ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

મૂળ ઈરાનમાં વિકસેલું આ વાદ્ય કાળક્રમે પખ્તુનિસ્તાન અને અફઘાનિસ્તાનના વિવિધ પ્રદેશોમા થઈને કાશ્મીરમાં પ્રવેશ્યું. આવા પર્વતિય વિસ્તારોમાંનાં વૃક્ષો, ઝરણાં અને નદીઓના કુદરતી નિનાદ જેવી જ ઘેરી, અનુનાદિય અસર સંતૂરના વાદન થકી નિષ્પન્ન થતી અનુભવી શકાય છે.

સંતૂરનો લાક્ષણિક દેખાવ ઉપરની તસવીરમાં જોઈ શકાય છે. અખરોટના વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવેલી ચતુષ્કોણિય રચનામાં સામસામા છેડે ચાર ચાર તાર બાંધેલી પચ્ચીસ હરોળમાં કુલ મળીને એકસો તાર જોવા મળે છે. આ કારણથી આ વાદ્ય પ્રાચીન સમયમાં ‘શતતંત્રી વીણા’ નામે જાણીતું થયેલું. હાલમાં જો કે તેનું અપભ્રંશીય એવું સંતૂર નામ સર્વસ્વીકાર્ય બની રહ્યું છે. વાદન સમયે જે તે તારને અપેક્ષિત સૂરમાં મેળવી લેવામાં આવે છે. આ માટે જરૂરી પાનું તસવીરમાં સામેલ છે. પાનાની બાજુમાં દેખાય છે તેવી બે દાંડી વડે જે તે તાર ઉપર પ્રહાર કરીને સૂર નીપજાવવામાં આવે છે.

મૂળ કાશ્મીરી એવા દિગ્ગજ બહુમુખી કલાકાર પંડીત શિવકુમાર શર્માએ સંતૂરને વૈશ્વિક સ્તરે બહોળી પ્રસિધ્ધી અને લોકપ્રિયતાના શિખર પર લઈ જવામાં સિંહફાળો આપ્યો છે. તેમની વગાડેલી એક ધૂન સાંભળીએ. આમ કરવાથી સંતૂરનો ઘેરો સ્વર અને તેની વાદનશૈલી – એ બન્નેનો પ્રાથમિક પરિચય મળી રહેશે.

 

હવે માણીએ કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો, જેના વાદ્યવૃંદમાં સંતૂરનો પ્રયોગ થયો છે.

૧૯૬૩ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ તેરે ઘર કે સામનેના ગીત ‘દિલ કા ભંવર કરે પૂકાર’માં સંતૂરના સ્વરો સતત કાને પડતા રહે છે. સંગીતનિર્દેશન સચીનદેવ બર્મનનું છે.

સચીનદેવ બર્મનના જ સ્વરબદ્ધ કરેલા ફિલ્મ મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩)ના માધુર્યથી ભરપૂર ગીત ‘તેરે બિન સૂને નૈન હમારે’ના વાદ્યવૃંદમાં સંતૂરનું પ્રાધાન્ય નીખરી આવે છે.

ફિલ્મ મેરે મહેબૂબ(૧૯૬૩)ના શિર્ષકગીત ‘મેરે મહેબૂબ તૂઝે મેરી મહોબત કી કસમ’માં સંતૂરના કર્ણપ્રિય અંશો માણવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ ગીત પુરૂષ(મહંમદ રફી) અને મહિલા(લતા મંગેશકર) એમ બે સ્વરમાં અલગઅલગ રેકોર્ડ થયું છે. અહીં લતા મંગેશકરનું ગાયેલું ગીત પ્રસ્તુત છે. સ્વરનિયોજન નૌશાદનું છે.

સંગીતકાર ઓ.પી.નૈયરનાં સ્વરબદ્ધ કરેલાં ગીતોએ ફિલ્મ કાશ્મીર કી કલી(૧૯૬૪)ની સફળતામાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. આ ફિલ્મના ગીત ‘તારીફ કરું ક્યા ઉસ કી’ ના મધ્યાલાપમાં સંગીતકારે એક વિશિષ્ટ પ્રયોગ કર્યો છે. ટાઈમર ચાલુ રાખી ને સાંભળતાં 1.52 થી 2.01 સુધી સિતારના અંશો વાગ્યા પછી અને પછી 2.09 સુધી સંતૂરના મૃદુ સ્વરો વાગે છે. 2.10 થી અચાનક જ ગિટારના તોફાની સ્વરો ઉમટી આવે છે. આ પ્રકારના પ્રયોગો બહુ મોટા પાયે થયા નથી.

https://youtu.be/VueN49P7JyU?si=SnrQzbZtzDIjmgHr

૧૯૬૫માં રજૂ થયેલી ફિલ્મ મેરે સનમનાં ઓ.પી.નૈયરે સ્વરબદ્ધ કરેલાં ગીતો તે સમયે લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચ્યાં હતાં. તે ફિલ્મનું એક ગીત ‘હમ ને તો દિલ કો આપ કે કદમોં મેં રખ દિયા’ માણીએ, જેના મધ્યાલાપના વાદ્યવૃંદમાં માં સંતૂરના મધુર અંશો સાંભળવા મળે છે.

ફિલ્મ હમરાઝ(૧૯૬૭)ના રવિના સ્વરબદ્ધ કરેલા ગીત ‘તુમ અગર સાથ દેને કા વાદા કરો’ ના પૂર્વાલાપમાં તેમ જ મધ્યાલાપમાં સંતૂરના મધુર અંશો માણવા મળે છે.

૧૯૭૦ની ફિલ્મ જોની મેરા નામનાં ગીતો બહુ જ લોકપ્રિય થયાં હતાં. સંગીતનિર્દેશન કલ્યાણજી-આણંદજીનું હતું. તે પૈકીનું એક સંતૂરના અંશો ધરાવતું ગીત ‘પલભર કે લીયે કોઈ હમેં પ્યાર કર લે’ માણીએ.

https://www.youtube.com/watch?v=Ni0m9gGKpOY

 

ફિલ્મ રેશમા ઔર શેરા(૧૯૭૧)નાં ગીતોની તરજ સંગીતકાર જયદેવે બનાવી હતી. તે ફિલ્મનું ગીત ‘તૂ ચંદા મૈં ચાંદની’ સાંભળતી વેળા સંતૂરના પ્રભાવક અંશો આસાનીથી પારખી શકાય છે.

સંગીતકાર ખય્યામે ફિલ્મ રઝીયા સુલતાન(૧૯૮૩)નાં ગીતોની ધૂન તૈયાર કરતી વખતે તે ફિલ્મની ઐતિહાસિક પશ્ચાદભૂને બરાબર ધ્યાને રાખી હતી. તેમણે વાદ્યવૃંદમાં સારંગી, સિતાર અને સંતૂર જેવાં વાજીંત્રોને જ પ્રાધાન્ય આપ્યું હતું. પ્રસ્તુત ગીત ‘એ દિલ એ નાદાન’ સાંભળીએ ત્યારે એ બાબત અનુભવી શકાય છે.

આજની કડીમાં અહીં અટકીએ. કેટલાંક વધુ સંતૂરપ્રધાન ગીતો સાથે આવતી કડીમાં મળીશું.


નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com