વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • દરજીડાનો માળો એટલે ઝૂલતું પારણું

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

             બોલો, પ્રજનનની ઋતુમાં નર દરજીડાને બે વધારાના પીંછા પૂંછડી વચ્ચેથી બહાર નીકળે. આમ તો નર અને માદા એમ બંને દરજીડા લગભગ સરખા દેખાય. જેણે પણ આ સૃષ્ટિ બનાવી છે તેણે હંમેશા દરેક જીવમાં કોઈ ને કોઈ ખૂબી મૂકતાં થાક્યા નથી. કેટલી બધી વિવિધતા આ પક્ષી જગતમાં જોવા મળે છે! ખરેખર કુદરત ખુબ અજાયબીઓથી ભરેલું છે.

    દરજીડાનો માળો ખુબ ચોકસાઈ અને ચતુરાઈથી બનાવેલો હોય છે, તેવી જગ્યાએ માળો બનાવે કે તમને દેખાય પણ નહિ.  રૂ,પીંછા,વાળ વગેરે વાપરી પોચી ગાદીની આજુબાજુ પાંદડાથી સિલાઈ કરી દે અને એવી જગ્યાએ થેલી જેવો માળો બનાવે કે છોડના પાંદડામાં ભળી જાય (camouflage). ક્યારેક એક મોટા પાનમાંથી કપ બનાવી પાંદડાની ધારના રેસા, કરોળિયાના જાળાના તાંતણા કે માનવના દોરા વગેરે લઇ રીવેટ મારે તેમ ચાંચનો સોયની જેમ ઉપયોગ કરી ટાંકા લઈલે (અદભુત વિડિઓ, બીજાનો Youtube ઉપરથી આભાર સાથે યોગ્ય સમજ આપવા માટે લીધેલો છે[1]) તમે આશ્રર્ય પામોકે લાંબી ઘાટીલી ચાંચ વડે કેવી રીતે પાનમાં કાણું પાડે અને પાછું ટાંકો લઇ સિલાઈ પણ કરીદે. આ તેની લાંબી ચાંચના ઘાટને લીધે શક્ય છે.  સાથે બીજો વિડિઓ છે તે લેખકના ઘરે જાતે ઉતારેલો વિડિઓ છે જેમાં હજુ બહારથી પડ વાળીને પાન વીંટાળવાના અને સિલાઈ કરવાની બાકી છે. ડમરાંનાં છોડમાં લગભગ ૩ ફૂટની ઊંચાઈ ઉપર તે માળો બનાવેલો છે. તેમાં તે બાજુના લીલા અકલિફાના છોડમાંથી પાન લઇ ચીવટ અને પ્રેમથી સિલાઈ કામ કરશે. સિલાઈ કામ સાથે દોરો છૂટી ન જાય માટે દોરાને  ચાંચથી પહેલી ગાંઠ પણ મારે. માળામાં  ચાર જેટલા ઈંડા મૂકે અને લગભગ એક મહિનાના સમયમાં તે બચ્ચા બહાર આવી જાય. ફેબ્રુઆરી માસથી જૂન મહિનામાં તેમની પ્રજનન ઋતુ હોય. માદા દરજીડો માળો ગૂંથે અને નર દરજીડો તેમના વિસ્તારની બીજા દરજીડાઓથી રખેવાળી કરે.

    પ્રેમ અપાર
        ફરફર ફરકે
            ઝૂલે ઝુલાવે

                              હાઈકુ: જગત.કીનખાબવાલા     

    માળો ઝૂલાની જેમ લટકતો હોય અને બચ્ચા જન્મની સાથેજ હિંચકો મેળવે. માળો અને ઝૂલો બંને એક સાથે. માળાની રચના કેવી અજાયબ  છે, કેટલી અદભુત આવડતથી માળો બનાવે છે! કલ્પના કરોકે શું દરજીડાનો માળો જોઈને માણસને ઝૂલો * બનાવવાની કલ્પના થઇ હશે! તેમની નવી પેઢીને પણ આવી રીતે માળો બનાવતા કેવી રીતે આવડી જતું હશે!* માળો સીવવાની આવડતને કારણે લોકોમાં વધારે જાણીતું છે.

    આ નીલ ગગનના પક્ષીઓ જેનાથી આખું પક્ષી જગત બન્યું છે તે એક પ્રકૃતિની અદભુત દેન છે. કેટલા બધા વિવિધ જાતના પક્ષીઓ છે! દુનિયામાં આશરે ૯૦૦૦ જેટલા વિવિધ જાતના પક્ષીઓ છે જેમાંથી ભારતવર્ષમાં આશરે ૩૬૦ જાતના પક્ષી જોવા મળે છે. ભારત વર્ષ અને દક્ષિણ એશિયામાં દરજીડો જોવા મળે છે.

    આપણા જીવનભરનાં સાથી છે આ બધા આપણી આસપાસનાં પંખી. ભારત વર્ષના ૧૭ કોમન પક્ષીઓમાંનું આ એક પક્ષી છે. લગભગ ૫ ઇંચ, એટલે કે ૧૩ સેન્ટીમીટરનું આ પક્ષી ખુબ નાનું હોય છે પણ તેની પૂંછડી લાંબી હોય છે. ઊડતી વખતે પૂંછડી સાચવવી ભારે પડતી હોય તેવું ઉડાનમાં દેખાય. પૂંછડીની જેમ ચાંચ પણ લાંબી હોય, પણ હા ભલે દરજીડો નાનો હોય પણ અવાજ ઘણો મોટો કાઢે અને સાંભળનાર મૂંઝવણમાં પડે કે કોઈક મોટું પક્ષી હશે. ખુબજ સ્ફુર્તીલું આ પક્ષી ખુબ આનંદી હોય છે. ચીવ ચીવ , ચી …વીક, ચી…વીક મોટો અવાજ કાઢે.

    ખોરાકમાં બગીચાનાં ઝીણાં ઝીણાં ઈંડા અને ઈયળો તેમજ જીવડાં ખાઈ લે અને તે માટે જમીનથી ખુબજ નજીકની ઊંચાઈ ઉપર એક ડાળીથી બીજી ડાળી ઉપર આ મોજીલાં પક્ષી ઉડતા હોય અને ઠેકડા મારતા હોય જે જોવાનો ખુબ આનંદ આવે. જો એક બાજુ બેસીને તેને ખલેલ પાડ્યા વગર બેસીને જુવો તો ખુબ નયનરમ્ય લાગે. તેના ખોરાકના લીધે તે માનવને ઉપયોગી થાય છે અને તેના કારણે ખેતર અને બગીચામાં દવાઓ ઓછી વાપરવી પડે.

    રંગ મિજાજ                 
      મોજીલો દરજીડો
           નયન રમ્ય

               હાઈકુ: જગત.કીનખાબવાલા

    તે રંગે રૂપે ઘણો રૂપાળો દેખાય. ઉપરના ભાગે પિસ્તાઈ લીલાશ પડતો પીળો, કપાળ અને તાલકું રતુમ્બડા અને બાકીનું માથું અને બાજુઓ આછા રાખોડી રંગના હોય. તેને ગાળાની બંને બાજુ નાનો ઘેરો ડાઘ હોય જે તે ગાળું ફુલાવી બોલે ત્યારે દેખાય. તેના પેટનો ભાગ ધૂંધળો સફેદ હોય તેમજ સાથળ અને પાંખો સુંદર બદામી લીલાશ રંગ ઉપર જાય. નાનું, પણ ધ્યાન આકર્ષક દેખાવડું પક્ષી છે. સુંદર કાળી ગોળ કિકી હોય છે જેની બહારની બાજુ ઘેરાં કથ્થઈ રંગની રિંગ હોય. તેના પગ ઘણાં મજબૂત હોય છે.

    [1]


    સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

    Love – Learn  – Conserve


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : રૂખડો

    ગિજુભાઈ બધેકા

    વાર્તામાં રૂખડા ઝાડનું નામ સાંભળેલું. સોનબાઈની વાર્તામાં આવે છે કે–

    “વધ વધ રૂખડા વધી જજે.”

    મને તો થતું કે રૂખડો આકાશ જેટલો ઊંચો હશે.

    વીશ વર્ષનો થયો ત્યાં સુધી મેં રૂખડો ભાળેલો નહિ; પણ એક વાર ઘોઘા ગયો અને રૂખડો દીઠો. હું તો નવાઈ જ પામી ગયો. રૂખડો ઊંચો નહિ પણ સારી પેઠે નીચો; ઠીંગણો. પણ એટલો બધો જાડો કે બસ ! માત્ર જાડો, પણ ઊંચો નહિ; માત્ર થડ પરંતુ ડાળોવાળો ને પાંદડાંવાળો નહિ. એટલે રૂપાળો લાગે નહિ. અને જાડો તે કેટલો બધો ? બારતેર જણા હાથના આંકડા ભીડી ભીડીને ઝાડ ફરતા ઊભા રહ્યા ત્યારે માંડ થડ બાથમાં આવ્યું.

    જાડા, ઠીંગણા, કદ્રૂપા સીદી જેવો રૂખડો કોઈ કહે તો ના ન કહેવાય. રૂખડો મૂળે ય આવેલો છે આફ્રિકાથી. જૂના વખતના આફ્રિકાના મુસાફરોએ અહીં આણ્યો હશે. દરિયાકિનારો તેને બહુ ભાવે છે.

    મેં એને કરૂપ રૂખડો કહ્યો, પણ ચિત્રકારને મન તે નવીન અને સુંદર લાગે છે. થડ અને ડાળીઓ જરૂર ચિત્રકાર ચીતરી લે. ઝાડોમાં વિચિત્ર ઝાડ વિચિત્રતાને કારણે જ રૂપાળું લાગે.

    થડમાં ખાડા ખાડા પાડીને છોકરાઓ રૂખડા ઉપર ચડે છે. ચાર પાંચ જણા એક સાથે ચડતા હોય ત્યાં સુધી એકબીજાને ખબર ન પડે કે કોણ ચડે છે.

    કાઠિયાવાડના ચાંચ બેટમાં એક મોટો જબરો રૂખડો છે. તેના થડમાં એવી પોલ છે કે તેમાં એક ગાડું સમાઈ જઈ શકે !


    માહિતી સ્રોત : વિકિસ્રોત


    વધારે માહીતી માટે:

    રૂખડો (ગોરખ આમલી)  : ગુજરાતી વિશ્વકોશ

  • પહોંચવું હોય ત્યાં જ પહોંચવાની તૈયારી

    મંજૂષા

    વીનેશ અંતાણી

    પૂરમાં તણાતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકતો નથી, જ્યારે સામે પૂર તરવાની તૈયારી ધરાવતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે.

    ક્યારેક નાનકડી ઘટના જિંદગીને જુદી રીતે જોવાની તક આપે છે. કોઈક ફિલ્મ, કોઈક સ્મૃતિ, એકાદ પુસ્તક, કોઈક નાનકડું વાક્ય, પ્રવાસની કોઈ ક્ષણ. ક્યારેક અન્ય વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાથી પણ આપણામાં નવી દૃષ્ટિ કે સમજણ ફૂટી નીકળે છે. એ બધું સૂચવે છે કે જીવનમાં કશુંય ફાઇનલ હોતું નથી. આપણાં વિચાર, અભિગમ, માન્યતાઓ, જીવનદૃષ્ટિ સદા પરિવર્તનશીલ હોય છે. શરત એટલી જ હોય કે તે માટે આપણે આપણાં હૃદય, બુદ્ધિ, આંખ-કાનને ખુલ્લાં રાખ્યાં હોય, આપણે કોચલામાં પુરાઈ ગયા ન હોઈએ.

    માનવજીવનની ટ્રેજેડી મૃત્યુ નથી, આપણે આપણી ભીતરનું સત્ત્વ કેટલીય વાર મરવા દઈએ છીએ તે ભયાનક ટ્રેજેડી છે. માણસ એનામાં રહેલી ક્ષમતા અને એ જે બન્યો તે વચ્ચેના તફાવતનો હિસાબ લગાવે ત્યારે જ એણે પોતાની જિંદગીનું શું કરી નાખ્યું તેનો અંદાજ આવે છે. આવરદા પૂરી કરી નાખવી એક વાત છે અને ‘જીવવું’ બીજી વાત છે. આપણી આસપાસ કેટલાય લોકોને અફસોસ કરતા સાંભળીએ છીએ કે તેઓ જીવનમાં કરવા માગતા હતા તે  કરી શક્યા નહીં. સંજોગો જુદી વસ્તુ છે અને ક્ષમતાનો અપૂરતો ઉપયોગ બીજી બાબત છે. એવા લોકોએ એમની ભીતર રહેલા ખજાનાને ખોઈ નાખ્યો હોય છે. સમય જતાં તે ખજાનાને કાટ લાગી જાય છે અને તેને ખોલવાની ચાવી ખોાવાઈ ગઈ હોય છે.

    લોકો તેઓ શું કરવા માગતા હતા અને શું કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે, તે વિશે સભાન થાય ત્યારે એમનામાં પોતે ક્યાંક ઘસડાઈ ગયા છે, પહોંચવું હતું ત્યાં પહોંચી શકાયું નથી, જીવન ધ્યેયહીન થઈ ગયું છે એવી લાગણી જન્મે છે. એમણે સામે પૂર તરવાને બદલે એમાં તણાઈ જવાનું પસંદ કર્યું હોય છે. મોટે ભાગે એવી પસંદગી એમની પોતાની જ હોય છે. પૂરમાં તણાતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકતો નથી, જ્યારે સામે પૂર તરવાની તૈયારી ધરાવતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકાવાની ક્ષમતા ધરાવે છે. ઘણી વાર ખોટી જગ્યાએ પહોંચ્યા પછી પાછા વળવાની શક્યતા ભૂંસાઈ ગઈ હોય તેવું પણ બને. નવેસરથી શરૂઆત કરવાની તક રહી ન હોય. એમણે બહુ પહેલાં એમના જીવનનો હેતુ ગુમાવી દીધો હોય છે. એમનામાં મોટિવેશન હોતું નથી. ‘હોવાપણા’નો અર્થ ગુમાવી દીધા પછી હતાશા અને પરાજયની કારમી લાગણી કોરી ખાય છે.

    ઘણા લોકો કોઈ પડકારભર્યું કામ શરૂ કરતાં પહેલાં એમાં આવનારી અડચણો વિશે વિચાર કરે છે. તેઓ બચાવ કરવા માટે પોતે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં વાસ્તવિકતાનો વિચાર કરે છે તેવું આકર્ષક બહાનું આગળ ધરે છે. પાછળથી પાછા વળું પડે તે કરતાં આગળ જવું જ નહીં એ અભિગમ વ્યવહારિક વલણ લાગે, પરંતુ તે પલાયન પણ હોય છે. તે નકારાત્મક અભિગમ છે. સકારાત્મક વલણ ધરાવતા લોકો કહેશે કે જીવનમાં આપણે ધારેલી દિશામાં આગળ વધવા માટે સંભવિત અવરોધોની આગોતરી કલ્પના કરવાને બદલે કામ શરૂ કર્યા પછી જે અવરોધ ઊભો થાય તેમાંથી રસ્તા કાઢવાના ઉપાય વિચારવા જોઈએ.

    ઘણા પલાયનવાદી લોકો એમનામાં રહેલી ક્ષમતાનો ક્યાસ કાઢવાને બદલે પોતાના સંજોગોને આગળ ધરશે, માથું ધુણાવતા બોલશે: ના, અત્યારે મારા સંજોગ નથી. જો તે વાત માત્ર બહાનાબાજી જ હોય તો તેઓ આખી જિંદગી સંજોગોના ઢગલા નીચે જ દબાઈ રહેવાના છે, કારણ કે સંજોગ જાતે ખસતા નથી, તેને ધક્કા મારીને દૂર કરવા પડે છે. માણસ પોતે જ મલબો બની જાય તે પહેલાં એણે માર્ગમાં આવતા મલબાને ખસેડવો પડે. એક હિંમતવાન વ્યક્તિએ કહ્યું હતું: ‘પહેલાં તો હું મને ઘેરી વળેલી મુશ્કેલીને ચારે બાજુથી તપાસું છું. એની ઉપરથી કે નીચેથી કે બાજુમાંથી બહાર નીકળવવાનો રસ્તો મળે નહીં તો હું સામી છાતીએ મુશ્કેલ પરિસ્થિતિ પર પ્રહાર કરું છે. વધારેમાં વધારે શું થશે? હું તૂટી જઈશ અથવા મુશ્કેલી ભાંગીને ભૂકો થઈ જશે. પરંતુ મારો અનુભવ છે કે હું તૂટ્યો નથી, દરવખતે મુશ્કેલીનો જ ભૂકો થયો છે.’

    કેટલાક લોકો એમની ઘરેડમાંથી બહાર નીકળી પરિવર્તન માટે તૈયાર હોતા નથી. એમને બંધાયેલી ઘરેડની સુરક્ષિત દીવાલ વચ્ચે બંધિયાર થઈને રહેવું ગમે છે. મોટાં મોટાં પરિવર્તન આપણે નાનાં નાનાં પરિવર્તનો માટે કેળવેલી આદતમાંથી શક્ય બને છે. ઘણા લોકો ઘરેડ બદલવાનો વિચાર કરે છે, પોતે જ્યાં હોય તેનાથી કશુંક જુદું કરવા માગતા હોય છે, પરંતુ તે ‘જુદું’ એટલે શું તેની એમને ખબર હોતી નથી. કઈ જગ્યાએ જવા માગીએ છીએ તે નક્કી કર્યા વિના પ્લેટફોર્મ પર ઊભેલી કોઈ પણ ટ્રેનમાં બેસી જવાનો અર્થ નથી. જ્યારે આપણે કોઈ સફળ વ્યક્તિને પૂછીએ કે એ એમની જગ્યાએ કેવી રીતે પહોંચી શક્યા ત્યારે સંભવત: એમનો પહેલો જવાબ હશે – કારણ કે મેં મારી જગ્યા સુધી પહોંચવાનો નિર્ણય કર્યો હતો. વાત યોગ્ય ટ્રેનની ટિકિટ બુક કરાવવાની  છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • પરંપરાને હળવેકથી પડકારતાં લોકોનું ધ્યાન દોરાય, બસ! બીજું કશું નહીં

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    માનવજીવનમાં કળાનું સ્થાન સંસ્કૃતિ વિકસી એ પહેલાંનું છે, જેની સાહેદી ગુફાચિત્રો પૂરે છે. કળાનું શાસ્ત્ર વિકસતું ચાલ્યું, તેનું બજાર ઊભું થયું એટલે એક યા બીજા કારણોસર તે ચર્ચામાં રહેવા લાગી. વચ્ચે એક આખા અરસા દરમિયાન ‘કળા ખાતર કળા’ અને ‘જીવન ખાતર કળા’ના મુદ્દે અનેક વિવાદ થતા રહ્યા. હજી એક મોટો વર્ગ માને છે કે કળા એ ‘ભર્યા પેટના ચાળા’ છે, અને જીવનમાં કળાનું સ્થાન હોવું વૈભવ સમાન છે, જે મોટા ભાગના લોકોને પોષાતો નથી. ઊંચા દામે વેચાતી કળાકૃતિઓ અહોભાવ કરતાંય વધુ કુતૂહલનો વિષય મનાય છે. આમ હોવા માટે કળાકૃતિની વિશેષતા નહીં, તેની બોલાયેલી ઊંચી કિંમત કારણભૂત હોય છે.

    થોડા સમય અગાઉ આ કટારમાં ફ્રાન્‍સના ખ્યાતનામ લુવ્ર મ્યુઝિઅમમાં રખાયેલી જગવિખ્યાત કૃતિ ‘મોનાલીસા’ પર બે મહિલાઓએ સૂપ ફેંકીને વિરોધ પ્રદર્શિત કર્યો હોવાની વાત આલેખાઈ હતી. હવે જર્મનીના મ્યુનિકમાં આવેલા ‘પીનાકોથેક ડેર મોડર્ને’ મ્યુઝિઅમમાં જરા જુદા પ્રકારની ઘટના બની છે, જેણે વિવિધ પ્રત્યાઘાત જન્માવ્યા છે. આ મ્યુઝિઅમના ‘મોડર્ન એન્ડ કન્‍ટેમ્પરરી’ વિભાગમાં એન્‍ડી વોરહોલ, પૉલ ક્લે સહિત અનેક મહાન કલાકારોનાં ચિત્રો પ્રદર્શિત કરવામાં આવેલાં છે. આ વિભાગના પ્રવેશ પાસે એક દિવસ સાવ નવું જ ચિત્ર મૂકાયેલું જણાયું. મુલાકાતીઓ એ ચિત્ર જોઈને નવાઈ પામતા, અને એ ચિત્રનું શિર્ષક કે તેના કલાકારનું નામ સૂચવતી નિશાની ન મૂકાયેલી હોઈને મૂંઝવણ અનુભવતા. આખરે મ્યુઝિઅમના સત્તાવાળાઓના ધ્યાને આ ચિત્ર આવ્યું. તપાસ ચાલી અને એમાં બહાર આવ્યું કે આ ચિત્ર કોઈ મહાન કલાકારની કૃતિ નથી, બલ્કે મ્યુઝિઅમના એક ટેક્નિશિયન કર્મચારીએ જ જાતે ચીતરીને એ ગોઠવી દીધું હતું. પોતાનામાં રહેલી કળાને પ્રદર્શિત કરવાનું આનાથી ઉત્તમ માધ્યમ બીજું કયું હોઈ શકે એમ વિચારીને તેણે આ પગલું ભર્યું હતું. આ હકીકતની જાણ થતાં એ કૃતિને ઊતારી લેવામાં આવી અને કર્મચારીને પાણીચું પકડાવીને મ્યુઝિઅમની સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ અદાલતી દાવો માંડવામાં આવ્યો. મ્યુઝિઅમમાં તેના માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી.

    સામાન્ય ગણાતી આ ઘટનાએ વિશ્વભરનાં કલાવર્તુળોમાં ચર્ચા જગાવી છે. સાથોસાથ કેટલીક વધુ વિગતો પણ પ્રકાશમાં આવી રહી છે. આ ઘટનાની જાણ થઈ એ સાથે મ્યુઝિઅમના સત્તાવાળાઓએ તેને ‘નાનકડી છેતરપિંડી, મામૂલી બાબત’ ગણાવી. એ પછી બહાર આવ્યું કે હકીકતમાં આ મ્યુઝિઅમમાં ‘ગ્લીચ:ધ આર્ટ ઑફ ઈન્‍ટરફીઅરન્‍સ’[1] નામે એક પ્રદર્શન ચાલી રહ્યું છે, જે તેના નામ મુજબ, કળામાં થતી ભૂલો અને રહી ગયેલા દોષને કેન્‍દ્રમાં રાખીને યોજાયું છે. તેના કેટલોગમાં જણાવ્યા અનુસાર પ્રદર્શનનો હેતુ ‘માપદંડના આદર્શો અને સામાજિક-રાજકીય અસમાનતાને ઉજાગર કરવાનો’ તેમજ ‘જે અદૃશ્ય છે તેને દૃશ્ય કરવાનો’ છે. આ આખા ઘટનાક્રમને અનુસરનાર એક વ્યક્તિએ જણાવ્યું: ‘પ્રદર્શનમાં ચિત્રને ઘૂસાડવાનો હેતુ એ જોવાનો હતો કે મ્યુઝિઅમના સત્તાવાળા પોતે જે કહે છે એના અમલ માટે સજ્જ છે કે કેમ. એ એક પ્રકારનો કળાકીય પડકાર હતો. ચિત્રને ટીંગાડનાર ટેક્નિશિયન કંઈ પ્રસિદ્ધિનો ભૂખ્યો નહોતો.’

    પ્રદર્શનનાં નિયોજકે કહ્યું કે આ પ્રદર્શનના નિયોજને પોતાને અપૂર્ણતા અને અકસ્માતને સ્વીકારતાં શીખવ્યું છે. પૂર્ણ શું એ નક્કી કરે કોણ? દુર્ઘટનાઓ સાથે કામ પાર પાડતાં અમુક અંશે શાંતિનો ભાવ કેળવાતો જાય એ શક્ય છે. જો કે, મ્યુઝિઅમના સત્તાવાળાઓ માટે ‘શાંતિનો ભાવ’ કેળવવો મુશ્કેલ બની રહ્યો છે. તેમણે બવેરિયન રાજ્યની તમામ ચિત્ર ગેલરીઓના સંગ્રહમાં આ કર્મચારીના કોઈ પણ ચિત્રને ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. ‘નકલખોરીના ગતકડાને પ્રોત્સાહન ન આપવાના’ ભાગરૂપે સત્તાવાળાઓએ એ કર્મચારીનું નામ સુદ્ધાં જાહેર કર્યું નથી. તેમણે આ ચેષ્ટાને ‘કળાકીય હસ્તક્ષેપ’ નહીં, પણ ‘વિશ્વાસનો ભંગ’ ગણાવ્યો.

    જર્મનીના બોન શહેરમાં ગયે વર્ષે યોજાયેલા એક ચિત્રપ્રદર્શનમાં પણ કંઈક આવી જ ઘટના બનેલી. ‘હુ વી આર- રિફ્લેક્ટિંગ અ કન્‍ટ્રી ઑફ ઈમિગ્રેશન’ નામના પ્રદર્શનના અંતે સત્તાવાળાઓના ધ્યાને એક વધારાનું ચિત્ર આવ્યું. તેમણે આ આખી ઘટનાને હળવાશથી લીધી અને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર સંદેશો વહેતો મૂક્યો: ‘અમને આ રમૂજી લાગે છે અને આના કલાકારનું નામ જાણવું અમને ગમશે. એને કશી તકલીફ નહીં પડે, બલ્કે શાબ્દિક સન્માન પ્રાપ્ત થશે. આથી અમારો સંપર્ક કરો.’ આ જાહેરાતને પગલે ડેનાઈ એમાન્યુઆલીસ નામની કલાકાર આગળ આવી. તેણે જોયું કે પોતાનું ચિત્ર કોલોનમાં યોજાયેલી એક હરાજીમાં ૩,૬૯૬યુરોની બોલીમાં વેચાયું.

    અગાઉ બેન્‍ક્સી નામના કલાકારે પણ પોતાના એક ચિત્રને હરાજીમાં મૂકીને, તે ઊંચી બોલીમાં વેચાયા પછી એ ચિત્રની અંદર મૂકેલા શ્રેડરની રચનાથી તેને નષ્ટ કરી દીધું હતું. એ રીતે તેમણે કળાજગતમાં વ્યાપેલા આર્થિક મૂલ્યાંકનના અપ્રમાણસર દૂષણ સમક્ષ લોકોનું ધ્યાન દોર્યું હતું.

    આ તમામ ઘટનાઓના મૂળમાં કળાના ક્ષેત્રે પ્રવેશી ગયેલા, જામીને જડ થઈ ગયેલા નાણાંના દૂષણનો મુદ્દો સામાન્ય છે. આની સામે એક હકીકત એ પણ છે કે હરાજીમાં ગમે એવી ઊંચી બોલીએ વેચાયેલા ચિત્રની આવકમાંથી તેના કલાકારને ભાગે કશું આવતું નથી, કેમ કે, એ ચિત્ર તેના સંગ્રાહકની માલિકીનું હોય છે. સમગ્રપણે જોઈએ તો કળા હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર, બધે જ નાણાંની, જામી ગયેલી પરંપરાની સમસ્યા વ્યાપ્ત છે. તેના વિરોધ માટે આવો એકલદોકલ સૂર ક્યારેક ઉઠે છે ખરો, પણ પથ્થર મારવાથી તળાવના પાણીમાં થતાં વલયથી વધુ તેની અસર રહેતી નથી. એ પણ આપણા સમાજનું જ પ્રતિબિંબ કહી શકાય.


    [1] સાંદર્ભિક વિડીયો ક્લિપ નેટ પરથી | સ્રોત: Chipmunk walkthrough of Glitch: The Art of Interference at the Pinakotheka der Moderne, Munchen, De

     


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૨– ૦૫ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પ્રતિભાના સ્થૈર્યની કથા : ‘અંગદનો પગ’

    દર્શના ધોળકિયા

    ગુજરાતી સાહિત્યમાં કેટલીક નવલકથાઓ વિશિષ્ટ સ્થાન પામી છે. તાજેતરમાં હરેશ ધોળકિયાની નવલકથા,  ‘અંગદનો પગ’,  ની ૨૦ મી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે.એ સંદર્ભમાં આજે વાત માંડવી છે ‘અંગદના પગ’ની.

    આ કૃતિ શૈક્ષણિક નવલકથા તરીકે ખૂબ આવકાર પામી છે. લેખક નોંધે છે તેમ, આ રચનાના મૂળમાં લેખિકા આયન રેન્ડની ‘ફાઉન્ટનહેડ’ કૃતિનો મહદ્દઅંશે પ્રભાવ રહ્યો છે. અહીં લેખકે મૌલિક રીતે આયન રેન્ડના વિચારોનું અર્થઘટન કરીને શૈક્ષણિક જગતના સંદર્ભમાં એ વિચારોને પ્રગટ કર્યા છે. લેખક પોતે નોંધે છે તેમ, વિશ્વમાં બે પ્રકારના લોકો છે :  પ્રતિભાશાળી અને સામાન્ય.  પ્રતિભાશાળી લોકો વિશ્વને પ્રગતિશીલ કરવામાં મદદ કરે છે પણ વિશ્વનો કબજો હંમેશા સામાન્ય લોકો પાસે રહ્યો છે. સામાન્યનું કામ હંમેશા પ્રતિભાશાળીને હેરાન કરવા, હટાવવા, પછાડવાનો પ્રયાસ કરવાનું રહ્યું છે. સામાન્ય લોકો પ્રતિભાશાળી લોકોને બાહ્ય રીતે પરેશાન કરી શકે છે પણ આંતરિક રીતે ક્યારેય પણ ખલેલ પહોંચાડી શકતા નથી. લેખકને મતે પ્રતિભાશાળીઓ રામાયણના મહાન પાત્ર ‘અંગદના પગ’ જેવા હોય છે -અચળ અને સ્થિર,  જેને સામાન્ય લોકો કદી ખેસવી શકતા નથી. ‘અંગદનો પગ’ આવી પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કથા છે. એટલે જ એમાં એક સાથે સર્હ્દય એક બાજુથી કૃતિમાં રસતરબોળ બને છે તો બીજી બાજુ વેદનાની એક સૂક્ષ્મ કસક તેના ચિત્તતંત્રને હલબલાવી મૂકે છે.

    આ કૃતિની નિરૂપણરીતિ વિશિષ્ટ છે. બે શિક્ષકોની આ કથા છે –  શ્રી જ્યોતીન્દ્ર શાહ અને શ્રી કિરણ દવે.  શાહ આમ તો શિક્ષક છે પણ એમનું ગજુ પ્રોફેસરનું છે. શહેરની ઉત્તમ શાળામાં એ વર્ષોથી કામ કરે છે. તેમને કારણે શાળા જીવંત, ધબકતી, કહો કે લગભગ મંદિરની કક્ષાએ પહોંચી છે. છતાં જોવાની વાત એ છે કે ચીનના મહાન સંત લાઓત્સેની પરિભાષામાં શાહ સાહેબ તદ્દન ખૂણામાં રહેવાનું પસંદ કરે છે. જેમ જેમ શાહ સાહેબ ખૂણામાં રહેવાનું પસંદ કરે છે તેમ તેમ તેમ તેમની પ્રતિભા, તેમનો પ્રભાવ શાળા પર, આચાર્ય પર અને સમાજ પર અને સૌથી વધારે તો વિદ્યાર્થીઓ પર સૂર્યના પ્રકાશની જેમ પથરાઈ જાય છે. આ શાળામાં પછીથી શિક્ષક તરીકે કિરણ દવે નામની વ્યક્તિ પ્રવેશ કરે છે.આ કિરણ દવેની કથા કિરણ પોતે જ કહે છે. જોવા જાવ તો આખીય કૃતિ એક કબૂલાતનામાની કથા બને છે.

    કથાનો પ્રારંભે રીતે શાહ સાહેબ અને દવે સાહેબનો એક સમાન લાડકો એવો વિદ્યાર્થી કિશોર પ્રવેશ કરે છે. કિશોર ડોક્ટર બની ગયો છે અને એ દવેના પ્રભાવમાં રંગાયેલો છે. અલબત્ત, શાહને પણ એ ખૂબ ચાહે છે. એક રાત્રે કિશોરને દવેનો ફોન આવે છે અને એને એ તાત્કાલિક મળી જવા જણાવે છે. કિશોરને ખબર છે કે તેના પ્રિય દવે સાહેબ અત્યારે ટી.બી.ના રોગમાં સપડાયેલા છે. એને એમ લાગે છે કે આને લગતું કાંઈ કામ હશે એટલે તરત જ એ નીકળી પડે છે, દવે સાહેબને ઘરે પહોંચે છે. પોતાના પુત્રને અને ઘરનાં બધાંને દૂર કરીને દવે એકલા કિશોરને પોતાની પાસે બેસાડે છે અને એના સાથે વાત આરંભતાં કહે છે કે, ‘તું મને વર્ષોથી ઓળખે છે આપણે એકબીજાના સતત સંપર્કમાં રહ્યા છીઅ, તું એમ માને છે કે આજે તું જે છે એ મારે કારણે છે, તેં મને ખૂબ ચાહ્યો છે‌. સાથે સાથે શાહને પણ ખુબ ચાહ્યો છે. પણ આજે મારે તને કશું કહેવું અને જે કહેવું છે એ આ મારી ડાયરીમાં છે. હવે કદાચ મારી પાસે બહુ સમય નથી એટલે આ ડાયરી તું વાંચજે, એના વિશે વિચારજે. આનાથી સવિશેષ અત્યારે મને તારું કોઈ જ કામ નથી.’ કિશોર નવાઈ પામે છે કે દવે સાહેબ અને ડાયરી!  કારણ કે એમને તો ગણિત-વિજ્ઞાન સિવાય કોઇ વિષયમાં રસ નથી. તેમાં પણ લેખન – વાચનનું તો એ વિચારી પણ ન શકે અને આજે ડાયરી લખતા થઈ ગયા! એ અવાક બને છે, સાહેબની મનોદશાને એ જોઈ શકે છે. તેને લાગે છે કે અત્યારે એ થોડા મૂંઝવણમાં છે,  થોડા ડરી ગયેલા છે. કોઈ પ્રકારનો ભય તેમને સતાવી રહ્યો છે એટલે વધારે કશું ન કહેતાં એ ડાયરી લઈને પોતાના ઘેર પાછો આવે છે. આમ તો એને એમ છે કે આ ડાયરી હું નિરાંતે વાંચીશ પણ તેનું કુતૂહલ તેને જંપવા દેતું નથી. એ સુવા જતો હોય છે પણ ઊભો થઈને ટેબલ પાસે આવી ટેબલ લેમ્પ સળગાવીને મધરાતે ડાયરી વાંચવાનું શરૂ કરે છે અને કથા આરંભાય છે.

    આખી કથા દવેના મુખેથી અહીંયા ડાયરી લેખનમાં અભિવ્યક્ત થઇ છે. કિશોર એ વાંચતો જાય છે અને એના ભૂતકાળમાં તણાતો, ખોવાતો જાય છે. દવે ખરેખર આ ડાયરીમાં એક પ્રામાણિક વ્યક્તિ તરીકે પ્રગટ થયો છે શરૂઆત એ આમ કરે છે કે, પોતે નાનપણથી જ સાવ સામાન્ય હતો. એના પિતા મોટા વકીલ હતા. એને ખૂબ આગળ વધેલો જોવા માગતા હતા. એને આગળ વધારવાના ખૂબ પ્રયત્ન કરતા હતા તેમજ જરૂર લાગે ત્યાં પોતાની લાગવગ પણ વાપરતા હતા. પણ દવે પોતાના પિતાની ઈચ્છાને પૂરી ન જ કરી શક્યો. પિતા તેનાથી ખૂબ નારાજ રહેતા. દવે ઘણું મથ્યો છે છતાં એ અસામાન્ય થવા તરફ એક ડગલું પણ માંડી શક્યો નથી. દવે ખૂબ માર્મિક રીતે નોંધે છે કે તેની આ અસામાન્યતાને સૌપ્રથમ જો કોઈ સમજી શક્યું હોય, પરખી શક્યું હોય તો તેની મા. દેખાવડી એવી નહીં પણ છતાં કશું ગમી જાય એવી વેધક નજરવાળી, તીવ્ર આંખવાળી (અંદરની આંખોવાળી). ધીમેથી એને પિતાને અનેક વાર કહ્યું કે,’તમે કિરણને નહીં બદલી શકો.’ અને એકવાર જરા આક્રમક થઈને પણ કહ્યું કે, ‘ કિરણ તદ્દન સામાન્ય છોકરો છે, એ ક્યારેય પણ તમારી આકાંક્ષા, અપેક્ષાને નહીં સંતોષી શકે એને એની રીતે જીવવા દો.’ ત્યારે પોતે સ્તબ્ધ થઈ ગયેલો કે માએ આ પોતાને બરોબર પકડ્યો હતો ! તેમ છતાં પિતાએ ઘણો પ્રયત્ન કર્યો. ઘણી બધી રીતે દવેને આગળ વધારવા એણે જહેમત ઊઠાવી પણ પિતાની એક પણ બાબત ફાવી ન શકી અને માંડ માંડ દવેને શહેરની એક મહત્ત્વની શાળામાં ગણિત- વિજ્ઞાનના શિક્ષક તરીકેની નોકરી મળી જે તેને બિલકુલ પસંદ નહોતી. શિક્ષક તો એને ક્યારેય નહોતું થવું પણ એને થવું પડ્યું અને એ દાખલ થયો. વાર્તાનું આરંભ બિંદુ ધીમે ધીમે ભાવક ને મુખ્ય પ્રવાહ તરફ ખેંચતું રહે છે.

    વાર્તાનો બીજો ખંડ શરુ થાય છે અને દવેના જીવનમાં પ્રવેશ કરે છે શાહ સાહેબ. જ્યોતીન્દ્ર શાહ! એકદમ અનોખું વ્યક્તિત્વ છે તેનું.  આખી શાળા એમના પર ઓળઘોળ છે, પ્રિન્સિપાલ ઓઝા સુધ્ધાં. દવે આ બધું જોઈ રહે છે. જોવા જાવ તો શાહ સાહેબમાં કશું જ નથી –  સાદાં કપડાં, ગાંધીવાદી વિચારધારા, કશુંક ન સમજાય એવું એ કહ્યા કરે‌, દવે જેવા માણસને તો ખ્યાલ જ ન આવે કે શાહ કયા પ્રકારનો માણસ છે; અને છતાં આખી શાળા પર શાહ સાહેબનો જે પ્રભાવ હતો એ જોઈને દવે છક્ક થઈ જાય છે! એક બાજુ અતિ મહત્વાકાંક્ષી એવો દવે છે, અને બીજી તરફ મહત્વાકાંક્ષાની પેલે પાર રહેલી આંતરિક ચેતનામાં ડૂબેલા રહીને પ્રસન્નતામાં મહાલતા શાહ સાહેબ છે.

    અનાયાસે ધીમે ધીમે દવે જોઈ શક્યો છે કે પોતે ગમે એટલું કરશે તો પણ એ શાહની નજીક નહીં પહોંચી શકે એની એને ખાતરી થઈ જાય છે. એક બાજુ પ્રામાણિકપણે એ  સત્ય સમજી શક્યો છે પણ બીજી બાજુ એનામાં રહેલો ઈર્ષાનો ભાવ એને છંછેડે છે, ઝંઝેડે છે અને શાહને કેવી રીતે મહાત કરવો એના પ્રયોગો એ શરૂ કરી દે છે. એ શરૂઆત ધીરેથી પેસવાની કરે છે. પ્રિન્સિપાલ ઓઝાને પોતાના તરફ વાળવાનો એ પ્રયત્ન કરે છે.  સ્ટાફ મેમ્બરોને પણ પોતાની તરફ ખેંચવા મથે છે. વિદ્યાર્થીઓને સતત શીખવે છે કે ગણિત –  વિજ્ઞાન જ મહત્વનાં છે, વાચનનું કોઈ મહત્વ જ નથી. ગણિત-વિજ્ઞાન આવડશે તો જ તમે લોકો આગળ વધી શકશો. વિદ્યાર્થીઓ એના આવા કેટલાક પ્રયાસોથી આકર્ષાય જરૂર છે પણ દવે જોઈ શકે છે કે પ્રભાવ તો શાહનો જ છવાયેલો છે. એ દરમિયાન  કિશોર એના જીવનમાં પ્રવેશ કરે છે. કિશોર સ્વસ્થ છોકરો છે.  શાહનો ભક્ત છે પણ દવેની મહત્વાકાંક્ષાવાળી વાત એને સ્પર્શી જાય છે અને દવે ધીમે ધીમે તેનો ઉપયોગ કરવા લાગે છે… પોતાની ડાયરીમાં એ નોંધે છે કે મારે કોને આ માટે શિકાર બનાવવો એનો વિચાર કરતાં મને કિશોર યોગ્ય લાગ્યો અને કિશોરને મેં ઉપયોગમાં લેવા હાથમાં લીધો. વાંચતાં-વાંચતાં કિશોર આ ક્ષણે થંભી જાય છે અને અવાક બની જાય છે! આ શું થઈ ગયું? જે દવે સાહેબને એ અપાર ચાહતો હતો તેમાં આ ક્ષણે પ્રથમવાર ગાબડું પડે છે.

    વાત આગળ વધે છે, ધીમે-ધીમે દવે શાળામાં પગ ફેલાવતો જાય છે, પગ પેસારો કરતો જાય છે. આચાર્ય અને શાહના સાયુજ્યથી શાળા સુંદર રીતે ચાલતી હોય છે તેમાં આ દવે પોતાના વિચિત્ર વિચારો લઈ આવે છે. એનો પહેલો વિચાર છે  શાળામાં યુનિયન સ્થાપવાનો. અત્યાર સુધી આ વિચાર કોઈને નથી આવ્યો‌ કારણ કે કોઈને એવી જરૂર નથી પડી.  ટ્રસ્ટી મંડળ સમજુ છે, આચાર્ય સૌને પોતાના લાગ્યા છે, શાળાનું સમાજમાં સ્થાન છે, શિક્ષકો સંતોષથી જીવે છે. એમાં દવે આ વિચાર સાથે પ્રવેશે છે. આચાર્યને મનાવવામાં એને ખૂબ શ્રમ પડે છે કારણ કે આચાર્ય પ્રભાવશાળી અને સિદ્ધાંતવાદી વ્યક્તિત્વ ધરાવે છે. એ દવેને સમજાવે છે કે આપણને આ યુનિયનની કશી જરૂર નથી. પણ દવે તેની આવડતથી આચાર્યને સમજાવી શકે છે કે આપણે નહીં, પણ અન્ય કોઈ શાળાઓને નુકસાન પહોંચે, કાલે ઊઠીને આપણું ટ્રસ્ટી મંડળ બદલી જાય, સમય બદલે, વિદ્યાર્થીઓ બદલે, પગાર વધારાનો પ્રશ્ન કોઈને મૂંઝવે તો આપણા પાસે એક બળ હોવું જોઈએ.  દવેની વાત આચાર્યને વિચારવા જેવી લાગે છે. ટ્રસ્ટી મંડળની મીટીંગ થાય છે ટ્રસ્ટી મંડળને પણ આ વિચાર અવાક બનાવે છે પણ દવે પોતાની કુશળતાથી બધાને સમજાવી શકે છે અને ધીમેથી શાળામાં યુનિયન પ્રવેશ કરે છે.

     

    આચાર્ય આ અંગે જનરલ મીટીંગ કરે છે ત્યારે શાહ સૌથી જુદો પડી જાય છે અને કહે છે મને આવી કોઈ જ બાબતમાં રસ નથી. હું યુનિયનમાં માનતો પણ નથી અને મને એની કોઈ જરૂરિયાત પણ લાગતી નથી. તમે લોકો સ્વતંત્ર છો પણ મને આમાં ઘસડશો નહીં અને હું ઘસડાઈશ પણ નહીં. આ સાંભળી બધા સ્તબ્ધ બની જાય છે. બધાને ખ્યાલ છે કે શાહને કશાની જરૂર નથી. નથી પૈસાની કે નથી બાહ્ય પ્રભાવની… શાહ અળગો જ રહે છે. એનું આ અળગાપણું, જલકમલવત રહેવાની એની કલા અને તેમ તેમ એનાથી છેડાતો જતો દવે વાર્તાને આગળ વધારવામાં મદદ કરે છે. આચાર્યને પણ ખ્યાલ આવી જાય છે કે દવેમાં કશુંક એવું છે કે જે અણગમો ઉત્પન્ન કરે છે પણ દવેમાં એવી કેટલીક આવડત છે કે આચાર્યને પણ ક્યાંક ક્યાંક એનું માનવું પડે છે. સ્ટાફ પણ ધીમે ધીમે દવેને વશ થતો જાય છે કારણ કે અંદરખાનેથી તો બધા જ શાહના વિરોધીઓ છે પણ અત્યાર સુધી એને ટેકો મળે એવું કોઈ પાત્ર શાળામાં આવ્યું નહોતું અને વાત ધીમે ધીમે આગળ વધતી જાય છે. પછી તો દવે ધીમે ધીમે શાળામાં ટ્યુશન પ્રથા પણ દાખલ કરાવે છે. ત્યારે પણ શાહની દલીલ છે કે તમે લોકો પૈસા વિના ભણાવી શકશો? મફત ભણાવવું તમને ફાવશે? તમે લોકો કલ્યાણમાં માનો છો? અંતરાત્મા તમને આવું કાંઇ કહે છે? –  આવી બધી દલીલથી એ બધાને સ્તબ્ધ કરી દે છે પણ છેવટે  દવેનો વિજય થાય છે. એની આવડતભરી દલીલોથી મલિન પ્રકારના વિચાર અને  વ્યવહારવાળા લોકોની એને મદદ મળે છે. જેમાં મુખ્ય છે  શાળાનો નવો વરાયેલો નવો ટ્રસ્ટી રાકેશ, જે જૂના ટ્રસ્ટીનો પુત્ર છે. રાકેશ બીજા એક શિક્ષકને મદદ કરવા ટ્યુશન ક્લાસ ખોલાવી દે છે, એમાં દવેને ભણાવવા માટે બોલાવે છે. આમ, ધીમે ધીમે આ શાળામાં યુનિયન પછી ટ્યુશનનો પ્રવેશ થાય છે.

    આવું કેટલું બધું બનતું હોવા છતાં શાહ આ બધી બાબતથી અસ્પૃશ્ય જ રહે છે. નથી કોઈ એને હરાવી શકતું,  નથી હટાવી શકતું ! એનો પ્રભાવ તો વિદ્યાર્થીઓ પર કાયમ જ રહે છે. કિશોર પણે આમાંનો એક છે. એ દવે સાહેબની વાતોથી પ્રભાવિત થાય છે પણ અંદરખાનેથી એ વણાયેલો તો શાહ સાહેબ સાથે જ રહે છે.

    શાહને કેવી રીતે પાછો પાડવો એની એક વધારે ચાલ દવે રમે છે અને ધાર્મિકતાથી જોડાયેલા બધા ટ્રસ્ટીઓ પાસે એવી હવા પહોંચાડે છે કે શાહ ધર્મ વિરુદ્ધ બોલે છે આપણા ધર્મને ઠેકડી ઉડાડે છે. ઉશ્કેરાયેલા ટ્રસ્ટીઓ શાહને બંધ બારણે બોલાવે છે અને પૂછે છે કે આપના ઉપર આવો આરોપ આવ્યો છે. તમને ખબર છે,  એની સજા તમારે ભોગવવી પડશે… ત્યારે હસીને શાહ કહે છે, ‘’ હું આ બોલ્યો છું અને આ સાચું છે. પણ એ મેં નથી કહ્યું આતો ઇતિહાસમાં લખેલું છે પાના નંબર‌ – ૨૫ પર. હું ભણાવતો હતો કે બૌદ્ધ ધર્મનાં પતનના કારણો કયાં અને ત્યારે ધાર્મિક વડાઓએ શું કર્યું હતું? એની ચર્ચા ક્લાસમાં ચાલતી હતી નહીં કે તમારા બધાના સંદર્ભે. છતાં તમારે એ સ્વીકારવી હોય તો વાત જુદી છે પણ વાત ખરેખર બૌદ્ધ ધર્મની હતી.’’ અને બધા પાછા પડે છે, શાહનું અપમાન થતું અટકે છે પણ આચાર્યને ખૂબ લાગી આવે છે કે શાહ જેવા શાહને આવી રીતે આવવું પડે? બધા સામે રદિયો આપવો પડે? એના જેવી ગંભીર ઘટના બીજી કઈ હોઈ શકે? એટલે એ ફરીથી શિક્ષકોની મીટીંગ કરે છે, બધાને પોતાની વ્યથા કહે છે અન આ ક્ષણે દવેને આડકતરી પછડાવાનું આવે છે.

    વાત વધતી વધતી ત્યાં સુધી પહોંચે છે કે આચાર્ય નિવૃત્તિ ભણી છે નવા આચાર્યની વરણી થવાની છે. સ્વાભાવિક રીતે શાહ સૌથી સિનિયર છે અને તેથી એજ આચાર્ય બનશે. બધા દવે આ જ્ગ્યાએ અરજી કરવા કહે છે.  દવેને પણ એમ થાય છે કે આ એક તક છે જે હું મેળવી લઉં તો શાહની ઉપરવટ જઇને કામ કરવાનો મોકો મળે.  માટે એ અરજી કરે છે. ત્રણેય વાર ટ્રસ્ટીઓની અને બધાની એવી રમત છે કે બંનેના સરખા જ માર્કસ થાય છે. શિક્ષણાધિકારીને આ બાબતની ગંધ આવી જાય છે અને એ બધા શિક્ષકોને બોલાવીને ઝાટકે છે અને જણાવી દે છે કે ચોથી વખતના ઇન્ટરવ્યૂમાં હું હાજર નહીં રહું. ટ્રસ્ટી મંડળની મદદથી દવે આગળ આવી જાય છે અને એ લોકોના મતે એ શાહને પાછળ રાખી દે છે.

    આ ક્ષણે સર્જકે એક ચિત્ર દોર્યું છે : ‘’ઓઝા સાહેબની ખુરશી ફરી અને સ્થિર થઇ ત્યારે એ ઓઝાની નહોતી રહી.  એમાં હવે દવે બેઠો હતો.’’ દવે ખૂબ ખુશ હતો કે એણે આ રીતે શાહને મહાત કર્યો હતો.  પણ એનો અંતરાત્મા જાણતો હતો કે તે ગમે ત્યાં જાય શાહ તો એની ઉપર જ રહેવાનો છે‌. એનું સામાન્યપણું નીચું જ રહેવાનું છે.  અને શાહનું અસામાન્યપણું તેને અતિક્રમીને તેની ઉપર જ રહેવાનું છે. આ વાત તેને જંપવા દેતી નથી. આ બધું જ બન્યા પછી એક વખત શાહ આવીને પોતાનું રાજીનામું ધરી દે છે.  ત્યારે દવે એવો ડોળ કરે છે કે ‘’તમારા વિના શાળા કેમ ચાલશે? તમે હતા તો હું ચલાવી શકતો હતો.’’ પણ શાહ મક્કમ છે. તે કહે છે કે મેં ૫૦ વર્ષની ઉંમર સુધી જ નોકરી કરવાનું નક્કી કર્યું હતું. હું મારી મરજીથી છૂટો  થાઉં છું, આપણી શાળાની પરંપરા એવી છે કે તને કોઈ તકલીફ નહીં પડે. મારી તને શુભેચ્છા છે કે તું સારો આચાર્ય પ્રમાણિત થાય.  અને શાહ તેના જીવનમાંથી દેખીતી રીતે નીકળી જાય છે‌‌.

    આટલું લખતાં લખતાં દવે અટકે છે અને નોંધે છે : “મેં કેટલા બધાને છેતર્યા? આજે હું ઘણો બધો સુખી છું કારણ કે મેં ટ્યુશન કર્યા અને ખોટી રીતે સમૃદ્ધિ ભેગી કરી. મારી મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે હું ઝઝૂમ્યો ને એને પૂરી કરી પણ શક્યો.  મારાં બાળકો આજે સારું કમાય છે. એને મારા વિશે બહુ ખબર નથી પડી. પણ હા, મારી દીકરી મારી મા ઉપર પડી છે એ મને સમજી ગઈ છે. મારી સામાન્યતા કાં તો મારી માએ પકડી, કાં શાહ સાહેબે પકડી, અને મારી દીકરીએ પકડી. મારા પિતા તો આજે મૃત્યુ પામ્યા છે. મારી આવી સરસ કારકિર્દી જોવા એ હાજર નથી. મારી મા હવે જીવનને કિનારે છે, ઓછું સાંભળે છે, ઘણી વૃદ્ધ થઈ ગઈ છે પણ તેને શાહ સાથે ખૂબ જ બને છે. એ લોકો ઘણીવાર લાઇબ્રેરીમાં ભેગાં થઈ જાય છે અને મારી મા શાહનાં બહુ વખાણ કરે છે કે, ‘’તારો આ સિનિયર ગજબનો માણસ છે, મને ખૂબ ગમે છે. જ્યારે મને મળે છે ત્યારે તારાં ભરપેટ વખાણ કરે છે.’’ પણ મારી માની આંખમાં પેલો તિખારો ત્યારે પણ પ્રગટી જાય છે કે તું શાહ જેવો તો નથી જ નથી અને નથી ! પણ મારી માની આંખને હું ટાળવા પ્રયત્ન કરું છું, દીકરીની આંખને પણ ટાળવા પ્રયત્ન કરુ છું. આજે મને એ દુઃખ છે કે આ બધું કરવા માટે મેં કિશોરનો ઉપયોગ કર્યો છે. કિશોરને મેં શાહ વિરુદ્ધ ચડાવ્યો છે. અલબત્ત, મને એ પણ ખબર છે કે કિશોર આજે પણ શાહને એટલો જ ચાહે છે.  પણ કિશોરને જુદી જુદી રીતે ઉપયોગમાં લઈને શાહને પછાડવામાં મેં કાંઈ જ  બાકી રાખ્યું નથી… આજે હું મૃત્યુ ભણી છું, મને રોગ લાગુ પડ્યો છે મને એમ લાગે છે કે આ બધું જ કરવા છતાં હું શાહ સામે હારી ગયો છું.  બધાની નજરમાંથી ઊતરી ગયો છું –  ખાસ કરીને મારી જાત સામેની નજરમાંથી. એટલે મને એમ લાગે છે કે હવે હું આ જીરવી નહીં શકું. શાહ કાયમ વિદ્યાર્થીઓને ડાયરી લખવાનું કહેતો. મેં આ વાતની ઘણી મજાક કરી છે પણ આ વાત હવે મને સાચી લાગી એટલે મેં ડાયરી લખીને મારો અપરાધ ભાવ આજે કિશોર સમક્ષ પ્રગટ કર્યો છે‌. ખબર નથી, કિશોર વાંચશે કે નહીં. કદાચ કિશોર મને જે ચાહે છે એમાં ચોક્કસ ગાબડાં પડશે. પણ એ ગાબડાં પડ્યા હશે ત્યારે હું હાજર નહીં હોઉં. મેં નક્કી કર્યું છે કે હું મારી જાતને ગોળીઓ ખાઈને સમેટી લઈશ.

    દવેની આખી વાત પૂરી થયા પછી કિશોર સ્તબ્ધ થઈ જાય છે અને એ પોતાની કાર સાહેબના ઘર તરફ દોડાવે છે. ત્યાં પહોંચીને, એના દીકરાને ધકેલીને અંદરના રૂમમાં જાય છે.  દવે સાહેબ શાંતિથી સૂતા છે, મોઢા પર ફીણ આવી ગયું છે. બાજુમાં ગોળીની ડબ્બી પડી છે અને લગભગ ડબ્બી ખાલી થઈ ગયેલી છે. બે ત્રણ ગોળી બહાર ઢોળાઈ ગઈ છે. ઓહ ! તો દવે સાહેબ હવે નથી રહ્યા! કિશોર ઝડપથી તેનાં મોઢાનાં ફીણ લૂછી નાખે છે,  એના પુત્ર પ્રકાશને અંદર બોલાવે છે અને કોઈને કળાવવા નથી દેતો કે સાહેબે આત્મહત્યા કરી છે. માત્ર એના પુત્ર પ્રકાશને કહે છે કે સાહેબે આત્મહત્યા કરી છે પણ આ વાત કોઈને કહેવાની નથી. ડાયરીની વાત પણ એ કોઇને કહેતો નથી.

    દવેની સ્મશાનયાત્રા નીકળે છે. શાહ પણ ત્યાં હાજર છે. પ્રકાશ શાહ સાહેબને જોઈને તેને વળગી પડે છે, ત્યારે શાહના શબ્દો છે કે :  ‘તારા પિતા ઘણા જ હોશિયાર વ્યક્તિ હતા. આપણે બધાએ એક સરસ વ્યક્તિ ગુમાવી છે. તું એને પગલે ચાલીને સરસ માણસ બનજે. એના જેવો જ હોશિયાર થજે.’ અને કિશોરને એક બાજુ બોલાવીને પૂછે છે, ‘સાચું કહેજે કિશોર, શું થયું છે? એણે ડાયરી લખી હતી?’ કિશોર સ્તબ્ધ થઈને પૂછે છે કે,  ‘તમે અંતર્યામી છો સાહેબ?’ ત્યારે શાહ સાહેબ કહે છે કે, ‘ હું એના વ્યક્તિત્વને ઓળખું છું.’ એ કોઈ પાસે કબૂલે એવો નથી. પોતાનું સામાન્યપણું એ મનમાં જ લઈને જાય એવી એની પ્રકૃતિ હતી. મને ખાતરી છે કે એણે તને કશુંક લખાણ આપેલું હશે.’ કિશોર કબુલે છે કે, ‘ હા, એમણે મને ડાયરી આપી હતી અને મેં એ આખી રાત વાંચી.’  ‘ હા, તારી આંખમાં ઉજાગરો વંચાય છે. મને લાગે છે કે એણે આત્મહત્યા કરી હશે.’ શાહે કહ્યું.  ‘મને ખબર છે કે એણે ઊંઘની ગોળી લીધી હશે. તકલીફ ભોગવે એવો માણસ એ  નહોતો. ઝેરનો તો તરફડાટ અનુભવવો પડે.  કદાચ ચીસ પણ પડાઈ જાય. પણ દવે કુમળો હતો. એણે ઊંઘની ગોળીઓ લીધી હશે. તુલનાત્મક રીતે એ સરળ માર્ગ જ અપનાવે.’ કિશોર આ પ્રાજ્ઞ પુરુષને જોઈ રહ્યો એ માનવ મનને કેટલી આરપાર જોઈ શકતા હતા !

    શાહ સાહેબ દવેનું અંતિમ મૂલ્યાંકન કરતાં કહે છે, ‘કિશોર, દવે બુદ્ધિશાળી હતો. હોશિયાર હતો પણ પ્રમાદી હતો. બધું સરળતાથી મળે તેમ ઈચ્છતો હતો. એનું બાળપણ, અભ્યાસ સામાન્ય હશે એટલે તેનાં માતા- પિતા એનાથી નારાજ રહેતાં હતાં’  કિશોર પૂછે છે, ‘સાહેબ તમને કેવી રીતે ખબર?’  ત્યારે શાહે કહ્યું. ‘ એમના મા મને મળી જતાં ત્યારે એક બે વાર એણે મને આવી વાત કરેલી.’

    ‘ સર, તમને એણે બહુ હેરાન કરેલા નહીં?’

    ‘મને લાગે છે ડાયરીમા એણે મારી માફી માગી હશે.’

    વિષાદ વચ્ચે પણ કિશોરથી હસી પડાયું. સર, ‘તમે ખરેખર જિનિયસ છો!’

    ‘જિનિયસપણાની વાત નથી પણ મને ખબર છે કે, એ જો મને રૂબરૂ મળ્યો હોત તો માફી ન માગી શક્યો હોત. એની એ પ્રકૃતિ જ નહોતી. પણ ડાયરીમાં એણે બધી બાબત લખી હશે.’

    ‘હા, સર.’

    ‘તો તો ખરા અર્થમાં એ પ્રામાણિક નીકળ્યો;  શાહે કહ્યું. ‘

    ‘હું જાણું છું કે એ લઘુતાગ્રંથિથી પીડાતો હતો. હોશિયાર હોવા છતાં દેખાડી દેવાની વૃતિ એનામાં પડેલી હતી, આ વૃત્તિ માણસ પાસે કશું જ કરાવી નથી શકતી બલકે એને ઝેરીલો અને ઝનૂની બનાવે છે.’

    ‘સર, તમે કહો તો ખરા એણે તમને હેરાન કર્યા?’

    ‘બેટા, એને વહેમ હતો કે હું મને તેનાથી ચડિયાતો બતાવવા પ્રયત્ન કરતો હતો. મારી શાળામાં મારો પ્રભાવ હતો અને આ પ્રભાવે જ એને ગભરાવ્યો હતો. હકીકતમાં એ મારી હાજરીમાં પોતાની નબળાઈ અનુભવતો હતો.’

    ‘સર, એણે તમને આચાર્ય થવા પણ ન દીધા ને?’

    ‘ હા, મને વહેમ તો હતો જ. શાળાને ખોટ ન ગઈ. કારણ કે સ્ટાફ પણ મને ઇચ્છતો ન હતો કારણકે એ પણ આ જ પ્રકારની નબળાઈથી પીડાતો હતો.’

    કૃતિને અંતે કિશોર શાહ સાહેબ પાસે દવેનું અંતિમ મૂલ્યાંક્ન ઇચ્છે છે ત્યારે  શાહનો ઉત્તર છે તેમ:  “ જગતમાં બે પ્રકારના લોકો હોય છે, એક સામાન્ય અને બીજા બુદ્ધિશાળી. સામાન્ય લોકો હંમેશાં સેકન્ડ રેટર હોય છે. તેમનામાં હોંશ ઘણી હોય છે પણ લાયકાત ન્યૂનતમ હોય છે પરિણામે એ હંમેશાં અકળાતા રહે છે. તેં તો આયન  રેન્ડ વાંચી છે. એને મતે સેકન્ડ રેટર કદી પણ પ્રતિભાનાં જોરે આગળ આવી ન શકે. એણે આગળ આવવા માટે પ્રથમ કક્ષાના લોકોને નુકસાન પહોંચાડવું જ પડે‌‌.’

    ‘કિશોરથી પુછાઈ જવાય છે, જેમ તમને પહોંચાડ્યું નહીં?’

    ‘ના, પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ કક્ષાના લોકોને કોઈ નુકસાન પહોંચાડતું નથી. હા, બાહ્ય રીતે તમને કદાચ લાગે પણ બૌદ્ધિક સ્તરે કદી ન પહોંચી શકે. પ્રથમ કક્ષાના લોકો હંમેશાં આત્મ પ્રતિભા પર મુસ્તાક હોય છે‌. તેમની પ્રતિભાની મસ્તી જ એટલી જબરદસ્ત હોય છે કે બાહ્ય સિદ્ધિઓનું કોઈ મૂલ્ય એમને હોતું નથી અને બાહ્ય સિધ્ધિ સહજ રીતે મળે છે જેમ સૂર્ય સાથે પ્રકાશ હોય તેમ. અને કદાચ એ ન મળે તો પણ આ લોકોની આંતરિક રચનામાં કોઈ ફરક પડતો નથી. આ લોકો પોતાની પ્રજ્ઞાના પ્રકાશમાં જીવતા હોય છે.’

    ‘કોઈ અજ્ઞાત ઋષિથી માંડીને આચાર્ય વિનોબા હોય કે વિક્રમ સારાભાઈ,  આવા લોકોએ જ જગતને ચલાવ્યું છે. આવા લોકો પ્રજ્ઞાવાન હોય છે અને સેકન્ડ રેટરોને આ ખૂંચે છે. એટલે એ લોકો બે કામ કરે છે –  ડરપોક હોય તો નિંદા કરે છે અને આવડતવાળા હોય તો આડા આવવાનો પ્રયત્ન કરે છે. હિંમતવાન હોય તો બીજાની મદદથી આવા લોકો સામે લડે છે. આપણે ત્યાં દુર્યોધન જેવા  લોકો આ પ્રકારના છે. યુધિષ્ઠિર કે ગાંધી થઈ ન શકાય પણ એમને ઉતારી પાડવા બહુ સહેલા છે. તેમની નિંદા કે વિરોધ કરી શકાય. દવે બુદ્ધિશાળી હતો. તે જાણતો હતો કે તે મારી કાંકરી પણ ખેરવી શકે તેમ નથી. એ ઈચ્છત તો કદાચ ઘણું બધું શીખી શકત પણ એ શીખી ન શક્યો એ એનું કમનસીબ હતું.  દવે જેવા લોકોની હાલત કર્ણ જેવી છે –  જ્ઞાન છે પણ એ પોતાની જાતને બદલાવી શકતા નથી. પોતાની પ્રતિભાનો એ દુરુપયોગ કરે છે.’

    કિશોરને આ રીતે સમજાવ્યા પછી શાહ સાહેબ કિશોરની મનોદશા કિશોરને સમજાવતાં જણાવે છે ;  ‘’ડાયરી વાચ્યા પછી તું આદર અને ધિક્કાર વચ્ચે ઝૂલતો હોઈશ. પણ તારા વિકાસમાં એનો ઘણો ફાળો છે. આજે તું જે છે તે એજ કારણે છે. એટલે જ આજે આ ડાયરી એ  તને હચમચાવી નાખ્યો છે. શક્ય છે કે તને મારા પ્રત્યે આદર છે એટલે જ દવે પ્રત્યે તને ધિકકાર પ્રગટ્યો હશે. પણ  ‘દોસ્ત બે વાત યાદ રાખ. વિવેકાનંદે કહ્યું છે કે બધું જ તેની જગ્યાએ બરાબર છે. એટલે તારે વિનોબાજીની વાત પણ યાદ રાખવાની કે ‘સાર લ્યો અને અસાર છોડો’. તને તો સરસ ફાયદો થઈ ગયો. એક બાજુ તેં એની મહત્વાકાંક્ષા સ્વીકારી  અને બીજી બાજુ મારી વિચારશક્તિ. તારે શરમાવાની જરૂર નથી. તું આને કારણે ફર્સ્ટ રેટર બની શક્યો છે. તું દવે અને મારો સંગમ છો. માટે તું સંતુલિત છો. આળસને તે નકાર્યું છે.  એટલે જ તારા દર્દીઓ સદભાગી છે. હવે આ  ડાયરી ચૂપચાપ રાખી દેજે. પ્રકાશને ના આપજે. પુત્ર આગળ પિતાની પ્રતિમાને ખંડિત ન કરજે.

    કિશોર પોતાને ઘેર જઇને બારીમાંથી જુએ છે તો આગલા દિવસે ચડેલી ફિલ્મ ‘શોલે’નું બોર્ડ ઉતરી ગયું હતું અને એની જગ્યાએ ડુબતી સ્ટીમરવાળું અંગ્રેજી પોસ્ટર ધરાવતું  ‘ટાઇટેનિક’નું બોર્ડ લાગી ગયું હતું.

    `સમગ્ર કૃતિ અંધકારથી પ્રકાશ ભણી ગતિ કરતી કૃતિ છે. પાત્રોને સર્જકે ખૂબ માવજતથી આકાર્યા છે. દવેની નકારાત્મકતાને પણ વાચકને ક્યાંય દુઃખ ન લાગે એ રીતે સ્વસ્થ કલમથી આલેખી છે. જેમ મહાકવિઓ પોતાના ખલનાયકને આકારે છે તેમ પૂરાં સમસંવેદન અને પૂરાં નિસબતથી.

    કૃતિનું શીર્ષક ‘અંગદનો પગ’ અનેક આયામથી જોવા જેવું છે. પ્રતિભાશાળી લોકો હંમેશાં સ્થિર હોય છે. એને કોઈ ખસેડી શકતું નથી. કરુણતા એ વાતની છે કે જે ચરણોમાં માથું મૂકવાનું છે એને ખસેડવાનો સમાજ પ્રયત્ન કરે છે.

    ડો. મોતીભાઇ પટેલ આ કૃતિને મૂલવતા નોંધે છે : ‘’ કિરણ દવે જેવા હજારો માટીપગા શિક્ષકો આ કૃતિ  વાંચશે તો પોતાની જાતને તપાસવાની એને તક મળશે અને જ્યોતીન્દ્રો વાંચશે તો એને બળ મળશે. હા સંચાલકો તો આ વાંચવાની ધ્રુષ્ટતા જ નહીં કરે.’’

    સાચા અર્થમાં આ કૃતિ અંગદનો પગ બનીને ગુજરાતી સાહિત્યમાં એનું સમર્થ સ્થાન પ્રસ્થાપિત કરી શકી છે. એની આવનારી ૨૦ મી આવૃત્તિ તેની સાક્ષી પૂરે છે. રાજ્ય સરકાર દ્વારા,  જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા,  અનેક વિદ્વાન સર્જકો દ્વારા,  વિદ્યાર્થીઓ દ્વારા,  અધ્યાપકો દ્વારા આ કૃતિની થયેલી કદર એને અંગદનો પગ પ્રમાણિત કરે છે.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સપનાં : મહાન સર્જકોના સપનાં પણ તમારા મારા જેવા હોય છે. ફરક એટલો કે એ લોકો એનું અર્થઘટન અને સજાવટ અનોખી રીતે કરે છે

    સંવાદિતા

    આ ફિલ્મની જેમ જ કુરોસાવાની અન્ય ઘણી ફિલ્મોમાં પણ પર્યાવરણ અને તેના રક્ષણ માટેની ચિંતા વ્યક્ત થઈ છે.

    ભગવાન થાવરાણી

    જાપાનના અકીરા કુરોસાવાની ગણના વિશ્વના શ્રેષ્ઠતમ ફિલ્મ સર્જકોમાં થાય છે. મજાની વાત એ કે એ આપણા સત્યજીત રાયના પરમ પ્રશંસક હતા. એમણે કહેલું ‘ જેમણે આ પૃથ્વી પર જન્મ લીધો હોવા છતાં રાયની ફિલ્મો નથી જોઈ એમણે સૂર્ય – ચંદ્ર નથી જોયા . ‘ કુરોસાવાની ફિલ્મો જોયા બાદ આપણને આ જ વિધાન એમની ફિલ્મો માટે કરવાનું મન થઈ આવે !
    દિગ્દર્શક તરીકેની એમની કુલ ૩૧ ફિલ્મોમાંથી સૌથી જગવિખ્યાત તો છે સેવન સમુરાઈ, ઈકીરૂ ( એની વાત અહીં ક્યારેક કરીશું ), યોજિમ્બો, થ્રોન ઓફ બ્લડ, દેરસૂ ઉઝાલા અને રાશોમોન વગેરે પણ આજે વાત કરવી છે કારકિર્દીના અસ્તાચળે ૧૯૯૦માં એમણે સર્જેલી ફિલ્મ DREAMS ડ્રીમ્સની ( જાપાનીઝમાં ‘ યુમે ‘ ) એ પણ આખી ફિલ્મ નહીં, એના કુલ આઠમાંના બે પ્રકરણની.
    ડ્રીમ્સમાં સ્વયં કુરોસાવાને અવારનવાર આવતા સપનાંની વાત છે. આ આઠમાંના મોટા ભાગના સપનાને જોડતી કડી છે આપણી સૃષ્ટિનું પર્યાવરણ, એમાં આપણો સ્વાર્થી અને મૂર્ખામીભર્યો હસ્તક્ષેપ તેમજ એના ભયાનક દુષ્પરિણામો. ફિલ્મના આવા દરેક ભાગની લંબાઈ માત્ર પંદરેક મિનિટની. આપણે એમાંના માત્ર પાંચમા અને આઠમા સ્વપ્નની વાત કરીએ.
    પાંચમા સ્વપ્નના કેંદ્રમાં સુવિખ્યાત ડચ ચિત્રકાર વિન્સેંટ વાન ગોગ છે. ( અમેરિકન લેખક ઈરવીંગ સ્ટોને લખેલી એમની જીવનકથા ‘ લસ્ટ ફોર લાઈફ ‘ નો સુંદર ગુજરાતી અનુવાદ ‘ સળગતા સૂરજમુખી ‘ નામે વિનોદભાઈ મેઘાણીએ કરેલો. ) કુરોસાવાએ આ ભાગનું શીર્ષક વાન ગોગના જ એક ચિત્ર પરથી ‘ ક્રોઝ ‘ ( કાગડા ) રાખેલ છે. આ મહાન ચિત્રકાર ૧૮૯૦માં માત્ર ૩૭ વર્ષની વયે આપઘાત કરી ગુજરી ગયા એ પહેલાં ૨૧૦૦ આસપાસ કલાકૃતિઓ સર્જી. મોટા ભાગની શ્રેષ્ઠ કૃતિઓ જીવનના અંતિમ વર્ષોમાં આપી. આટલા અમથા જીવનના પણ ખાસ્સા વર્ષો તો એમણે પાગલખાનામાં વીતાવ્યા !
    એક નવોદિત ચિત્રકાર ( એટલે સ્વપ્નદ્રષ્ટા પોતે ) એમસ્ટર્ડમની વાન ગોગ ગેલેરીમાં વિન્સેન્ટ વાન ગોગના ચિત્રો રસપૂર્વક નિહાળી રહ્યો છે. એમનું ચિત્ર ‘ લેંગ્લોઈસ બ્રીજ ‘ જોતાં એ કલ્પનાલોકમાં એમાં પ્રવેશી એ બ્રીજ સમીપે પહોંચી જાય છે. નદી કાંઠે કપડાં ધોતી સ્ત્રીઓને એ વાન ગોગનું ઠેકાણું પૂછે છે. એમણે ચીંધેલા રસ્તે એ વાન ગોગના સગડ શોધતો કલ્પનાઓમાં જાણે વાન ગોગે જ ચીતરેલી શ્રેષ્ઠ દ્રષ્યાવલિઓમાંથી પસાર થાય છે ( એ કમાલ સર્જી છે ‘ સ્ટાર વોર્સ ‘ ના સર્જક જ્યોર્જ લુકાસે ! ) .
    છેવટે ઘાસના મેદાનો વચ્ચે એને સાક્ષાત વાન ગોગ દેખાય છે. ( વાન ગોગનું પાત્ર ભજવ્યું છે જગવિખ્યાત ફિલ્મ સર્જક માર્ટીન સ્કોર્સીસે ! ) યુવક પૂછે છે ‘ તમે જ વાન ગોગ ? ‘ વાન ગોગ વિહ્વળ છે, ઉતાવળમાં છે. એ ઉતાવળ જીવી લેવાની છે, લસ્ટ ફોર લાઈફ ! એ યુવકને કહે છે ‘ જુએ છે શું ? માંડ ચીતરવા. આ અદ્ભુત દ્રષ્યાવલિ તો જો. એ જાણે સ્વયં આપણને ચીતરવાની ફરજ પાડે છે. ‘ વાત કરતાં કરતાં એમનો અજંપો ડોકાય છે. એમને કદાચ પેલું મહાસત્ય સમજાઈ ગયું છે ‘ જો ભી હૈ બસ યહી એક પલ હૈ’. એ કહે છે ‘ મારે ભાગવું પડશે. સમય ઓછો છે. ચિત્રોમાં ઝડપ લાવવી પડશે. ‘ એમના કાન પર બાંધેલો પાટો જોઈને યુવક પૂછે છે ‘ આ શું થયું ? ‘ ‘ એ તો ગઈકાલે મારું પોતાનું ચિત્ર બનાવતો હતો . કાન બરાબર ચીતરાતો નહોતો. કાપીને ફેંકી દીધો. ‘ ! યુવક અવાચક !  ‘  તેં આ સૂર્યનો ઝળહળાટ જોયો ? એ મને કશુંક સર્જવા મજબૂર કરે છે. ચાલ, તારી સાથે વેડફવા મારી સમય નથી. ‘ કહી વાન ગોગ દોટ મૂકી ભાગે છે !
    ફરી એક વાર વાન ગોગના વિવિધ ચિત્રોની પૃષ્ઠભૂમિ વચ્ચેથી દોડતો યુવક વાન ગોગનો પીછો કરે છે. નેપથ્યે વિખ્યાત પોલિશ સંગીતકાર ચોપીનનું સંગીત વાગ્યા કરે છે. અંતે એ આવીને થોભે છે વાન ગોગની જગવિખ્યાત કૃતિ ‘વ્હીટફીલ્ડ એંડ ક્રોઝ’ આગળ. કાગડાઓ ઝૂંડમાં ‘ કાઉ કાઉ ‘ કરતા ઊડે છે અને યુવક સંગે આપણે પાછા પરત પહોંચી જઈએ છીએ એ જ વાન ગોગ ગેલેરીમાં જ્યાંથી ‘ અંદર ‘ પ્રવેશ્યા હતા. યુવક ( અને આપણે સૌ ) હેટ ઉતારી વિંસેંટ વાન ગોગનું અભિવાદન કરે છે.
    આ જ ફિલ્મના આઠમા સ્વપ્ન – પ્રકરણનું શીર્ષક છે ‘ વિલેજ ઓફ વોટરમીલ્સ ‘ યાને ‘ જળચક્કીઓનું ગામ ‘. એની વાત.
     
    એક યુવાન ( એટલે એ જ સ્વપ્નદ્રષ્ટા ) નાનકડો લાકડાનો પૂલ વટાવી એક હર્યાભર્યા ગામમાં પ્રવેશે છે. ગામની વચ્ચોવચ એક ખળખળ વહેતી નદી અને એમાં ગોઠવાયેલી જળચક્કીઓ. ભૂલકાંઓનું જૂથ પસાર થાય છે અને એમાંનું દરેક બાળક આજુબાજુ ઉગેલા છોડ પરથી એક એક ફૂલ તોડી પૂલ પાસેના મોટા પથ્થર પર ચડાવતું જાય છે.
    આગળ એક વૃદ્ધ ( વિખ્યાત જાપાનીઝ અભિનેતા ચીશુ રયુ ) પોતાની ઝૂંપડીની બહાર બેઠો જળચક્કીનું સમારકામ કરે છે. યુવક અને વૃદ્ધ વચ્ચેનો સંવાદ જૂઓ ‘ તમારા ગામનું નામ ? ‘  ‘ કોઈ નામ નથી. એની જરૂર પણ શું ? અમે ખાલી ‘ ગામ ‘ કહીએ ‘  ‘ ગામમાં વીજળી નથી ? ‘  ‘ શું જરૂર ? ‘  ‘ રાતે અંધારું થાય ત્યારે ? ‘  ‘ રાત દિવસ જેવી ઝળહળ હોય એવું જરૂરી નથી. અંધારું હોય તો જ ચંદ્ર તારાનું સૌંદર્ય પરખાય ને ! બાકી મીણબત્તી, ફાનસ છે જ. બહુ સગવડો મળે એટલે જે જરૂરી છે એ વિસરાઈ જાય. ‘  ‘ ખેતરો માટે ટ્રેક્ટર ? ‘ ‘ ના, ગાય છે, ઘોડા છે, બળતણ માટે લાકડું છે પણ વૃક્ષો પાડીએ નહીં. જે એની મેળે પડી જાય એનું લાકડું વાપરીએ. છાણા વાપરીએ. અમે જૂના જમાનાની રીતરસમ પ્રમાણે જીવીએ છીએ. આપણે કુદરતનો જ હિસ્સો છીએ. એના પર નિર્ભર છીએ, એનો જ વિનાશ કરી સગવડો ઊભી કરીએ છીએ. કુદરતનું હાર્દ કોઈ સમજતું નથી. એવી શોધો કર્યે જઈએ જે આખરે અસુખ સર્જે છે. માણસ માટે સૌથી જરૂરી ચીજ ચોક્ખી હવા અને પાણી છે. અને હરિયાળી પણ જે એમને ચોક્ખા રાખે. બધું પ્રદૂષિત કરતા જઈએ છીએ, જેનાથી મન પણ મલીન થાય. ‘ 
     
    ‘ અને પેલો પથ્થર ? ‘ ‘ બહુ પુરાણી વાત છે. ગામમાં આવેલો કોઈક પ્રવાસીએ પુલ આગળ જ દમ તોડી દીધો. ગામલોકોએ એને ત્યાં જ દફન કરી એની સ્મૃતિમાં આ પથ્થર મૂક્યો. હવે પસાર થતા બધા લોકો ત્યાં ફૂલ ચડાવે એવી પ્રથા પડી ગઈ.’
     
    અચાનક સંગીતના સથવારે પસાર થતા સરઘસનો અવાજ સંભળાય છે. ‘ આ શેનો ઉત્સવ ? ‘  ‘ એ સ્મશાનયાત્રા છે. એક સ્ત્રી નવાણું વર્ષે ગુજરી ગઈ છે. ઈમાનદારીપૂર્વકનું જીવન જીવી મરી જવું એ પણ સુખ જ છે. અમે એની ઉજવણી કરીએ. અમારા ગામમાં કોઈ મંદિર કે પૂજારી નથી. ગામલોકો પોતે જ મૃતદેહને ટેકરી પર લઈ જાય. હા, કોઈ બાળક કે યુવાન મૃત્યુ પામે એ દુખદ. પણ અહીં મોટા ભાગના લોકો પાકટ ઉંમરે મરે.’ વૃદ્ધ ઉમેરે છે કે મરનાર સ્ત્રી એમની પ્રેમિકા હતી. એમને પણ ૧૦૩ વર્ષ થયા છે. એ ઝૂંપડીમાં જઈ વગાડવા માટે ઝાંઝ લઈ આવે છે. ‘ મારે ઉત્સવમાં શામેલ થવા જવું પડશે. જિંદગી ખરેખર ખૂબસૂરત છે. જીવતા હોવા જેવું કોઈ સુખ નથી. ‘
     
    યુવક આનંદમિશ્રિત વિસ્મયથી પસાર થતા સરઘસને અને અને એના મોખરે ઝાંઝ વગાડી નાચતા પેલા વૃદ્ધને જોઈ રહે છે.
    એ ગામ છોડી જવા નીકળે છે. કશુંક યાદ આવતાં પાછો ફરે છે. છોડ પરથી ફૂલ તોડી પેલી સમાધિ ઉપર ચડાવે છે. એ પોતે પણ પેલા મુસાફરની જેમ ગામમાં અનાયાસ આવી ચડેલ એક વટેમાર્ગુ જ હતો ને ! 
     
    ગામની નદીમાં પાણી ખળખળ વહેતું રહે છે. જીવનની જેમ.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મે દિન પૂછે છે: કામદારોની હાલત બહેતર કે બદતર ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    દુનિયાભરના મહેનતકશો આજે તેમના સંઘર્ષની સ્મૃતિ તાજી કરતો અને નવા સંઘર્ષની તૈયારી કરતો મે દિન ઉજવાઈ ગયો.. ઈન્ટર નેશનલ લેબર ડે, મજૂર દિન, શ્રમિક દિન, કામદાર દિવસ કે વર્કર ડે  જેવા નામે ઓળખાતો આ દિવસ શ્રમિકોના બલિદાન અને યોગદાનના સ્મરણોનો દિવસ છે. કામદારોના સન્માન સાથે તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો આ દિવસ છે. કામદારોમાં ટ્રેડ યુનિયન પરંપરા અને આંદોલનોને કારણે વિકસેલી વર્ગ ચેતનાને દ્રઢાવવાના સંકલ્પનો આ દિવસ છે. મજદૂરોના અધિકારો માટેની જાગૃતિનો આ દિવસ છે. વિશ્વના કરોડો કામદારોના મહેનત, દ્રઢ નિશ્ચય અને ઉજળી આવતીકાલના સપનાં સજાવવાનો આ દિવસ છે. યોગ્ય અને સમાન વેતન(ગાંધીજીના શબ્દોમાં જીવન યોગ્ય દરમાયો) , કામની સલામત સ્થિતિ,કામના કલાકો જેવી અનેક માંગ અને હક માટે અદાલતો અને સરકારો સામે  લડવા, સમાજમાં કામદારોની સ્થિતિ મજબૂત કરવાનો તેમજ  દુનિયા કે મજદૂર એક હો નો નારો બુલંદ કરવાનો પણ આ દિવસ છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    કામદારોના લોહી પરસેવાની કોઈ પણ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા છે. પરંતુ ખુદ કામદારોની હાલત દયનીય છે. અમેરિકા જેવા મૂડીવાદી દેશ પાસે જે સમૃધ્ધિ , સત્તા અને શક્તિ છે તેના પાયામાં મજૂરોનો પસીનો  છે. ઔધ્યોગિક ક્રાંતિએ દુનિયામાં ઘણા પરિવર્તનો આણ્યા છે પરંતુ તે કામદારોના શોષણ પર વિસ્તરી હતી તે ભૂલાઈ ગયું છે.  લોઢા સાથે બાથો ભરતા શ્રમિકોને આંતેડા ઘોઘરે આવે ત્યાં સુધી મજૂરી કરવી પડતી હતી. તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા. પંદર થી અઢાર કલાક સુધી કામ કરતા મજૂરોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. અમેરિકા અને કેનેડાના કામદારોએ પહેલી મે ૧૮૮૬ના રોજ કામના મહત્તમ આઠ  જ કલાકની માંગણી માટે હડતાળ પાડી હતી. આ હડતાળ લોહિયાળ બનતાં, કામદારો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. ગોળીબારમાં કામદારો મરાયા ને ઘણાં ઘવાયા હતા. તેના ત્રણ વરસ પછી ૧૮૮૯માં પેરિસમાં મળેલી ઈન્ટર નેશનલ સોશ્યાલિસ્ટ કોન્ફરન્સમાં અમેરિકાના કામદારોની પહેલી મે ની હડતાળની યાદમાં દર વરસે પહેલી મે નો દિવસ વિશ્વ મજૂર દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું.  આજે તો એ ઘટનાને ૧૩૫ વરસ થયા પરંતુ હજુ કામદારોનું શોષણ અને તેની વિરુધ્ધના આંદોલનો ચાલે છે એટલે લગભગ આખી દુનિયામાં કામદાર દિવસ મનાવાય છે.

    ભારતમાં ૧૯૨૩માં પહેલવહેલો મજૂર દિન ચેન્નઈમાં  ઉજવાયો હતો. તેને પણ હવે સો વરસ વીતી ગયાં છે .જોકે હજુ દેશના મહેનતકશોની હાલત તો બદતર જ છે. ભારત સરકારના શ્રમ મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં ૪૮ કરોડ શ્રમિકો હોવાનો અંદાજ છે. તે પૈકીના મોટા ભાગના (૯૦ ટકા) અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કૃષિમાં  ૪૨ ટકા, સેવા ક્ષેત્રમાં ૩૨ ટકા  અને  ઉધ્ધોગોમાં ૨૬ ટકા કામદારો કામ કરે છે. વિશ્વના જે દસ દેશોના કામદારો સૌથી વધુ કલાક કામ કરે છે તેમાં ભારત સાતમા ક્રમે છે.ભારતીય શ્રમિક અઠવાડિયે ૪૭.૭ કલાક કામ કરે છે.

    કામદાર કલ્યાણના કાયદા આઝાદી પછી તુરત જ ઘડાયા હતા અને કામદાર સંગઠનો તો આઝાદી પૂર્વે જ રચાયા હતા. પરંતુ કામદારોનું શોષણ સંપૂર્ણ અટક્યું નથી. કામનું યોગ્ય વેતન અને કામના કલાકોની બાબતમાં આજે પણ શોષણ થાય છે. લધુતમ વેતનના કાયદા છતાં આજેય ભારતીય શ્રમિક મહિને સરેરાશ રૂ. ૧૦,૦૦૦ જ કમાય છે. જે લઘુતમ વેતનથી ઓછા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટેના સાતમા વેતન આયોગે ૨૦૧૬માં કર્મચારીઓનું લઘુતમ વેતન રૂ. ૧૮,૦૦૦ નક્કી કર્યું હતું પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેનાથી અડધું ય મળતું નથી. હવે તો સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્ર વગેરેમાં રોજમદારો અને કોન્ટ્રાકટ મજૂરોની પ્રથા ચાલે છે જેમાં તેમનું મોટાપાયે શોષણ થાય છે.

    ભારતમાં નિયમિત વેતન મેળવતા કામદારો તો ૨૩ ટકા જ છે. કુલ કામદારોના ચોથા ભાગના રોજમદારો છે. ૭૧ ટકા કામદારોને તેમના કામ કે નોકરીનો કોઈ લેખિત ઓર્ડર આપવામાં આવ્યો નથી.૫૪ ટકાને સવેતન અઠવાડિક રજા મળતી નથી. કુલ કામદારોના ૫૭ ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે. બાળ મજૂરી અને વેઠિયા મજૂરી નાબૂદ થવાના અણસાર વર્તાતા નથી. જ્ઞાતિગત વ્યવસાયોની પરંપરા મટવાની જણાતી નથી. સ્ત્રી-પુરુષને સમાન કામનું સમાન વેતન મળતું નથી. કામના સ્થળ સલામત નથી. વ્યવસાયિક જોખમ અને અસલામત કામના  લીધે રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે અને મજૂરો મરે છે. દેશમાં ઔધ્યોગિક શાંતિના છદ્માવરણ તળે કામદારોનું શોષણ દટાયેલું રહે છે.

    સ્થળાંતર એ ભારતીય કામદારની જાણે કે નિયતિ છે. સ્થળાંતરિત કે પ્રવાસી મજૂરોની હાલત કેવી બદતર છે તેનો પરિચય દેશ અને દુનિયાને કોરોના મહામારીના લોકડાઉનના ગાળામાં થયો હતો. ભારતમાં મજૂરોની સ્થિતિ બહેતર થઈ રહ્યાના જે નગારા પિટાતા હતા તેની વાસ્તવિકતાનો પરચો આપણને  કોરોનાકાળમાં થઈ ચૂક્યો છે. એટલે શ્રમ કાયદાઓને સાંકળતી ચાર શ્રમ સંહિતાઓથી કામદારોનું દળદર ફિટવાનું નથી.

    ૧૯૯૧ થી અમલી નવી અર્થનીતિએ પણ કામદારોની સ્થિતિને બદતર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. વિદેશી મૂડીરોકાણને આકર્ષવા ઔધોગિક શાંતિ જરૂરી હોવાના જાપ જપતાં દેશના કામદાર આંદોલનોનો કાંકરો કાઢી નાંખવામાં આવ્યો છે. લેબર કાયદા અને કામદાર યુનિયનોને તેમાં મુખ્ય અંતરાય માની તેને અપ્રસ્તુત કરવાના ખેલ ખેલાયા છે. ભારતના જાહેર ક્ષેત્રના ગુણગાન ગાનારા તેનું સર્જન ખરેખર તો ખાનગી ક્ષેત્રને સહાયરૂપ થવાના આશયથી થયું હતું તે સત્ય છૂપાવી રાખે છે. ખાનગી ઉધોગોને આયાત કરવી પડે તેવા યંત્રોનું અને બીજું ઉત્પાદન જાહેર ક્ષેત્રે કરીને ખરેખર તો ખાનગી ક્ષેત્રને સરકારી મદદ આપી છે. નવી અર્થનીતિ અને ઉદારીકરણે કામદારોનું અહિત કરનારા નિર્ણયો લઈને સમાજવાદી શ્રમ કાયદા ધરાવતા દેશને મૂડીવાદી બનાવી દીધો છે.  ૨૦૦૦ થી ૨૦૧૮ દરમિયાન ભારતના ઉધ્યોગપતિઓનો નફાનો ભાગ ૧૭ ટકા થી વધીને ૪૮ ટકે પહોંચ્યો હતો પણ મજૂરીનો હિસ્સો ૩૩ ટકે થી ઘટીને  ૧૭ ટકા થઈ ગયો હતો. આવી બદતર હાલતમાં મજૂર આંદોલનો અને તેની તીવ્રતા ઘટ્યાં છે.  હડતાળઓમાં  વેડફાયેલા માનવદિવસો અને માલિક-મજૂર વિવાદના કેસોમાં ઘટાડો તેનું પ્રમાણ છે.

    આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસે ભલે હમ એક હૈ ના નારા બોલાવાય પણ કામદારોની જ્ઞાતિ સભાનતા વર્ગચેતના આણી શકતી નથી. દેશમાં ૭૦,૦૦૦  મજૂર મંડળોનું હોવું કે રાજકીય પક્ષો અને વિચારધારા સાથે જોડાયેલા દસ મોટા  કેન્દ્રીય મજૂર સંગઠનોનું હોવું કામદાર એકતા દર્શાવતા નથી. જે અમેરિકાના શિકોગાના મજૂરોની હડતાળની યાદમાં અને અમેરિકી શ્રમિકોની સામાજિક આર્થિક ઉપલબ્ધિઓની યાદમાં દુનિયાભરમાં પહેલી મે ના રોજ મજદૂર દિન મનાવાય છે તે અમેરિકામાં કામદાર દિન દર વરસના સપ્ટેમ્બર મહિનાના પહેલા સોમવારે મનાવાય છે! ભારતમાં ડાબેરી મજૂર સંગઠ્નો પહેલી મે ના મજૂર દિનની ઉજવણી કરે છે પરંતુ જમણેરી મજૂર સંગઠનોની માંગ ૧૭ મી સપ્ટેમ્બરની વિશ્વકર્મા જયંતીએ કામદાર દિનની છે!  જમણેરી મજૂર સગઠનો કામદારોને ઔધ્યોગિક પરિવાર લેખે અને ડાબેરીઓ વર્ગશત્રુતાના પાઠ પઢાવે તેની વચ્ચે ભારતીય કામદારે તેની બદતર હાલતને બહેતર બનાવવાની છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જેવી મળી આ જિંદગી

    દેવિકા ધ્રુવ

    :ગઝલઃ

    જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે,
    સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.

    આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,
    માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે.

    ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
    પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.

    જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
    કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.

    બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
    શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.

    પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
    બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે?

    હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
    ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.

    :આસ્વાદઃ

    સપના વિજાપુરા

    હ્યુસ્ટનના નિવાસી દેવિકા ધ્રુવ સાહિત્ય પ્રત્યે પ્રેમ રાખે છે. એમણે ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવી, ડિગ્રી મેળવી હતી. એમણે પ્રથમ રચના ૧૫ વર્ષની ઉંમરે કરી. ૧૯૬૮માં કાવ્યપઠન સ્પર્ધામાં શ્રી ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ મેળવ્યું હતું. એમના ત્રણ કાવ્યસંગ્રહ ૧. ‘શબ્દોને પાલવડે’-સંવાદ પ્રકાશન-૨૦૦૯૨. ‘અક્ષરને અજવાળે’-(ઈબૂક-૨૦૧૩) અને ૩.’ કલમને કરતાલે ‘–૨૦૧૭ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા પ્રકાશિત થયા છે. એમની આ ગઝલ મેં ફેઈસબુક પર વાંચી અને મને ખૂબ ગમી ગઈ. આ ગઝલ એક સંદેશ આપી જાય છે .

    ચાલો એમના એક એક શેરમાંથી પસાર થઈએ!

    જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે,
    સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.

    શું આપણે આપણી પસંદથી જિંદગી જીવી શકીએ છીએ? શું આપણી મરજી પ્રમાણે દુનિયા ચાલે છે? શું જે ઇચ્છીએ એ આપણને મળી જાય છે? જવાબ ‘ના’માં આવશે. તો મત્લાનો શેર આપણને આજ શીખવી જાય છે. જેવી જિંદગી ઈશ્વરે આપણને આપી છે તે જીવી જવાની હોય છે! જે નથી મળ્યું એનો અફસોસ કરવા કરતાં જે મળ્યું છે; એ સાથે મળીને શણગારવાની હોય છે. ફેઈસબુક પર એક ગરીબ ચીંથરેહાલ બાળકનો હસતો ફોટો કોઈએ મૂકેલો. શું સુખદુઃખ આપણે નક્કી કરતા હોઈએ છીએ? એ ગરીબ બાળક પાસે હસવાનું શું કારણ છે ? પણ હસે છે. સ્વીકારની ભાવના બતાવે છે. આનંદનો ડાયલોગ પણ યાદ આવી ગયો. ” બાબુ મોશાય, હમ સબ રંગમંચકી કઠપુતલીયા હૈ. હમારી ડોર ઉપરવાલેકે કે હાથમે હૈ; કબ કિસકી ડોર ખીચેગી ક્યાં પતા !” બસ તો આપણી કોઈ પસંદગી નથી. જે ઈશ્વર આપણા માટે નક્કી કરે એ રીતે જીવી જવાનું હોય છે. પણ ખરાબ કામ કરવું હોય તો એ તમારી પસંદગી છે.

    આવે કદી હોંશે અહીં, ઇચ્છા ઘણી સપના લઈ,
    માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે.

    ઈચ્છાઓ પ્રગટે અને ઈચ્છાઓ પણ ક્યાં બધી પૂરી થાય છે? ઈચ્છાઓ સપના જગાવે છે! પણ ધાર્યું તે ધણીનું થાય એમ દરેક ઈચ્છાઓ પણ પૂરી થતી નથી. અંગ્રેજીમાં એક કહેવત છે કે Man proposes and God disposes !માણસ ઈચ્છા પ્રગટ કરે છે અને ઈશ્વર એનો નાશ કરે છે . જિંદગી ફૂલોની સેજ નથી. હર કદમ એક નયા ઈમ્તેહાન હૈ!

    ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
    પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.

    વળી આશ્વાસનરૂપે કવયિત્રી કહે છે કે તમે ઇન્સાન, ભગવાન કે કિસ્મતને દોષ ના દો! જિંદગીને તમારે પળ પળ દુલ્હનની જેમ સત્કારવાની હોય છે. જે નથી મળ્યું એના માટે કોને દોષ દેવો? કિસ્મત લખવાવાળાને? કે પછી ઘરના માણસોને જેમણે તમારા માટે નિર્ણય લીધા છે એને? કે પછી ભગવાનને? પણ જે તમારા નસીબમાં છે એ તો તમને મળવાનું જ છે. તો પછી દોષ શા માટે? અને ઘણીવાર મરજીનું મળી જાય તોય એ લાંબુ ચાલતું નથી તો પછી કોને દોષી માનવા?

    જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
    કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.

    વરસાદ પહેલાનું દૄશ્ય કેવું સોહામણું લાગતું હોય છે ! આભ અને વાદળ જાણે એકબીજામાં સમાઈ જવા માગતા હોય એવું લાગે છે ! બંને ભેગા થઈને સૂરજને ઢાંકી દે છે. જાણે જન્મોજન્મની પ્રીત ! પણ થોડીવારમાં આકાશમાંથી અનરાધાર વરસાદ તૂટી પડે છે. આકાશ સ્વચ્છ નિર્મળ થઇ જાય છે. વાદળી સાથ છોડી દે છે! ફરી એજ જૂનો પ્રેમ સૂરજ અને ચાંદ આવી પહોંચે છે. વાદળી તરછોડીને ચાલતી થાય છે! જે સંબંધ ક્ષણિક હોય તેનો શો ભરોસો કરવો?

    બાંધી મૂઠી છે લાખની, ખોલી રહો તો રાખની,
    શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.

    કોઈનું રહસ્ય એ આપણી અમાનત છે. કોઈએ કહેલી વાત આપણા હૃદયમાં અકબંધ રહેવી જોઈએ. જ્યા સુધી એ વાત હૃદયમાં છે એની કિંમત છે; પણ જેવી વાત બહાર આવી એવી એ વાત રાખની થઈ જશે. એટલે જિંદગીમાં ઉતાવળિયા પગલાં ભરવા કરતાં શાંતિથી કામ લેવું સારું ! શાંતિની રેખા સરજાવવાની હોય છે.

    પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
    બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ?

    જે લોકોને જીવનનો અર્થ મળી ગયો એ લોકો જીવનમાં સફળતા મેળવી ગયા. જેમકે પથ્થર જેવા પથ્થર પણ દેવાલયે જઈને ઉચ્ચ સ્થાન પામી પૂજાઈ ગયા. પણ જે લોકો જીવિત છે; છતાં જેવું જીવન મૃત કરતા પણ વધારે ખરાબ છે એ લોકો વિષે શું કહેવાનું?

    હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
    ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.

    મક્તાના શેરમાં કવયિત્રી પોતાની પાસે જે કાંઈ છે ખુશી કે સમૃદ્ધિ છે, બધું ખોબો કરીને રાખવાની વાત કરે છે. આ બધું જ- ખુશી સમૃદ્ધિ બધું વહેંચવાનું હોય છે. અપને લિયે જીયે તો ક્યાં જીયે ! બધાને સાથે લઈને ચાલીએ તો આ વિશ્વ કેવું રૂપાળું બની જાય? શું આપણા ઘરે કામ કરતી બાઈ હોય કે મોહલ્લામાં રમતો ફાટેલાં કપડાં પહેરેલો દીકરો હોય. એ લોકોના માથા પર પ્રેમથી હાથ મૂકો એની ભૂરી આંખોમાં આંસુ સાથે સ્મિત દેખાશે! ઈશ્વર તો બધાને આપવા બેઠો છે પણ પોતે નથી આપતો. લોકો પાસે અપાવે છે. શું ખબર કદાચ તમે એ લકી વ્યક્તિ હો!

    આભાર દેવિકા, સુંદર ગઝલ માટે!


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • આઝાદ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી – કેટલીક રસપ્રદ વાતો

    ભારતમાં લોકસભાની ચૂંટણી ૧૯૫૧થી કરાવાઈ રહી છે. અત્યાર સુધી દેશમાં લોકસભાની ૧૭ ચૂંટણી યોજાઈ ચૂકી છે. ભારતનું ચૂંટણીપંચ આનું આયોજન કરાવે છે.

    દેશની પ્રથમ ચૂંટણી માત્ર ચૂંટણી નહોતી. કસોટીની મુશ્કેલ ઘડી હતી. વિશ્વ ભારત તરફ મીટ માંડીને બેઠું હતું. એવો દેશ કે જ્યાંની ૮૫% વસતીએ સ્કૂલ જોઇ પણ નહોતી. જ્યાં મહિલાઓની ઓળખ તેમના નહીં પણ પતિના નામથી થતી હતી. આવા દેશે તેની પ્રથમ સરકાર ચૂંટવાની હતી. આ મુશ્કેલ કામની જવાબદારી સુકુમાર સેનને મળી. દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર, જેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીનું આખું માળખું ઊભું કર્યું.

    કુલ મતદારો ૧૭.૬ કરોડ હતા. આ એ લોકો હતા કે જેઓ ૨૧ વર્ષથી વધુ વયના હતા. પહેલી વાર આખા દેશમાં ઉંમર, જાતિના આધારે મતદારોનો ડેટાબેઝ તૈયાર થયો. દેશભરમાં અંદાજે ૧૬,૫૦૦ ક્લાર્કને ૬ મહિના માટે કોન્ટ્રાક્ટ પર રખાયા.

    જે લોકોએ પ્રાથમિક શિક્ષણ પણ મેળવ્યું નહોતું તેમને મત આપવાનું સમજાવવું મુશ્કેલ કામ હતું. દેશનાં ૩ હજારથી વધુ થિયેટરોમાં ફિલ્મ દરમિયાન ડોક્યુમેન્ટ્રી બતાવાતી, જેમાં મત કેવી રીતે આપવો તે સમજાવાતું હતું.

    બીજો મોટો સવાલ હતો કે મતદાર તેની પસંદનો ઉમેદવાર કેવી રીતે ચૂંટશે? તેનો ઉકેલ એવો નીકળ્યો કે દરેક ઉમેદવારની મતદાન પેટી અલગ હશે. મતદાર પેટી પર પક્ષનું પ્રતીક જોઇને પોતાનો મતપત્ર તેમાં નાખશે.

    મહિલાઓ પડદામાં રહેતી. તેમની કોઇ ઓળખ નહોતી. એવામાં મતદારયાદીમાં નામ ઉમેરાયાં ત્યારે મહિલાઓનાં નામ કંઇક આ રીતે લખાયાં… રામુની મા, ઇમરાનની જોરુ…  આવા ૨૮ લાખ નામ હટાવ્યા.

    અભણ મતદારોને કેવી રીતે ખબર પડશે કે તેમનો ઉમેદવાર કોણ છે એ પણ એક મોટો  પડકાર હતો. તેથી પક્ષોને ચૂંટણી પ્રતીક આપવાનો વિચાર આવ્યો. તમામ ૧૪ રાષ્ટ્રીય પક્ષોને પ્રતીક અપાયાં.

    પ્રથમ ચૂંટણી ૪૫૦૦ બેઠક પર થઇ હતી. ૪૮૯ લોકસભાની, બાકીની રાજ્યોની સરકારોની.

    પ્રથમ લોકસભા ચૂંટણી માટે ગોદરેજ કંપનીએ મુંબઈનાં વિક્રોલી વિસ્તારમાં એક ગામ ભાડે લઈ તેમાં તંબુ બનાવી રાત-દિવસ મતપેટી બનાવવાનું શરૂ કર્યુ. આ કામ માટે કુલ ૮૨૦૦ ટન સ્ટીલ વપરાયું હતું. કુલ ૧૬ લાખ બેલેટ બોક્સ તૈયાર કર્યા હતા. એક બોક્સની કિંમત ૫ રૂ. હતી. રોજ ૧૫ હજાર બોક્સ બનતા.

    બેલેટ પેપર માટે ૪ લાખ પેપર રેમ્પ બનાવીને ૬૨ કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા હતાં. મતદાન માટે ર.૨૪ લાખ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતાં.

    એક વ્યક્તિ એકથી વધુ વોટ ન આપી શકે તે માટે અવિલોપ્ય શાહી તૈયાર કરાઇ. પ્રથમ ચૂંટણીમાં આ શાહીની ૩,૮૯,૮૧૬ શીશી વપરાઇ હતી.

    કુલ ૧૦.૭૦ કરોડ મતદારોએ પોતાનો મતદાનનો હક્ક બજાવ્યો હતો. સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન કેરળ રાજ્યનાં કોટ્ટયયમ સસંદીય બેઠક પર ૮૦ ટકા નોંધાયું હતું. જ્યારે મધ્યપ્રદેશની શહદોઈ સસંદીય બેઠક પર સૌથી ઓછું ૧૮ ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું.

    તે સમયની રાજ્યવ્યવસ્થામાં કિન્નોર સહિતના હિમાલીયન વિસ્તારોમાં ઠંડી અને હિમવર્ષાને ધ્યાનમાં રાખીને અગાઉથી મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેથી ત્યાં ૨૫ ઓક્ટોબર, ૧૯૫૧ ના રોજ મતદાન થયું હતું. તે સમયે પ્રથમ મતદાન કરવા કરીને, હિમાચલ પ્રદેશના કિન્નોરના રહેવાસી શ્યામ સરન નેગી સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર બન્યા હતા. તેમણે તેમના જીવનકાળમાં ૩૩ વખત મતદાન કર્યું હતું. જેમાં તેમણે બેલેટ પેપરથી ઇવીએમનું જે પરિવર્તન આવ્યું તે પણ જોયુ હતુ.

     


    વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત

  • કોઈનો લાડકવાયો – (૪૭) કાકોરી કાંડઃ રામપ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ, રોશન સિંઘ અને રાજેન્દ્ર લાહિડીની શહાદત

    દીપક ધોળકિયા

    ચોરી ચૌરાની ઘટના પછી ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનાથી દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યું. આની અસર એ થઈ કે લોકો સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વળવા લાગ્યા. ચોરી ચૌરા પછી માત્ર ત્રણ વર્ષમાં કાકોરી કાંડ સર્જાયો જે આપણા ઇતિહાસમાં એક સીમાચિહ્ન છે.

    કાકોરી લખનઉની પાસેનું એક નાનું ગામ છે, પરંતુ રામ પ્રસાદ બિસ્મિલ અને એમના બહાદુર સાથીઓએ એને ભારતના ઇતિહાસમાં અમર બનાવી દીધું છે.

    ૧૯૨૫ની નવમી ઍપ્રિલની રાત. ૮-ડાઉન કાકોરીથી પસાર થવાની છે. એમાં સરકારી ખજાનો છે. આઉટર સિગ્નલ પાસે કોઈએ સાંકળ ખેંચતાં ટ્રેન ઊભી રહે છે. અંધકાર સાંયસાંય કરે છે, એનો લાભ લઈને કેટલાક ‘ધાડપાડુઓ’ ટ્રેન પર ત્રાટકે છે. મુસાફરોમાં બૂમાબૂમ મચી છે – ત્યાં તો ટ્રેનના સેકંડ ક્લાસના ડબ્બામાંથી બે-ત્રણ જણ ઊતરે છે. એ હતા, અશ્ફાકુલ્લાહ, સચીન્દ્રનાથ બખ્શી અને રાજેન્દ્ર લાહિડી. એ જ વખતે ગાર્ડ પણ કયા ડબ્બામાં સાંકળ ખેંચાઈ તે જોવા નીચે ઊતરે છે. બે ક્રાન્તિકારીઓ એના પર હુમલો કરીને એને પાડી દે છે અને એના પર બેસી જાય છે. બીજા બે એન્જિનમાં ચડીને ડ્રાઇવરને નીચે ઉતારીને જમીનસોતો દબાવી દે છે. બે ક્રાન્તિકારીઓ ટ્રેનના બન્ને છેડે ગોઠવાઈ જાય છે અને હવામાં ગોળીબાર કરે છે. તે સાથે બૂમો પાડતાં મુસાફરોને કહે છેઃ “ગભરાઓ નહીં, અમે આઝાદી માટે લડીએ છીએ, ક્રાન્તિકારીઓ છીએ. તમારાં જાનમાલ સલામત છે, પણ કોઈએ બારીમાંથી ડોકું બહાર કાઢવાનું નથી…”

    ચાર જુવાનો ગાર્ડના ડબ્બામાં ચડે છે, ત્યાંથી તિજોરી નીચે ઉતારે છે. એમાં ઉપર મોટું ઢાંકણું એવું છે કે અંદર નાખી શકાય પણ અંદરથી બહાર કંઈ કાઢી ન શકાય. જૂથમાં સૌથી તાકાતવાન અશ્ફાકે તિજોરી પર ઘણના ઘા મારવાનું શરૂ કર્યું. ત્યાં તો લખનઉ તરફ જતી બીજી એક ટ્રેનની સીટી સંભળાઈ. બધા સ્તબ્ધ થઈ ગયા. એ ટ્રેન એમણે આંતરેલી ટ્રેન સાથે અથડાય તો? બિસ્મિલ સૌના નેતા હતા. બધા એમની સામે જોવા લાગ્યા. બિસ્મિલે સૌને ગોળીબાર બંધ કરવાનો આદેશ આપ્યો. તિજોરી ઉપર ઘણ ચલાવવાનું બંધ પડી ગયું. ટ્રેન પસાર થઈ ગઈ, તે પછી અશ્ફાકે ઢાંકણું તોડી નાખ્યું અને પૈસાની કોથળીઓ લઈને બધા નાસી છૂટ્યા. એ ક્રાન્તિવીરો હતાઃ રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, અશ્ફાકુલ્લાહ, રાજેન્દ્ર લાહિડી, મન્મથનાથ ગુપ્ત, સચીન્દ્ર નાથ બખ્શી, મુરારી લાલ, કેશવ ચક્રવર્તી, બનવારી લાલ અને મુકુંદી લાલ.

    સરકાર હેબતાઈ ગઈ. એકાદ મહિના સુધી ભારે શોધખોળ ચાલી પણ એક્કેય ક્રાન્તિકારી ઝડપાયો નહીં.

    દાદાનું શ્રાદ્ધ!

    હવે બિસ્મિલમાં હિંમત વધી. એમણે બધા ક્રાન્તિકારીઓને એકઠા કરવાનું નક્કી કર્યું. સૌને અંગ્રેજીમાં પત્ર લખ્યોઃ “અમે કુશળ છીએ. કદાચ તમે જાણતા હશો કે અમારા દાદાનું શ્રાદ્ધ ૧૩મી તારીખ, રવિવારે છે. તમારે આવવાનું જ છે… તમારો રુદ્ર”! બિસ્મિલ ક્યારેક રુદ્ર લખતા, તો ક્યારેક મહંત અને ક્યારેક આનંદ પ્રકાશ પરમ હંસ.

    બધા ક્રાન્તિકારીઓ બિસ્મિલના “દાદાના શ્રાદ્ધ” માટે એકઠા થયા અને મોટાં શહેરોની પોસ્ટ ઑફિસો લૂંટવાનું નક્કી કર્યું. પણ એનો અમલ કરે તે પહેલાં ૨૫મી સપ્ટેમ્બરની રાતે કલકત્તા, આગરા, અલ્હાબાદ, બનારસ. એટા, કાનપુર, હરદોઈ, મેરઠ, લખીમપુર, લખનઉ, મથુરા, શાહજહાનપુર, લાહોર, ઓરાઇયા, રાયબરેલી, પુણે, લાહોર વગેરે કેટલાંય સ્થળે પોલીસે છાપા મારીને ૪૦ જેટલા ક્રાન્તિકારીઓને પકડી લીધા. એક શિવ વર્મા પોંડીચેરી ભાગી છૂટ્યા હતા એટલે એ હાથમાં ન આવ્યા. ચંદ્રશેખર આઝાદ તો કદી પકડાયા જ નહીં, છેવટે અલ્હાબાદના એક બાગમાં પોલીસ સાથેની ઝપાઝપીમાં શહીદ થયા.

    અશ્ફાક અને રાજેન્દ્ર લાહિડી પણ તરત હાથમાં ન આવ્યા. અશ્ફાક તો એક રાતે એમના જૂના મિત્રના ઘરે પહોંચી ગયા હતા. એણે અશ્ફાકનું ભાવભીનું સ્વાગત કર્યું પણ બીજી જ સવારે પોલીસના હાથે પકડાવી દીધા અશ્ફાકુલ્લાહ અને સચીન્દ્ર બખ્શી પકડાયા ત્યારે કાકોરી કેસ પૂરો થયો હતો, પણ એમનાં નામો એમાં જોડી દઈને આખો કેસ ચલાવવામાં આવ્યો. રાજેન્દ્ર લાહિડીને દક્ષિણેશ્વર બોમ્બ કેસમાં સજા થઈ હતી. (આના વિશે ખાસ લેખ હવે પછી).

    બે વર્ષ કેસ ચાલ્યો, એમના બચાવ માટે મોતીલાલ નહેરુની આગેવાની નીચે નામાંકિત વકીલોની એક ટીમ બનાવવામાં આવી, જેમાં, ગોવિંદ વલ્લભ પંત, આચાર્ય નરેન્દ્ર દેવ, શ્રીપ્રકાશ, અને ચંદ્રભાન ગુપ્તા હતા. કુલ ૨૪ આરોપીઓ હતા. એમાંથી બે સરકારી સાક્ષી બની ગયા, એટલે છૂટી ગયા પણ બીજા બધાને સજાઓ થઈ; કોઈને પાંચ વર્ષ, તો કોઈને આજીવન કેદ. બિસ્મિલ કાકોરી કાવતરાના મુખ્ય સૂત્રધાર હતા એટલે એમને દેહાંત દંડ આપવામાં આવ્યો, એમના નજીકના સાથીઓ અશ્ફાકુલ્લાહ, ઠાકુર રોશન સિંઘ અને રાજેન્દ્ર લાહિડીને પણ મોતની સજા કરવામાં આવી. રોશન સિંઘ કાકોરી કાંડમાં નહોતા પણ તે પહેલાં બમરોલીમાં ક્રાન્તિકારીઓએ લૂંટ કરી તે વખતે એક માણસ રોશનસિંઘના હાથે મરાયો હતો એટલે પોલીસે એમને તો ફાંસીએ લટકાવવાનો મનસૂબો કરી રાખ્યો જ હતો અને જજ પણ બીજા કોઈનું સાંભળે તેમ નહોતો. સચીન્દ્રનાથ સન્યાલ અને સચીન્દ્ર બખ્શીને કાળા પાણીની સજા થઈ, જ્યારે મન્મથનાથ ગુપ્તને ૧૪ વર્ષની સજા કરવામાં આવી.

    રામપ્રસાદ બિસ્મિલ

    કાકોરી કાવતરાના સરદાર તરીકે બિસ્મિલ માટે મોત નિશ્ચિત હતું જ. એમણે દયાની અરજીઓ કરી પણ મોતના ડરથી નહીં, અથવા તો પોતાનું લક્ષ્ય છોડી દેવા માટે નહીં. ઘણા તો તાજના સાક્ષીના બનીને છૂટી ગયા હતા, તો કેટલાયે તો ઉપરાઉપરી માફીના પત્રો મોકલીને અંગ્રેજોને હંમેશાં ટેકો આપવાનાં વચનો આપ્યાં. આવા ‘વીર’ પછી કોંગ્રેસને જ ગાળો ભાંડવા લાગ્યા. બિસ્મિલને લાગ્યું કે હમણાં મરવાની નહીં, સંઘર્ષ ચાલુ રાખવાની ઘડી છે. એમને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગથી પણ નિરાશા થવા માંડી હતી. એમને લાગતું હતું કે આ માર્ગ ખોટો છે. ફાંસીના ચાર દિવસ પહેલાં, ૧૫મીએ એમણે લખ્યું:

    અપીલ કરવા પાછળ એક કારણ પણ હતું કે ફાંસીની તારીખમાં ફેરફાર કરાવીને હું નવયુવકોનું જોશ જોઉં. એમાં હું નિરાશ થયો….મેં બહાર નીકળવા ઘણા પ્રયત્ન કર્યા પણ બહારથી કોઈ મદદ મળી. અફસોસ તો વાતનો છે કે જે દેશમાં આટલું મોટું ક્રાન્તિકારી જૂથ ઊભું કરી દીધું ત્યાં મારી પોતાની રક્ષા માટે મને એક પિસ્તોલ પણ મળી. કોઈ યુવાન મારી મદદ માટે આગળ આવ્યો. યુવાનોને મારે વિનંતિ છે કે જ્યાં સુધી બધા ભણીગણી લે ત્યાં સુધી ગુપ્ત પાર્ટીઓ તરફ કોઈ ધ્યાન આપે. દેશસેવાની ઇચ્છા હોય તો છતું કામ કરે. શેખચલ્લીના કિલ્લા બાંધતાં પોતાના જીવનને આફતમાં ન નાખે.”

    બિસ્મિલના જીવનની અંતિમ સવારે, ૧૯મી ડિસેમ્બરે એમનાં માતા એમને જેલમાં મળ્યાં ત્યારે બિસ્મિલની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. પણ માતા દૃઢ હતાં. એમણે બિસ્મિલને હરિશ્ચંદ્ર અને દધીચિની યાદ અપાવી અને ચિંતા કે પસ્તાવો ન કરવાની સલાહ આપી. બિસ્મિલે જવાબ આપ્યો,” હું મોતથી નથી ડરતો. ચિંતા કે પસ્તાવોય નથી પણ આગ પાસે ઘી રાખો તો પીગળી જ જાય, મા, તમારો અને મારો સંબંધ એવો જ છે; આંસુ તો આવી જ જાય ને!”

    એ જ સાંજે એમને ફાંસી આપવામાં આવી. તખ્તા પર ચડતાં બિસ્મિલે પોતાની અંતિમ ઇચ્છા જાહેર કરીઃ “બ્રિટિશ સામ્રાજ્યનો નાશ થાય એ જ મારી અંતિમ ઇચ્છા છે!” પછી એ એમનો માનીતો શેર બોલ્યાઃ

    જબ ન અગલે વલવલે હૈં, ઔર ન અરમાનોં કી ભીડ
    એક મિટ જાને કી હસરત અબ દિલબિસ્મિલ મેં હૈ

    ઠાકુર રોશનસિંઘ

    ઠાકુર રોશન સિંઘને અલ્હાબાદની નૈની જેલમાં ફાંસી અપાઈ. કાકોરીની ઘટના સાથે એમને કંઈ સંબંધ નહોતો. પણ એનાથી પહેલાંની એક ઘટનામાં એક માણસ એમની  ગોળીનો શિકાર બન્યો હતો. પોલીસે એમનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. એટલે એમને ફસાવવા, માટે પોલીસે એમને કાકોરી કાંડમાં પણ જોડી દીધા. ૧૩મી તરીખે એમણે પોતાના મિત્રને પત્ર લખ્યોઃ “આ અઠવાડિયાની અંદર ફાંસી મળશે… તમે મારા માટે જરાય દુઃખી ન થજો….”

    એ કવિ પણ હતા પત્રના અંતે એમણે શેર લખ્યોઃ

    ઝિંદગી ઝિંદાદિલી કો જાન,અય રોશ
    વર્ના કિતને મરે, ઔર પૈદા હોતે જાતે હૈં.

    રાજેન્દ્ર લાહિડી

    રાજેન્દ્ર લાહિડીને ઉત્તર પ્રદેશના ગોંડાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સમાચાર મળ્યા કે એમની અરજી નામંજૂર થઈ છે. એમણે ૧૪મી તારીખે પત્ર લખ્યો કે તમે લોકોએ અમને બચાવવાની બહુ મથામણ કરી પરતુ દેશની બલિવેદી પર અમારા પ્રાણના બલિદાનની જ જરૂર છે એવું લાગે છે. મૃત્યુ શું છે? જીવનની બીજી દિશા સિવાય કંઈ નહીં… એમને ફાંસી ૧૯મીએ જ આપવાની હતી પણ બે દિવસ પહેલાં આપી દેવાઈ.

    ફાંસી માટે લઈ જતા હતા ત્યારે હાથકડી પહેરાવવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે એમણે કહ્યું, “એની શી જરૂર છે? મને રસ્તો દેખાડતા આગળ ચાલો, હું આવું જ છું.” એ પોતે જ ગયા અને ફાંસીના માંચડે હસતા મોઢે લટકી ગયા.

    અશ્ફાકુલ્લાહ

    ખરેખર તો અશ્ફાકુલ્લાહના મોટા ભાઈ રામપ્રસાદ બિસ્મિલના મિત્ર હતા પણ એમના વ્યક્તિત્વે અશ્ફાકને પણ આકર્ષી લીધા. એ પણ એક શાયર-દિલ આદમી હતા. એમણે લખ્યું છેઃ

     जाऊंगा खाली हाथ लेकिन यह दर्द साथ जाएगा
    जाने किस दिन हिंदोस्तां आजाद वतन कहलाएगा?
    बिस्मिल हिंदू हैं, कहते हैं, “फिर आऊंगा, फिर आऊंगा
    फिर आकर भारत माता तुझको आज़ाद कराऊंगा
    जी करता है मैं भी कह दूं पर मज़हब से बं जाता हूं
    मैं मुस्लिम हूं पुनर्जन्म की बात नहीं कर पाता हूं
    हां, खुदा अगर मिल गया कहीं अपनी जोली फैला दूंगा
    और जन्नत के बदले उससे एक  पुनर्जन्म ही माँगूंगा।

    એમના જીવનના છેલ્લા દિવસનું વિવરણ ભગતસિંહના શબ્દોમાં –

    ફાંસીથી એક દિવસ પહેલાં એમની સાથે મુલાકાત થઈ. ખૂબ શણગાર્યા હતા. મોટા લાંબા કાતરેલા વાળ શોભતા હતા, હસી હસીને વાતો કરતા હતા. એમણે કહ્યું, કાલે મારી શાદી છે. બીજા દિવસે સવારે વાગ્યે એમને ફાંસી આપી દેવાઈ. કુરાન શરીફની થેલી લટકાવીને હાજીઓની જેમ વજીફો પઢતા હિંમતથી નીકળી પડ્યા. તખ્તા ઉપર આગળ વધીને એમણે દોરડાને ચૂમી લીધું…”

    બિસ્મિલ અશ્ફાક માટે લખે છેઃ

    અશ્ફાકુલ્લાહને સરકાર રામપ્રસાદનો જમણો હાથ કહે છે. ચુસ્ત મુસલમાન અશ્ફાક રામપ્રસાદ જેવા ચુસ્ત આર્યસમાજીનો ક્રાન્તિમાં જમણો હાથ બની શકતો હોય તો ભારતના હિંદુમુસલમાન આઝાદી માટેએક થઈ શકે?…હવે કોઈની કહેવાની હિંમત હોવી જોઈએ કે મુસલમાનોનો ભરોસો કરવો જોઈએ. પહેલો અનુભવ હતો તે પૂરો થયો….હવે દેશવાસીઓને એક વિનંતિ કે અમારા મરવાનો જો તમને જરાક પણ અફસોસ હોય તો, ગમે તેમ થાય હિંદુ અને મુસલમાનો એકતા સ્થાપે…”

    ૦-૦-૦

    સંદર્ભ:

    ૧. ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી પ્રકાશિત પુસ્તક “કરજો યાદ કોઈ ઘડીઃ શહીદોના પત્રો” (ISBN 81-230-0663-2 ઑગસ્ટ ૧૯૯૮, અનુવાદઃ દીપક ધોળકિયા)
    ૨. liveindia.com/freedomfighters/kakori
    ૩. https://en.wikipedia.org/wiki/Kakori_conspiracy


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી