મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે

શિવનંદમ પાલમડાઈ

શ્રી શિવનંદમ પાલમડાઈની વ્યવસાયિક કારકિર્દી માર્કેટીંગના ક્ષેત્રની રહી છે. મૂળ તમિલનાડૂના એવા શ્રી પાલમડાઈ છેલ્લાં પચીસ વર્ષોથી પુણેમાં સ્થાયી થયા છે અને હવે પોતાના સમયને વ્યવસાય અને પસંદગીઓની વચ્ચે પોતાની ઈચ્છા મુજબ વહેંચીને વ્યસ્ત રહે છે. હિંદી ફિલ્મો અને ગૈરફિલ્મી હિંદી ગીતો ઉપરાંત તેઓ કર્ણાટકી અને પાશ્ચાત્ય સંગીતના પણ ચાહક છે. મોહમ્મદ રફી પરનાં ફોરમમાં તેઓ અવારનવાર લેખો લખે છે.

મોહમ્મદ રફી પાર્શ્વગાયક તરીકે જેટલા બહુવિધપ્રતિભાશાળી હતા એટલા જ વ્યક્તિ તરીકે કુટુંબવત્સલ, નિરાભામાની, પરગજુ અને નમ્ર પણ હતા. ફિલ્મ સંગીતના ચાહકોમાં અમુક ગાયક કે સંગીતકાર, કે ગીતકાર બાબતે પોતપોતાની આગવી વધારે ઓછી પસંદ જરૂર  રહે, પણ મોહમ્મદ રફી માટે ગાયક તરીકે થોડું પણ ઘસાતું બોલતું તો કોઈ સાંભળવા જ નહીં મળે. ઓછા જાણીતા સંગીતકારોનાં ગીતોનાં રેકોર્ડિંગ માટે સમય ફાળવવામાં ઠાગાઠૈયા કરવા કે ગીત ગાવામાં ઓછું ધ્યાન આપવું  એવું તો તેમના સ્વભાવમાં જ નહોતું.. આજે તો હવે એ પણ બહુ જાણીતું છે કે તેમણે ઘણા નવા સંગીતકારો પાસેથી તેમની પહેલવહેલી ફિલ્મ માટે સાવ નામનું જ મહેનતાણું જ લીધું હતું.

ગીતની રચના મુજબ પોતાના સુરના આરોહ અવરોહને તો તેઓ આગવી અદાયગી આપવામાં કુશળ હતા જ પણ તે સાથે ગીતના ભાવ પણ તેઓ એટલી જ સહજ રીતે રજુ કરી શકતા.  ભક્તિ ગીતોથી લઈને રોમંસનાં, દેશ પ્રેમનાં ગીતોથી લઈને શરાબીઓ માટેનાં, કરૂણ ગીતોથી લઈને હાસ્ય ગીતો, શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીતોથી માંડીને સાવ જોડકડાં જેવાં કે ભિક્ષુક માટેનાં ગીતોથી લઈને પોતે બનાવેલ ચીજ વસ્તુઓ વેંચતાં નાના વેપારીઓ માટ કે ગજ઼લથી લઈને કવ્વાલીઓ સુધીના દરેક ગીત પ્રકાર તેઓ એટલી જ સહજતાથી ગાઈ શકતા.

પરદા પર ગીતને ગાઈ રહેલા અભિનેતાની શૈલી પણ તે પોતાની ગાયકી દ્વારા જ એટલી વાસ્તવિકતાથી રજુ કરતા કે ગીત સાંભળતાં વેંત કયા અભિનેતાએ પરદા પર ગીત ગાયું હશે તે કલ્પી શકાતું. ૧૯૪૪થી ૧૯૮૦ સુધીની કારકિર્દીમાં તેમણે એ સમયના લગભગ બધા જ નામી અનામી અભિનેતાઓ, ચરિત્ર અભિનેતાઓ કે કોમેડીયનો માટે ગીત ગાયાં હતા. પૃથ્વી રાજકપૂર (પંજાબી ફિલ્મમાં), તેમના ત્રણેય પુત્રો રાજ, શમ્મી અને શસી તેમ જ પછીની પેઢીના રણધીર અને ઋષિ, એમ ત્રણ પેઢીઓ માટે તેમણે ગીતો ગાયા. બલરાજ સાહની અને તેમના પુત્ર પરિક્ષિત માટે પણ તેમણે પોતાનો સ્વર આપ્યો તો ફિલ્મ જગતના બધા કુમારો  – દીલીપ, રાજેન્દ્ર, મનોજ, સંજીવ – માટે તેમણે યાદગાર ગીતો ગાયાં. કે એલ સાયગલનું ગીત તેમણે માઈક વિના ગાઈને સાયગલ સાહેબની સરાહના મળવી. ગત પેઢીના શ્યામ, તે પછી ધર્મેંદ્ર અને નવી પેઢીના અમિતાભ, વિનોદ ખન્ના, જીતેન્દ્ર અને શત્રુઘ્ન શર્મા માટે પણ તેમણે ગીતો ગાયા. જોહ્ની વૉકરની તેઓ અનિવાર્ય એવી પાર્શ્વસ્વર ઓળખ ગણાતા.

તેમણે પોતાના સમયનાં બીજાં બધાં  પાર્શ્વગાયકો સાથે તો ગીતો ગાયાં છે. એક સમયના તેમના રોલ મૉડેલ સમા જી એમ દુર્રાની માટે પણ તેમણે ગીત ગાયું. તેમના વ્યવસાયિક હરીફ સમા કિશોર કુમાર માટે તો તેમણે  કોઈ જાતનાં અભિમાન વિના પરદા પાછળ પણ ગાયું. એટલું જ નહીં પણ બેકગ્રાઉન્ડ ગીતો પણ તેમની આગવી ખાસીયત ગણાતી. બીજી પણ એક ખાસ વાત તરફ ધ્યાન જાય છેઃ ૧૯૪૬નાં ગીત, કહ કે ભી ન આયે તુમ,માં પોતાની ઉમરનાં  બાવીસમા વર્ષે તેઓ જે સહજતાથી ગંભીર બની શકે છે એટલી જ સહજતાથી ૧૯૮૦નાં પોતાની વયના ચોપનમા વર્ષે તેઓ મૈને પુછા ચાંદસે માં તેઓ નવયુવાનને શરમાવે તેવા નખશીખ પ્રેમી લાગે છે.

આવા બહુપ્રતિભાવાન, બહુઆયામી ગાયક એવા મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી નિમિત્તે ૧૯૪૪ અને ૧૯૪૫નાં તેમની સાવ શરૂઆતનાં બે વર્ષો છોડીને ૧૯૪૬થી ૧૯૮૦ સુધીનાં ૩૫ વર્ષનાં દરેક વર્ષનાં એક એક પ્રતિનિધિ ગીતને પસંદ કરવું એ પહેલી નજરે તો સાવ અસંભવ કામ જણાતું હતું. તેમણે જેમના માટે ગીતો ગાયાં એવા સંગીતકાર કે અભિનેતા દીઠ કે તેમણે ગાયેલાં ગીતોના પ્રકાર દીઠ તો દરેક વિષય પર અનેક લેખો લખાય તો પણ મોહમ્મદ રફીની ગાયન પ્રતિભાનો સર્વગ્રાહી પરિચય ન આપી શકાય. ઘણી મથામણને અંતે એમ નક્કી કર્યું કે દરેક વર્ષનું, મારી પોતાની પસંદ મુજબનું એક ગીત પસંદ કરવું. એમ કરતાં શક્ય એટલા જુદા જુદા ભાવનાં પ્રકારનાં કે સંગીતકારો માટેનાં ગીતો રજુ કરી શકાય તેવો સન્નિષ્ઠ પ્રયાસ કરવો. પરિણામે, ૧૯૪૬થી ૧૯૮૦ સુધીના ૩૫ વર્ષનાં ૩૫ ગીતોની આ યાદીમાં આના કરતાં પેલું ગીત વધારે સારૂ રહેત કે આ સંગીતકાર તો સાવ ભુલાઈ જ ગયા એવો અસંતોષ જરૂર અનુભવાશે. પણ મોટું મન રાખીને મારી આ મર્યાદાને દરગુજર કરવાની મારી વિનંતિ છે.

ગીતોની રજુઆત ફિલ્મની રજુઆતનાં વર્ષના ક્રમમાં કરેલી છે. દરેક ગીતની ઓળખ માટે, ફિલ્મની રજુઆતનું વર્ષ, ગીતના મુખડાના બોલ, ફિલ્મનું નામ, સંગીતકાર, ગીતકાર અને પરદા પર ગાઈ રહેલ અભિનેતાનું નામ એ ક્રમ રાખેલો છે. ૧૯૪૭, ૧૯૪૮ અને ૧૯૫૦ સિવાય બાકીનાં દરેક વર્ષ માટે મોહમ્મદ રફીનાં સોલો ગીતો જ પસંદ કરેલ છે.

૧૯૪૬ – કહ કે ભી ન આયે તુમ અબ છુપને લગે તારે – સફર – સી. રામચંદ્ર – જી એસ નેપાલી – કનુ ઘોષ

બાવીસ જ વર્ષની ઉમર, કારકિર્દીનાં તો પહેલે પગથિયે જ પગ મુક્યો છે, પણ  મોહમ્મદ રફી પાસેથી ભવિષ્યમાં કેવાં કેવાં ગીતો મળી શકશે તેની આલબેલ તો આ ગીતમાં સ્પષ્ટપણે સભળાય છે.

જો કે આ સિવાય પણ ફિલ્મમાં મોહમ્મદ રફીનું એક અન્ય સોલો ગીત – અબ વો હમારે હો ગયે ઈકરાર કરે યા ન કરે– પણ નોંધપાત્ર રહ્યું હતું.

૧૯૪૭ – યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ – નુરજહાં સાથે – જુગનુ – ફિરોઝ નિઝામી –  અસગર સરહદી – દિલીપ કુમાર (અને નુરજહાં)

મોહમ્મદ રફીનું નુરજહાં સાથેનું એક માત્ર યુગલ ગીત !

આ ફિલ્મનાં એક ગીત – વો અપની યાદ દિલાને કો – માં મોહમ્મદ રફીએ પોતે જ પરદા પર ગીત ગાયું છે.

https://www.youtube.com/watch?v=ZTIVV06WE3I

૧૯૪૮ – સોલહ બરસ કી ભઈ ઉમરીયા – શમશાદ બેગમ અને સાથીઓ સાથે – આગ – રામ ગાંગુલી –  બહઝાદ લખનવી – સત્યનારાયણ (નરગીસ અને સાથીઓ સાથે)

રાજ કપુરને સિનેમાના મહાન શોમેન તરીકે કેમ ઓળખવામાં આવતા તે આ ગીતનાં બહુ અનોખાં ફિલ્માંકન દ્વારા સમજી શકાય છે.

ગીત લોકગીતના ઢાળ પર બનાવાયું છે.

આહ અને જિસ દેશમેં ગંગા બહેતી હૈ સિવાય આર કે ફિલ્મ્સની મેરા નામ જોકર સુધીની દરેક ફિલ્મમાં મોહમ્મદ રફીને સ્થાન મળ્યું જ છે!

૧૯૪૯ – સુહાની રાત ઢલ ચુકી ના જાને તુમ કબ આઓગે – દુલારી – નૌશાદ – શકીલ બદાયુની – સુરેશ

મોહમ્મદ રફી પોતાની ગાયકીમાં જે ભાવ લાવી શકતા તેવા ભાવ તો હિંદી ફિલ્મોના ગણ્યા ગાંઠ્યા અભિનેતાઓ સિવાય મોટા ભાગના અભિનેતાઓ પોતાની અદાયગીમાં લાવી ન શકતા.

આ ગીતને મળેલી અપ્રતિમ સફળતાએ મોહમ્મદ રફીનાં ફિલ્મ જગતનાં સ્થાનનો મજબુત પાયો નાખવાનું કામ કર્યું.

૧૯૫૦ – તારા રી આરા રી …. યે સાવન ઋત તુમ ઔર હમ તા રા રા રા રમ – સુરૈયા સાથે – દાસ્તાન – નૌશાદ – શકીલ બદાયુની – રાજ કપુર (અને સુરૈયા)

મોહમ્મદ રફી અહીં પાશ્ચાત્ય ધુન પર હળવા મિજાજનાં રોમેન્ટીક ગીત ગાવાની તેમની ફાવટ રજુ કરે છે.

રાજ કપુર અને નૌશાદે આ ફિલ્મ સિવાય ક્યારે પણ સાથે કામ કરતા નથી દેખાયા. તે ઉપરાંત દિલીપ કુમાર – મોહમ્મદ રફી, રાજ કપુર – મુકેશ એવી વણલખી પ્રથાઓ પણ હજુ શરૂ નથી થઈ. પરંતુ આ ગીતમાં મોહમ્મદ રફીનો અવાજ રાજ કપુરની અભિનય શૈલીને પણ બહુ સહજપણે બંધ બેસે છે.

૧૯૫૧ – હુએ હમ જિનકે લિયે બરબાદ વો હમ કો ચાહે ન કરે યાદ હમ ઉનકી યાદમેં ગાયે જાએંગે – દીદાર – નૌશાદ – શકીલ બદાયુની – દિલીપ કુમાર

આ પહેલાંની ફિલ્મ, અંદાઝ,માં દિલીપ કુમાર માટે મુકેશ દ્વારા ગવાયેલાં ગીતો શ્રોતાઓના મનમાંથી તસુભાર પણ ન ખસ્યાં હોય એવામાં હવે મોહમ્મદ રફી દિલીપ કુમારના પાર્શ્વસ્વર માટે આવ્યા અને મોહમ્મદ રફી સિવાય દિલીપ કુમાર કલ્પી ન શક્ય એટલી હદે દિલીપ કુમારના અભિનય સાથે વણાઈ ગયા.

ગીતની સાખીનો ઉપાડ મોહમ્મદ રફી થોડા ઊંચા સુરમાં કરે છે અને પછી ધીમે ધીમે ગીતના મૂળ સુર તરફ સરકતા આવે છે. એ જ રીતે આખાં ગીત દરમ્યાન સુરની ઉતરચડ દ્વારા ગીતના ભાવની અભિવ્યક્તિ તાદૃશ કરતા રહે છે.

૧૯૫૨ – ઓ દુનિયાકે રખવાલે સુન દર્દ ભરે મેલે નાલે – બૈજુ બાવરા – નૌશાદ – શકીલ બદાયુની – ભારત ભુષણ

‘ભગવાન, ભગવાન, ભગવાન’થી શરૂ થતા પૂર્વાલાપથી મોહમમ્દ રફીના સ્વરમાં જે દર્દ ટપકે છે તે મહલ ઉદાસ ઔર ગલીયાં સુની ….. હમ જીવન કૈસે ગુજારેમાં આર્તસ્વરની ફરિયાદ બની રહે છે. કોણ કલ્પના કરી શકે કે આ ગાયકે આટલા ભાવ સાથે આ ગીત એક બેજાન માઈક્રોફોન સામે ઊભીને ગાયું હશે!

૧૯૫૩ – અજબ તોરી દુનિયા હો મોરે રામા – દો બીઘા ઝમીન – સલીલ ચૌધરી – શૈલેન્દ્ર – અન્ય ચરિત્ર અભિનેતાઓ

જરા ધ્યાનથી સાંભળીશું તો જણાશે કે પહેલા અને બીજા અંતરામાં બે અલગ અલગ અભિનેતાઓ ગીત ગાય છે અને એ માટે રફીએ પોતાના સ્વરમાં સહેજસાજ ફરક પણ કર્યો છે.

https://youtu.be/6oD3gCt3lXM?si=0SJA5mdMFjM5kopq

૧૯૫૪ – હૈ બસ કે હર એક ઉનકે ઈશારેમેં નિશાં ઔર, કરતે હૈ મુહબ્બત તો ગુઝરતા હૌ ગુમાં ઔર – મિર્ઝા ગાલિબ – ગુલામ મોહમ્મદ – મિર્ઝા ગાલિબ – અન્ય ચરિત્ર અભિનેતા

‘મિર્ઝા ગાલિબ’ મૂળતઃ મિર્ઝા ગાલિબ અને મોતી બેગમના પ્રેમની કહાની છે એટલે સ્વાભાવિક છે કે ફિલ્મનાં તલત મહમુદ અને સુરૈયાનાં ગીતો જ વધારે પ્રસિદ્ધિ પામ્યાં હોય. પરંતુ, ગઝલનો આ શેર તો મોહમ્મદ રફીની મોહક ગાયકીને જ જાણે સાબિત કરી રહે છેઃ

હૈ ઔર ભી દુનિયામેં સુખન્નવર બહુત અચ્છે

કહતે હૈ કે ગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં ઔર

૧૯૫૫ – કહાં જા રહા હૈ તુ અય જાનેવાલે અંધેરા હૈ મન કા દિયા તો જલા લે – સીમા – શંકર જયકિશન – શૈલેન્દ્ર – બલરાજ સાહની

‘સીમા’નાં ગીત આમ તો એક એકથી ચઢિયાતા હતાં. ‘તુ પ્યાર કા સાગર હૈ‘, મનમોહના બડે જૂઠે અને પ્રસ્તુત ગીત તો જાણે આપસમાં સ્પર્ધામાં ઉતરવાને બદલે દરેક પંક્તિના બોલ, ગીત બાંધણી કે ગાયકીમાં ખુદ પોતા કરતાં જ વધારે ઊંચાં કીર્તિમાનો સ્થાપિત કરતાં હોય એમ જણાય. જેમ કે, જો બાંધે હૈ બંધન વો ક્યોં તોડ ડાલે‘માં  ‘તો ડ’ને રફીએ કેટલું અર્થપૂર્ણપણે તોડી બતાવ્યું છે.

ફિલ્મનું એક અન્ય ગીત – હમેં ભી દે દો સહારા કે બેસહારે હૈ, ફલક કી ગોદ સે ટૂટે હુએ સિતારે હૈ – તો વળી ભિક્ષુક’ પ્રકારનાં ગીતોમાં પણ નવી કેડી કંડારે છે.

૧૯૫૬ – દુનિયા ન ભાયે મોહે અબ તો બુલા લે ચરનોમેં ચરનોમેં – બસંત બહાર – શંકર જયકિશન – શૈલેન્દ્ર – ભારત ભુષણ

અહીં પર મોહમ્મદ રફીએ કેતકી ગુલાબ જુહી ચંપક કે ભય ભંજના વંદના સુન હમારી જેવાં ઉત્તુંગ કક્ષાનાં ગીતોની સાથે આ ગીતને બરાબરીનું સ્થાન અપાવવાનું હતું, જે તેમણે ‘ચરનો મેં ચરનો મેં‘ વ્યથાની વલોવણી વડે જ સિદ્ધ કરી લીધું.

આજે અહીં વિરામ લઈશું. હવે પછીના મણકામાં ૧૯૫૭થી ૧૯૭૦ સુધીના વર્ષોનાં કેટલાંક ચુંટેલાં ગીતો યાદ કરીશું’


મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Rafi’s Centenary Special: 35 songs from 35 years (1946-1980)નો આંશિક અનુવાદ

અનુવાદ: અશોક વૈષ્ણવ