વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ” હું નહીં હોઉં ત્યારે”

    માયા નીતિન દેસાઈ

    ” હું નહીં હોઉં ત્યારે તને મારાં શબ્દો સાચા લાગશે…પણ હું નહીં સાંભળી શકું તારો એકરાર ..”

    આજે બહાર વરસાદ પડી રહ્યો હતો અને અંદર યાદોનો વરસાદ ! માનાં શબ્દો ફાલ્ગુનનું હૈયું ભીંજવી રહ્યા હતા.આમ તો એક સામાન્ય જ ઘટના ઘટી હતી તે દિવસે, બારણે કોઈ માંગવા આવ્યું હતું અને પત્નીએ છણકો કર્યો હતો. ” એક રવિવારે જરા જંપવાનો સમય હોય ત્યારે.. જરા જોઈ લો ને.” ફાલ્ગુને ઊઠીને રસોડામાં ખાંખાખોળા કરી એક બિસ્કિટનું પેકેટ આપી દીધું.

    ત્યાર બાદ ફાલ્ગુનને ઊંઘ જ ન આવી ,એ એક પુસ્તક લેવા ગયો અને ઉપરથી માનો ફોટો ફ્રેમ તૂટતાં પડ્યો. કાચ હાથમાં જ આવ્યો તેથી ફ્રેમ બાજુ પર મૂકી માનાં ફોટાને જોતો બેસી રહ્યો. માંગવા આવેલી ભિખારણ સાથે જ આજે એને મા યાદ આવી હતી, તેમાં આ ફોટો! બચપણમાં આમ જ બપોરે કે કોઈ વાર રાતે ભિખારણ આવતી. મા જરા આડે પડખે થઈ હોય તો બૂમ પાડી કહેતી ,” બેટા, રોટલિયામાંથી એક રોટલી અને થોડું શાક આપી દે એને.” મોટે ભાગે તો એ પોતે જ આપતી ,આ તો રજા કે વેકેશનમાં ફાલ્ગુન હાથમાં આવી જતો.

    તે દિવસે ફાલ્ગુને કંટાળો કર્યો તો મા પોતે જ ઊઠવા લાગી. પગ પછાડતો એ ગયો પણ બબડાટ કરતો રહ્યો. ” આપણી ચાર ભાખરીમાંથી એક એને આપી ,હવે સાંજે શું?” મા બોલી, “કોઈને આપવાથી ઓછું ન થાય ,જો જે ભગવાન તને બમણું આપશે, કોઈ ને કોઈ રૂપે.” ફાલ્ગુને સામે જવાબ આપ્યો,” આજે તો ઓછું જ મળશે ને, કોણે દીઠી કાલ! આ તારી દાનવીર વૃત્તિ..” મા પણ તે દિવસે નમતું જોખવાના મૂડમાં નહોતી.

    ” હા, હું છું જ એવી, જીવતી રહીશ ત્યાં સુધી આપીશ જ. કોઈને દેવાથી ઘટતું નથી, એનાં નસીબનું આપણાં ભાણામાં આવ્યું હોય છે, આપતાં રહેવું જોઈએ, તો જ ભગવાન રાજી રહે. આ મારાં શબ્દો હું નહીં હોઉં ત્યારે યાદ આવશે જોજે.” તે સાંજે પડોશમાં ત્રીજે ઘરે નૈવેદ્યની રસમ હતી તેથી વાટકો ભરીને ખીર તેમજ ભજિયાંનો પ્રસાદ આવ્યો ત્યારે મા ફાલ્ગુન સામે જોઈ મંદ હસી.

    જૂની સાડી, ચાદર, કવર એ અવારનવાર કોઈને ને કોઈને પ્રેમથી આપતી રહેતી અને ફાલ્ગુન સાથે વિવાદ થતો રહેતો.બંનેની ઉંમર વધતાં, ફાલ્ગુનની વ્યસ્તતા વધતાં ચર્ચા ઓછી થવા લાગી. વહુ આવી તો પણ માને કશો ફરક ન પડ્યો. એ પણ માનાં રંગે રંગાઈ ગઈ.

    એક વાર માની જિદ્દ પૂરી કરવા કુળદેવી પગે લાગવા ગયેલા ફાલ્ગુનની બેગ ચોરાઈ ગઈ. મનમાં ધૂંધવાતો મંદિરે ગયો તો ચંપલ પણ..! સદ્નસીબે એના વૉલેટમાં એક પાંચસોની નોટ હતી જેનાથી પેટપૂજા તો થઈ પણ પાછાં આવવા માટેની ટિકિટ, વધારાનાં પૈસા બધું જ પેલી બેગમાં ગયું હતું. જે નાની હોટલમાં ફાલ્ગુન કમને ખાવા બેસતો હતો ત્યાં એક વૃદ્ધ કાચમાંથી માંગતા દેખાયો. મા યાદ આવી અને એ એક રોટલી આપવા તરત ઊઠ્યો. એને રોટલી આપી આવતા પાછળથી કોઈએ બૂમ પાડી. જોયું તો એક મિત્ર જે શાળા પૂરી થયાં બાદ આજે લગભગ દસેક વર્ષ પછી મળી રહ્યો હતો.

    વાતચીત દરમિયાન ફાલ્ગુને જણાવ્યું કે બેગ ચોરાઈ ગઈ હતી તેથી તે ખૂબ મૂંઝવણમાં મુકાયો છે. લાંબા સમયે મળેલા મિત્રે ધબ્બો મારી એના ખિસ્સામાં બે હજાર રૂપિયા મૂક્યા અને કહ્યું,” આવ્યો છે તો ભાભી સાથે ફરીને જજે, પૈસાની ચિંતા ન કરીશ.” ફાલ્ગુન તો ગળગળો થઈ એને ભેટી પડ્યો અને સંપર્કની વિગત લઈ જલદી પૈસા પરત કરવાની ખાતરી આપી.આજે ફાલ્ગુન સ્મરણયાત્રા કરતાં ભૂતકાળમાં ભમી રહ્યો હતો, “કોઈને આપવાથી..”

    પછી તો એક દિવસ મા પણ ચાલી નીકળી અનંત યાત્રાએ. એકાદ વાર એ બોલી ગયેલી ,” તારા પિતા ગુજરી ગયા ત્યારે તું નાનો હતો તેથી મારાં મોત બાદ બને તો અમારા બંનેનું તર્પણ સિદ્ધપુરમાં કરજે.” ફાલ્ગુનની આ બધામાં શ્રદ્ધા ઓછી હોવા છતાં એ ગયો. ત્યાંથી પાછાં વળતાં મોડું થયું અને પ્રવાસ લાંબો હોવાથી એણે સેન્ડવીચ,પાણીની બોટલ અને બિસ્કિટ રસ્તેથી ખરીદી લીધાં. સ્ટેશને આવી જાણ્યું કે ટ્રેન મોડી છે.

    આખા દિવસની વ્યસ્તતા બાદ થાક્યો હતો તેથી તેણે બ્રિજનાં પગથિયાં પર જાતને ગોઠવી. એક ઝોકું આવવાની તૈયારીમાં જ હતું ત્યાં એનાં પુત્રની ઉંમરના એક છોકરો,છોકરી કરમાયેલા મોંઢે માંગવા આવ્યાં. એમની શારીરિક દશા જોઈ લાગતું જ હતું કે ભૂખ્યાં હશે. ફાલ્ગુને પહેલાં તો જરા ચીડ જ દર્શાવી,પણ મનમાં જ. “આજે જ તો તર્પણ કર્યું માનું અને આજે જ..!” એણે પોતા માટે લીધેલાં બિસ્કિટ અને સેન્ડવીચ આપી દીધાં,ફક્ત પાણીની બોટલ રાખી. પેલાં બંને છોકરાં હાથ જોડતાં લગભગ દોડી ગયાં, કદાચ બીજા ભાગીદાર હશે એમાં.. બીજાં સ્ટેશનેથી કંઈ મળી જશે એ આશામાં એ બેસી રહ્યો. ટ્રેન આવતાં એણે જગ્યા લીધી ,રાતની સફર હતી તેથી સૌ પોતપોતાની જગ્યા પાકી કરી રહ્યા હતાં.

    ફાલ્ગુને પોતાની બેગ ગોઠવી નિરાંતનો શ્વાસ લીધો.એની સિંગલ સીટ હતી પણ એક વૃદ્ધ ગૃહસ્થ આગલાં સ્ટેશન પર ઊતરવાના હોવાથી અનુમતિ લઈને ત્યાં બેઠા હતા. આ બાજુ એક યુવાન,યુવતી અને વૃદ્ધ સ્ત્રી હતાં. એમણે એને બેસવા જગ્યા આપી. ઔપચારિક વાતો થઈ એમાં જાણવા મળ્યું કે તેઓ પહેલી જ વાર મુંબઈ જઈ રહ્યા હતાં, સિદ્ધિ વિનાયક મંદિરમાં પગે લાગવાની માનતા હતી યુવતીની અને વૃદ્ધ માને મહાલક્ષ્મી મંદિર તેમ જ ૨૬/૧૧ નાં આતંકવાદીઓનું નિશાન બનેલી તાજ હોટેલ જોવી હતી.

    ફાલ્ગુને એમનું માર્ગદર્શન કર્યું અને બીજી વાતો કરી તેવામાં સ્ટેશન આવ્યું તો કંઈક ખાવાનું મળે એ અપેક્ષાએ બહાર નજર માંડી પણ ‘આ બધાં સ્ટેશને સાંજ પછી ચા સિવાય કંઈ ન મળે ‘ની વાત સાંભળી પાર્લે જી બિસ્કિટનું અડધું પેકેટ ખાઈ એક ચા લીધી. ઘડિયાળમાં જોઈ સૂવાની તૈયારી કરવા માંડી. આ બાજુ યુવતીએ હાથ ધોઈ ચાર પેપર ડીશ તૈયાર કરી, સાથે આણેલ તીખી પુરી, શાક અને કાપેલા ફળોને ગોઠવ્યાં. વૃદ્ધાએ એક ડબ્બીમાંથી થોડો છૂંદો પીરસ્યો.

    યુવકે ઊભાં થતાં ફાલ્ગુનને પણ સાથે લીધો, ” ચાલો,હાથ ધોઈ લો , સાથે ખાઈએ.” ફાલ્ગુનને હા ના કરવાનો મોકો જ ન આપ્યો, યુવતીએ પણ આગ્રહ કર્યો. ફાલ્ગુનને ભૂખ તો સાંજથી જ લાગી હતી, તેમાં પણ આવું ઘરનું ખાવાનું! એણે પ્રેમથી ત્રણે સાથે ખાધું ત્યારે વૃદ્ધા થોડી થોડી વારે એને જોયાં કરતી એ ફાલ્ગુને નોંધ્યું.

    જમીને હાથ ધોવા પણ યુવક સાથે આવ્યો ત્યારે જણાવ્યું કે દસેક મહિના પહેલાં એની જ ઉંમરનો ભાઈ અચાનક ગુજરી ગયો હતો, જેનું કાઠું ફાલ્ગુન જેવું જ હતું. તેઓ ત્રણે એના તર્પણ માટે જ સિદ્ધપુર આવ્યાં હતાં અને માને એ શોકમાંથી બહાર આણવા મુંબઈ જવાનું નક્કી કર્યું હતું. ફાલ્ગુનને વૃદ્ધાનું તાકી રહેવું સમજાયું,’આમ તો મા જેવડી જ હશે.’

    થોડીવાર ગપ્પાં મારી ઉપર સૂવા ગયેલા ફાલ્ગુનને ત્રણે જણા પોતીકાં લાગ્યાં. લાઈટ બંધ થયાં પછી એ અધખુલ્લી આંખે એ ત્રણેને જોઈ રહ્યો જેમણે એની ક્ષુધા તૃપ્ત કરી હતી. અચાનક એણે જોયું તો એ વૃદ્ધા નીચેની બર્થ પર કેડ ફરીને સૂતી હતી, એક હાથનું ઓશીકું બનાવી,પગ ઢંકાય એટલું ઓઢીને.. બિલકુલ એની માની જેમ ! ” કોઈને દેવાથી આપણું ઓછું નથી થતું” પેલાં છોકરાંઓને એક ઝાટકે આપી દીધું પણ આ માવડીએ પેટભરીને ખવડાવ્યું. મા જાણે હરદમ સાથે હતી.

    વાંચવા લીધેલું પુસ્તક હાથમાં જ રહી ગયું અને પેલા શબ્દો પડઘાઈ રહ્યા, “હું નહીં હોઉં ત્યારે..” મા વિના!


    #©️માયા દેસાઈ – ઈ મેઈલ : mnd1953@gmail.com | મોબાઈલ નં:  +91 9833917938


    પરિચયઃ

    નામ : માયા નીતિન દેસાઈ

    કોઈ પુસ્તક પ્રકાશિત નથી કર્યાં. ‌ચિત્રલેખા સ્પર્ધામાં બે વાર વિજેતા

    વિવિધ સહિયારાં પુસ્તકોમાં ભાગ લીધો છે. અનેક વર્તમાનપત્ર, મેગેઝિનમાં કૃતિઓ છપાઈ છે.

    ગુજરાત મેઈલમાં દર શનિવારે રચના છપાય છે.

     

     

     

  • ઈન્સાફ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    અમૃતસરથી પાકિસ્તાન તરફ જતી મિલિટરી ટ્રકમાં મરઘાં-બતકાંની જેમ બલૂચ સિપાહીઓ ખડકાયેલા હતા. એમની પાસે પોતાની બંદૂક સિવાય બીજું કશું જ નહોતું.

    બલૂચ સિપાહીઓની આ ટુકડીમાં એક રમઝાનખાન નામના જમાદાર હતા જેમને સૌ મૌલવીજીના નામે ઓળખતા. ટંટા-ફસાદમાં લાશોના ખડકલાં વચ્ચે, એમની બંને બાજુએ ભરેલી બંદૂક સાથે ઊભેલા સિપાહીઓની વચ્ચે રમઝાનખાનને નમાજ પઢતા સૌએ જોયા હતા. એ હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલાના સમયનો હતો. અમૃતસરના મુસ્લિમોને પાકિસ્તાન ભણી રવાના કરવાની જવાબદારી જાણે એમની હોય એમ અનેક મુસ્લિમોને પાકિસ્તાન જવા એ સમજાવી લેતા. જે પોતાનાં ઘરબાર છોડવા તૈયાર ન હોય એમની સામે ઇસ્લામી રાજ્યનું અદ્ભુત ચિત્ર રજૂ કરતા. ભાગ્યેજ કોઈ એવું હતું જે એમની વાત ટાળી શકતું.

    પણ આજે જ્યારે ટ્રક ઉપડી ત્યારે અચાનક એમને વિચાર આવ્યો કે, ભગવાન તો સૌના એક જ છે. ક્યારેક સાંભળેલી વાત યાદ આવી કે, અમૃતસરના હરિમંદિરનો પાયો તો એક મુસલમાન ફકિરે મૂક્યો હતો. અહલે-સુન્નતમાં માનવાવાળા ગુરૂ નાનકને પીર માનતા અને આ યાદ આવતા મૌલવીજીએ ગુરુદ્વારા પર ચમકતા સોનેરી કળશ સામે જોઈને પોતાનું મસ્તક નમાવ્યું.

    ટ્રક આગળ ચાલી. ઠંડી હવાની લહેરખીના સ્પર્શ સાથે મૌલવીની આંખો મિંચાઈ. બંધ આંખની પાછળ ટંટાના ભયાનક દૃશ્યની ઝલક દેખાવા માંડી. ખુન્નસે ભરાયેલા હિંદુ, મુસ્લિમ, શીખ થકી થયેલી કતલનાં બિહામણાં દૃશ્યની ઝલકથી બંધ આંખે પણ એ કાંપી ઊઠ્યા.

    એટલામાં બંધ આંખોના બિહામણાં દૃશ્યને વિખેરી નાખતી એક હૃદયદ્રાવક ચીસ અને સિપાહીઓના અટ્ટહાસ્યથી એ ચમક્યા. સફાળા જાગીને જોયું તો એક સિપાહીએ પોતાની સંગીનથી રસ્તા પરથી પસાર થતા શીખ યુવકનું ગળું વીંધી નાખ્યું હતું. એક કારમી ચીસ અને એ યુવક સાયકલ પરથી ઉછળીને પાસેનાં નાળામાં જઈ પડ્યો. યુવકને મારવાની તરકીબ પર “ચાલો, એક શીખ ઓછો થયો” કહીને સિપાહીઓ હસી રહ્યા હતા.

    ટ્રકમાંના સિપાહીઓનું હાસ્ય હજુ તો શમ્યું નહોતું ને ફરી એક કારમી ચીસ સંભળાઈ. આ વખતે દૂધ વેચવા જતી ગોવાળણ એમની સંગીનનું નિશાન બની હતી. “ચાલો કાફિરોનાં જમાતમાંથી ઓછી થયેલી વ્યક્તિની નિશાનીમાં આ એક ઉમેરો” કહીને સંગીન સાથે ચોંટી આવેલી એ ગોવાળણના વાળની લટને જમાદારે પોતાની પાસે સાચવીને મૂકી દીધી.

    અમૃતસર શહેરની આ વહેલી સવારની ઠંડી હવામાં માંડ કોઈ એકલદોકલ નજરે આવતું હતું. બલૂચ સિપાહીઓ પાકિસ્તાનની શાન પર ગીત લલકારી રહ્યા હતા.

    “પાકિસ્તાન આસમાનનો ચમકતો તારો હશે, પાકિસ્તાન દુનિયાભરમાં ઈન્સાફનું ઉદાહરણ બનશે. ગરીબો અને અનાથોનો સહારો પાકિસ્તાન બનશે. ત્યાં નહીં કોઈ જાલિમ હશે કે નહીં કોઈ પીડિત.”

    ઠંડી હવામાં એમનાં અવાજની બુલંદી દૂર સુધી પહોંચતી હતી.

    હવે તો એક પણ નિશાન ન ચૂકાય એમ સંગીન તૈયાર રાખીને એકએક સિપાહી ડ્રાઇવરની ડાબી-જમણી બાજુ આવીને ગોઠવાઈ ગયા. સડક પર એક મહિલા નજરે આવી. ગળામાં કિરપાણ હતી એટલે નક્કી કોઈ શીખ જ હતી. ટ્રક ડ્રાઈવરે એની સાવ નજીક ટ્રક લીધી. બીજી જ ક્ષણ, એક કારમી ચીસ અને ફરી એક અટ્ટહાસ્ય. ટ્રક તેજીથી આગળ વધી ગઈ.

    ટ્રક આગળ વધતી રહી. પાછળ સંગીનથી વિંધાયેલા એક પછી એક નિશાનની ચીસો અને અટ્ટહાસ્ય મૂકતી ગઈ. જમાદારને સમજાતું નહોતું કે એ પોતાની ડાયરીમાં જાની નુકશાનના હિસાબમાં કોને કોને ઉમેરે? પણ હા, જમાદાર રમઝાનને એવો વિચાર તો આવ્યો જ કે, જતા જતા સારા શિકાર હાથ લાગ્યા. થોડીથોડી વારે ડાયરી ખોલીને એને હિસાબમાં ઉમેરો કરવાનું ગમ્યું.

    જેમ શહેર દૂર થતું ગયું એમ જોખમ ઘટતું ગયું અને હવે બલૂચ સિપાહીઓની હિંમત તો વધી જ સાથે એમાં ઉમેરાયો નવા ખેલનો આનંદ.

    હવાની ગતિએ આગળ વધી રહેલી ટ્રકથી થોડે દૂર આશરે ત્રણ માઇલના અંતરે પાકિસ્તાની ઝંડો નજરે પડતો હતો. “પાકિસ્તાન જિંદાબાદ”ના નારા સાથે હવે ટ્રકમાંથી કોઈ ગીતના સૂર સંભળાવા માંડ્યાં.

    જરા આગળ જતા આશરે પચાસ કદમની દૂરી પર ડાબી-જમણી બાજુએ ચાલ્યા જતા ત્રણ શીખ પર બલૂચ સિપાહીઓની નજર પડી. ડ્રાઇવરની આજુબાજુમાં બેઠેલા સિપાહીઓએ આંખનાં ઈશારે જ સમજૂતી કરી લીધી. અને ક્ષણભરમાં ડાબી બાજુએ ચાલી રહેલો યુવાન,  સ્ત્રી વિંધાઈ ગયાં. જમણી બાજુ પસાર થતા એ કૃશકાય બુઢ્ઢા આદમીને સંગીનની ધાર અડતાંની સાથે એ ગભરાઈને ઉછળ્યો અને ટ્રકના આગળના પૈડાં પાસે આવીને પડ્યો.  એની ખોપરીને ટ્રકના વજનદાર પૈડાંથી કચરીને ટ્રક ડ્રાઇવર ઝડપથી આગળ વધી ગયો.

    હવે સાવ સામે ધર્મ, સચ અને ન્યાયના પ્રતીક સમા ચાંદ-તારાવાળો પાકિસ્તાની ઝંડો દેખાતો હતો. પોતાના દેશની હવા પ્રેમથી સ્વાગત કરતી હોય એવું આ સિપાહીઓએ અનુભવ્યું. અજબ નશામાં આવેલા આ સિપાહીઓએ “ અલ્લાહો અકબર”. “પાકિસ્તાન જિંદાબાદ” નો નારો લગાવ્યો. સિપાહીઓ નારો લગાવતા હતા જ ને તેજ રફ્તારે જતી ટ્રકના ડ્રાઇવરને એક જંગલી બિલાડી ટ્રકની વચ્ચે આવતી દેખાઈ. ન્યાયના પ્રતીક સમા ઝંડા પર નજર જતાં ડ્રાઇવરે માનવતાની દૃષ્ટિએ બિલાડીને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો. બિલાડી તો બચી ગઈ પણ તેજ રફ્તારે જતી ટ્રકનું બેલેન્સ ડ્રાઇવર જાળવી ન શક્યો. ટ્રક કાચા રસ્તા પર ઉતરીને જોરદાર ધક્કાથી એક મોટા ઝાડ સાથે અથડાઈને ઉથલી પડી.

    પચીસ એક સામટી ચીસો અને પછી કોઈએ ગળું દબાવી દીધું હોય એવો સન્નાટો છવાઈ ગયો. ઊંધી પડેલી ટ્રકનાં એન્જિનમાંથી રેલાયેલાં પેટ્રોલથી ધડાકાભેર આગ લાગી. સડક પર કોઈ હતું નહીં જે આ બલૂચ સિપાહીઓની મદદ કરે. દૂર પાકિસ્તાનનો ઝંડો એવી જ રીતે લહેરાતો હતો અને ડરીને  ઝાડ પર ચઢી ગયેલી બિલાડી આશ્ચર્યથી આંખો ફાડીને સળગતી ટ્રકને જોઈને રહી હતી.

    થોડે દૂર ધર્મ, સચ અને ન્યાયના પ્રતીક સમા ચાંદ-તારાવાળો પાકિસ્તાની ઝંડો લહેરાઈ રહ્યો હતો.


    કરતારસિંહ દુગ્ગલ લિખિત इन्सानियत પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૪૯. ફૈયાઝ હાશમી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    થોડાક હપ્તા પહેલા આપણે મધુકર રાજસ્થાનીની ગઝલો જોઈ. વર્ષો લગી એમના માત્ર ગૈર –  ફિલ્મી ગીત અને ભજનો સાંભળ્યા બાદ કલ્પના કરવી મુશ્કેલ હતી કે એમણે ફિલ્મી ગીતો અને ગઝલો પણ લખી હશે.

    બિલકુલ આ જ કિસ્સો ફૈયાઝ હાશમીનો છે. ઉત્તમોતમ ગૈર – ફિલ્મી ગીતકાર એવા આ સર્જકના સદાબહાર બિન – ફિલ્મી ગીતો ઉપર નજર નાખીએ તો ખ્યાલ આવે કે આપણે કઈ હસ્તીના લેખનની વાત કરીએ છીએ :

    આજ જાને કી ઝિદ ના કરો –  ફરીદા ખાનમ ( અને અન્ય ગાયકો પણ )

    તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી – તલત મહેમુદ

    યે રાતેં યે મોસમ યે હંસના હંસાના – પંકજ મલિક

    દિલ કો હૈ તુમસે પ્યાર ક્યું યે ન બતા સકુંગા મૈં – જગમોહન

    ભલા થા કિતના અપના બચપન – હેમંતકુમાર

    જી હા, આ બધા અનમોલ રત્નોના રચયિતા ફૈયાઝ હાશમી જ છે !

    વિભાજન પછી એ પાકિસ્તાન જતા રહેલા અને ત્યાં પણ ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યા. કહેવાય છે કે બંને દેશોમાં ફિલ્મી અને ગૈર ફિલ્મી મળીને એમણે 2000 જેટલી રચનાઓ લખેલી !

    એક રસપ્રદ આડ વાત. પાકિસ્તાનમાં એક ફિલ્મ બનેલી. બેદારી (૧૯૫૬ ). એ ફિલ્મ અહીં ભારતમાં બનેલી સત્યેન બોઝની ‘ જાગૃતિ ‘ ( ૧૯૫૪ ) ની બેઠી ઉઠાંતરી હતી એટલું જ નહીં, એના ગીતો પણ અસલ ‘ જાગૃતિ ‘  ના ગીતો ‘ દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ ‘ , ‘ હમ લાયે હે તુફાન સે કશ્તી નિકાલ કે ‘, ‘ આઓ બચ્ચોં તુમ્હેં દિખાએ ઝાંકી હિન્દુસ્તાન કી ‘  અને ‘ ચલો ચલે માં ‘ મા એકાદ-બે શબ્દોનો ફેરફાર કરી બેઠી નકલ કરવામાં આવી હતી અને આ ગીતોના લેખક તરીકે પણ નામ હતું ફૈયાઝ હાશમી સાહેબનું !

    આંગળીના વેઢે ગણાય એટલી ભારતીય ફિલ્મોમાં પણ તેમણે ગીતો લખ્યા. એમની બે ગઝલો :

    નીગાહોં સે શર્તે – વફા લીજીયેગા
    ઈશારોં સે દિલ મેં બુલા લીજિયેગા

    મુહબ્બત કો ઉલ્ફત બના લિજિયેગા
    મેરી ચાહતોં કો છુપા લીજીયેગા

    યે મેહફીલ હૈ રંગીં -મિજાઝોં કી બસ્તી
    યહાં દામને દિલ બચા લિજીયેગા

    શરાબે મુહબ્બત મેં ભર ભર કે સાગર
    લગી આગ દિલ કી બુઝા લિજીયેગા

    જવાની કી મસ્તી ભરી શોખીયોં  મેં
    મેરી હસરતેં ભી છુપા લિજીયેગા

    મેરી જાન હૈ ઔર મુહબ્બત કી દુનિયા
    બતા દીજીએ આપ ક્યા લિજીયેગા..

    – ફિલ્મ : સુબહ શામ – ૧૯૪૪

    – અનીમા દાસગુપ્તા

    – સુબલ દાસગુપ્તા

    ન દિલ હમારા ન તુ હમારા, ન યું નિભેગી ન યું નિભેગી
    કહીં નદી હૈ કહીં કિનારા, ન યું નિભેગી ન યું નિભેગી

    કભી હંસા કર રુલાયા હમકો, કભી રૂલા કર હંસાયા હમકો
    કભી ડુબાયા કભી ઉભારા, ન યું નિભેગી ન યું નિભેગી

    ગલે મેં હિચકી જિગર મે છાલે પલક પે આંસુ ઝુબાં પે તાલે
    કહાં પે જાયે નસીબ મારા, ન યું નિભેગી ન યું નિભેગી

    હૈ નીંદ મેરી તો ખ્વાબ તેરે, સવાલ મેરે જવાબ તેરે
    ન હમ મે હિંમત ન તો સહારા, ન યું નિભેગી ન યું નિભેગી..

    – ફિલ્મ : ગિરિ બાલા – ૧૯૪૭

    – કલ્યાણી દાસ

    – શંકર દાસગુપ્તા


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મહેન્દ્ર શાહનાં એપ્રિલ ૨૦૨૪નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah – Creations for April 2024

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • નવું નવું શીખતી રહેતી સંસ્થાના ઘડતર કરવા માટે અગ્રણીએ ધ્યાનમાં રાખવા જેવા ૧૦ પદાર્થપાઠ

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    જેક વેલ્સનું કહેવું રહ્યું છે કે ,

    “સંસ્થાની શીખતાં રહેતાં અને જે શીખ્યું તેને ઝડપથી અમલમાં મુકી શકવાની, ક્ષમતા એ સૌથી મોટો સ્પર્ધાત્મક ફાયદો નીવડી શકે છે.”

    ધાર્યાં વ્યાવસાયિક પરિણામો લઈ આવવા માટે સતત શીખવું અને તેનું યથોચિત અમલીકરણ એ સફળ સંસ્થાઓના મૂળમાં છે.

    પીટર સેન્ગેએ શીખતી રહેતી સંસ્થાની વ્યાખ્યા  કરતાં કહ્યું છે કે  “જ્યાં લોકો તેમની ખરેખર ઈચ્છા હોય તેવા પરિણામો લઈ આવતાં રહેવાની તેમની ક્ષમતાનો સતત વિસ્તાર કરે છે, જ્યાં વિચારની નવી અને વિસ્તૃત પરિભાષાને પોષવામાં આવે છે, જ્યાં સામૂહિક મહત્વાકાંક્ષા મુક્તપણે ફૂલેફાલે છે, અને જ્યાં લોકો સમગ્ર ચિત્રને નજરમાં રાખવાનું સતત શીખતા હોય છે.”

    વ્યક્તિઓ, ટીમો અને તેથી સંસ્થા માટે સતત શીખતાં રહેવાની સંસ્કૃતિનું વાતાવરણ બની રહે એ માટે સંસ્થાના અગ્રણીએ આ  ૧૦ ટોચના પદાર્થપાઠો ધ્યાનમાં રાખતાં રહેવું જોઈએ:

    • લોકોને જાતે કામ કરવાનું શીખવાની દોરવણી આપો. લોકો સૌથી વધુ ત્યારે શીખે છે જ્યારે તેઓ અર્થપૂર્ણ પરિણામો લાવવા માટે તેમના જ્ઞાનનો જાતે અમલ કરે છે.
    • યાદ રહે કે તાલીમ માત્ર જ્ઞાન આપવાનું એક સાધન છે. પોતે શીખેલા પાઠ અંદર અંદર વહેંચવા, વાર્તાઓ રૂપે અનુભવો કહેવા, કાર્ય કરવાનું, ભૂલો કરવી અને સતત સુધારા કરતા રહેવું એ બધું સતત શીખતાં રહેવાની ચાવીઓ છે.
    • નવું શીખતાં રહેવાનું વાતાવરણ બનાવવા માટે મધ્ય કક્ષાના મેનેજરોને સામેલ કરો, કારણ કે તેઓ જ શીખવાનું ખરૂં ચાલક બળ છે, માવ સંસાધન ટીમ તો માત્ર ઉદ્દીપક બની શકે.
    • તમારી પ્રક્રિયાઓમાં શીખતાં રહેવાને વિશેષ કરીને સામેલ કરો. શું સારું થયું / શું સારું થઈ શક્યું કે થઈ શકે તેના પર નજર રાખવા માટે સમયે સમયે સમીક્ષા બેઠકો અને પશ્ચાતદર્શી વિચાર કાર્યશાળાઓ વગેરેને નિયમિતપણે અનુસરવાની પ્રથા પાડો.
    • તમારી ટીમોને વિવિધ જ્ઞાન મેળવવાના સંસાધનો જેવા કે પુસ્તકો, સોશિયલ મીડિયા, ઓનલાઈન વિડિયો, મિશ્ર પશ્ચાદભૂ, અનુભવો, કાર્યક્ષેત્રો, પ્રદેશોમાંથી આવતાં કર્મ્ચારીઓની ટીમો જેવાં વૈવિધ્યપૂર્ણ વાતાવરણમાં કામ કરવા માટેની તક આપતાં રહો.
    • નવું શીખવાની પ્રક્રિયાને વેગ આપવા અને જ્ઞાનની સુલભતા સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરો. મહત્ત્વની બાબત એ છે કે બ્લોગ્સ, વિકિ અને ફોરમ જેવા ઘણાં ઉપયોગી સાધનો હવે સહેલાઈથી ઉપલબ્ધ બન્યાં છે.
    • મહત્વપૂર્ણ પરિવર્તનોને લગતી પહેલમાં લાગતાં વળગતાં લોકોને સામેલ કરો જેથી તેઓ નવું શીખવાના મહત્વના પાઠ એવાં પરિવર્તન સંચાલન વિશે શીખે અને વિવિધ પ્રકારના લોકો સાથે કામ કરે.
    • વૈકલ્પિક વિચારો પેદા કરવાની અને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવા માટેની લોકોની ક્ષમતાઓને પ્રોત્સાહન આપો.
    • નવું નવું શીખવું એ ટુંકા ગાળાનાં લક્ષ્યોનાં કોષ્ટકોમાં બંધ બેસાડવાનો વિષય નથી. બહુ સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે નવું નવું શીખવું એ લાંબા ગાળાની વસ્તુ છે, એટલે તેની પ્રગતિને માપવા માટેનાં માપ તેમ જ સીમાચિહ્નો માટે ચીલાચાલુ ધોરણો અપર્યાપ્ત નીવડે છે. જે સંખ્યાઓમાં માપી શકાતી નથી. નવું શીખવાનાં પરિણામો માટે ટીમોનાં વિચાર અને વર્તનમાં જોવા મળતા ફેરફારોને પારખવાની ક્ષમતા વિકસાવવી આવશ્યક બની રહે છે,
    • લોકોને ભૂલો કરવા બાબતે ટોકો નહી, બલ્કે પોતાની ભુલો સ્વીકારવા, સમજવા અને તેમાંથી નવું શીખવાને પ્રોત્સાહન આપતાં રહો. પયોગશીલ થવા પર પાબંદીનો જેવી કિંમત નવી વસ્તુઓ અજમાવવા માટે ચૂકવવી પડે તો લોકો ક્યારેય પ્રયોગ કરશે નહીં.

    મહત્ત્વનો પ્રશ્ન: તમારી ટીમ/સંસ્થા સતત શીખે છે તેની ખાતરી કરવા માટે અત્યારે કઈ પદ્ધતિઓ અપનાવી રહ્યાં છો? સંસ્થા/ગ્રાહકો/ કર્મચારીઓ પર હકારાત્મક અસર માટે તે નવું શીખવા બાબતે લાગુ પડે છે?


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ૪૦ : ૭૦નો નિયમ

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • પલભર કે લિયે કોઈ હમેં ‘પ્યાર’ કર લે! જૂઠા હી સહી

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

     

    “ઉડ્ડયનનાં સો વર્ષ અમારા માટે એક મોટી જવાબદારી સમાં બની રહ્યાં છે. કેમ કે, તમે ઈચ્છો છો કે આપણાં સંતાનો પણ આ સુંદર વિશ્વને નિહાળે, ખરું ને? આથી અમે આગામી સો વર્ષ લગી ઉડ્ડયનની સુધારણા માટે દિવસરાત મથી રહ્યા છીએ. આપણે સાથે મળીને જ એને સંભવ બનાવી શકીએ. આથી અમે તમને કંઈક પૂછવા માગીએ છીએ. વધુ જવાબદારીભર્યા ઉડ્ડયન માટે, શું તમારે રૂબરૂ મળવું જરૂરી છે? વિમાનને બદલે તમે ટ્રેનમાં જઈ શકો? અંગારવાયુના ઉત્સર્જનને સરભર કરવામાં તમે કંઈક પ્રદાન આપી શકો? કે હળવા સામાન સાથે મુસાફરી કરી શકો? વર્તમાન વિશ્વમાં સૌ પ્રથમ વ્યાપારી એરલાઈન તરીકે હવાઈયાત્રાના આપ સૌ મુસાફરોને અમે સાગમટે પ્રયત્નો માટે, વિશ્વને જાગ્રત કરવાની આપણી સહિયારી જવાબદારીમાં અમારી સાથે જોડાવા માટે આમંત્રીએ છીએ. આપણે સૌએ અવારનવાર હવાઈ મુસાફરી કરવાની થાય છે. પણ હવે પછી જવાબદારીભર્યા ઉડ્ડયન બાબતે વિચારજો.”

    આવો શાણપણયુક્ત સંદેશ નેધરલેન્ડ્સની એરલાઈન ‘કે.એલ.એમ.’ દ્વારા, ૨૦૧૯માં તેના સો વર્ષ સંપન્ન કરવા નિમિત્તે બનાવાયેલી એક જાહેરાતમાં કહેવાયો હતો. આ જાહેરખબરમાં સ્વાભાવિકપણે જ ઊડતાં વિમાન બતાવાયાં છે, અને છેલ્લે એવું દર્શાવાયું છે કે આ જાહેરાત સાચાં વિમાનો બતાવીને નહીં, પણ કમ્પ્યુટરના પડદે આભાસી દૃશ્યો સર્જીને દેખાડાયાં છે. જાહેરખબરના અંતે એ મતલબનું લખાણ મૂકાયું છે કે આ ફિલ્મમાં વાસ્તવિક વિમાનોનો ઉપયોગ કરાયો નથી.

    આ જાહેરખબરીય ઝુંબેશનું શિર્ષક હતું ‘ફ્લાય રિસ્પોન્‍સીબલી.’ (જવાબદારી સમજીને ઊડ્ડયન કરો) તેને અનુરૂપ વહેતો મૂકાયેલો સંદેશો જાણીને આનંદ થાય એવું છે. જાહેરખબરમાં જણાવાયેલી બાબતોને યથાતથ સાચી માની લેવાનું ભોળપણ કરનારાનું પ્રમાણ જૂજ હોય છે, છતાં એ હકીકત છે કે જાહેરખબર પ્રભાવ અવશ્ય છોડે છે. નેધરલેન્‍ડ્સની આ કંપનીને એ જ દેશની અદાલતે તેની આ જાહેરખબર ગેરમાર્ગે દોરતી હોવાનો માર્ચ, ૨૦૨૪માં ચૂકાદો આપવો પડ્યો છે. તેને લઈને આ કંપની સમાચારમાં ચમકી છે.

    આખો ઘટનાક્રમ જાણવા જેવો છે. ૧૯૧૯માં આરંભાયેલી આ એરલાઈને ૨૦૧૯માં સો વર્ષ સંપન્ન કર્યાં. એ નિમિત્તે તેના દ્વારા તૈયાર કરાયેલી જાહેરખબરમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા સહુ કોઈ એટલે કે એરલાઈન હિસ્સેદારો, ગ્રાહકો તેમજ કર્મચારીઓને આ ઉદ્યોગના ‘સસ્ટેનેબલ’ ઊકેલ વિકસાવવા માટે સંયુક્ત પ્રયત્નો કરવાનું આહ્વાન કર્યું. ‘સસ્ટેનેબલ ડેવેલપમેન્‍ટ’નો અર્થ આમ તો સાતત્યપૂર્ણ વિકાસ થાય, પણ પર્યાવરણ સંદર્ભે તેનો અર્થ થાય છે ભાવિ પેઢીની જરૂરિયાત જોખમાય નહીં એ રીતે વર્તમાનની જરૂરિયાત પૂરી કરવી. આ શબ્દપ્રયોગ પર્યાવરણ ક્ષેત્રે ખૂબ ચલણી છે. વૈશ્વિક સ્તરે થતા અંગારવાયુના ઉત્સર્જનનો ૨ ટકા હિસ્સો ઉડ્ડયનક્ષેત્રનો છે.

    સામાન્ય રીતે વિવિધ સુવિધાઓ અને આકર્ષક ભાડાં દ્વારા ગ્રાહકોને આકર્ષતી એરલાઈનની જાહેરખબરની સામે કોઈ એરલાઈન પોતાના ગ્રાહકને જરૂર હોય તો જ વિમાની સેવાનો ઉપયોગ કરવાનું જણાવે ત્યારે સૌ પહેલાં તો તેનો જાહેરખબરનો અંદાજ અન્યોથી અલગ પડે છે, જે જાહેરખબરના ક્ષેત્રની મૂળભૂત જરૂરિયાત છે.

    સાંદર્ભિક તસવીર: “The Greenwashing Hydra

    આમ તો, સાવ ‘નવિન’ દૃષ્ટિકોણથી પોતાની વાત મૂકવા બદલ જાહેરખબરની પ્રશંસા થાય, અને એ લોકોનું ધ્યાન આકર્ષે એટલે વાત પૂરી થઈ ગઈ ગણાય. પણ ૨૦૨૨માં આ જ દેશના ‘ફોસિલ ફ્રી’ નામના પર્યાવરણ જાગૃતિ માટે કામ કરતા એક સંગઠને કે.એલ.એમ. સામે દાવો માંડ્યો અને જણાવ્યું કે આ જાહેરાત ગેરમાર્ગે દોરનારી છે. કોઈ કંપનીની જાહેરખબરમાં કહેણી અને વાસ્તવિક કરણી અલગ હોય એના માટે અંગ્રેજીમાં ‘ગ્રીનવૉશિંગ’ શબ્દ છે. પર્યાવરણની સુરક્ષા અને જાળવણી બાબતે મોટેમોટા દાવા કરાતા હોય, પણ વાસ્તવમાં કામ સાવ નહીંવત્‍ થઈ રહ્યું હોય એના માટે આ શબ્દપ્રયોગ ઉપયુક્ત છે. ‘ફોસિલ ફ્રી’ સંગઠને કે.એલ.એમ. આવું ‘ગ્રીનવૉશિંગ’કરી રહી હોવાનું દાવામાં જણાવ્યું હતું. બે વર્ષની અદાલતી કાર્યવાહી પછી આખરે અદાલતે કંપનીના દાવાને ‘ગેરમાર્ગે દોરનારો અને તેથી ગેરકાયદે’ હોવાનો ચૂકાદો આપ્યો. અદાલતે જણાવ્યું કે કંપનીએ આ દાવા દ્વારા વધુ પડતું ગુલાબી ચિત્ર ઉપસાવ્યું હતું.વાસ્તવમાં આવાં પગલાંથી પર્યાવરણ પર થતી વિપરીત અસરમાં મામૂલી ઘટાડો થાય છે, અને લોકોમાં એવી છાપ ઉપસે છે કે આ કંપનીના વિમાનમાં ઉડ્ડયન કરવું એટલે ‘સસ્ટેનેબલ ડેવેલપમેન્‍ટ’ની દિશામાં પગલું ભરવું.

    સાદી ભાષામાં કહીએ તો આખરે તો આ ગ્રાહકોને આકર્ષવાના ગતકડાથી વિશેષ કંઈ નથી. સ્વાભાવિકપણે જ ‘ફોસિલ ફ્રી’ સંગઠનને આ ચુકાદાથી આનંદ થયો હોય અને તે એને મોટા પ્રદૂષક દ્વારા કરાતા ‘ગ્રીનવૉશિંગ’ પરનો વિજય ગણાવે. પણ ચુકાદાની સાથે સંકળાયેલી મહત્ત્વની બાબત એ છે કે અદાલતે આ સંગઠનને થયેલો તમામ ખર્ચ ભરપાઈ કરવાની સૂચના કંપનીને આપી હોવા છતાં કંપનીને બીજી કશી શિક્ષા કરી નથી.

    કે.એલ.એમ.ને તો શૂળીનો ઘા સોયથી સર્યા જેવી સ્થિતિ છે. ચુકાદા પછીના નિવેદનમાં તેણે એવી જ શાણી વાતો કરી છે, જેવી અગાઉની જાહેરખબરમાં કરી હતી.

    ઘરઆંગણે આપણા દેશમાં આવું જ કંઈક બન્યું છે, જેમાં કંપની અલગ છે, પણ અદાલતી કાર્યવાહી સમાન. બાબા રામદેવની કંપની ‘પતંજલિ’ દ્વારા કરાયેલો વિવિધ રોગ મટાડવાનો દાવો ‘જૂઠો અને ભ્રામક’ હોવાનું જણાવીને આપણી સર્વોચ્ચ અદાલતે કંપનીની ઝાટકણી કાઢી, પણ તેને કશી સજા ન કરી.

    બેય કિસ્સે સરવાળે છેતરાવાનું ગ્રાહકોના ભાગે આવ્યું, જેમણે જે તે કંપનીના દાવામાં ભરોસો રાખીને તેની પાછળ નાણાં ખર્ચ્યા. આની સામે દલીલ એવી થઈ શકે કે ગ્રાહક પોતાનાં નાણાં આ નહીં તો બીજી કોઈ કંપની પાછળ ખર્ચત.

    બેય મામલે આશ્વાસન એટલું કે અદાલતે આ કંપનીઓનો કાન આમળ્યો અને તેમના દાવાઓ જૂઠા હોવાનું ઉઘાડેછોગ જણાવ્યું. કોર્પોરેટ દૈત્યનો કોઈ કાન આમળી શકે છે એટલું આશ્વાસન ઓછું છે?  ભલે ને તેનાથી કશો ફરક ન પડે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫– ૦૪ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • આત્મમંથન

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    ભૂતપૂર્વ બરાક ઓબામાની કારકિર્દી હજુ ન ભૂલાયેલો ભૂતકાળ છે. બરાક ઓબામાએ અમેરિકન પ્રેસિડન્ટ તરીકે આઠ વર્ષ સેવા આપી. એવા બીજાય પ્રેસિડન્ટ હશે જેઓ સામાન્ય ચાર વર્ષનો શિરસ્તો ચાતરીને ફરી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હશે. એવા જ એક ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ફ્રેંકલિન રૂઝવેલ્ટ, જેઓ લગાતાર ચાર વાર અમેરિકન પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા અને બાર વર્ષ સુધી સેવા આપી એટલું જ નહીં પણ બીજા વિશ્વયુધ્ધ વખતે પણ યુનાટેડ સ્ટેટ્સને લીડરશિપ અપાવી.

    આજે એમની સફળ કારકિર્દી કરતાં ય એમના વ્યક્તિત્વ વિશે વાત કરવી છે. ફ્રેંકલિન રૂઝવેલ્ટને એક ટેવ હતી. દિવસ આખો પસાર થયા પછી રાત્રે તેઓ તેમના દિવસભરના કામો વિશે મંથન કરતા. આખા દિવસ દરમ્યાન તેમણે કરેલા કામો, મંત્રણાઓ કે મહત્વની પ્રવૃત્તિથી માંડીને અલગ અલગ અનુભવનું સરવૈયું ચકાસતા જેથી કરીને પોતાનાથી થયેલી ભૂલને સુધારવાનો અવકાશ મળે.

    કેવી સરસ વાત!

    આપ આરોપી અને આપ જ જજ. પણ આ જજ સાચુકલા હતા. એમણે કરેલા આત્મમંથનમાંથી પોતાની જાત માટે કેટલીક તારવણી કરી અને જોયું કે એમનામાં મુખ્ય ત્રણ દોષ હતા.

    -સમય વેડફવો, બીન જરૂરી બાબતોમાં ચંચૂપાત કરવો અને લોકો સાથે નિરર્થક ચર્ચાઓ કરીને એમની વાતોનું ખંડન કરવું અથવા વિરોધ કરવો.

    હવે? ફ્રેંકલિન રૂઝવેલ્ટ તો સફળ નેતા હતા એ તો સૌએ સ્વીકારી લીધેલું સત્ય હતું. એમને વળી ક્યાં પોતાના ગુણ-દોષને ત્રાજવે તોળવાની જરૂર હતી? બીજું કોઇ હોય તો આપવડાઈ અને મોટાઈમાં રાચતું થઈ જાય પરંતુ તથસ્થ એવા ફ્રેંકલિન રૂઝવેલ્ટે વિચાર્યું કે જ્યાં સુધી આ દુર્ગુણો દૂર નહીં થાય ત્યાં સુધી બધું જ વ્યર્થ છે. એકવાર નિર્ણય કર્યો પછી એમણે શરૂ કર્યું એક પછી એક દોષ વિશે સતર્ક રહીને એને નિર્મૂળ કરવાનું. સાથે સાથે એમાં પોતે કેટલી પ્રગતિ કરી શક્યા એ પણ ચકાસતા રહેતા. આમ ઘણા સંઘર્ષ પછી એમણે પોતે શોધી કાઢેલા દોષ પર એ કાબૂ મેળવી શક્યા. શક્ય છે એના લીધે અમેરિકાને આટલા પ્રભાવશાળી- શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતા પ્રેસિડન્ટ મળ્યા.

    આ આખી વાત પરથી એક વાત તો ફલિત થાય છે કે જ્યારે જે કોઇ સંજોગો હોય એમાં અન્ય કરતાં પોતાની જ જવાબદારી વધુ હોય છે. માણસનો સૌથી મોટો દુશ્મન એ ખુદ હોય છે. સાથે એક વાત પણ નિશ્ચિત છે કે માત્ર પોતાના ગુણ-દોષ પારખીને કે આત્મમંથન કરીને પોતાની જાતને ઉતરતી માની લેવાની ય જરૂર નથી.

    સીધી વાત-જરૂર છે આત્મમંથનની અને એમાંથી માખણ તારવવાની. વ્યક્તિ જ પોતે તટસ્થ રીતે પોતાના ગુણ- દોષ પારખીને જો એમાંથી શું સારું કે શું સાચું એ નક્કી કરી લે તો ઘણી બધી સમસ્યાનો આપમેળે ઉકેલ આવી જાય.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સફાઈને ઊંડાણથી સમજીએ

    નલિની નાવરેકર

    ‘સ્વચ્છતા’ને સહુ જાણે છે. સહુ તેને વિશે માહિતગાર છે અને બધા જ તે કરે પણ છે. પરંતુ તે રોજ-બ-રોજનો એક સાદો વિષય માત્ર નથી, આ એક વ્યાપક અને ઊંડો વિષય છે. જીવનનાં અનેક મુખ્ય અંગોને સ્પર્શનારો વિષય છે સફાઈ. અધ્યાત્મ અને વિજ્ઞાન બંને દૃષ્ટિથી મહત્ત્વનો વિષય છે સફાઈ.

    આપણા દેશના ઘણા મહાનુભાવોએ સફાઈના મહિમાની વાત કરી છે. તેને અગ્રીમ સ્થાન આપ્યું છે. આ સફાઈ માત્ર આંતરિક સફાઈ અથવા ચિત્તની શુદ્ધિ નથી. ગાંધીજી તો કહેતા કે ‘જે અંદરથી સ્વચ્છ છે તે બહારની ગંદકી સહન જ નહીં કરી શકે.’ સફાઈ ગાંધીજીનો પ્રિય વિષય હતો, સફાઈને ગાંધીજી વૈજ્ઞાનિક દૃષ્ટિથી જોતા હતા. અને તેમનાં બધાં કામો તથા વિચારોના પાયામાં અધ્યાત્મ તો રહેલું જ હતું. ગાંધીજીની પ્રેરણાથી ઘણા લોકોએ પોતાનું આખું જીવન સફાઈના કામમાં લગાવી દીધું. બહુ મોટું તેમજ મૌલિક કામ આ લોકોએ કર્યું.

    વિનોબાજીએ સામાજિક ઉત્થાન માટે સફાઈનાં મૂળભૂત કામો કર્યાં. તેની પાછળ ક્રાંતિનો વિચાર હતો. તેઓ સફાઈને આધ્યાત્મિક દૃષ્ટિથી જોતા હતા. દેશના અન્ય અનેક મહાન લોકોએ પણ વિચારપૂર્વક તેમજ સાતત્યથી સ્વચ્છતા અંગે કામો કર્યાં. સફાઈના ક્ષેત્રમાં વ્રતપૂર્વક તપશ્ર્ચર્યા કરી. લોકોને શીખવવાનું કામ કર્યું.

    ‘શુચિતા’ એ આપણે ત્યાંનો જૂનો શબ્દ છે. તેમાં અંદર (આંતરિક સ્વચ્છતા) અને બહાર (વ્યવહાર અને પરિસર)ની સ્વચ્છતા આવરી લેવાય છે. આજે અમાપપણે વધતાં જતાં શહેરો તેમજ બદલાતી જીવનશૈલીને કારણે કચરો તેમજ ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારોએ પણ પોતાની રીતે આ બાબતે નાની-મોટી યોજનાઓ, કાર્યક્રમો કર્યા છે. જેમ કે કેન્દ્રીય ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ, સંપૂર્ણ સ્વચ્છતા અભિમાન, નિર્મલ ગ્રામ યોજના, નિર્મલ ભારત અભિયાન, સ્વચ્છ ભારત મિશન !

    સફાઈની વ્યાપકતા તેમજ ઊંડાણ સમજવાનો આ પ્રયાસ છે. સાચી સ્વચ્છતા આપણા સૌના જીવનમાં આવે, વ્યવહારમાં આવે એવી આશા રાખીને આ લેખમાળા શરૂ કરવાનું વિચાર્યું છે. સ્વચ્છતાના અનેક ઘટક છે. વ્યક્તિગત સ્વચ્છતાથી માંડીને વિશ્ર્વવ્યાપી સ્વચ્છતા સુધી. દરેકની વૈજ્ઞાનિક જાણકારી, કેટલીક ટેકનોલોજી, આજ સુધી થયેલ કામ, જુદા-જુદા અનુભવ – જેવા મુદ્દાઓ પર આ લેખમાળામાં લખીશું. શરૂઆત પોતાથી એટલે કે વ્યક્તિગત સ્વચ્છતાથી કરીશું.

    સામાન્ય રીતે વ્યક્તિગત સ્વચ્છતા અંગે તો આપણે જાણીએ જ છીએ પરંતુ કેટલીક વાતો યાદ કરાવવા માટે અને કેટલીક નવી જાણકારી અહીં આપી છે.

    આંખ ગંદી હોય, નાક વહેતું હોય, વાળ ગંદા અને અસ્તવ્યસ્ત હોય એવા બાળકને જોઈને આપણે થોડા દૂર થઈ જઈએ છીએ. રસ્તામાં કોઈ મેલો માણસ આપણને મળે તો તેને જોઈને આપણે ખૂબ ઘૃણા કરીએ છીએ. સડેલા પેશાબની દુર્ગંધ આપણે સહન નથી કરી શકતા. પરંતુ આ બધું જ આપણા શરીરમાંથી પણ નીકળે છે ને ? તો આપણને પોતાના શરીરની ઘૃણા આવવી જોઈએ. મુનિ પાતંજલીના યોગસૂત્રમાં શુચિતા અંગે એક શ્ર્લોકમાં સુંદર વ્યાખ્યાન છે. તેનો પહેલો શબ્દ છે, ‘શ્ર્નમર્ળૈઉં ઘૂઉૂંન્નલળ’ એટલે કે પોતાના શરીરની અરુચિ. શુચિતા પ્રત્યે આપણે જેટલા જાગૃત થઈશું, તેટલી જ શરીર પ્રત્યે આપણને ઘૃણા થશે.

    આપણે શરીર નહીં આત્મા છીએ, એ ભાન ‘શ્ર્નમર્ળૈઉં ઘૂઉૂંન્નલળ’થી આવે છે. પરંતુ શરીર તો સાધન છે. માત્ર ઘૃણા કરીશું તો સેવા કેવી રીતે કરી શકીશું ? આપણું આ સાધન આપણને મળેલી અમૂલ્ય દેણ છે. તેને દરરોજ સાફ-સુથરું રાખવું જોઈએ. મંદિર જેવું. તો મંદિરને સાફ કરીશું.

    દાંત :

    મુંબઈમાં અમારા સગામાં એક બહેન રહેતાં હતાં. તેમની ઉંમર ૮૦ વર્ષથી ઉપરની હતી. છેવટ સુધી તેમના દાંત સારા રહ્યા હતા. એનો અર્થ એ કે મનુષ્યના દાંત જો સચવાય તો લાંબા સમય સુધી ટકી શકે છે. કેટલાક નિયમો ધ્યાનમાં રાખીશું :

    રાત્રે સૂતા પહેલાં દાંત સાફ કરવા વધુ ઇચ્છનીય છે. શાસ્ત્ર પ્રમાણે દાંત માટે થોડા તીખા, તૂરા કે કડવા સ્વાદનું મંજન, પેસ્ટ કે દાતણ યોગ્ય કહેવાય. વધુ જોર કરીને દાંત ઘસવાથી દાંતનું ઈનેમલ પણ ઘસાઈ જાય છે. દિવસે જ્યારે પણ કંઈ ખાઈએ તેના પછી કોગળો કરવો જરૂરી છે. ગળ્યું ખાધા પછી પાંચ મિનિટમાં કોગળો કરવો જોઈએ.

    લાંબા સમય સુધી દાંત ટકાવી રાખવા માટે માત્ર દાંતની સ્વચ્છતા પૂરતી નથી. વધુ પડતું ગરમ અથવા ઠંડું ખાવા-પીવાથી, ચોકલેટ, પાન-તમાકુના સેવનથી દાંત ખરાબ થાય છે. કેલ્શિયમની કમી પણ એક કારણ છે. દાંત ઉપર ચઢેલ પ્લાક (પીળો થર) તથા મોઢામાંથી દુર્ગંધ આવતી હો તો તે પેટ સાફ ન હોવાનું પરિણામ છે.

    આંખ :

    ‘અસ્વચ્છ આંખથી તારીકાઓનું દર્શન નહીં કરવું જોઈએ’ – કેવો હૃદયંગમ વિચાર છે ! કોઈપણ વસ્તુને ગંદી આંખોથી કેમ જોવી ?

    આપણી આંખ (ભજ્ઞક્ષિયફ- શુકલ મંડળ) જિંદગીભર ટકી શકે છે. મૃત્યુ પછી પણ. તેથી જ તો આપણે નેત્રદાન કરી શકીએ છીએ. પરંતુ આંખની સંભાળ સારી રીતે લીધી હોય તો જ આ શક્ય છે. દિવસમાં ઓછામાં ઓછી બે વાર આંખો ધોવી જરૂરી છે. સવારે દાતણ કરતી વખતે અને સ્નાન કરતી વખતે. આંખો પર ધીરેથી ઠંડું પાણી છાંટવું અને પછી હલકા હાથે આંખો લૂછી લેવી.

    આંખમાં કચરો કે ધૂળ જવાથી તથા જોરમાં હવા જવાથી પણ આંખને નુકસાન થઈ શકે છે. આવે વખતે એક વાર આંખો ધોઈ લેવી જોઈએ. ખાસ કરીને જ્યારે આપણે સ્કૂટર કે મોટરસાઈકલ પર જઈએ છીએ ત્યારે આંખ ઉપર ચશ્માં લગાડવાનું ભૂલવું ન જોઈએ. આંખના રક્ષણ માટે સાદો ચશ્મો પણ લગાડી લેવો જોઈએ. જો કદાચ આંખમાં કચરો જાય તો ચોળશો નહીં. તેનાથી આંખોને નુકસાન થાય છે. આંખ ઉપર વારંવાર હાથ લગાડવાની આદત ખૂબ નુકસાનકારક છે. તેનાથી ચેપ લાગવાની શક્યતા રહે છે.

    હાથની સફાઈ :

    હાથ ધોવાનું મહત્ત્વ આપણે સૌ જાણીએ તો છીએ, હાથ ધોઈએ પણ છીએ. તોય કોરોનાએ હાથ ધોવાની સાચી રીત શીખવી. ‘હેંડ વોશિંગ ડે’ ઊજવવો પડે છે, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ. જમતા પહેલાં, પીરસતા પહેલાં અને રસોઈ બનાવતા પહેલાં હાથ ઘસીને ધોવા જરૂરી છે. પાયખાને ગયા પછી તો સાબુથી હાથ ધોવા જ જોઈએ. સાબુનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાનકારક છે. દર વખતે સાબુ વાપરવાની જરૂર નથી હોતી. સાબુને કારણે હાથની ચામડીને નુકસાન થઈ શકે છે.

    પગની સ્વચ્છતા :

    જમીન પર ઉઘાડા પગે ચાલવું એ એક સુખદ અનુભવ છે. તળિયાનો સીધો સંબંધ મગજ સાથે હોય છે. એવું કહેવાય છે કે એનાથી એક પ્રકારની શક્તિ, સંજીવની મગજ સુધી પહોંચે છે.

    ૦          પગની સ્વચ્છતા રાખવી જરૂરી છે.

    ૦          બહારથી ઘરમાં આવતા પગ ધોઈએ.

    ૦          પાયખાને જઈ આવ્યા પછી પગ ધોઈએ.

    ૦          પગ ધોઈને ભોજન માટે બેસીએ.

    ૦          સૂતા પહેલાં પગનાં તળિયાં ધોઈને લૂછી લેવાં જોઈએ. શાંતિનો અનુભવ થશે અને ઊંઘ પણ સારી આવશે.

    ચામડી, વાળ તેમજ કપડાં :

    વાળની સ્વચ્છતા માટે પહેલાં અરીઠા, શીકાકાઈ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. નાહવા માટે ચણાનો લોટ (બેસન) જેવી કેટલીક વસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વસ્તુઓથી સ્વચ્છતાની સાથે સાથે તેના કુદરતી ગુણોનો લાભ પણ અનાયાસે મળતો હતો.

    આજે તેમની જગ્યા બજારની વસ્તુઓએ લઈ લીધી છે. વાળ ધોવા માટે શેમ્પુ અને નાહવા માટે રંગબેરંગી સુગંધિત સાબુનો ઉપયોગ વધતો જાય છે. તેનાથી તાત્કાલિક લાભ દેખાતો હોય તો પણ લાંબા ગાળાનું નુકસાન જ થાય છે. કારણ કે બજારના ૯૦% શેમ્પુ, સાબુમાં નુકસાનકારક રસાયણો જ વપરાય છે.

    કપડાંની શુભ્રતા અલગ વસ્તુ છે અને સ્વચ્છતા બીજી બાબત છે. આજકાલ વધારે તો ડીટર્જન્ટનો ઉપયોગ થાય છે. તેમાં ઢગલાબંધ રસાયણો હોય છે. વધારે પડતાં શુભ્ર કપડાં માટે વિનોબાજી હિંસક સફેદી શબ્દ વાપરતા. જે કપડાં સાફ છે પણ પૂર્ણપણે શુભ્ર નથી તેને અહિંસક કહેતા. તેઓ કહેતા, ‘ખેતીમાં કામ કરનારાનાં કપડાં ધોયા પછી પણ શુભ્ર-સાફ નથી દેખાતાં. પરંતુ તે ગંદાં નથી હોતાં, તેના પર માટીનો રંગ ચઢેલો હોય છે.

    કપડાં સારી રીતે ચોખ્ખાં થવાની બાબત કપડાં ધોવાની પદ્ધતિ પર આધારિત છે. સુતરાઉ કપડું સ્વચ્છતા, આરોગ્ય તથા પર્યાવરણની દૃષ્ટિથી વધુ સારું મનાય છે.

    વ્યક્તિગત સ્વચ્છતાનાં અનેક સાધન આજે બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ તેની આપણા આરોગ્ય તેમજ કુદરતી સંસાધનો પર માઠી અસર થાય છે. શેંપુ, સાબુ, ટૂથપેસ્ટ વગેરેમાં વપરાતાં રસાયણો આપણાં જમીન, જળસ્રોત, વનસ્પતિને પણ પ્રદૂષિત કરી મૂકે છે. કૃત્રિમ રેષાઓમાંથી બનતાં કપડાં ધોતી વખતે નીકળતા સૂક્ષ્મકણો, કાન સાફ કરવા વપરાતા ઈયરબડસ્ વગેરે સમુદ્રમાં પણ પહોંચી જાય છે અને પ્રદૂષણમાં વધારો કરે છે.

    કેટલીક ચીજ વસ્તુઓનો ઉપયોગ સ્વચ્છતા કરતાં પણ સૌંદર્ય માટે વધુ થાય છે. પરંતુ, સાચું સૌંદર્ય તો આરોગ્ય અને પ્રસન્નતા, એ બેના મિલનથી પ્રગટ થાય છે અને આ બંનેના મૂળમાં છે સાચી સફાઈ.


    નલિની નાવરેકર| મો.: ૭૫૮૮૩૧૬૧૩૭ | (નાસિક)


    સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪

  • જીત્યું હમેશાં ગુજરાત

    હારી આ સરહદ ને હાર્યા સીમાડા

    પણ હાર્યું ના કોઈ’દી ગુજરાત
    હે જીત્યું, જીત્યું હમેશાં ગુજરાત
    હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત
     

    ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
    પણ ઝૂક્યું ના કોઈ’દી ગુજરાત
    હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત

    તૂટી ધજાઓ ને તૂટ્યા મિનારા
    પણ તૂટ્યું ના કોઈ’દી ગુજરાત

    હો રાજ મારું, જીત્યું હમેશાં ગુજરાત

    હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
    પણ ઊભું અડીખમ ગુજરાત
    હો રાજ મારું, જીત્યું હમેશાં ગુજરાત

    ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
    કે આભલા ઝળૂંબે પણ
    ડગે ના કોઈ’દી ગુજરાત
    હો રાજ મારું, જીત્યું હમેશાં ગુજરાત

    હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
    એમ હાર્યું ન કોઈ’દી ગુજરાત
    હો રાજ મારું,જીત્યું હમેશા ગુજરાત
    હો રાજ મારું,જીત્યું હમેશાં ગુજરાત

    દુનિયાના નિતનવા નારાની સામે
    ના હારે આ દિલનો અવાજ
    એવો સુણીને દલડાનો સાદ
    હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત

    હાં હાં રે મારું જય જય, જય ગરવી ગુજરાત
    હાં હાં રે મારું જય જય, જય ગરવી ગુજરાત
    હાં હાં રે મારું જય જય, જય ગરવી ગુજરાત..
    મારું ગુજરાત..!

    ————-મનિષ ભટ્ટ…

    ટહુકો.કોમ.ના આભાર સાથે..