-
શાળા-કોલેજોમાં ભણાવાતા ઈતિહાસમાં થતા વિલોપન
નિસબત
ચંદુ મહેરિયા
ઈતિહાસ આમ તો લિબરલ આર્ટ્સનો વિષય છે પરંતુ કોઈપણ દેશકાળના રાજનેતાઓની અડફેટે તે ચડતો રહે છે અને પોલિટિકલ બની જાય છે. આપણા દેશના રાજનેતાઓ ઈતિહાસને તોડી મરોડીને ભણાવાય તેના ખેલ કરવામાં પહેલાં કે અપવારૂપ નથી. દુનિયાના ઘણા દેશોમાં ઈતિહાસના પાઠ્ય પુસ્તકો અને પાઠ્યક્રમમાં રાજકર્તાઓની મરજી મુજબના ફેરફારો કરવામાં આવે છે. શાળેય શિક્ષણમાં ઈતિહાસ એક મહત્વનો વિષય છે પરંતુ બાળકો-કિશોરોને ભણાવાતા ઈતિહાસમાંથી રાજનેતાઓની રાજકીય વિચારધારા, સમજ કે ઈચ્છા મુજબ વિલોપન થતા રહે છે. ઈતિહાસમાં ભૂતકાળની ઘટનાઓનું સાધાર આલેખન થતું હોય છે. જોકે કોઈનેય પોતાનો કલંકિત ભૂતકાળ મિન્સ ઈતિહાસ ગમતો નથી.સાચો-ખોટો ગૌરવાન્વિત ઈતિહાસ જ ગમે છે અને તે જ બીજાઓને કહેવો છે.
વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા નગર પર અણુબોમ્બ ફેંકી વિનાશ વેર્યો હતો. જેની અસર હજુ ગઈ નથી. પણ અમેરિકાના ઈતિહાસમાંથી આ બાબતની હંમેશા બાદબાકી કરવામાં આવે છે. બ્રિટિશ સામ્રાજ્યનો ઈતિહાસ આક્રમક, વિસ્તારવાદી અને રંગભેદનો છે. જેણે વિશ્વના ઘણા દેશોમાં અન્યાય, અત્યાચાર, યુધ્ધ અપરાધ અને હિંસા આચરી હતી. બ્રિટિશ બાળકોને બ્રિટિશ સામાજ્યનો આ ઈતિહાસ ભણાવાતો નથી. બ્રિટનના પાઠ્યપુસ્તકોમાં ગાંધીજીનું આલેખન હંમેશા પડકારજનક અને કસોટી કરનારું રહ્યું છે.પાકિસ્તાનના શાળેય અભ્યાસક્રમના ઈતિહાસના પુસ્તકોમાં પાકિસ્તાનના ઈતિહાસનો આરંભ આઠમી સદીથી જ થાય છે. શાસકો પાકિસ્તાનનો ઈતિહાસ આઠમી સદીમાં મોહંમદ બિન કાસિમે સિંધ પર આક્રમણ કર્યું, તે જીત્યું અને તેનો શાસક બન્યો તેનાથી કરવામાં ગૌરવ સમજે છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓને જે ઈતિહાસ ભણાવાય છે તેમાં હિંદુ રાજાઓ અને હિંદુઓને એ હદે ખરાબ દર્શાવ્યા છે કે નાનપણથી જ બાળકોના મનમાં નફરતના બીજ રોપાય છે. રાજકારણીઓને આધાર-પુરાવા વિનાના પણ લોકો વાહવાહી કરે, અને તેનું ખરું-ખોટું ગૌરવ લેતા ફરે તેવો જ ઈતિહાસ ભણાવવો છે. આમ કરવા પાછળ તેમની રાજકીય ગણતરીઓ હોય છે. બાળ કે કિશોર વયે વિધ્યાર્થીઓ જો આ પ્રકારનો ઈતિહાસ ભણે તો મોટપણે નાગરિક કે મતદાતા તરીકે રાજકર્તાઓની રાજકીય વિચારધારાને અનુરૂપ વર્તે છે.
ભારતમાં પણ ૨૦૧૪થી એનસીઈઆરટીના ઈતિહાસના પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકોમાં થતી બાદબાકી અને ઉમેરણ રાજકીય હોવાનો વિવાદ થતો રહ્યો છે. એ વિવાદમાં કેટલું તથ્ય છે તેની ચર્ચા ઘડીભર બાજુએ રાખીને ભણતરનો ભાર ઓછો કરવાના બહાને આપણે વિધ્યાર્થીઓને કઈ કઈ ઐતિહાસિક બાબતોથી અજાણ રાખવા માંગીએ છીએ તે જાણીએ તો આંચકો લાગે છે. લીલા ભેગુ સૂકું બળતું હશે કે ચોક્કસ ગણતરીસર હશે પણ ગયા વરસે એનસીઈઆરટીએ વિધ્યાર્થીઓ પરનો બોજો ઘટાડવા ઈતિહાસના પાઠ્યપુસ્તકમાંથી ઔધ્યોગિક ક્રાંતિ ભણાવવી રદ કરી હતી. છેલ્લી પચાસીના મહત્વના જનાદોલનોમાં દલિત પેન્થર, ચિપકો આંદોલન, માહિતી અધિકાર આંદોલન અને નર્મદા બચાવ આંદોલનને પણ પાઠવટો મળ્યો હતો.
ઈતિહાસ વિજેતાઓનો, વિજેતાઓ દ્વારા અને વિજેતાઓની નજરે લખાતો હોવાની છાપ છે. પરંતુ એમ કરવા જતાં તેમના પરાજયો પર સાવ જ ઢાંકપિછોડો કરવાનો ? ઈતિહાસનો એક અર્થ હિંદીમાં સાહિત્ય સંદર્ભે છે. તેનો અર્થ એ નહીં કે કવિતાઓ અને કિવદંતિઓ પરથી ઈતિહાસ લખવો. આ પ્રકારનું ઈતિહાસ લેખન મિથકોનું જાણે કે ઈતિહાસમાં રૂપાંતર કરે છે. આપણે આપણા પૂર્વજો અતીતમાં શું હતા તેનો ઈતિહાસ જાણવા, સમજવા,લખાવવાના બદલે આપણો ઈતિહાસ શું હોવો જોઈએ તે દ્રષ્ટિથી ઈતિહાસને જોઈએ છીએ.
સ્વતંત્રતા પછી ભારતમાં ઈતિહાસને તર્કસંગત, સાધાર અને વૈજ્ઞાનિક બનાવવાના ગંભીર પ્રયાસો થયા છે. જાણીતા ઈતિહાસકારો પાસેથી શાળા શિક્ષણના પુસ્તકો લખાવવામાં આવ્યા છે. પરંતુ હવે તેમાં રાજકીય વિચારધારાને અનુલક્ષીને ફેરફારો થઈ રહ્યા છે. ઘણાં ઈતિહાસકારો આ છેડછાડ અંગે અસંમત અને નારાજ છે પણ રાજનેતાઓ સામે લાચાર છે. એટલે વિધ્યાર્થીઓ પર બોજ ઘટાડવાના કારણ હેઠળ ઈતિહાસમાંથી અમુક પસંદગીની બાબતો રદ કરવામાં આવી છે.
રાજા-મહારાજાઓ, તેમના જયપરાજય અને સાલવારી એટલે ઈતિહાસ એવી વ્યાપક અને ઘણી સાચી છાપ છે. ઈતિહાસમાં સબાલ્ટન હિસ્ટ્રીના પ્રવેશ પછી લોકનો પ્રવેશ થયો છે. હવે રાજાઓ, નવાબો, અમીરો, રાણીઓ, યુધ્ધો, રાજદરબારો અને સાહ્યબીનો નહીં પણ જનસામાન્યના સુખ-દુખ ઈતિહાસનો ભાગ બન્યા છે કે જે વાસ્તવિક ઈતિહાસ છે.
ઈતિહાસને જોવાના, આલેખવાના અને મૂલવવાના કાટલાં પણ અગત્યના છે. જેવી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ તેવો ઈતિહાસ. કાળનું મનહૂસ અને ભવ્ય ચિત્રપટ એ જો ઈતિહાસ છે તો માનવતા, કોમીસોહાર્દ, લોક વચ્ચેનો આપસી ભાઈચારો ઈતિહાસનો ભાગ બનવો જોઈએ. રાજાની સાથે રૈયતનો ઈતિહાસ જો ન લખાય તો તે અપૂર્ણ ઈતિહાસ ગણાવો જોઈએ. આપણે શાહજહાં-મુમતાઝના પ્રેમના પ્રતીક એવા તાજમહેલને ઈતિહાસ ગણીએ તો આ સંગેમરમરનો જાદુ સર્જનારા અનેક કારીગરો અને શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં? તેવો સવાલ ઉઠવો જોઈએ.
ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓનો ઈતિહાસ તેમાં રહેલા વિરોધાભાસો સાથે આલેખાવો જોઈએ. નમૂના દાખલ ઈંગ્લેન્ડને ફાસીવાદથી બચાવનાર ચર્ચિલે ભારતમાં બ્રિટિશ રાજવટ હેઠળના બંગાળના લોકોને દુકાળમાં મરવા દીધા હતા કે મારી નાંખ્યા હતા. સ્વતંત્રતાના રક્ષકનો દાવો કરનાર અમેરિકા મધ્યપૂર્વના દેશોના શાસકોની તાનાશાહીનું સમર્થક છે અને આ એવા શાસકો છે જે ધાર્મિક કટ્ટર છે, ઉદારવાદનો તેમનામાં છાંટો પણ નથી અને મહિલા અધિકારોના વિરોધી છે. ગાંધીજી ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતાના સમર્થક હતા તેનો કોઈ ઈન્કાર કરી શકે નહીં પણ તેઓના દલિત અધિકારો માટે લડનારા ડો.આંબેડકર સાથેના મતભેદો અને વિવાદો કે તેમનું ખિલાફતને સમર્થનના વિરોધાભાસ વિના ગાંધીજીનું ઈતિહાસમાં આલેખન પૂર્ણ હોઈ શકે નહીં. ઈતિહાસના પુસ્તકોમાં વર્ણવ્યવસ્થા કે જ્ઞાતિ પ્રથાના આલેખનમાં જ્ઞાતિગત ક્રૂરતા અને સંસાધનો પર કોઈ એક જ જ્ઞાતિના આધિપત્ય અંગેના કુતર્ક ભણાવવામાં આવે છે. જ્ઞાતિવ્યવસ્થાનો પક્ષપાતપૂર્ણ ઈતિહાસ વિદ્યાર્થીઓને જ્ઞાતિગત ભેદભાવોથી મુક્ત રાખે તે રીતે લખાતો નથી.
ઈતિહાસનું જીવનમાં ખૂબ મહત્વ છે. ભૂતકાળની ઘટનાઓમાંથી સબક મેળવીને વર્તમાન અને ભવિષ્યને ઘડવાનું છે. શાળા કોલેજોના અભ્યાસક્રમ હેઠળ ભણાવવામાં આવતો ઈતિહાસ એકાંગી ન હોવો જોઈએ. પાઠ્ય પુસ્તકો તો સરકારનો સત્તાવાર સરકારી દસ્તાવેજ છે. તે ભેદભાવથી મુક્ત અને સરકારની સત્તા-શક્તિથી પર હોય તેવો ઈતિહાસ જો નહીં ભણાવાય તો વિદ્યાર્થીઓના મનમસ્તિષ્ક પર ભૂતકાળની ખોટી છાપ છોડશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઐતિહાસિક આઈકોન અને મલ્લિકા-એ-હુસ્ન
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
चाँदी जैसा रंग है तेरा, सोने जैसे बाल
एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल.
जिस रस्ते से तु गुज़रे, वो फूलों से भर जाए
तेरे पैर की कोमल आहट सोते भाग जगाये
जो पत्थर छू ले गोरी तू हीरा बन जाए
तू जिसको मिल जाए वो, हो जाए मालामालजो बेरंग हो उस पर क्या-क्या रंग जमाते लोग
तू नादान ना जाने कैसे रूप चुराते लोग
नज़रें भर-भर देखें तुझको आते-जाते लोग
छैल छबीली रानी थोडा घूँघट और निकालधनक घटा कलिया और तारे सब हैं तेरे रूप
ग़ज़लें हों या गीत हों मेरे सब में तेरा रूप
यू ही चमकती रहे हमेशा तेरे हुस्न कि धूप
तुझे नज़र ना लगे किसी कि, जिए हज़ारों सालમુમતાઝ રાશીદે લખેલી અને પંકજ ઉધાસે ગાયેલી આ નઝમ સાંભળીને મનરો જ યાદ આવે. હોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી મેરેલીન મનરો સૌદર્ય સામ્રાજ્ઞી અને રૂપની રાણી હતી. એના અદભુત અંગો સામે ચાંદ પણ શરમબ્હાવરો બની જતો.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી મલ્લિકા એ હુસ્ન મનરોની એક ઝલક જોવા લોકો પાગલ થતા.
માણસે અમરત્વ પામતા પહેલા એનું મૂલ્ય ચૂકવવું પડે છે, મૃત્યુ પહેલા અનેક વાર મરવું પડે છે. લોકો હંમેશા યાદ રાખે તેવો ભોગ આપવો પડે છે. એ ભોગ પ્રિય વ્યક્તિ, પરિવાર, પ્રેમ કે સપનાંનો પણ હોય. મેરેલીનના ચુંબકીય સૌદર્યને લીધે લોકો વરસો પછી આજે પણ એને યાદ કરે છે જેને અમરત્વ કહી શકાય. અનેક અભિનેત્રીઓ ન ભૂલી શકાય તેવું સૌદર્ય અને અનોખું વ્યક્તિત્વ ધરાવતી હોય, પરંતુ મેરેલીન જેવા સંકુલ વ્યક્તિત્વ સાથે અપ્રતિમ રૂપ ધરાવતી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હોય શકે. મેરેલીનના મૃત્યુને વર્ષો વીતી ગયા પછી પણ એના વસ્ત્રોની લીલામીમાં લોકો લાખો ડોલર ખર્ચીને એના વસ્ત્રો ખરીદવા પડાપડી કરતા, ઘેલા થતા. પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના જન્મદિન પર મેરેલિન મનરોએ પહેરેલા ડ્રેસની કિંમત એક લીલામીમાં ૧૨,૦૦૦ ડૉલર આંકવામાં આવી હતી. લીલામી વખતે નક્કી કરેલી રકમ કરતા એના અનેક ગણા વધુ રૂપિયા ચૂકવાયા હતા – રૂપિયા ૮ કરોડ ! યે બાત !
રશિયામાં એક વાર પગરખાંનો દુષ્કાળ પડ્યો. બધું મળે પણ ચપ્પલ, જોડાં, બૂટ, મોજડી, સેન્ડલ કે સ્લીપર કશું ન મળે. આ અતિશયોક્તિ હોય તો રામ જાણે પણ ત્યારે મોસ્કોના ભીડભાડવાળા વિસ્તારમાં સૌદર્યની સામ્રાજ્ઞી મેરેલીન મનરો બિલકુલ નગ્નાવસ્થામાં પણ પગમાં સેન્ડલ પહેરીને વિચરણ કરવા નીકળી. લોકો બધા અવાક્ બની માત્ર એના સેન્ડલને જોઈ રહ્યા !
મેરેલીનનું મૂળ નામ નોર્મા જીન બેકર હતું. ૧લી જૂન, ૧૯૨૬માં લોસ એન્જલસમાં એક સામાન્ય પરિવારમાં તે જન્મી હતી. માત્ર ૧૬ વર્ષની ઉંમરે મેરેલીનને એવા માણસ સાથે પરણાવી દેવામાં આવી જે એને બિલકુલ ચાહતો ન હતો. એ લગ્ન એકાદ વર્ષ જ ટક્યું હતું. એ પછી ૧૯૪૭માં એક ફોટોગ્રાફરની નજર મેરેલીન પર પડી. નોર્માની કેટલીક તસવીરો અમુક મેગેઝિન્સમાં છપાઈ પણ ખરી. જે જોઇને કેટલીક કંપનીઓએ તેને મોડેલ ગર્લ તરીકે પસંદ કરી. તેની મોડેલિંગની તસવીરો જોઈને એક કંપનીએ તેને ફિલ્મ માટે સાઈન કરી લીધી. તેના સંઘર્ષના સમયમાં તેણે કોઈ કેલેન્ડર માટે ન્યુડ પોઝ પણ આપ્યા હતા. ૧૯૫૦માં મેરેલીનની પહેલી ફિલ્મ ‘ધ આસ્ફાલ્ટ જંગલ’ રજૂ થતા એને એક બાહુબલી બ્રેક મળ્યો. ત્યાં સુધી એના ન્યુડ પોઝ વિશે કોઈ જાણતું ન હતું. ફિલ્મ રજૂ થયા બાદ એ વાત બહાર આવતા મેરેલીને કબુલ કર્યું હતું કે તેણીને પૈસાની જરૂર હતી એટલે એ પોઝ આપ્યો હતો.
બોલીવૂડની અત્યંત સુંદર અભિનેત્રી મધુબાલાને ‘ઇન્ડિયન મેરેલીન મનરો’નું ઉપનામ મળેલું હતું. મેરેલીન હયાત હતી ત્યારે એક પ્રખ્યાત મેગેઝિનમાં મધુબાલાનો મોટો ફોટો મૂકીને હેડિંગમાં લખ્યું હતું કે ‘ધી બીગેસ્ટ સ્ટાર ઇન ધી વર્લ્ડ – એન્ડ શી ઇઝ નોટ ઇન બેવરલી હિલ્સ’. ‘બેવરલી હિલ્સ’ એ પોશ વિસ્તાર છે જ્યાં હોલિવુડના મોટા મોટા સ્ટાર્સ રહે છે. એ મેગેઝિનમાં એમ પણ લખેલું હતું કે ભારતના છેલ્લા દસ વર્ષનો ઈતિહાસ લખવામાં આવે તો તેમાં મધુબાલાનો ઉલ્લેખ અનિવાર્યપણે કરવો પડે. ‘સિર્ફ નામ હિ કાફી’.
મેરેલીન કહેતી “કીર્તિ તમને પૂર્ણતા આપતી નથી. એ તમને હૂંફ આપે છે ખરી, પણ માત્ર થોડો સમય. કીર્તિને લાંબો સમય ટકાવી રાખવા તમારે સખત ઉદ્યમ કરવો પડે અને સમય પણ આપવો પડે.” એ માનતી કે કોઈ પણ છોકરીને યોગ્ય માવજત કે સ્થાન આપવામાં આવે તો તે વિશ્વ પર વિજય મેળવશે. એના મતે માણસે વૃદ્ધ થાય એ પહેલા કોઈ પણ જાતનો ડર છોડી ને જીવવું જોઈએ. ડરવું એ મૂર્ખાઈભર્યું છે. જે ડરે છે એને જીવનમાં અફસોસ સિવાય કશું જ મળતું નથી. તે કોઈને ખુશ કરવા નહીં પરંતુ સફળતા મેળવવા જીવી. તેના હસતા અને મેઇકઅપ કરેલા ચહેરા પાછળ એક નાનકડી બાળકી છુપાયેલી હતી જે હંમેશા આખી દુનિયાને ઈચ્છતી હતી. પ્રેમ ઈચ્છતી હતી. એ કહેતી “I’m the type of person that tries to fall back asleep in the morning just to finish a dream,” એ એટલી સૌદર્યવાન અને લોકપ્રિય હતી કે તેના શરીર પરના નાના તલની પણ તેના ચાહકોને જાણ કરાતી. જો કે પ્રચાર માધ્યમોના આવા વાવાઝોડાંના કારણે એના દિલને તો કોઈએ વાંચ્યું જ નહીં. જોયું જ નહીં. મેરેલીનના જીવન પરથી પ્રેરણા લઈને ફિલ્મમેકર મધુર ભંડારકરે કરીના કપૂરને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘હિરોઈન’ નામની ફિલ્મ પણ બનાવી હતી. એકવાર એક મુલાકાતમાં કેટરીના કેફને પૂછવામાં આવેલું કે ‘એવી કઈ ત્રણ હસ્તી છે કે જેની સાથે ડીનર લેવાની તને ઇચ્છા છે ?’ ત્યારે તેણે જે જવાબ આપ્યો તેમાં પી.એમ મોદી સાથે હોલીવુડની આ વિખ્યાત અભિનેત્રી મેરેલીન મનરો પણ સામેલ હતી.
પુરુષોને એક અલગ કલ્પનાલોક આપનારાં પ્લેબૉય મેગેઝીનના સ્થાપક હ્યુ હેફનરનું ૨૦૧૭માં અવસાન થયું. ૧૯૫૩માં ‘પ્લેબોય’નો પ્રથમ ઈશ્યુ બહાર પડ્યો ત્યારે એના કવર પેજના ફોટો માટે હેફનરે મેરેલીન પર પસંદગીનો કળશ ઢોળ્યો. પ્લેબોયની ઓળખ સમાન ન્યૂડ તસવીરો તો હંમેશા તેના દરેક અંકમાં છપાતી જ. પરંતુ પ્રથમ અંકમાં પ્રથમ ન્યૂડ તસવીર મેરેલીન મનરોની હતી. અને પહેલા અંકથી જ પ્લેબોયની લાખો નકલ ફટાફટ વેચાઈ ગઈ. આ પછીથી હેફનર મેરેલીનને હમેશ માટે લકી માનવા લાગ્યા. માત્ર ૩૬ વર્ષની નાની વયે મેરેલીનનું અવસાન થયું. પછીનાં ૩૦ વરસે લોસ એન્જલસના વેસ્ટવૂડ મેમોરિયલ પાર્કમાં કે જ્યાં મનરોની કબર છે ત્યાં હેફનરે પોતાની કબર માટે મોંઘો પ્લોટ ખરીદ્યો. હેફનરની ઇચ્છા મૂજબ એના મૃત્યુ પછી એમને ત્યાં જ દફનાવવામાં આવ્યા. આશ્ચર્યની વાત તો એ હતી કે જીવતા હતા ત્યારે મેરેલીન કે હેફનર ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા ન હતા. પણ હેફનર ઈચ્છતા હતા કે એમની કબર મેરેલીનની બાજુમાં જ કરવી. હવે મૃત્યુ પછી તેઓ હંમેશા સાથે જ છે.
મેરેલીન એ વખતના વિશ્વના સૌથી શક્તિશાળી એવા રાજકારણી અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીના પ્રેમમાં પાગલ હતી. ૧૯૫૪થી આરંભાયેલો આ પ્રણયસંબંધ ૧૯૬૨ સુધી ચાલ્યો. કેનેડી ત્યાં સુધી માત્ર સેનેટના સભ્ય હતા. ૧૯૬૨માં પ્રેસિડેન્ટ થયા પછી પોતાની પ્રતિષ્ઠા જાળવવા કેનેડી મેરેલીનને ટાળતા રહ્યા. મેરેલીન માટે કેનેડી વિના જીવવું અસહ્ય હતું. આથી ભગ્ન હૃદયી મેરેલીને ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈને ઓગસ્ટ, ૧૯૬૨માં આત્મહત્યા કરી અને તેની સઘળી યાતનાઓનો અંત આવ્યો. મેરેલીન અત્યંત સંવેદનશીલ હોવાને લીધે વારે વારે પ્રેમમાં પડતી અને પીડાતી. જ્યારે ખૂબ દુઃખી થતી ત્યારે ઊંઘની ટેબ્લેટ લઈને દિવસો સુધી ઊંઘ્યા કરતી. કેટલાય દિવસો સુધી શુટિંગમાં ન જતી. સંજય દત્ત પણ ડ્રગ્ઝના આદી હતા ત્યારે એ પણ દિવસો સુધી ઊંઘ્યા કરતો. તેની કારકિર્દી ખૂબ ટૂંકી નીવડી. કરુણતા તો એ હતી કે એ મૃત્યુ પામી પછી એનો મૃતદેહ લેવા પણ કોઈ આવ્યું ન હતું. હંમેશા પોતાની ફિલ્મના અંતમાં સૌને ખુશ કરતી મનરોના જીવનનો અંત આવો હશે એવી કલ્પના ન કરી શકાય ! અનિલ જોશીના શબ્દો સાથે વિરમીએ ‘હું તો અંધારે મોર બેઠી ભરવા ને મોરલો અધૂરો રહ્યો….. હું તો ગૂંચભર્યા દોરાનો ઢગલો ને મોરલો અધૂરો રહ્યો.’
ઇતિ
ઈશુને ખીલે જડ્યો,
સોક્રેટીસને ઝેર પાયું
અને ગાંધીને ગોળીએ દીધો.
પરંતુ હું કાંઈ આમ કમોતે મરીશ નહીં,
કારણ હું સત્યનો આગ્રહી જ નથી !-વિપિન પરીખ
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
બાંગ્લાદેશ : ભાગિયા બનીશું કે અભાગિયા?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
વંચિતોના વાણોતર, કહો કે દીનબંધુ મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશી પરિવર્તનના વડા સલાહકારની હેસિયતથી ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લઇ આક્રાન્ત હિંદુ બહુમતીને હૂંફવાની કોશિશ કીધી તે પછી તરતના કલાકોમાં આ લખી રહ્યો છું.
કેટલી ઝડપથી બની ગયા આ બનાવો! ઓગસ્ટ બેસતે છાત્ર યુવા આંદોલને કથિત અનામતનાબૂદી આંદોલનને વટી જતા વ્યાપક લોકશાહી આંદોલનનું સ્વરૂપ લીધું અને સન ૧૯૭૧ની બાંગ્લા સ્વરાજેલડતનું કેમ જાણે પુન:આવાહન થયું! ભ્રષ્ટાચાર અને સોબતી મૂડીવાદ તેમજ નાગરિક અધિકારો પરની ભીંસથી ગ્રસ્ત લોકશાહી વાસ્તે જાણીતાં શેખ હસીના વાજેદે રાજીનામું આપવાની નોબત આવી. પાંચમી ઓગસ્ટે આ બન્યું તે સાથે યુવા આંદોલન અને એના નેતૃત્વને લગારે ઇષ્ટ નહીં એવો એક લઘુમતી વિરોધી ઉદ્રેક ને ઉત્પાત અનુભવાયો. બાંગ્લાદેશમાં મુખ્ય દૈનિક તરીકે સ્થિત પ્રતિષ્ઠ ‘ડેઇલી સ્ટાર’ના દસમી ઓગસ્ટના અંકને મથાળે ચીખીને હેવાલ પથરાયો કે હસીના વાજેદનાં ગયાં પછીની અનવસ્થામાં હિંદુ વસ્તી-મિલકત-મંદિર પર ૨૦૫ હુમલા નોંધાયા છે. (હિંદુ સંગઠનનો આંકડો પણ આ જ છે.) પણ બે જ દિવસમાં (બારમી ઓગસ્ટ લગીમાં) સ્થિતિ એ થઇ કે ‘ડેઇલી સ્ટાર’ કને આ બાબતે છાપવા જેવા કોઇ સમાચાર નહોતા. ઢાકાથી શુભજીત રોયનો હેવાલ બોલે છે કે પાંચમી ઓગસ્ટે અમે જ યુવજનોને વિરોધ કૂચનું નેતૃત્વ કરતા જોયા હતા તે પૈકી કેટલાકને આજે (દસમી ઓગસ્ટે) હું રાજમાર્ગો પર ટ્રાફિક નિયમનની સ્વૈચ્છિક કામગીરીમાં મચી પડેલા જોઉં છું.
જે બધી તસવીરો વાઇરલ થઇ ને વિશ્વભરમાં ચક્રવૃદ્ધિ ગતિએ ઊંચકાઇ તે પૈકી કેટલીક ભળતાસળતા સ્ત્રોતોમાંથી ખેંચાયેલી, જુદાં જ સ્થળકાળની હોવાનુંયે ફેક્ટ ચેક થકી માલૂમ પડ્યું છે. જેમ હુમલા એક દુર્દૈવ વાસ્તવ હશે તેમ વાઇરલ વિષવંટોળ પણ એક વાસ્તવ છે. બળાત્કારની વૈશ્વિક ચકરડીભમરડી રમી ગયેલી એક તસવીર પૂર્વે મણિપુર ને ઇન્ડોનેશિયામાંય વપરાયેલી છે અને એનું પગેરું ૨૦૨૧માં પૂર્વ બેંગ્લુરુના રામમૂર્તિ નગર વિસ્તારમાં થયેલી એક બળાત્કારની ઘટના સંબંધે ત્રણ મહિલા સહિતના કુલ બાર બાંગ્લાદેશી તેમાં પકડાયેલાં છે! ફેક્ટ ચેક દરમિયાન બહાર આવેલી ભળતીસળતી તસવીરોની આખી દાસ્તાંમાં નહીં જતાં અહીં જે કહેવું પ્રાપ્ત થાય છે તે એ છે કે હિંદુ-ખ્રિસ્તી લઘુમતીઓ પર હુમલાનો એક દોર જેમ દુર્દૈવ વાસ્તવ છે તેમ એક મોટા લોકઉઠાવને કોઇ કોમી કાંડમાં ખતવી નાખવા ખેંચાઇ જઇએ તો એ મહાદુર્દૈવ લેખાશે.
હમણાં વિભાજનને વિભીષિકા તરીકે જોવું કે કારુણિકા તરીકે, એની ચર્ચા કરતી વેળાએ સ્વાભાવિક જ ૧૯૪૭ની જેમ ૧૯૭૧ ને પણ સંભારવાનું થયું હતું. સન એકોતેરે બંગબંધુ મુજિબના નેતૃત્વ તળે ત્યાંની મુક્તિવાહિની અને હિંદની લશ્કરી કુમક (ડિસે. ૩થી ડિસે. ૧૬, ૧૯૭૧) થકી આઝાદ બાંગ્લાદેશને ઉદયને જોયો. બાંગ્લાદેશ એ પ્રયોગ, એમ તો વીસમી સદીનાં આરંભ વર્ષોમાં જ રવીન્દ્રનાથની રચના, ‘આજી બાંગ્લાદેશેર હ્યિદોય’ કે કાઝી નઝરુલ ઇસ્લામની ‘નમો નમો બાંગ્લાદેશ મોમો’ સરખી રચનાઓથી સહજ સ્વીકૃતિ પામવા લાગ્યો હતો. બંગભંગની બ્રિટિશ પેરવી સામેના લોકઆંદોલને બંગાળી અસ્મિતાની એક મનોવૈજ્ઞાનિક સરસાઇ હિંદુ વિ. મુસ્લિમ સામસામી પર સ્થાપી હતી. આખો ઇતિહાસ તો ક્યાં ઉલેચું પણ અંગ્રેજ પૂર્વ સૈકાઓમાં શમ્સુદ્દીનની સલ્તનતના વારામાં બાંગ્લાશાહ એ પ્રયોગ પણ થયેલો છે. આ વાંચતી વેળાએ મને એ પણ સહજ સાંભરતું હતું કે ‘ગુજરાતી’ ઓળખ પ્રયોગને વિશેષ માન્યતા અહમદશાહને આભારી છે. દિલ્હી સલ્તનતથી સ્વતંત્ર ઓળખ આગળ કરવા માટે એ આગ્રહપૂર્વક ‘ગુજરાતી’ એવો પ્રયોગ કરતા.
પાછો, તવારીખમાં નજીક આવું તો, ૧૯૪૭માં જ્યારે પાકિસ્તાન-હિંદુસ્તાન ચાલ્યું ત્યારે એક તબક્કે શરતચંદ્ર બોઝ (સુભાષચંદ્ર બોઝના ભાઇ) અને હસન સુહરાવર્દી (ભાગલા પૂર્વ બંગાળના મુખ્યપ્રધાન) વગેરેએ સ્વતંત્ર બંગાળની હિમાયત કરી હતી, જાણે બંગભંગ ચળવળનું પુન:આવાહન! ખેર. પાકિસ્તાનના ઉદય સાથે ઝીણા નેતૃત્વે ને પંજાબી લોબીઓ પૂર્વ પાકિસ્તાન પર ઉર્દૂ લાદવાની કોશિશ કરી ત્યારે છાત્રયુવા બલિદાન સાથે એક નવસંચાર શરૂ થયો. ૨૧મી ફેબ્રુઆરી જે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ મનાવાય છે એના સગડ તમને તે તારીખે થયેલા છાત્ર બલિદાનમાં મળશે. આ દિવસે જેમ દેશભાષા સંભારાય છે તેમ, યુનેસ્કોએ એની સાથે મૂળભૂતપણે જોડેલો ખયાલ ભાષિક ને સાંસ્કૃતિક વિવિધતાઓના સંવર્ધનનો પણ છે. દુર્નિવાર એવા વૈશ્વિકીકરણ વચ્ચે માતૃભાષાઓને જાળવી લેવી એ પણ પોતપોતાનાં સાંસ્કૃતિક અસ્તિત્વ સારુ જરૂરી છે, જેમ વિવિધતાઓનું પારસ્પર્ય પણ!
‘મુસ્લિમ લીગ’ અને ‘અવામી લીગ’ એ મુખ્ય પક્ષો વચ્ચે ૧૯૭૦ની ચૂંટણીમાં નિર્ણાયક બહુમતી શેખ મુજિબૂર રહેમાનના નેતૃત્વ હેઠળની ‘અવામી લીગ’ને મળી. પણ લશ્કરી વડા યાહ્યા ખાન અને ભુટ્ટો ‘અવામી લીગ’ને સરકાર સોંપવા રાજી નહોતા. પરિણામે પ્રતિકાર અને દમનનો જે દોર શરૂ થયો એમાંથી મુજિબના નેતૃત્વ હેઠળના પૂર્વ પાકિસ્તાનને છૂટા પડવું અનિવાર્ય લાગ્યું. ઉપરાંત રાજકીય સત્તાથી વંચિતતા સાથે એક વાસ્તવિકતા પણ એ હતી કે પૂર્વ પાકિસ્તાન થકી પ્રાપ્ત રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો સિંધ-પંજાબ ખાઇ જતા હતા. એટલે પાકિસ્તાન બન્યું પણ એમાં પૂર્વ બંગાળની હાલત એક શોષિત સંસ્થાન શી હતી. આ સંસ્થાનની સ્વરાજકથા ને રાષ્ટ્રવાર્તા વચમાં લોકશાહીને બદલે નાગરિક સ્વાતંત્ર્યના દમનરાજમાં ખોવાઇ ને ખોરવાઇ ગઇ હતી.
કથિત વિકાસવેગ અને સ્વરાજનું ને લોકતંત્રનું વિકસન-વિલસન બેઉ સાથેલગાં ચાલે એ યુગ પડકાર છે : એક જ ઉપખંડના, ખરું જોતા વ્યાપક અર્થમાં એક જ તહજીબના હોઇ શકતાં આપણે સ્વદેશહિતપૂર્વક આ યુગ-પડકારના ભાગિયા બનીશું કે અભાગિયા, કહો જોઉં.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨-૦૮– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ચિરંજીવી બાબાઓ, જ્યોતિષિઓ, ત્તાંત્રિકો અને ભગવાનો
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
૧ જુલાઈ ૨૦૨૪ ના દિવસે હાથરસમાં એક સત્સંગ પછી થયેલી ભાગદોડમાં લગભગ ૧૨૧ લોકોનાં મૃત્યુ થયાં. આ સત્સંગમાં જનારા ‘ભોલે બાબા’ નામે જાણીતા થયેલા સુરજ પાલ નામના એક ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલના અનુયયીઓ હતા. બનાવ પછી આ પ્રકારના બાબાઓ વિરુદ્ધ પ્રસાર માધ્યમોમાં, બુદ્ધિજીવીઓમાં અને ખાસ કરીને પોતાને રેશનાલિસ્ટ માને છે તેવા વર્ગમાં ખૂબ ચર્ચા ચાલી. આ ચર્ચા કરનારાઓમાં એક સમાનતા એ છે કે તેઓ મોટાભાગના ભદ્ર વર્ગના છે. તેઓ માને છે કે આવા બાબાઓના સત્સંગોમાં જનારા લોકો અંધશ્રદ્ધાળુઓ, મૂર્ખ કે ગમાર છે. તેમની વાતમાં તથ્યાંશ તો છે જ. પરંતુ લોકો આવા સત્સંગોમાં કે બાબાઓ પાસે શા માટે જાય છે, તેનો જવાબ શોધવા માટે આ ચર્ચા આગળ વધતી નથી.
હાથરસના બનાવની વાત કરીએ તો અહીં આવનારા લોકો દલિત સમાજના અને ઘણાખરા ગરીબ લોકો છે. ગરીબી, બેરોજગારી અને બીમારી જેવી તેમની ઘણીખરી સમસ્યાઓ એક સમાન છે. આ ઉપરાંત સામાજિક અને વ્યક્તિગત સમસ્યાઓ તો હોય જ. રાજ્ય કે સમાજ પાસે આ સમસ્યાઓનો કોઈ ઉકેલ તેમને દેખાતો નથી. વળી રાબેતા મુજબ આપણને ઉચ્ચ વર્ગના લોકોને તો તેમની સાથે કોઇ લેવાદેવા જ નથી.
માણસની ખાવાપીવા, પહેરવાઓઢવા ઉપરાંત પોતે સામાજિક પ્રાણી હોવાથી હળવામળવા જેવી પણ જરૂરિયાતો હોય છે. આપણે ત્યાં જેને ભીડ કહીએ છીએ તેવા સમૂહમાં ભેગા થવાનો આનંદ લોકોને કેમ આવે છે તેનો જવાબ કોઇ મનોવૈજ્ઞાનિક કે સમાજશાસ્ત્રીએ શોધવો રહ્યો. અમદાવાદના સી જી રોડ પર દર વર્ષે ૩૧ ડિસેમ્બરે મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોઁ એટલી મોટી સંખ્યામાં ઉમટી પડે છે કે આ રોડ પર વાહનવ્યવહાર બંધ કરાવીને પોલીસ વ્યવસ્થા ગોઠવવી પડે છે. ક્રિકેટમાં મોટી જીત મેળવીને મુંબઈમાં આવેલા રમરવીરોની પરેડ જોવા માટે લાખોની ભીડ ભેગી થઈ હતી. અહીં જે આનંદ છે તે માત્ર ભીડનો જ છે.
રાજનેતા કે ધર્મનેતા કેટલી મોટી ભીડ ઉભી કરી શકે છે તેને આધારે તેના પદ અને પ્રતિષ્ઠા નક્કી થતાં હોય છે. કોઈ ને કોઈ નિમિત્ત ઊભું કરીને ધાર્મિક સંપ્રદાયો જેમાં વધુ ને વધુ લોકો ભેગા થાય તેવા ઉત્સવો ઉજવે છે. આ ઉત્સવોમાં લોકોને એવું લાગે છે કે તેઓ એક પ્રકારે મનોરંજન મેળવી રહ્યા છે. ગુજરાતના એક મોટા સંપ્રદાયમાં તો આજ્ઞા કરવામાં આવી છે કે વારેવારે સમૈયા(ઉત્સવો) કરવા. જે સંપ્રદાય સાધનસંપન્ન હોય તેની પાસે વ્યવસ્થાશક્તિ પણ આવી જાય છે, જેથી અકસ્માતો થવાની શક્યતા ઘટી જાય છે.
ઉજળિયાત અને આર્થિક રીતે સંપન્ન એવા લોકોના સંપ્રદાયોનાં ઉત્સવમાં દલિતોને નહિવત સ્થાન છે. સહજાનંદ સ્વામીએ સુથાર, દરજી, મોચી જેવા કારીગર વર્ગને પોતાના સંપ્રદાયમાં સ્થાન આપ્યું અને કદાચ તે સમયે તે એક ક્રાંતિ પણ ગણી શકાય. ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’ એ ભજનને ગાંધીજીએ આશ્રમ ભજનાવલિમાં સ્થાન આપ્યું છે. એ ભજનના રચયિતા નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં સુથાર હતા. આમછતાં આઝાદી પછી પણ અમદાવાદના કાળુપુર સ્વામીનારાયણ મંદિરમાં વહીવટદારો દલિતોને પ્રવેશ આપવા ઇચ્છતા ન હતા. આથી દલિતોનો મંદિરપ્રવેશ અદાલતના હસ્તક્ષેપથી જ શક્ય બન્યો હતો. આજે પણ ગામડાઓમાં કેટલા દલિતો મંદિરમાં જઈ શકે છે તે આપણે સૌ જાણીએ છીએ.
ધર્મ કે આધ્યાત્મિકતાની ભૂખ જેને કહેવાય છે તે ઘણેઅંશે તો ઘેલછામાં જ પરિણમે છે. દલિત વર્ગ પણ તેમાંથી મુક્ત રહી શકે નહિ. આત્માનાં કલ્યાણ અર્થે પ્રગટ થયેલા ગુરુઓ પાસે જતા લોકોને આત્મકલ્યાણની વાત ભૂલાઈ જાય છે અને લૌકિક લાભો માટેની આશા ઊભી થાય છે. મોક્ષ માટે નહિ પરંતુ પોતાના ભૌતિક સુખ માટે સંપ્રદાયના વડા પાસે ધબ્બાનો લાભ મેળવીને ધન્ય થનારા અનુયાયીઓનો તોટો નથી. ભોલે બાબા પોતાને ભગવાન તરીકે ઓળખાવે તે અયોગ્ય જ છે પરંતુ વિદેશમાં જઈને ત્યાની પ્રગતિનું શ્રેય જે તે પ્રજાને આપવાને બદલે ત્યાંની વ્યવસ્થાનું સંચાલન પોતે જ કરે છે એવું ગુજરાતના મોટા સંપ્રદાયના વડાએ કરેલા નિવેદનની નોંધ લેવાતી નથી. વળી આ સંપ્રદાયના વડાને તેના ભણેલાગણેલા (ડોક્ટરો કે એન્જીનિયરો સુધ્ધાં [!]) અનુયાયીઓ પણ પ્રગટ બ્રહમસ્વરૂપ – એક અર્થમાં ઇશ્વર-માને છે.
કેદારનાથજીએ તેમના’ વિવેક અને સાધના’ નામના પુસ્તકમાં લખ્યું છે, “હાલ એકલા મહારાષ્ટ્રમાં જ 40 જેટલા (બની બેઠેલા) ભગવાનો વિચરણ કરે છે” કેદારનાથજીએ કહ્યાની પોણી સદી પછી દંતાળીવાળા સ્વામી સચ્ચિદાનંદ આવી જ વાત કરતા કહે છે કે ગુજરાતમાં હાલ અનેક ભગવાનો છે અને તેમનાં કેટલાક મારા મિત્રો પણ છે!
તાત્પર્ય એ છે કે પ્રજાના મોટા સમૂહને અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે તથા જીવનમાં તેમને ખાલીપો લાગે છે. આનો કોઈ ઉકેલ ક્યાંય દેખાતો નથી. આથી તેઓ બાબાઓ, જ્યોતિષિઓ કે ભુવાઓ પાસે જાય છે. અહીં પણ કોઇ લાભ થતો નથી પરંતુ એક પ્રકારે કામચલાઉ સાંત્વનનો અનુભવ તેમને થાય છે. નવલકથા તેમજ વિવેચનમાં નવો વળાંક લાવનારા એક મોટા ગજાના ગુજરાતી સાહિત્યકારને અભણ ભુવાના પ્રભાવમાં આવેલા જાણ્યા છે.
ભોલે બાબાને ત્યાં એક્ઠી થયેલી ભીડની માનસિકતા અને ક્રિકેટની ટીમની પરેડ નિહાળવા ભેગી થયેલી લાખોની ભીડની માનસિકતામાં મને કોઇ ફરક દેખાતો નથી.
ટૂંકમાં લોકોને ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં એક્ઠા થવાથી પોતાની આધ્યાત્મિક જરૂરિયાતો સંતોષાશે એવો ભ્રમ થાય છે સાથે સાથે ભીડનો આનંદ પણ મળે છે. પરંતુ આ આધ્યાત્મિક્તા કે ભીડનો આનંદ અલ્પજીવી જ હોય છે. તેમની ખરી જરૂરિયાત તો સાંસ્કૃતિક છે. પરંતુ તેની પૂર્તિ કઈ રીતે થાય તેની જાણ ન હોવાથી જેમ વાંદરાઓ ચણોઠીથી તાપીને પોતે ઠંડી ઉડાડી રહ્યા છે તેમ માને છે તે જ રીતે લોકોને એમ લાગે છે કે પોતે કાંઈક મેળવી રહ્યા છે.
જેમ જેમ મૂડીવાદ આગળ વધતો જાય છે તેમ તેમ લોકોની ભૌતિક લાભ મેળવવાની અપેક્ષા વધતી જાય છે અને નોકરીધંધાની અસલામતી વધતી જાય છે. આ સમસ્યાનો ઉપાય રાજ્ય કે સમાજ પાસે નથી. આથી ડૂબતો તરણું ઝાલે તેમ લોકો ભૂવા, જ્યોતિષિઓ કે તાંત્રિકો પાસે જાય છે. આજે પરિસ્થિતિ શું છે તેના જાણ નથી, પરંતુ થોડા વર્ષો પહેલા નિર્મલબાબાને નામે જાણીતા બાબા પાસે લોકો જતા. આ બાબા સમસ્યાનો હાસ્યાસ્પદ ઉપાય બતાવતા છતાં ત્યાં આવેલા લોકો તેને ગંભીરતાથી લેતાં.
માણસની સાંકૃતિક જરૂરિયાત એટલે ચિત્ર, સંગીત, શિલ્પ, અભિનય, સાહિત્ય વગેરે અનેક કલાઓની અભિવ્યક્તિની તક. કચ્છી માલધારી બહેનોનાં ભરતકામે વ્યાપારી સ્વરૂપ તો પછીથી લીધું પરંતુ વર્ષો પહેલા તેઓ નિજાનંદ માટે જ ભરતકામ કરતાં. કચ્છ સિવાય અન્યત્ર પણ મહિલાઓ ભરતગૂંથણ કામ કરતાં. લગ્નગીતો માટે આજે ભાડે ક્લાકારોને બોલાવવમાં આવે છે પરંતુ હજુ થોડા જ વર્ષો પહેલા લગ્નગીતો મહિલાઓ જાતે જ ગાતી. ગામોગામ ભજનમંડળીના સભ્યો સંગીતનો આનંદ માણતા હોય છે. અગાઉ દલિત જાતિઓમાં તો ઘેરઘેર ભજનિકો હતા.
સંતોષીમા કે દશામાના વ્રત કરતી બહેનોનો આનંદ પણ ભેગા મળીને આરતી કે કીર્તન ગાવાનો હોય છે. કદાચ અગાઉના જમાના જેવો ત્રાસ મહિલાઓને ભોગવવો નહિ પડતો હોય, પરંતુ ગૃહિણીઓએ તો ઘરની બહાર નીકળવા માટે મંદિર, સત્સંગ કે વ્રતોનો જ આશરો લેવો પડે છે.
દલિતો અને અન્ય પછાત વર્ગ પ્રત્યેની માનસિકતા આજે પણ ખાસ બદલાઇ નથી, આથી દેશમાં દલિતો અને પછાત વર્ગોએ પોતાના અલગ ભગવાન કે માતાજી ઉભા કરવા પડ્યા. રામાપીર કે મેલડી માતા તેના ઉદાહરણો છે. અમદાવાદ જિલ્લાના ઝાંઝરકા ગામે સવૈયાનાથનાં મંદિરમાં જનારામાં લગભગ દલિતો જ હોય છે અને ત્યાંના ગાદીપતિ પણ દલિત હોય છે. આનું કારણ એ છે કે ઉચ્ચ વર્ગના લોકોના સત્સંગોમાં તેઓ આવકાર્ય નથી. આથી તેમણે પોતાની આગવી વ્યવસ્થા ઊભી કરવી પડે છે. જેમ દલિતો માટે અલગ રહેઠણો, પાણી માટે કૂવાઓ, અંતિમ સંસ્કાર માટે સ્મશાનો છે તે જ રીતે(કહેવાતું ભલે હોય કે આપણે સૌ એક પિતાનાં સંતાનો છીએ) તેમના માટે અલગ પૂજાસ્થાનો ઉભા થતા હોય છે. બાબા કે ધર્મોપદેશક પણ દલિત કે અન્ય પછાત હોય છે. ભોલે બાબા પોતે પણ દલિત જ છે.
ટૂંકમાં, સમાજ સવર્ણ હોય કે પછાત, દરેકને કેટલીક સામાન્ય કે વ્યક્તિગત સમસ્યા, જરૂરિયાતો અને અપેક્ષાઓ હોય છે. કેટલીક વખત આ સમસ્યાઓ માની લીધેલી ને જરૂરિયાતો તથા અપેક્ષાઓ ખોટી પણ હોય છે. તેનો ઉકેલ રાજ્ય,માનસશાસ્ત્રીઓ કે સમાજશાસ્ત્રીઓ સહિતના સમગ્ર સામાજ પાસેથી જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી પ્રજાના મોટા વર્ગનો મુકામ મંદિરો, સત્સંગ મંડળો, બાબાઓ, ભુવાઓ, ત્રાંતિકો કે જ્યોતિષિઓ જેવા વર્ગ પાસે જ રહેશે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
કુંવારો કે બ્રહ્મચારી ?
જો ! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે.’ બે ત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઇને મ્હેં મ્હારા મિત્રને ઓળખાવ્યો.
અમારી કોલેજમાં આજ Inter-Collegiate Ladies’ Tennis Tournament ની છેલ્લી રમત હતી; એટલે કોલેજીયનોનો જાણે મેળો ભરાયો હતો.
‘હશે’ : મ્હારા મિત્રે કહ્યું. ‘અમારી કોલેજમાં તો ઉઘાડા માથાની બ્રહ્મચારિણીઓ સંગાથે ઉઘાડા માથાના બ્રહ્મચારીઓ હોડીઓ તરાવવા જાય છે. એમનામાંના કોકને પૂછી જોજે એમની વાતો.’
‘ખરૂં કહું છું : પ્રમોદે તો ન પરણવાનું વ્રત લીધું છે.’
‘ભણે એટલા બ્રહ્મચારી’ એ વ્યાખ્યા તે સાચી પાડતો હશે. આ જોને એના અંગનો અલસગમના સમો મરોડ, ને પંખીની પાંખ સમો નેણાંનો નાચ; ને—’
‘તું નથી માનતો. હરતાં ને ફરતાં એ તો કહે છે કે કલાકાર કલાને જ પરણેલો છે.’
અમારી કોલેજમાં પ્રમોદ કલાકાર ગણાતો. એ કહેતો કે કલાને શૉક હોય નહિ.
પ્રમોદને કાંડે સોનાઓપનું ઘડિયાળ હતું, ને હાથમાં અલકાની સુંન્દરીને કર કમળ લટકતું એમ, એક વિદ્યાર્થિણીનું રેકેટ લટકતું. ફૂલછોડની ડાળખી ડોલે એવી છટાથી એ રેકેટ ડોલતું. એનો રૂમાલ કોટના કોલરને આચ્છાદાઇને ગળા ફરતો કેસરીની ધોળી કેસર જેવો ઉડતો.
એની આંખમાં ચમક હતી, એના અંગમાં લાલિત્ય હતું. કોલેજમાં સહુ જાણતું કે જીવનભર ન પરણવાનું એણે વ્રત લીધું છે.
અમારી કોલેજનો પ્રમોદ કલાકાર હતો. એનો કંઠ ઘેરો, પણ હલક મીઠી હતી. તાલબદ્ધ તે ગાતો ને સંગીતનો ઉસ્તાદ ગણાતો; એટલે કોલેજના ઉત્સવપ્રસંગોએ યુવતિઓને અભિનય શીખવવાનું એને સોંપાતું. કેટલાક છાની છાની વાતો કરતા કે ધુરન્ધરે એને Model તરીકે ન્હોતર્યો હતો: ‘સુન્દરી’ કે બાલગાન્ધર્વની-એકની એણે અભિનયની ભૂલ સુધારી હતી.
પ્રમોદ જતો-આવતો ત્ય્હારે સહુ માગ આપતા ને જોઈ રહેતા. એના કેશકલાપની કલા નિત્ય નિત્ય અવનવી છાજતી. તાઝે બ તાઝે, નૌ બનૌ-એ હાફીઝની ગઝલ બેન્જોમાં રણકતાં શ્રોતાઓનાં પાય ને અંગ ડોલી ઉઠે છે એવી અખંડ ડોલનગતિએ એ ચાલતો.
ટેનિસની રમતનો એ પારંગત નહોતો; પણ સર્વિસ વેળાનો એનો રૂઆબ આંજી નાંખે એવો હતો. ‘રિટર્ન ભૂલાય તો ભલે, પણ છટા ન ભૂલવી’ એ એનું ખેલનું સૂત્ર હતું.
આજે ઇન્ટરકોલેજીયેટ ટૂર્નામેન્ટ હતું એટલે વિદ્યાર્થિણીઓને લઈને પ્રમોદ ટેનિસ કોર્ટ ઉપર જતો હતો. એના વિરોધીઓ કહેતા કે વિદ્યાર્થિણીઓ સંગાથે જવાથી સન્માન ને સારૂં સ્થાન પમાય; માટે એ યુવતિઓનો સંગાથ શોધતો.
કોલેજનો નિયમ પાળીને નહિ, નિયમ ભંગ કરીને એ છાપ પાડતો. કોઈપણ નિયમભંગને એ કલાકારની સ્વતન્ત્રતા કહેતો, કોઈપણ નિયમપાલનને એ કલાકારની પરતન્ત્રતા કહી ઉપહાસતો.
જ્ય્હાં જવાનો અધિકાર ન હોય ત્ય્હાં તે જાય ત્યહારે ત્હેને કળ વળતી. ખાનગીમાં પ્રોફેસરોની ખુશામત કરતો એટલે જાહેરમાંની એની કેટલીક ઉદ્ધતાઈ તેઓ નિભાવી લેતા.
સોશિયલ ગેધરિંગમાં ગાંડાનો કે વિદૂષકનો ભાગ એ ભજવતો. ચિત્રકલા ઉપરના એના ભાષણે તો કમાલ કરી હતી; કારણ કે નાનાવિધનાં પચાસેક પાંદડાંઓ વીણી લાવી ત્હેમનું પ્રદર્શન કરીને એણે સિદ્ધ કીધું હતું કે કોલેજમાંની એક ચિત્રકારિણી સરજનહાર કરતાં યે મ્હોટી કલાધીશ્વરી હતી.
કોલેજમાંના ઉગતા કવિઓનો પ્રમોદ Patron હતો. એમનાં વીણેલાં કાવ્યોનો સંગ્રહ ઉપોદ્ઘાત ને વિદ્વદ્ટીકા સાથે, છપાવવાની પ્રમોદ પ્રવૃત્તિમાં હતો.
પ્રમોદ કહેતો કે સહુ વખાણે એને વખાણવામાં આપણી વ્યક્તિવિશેષતા શી ? પછી પ્રમોદની ગુણગાથાની ગઝલો ચકલાંનાં પીછાં જેવી કોલેજમાં ઉડતી થઈ.
ક્રીકેટ રમતાં આવડે નહિ, છતાં ક્રીકેટના આચાર્ય હોય એવા ઘમંડીઓ તો દીઠા છે ને ? એમ વગર લખ્યે સાક્ષરત્વની છાપ એણે કોલેજમાં પાડી હતી.
સિનેમાઓની બધી નટીઓની પડદા પાછળની વાતો એ જાણતો, ને કહેતો, ને સહુને કુતૂહલ જગાડતો.
બેડબીંગ્ટન રમવામાં એ ઉસ્તાદ હતો. ત્રણ ત્રણ કલાક પીછાં ઉછાળતો; ને કહેતો કે ઉડતા પંખી ઉછાળવામાં પ્રભુને આનન્દ પડે છે એવો આનન્દ એને પડતો.
પોતાને એ Rationalist કહેતો; ને હાલતાં ચાલતાં, ગમે તો પ્રભુને ઉપહાસવાને કે નિજ મહિમા વધારવાને, પ્રભુનાં દૃષ્ટાંતો આપતો.
યુવકસંઘોમાં જાય ત્ય્હારે એ ખાદી પહેરતો, ને ટેનિસ કોર્ટ ઉપર હેટ પહેરતો. એનું સૂત્ર એમ સ્હમજાવતો કે Do in Rome as the Romans do.
યુવકસંઘનો એને એક ઉપપ્રમુખ ચૂંટ્યો હતો, પણ એણે સાભાર એ પદવી નકારી હતી. વર્ણાન્તર લગ્નોની ચર્ચાપ્રસંગે પ્રમોદ ખૂબ ખીલ્યો હતો. ‘અમારી નાતના શેઠ સનાતનતાના સ્થંભ છે. એમને હું પૂછું છું કે વેશ્યાવાડે જાઓ છો ત્ય્હાં વર્ણાન્તર લગ્ન ત્હમે કરો છો ? કે સવર્ણ ?’ એ દલીલને પ્રમોદ હાસ્યરસનો ભંડાર માનતો, ને એને મિત્રમંડળમાં ફરી ફરી કહેવામાં પ્રમોદ પુનરૂક્તિદોષ નહોતો સ્હમજતો.
પખવાડિયે એકાદ વાર પ્રમોદ વ્હાઈટવેમાં જતો; સસ્તી શોભાળી નવીન વસ્તુઓ ખરીદી લાવતો; કોઈક પ્રોફેસરોને આપતો ને કોઈક સ્ત્રીમિત્રોને આપતો.
એ લગ્નને ધિક્કારતો ને મૈત્રીને માનતો.
ટેનિસ કોર્ટ ઉપર આજ સ્ત્રીવિદ્યાર્થિણીઓની ટુર્નામેન્ટ હતી એટલે ભીડ ઝાઝી હતી. અમે બે મિત્રો ભીડમાં ગયા નહોતા, પણ આઘેથી ભીડને જોતા હતા ને કોલેજના કલાકારની વાતોમાં લીન હતા; કારણે કે કલા અને સૌન્દર્ય આજ કોલેજના વાતાવરણમાં ઉછળતાં ગટાપર્ચાના બોલ ને મોરપીંછ જેવાં સર્વવ્યાપી છે ને ?
એવે ટેનિસ કોર્ટ ઉપરથી ગર્જના સંભળાઈ: હુર્રે; હિપ હિપ હુર્રે.
વિદ્યાર્થીઓનું ટોળું વિખરાયું: જાણે યુદ્ધમાં કો કિલ્લો પડ્યો ને પથરા વિખેરાયા. ને દુર્ગમાંથી દુર્ગપાલ આવે એવો પ્રમોદ આવતો હતો.
અમને દીઠા ને તે ઉભો.
‘ફાઈવ-લવ કરીને થાકી જવાયું, એટલે પહેલા સેટમાં આપણી કોલેજ હારી. પરસેવાનાં ટીપાં તો જાણે મોતીનાં ઝૂમખાં ! પણ બીજા સેટમાં-બીજા સેટમાં એવો સંગ્રામ જામ્યો’તો ! Greek Girls at Game of Balls નામનું આલ્મા ટેડીમાનું ચિત્ર તો જોયું છે ને ? ફટાફટ, ફટાફટ-એમ ફાઈવ ઓલ થયા. પછી એઈટ ઓલ અને ડ્યૂસ. છૂટી ઉડતી અલકલટો તો જાણે ઉડતી પાંખિણીઓની કલગીઓ ! પછી બે પોઈન્ટે ત્હમારી કોલેજ જીતી ગઈ. મ્હારે તો પરણવું નથી. પણ એક ડઝન જણાઓએ ‘પરણવું તો આને જ પરણવું’ એવા માનસનિર્ધાર આજ કરી લીધા છે.’
‘ત્હમારા બ્રહ્મચર્યનાં વ્રતને માટે ત્હમને ધન્યવાદ ઘટે છે. એ વિરલ વ્રત વિરલા જ પાર ઉતારે. ભીષ્મ તો કુરૂક્ષેત્રમાં એક જ હતા.’
અનિમિષ આંખે પ્રમોદ મ્હારા સ્હામું જોઈ રહ્યો હતો; જાણે દૃષ્ટિની કટારે મ્હારૂં દિલ ઉઘાડીને એ જોવા માગતો હોય ને કે મ્હારી તે વ્યાજસ્તુતિ હતી કે સાચો ધન્યવાદ ? બન્ધૂકમાં ગોળી ભરે એમ અન્તરમાં ઉત્તરને પણ એ ભરતો હતો.
‘જૂવો, મિસ્તર ! લગ્નમાં હું માનતો નથી, મૈત્રીમાં હું માનું છું. કલાકારે પરણવું ન જોઈએ એ મ્હારૂં કલાસૂત્ર છે. કલાકાર કોને પરણે ? પરણીને શું આંખ મીંચી દે ? એ તો આજ જૂવે એને કાલ ભૂલે, ને કાલ જૂવે એને પરમે ભૂલે. જીંદગીભર પરણવું નહિ એવા મ્હેં સોગન્દ ખાધા છે.’
‘જો, હું કહેતો ન્હોતો : આજીવન બ્રહ્મચર્ય.’ મ્હારા મિત્રને કહ્યું.
`એ શું ભરડો છો ? ભાઈ ! સંસારમાં યે કુંવારો સુખિયો છે કે ઘેરઘેરથી ઈજન મળે જમવાનાં ને ગમ્મતનાં.’ પ્રમોદ બોલ્યો.
‘ખરૂં; ત્હમારા કોલેજના અનુભવોનો એ સાર લાગે છે.’ મિત્રે કહ્યું.
‘કોલેજમો મ્હોટામાં મ્હોટો મ્હારો અનુભવ તો એ છે કે આજ છે સૌન્દર્યનાં રાજ્ય : એટલે આપણે પરણવું નહિ. પત્નીના પુરૂષમિત્રને સહી લેવાની શહનશીલતા જેનામાં હોય ત્હેમણે જ અમારી કેટલીક સહાધ્યાયિનીઓમાંથી કોઈકને પરણવી.’
‘ત્હમારૂં બ્રહ્મચર્ય અખંડ તપો.’
‘મિસ્તર ! આશીર્વાદ દ્યો છો કે ગાળ ? એ શી લવરી-પેલા ન્હાનાલાલે ચીતરી માર્યુ છે એવી ? હું જો સિન્ડીકેટમાં હોઉં તો જયા-જયન્ત બી.એ. માં ભણાવાય શેનું ? પ્રીવિયસની કાયમની ટેક્ષ્ટ બૂક હોય પૃથ્વીવલ્લભ. પૃથ્વીવલ્લભ ક્ય્હાં પરણતો’તો ? આપણે તો વ્રત લીધું છે કે જીંદગીભર પરણવું નહિ. બાકી પુરૂષ વિના સ્ત્રીને કે સ્ત્રી વિના પુરૂષને કિયાં જમાનામાં ચાલ્યું છે કે વીસમી સદીમાં ચાલે ? એ ખરૂં કે કલાધીશની કલાને શૉક ન હોય.’
મ્હારા મિત્રની કોલેજ આજની ટુર્નામેન્ટ જીતી હતી એટલે એ તો આનન્દહિન્ડોળે ચ્હડ્યો હતો. એની દૃષ્ટિ ભમરડીચક્કરડી ખાતી હતી.
પ્રમોદ ગયો, પણ મ્હને મૂંઝવણમાં મૂકતો ગયો. એનું છેલ્લું ભાષણ છટાદાર હતું, રાજમન્ત્રણાના કો કાગળ સમુ અગમ્ય હતું, પૂરૂં સ્હમજાયું ન્હોતું, મિત્રને મ્હેં પૂછ્યું :
‘હેં ! ત્યહારે શું ન પરણેલો-કુંવારો એટલે બ્રહ્મચારી નહિ ?’
મિત્રે સ્હામો પ્રશ્ન પૂછ્યો : ત્હને ખબર છે કે દીકરા એ બધા પુત્રો નથી ?
નવું જ્ઞાન ઉગતું હોય, નવો ઉગતો ધૂમકેતુ નિરખતો હોય એમ હું મિત્રની સ્હામું જોઈ રહ્યો હતો. મ્હારી આખી યે મુદ્રા પ્રશ્ન પૂછતી હતી.
મિત્રે કહ્યું : ‘જો સાંભળ. મ્હને તો મુંબઈના એક શેઠિયાએ ભણાવ્યું છે કે ‘દીકરા એટલા પુત્ર નહિ’ એ તો શાસ્ત્રીય સૂત્ર છે. પુ નામના નરકમાંથી શ્રાદ્ધ કરીને પિતાને તારે એ પુત્ર. અને શ્રાદ્ધનો અધિકાર છે જેષ્ટને કે કનિષ્ટને. એટલે કોઈને ચાર દીકરા હોય તો પહેલો ને ચોથો એ પુત્રો, ને બીજો ને ત્રીજો એ દીકરા. ખોટું હોય તો કોક શાસ્ત્રીને પૂછી જોજે.’
‘આ તો વ્યાખ્યાઓના વમળમાં પડ્યા. ડૂબશું કે તરશું ?’
મિત્રે કહ્યું : ‘દુનિયા તરવાનો મ્હોટો સાગર છે. તારાઓ તરે છે ને વણતારાઓ ડૂબે છે. પણ એટલું આજ ભણતો જા કે દીકરા એટલા પુત્રો નહિ, ને કુંવારા એટલા બ્રહ્મચારીઓ નહિ.’
સ્રોતઃ લેખકનો વાર્તા સંગ્રહ ‘પાંખડીઓ‘ (પ્રકાશન વર્ષઃ૧૯૩૦)
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક સાતમો : પ્રવેશ ૩ જો

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો : પ્રવેશ ૨ જો થી આગળ
પ્રવેશ ૩ જો
સ્થળ: શીતલસિંહનું ઘર.
[શીતલસિંહ વિચારમાં ફરતો પ્રવેશ કરે છે.]
શીતલસિંહ : (સ્વગત) મને જે મોટી બીક હતી તે તો પતી ગઈ. એ જાલકાનો બુદ્ધિપ્રભાવ એવો હતો કે મારી બધી યુક્તિઓને તે ઊંધી વાળી નાખત, પણ એ તો આ દુનિયામાંથી ગઈ એટલે એક નિરાંત થઈ. પણ એમાં મારા કાર્યની સિદ્ધિ આગળ શી રીતે વધી ?
[નોકર પ્રવેશ કરે છે.]
નોકર : જી, બારણે કોઇ બ્રાહ્મણ આવ્યો છે. તે કહે છે કે આપને મળવું છે.
શીતલસિંહ : કોણ છે ?
નોકર : ડોસો છે ને મોટી દાઢી છે.
શીતલસિંહ : શું કામ છે ?
નોકર : તે કહે છે કે કાશી જાઉં છું ને વાટમાં ખરચી ખૂટી છે, માટે મદદ માગવા આવ્યો છું.
શીતલસિંહ : એને અહીં મોકલ, અને એ જાય ત્યાં સુધી તું ઓટલે બેસજે.
[નોકર જાય છે.]
શીતલસિંહ : સંજ્ઞા તો મળી, પણ તે વખતે બીજું કોઇ એ સંજ્ઞા જાણી ગયું હોય અને તેનો ઉપયોગ કરી મને છેતરવા આવ્યો હોય તો ? એમ હોય તો તે વસમું થાય. જોઉં છું. એકદમ વાત નહિ છેડું તો.
[લાંબા છૂટા કેશ અને લાંબી દાઢીવાળો, કામળી ઓઢેલો, અને હાથમાં લાકડી લીધેલો, એવો બ્રાહ્મણ પ્રવેશ કરે છે.]
બ્રાહ્મણ : જજમાન રાજા ! કલ્યાણ થાઓ.
(ચોપાઈ)
મનના સઘળા ફળજો કામ,
માગ્યા પૂરા મળજો દામ;
ગાદીવારસ ઉગજો કૂખે,
દિકરા દિકરી પરણો સૂખે. ૯૬શીતલસિંહ : (સ્વગત) નિશાની તો એ જ. (મોટેથી) આવો મહારાજ! તમે કોણ છો?
બ્રાહ્મણ : કોણ છું તે ખબર ના પડી?
(બારણું અંદરથી બંધ કરીને સાંકળ વાસે છે અને ખોટા કેશ ને ખોટી દાઢી કાઢી નાંખે છે, કામળીને લાકડી ફેંકી દે છે, અને સ્ત્રીને વેશે પ્રકટ થાય છે.)
ખરે! સંજ્ઞા કહ્યા છતાં તમે મને ના ઓળખી ?
શીતલસિંહ : મંજરી ! સંજ્ઞા તો મેં પારખી, પણ મને એમ થયું કે વખતે બીજું કોઇ સંજ્ઞા જાણી ગયું હોય, અને તે હોય તો?
મંજરી : થોડા વખતમાં ઘણું કરવાનું, અને તેમાં આમ બીતા અને અચકાતા ફરશો તો કામ કેમ પાર પાડશો ?
શીતલસિંહ : કામ એવું જોખમનું છે કે આખરે ફાવીએ નહિ તો માર્યા જવાનો વખત આવે, પણ તારી હિમ્મત જોઉં છું ત્યારે કોઇ કોઇ વાર મને પણ હિમ્મત આવે છે. વારુ, હવે કહે લીલાવતી રાણીસાહેબ આગળ દત્તક લેવાની વાત બીજા કોઇ પાસે કરાવવાનું તારાથી બન્યું છે કે નથી બન્યું ?
મંજરી : જેને પૂછું છું તે કહે છે કે મારાથી એ નહિ બને ?
શીતલસિંહ : એનું શું કારણ ?
મંજરી : સહુ જાણે છે કે ભગવન્ત આ દત્તવિધાનની વિરુધ્ધ છે.
શીતલસિંહ : ભગવન્ત વિરુધ્ધ હોય તો તેથી શું થઈ ગયું ? રાણીસાહેબ પોતાની ઈચ્છાથી દત્તક લેવા મુખત્યાર છે.
મંજરી : મુખત્યાર તો છે, પણ હવે તો રાણીસાહેબને ભગવન્ત પર એવી શ્રધ્ધા બેસી ગઈ છે કે એમને પૂછ્યા વિના સ્વપ્નાવસ્થામાં પણ પગલું ન ભરે.
શીતલસિંહ : પહેલાં તો રાણી સાહેબ ભગવન્તથી કાંઈક નારાજ રહેતાં.
મંજરી : પણ, જાલકા સાથે તકરાર થઇ અને રાણી સાહેબની તબિયત બગડી ત્યારે શ્રીમતી તેમની પાસે હતાં. અને, તેમના આશ્વાસનથી એવી શાન્તિ મળી કે રાણી સાહેબ તેમને ઘડી ઘડી બોલાવવા લાગ્યાં. અને રાણીસાહેબનો
મંદવાડ વધ્યો ને રાજનો મામલો ગુંચવાયો, તેમ શ્રીમતી સાથે ભગવન્તને પણ રાણીસાહેબ સલાહ માટે બોલાવવા લાગ્યાં. અને એ રીતે તેમના તરફ બહુ આદરભાવ થયો.
શીતલસિંહ : તેં પોતે રાણીસાહેબને મોઢે ફરી દત્તક્ની વાત છેડી હતી ?
મંજરી : છેડી હતી, પણ બહુ ગુસ્સે થાય છે અને એ વિશે એક અક્ષર પણ સાંભળાવાની ના પાડે છે. મંદવાડમાં બેચેની વધે એ બીકે વધારે કહેવાતું નથી.
શીતલસિંહ : ભગવન્ત શાથી દત્તવિધાનની વિરુધ્ધ છે ?
મંજરી : એમને અને શ્રીમતીને કોણ જાણે શાથી જગદીપ પ્રત્યે બહુ માનવૃત્તિ બંધાયેલી છે. એ જ ગાદીને લાયક છે એમ બંને માને છે.
શીતલસિંહ : પુષ્પસેનની કંઈ સમજણ પડી ?
મંજરી : સમજણ શી પડવાની હતી ? દુર્ગેશ અને જગદીપ વચ્ચે ગાઢી મૈત્રી છે, અને જ્યાં કમલાદેવી ત્યાં પુષ્પસેન. પુષ્પસેન કદાચ તટસ્થ રહેવા ઇચ્છા કરે તોપણ કમલાદેવીનો પ્રભાવ જેવો તેવો છે ?
શીતલસિંહ : સૈન્યની મદદ વગર તો દત્તવિધાન થયા પછી પણ આપણે નિષ્ફળ થઇએ.
મંજરી : પણ, રાણીસાહેબ દત્તક લે તો પર્વતરાય મહારાજનો દત્તક પુત્ર ગાદીએ કેમ ન આવે એ ગૂંચવણ ઊભી થાય ખરી. મારે બ્રાહ્મણ જમાડવો છે એમ કહીને વંજુલને મેં મારી પાસે બોલાવ્યો હતો. એને વાતમાં નાખતાં એ બોલી ગયો કે જગદીપ પોતે એમ કહે છે કે લીલાવતી રાણીને દત્તક લેવાનો હક છે. અને એ દત્તક લે તો દત્તકપુત્ર પર્વતરાયનો વારસ ગણાય એની ના ન કહેવાય. એ પ્રશ્નનો નિર્ણય થતાં સુધી પોતાના રાજ્યાભિષેકની જગદીપ ના પાડે છે.
શીતલસિંહ : જગદીપ ભણ્યો છે પણ ગણ્યો નથી, અને ન્યાયનું પૂતળું છે એટલો આપણને ફાયદો છે.
[બહારથી કોઇ બારણું ઠોકે છે.]
(ગભરાઈને) એ શું ! કોણ આવ્યું હશે ? એણે બારણે રહી આપણી વાત સાંભળી હશે ?
મંજરી : રાજાના બાપ થવું હોય તો જરા કઠણ થવું પડે. (બ્રાહ્મણનો વેશ ધારણ કરીને) હવે બારણું ઉઘાડો.
[શીતલસિંહ બારણું ઉઘાડે છે એટલે નોકર પ્રવેશ કરે છે.]
શીતલસિંહ : (ગુસ્સે થઇને) મેં તને ઓટલે બેસી રહેવાનું નહોતું કહ્યું ?
નોકર : જી, હા. પણ આ મહારાજનો કોઈ સાથી દોડતો આવ્યો છે. તે કહે છે કે આપણે ઉતર્યા છીએ તે ધરમશાળામાં આગ લાગી છે, માટે એકદમ ચાલો. એ બહુ આકળો થયો એટલે હું કહેવા આવ્યો.
મંજરી : એને અહીં મોકલ ભાઈ.
શીતલસિંહ : અને, તું પાછો ઓટલે બેસ.
[નોકર જાય છે.]
એ તારો સાથી આવશે તો કંઈ અટકળ ક્રરશે ને બીજાને વાત કરશે તો ભરમ ફૂટી જશે. આગ લાગી છે, ત્યાં તારે જવું હોય તો જા.
મંજરી : એ મારો સાથીયે નથી અને આગેય નથી લાગી. પૂર્વમંડળની સરહદ પાસેના રાજાને સૈન્યની મદદ માટે પુછાવવામાં આપણે દૂત મોકલ્યો હતો, તે આજે આવે એમ વકી હતી. તેથી હું મારા વિશ્વાસુ માણસને કહેતી આવી હતી કે મારા ગયા પછી એ આવે તો આગની સંજ્ઞા આપી એને અહીં બોલાવજે. હું બ્રાહ્મણ વેશે હઇશ તે પણ એને કહ્યું છે.
[દૂત પ્રવેશ કરે છે અને મંજરીના હાથમાં કાગળ આપે છે.]
(કાગળ વાંચીને) તું જા. આપણો સામાન કાઢી લીધો છે તે બસ છે. ધરમશાળા છો બળી જતી.
[દૂત જાય છે.]
કાગળમાં લખ્યું છે કે એ રાજા સૈન્ય મોકલવા ખુશી છે પણ એવી શરત કરે છે કે એને એક કરોડ દામ આપવા અને પૂર્વમંડળનો આખો પ્રદેશ આપી દેવો.
શીતલસિંહ : એક કરોડ દામ તો મારઝૂડ કરીને લોકો પાસેથી ઉઘરાવીને આપીએ, પણ પૂર્વમંડળ આપી દેતાં તો મારા પુત્રને મળવાની ગાદી નાની થઇ જાય.
મંજરી : ગાદી મળવાના જ વાંધા છે ત્યાં નાની મોટી ક્યાં કરો છો ?
શીતલસિંહ : તને લાગતું હોય તો હું ના કહી શકવાનો છું ?
મંજરી : સૈન્યની મદદનું તો આમ નક્કી થયું. દત્તવિધાન થાય તે પછી તરત સૈન્ય બોલાવાય. માટે, ગમે તેમ કરીને દત્તવિધાન કરવાનો માર્ગ લેવો જોઇએ.
શીતલસિંહ : રાણીસાહેબ હઠ લઇને બેસે ત્યાં શો ઉપાય ?
મંજરી : મેં એક ઉપાય શોધી કાઢ્યો છે. રાણી લીલાવતીના પિયેરનો પુરોહિત અત્રે આવેલો છે. એના પર રાણીસાહેબની કૃપા છે. એ પુરોહિતને દાનદક્ષિણાથી રાજી કરી તમે એની મારફત રાણી સાહેબ પાસે આટલું કબૂલ કરાવો. એની રૂબરૂ રાણીસાહેબ એક વાર તમારી મુલાકાત લે.
શીતલસિંહ : અને, એવી મુલાકાત થાય તો તે વખતે શું કરવું ?
મંજરી : તમે અને પુરોહિત રાણીસાહેબને બે વાતનો આગ્રહ કરીને કહેજો. એક તો એમ કહેજો કે જાલકાએ રાણીસાહેબ તરફ આવો દગો કરેલો અને આવો દુરાચાર કરવા
ધારેલો તેનો પુત્ર ગાદીએ બેસે ? અને બીજું એમ કહેજો કે જગદીપ વીણાવતી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે. ક્ષત્રિયમાં વિધવા ફરી પરણે – અને તે વળી ગુજરાતના રાજાની પુત્રી- તે તો ભારે અનર્થ થાય; અને, એવો અનર્થ કરનાર અને પર્વતરાયના કુલને કલંક લગાડનાર ગુજરાતની ગાદીએ બેસે ?
શીતલસિંહ : તારા જેવી વાચાલતાથી કહેતાં મને આવડે તો તો રાણીનું મન જરૂર ફરે અને મારો પુત્ર ગુજરાતની ગાદીએ આવે.
મંજરી : અને, મને પાંચ લાખ દામ મળે, અને મારી પુત્રી તમારા પુત્ર સાથે પરણી ગુજરાતની રાણી થાય, એ આપણો કરાર ભૂલવાનો નથી.
શીતલસિંહ : એ ભૂલું ત્યારે તો શ્વાસોચ્છ્વાસ લેવાનું ના ભૂલું ?
મંજરી : હવે શ્વાસોચ્છ્વાસ જલદી ચલાવી તમે પુરોહિત પાસે જાઓ. હું ફરી આવીશ ત્યારે અત્તર વેચનારને વેશે આવીશ. અને બહારથી માણસ જોડે અત્તરનાં ત્રણ પૂમડાં મોકલાવીશ. વળી છેવટે એક ઉપાય તો છે જ. આવો તમારા કાનમાં કહું.
[શીતલસિંહના કાનમાં મંજરી વાત કહે છે. શીતલસિંહ ચમકે છે. મંજરી આંગળી ઊંચી કરી તેને ચુપ રહેવા નિશાની કરે છે.]
[બંને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
વિશ્વગુજરાતી દિન. ૨૪ ઑગષ્ટ
સંકલન કર્તાઃ દેવિકા ધ્રુવ
વિડીયો સૌજન્યઃ ભૌમિન મહેતાકોમ્પ્યુટરના આકાશમાં ‘વેબ’ની રંગબેરંગી પાંખો લઈને વિશ્વભરમાં ઊડતાં, ઝુમતાં, નાચતાં, ગાતાં,
એકમેકની સાથે સંધાતાં અને બંધાતાં ગુજરાતી ભાઈ-બહેનોનો મહામૂલો દિવસ છેઃ ૨૪ ઑગષ્ટ
વિશ્વગુજરાતી દિન માટે ખાસ….ગુજરાતી તરીકે ગૌરવભેર….
માત્ર ગુજરાત કે ગુજરાતી વિશેની જ પદ્ય-પંક્તિ કે શેરની અંતાક્ષરી…
ભાગ લેનારઃ
પ્રકાશ મજમુદાર,નીતિન વ્યાસ, મનોજ મહેતા,
ફતેહ અલી ચતુર,દેવિકા ધ્રુવ, ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ..https://youtu.be/_OR61LTsVII?si=LshWxSpzgorb6dwZ
૧.
ગુર્જરવાણી,ગુર્જર લ્હાણી,ગુર્જર શાણી રીત.
જંગલમાં પણ મંગલ કરતી,ગુર્જર ઉદ્યમ પ્રીત. ખબરદાર૨.
તૂટી ધજાઓ ને તૂટ્યા મિનારા
પણ તૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત. મનીષ ભટ્ટ૩.
તું વિશ્વગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર.
નવા યુગોના રંગથી નવી નવી તું ભાત કર. રસિક મેઘાણી૪.
રઢિયાળી ગુજરાત, અમારી રઢિયાળી ગુજરાત!
વીરનરોની માત, અમારી રઢિયાળી ગુજરાત! માધવ ચૌધરી૫.
તારામઢી સપના સજી આ રાત છે,ગુજરાત છે,
એ આંગણું પાવન થયાની વાત છે,ગુજરાત છે. હરદ્વાર ગોસ્વામી૬.
છોછ કશો ના નડે મને, એ મારું સ્વાભિમાન
ધર્મ-કર્મના ભ્રમો ભેદી, ઉન્નત કરૂં ઉડાન
ગુર્જર ગાથા થશે પછીથી, દેશ-વિદેશે ગવાતી,
હું ગ્લોબલ ગુજરાતી. યોસેફ મેકવાન૭.
તવ તીર સિંધુતરંગ મંડિત, ગાનથી ઘરકુંજ રી
તવ શસ્ય પલ્લવ પુંજ રી, જય હે જયતુ, જયગુર્જરી. રાજેન્દ્ર શાહ૮.
રમે અન્ય સખીઓ થકી દઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી. ઉ.જોશી૯.
તૈયાર થઈ જજો, તૈયાર થઈ જજો,
નાત-જાત-ભાત તારી કોઈ પણ હજો,
ખભેખભા મિલાવીને, ફંદ સૌ ફગાવીને
માદરે વતનને કાજ, જંગમાં ખપી જજો. ઉ.જોશી૧૦.
જય સોમનાથ, જય દ્વારકેશ,જય બોલો વિશ્વના નાથની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… રમેશ ગુપ્તા૧૧.
નરસી ભગતનું ઝૂલતું પરભાત છે, ગુજરાત છે,
જીંદાદિલીથી છલછલોછલ જાત છે,ગુજરાત છે. હરદ્વાર ગોસ્વામી૧૨.
છે વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત..
ને વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત.. દેવિકા ધ્રુવ૧૩.
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત. નર્મદ૧૪.
તારે ક્યારે કૈંક દુલારે દિલના શોણિત પાયાં.
પુત્રવિજોગી માતાઓનાં નયન-ઝરણ ઠલવાયાં.
ઝંડા અજર અમર રે’જે, વધ વધ આકાશે જાજે. ઝવેરચન્દ મેઘાણી.૧૫.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત. ખબરદાર૧૬.
તું વિદ્યા છે, તું જ ધર્મ છે,
તું અમ હ્રદય અને તું મર્મ છે.
તું અમ દેહ તણો છે પ્રાણ,
વંદન કરું તુજને હે માત. ગોવર્ધન દવે૧૭.
તમે ગુજરાતી અમે ગુજરાતી, આપણે સૌ ગુજરાતી,
બાર ગામે બોલી બદલે, તોય બધા ગુજરાતી. હર્ષદ રવેશિયા૧૮.
તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો હું તો, છેલ છબીલો ગુજરાતી..
હું છેલ છબીલો ગુજરાતી.. અવિનાશ વ્યાસ૧૯.
તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠા ટાબરિયાં
તારા ગીત તણી મસ્તીમાં ભૂખ તરસ વિસરિયાં
ઝંડા કામણ શા કરિયાં,
ફિદા થઈ તુજ પાછળ ફરિયાં……….. ઝવેરચંદ મેઘાણી
ય… ય નો અ કરવાની છૂટ છે..૨૦.
એકવાર સત્યના ચરખાને કાંતી તો જો,
અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.
સાબરનો આરો ને તાપી કિનારો,
ગુજરાતની ગરિમાને ગાઇ તો જો. દેવિકા ધ્રુવ૨૧.
તો હવે ‘જ’ નો ‘ઝ’ થાય ને? !!
ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત. મનીષ ભટ્ટ૨૨.
તું પ્રેમ-દીપ બાળવા વદન વદનથી વાત કર.
તું નફરતોને ટાળવા નયન નયનથી વાત કર.
તું વિશ્વ-ગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર . રસિક મેઘાણી.૨૩.
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
જય દયાનંદ જય પ્રેમાનંદ, જય બોલો બહુચરમાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …યશગાથા ગુજરાતની.. રમેશ ગુપ્તા૨૪.
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે.
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. ઝવેરચંદ મેઘાણી૨૫.
છલકાતી એક-એક અગાસી,ઉપર જામ્યો રંગ
આજ ગગનમાં પતંગ ઊડે, મનમાં ઉમટે ઉમંગ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો, ઊડે રે પતંગ ગુજરાતનો. રઈશ મણીઆર૨૬.
નવી પાંખ છે, નવા ઉમંગો, નવું નવું મલકાતા
નવા દિવસ છે ભલે હવે એ નવી રીતે ઉજવાતા
નવી સવારે નવું કિરણ લઇ આવ્યું નવલી વાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત કૃષ્ણ દવે.૨૭.
તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…
ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર, અવિનાશ વ્યાસ.૨૮.
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવર્ણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. ઝ.મે.૨૯.
વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિકલા ગુજરાતની. શૂન્ય પાલનપૂરી.૩૦.
નક્કી એક દિન આવશે એવો, જહાં જ્યારે ચકિત થાશે
અમારી કિર્તીગાથાઓ તણાં ગૌરવ ગીતો ગાશે.
અમારી આત્મશ્રદ્ધાથી જગાવીશું નવો પલ્ટો,
જહાંના પંથથી ન્યારો નવો રસ્તો રચાવીશું. કવિ રવિ ઉપાધ્યાય૩૧.
શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની. શૂન્ય પાલનપુરી૩૨.
ન તો હું કહું છું, ન ગુજરાત કે’છે, સૌ દેશવાસીનો છે આ અવાજ,
ભારતની અર્થ વ્યવસ્થાનું સુકાન, ગુજરાતીને હાથ, કે’છે આ અવાજ,
દરિયા ખેડી, દરિયા તરી, અવકાશે યાત્રા કરે છે એ આ પ્રજા,
‘સહુના સાથ સહુના વિકાસ’ માટે, ગુજરાતીનો રણકે છે આ અવાજ.
-મનોજ મહેતા૩૩.
જય હે જય ગુજરાત! તને હો વંદન અપરંપાર
મુક્તિદૂત ગાંધીનો આપ્યો તેં અનુપમ ઉપહાર
તને હો વંદન અપરંપાર,જય હે જય ગુજરાત. વિનોદ જોશી૩૪.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત. નર્મદ૩૫.
તને નમુ,તને જપું,તારા અહર્નિશ ગાન ગાઉં.
હર પળે, ને હર જગે, આ શિર નમે તુજને ગુજરાત. શૈલા મુનશા૩૬.
ત્યાં લોખંડી નર એક સૂત્રમાં ગૂંથે પ્રાંતેપ્રાંત..
ત્યાં એક વૈશ્વજન કહેવાયા, સમગ્ર રાષ્ટ્રના તાત
અહો, તે તો છે ગુજરાત.. તે તો છે ગુજરાત.. પ્રીતિબહેન સેનગુપ્તાતે તો છે ગુજરાત.. અમારી ગુણવંતી ગુજરાત.
અમારી ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત. અમારી ગુણવંતી ગુજરાત. -
શુભેચ્છાઓ – खुश रहे तू सदा, ये दुआ है मेरी
નિરંજન મહેતા
ફિલ્મોમાં જુદા જુદા પ્રસંગે શુભેચ્છા આપતા ગીતો મુકાયા હોય છે, પછી તે લગ્ન પ્રસંગ હોય, કોઈ જન્મદિવસની ઉજવણી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય. આવા કેટલાક ગીતો આ લેખમાં નોંધ્યા છે પણ મર્યાદિતતાને કારણે બધા ગીતોની નોંધ ન લેવાઈ હોય તો દરગુજર.
૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’ જે એક પ્રેમકહાનીનું પ્રતિક છે તેમાં માંદગીને કારણે પથારીવશ પ્રદીપકુમારને સંબોધીને આ ગીત ગવાયું છે જેમાં બીનારોય તેની લાંબી ઉમરની કામના કરે છે, સાથે સાથે તે માટે પોતાની ઉમર આપવા તૈયાર છે.
दुआ कर ग़म-ए-दिल, खुदा से दुआ कर
वफ़ाओं का मजबूर दामन बिछा कर
दुआ कर ग़म-ए-दिल, खुदा से दुआ कर
जो बिजली चमकती है उनके महल पर
वो कर ले तसल्ली, मेरा घर जला करબીનારોય પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે સી. રામચંદ્ર. સુમધુર કંઠ છે લતાજીનો.
૧૯૫૯ની ફિલ્મ ‘સુજાતા’નુ આ ગીત જન્મદિવસની ઉજવણીને અનુલક્ષીને છે.
तुम जियो हज़ारों साल
साल के दिन हों पचास हज़ार
सूरज रोज़ आता रहे रोज़ गाता रहे
लेके किरणों के मेले
पलछिन कलियाँ गिन गिन तेरा हर दिन
तब तक रँगों से खेलें
रँग जब तक बाकी है बहारों मेंશશીકલા અને સાથે સાથે નૂતનના જન્મદિવસના સંદર્ભમાં રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. ગાયિકા આશા ભોસલે.
૧૯૬૧ની ફિલ્મ ‘સ્ત્રી’. જે શાંતારામની જ જૂની ફિલ્મ ‘શકુંતલા’ની રીમેક છે તેમાં કન્યા વિદાય વખતે ઋષિ કણ્વ શકુંતલાને આશીર્વાદના આ વચનો કહે છે
आओ बिटिया आज तुमे
……………
जाओ लाडली पति के घर तुम सुखी रहोભરત વ્યાસના શબ્દોને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. સ્વર છે મન્નાડેનો.
૧૯૬૩ની ફિલ્મ ‘પારસમણિ’નુ ગીત એક પ્રેમીના ભાવોને દર્શાવે છે જેમાં તે તેના રૂપની પ્રશંસાનાં ફૂલ પાથરે છે પણ સાથે સાથે તેની સલામતીની ઈચ્છા પણ દર્શાવે છે.
रोशन तुम्हीं से दुनिया रौनक़ तुम्हीं जहाँ की
फूलों में पलने वाली रानी हो गुलसिताँ की
सलामत रहो, सलामत रहोઆ ફૂલો ગીતાંજલી માટે મહિપાલ વરસાવે છે જેના રચયિતા છે ઇન્દીવર, સ્વર છે રફીસાહેબનો. લક્ષ્મીકાંત પ્યારેલાલ આ ગીતના સંગીતકાર છે. આ તેમની પ્રથમ સ્વતંત્ર ફિલ્મ હતી અને તેના સંગીતને લઈને તેમનું ફિલ્મ જગતમાં નામ બન્યું.
૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’નુ આ ગીત દીકરીનાં જન્મદિવસે ગવાયું છે. સ્વાભાવિક છે કે એક માના મુખે શુભેચ્છાજ નીકળવાની.
जूही की कली मेरी लाडलीनाज़ों की पली मेरी लाडली
ओ आस-किरन जुग-जुग तू जीए
नन्ही सी परी मेरी लाडली, ओ मेरी लाडलीમીનાકુમારી પર રચાયેલ આ ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીતકાર છે શંકર જયકિસન. સ્વર સુમન કલ્યાણપુર
૧૯૬૪ની ફિલ્મ ‘દૂર કી આવાઝ’નુ આ ગીત જન્મદિવસના ઉપલક્ષમાં છે.
हम भी अगर बच्चे होते
नाम हमारा होता गबलू बबलू
खाने को मिलते लड्डू
और दुनिया कहतीHappy birthday to you
બાળ કલાકારનું નામ દર્શાવ્યું નથી પણ જોની વોકર, સાઈરાબાનુ અને જોય મુકરજી આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીતકાર છે રવિ. ગાયકો છે આશા ભોસલે, મન્નાડે અને રફીસાહેબ.
૧૯૬૪ની ફિલ્મ ‘ઉપકાર’નુ આ ગીત એક દુઆના રૂપમાં છે.
हर ख़ुशी हो वहाँ, तू जहाँ भी रहे
हर ख़ुशी हो वहाँ, तू जहाँ भी रहे
ज़िंदगी हो वहाँ, तू जहाँ भी रहेજેલમાં કેદ પ્રેમ ચોપરા(?)ને અનુલક્ષીને આશા પારેખ આ ગીત ગાય છે જેમાં તેને જેલમાં કોઈ તકલીફ ન પડે તેમ ઈચ્છે છે. શબ્દો છે ગુલશન બાવરાના, સંગીત છે કલ્યાણજી આણંદજીનું અને સ્વર છે લતાજીનો.
૧૯૬૪ની ફિલ્મ ‘આઈ મિલન કી બેલા’નુ આ ગીત પણ એક જન્મદિવસની ઉજવણી પર રચાયું છે.
तुम्हें और क्या दूँ मैं दिल के सिवा
तुमको हमारी उमर लग जाए
मुरादें हों पूरी सजे हर तमन्ना
मुहब्बत की दुनिया के तुम चाँद बनना
बहारों की मंज़िल पे हँसना-हँसाना
ख़ुशी में हमारी भी आवाज़ सुनना
कभी ज़िन्दगी में कोई ग़म न आएરાજેન્દ્રકુમારને શુભેચ્છા આપનાર છે સાઈરાબાનુ. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. સ્વર છે લતાજીનો.
૧૯૬૭ની ફિલ્મ ‘ફર્ઝ’નુ આ ગીત પણ જન્મદિવસના પ્રસંગે શુભેચ્છાઓ આપતું ગીત છે.
बार बार दिल ये गाये
तू जिये हजारों साल
ये मेरी है आरजूHappy birthday to you
બબીતાના જન્મદિવસે જીતેન્દ્ર આ નૃત્યગીત રજુ કરે છે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. સ્વર છે રફીસાહેબનો.
https://youtu.be/Jn9_6yINCy4?list=TLGGsflSrQntqJ0xNTA4MjAyNA
૧૯૬૭ની ફિલ્મ ‘મેરા મુન્ના’નુ આ ગીત ફરી એકવાર જન્મદિવસની ઉજવણીને અનુલક્ષીને છે. આ ગીત બાળકો પર રચાયું છે.
बधाई हो बधाई, जनमदिन की तुमको
जनमदिन तुम्हारा मिलेंगे लड्डू हमको
बधाई हो बधाई, जनमदिन की तुमकोसदा दिल लगा के तू मेहनत से पढ़ना
मेहनत से पढ़ना पढ़ाई में आगे से आगे ही बढ़नाબબલુના જન્મદિવસે જુનિયર મેહમુદ વધાઈ આપતા બાળમાનસને પણ ઉજાગર કરે છે. ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર આપ્યો છે લતાજીએ.
https://youtu.be/oPUTfEph1kk?list=TLGGkV5atyK_CXcxNTA4MjAyNA
૧૯૬૯ની ફિલ્મ ‘અનોખી રાત’નુ આ ગીત પણ દીકરી માટે એક માની શુભેચ્છા દર્શાવે છે.
महलों का राजा मिला के रानी बेटी राज करेगी
खुशी-खुशी कर दो बिदा तुम्हारी बेटी राज करेगीઆ શુભેચ્છાઓ આપનાર છે ઝાહીદા. ગીતકાર ઇન્દીવર અને સંગીતકાર રોશન. સ્વર લતાજીનો.
૧૯૬૯ની ફિલ્મ ‘સુહાગરાત’નુ ગીત એક જુદા પ્રકારનું ગીત છે જેમાં પોતાની પ્રેયસીને અન્ય સાથે લગ્ન થતાં પ્રેમી તેને આ પ્રકારની શુભેચ્છાઓ આપે છે
ख़ुश रहो हर ख़ुशी है तुम्हारे लिये<
छोड़ दो आँसुओं को हमारे लियेકલાકારો છે જીતેન્દ્ર અને રાજશ્રી. ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે મુકેશનો.
૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નુ આ ટાઈટલ ગીત પાર્શ્વગીત તરીકે નિરાશ થયેલી નાયિકાને ઉદ્દેશીને મુકાયું છે.
बनेगी आशा एक दिन तेरी ये निराशा
काहे को रोये चाहे जो होए
सफल होगी तेरी आराधनाગીતમાં દેખાતા કલાકારો છે પહાડી સન્યાલ અને શર્મિલા ટાગોર. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર અને ગાયક છે સચિન દેવ બર્મન.
૧૯૭૦ની ફિલ્મ ‘ખીલોના’નુ ગીત પણ પોતાની પ્રેયસીના અન્ય સાથે લગ્ન થતાં સંજીવકુમાર આ ગીત ગાય છે.
तेरी शादी पे दूँ तुझको तोहफ़ा मैं क्या
पेश करता हूँ दिल एक टूटा हुआ
खुश रहे तू सदा, ये दुआ है मेरी
वफ़ा ही सही, दिलरुबा है मेरीઅન્ય કલાકારો છે શત્રુઘ્ન સિંહા અને મુમતાઝ. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક છે મુકેશ.
૧૯૭૧ની ફિલ્મ ’આપ આયે બહાર આઈ’નુ ગીત ફરી એકવાર જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે છે.
तारे तारे कितने नील गगन पे तारे
तेरी उमर हो इतने साल जीतने नील गगन पे तारे
तारे तारे कितने नील गगन पे तारेકલાકારો છે રાજેન્દ્ર કુમાર અને સાધના. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયકો છે હેમલતા અને રફીસાહેબ.
૧૯૮૩ની ફિલ્મ ‘નાસ્તિક’નુ આ ગીત લગ્ન પ્રસંગે ગવાયું છે.
हो दिल पे दिलबर की यारो हकुमत रहे
गाती हस्ती सदा ये मोहब्बत रहे
मेरे अल्लाह की तुज पे इनायत रहे
दूल्हा दुल्हन की जोड़ी सलामत रहेગીત જોતા જણાય છે કે અમિતાભ બચ્ચન છૂપા વેશમાં નવવધુને આશીર્વાદ આપવા આવ્યો છે. સાથે હેમા માલિની, પ્રાણ વગેરે કલાકારો પણ સામેલ છે. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ અને ગાયક છે કિશોરકુમાર.
આશા છે ઉપર મુકેલા ગીતો સુજ્ઞ વાચકોને પસંદ પડ્યા હશે,
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૬૫ – અર્શ હૈદરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
અર્શ હૈદરી સાહેબ પણ ગુમનામ ગીતકાર. બિંદિયા, રાસ્તા અને દિલ નામની ત્રણ ફિલ્મો માટે કુલ તેર ગીતો લખ્યાં. ‘ ડાકુ કી લડકી ‘ (૧૯૫૨) ના સંવાદો પણ લખ્યા. ( આ ફિલ્મનું હેમંત – લતાનું યુગલ ગીત ‘ ચાંદ સે પૂછો સિતારો સે પૂછો મુજે તુમ સે પ્યાર હૈ ‘ સાંભળી કાન અને અંતર પવિત્ર કરવા જેવાં છે ! )
અર્શ સાહેબની લખેલી એક જ ફિલ્મની યુગલ ગીત સ્વરૂપની બે ગઝલ :
આ જા તુઝે એક બાર મૈં સીને સે લગા લું
તુજ સે હી તેરે દર્દે મુહબ્બત કો મિટા લુંઐ મેરી તમન્ના મુઝે ઇતના તો બતા દે
અરમાન જો દિલ મેં હૈં ઉન્હેં કૈસે નિકાલુંમૈં આ ગઈ દિલ ખોલ કે બાતેં કરો દિલ કી
મૈં ભી જો મેરે દિલ મેં હૈ જી ભર કે સુના લુંઐ પ્યાર કે રાહી તેરી આવાઝ કે સદકે
મૈં રાગિની બન જાઉં તુઝે રાગ બના લું..– ફિલ્મ : બિંદિયા ૧૯૫૫
– હબીબ વલી મોહમ્મદ / આશા ભોંસલે
– સ્નેહલ ભાટકર( આ ફિલ્મમાં વિખ્યાત ગઝલ ગાયક હબીબ વલી મોહમ્મદે ‘ કમલ ‘ નામથી ગાયું હતું કારણ કે એમના પ્રતિષ્ઠિત પરિવારને એ ફિલ્મમાં ગાય એ મંજૂર નહોતું ! )
હો તુજકો મુબારક અબ તેરી તકદીર બદલને વાલી હૈ
જો દિલ મેં હૈ ઉસસે મિલને કી ઉમ્મીદ નિકલને વાલી હૈઉમ્મીદ કે ફૂલોં કો દુનિયા ચુટકી મેં મસલને વાલી હૈ
દુનિયા કે સિતમ કી તેઝ છુરી અરમાનો પે ચલને વાલી હૈઅરમાનો કે દિન ભી જાગ ગએ તુમ પ્યાર કી બાઝી જીત ગએ
દોનોં કે લિયે ફુરકત કી ઘડી દો રોઝ મેં ટલને વાલી હૈદો રોઝ મેં દો દિલ ટુટેંગે દો પ્રેમ કે સાથી છૂટેંગે
પાઈ થી મુહબ્બત મેં જો ખુશી વો ગમ મેં બદલને વાલી હૈ..– ફિલ્મ : બિંદિયા ૧૯૫૫
– રાજકુમારી / આશા ભોંસલે
– સ્નેહલ ભાટકર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
બાળ ગગન વિહાર – મણકો – ૩૯ – વાત અમારી ડેસ્ટીની અને સેરીનીટીની
શૈલા મુન્શા
થોડા વર્ષો પહેલાં મારા ક્લાસમાં ડેસ્ટીની અને સેરીનીટી બે બહેનોને દાખલ કરવામાં આવ્યાં ચાર વર્ષની જોડિયા બહેનો પણ બંનેના સ્વભાવ વચ્ચે આસમાન જમીનનો ફરક. એ વર્ષે અમારા ક્લાસમાં જ્યારે બંને બહેનો આવી તો શરૂઆતમાં અમે પણ ભૂલ કરી બેસતાં એટલો દેખાવ સરખો. પહેલે દિવસે મમ્મી અને માસી બંને આ બાળકીઓને લઈને આવ્યાં. મમ્મીને જોઈ એવું લાગ્યું કદાચ એમનુ માનસિક સંતુલન પણ બરાબર નહીં હોય. એ પોતે જ એટલાં રઘવાયા અને દરેક વાત બે વાર બોલે, અમે જે વાત કહીએ એ સમજતા વાર લાગે અને કાંઈક વિચિત્ર સવાલ પુછે. રોજ મમ્મીને માસી બંને સાથે મુકવા આવે. અમને તરત ખ્યાલ આવી ગયો કે માસી જ મુખ્ય કર્તાહર્તા છે.
બાળકીઓના પિતા વિશે પુછ્યું તો મમ્મીને જ જાણ નહોતી કે એ ક્યાં હશે? લગભગ પહેલું અઠવાડિયું મમ્મીને માસી સાથે આવ્યાં અને બાર વાગે બંનેને સાથે આવી ડેસ્ટીની અને સેરીનીટીને લઈ જાય. થોડા સમય પછી એમની ફાઇલ પણ આવી ગઈ.
ડેસ્ટીની અને સેરીનીટી ભલે જોડિયા બહેનો, દેખાવ સમાન પણ સ્વભાવ એકદમ વિરોધાભાસી. શારીરિક અવસ્થામાં પણ ફરક, જમવામાં ફરક. જન્મ એમનો સમય કરતાં વહેલો થયો હતો એટલે મગજ અને શરીર બંને પર અસર થઈ હતી. પગમાં પૂરી તાકાત નહીં એટલે બંનેને પગ મજબૂત રાખવા કૃત્રિમ બુટ પહેરાવવા પડે. વજનદાર બુટ સાથે પણ બંને બહેનો દડબડ દડબડ દોડે. રમવાના મેદાનમાં પણ લસરપટ્ટીના પગથિયા ચઢે. સેરીનીટીને લિવરમાં કાંઈક તકલીફ, પેટ પર કોઈ નાની નળી જેવું મુકેલું એટલે દરરોજ બાર વાગ્યે મમ્મી કે માસી આવીને એને લઈ જતાં, પણ ડેસ્ટીની બીજા અઠવાડિયાથી આખો દિવસ સ્કૂલમાં રહેવા માંડી. તકલીફ હોવા છતાં સેરીનીટી હંમેશ હસતી અને બધા સાથે સહજતાથી ભળી જતી.
સ્કૂલબસના ડ્રાઈવરને એમની બહુ ચિંતા! એટલા સંભાળીને બસમાંથી ઉતારે, હાથ પકડીને અંદર મુકવા આવે. મને કહે “મીસ મુન્શા તું બીજા બાળકોને લઈ અંદર જા, હું ડેસ્ટીની, સેરીનીટીને લઈ આવું છું.”
થોડા દિવસ તો હું કાંઈ બોલી નહીં પણ પછી મેં બસ ડ્રાઈવરને કહ્યું, “તમે બે મિનિટ અહીંયા ક્લાસના દરવાજા પાસે ઊભા રહો અને જુઓ શું થાય છે?” ડેસ્ટીની સેરીનીટિને દોડતાં અને બીજા બાળકો સાથે રમતાં જોઈ એમની નવાઈનો પાર ના રહ્યો.
ડેસ્ટીની ફક્ત પ્રોટીનવાળા દૂધ પર જ જીવે. બસમાંથી ઉતરે ત્યારે દૂધની બોટલ એના મોઢામાં હોય. સેરીનીટી આમ તો બધું ખાઈ શકે પણ ડૈરી પ્રોડક્ટ બહુ ના અપાય, નહિ તો ઝાડા થઈ જાય. ડેસ્ટીનીનો ગુસ્સો ગજબનો. ક્લાસમાં આવતાની સાથે જો એનું ગમતું રમકડું બીજા કોઈ બાળકના હાથમાં હોય તો એં એં કરીને ઝડપ મારી એ રમકડું બીજાના હાથમાંથી ઝુંટવવાની કોશિશ કરે અને જો ના મળે તો એક ઠુંસો, એક ધક્કો કે એક થપ્પડ મારી દે. અરે! જો એનુ ધાર્યું ના થાય તો અમારી સામે પણ હુંકાર કરે. દિવસમાં એને ત્રણ વાર દૂધની બોટલ આપવાની હોય, પણ એ બેનને તો આખો દિવસ મોઢામાં બોટલ રાખી મુકવાની આદત. ઘરે કદાચ મમ્મી એમ કરતી હશે પણ અમારે તો એની તબિયતની કાળજી અને ડોક્ટરની સુચનાનુ પાલન કરવાનુ હોય એટલે આખો દિવસ બોટલ ન આપીએ તો અમારી સામે પણ એટલો ગુસ્સો દેખાડે.
આ બધું પેલા ડ્રાઈવરને બતાડ્યું અને કહ્યું “આ બાળકીઓને વધારે પડતી દેખભાળની જરૂર નથી”
બંને બહેનોમાં ડેસ્ટીની આળસુ,એને ક્લાસની બીજી પ્રવૃતિમાં બહુ રસ નહિ, બાળગીતો ચાલતા હોય, સ્માર્ટ બોર્ડ પર એ, બી,સી, ડી કે બાળકોને ગમતા કાર્ટુન કાંઈ પણ હોય ડેસ્ટીનીને જરાય રસ નહિ. જો એને આઈપેડ આપો તો આખો દિવસ એમાં મગન પોતાને જોવી હોય એ જ ગીતોની વેબસાઈટ આખો દિવસ જોયા કરે. જ્યારે સેરીનીટી બધા સાથે ગીતો ગાવામાં ભાગ લે, ક્લાસની પ્રવૃતિમાં ભાગ લે, હંમેશાં હસતી અને પરાણે વહાલી લાગે એવી. સેરીનીટી ઝડપથી બીજા બાળકોના નામ શીખવા માંડી અને એ બધાને એમના નામથી બોલાવવા માંડી. અમે કોઈ બાળકને બોલાવીએ તો અમારી સાથે એ પણ નામ લઈને બૂમ પાડે, અને પછી ખિલખિલ કરી હસી પડે. તમે જ કહો આવા બાળકો પર કોને વહાલ ના આવે??
સેરીનીટીની આવડત અને ધગશ જોઈ અમને ખાત્રી હતી કે એ ઝડપથી આગળ વધશે પણ ડેસ્ટીની અમારી બરાબર કસોટી કરતી. એની પાસે કાંઈ પણ કરાવવું એ લોઢાના ચણા ચવવા જેટલું મુશ્કેલ હતું, પણ એમાં જ તો મઝા છે જ્યારે આ બાળકોના જીવનમાં, એમને પ્રોત્સાહિત કરવામાં, એમને પ્રગતિના પંથે આગળ વધારવામાં અમારો પણ કાંઈક ફાળો હોય અને એ વાતની નોંધ એમના માતા પિતાની નજરે ચઢે, ત્યારે એમના ચહેરા પર અહોભાવની લાગણી જ તો હોય એ જ અમારૂં સહુથી મોટું ઈનામ હોય છે.
અમને સહુથી વધુ ખુશી એ વાતની હતી કે ડેસ્ટીની ને સેરીનીટીને મમ્મી સાથે મા તુલ્ય માસી મળી હતી જે અમારી બધી સુચનાને અમલમાં મુકવા હંમેશ તત્પર રહેતી.
ઈશ્વર કરે ને એક દિવસ આ બંને બહેનો પણ જીવનપથ પર સાચું માર્ગદર્શન પામે અને જરૂર નીલગગનની ચમકતી તારલી બની રહે!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
