથી વધુની જરૂર પડે છે. એટલે લાઈબેરિયામાં જન્મેલ જિયાદ યુસુફ ફજાહ પચાસ ભાષાના જાણકાર હોવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે એમ જાણીએ તો આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. જિયાદ આજે વિશ્વના સૌથી મોટા બહુભાષી (Polyglot) છે.

    ભારત બહુધાર્મિક, બહુજ્ઞાતિય એમ બહુભાષી દેશ છે. સાર્થ જોડણી કોશમાં  ભાષાનો અર્થ બોલી, વાણી, જબાન આપ્યો છે. એટલે ભાષા અને બોલીને એક જ ગણ્યા છે. પરંતુ બાર ગાઉએ બોલી બદલાય એ ન્યાયે એક જ ભાષાની અનેક બોલીઓ હોય છે. મતલબ કે ભારતમાં ભાષા અને બોલીનું અપાર વૈવિધ્ય છે. ભાષા આમ તો સંવાદ અને સંપર્કનું માધ્યમ છે. પરંતુ તે ખૂબ જ ભાવનાત્મક વિષય છે. ભાષા થકી જ પરસ્પરની લાગણીઓને જાણી શકાય છે. બોલનાર-સાંભળનાર એકબીજા સાથે ભાષાથી જોડાય છે. જો આપણે સામેની વ્યક્તિ  સાથે તેની જ ભાષામાં વાત કરીએ તો તે તેના દિલને સ્પર્શે છે. એટલે જ બહુભાષી ભારતમાં રાજનેતાઓ ચૂંટણી પ્રચાર સભાઓમાં પહેલું કે છેલ્લું એકાદ વાક્ય લોકોની ભાષામાં બોલીને તાળીઓ મેળવી લે છે. એ રીતે રાજકારણીઓ ઘડીબેધડી ખરીખોટી આત્મીયતા પેદા કરવામાં સફળ થાય છે. જોકે તેના મૂળમાં સમાનભાષીઓ વચ્ચેની આત્મીયતા કે ભાષાનું ભાવના સાથેનું સંધાન રહેલું છે.

    ભાષાઓ વચ્ચે આત્મીયતા તેમ શત્રુતા પણ જોવા મળે છે. આપણે ત્યાં હિન્દી અંગ્રેજી વચ્ચેનો વિવાદ કાયમનો છે. એટલે તો હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી પરંતુ રાજભાષા અર્થાત સરકારી રાજકાજની ભાષા છે. દક્ષિણના રાજ્યો કાયમ તેમના પર હિન્દી ઠોકી બેસાડવામાં ન આવે તેની ચિંતા સેવે છે તો ઉત્તરના હિન્દી ભાષી રાજ્યો કદી દક્ષિણની ભાષા અપનાવતા નથી.બંધારણે સ્વીકારેલી ભાષાઓને હિન્દીને કારણે તેમનું મહત્વ ઘટી  રહ્યાની ફરિયાદ છે તો ખુદ હિન્દી અંગ્રેજી સામે આવી જ ફરિયાદ કરે છે.

    અંગ્રેજી સત્તાની, ઉચ્ચ અને તકનિકી શિક્ષણની અને રોજગારની ભાષા છે. વિશ્વ વ્યાપારમાં જે સ્થાન ડોલરનું મનાય છે તે સ્થાન ભાષામાં અંગ્રેજીનું છે. અંગ્રેજીને ભવિષ્યનું ઉપકરણ (ફ્યુચર ટુલ) ગણવામાં આવે છે. વિશ્વમાં  સૌથી વધુ બોલાતી ભાષાઓમાં તે પ્રથમ સ્થાને નથી પરંતુ તેનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો છે. દુનિયાના પંચોતેર દેશોની તે રાજભાષા છે. દુનિયાના ૩૭ કરોડ લોકોની જ અંગ્રેજી મૂળ ભાષા છે પરંતુ આજે વિશ્વના ૨૦૦ કરોડ લોકો અંગ્રેજી બોલે છે. અંગ્રેજી સાથે હિન્દીની સરખામણી કરીએ તો દેશની ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશના ૧૦ ટકા લોકો અંગ્રેજીના જાણકાર હતા. વિશ્વમાં ૬૨ કરોડ લોકો હિન્દી બોલે છે. ભારત દુનિયાની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે અને ઝડપથી ત્રીજા નંબરે પહોંચવા માંગે છે એટલે વ્યાપારમાં હિન્દીનું મહત્વ વધે તેમ લાગે છે.

    ૨૦૧૯માં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને લોક ફાઉન્ડેશને ભારતમાં અંગ્રેજી ભાષાની સ્થિતિ અને પ્રભુત્વનો અભ્યાસ કર્યો હતો. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં દેશના ૧૦ ટકા લોકોએ અંગ્રેજીના જાણકાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ સર્વેક્ષણમાં તેમની ટકાવારી ઘટીને છ જણાઈ હતી. અંગ્રેજી ભાષા શહેરી, પુરુષ, યુવા અને ધનિકોની ભાષા હોવાનું પણ માલુમ પડ્યું હતું. સર્વેમાં સામેલ ૧૨ ટકા શહેરીની  તુલનામાં માત્ર ૩ ટકા જ ગ્રામીણો અંગ્રેજી જાણતા હતા. ૪૧ ટકા અમીરો અને ૨ ટકા ગરીબોની તે ભાષા હતી. કથિત ઉચ્ચવર્ણના ૧૦ અંગ્રેજીભાષી વ્યક્તિઓ સામે અંગ્રેજીભાષી દલિત-આદિવાસી ૩ જ હતા.દેશની બહુમતી વસ્તી હિંદુ છે પરંતુ માત્ર ૬ ટકા જ હિંદુઓ અંગ્રેજી બોલે છે ! જ્યારે સૌથી વધુ ૧૫ ટકા ખ્રિસ્તીઓ અને ૪ ટકા મુસ્લિમો અંગ્રેજી જાણે છે. જેમ ગરીબો-પછાતો તેમ દેશની મહિલાઓ પણ અંગ્રેજીની જાણકારીમાં પાછળ છે. આજે અંગ્રેજી ન જાણનાર વ્યક્તિ પછાત ગણાય છે એ જ રીતે આજના પછાતો અંગ્રેજીમાં પણ પછાત છે.

    હિંદી કવિ ભવાની પ્રસાદ મિશ્રએ  લખ્યું છે કે ,” જિસ તરહ હમ બોલતે હૈ , ઈસ તરહ તુ લિખ/ ઔર ઈસકે બાદ ભી હમસે બડા તૂ દિખ.” પરંતુ વાસ્તવિકતા જૂદી છે. સામાન્ય નિરીક્ષણ એવું છે કે હવે સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ મેળવવું ખરાબ મનાય છે અને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ વધી રહ્યું છે. દેશના એક જાણીતા હિંદી અખબારે તેના પટાવાળાથી તંત્રી સુધીના તમામ કર્મીઓનું એક દાયકા પૂર્વે સર્વેક્ષણ કર્યું હતું. જેમાં તે  હિંદી અખબારમાં કામ કરતા લોકો ક્યા માધ્યમમાં અને કઈ શાળામાં ભણતા હતા અને તેમના સંતાનો ક્યા માધ્યમમાં ભણે છે તે પૂછ્યું હતું. તેના જવાબમાં જણાયું કે તંત્રી વિભાગના ૮૦ ટકા કર્મીઓ અને પત્રકારો સરકારી શાળામાં અને હિન્દી માધ્યમમાં ભણ્યા હતા. પરંતુ હવે આજે અખબારના ચોકીદાર અને પટાવાળાના સંતાનો પણ  અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં ભણે છે. એટલે ઘરની, શાળાની અને પછી સમાજની ભાષા બદલાઈ રહી છે.

    વૈશ્વિક સ્પર્ધામાં ટકવા કે વ્યાપ વધારવા અંગ્રેજીએ જેમ અન્ય ભાષાના શબ્દોનો સ્વીકાર કર્યો છે તેમ અન્ય ભાષાઓએ કરવો જોઈએ. હિન્દીનો વ્યાપ વધારવા તેનું સરળીકરણ થવું જોઈએ( કે ગુજરાતી જોડણીમાં સુધારા થવા જોઈએ)  તેનો એક મોટો વર્ગ વિરોધ કરે છે. હિન્દીનું સરળીકરણ અને સરકારીકરણ તેના હિતમાં નથી તેમ માનવામાં આવે છે. હિન્દીને સંસ્ક્રુતનિષ્ઠ શબ્દોથી મઢાયેલી ભાષા બનાવવા માંગતા લોકો હિન્દીનું સરળીકરણ તેને નષ્ટ કરી દેશે તો તેનું સરકારીકરણ તેમાં કૃતિમતા આણે છે તેવી દલીલો કરે છે. અંગ્રેજી દુનિયાના ૭૫ દેશોની અને હિંદી માત્ર ૨ જ દેશોની રાજભાષા છે. તેના કારણમાં અન્ય ભાષાના શબ્દોના સ્વીકારથી હિંદીનો પરહેજ પણ મુખ્ય કારણ છે.

    કેટલીક ભાષા નષ્ટ થઈ રહ્યાનું કહેવાય છે અને તેને બચાવવા અભિયાનો ચાલે છે. પરંતુ વૈશ્વિકીકરણ અને ટેકનોલોજીએ ભાષાઓને મૃતપ્રાય કરવામાં જે ભાગ ભજવ્યો છે તેની અવગણના થાય છે. એક વાક્યને  બદલે એક ઈમોજી કે આખો સંવાદ જ  ઈમોજીથી થઈ રહ્યો છે. ભાષાનું નવું અને સંક્ષિપ્ત રૂપ સમજીને ભાષા અને માતૃભાષાને બચાવવાના અભિયાનો કરવા જોઈશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કલ્પનાની કલ્પના..ફ્રોમ કરનાલ ટુ કોલમ્બિયા

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
    ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
    તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
    મને ઊછળતા દરિયાની ટેવ.

    હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
    અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
    તારે કહેવી હો હા ને તોય તું શું કરે
    તને ના રે ના કરવાની ટેવ.

                               – હિતેન આનંદપરા

    નારીના નવલા રૂપોને જોઈ કહેવાનું મન થાય કે વનિતાવરિષ્ઠામ્. સુનિતા વિલિયમ્સની આકાશ જેવી ઉંચાઈને વખાણીએ કે નિરજાની હિંમત અને હિકમતણે હૈયે વસાવીએ. પવનવેગી પાયલટ કારગીલ ક્વીન ગુંજન સક્સેનાને સાતસો સલામ આપીએ.

                   ભારતીય-અમેરિકન અવકાશયાત્રી…શબ્દો કાને પડે ને કદમાં નાનકડી પણ અદભુત સાહસ અને મજબૂત મનોબળની મૂરત કલ્પના ચાવલા આંખો સામે આવે. ઓછી ઊંચાઈ ધરાવતી કલ્પના ચાવલાને યાનમાં સીટ નીચી પડે એટલે ગાદીઓ રાખતી હતી. માત્ર દેહથી જ વામન આ વામાનું વિરાટ પગલું કરનાલથી કૉલમ્બિયા સુધી વિસ્તર્યું. અહીં પ્રસિદ્ધ શાયર દુષ્યંતકુમાર યાદ આવે, ’કૌન કહેતા હૈ આસમાં મેં સુરાગ નહીં હો શકતા, એક પત્થર તો તબિયત સે ઉછાલો યારો’. ભાગલા વખતે વિસ્થાપિત થઈને આવેલા અસંખ્ય પરિવારોમાં એક ચાવલા પરિવાર પણ હતો જેમને ઘર વસાવવા માટે હરિયાણાની ભૂમિ કરનાલ મળી.

    કલ્પનાનું બાળપણ એવી જગ્યાએ વીત્યું જ્યાં વીજળી વારંવાર ગુલ થાય. પણ આંગણામાં કે છત પર સૂતેલી બાળકીને તો તારાભર્યા આકાશમાં કલ્પનાની પાંખે વિહરવામાં મોજ પડતી. આકાશને આંબવાના સપનાં જોતી કલ્પનાના મનમાં ત્યારે જ અવકાશયાત્રી બનવાનું વિચારબીજ વવાયું હશે. એની ચિત્રપોથીમાં પણ ઉડતા વિમાન અને રોકેટના ચિત્રો વધુ જગ્યા રોકતા. પિતાએ કલ્પના હજુ આઠમાં ધોરણમાં જ હતી ત્યારે ગ્લાઈડીંગ કરવાની તક આપી. ઉડાનનો સ્વાદ ચાખ્યા પછી અવકાશયાત્રી બનવાની ઇચ્છા બળવત્તર બની. અંતરિક્ષ વિજ્ઞાનનો વિષય પસંદ કરી ભવિષ્યમાં એન્જિનીયર બનવાનું નક્કી કર્યું. કોઈ પણ મુશ્કેલીમાં કલ્પનાને એની માતાનો અડીખમ સાથ મળતો રહ્યો. માતાએ એને આગગાડીનો ‘અ’ નહીં પણ આકાશનો ‘અ’ શીખવ્યો હશે. સસલાનો ‘સ’ નહીં પણ જેને સાચા પડવાની ટેવ હોય એવા સપનાંનો ‘સ’ શીખવ્યો હશે. તે જાણતી હતી કે કલ્પનાને આકાશમાં ઊડવું છે. તેણે કલ્પનાને પાંખો આપી. સતત અભ્યાસ, લક્ષ્ય તરફ એકાગ્રતા અને અનુશાસન તેના જીવનનો ભાગ બની ગયા હતા. ટાટા ઉદ્યોગના માલિક જહાંગીર રતનજી ટાટા તેના આદર્શ હતા. જેમણે પહેલી વખત ભારતમાં વિમાન ઉડાડ્યું હતું. તેમની જેમ કલ્પના પણ આસમાનમાં ઊડવા માંગતી હતી. કલ્પનાની ખુમારી તો જુઓ. એણે એરોનોટિકલ એન્જીનીયરિંગ એટલે પસંદ કર્યું કે એને ફ્લાઈટ એન્જીનીયર બનવું હતું. જેથી ઉડાન દરમિયાન વાયુયાન કે તેના સંબંધિત મુશ્કેલીઓ પેદા થાય તે એ બધું તે જાતે જ ઉકેલી શકે. તેની ડિક્ષનેરીમાં ‘ડર’ શબ્દ હતો જ નહીં. દુનિયાના સૌથી શક્તિશાળી એવા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું એક વાક્ય અહીં યાદ આવી જાય “ડરતે તો વો હૈ જો અપની છબી કે લિયે મરતે હૈ. મૈ તો હિન્દુસ્તાનકી છબી કે લિયે મરતા હું. ઓર ઇસી લિયે કિસીસે ભી નહિ ડરતા હું”

    ભારતથી અમેરિકા ગયા બાદ કલ્પનાની સૌથી પહેલી મુલાકાત થઈ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર પીયર હેરિસન સાથે. કલ્પનાની સાહસિકતા, તીક્ષ્ણ બુદ્ધિ અને સહજતા તરફ હેરિસન આકર્ષાયા. હેરિસન ફ્લાઇંગના સ્ટુડન્ટ હોવા ઉપરાંત મરજીવા તરીકે સમુદ્રમાં ઊંડે સરકવાના પણ શોખીન હતા. હેરિસનની આ બાબત પ્રત્યે કલ્પનાએ આકર્ષણ અનુભવ્યું. કલ્પના માટે હેરિસન એક એવા મિત્ર બની રહ્યા જે બધી રીતે કલ્પનાને મદદ કરવા તત્પર હતા. બન્ને વચ્ચેનો સંબંધ ગાઢ બનતો ગયો. ૧૯૮૩ના બન્ને પરણી ગયાં.

    કલ્પનાનું પ્રથમ અંતરિક્ષ મિશન ૧૯ નવેમ્બર ૧૯૯૭માં શરૂ થયું હતું. તેમણે છ અંતરિક્ષ યાત્રીઓ સાથે સ્પેસ શટલ કોલંબિયા STS-87 થી ઉડાન ભરી હતી. તેણે સફળતાપૂર્વક આ યાત્રા કરી અને ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી બની. આ તેનું પ્રથમ મિશન હતું. કલ્પનાએ પૃથ્વીના ૨૫૨ ચક્કર લગાવ્યા હતા. તેણે અવકાશમાં ૩૭૨ કલાકો વિતાવ્યા હતા. આ પછી તેને નાસા સ્પેસ મેડલ, નાસા ડિસ્ટીંગ્વિશ્ડ સર્વિસ મેડલ જેવા અનેક મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. કલ્પનાએ પોતાની એક અવકાશયાત્રા દરમિયાન મોકલેલા સંદેશમાં કહેલું, ‘સપનાંથી સફળતા સુધી જવાનો રસ્તો તો હોય જ છે. બસ, તમારામાં એ રસ્તો શોધવાની દૃષ્ટિ, એ રસ્તા પર ચાલવાની હિંમત અને તેનું અનુસરણ કરવાની ઇચ્છાશક્તિ હોવાં જોઈએ.’

    કલ્પનાના કોલેજકાળ દરમિયાન એક સ્મરણિકા પ્રકાશિત થઈ. તેના એક પાના પર કલ્પના વિશે થોડા શબ્દોમાં એક સરસ વાત લખાઈ હતી. તે શબ્દો હતા…’કલ્પના એટલે કલ્પના, તે શિસ્તબદ્ધ છે. વિવેકી અને વિનયી છે. આ છોકરી સંઘર્ષ કરે છે અને બીજાઓને મદદ કરવા પણ હંમેશા તૈયાર રહે છે.’ હરિયાણાની આ છોકરીએ માત્ર જમીન ઉપર જ નહિ પરંતુ અંતરિક્ષમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. નાનપણથી કલ્પના ચાવલા કહેતા કે “હું અંતરિક્ષ માટે બની છું” હું દરેક પળ અંતરીક્ષ માટે વીતાવીશ અને અંતરીક્ષમાં જ મૃત્યુ પામીશ” પરંતુ કોને ખબર હતી કે આ વાતને સાચી કરીને કલ્પના ચાવલા માત્ર ૪૧ વર્ષની ઉંમરે સૌને અલવિદા કહી દેશે અને સફળ જીવનના સર્વોચ્ચ શિખરે બિરાજ્યા. કલ્પનાએ દેશની દિકરીઓ માટે એક અલગ સંદેશ આપ્યો કે ‘દિકરી છે તો શું થયું તે ધારે તે કરી શકે છે.’ એવું પણ સંભળાય છે કે બોલીવુડમાં કલ્પના ચાવલા ઉપર એક ફિલ્મ બનવા જઈ રહી છે જેમાં પ્રિયંકા ચોપરા કલ્પનાની ભુમિકા નિભાવતી જોવા મળશે.

    વિશ્વભરમાં ભારતનું નામ ગૂંજતું કરનાર સ્વર્ગસ્થ અવકાશયાત્રી કલ્પના ચાવલા જે સ્પેસ શટલ યાન એસટીએસ-૧૦૭માં મોંતને ભેટ્યા હતા તે યાનના બહારના ભાગનો એક ટુકડો અને તેના દરેક ક્રુ મેમ્બરે હાથે જ કરેલા ઓટોગ્રાફ્સવાળા ફોટોગ્રાફ્સ તથા નાસાના સ્પેસશટલના ઓરિજિનલ સ્ટીકર સાથેના ફ્લાયર સહિતની કેટલીક ચીજવસ્તુઓ રાજકોટ શહેરના ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતને કલ્પના ચાવલાના જ નજીકના મિત્રએ ભેટમાં મોકલાવી છે.

    કલ્પના વિશે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ. બુશે કહ્યું, “કલ્પના ચાવલા સિવાય અમેરિકાના એક પણ અંતરિક્ષ યાત્રીએ તેના જેટલી લાંબી અંતરિક્ષ યાત્રા કરી નથી. એ તારાઓથી પણ આગળ નીકળી ગઈ.” રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે પણ કલ્પનાને અંજલિ આપતાં કહ્યું, “હરિયાણાના એક નાના શહેરની આ ભારતીય નારી સાહસ અને ઇચ્છાશક્તિના જોરે અંતરિક્ષની નાગરિક બની એ આપણા સૌના માટે ગર્વની વાત બની રહેશે.” જો કે કલ્પનાને સાચી શ્રધ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે દેશમાં માત્ર એક બે નહિ હજારો લાખો કલ્પના જન્મ લેશે.


    ઇતિ

    કોઈ એમ કહે કે મારે જીવન જોઈએ છે પણ મરણ જોઈતું નથી તો એ, ‘ખાવું છે’ પણ ‘મોં ખોલવું નથી’ એના જેવી તદ્દન અશક્ય બાબત છે.

    -કાકા કાલેલકર


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘હું કેવળ કવિ છું. હું નથી તત્ત્વજ્ઞાની, નથી શાસ્ત્રજ્ઞાની, નથી ગુરુ કે નથી નેતા…’

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    ૧૯૪૧માં ઓગસ્ટની સાતમી તારીખે (શ્રાવણી પૂર્ણિમાએ) કોલકાતામાં કવિગુરુ રવીન્દ્રનાથે જોડાસાંકોની ઠાકુરવાડીમાં, જ્યાં જન્મ્યા’તા ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા. એમની પૂર્વાજ્ઞા પ્રમાણે ત્યારે ગવાયેલી રચના હતી: ‘સંમુખે શાંતિ પારાવાર/ભાસાઓ તરણી હે કર્ણધાર…’ (‘મારી સન્મુખ શાંતિનો પારાવાર લહેરાય છે. હે કર્ણધાર, હવે નૌકાને તરતી મૂકો.’)

    (સંપાદકીય નોંધઃ સાદર્ભિક વિડીયો ક્લિપ  યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.)

    કવિએ પસંદ કરી રાખેલું અંતિમ ગાન જો ‘શાંતિ પારાવાર’નું હતું તો એમનું છેલ્લું જાહેર વ્યાખ્યાન હજુ બે-ત્રણ માસ પૂર્વે અપાયું એનું વસ્તુ ‘સભ્યતાર સંકટ’ (‘ક્રાઈસિસ ઈન સિવિલાઈઝેશન’) હતું.

    પહેલા વિશ્વયુદ્ધની વિભીષિકા વારાથી એ રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો બાબતે સચિંત રહ્યા છે અને 1941નું વરસ બીજા વિશ્વયુદ્ધના સમયગાળાનું છે એટલે એ સભ્યતા પર એમને જે સંકટ વરતાય છે તેને વિશે બોલ્યા વિના રહી શક્યા નથી. જીવન સહજ ક્રમે સંકેલાવામાં છે, મૃત્યુને પોતે જગતજનની એક એક થાનલેથી બીજે થાનલે લેતી હોય એવા વત્સલ ભાવે વધાવ્યું છે, સામે શાંતિ પારાવાર છે, પણ વિશ્વમાનવતા પરનું જે સંકટ છે એને વિશે બોલ્યા વિના રહેવાય શાનું. ત્યારે જે સ્વાભાવિક જ સામ્રાજ્યવાદવશ અક્ષરશ: આદર્શ લેખાતું હતું એ પશ્ચિમનું ઓઠું લઈને કવિએ સભ્યતાની ચીલેચલુ વ્યાખ્યાની અસલિયતને અસંદિગ્ધ શબ્દોમાં પકડી છે કે આ તો લોભ, હિંસા, પશુબળ અને અહંકાર પર ઊભેલી ઈમારત છે. કવિ સ્વદેશવત્સલ છે, માનવતાના અનુરાગી છે.

    ૧૯૦૫માં બંગભંગ વખતે હિંદુ-મુસ્લિમ ભાગલાની અંગ્રેજ રાજવટની કોશિશ વરતી જઈ એ ‘રાખીબંધન’નું ગાન કરતા કોલકાતાના રાજમાર્ગો પર અવિશ્રાન્ત ચાલ્યા છે. ગાંધીએ જ્યારે વિરાટ આંદોલન જગવ્યું ત્યારે ઊછળતા રાષ્ટ્રવાદની મર્યાદા વિશે ચિંતા વ્યક્ત કર્યા વિના એ રહી શક્યા નથી. બીજી પાસ આ જ કવિ 1919માં અમાનુષી જલિયાંવાલા હત્યાકાંડ વખતે અંગ્રેજ સરકારને કહે છે, પાછું લઈ લો તમે મને આપેલું નાઈટહુડ. સ્વાભાવિક જ એ સ્વરાજ આંદોલનની સાથે છે- અલબત્ત, કંઈક ભાવનાત્મક ધોરણે. પણ એમાં શીલ ને સંયમ પરનો એમનો ભાર છે જે ગાંધીને ગમે પણ છે.

    એ રીતે ૧૯૨૦-૨૧ માં અસહકાર આંદોલનના વારામાં કવિનો જે પ્રત્યાઘાત હતો એના કરતાં ૧૯૩૦માં દાંડીકૂચના વારામાં ચોક્કસ જ ન્યારો છે. પોતે ઈંગ્લેન્ડમાં છે અને ત્યાંનો સ્થાપિત મત આ કૂચની જે ટીકા કરે છે એ કેમ ઠીક નથી એવો પ્રતિભાવ એમણે ખખડાવીને ત્યાંના પ્રસાર માધ્યમોમાં આપ્યો છે. તો, સંમુખે શાંતિ પારાવાર છે.

    સિત્તેરમે ૧૯૩૧માં શાંતિનિકેતનના આમ્રકુંજમાં કેફિયતનુમા અંદાજમાં કહ્યું છે: ‘હું કેવળ કવિ છું. હું નથી તત્ત્વજ્ઞાની, નથી શાસ્ત્રજ્ઞાની, નથી ગુરુ કે નથી નેતા, હું નવબંગાળમાં નવયુગનો ચાલક પણ નથી. હું તો વિચિત્રનો દૂત છું. હું નાચું છું, નચાવું છું, હસું છું, હસાવું છું, ગાન કરું છું, ચિત્રો ચીતરું છું. જે લોકો મને શંખ વગાડી ઊંચે માંચડે બેસાડવા ઈચ્છે છે તેમને હું કહું છું કે હું તો નીચું સ્થાન લઈને જ જન્મ્યો છું. હું સૌનો બંધુ છું. હું છું કવિ! આ જ મારો એકમાત્ર પરિચય છે.’

    જોકે, આ પરિચય જરી ખોલીને સમજવા જોગ છે. તે માટે ‘પ્રાન્તિક’ પાસે જઈશું જરી? ૧૯૩૭ના સપ્ટેમ્બરમાં એક સાંજે વાત કરતાં કરતાં એ અચાનક જ બેભાન થઈ ગયા. પૂરા બે દિવસ પછી ભાનમાં આવ્યા ત્યારે આ મૃત્યુવત અનુભૂતિ અને નવજીવનની સંપ્રાપ્તિનાં જે કાવ્યો લઈને આવ્યા તે ‘પ્રાન્તિક.’

    ઉમાશંકર જોશીએ ‘પ્રાન્તિક’નાં છેલ્લાં ચાર કાવ્યોનું વિવરણ કરતાં કહ્યું છે કે આ ચાર કાવ્યો રવીન્દ્રનાથના વસિયતનામા રૂપ વ્યાખ્યાન ‘સભ્યતાર સંકટ’નાં આગોતરાં કાવ્યરૂપ સમાં છે. ‘કવિની વાણી’, ઉમાશંકર કહે છે, ‘વગર અવાજે અનંતની છાબમાં ભલે સરી પડશે, પણ તે પૂર્વે મૃત્યુ લગોલગના પ્રાન્તિક પ્રદેશથી પાછા ફરેલા કવિને આસુરી બળો સામે તૈયાર થતાં સૌને બારણે બારણે હાક મારતા જવું એવો સ્વધર્મ સમજાય છે, જેથી તેઓ સૌ ઉદ્યુક્ત રહે, સાવધ રહે, પીઠબળ અનુભવે, ખપી ખૂટવામાં પાછી પાની ન કરે. વિજયી નીવડીને રહે. જીવન છે ત્યાં સુધી, શ્વાસ ચાલે છે ત્યાં સુધી, સત-અસતના સંઘર્ષમાં સક્રિયપણે સંડોવાવાનું રહે છે જ…’

    સત-અસત વચ્ચેના સંઘર્ષનો રોડમેપ, ખરું જોતાં જોકે કવિપથ એમની અમર ‘ભારત-પ્રાર્થના’માં આબાદ ઝીલાયો છે: ‘ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત છે, જ્ઞાન જ્યાં મુક્ત છે, ઘર ઘરના વાડાઓએ જ્યાં રાત-દિવસ વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા નથી, વાણી જ્યાં હૃદયના ઝરણામાંથી સીધી વહે છે, કર્મનો પ્રવાહ જ્યાં રૂંધાયા વિના દેશે દેશે અને દિશાએ દિશાએ સતત સહસ્ત્રવિધ સફળતા પ્રતિ ધસે છે, તુચ્છ આચારરૂપી રણની રેતીએ જ્યાં વિચારના ઝરણાને ગ્રસી લીધું નથી, અને પૌરુષના લાખ લાખ ટુકડા કરી નાખ્યા નથી, જ્યાં હંમેશાં તું સકળ કર્મ, વિચાર અને આનંદનો નેતા છે, ત્યાં, ત્યાં જ, તે સ્વર્ગમાં, તારે પોતાને હાથે નિર્દય આઘાત કરી હે પિતા, તું ભારતને જગાડ.’


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૭-૦૮– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કેડીઓ પર ટહેલતાં જોયેલી અને અલગ અલગ સદ્વ્યવહારની ઘટનાઓનું રૉક આર્ટમાં રૂપાંતરણ

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Moved to mold acts of kindness into art | Alotusinthemud

     

    સૌજન્યઃ“ A Lotus in The Mud”  Newyork  based web site.

     

    Mahendra Shah – Kala Sampoot August 2024 – Rock Art

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • તું વરસે છે ત્યારે | સ્માઇલ પ્લીઝ

    તું વરસે છે ત્યારે

    જન્મદિને
    તું વરસે છે ત્યારે

    એક કે બે પંખી
    દૂર કે નજીકથી ગાય છે.
    કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.

    વાદળ સ્થિર થાય છે ત્યાં
    વૃક્ષો ચાલીને
    તો ક્યારેક ઊડીને
    એમની પાસે જાય છે.

    આ બાજુ
    બાળકો અને શેરી
    એક સાથે નહાય છે.

    તું વરસે છે ત્યારે
    સૂની બારી પર ટકોરા થાય છે,

    અગાઉની રજ ભીના અવાજમાં
    વહી જાય છે.

    તું વરસે છે ત્યારે
    અંદરના ઓરડે પ્રકાશ થાય છે.

    – રઘુવીર ચૌધરી

     

    સ્માઇલ પ્લીઝ

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,
    ક્યાં કહું છું આખાય જીવનને- સ્માઇલ પ્લીઝ ?

    તરત પછી તો સરસ મજાની સુગંધ આવી,
    જરા અમસ્તું કહ્યું પવનને- સ્માઇલ પ્લીઝ.

    મેકઅપ બેકઅપ આભૂષણ બાભૂષણ છોડો,
    પહેરાવી દો સ્મિત વદનને- સ્માઇલ પ્લીઝ.

    ફ્રેમ થયેલી એ ક્ષણ આજે આંસુ લાવે,
    કહ્યું હતું જે ક્ષણે સ્વજનને- સ્માઇલ પ્લીઝ.

    સ્મિત કરી લેશે ચહેરા તો કરવા ખાતર,
    કઈ રીતે કહેશો મનને- સ્માઇલ પ્લીઝ ?

    – શ્યામલ મુનશી

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક સાતમો: પ્રવેશ ૨ જો

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક સાતમો: પ્રવેશ ૧ થી આગળ

    અંક સાતમો : પ્રવેશ ૨ જો

    સ્થળ : કિસલવાડીમાંનું ઘર

    [ખાટલા પર મોટે તકિયે અઢેલીને બેઠેલી અમૃતદેવી અને ખાટલા પાસે આસને બેઠેલાં જગદીપ, દુર્ગેશ અને કમલા પ્રવેશ કરે છે.]

    અમૃતદેવી :      કમલાએ જેવી મારી ચાકરી કરી છે, તેવી જગદીપ ! તારાથી પણ ન થાત. ઈશ્વરે મને કમલા જેવી એક પુત્રી આપી હોત તો મારા હૃદયને કેવો વિસામો મળત ! પણ હું એક પુત્રને સુખી કરી શકી નથી, તે બે સંતાનોને તો કેવાયે દુઃખમાં મૂકત !

    જગદીપ :        મને સુખી કરવા તેં કયો પ્રયત્ન બાકી રાખ્યો ? અને તેમ છતાં હુ સુખી ન થાઉં તો મારી જ સુખ પામવાની અશક્તિ.

    અમૃતદેવી :      પણ, મારો કયો પ્રયત્ન સફળ થયો કે તને સુખ પામવાનો વખત આવે ?

    જગદીપ :        પ્રયત્ન સફળ થવાની જરૂર છે ? મારી માતાએ મને સુખી કરવા પ્રયત્ન કર્યા છે એ વાત જ પરમ સુખ ઉદ્‌ભૂત કરવાને સમર્થ નથી ?

    અમૃતદેવી :      જગદીપ ! તને એટલું સુખસાધન પ્રાપ્ત થયું છે તો મારા અન્ત પહેલાં એટલો મને સંતોષ થયો. બીજા કોઇ પણ સંતોષ વિના મારે મરવાનું છે. પ્રભુ ! જેવી તારી ઇચ્છા !

    [તકિયા પર માથું ફેરવી નાખે છે.]

     કમલા : બા સાહેબ ! આવા સંતાપથી આપની તબિયત બગડી છે, અને વધારે બગડે છે. વૈદ્યરાજે તો આટલું બધું બોલવાની પણ ના કહી છે.

    અમૃતદેવી :      (માથું ફેરવીને) જે શરીર સુધરવાનું નથી તે વહેલું બગડે કે મોડું બગડે એમાં શો ફેર ?

    જગદીપ :        મા ! તું તારા મનને નિરાશાથી કેમ ઘેરાવા દે છે ? તારા આશાવન્તપણામાં આખા યુગને પ્રોત્સાહિત કરવાનું સામર્થ્ય હતું તે ક્યાં ગયું ?

    અમૃતદેવી :      કચડાઈ ગયું, છુંદાઈ ગયું. હવે મને સમજાયું છે કે,

    (અનુષ્ટુપ)

    આવે કાલતણો ભાર એવો સખ્ત અસહ્ય કે
    આશાવન્તનું સામર્થ્ય ટકે એક જ સત્ત્વથી. ૯૩

    પણ એ સામર્થ્ય ભાંગી ગયા પછી એ સત્ત્વનું ભાન થયું તે શા કામનું ?

    દુર્ગેશ :  બા સાહેબ ! પ્રશ્ન પૂછું તે માટે ક્ષમા કરશો. એ સત્ત્વ તે કયું ?

    અમૃતદેવી :      ઈશ્વરશ્રધ્ધા.

    કમલા : ઈશ્વરશ્રધ્ધાની આપનામાં શી ન્યૂનતા છે ?

    અમૃતદેવી :      કમલા ! તને આ મંદવાડ વખતનો જ મારો પરિચય છે. પણ..હા ! મનુષ્યોની સ્મૃતિઓ પર થોડે થોડે અન્તરે પ્રલય ફરી વળતો હોય તો કેવું ?

    જગદીપ :        માનવસ્મ્રુતિઓમાં ડુબાડી દેવા કરતાં તરતું રાખવા જેવું ઘણું વધારે હોય છે.

    અમૃતદેવી :      એકંદર સરવાળે તેમ હશે, પરન્તુ પર્વતરાયનું મૃત્યુ થયું તે દુર્ભાગ્ય-દિવસના મારા સંકલ્પોની સ્મૃતિ તરતી રહી ન હોત તો મારા અન્ત સમયની વેદના કેટલી ઓછી થાત !

    જગદીપ :        મેં એ સંકલ્પોમાં સામેલ થઈ તારી અડધી જવાબદારી મારે માથે લીધી છે.

    અમૃતદેવી :      મારા અધર્મ્ય સંકલ્પોમાં તને સામેલ કરવાથી મારી જવાબદારી અડધી થયેલી લાગતી નથી, પણ બેવડી થયેલી લાગે છે.

    જગદીપ :        ગમે તેમ હોય, પણ ભૂતકાળ બદલાય તેમ નથી.

    અમૃતદેવી :      તેથી જ સ્મૃતિઓનો હુમલો હું પાછો હઠાવી શકતી નથી.

    કમલા : ભૂતકાળની સ્મૃતિઓ પડતી મૂકી ભવિષ્યકાળની આશાઓનું મનન કેમ ન કરવું ?

    અમૃતદેવી :      એવો વિશ્લેષ થઇ શકતો હોય તોપણ કઈ આશાઓનું હું મનન કરું ?

    કમલા : જગદીપદેવના રાજ્યારોહણની આશાઓનું.

    દુર્ગેશ :  અને, એ માત્ર આશાનો વિષય નથી. જગદીપદેવ ગાદીએ બેસશે એ નિશ્ચય છે.

    જગદીપ :        શીતલસિંહ પોતાના પુત્રને દત્તક નહિ લેવડાવી શકે ?

    દુર્ગેશ :  ભગવન્ત આજ સવારે જ કહેતા હતા કે શીતલસિંહ કદી ફાવવાનો નથી.

    અમૃતદેવી :      શીતલસિંહનું ગજું કેટલું ! એક કૂદકો માર્યા પછી બીજો કૂદકો તો શું, પણ બીજું ડગલું ભરવાની એનામાં ગતિ નથી. મને એની બીક નથી.

    જગદીપ :        ત્યારે શાની બીક છે ?

    અમૃતદેવી :      લીલાવતીનાં વચન ખરાં પડવાની. એણે મારો તિરસ્કાર કરી મને કહ્યું હતું કે ‘તું મરતા સુધી માલણ જ રહેવાની છે.’ મારું મરણ આણવાની કે મને માલણ રાખવાની લીલાવતીને સત્તા નથી, પણ એ વચન સાંભળ્યાં તે જ વેળા મને ભાન થયું કે એ શિક્ષા મને ઘટે છે, અને તે ક્ષણથી મારું હૃદય ભાંગી ગયું છે અને મારી આશાઓ શૂન્ય થઈ ગઈ છે.

    દુર્ગેશ :  જગદીપદેવને ગાદીએ બેઠેલા જોશો એટલે આપ રાજમાતા થશો અને રાણી લીલાવતીનાં વચન ખોટાં પડશે.

    અમૃતદેવી :      જગદીપ ગાદીએ બેસશે કે કેમ એ ક્લ્પના કરવી મેં મૂકી દીધી છે. એવો દિવસ હું જોવાની નથી, એમ મારું અન્તઃકરણ સાક્ષી પૂરે છે.

    જગદીપ :        મા ! મારી મા ! તારો સન્તાપ મને આપ, અને મારી જે કાંઈ શાન્તિ છે તે તું લઇ લે.

    અમૃતદેવી :      એ અશક્ય છે. શી રીતે અદલોબદલો થાય ? જે કારણોથી મને સન્તાપ થયો છે, અને જે કારણોથી તને શાન્તિ પ્રાપ્ત થઈ છે તે તો થયાં અને ગયાં. તેની આપલે કેમ થાય ?

    જગદીપ :        એવો આપણા બે વચ્ચે શો ફેર પડી ગયો છે ?

    અમૃતદેવી :      મારી આજ્ઞાથી તેં મારા અધર્મ્ય સંકલ્પો ગ્રહણ કર્યા, પણ તું આગળ જતાં અટક્યો, અને હું એ માર્ગે આગળ ને આગળ ચાલી. એ જ ફેર. પરન્તુ, એ પરિતાપની કથા હવે પડતી મૂકો.

    જગદીપ :        તને કંઇ આનન્દ થાય એવી કથા હું કહું.

    અમૃતદેવી :      હવે આ જીર્ણ કલેવરમાં આનન્દનો ઉદય થઈ શકે તેમ નથી. ભાંગેલું હૈયું ફરી સંધાતું નથી, પરંતુ તને આનન્દ થતો હશે તો તે જોઈ મને સંતોષ થશે.

    જગદીપ :        મારા જીવનની સહચારિણી મને મળી આવી છે.

    અમૃતદેવી :      સુખી થજો.

    જગદીપ :        તને જિજ્ઞાસા થતી જણાતી નથી, તોપણ કહું છું કે જેનુ પાણિગ્રહણ કરી હું ધન્ય થવાનો છું તે પર્વતરાયની પુત્રી વીણાવતી છે.

    કમલા : પર્વતરાયનાં પુત્રી વીણાવતી તો બાલ્યાવ્સ્થામાં વિધવા થઈને ગુજરી ગયાં છે !

    જગદીપ :        ગુજરી ગયાં છે એ વાત ખોટી છે. વિધવા થયેલાં એ વાત ખરી. પણ એ વૈધવ્યમાં અન્યાય ને ક્રૂરતા હતાં, અને લગ્નથી એ ન્યાય અને ક્રૂરતા દૂર થતાં હોય અને પ્રેમનો ઉલ્લાસ થતો હોય તો તે કર્ત્તવ્ય નથી ?

    અમૃતદેવી :      પુત્ર ! તને એ કર્ત્તવ્ય લાગતું હોય તો બેશક કરજે. મારી સહાયતા વિના હવે તારે કર્ત્તવ્યનિર્ણય કરવાનો છે, અને જ્યાં તને કર્ત્તવ્યપ્રતીતિ થઇ ત્યાં તે પાર પાડવા સારુ તારામાં આત્મબળની ખામી નહિ જણાય એવી મારી ખાતરી છે. હવે ઐહિક વિષયોમાંથી મારું મન ખસેડી લેતાં પહેલાં એક વાત મારે કહેવાની છે. તે કહેવી રહી ન જાય તે માટે મને ઘણી ઉત્સુકતા છે.

    દુર્ગેશ :  હું અને કમલા બહાર જઈએ ?

    અમૃતદેવી :      ના. મારાં વચન તમારે પણ સાંભળવા સરખાં છે, અને જે એક વેળા જાલકા હતી તે એ વચન કહી ગઈ છે એમ જગત્ ન માને તો તમે સાક્ષી પુરાવા લાગશો. (ટટાર બેસીને) જગદીપ ! તને પર્વતરાય બનાવવાની યોજના મેં કરી તે દિવસે એ છલની શિક્ષા ભોગવવાનું મેં માથે લીધું હતું, અને મારા આગ્રહ ઉપરથી તેં પણ તેમ કર્યું હતું, પરંતુ હવે મને ભાન થયું છે કે ઈશ્વરનું નીતિવિધાન તો એવું છે કે મનુષ્યે છલ ન કરવું અને છલની શિક્ષા વહોરી ન લેવી. અનીતિની શિક્ષાને પાત્ર થવાનું કબૂલ કરી અનીતિ કરવી એ નીતિવ્યવસ્થા નથી, એ મનુષ્યધર્મ નથી.

    (ઉપજાતિ)

    નીતિવ્યવસ્થા કરી ઈશ્વરે જે,
    છે માત્ર તેને અનુકૂલ વિશ્વ;
    નવી વ્યવસ્થા કરવાની શક્તિ,
    નથી મનુષ્યત્વ વિશે રહેલી. ૯૪

    જગદીપ :        અને, વિશ્વની નીતિવ્યવસ્થા સામે ઝઘડવાનો પ્રયત્ન વ્યર્થ જતાં હું તારા પ્રત્યેના પ્રેમમાં ન્યૂન રહ્યો તે માટે ક્ષમા કરજે.

    અમૃતદેવી :      એમાં તારો શો અપરાધ હતો?

    (અનુષ્ટુપ)

    વિરોધી સત્યનો એવો પ્રેમ વિશ્વે અશક્ય છે;
    જ્યાં સત્ય ત્યાં જ છે પ્રેમ, જ્યાં પ્રેમ ત્યાં જ સત્ય છે. ૯૫

    (આઘે નજર કરતાં વિહ્વલ થઈને) અરે ! આ બારીમાંથી એ કારમી જગા દેખાય છે, એ તો હું આજ આમ બેઠી થઈ ત્યારે ખબર પડી !}}

    જગદીપ :        કઈ જગા ?

    અમૃતદેવી :      (ભયભીત ચહેરે આંગળી બતાવીને) તે જ જગા, જગદીપ ! તે જ જગા. (તકિયા પર પડીને) તે જ એ જગા છે કે જ્યાં પર્વતરાયનું શબ દાટ્યું છે. દાટતી વેળા એના હૃદયમાં ચોટેલું બાણ મેં ખેંચી કાઢ્યું હતું, પણ મારા હૃદયમાં ચોટેલું બાણ કોણ ખેંચી કાઢશે ? મને અહીંથી લઈ જાઓ. આ ખંડમાં હું સૂઈ નહિ શકું. કૃપાલુ પ્રભુ ! કદાચ તારા શાન્તિધામમાં કોઈ ખંડ…

    [બેભાન થઈ જાય છે. જગદીપ, દુર્ગેશ અને કમલા અમૃતદેવીનો ખાટલો ઊંચકીને લઈ જાય છે].


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • ફિલ્મી ગઝલો – ૬૩. ચંદ્રશેખર પાંડે

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આ ગીતકારનું નામ પણ પ્રથમ દ્રષ્ટિએ અજાણ્યું લાગે પણ એમણે રચેલી ગૈર ફિલ્મી રચનાઓ ના મુખડા જાણીને પણ આ પ્રકારના ગીતોના શોખીનોના દિલ બાગ બાગ થઈ જાય ! યાદ કરો મન્ના ડેએ ગાયેલી આ રચનાઓ. ‘  નઝારોં મેં હો તુમ ખયાલો મેં હો તુમ ‘  અને ‘ યાદ ફિર આઇ દર્દ સંગ લાઈ ‘. આ બંને રચનાઓના રચયિતા છે ચંદ્રશેખર પાંડે. આમાં એમણે લખેલું મદનમોહનની ફિલ્મ ‘ છોટે બાબુ ‘ નું હેમંતકુમારે ગાયેલું ગીત ‘ લે લે દર્દ પરાયા કર દે દૂર ગમ કા સાયા ‘  ઉમેરીએ તો તો સોનામાં સુગંધ ભળે!

    ચોર,  લાડલી, મહાત્મા કબીર, ગવૈયા, ભક્ત પુંડલિક જેવી છ ફિલ્મોમાં માત્ર તેર ગીતો લખ્યાં. એમાં આ બે ગઝલો પણ શામેલ છે :

    જિંદગી કી રોશની તો ખો ગઈ
    એક અંધેરી રાત બસ મૈં હો ગઈ

    ખ્વાબ લે આંખો મેં બસને આઈની
    આંખ કી દો બુંદ મેં ખુદ સો ગઈ

    દેને ઠંડક પહોંચી મસ્તાની હવા
    આંખ દિલ કી લગતે હી લૂ હો ગઈ

    સાથી બસ વો તારા થા ઉસકે લિયે
    મેરી કિસ્મત કાલી બદરી હો ગઈ

    કોઈ તો બતલાયે કબ પાઉંગી મૈં
    ટુટે દિલ કી રોશની જો ખો ગઈ ..

     

    – ફિલ્મ : લાડલી ૧૯૪૯
    – લતા
    – અનિલ વિશ્વાસ

    હમારી આંખો સે દિલ કે ટુકડે અબ આંસુ બન કર નિકલ રહે હૈં
    કે આજ તેરે કરીબ રહ કર તેરી જુદાઈ મેં જલ રહે હૈં

    હમારી કિસ્મત સે જિંદગી કી કોઈ તમન્ના હુઈ ન પૂરી
    હમારે ઇસ નામુરાદ દિલ કે હઝારોં અરમાં મચલ રહે હૈં

    યહી તમન્ના હૈ અબ હમારી કે આખરી બાર તુમકો દેખેં
    તુમ્હારી સુરત કે દેખને કો ચરાગ આંખોં કે જલ રહે હૈં ..

     

    –  ફિલ્મ :  ગવૈયા ૧૯૫૪
    – સુરેન્દ્ર
    – રામ ગાંગુલી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૫. ज़िन्दगी कैसी है पहेली हाय कभी तो हँसाए कभी ये रुलाये

    નિરંજન મહેતા

    ૧૯૭૧ની ફિલ્મ ‘આનંદ’માં બહુ ઓછા ગીતો છે પણ જેટલા છે તે સર્વે સલીલ ચૌધરીના સંગીતે દીપી ઉઠ્યા છે. તેમાંય નીચેનું ગીત જીવનની ફિલસુફીને સારી રીતે ઉજાગર કરે છે

    ज़िन्दगी कैसी है पहेली हाय
    कभी तो हँसाए कभी ये रुलाये

    तो भी देखो मन नहीं जागे
    पीछे-पीछे सपनों के भागे

    एक दिन सपनों का राही
    चला जाए सपनों से आगे कहाँ

    जिन्होंने सजाए यहाँ मेले
    सुख-दुःख संग-संग झेले

    वो ही चुनकर खामोशी
    यूँ चले जाए अकेले कहाँ?

    જીવનમાં સુખ અને દુઃખ બંને વારાફરતી આવતા રહે છે. સુખ આવે ત્યાર માનવી હસે છે અને દુઃખ આવે ત્યારે તે રડે છે. આમ જિંદગી ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. પણ સુખ અને દુઃખ ક્યારે આવશે તેની જાણ ન હોવાથી જિંદગી એક કોયડો બની રહે છે અને આપને તેને કોયડારૂપ સમજી અનુભવ કરીએ છીએ..

    આ જાણવા છતાં પણ મનુષ્ય તે નથી સમજતો અને મૃગજળ સમાન સપનાઓ પાછળ દોટ મૂકી જીવનને બરબાદ કરે છે. તે જાને છે કે અંતે તો દરેકે આ જગત છોડી એકલા જવાનું છે પણ જવાના સમયે તેના સપનાઓ અધૂરા રહે છે અને તે તેને છોડીને ક્યાંક આગળ નીકળી જાય છે.

    પણ જે મનુષ્ય સમજદાર છે તે સુખ અને દુઃખ બન્નેને સહન કરે છે અને ચુપચાપ એકલો જ આ જગત છોડી ચાલી જાય છે. આ જ સમજદારની વ્યાખ્યા છે.

    યોગેશના શબ્દોને સ્વર આપ્યો છે મન્નાડેએ.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • વનવૃક્ષો : શીમળો

    ગિજુભાઈ બધેકા

    આપણી સંસ્કૃત ભાષામાં એક બહુ સુંદર કથા છે. તમે મોટાં થઈને જો સંસ્કૃત ભણો તો જરૂર એ કથા વાંચજો. એનું નામ ‘કાદંબરી’ છે, અને બાણ નામના ભટ્ટે એ કથા લખેલી છે.

    એ કથામાં શાલ્મલી નામના ઝાડનું વર્ણન છે: “એક વનમાં એક મોટું, બસો ત્રણસો વર્ષનું જૂનું ઝાડ હતું. એના ઉપર હજારો પંખીઓના માળા હતા. રાત્રે હજારો પંખીઓ રાત રહેવા ત્યાં આવતાં, ને સવારે ત્યાંથી ઊડી ઊડીને ચણવા જતાં. ત્યાં એક પોપટનો માળો હતો. એ પોપટના માળામાંથી કોઈ પારધી પોપટના બચ્ચ્ચાને લઈ ગયો.” વગેરે વગેરે વાત એમાં આવે છે. તમારા બાપાને કે શિક્ષકને એ વાત આવડતી હોય તો તેમને કહેજો કે એ કહી સંભળાવે.

    શાલ્મલીનું ઝાડ એટલે શીમળાનું ઝાડ.

    ગુજરાતમાં આ શીમળાનું ઝાડ થાય છે. સીમમાં ફરવા નીકળો ત્યારે કોઈને પૂછીને એ ઝાડ ઓળખી લેજો.

    એનાં સૂકાં ફળોમાંથી જ્યારે રૂ ઉડતું હશે ત્યારે તો ઝાડની આસપાસ ઊડતા રૂ ઉપરથી પણ તમે જાણી શકશો કે આ જ ઝાડ શીમળો.

    ગામડાનાં છોકરાં તો એ રૂથી રમતાં પણ હશે. રૂમાં આવેલા બીને પકડીને રૂને ફૂંક મારીને ઉડાડવાની રમત ગામડાનાં છોકરાંને બહુ વહાલી છે. ગામડાનાં છોકરાં રૂને ઉડાડે ને મજા કરે ત્યારે પૈસાદારનાં છોકરાં એ રૂના ગાદીતકિયા ઉપર બેસીને ચોપડી વાંચે !

    આ શીમળાનું રૂ કપાસના રૂની પેઠે પીંજવું પડતું નથી; એ તો એમ ને એમ જ ભરાય છે. જેઓએ આકડાનાં આકોલિયાંનું રૂ જોયું હશે તેમને આ શીમળાના રૂનો ખ્યાલ સહેજે આવશે.

    શીમળાનું રૂ એટલું બધું સુંદર ને સુંવાળું છે કે તમે તેના ઉપર હાથ ફેરવ્યા જ કરો, ગાલ ઉપર તેને લગાડ્યા જ રો ! અને હળવું તો એટલું બધું કે ફૂલ કરતાં ય હળવું.


    માહિતી સ્રોત : વિકિસ્રોત


    વધારે માહીતી માટે: શીમળો –  ગુજરાતી વિશ્વકોશ

  • ઉદ્યાન

    મ. ઝ. શાહ

    કુદરતી સૌંદર્યને માણવા માટે તૈયાર કરવામાં આવેલો ભૂમિવિસ્તાર. તે માટે માનવી અનાદિકાળથી પ્રયત્ન કરી રહ્યો છે. ગામ અને નગરો વસ્યાં ન હતાં ત્યાં સુધી તો તેને પ્રકૃતિસૌંદર્ય સહજ જ પ્રાપ્ય હતું, પરંતુ ગામ અને નગરોની પ્રસ્થાપનાથી નૈસર્ગિક સૌંદર્ય તેનાથી દૂર સરકતું ગયું. તેથી માનવીએ કુદરતી સૌંદર્યના ઉપભોગ માટે ગામ અને નગરોની નજીક જ ઉદ્યાનોનું નિર્માણ કર્યું.

    કેટલાક નિષ્ણાતોની માન્યતા મુજબ, ઈ. પૂ. લગભગ ૨૩૦૦ વર્ષ દરમિયાન મેસોપોટેમિયા(ઇરાક)ના સુમેરિયનોએ સૌપ્રથમ ઉદ્યાનોનું સર્જન કર્યું. પ્રાચીન પર્શિયનોના પ્રારંભિક ઉદ્યાનો શિકાર માટેના વિસ્તારો કે વિશાળ ઉદ્યાનો ધરાવતા હતા. મોટાભાગના આ ઉદ્યાનો ધનિક રાજવીઓ કે જમીનદારોના આનંદ-પ્રમોદ માટે બનાવવામાં આવતા હતા. પ્રથમ સાર્વજનિક (public) ઉદ્યાનોનું નિર્માણ ગ્રીસમાં થયું હતું. એથેન્સમાં આવેલ અગોરા પ્રથમ શહેરી ઉદ્યાનનું ઉદાહરણ લેખાય છે. તેનો ઉપયોગ જાહેર ભાષણો, રાજકીય ચર્ચાઓ અને શારીરિક વ્યાયામ માટે થતો હતો.

    યુરોપનાં નગરોમાં ઈ. સ. ૧૨૦૦ની આસપાસ નાના સાર્વજનિક ઉદ્યાનો પ્રચલિત બનતા ગયા. ઈ.સ. ૧૫૦૦થી મોટી ઇમારતોની ફરતે ઉદ્યાનોનું ર્દશ્યભૂમિ-સ્થપતિઓ (landscape architects) દ્વારા નિર્માણ શરૂ થયું. ઘણા ઉદ્યાનો વૃક્ષો અને વીથિઓ (vistas) તેમજ પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ માટે પાંજરાઓ અને સુરક્ષિત વાડ ધરાવતા હતા. ૧૬૦૦થી સાર્વજનિક ઉદ્યાનો સુંદર લીલાંછમ સ્થળો (જ્યાં લોકો વિશ્રાંતિ અનુભવી શકે.) બની રહ્યા. મૂળભૂત રીતે આ ખુલ્લા વિસ્તારોમાં આવેલ વૃક્ષ-વીથિઓ અને ફુવારાઓ શહેરના આકર્ષણ-રૂપ બની ગયાં. 1650માં વૉક્સહૉલ, દક્ષિણ લંડનમાં આનંદ-પ્રમોદ માટેના ઉદ્યાનો બનાવવામાં આવ્યા હતા અને અમેરિકામાં ‘બૉસ્ટન કૉમન’ નામના સૌપ્રથમ સાર્વજનિક ઉદ્યાનનું નિર્માણ બૉસ્ટન, મૅસેચ્યુસેટ્સમાં ૧૬૬૪માં થયું. 18મી અને 19મી સદીઓમાં ઉદ્યાનો શહેરોની યાતાયાત (traffic) અને અવાજથી બચવા માટેનાં તેમજ શાંતિ મેળવવા માટેનાં સ્થાન બની રહ્યાં. 18મી સદીના પ્રસિદ્ધ ઉદ્યાનોમાં જહૉન નૅશ દ્વારા અભિકલ્પિત (designed) લંડનનો રિયૅજન્ટ્સ પાર્ક, ફ્રેડરિક લૉ ઓલ્મસ્ટેડ અને કૅલ્વર્ટ વૉક્સ દ્વારા અભિકલ્પિત ન્યૂયૉર્ક શહેરનો સેન્ટ્રલ પાર્ક અને મેલ્બૉર્નના રૉયલ બૉટેનિક ગાર્ડનનો સમાવેશ થાય છે.

    લંડન તેના રૉયલ પાર્ક્સ, ગ્રીન પાર્ક, હાઇડ પાર્ક (જે સર્પેન્ટિનિન નામનું જાણીતું સરોવર પણ ધરાવે છે), કેન્સિંગ્ટન ગાર્ડન અને સેંટ જેમ્સના પાર્ક માટે વિખ્યાત છે.

    ઉદ્યાનની રચનામાં ત્રણ મુખ્ય મુદ્દાઓ લક્ષમાં લેવામાં આવે છે :

    (૧) જમીન, પહાડ, પાણી, રેતી વગેરેનું સૌંદર્ય કે તેમની વિશિષ્ટતા અન્યત્ર ભાગ્યે જ જોવા મળે એવી હોય છે. તેથી તેમની રચનાને યથાવત્ સાચવી રાખવા માટે અમુક વિસ્તારને રક્ષિત કર્યો હોય છે. આ જાતના ઉદ્યાનોમાં ડેથવેલી નૅશનલ મૉન્યુમેન્ટ, કૅલિફૉર્નિયા અને નેવાડા (યુ.એસ.) જાણીતા ઉદ્યાન છે. કુદરતી રીતે ખડકો અને ખીણ અત્યંત આકર્ષક લાગે છે. લગભગ ૨૦૦ ચોકિમી.ના વિસ્તારમાં તે પથરાયેલો છે. પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી નીચું બિંદુ આ પાર્કમાં આવેલું છે. તેના માટે રુક્ષ ભૂમિર્દશ્ય (harsh landscape) એવો અર્થસૂચક શબ્દપ્રયોગ કરવામાં આવેલ છે.

    ન્યૂ મેક્સિકોમાં લગભગ ૭૦૦ ચોકિમી.ના વિસ્તારમાં ફેલાયેલો વ્હાઇટ સૅન્ડ્સ નૅશનલ મૉન્યુમેન્ટ નામનો ઉદ્યાન છે. આ ઉદ્યાનનું રેતી અને ચિરોડી(gypsum)ના ઢગલાઓથી સૌંદર્યનિર્માણ થયેલું છે. અન્યથા તે રણ જેવો દેખાય છે. તેમાંના ચમકતી રેતીના ઢગલા અને એના કુદરતી ઢોળાવ ચિત્તને હર્યા વગર રહેતા નથી.

    બ્રિટનના મોટાભાગના અને અમેરિકા તથા જાપાનના કેટલાક ઉદ્યાનો આ પ્રકારના છે.

    (૨) કુદરતી રીતે ઊછરેલી કે તેવી દેખાતી જે તે સ્થળની વનરાજિને, વિનાશ ન થાય તે માટે સાચવવી અથવા ઉગાડવી કે જેથી ભવિષ્યની પ્રજાને આવી વનરાજિનો પૂરો ખ્યાલ આવે. આવા પ્રયોજનથી તૈયાર થયેલા પાર્ક તે પાર્કનો આ બીજો પ્રકાર છે.

    આવા ઉદ્યાનોમાં ઑર્ગન પાઇપ કૅક્ટસ નૅશનલ મૉન્યુમેન્ટ; જે યુ.એસ.માં એરિઝોના સ્ટેટમાં આવેલો છે તેને ગણાવી શકાય. તે લગભગ ૧,૩૦૦ ચોકિમી. વિસ્તારમાં પથરાયેલો છે. આ ઉદ્યાનમાં થૉર અને બીજી એવી રણમાં થતી વનસ્પતિ ભરપૂર જોવા મળે છે. અહીં 15 મીટર ઊંચા થતા થૉર ધ્યાન ખેંચ્યા વગર રહેતા નથી. અહીં રણને અનુરૂપ કેટલાંક પક્ષીઓ અને પ્રાણીઓ પણ જોવાં મળે છે.

    (૩) કુદરતી વનરાજિમાં મળી આવતાં જંગલી પ્રાણીઓ અને પક્ષીઓની કુદરતી વાતાવરણમાં જ સંભાળ રાખવી તથા તેમની વસ્તી વધારી સ્થળને આકર્ષક બનાવવું એ પણ એક હેતુ કેટલાક ઉદ્યાનોની રચના પાછળ હોય છે.

    ભારત અને આફ્રિકાના ઉદ્યાનો મહદ્અંશે આ હેતુથી બનાવેલા છે. ભારતમાં ગીર અભયારણ્ય/વેળાવદર કાળિયાર નૅશનલ પાર્ક, નળસરોવર/પક્ષી અભયારણ્ય વગેરેનો સમાવેશ આ વર્ગમાં કરી શકાય. તેમાં અનુક્રમે સિંહ, કાળિયાર તથા આંતરરાષ્ટ્રીય પક્ષીના સંરક્ષણ તથા સંવર્ધનનો મુખ્ય હેતુ જોવા મળે છે.

    ઉપરના ત્રણ મુદ્દાઓ પૈકીના એક કે વધુ મુદ્દાઓને અનુલક્ષીને ઉદ્યાનોની રચના કરવામાં આવે છે. કોઈ ઉદ્યાન એવા હોય જે, રાષ્ટ્રની ર્દષ્ટિએ ભવિષ્યની પેઢી માટે ઉપયોગી લાગે ત્યારે એને જે તે રાષ્ટ્ર રાષ્ટ્રીય ઉદ્યાન (national park) તરીકે જાહેર કરે છે.

    સ્વતંત્ર ભારતમાં આ માટેનો કાયદો ઈ.સ. 1972માં પસાર કરવામાં આવ્યો છે અને તે આધારે ઈ. સ. ૧૯૮૦ સુધીમાં ૧૯ રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૨૦૨ અભયારણ્યો જાહેર કરવામાં આવ્યાં છે. જોકે આની શરૂઆત તો છેક ઈ.સ. ૧૯૩૪થી થઈ ગણાય, કારણ કે ત્યારે ઉત્તરપ્રદેશમાં તે વખતના ગવર્નર સર માલકોમ હેઈલીના પ્રયત્નથી નૅશનલ પાર્ક માટેનો કાયદો ઘડી હેઈલી પાર્કની રચના કરવામાં આવી હતી.

    મોગલ ગાર્ડન (શાલિમાર ઉદ્યાન), શ્રીનગર

    આવા ઉદ્યાનો જ્યારે કોઈ ઐતિહાસિક સ્થળ કે બનાવોની સાથે સંકળાયેલા હોય છે ત્યારે એનું મહત્વ ઓર વધી જાય છે.

    મુંબઈમાં બોરીવલી નજીક એક હજાર વર્ષથી પણ વધુ જૂની એવી કૃષ્ણગિરિ (કન્હેરી) ગુફાઓ સાથે સંકળાયેલો લગભગ ૫,૦૦૦ એકરના વિસ્તારવાળો કૃષ્ણગિરિ ઉદ્યાન, આવા પ્રકારનો ઉદ્યાન છે.

    અબ્રાહમ લિંકનના જન્મસ્થળ સાથે સંકળાયેલો અબ્રાહમ લિંકન નૅશનલ હિસ્ટૉરિક પાર્ક (કેન્ટકી, યુ.એસ.) પણ આવા ઉદ્યાનો પૈકીનો એક ગણાવી શકાય. એનો વિસ્તાર લગભગ ૧૦૦ એકર જેટલો છે.

    ઉપર જણાવ્યા તેવા કોઈ પણ પ્રકારના ઉદ્યાનોનો માનવી વધારેમાં વધારે લાભ લઈ શકે તે માટે તેમાં હરવાફરવાના રસ્તા, વાહનો, રહેવા માટેની હોટલો વગેરે અને ભોમિયા કે પ્રવાસગોઠવણ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જ્યાં વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન મુખ્ય હેતુ હોય છે ત્યાં એવા ઉદ્યાનનો અમુક જ ભાગ જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવે છે અને બાકીના ભાગમાં પ્રાણીઓ મુક્ત રીતે વિચરી શકે તેવી વ્યવસ્થા હોય છે.

    સામાન્ય રીતે ઉદ્યાનો ઘણા મોટા વિસ્તારને આવરી લેતા હોય છે. તે એટલે સુધી કે ક્યારેક તે નજીક નજીકનાં બે કે વધુ રાજ્યમાં ફેલાયેલા હોય છે.

    વિશ્વના ઉદ્યાનો :

    સૌપ્રથમ અમેરિકામાં આવેલો યલો સ્ટોન ઉદ્યાન ધ્યાન ખેંચે છે. ઈ.સ. ૧૮૭૨માં સ્થપાયેલો અને વિશ્વનો પ્રથમ આ રાષ્ટ્રીય ઉદ્યાન ઇડાહો, મોન્ટાના અને વાયોમિંગ નામનાં ત્રણ રાજ્યોમાં ફેલાયેલો છે. એનો વિસ્તાર લગભગ ૨૨ લાખ એકર એટલે કે આશરે ૮,૯૦૦ ચોકિમી.નો છે. યલો સ્ટોન નામની નદી પર્વતાળ પ્રદેશમાંથી પસાર થતાં જે ર્દશ્ય રચે છે તે અદભુત છે. ખાસ કરીને એમાં આવેલા ઊના પાણીના ઝરા અને ફુવારા, ગંધક-તળાવ, શાંત થયેલો જ્વાળામુખી, અનેક જાતની વનરાજિઓ અને જાતજાતનાં વન્ય પશુ-પક્ષી તેનાં મુખ્ય આકર્ષણો છે.

    યુ.એસ.માં કૅલિફૉર્નિયામાં આવેલ ‘રેડવૂડ નૅશનલ પાર્ક’ ૪૪૦ ચોકિમી.માં ફેલાયેલો છે. દરિયાકિનારે આવેલા આ ઉદ્યાનમાં મોટી મોટી ભેખડો અને ખડકો ધ્યાન ખેંચ્યા વગર રહેતાં નથી. એનું ખરું આકર્ષણ તો રેડવૂડનાં તોતિંગ વૃક્ષો (sequoia sempervirens) છે. દુનિયાનાં સૌથી ઊંચાં વૃક્ષો લગભગ ૧૧૨ મીટરનાં – અહીં જોવા મળે છે. એના થડનો વ્યાસ પાંચેક મીટર જેટલો હોય છે. એની ઉંમર 3થી ચાર હજાર વર્ષની આંકવામાં આવે છે. વળી આ ઉદ્યાનમાં રુઝવેલ્ટ એલ્ડ નામના પશુની ખાસ જાત છે, જે વિશ્વમાં અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે.

    યુ.એસ.ના અલાસ્કા ટાપુમાં આવેલ માઉન્ટ મેકીન્લી નૅશનલ પાર્ક દુનિયાનો સૌથી વધુ ઊંચાઈએ (આશરે ૪,૦૦૦ મી.) આવેલો ઉદ્યાન છે. આ ઉદ્યાનમાં હિમનદ (glacier) ખૂબ જ આકર્ષક અને રમણીય ર્દશ્ય ઊભું કરે છે.

    યુ.એસ.ના એરીઝોના સ્ટેટમાં ગ્રાન્ડ કૅન્યન નૅશનલ પાર્કમાં કોલારાડો નદીએ પર્વતને કોરીને પોતાનો માર્ગ બનાવ્યો છે, જેને લીધે કોઈ કોઈ ઠેકાણે એકાદ માઈલ ઊંચી પર્વતની ભેખડો સર્જાઈ છે. આ પર્વતો જાતજાતનાં ખનિજોને લીધે રંગબેરંગી દેખાવાથી ચિત્તાકર્ષક છે.

    કૅનેડામાં સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બફ નૅશનલ પાર્ક ઈ.સ. ૧૮૮૫માં અસ્તિત્વમાં આવ્યો. એનો વિસ્તાર લગભગ ૬,૬૦૦ ચોકિમી. છે. એ ઊના પાણીના ઝરા માટે જાણીતો છે.

    મેક્સિકોમાં આવેલો કેરીસ્બાડ કેવર્ન્સ નૅશનલ પાર્ક, જે લગભગ ૧૯૦ ચોકિમી.માં પથરાયેલો છે તે વળી બીજી જ વિશિષ્ટતા ધરાવે છે. તેમાં મોટા પ્રમાણમાં નાની-મોટી ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાંથી સાંજના સમયે લાખોની સંખ્યામાં ચામાચીડિયાં ઊડે છે અને સવારે પાછાં ફરે છે. એ દેખાવ તો ફક્ત કલ્પવો જ રહ્યો !

    આ સિવાય અમેરિકામાં બ્રાઝિલ, ચીલી, વેનેઝુએલા, પેરુ વગેરે દેશોમાં પણ ઘણા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.

    લગભગ ૧૯ હજાર ચોકિમી.માં પથરાયેલો ક્રુગર નૅશનલ પાર્ક ટ્રાન્સવાલમાં આવેલો છે અને તે સફેદ ગેંડા તથા અન્ય ઘણી જાતનાં વન્ય પ્રાણીઓ માટે જાણીતો છે.

    ઇથિયોપિયાનો અવાશ નૅશનલ પાર્ક (૭૦૦ ચોકિમી.), બોટ્સ્વાનાનો ચોબે નૅશનલ પાર્ક (૧૦,૦૦૦ ચોકિમી.), મોઝામ્બિકનાં ગોરાંગોસા નૅશનલ પાર્ક (૩,૭૦૦ ચોકિમી.), યુગાન્ડાનો કેબેલેગા નૅશનલ પાર્ક (૩,૮૦૦ચોકિમી.), ઝામ્બિયાનો કેફ્યુ નૅશનલ પાર્ક (૨૨,000 ચોકિમી.), દક્ષિણ આફ્રિકાનો કલહરી જેમ્સબોક નૅશનલ પાર્ક (૯,૫૦૦ ચોકિમી.) અને આફ્રિકાના બીજા ઘણા પાર્ક ગેંડા (રહાઇનૉસરસ), હાથી, હિપોપૉટેમસ, સિંહ વગેરે વન્ય પ્રાણીઓ માટે જાણીતા છે.

    એશિયાખંડમાં ભારત, જાપાન, તુર્કસ્તાન, થાઇલૅન્ડ, સોવિયેત યુનિયન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં સંખ્યાબંધ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.

    ભારતમાં ઉત્તરપ્રદેશમાં આવેલો કૉર્બેટ નૅશનલ પાર્ક વાઘની જાતો માટે, ગુજરાતમાં ગીર નૅશનલ પાર્ક સિંહો માટે, આસામનો નૅશનલ પાર્ક ગેંડા માટે તથા માઇસોરનો નૅશનલ પાર્ક જંગલી હાથીઓ માટે જાણીતો છે. કેરળમાં આવેલ પેરિયાર પાર્ક પેરિયાર સરોવરની ફરતે આવેલો છે. તે એક હજાર મીટર ઊંચાઈએ આવેલો છે અને તેમાં હાથી, વાઘ, ચિત્તા વગેરે જોવા મળે છે. સરોવરને કાંઠે પ્રવાસીઓને રહેવા માટે હોટલ વગેરેની પણ સગવડ છે.

    પેરિયાર પાર્ક

    જાપાનના ડેઝેટ્સુઝન નૅશનલ પાર્ક (૨,૩૦૦ ચોકિમી.) અને ફ્યુઝી-હેકોનઇઝુ નૅશનલ પાર્ક (૧,૨૦૦ ચોકિમી.) એ જ્વાળામુખી પર્વતોની ટોચ માટે જાણીતા છે.

    થાઇલૅન્ડનો ખાઓ આઈ નૅશનલ પાર્ક (૨,૦૦૦ ચો કિમી.) વાઘ, હાથી વગેરે વન્ય પ્રાણીઓ તથા પાણીના અસંખ્ય નાના-મોટા ધોધ માટે જાણીતો છે.

    સોવિયેત યુનિયનનો બેલોવેઝસ્કાય પુશા પાર્ક (૮૦૦ ચોકિમી.) ઘણાં જૂનાં-સેંકડો વર્ષની ઉંમર ધરાવતાં વૃક્ષો માટે જાણીતો છે.

    યુરોપમાં ઇંગ્લૅન્ડ, સ્વીડન, ઇટાલી, પોલૅન્ડ, ડેન્માર્ક, ઑસ્ટ્રિયા, જર્મની, યુગોસ્લાવિયા, ફ્રાન્સ, નૉર્વે, સ્પેન વગેરે દેશોમાં પણ રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે.

    ઇંગ્લૅન્ડનો લેક ડિસ્ટ્રિક્ટ નૅશનલ પાર્ક (૨,૨૦૦ ચોકિમી.) પર્વતીય સૌંદર્ય તથા ઇંગ્લૅન્ડના સૌથી મોટા સરોવર માટે જાણીતો છે.

    ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ વગેરે દેશોમાં પણ ઘણા નૅશનલ પાર્ક વિકસવા લાગ્યા છે. આમાં ન્યૂઝીલૅન્ડના માઉન્ટ એસ્પિરિંગ નૅશનલ પાર્ક (૨,૮૦૦ ચોકિમી.) અને માઉન્ટ કુક નૅશનલ પાર્ક (૭૦૦ ચોકિમી.) હિમનદ તથા ઊંચાં પર્વતીય શિખરો માટે જાણીતા છે. ઑસ્ટ્રેલિયાનો ઉલુરૂ નૅશનલ પાર્ક (૧,૨૦૦ ચોકિમી.) સૅન્ડસ્ટોન પથ્થરના મોટા મોટા ખડકો અને કાંગારુ પ્રાણી માટે જાણીતો છે.

    ઉદ્યાનોની સાચવણી, તેમના પ્રશ્નો અને તેમનો વિકાસ :

    ઉદ્યાનોમાં પ્રેક્ષકોને છૂટથી હરવાફરવા દેવામાં આવે છે, જેથી વધારેમાં વધારે લોકો આ કુદરતી સૌંદર્યનો લાભ લઈ શકે. આ માટે રસ્તાઓ, હોટલો, વિશ્રાંતિસ્થાનો, માહિતીપત્રો, પ્રચાર, ભોમિયા, પ્રવાસો વગેરેની વ્યવસ્થા કરવા પ્રયત્ન કરવામાં આવે છે. મોસમી આકર્ષણો માટે વર્તમાનપત્રો, રેડિયો, ટી.વી. વગેરે દ્વારા જનતાનું ધ્યાન દોરવામાં આવે છે.

    આવા પ્રવાસીઓ તેમજ પાર્કમાં રહેતા આદિવાસી લોકો દ્વારા ઉદ્યાનના સૌંદર્યને, વનસ્પતિને કે પ્રાણીઓને કોઈ નુકસાન ન પહોંચે તે માટે વ્યવસ્થાપકોએ ખૂબ ચાંપતી નજર રાખવી પડે છે.

    જ્યાં પ્રાણીઓ, પક્ષીઓ વગેરે હોય છે ત્યાં એનો કોઈ શિકાર ન કરે અથવા મનુષ્યોની અવરજવરથી તે બહુ દૂર ન જતાં રહે તે માટે પ્રવાસીઓના હરવાફરવા ઉપર મર્યાદા મૂકવી જરૂરી બને છે. જ્યાં કુદરતી સંવર્ધન માટે એકાંતની જરૂર હોય ત્યાં અમુક ચોક્કસ વિસ્તારમાં પ્રવાસીઓને પ્રવેશવાની મનાઈ હોય છે.

    પ્રવાસીઓ હિંસક પશુઓનો ભોગ ન બને તે માટે પણ જરૂરી માર્ગદર્શન, ભોમિયા, રક્ષક, વગેરેની વ્યવસ્થા પણ રખાય છે.

    કેટલીક જગ્યાએ વન્ય હિંસક પ્રાણીઓ આજુબાજુમાં વસવાટવાળાં ગામોમાં જઈને ત્રાસ ફેલાવે છે અને અમુક પ્રાણીઓ ખેતીના પાકને નુકસાન કરે છે ત્યારે સ્થાનિક પ્રજાનો સાથ જતો રહે છે. આ માટે વ્યવસ્થાપકોએ અમુક ‘બફર’ વિસ્તાર જાહેર કરીને કે આડશો ઊભી કરીને આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે.

    ઉદ્યાનો શિક્ષણ અને સંશોધન માટે ખૂબ ઉપયોગી છે.

    ઉદ્યાનો હવે ફક્ત મોજશોખ કે માત્ર આનંદપ્રમોદનાં સાધન રહ્યા નથી, પરંતુ એ રાષ્ટ્રની એક મહામૂલી મિલકત ગણાય છે. સમસ્ત વિશ્વની ર્દષ્ટિએ જોઈએ તો છેલ્લા એક સૈકામાં નહિ નહિ તોય બે હજાર જેટલા ઉદ્યાનો અસ્તિત્વમાં આવ્યા છે. ભવિષ્યમાં પણ જેમ જેમ શહેરીકરણ વધતું જશે તેમ તેમ ઉદ્યાનોની સંખ્યા વધતી જ જવાની. આ માટે પોતપોતાની ભૌગોલિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને જરૂરી તાલીમ પામેલો વ્યવસ્થાપક વર્ગ ઊભો કરવાની વ્યવસ્થા અમુક પ્રગતિશીલ દેશોમાં શરૂ થઈ ગઈ છે.


    સંપાદકીય નોંધ:  

    ૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.

    ૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘બાગ-બગીચા – Gardening’ વિષયમાંથી પસંદ કરેલ છે.

    ૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ  માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો  ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.