વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • રંગભેદ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    “અંબુલુ, ઓ…અંબુલુ..” પત્નીનાં નામની બૂમો મારતા રામભદ્ર ઘરમાં પ્રવેશ્યા.

    “અરે, શું વાત છે, કોઈ ખજાનો હાથ લાગ્યો કે શું?” પતિને આટલા ઉત્તેજીત જોઈને વિમાસણમાં પડેલી પત્નીએ  સવાલ કર્યો.

    વરંડાની દીવાલને અઢેલીને બેઠી બેઠી અખબાર વાંચતી વિમલા પણ આશ્ચર્યથી પિતા સામે જોઈ રહી.

    “ખજાનાથી ચઢે એવી વાત છે. દક્ષિણ આફ્રિકાથી છોકરાનો જવાબ આવ્યો છે કે એને વિમલા પસંદ છે. બે મહિના પછી ભારત આવશે ત્યારે લગ્ન લઈશું.” દીકરીની સામે એક મીઠ્ઠું સ્મિત આપીને રામભદ્રએ પત્નીને જવાબ આપ્યો અને દીકરી તરફ નજર કરી. શરમાઈને વિમલાએ હાથમાં પકડેલા સામયિકથી ચહેરો ઢાંકી દીધો.

    “જોયું, હું કહેતો હતો’ને કે આપણી વિમલા નસીબવાળી છે. પહેલી વાર જે છોકરો જોયો એમાં જ વાત નક્કી થઈ ગઈ.” રામભદ્ર ઉત્સાહથી ઉભરાતો હતો.

    “અરે, આટલા ઉતાવળા ના થાવ. હજુ જન્મકુંડળી મેળવવાની, વ્યવહારિક લેણદેણની વાત કરવાની બાકી છે. તમે તો એવા ઉછળો છો કે જાણે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ.”

    “પાક્કી જ સમજ. વિમલાનો ફોટો જોઈને જ છોકરાએ તો હા પાડી દીધી છે.”

    “હા પણ, વિમલાનેય તે છોકરો ગમવો જોઈએ ને?”

    “સુડોળ અને દેખાવડો તો છે, પસંદ કેમ નહીં આવે?”

    રામભદ્ર પૈસાવાળા હતા. એમની દીકરીને દરેક જાતની સગવડ મળે, નોકરી ના કરવી પડે એવી ઇચ્છા હતી. એના માટે વરપક્ષને મ્હોં માંગ્યો કરિયાવર કરવા તૈયાર હતા.

    મદ્રાસમાં એમ.એસ.સી.માં સર્વપ્રથમ કક્ષામાં પાસ થયેલો આસીન ઐય્યાસ્વામી દક્ષિણ આફ્રિકાની કોઈ મોટી કંપનીમાં સારા વેતન પર કામ કરતો હતો. પહેલી વારમા જ આવા યુવકે પોતાને પસંદ કરી એ જાણીને વિમલાને આશ્ચર્ય જરૂર થયું હતું સાથે અપાર આનંદ પણ થયો.

    દસેક દિવસ પછી વિમલા એક તામિલ સામયિક વાંચતી હતી. એ.એન.એ. સામી નામના કોઈ લેખકે અંગ્રેજીમાંથી તામિલમાં અનુવાદ કરેલા એક લેખ તરફ એનું ધ્યાન ગયું. વિભિન્ન રાષ્ટ્રોના સંબંધને અનુલક્ષીને એ લેખ લખાયેલો હતો. એમાં દક્ષિણ આફ્રિકા શબ્દ વાંચતાની સાથે એની ઉત્સુકતા વધી ગઈ. પોતાને એ દેશમાં જઈને રહેવાનું છે એટલે શક્ય હોય એટલી જાણકારી લેવા એક પણ શબ્દ વાંચવાનો રહી ન જાય એટલી ચીવટથી એ લેખ વાંચી ગઈ.

    લેખનું શીર્ષક હતું, ‘અપારતીડ’.

    દક્ષિણ આફ્રિકામાં જે કોઈ અલ્પ સંખ્યામાં અંગ્રેજ શાસક હતા એ લોકો અફ્રિકાના મૂળ રહેવાસી લોકોને કાળા, અછૂત ગણીને અપાર યાતના આપતા હતા જેનું લેખકે સવિસ્તાર આલેખન કર્યું હતું. લેખકનું કહેવું હતું કે, અંગ્રેજો દ્વારા અપાતી એ યાતનાની તુલનામાં આપણા દેશની છૂતઅછૂતની પ્રથા તો કોઈ વિસાતમાં નથી. લેખકે સમસ્ત સમાજ સામે શબ્દોનો કોરડો વીંઝતા લખ્યું હતું કે, દરેક માનવ શરીરમાં લોહીનો રંગ લાલ જ છે તો શરીરનો બાહ્ય વર્ણ કાળો હોય તો એમની ઉપેક્ષા કરવી માનવતા વિરુદ્ધ વાત છે, વગેરે વગેરે…

    વિમલાને થયું કે, ગંભીર શૈલીમાં લખાયેલા એ લેખનો અનુવાદ કર્યો તો શીર્ષકનો કેમ નહીં કર્યો હોય વળી જો અનુવાદ આટલો પ્રભાવશાળી છે તો મૂળ લેખનો પ્રભાવ તો કેવોય હશે!

    વિમલાનાં મનમાંથી થોડા દિવસ પછી એ લેખ વિસરાઈ પણ ગયો. એક દિવસ રામભદ્રે આવીને કહ્યું કે, ‘હિમાલય’ નામનાં સામયિકમાં ‘અપારતીડ’ નામનો લેખ લખનાર એ.એન.એ.સામી. એટલે પેલો દક્ષિણ આફ્રિકાવાળો યુવક આસીન ઐય્યાસ્વામી. આસીન ઐય્યાસ્વામી જેવું જૂની પ્રણાલીવાળું નામ બદલીને સંક્ષિપ્તમાં એણે એ.એન.એ.સામી. લખવાનું શરૂ કર્યું છે.

    “હશે, નામનું શું, અય્યાસ્વામી હોય કે અણ્ણાસામી, આપણે તો છોકરો સારો છે એટલું પૂરતું છે.” કહીને હસતા હસતા રામભદ્રએ વાતનો બંધ વાળ્યો અને આડી નજરે વિમલા સામે જોઈ લીધું. વિમલાનાં મનમાં પણ થનારા પતિ માટે ગર્વની લાગણી થઈ. આજે તો એની પાસે સામયિક પણ નહોતું જેનાથી શરમથી લાલ થયેલો ચહેરો એ સંતાડી શકે. હવે એને એ અનુવાદનો મૂળ અંગ્રેજી લેખ વાંચવાની ઉત્કંઠા થઈ પણ, આફ્રિકાનું એ મૂળ સામયિક ભારતમાં ઉપલબ્ધ નહોતું.

    બે મહિના પછી એ યુવક એ.એન.એ.સામી. ઉર્ફે આસીન ઐય્યાસ્વામી ભારત આવ્યો. છોકરીને જોવા, મળવાની પ્રણાલી પૂર્ણ થઈ. વિમલાને યુવક પસંદ આવ્યો. આસીનના માતા-પિતાએ ‘બે દિવસ પછી સમાચાર મોકલીશું’ કહીને વિદાય લીધી.

    બે દિવસ પછી રામભદ્રને પત્ર મળ્યો. એ વાંચીને તો એમને અત્યંત આઘાત લાગ્યો. પત્રમાં લખ્યું હતું યુવકને વિમલા પસંદ નથી કારણ કે, એ કાળી છે.


    જ્યોતિર્લતા ગિરિજા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મૃત્યુ –એક છતનું

    ગિરિમા ઘારેખાન

    ઘરની આજુબાજુ માણસોનું ટોળું એકઠું થયું છે. છેલ્લા શ્વાસ લેતાં લેતાં પણ એ માણસોની વાતચીત મારા કાન સુધી પહોંચી રહી છે. બધા મને ઘેરીને ઊભા રહી ગયાં છે અને ‘ઓચિંતું આવું કેવી રીતે થયું હશે’ એમ એકબીજાને પૂછીને મારા પડવા વિષે અફસોસ વ્યક્ત કરી રહ્યાં છે. કોઈએ પોલીસને પણ ફોન કરી દીધો છે અને મારા તૂટી ગયેલા અંગોને આમતેમ ખસેડીને જોવા માંડ્યા છે. કોઈ સમજી નથી શકતું કે અચાનક મને શું થયું અને કેવી રીતે થયું. બધા જાતજાતની અટકળો કરે છે પણ સાચી વાત સુધી કોઈ ક્યારેય પહોંચી નહી શકે. એ રહસ્ય માત્ર હું જ જાણું છું.પણ એ હું તમને કહીશ હોં ! તમને કહેવામાં જરા યે વાંધો નહીં.

    સાંભળો, આમ તો હું ઘરમાં એવી સરસ જગ્યાએ બેઠી હતી –ઘરમાં બધાથી ઉપર –એટલે હું બધું જ જોઈ શકું અને બધું જ સાંભળી શકું, અને તો પણ કોઈને કશામાં નડું નહીં. મારા આ જોવા-સાંભળવા અંગે કોઈને કંઈ વાંધો –વચકો પણ ન પડે. ઘરના માણસો મારી હાજરીની જાણે કઈ નોંધ જ ન લે, ઘરમાં કોઈ મને કંઈ ગણે જ નહીં. એટલે જ સ્તો બધાની ખાનગીમાં ખાનગી વાતો પણ હું સાંભળી શકું અને બધા જ અંતરંગ દ્રશ્યોની સાક્ષી બની શકું. માણસોની વાતોમાં ક્યારેક કુડ –કપટ છલકાઈ જાય તો ક્યારેક કંઇક કાવતરું ડોકાઈ જાય, કોઈ વાર મસ્તી મજાક પણ હોય તો ક્યારેક મીઠો અનુરાગ. સ્નેહભરી વાતો સાંભળવી તો મને એટલી બધી ગમે! એવી જ રીતે પ્રેમ ભર્યાં દ્રશ્યો જોવાનું પણ મને બહુ ગમે. ના, ના, આ કંઈ મારી વિકૃતિ નથી, આ તો સહજ કોમળ સ્વભાવ. તમે પણ અનુભવ્યું જ હશે ને કે ઘરમાં દીવાલો અને ભોંય કોરાકટ હોય અને કાયમ મારી આંખો જ સહુથી પહેલી ભીની થઇ જાય .

    આ ઘરમાં પહેલાં જે પતિ-પત્ની રહેતાં હતાં એ બન્ને તો એટલાં ભલાં હતાં કે ન પૂછો વાત. એમની વચ્ચે મેં ક્યારેય લડાઈ ઝઘડા તો જોયા જ ન‘તાં. ઘરમાં એટલી બધી શાંતિ હોય! એ ઉંમરલાયક પતિ –પત્ની બન્ને પોતપોતાનું કામ કરે, પૂજા પાઠ કરે, અને વાંચ્યા કરે. એટલે હું તો આવા પ્રેમ ભર્યા વાતાવરણથી ટેવાયેલી. પણ એ લોકો જેમને ઘર વેચીને ગયાં  એ લોકો તો બાપ તોબા તોબા! થોડા સમયમાં હું તો એટલી કંટાળી ગઈ! હવે હું તો એક છત, મારે તો ઉપર લટક્યા કરવાનું, એટલે મારાથી થોડું ઘરની બહાર ભાગી જવાય છે? ન કહેવાય ન સહેવાય! ગમે તેટલું ન ગમે એવું બને તો પણ હું ક્યાં ભાગી જઈ શકું? ઘરમાં જે બનતું હોય એના સાક્ષી તો બનવું જ પડે. એમાં ને એમાં તો મને જાણે અકાળે વૃદ્ધત્વ આવી ગયું. મારી સફેદ ત્વચા ઉપર કરચલીઓ પડીને ખરવા માંડી અને અંદરથી કાળી કાળી નસો દેખાવા માંડી. છેલ્લે છેલ્લે તો મારી નીચે લટકાવેલા પંખાનો ‘ખટ ખટ’ અવાજ પણ મને ન હતો ખમાતો. ઉપરથી પેલા માણસોના અંદર અંદરના સતત ઝઘડા! સતત બૂમાબૂમ અને ગાળાગાળી ચાલતી જ હોય. બીજું તો હું કશું ન કરી શકું પણ ઘણીવાર એ લોકોની ઘાંટાઘાટથી કંટાળીને, ગુસ્સામાં આવીને હું મારી થોડી ચૂનાની પતરીઓ એ લોકો ઉપર ખેરવી દેતી. એ લોકો ઊંચું જુએ અને પછી એ બાબતને લઈને એક નવી બબાલ ચાલુ થઇ જાય —-

    ‘હું કહું છું આ છત ઉપરથી હવે તો રોજ ચૂનાની પતરીઓ ખરવા માંડી છે.’

    ‘હા પપ્પા, એક બે જગ્યાએ તો હવે અંદરથી સળિયા પણ દેખાવા માંડ્યા છે.’

    ‘તે એમાં હું શું કરું? હું છત થઈને લટકી જઉં?’ ઘરનો વડીલ તાડુકતો .

    ‘તે તમને લટકવાનું કોણ કહે છે? સમારકામ કરાવવાનું કહીએ છીએ.’ વડીલની પત્ની પણ સામે ભસતી.

    ‘હા પપ્પા, નહીં તો આ સીલીંગ એક દિવસ આપણે માથે પડશે.’

    ‘રોહનીયા, તું તો બોલતો જ નહીં. આવડો મોટો થયો, કંઈ કમાતો ધમાતો નથી, આખો દિવસ રખડી ખાય છે, અને ઉપરથી મને સલાહ આપે છે? ચાર પૈસા કમાવા જાઓ ત્યારે ખબર પડશે. તું પહેલાં તારા દિમાગનું સમારકામ કરાવ.’

    વડીલનો ચહેરો લાલઘૂમ થઇ જાય .

    રોહન કંઈ બોલે એ પહેલાં તો એની બહેન વચ્ચે પડે. ‘મમ્મી, હવે રોહનને પરણાવી દો એટલે બધી સમસ્યાઓનો અંત આવી જશે. એક તો એ હરાયા ઢોરની જેમ જ્યાં ત્યાં માથું નાખતો ફરે છે એ બંધ થઇ જશે અને કાંક જવાબદારીનું ભાન થશે. છોકરીનો બાપ જે દહેજ આપે એમાંથી ઘર પણ રીપેર થઇ જશે.’

    ના, હોં. પહેલાં આ નાલાયક કંઈ કમાતો થાય પછી લગન બગન. અત્યારે પરણાવું એટલે પાછું મારે ખવડાવવા માટે એક મોઢું વધે.’

    ‘તે અમને ખવડાવો છો એ કંઈ ઉપકાર નથી કરતાં. બાપ થઈને બીજું શું કર્યુઁ તમે?’

    આવા વખતે મને એમ થાય કે હું મારા કાન બંધ કરી દઉં. બાપ -દીકરા વચ્ચે આવા સંવાદો? પણ હું તો એક છત, કાન બંધ કરવા  હાથ ક્યાંથી લાવું?

    ત્યાં તો રોહન એની બેન તરફ ફરે, ‘રચના, તું તો બોલતી જ નહીં. તું તારું ઘર તો સાચવી ના શકી અને પાછી આવી ગઈ બાપના રોટલા તોડવા! મારું લગન કરાવીને તારે શું કરવું છે? આખો દિવસ આરામ?  આટલું કામ કરે છે એ પણ ના કરવું પડે, એમ જ ને?’

    રચનાની સાસરેથી પાછા ફરવાની વાત આવે એટલે મમ્મીનું રડવાનું ચાલુ થઇ જાય, ‘મારી રચનાના લગનમાં આટલો ખર્ચો કર્યો, આટલું આપ્યું, તો યે એના કકળાટીયા સ્વભાવને લીધે બે મહિના પણ  સાસરામાં ટકી નહીં.’

    આ સાભળીને રચના તાડુકે, ’તારું આ નાટક બંધ કર મમ્મી. લગનમાં ખર્ચો કર્યો તે બધા મા-બાપ કરતાં હોય. મારી સાસુ તો  મને રોજ સંભળાવતી હતી કે “તારામાં તારી મા નો સ્વભાવ ઊતર્યો છે.” એટલે હું કકળાટીયણ તો તું તો આખી નાતમાં છાપેલું કાટલું છે.’

    પછી ચારેય જણનું આક્ષેપો –પ્રતિઆક્ષેપોનું યુદ્ધ ચાલુ થઇ જાય —

    ‘નંદા, તું તારું રોવાનું બંધ કર, તેં જ રોહનને ફટવાડ્યો છે.’

    ‘તમે મને કંઈ ના કહો. તમારામાં જ વેતા નથી.’

    ‘રોહન!’

    ‘રચના!’

    અંતે બાપ –દીકરો તો લગભગ મારામારી સુધી આવી જાય, રોહન રચનાને એક તમાચો ઝીકી જ દે .

    મારાથી આ બધું સહન ન થાય. હું પછી મારી થોડી પોપડીઓ ખેરવી દઉં.

    *****************                    *****************                            *************

    એ દિવસે તો ઘરમાં બહુ ધમાલ હતી. મારા રૂમને ખૂબ સજાવ્યો હતો. દીવાલો ઉપર રંગબેરંગી રિબનો લટકાવી હતી અને પલંગ ઉપર ફુલો પાથર્યાં હતા. એ રાત્રે મેં પહેલી વાર જોઈ હતી સૌંદર્યના સરનામા જેવી એ છોકરીને. લાલ ચટક ચુંદડી અને આભૂષણોમાં સજ્જ એ એટલી તો શોભતી હતી! એને જોઇને મને પહેલી વાર જ એવું થયું કે કાશ! મારી પાસે હાથ હોત તો એને માથે હાથ ફેરવીને હું એને ખૂબ બધા આશીર્વાદ આપત. રોહન જેવા રખડેલ, નાલાયક છોકરાને આવી સુંદર છોકરી ક્યાંથી મળી ગઈ? હું તો એને ધારીધારીને જોયા જ કરતી હતી. ચહેરો એવો નમણો હતો કે એ નમણાશે આખા રૂમને નાજુક બનાવી દીધો હતો. મને એમ થયું કે જેમ મને બનાવવામાં ઈંટ, રેતી, સિમેન્ટ વગેરે વપરાયું હતું એમ આને બનાવવામાં ગુલાબની પત્તીઓ વપરાઈ હશે? મેં આંખોથી તો એને આશિષ આપ્યા જ હતા અને એની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી.

    એ દ્રશ્ય તો અત્યારે પણ મને મારી બંધ થતી આંખ સામે દેખાઈ રહ્યું છે —-થોડી વાર પછી રોહન અંદર આવ્યો. ગુલાબની સુગંધથી મઘમઘતા વાતાવરણમાં અચાનક દારૂની વાસ ભળી. રોહનના પગ પણ સ્થિર ન હતા. એને એક લથડિયું આવી ગયું પણ એણે પલંગની ધાર પકડી લીધી. છોકરીની લજ્જા ભરી આંખોમાં થોડું આશ્ચર્ય, થોડો આઘાત, ડોકાઈ ગયાં. એનાથી પૂછાઈ ગયું,’તમે, તમે —–દારૂ પીધો છે?

    ‘હા. મેં દારૂ પીધો છે. માણસ દુઃખી હોય તો બીજું શું કરે? દારૂ જ પીએ ને?’

    છોકરી એની તપખીરી આંખો પહોળી કરીને રોહન સામે જોઈ રહી હતી. એને કંઈ  સમજાયું જ નહીં હોય, બોલે શું?

    મને પણ સમજાતું ન હતું કે આટલી સુંદર પત્ની મેળવીને રોહન દુઃખી કેમ હતો?

    રોહન છોકરીની બાજુમાં બેસી ગયો. પેલીએ શરીર થોડું સંકોરી લીધું. રોહને છોકરીના પગથી માથા સુધી એક નજર ફેરવી અને પછી એનો  ગળાનો હાર ખેંચતા બોલ્યો, ’આ સાચો છે?’

    છોકરીએ એની પાંપણની પાંદડીઓ થોડી ઉંચી કરી અને ધીમેથી બોલી, ’સાચો કેવી રીતે હોય? તમને ખબર તો છે મારા પપ્પાની સ્થિતિ!’

    હવે રોહને એના  સ્વભાવ પ્રમાણે સીધી બૂમો જ પાડવા માંડી, ’એ સ્થિતિ જોઇને જ તારા બાપ પાસે માત્ર પાંચ લાખ માંગ્યા હતા. એમણે લગન વખતે એ આપવાનું વચન પણ આપ્યું હતું, અને પધરાવ્યા ખાલી ત્રણ લાખ. મારા બાપની બુદ્ધિએ તો દેવાળું ફૂંકયું’તું, કે મારા જેવા એકના એક દીકરાને ત્રણ લાખમાં પરણાવવા કબૂલ થયા. તારો બાપ તો —, ભિખારી સા — ’

    હાય હાય! મને એમ થયું કે મા બાપની એવી શી મજબૂરી હશે કે પોતાની આવી કૂણી વેલ જેવી છોકરીને આવા જડ થાંભલા સાથે પરણાવી દીધી!  એ પણ પાછી પૈસા આપીને! મારી આંખ નીચે અહીં ઘણા દંપતિઓની સુહાગરાતો ઉજવાઈ ગઈ છે. મેં કાયમ એ બધાને સોનેરી સપના સજાવતા જ જોયા છે. આજે પહેલીવાર આવી વાતો સાંભળી અને પતિનું આવું વર્તન જોયું .

    કદાચ આ વાતો ઉપર પેલા આકાશે પણ સાંભળી લીધી હશે અને એનું હૈયું દ્રવી ઊઠ્યું હશે કે બહાર કમોસમી વરસાદનું તાંડવ ચાલુ થયું. મારી ઉપર તડામાર પાણી ઝીંકાતું હતું. નીચે રોહન પેલી છોકરી જોડે કંઈ જંગલીયત ભરી રમત આદરીને બેઠો હતો. મારાથી જોવાતું ન હતું. મારી આંખોના ખૂણા ભીના થઇ ગયા. મને કંઈ દેખાતું ન હતું. ઉપરથી પાછો ધોધમાર વરસાદનો અવાજ! મને કંઈ સંભળાતું પણ ન હતું. થોડી વાર પછી જોયું તો રોહન પથારીમાં પહોળો થઈને નસકોરા બોલાવીને ઘોરી રહ્યો હતો  અને પેલી છોકરી પથારીમાં વેરાઈને પડેલા એની  કાચની બંગડીઓના ટુકડા ભેગા કરી રહી હતી. અરેરે! એની તપખીરી આંખોમાં ભરેલા કુમકુમવર્ણા સપનાઓ પણ આ ગુલાબની પાંદડીઓ વચ્ચે ભૂકો થઈને પડ્યાં એનું શું? આજે આ બંગડીઓ સાથે એના જીવનનાં સપનાં પણ નંદવાઈ જ ગયા હશે ને? મને ખબર ન હતી પડતી કે હું તો મારી ઉપર ઝીંકાતા પાણીના ધોધની ચિંતા કરું કે એ છોકરીની આંખોમાંથી નીકળીને એની ગાલની સપાટી ઉપર રેલાતા ખારા દરિયાની? મારી સેંકડો આંખો એ વખતે દુઃખના ભેજથી ભરાઈને ક્યાંક ક્યાંક ટપકવા માંડી હતી. ત્યારે મને એ છોકરી કેવી લાગતી હતી કહું? મારા રૂમની બારીમાંથી દેખાતી એક કુમળી, વરસાદના પાણીથી ઝૂકી ગયેલી, લીલીછમ વેલ જેવી, જેના બધા ફૂલો ખરી ગયા છે.

    *****************                                        *****************                            **************

    મને એ છોકરી આરોહી બહુ ગમી ગઈ હતી. આખો દિવસ કામ જ કર્યાં કરતી. ઘરમાં બધાને જ સાચવે. પણ એની નણંદ રચના અને સાસુ નંદાબેન એને હેરાન કરવાની એક પણ તક જવા ન’તા  દેતા. એના બાપે પૂરા પૈસા નથી આપ્યા એ બાબત એણે દિવસમાં અનેક વાર સાંભળવી પડતી. નંદાબેન ઘણી વાર બોલતાં સંભળાય કે ’અમે તો છેતરાઈ ગયાં. આવી ખબર હોત તો જાન તોરણેથી પાછી લઇ આવત. મારા રોહન માટે છોકરીઓનો ક્યાં તોટો છે?’ આરોહીનો દિવસ સૂરજ વિનાનો ઉગતો અને એની રાતોમાં ચંદ્રનું અજવાળું ન  હતું. રોહન તો લગભગ આખો દિવસ ઘરની બહાર જ રહેતો. એ પણ આરોહીને એટલું જ હેરાન કરતો, અવારનવાર ધોલ-ધપાટ પણ કરી લેતો.

    આરોહીના પપ્પા ક્યારેક ત્યાં આવતા —ક્યારેય ખાલી હાથે નહીં. ઘરના બધા સભ્યો માટે હંમેશા કંઇક લઈને જ આવતા. ઘરમાંથી બહાર નીકળતા પહેલાં એ આરોહીને અચૂક પૂછતા, ‘કેમ છે બેટા? બધું બરાબર છે ને?’ આરોહી નીચું જોઇને ‘હા’ કહી દેતી. જો કે મને ખાતરી હતી કે બધું બરાબર નથી એ એના પપ્પા બરાબર સમજતા હતા અને પપ્પા આ વાત સમજે છે એવું આરોહી પણ સમજતી હતી. પણ બન્ને જણા સમજવાનું નાટક કરતાં હતાં. આમ તો  આ ઘરમાં મેં આ ચાર જણ વચ્ચે રમાતાં ઘણા નાટકો જોયા હતાં – એકબીજાની પાછળ રમાતાં નાટકો -એકમેકને  છેતરવા માટે રમાતાં નાટકો. પણ એકબીજાની સામે જ રમાતું, સામેવાળાને છેતરીને છેતરાવાનું આવું પ્રેમાળ નાટક મેં ક્યારેય ન’તું  જોયું. ઘરની બહાર નીકળતી વખતે આરોહીના પપ્પા ઊંચુ જોઇને કંઇક બબડતા. મને એવું લાગતું કે એ મને જ કહે છે કે ‘તું મારી દીકરીનું ધ્યાન રાખજે.’ બસ, ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે ભલે હું એક છત હતી,પણ હંમેશા આરોહીના માથા ઉપર એની ‘છત‘ થઈને જ રહીશ.

    મને ઘણી વાર એવો અફસોસ થતો કે મારી પાસે કાન છે, આંખો છે, તો બોલવા માટે મોઢું કેમ નથી? હું જો બોલી શકતી હોત તો પહેલાં તો આરોહીના પપ્પાને કહેત કે ‘તમે તમારી છોકરીને અહીંથી લઇ જાઓ. તમારી રાજમહેલ જેવી દીકરી અહીં ખંડેર થઇ ગઈ છે.’ નહીં તો પછી એ જયારે ઉપર જોઇને પ્રાર્થના કરતાં હોય ત્યારે હું એમને એમ પણ કહી શકત કે ‘ફિકર ના કરો, હું તમારી દીકરીને સાચવીશ.’

    ****************                                   **************

     મારા શ્વાસ તૂટે એ પહેલાં હું તમને ફટાફટ કહી દઉં કે મારું મૃત્યુ કેવી રીતે થયું. આજે સવારથી ઘરમાં નંદાબેન, રોહન અને રચના વચ્ચે કંઇક ગુસપુસ ચાલી રહી હતી. દસેક દિવસ પહેલાં રોહનના ફોઈ આવ્યા હતા ત્યારથી જ કંઇક રંધાવાનું ચાલુ થઇ ગયું હતું. એ ફોઈએ  નંદાબેનને કહ્યું હતું, ’ભાભી, તમે રોહનને પરણાવવામાં ઉતાવળ કરી નાખી. તમે રૂપમાં મોહ્યાં. મારા દિયરની છોકરી તૈયાર જ હતી. આમ જરા ભીને વાન છે, પણ રૂપને શું ધોઈ પીવાનું?  હું તમને રોકડા દસ લાખ અપાવત.ગાડી અને પચાસ તોલા સોનું અલગથી. વિચારજો, હજુ પણ – – –  ‘.

    એ પછી એ બે જણ વચ્ચે ધીમે ધીમેથી કંઈ વાતો થઇ હતી. મેં કાન ઘણા સરવા કર્યાં હતા, પણ હું કંઈ સાંભળી શકી ન હતી. ત્યારબાદ રોહન, રચના અને નંદાબેન વચ્ચે વારંવાર બેઠકો થતી હતી. એ લોકોએ કંઇક કાવતરું કર્યું છે એનો તો મને ખ્યાલ આવી ગયો હતો. આજે સવારથી ઘરનું બદલાયેલું વાતાવરણ જોઇને મને ખ્યાલ આવી ગયો કે બનતા સુધી તો આજે જ એ કાવતરું અમલમાં મુકાશે. એટલે જ મેં મારા આંખ કાન બરાબર ખુલ્લા રાખ્યા હતા.

    આરોહી શાક લેવા ગઈ હતી. ઘરના વડીલ પણ એમના કામે બહાર નીકળી ગયા હતા. નંદાબેન, રોહન અને રચના વચ્ચે ગુસપુસ ચાલુ હતી. અચાનક કઈ ઉશ્કેરાટમાં થોડો મોટો થઇ ગયેલો એ લોકોનો  અવાજ મારા સરવા કાન સુધી પહોંચી ગયો, ‘રોહન, બેટા તને બરાબર યાદ છે ને? ઘરમાં આવે કે તરત જ ‘કેમ આટલું મોડું થયું?  ક્યાં રખડવા ગઈ’તી?’  કહીને સીધી બોચીએથી પકડીને અહીં  લઇ આવજે અને ફેંકજે પથારીમાં.’

    ‘હા મમ્મી, પછી હું એના હાથ ઉપરથી પકડી રાખીશ અને તું એના પગ પકડી લેજે.’ રચના  બરાબર જુસ્સામાં હતી .

    ‘રોહન, પછી તું ઓશીકું જોરથી એના નાક ઉપર દબાવી દેજે. જો જે હોં! ઢીલો ના પડતો.’

    ‘ઢીલો પડતો હોઈશ મમ્મી! દસ લાખ રૂપિયા અને ગાડી મળવાની હોય તો ઢીલો પડું?’

    પાછું પચાસ તોલા સોનું!  અત્યારના ભાવે સહેજે—’

    નંદાબેન સોનાનો ભાવ ગણે એ પહેલાં તો રચના બોલી ઊઠી,

    ’મમ્મી, એમાંથી પંદર તોલા તારે મને આપવાનું છે હોં! ભૂલતી નહીં પાછી.’

    ‘હા, હા. મને યાદ છે, લોભિયણ! પહેલાં આ બધું તો બરાબર પતવા દે! પેલીને અહીં પતાવી દઈએ પછી આપઘાતનું નાટક તો કરવું પડશે ને?’

    નંદાબેને ઘડિયાળમાં જોયું. મેં એમની આગળની યોજના સાંભળવા માટે  મારા કાન વધારે સરવા કર્યાં.

    રોહન અને રચના આદરભાવભરી નજરથી એમની આ “બુદ્ધિશાળી” મમ્મી તરફ જોઈ રહ્યાં હતાં.

    ‘હવે આવતી જ હશે. જુઓ, ફરી એક વાર બધું બરાબર સમજી લો. પેલીને અહીં પતાવી દઈએ પછી ધધડીને રસોડામાં લઇ જવાની. એ પછી તમે બે જણ ઘરની બહાર નીકળી જજો. બારણું ખેંચીને બંધ કરી દેજો. કોઈ પડોસી મળે તો વાત પણ કરજો. થોડીક વાર પછી હું એના ઉપર કેરોસીન નાખીને, એને દીવાસળી ચાંપીને બાથરૂમમાં ના’વા જતી રહીશ. નળનો અવાજ સતત ચાલુ જ હશે. ટી.વી. પણ મોટા વોલ્યુમમાં  ચાલુ રાખીશ એટલે પાછળથી કોઈ પડોસી એમ ના કહે કે ‘આરોહીએ આપઘાત કર્યો, પણ શરીર બળતું હોય ત્યારે ચીસો તો પડાઈ જ જાય ને? અમે કેમ ન સાંભળી? ‘

    ‘પછી મમ્મી? અમારે ક્યારે આવવાનું?’

    ‘પહેલાં તો ધુમાડો જોઇને આપણા પંચાતીયા પડોસીઓ જ બારણું તોડીને આવશે, પણ ત્યાં સુધીમાં તો આપણી વહુના અગ્નિસંસ્કાર ઘરમાં જ થઇ ગયા હશે. હું ભીના શરીરે બાથરૂમમાંથી બહાર આવી જઈશ. એ પછી જ તમે બે જાણ આવજો.’

    ઓ બાપ રે! આ લોકો મારી આરોહીને મારી નાખવાના હતાં? આ કેવાં માણસો હતાં! પૈસા માટે માણસો આ હદ સુધી જઈ શકે? પછી નવી વહુ, નવા પૈસા?  એ લોકોની યોજના બરાબર હતી કે નહીં, પછીથી એ લોકો પકડાઈ જશે કે નહીં, એવી કોઈ આંટીઘૂંટીઓની જાણકારી મને ન હતી. એનાથી મને કોઈ ફેર પણ ન’તો પડવાનો. પછી એમનું જે થાય એ, અત્યારે આ લોકો આરોહીને મારી નાખવાના હતા એ વિચારથી જ મારી નસો ફૂલીને પહોળી થઇ ગઈ. દુઃખ અને આઘાતથી મારી ઘણી બધી પોપડીઓ એક સાથે ખરી પડી. હું શું કરું એ સુઝતું જ ન હતું. મને એ ખ્યાલ આવી ગયો હતો કે હવે જે કરવાનું છે એ મારે જ કરવાનું છે અને જલ્દી કરવાનું છે. આંસુ સારીને બેસી રહેવાનો સમય ન હતો.મને તો ઊંચુ જોઇને વિનંતી કરતા આરોહીના પપ્પા યાદ આવી ગયાં. મારે આરોહીના માથા પરની છત બનવાનું જ હતું. મને એક વિચાર તો આવ્યો, પણ એને અમલમાં મુકવાનું મારે માટે  સહેલું ન હતું.

    થોડી પળો મનોમંથન કર્યાં પછી મેં નિણર્ય લઇ લીધો કે હું મારા અસ્તિત્વના ભોગે પણ આરોહીને બચાવીશ.

    બહારથી ડોરબેલનો અવાજ સંભળાયો. રોહન બહાર જાય એ પહેલાં મેં મારી જાતને મારા શરીરની અંદર સમાયેલા સિમેન્ટ, ઈંટ ,રેતી અને લોખંડના ટુકડાઓ સહિત નીચે ઉભેલા પેલા ત્રણ જણ ઉપર ફેંકી. ચીસો, ધૂળના ગોટેગોટા અને —

     

  • ફિલ્મી ગઝલો – ૬૬ – વર્મા મલિક

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ૧૯૨૫ માં જન્મેલા ગીતકાર વર્મા મલિકનું અસલી નામ બરકતરાય મલિક હતું. વર્મા નામ રાખવાનું સૂચન એમને સંગીતકાર હંસરાજ બહેલ દ્વારા કરવામાં આવેલું.

    કારકિર્દીની શરુઆત એમણે છેક ૧૯૪૯ માં ફિલ્મ ‘ ચકોરી ‘ થી કરેલી. મનોજ કુમારના એ પ્રિય ગીતકાર હતા. ૧૯૬૧ થી ૧૯૬૭ દરમિયાન સાવ નિષ્ક્રિય રહ્યા.  મનોજ કુમારની ફિલ્મ ‘ યાદગાર‘ ( ૧૯૭૦ ) ના ગીતોથી એમણે પ્રથમ વાર લોકપ્રિયતા હાંસલ કરી. એમની જ ફિલ્મ ‘ પહેચાન ‘ (૧૯૭૦ )થી ગીતકાર તરીકે એમનું સ્થાન વધુ મજબૂત બન્યું ( કર લે દિલ કી બાત, વો પરી કહાં સે લાઉં, કૌન કૌન કિતને પાની મેં ) .

    સમગ્ર કારકિર્દીમાં ૫૦૦ થીયે વધુ ગીતો લખ્યા. કુલ ફિલ્મોની સંખ્યા સોની આસપાસ.  ‘ રોટી કપડા ઔર મકાન ‘ ( ૧૯૭૪ ) ના બે ગીતો ‘ મહેંગાઈ માર ગઈ ‘ અને ‘ હાએ હાએ સે મજબૂરી ‘ પણ એમની કારકિર્દીના સીમાચિહ્ન હતાં. એમણે અનેક પંજાબી ફિલ્મોમાં પણ ગીત લખ્યાં. ‘ પહેચાન ‘ અને ‘ બેઈમાન ‘ ના ગીતો માટે એમને ફિલ્મફેર એવોર્ડ એનાયત થયેલો. ઉપર ઉલ્લેખેલી ફિલ્મો ઉપરાંત અનહોની, નાગિન, સંન્યાસી , વરદાન , જાની દુશ્મન, બદલે કી આગ, કસૌટી ( ‘ હમ બોલેગા તો બોલોગે કે બોલતા હૈ ‘ ), આંખોં આંખોં મેં, એક સે બઢ કર એક, રૂપ તેરા મસ્તાના, કસમ ખૂન કી, દો યાર, આદમી સડક કા, ચોર કે ઘર ચોર, ઈંતેઝાર, અપના ખૂન, હમ તુમ ઔર વોહ, વિક્ટોરિયા નં ૨૦૩, ધર્મા, કર્તવ્ય, પૈસે કી ગુડિયા, સી આઈ ડી ૯૦૯, પારસ અને પત્થર ઔર પાયલ જેવી સફળ ફિલ્મોમાં પણ ગીત લખ્યાં.

    ગઝલો એમણે પ્રમાણમાં ઓછી આપી. એમની સાવ સામાન્ય કક્ષાની બે ગઝલો જોઈએ :

     

    હર  રોઝ  હસીનોં  કા  દીદાર  નહીં હોતા
    અબ જાઓ હવા ખાઓ હર બાર નહીં હોતા

    દિલ હમ સે યે કહતા હૈ હમ તુમ સે યે કહતે હૈં
    તુમ  જૈસે દીવાનોં કા ઐતબાર નહીં હોતા

    જો દિલ મેં તુમ હો દિલ હૈ, હમ ખૂબ સમજતે હૈં
    હર બાત પે અબ હમસે તકરાર નહીં હોતા

    કભી ઈધર ભટકતે હો, કભી ઉધર ભટકતે હો
    તુમ જૈસે બેકારોં કા ઘરબાર નહીં હોતા

    માલૂમ નહીં તુમકો યે હુસ્ન કા જલવા હૈ
    હર બાર તો મુશ્કિલ હૈ એક બાર નહીં હોતા..

    – ફિલ્મ : જલવા ( ૧૯૫૫ )
    – આશા ભોંસલે
    – વિનોદ

     

    હર સુબહ તુમ્હારી મહફિલ મેં, હર શામ તુમ્હારી મહફિલ મેં
    માલૂમ હૈ દિલ કા ક્યા હોગા, અંજામ તુમ્હારી મહફિલ મેં

    ખામોશ રહે ચુપચાપ રહે, કુછ ભી ન કહા કુછ ભી ન સુના
    ફિર ભી હમ સબ સે ઝિયાદા હૈં, બદનામ તુમ્હારી મહફિલ મેં

    ગૈરોં સે મુહબ્બત કરતે હો, સુન કર યે કલેજા જલતા હૈ
    જબ હમ સે શિકાયત કરતે હૈં, યે જામ તુમ્હારી મહફિલ મેં

    હમ કિતને શૌક સે આએ મલિક, ઈસ શૌકે તમન્ના કો લેકર
    આતે હી હમ પે આને લગે ઈલઝામ તુમ્હારી મહફિલ મેં ..

     

    – ફિલ્મ : ચુનૌતી ( ૧૯૭૯ )
    – લતા – મીનુ પુરુષોત્તમ
    –  લક્ષ્મીકાંત પ્યારેલાલ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • વાદ્યવિશેષ : (૧૫) – તંતુવાદ્યો (૧૧) : એકતારો, રાવણહથ્થો

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

                                                      એકતારો                                                    રાવણહથ્થો

     ઉપર દર્શાવેલી આ વાદ્યોની તસવીરો પરથી ખ્યાલ આવે છે કે બન્ને ખુબ જ સાદી સંરચના ધરાવે છે. એકતારામાં એક તુંબડા સાથે જોડાયેલી ગ્રીવા સાથે એક તાર બાંધેલો હોય છે. અપવાદરૂપ કિસ્સામાં બે તાર પણ હોઈ શકે છે. કલાકાર એકતારાને ચોક્કસ સૂર સાથે મેળવી, પોતાના હાથની આંગળી વડે અથવા નખલી જેવા સાધન વડે આ તારને છેડી અને સાથે ગાતા હોય એવું મહદઅંશે જોવા મળે છે. નોંધનીય છે કે એકતારા વડે કોઈ એક સમયે એક જ સૂર વગાડી શકાય છે.

    રાવણહથ્થાની રચના તો હજી પણ સાદી હોય છે. મોટે ભાગે નાળીયેરની કાચલીને ઉપયોગે લઈને બનાવેલા તુંબડા સાથે એક ડાંડી જોડવાથી બનતી રચના સાથે એક અથવા વધુ તાર બાંધેલા હોય છે. લાકડાની પાતળી પટ્ટીને કમાનાકારે વાળી, તેના બન્ને છેડે ઘોડાના વાળ બાંધી બનાવાતી ‘ગજ’ કહેવાતી રચના વડે એ તારને ઝંકૃત કરી, સ્વર નીપજાવવામાં આવે છે. બીજા હાથની આંગળીઓ થકી ચોક્કસ સ્થાન ઉપર તારને ગ્રીવા સાથે દબાવી, ધાર્યા સૂર છેડી શકાય છે. આમ, અત્યંત સાધારણ જણાતા આ વાદ્ય વડે ગાયકીનો સંગાથ કરી શકાય છે અથવા તેને સ્વતંત્ર રીતે પણ વગાડી શકાય છે. તસવીરમાં જોઈ શકાતો રાવણહથ્થો સાવ સાદી રચના ધરાવે છે. જો કે સમય વિતતાં મૂળ રચનાને વફાદાર રહીને સુધારા-વધારા થતા આવ્યા છે.

    કોઈ પણ સમયે સમગ્ર ગીતમાં આ વાદ્ય વાગતાં રહે એવાં ઉદાહારણો ઓછાં છે. ખાસ કરીને એકતારાનો ઉપયોગ થયો હોય એવાં તો જૂજ. રાવણહથ્થો મોટે ભાગે મેળાના દૃશ્યમાં કે પગપાળા ફરીને કોઈ વસ્તુ વેચનાર કલાકાર ઉપર ફિલ્માંકન કરાયું હોય એ પરિસ્થિતિમાં વધુ જોવા મળે છે, આવાં ગીતોમાં જે તે વાદ્યને પણ પરદા ઉપર વગાડાતું દાર્શાવવામાં આવે છે. અલબત્ત, પરદા ઉપર વગાડાતું અને વાસ્તવમાં વાગાડાતું વાદ્ય આલગ હોય એવી શક્યતા પૂરેપૂરી.

    હવે જેમાં આ બેમાંથી કોઈ એક તંતુવાદ્યનો ઉપયોગ થયો હોય તેવાં કેટલાંક ફિલ્મી ગીતો સાંભળીએ.

    ૧૯૫૫ની અત્યંત સફળ ફિલ્મ દેવદાસના ગીત ‘આન મીલો આન મીલો શામ સાંવરે’માં એકતારાના સ્વર સાંભળી શકાય છે. પરદા પરના કલાકાર વગાડી રહ્યા છે તે બંગાળ આસપાસના વિસ્તારોમાં જોવા મળતો એકતારો છે, જે લાક્ષણિક એકતારા કરતાં રચનામાં સહેજ અલગ પડે છે. સ્વરબાંધણી સચીનદેવ બર્મનની છે.

    ફિલ્મ યાદગાર(૧૯૭૦)માં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું, તેના ગીત ‘એકતારા બોલે તૂન તૂન’માં એકતારાના સ્વરો કાને પડે છે. નાયકના હાથમાં જોવા મળતો એકતારો સામાન્ય રીતે જોવા મળતા એકતારાની સરખામણીએ કદમાં નાનો જણાય છે.

                              ***     ***     ***     ***     ***

    ફિલ્મ દો આંખેં બારાહ હાથ (૧૯૫૭)માં નાયિકાને ગ્રામ્યવિસ્તારની અલ્લડ યુવતિ તરીકે દર્શાવવામાં આવી હતી. તે ફિલ્મનાં બે ગીતો પ્રસ્તુત છે. બન્નેના વાદ્યવૃંદમાં રાવણહથ્થાને પ્રાધાન્ય અપાયું છે.  સંગીત વસંત દેસાઈનું છે.

    ‘સૈયાં જૂઠોં કા બડા સરતાજ નીકલા’

    ‘તક તક ધૂમ ધૂમ તક તક ધૂમ ધૂમ’

    ૧૯૫૯માં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ ઉજાલામાં શંકર-જયકિશનનું સંગીત હતું. સામાન્ય રીતે ભારે ભરખમ વાદ્યવૃંદ પસંદ કરનારા આ સંગીતકારોએ ઉક્ત ફિલ્મના ગીત ‘તેરા જલવાં જીસ ને દેખા’માં રાવણહથ્થાને સુપેરે ઉઠાવ આપ્યો છે. પરદા ઉપર એક પુરુષ કલાકાર વાયોલીન વગાડી રહેલા દેખાય છે, પણ સૂર રાવણહથ્થાના છે.

    ૧૯૭૦ના જ વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ પેહચાનના ગીત ‘બસ યેહી અપરાધ મૈં હર બાર કરતા હૂં’માં નાયક રાવણહથ્થો વગાડતા જોઈ શકાય છે. સ્વરરચના શંકર-જયકિશનની છે.

    ફિલ્મ દુશ્મન(૧૯૭૧)નું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું.  ઉક્ત ફિલ્મના ગીત ‘દેખો દેખો દેખો બાઇસ્કોપ દેખો’ માં નાયિકા રાવણહથ્થો વગાડતી જોઈ શકાય છે.

    રાવણહથ્થાનું પ્રાધાન્ય ધરાવતું વધુ એક ગીત માણીએ. ૧૯૭૨ની ફિલ્મ રાજાજાનીમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત હતું. તેના ગીત ‘દુનિયા કા મેલા, મેલે મેં લડકી’માં રાવણહથ્થાના અંશો સ્પષ્ટપણે સાંભળી શકાય છે. વળી એક સ્ત્રી કલાકારના હાથમાં રાવણહથ્થો જોઈ શકાય છે.

    ૧૯૭૩ની ફિલ્મ હીરાનું સંગીત કલ્યાણજી-આણંદજીના માર્ગદર્શનમાં તૈયાર થયું હતું. આ ફિલ્મના ગીત ‘મૈં તુઝ સે મીલને આયી મંદીર જાને કે બહાને’ના વાદ્યવૃંદમાં રાવણહથ્થાનું પ્રાધાન્ય જણાય છે.

    આ કડીના સમાપનમાં રાવણહથ્થાના પ્રભાવક અંશો ધરાવતું ફિલ્મ મંથન(૧૯૭૬)નું એક ગીત ‘મેરો ગાંવ કાંઠા પારે’માણીએ. સંગીતનિર્દેશન વનરાજ ભાટીયાનું છે.

    આવતી કડીમાં નવા વાદ્ય સાથે મળીશું.

    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • પરિવર્તન- ૧૦ : ઘરમાં ઘર

    અવલોકન

     – સુરેશ જાની

    સવારમાં ચાલવા જતાં એક ઘરના આંગણાંમાં આ બીજું એક ઘર જોવા મળ્યું –

     
    બાળકને રમવાનું  ઘર જ તો! વાચક આને કદાચ મજાક સમજી અવગણે. પણ….

     
    વીતેલ જિંદગી પર નજર કરીએ તો આપણે રહેવાનાં કેટકેટલાં ઘર બદલાયાં? આ લખનારના જીવતરમાં પણ અંદાજે ૧૫ થી ૧૬ તો ખરાં જ.
    જિંદગી પૂરી થયા બાદ, પ્રચલિત માન્યતા મુજબ મૂળ ઘરમાં નિવાસ થશે !

    —-

    શહેરમાંં આવેલું, એ રમકડા જેવું નાનું મકાન. એ શહેર પણ આપણા નિવાસી જિલ્લા કે રાજ્યમાં આવેલો એક સાવ નાનો ટૂકડો જ ને? અને એ આપણા સ્વદેશનો એક નાનો ભાગ. એ સ્વદેશ આપણા નિવાસી ગ્રહનો એક નાનકડો હિસ્સો.

    કલ્પના આગળ વધારતા જાઓ ! 

    આપણા ગ્રહના બાપ જેવો એ સૂર્ય આકાશગંગા નિહારીકામાં આવેલી એક રજકણ. બ્રહ્માંડની સરખામણીમાં  એ નિહારિકા વળી એવી જ એક રજકણ.

    ઘરમાં ઘર, એની અંદર ઘર. એની અંદર વળી બીજું ઘર અને આમ અનંત શ્રેણી.

    શેને આપણે પોતીકું ઘર ગણીશું?


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • એસ ધમ્મો સનંતનો – વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય : : ત્રિવિક્રમ ભગવાન વિષ્ણુ

    પ્રવાસી યુ. ધોળકિયા

    ત્રિમૂર્તિના બીજા ક્રમના દેવતા એટલે ભગવાન વિષ્ણુ. તેઓ સૃષ્ટિના પાલનકર્તા છે. પુરાણોમાં વિષ્ણુનો ‘વિશમાં પ્રવેશ કરવો’ અથવા ‘સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત (वेवेष्टी इति विष्णु )’ એવો અર્થ કરાયો છે, જે વેદની ઉક્તિ – तद्श्रुष्टवा तदेवान प्रतिशवी – નો પડઘો છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં જ ભાવિકના મનમાં સ્વાભાવિકપણે જ તેમનાં શાંતિ અને ઐશ્વર્યનાં સ્વરૂપની ઉત્કૃષ્ટ સ્તુતિ ધ્યાનમાં આવવા લાગે છે.

    शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
    विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्।
    लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्
    वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥

    ત્રણ પગલાં: ત્રિપરિમાણાય વ્યવસ્થાનાં પર્યાય

    વિષ્ણુ શેષનાગ પર અનંત શયન કરે છે, એટલે સતત વહેતા કાળ પર તેઓ શાશ્વત બિરાજે છે. અહીં શાંત અને અનંત એ એક મહાતત્ત્વનાં પાસાંઓ છે તેવો ભાવ છે. વિષ્ણુ ભગવાનનાં કાર્યો વર્ણવવાં ખુબ જ કઠણ છે. આમ છતાં, વેદો, પુરાણો અને મહાકાવ્યોમાં વામન અવતાર સ્વરૂપની વિષ્ણુની ત્રણ પગલાંની હૃદયંગમ કથા અચૂક જોવા મળે છે. ઋગ્વેદ કહે છે કે જે જે સ્થળોએથી વિષ્ણુનાં પગલાં પૃથ્વીનાં સાત ભુવનોમાં ફરી વળ્યાં ત્યાંના દેવો અમારી પર કૃપા કરે ! તેમનાં બીજાં પગલાંમાં જ વિષ્ણુ વિશ્વનાં બધાં સ્થળોનું અતિક્રમણ કરી ગયા હતા. તેમના પગની ધુળમાંથી જે સર્જાયું તે આપણું ભૌતિક વિશ્વ છે. આ ત્રણ પગલાં દ્વારા વિષ્ણુએ સૃષ્ટિમાં સત્વ, રજસ અને તમસની ત્રિગુણાત્મક વ્યવસ્થા સ્થાપી. બીજા અર્થમાં, આ ત્રણ પગલાં વિશ્વની નીચે મુજબની ત્રિપરિમાણાય વ્યવસ્થાનાં પર્યાય બની રહ્યાં.

    (૧) ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ

    (૨) ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ

    (૩) ઈશ્વર, બ્રહ્મ, પ્રકૃતિ

    (૪) કર્મ, ભક્તિ, જ્ઞાન

    (૫) ધર્મ, અર્થ, કામ

    (૬) દૈહિક, દૈવી, ભૌતિક

    (૭) યોગ, યજ્ઞ, તપ

    (૮) માતા, પિતા, સંતાનો

    (૯) ભૂત, વર્તમાન, ભવિષ્ય

    (૧૦) સત્, ચિત્, આનંદ

    (૧૧) બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ

    તેથી જ વિષ્ણુપુરાણ કહે છે કે સમગ્ર વિષ્ણુમાંથી પ્રગટ્યું છે, અને વિષ્ણુમાં જ ટકી રહ્યું છે. વિષ્ણુ જ તેનાં સાતત્ય અને લયનું કારણ છે. વેદનું પરમ તત્ત્વ બ્રહ્મ છે અને તેનું ગતિશીલ સ્વરૂપ ઈશ્વર છે. વિષ્ણુ એટલે પરમ બ્રહ્મ અને પરમ ઈશ્વર છે. બ્રહ્માજીની ઉત્પતિ વિષ્ણુનાં નાભિકમળમાંથી થઈ છે તે તો સર્વને સુવિદિત છે.

    સૃષ્ટિનાં સ્થાપન અને સંવર્ધનમાં જે કંઈ ગતિશીલ અને વિધાયક છે તે વિધાયક તત્ત્વનાં વિરોધી અને નકારાત્મક બળ, વૃત્ર,નો ઈંન્દ્રએ વિષ્ણુની મદદથી સંહાર કર્યો હતો, એટલે વિષ્ણુનું બીજું સુંદર નામ ઉપેન્દ્ર છે.

    અવતારોનું રહસ્ય

    સૃષ્ટિનું સંવર્ધન કર્યા પછી ભગવાન વિષ્ણુનું બીજું ભગીરથ, અને સમગ્ર જૈવિક સૃષ્ટિ માટેનું મહાન, કાર્ય અવતાર ધારણ કરવાનું રહ્યું છે.  વરાહ પુરાણ, બ્રહ્મ પુરાણ, અને મસ્ત્ય પુરાણ તેમજ દેવી પુરાણ મસ્ત્ય, કુર્મ, વરાહ, વૃશ્ચિક, વામન, પરશુરામ, રામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ એમ  વિષ્ણુના દસ અવતાર બતાવે છે.

    વિષ્ણુના અવતારોનું રહસ્ય સમજાવતાં શ્રીમદ્ ભગવદ્ ગીતા  કહે છે કે દુષ્ટોના સંહાર અને ધર્મનાં રક્ષણ અર્થે ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરે છે.

    “यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
    अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।।
    परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् ।
    धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।”

    આ અવતારોને પરિણામે જ માનવ ઉત્ક્રાન્તિ શક્ય બની છે અને તમસમાંથી દિવ્યતા તરફ તેની કૂચ નિશ્ચિત બની છે. વળી શ્રીરામ અને કૃષ્ણના, અનુક્રમે સાતમા અને આઠમા, અવતારોને પ્રતાપે જ ભારતવર્ષમાં ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્ય ક્રાન્તિઓ થઈ. સનાતન ધર્મની સરવાણી જ્યારે સુકાઈ જવા પર હતી ત્યારે પ્રભુભક્તિ અને ઈશ્વર શરણાગતિના ઉપદેશ સાથે વૈષ્ણ્વ સંપ્રદાયે ભારતીય ધર્મ અને અધ્યાત્મ ચેતનામાં પ્રાણ પુર્યા. મધ્યકાળમાં શંકરાચાર્ય, રામાનુજ વલ્લભાચાર્ય, ચૈતન્ય, મીરાંબાઈ અને નરસિંહ મહેતા અને આધુનિક સમયમાં સહજાનંદ સ્વામી, પ્રભુપાદ ભક્તિવેદાંત વગેરે એ આ ચેતનાને વધારે બુલંદ કરી. જ્યારે બુદ્ધ અવતારે કોરિયા, જાપાન, તિબેટ અને અગ્નિએશિયામાં ધર્મ અને અધ્યાત્મના પાયા નાખ્યા.  એક પરંપરા પ્રમાણે જૈનોના પ્રથમ તિર્થંકર ઋષભદેવ વિષ્ણુનો અવતાર છે.

    ટુંકમાં ભારતની, અને ખાસ કરીને તો ગુજરાતની, જે અસ્મિતા છે તેમાં વૈષ્ણવ અને જૈન ધર્મોનો ફાળો કોણ નકારી શકે ! મહામનવ મહાત્મા ગાંધી વૈષ્ણવ હતા.

    સમુદ્રમંથન

    ભગવાન વિષ્ણુનું અન્ય મહાન કાર્ય દેવો અને દાનવો દ્વારા સમુદ્રમંથનનું હતું. મહાભારત અને વિષ્ણુપુરાણની કથા પ્રમાણે શ્રમિત થયેલા દેવોને અમૃત પીવડાવીને ભગવાન નારાયણે નવી તાકાત અને સ્ફુર્તિ આપ્યાં હતાં  વળી ધન્વંતરીના હાથમાંથી અમૃતકુંભ લઈને દાનવો નાસી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લઈને દાનવોનો હેતુ સફળ થવા ન દીધો. પરિણામે દાનવોનો પરાજય થયો. આ રીતે આસુરી શક્તિને નિયંત્રિત કરી શકાઈ અને સમુદ્ર મંથનું કાર્ય સિદ્ધ થયું.

    સમુદ્રમંથનમાંથી વિશ્વને નીચે મુજબની ભેટો મળીઃ

    ૧) કાલકૂટ વિષ – જેનું પાન કરવાથી શિવ નીલકંઠ કહેવાયા અને વિશ્વને નષ્ટ થતાં બચાવ્યું.

    ૨) સુરા

    ૩) ઉચ્ચૈશ્રવા – ઈંન્દ્રનો અશ્વ

    ૪) કૌસ્તુભ મણિ – વિષ્ણુનો શણગાર

    ૫) ચંદ્ર – શિવની જટાનો શણગાર

    ૬) ધન્વંતરી – આયુર્વેદ વિજ્ઞાનના પિતા

    ૭) શ્રી (લક્ષ્મી) – વિષ્ણુનાં પત્ની; માનવજાતની સુખાકારી અને કલ્યાણનાં માપદંડ

    ૮) કામધેનુ / સુરભી – દેવોની ગાય

    ૯) ઐરાવત – ઈંન્દ્રનો હાથી

    ૧૦) છત્ર – વરૂણનો શણગાર

    ૧૧) પારીજાત –  સ્વર્ગનું વૃક્ષ

    ૧૨) અપ્સરા

    ૧૩) કર્ણફૂલ – ઈન્દ્રએ જેને માતા અદિતીને ભેટ ધરી હતી

    ૧૪) સૂર્યનો અશ્વ

    સમુદ્રમંથન વખતે એક અદ્‍ભૂત ઘટના બની. દેવો અને દાનવોને પાનો ચડાવવા વિષ્ણુએ શંખધ્વનિ કર્યો, જેમાંથી સાત સ્વર નીકળ્યા. ચૌદ મન્વંતરો આ સાત સુરોમાંથી નીકળતા તરંગોને આધારે જ પોતાનો કાર્ય કાળ સમાપ્ત કરે છે અને મન્વંતરોનું કાર્ય સિદ્ધ થાય છે. માનવજાત માટે ઉપકારક સંગીતના સાત સ્વરો પણ આ શંખધ્વનિમાંથી જ પ્રગટ્યા.

    સૂર્ય પણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ લેખાય છે. તેથી શતપથ બ્રાહ્મણે તેની લક્ષણિક શૈલીમાં કહ્યું છે કે જ્યારે વિષ્ણુનો શિરચ્છેદ કરવામાં આવ્યો ત્યારે છૂટું પડેલું મસ્તક આપણો સૂર્ય બની ગયો.

    વેદોમાં સોમરસનું મહત્ત્વ ગાવામાં આવ્યું છે. આ સોમ માનવજાતનો પોષક  છે અને વિષ્ણુનું જ સ્વરૂપ છે.

    એ જ રીતે વેદોમાં એક પ્રશ્ન સુંદર રીતે પુછાયો છેઃ આ પૃથ્વીની અંતિમ સીમા ક્યાં છે? પૃથ્વીની નાભિ કઈ છે? યજુર્વેદ આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે યજ્ઞની વેદી જ પૃથ્વીની પરમ સીમા છે અને તે જ પૃથ્વી નાભિ છે. આ યજ્ઞ પણ વિષ્ણુનું જ સ્વરૂપ છે.

    ભગવાન વિષ્ણુની કેટલીક અન્ય અવનવી લાક્ષણિકતાઓ

    ભગવાન વિષ્ણુનાં પત્ની બનવાનું સૌભાગ્ય શ્રીલક્ષ્મી અને ભૂમિને છે. તેનાં ઉગ્ર પ્રતિવ્રત અને પવિત્રતાને લીધે તુલસીને પણ વિષ્ણુનાં પ્રિય પાત્ર બનવાનું સન્માન મળ્યું.

    ભૃગુઋષિએ જ્યારે ત્રિમૂર્તિની પરીક્ષા લીધી ત્યારે બ્રહ્મા પોતાના અભિમાનને કારણે અને શિવ તેમના પાર્વતી સાથેના પ્રેમાલાપને કારણે ભૃગુઋષિની પરીક્ષામાં  નિષ્ફળ નીવડ્યા. વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરવા ઋષિએ તેમને છાતીમાં લાત મારી. તેમ છતાં, ભગવાને બહુ સાહજિક ભાવથી ઋષિને પડેલાં કષ્ટ બદલ તેમની ક્ષમા માગી. આમ, ત્રિમૂર્તિના શ્રેષ્ઠ દેવનું બિરૂદ વિષ્ણુ જીતી ગયા.

    લોકોમાં સામાન્યપણે એક ભ્રામક માન્યતા છે કે વિષ્ણુ અને શિવ વચ્ચે મનમેળ નહોતો. સત્ય તો એ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ બ્રહ્મશક્તિનાં ગત્યાત્મક પાસાં છે. ભગવાન શિવે જાહેર કર્યં હતું કે જો મારા બે કકડા કરવામાં આવે તો મારા હૃદયમાં વિષ્ણુ જોવા મળશે. ભગવાન વિષ્ણુએ દેવો સમક્ષ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તમે જે શિવતત્ત્વની ખોજમાં છો તે મારામાં લિંગરૂપે છે. શિવના તાંડવ નૃત્ય વખતે વિષ્ણુએ જ મૃદંગથી સાથ કરેલો.

    વિષ્ણુની મૂર્તિઓ

    આ મહાન દેવની ચતુર્ભુજ અને અષ્ટભુજ મૂર્તિઓ બનાવવાની વિશદ ચર્ચા પુરાણો, સમરાંગણ સૂત્રધાર અને વૈખાનસ આગમ જેવા ગ્રંથોમાં મળે છે. વિષ્ણુની ઊભી મુદ્રા અને શયન મુદ્રામાં મૂર્તિઓ કંડારવાનું વિધાન છે. તેમાં યોગ સ્થાનક, ભોગ સ્થાનક, વીર સ્થાનક અને અભિકારિકા સ્થાનક  પ્રકારની મૂર્તિઓ આવી જાય છે. ગરૂડાસન મૂર્તિઓ પણ એટલી જ પ્રચલિત છે. તેમના દસ અવતારોનાં સ્વરૂપોની મૂર્તિઓથી સમગ્ર હિન્દુસ્તાન પવિત્ર થયું છે.

    વિષ્ણુની મૂર્તિઓના દરેક શણગાર અને આભુષણોનો આધ્યાત્મિક અને માનવજાત માટે કલ્યાણકારી અર્ઘ છે.  વિષ્ણુનો શ્યામ રંગ ઈશ્વરનું નિરંકારી સ્વરૂપ છે, જ્યારે શ્વેત રંગ અદ્વૈત ભાવ દર્શાવે છે. ગરૂડ વિષ્ણુની રક્ષા અને કમળ અલિપ્તતાનાં પ્રતિક છે. સુદર્શન ચક્ર વિષ્ણુનું કાળ પરનું નિયંત્રણ છતું કરે છે. શંખ આયુષ્ય અને ગદા બુદ્ધિનાં  પ્રતીક છે. કૌસ્તુભમણિ આત્માની જ્યોતિ છે. તો વૈજયંતીમાળા[1] પંચમહાભૂતની દ્યોતક છે. યજ્ઞોપવિત પ્રણવનું ચિહ્ન છે, જ્યારે શ્રીવત્સ પ્રકૃતિ, ઉપાધી અને સ્થિતિ દર્શાવે છે. ધનુષ પાંચ ઈન્દ્રિઓનો નિગ્રહ અને પીતવસ્ત્ર ત્યાગ બતાવે છે. શાલીગ્રામ પથ્થર શરીરનાં ઓજનું પ્રતીક છે.

    સમાપનમાં …

    દરેક વૈષ્ણવ ભક્ત વિષ્ણુના પરમ ભક્ત ધ્રુવ અને પ્રહલાદ બનવાની અદમ્ય આકાંક્ષા સેવે છે. તેઓનાં મુખે વિષ્ણુનાં સહસ્ત્ર નામોનું રટણ અવિરત ચાલતું રહે છે. આપણે પણ નારાયણને સ્મરીએઃ

    करार विन्दे न पदार विन्दं , मुख़ार विन्दे विनये शयन्तम ||
    वटस्य पत्रस्य पुटे शयानम, बालं मुकुन्दं मनसा स्मरामि ||


    [1] આ માળામાં પંચમહાભૂત – પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ – નાં પ્રતિનિધિ એવા, અનુક્રમે, નીલમ, મોતી, માણેક, પોખરાજ અને હીરો એ પાંચ મણિ હતાં.


    હવે પછીના મણકામાં આપણે પંચદેવોમાંના ત્રિમૂર્તિના અધિનાયક – ભગવાન સદાશિવ ની   વાત કરીશું


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

  • એકવીસમી સદી ચીનની છે? ના.

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ‘ખેલદિલી’ જેવો સુંદર શબ્દ રમતગમતમાંથી ઉદ્‍ભવ્યો છે, અને જીવનનાં અનેક ક્ષેત્રોમાં એ વ્યાપ્ત બની રહ્યો છે. એ સૂચવે છે કે રમતગમતમાં ખરું મહત્ત્વ ભાગ લેવાનું છે, નહીં કે હારજીતનું. રમત કોઈ પણ હોય, આ હકીકત બધે લાગુ પડે છે. અલબત્ત, રમતગમતનું વ્યાપારીકરણ થયા પછી તે હારજીત અને લોકરંજન પૂરતી જ મર્યાદિત બની રહી છે. રમતગમતના ક્ષેત્રનો એક અન્ય શબ્દ છે ‘ગાર્બેજ ટાઈમ’. કોઈ પણ રમતમાં જ્યારે પરિણામ નિશ્ચિત થઈ જાય, અને રમત પૂરી કરવાની ઔપચારિકતા બાકી રહી જાય ત્યારે કેવળ સમય પસાર કરવાનો હોય છે. આવા સમય માટે આ શબ્દ પ્રચલિત છે. ‘ગાર્બેજ’ એટલે નકામી ચીજવસ્તુ એટલે કે કચરો. આ શબ્દ છેલ્લા થોડા સમયથી રમતગમતની બહાર નીકળીને અન્ય ક્ષેત્રમાં ચલણી બનવા લાગ્યો છે. ખાસ કરીને ચીનના સામાજિક નેટવર્કિંગ માધ્યમના વપરાશકર્તાઓ દ્વારા ચીનના પ્રવર્તમાન સમયને ‘ગાર્બેજ ટાઈમ’ તરીકે ઓળખાવાઈ રહ્યો છે.

    ચીનનો ‘ગાર્બેજ ટાઈમ – AI સર્જિત પ્રતિનિધિ આલેખન
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આનું કારણ શું? ચીનના આ નાગરિકો માને છે કે પોતે દેશના એવા સમયમાં છે કે જ્યારે દેશનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું છે, બેરોજગારી વધી રહી છે, ખોરાકની કિંમતો આસમાનને આંબી રહી છે. એકવીસમી સદીમાં વિવિધ ક્ષેત્રે ચીનનો પ્રભાવ જે રીતે વધતો ગયો છે એ જોતાં ‘ચાઈનીઝ સેન્‍ચુરી’ જેવો શબ્દપ્રયોગ રૂઢ બન્યો છે. એ સૂચવે છે કે એકવીસમી સદી ચીનની હશે, એટલે કે આ સદીમાં વિવિધ ક્ષેત્રે ચીનનું પ્રભુત્વ રહેશે. આ અગાઉ વીસમી સદી માટે ‘અમેરિકન સેન્‍ચુરી’ શબ્દપ્રયોગ ચલણી હતો, તો અઢારમી અને ઓગણીસમી સદીને ‘બ્રિટીશ સેન્‍ચુરીઝ’ તરીકે ઓળખાવાઈ હતી. એ અગાઉ સત્તરમી અને અઢારમી સદીમાં ફ્રાન્સ તેમજ પંદરમી અને સોળમી સદીમાં સ્પેનનું વર્ચસ્વ રહેલું.

    ચીનના વર્તમાન સમયના ઈન્ટરનેટ વપરાશકર્તાઓને લાગે છે કે ‘ચાઈનીઝ સેન્‍ચુરી’ તેની વાસ્તવિકતાથી અનેક ગણી દૂર છે. ‘ગાર્બેજ ટાઈમ’ શબ્દ અગાઉ ૧૯૭૯ પછી રશિયાના થયેલા સતત પતન દરમિયાન વપરાતો હતો. ચીન માટે આ શબ્દ પહેલવહેલો હુ વેન્‍હુઈ નામના જાણીતા ચીની લેખક દ્વારા તેમણે લખેલી એક બ્લૉગપોસ્ટમાં વપરાયો હતો. અન્ય એક અહેવાલ અનુસાર ગ્વાંગ્ઝો શહેરના એક દૈનિકના સંપાદક દ્વારા તે પહેલવહેલો ઉપયોગમાં લેવાયો હતો.

    વેન્‍હુઈના બ્લૉગ પર ચાલેલી ચર્ચામાં અનેક લોકોએ તેની તરફેણમાં દલીલો કરી હતી. બ્લૉગ પરની ચર્ચામાં વિવિધ બાબતોની ચર્ચા થઈ. શી જી નામના એક બ્લૉગરે કહ્યું કે આવા સમયમાં શરીરને સ્વસ્થ રાખીને, તેમજ આશાવાદી અને ખુશમિજાજ રહીને, એ રીતે પરસ્પર સહાયજૂથ બનાવીને પોતાની ક્ષમતા અનુસાર પગલાં ભરીને અમુક અંશે સ્વતંત્રતા અનુભવી શકાય. કેટલાક લોકોએ આવો જ અન્ય એક શબ્દ ‘ઈન્‍વોલ્યુશન’ પ્રયોજ્યો. ચીન પૂરતો એનો અર્થ છે શ્રમિકોનું શોષણ અને ક્રૂર સ્પર્ધા.

    એ તમામ દલીલોનો સાર એ હતો કે ઈતિહાસ જ્યારે ‘ગાર્બેજ ટાઈમ’માં પ્રવેશે ત્યારે સૌથી પહેલું પતન સાંસ્કૃતિક જગતના લોકો અને વિચારકોનું થાય છે. તીવ્રપણે થતી ટીકાની ગેરહાજરીને કારણે સાંસ્કૃતિક અધ:પતન ઈતિહાસમાં અનેક વાર થતું આવ્યું છે. આવા કાળમાં મૌન રહેવું બદઈરાદાવાળું મનાય છે, જ્યારે શાસકની અપૂરતી પ્રશંસા પાપ સમાન ગણાય છે. આખરે એક જ અવાજ વ્યાપ્ત બની રહે છે, અને એ છે જૂઠાણાંનો. એક અહેવાલ અનુસાર ચીનનાં વિવિધ દૈનિકોમાં પણ આ શબ્દ બાબતે ચર્ચા ચાલી રહી છે કે ખરેખર સ્થિતિ આવી છે કે કેમ.

    દરમિયાન નેટના વધુ ને વધુ ચીની વપરાશકર્તાઓ આ શબ્દના સમર્થનમાં વિવિધ ઘટનાઓને ટાંકી રહ્યા છે, અને દૃઢપણે માને છે કે આ હકીકત છે.

    આ શબ્દપ્રયોગ પ્રસરવા લાગ્યો એટલે ‘ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી’ (સી.સી.પી.)ના નેતાઓ ચિત્રમાં પ્રવેશ્યા. અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક અને રાજ્યની માલિકીના અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’ના કટારલેખક વેન્‍ગ વેને આ શબ્દ વાપરનારાઓની ઝાટકણી કાઢી અને તેને ‘જૂઠી શૈક્ષણિક વ્યાખ્યા’ ગણાવી.

    આ હકીકત ચીનની છે. સ્વાભાવિકપણે જ તેમાંની ઘણી બાબતોનું સામ્ય આપણા દેશ સાથે જણાય છે. ‘ચાઈનીઝ સેન્‍ચુરી’ જેવી જ ગોળી ભારતને ‘વિશ્વગુરુ’ તરીકે સ્થાપિત કરવાની છે. સાંસ્કૃતિક ક્ષેત્રની પરિસ્થિતિ અધ:પતનથી ક્યાંય આગળ નીકળી ગઈ છે. સ્વસ્થ ટીકાનો માહોલ નથી. શાસકોની ખુશામતમાં સાંસ્કૃતિક જગતના મોટા ભાગના લોકો રાચેલા છે. જૂઠાણાંભર્યા સમાચારોનો વરસાદ એકધારો વરસી રહ્યો છે. શિક્ષણનું સ્તર સાવ પાતાળે ગયું છે. સ્વાસ્થ્યની સ્થિતિ એથીય બદતર છે. અવાજ ઉઠાવનારાઓને દેશદ્રોહીમાં ખપાવી દેવાનું કામ હવે સરકાર વતી બહુમતિ નાગરિકોએ ઊપાડી લીધું છે. હવે નાગરિકો ભાગ્યે જ બચ્યા છે. સૌ કોઈ એક પક્ષના સમર્થક છે, અને જે એના સમર્થક નથી એ તેના વિરોધી છે.

    આમ છતાં, હજી ઘણા ભોળાઓ સાંસ્કૃતિક મજલમાં પીછેહઠ કરતા રહીને ‘વિશ્વગુરુ’ બનવાનું સપનું જુએ છે. તેમને નથી નાગરિક બનવું કે નથી ભારતીય બનવું, બસ, એક જ ધ્યેય છે કે ‘વિશ્વગુરુ’ બનવું. એથી પણ ભોળા નાગરિકો એમ માને છે કે ભારત હવે વિશ્વગુરુ બની ચૂક્યું છે.

    આવા લોકોનું ભોળપણ એવું છે કે એની પર ન હસી શકાય, ન રડી શકાય. દયા પણ ન ખાઈ શકાય, કેમ કે, એવા લોકોની સંખ્યા ઘણી બધી છે, અને તેમની પડખે અનેકવિધ પ્રસારમાધ્યમો છે. અવનવા પ્રતિબંધો લાદવા શાસકોની પ્રિય રમત છે. કાયદા દ્વારા પ્રસાર માધ્યમો પર પ્રતિબંધ લાદી શકાય, પણ વિચારવા પર પ્રતિબંધ નાખી શકાતો નથી. એક નાગરિક તરીકે એ પ્રક્રિયા સતત ચાલતી રહે એ જરૂરી છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પરિવર્તનની સુનામી !

    હરેશ ધોળકિયા

    પરિવર્તન એ જગતનો નિયમ છે – આ વાક્ય જાણીતું છે અને નક્કર સત્ય છે. જગત ઉત્પન્ન થયું – જો ઉત્પન્ન થયું હોય તો – ત્યારથી સતત પરિવર્તનશીલ રહ્યું છે. લાખો કરોડો બદલાવ આજ સુધી આવ્યા છે. આજે પણ ચાલુ છે. પણ જો માનવ ઇતિહાસ તપાસીએ તો ગુફાવાસી માનવથી આજનો આધુનિક માનવ થવા સુધીનો મોટાભાગનો ઇતિહાસ ધીમાં પરિવર્તનનો કાળ રહ્યો છે. જેને આપણે ‘આધુનિક’ માનવ કહીએ છીએ, તે છેલ્લી ત્રણ સદીનો ઇતિહાસ છે. જ્યારથી વિજ્ઞાનની શોધો વધવા લાગી ત્યારથી આધુનિકતા શરૂ થઈ છે. વિસમી સદીના ઉત્તરાર્ધ સુધી તે પણ ધીમી રહી છે. પણ તેના છેલ્લા દાયકાથી તેની જે ઝડપ શરૂ થઈ છે તે ધ્યાન ખેંચે છે.

    વર્તમાનમાં જો આ પરિવર્તનને જોઈએ, જોઈ શકીએ, તો સ્તબ્ધ જ થઈ જવાશે. આગળ જે નવું પરિવર્તન દસેક વર્ષે આવતું, તે આજે દસેક દિવસે આવે છે. દરરોજ સવારે જાગીએ છીએ અને જોઈએ છીએ તો દરેક ક્ષેત્રમાં કશુંક નવું જ પરિવર્તન આવી ગયું હોય છે. એની જે ગતિ છે, તે વાવાઝોડા જેવી છે. વાવાઝોડું જે ભયંકર ગતિથી ફરતું હોય છે અને તેના કેન્દ્ર નજીક જો કોઈ આવી ગયું, તો તે તેને પ્રકાશની ગતિથી ફેંકી દે છે. વ્યક્તિ સમજવાનો પ્રયાસ કરવા જાય ત્યાં તો તેનું મગજ બહેર મારી જાય છે. મોટાભાગે કોમામાં ચાલી જાય છે. આ જ સ્થિતિ વર્તમાન પેઢીની છે. આજે પરિવર્તન જે ભયંકર ગતિથી થઈ રહ્યું છે તેણે સમગ્ર માનવજાતને બૌદ્ધિક રીતે લગભગ લકવાગ્રસ્ત કરી નાખી છે. તે મૂઢ થઈ ગઈ છે. તેના પ્રભાવથી તે તદ્દન યાંત્રિક રીતે જીવે છે. “જીવે છે” શબ્દ પણ ખોટો છે. તેમાં જાગૃતિ નથી, કેવળ યાંત્રિકતા છે. આ ગતિ તપાસવા જેવી છે.

    શા માટે આમ થયું છે ? – આ સવાલ પહેલાં તપાસીએ. તેનાં બે કારણો છે. એક તો ઔદ્યોગિક ક્રાંતિ પછી ‘મૂડીવાદ’નો ઉદય થયો. મૂડીવાદ બે જ શબ્દ પર કામ કરે છે : નફો અને પૈસો. તેણે માનવજાતને એકકેન્દ્રી કરી નાખી. તેણે ઠસાવી દીધું કે જીવનમાં કેવળ પૈસો હોવો જ મહત્ત્વનું છે. તે મેળવવા જ જીવવાનું છે. માનવજાત આ વાતથી હિપ્નોટાઈઝ્ડ થઈ ગઈ છે અને તે માટે દોડ્યા જ કરે છે. તેમાં ભળી છે ટેકનોલોજી. છેલ્લા બે દાયકામાં ટેકનોલોજીનો જે ક્લ્પનાતીત વિકાસ થયો છે, અને દર પળે વધતો જાય છે, તેણે આ પરિવર્તનને વાવાઝોડામાં ફેરવી નાખ્યું છે. આ વાવાઝોડાએ બધાનું શીર્ષાસન કરી નાખ્યું છે. સમગ્ર મૂલ્યવ્યવસ્થા ઊલટસુલટ થઈ ગઈ છે. બે ત્રણ બાબતો જોઈએ.

    જબરો પ્રભાવ પડ્યો છે, કુટુંબ વ્યવસ્થા પર. સદીઓ સુધી ટકી રહેલી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પાયાથી હચમચી ગઈ છે. ટેકનોલોજીએ રોજગાર વ્યવસ્થામાં જે ક્રાંતિ કરી છે, તેના પરિણામે મેગા સીટીઝ – મેટ્રો શહેરો ઊભાં થયાં છે અને મહત્તમ રોજગાર ત્યાં કેન્દ્રિત થયો છે. એટલે હવે નવી પેઢીને આ શહેરોમાં જવું ફરજિયાત બન્યું છે. વળી, રોજગાર પણ સ્થિર નથી. જે પણ કુશળ છે તેમની તકો વધતી જાય છે. એટલે કુશળ લોકો સતત રોજગાર બદલાવતા રહે છે. એટલે એકથી બીજાં શહેરોમાં કે વિદેશમાં કૂદકા માર્યા કરે છે. એટલે મોટાભાગનાં સંયુક્ત કુટુંબોનાં સંતાનો ભણવાનું પૂરું થાય કે તરત ઘર છોડી દે છે અને શહેરોમાં ચાલ્યાં જાય છે. વડીલો એકલાં થઈ જાય છે. સંતાનો લગ્ન કરીને પણ શહેરમાં જ રહે છે. એટલે હવે વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જાય છે. એની નોકરીઓ એવી તો ચુસ્ત છે, મહત્તમ સમય માંગે છે કે મોટાભાગના યુવાનો શાંતિથી ઘરમાં બેસી શકતા નથી. વહેલી સવારે નીકળી જાય છે અને છેક મોડી રાતે આવે છે. અને આવીને પણ શાંતિથી બેસતા નથી.

    ઓનલાઈન તો કામ ચાલુ જ રહે છે. મોબાઈલની ઘંટડી સતત વાગતી જ રહે છે. એટલે જમવા કે પ્રેમ કરતી વેળા પણ આ ખલેલ ચાલુ જ રહે છે. ‘અંગત’ જીવન કે આરામવાળું જીવન સ્વપ્નવત્ બનતું જાય છે. શહેરોમાં ઘર નાનાં થતાં જાય છે. એટલે વડીલો માટે જગ્યા નથી. પરિણામે ધીમે ધીમે વડીલો વૃદ્ધાવસ્થામાં ઘરડાં ઘરોમાં દાખલ થતાં જાય છે. કદાચે કોઈ સાથે રાખે છે, તો નવી પેઢી ટેકનોલોજીગ્રસ્ત હોવાથી પરસ્પર સંવાદ શક્ય બનતો નથી. ઓનલાઈન વાતો કરી શકે છે, પણ સામે બેસીને નથી કરી શકતા. પાસે પાસે રહેવા છતાં એકલાં રહે છે. આનો પ્રભાવ માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. સમૂહમાં પણ વ્યક્તિ એકલી છે. સાથે જમવા બેસે છે, ત્યારે પણ એક હાથથી જમે છે અને બીજો હાથ મોબાઈલ પર ફરતો રહે છે. અથવા ટી.વી. જોતો રહે છે. શું જમે છે તેની તેને ખબર પડતી નથી. મોડી રાત સુધી આ ચાલે છે. પૂરી ઊંઘ પણ નથી મળતી.

    ટેકનોલોજીએ હાથમાં પૈસા મૂકી દીધા છે. સ્ત્રી પુરુષ બંને કમાય છે. બંને સ્વતંત્ર કામ કરે છે. એટલે બૌદ્ધિક સ્વતંત્રતા પણ ભોગવે છે. સદીઓ પછી સ્ત્રીઓને આ સ્વતંત્રતા મળી છે. તેઓ તેને જતી કરવા નથી માગતી. અને આટલી આધુનિકતા છતાં જ્ઞાતિ-જાતિ-ધર્મના પ્રભાવના કારણે કુટુંબની માનસિકતા આજે પણ બદલાઈ નથી. હજી પણ સ્ત્રી ભલે કમાય, પણ રસોઈ તો તેણે જ કરવાની છે. નોકરી સાથે ઘર પણ સંભાળવાનું છે. પતિ અને સાસુ સસરાને પણ સંભાળવાનાં છે. બધા રિવાજો તેણે જ પાળવાના છે. એટલે સ્ત્રી સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ ગુલામ જ છે. હવે તેને આ પસંદ નથી પડતું. એટલે તે એવો છોકરો ઇચ્છે છે જેનું કુટુંબ નાનું હોય અને તે પણ સ્વતંત્ર રહેવા તૈયાર હોય. આ બાબત પણ કુટુંબ પર ઘા કરે છે.

    ચાલો, માની લઈએ કે આ બધી સગવડો મળી ગઈ. તો સમસ્યા પૂરી થઈ ? ના. બંને સ્વતંત્રતાનો એવો તો અનુભવ કરે છે કે હવે હમેશાં સાથે રહેવું અને એકને જ વફાદાર રહેવું તેમને અકળાવે છે. પરણ્યા પછી સાથીમાં મર્યાદાઓ દેખાય છે જે અકળાવે છે. એટલે હવે છૂટાછેડાનું પ્રમાણ વધે છે. અને હવે તો એ માનસિકતા વધતી જાય છે કે લગ્ન કરવાં જ શા માટે ? મુખ્યત્વે તો તે શારીરિક સંતોષ માટે જ ને ! હવેની પેઢી તે બાબતે પણ મુક્ત થઈ ગઈ છે. આ સંતોષ માટે લગ્ન સુધી રાહ જોવાની પણ તેના પાસે ધીરજ નથી. ‘વર્જીનીટી’ શબ્દ હાસ્યાસ્પદ બનતો જાય છે. એટલે હવે લગ્નને બદલે ‘લીવ ઈન’ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. મજા આવે ત્યાં સુધી સાથે રહેવું. ન ફાવે તો છૂટા થઈ જવું. ફરી નવો સાથી. આ ઘટના પણ કુટુંબને હચમચાવે છે. અને લીવ ઈનને જ્ઞાતિ વગેરે સાથે સંબંધ નથી. એટલે જ્ઞાતિ, જાતિ, ધર્મ વગેરેનું પોત પણ પાતળું બનતું જાય છે. લગ્ન વ્યવસ્થા જ પાયાથી હચમચી ઊઠી છે.

    હજી એક પગલું આગળ. જો લીવ ઈનમાં જ રહેવું હોય અને ગમે ત્યારે અલગ થઈ જવાનું હોય, તો પછી બાળકની જવાબદારી શા માટે લેવી ! સમાંતરે બંને લગભગ આખો દિવસ કામ કરતાં હોય અને થાક્યાં પાક્યાં રાત્રે ઘેર આવે. એટલે આખો દિવસ બાળક તો એકલું જ રહે. તેના માટે સમય ક્યાં છે ? એટલે પછી બાળકની શું જરૂર? એટલે આજ સુધી પોતાને બાળક વિના અધૂરી માનતી સ્ત્રી પણ હવે બાળક ટાળવાનો પ્રયાસ કરે છે. તે તેની કારકિર્દીમાં આડું આવે છે.

    એટલે હવે, ખાસ કરીને શહેરેમાં, બાળકોની સંખ્યા ઘટવા લાગી છે. આગળ ન્યૂનતમ બે બાળકો તો હોય જ. નવી પેઢીએ તેને એકમાં નિયંત્રિત કરી નાખી છે. જેમ જેમ શિક્ષણ વધે છે, અને આવક વધે છે, તેમ તેમ એક જ બાળક રહે છે. અને જેમ જેમ કામની તાણ વધે છે, આરામનો સમય ઓછો થતો જાય છે, મોજમજા વધે છે, તેમ તેમ ઘરમાં રહેવાનો સમય ઓછો થતો જાય છે. તો પછી બાળકનું શું ? એટલે અત્યારની નવી પેઢી-જેને જનરેશન ઝેડ કહેવાય છે – તે તો “બાળક જ ન જોઈએ” માનવા લાગી છે. એટલે નવી પેઢીમાં એક નવો શબ્દ આવ્યો છે : “ડી.આઈ.એન.સી.” ડબલ ઈનકમ, નો ચાઈલ્ડ” બેવડી આવક, બાળક નહીં. આ વાત હવે વ્યાપક થતી જાય છે. સમગ્ર વિશ્ર્વમાં બાળકોની જન્મ સંખ્યા ઓછી થતી જાય છે. પશ્ર્ચિમના દેશોમાં તો આ પણ સમસ્યા બનવા લાગી છે. દેશના વહીવટકારો બાળક જન્માવવા માટે લાલચો આપે છે, છતાં દંપતીઓ નથી લલચાતાં. જે ચીન એક વાર ભયંકર વસ્તી વધારાથી પીડાતું હતું, તે હવે વસ્તી ઓછી થવાની સમસ્યા ભોગવી રહ્યું છે.

    તાજેતરના સમાચારો કહે છે કે આ એક સમસ્યાએ ચીનમાં જ નવી સમસ્યા ખડી કરી છે. છાપાંઓમાં એક નવો શબ્દ વાંચવા મળે છે. તે છે ‘ઓબ્ટેસ્ટ્રીક વીન્ટર.’ ઓબ્ટેસ્ટ્રીક એટલે જન્મ સંબંધી. જન્મ ઘટતાં જાય છે. એટલે કે તેમાં શિયાળો -એટલે ઘટાડો- આવતો જાય છે. છેલ્લા વર્ષમાં ચીનમાં ગાયનેક હૉસ્પિટલોનું પ્રમાણ ઝડપથી ઘટતું જાય છે. હૉસ્પિટલો બંધ થતી જાય છે. જાપાનમાં તો આ સમસ્યા વિકરાળ થતી જાય છે. યુરોપ-અમેરિકામાં પણ તે વધે છે. આનો પ્રભાવ રોજગાર પર પડે છે. કામ કરનારાઓ ઘટતા જાય છે. ઉત્પાદન ઘટાડી શકાય તેમ નથી. એટલે વિદેશોમાંથી લોકોને આમંત્રણ આપવું પડે છે. તેની આડઅસર એ થાય છે કે વિદેશથી આવતા લોકો વધે છે તેમ તેમ મૂળ વતનીઓ ઓછા થતા જાય છે. તેનો રાજકીય જીવન પર પ્રભાવ પડે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક સમસ્યાઓ ખડી થાય છે. પરિણામે હિંસા વધે છે. અશાંતિ વધે છે. સંકુચિતતા પણ વધે છે. આનો લાભ સામાન્ય નેતાઓ લે છે અને લોકોને ઉશ્કેરી સત્તા પર બેસી જાય છે. તે લોકશાહીને ખતરામાં મૂકે છે. પાયાના મુદ્દાઓની ચર્ચાને બદલે ઉશ્કેરાટભર્યા મુદ્દાઓ આગળ કરાય છે, જે દેશની શાંતિને જોખમાવે છે. આ બધાની અસર સમાજ, શિક્ષણ, વહીવટ બધા પર પડે છે. સમગ્ર વિશ્ર્વ અત્યારે ખળભળી રહ્યું છે. ચારે બાજુ તદ્દન સામાન્ય નેતાઓ ચૂંટાય છે જે ભવિષ્યમાં યુદ્ધનો ભય ઊભો કરશે.

    આ તો એક નાનું ચિત્ર છે. પણ જો સમગ્ર રીતે અભ્યાસ કરવામાં આવે તો ગભરાઈ જવાય તેવું ચિત્ર છે.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • શિલ્પ અને સ્થાપત્યવિષયક કુમારના લેખોની ❛ગાંસડી❜

    પુસ્તક પરિચય

    શિલ્પ સ્થાપત્યસંપદા ભાગ-૧ અને ૨

    પરેશ પ્રજાપતિ

    ગુજરાતનાં યુવાનોમાં ચારિત્ર્યઘડતર અને સંસ્કાર ઉપરાંત આપણા પ્રાચીન વારસા, સાહિત્ય તથા કલા વિષયક જ્ઞાન પીરસવાના ઇરાદા સાથે ૧૯૨૪માં કલાગુરુ રવિશંકર રાવળે ❛કુમાર❜ સામયિકની આરંભ કર્યો હતો. હાલ તેનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. આ વર્ષોમાં વિવિધ કલાઓ, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, વૈજ્ઞાનિક અજાયબીઓ, હુન્નર ઉદ્યોગોના નુસખાઓ, રમતગમત, સંગીત, આરોગ્ય, હાસ્ય-વિનોદ એમ અનેક વિષયોને આવરી જ્ઞાન પીરસવાની પરંપરા ‘કુમારે’ ચાલુ રાખી છે. ‘કુમારે તેનો દર સોમો અંક વિશેષાંક તરીકે પ્રકાશિત કરવાની આગવી પરંપરા પણ જાળવી છે. આ બહુવિધ વિષયો પર સમયાંતરે પ્રકાશિત થતી રહેલી સામગ્રીમાંથી શિલ્પ અને સ્થાપત્યને લગતા આ સો વર્ષોમાં લખાયેલા લેખોને અલગ તારવીને ❛કલાતીર્થ❜ ટ્રસ્ટે તેને પુસ્તક તરીકે એક સાથે પીરસવાનું શ્રેયકર કાર્ય કર્યું છે. પુસ્તકનો હેતુ છે ગુજરાતના અંતરિયાળ અને સાવ છેવાડાના ગામડા સુધી આ જ્ઞાનનો વિસ્તાર.

    બે દળદાર ગ્રંથોના પહેલા ભાગમાં ❛હિંદનાં શિલ્પ સ્થાપત્ય❜ વિષય પર વિશદ છણાવટ કરતા હરિપ્રસાદ વ્રજરાય દેસાઇનાં કુલ દસ લેખો છે. છેક સમ્રાટ અશોકના વખતના સાંચી સ્તુપથી શરૂઆત કરીને કોણાર્ક, ભુવનેશ્વર, બેલુર, એમ વિવિધ સ્થાનો આવરતા રહીને લેખકે ગુજરાતનાં મોઢેરાનાં સૂર્યમંદિર અને અડાલજની વાવ જેવાં સ્થળો આવરી લીધા છે. તેમાં જે તે સ્થાપત્યોના ટૂંકા વર્ણનો ઉપરાંત જોડાયેલો ઇતિહાસ અને પડઘાતી ધાર્મિક કે સામાજિક કથાઓ અને લોકમાન્યતાઓ આવરી લેખોને સંપૂર્ણ આયામ આપતા લેખો છે.

    કલકત્તા મહાવિદ્યાલયના વાગીશ્વરી કલાપદના આચાર્ય, ❛રૂપમ❜ના તંત્રી અને વિખ્યાત કલાવિવેચક અર્ધેન્દ્રકુમાર ગાંગુલીની કલમે લખાયેલા શિલ્પવિજ્ઞાનને લગતા લેખોનો અપર્ણાબહેન ત્રિવેદીએ કરેલા અનુવાદો પુસ્તકમાં સમાવિષ્ટ છે. તેમાં શિલ્પનાં અંગો અને અંગમરોડ તેમજ સ્થાપત્યો વિશે રોચક અભ્યાસ રજૂ થયો છે. તે સિવાય અમૃતલાલ પંડ્યાના બે લેખોમાં પણ મૂર્તિઓનો, તેનાં અંગો અને અદાઓનો પરિચય આપવામાં આવ્યો છે. આ સાથે મથુરાની શિલ્પકળા વિષય પર અન્ય લેખકના લેખ છે.

    ❛ગુજરાતની ગુપ્તકાળની શિલ્પસમૃદ્ધિ❜ વિષય પર પથ્થરનાં શિલ્પ અને ધાતુ મૂર્તિઓના ગહન અભ્યાસી ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહના સાત લેખો છે. તેમાં વિવિધ શિલ્પોનાં ચિત્રો સાથે તેની ખૂબી અને ખાસિયતોની વિશદ છણાવટ છે.

    હિંદી કળાઓમાં ગુજરાતનું પ્રદાન દર્શાવતા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવેલા ડૉ. ગોએટ્ઝના લેખોનો રમણલાલ નાગરજી મહેતાએ કરેલા અનુવાદ છે, આ ઉપરાંત ગુજરાતને કેન્દ્રમાં રાખીને લખાયેલા અન્ય લેખોમાં ગુજરાતનાં મુસ્લિમ સ્થાપત્યો અને મૂર્તિઓ ઉપરાંત સિદ્ધપુરના રુદ્રમહાલય, કલશેરી, પાટણ વગેરે સ્થળોનાં શિલ્પોવિષયક તલસ્પર્શી લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    બીજા ભાગમાં શિલ્પ અને સ્થાપત્ય કળામાં જૈન પ્રભાવ દર્શાવતા કેટલાક અભ્યાસલેખ છે. તેમાં વિવિધ લેખકોએ લખેલાં જૈન ધાતુશિલ્પો, બેલુરનાં તથા ૬ઠી સદીનું નિર્માણ ધરાવતી બાદામીનાં વૈષ્ણવ શિલ્પોના લેખો તથા ભારતીય કલામાં જૈન કલાના પ્રદાન આધારિત રવિશંકર રાવળના લેખનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં મૂર્તિકળાના ઉદભવ અને વિકાસ ધરાવતો એક લેખ છે. અન્ય લેખમાં ખજૂરાહોનાં શિલ્પોને આવરી લેવાયા છે.

    પથ્થરનું જાળીકામ અને પથ્થરનાં તોરણદ્વાર એ ઉચ્ચ કક્ષાની હથોટી માંગી લેતી રચનાઓ છે. આ વિષયનાં વિવિધ પાસાં આવરી લેતા લેખો પુસ્તકના બીજા ભાગમાં સમાવવામાં આવ્યા છે. પુસ્તકના લેખોમાં કેટલાંક બહુ જાણીતાં એવા અજંતાના શિલ્પાંકનો કે કૈલાસ મંદિરનાં શોભાંકનો સાથે કપિલેશ્વર શિવાલય (વાવ), આરસનાં શિલ્પો (વડાવલ), ઘૂમલી (બરડા ડુંગરની તળેટીનું સ્થળ) જેવાં ઓછાં જાણીતાં કે અજાણ્યાં સ્થળોએ આવેલાં શિલ્પને લગતાં લખાણો આ પુસ્તકમાં છે.

    આ ભાગમાં મંદિરસ્થાપત્યનો પરિચય આપતા વિવિધ લેખો છે. તેમાં મંદિરનાં સ્થાપકીય અંગો જેવાં કે જગતિ (ઓટલો), સ્તંભો, તોરણો, ઘૂમટ, શિખર, ગર્ભગૃહની બાહ્ય ભિત્તિની – મંડોવરોની રચના વગેરે પર શિલ્પશાસ્ત્રના પારંગત એવો હરિપ્રસાદ સોમપુરાના લખાયેલાં લેખો છે. હેમંતભાઇ વાળાનાં ગુફાસ્થાપત્યો, નાગર શૈલીનાં મંદિરો, મંદિરોમાં વાસ્તુશાસ્ત્ર અને દ.ભારતનાં મંદિરો એમ મંદિરોના વિવિધ પ્રકારોને આવરતા લેખો છે. એ ઉપરાંત ભારતનાં ગુફાસ્થાપત્યો ઉપરાંત મંદિરનિર્માણને લગતાં વિવિધ લેખકોનાં સમયાંતરે લખાયેલા લેખો તેમજ ખાસ કરીને ગુજરાત- સૌરાષ્ટ્રનાં મંદિરો, ગુફાઓ અને નાગદમન વિષયો પર આધારિત અલગ લેખો સમાયેલા છે.

    ‘કુમાર’ એક જમાનાથી પ્રતિષ્ઠિત સામયિક રહ્યું છે. અનેકવિધ વિષયના વિદ્વત્તાપૂર્ણ લેખો માટે તે જાણીતું છે. વિતેલાં સો વર્ષોમાં અનેક વિવિધ વિષયો પર અનેક ઉત્તમ લખાણો આવી ચૂક્યા છે, તેનો લાભ આગલી પેઢીના વાચકોએ મેળવ્યો છે. શિલ્પ અને સ્થાપત્યને લગતા આ સો વર્ષોમાં પ્રકાશિત લેખો આ પુસ્તકો થકી એક સાથે રજૂ કરી કલાતીર્થ ટ્રસ્ટે ખાસ કરીને આજની પેઢીના વાચકો માટે વિષયવાર વાંચન હાથવગું અને સુલભ બનાવ્યું છે. તે બદલ તે અભિનંદનને પાત્ર છે.

    *** * ***

    પુસ્તક અંગેની માહિતી:

    પુસ્તકનું નામ: શિલ્પ સ્થાપત્ય સંપદા ભાગ- ૧ અને ૨

    સંપાદક: નિસર્ગ આહીર

    પૃષ્ઠસંખ્યા : ભાગ-1 : 331 ભાગ-2 : 354

    કિંમત : ₹ અમૂલ્ય | આવૃત્તિ :2024

    પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :  ❛રંગ❜ 18, રાજાનન સોસાયટી વિભાગ-3, ગજેરા સ્કૂલ સામે, કતાર ગામ, સુરત- 395 004.

    વિજાણુસંપર્કઃ kalatirth2021@gmail.com ; ramnikgkp@gmail.com

    મો.નં: + 91 98256 64161


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • એક દિન અચાનક – જેને કોઈ દેખીતું દુખ ન હોય એ ઘર છોડી ચાલ્યો જાય તો શું સમજવું ?

    સંવાદિતા

    જે અકારણ ને અમસ્તું લાગતું
    કોઈ છાનું એનું કારણ હોય છે
    ભગવાન થાવરાણી

    મૂળ બંગાળી ફિલ્મો સર્જતા ફિલ્મકારોમાંથી  મૃણાલ સેને સૌથી વધુ હિંદી ફિલ્મો સર્જી. કુલ સત્યાવીસમાંથી સાત. એમણે એક – એક ઉડિયા અને તેલુગુ ફિલ્મ પણ આપી. એમની હિંદી ફિલ્મો એટલે ભુવન શોમ, એક અધૂરી કહાની, મૃગયા, ખંડહર, જેનેસીસ, એક દિન અચાનક અને એમની અંતિમ ફિલ્મ અંતરીન. એમણે એક ટીવી ફિલ્મ ‘ તસવીર અપની અપની ‘ અને દૂરદર્શન માટે બાર લઘુ ફિલ્મોની એક શ્રંખલા ‘ કભી દૂર કભી પાસ ‘ પણ હિંદીમાં બનાવી.

    ૧૯૮૦ થી ૧૯૮૯ ના દશક દરમિયાન એમણે બનાવેલી ત્રણ ફિલ્મોને એબસંટ ટ્રાઈલોજી – અનુપસ્થિતિ ત્રયી તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય ફિલ્મોમાં ફિલ્મનું મુખ્ય પાત્ર ફિલ્મના આરંભમાં જ અદ્રશ્ય થઈ જાય છે. પહેલી ફિલ્મ ‘ એક દિન પ્રતિદિન ‘ માં નોકરીએ ગયેલી અને જેની કમાણી પર ઘરનો કારોબાર ચાલતો હતો એ યુવાન સ્ત્રી સાંજે ઘરે પાછી ફરતી નથી ( પણ વહેલી સવારે પાછી ફરે છે ). બીજી ‘ ખારિજ ‘ માં ઘરનો બાળ – નોકર રસોડામાં ધૂમાડાથી ગૂંગળાઈને મૃત્યુ પામે છે તો છેલ્લી ‘ એક દિન અચાનક ‘ માં ઘરના મોભી નિવૃત પ્રોફેસર એક સાંજે ‘ હમણાં આવું છું ‘ કહીને નીકળે છે તે ફિલ્મના અંત લગી પાછા ફરતા નથી. ત્રણેય ફિલ્મનો મુખ્ય સુર આ પાત્રોનું ‘ જતા રહેવું ‘ નથી પણ એમની અનુપસ્થિતિમાં એમના કુટુંબીઓની જે વિચાર પ્રક્રિયા છે એ છે. આમાંની એક માત્ર હિન્દી ફિલ્મ ‘ એક દિન અચાનક ‘ ને થોડીક વિગતે જોઈએ.

    ફિલ્મની સમગ્ર વાર્તા એક પ્રોફેસરના જીવનની છે. નિવૃતિ પછી એ પોતાની લાઇબ્રેરીના પુસ્તકોના વાંચન અને સંશોધનમાં વ્યસ્ત રહે છે. વધારાની કમાણીની ઘણી તકો છે પણ એમને એવી કોઈ વાતમાં દિલચસ્પી નથી. એમની એક ભૂતપૂર્વ અને એમનાથી ઉંમરમાં ઘણી નાની વિદ્યાર્થિની ( અપર્ણા સેન ) એમની પરમ પ્રશંસક છે. બન્નેના સંબંધો પ્રેમાળ કુટુંબની નજરમાં પણ નિખાલસ છે. સમગ્ર ફિલ્મ, એમના જતા રહ્યા પછી એમના કુટુંબીઓ, અન્ય સ્વજનો, પડોશીઓના એમના વિષેના અભિપ્રાય અને એમાં આવતા બદલાવ ઉપર કેંદ્રિત છે. આ કુટુંબીઓ એટલે એમના ગૃહિણી પત્ની ( ઉત્તરા બાવકર ), કમાતી મોટી દીકરી ( શબાના આઝમી ) કોલેજમાં ભણતી નાની દીકરી ( રૂપા ગાંગુલી ) અને નિષ્ફળ વ્યવસાયી દીકરો ( અર્જુન ચક્રવર્તી ) . પ્રોફેસર ( શ્રીરામ લાગુ ) નું ચરિત્રાંકન આ ચારેય ઉપરાંત એમની ખુદની ફલેશબેક દ્વારા ફિલ્મમાં આવનજાવનથી થતું રહે છે. બધા કુટુંબીજનો એમને હવે પોતપોતાની ફુટપટ્ટીથી મૂલવે છે. કદાચ પહેલાં કરતાં વધુ સારી અને સાચી રીતે સમજે છે. બધાં વચ્ચે સમજણનો સેતુ નહોતો એવું પણ નથી પણ એમની વિદાય પછી બધાને લાગે છે કે કશુંક તો હતું જે ખૂટતું હતું.

    પ્રોફેસરની મોટી દીકરી એમની સૌથી વધુ નિકટ હતી. ફિલ્મના એક દ્રશ્યમાં વિદાય પછી પિતાનું વિશ્લેષણ કરતાં એ કહે છે ‘ કદાચ પપ્પા આપણે સૌ માનતા હતા એટલા મહાન નહોતા. કદાચ એ આપણા જેવા જ હતા. એક સાધારણ મનુષ્ય ! ‘ ફિલ્મના નિર્દેશક મૃણાલ સેને પણ એક મુલાકાતમાં કહેલું કે ‘ કદાચ પ્રોફેસર એટલા માટે ચાલ્યા ગયા કે એમને એમના સામાન્યપણાનો અહેસાસ થઈ ચૂકેલો છે. ‘

    એમના પત્ની પણ હવે એમની પ્રિય વિદ્યાર્થિની સાથેના એમના સંબંધોને નવા પ્રકાશમાં જૂએ છે. નાની દીકરી અને દીકરો તો પહેલેથી એમને ઘમંડી અને અતડા માનતા હતા જ. સમાજમાં મોભાદાર સ્થાન ધરાવતા એમના સાળા એમને બેદરકાર ઠેરવે છે અને હવે એમના પાછા ફરવાની કોઈ શક્યતા ન જણાતાં એમના હજારો ગ્રંથોથી ‘ ખદબદતો ‘ એમનો અભ્યાસ – રૂમ ખાલી કરવાનું સૂચન કરે છે. એમની પ્રિય મોટી દીકરીને માઠું ન લાગે એટલે એ પુસ્તકો પસ્તીમાં કાઢવાને બદલે કોઈ પ્રતિષ્ઠિત કોલેજને દાનમાં આપવાનો વચલો રસ્તો કાઢી આપે છે. ‘ એમના નામની તક્તી પણ  લગાવડાવીશું એ વિભાગમાં ‘ ! ફિલ્મના એ યાદગાર દ્રશ્યમાં, જ્યારે લાઈબ્રેરીમાં લઈ જવા માટે પુસ્તકો સમેટાઈ રહ્યા હોય છે ત્યારે દીકરી જાણે પિતાને અંતિમ વિદાય આપતી હોય એવું અનુભવાય છે !

    એમના ગયા પછી કુટુંબના સભ્યો પોતાની સ્વાભાવિક જિંદગી ભણી ધીમે ધીમે પાછા ફરતા હોય એવું લાગે છે ખરું પણ એમને પહોંચેલી ઈજાઓ વર્તાઈ આવે છે. મોટી દીકરીને એક પુરુષ મિત્ર છે પણ એ સંબંધ જાણે સુષુપ્ત અવસ્થામાં છે. દીકરાનો વ્યવસાય થાળે પડ્યો હોય એવું વર્તાય છે પણ એની પ્રકૃતિમાં કડવાશ અને કઠોરતા પ્રવેશી ગઈ છે. પત્ની સતત પતિ અને એમની વાતોને યાદ કરતી હતાશાનો શિકાર બની ગઈ છે. દરેક સભ્ય પ્રોફેસરની મન:સ્થિતિ સમજવાના મરણિયા પ્રયત્નોમાંથી જવાબો કરતાં વધુ સવાલો નીપજાવે છે જાણે ! પહેલાં એ બધા હસતા – લડતા – ઝઘડતા – દલીલો કરતા પણ એમાં એક જીવંતતા હતી, હવે બધા સાથે બેઠા હોય પણ મૌન અને ઉદાસ. મૃત્યુ થયું હોય તો માણસ એક રીતે નિશ્ચિંત હોય, પણ આ તે કેવી અનિશ્ચિતતા ! પિતાનું બેંક બેલેંસ જાણવા ગયેલા દીકરાને પણ કહેવામાં આવે છે કે એમના ગુમ થયાને સાત વર્ષ ન થાય ત્યાં સુધી એમના પૈસાનું કંઈ ન થાય !

    આવી ફિલ્મ બનાવવાનો સર્જકનો હેતુ દર્શક સ્વયંને સવાલો પૂછે એ છે. આપણી આસપાસ જે રોજિંદા બનાવો બને છે – બની રહ્યા છે એ વિષે પુનર્વિચાર કરવા મજબૂર કરે એ છે. બહુધા એવું બનતું હોય છે કે કુટુંબનો જે સદસ્ય ઘર માટે અનિવાર્ય હોય છે એને અપર્યાપ્ત રીતે સમજવામાં આવ્યો હોય છે. સાથોસાથ એ હકીકત પણ નકારી શકાય નહીં કે કોઈની ગેરહાજરી ભલે એક ખાલીપો સર્જે પણ એનાથી વિચારો, મૂલ્યો અને નૈતિકતાનો એક અવકાશ પૂરાય છે.

    ફિલ્મનું અંતિમ દ્રશ્ય ચિરસ્મરણીય છે. પ્રોફેસરના જતા રહ્યાને બરાબર એક વર્ષ થયું છે. એ જતા રહેલા એવી જ વરસાદી સાંજ. મા, બન્ને દીકરી અને પુત્ર બાલકનીમાં. દરેક પિતા વિષે કશુંક કહે છે. મા કહે છે, ‘ હું તમારા સૌ જેટલું તો ન સમજું પણ એ એક વાત હંમેશા કહેતા કે જીવનની સૌથી મોટી કરૂણતા હોય તો એ છે કે આપણે માત્ર એક જ જિંદગી જીવવાની છે ! ‘

    ઘણીવાર આપણે હકીકતથી સુપરિચિત હોઈએ છીએ. માત્ર એની સાથે આંખ મિલાવતાં ભય પામીએ છીએ. ‘ એક દિન અચાનક ‘ આપણને હકીકતનો સાક્ષાત્કાર કરાવે છે. એ એક સંકીર્ણ ફિલ્મ છે. એ માનવીય સ્વભાવ અને એના અનુભવોને સમજવાનો એક પ્રયત્ન છે. ફિલ્મનો અંત કદાચ સામાન્ય ફિલ્મ રસિકને અસંતોષકારક લાગે કારણ કે છેલ્લે ‘ ફિલ્મનું રહસ્ય ‘ તો ખૂલતું જ નથી ! ફિલ્મનો ઉદ્દેશ્ય એ છે જ નહીં. હકીકતમાં નાયકની પ્રકૃતિનું અલગ અલગ લોકો દ્વારા અર્થઘટન અને એ દરમિયાન એમના પોતાના પારસ્પરિક સંબંધોને નવેસરથી મૂલવવાની તક, એ જ આ ફિલ્મનો પ્રાણ છે.

    ફિલ્મ બંગાળના વિખ્યાત લેખક રમાપદ ચૌધરીની ટૂંકી વાર્તા ‘ બીજ ‘ પર આધારિત છે. મૃણાલ સેને એમની જ ટૂંકી વાર્તા ‘ ખારિજ ‘ ઉપરથી પણ એ જ નામની ફિલ્મ બનાવી હતી.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.