-
કામ માટે તમારી લગન – તમને ગમતો તમારો આઈસક્રીમ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
આપણી ઊર્જાને આપણા કામમાં લગાડવી એ હવે આપણી પસંદ નાપસંદનો વિકલ્પ નથી રહ્યો. કાર્યસ્થળ પર એવા લોકોને જોઈને દુઃખ થાય છે કે જેઓ તેમને સોંપેલું કામ સાથે પોતાની જાતને પરાણે પરાણે ખેંચતાં હોય તેવું લાગે છે. તેઓ આમ કરે છે કારણ કે કામ કરવાથી જ તેઓને મહિનાના અંતે પગાર મળે છે. કોઈ પણ કામ તેઓ ત્યારે જ કરે છે જ્યારે કોઈ તેમને તે કરવાનું કહે. તેમના માટે, કામ એ માત્ર પેટિયું રળવાનું એક સાધન છે, એવું તેમનાં પરિણામોની ગુણવત્તા પરથી જ સ્પષ્ટ થઈ જાય છે.
પોતાના કામનો અર્થ આપણા દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. કેટલાંક માટે, તે માત્ર એક વ્યવસાય છે. તો અન્ય કેટલાંક લોકો માટે, તે એક ઉત્કટ અનુરાગ છે. આપણા કામનો આપણા માટે શું અર્થ થાય છે તે આપણી સફળતા સિદ્ધિમાં મોટો ફરક પાડે છે.
ભરતી પ્રક્રિયા દરમિયાન સેંકડો ઉમેદવારોના ઇન્ટરવ્યુ દરમ્યાન જોવા મળે છે કે કેટલાક લોકો તેઓ જે કરી રહ્યા છે તે એટલા માટે કરે છે કે, માત્ર યોગાનુયોગ જ ,તેમને એ કામ જીવનમાં મળી ગયું છે. અને હવે મળ્યું છે તેઓ તેને ચલાવી રહ્યાં છે. બીજાં કેટલાંક લોકો એવાં હ્તાં કે તેઓએ શું કરવું તે તેમની પસંદગી હતી. આ લોકો પોતાનાં જીવનમાં નોંધપાત્રપણે સફળ થાય છે.
તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે એક ઉમેદવારને પૂછવામાં આવ્યું કે તેણે તેની કારકિર્દી તરીકે સોફ્ટવેર ટેસ્ટિંગને શા માટે પસંદ કર્યું, તો તેણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. તેણે કહ્યું, “દરેકને પોતપોતાના સ્વાદ અનુસારનો જ આઈસક્રીમ ગમે છે. સોફ્ટવેર ટેસ્ટિંગ એ મારી પસંદનો આઈસક્રીમ છે”. કેટલી સહજતાથી એણે કેટલું વિચાર પ્રેરક કહી દીધુ !
બિલ સ્ટ્રીકલેન્ડે લખ્યું છે,
“જીવનમાં અનુરાગનું હોવું અનિવાર્ય છે. તે એવા વિચારો, અપેક્ષાઓ અને સંભાવનાઓ છે જેના પર તમારું મન સ્વાભાવિક રીતે જ આકર્ષિત થાય છે, જેના પર તમારો સમય અને ધ્યાન કેન્દ્રિત કરવાનું તમને આપોઆપ મન થશે.”
આપણા કામ પ્રત્યેનો આપણો અનુરાગ એ ઉર્જાનો સ્ત્રોત છે. આ ઉર્જા સ્પષ્ટપણે ભૌતિક ઉર્જામાં પણ પરિવર્તીત થાય છે. તે એક પ્રેરક બળ આપણને શરૂઆત કરવા, સમાપ્ત કરવા, ચાલુ રહેવા, પ્રયોગો રતા રહેવા અને તેમાંથી શીખવા માટે અંદરથી દબાણ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કામ વિશે વાત કરે છે/કાર્ય કરે છે ત્યારે આ ઉર્જા તેની આંખમાં ચમક તરીકે અનુભવી, અને જોઈ, શકાય છે.
આપણે જે કરવાનું પસંદ કરીએ છીએ તે કરવું, અને તે જોમભેર સાથે કરવું એ માત્ર કામ ચલાવવા માટે જ મહત્વપૂર્ણ નથી. તે આપણી જાત પ્રત્યેનું આપણું કર્તવ્ય પણ છે.
વિન્સેન્ટ વેન ગોએ સુંદર રીતે કહ્યું છે,
“તમારો વ્યવસાય તમારૂં ઘર ચલાવવા માટે આવકનું સાધન નથી. તમારો વ્યવસાય એ છે જે એટલી ઉત્કટતા અને એટલી તીવ્રતા સાથે જીવવા માટે તમારા જીવનમાં મૂકવામાં આવ્યો છે કે તે જીવનની આધ્યાત્મિક અનુભૂતિ બની રહે.”
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
કુંભકારનું ડહાપણ – ધીરજ અને સૂઝ
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
એક ગામમાં એક કુંભકારની કલા અને કૌશલ્યની ખ્યાતિ અનેક મુલાકાતીઓને આકર્ષતી રહેતી હતી. તેનાં જીવનનો મંત્ર હતોઃ ‘મારૂં શ્રેષ્ઠ હજુ કામ હજુ થવાનું બાકી છે.’
એક યુવાન પ્રવાસી, તેનાં કામની ખ્યાતિથી ખેંચાઈને, તેનું કામ જોવા તેને ત્યાં પહોંચ્યો.
કુંભકાર એક કુંભ બનાવી રહ્યો હતો. એટલી ચીવટથી તે કામ કરતો હતો કે અઠવાડીયામાં પુરૂ કરવા ધારેલું કામ મહિનાઓ સુધી ચાલતું રહ્યું હતું.
પેલા પ્રવાસીની તો ધીરજ ખૂટી. તેણે પુછી જ લીધુંઃ ‘તમારી આ અદ્ભૂત કૃતિ પુરી ક્યારે થશે?’
મર્માળુ સ્મિત સાથે કુંભકારે જવાબ દીધોઃ
‘જીવનની જેમ જ, માટીનાં ઘડતરમાં પણ ખુબ ધીરજ હોવી જરૂરી છે.’
દરેક માટીની આગવી ખુબીઓને સમજવી પડે અને એમાં ઉતાવળે કાંઠલા ન ચડે.
કળાની પરાકાષ્ઠામાં ઉતાવળ ન કરાય.’

મહિનાઓની મહેનત પછી એ કુંભ સર્વાંગ સંપૂર્ણપણે બની રહ્યો.
પેલા પ્રવાસીને તો એમા એવી કોઈ ખુબી જ ન દેખાઈ.
પરંતુ, કુંભકારે તેને જીવનનો એક મૂળ પાઠ શીખવડ્યોઃ
‘એની સાદગીમાં જ એનું સૌંદર્ય સમાયું છે.
જીવનના વિવિધ સુરનાં સંતુલન અને સ્વરમેળનું કુંભ પ્રતિક છે.
જીવનની ગતિના એ એકરાગની અનુભૂતિની હાજરી તેની માર્મિક છતાં ગહન ગુંજમાં રહેલી છે.
પ્રવાસીએ હવે કુંભને એ નવી દૃષ્ટિથી નીરખ્યો. કુંભનું સરળ લાવણ્ય અને નિર્મળ સૌંદર્ય હવે તેને પણ વર્તાવા લાગ્યું.
ગામ છોડતી વખતે એ યુવા પ્રવાસીએ પોતાની ગાઠે કુંભકારની સૂઝ બાધી હતીઃ જીવનના પડકારોને ધીરજથી અને ખુલ્લાં મને સ્વીકારો.
હવે તેને સમજઈ ગયું હતું કે જીવનના અમુલ્ય પાઠ સીધા સાદા લાગતા અનુભવો જ શીખવાડી દે છે.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
તેરે ગિરને મેં ભી તેરી હાર નહીં
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સૌ જાણે છે એમ આધુનિક ઓલિમ્પીક્સ રમતો દર ચાર વર્ષે વિશ્વનાં વિવિધ નગરોમાં યોજવામાં આવે છે. ગ્રીસના પ્રાચીન નગર ઓલિમ્પીઆમાં અગાઉ યોજાતો આ રમતોત્સવ નવેસરથી ઈ.સ.૧૮૯૬માં આરંભાયો. ત્યારથી આજ સુધી આ રમતો ગમે એવી વૈશ્વિક કટોકટી દરમિયાન પણ યોજાતી રહી છે. ૧૯૯૪થી તેનું ઉનાળુ અને શિયાળુ રમતોમાં વિભાજન કરાયું છે, જેનું આયોજન દર બે વરસે વારાફરતી થતું રહે છે. એ અનુસાર હાલ 33મો ઉનાળુ ઓલિમ્પીક્સ રમતોત્સવ પેરિસમાં યોજાયો. આ રમતોમાં વિશ્વભરના દેશોના ખેલાડીઓ ભાગ લે છે, પોતાની શ્રેષ્ઠ ક્ષમતાનું પ્રદર્શન કરે છે, હારજીત થતી રહે છે, પણ સરવાળે ખેલભાવનાનો પ્રસાર થતો રહે છે. ‘ખેલભાવના’ અથવા તો ‘ખેલદિલી’ એટલે શું? આ શબ્દની અર્થચ્છાયા એટલી બધી વ્યાપક બની રહી છે કે તેનો ઉપયોગ રમતેતર ક્ષેત્રોમાં પણ છૂટથી થતો રહ્યો છે. સાચી રીતે સમજીએ તો ‘ખેલદિલી’ એટલે એવી ભાવના કે જેમાં ખરું મહત્ત્વ રમતનું હોય. એટલે કે રમત તેની પૂરી નૈતિકતા, આદર અને વાજબીપણા સાથે રમાય. સ્પર્ધકો એટલે હરીફ નહીં, પણ સાથીદાર એમ માનીને ચાલવું. પરિણામની હારજીત મહત્ત્વની નથી. હારનાર એટલે એ કે જે પોતાની હારને વ્યક્તિગત હાર તરીકે જુએ છે, તેને પચાવી શકતો નથી. જીતનાર એવી વ્યક્તિ છે કે જે હારનાર પ્રત્યે પણ સમભાવ રાખે અને એક સારી રમત રમાયાનો આનંદ લે. આ બાબત કહેવામાં કેટલી સરળ અને વ્યવહારમાં કેટલી અઘરી છે એ ક્રિકેટઘેલા આપણા દેશમાં સહેલાઈથી સમજી શકાશે. પાકિસ્તાન સાથે રમાતી પ્રત્યેક ક્રિકેટ મેચ વખતે જાણે કે યુદ્ધમોરચે જવાનું હોય એવો ઉન્માદ બેય દેશના ચાહકોમાં જોવા મળે છે, જે ખેલની મૂળ ભાવનાથી ક્યાંય દૂર છે.
અલબત્ત, આ મામલે કેવળ ક્રિકેટને કે ભારત-પાકિસ્તાન એકલાને દોષ દઈ શકાય એમ નથી. 1936માં જર્મનીના બર્લિનમાં યોજાયેલી ઓલિમ્પીક્સમાં અમેરિકન શ્યામવર્ણા રમતવીર જેસી ઓવેન્સે ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. એક વાયકા અનુસાર તત્કાલીન જર્મન સરમુખત્યાર એડોલ્ફ હીટલરે એક અનાર્ય ખેલાડી વિજેતા બન્યો હોવાથી તેને અભિનંદન આપવા માટે હાથ મિલાવ્યા નહોતા. અલબત્ત, હકીકત એ હતી કે હીટલરે એ વખતે એક પણ વિજેતા સાથે હાથ મિલાવ્યા નહોતા. આ ઘટના જાણીતી છે, પણ ઓછી જાણીતી ઘટના એ છે કે ઓવેન્સના અમેરિકા પરત ફર્યા પછી તત્કાલીન અમેરિકી પ્રમુખ ફ્રેન્કલીન ડી. રુઝવેલ્ટે તેમને અભિનંદન પાઠવતો તાર મોકલવાનું સૌજન્ય સુદ્ધાં દાખવ્યું નહોતું. હદ તો એ હતી કે વ્હાઈટ હાઉસમાં ભોજન માટે પણ કેવળ શ્વેત અમેરિકન ખેલાડીઓને જ નોંતરવામાં આવેલા, અને તમામ અઢાર શ્યામવર્ણા અમેરિકન ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા હતા. આમ, જે રમતોત્સવનો મૂળભૂત હેતુ ખેલભાવનાના પ્રસારનો છે એને જાળવવામાં રાષ્ટ્રોના વડા ઊણા ઉતરે છે એમ લાગ્યા વિના રહે નહીં.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી રાષ્ટ્રોના વડા આવી ગ્રંથિથી ગ્રસ્ત હોય એ અજુગતું લાગે, પણ કદાચ નવાઈ ન લાગે. જો કે, આવી ચેષ્ટા સમગ્ર લોકો દ્વારા થાય એ લક્ષણ બરાબર નથી. ૨૦૨૪ના પેરિસ રમતોત્સવમાં એક ઘટના એવી બની. ફેન્સિંગ એટલે કે તલવારબાજીની રમતમાં ઈટાલીનું પ્રભુત્વ જાણીતું છે. આ વખતે હોંગકોંગના ચંગ કા લોન્ગ નામના ખેલાડીએ ઈટાલીના ફીલીપો માકીને હરાવ્યો. હાર સ્વીકારવાને બદલે ‘ઈટાલિયન ફેન્સિંગ ફેડરેશન’ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી. બસ, આ મામલે હોંગકોંગ અને ઈટાલી જાણે કે સામસામા આવી ગયા, પણ જરા જુદા મોરચે! હોંગકોંગ અને મેકાઊમાં આવેલી ‘પીઝા હટ’ની શાખાઓએ જીતની ઉજવણીરૂપે ત્યાંના લોકોને પીઝા પર અનાનસનું ‘ટૉપિંગ’ નિ:શુલ્ક પૂરું પાડ્યું. આ ઉપરાંત પાસ્તા સાથે સોયા સૉસ પણ! આ બાબત જરા સમજવા જેવી છે.
સૌ જાણે છે એમ પીઝા મૂળભૂત રીતે ઈટાલીની વાનગી છે, ભલે હવે તેનો પ્રસાર વિશ્વભરમાં થઈ ગયો હોય! આ કારણે અધિકૃત પીઝા ઈટાલીનો જ ગણાતો હોય એ સ્વાભાવિક છે. આ પીઝામાં સામાન્ય રીતે ‘ગળપણ’ ન હોય. અનાનસ ફળ હોવાથી તે ગળપણ ધરાવે છે, અને પીઝાની અધિકૃતતાનો તે ભંગ કરે છે એવી માન્યતા અસલ ઈટાલીયનો ધરાવે છે. બીજી તરફ વિશ્વભરમાં પીઝા પ્રસરતાં દરેક દેશના લોકો પોતપોતાના સ્વાદ અનુસાર તેની પર ટૉપિંગ કરતા રહ્યા છે. એ જ રીતે સોયા સોસ ચીની વાનગી છે, જ્યારે પાસ્તા ઈટાલીયન પરંપરાની વાનગી! અધિકૃત ઈટાલીયન પાસ્તામાં સોયા સોસ હોતો નથી.
આમ, પોતાના રાષ્ટ્રની જીતને ઉજવવા માટે પરાજિત રાજ્યની વાનગીનું અપમાન કરવામાં આવ્યું અને એ રીતે રાષ્ટ્રદાઝ પ્રગટ કરવામાં આવી.
ફરી એક વાર ક્રિકેટની વાત કરીએ તો આપણા જેવા દેશ માટે આવી ‘દાઝ’ની નવાઈ નથી. ઓલિમ્પીક્સ રમતોત્સવમાં આવું કશુંક થાય એ નવાઈભર્યું ન લાગે, પણ દુ:ખજનક અવશ્ય લાગે. જો કે, ઓલિમ્પીક્સના અસલ હાર્દને પ્રગટ કરતાં પરાજિત ઈટાલિયન ખેલાડી માકીએ કહ્યું કે પોતે કોઈ રેફરીને દોષિત ઠેરવવા માગતા નથી. એક નિવેદનમાં તેમણે કહ્યું, ‘ઘણા વખત અગાઉ ચેમ્પિયન રહી ચૂકેલી મારી એક પ્રિય વ્યક્તિએ મને કહેલું, ‘ચંદ્રકની હંમેશાં ઉજવણી થવી જોઈએ.’ અને ખરેખર આ ચંદ્રક સાથે આનંદ તેમજ ખુશી સંકળાયેલાં છે.’
ખેલાડી પણ સમાજમાંથી જ આવતા હોય છે, છતાં રમતગમત તેમને જે રીતે ઘડે છે એનો આ ઉત્તમ નમૂનો છે. જો કે, સીધોસાદા નાગરિકધર્મને આવા ખેલાડીઓ જે રીતે અનુસરે છે એમાં રાષ્ટ્રના નેતાઓ મોટા ભાગે વામણા પુરવાર થાય છે. અને કેમ ન થાય! નેતાઓ ક્યાં પોતાની જાતને નાગરિક ગણે છે!
(શિર્ષકપંક્તિ: સાહિર લુધિયાનવી)
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
મનદુરસ્તી
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
બે પડોશી મિત્રો….એ બંનેના પરિવાર વચ્ચેના સંબંધો પણ સરસ. એક મિત્રને દિકરો અને બીજાને દિકરી આ બંને બાળકો પણ એક સરખી જ વયના એટલે બંને વચ્ચે પણ સરસ દોસ્તી. સાથે રમે, સાથે જમે અને સાથે જ સ્કૂલે જાય.
છોકરાને ગાડીઓ ભેગી કરવાનો શોખ. નાની નાની જુદી જુદી જાતની, જુદા જુદા રંગની ગાડીઓ એના ખજાનામાં મળે. એવી રીતે છોકરી ઉજવાઈ ગયેલા ઇસ્ટર તહેવારમાં મળેલા ઈસ્ટર એગ્સ સાચવી રાખેલા.
જ્યારે મળે ત્યારે બંને પોતાની પાસેના એ ખજાનામાં શું ઉમેરો થયો એ એકબીજાને બતાવે અને ખુશ થાય. એક દિવસ છોકરાના મનમાં વિચાર આવ્યો અને એણે પેલી છોકરીને કહ્યું કે,
“હું તને મારી પાસે છે એ બધી ગાડીઓ આપી દઉં અને તું મને તારી પાસે જેટલા ઇસ્ટર એગ્સ છે એ આપ. આપણે અદલાબદલી કરીએ.”
છોકરીએ તો ખુશી ખુશી પોતાની પાસે જેટલા ઈસ્ટર એગ્સ હતા એ બધી એની નાનકડી શૉલ્ડર બેગમાં ભરીને આપી દીધી. છોકરાએ પણ પોતાની પાસે હતી એ બધી ગાડીઓ બેગમાં ભરીને છોકરીને આપી પણ એમ કરતાં પહેલા એણે એની સૌથી વધુ ગમતી ગાડી છોકરીનું ધ્યાન ન પડે એમ સેરવી લીધી.
થોડા સમય માટે રમીને બંને પોત-પોતાના ઘેર ગયા. રાત પડે પેલી છોકરી તો ઘસઘસાટ ઊંઘી ગઈ પણ પેલા છોકરાને જરાય ઊંઘ ન આવી. કારણ?
એના નાનકડા મનમાં સતત એક વિચાર ઘોળાયા કરતો હતો કે જેમ મેં એક ગાડી સરકાવી લીધી એમ પેલી છોકરીએ પણ એને ઈસ્ટર એગ્સમાંથી ગમતા રંગનું ઈસ્ટર એગ કાઢી જ લીધું હશે ને? બસ એના મનમાં ઘૂમરાયા કરતા આ વિચારે એની ઊંઘ ઉડાડી દીધી.
વાત તો જાણે નાના બાળકોની છે પણ આપણી સાથે ય એવું બનવાની શક્યતા ખરી? કોઇપણ કાર્યમાં , કોઇપણ સંબંધમાં, કોઇપણ લેવડદેવડમાં જો આપણે સંપૂર્ણ નહી હોઇએ તો આપણું મન પણ પેલા છોકરાની જેમ આશંકાના વમળમા ઘૂમરીઓ લીધા કરશે. આપણે જે કંઇ વિચાર્યું કે આચર્યું હશે એવું જ સામેની વ્યક્તિએ વિચાર્યું કે આચર્યું હશે એમ માનવા પ્રેરાઈએ છીએ.
સીધી વાત- પાણી કે આયનો સાફ હશે તો પ્રતિબિંબ પણ સાફ દેખાશે. મન સાફ હશે તો જ માન્યતાઓ શુધ્ધ રહેશે. આપણે પણ જો આપણા દરેક કાર્યક્ષેત્રે, વ્યહવારમાં, મિત્રતામાં કે પારિવારિક સંબંધોમાં સંપૂર્ણ હોઇશું- શ્રેષ્ઠ હોઇશું તો આપણું મન શાંત રહેશે. આપણે શાંતિની નિદ્રા માણી શકીશું. મનની શાંતિ માટે જરૂરી છે આપણા કર્તવ્યનું સો ટકાનું યોગદાન.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મદન મોહન – બેચેન કરી મૂકતી દૈવી ધુનોના સર્જક
સંવાદિતા
દિલ કી નાઝુક રગેં ટૂટતી હૈંયાદ ઈતના ભી કોઈ ન આએભગવાન થાવરાણીમહાન ફિલ્મ સંગીતકાર મદન મોહનની જન્મ શતાબ્દીનું આ વર્ષ. હયાત હોત તો ગઈ કાલે એ સો વર્ષના થયા હોત. ૧૯૭૫ માં માત્ર એકાવન વર્ષની વયે સિરોસીસ ઓફ લીવરથી અવસાન પામનાર મદન મોહને નેવું ઉપરાંત ફિલ્મોમાં સંગીત આપ્યું. એમની અનેક તરજો ‘ દૈવી સંગીત ‘ ની વ્યાખ્યામાં આવે. એમની મોટા ભાગની ફિલ્મો નિષ્ફળતા અથવા સાધારણ સફળતા પામી. એકાદ બે અપવાદ સિવાય. શાસ્ત્રીય સંગીતના પાયે ચણાયેલી એમની ઘણી રચનાઓમાં જે કક્ષાના આલાપ અને મુરકીઓ આવે છે એને ન્યાય આપવો કોઈ સામાન્ય ગાયકની હેસિયત બહારનું કામ હતું. એના માટે કોઈક લતા, રફી, તલત મહેમૂદ કે મન્ના ડે જ જોઈએ. એમનું કોઈ ગીત સ્ટેજ પર રજૂ કરવું એ પણ મોટી હિંમત કહેવાય.
લતા મંગેશકર અને બેગમ અખ્તર સાથે એમને અંતરંગ સંબંધો હતાં. લતાજી અને એમના સાયુજ્યથી જે અમર કૃતિઓ રચાઈ એના વિષે લખીએ તો પણ એક અલાયદું પુસ્તક લખી શકાય. એ ગઝલ સમ્રાટ કહેવાતા પણ એટલી સંકુચિત વ્યાખ્યામાં એમનું સમગ્ર વ્યક્તિત્વ સમાવી શકાય નહીં. બેગમ અખ્તર સાહેબાએ એમની રચનાઓથી અભિભૂત થઈ એક વાર એમને પૂછેલું ‘ આટલું બધું દર્દ તું ક્યાંથી લાવે છે ? ‘ એ ઘણી વાર મદન મોહનને અડધી રાતે ફોન કરી ‘ ભાઈ ભાઈ ‘ ફિલ્મની એમની રચના ‘ કદર જાને ના મોરા બાલમ બેદર્દી રે ‘ એમના કંઠે સાંભળવાની હઠ કરતા. એક અભૂતપૂર્વ ઘટના તરીકે એમના મૃત્યુ પછી છેક ૨૯ વર્ષે એમણે રચીને વાપર્યા વગર મૂકી રાખેલી તરજો પરથી ૨૦૦૪ ની યશ ચોપરાની ફિલ્મ ‘ વીર ઝારા ‘નું સંગીત રચવામાં આવેલું. સંગીતકાર તરીકે નામ પણ મદન મોહનનું જ.એમના વધુ ઔપચારિક પરિચયને કોરાણે રાખીને એમણે સર્જેલી બે વિશિષ્ટ રચનાઓનું વિશ્લેષણ કરીએ. પહેલી બંદિશ એટલે રમેશ સહગલ દિગ્દર્શિત ૧૯૫૫ ની ફિલ્મ ‘ રેલ્વે પ્લેટફોર્મ ‘ નું સાહિર લુધિયાનવી રચિત અને લતાજીએ ગાયેલ આ ગીત ( ગીત ફિલ્મમાં સમાવાયું નહોતું ! ) :નીંદ કી ગોદ મેં જહાં ચુપ હૈદૂર વાદી મેં દૂધિયા બાદલઝુક કે પરબત કો પ્યાર કરતે હૈંદિલ મેં નાકામ હસરતેં લે કરહમ તેરા ઈંતઝાર કરતે હૈંઈન બહારોં કે સાયે મેં આ જાફિર મુહબ્બત જવાં રહે ન રહેઝિંદગી તેરે નામુરાદોં પરકલ તલક મેહરબાં રહે ન રહેરોઝ કી તરહ આજ ભી તારેસુબહ કી ગર્દ મેં ન ખો જાએંઆ તેરે ગમ મેં જાગતી આંખેંકમ સે કમ એક રાત સો જાએં..સાહિરની આ નઝ્મ ફિલ્મમાં લેવાયા પહેલાં જ સુપ્રસિદ્ધ હતી. ભીમપલાસી રાગમાં નિબદ્ધ આ પ્રતીક્ષા ગીત એક અનોખું વિષાદમય વાતાવરણ સર્જે છે. લતાનો અવાજ ઈંતેજારના તરફડાટને સાક્ષાત મૂર્તિમંત કરે છે. વાંસળીના સૂરથી બંદિશનો ઉપાડ અને એમાં ઓતપ્રોત થઈ જતો મુખડાનો ચિત્કાર . પહેલો અને ત્રીજો બંધ તાર સ્વરોમાં જ્યારે વચ્ચેના બંધની પહેલી બે પંક્તિ મંદ્ર સ્વરમાં ગવાયા પછી ‘ ઝિંદગી તેરે નામુરાદોં પર ‘ અચાનક તીવ્ર વિલાપ રૂપે !નઝ્મના મુખડા અને ત્રણેય બંધના શબ્દોથી જાણે અલગ અલગ ચિત્ર ખડાં થાય છે. પ્રારંભે મૌનાકાશમાં વાદળાં પાછળ ધીમે ધીમે વિલીન થતો ચંદ્ર – જાણે કોઈ વિરહિણીની રહી સહી આશા લુપ્ત થતી હોય ! એ પછી પર્વત પર નમેલાં વાદળો અને એમની છાયા હેઠળ પ્રતીક્ષારત નાયિકા. ફરી હતાશાથી નાયકને જીવ પર આવી તકાદો કરતી નાયિકા અને અંતે ઉઘડતી સવારની ગર્દમાં વિલીન થતાં અંતિમ તારા સંગે ઉજાગરો વેઠતી નાયિકાની માત્ર એક રાતની ઊંઘની વિનવણી !માત્ર વાંસળી, એકલ દોકલ વાયલીન અને પિયાનોના સુરોથી અંતરાઓ વચ્ચેની જગ્યાઓ પૂરવામાં આવી છે. હળવાં તબલાં પણ છે પરંતુ એ વાદ્યો એવી રીતે પૂરણી કરે છે કે લતાના કંઠ અને એ થકી ઊભા થતા વાતાવરણને ઘૂંટાવાનો મોકળો અવકાશ મળે !એક તરફ આવી બેનમૂન રચના ફિલ્મમાં ન લેવાયાનો વસવસો થાય તો બીજી તરફ એક પ્રકારનો હાશકારો કે અણઘડ ફિલ્માંકનને કારણે આવી અદ્ભુત રચનાની દુર્દશા થતી રહી ગઈ !બીજી રચના પણ એવી જ વિલક્ષણ પણ જરા જુદા મૂડની છે. એ દેવ આનંદ – મધુબાલાની ૧૯૬૪ ની નિષ્ફળ ફિલ્મ ‘ શરાબી ‘ માંથી છે. અગાઉના ગીતમાં જે ચમત્કૃતિ લતાજીના કંઠે ઊભી કરી છે એ અહીં મહાન મુહમ્મદ રફી સર્જે છે. રાજેંદ્ર કૃષ્ણ રચિત ચાર પંક્તિઓના ચાર બંધનો પહેલો બંધ :જહાં પહલે પહલે યે દિલ લડખડાયાવો દુનિયા વો મેરી મુહબ્બત કી દુનિયાજહાં સે મૈં બેતાબિયાં લે કે આયા ..દેવ આનંદ ઉપર દિગ્દર્શક રાજઋષિએ ફિલ્માવેલ આ ગીત શરાબના નશામાં ધૂત એક પ્રેમીના હોઠેથી સરી પડતા ઉદ્ગાર છે. એ પોતાના પ્રથમ પ્રેમને સ્મરે છે. એને ફરી એક વાર ‘ એ જગ્યાએ ‘ જવું છે. રફી સાહેબે ચમત્કારિક રીતે ખરેખર નશો પ્રતીત થાય એવાં કંઠમાં આ ગીત ગાયું છે. શબ્દો જાણે માંડ હોઠેથી ફૂટતાં હોય એ અંદાઝમાં. નાયકનું શરીર અને જબાન એના કાબૂમાં નથી. એ કોઈકને વીનવે છે ત્યાં લઈ જવા માટે જ્યાં એ પોતાની યુવાની છોડી આવ્યો છે. એને ખાતરી છે કે જે ઉંબરે એણે માથું ઝુકાવેલું એ નિશાનીઓ હજી પણ ત્યાં વિદ્યમાન હશે. એને ખાતરી છે કે જ્યાં એની પ્રેયસીના પગલાંના નિશાન છે ત્યાં જ એના બધાં દુખ – સુખ છે. ‘ એ ‘ પસાર થતી એ ગલીની મુઠ્ઠી ધૂળની એને તમન્ના છે. એને એવી ( મિથ્યા ! ) ખાતરી છે કે હજી પણ ત્યાં એક પડદાની પાછળ એ એની રાહ જૂએ છે. એના દમકતા ચહેરાનો અજવાસ આંખોમાં સાચવી બાકીની જિંદગી પસાર કરવાની એને ખ્વાહેશ છે.મિશ્ર ઝિંઝોટીમાં નિબદ્ધ ગીતના ચારેય બંધ નાયકની સ્મૃતિ – વનમાં લટાર આલેખે છે. ફિલ્માંકન દરમિયાન એણે પ્રેયસી જોડે વીતાવેલી સુખદ પળો યાદ આવ્યા કરે છે. નશામાં હોવા છતાં એના સ્મરણો સતેજ છે. અંતરાઓની વચ્ચે વાયલીનના કરૂણ સુરોની પૂરણી છે. નેપથ્યે દાદરા તાલના ઠેકા રફીના કંઠને ખલેલ પહોંચાડ્યા વિના વાગ્યા કરે છે.મદન મોહનની આ બન્ને બંદિશ હિંદી ફિલ્મ સંગીતની અણમોલ ધરોહર છે. જન્મ શતાબ્દીએ એમની સ્મૃતિને વંદન !
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કુદરતની કેડીએ – કેડી કંડારનારા : ૩
મારિયા સિબિલા મેરિયન
સંકલન : યાત્રી બક્ષી
પ્રકૃતિનાં રહસ્યોને સમજવા માટે સર્વ પ્રથમ તો માનવીએ કુતૂહલથી દોરવાઈને અવલોકન આદર્યાં હશે અને ત્યારબાદ આજે જેને સર્વેક્ષણ અને પૃથક્કરણ કહીએ છીએ એવા ગહન અભ્યાસના તબક્કાઓમાં પ્રવેશ થયો હશે. વિજ્ઞાનની શાખાઓમાં આ પ્રવૃત્તિઓ પ્રવેશી એ પહેલાં અવલોકન અને કળાએ પ્રકૃતિનું દસ્તાવેજીકરણ કર્યાનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે. ખરેખર તો આજે પણ ચિત્રો, કાવ્યો અને શિલ્પ જેવી કલાઓના પુરાવાઓ પ્રકૃતિના અભ્યાસમાં પૂરક સહાયક બની રહ્યા છે. જેવા કે કવિ કાલિદાસનાં મહાકાવ્યો અને નાટકો, બૌદ્ધ પંથનાં મંદિરોમાં જોવા મળતાં પટ્ટચિત્રો તથા યુરોપના કેટલાક ચિત્રકારોનાં અદ્ભુત ચિત્રો.
આજે કેડી કંડારનારામાં એક એવાં કલાકારની વાત કરવી છે જેઓએ આજે પણ અત્યંત જટિલ ગણાતા એવા ક્ષેત્ર, કીટકશાસ્ત્રમાં પહેલ કરી હતી. તે છે, જર્મન કીટશાસ્ત્રી, પ્રકૃતિવાદી અને વૈજ્ઞાનિક ચિત્રકાર અને જાતભાતના કીટકો વિશેના અવલોકનોને પ્રત્યક્ષ રીતે દસ્તાવેજીકૃત કરનાર પ્રારંભિક યુરોપીયન પ્રકૃતિવાદીઓમાંનાં એક મારિયા સિબિલા મેરિયન.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ૧૬૪૭માં જર્મનીના ફ્રેન્કફર્ટમાં જન્મેલાં મારિયા નિકોલસ રોબર્ટ (૧૮ એપ્રિલ ૧૬૧૪ – ૨૫ માર્ચ ૧૬૮૫) ફ્રેન્ચ લઘુચિત્ર અને કોતરણીકારથી પ્રભાવિત, એક કલાકાર પિતાના સંતાન હતાં. તેઓએ જ્યોર્જ ફ્લેગલ નામના ચિત્રકાર પાસે તાલીમ લીધેલી. સાથેસાથે કિશોર મારિયા નાની ઉંમરથી જ કીટકો તરફ આકર્ષણ ધરાવતાં હતાં. ૧૩ વર્ષની ઉંમરે કિશોરાવસ્થામાંથી જ તેઓએ કીટકો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. માતાના નવમા સંતાન મારિયાએ કુમળી વયમાં સગા પિતા ગુમાવેલા પરંતુ કુદરતે જાણે એનું યોગદાન નિશ્ર્ચિત કરેલું હશે કે માતાએ જેમની સાથે બીજાં લગ્ન કર્યાં તેઓ ફૂલોનાં ચિત્રો કોતરનારા કલાકાર હતા. આમ બાળપણમાં જ કુદરત સાથેનો નાતો બંધાઈ ગયો. તે સમયે ફ્રેન્કફર્ટ, રેશમ વેપારનું પ્રાદેશિક કેન્દ્ર. આ કારણે, રેશમના કીડાઓ ફ્રેન્કફર્ટના લોકો માટે જીવનનો સામાન્ય ભાગ હતો, પરંતુ મારિયા તેમાંથી અલગ હતાં.
મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમના આલેખની પ્રસ્તાવનામાં, કિશોર અવસ્થાના સમય વિશે, મેરિયન જણાવે છે કે “શરૂઆતમાં હું પ્રકૃતિના ઇતિહાસનાં ઘણાં પુસ્તકો જોતી-વાંચતી પરંતુ મોટાભાગનો સમય મેં કીટકોની તપાસ કરવામાં પસાર કર્યો. શરૂઆતમાં, મેં મારા વતન ફ્રેન્કફર્ટમાં રેશમના કીડાથી શરૂઆત કરી. મને સમજાયું કે અન્ય કેટરપિલર-કીડાઓ સુંદર પતંગિયાં ઉત્પન્ન કરે છે અને રેશમના કીડા પણ તેવું જ કરે છે. આનાથી મને તેઓ કેવી રીતે બદલાય છે તે નોંધવામાં રસ પડ્યો અને બીજા તમામ ‘કેટરપિલર’ કીડાઓ એકત્રિત કરવા તરફ દોરી ગયો.” તેણીએ રેશમના કીડા અને અન્ય જંતુઓ ઉછેર્યા અને તેમના વર્તનનું અવલોકન કર્યું. નોંધ્યું અને દરેક અભ્યાસ જર્નલમાં રેકોર્ડ રાખ્યો.
એ સમયે યુરોપમાં યુવતીઓ માટે ભરતકામ એ શિક્ષણનો આવશ્યક ભાગ હતો. અન્ય કાલાકારોનાં કામોની નકલ કરવી એ કલાકારની તાલીમનો આવશ્યક ભાગ હતો. મારિયાની રચનાઓ સ્કોલીંગ સ્ટેમ્પ એમ્બ્રોઈડરી ડિઝાઈનની કમ્પાર્ટમેન્ટની શૈલીને મળતી આવે છે જે તે સમયે યુરોપમાં સામાન્ય હતી. મારિયાની તેની કલા બનાવવાની પ્રક્રિયામાં વેલ્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ જમાનામાં પાશ્ર્ચાત્ય જગતની રૂઢિઓ મુજબ મહિલાઓને તૈલીય રંગોથી રંગવાની મંજૂરી ન હતી આથી તેને બદલે વોટર કલર્સ અને ગૌચેથી રંગવામાં આવ્યા છે. ૧૬૮૫ થી, ૧૬૯૦ મારિયા, તેની પુત્રીઓ અને તેની માતા ફાઈલેન્ડમાં ત્રણ વર્ષ રહ્યાં અને મારિયાને પ્રાકૃતિક ઇતિહાસ અને લેટિનનો અભ્યાસ કરવાનો સમય મળ્યો, જે ભાષામાં તે સમયે વૈજ્ઞાનિક પુસ્તકો લખાયાં હતાં. ફાઈલેન્ડમાં, મૂર્સમાં, તેણીએ દેડકાના જન્મ અને વિકાસનું અવલોકન કર્યું, અને તેમના વિચ્છેદન માટે તેમને એકત્રિત કર્યાં.
૧૬૯૦થી ૧૬૯૮ મારિયા પુત્રીઓ સાથે એમ્સ્ટરડેમ રહેવા ગયાં. મેરીઅન અને તેની પુત્રી ચિત્રો વેચીને જીવન નિર્વાહ કરતી હતી. મારિયાએ ફૂલોનાં ચિત્રો આર્ટ કલેક્ટર એગ્નેસ બ્લોકને વેચ્યાં. એમ્સ્ટરડેમના મેયર અને ઇસ્ટ ઇન્ડિઝ સોસાયટીના ડાયરેક્ટર ડોક્ટર નિકોલસ વિટસેન અને એમ્સ્ટરડેમના સેક્રેટરી શ્રી જોનાસ વિટસેનના મોંઘા સંગ્રહોને જોવાનો અવસર મળ્યો. ઉપરાંત શ્રી ફેડરિક્સ રુયશ, દવાના ડૉક્ટર અને શરીર-રચના અને વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર શ્રી લિવિનસ વિન્સેન્ટ અને અન્ય ઘણા લોકોનો સંગ્રહ પણ જોવા મળ્યો. આ સંગ્રહોમાં મારિયાને અસંખ્ય અન્ય કીટકો જોવા મળ્યા. પરંતુ સાથે એ પણ જાણવા મળ્યું કે તેમની ઉત્પત્તિ અને પ્રજનન અજ્ઞાત છે. કેટરપિલર અને કાયસાલાઈઝ વગેરેથી શરૂ કરીને તે બધા જ કેવી રીતે રૂપાંતરિત થાય છે, એની કોઈ જાણકારી નહોતી પરંતુ આ મુલાકાતોએ જ મારિયાના લાંબા સમયના સપનાને સાકાર કર્યું અને સુરિનામની સફર નિશ્ર્ચિત કરી.
૧૬૯૯માં, એમ્સ્ટરડેમ શહેરે મારિયાને તેની નાની પુત્રી ડોરોથિયા મારિયા સાથે દક્ષિણ અમેરિકામાં સુરીનામ જવાની પરવાનગી આપી. આ સાહસિક પ્રવાસનો મુખ્ય હેતુ સુરીનામમાં પાંચ વર્ષ રહી કીટકોની નવી પ્રજાતિઓનો અભ્યાસ અને ચિત્રણ કરવાનો હતો, મારિયાએ પોતાનાં ૨૫૫ ચિત્રો વેચી ખર્ચને પહોંચવા નાણાંનો બંદોબસ્ત કર્યો. ૫૨ વર્ષની ઉંમરે, મારિયાએ તેની સૌથી નાની પુત્રી ડોરોથિયા સાથે દક્ષિણ અમેરિકાના સુરીનામની નવી જ વસેલી ડચ વસાહતના કઠોર વાતાવરણમાં જવાનું નક્કી કર્યું. નેધરલેન્ડથી દક્ષિણ અમેરિકાનાં વરસાદી જંગલોમાં હજારો માઈલ દૂર નવા અને અદ્ભુત કીટકો શોધવાનું સાહસ કર્યું. કોઈ અધિકૃત આશ્રયદાતા અથવા સુરક્ષા માટે સહાયક વિનાની મહિલા માટે તે અતિ બહાદુર પગલું હતું. તેમ છતાં, તે મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અવલોકનો રેકોર્ડ કરવા અને દોરવા ત્યાં રહ્યાં.
ત્રણ વર્ષ પછી એમ્સ્ટરડેમ પરત ફર્યા બાદ તેઓએ પ્રકૃતિ વિજ્ઞાનની નવી જ કેડી કંડારતા પુસ્તકના પ્રકાશનનું કામ શરૂ કર્યું. કીટવિજ્ઞાન – એન્ટોમોલોજીની આ સૌથી પ્રખ્યાત કૃતિ, મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમ, ૧૭૦૫માં નોંધપાત્ર કીટશાસ્ત્રી અને અતુલ્ય કલાકાર, આ બંને કૌશલ્યો અસાધારણ રીતે દર્શાવ્યાં છે. મારિયાએ વિશ્ર્વમાં સૌ પ્રથમ બોટનિકલ આર્ટિસ્ટ તરીકે પોતાનું નામ બનાવ્યું. પ્રકૃતિવાદીઓ માટે તેમના પોતાના સંશોધનનું ચિત્રણ કરવું તે અસામાન્ય નહોતું, પરંતુ મારિયા તેમના જીવનભરના અભ્યાસને દર્શાવવા માટે પ્રારંભિક વ્યાવસાયિક રીતે પ્રશિક્ષિત કલાકારોમાંની એક હતી.
મારિયા. “મધર ઓફ એન્ટોમોલોજી” ગણવામાં આવે છે અને આર્થિક રીતે અપ્રસ્તુત ગણાતા કીટકોનો અભ્યાસ કરનાર પ્રથમ પ્રકૃતિવાદીઓમાંનાં એક હતાં. પ્રકાશિત એકાઉન્ટ્સના લગભગ એક દાયકા પહેલાં એટલે કે અન્ય કોઈપણ વિજ્ઞાનીએ પ્રક્રિયાનું સચોટ વર્ણન પ્રકાશિત કર્યું તેના વર્ષો પહેલાં તેર વર્ષની ઉંમરે, મારિયાએ બટરફ્લાય મેટામોર્ફોસિસનો અભ્યાસ શરૂ કર્યો હતો. ૧૬૭૫માં, તેણે ત્રણ વોલ્યુમની શ્રેણી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. જેમાં દરેકમાં ફૂલો દર્શાવતી બાર પ્લેટો હતી. તેણે આ શ્રેણીની જોડીને ૧૬૮૦માં જર્મનીમાં, ન્યુઝ બ્લુમેનબુચ (ફૂલોનું નવું પુસ્તક) અને ‘ધ કેટરપિલર, શાનદાર પરિવર્તન અને અનોખા ખોરાક એવાં ફૂલો’ પ્રકાશિત કર્યાં, જેણે કીટકોની ઉત્ક્રાંતિ વિશેની અનુગામી પ્રકૃતિવિદોની સમજને બદલવામાં મદદ કરી.
તેના સમગ્ર જીવન દરમિયાન કીટકોની ૧૮૬ પ્રજાતિઓના જીવન- ચક્ર તેમજ અન્ય ઘણા છોડનાં ચિત્રો અને પ્રાણીઓની પ્રજાતિઓનાં અવલોકનો અને ચિત્રો તૈયાર કર્યાં હતાં જે તેમની અગાધ લગનને પ્રતિબિંબિત કરે છે. આમાંનાં કેટલાંક, બે સંગ્રહોમાં છે જે તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન પ્રકાશિત કર્યાં છે. દક્ષિણ અમેરિકામાં સુરીનામના શોધકાર્ય આધારિત પ્રકાશન ‘મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમ’એ ત્યાં કરેલાં અવલોકનો આધારિત તે દેશની ઇકોલોજી ઉપરનું સર્વ પ્રથમ પ્રકાશિત કાર્ય હતું.
મારિયાના મૃત્યુ પછી તેનાં સચોટ અને સુંદર ચિત્રોનો ઉપયોગ કાર્લ લિનીયસ સહિતના વિજ્ઞાનીઓ દ્વારા પ્રજાતિઓનું વર્ગીકરણ કરવા માટે કરવામાં આવ્યો હતો અને આજે વિશ્ર્વભરનાં મ્યુઝિયમોમાં તેની પ્રિન્ટ અને ચિત્રો અનમોલ યોગદાન માનવામાં આવે છે. મારિયાના સન્માનમાં છોડ અને પ્રાણીઓની એક ડઝનથી વધુ પ્રજાતિઓનું નામ આપવામાં આવ્યું છે.
વિશ્વ પ્રશંસા :
વીસમી સદીના છેલ્લા સમયગાળામાં, મારિયાના કાર્યનું પુન:મૂલ્યાંકન, માન્યતા અને પુન:મુદ્રણ કરવામાં આવ્યું. જર્મની યુરોમાં રૂપાંતરિત થાય તે પહેલાં તેણીનું પોટ્રેટ ૫૦૦ ઉખ નોટ પર છાપવામાં આવ્યું હતું. તેણીનું પોટ્રેટ ૧૭ સપ્ટેમ્બર ૧૯૮૭ના રોજ બહાર પાડવામાં આવેલ ડીએમ સ્ટેમ્પ પર પણ દેખાયું છે, અને ઘણી શાળાઓ પણ તેના નામ પર છે. ૧૯૮૦ના દાયકાના અંતમાં પોલિડોર લેબલની આર્કાઈવ છાપે વુલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટના પિરિયડ ઇન્સ્ટ્રુમેન્ટસ પર કરવામાં આવેલા અને મેરિયનનાં ફલોરલ ચિત્રો દર્શાવતા વુલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટના પિયાનો કાર્યોના નવા રેકોર્ડિંગની શ્રેણી બહાર પાડી. તેણીની ૩૬૬મી જન્મજયંતી નિમિત્તે ૨ એપ્રિલ ૨૦૧૩ના રોજ તેણીને ગૂગલ ડૂડલથી સન્માનિત કરવામાં આવી હતી.
મારિયાના કામમાં નવેસરથી વૈજ્ઞાનિક અને કલાત્મક રુચિને અંશત: સંખ્યાબંધ વિદ્વાનો દ્વારા ઉત્તેજિત કરવામાં આવી હતી જેમણે તેની કૃતિઓના સંગ્રહની તપાસ કરી હતી, જેમ કે રોસેનબોર્ગ કેસલ, કોપનહેગનમાં. ૨૦૦૫માં, ‘આરવીમારિયા એસ. મેરિયન’ નામનું આધુનિક સંશોધન જહાજ જર્મનીના વોર્નેમ્યુન્ડે ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૧૬માં, મેરિયનનું મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમ અપડેટેડ વૈજ્ઞાનિક વર્ણનો સાથે ફરીથી પ્રકાશિત કરવામાં આવ્યું. માર્ચ ૨૦૧૭માં, સિનસિનાટી, ઓહાયોમાં આવેલ લોયડ લાઈબ્રેરી અને મ્યુઝિયમે “ઓફ ધ પેજ” નામે એક પ્રદર્શન આયોજિત કર્યું હતું, જેમાં મેરિયનનાં ઘણાં ચિત્રોને સાચવેલા કીટકો, છોડ અને ટેક્સીડર્મીના નમૂનાઓ સાથે શિલ્પ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. જૂન ૨૦૧૭માં, એમ્સ્ટરડેમમાં મારિયાના વિશેષમાનમાં એક પરિસંવાદ યોજાયો હતો.
ઉપનામ
મારિયાના મૃત્યુના લાંબા સમય પછી તેના નામ પર સંખ્યાબંધ ટેક્સા અને બે પેઢીઓ રાખવામાં આવી હતી. ત્રણ પતંગિયાઓનું નામ તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૧૯૦૫માં સ્પ્લિટ-બેન્ડેડ ઘુવડ બટરફ્લાયની પેટા જાતિને ઓપ્સીફેનેસ કેસિના મેરિયાના; ૧૯૬૭માં સામાન્ય પોસ્ટમેન બટરફ્લાયની પેટાજાતિ હેલિકોનિયસ મેલ્પોમેન મેરિયાના; અને ૨૦૧૮માં પનામાનું એક દુર્લભ બટરફ્લાય કેટાસ્ટીટા સિબિલા, ક્યુબન સ્ફિન્કસ શલભને એરિનીસ મેરિયાના નામ આપવામાં આવ્યું છે. ટેસ્સારાટોમિડે બગને, પ્લીસ્થેનિસ મેરિયાના નામ આપવામાં આવ્યું છે. મેન્ટીસની એક જીનસને સિબિલા અને ઓર્કિડ મધમાખીને પણ યુલેમાં મેરિયાના નામ આપવામાં આવ્યું છે.
કરોળિયા પરના તેમના સંશોધનનો સંદર્ભ આપતા, પક્ષી ખાનાર સ્પાઈડર એવિક્યુલારિયા મેરિયાનાનું નામ તેમના સન્માનમાં રાખવામાં આવ્યું હતું. ૨૦૧૭માં સ્પાઈડર મેટેલિના મેરિયાના નામ આપવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાની તેગુ ગરોળીનું નામ સાલ્વેટર મેરિયાના રાખવામાં આવ્યું છે. એક દેડકોને રાઇનેલા મેરિયાના નામ આપવામાં આવ્યું હતું. એક ગોકળગાયનું નામ કોકવાંડીએલા મેરિયાના હતું. આફ્રિકન સ્ટોનચેટ પક્ષીની મેડાગાસ્કન વસ્તીને સેક્સિકોલા ટોર્કેટસ સિબિલા નામ આપવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાના બ્લેક એન્ડ વ્હાઈટ ટેગુ (સાલ્વેટર મેરિયાની), એક પ્રકારની મોટી ગરોળી, તેની શોધ અને વર્ગીકરણ પછી મેરિયનના માનમાં નામ આપવામાં આવ્યું હતું. ફૂલોના છોડની એક જાતિનું નામ મેરિયાનિયા હતું. મેઘધનુષ જેવા છોડને વોટસોનિયા મેરિયાના નામ આપવામાં આવ્યુ હતું.
આમ ૧૬મી સદીના જગતમાં માત્ર ૬૯ વર્ષના જીવનકાળમાં મારિયા સિબિલ મરિયને સૌથી જટિલ ક્ષેત્રમાં એક અત્યંત વિલક્ષણ કેડી કંડારી.
Source: Wikipedia
યાત્રી બક્ષી : paryavaran.santri@gmail.com
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧૬ જૂન, ૨૦૨૪
-
લોક અદાલતોનો શીઘ્ર , સસ્તો અને સમાધાનકારી ન્યાય
નિસબત
ચંદુ મહેરિયા
પંચ પરમેશ્વરની ભૂમિ ભારતની ન્યાય વ્યવસ્થામાં લોક અદાલત જેવી કોઈ વ્યવસ્થા ના હોય તો જ નવાઈ. સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના આ અમૃત વરસમાં તાજેતરમાં વિશેષ લોક અદાલત સપ્તાહ ઉજવાયું હતું. લોક અદાલતોને વૈધાનિક દરજ્જો ભલે સુપ્રીમ કોર્ટની રચનાના ઘણાં વરસો પછી મળ્યો. પરંતુ તે એક યા બીજા સ્વરૂપે દેશમાં વિધ્યમાન હતી જ. એટલે તેના આરંભના સગડ મેળવવા અઘરા છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી બંધારણના આમુખમાં પ્રત્યેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું વચન છે.અનુચ્છેદ ૧૪ અને ૨૨(૧)માં રાજ્ય માટે કાયદા સમક્ષ સૌ સરખા હોવાની ખાતરી આપવામાં આવી છે. છતાં સૌને ન્યાય સુલભ નથી.ભારતમાં ન્યાય અતિ મોંઘો, થકવી નાંખે એટલો વિલંબિત અને નિરાશ કરે એટલો ધીમો છે. આ સ્થિતિમાં ગરીબો માટે અદાલતોમાંથી ન્યાય મેળવવો દુષ્કર છે. ૧૯૭૬માં બેતાળીસમા બંધારણ સુધારા હેઠળ અનુચ્છેદ ૩૯(એ) ઉમેરવામાં આવ્યો છે. ઈકવલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એઈડની જોગવાઈ ધરાવતા આ અનુચ્છેદના અમલ માટે ૧૯૮૫માં લીગલ સર્વિસીઝ ઓથોરિટી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.તે અન્વયે ૧૯૯૫માં નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી( NALSA) ની રચના કરવામાં આવી હતી. આ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ થકી લોક અદાલતને વૈધાનિક અને કાનૂની દરજ્જો મળ્યો છે.
નિ:શુલ્ક કાનૂની સેવા અને લોક અદાલત દ્વારા ન્યાયની પહોંચ ગરીબો સુધી લઈ જવાનો ઉદ્દેશ છે.ન્યાયની તલાશમાં આમ આદમી, સમાજનો નિર્ધન અને નિમ્ન વર્ગ કે જે સાધન અને ક્ષમતા ધરાવતો નથી તેને લોક અદાલતના માધ્યમથી ન્યાયનો અહેસાસ કરાવવામાં આવે છે. લોક અદાલત વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર છે. ન્યાયાલયની બહાર વિવાદોને સુલેહ, સમજૂતીથી ઉકેલવાનો તેનો પ્રયત્ન છે. એટલે જ તે લોકોની અદાલત કહેવાય છે. બંને પક્ષો વચ્ચે વાતચીત અને સંમતિથી નિષ્પક્ષ અને સરળ ન્યાય મેળવી શકાય છે એવી ગાંધીજીની વિચારધારા એ લોક અદાલતનો પાયો છે. જે વિવાદ બંને પક્ષો વચ્ચેની આપસી સમજૂતીથી ઉકેલાય છે તેમાં કટુતા, શત્રુતા અને તણાવ હોતા નથી. પરસ્પરનો ભાઈચારો, સોહાર્દ અને સદભાવના ટકે છે.
ટ્રાયલ કોર્ટસ , હાઈકોર્ટસ અને સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોનો ગંજ ખડકાયેલો છે. રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડ પ્રમાણે દેશની જિલ્લા અને અન્ય અદાલતોમાં આશરે ૩ કરોડ, હાઈકોર્ટસમાં ૫૭ લાખ અને સુપ્રીમ કોર્ટમાં ૬૬,૦૦૦ કેસો પડતર છે. હાલની ગતિએ તેનો નિવેડો આવતાં સવા ત્રણસો વરસ લાગી શકે છે. એટલે અદાલતી ન્યાયમાં થતો વિલંબ નિવારવો અને ન્યાયની પહોંચ સૌ સુધી હોય તે માટેના પગલાં કાયદા પંચ અને બીજી કમિટીઓએ શોધ્યા હતા. તેમણે સૂચવેલા સુધારાત્મક ઉપાયને અનુસરીને સર્વિસ ટ્રિબ્યૂનલ, મોટર વાહન ટ્રિબ્યૂનલ, રેલવે ટ્રિબ્યૂનલ અને ગ્રાહક અદાલતો જેવા વૈકલ્પિક મંચો દ્વારા ન્યાય તોળવામાં આવી રહ્યો છે. પરંતુ આ પગલાં પૂરતાં નહોતા એટલે લોક અદાલતોની રચના થઈ છે.
લોક અદાલતોને તમામ પ્રકારના કેસોના નિવારણની સત્તા નથી. વળી તેને સજાની તો બિલકુલ સત્તા નથી. વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર તરીકે તે સેટલમેન્ટથી જ કેસનો નિવેડો લાવે છે. હા, તેને સિવિલ કોર્ટ જેટલી સત્તા મળેલી છે. લોક અદાલત સમક્ષ અદાલતોમાં પડતર કેસો અને નવા કેસો એમ બંને પ્રકારના કેસો આવે છે. નાના સિવિલ વિવાદો, સર્વિસ મેટર, મકાન માલિક-ભાડૂઆત વચ્ચેના વિવાદો, ખેતીની જમીન, પાક, ઘરની જગ્યા, વૈવાહિક પ્રશ્નો, અધિગ્રુહિત જમીનનું વળતર,મોટર વાહન દુર્ઘટના જેવા કેસો લોક અદાલતમાં વિચારવામાં આવે છે. જો બંને પક્ષો સંમત ના હોય તો ગુણ દોષના આધારે નિર્ણય આપવાની જરાય સત્તા લોક અદાલતને નથી. લોક અદાલતમાં બધા પક્ષો વચ્ચે સુલેહ સમજૂતીથી જે નિર્ણય લેવાય તે તમામને બાધ્યકારી હોય છે અને આ નિર્ણયને કોઈ કોર્ટમાં પડકારી શકાતો નથી.
કોર્ટમાં વિવાદનો નિર્ણય આવતા વરસો લાગે છે પરંતુ લોક અદાલતમાં ત્વરિત ફેંસલો આવી જાય છે. અદાલતોમા સાક્ષી-પુરાવા અને દલીલો માટે ફરિયાદી અને આરોપી બંને મોંઘીદાટ ફી આપીને રોકેલા વકીલો પર આધારિત હોય છે. જ્યારે લોક અદાલતનો ન્યાય જેમ શીઘ્ર છે તેમ સસ્તો કે નિ:શુલ્ક છે. અહીં કોઈ પણ પ્રકારની કોર્ટ ફી ભરવાની હોતી નથી. કોર્ટના પ્રથમ ચરણ પૂર્વેના જે કેસો લોક અદાલતમાં આવે છે તેની ભરેલી કોર્ટ ફી પરત મળે છે. વકીલોનો કોઈ ખર્ચો થતો નથી.
લોક અદાલતો રાષ્ટ્રીય થી સ્થાનિક સુધીની હોય છે. કાયમી કે સ્થાયી લોક અદાલત પણ છે. મોબાઈલ અને કેદીઓના પ્રશ્નો માટેની અલાયદી લોક અદાલત પણ જોવા મળે છે. સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી દૈનિક, પાક્ષિક અને માસિક ધોરણે લોક અદાલતો યોજે છે. જેમ અદાલતોમાં પડતર કેસોના આંકડાથી આપણે ઘડીભર દંગ રહી જઈએ છીએ તેમ લોક અદાલતો દ્વારા કેસોના નિકાલના આંકડાઓથી પણ થાય છે. ટેકનોલોજીના ઉપયોગથી ૨૦૨૧માં ચાર રાષ્ટ્રીય ઈ-લોક અદાલતોમાં ૧૨.૮ લાખ કેસોનો નિકાલ થયો હતો. ૨૦૧૬ થી ૨૦૨૦માં રાષ્ટ્રીય લોક અદાલતોએ ૨ કરોડ ૯૦ લાખ કેસોનો નિકાલ કર્યો હતો.એક જ દિવસે રાષ્ટ્રીય લોક અદાલતોએ ૧૧ લાખ કેસોનો નિકાલ કર્યો હતો.
અદાલતોથી લોકો તંગ આવી ગયા છે એટલે લોક અદાલતો સફળ થઈ રહી છે કે લોક અદાલતોએ નિકાલ કરેલા કેસો ખૂબ સામાન્ય પ્રકારના,આપસી વાતચીતથી ઉકેલાય તેવા હતા એટલે સફળ છે ? પડતર કેસોનો બોજ લોક અદાલતથી ઘટે છે તેમ કહી શકાય ? લોક અદાલતની વિશેષતા, સફળતા અને લાભ જેમ અનેક છે તેમ તેની મર્યાદાઓ પણ છે. લોક અદાલત ન્યાયની બેવડી પ્રણાલી તો નથી ઉભી કરી રહીને ? તેવો સવાલ થાય છે. અમીરો માટે અદાલતો અને ગરીબો માટે લોક અદાલતો તેવી સ્થિતિનું નિર્માણ તો નથી થઈ રહ્યું ને? લોક અદાલતો સમક્ષ આવતા મોટા ભાગના કેસોમાં વાદી અમીર સંસ્થાઓ છે અને પ્રતિવાદી સામાન્ય લોકો છે. એટલે લોક અદાલતોની સુલેહ, સંધિ, સમજૂતી ગરીબોના માથે તો નથી થોપાતીને? ગરીબો પાસે સમજૂતી સ્વીકારવા સિવાયનો કોઈ વિકલ્પ જ ન હોય એટલે કેસનો નિવેડો આવે છે, એટલે ન્યાય થયેલો લાગે પણ વાસ્તવમાં તો અન્યાય છે એવું જો બનતું હોય તો તે લોક અદાલતની નિષ્ફળતા છે. લોક અદાલતનો પ્રાણ સમજૂતી હોય તે બરાબર પણ તેનાથી ન્યાયને હાણ ના પહોંચવી જોઈએ. શીઘ્ર ન્યાયને લીધે ન્યાયની ગુણવત્તાને અસર તો નથી થતી ને ? તે બાબતા પણ વિચારણીય છે. લોક અદાલતો ગરીબોનું સશક્તિકરણ કરે છે કે ન્યાયને બદલે સમજૂતી માટે મજબૂર કરે છે તે સવાલ પણ લોક અદાલતની મસમોટી મર્યાદા છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નથી પહોંચી
ગઝલઃ
– માર્ગી દોશી
જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી,
જે ઘરોમાં કલા નથી પહોંચી.અંગ શું! આત્મા શું ! અંતર શું!
બોલ કે ક્યાં ઈજા નથી પહોંચી?છે ઘણી ફૂટપાથ એવી જ્યાં
દ્રષ્ટિ પહોંચી, દયા નથી પહોંચી.ધૂપ, દીવા, પ્રસાદ પહોંચ્યા પણ
આપણી આસ્થા નથી પહોંચી.કોઈ એવું બતાવો સાહસ જ્યાં
હદ વળોટીને ‘મા’ નથી પહોંચી.હામ, શ્રદ્ધા, દુઆ ને દાનત છે,
હું કશે એકલા નથી પહોંચી.હોય સંબંધ સાવ “ઘર જેવા”
ત્યાંય સંવેદના નથી પહોંચી.શ્વાસ રૂંધાય છે એ જગ્યાએ
પ્રેમની જ્યાં હવા નથી પહોંચી.ભર બપોરે પરબ બહુ તડપી
એક પણ કાં તૃષા નથી પહોંચી!સમજી લો, જો છવાય સન્નાટો
આ ગઝલમાં સભા નથી પહોંચી.
રસદર્શનઃ
ભુજકચ્છનાં વતની અને વ્યવસાયે ડોક્ટર એવાં માર્ગી દોશીની કલમ ગઝલ ક્ષેત્રે નવીનકોર છે. પણ ખંત અને ચીવટપૂર્વક સારી એવી ધાર કાઢીને આગળ વધતી જતી જણાઈ આવે છે. તેઓ જણાવે છે કે, નાનપણથી મનનાં કોઈ ખૂણે ધરબાયેલ સાહિત્યનું બીજ હવે પાંગરતું અનુભવાય છે.
‘નથી પહોંચી’ ગઝલ ખરેખર તો ઘણા વિષયો સુધી પહોંચી ગઈ છે. આરંભથી જ જીવન અને કલાને જોડતો મત્લા, જિંદગીના હાર્દને સ્પર્શી મેદાન મારી જાય છે.
‘જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી,
જે ઘરોમાં કલા નથી પહોંચી.’વાહ, સાવ સરળ શબ્દોમાં કલા અને જીવનને એકબીજાનાં પર્યાય પ્રસ્થાપિત કરીને ગઝલ આગળ વધે છે.
બીજા શેરમાં તનમનને થતી, ઈજા-પીડા તો દરેકના જીવનમાં સ્વાભાવિક જ છે એ વાતને અતિ સહજ પૃચ્છા કરી એક ગર્ભિત જવાબ વાચક પર છોડી દીધો છે. પ્રાણી માત્રને જુદીજુદી રીતે, ક્યાંક ને ક્યાંક દુઃખ થતું રહેતું હોય છે. ક્યારેક પડવા-આખડવાથી કે બીજી કોઈપણ રીતે શરીર પર, ક્યારેક કોઈ શબ્દબાણથી અંતરને ઠેસ પહોંચે તો વળી ક્યારેક આત્મા કકળી ઊઠે એવું પણ કંઈક બને. જીવન છે ને? એટલે આ બધું થવાનું જ છે એવી ચિંતનીય વાતને અહીં સરસ રીતે ઉલ્લેખી કવયિત્રી આગળ કહે છે કે, આ વિષમતાઓ વચ્ચે સુમેળ સાધવા માટે શું શું જરૂરી છે એનો પણ નિર્દેશ કરે છે. આગળના શેરોમાં સુંદર રીતે થોડાથોડા શબ્દોમાં એ ભાવ સચોટ રીતે બયાન થતો જાય છે.
આગળના બે ત્રણ શેરોમાં એ કહે છે કે, આંખ હોય અને જોઈ શકાતું હોય પણ જો નજર પડ્યા પછી પણ દિલમાં દયા ન જાગે, ફૂટપાથ પર પડેલી અસહાય,લાચાર ગરીબી તરફ સહાનુભૂતિ ન જાગે તો શું કામનું? મંદિરોમાં દીવા કરીએ,ધૂપ કરીએ,પ્રસાદ વહેંચીએ પણ દિલમાં શ્રદ્ધા નામની કોઈ ચીજ જ ન હોય તો એનો શું અર્થ છે? બહુ સિફતપૂર્વક ‘પહોંચી’ રદીફને હૃદયની ‘આસ્થા’ના કાફિયા પર વજન મૂકી દે છે! ધૂપ, દીવા, પ્રસાદ પહોંચ્યા પણ આપણી આસ્થા નથી પહોંચી. જોકે, અહીં મિસરામાં જરાક છંદદોષ વર્તાય છે, પણ તે મર્મને બદલતો નથી!
અહીં એક સરસ ઉક્તિ સાંભરે છેઃ “મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં મનમાં પ્રગટેલો એક શ્રદ્ધાદીપ વધુ પ્રકાશ આપનારો નીવડે છે.”
આમ, દયા અને આસ્થાની વાત કર્યા પછી આગળના શેરોમાં બીજા પણ કેટલાક ગુણોની જીવનમાં જરૂર છે, તેની વાત આવે છે. પણ તે પહેલાંના શેરમાં ‘મા’ની અસીમ શક્તિનું સ્મરણ જાગે છે અને સ્નેહભીનો શેર સરે છે કે,
કોઈ એવું બતાવો સાહસ જ્યાં
હદ વળોટીને ‘મા’ નથી પહોંચી.તરત જ પછી માતૃપ્રેમનાં પૂરને સમજણપૂર્વક ખાળી લેતી કલમ મગરૂરીપૂર્વકનો વળાંક લે છે:
હામ, શ્રદ્ધા, દુઆ ને દાનત છે,
હું કશે એકલા નથી પહોંચી!કેટલી સાચી વાત છે? રસાકસીથી ભરપૂર આ દોડમાં હિંમત જોઈએ, શ્રદ્ધા અને સારી દાનત એટલે કે,ઉમદા આશય જોઈએ અને મનની સાચી દુઆ,પ્રાર્થના જોઈએ. તો જ સફળતા સુધી પહોંચી શકાય છે. બાકી ઘર જેવા જણાતા સંબંધો અને સંવેદનાની તો વાત જ રહેવા દો કહીને જે શેર રજૂ થયો છે તેમાંથી એક ઝીણી વેદના છૂપાયેલી અનુભવાય છે. તેને જાણે કે તરત જ અવગણીને મૂળ ભાવ ખરી રીત તરફ વળે છે કે, સાચા ધ્યેય સુધી પહોંચવા માટે સાચી તરસ જોઈએ અને આસપાસ પ્રેમની મહેક પણ જોઈએ જ. ભરબપોર અને પરબનું રૂપક કવયિત્રીએ બખૂબી ચિત્રીત કરીને હજાર ભાવોનું વિશ્વ ખોલી દીધું છે.
ભર બપોરે પરબ બહુ તડપી.
એક પણ કાં તૃષા નથી પહોંચી!વાહ… અને મક્તાના શેરમાં તો સભા મધ્યે તાળીઓની અવિરત ગૂંજ લેતાં કવયિત્રીની મૂરત, મત્લાની જેમ જ ફરી એકવાર મેદાન મારતી નજરે ચડે છે.
સમજી લો, જો છવાય સન્નાટો
આ ગઝલમાં સભા નથી પહોંચી…. ક્યા બાત! અને ‘બહોત ખૂબ’ ના ઉદ્ગારો અનાયાસે નીકળી જ જાય છે.
આમ, એકસાથે ઘણા વિષયો સુધી પહોંચી ગયેલ, ૧૦ શેરોમાં ગૂંથાયેલ આ ગઝલ ભાવ અને શેરિયતની દ્રષ્ટિએ સાદ્યંત સુંદર બની છે.
અહીં જીંદગી, કલા, પીડા, દ્રષ્ટિ,દયા, આસ્થા, સાહસ,શક્તિ, મા, દુઆ, દાનત, સંવેદના,સંબંધો, તરસ, પ્રેમ, ભરબપોરની પરબ… કંઈ ઘણું બધું ઠલવાયું છે અને જરાયે ભારણ વગર સહજ રીતે વ્યક્ત થયું છે.
માર્ગી દોશીને ખૂબ અભિનંદન.
–દેવિકા ધ્રુવ
-
કોઈનો લાડકવાયો – (૫૫) માસ્ટરદાની આગેવાની હેઠળ ચિત્તાગોંગના શસ્ત્રાગાર પર હુમલો (૨)
દીપક ધોળકિયા
ચિત્તાગોંગના ક્રાંતિકારીઓમાંથી જે કોઈ પકડાઈ ગયા હતા તેમની સામે કેસ ચાલ્યો અને ૧ માર્ચ ૧૯૩૨ના રોજ ચુકાદો આવ્યો. ૧૨ જણને તરીપાર કરવામાં આવ્યા, ૩૨ નિર્દોષ ઠર્યા અને બાકીનાને બે-ત્રણ વર્ષની સજાઓ થઈ. સૌથી નાના ૧૪ વર્ષના સુબોધ રાયને જનમટીપની સજા થઈ.
આ બાજુ માસ્ટરદા ક્યાં છે તે કોઈ જાણતું નહોતું. એ પોતાનાં સ્થાન બદલતા રહેતા હતા અને જે કંઈ કામ મળે તે કરીને કામ ચલાવતા હતા. ક્યારેક એ ખેડૂત બની જતા તો ક્યારેક દૂધવાળાના વેશમાં દૂધ વેચવા નીકળતા. એમને જાણનારા લોકો ભારે જોખમ ઉઠાવીને એમના ભોજન અને રહેવાસની વ્યવસ્થા કરતા. એમના માથા સાટે પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
સૂર્ય સેન એ વખતે એક નેત્ર સેન નામની વ્યક્તિને ઘરે સંતાયા હતા. પણ એણે દસ હજાર રૂપિયાની લાલચમાં એમને પકડાવી દીધા. જો કે નેત્ર સેન દસ હજાર રૂપિયાની મઝા માણી ન શક્યો. એક વાર એ જમતો હતો ત્યારે એક ક્રાન્તિકારી નેત્ર સેનને ઘરે આવ્યો અને લાંબા છરાથી એનું ગળું રહેંસી નાખ્યું. એની પત્નીની નજર સામે આ બન્યું પણ એણે પોલીસને ક્રાન્તિકારીનું નામ ન કહ્યું.
હવે ક્રાન્તિકારીઓ માસ્ટરદાને જેલમાંથી છોડાવવાની તરકીબો શોધવા લાગ્યા. યુગાંતર પાર્ટીની

ચિત્તાગોંગ શાખાના પ્રમુખ તારકેશ્વર દસ્તીદારે એની યોજના ઘડી, પણ એ પાર પાડી શકાય તે પહેલાં જ પોલિસને એની જાણ થઈ ગઈ અને તારકેશ્વર દસ્તીદાર, કલ્પના દત્તા અને બીજા કેટલાયની પોલીસે ધરપકડ કરી લીધી.
સૂર્ય સેન અને તારકેશ્વર દસ્તીદારને કોર્ટે મોતની સજા કરી. ૧૯૩૪ની ૧૨મી જાન્યુઆરીએ બન્ને વીરોને ફાંસી આપી દેવાઈ.
પછી મળેલી માહિતી મુજબ માસ્ટરદા પર પોલીસે જુલમ ગુજારીને એમના દાંત તોડી નાખ્યા હતા, હથોડા મારીને હાથપગ ભાંગી નાખ્યા હતા. રિપોર્ટ પ્રમાણે એ બેહોશ હતા તેમ છતાં ફાંસીએ લટકાવી દેવાયા. જેલના અધિકારીઓને એમની લાશો કુટુંબીજનોને સોંપતાં ડર લાગ્યો એટલે કશા જ અંતિમ સંસ્કાર વિના બે ટ્રંકમાં લાશો ઠાંસીને બંગાળના ઉપસાગરમાં ફેંકી દીધી. માસ્ટરદા અને એમના સાથીઓના આપણે ઋણી છીએ.
૦૦૦
સરકારના અત્યાચારો અને ક્રાન્તિકારીઓના હુમલા: ડાયનેમાઇટ કેસ
૧૯૩૧ના જૂનમાં ચિત્તાગોંગમાં આખું ડાયનેમાઇટનું નેટવર્ક પકડાઈ ગયું. લોકો ક્રાન્તિકારીઓની શક્તિથી પ્રભાવિત થઈ ગયા અને પોલીસ માટે આ શરમની વાત હતી. તરત જ ચિત્તાગોંગ આર્મરીના કેસમાં જેમને જામીન મળ્યા હતા કે જે નિર્દોષ છૂટ્યા હતા એવા પાંચ જણને ફરી પકડી લેવામાં આવ્યા અને એમના પર જુલમો ગુજારવામાં આવ્યા, તો પણ એમણે પાર્ટીનું કોઈ રહસ્ય છતું ન કર્યું. આમ છતાં એમની છૂટીછવાઈ વાતોના તાર સાંધવામાં જેલના સત્તાવાળાઓ સફળ રહ્યા. આ સમાચાર બહાર પહોંચતાં આ કેદીઓ સુધી કેમ પહોંચવું તે મોટો સવાલ હતો. એમણે ખરેખર કંઈ કહ્યું હતું કે નહીં તે જાણવું જરૂરી હતું. આથી એક રસ્તો કાઢવામાં આવ્યો અને આર્મરી હુમલાના એક સાથી અનંતા સિંઘ જાતે જ પોલીસને શરણે થઈ ગયા. હવે એ જેલમાં વિદ્રોહીઓને મળી શકતા હતા!એમણે એ કેદી યુવાનોને ધરપત આપી અને ખાતરી કરી લીધી કે એમાંથી કોઈએ કોઈ વાત બહાર નહોતી પાડી.
બીજી બાજુ, પોલીસ અધિકારી ક્રેગને મારવાના પ્રયાસમાં એક બંગાળી અધિકારી માર્યો ગયો હતો કારણ કે ક્રેગની જગ્યાએ એ ગયો હતો. આ કેસમાં બે યુવાનો, રામકૃષ્ણ બિશ્વાસ અને કાલીપદા ચક્રવર્તીને સજા થઈ. રામકૃષ્ણને ફાંસી આપી દેવાઈ અને કાલીપદાને દેશનિકાલની સજા થઈ.અત્યાચારો એટલી હદ સુધી વધી ગયા કે લોકોનો ટેકો મળવાનો સવાલ જ ન હોય. હુમલા પછી એક મહિને કેટલાંયે ગામોમાં પોલિસે ક્રાન્તિકારીઓને પકડવા માટે છાપા માર્યા. એમણે ઘરોમાં ઘૂસીને લોકોને માર્યા અને ઘરવખરીની તોડફોડ કરી. આના પછી જ્યારે બંગાળના આઠ અગ્રગણ્ય નેતાઓની ટીમ આ ગામોની તપાસ માટે ગઈ તો સત્ય બહાર આવ્યું કે લોકો તો ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને અનુસરીને મીઠું બનાવતા હતા.
બદલામાં ક્રાન્તિકારીઓએ વીણી વીણીને અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાનું શરૂ કર્યું. આ પ્રવૃત્તિ ૧૯૩૭ સુધી ચાલી. ૧૯૩૨ની ૩૦મી એપ્રિલે મિદનાપુર જિલ્લાના કલેક્ટરને એક ક્રાન્તિકારીએ ગોળીથી ઉડાવી દીધો. જો કે, ક્રાન્તિકારી ત્યાં જ પકડાઈ ગયો. ૧૯૩૦ના ઑગસ્ટમાં જ કોલકાતાના પોલીસ વડા લૉમૅનને ઢાકામાં મારી નાખ્યો અને એની જગ્યાએ આવેલા ટેગર્ટ પર હુમલો થયો. લૉમૅનની હત્યા કરનાર વિદ્યાર્થી બિનૉયકૃષ્ણ બસુએ આઠમી ડિસેમ્બરે બાદલ ગુપ્ત અને દિનેશચંદ્ર ગુપ્ત સાથે મળીને રાઇટર્સ બિલ્ડિંગ પર છાપો માર્યો અને જેલોના ઇન્સ્પેક્ટર જનરલ એન. એસ. સિમ્પસનની ઑફિસમાં જઈને એને મળવાની પરવાનગી માગી. એમને અંદર જવાની છૂટ મળતાં એ અંદર ગયા અને સિમ્પસન માથું ઊંચું કરીને એમને જુએ તેનાથી પહેલાં જ એના પર ગોળીઓ વરસાવી અને પછી બેફામ ગોળીબાર કરતા ભાગ્યા. એક અધિકારી ટાઉનસેન્ડે પોતાના રૂમમાંથી એમને ભાગતા જોયા અને એમનો રસ્તો રોકવા ખુરશી ફેંકી, પણ બિનૉય અને એના સાથીઓની ગોળી છુટી અને એ
ના ગળામાં ખૂંપી ગઈ. નેલસને એક ક્રાન્તિકારીને પકડ્યો પણ એને જાંઘમાં ગોળી વાગી. ત્રણેય ક્રાન્તિકારીઓ નેલસનના રૂમમાં હતા ત્યારે નાયબ ઇન્સ્પેક્ટર જનરલ ત્યાં પહોંચ્યો. ત્રણમાંથી બિનૉયે ઝેર ખાઈ લીધું હતું, બાદલને માથામાં ગોળી વાગી હતી, એ મરવાનો હતો. ત્રીજા દિનેશ ગુપ્તાને ડોકમાં ગોળી લાગી હતી. એ પકડાઈ ગયો. એના પર કામ ચાલ્યું અને એને ફાંસી આપી દેવાઈ.

તે પછી ૧૯૩૧ના માર્ચમાં મિદનાપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેમ્સ પેડીને કોઈએ મારી નાખ્યો. તપાસમાં જણાયું કે એની હત્યાની યોજનામાં વીસેક જણ સામેલ હતા, પણ ગામમાંથી કોઈ સાક્ષી ન મળ્યો.
ક્રાન્તિકારીઓને પાસેના હિજલી કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં એમણે બળવો કર્યો. પેડીની જગ્યાએ આવેલા નવા કલેક્ટર આર. ડગ્લસે આ બળવાને દબાવી દીધો પણ થોડા જ દિવસોમાં એની પણ હત્યા થઈ ગઈ. એ જ વર્ષના જુલાઈમાં અલીપુર કોર્ટમાં જજ ગાર્લિકને મોતને ઘાટે ઉતારી દીધો અને ઑગસ્ટમાં ચિતાગોંગના કેસની તપાસ કરનાર ઇન્સ્પેક્ટર અહેસાનુલ્લાહ ખાન પણ માર્યો ગયો. ઑક્ટોબરમાં મૈમનસિંઘ જિલ્લામાં આઈ. સી. એસ. અધિકારી એલ. જી. ડર્નો પર હુમલો થયો. એ તો બચી ગયો પણ એણે એક આંખ ગુમાવી. બીજા જ દિવસે યુરોપિયન ઍસોસિએશનના એક નેતા ઍડવર્ડ વિલિયર્સ પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો પણ એ નજીવી ઈજાઓ સાથે બચી ગયો.
ચિત્તાગોંગના ક્રાન્તિકારીઓમાં ઘણી યુવાન સ્ત્રીઓ પણ હતી. આવતે અઠવાડિયે એમની કથા.
000
સંદર્ભઃ
૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬.
૨. Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India. દુર્વા ઘોષ ગૂગલ બુક્સ
૩. Chitttagong Armoury Raiders – કલ્પના દત્ત. (આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે. પાછલી જિંદગીમાં એમણે ‘દત્તા’ને બદલે ‘દત્ત’ લખવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું.
બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે. આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ
- culturalindia.net
- indiafacts.org
- thebetterindia.com/155824/
- www.thebetterindia.com/181498/
- mythicalindia.com/features-page/
- thedailystar.net
- myind.net
- self.gutenberg.org
- historica.fandom.com
- eminisminindia.com
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
કરસનદાસ ફરી જન્મે તો?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
૨૮મી ઓગસ્ટે કરસનદાસ મૂળજીનો સ્મૃતિ દિવસ હતો. ૧૮૩૨થી ૧૮૭૧ના એમના જીવનકાળનું બલકે જીવનકાર્યનું આ દિવસોમાં ઠીક સ્મરણ થતું રહ્યું છે. ‘મહારાજ’ ફિલ્મ નિમિત્તે કરસનદાસનું પાત્ર હવામાં હતું જ; અને એમાં વળી અચ્યુત યાજ્ઞિકની પહેલી વરસીએ (ચોથી ઓગસ્ટે) ૧૯૮૩માં લખેલી કરસનદાસ વિષયક પુસ્તિકા પણ ફેરરમતી થઈ: 1982-83માં કરસનદાસ મૂળજીના જન્મની સાર્ધ શતાબ્દી નિમિત્તે એ ખાસ તૈયાર થઈ હતી. ‘સેતુ’ મારફતે વિષમતા નિર્મૂલન પરિષદ જેવા ઉપક્રમ થકી અચ્યુત જે પ્રવૃત્તિઓ કરતા એમાં ગુજરાતમાં સુધારાની ને નવજાગૃતિની ચળવળ પણ એક ખાસ રસનો વિષય હતો.
આ લખું છું ત્યારે યાદ આવે છે કે સાર્ધ શતાબ્દી વિશે પૂર્વ વિચારણા માટે અમે ભેગા થયા ત્યારે સૂઝી આવેલી અને શોધી કાઢેલી સ્ત્રોત સામગ્રીમાં વિજયરાય વૈદ્યકૃત ‘લીલાં સૂકાં પાન’ની જીર્ણશીર્ણ નકલ હજુયે મારા અંગત સંગ્રહમાં સચવાઈ છે. આ ‘લીલાં સૂકાં પાન’ વસ્તુત: નર્મદ યુગ પરત્વે વિજયરાયે લખેલા વીસ નિબંધોનો સંચય છે. નર્મદ યુગના ‘યાહોમ’ માહોલના પરિચયની રીતે- અને તેમાંય સવિશેષ તો કરસનદાસ મૂળજીના પત્ર ‘સત્યપ્રકાશ’ના આરંભિક અંકો (સપ્ટેમ્બર-ડિસેમ્બર ૧૮૫૫)ની સટીક ઝલકની રીતે- અમને તે ખાસી ઉપયોગી થઈ પડી હતી.
‘મહારાજ’ ફિલ્મને પ્રદર્શિત થતી રોકવાની કોશિશ જોકે આ પ્રકારનો પહેલો કિસ્સો હતો એવું નથી. ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં વિશ્વનાથ ભટ્ટ કૃત વિરલ નર્મદચરિત્રમાંથી લીધેલો પાઠ કાઢી નાખવાની ઝુંબેશ કે. કા. શાસ્ત્રીના નેતૃત્વમાં ચાલી હતી એ વાતને દાયકાઓ વીતી ગયા, પણ એની સ્મૃતિ તાજી છે અને ‘મહારાજ’ વિવાદ જેવી ઘટનાઓ એ જખમને દૂઝતો જ રાખતી હોય છે.
વિશ્વનાથ ભટ્ટે નર્મદ આદિની સુધારક ચળવળનો ખયાલ આપના જદુનાથ મહારાજ તરેહની ગેરરીતિઓનો ઉલ્લેખ કરેલો એટલે આ પાઠ કાઢી નાખવાની હિલચાલ થઈ હતી. મુદ્દે, નર્મદ કાળમાં સુધારક પ્રવૃત્તિની ચર્ચા કરીએ તો એમાં જદુનાથ મહારાજ પ્રકારનાં પાત્રો મારફતે પ્રગટ થતા જીર્ણમતની જિકર થયા વગર રહી શકે જ નહીં. જ્યારે શાસ્ત્રને નામે જીર્ણમતનું સમર્થન થાય ત્યારે તમે નર્મદને પ્રસ્તુત મહારાજને પડકારતો જુઓ જ કે શાસ્ત્રો કૈં ઈશ્વરે રચ્યા નથી, પછી તે વિધવા પુનર્વિવાહ જેવા પ્રશ્નો હોય કે અનુયાયીગણની પરિણીતા સાથે ગુરુએ સંબંધ બાંધવાનો મુદ્દો હોય.
વિજયરાય વૈદ્યે ‘લીલાં સૂકાં પાન’માં ૧૮૬૦ના ઓક્ટોબરની પાંચમી તારીખે નર્મદ જે દિલથી, જે દાઝથી, જે જોસ્સાથી ‘વિધવા પુનર્વિવાહ’ વિશે જાહેર સભામાં બોલ્યો હતો એની હૃદયવેધી નોંધ લીધી છે. બાળ વિધવાએ શું શું વેઠવું પડે છે એની તપસીલ આપી નર્મદે કહ્યું હતું: ‘એ સઘળું શું માણસજાતની કુમળી છાતીને વીંધી નાખીને એકદમ દયાનો ઝોલો આણવાને બસ નથી?’ તે દિવસે, નર્મદે લખ્યું છે, ‘ઘેર આવ્યા પછી મારાથી એક કલાક સુધી બોલાયું નહોતું. એ દહાડેથી મારા અવાજની આગલી મીઠાશ જતી રહી છે.’
મુદ્દે સુધારો ને નવજાગૃતિ એ ક્યારેક આપણી અક્ષરમંડળી માટે મહત્ત્વનાં વાનાં હતાં અને કથિત સાહિત્યસેવનમાંયે તે અગરાજ નહોતું. કરસનદાસ મૂળજીની કામગીરી જોઈએ ત્યારે કથિત જહાલ મંડળી એની અન્ય વિશેષતાઓ અને અર્પણ છતાં છેક જ ફીકી પડતી અનુભવાય છે. દસ વરસની છોકરી લગ્નલાયક ગણાય અને એના ધણીને એ લગ્નહક્ક ભોગવવા ન દે તો કાયદેસર સજાપાત્ર ગણાય, એવાયે દિવસો હતા. 1890માં એમાં સુધારાની વાત આવી ત્યારે તિલક મહારાજે તેનો વિરોધ કરેલો, ધર્મમાં અંગ્રેજોની દખલના મુદ્દે! ઉલટ પક્ષે, નરસિંહરાવ દીવેટિયાએ ૧૧ વરસની કન્યા ફૂલમણિ, એના મોટી વયના પતિએ લગ્નહક્ક ભોગવવાની ધરાર ચેષ્ટા કરતાં મરણ પામી ત્યારે ‘ફૂલમણિ દાસીનો શાપ’ એ કાવ્ય લખી કહ્યું હતું કે આ દાવાગ્નિ આર્યભૂમિ આખીને ભસ્મીભૂત કરીને જ રહેશે.
મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિક લિખિત આ પુસ્તિકાની પહેલી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે ૧૮૯૩માં મુંબઈમાં ફાર્બ્સ ગુજરાતી સભાના સહયોગથી યોજાયેલી સભામાં લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર ધીરુબહેન પટેલે વ્યક્ત કરેલા વિચારો સાથે આ તવારીખ તપીસ પૂરી કરીશું: ‘વહેલા જન્મી પડેલો માણસ, એ જમાનામાં ‘મિસફિટ’ થાય એવો માણસ… ‘હું અને મારું જીવન’થી બહાર નીકળે છે તે દુ:ખી થાય છે. આજના જમાનામાં પણ કરસનદાસ ફરી જન્મે તો સુખી ન થાય. પાછો સુધારાનો ઝંડો ઉઠાવવો જ પડે.’ ‘૩૯ વરસના જીવનમાં એ માણસ પ્રબળ છાપ છોડી ગયો. જે સાહિત્ય હૃદયમાંથી નીકળ્યું તે લોકો સુધી પહોંચાડ્યું. નાત બહાર મૂકાયા, નાગર વાણિયાની નાતમાં ઘૂસ્યા. સુધારાનો કિનારો સાગરના મોજા જેવો છે. પ્રગતિ પછી પીછેહટ આવે તો નિરાશ ન થવું. નાગર વાણિયાનો સાથ છૂટ્યો તો બીજો સાથ મળ્યો. ફરી એકવાર દેશાટણ કરી આવ્યા.’ ‘ધર્મગુરુઓનું વર્ચસ્વ સ્વતંત્ર બુદ્ધિ ન રહેવા દે. એની સામે લડ્યા. મહારાજ લાયબલ કેસ પતી ગયા પછી… લીંબડીમાંથી વિધવા બહેનને લાવીને એક સદગૃહસ્થની સાથે ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા. એમના આ સઘળાં કામ માટે વીરચક્ર, પરમવીરચક્ર મળવું જોઈએ.’ ‘આપણે નાનપણમાં ઘણા ઉદ્દામ હોઈએ છીએ. પછી ઉંમર વધતાં લોહી ઠંડું પડી જાય છે. પણ કરસનદાસના જીવનમાં આમ ન બન્યું. કરસનદાસે ભાવિ પેઢી માટે કંઈક કર્યું. અત્યારે એ જીવતા હોત તો તે કયું માધ્યમ ન વાપરત?!’
એક રીતે આ બધા નાગરિક સ્વાધીનતાની આજની ચળવળના પુરોધા જેવો હતા… કાશ, એ સંધાનબોધ રહે!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૮-૦૮– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
