-
પહોંચ્યા? સેલ્ફી લીધી? એને પોસ્ટ કરી? બસ, પ્રવાસ પૂરો!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના તિરુમાલામાં આવેલા બાલાજી મંદિરમાં દર્શન માટે ભક્તો કલાકો, અને ક્યારેક તો દિવસો સુધી લાઈન લગાડે છે. લાઈનમાં કલાકો સુધી ઊભા રહીને આકરા પ્રયત્નો પછી તેઓ માંડ અમુક સેકન્ડો સુધી મૂર્તિની સન્મુખ રહીને તેના દર્શન કરી શકતા હશે, કેમ કે, પાછળથી સતત ધક્કા વાગતા રહે છે. પરાંત ગર્ભગૃહમાં પૂરતો ઊજાસ પણ નથી હોતો. આમ છતાં, ભાગ્યે જ કોઈ કહેતું હશે, ‘મૂર્તિના દર્શન બરાબર ન થયા!’
આનાથી સહેજ જુદી, પણ અમુક અંશે કંઈક આવી જ પરિસ્થિતિ ફ્રાન્સના વિશ્વવિખ્યાત લુવ્ર મ્યુઝિઅમમાં થાય છે. લીઆનાર્દ દ વીન્ચી દ્વારા સોળમી સદીના પૂર્વાર્ધના સમયગાળામાં ચીતરાયેલી
જગવિખ્યાત કૃતિ મોનાલીસાના દર્શનાર્થે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ અહીં ઠલવાય છે. ૨૦૨૩ના વર્ષ દરમિયાન ૦.૮૯ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. પ્રવાસની મોસમમાં ઘણી વાર આ આંકડો રોજના વીસેક હજાર મુલાકાતીઓ સુધી પહોંચે છે. મ્યુઝિઅમના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આવનારા મોટા ભાગના લોકોનો મુખ્ય હેતુ મોનાલીસાના દર્શનનો હોય છે. મોનાલીસાના ચિત્રને બુલેટપ્રૂફ કાચની આડશ આપવામાં આવી છે, જેથી કોઈ તેને નુકસાન પહોંચાડી ન શકે, કેમ કે, આ ચિત્રની વર્તમાન કિંમત ૮૩ કરોડ ડોલર અંકાય છે. મુલાકાતીઓ કલાકો સુધી તેના દર્શન માટે ઊભા રહે અને તેમનો વારો આવે ત્યારે તેમણે એની ઝલક લઈને ઝડપભેર આગળ વધી જવું પડે એમ મોટા ભાગે બનતું હોય છે. બહુ બહુ તો ‘સેલ્ફી’ લઈ શકાય એટલી ક્ષણો તેમને મળે. ચિત્રનું દર્શન જ માંડ કરવા મળતું હોય ત્યાં એનું રસદર્શન દૂરની વાત છે. તાજેતરના કેટલાક ઑનલાઈન અભિપ્રાયમાં જાણવા મળ્યું કે આ અસંતોષને કારણે પ્રવાસીઓ મોનાલીસાના ચિત્રને ‘વિશ્વના સૌથી વધુ નિરાશ કરતા માસ્ટરપીસ’ તરીકે ઓળખવા લાગ્યા છે. એટલે કે આ ચિત્ર વિશે સાંભળ્યું છે એટલું બધું મહાન એ નથી, એમ તેમને લાગે છે.

A visitor takes a selfie in front of Leonardo da Vinci’s masterpiece “Mona Lisa” (Photo by FRANCOIS GUILLOT/AFP via Getty Images)
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીઉલ્લેખનીય છે કે આ જ ખંડમાં યુરોપના મહાન ગણાતા અન્ય કલાકારોની કૃતિઓ પણ પ્રદર્શિત કરાયેલી છે. જેમ કે, ઈટાલીઅન ચિત્રકાર પાઓલો વેરોનીઝનું ચિત્ર ‘ધ વેડિંગ એટ કેના’, જે લુવ્ર મ્યુઝીઅમનું સૌથી મોટું, છ મીટર ઊંચું અને દસ મીટર પહોળું ચિત્ર છે. આ જ ચિત્રકારનું ‘પોર્ટ્રેટ ઑફ અ વેનેશિયન વુમન’, તેમજ ટીશ્યનનાં ‘પાસ્ટરલ કોન્સર્ટ’ અને ‘મેન વીથ અ ગ્લવ’, તથા ટીન્ટોરેટ્ટોનું ‘ધ કોરોનેશન ઑફ વર્જિન’ (અથવા ‘ધ પેરેડાઈઝ’). મોનાલીસાની ઝલક નિહાળવાની લ્હાયમાં એ જ ખંડમાં પ્રદર્શિત આ પાંચે જાણીતાં ચિત્રો તરફ કોઈનું ભાગ્યે જ ધ્યાન જાય છે. લોકોનું ધ્યાન દોરાય એ માટે એ ખંડમાં આ મતલબનું લખાણ મૂકવામાં આવ્યું છે: ‘મોનાલીસાની ફરતે અન્ય મહાન કૃતિઓ પણ છે- ખંડમાં જરા નજર કરજો.’ પણ વ્યર્થ!
મોનાલીસા અંગે ઊભી થઈ રહેલી આવી નકારાત્મક છબિને કારણે લુવ્રનાં નિદેશક લુહાન્સ દ કારે તેને એ જ મ્યુઝીઅમમાં અન્યત્ર ખસેડવાનું વિચાર્યું છે, અને એ બાબતે ફ્રાન્સના સાંસ્કૃતિક મંત્રાલય સાથે વાટાઘાટો ચલાવી છે. આ ચિત્રને અન્ય ચિત્રોથી અલાયદું પ્રદર્શિત કરવાથી લોકો તેને શાંતિથી નિહાળી શકે તેમજ એ સિવાયની અન્ય કૃતિઓ પણ માણી શકે એવી આ પગલા પાછળ ગણતરી છે.
મોનાલીસાના ચિત્રને ખસેડવાની આ ઘટના બાબતે વિચાર કરવા જેવો છે. આધુનિક યુગની દેન એવી ‘સેલ્ફી’ તેમજ ‘બકેટ લીસ્ટ’ સંસ્કૃતિએ પ્રવાસના આનંદનો દાટ વાળી દીધો છે. ‘બકેટ લીસ્ટ’ એટલે જીવતેજીવ પૂરાં કરવાનાં કામની યાદી. આ સંસ્કૃતિને લઈને મોટા ભાગના લોકોને હવે જે તે સ્થળે જઈને બસ, ‘સેલ્ફી’ ખેંચવી છે અને ‘બકેટ લીસ્ટ’માં એક કામ પત્યાની નિશાની કરવી છે. ‘સેલ્ફી’માં ‘સેલ્ફ’ એટલે કે પોતાની જાત કેન્દ્રસ્થાને હોય છે. જે તે સ્થળ વિશે જાણકારી મેળવવાની, ત્યાં હોવાના રોમાંચની અનુભૂતિ કરવાની વૃત્તિને બદલે પોતે અમુકતમુક સ્થળે ‘પહોંચ્યા’ છે એ દેખાડવાની વૃત્તિ વધુ વકરી રહી છે. મોનાલીસાના ચિત્ર બાબતે પેદા થયેલી લાગણી બીજી અનેક જાણીતી કૃતિઓ કે સ્થળો માટે થઈ શકે છે, કેમ કે, કાં દેખાદેખી કે પછી દેખાડો હવે સામાજિક નેટવર્કિંગ માધ્યમોના યુગમાં સામાન્ય લક્ષણ બની રહ્યાં છે. તેને કારણે પ્રવાસ માટે આવશ્યક એવી ધીરજ અને જિજ્ઞાસુવૃત્તિ સતત ઘટતાં રહ્યાં છે. કોઈ પણ જાણીતા સ્થળે પહોંચીને ત્યાં ‘સેલ્ફી’ લઈને તેને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર મૂકતાંવેંત પ્રવાસનો હેતુ સિદ્ધ થઈ ગયેલો ગણાય છે. એના વિશેની વધુ જાણકારી ‘પછી’ અથવા ‘ગૂગલ’ પરથી મેળવી લેવાશે લેવાશે એમ વિચારીને ‘હવે પછી’ના લક્ષ્ય તરફ પ્રયાણ કરવામાં આવે છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે એ ‘પછી’ મોટા ભાગના કિસ્સામાં આવતું નથી.
આમ સામાન્ય અને વ્યક્તિગત લાગતા આ લક્ષણનું દબાણ એટલું બધું હોય છે કે ભાગ્યે જ તેમાંથી કોઈ બાકાત રહી શકે. આ વલણને કારણે આવાં સ્થળે ધસારો વધે છે, તેને પગલે અન્ય દૂષણો પ્રવેશે છે, નાણાં ખર્ચાય છે અને છતાં પ્રવાસીઓને ‘ધારેલી’ મજા ન આવવાનો વસવસો રહી જાય છે. આ વલણને બદલવું લગભગ અશક્ય કહી શકાય એવું છે. આથી તેનાં પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે, જે કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. મોનાલીસાના ચિત્રને અલાયદા ખંડમાં ખસેડવાથી મુલાકાતીઓ ખરેખર તેને માણી શકશે કે કેમ એ ચોક્કસપણે કહી શકાય એમ નથી, કેમ કે, એ કેવળ લક્ષણનો ઈલાજ છે, રોગનો નહીં.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩ – ૦૫ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કોઈ ન સંઘરે એવી નકામી વસ્તુઓ સાચવતું સંગ્રહાલય
માયા ભદૌરિયા

સાદી ભાષામાં કહીએ તો મ્યુઝિયમ એટલે અસામાન્ય ગણાતી ચીજવસ્તુઓનું સંગ્રહસ્થાન, પણ કોઈ મ્યુઝિયમ નકામી વસ્તુઓ માટે લોકપ્રિય બને ત્યારે શું કહેશો? આવું કોઈ ન સંઘરે એવી વસ્તુઓનો સંગ્રહ કરતું દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ અમેરિકામાં છે, જેે ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ’થી લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. તમે જે પેઈન્ટિંગને દુનિયાની સૌથી ખરાબ ગણો છો તેને પણ અહીં સ્થાન-માન-મોભો મળે છે. હા, અહીં આવનારાંએ એટલું જાણી લેવાનું કે અહીં જે કલા પ્રદર્શનમાં મૂકાઈ છે તેમાં કૌશલ્યનો અને આવડતનો અભાવ છે. બસ, ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે સૌથી ખરાબ કલા પણ લોકો સુધી પહોંચે.
કચરાના ઢગલામાંથી થયો ‘બેડ આર્ટ’નો જન્મ ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ’ ટૂંકમાં ‘MOBA’થી પણ પ્રચલિત છે. એ શરૂ થવા પાછળનો કિસ્સો રસપ્રદ છે. ૧૯૯૪ની વાત છે. પ્રાચીન વસ્તુઓના વેપારી સ્કોટ વિલ્સનની નજર કચરાના ઢગલામાં રહેલા એક પેઈન્ટિંગ ઉપર પડી. તેણે તે પેઈન્ટિંગ તેના મિત્ર જોન રિલેને દેખાડ્યું. પેઈન્ટિંગ ખેતરમાં કામ કરતી એક વૃદ્ધ સ્ત્રીનું હતું. રિલેએ તેને ‘ફૂલો સાથે મેદાનમાં લૂસી’ એવું નામ આપ્યું. એ સાથે જ તેના મગજમાં એક વિચાર ઝબક્યો, જેને સાકાર કરવામાં વિલ્સને તેને મદદ કરી. ફૂટપાથ કે બજારમાં કોઈપણ ખરાબ વસ્તુ કે પેઈન્ટિંગ દેખાય તો તે રિલેને પહોંચાડતો. બસ, પછી તો બંને નકામી વસ્તુઓ શોધવા માંડ્યા. ધીરે-ધીરે તેમની પાસે આવી ખરાબ વસ્તુઓનો ઢગલો થઈ ગયો. આ ઉપરથી જ બંને મિત્રોએ નામ પણ ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ’ રાખ્યું.
મ્યુઝિયમનું સરનામું ‘MOBA’નું પહેલું કાયમી સરનામું એટલે મેસેચ્યુસેટ્સના ડેડહામમાં કોમ્યુનિટી થિયેટરનું ભોંયરું. રિલેએ આ ભોંયરામાં જ તમામ પ્રકારની ૬૦૦ કરતાં વધુ ખરાબ વસ્તુઓને ઠાલવી. એમાંથી ૪૦થી વધુ પેઈન્ટિંગ્સને તો ત્યારે જ પ્રદર્શિત કરાય એમ હતી. બસ, પછી તો શરૂ થઈ ગયું ‘બેડ આર્ટ’નું પ્રદર્શન. અહીં દરેક ખરાબ કલાને પ્રદર્શનમાં મૂકવામાં આવે છે.
કલાપારખુઓ માટે કોઈ સ્થાન નથી સામાન્ય રીતે સંગ્રહાલયમાં સચવાયેલી અણમોલ કલાકૃતિઓ દરેક કલાપારખુઓને આકર્ષે છે, પણ આ MOBAની વાત કરીએ તો અહીં કલાપારખુઓ માટે કોઈ સ્થાન નથી. અહીં આવીને તમે એવું ન કહી શકો કે વાહ, કેટલું સુંદર પેઈન્ટિંગ છે, કારણ કે એ તો ખરાબ જ છે તો એને સુંદર કેવી રીતે કહી શકો! હા, દરેક વસ્તુ કે પેઈન્ટિંગ જોઈને તમે એની મજાક જરૂર ઉડાવી શકો છો.
બેડ આર્ટનાં પુસ્તક આજે તો આ ખરાબ કલાનો સંગ્રહ વેબસાઈટ અને ફેસબુક પેજ પર પણ જોઈ શકાય છે. મોટાભાગે આપણે કલાની કદર કરીને કલાના અને કલાકારના વખાણ કરીએ છીએ. અહીં રજૂ કરેલી કલા ભલે વિચિત્ર હોય, તેના રંગ ખરાબ હોય છતાં પણ દિલચસ્પ અને મનોરંજનથી ભરપૂર છે. ન્યૂયોર્ક ટાઈમ્સથી માંડીને હાર્વર્ડના વિદ્વાનોએ પણ તેની નોંધ લીધી છે. MOBAએ આ બેડ આર્ટનાં બે પુસ્તકો પણ રિલીઝ કર્યાં છે- મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ: આર્ટ ટૂ બેડ ટૂ બી ઈગ્નોર’ અને ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ: માસ્ટરવર્ક્સ.’
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨ – ૦૫ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખિકાની કોલમ ‘આઠમી અજાયબી’ માં પ્રકાશિત લેખ
-
ઋત્વિક ઘટક : મહાન પરંતુ પૂર્ણત: ઉવેખાયેલા ભારતીય ફિલ્મસર્જક અને એમની વિભાજન- ત્રયી
સંવાદિતા
સત્યજીત રાય અને મૃણાલ સેન કરતાં ઘણી ઓછી ફિલ્મો આપ્યા છતાં ઋત્વિક ઘટકનું નામ એમની હરોળમાં મૂકવામાં આવે છે.
ભગવાન થાવરાણી
ત્રણ મહાન બંગાળી ફિલ્મ સર્જકો સત્યજીત રાય, મૃણાલ સેન અને ઋત્વિક ઘટકમાં રાયની ૨૯ અને સેનની ૨૬ ફિલ્મો સામે ઋત્વિક ઘટકે માત્ર આઠ જ ફિલ્મો આપ્યા છતાં ફિલ્મોની ગુણવત્તા, ક્લેવર અને અસરકારકતાના દૃષ્ટિબિંદુથી તેમને સંપૂર્ણ માનભેર એમની જ હરોળમાં મુકવા પડે. માત્ર ૫૧વર્ષની વયે અવસાન પામનાર ઋત્વિક ઘટકની સરખામણી મહાન રશિયન ફિલ્મકાર આંદ્રે તારકોવસ્કી સાથે એટલા પૂરતી કરી શકાય કે એ સર્વકાલીન મહાન ફિલ્મકારે પણ ૫૪ વર્ષની વયમાં માત્ર સાત જ ફિલ્મો આપી. ઋત્વિક ઘટકને એ વાતની પણ દાદ આપવી પડે કે સત્યજીત રાયે ૧૯૫૫ માં ‘પથેર પાંચાલી’ બનાવીને ભારતની પ્રથમ નૂતન પ્રવાહની ફિલ્મ બનાવવાનો યશ મેળવ્યો એ પહેલાં એમણે એ પ્રકારની સાવ નોખો વિષય ધરાવતી અને નવ-પ્રવાહની પ્રતિનિધિ કહેવાય એવી ફિલ્મ ‘નાગરિક’ છેક ૧૯૫૨ માં બનાવેલી જે અઢી દાયકા લગી ડબ્બામાં પડી રહી અને ૧૯૭૭ માં રિલીઝ થઈ.આજે સંક્ષેપમાં વાત કરીએ એકસરખા વિષય પર ઋત્વિક ઘટકે બનાવેલી ત્રણ ફિલ્મો ‘ મેઘે ઢાકા તારા ‘ ( ૧૯૬૦ ), ‘કોમલ ગાંધાર’ (૧૯૬૧) અને ‘સુવર્ણ રેખા’ (૧૯૬૨ ) વિષે. આ ફિલ્મોને વિભાજન – ત્રયી કહે છે કારણ કે ત્રણેયમાં ભારત- પાક વિભાજન વખતે પૂર્વ બંગાળ ( પછીથી પૂર્વ પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશ ) થી બેહાલ સ્થિતિમાં પશ્ચિમ બંગાળ હિજરત કરી આવેલા પરિવારોની આર્થિક અને માનસિક દુર્દશાની કથા છે. અલબત્ત ત્રણેની કથા અને પાત્રો અલગ પરિવેશના છે.
મેઘે ઢાકા તારા ‘ ( ૧૯૬૦ ), ‘કોમલ ગાંધાર’ (૧૯૬૧) અને ‘સુવર્ણ રેખા’ (૧૯૬૨ ) ત્રણેયમાંની શ્રેષ્ઠ એવી ‘ મેઘે ઢાકા તારા ‘ ( વાદળે ઢંકાયેલો તારો ) ની વાત. ફિલ્મના કેન્દ્રમાં છે નીતા.( અભિનેત્રી સુપ્રિયા ચૌધરી- આપણે એમને હિન્દી ફિલ્મો બેગાના, દૂર ગગન કી છાવ મેં અને આપકી પરછાઈયાં માં જોયા છે.) પૂર્વ બંગાળથી હિજરત કરી આવેલ નીતાનો માતા-પિતા, બે ભાઈ અને એક નાની બહેનનો બહોળો પરિવાર માત્ર એની કમાણી ઉપર નભે છે. પિતા અપંગ છે. મોટો ભાઈ બેફિકર અને પોતાની ‘ સંગીત-સાધના ‘માં મસ્ત છે તો નાની બહેન પોતાની ટાપટીપમાંથી ઊંચી નથી આવતી. નાનો ભાઈ માંડ કોઈ ફેક્ટરીમાં નોકરીએ લાગે છે ત્યાં તો કોઈ અકસ્માતમાં સપડાય છે અને નીતા ઉપર એની સારવારનો બોજો પણ આવી પડે છે. અધૂરામાં પૂરું, એક જમાનામાં નીતાને ‘વાદળે ઢાંક્યો ઝગમગ સિતારો ‘ કહી પ્રશંસનાર અને એની આર્થિક મદદ લીધા કરતો એનો પ્રેમી પણ એને છેહ દઈ એની જ નાની બહેનને પરણી જાય છે .કરુણતા એ કે નીતાના માતા પિતા સહિત કોઈ નથી ઈચ્છતા કે નીતા એના પ્રેમી સાથે ઠરીઠામ થઈને પોતાનો સંસાર વસાવે કારણ કે એવું થાય તો એ બધાનું પેટ કોણ ભરે ? દરેક પોતપોતાના સ્વાર્થ ખાતર નીતાનો ઉપયોગ કરે છે અને નીતા એને પોતાની ફરજ સમજી સંતોષ માને છે.અંતે સંજોગો હેઠળ ભાંગી પડી નીતા ક્ષય રોગનો ભોગ બને છે. જાણે કોઈ વસ્તુ હોય તેમ એના માટે દૂર પહાડોમાં સેનેટોરિયમમાં રહેવાની વ્યવસ્થા કરી એકલી છોડી આવવામાં આવે છે. ફિલ્મના અંતિમ હૃદયવિદારક દ્રશ્યમાં મોટો ભાઈ ત્યાં એની ખબર કાઢવા જાય છે અને બહેનને ખબર આપે છે કે નાની બહેનને રૂપકડો બાબો જન્મ્યો છે, બધા મજામાં છે અને એમણે બે માળનું સુંદર મકાન બનાવ્યું છે ત્યારે એકલી અટૂલી બેઠેલી નીતા પોતાના ભૂતપૂર્વ પ્રેમી અને હવે નાની બહેનના પતિનો પ્રેમપત્ર ઉદાસીનતાથી ફાડી રહી હોય છે. મોટાભાઈ ને જોઈ એ ચિત્કારે છે ‘ ભાઈ, મારે જીવવું છે. મને જીવવામાં રસ છે.’ અને એટલું બોલીને એ ત્યાં જ ઢળી પડે છે.ઋત્વિક ઘટકની આ એકમાત્ર વ્યાપારિક સફળ ફિલ્મ હતી.ફિલ્મની નાયિકા નીતાની સરખામણી ફ્રાંઝ કાફકાની ૧૯૧૫ ની ચર્ચિત લઘુનવલ ‘ મેટામોરફોસીસ ‘ ના નાયક ગ્રેગોર સાથે કરવાનું મન થઈ આવે. નીતાની જેમ એ કથાનો નાયક પણ ચાર સભ્યોના કુટુંબનો બોજો ફરજ સમજી વહન કરતો હતો. એક દિવસ એ અચાનક માણસ મટી વંદામાં પરિવર્તિત થઈ જાય છે અને એની ઉપયોગિતા બંધ થતાં એના પર આજીવન નભેલું એનું જ કુટુંબ એને અવગણી પોતપોતાના રસ્તે વળી જાય છે અને ગ્રેગોર ભૂખે મરી મૃત્યુ પામે છે.કથા- ત્રયીની બીજી ફિલ્મ ‘ કોમલ ગાંધાર’ પણ વતન છોડી કલકત્તામાં સંઘર્ષ કરતા લોકોની કથા છે .આ લોકો અવેતન રંગભૂમિમાં કામ કરી પોતાનો શોખ પૂરો કરી માંડ પેટિયું રળે છે . અહીં પણ બે જૂથ છે જેમની વચ્ચે ખટરાગ છે . એની સાથે અનસુયા ( ફરી સુપ્રિયા ચૌધરી ) અને ભૃગુની પ્રેમકથા વણી લેવાઇ છે .બંને પાત્રો પદ્મા નદીના આ કાંઠે ઊભા રહી સામે પૂર્વ પાકિસ્તાનમાં આવેલા પોતપોતાના વતનમાં શું શું છોડી આવ્યા એની સ્મૃતિઓ વાગોળતા રહે છે. ત્રણમાની આ એકમાત્ર સુખાંત કહી શકાય એવી ફિલ્મ.ત્રયીની છેલ્લી ફિલ્મ ‘ સુવર્ણ રેખા ‘ એના નાયક ઈશ્વર ( અભિ ભટ્ટાચાર્ય) ની કથા કહે છે. સમયગાળો છે ૧૯૪૮ નો .પોતાની નાની બહેન સીતા ( માધવી મુખર્જી )ને લઈ એ કલકત્તાની નિરાશ્રિત છાવણીમાં આવી વસ્યો છે. યોગાનુયોગ સવર્ણોના જુલમનો ભોગ બનેલી એક નિરાશ્રિત મહિલાના સીતા જેવડા જ બાળક અભિરામને પણ એ પોતાની પાસે આશ્રય આપે છે. એનો એક પાક્કો વેપારી મિત્ર એને રોજગારનું પ્રલોભન આપી દૂર સુવર્ણરેખા નદીના કિનારે આવેલી પોતાની ફેક્ટરીમાં મામુલી પગારે રાખી લે છે .સીતા અને અભિરામ સાથે મોટા થાય છે. બંને વચ્ચે પ્રણય પાંગરે છે. મોટી થયેલી સીતા ભાઈને કાળજીથી સાચવે છે. ફિલ્મના એક હૃદયસ્પર્શી દ્રશ્યમાં ઈશ્વર બહેનને કહે છે તું આપણી મા જેવી લાગે છે. જવાબમાં નાની બહેન ભાઈના કાનમાં હળવી મીઠાશથી કહે છે ‘ હું તમારી મા જ છું ! ‘ઈશ્વર પણ નોકરીમાં આગળ વધી ફેક્ટરીનું મેનેજર પદ હાંસલ કરે છે પણ એને ભાઈ બહેન તરીકે ઉછરેલા બાળકોનો પ્રેમ મંજૂર નથી. વળી અભિરામ નિમ્ન જાતિનો છે એ હકીકત પણ નજર અંદાજ ન કરી શકાય. એ બહેનના ખાનદાન કુળમાં લગ્નની તજવીજ કરે છે પણ સીતા અને અભિરામ ઘર છોડી, લગ્ન કરી સ્વમાનભેર કલકત્તાની પછાત વસ્તીમાં જઈ વસે છે. બંનેને પુત્ર પ્રાપ્તિ થાય છે . અભિરામ એક દુર્ઘટનામાં માર્યો જાય છે. મજબૂર સીતા વેશ્યાવૃતિના માર્ગે વળે છે. કલકત્તા મોજશોખ માટે મિત્ર સાથે આવેલો ઈશ્વર યોગાનુયોગ બે ઘડીની મોજ માટે કોઠે જઈ ચડે છે. એ જેના ગ્રાહક તરીકે ગયો છે એ એની પોતાની જ બહેન સીતા નીકળે છે. સીતા ભાઈને જોઈ હતપ્રભ થઈ જાય છે અને આઘાત ન જીરવાતાં ત્યાં જ આત્મહત્યા કરી લે છે.હતાશ ઈશ્વર નોકરી અને ઈજ્જત બંને ગુમાવે છે. છેવટે એ દીકરીના પુત્રને લઈને નવા જીવનની આશામાં નીકળી પડે છે.ત્રણેય ફિલ્મોમાં ધ્યાનાકર્ષક વાત છે ફિલ્મોની સુગ્રથિતતા અને સંવેદનશીલ માવજત ! ઘટકની વિશિષ્ટતા અનુસાર ત્રણેય ફિલ્મમાં નેપથ્યે નિરંતર કશુક ગવાતું કે બજતું રહે છે. ચાહે એ સમૂહ ગીત હોય, દર્દીલા સાંગીતિક આલાપ હોય, નદીગીત કે લગ્નગીત હોય અથવા હોય કોઈ લોકગીત.ઋત્વિક ઘટકને નદી અતિપ્રિય છે. ત્રણમાની અંતિમ બે ફિલ્મોમાં નિરંતર સમયાંતરે પદ્મા અને સુવર્ણ રેખા નદી ઝલકતી રહે છે . ( એમની એક ફિલ્મનું નામ જ છે ‘ તીતાશ નામની નદી ‘ )જીવનને એની પૂરેપૂરી તીવ્રતાથી પામવા ઋત્વિક ઘટકની ફિલ્મો જોવી જ ઘટે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મોહમ્મદ રફી – ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો – [ ૨ ] : ૧૯૫૭થી ૧૯૬૭
મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે
શિવનંદમ પાલમડાઈ

Mohd Rafi ‘s birth anniversary was celebrated in his ancestral village Kotla Sultan Singh by members of the local community in Amritsar on Monday. Photo. The Tribune ૧૯૪૬થી ૧૯૫૬નાં વર્ષો દરમ્યાન લગભગ દરેક સંગીતકારોએ મોહમ્મદ રફીની ગાયકીને પોતપોતાની સંગીત શૈલીમાં ઢાળવાનો પ્રયાસ કર્યો હોય એવું પહેલી નજરે જણાય. જોકે, નિષ્પક્ષ દૃષ્ટિએ જોઈએ તો મોહમ્મદ રફીએ લગભગ શરૂઆતનાં વર્ષોથી જ પોતાની આગવી શૈલી વિકસાવવા માટે સભાનપણે પ્રયત્ન કરવાનું ચાલુ કરી દીધું હતું, કેમકે તેઓ એટલું તો સમજી ચુક્યા હતા કે કે એલ સાયગલની અસરમાં બહાર આવી રહેલાં પુરુષ પાર્શ્વગાયનનાં ક્ષેત્રમાં મુકેશ, તલત મહમુદ કે મન્ના ડે જેવા પોતપોતાની શૈલી ધરાવતા ગાયકો સામે સ્પર્ધામાં ટકવું હશે તો પોતાની આગવી શૈલી વિકસાવવી એ જ એકમાત્ર વ્યુહરચના હોવી જોઈશે.
૧૯૫૭નાં વર્ષથી આ વ્યુહરચનામાં તેમણે કરેલું રોકાણ હવે વળતર આપતું જણાતું લાગવા માંડ્યું હતું. બલ્કે, તેમનાં ગીતોનાં વધતા જતા પ્રકારોની સાથે હવે જે જે સંગીતકારો સાથે તેમણે કામ કરવાની તક મળતી હતી એ સંગીતકારો પણ સફળતાની કેડીએ ચડી જતા જોવા મળતા હતા.
૧૯૫૭ – યે મહલોં યે તખ્તોં યે તાજોં યે સમાજોંકી દુનિયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ – પ્યાસા – એસ ડી બર્મન – સાહિર લુધિયાનવી – ગુરુદત્ત
આ પહેલાં ગુરુદત્ત પણ હલકી ફુલકી ફિલ્મો બનાવતા જેમાં તેમના સ્વર માટે ઓ પી નય્યર એવી જ મસ્તીભરી અદાઓમાં મોહમ્મ્દ રફી પાસે ગીતો ગવડાવતા. પ્યાસાથી ગુરુદત્તે પણ હવે નવી કેડી કડારવાનું શરૂ કર્યું હતું. એસ ડી બર્મન પણ દેવ આનંદની હળવી ફિલ્મોમાંથી બહાર આવીને બહુ અર્થપૂર્ણ ગીતો બનાવી રહ્યા હતા. આવા સંજોગોમાં મોહમ્મદ રફીએ પોતાનાં સુર વૈવિધ્યની સચોટ સાબિતી સિદ્ધ કરી આપી.
https://youtu.be/t8f7bukIUWU?si=3mSq8FW10ktDiCgf
૧૯૫૮ – હૈ કલી કલી કે લબ પર તેરે હુસ્નકા ફસાના – લાલા રૂખ – ખય્યામ – કૈફી આઝમી – અન્ય કલાકાર
ખય્યામનાં સંગીતમાં માધુર્ય હતું તે તો તેમની શરૂ શરૂની ફિલ્મથી જ ફલિત થઈ ગયું હતું. અહી તેઓ મધ્ય – પૂર્વની ધુનને એક બહુ જ રોમેંટીક અંદાજમાં રજુ કરે છે, જે રફી તો એક સિદ્ધહસ્ત ગાયકની અદાથી શ્રોતાઓનાં દિલોમાં રમતું કરી મુકે છે.
૧૯૫૯ – દીવાના આદમીકો બનાતી હૈ રોટીયાં – કાલી ટોપી લાલ રૂમાલ – ચિત્રગુપ્ત – મજરૂહ સુલ્તાનપુરી – આગા
ભાભી (૧૯૫૭)ની સફળતા પછી ચિત્રગુપ્ત મોહમ્મદ રફી પાસે વિવિધ વિષયો પરનાં ગીતોના સફળ પ્રયોગ કરતા થઈ ગયા. પ્રસ્તુત ગીતમાં આમ આદમીની ભૂખ સામેની લાચારીના કણસાટને મોહમ્મદ રફી બહુ અસરકારક રીતે રજૂ કરે છે.
૧૯૬૦ – ઝિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત એક અન્જાન મુસાફિર સે મુલાકાત કી રાત – બરસાત કી રાત – રોશન – સાહિર લુધિયાનવી – ભારત ભુષણ
રફીના પૂર્ણ મધ્યાહ્ને તપતા સૂર્યના પ્રકાશે રોશન, અને એસ ડી બર્મન સાથે નંદવાયેલા સંબંધો પછી સાહિર લુધિયાનવી – રોશનના સંબંધને પણ ગ્રહણની બહાર લાવી દીધા. ‘બરસાત કી રાત’નું દરેક ગીત રોશન, સાહિર અને રફીની કારક્રિર્દીનું અનમોલ નજ઼રાણું બની રહ્યું છે.
રફીએ ‘બરસાઆઅત’ શબ્દને દરેક વખતે જે અલગ અલગ અંદાજમાં રજૂ કર્યો છે તે તેમની આગવી શૈલીની ઓળખ છે.
૧૯૬૧ – કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, બાત નીકલી તો હરેક બાત પે રોના આયા – હમ દોનો – જયદેવ – સાહિર લુધિયાનવી – દેવ આનંદ
‘હમ દોનો’ ની સફળતામાં જયદેવ, સાહિરનો પોતપોપોતાનો તેમ જ સહિયારો જે ફાળો છે તેને કારણે પછીથી તેમના સંબંધ વિચ્છેદને કારણે બન્નેની કારકિર્દીને કેટલું નુકસાન થયું એ વિશે કોઈ અનુમાન કરવાની કોઈ પણ હિંમત પણ નથી કરતું.
‘હમ દોનો’નાં બીજાં બે ગીતો – અભી ન જાઓ છોડકર કે મૈં ઝિંદગીકા સાથ નિભાતા ચલા ગયા માંથી કોઈ એક પસંદ કર્યું હોત તો પણ રફીની ભાવ અદાયગી, પુનરવાર્તન પામતા સ્થાયી શબ્દને રમાડવાની અને અદાકારને અનુરૂપ ગીત રજુ કરવા વિશે તો એક સરખું જ કહી શકાય તેમ છે. પ્રસ્તુત ગીત આ બન્ને ગીતો કરતાં રચનાની, શબ્દપ્રયોગની તેમ જ ભાવ અદાયગીની સંકુલતાની દૃષ્ટિએ ખાસ્સું મુશ્કેલ છે. અને તેમ છતાં, બીજાં ગીતો જ જેટલું જ લોકચાહના મેળવી શક્યું છે તેમાં રફીનો ફાળો વિશેષ જરૂર કહી શકાય.
૧૯૬૨ – અબ ક્યા મિસાલ દું તુમ્હારે શબાબ કી – આરતી – રોશન – મજરૂહ સુલ્તાનપુરી – પ્રદીપ કુમાર
પ્રિયતમાના રૂપનાં વખાણ કરવામાં પ્રેમીને ભાવ અભિવ્યક્તિની કચાશ નડતી હોય તો પ્રસ્તુત ગીત જેવાં મોહમ્મદ રફીનાં અનેક ગીતો તેની મદદે મળી રહે તેમ છે.
મજાની વાત તો એ પણ છે કે આ પ્રકારનાં ગીતોના ગીતકારો જે વૈવિધ્યસભર કલ્પનાઓને વહેતી મુકી છે એટલી જ એ ગીતોની રચના સંગીતકારોએ પોતાની બધી જ કળા નીચોવીને કરી છે. રફીની રજુઆત તો સદા તાજા હોય જ !
૧૯૬૩ – યાદ ન જાએ બીતે દિનોંકી જા કે ન આયે જો દિન દિલ ક્યું બુલાએ ઉન્હેં – દિલ એક મંદિર – શંકર જયકિશન – શૈલેન્દ્ર – રાજેન્દ્ર કુમાર
કારૂણ્ય છલકતા સ્વરમાં છેક નીચેથી ઉપર સુધીના આરોહ અવરોહની કળાનું આ ગીત એક આદર્શ ઉદાહરણ ગણાય છે. રફીના સ્વરમાં ગીત સાંભળીએ ત્યારે ગીત ગાવું જેટલું સહજ જણાય પણ ખરેખર કેટલું મુશ્કેલ છે તેનો ખ્યાલ તો જાહેર કાર્યક્રમોમાં સારા સારા ગાયકોને આ ગીત ગાતાં જે ફાંફાં પડતાં હોય છે તેનાથી જ આવી જાય છે.
https://www.youtube.com/watch?v=CYodWERGaro
૧૯૬૪ – હૈ દુનિયા ઉસીકી જમાના ઉસીકા મોહબ્બતમેં જો હો ગયા હો કિસી કા – કશ્મીરકી કલી – ઓ પી નય્યર – એસ એચ બિહારી – શમ્મી કપૂર
ગીતની બાંધણી, સેક્ષોફોનનો આગવો સાથ કે શમ્મી કપૂરની દિલોજાનથી અદાયગીને પણ ભુલાવી દે એવી આ ગીતમાં પ્રેમભગ્નતાના વિશાદની, શરાબના નશા સાથે ઘુંટાતી રહેતી, મોહમ્મદ રફીની અભિવ્યક્તિ રહી છે. આ ગીત આંખો બંધ કરીને સાંભળ્યું હોય તો ગીતની અસર કલાકો સુધી મન પર છવાયેલી જરૂર જ રહે !
https://www.youtube.com/watch?v=WO_aMRsEIIY
૧૯૬૫ – દિન ઢલ જાયે હાયે રાત ન જાય તુ તો ન આયે તેરી યાદ સતાયે – ગાઈડ – એસ ડી બર્મન – શૈલેન્દ્ર – દેવ આનંદ
આ ગીત વિશે બે વાત નોંધપાત્ર ગણી શકાય.
મોટા ભાગના બંગાળી સંગીતકારોની મોહમ્મદ રફીની ગાયકી સાથે એક ફરિયાદની વાત હંમેશાં કરાતી જોવા મળે છે – તેમના અવાજમાં સહજ મૃદુતા નથી. એસ ડી બર્મન એટલે, જો શક્ય હોય તો કિશોર કુમારનો સ્વર વાપરવાનું પસંદ કરતા. જોકે ગીર મોહમ્મદ રફી પાસે જ ગવડાવું પડે તો ગીતને નરમાશથી ગવડાવવાના આગ્રહ સાથે સાથે રફીની દોઢબે સુર સુધીની આરોહ અવરોહ, ગીતના ભાવના મુખ શબ્દને અલગ અલગ અદાથી રજૂ કરવો કે પરદા પરના અભિનેતાની ગીતમાં જીવંત કરવો જેવી ખુબીઓનો પણ ઉપયોગ કરી લેવાનું ચુકતા નહીં. આ ગીત આ બાબતનો એક આદર્શ પુરાવો બની રહે છે.
તે ઉપરાંત રફી પાછા ગીતના ભાવ મુજબ પણ તે ગીતના હાર્દ સમા શબ્દને ગીતના મુડ મુજબ પળોતી શકતા. જેમકે અહીં તેઓ તુમ મુઝસે મૈં દિલ સે પરેશાંમાં મુઝસે જુદા ઔર જગસે પરાયે હમ દોનો થે સાથની વિટંબણા વીંટળાતી રહે છે. તો મેરે મહેબુબ તુઝે મેરી મહોબ્બત કી ક઼્સમ માં તેરી ફુરકતને પરેશાં કિયા મુઝકો માં પ્રેમી સાથે મિલાપ ન થવાથી જે પરેશાની અનુભવાય છે તેની મીઠી ફરિયાદ છે.
૧૯૬૬ – ઝુલ્ફોંકો હટા લે ચેહેરે સે થોડા સા ઉજાલા હોને દે – સાવનકી ઘટા – ઓ પી નય્યર – એસ એચ બિહારી – મનોજ કુમાર
મુખડાના ઉપાડમાં રેલાતો સુંવાળો આલાપ મનોજ કુમારની અભિનય શૈલીને અનુરૂપ કહી શકાય તેમ છે. પરંતુ થોડા આગળ વધતાં ખુલ્લામાં ગીત ગવાતું હોય તો થોડા ઊંચા સ્વરે કોઈ પણ વ્યક્તિને ગાવાનું મન થઈ જાય એ પણ સ્વભાવિક છે. ગીતમાં રફીએ ‘થોડા સા ઉજાલા હોને દે‘ને જુદી જુદી રીતે લડાવેલ છે.
https://youtu.be/-pC6MDWQZH8?si=94brYSARSHTHRFg7
૧૯૬૭ – અકેલે હૈ ચલે આઓ જહાં હો તુમ, કહાં આવાજ઼ દે તુમ કો કહાં હો – રાઝ – કલ્યાણજી આણંદજી – શમીમ જયપુરી – રાજેશ ખન્ના
આ ગીત આમ તો વિરહનાં ગીત તરીકે ગવાયું છે. રફીના દરેક સ્વરમાં વિરહની વેદના ટપકે છે. તેમાં પણ મુખડા કે અંતરામાં જે પંક્તિ ઊચા સુરમાં જાય છે તેમાં એ વેદના જાણે વધારે પીડા કરતી હોય તેવો ભાવ આપણા મનમાં પણ છવાઈ જાય છે.
વિરહનો આ જ ભાવ રહસ્યમય રીતે લતા મંગેશકરના સ્ત્રી સ્વરનાં ગીતમાં રજુ થયો છે.
બન્ને ગાયકોએ એક જ ભાવને સાવ અલગ સંદર્ભ કેટલી ખુબીથી રજુ કરેલ છે!
કલ્યાણજી આણંદજીમાં કલ્યાણજી (વીરજી શાહ)નો સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રવેશ ૧૯૫૯માં થયો. તે પછી ત્રણ ફિલ્મો બાદ ‘મદારી’માં તેમની સાથે આણંદજી પણ જોડાયા. આમ, ‘૫૦ના દાયકાથી સ્વતંત્ર સંગીતકાર તરીકે ફિલ્મ સંગીતક્ષેત્રે દાખલ થયેલ છેલ્લા સંગીતકારો ગણાય.
૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો શ્રેણીનું એ સંદર્ભમાં ૧૯૬૭નું વર્ષ એક મહત્ત્વનો પડાવ કહી શકાય. તેથી આપણે અહીં ટુંકો વિરામ લઈશું. હવે પછીના મણકામાં આ શ્રેણી પુરી કરીશું.
મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Rafi’s Centenary Special: 35 songs from 35 years (1946-1980)નો આંશિક અનુવાદ
અનુવાદ: અશોક વૈષ્ણવ
-
ભારત રત્નની પસંદગીમાં સર્વસમાવેશન અને વિવિધતા કેટલી?
નિસબત
ચંદુ મહેરિયા
વર્તમાન કેન્દ્ર સરકારે તેના કાર્યકાળના દસ વરસોમાં ભારત રત્ન માટે દસ મહાનુભાવોની પસંદગી કરી છે. તેમાં પણ ૨૦૧૯ અને ૨૦૨૪ના ચૂંટણી વરસોમાં અનુક્રમે ૩ અને ૫ ભારતરત્ન આપ્યા છે. દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ચૂંટણીની હારજીતનું કારણ પણ બની શકે તે હદે ભારત રત્ન અને પદ્મ એવોર્ડનું રાજનીતિકરણ થયું લાગે છે. ૧૯૫૪માં આરંભાયેલ ભારત રત્ન સન્માનને સિત્તેર વરસો થયાં. આ સિત્તેર વરસોમાં ૫૩ મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરાયા છે. દર વરસે ૩ વ્યક્તિને ભારત રત્ન આપી શકાય તેવો નિયમ છે. એ હિસાબે ૭૦ વરસોમાં તો ૨૧૦ ભારત રત્ન અપાવા જોઈતા હતા. પરંતુ તેના ચોથા ભાગના(૫૩) જ અપાયા છે. એટલે પ્રશ્ન થાય કે શું આપણે ભારત રત્નની બાબતમાં દરિદ્ર છીએ? કે કોઈ બીજા કારણો છે? તેની સાથે જ ભારતની વિવિધતા અને સર્વસમાવેશન ભારત રત્નની પસંદગીમાં દેખાય છે કે કેમ? તે પણ વિચારણીય મુદ્દો છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ૧૯૫૪થી ૨૦૨૪ સુધીના ૭૦ પૈકી ૨૭ વરસ જ ભારત રત્ન અપાયા છે અને ૪૩ વરસ તે અપાયા નથી. નિયમાનુસાર વરસે ત્રણ ને બદલે ઓછા ભારત રત્ન માટે પસંદગી થઈ છે એ તો ખરું પણ નિયમને તાક પર મૂકીને ૧૯૯૯માં ચાર અને ૨૦૨૪માં પાંચ વ્યક્તિઓને સાગમટા આપવામાં આવ્યા છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશથી દેશને સૌથી વધુ ભારત રત્ન મળ્યા છે, તો તમિલનાડુ અને મહારાષ્ટ્ર્ બીજા ક્રમે છે. માનવ પ્રયત્નના કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ કે સર્વોચ્ચ સ્તરની કામગીરી કે સેવા માટે ભારત રત્નનું સન્માન આપવામાં આવે છે. તેની પસંદગી માટે કોઈ ઔપચારિક સમિતિ હોતી નથી પરંતુ વડાપ્રધાન જ નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે છે. ૫૩ માંથી ૨૩ ભારત રત્ન તો રાજનેતાઓ લાભ્યા છે એટલે ભૂવો ધૂણે તો… નો ઘાટ છે.
બંધારણના અનુચ્છેદ ૧૮(૧) મુજબ ભારત રત્ન આપવામાં આવે છે. તેમાં કોઈ નાણાં આપવામાં આવતા નથી. પરંતુ કેટલીક સગવડો મળે છે. પ્રોટોકોલમાં સાતમું સ્થાન ભારત રત્ન સન્માનિતનું રાખવામાં આવ્યું છે. રેલવે અને હવાઈ મુસાફરી નિ:શુલ્ક કરી શકાય છે. તેઓ રાજ્યના મહેમાનનો દરજ્જો ધરાવતા હોઈ તેમને રહેવા-જમવા-ફરવાની મફત સગવડ મળે છે. તેમની નિયમ મુજબની સલામતીની વ્યવસ્થા સરકારી ખર્ચે કરવામાં આવે છે.સરકારી કાર્યક્રમોમાં તેઓને નિમંત્રણ મળે છે. કેબિનેટ મંત્રીનો વીઆઈપી દરજ્જો અને આવક વેરામાંથી મુક્તિનો લાભ મળે છે. ભારત રત્નથી સન્માનિત થયેલ વ્યક્તિ તેના નામની આગળ કે પાછળ ભારત રત્ન એવું લખી શકતી નથી.જો કે વિઝિટિંગ કાર્ડ, બાયોડેટા, લેટર હેડમાં તે રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સન્માનિત કે ભારત રત્ન પ્રાપ્તકર્તા એવું લખી શકે છે!
આરંભે ભારત રત્ન હયાત વ્યક્તિઓને આપવામાં આવતો હતો. પછી તેમાં સુધારો કરીને તે મરણોત્તર પણ આપવાનો શરૂ કર્યો છે. પહેલાં તેમાં મર્યાદિત ક્ષેત્રો નિર્ધારિત હતા.તેમાં પણ સુધારો કરીને કોઈ પણ ક્ષેત્રની ઉચ્ચતમ કક્ષા માટે આપવાનું નક્કી કર્યું છે. દેશનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન વિવાદોથી જરા ય પર નથી. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછી સત્તામાં આવેલી મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારે ભારત રત્ન સહિતના પદ્મ સન્માનોને બિનજરૂરી ગણાવી જુલાઈ ૧૯૭૭ થી જાન્યુઆરી ૧૯૮૦ સુધી તે આપવાના બંધ કર્યા હતા. સર્વોચ્ચ અદાલતમાં ભારત રત્નની બંધારણીયતા અને જરૂરિયાતને જાહેર હિતની અરજીઓથી પડકારવામાં આવતા બે ત્રણ વરસો તે સ્થગિત કરવામાં આવ્યા હતા.
પદ્મ સન્માનોને ફાલતુ ગણાવી પોતાના વડાપ્રધાનના કાળમાં તે બંધ કરી દેનાર મોરારજી દેસાઈએ ૧૯૯૧માં ભારત રત્ન સ્વીકાર્યો હતો. ભારત રત્નની અનૌપચારિક પસંદગી સમિતિના સભ્ય હોઈ અબુલ કલામ આઝાદે તે સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ ખુદની ભલામણથી આપવામાં આવતું ભારત રત્ન સન્માન નહેરુ પિતા-પુત્રીએ તેમના પ્રધાનમંત્રીત્વના કાળમા જ મેળવી લીધું હતું. ક્રિકેટર સચિન તેંદુલકરને માત્ર ૪૦ વરસે અને સમાજ સુધારક ઘોંડો કેશવ કર્વેને શતાયુ ટાણે આ સન્માન મળ્યું હતું. સામાન્ય રીતે ભારત રત્ન અલંકરણ સમારોહ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. તેમાં એક માત્ર અપવાદ ઘોંડો કેશવ કર્વે છે. ૧૯૫૮માં દિલ્હીની બહાર મુંબઈના બેબ્રોન સ્ટેડિયમમાં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારત રત્નથી સન્માનિતોની સૂચિ પર નજર કરતાં જણાય છે કે દેશમાં મહિલાઓની વસ્તી અડધોઅડધ છે .પરંતુ અત્યાર સુધીમાં માત્ર પાંચ મહિલાઓને જ તે વર્યો છે. ભારતની હિંદુ સમાજ્વ્યવસ્થાની ટોચે રહેલા બ્રાહ્મણોને ફાળે ૬૫ ટકા ભારત રત્ન બોલે છે. એક દલિતને તો તે મળ્યો છે પરંતુ દેશના આદિનિવાસી ગણાતા અને દેશની કુલ વસ્તીમાં ૧૨ થી ૧૫ કરોડ એવા આદિવાસીમાંથી હજુ કોઈ ભારત રત્નને પાત્ર ઠર્યો નથી . હિંદુ સિવાયના ભારત રત્નમાં ૫ મુસ્લિમ અને એક-એક જ પારસી-ખ્રિસ્તી-સિંધી છે. એટલે ભારત રત્નની પસંદગીમાં સર્વ સમાવેશન અને દેશની વિવિધતા ઓછી જણાય છે.
રાજનીતિ અને વિચારધારાના આધારે પણ ભારત રત્નની પસંદગી થાય છે. કેટલાક રાજકીય વિષ્લેષકો કોંગ્રેસે ભારત રત્ન માટે પસંદ કરેલા બ્રાહ્મણોને ધર્મ નિરપેક્ષ અને જમણેરી સરકારોએ પસંદ કરેલાને હિંદુત્વવાદી બ્રાહ્મણો ગણાવે છે. ૨૦૦૧માં વાજપાઈ સરકારે વિનાયક સાવરકરને ભારત રત્ન આપવા ભલામણ કરી હતી.પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણે તે સ્વીકારી નહોતી. કાશી અને બનારસ વિધ્યાપીઠોના સહસ્થાપક કેળવણીકાર ભગવાન દાસને તો ૧૯૫૫માં ભારત રત્ન મળી ગયો હતો.પરંતુ બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક મદન મોહન માલવિયાને આ સન્માન છેક ૨૦૧૫માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી મળ્યું છે. સરદાર પટેલને તેમના અવસાનના ૪૧ વરસો બાદ અને ડો.આંબેડકરને ૩૪ વરસો બાદ, તેમની રાજકીય વિચારધારાના વળની સરકારોએ ભારત રત્નથી નવાજ્યા હતા. મધર ટેરેસા અને અમર્ત્ય સેનને નોબેલ પછી અને સત્યજિત રે ને ઓસ્કાર પછી ભારત રત્નનું સન્માન મળ્યું છે. હજુ એકેય સામ્યવાદીને આ સન્માન મળ્યું નથી. કર્પૂરી ઠાકુર પૂર્વે સામાજિક ન્યાય અને પછાત વર્ગો માટે અનામતનો અમલ કરી ચૂકેલા કરુણાનિધિ આ સન્માનથી વંચિત છે. એવું જ બંગાળના દીર્ઘ કાળ સુધી મુખ્ય મંત્રી રહેલા જ્યોતિ બસુ અંગે કહી શકાય. .
ચૂંટણીકારણ ભારત રત્નની પસંદગી બનતાં તેનું મૂલ્ય ઘટ્યું છે. બીજા અનેકની જેમ આ ક્ષેત્ર પણ રાજનીતિથી દૂષિત બન્યું છે. આ માટે તમામ રાજકીય પક્ષો જવાબદાર છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૫ # અંશ # ૨
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
પ્રકરણ ૫ : અંશ # ૧ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થાનું ઘડતર – કેટલાક મહત્ત્વના પ્રશ્નો
આપણો હેતું શું છે? આપણી પોતાની સુખની વ્યાખ્યા મુજબની જીવનશૈલી માટે મદદરૂપ નીવડે એવી આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થા ઘડવી . એ હેતુ પાર પાડવા માટે જે નિર્ણયો લેવા પડે કે પસંદગીઓ કરવી પડે તે વિશે આપણી વિચારપ્રક્રિયા સ્પષ્ટ બની રહેવી જરૂરી છે .
એ માટે અહીં કેટલાક સર્વસામાન્ય પ્રશ્નો રજુ કર્યા છે. આ અંગે ઊંડાણપૂર્વક, પૂરતો, વિચાર કરીને આ પ્રશ્નોના જે પ્રમાણિક જવાબો આપણને મળશે તે આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થા ઘડવા માટે જે નિર્ણયો લેવા પડે કે પસંદગીઓ કરવી પડે તેમાં મદદરૂપ નીવડી શકે છે.
પ્રશ્ન #૧
તમારે નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાના કેદી રહેવું છે અને તેનો ઉપયોગ કરીને તમારી આગવી નાણાકેન્દ્રી શરતો મુજબની તમારી પોતાની અર્થવ્યવસ્થા ઘડવી છે?
પ્રશ્ન #૨
કે પછી, તમારે વ્યક્તિગત અર્થવ્યવસ્થાની મદદ લઈને, નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાની બહાર, તમારી પોતાની અર્થવ્યવસ્થા ઘડવી છે?
પ્રશ્ન #૩
નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાથી તમે પૂરેપુરો છુટકારો મેળવી શકો તેમ છો?
પ્રશ્ન #૪
તમારી પાસે મર્યાદિત માત્રામાં રહેલ સંસાધનોના ઉપયોગ વડે, તમને મહત્તમ ફાયદા મળતા રહી શકે એ રીતે વૈજ્ઞાનિક અર્થતંત્રનાં મોડેલનો તમે કેમ કરીને ઉપયોગ કરી શકો તેમ છો?
પ્રશ્ન #૫
કે પછી, આવક, ખર્ચ, બચત, રોકાણ, ઉપાડ અને વહેંચણીનાં છ સરળ પગલાંની પ્રક્રિયાની મદદથી તમારી પોતાની અર્થવ્યવસ્થા ઘડી કાઢવા માગો છો?
પ્રશ્ન #૬
કે હજુ પછી, તમે નાણાકેન્દ્રી વૈજ્ઞાનિક અર્થવ્યવસ્થા અને તમારી પોતાની આગવી અર્થવ્યવસ્થાનાં તમારી પોતાની ગણતરી અને પસંદનાં આગવાં સંમિશ્રણ મુજબની તમારી અંગત અર્થવ્યવસ્થા ઘડીને અમલ કરવાનું પસંદ કરશો?
અને હવે છ સરળ પગલાંની પ્રક્રિયા વિશે કેટલાક વિશિષ્ટ સવાલો બાબતે વિચારણા કરીએ.
આવક
પ્રશ્ન # ૧
નાણા/ નાણા સમક્ક્ષ સાધનો કે બીનનાણાકીય પુરસ્કારો એ બેમાંથી શું રળવું છે ? નાણા ઉપરાંત, કે નાણા કરતાં, તમને શું રળવું વધારે પસંદ પડશે – માનસન્માન, આંતરીક કે બાહ્ય સ્વીકૃતી કે તમારી પોતાની પસંદ મુજબના કોઈ વિશિષ્ટ પુરસ્કારો?
પ્રશ્ન # ૨
તમારે શું, ક્યારથી, કમાવું છે ? કમાવાનું ક્યારથી બંધ કરવું છે? નાણાને બીનનાણાકીય પુરસ્કારોના સ્વરૂપમાં ક્યારથી અને કેટલા પ્રમાણમાં બદલવા માગો છો?
પ્રશ્ન #૩
કેટલું કમાવું છે ? ‘બસ, હવે પુરતું કમાયા’ એમ ક્યારે નક્કી કરવા માગો છો?
પ્રશ્ન # ૪
નાણા. કે બીનનાણાકીય પુરસ્કારો, કમાવા માટેનો તમારો ઉદ્દેશ્ય શું છે ?
પ્રશ્ન # ૫
નાણા કમાવા માટે તમે કયો માર્ગ અપનાવવો પસંદ કરશો? બીજા માટે કામ કરવું કે પોતા માટે કામ કરવું? નાણા માટે કામ કરશો કે નાણા વિના? આખો સમય એ કામ કરશો કે અમુક સમય કામ અને અમુક સમય પોતાની પસંદગી મુજબની પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરશો?
પ્રશ્ન # ૬
તમારા માટે શું પૂરતું છે – તમારી વ્યાખ્યા મુજબની વર્તમાનમાં સુખસગવડ મળી રહે એટલી કમાણી, કે વધારામાં તમારી પોતાની ભવિષ્યની જરૂરિયાતો પણ પુરી થઈ શકે એ માટે જરૂરી રોકાણો પણ થઈ શકે એટલી કમાણી? કે પછી ભવિષ્યની તમારી જરૂરિયાતો પુરી થઈ શકે તે ઉપરાંત તમારાં સ્વજનો અને સંતાનોની હાલની કે/અને ભવિષ્યની જરૂરિયાતો પુરી થાય એટલી કમાણી ? કે એ બધાંથી પણ ઉપરાંત, બીજાંઓને પણ વર્તમાનમાં, કે/અને ભવિષ્યમાં પણ મદદરૂપ પણ થઈ શકાય એટલી કમાણી?
ખર્ચા
પ્રશ્ન # ૧
તમે શું ખર્ચ કરવાનું પસંદ કરશો – તમારા નાણા કે તમારી સેવાઓ અને ક્ષમતાઓ? કે પછી બન્ને ખર્ચ કરવાનું પસંદ કરશો?
પ્રશ્ન # ૨
તમે કેટલાં નાણા ખર્ચવાનું પસંદ કરશો? તમારા ખર્ચાની મર્યાદા શી રીતે નક્કી કરશો?
પ્રશ્ન # ૩
તમારી નાણાકીય ખર્ચની જરૂરિયાતો ઘટાડી શકાય તેમ છે? તમારો વપરાશ ઘટાડી શકાય તેમ છે?
પ્રશ્ન # ૪
તમારાં અંગત સંસાધનોમાંથી તમે કેટલું કેટલું ખર્ચ કરવા માગો છો તે શી રીતે નક્કી કરશો? તમારાં અંગત સંસાધનો કયાં કયાં છે?
બચત
પ્રશ્ન # ૧
તમારી આવકમાંથી નાણાકીય બચત કરવાની જગ્યા રહે છે ?
પ્રશ્ન # ૨
જો બચત શક્ય ન હોય, તો તમે શું કરવાનું પસંદ કરશો? તમારૂં કામ બદલશો ? કે પછી બીજી કોઈ સહાય લેશો?
પ્રશ્ન # ૩
જો તમારી આવકમાંથી બચત કરવી શક્ય હોય તો, કેટલી બચત પુરતી થઈ રહેશે? તમારા માટે કેટલી બચત પુરતી છે એ તમે શી રીતે નક્કી કરશો?
પ્રશ્ન # ૪
તમારાં અંગત સંસાધનો અને ક્ષમતાઓની તમે બચત કરી શકો એમ છો?
રોકાણ
પ્રશ્ન # ૧
તમારી બચતનું તમે રોકાણ કર્યું છે ?
પ્રશ્ન # ૨
તમે રોકાણ માટે કોઈ વ્યાવસાયિક મદદ લીધી છે?
પ્રશ્ન # ૩
જ્યારે તમારે બચતનો ઉપાડ કરવો પડે તેમ હોય ત્યારે તમે કરેલી બચત તમને કામ આવી શકશે એવો તમને વિશ્વાસ છે ? ઉપાડ કરવાનો સમય આવે ત્યાં સુધી તમારી બચત પર્યાપ્ત વળતર આપતી રહે છે ખરી?
પ્રશ્ન # ૪
તમને કોઠે ધરપત રહે એ માટે કેટલું રોકાણ પૂરતું ગણશો?
પ્રશ્ન # ૫
તમારી પાસે ફાજલ રોકાણ હોય, તો, તેનો ઉપાડ કરીને તમારા માટે ખર્ચ કરવાનું પસંદ કરશો કે બીજાંઓ માટે ખર્ચ કરવાનું પસંદ કરશો?
પ્રશ્ન# ૬
તમારાં અંગત સંસાધનોનું તમે શી રીતે રોકાણ કરો છો? તમારા પોતાના સમય, પ્રયત્નો અને મહેનત કે તમારી સેવાઓનું જે રોકાણ કરો તેના પર તમે વળતરની અપેક્ષા રાખો છો? કે પછી તમારી ફાજલ સંપત્તિ તમે એમ ને એમ આપી દેવાનું પસંદ કરશો?
રોકાણોનો ઉપાડ
પ્રશ્ન # ૧
તમે કરેલું રોકાણ ઉપાડી લેવાની જરૂર છે? ઉપાડ કરવો અત્યાવશક છે?
પ્રશ્ન # ૨
કયા હેતુઓ માટે નાણાનો ઉપાડ કરવાની ફરજ પડે છે?
તમારી પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે ખર્ચ કરવાનું છે? કે તમારાં સ્વજનો, કે સંતાનો કે બન્નેને, મદદ કરવા માટે ઉપાડ કરવો પડે છે?
કે પછી, એ બન્ને કારણોસર નહીં, પણ બીજાંઓની મદદ કરવા ઉપાડ કરવો પડે છે?
પ્રશ્ન # ૩
કોઈ પણ જાતનાં વળતરની અપેક્ષા રાખ્યા વિના બીજાં લોકોને મદદ કરવા ઉપાડ કરી રહ્યાં છો?
પ્રશ્ન # ૪
તમે ક્યારે ક્યારે ઉપાડ કરો છો? નિયમિતપણે, કે પછી જ્યારે તાકીદની જરૂરિયાત ઊભી થાય ત્યારે, કે તમે જીવનના એ તબક્કે પહૉચ્યાં છો જ્યારે તમારે બીજાંઓ સાથે વહેંચણી કરવાની જરૂર / પૂર્વઆયોજિત સમય આવી પહોંચ્યો છે ત્યારે?
પ્રશ્ન # ૫
નાણા ઉપાડતી વખતે તમને ડર લાગે છે? તમારી ભવિષ્યની જરૂરિયાતો બાબતે અચોક્કસતા છે ?
કે પછી રોકાણનો હાલ ઉપાડ કરવાને બદલે, તમારાં નાણા અને સંપત્તિનો ઉપયોગ કરીને તમારાં રોકાણને જાળવી રાખવા માગો છો?
હવે પછીના મણકામાં આપણે આપણાં જીવનની અર્થવ્યવસ્થાનાં મૉડેલનો નીચોડ – બે રેખાકૃતિઓ માટે વિચારણા કરવા અંગેના કેટલાક મહત્ત્વના પ્રશ્નો’ વિશે વાત કરીશું..
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઓળખની જેલના કેદીઓ
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
આખેઆખું મહારાષ્ટ્ર જેમની પાછળ ઘેલું થયું હતું તેવા ચોસઠ કળાના જાણકાર તથા પુ લ દેશપાડે નામે જાણીતા લેખકે પોતાના એક લેખમાં હાસ્યલેખકના દુ:ખો વર્ણવ્યા છે. કોઇ ગંભીર લેખમા પણ વાચકો તેમની પાસે હાસ્યરસની જ અપેક્ષા રાખતા હોય છે. માત્ર લેખમાં જ નહિ પરંતુ કોઇ ગંભીર વિષયના પ્રવચનમાં પણ લોકો ‘ક્યારે પેલો હસવાવાળો ભાગ આવે’ તેની જ રાહ જોતા હોય છે.
મારી પોતાની જ વાત કરું તો મેં હળવા કરતા ગંભીર લખાણો વધારે લખ્યા છે. પણ વાચકો મારા ગંભીર લખાણોને ગંભીરતાથી લેતા નથી. મારા હળવા લેખોને જ તેઓ માન્ય કરે છે. આમ તો મેં લખવા ઉપરાંત ભાષણ કરવાના પણ પ્રયાસો કર્યા છે જેનો મારો તથા શ્રોતાનો અનુભવ ભાગ્યેજ સુખદ રહ્યો છે. જ્યારે પણ પ્રવચન કરું છું ત્યારે મારાંમાં ગીતાના પ્રથમ અધ્યાયનો અર્જૂન પ્રવેશી જાય છે. અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી જાય છે તેમ મારા હાથમાંથી કાગળ સરી જાય છે. અર્જૂનના સમગ્ર ગાત્રો ધ્રૂજે છે જ્યારે મારા બધાજ ગાત્રોની ધ્રૂજારી માત્ર મારા પગમાં કેન્દ્રિત થઈ જાય છે. ભાષણના નવા નિશાળિયા અને ચરણનાં કંપનને શો સબંધ છે તે મને આજસુધી સમજાયુ નથી. કોઇ ડોકટર કે મનોવિશ્લેષક ક્યારેક આ કોયડાનો ઉકેલ લાવશે. હાલ તો દુ:ખે પેટ અને કૂટે માથુ, ખાય મોં અને લાજે આંખો એ કહેવતોમાં બોલે જીભ અને ધ્રૂજે પગ એ કહેવત ઉમેરું છું.
મારા આવા એક ગંભીર પ્રવચનને અંતે શ્રોતાઓએ મને ફરિયાદ પણ કરી કે તમારા પ્રવચનમાં મજા ન આવી કેમ કે તેમાં હસવા જેવું કશું હતું જ નહિ. (શ્રોતાઓએ મારા હાથમાંથી કાગળ સરી જવાથી તથા મારા ચરણકંપનોથી તેમને થયેલી રમૂજ તેમના વિવેકની સહાયથી ગુપ્ત રાખી હશે) ટૂંકમાં કોઇપણ હાસ્યલેખક કે વક્તા હાસ્યકારની ભૂમિકામાંથી બહાર આવવા પ્રયાસ કરે તો લોકો જબરદસ્તીથી તેમને હાસ્યકારની ઓળખના પિંજરામાં ધકેલી દેતા હોય છે.
માત્ર હાસ્યલેખકો બાબતે જ નહિ પરંતુ ઘણીબધી ઓળખો બાબતે આવું બનતું હોય છે. શરૂઆત બાળપણથી જ થાય છે. કેટલાક વાલીઓ પોતાના બાળક માટે કહેતા હોય છે “અમારો ડીકો તો બહુ જ ડાયો છે” જો આ સાંભળીને ડીકો પોતાના ડાયાપણાને સ્વીકારી લે તો તેનું આવી જ બન્યું સમજો. અન્ય બાળકો જ્યારે ધીંગામસ્તીનો આનંદ લેતા હોય છે ત્યારે જેમ ડાયાબિટિસનો દર્દી કોઈને મીઠાઇ ખાતા જોઈ રહે છે તેમ પેલું બાળક પોતાનાં ડહાપણના લેબલવાળા પિંજરામાં મોં વકાસીને બેસી રહે છે. આવું જ (અભ્યાસમાં) હોંશિયાર કહેવાયેલા બાળક સાથે બને છે. અન્ય બાળકો જ્યારે રમતગમત કે અન્ય બાળસહજ પ્રવૃતિ કરતા હોય છે ત્યારે આ હોંશિયારે તો ચોપડી પકડીને જ બેસી રહેવું પડતું હોય છે.
ઘણાબધા લોકો પોતાની ઓળખને એટલી દૃઢ બનાવી દે છે કે તેમને પિંજરામાંથી બહાર નીકળવાથી પોતાનું અસ્તિત્વ જ ભુંસાઈ જવાનો ડર લાગે છે. સાદગીના પિંજરામાં પુરાયેલાને થોડો વૈભવ માણવાની લાલચ થાય તો ચૂસ્ત શાકાહારીને આમ્લેટ ખાવાનું મન થવાથી થાય તેવો અપરાધભાવ થાય છે. આ ઉપરાંત પોતે લોકનજરે જે કાંઈ છે તે પોતાની સાદગીના કારણે જ છે એવી ભ્રામક માન્યતાને કારણે પોતાની સાદગી નામની જેલમાંથી બહાર નીકળતા નથી.
સ્વ. વિનોદ ભટ્ટે ‘વિનોદની નજરે’ નામના પોતાનાં પુસ્તકના આદિલ મન્સૂરી વિશેના લેખમાં એક પ્રસંગ ટાંક્યો છે. આદિલ મન્સૂરીએ રાત્રે બે વાગ્યે કોઇ કોલેજના પ્રિન્સિપાલને ફોન કર્યો. પેલા પ્રિન્સિપાલ ફોન ઉઠાવીને બોલ્યા “હું પ્રિન્સિપાલ ‘ફલાણો’. બોલો શું કામ છે?” આદિલે તેમને કહ્યું કે રાત્રે બે વાગ્યે પણ આપ પ્રિન્સિપાલ છો એ ભૂલતા નથી?!
અમારા એક મિત્ર માટે તેમના ધર્મપત્ની તો જ્યારે અને ત્યારે કહેતા જ હોય છે “આમારે એમને તો કાયમ સાચું કહેવા જોઈએ” આ રીતે તેમણે પોતાના કંથને સત્યવાદીના પાંજરામાં પૂરી દીધા. મિત્રની એવી માન્યતા છે કે સાચું બોલતી વખતે કોઈને માઠું લાગે તો તેની પરવા કરવી ન જોઈએ. કાળક્રમે કોઈ શબ્દ બાબત બને છે તેમ આ માન્યતા પણ અપભ્રંશ પામીને ‘કોઇને માઠું લગાડીએ તો જ સાચું બોલ્યા કહેવાય’ એ પ્રકારનાં સત્યમાં પરિણમી. આથી મિત્ર હંમેશા એવા વચનની શોધમાં રહે છે કે જે વદવાથી કોઇને માઠું લાગે!

લોખંડી મુખૌટામાં છુપાયેલો માણસ – ભુલે ચુકે પણ જો પોતાની ઓળખ છતી કરી દે તો માથું વાઢી નાખવામાં આવશે એવી સ્થિતિમાં કેદની સજા ભોગવતો કેદી
સાંદર્ભિક તસવીર – સ્રોતઃ Unmasking the ‘man in the iron mask’: do we know the identity of the famous prisoner? – Josephine Wilkinsonકેટલાક લોકોનો અન્યને કોઇ પાંજરામાં પૂરી દેવાનો હેતું પોતાનો ફાયદો મેળવી લેવાનો હોય છે. ઘણી વાર એવું બને છે કે મિત્રો ભેગા મળીને પોતાનામાંથી એકને વારેવારે કહેતા હોય છે કે તમે તો ખૂબ ઉદાર છો. આમ તેમના પર ઉદાર વ્યક્તિનું લેબલ મારીને ઉદારતાના પિંજરમાં પૂરી દે છે. પેલા ભોળા મિત્ર તેમાં આબાદ સપડાઈ જાય છે. આથી જ્યારે બધા મિત્રો હોટેલરેસ્ટોરેન્ટમાં જાય ત્યારે બિલ તો પેલા ઉદાર મિત્રને જ ચૂકવવું પડે છે!
લાચાર હોવાથી મહિલાઓએ યુગોથી અન્યાય સહન કરતા રહેવું પડ્યું છે. પછી સ્વાર્થી પણ ચાલાક પુરુષ જાતિએ સૂત્ર વહેતું મૂક્યું ‘સ્ત્રી તો સહનશીલતાની મૂર્તિ છે.’ મોટાભાગની મહિલાઓએ આ સ્વીકારી લીધું અને આજે પણ તેઓ સહનશીલતાની જેલમાં કેદી તરીકે જીવન ગાળે છે.
સભ્ય સમાજમાં કેટલીક જેલો માણસોને જન્મતાની સાથે જ મળતી હોય છે. આવી સૌથી મોટી અને વિશિષ્ટ જેલ ધર્મ નામે ઓળખાય છે.(આચાર્ય, ભગવાન અને ઓશો એમ ક્રમસર ઉત્ક્રાંતિ પામેલા રજનીશના મત મુજબ આ પ્રકારની કુલ ત્રણસો જેલો છે.) આ દુનિયામાં પ્રવેશતાની સાથે માણસ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ કે પારસી નામની કોઇપણ જેલમાં પૂરાઈ જાય છે. માત્ર એટલું જ નહિં આગળ જતા આ પ્રકારની જેલના કેદીઓ પોતાની જેલને જ સાચું સુખધામ માને છે અને અન્ય જેલના કેદીઓ દોજખમાં પડશે એ બાબતે ચિંતિત રહે છે. સામાન્ય જેલોના જેલરો પોતાની જેલમાં ભીડ ઓછી થાય તેમ ઈચ્છે છે પરંતુ, ધરમની જેલના જેલરો તો પોતાની જેલમાં વધુ ને વધુ કેદીઓ આવે તે હેતુથી અન્ય જેલના કેદીઓની બદલી પોતાની જેલમાં કરાવવા સતત પ્રયાસો કરતા હોય છે.
ધર્મના લેબલ ધરાવતી જુદી જુદી જેલોના કેદીઓ વચ્ચે ભીષણ સંગ્રામોથી ઇતિહાસનાં પાના ભરેલા છે. વળી જોવાની ખૂબી એ પણ છે કે આ જેલોની અંદર પણ સંપ્રદાયો નામના અલગ અલગ વોર્ડ હોય છે. સામાન્ય જેલના લોકો ખાસ કારણ વિના અન્ય વોર્ડના કેદીઓ સાથે લડતા નથી હોતા અને ક્યારેક તો તેમની વચ્ચે ભાતૃભાવ પણ હોય છે પરંતુ અહીં સંપ્રદાયના વોર્ડના દરેક કેદીને અન્ય વોર્ડના કેદી સાથે હંમેશા પિતરાઈનો ખાર હોય છે. આવુ જ રાષ્ટ્રીયતા બાબતે છે. માણસ જે દેશમાં જનમ્યો તે દેશના રાષ્ટ્રવાદનો કેદી બનીને રહે છે. દરેક દેશનો યુધ્ધખોર નેતા જાણે છે કે નાગરિકોને આ પ્રકારની જેલમાં કેદ કર્યા વિના યુધ્ધો થઈ શકતા નથી
મારા એક પરિચિત વ્યક્તિ જાણે કોઇ સંપ્રદાયની કંઠી પહેરી લીધી હોય તે રીતે રેશનાલિસ્ટ બની ગયા છે. જેમ સાચા ભકતને ભગવાનનું સતત સ્મરણ રહે. તેમ આ મિત્ર પોતે રેશનાલિસ્ટ છે તે વાત ક્ષણભર પણ ભૂલતા નથી. તેમના મિત્રોના નામ ઇશ્વરભાઈ, પ્રભુદાસ, રામલાલ કે કિસનભાઈ હોવામાં પણ તેમને પોતાનું રેશનાલિઝમ વટલાઈ જતું હોય તેમ લાગે છે. કોઈ અંધશ્રદ્ધાળુંને પ્રસ્થાન કરતી વખતે બિલાડી આડી ઉતરવાથી જેવી લગણી થાય તેવી જ લાગણી આ ભાઈને રસ્તામાં મંદિર, મસ્જિદ કે ચર્ચ આવે તો થાય છે. આમ તેઓ રેશનાલિઝમના પિંજરામાં -અલબત રાજીખુશીથી -પુરાઈ રહ્યા છે.
વિચાર અને ધારા એ બે શબ્દોથી બનેલા શબ્દ વિચારધારામાં ઉત્તર પદ ધારા તો વહેવાની કે ગતિશિલતાની દ્યોતક છે. પરંતુ વહેવારમાં તો તેમાં બંધિયારપણું જ દેખાતું હોય છે. વળી સૌથી વધારે કહેવાતા બુદ્ધિજીવી કેદીઓ આ વિચારધારાઓની જેલોમાં હોય છે. કોઇ સામ્યવાદી તો કોઈ મૂડીવાદી, કોઇ લોક્શાહીનો પુરસ્કર્તા તો કોઇ સરમુખત્યારશાહીનો, કોઇ પરંપરાવાદી તો કોઇ પરંપરાભંજનનો આગ્રહી બનીને પોતાના માટે જેલ ઊભી કરી દેતો હોય છે. ક્યારેક મુક્તપણે વિચારતા આ જેલમાં કોઇ બારી દેખાય તો અંતરાત્માને ચૂપ કરી દઈને ઠીક લાગે તેવી દલીલ વડે તેઓ બારી જાતે જ બંધ કરી દે છે.
વર્ષોથી ગુલામી ભોગવતા દેશ કે વ્યક્તિને જેમ ગુલામી કોઠે પડી જાય છે તથા તેની બહાર નીકળવામાં અસલામતી લાગે છે તેમ ઓળખની જેલમં પૂરાયેલા કેદીઓને બહાર નીકળવામાં પોતાનું અસ્તિત્વ જોખમમાં આવી જવાનો ડર લાગે છે. ઉપરાંત જેમ અદ્વેતવાદી આત્મા અને પરમાત્માંમાં ઐક્ય જુએ છે, જેમ ભ્રમરનું ચિંતન કરતો કિટક પોતે ભ્રમર બની જાય છે તેમ આ કેદી પિંજર સાથે તાદાત્મ્ય અનુભવે છે. પિંજરે પૂરાયેલા પક્ષીને લાંબે ગાળે મુકત ગગન શું છે તેની જાણ નથી હોતી તેમ આપણા આ કેદીઓને પણ બહારની દુનિયા બાબતે ખ્યાલ નથી હોતો.
આમ કુદરતે માનવીને અનંત બ્રહ્માંડ આપ્યું છે, તો પણ તેણે વિકાસના ઉપક્રમમાં જેલો બનાવી દીધી છે. કોઇને સમાજ ઓળખની જેલમાં રાખી મૂકે છે તો કોઈ જાતે જ આવી જેલના કેદી બનીને રહે છે. આધ્યાત્મિક માર્ગોમાં મુક્તિ માટેના જે પણ ખ્યાલો હોય પરંતુ જેને ફાની કહીએ છીએ તે દુનિયામાં તો ખરેખરી મુક્તિ આપણી ઓળખની જેલમાંથી બહાર આવીને “સિતારો સે આગે ભી જહાં હૈ” એ સત્યનો સ્વીકાર કરવામાં છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
વેડછી પ્રયોગના પર્યાયપુરુષ ‘જુગતરામ દવે!’
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જો તજોતામાં વેડછી સ્વરાજ આશ્રમને સો વરસ થઈ ગયાં! તેરમી મેના રોજ અશોક ચૌધરી અને સાથીઓના સદભાવથી આ શતવર્ષી નિમિત્તે ‘સ્વરાજની સંકલ્પના’ આસપાસ થોડા વિચારો રજૂ કરવાનું બન્યું ત્યારે સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વરાજ નિર્માણના દાયકાના દાયકા ચિત્તપટ પર કેમ જાણે ચિત્રપટ પેઠે ઊતરી આવ્યા હતા. ઘણી વાર એમ લાગે છે કે આપણે વિસ્મૃતિના અજબ જેવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ.
આ લખું છું ત્યારે સાંભરે છે કે ગુજરાતના અલગ રાજકીય એકમની સ્થાપનાને પચાસ વરસ થયાં તે નિમિત્તે ૨૦૧૦માં રાજ્ય સરકારે તંત્ર મારફતે ગામોગામ ઠામોઠામ ઉજવણીનો પરિપત્ર કાઢેલો. શું શું કરી શકાય, એના એક સૂચન રૂપે એમાં ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક રવિશંકર મહારાજને યાદ કરવાનીયે વાત હશે એટલે સુરત કને કોઈ તાલુકા મથકે જે પ્રસંગનું આયોજન થયું એમાં શ્રી શ્રી રવિશંકરની છબિ મૂકાયાના હેવાલો હતા. કેમકે વેડછી પંથકની વાત કરું છું, સુરત ભણીનો આ દાખલો લગરીક શૂળ પેઠે સાંભરી આવ્યો. પણ આવાં દૃષ્ટાંત તમને વડોદરા-અમદાવાદ-રાજકોટ આસપાસ નહીં જ જડે એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી.
ગમે તેમ પણ, આપણે વેડછીની વાત કરતા હતા- એ વેડછીની, જેનો સોજ્જો અભ્યાસ ગુજરાતના શીર્ષ સમાજશાસ્ત્રી આઈ. પી. દેસાઈએ વારાણસીના ગાંધિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝના કહ્યે હાથ ધર્યો હતો.
વેડછી આમ તો જૂના વારાના સુરત મહાલનું કહો કે છેવાડાનું ગામ. સ્વરાજ ચળવળમાં વધારે ચમકેલું નામ બારડોલીનું, જેણે વલ્લભભાઈને ‘સરદાર’ બનાવ્યા. એ તો જોકે જરી મોડેથી, ૧૯૨૮માં, પણ જેમાં વલ્લભભાઈની હૂંફે પણ જુગતરામ દવે જેવાના તપે સાંસ્થાનિક સંક્રાન્તિમાંથી સ્વરાજ નિર્માણનો રોડમેપ કહેવાય એવું કાંક ઉપજાવી જાણ્યું એ તો બારડોલીથીયે વળી અંતરિયાળ વેડછી: ત્યાંથી જે બની આવ્યું તે સમાજશાસ્ત્રી આઈ. પી.ના શબ્દોમાં ‘વેડછી મુવમેન્ટ’ (વેડછી આંદોલન) એવી ઓળખ પામ્યું છે.
કોણ હતા આ જુગતરામ જે વેડછી પ્રયોગના પર્યાયપુરુષ રૂપે ઉભર્યા?
મૂળ લખતરના પણ દક્ષિણ ગુજરાતમાં વેડછીના વતની થઈને રહ્યા, જેમ હળવદના બબલભાઈ ખેડા પંથકમાં થામણાના થઈને રહ્યું. કરાંચીમાં ઉચ્ચ ભણતરની તક હતી, પણ ‘કાલેલકરના લેખો’ વાંચ્યા પછી ગામડું સાદ દેતું હતું- અને એ બબલભાઈને છેવટ જતાં થામણા લઈ ગયું. જુગતરામ મુંબઈના હાજી મોહમ્મદના ‘વીસમી સદી’માં કામ કરતા હતા ત્યાંથી સ્વામી આનંદના સંપર્કે કાલેલકર પાસે પહોંચ્યા અને ગ્રામસેવા ને શિક્ષણના ક્ષેત્રે સ્વરાજ સૈનિક થઈને રહ્યા.
બારડોલી અને ખેડૂતોની વાત આપણે એક ઈતિહાસવસ્તુ તરીકે ખાસી કરતા હોઈએ છીએ, પણ એને અતિક્રમીને વેડછીની વાત કરીએ ત્યારે આપણા ભારતીય સમાજમાં જે આખાના આખા પ્રજાવર્ગો લગભગ છૂટી ગયા જેવા હતા- પેલું કહે છે ને કે દસાડા દફતરમાં નામ જ નહીં, એવું કાંક- તે પૈકી આદિવાસીઓ પણ છે સ્તો. આમ તો એ કાળી પરજ તરીકે ઓળખાય પણ સમાનતાલક્ષી નવયુગી સંદર્ભમાં એમને વાજબી રીતે જ ‘રાની પરજ’ શી નવી ઓળખ મળી. જે કેટલાક સ્વરાજ સૈનિકોએ આ રાની પરજમાં ભળી જઈ જાગૃતિ અને નવસંસ્કારનું કામ કીધું, એમાં જુગતરામ દવે (આમ તો ધીરે ધીરે એ જુ’કાકા એટલે જુગતરામ કાકા તરીકે પંકાયા) એક મોખરાનું નામ છે.
ખેડૂતોની વાત આપણે કરીએ છીએ પણ જમીનદારો તળે ચંપાતા હાળીઓની તો વાત જ કરતા નહોતા. આદિવાસીઓ વચ્ચે રચનાત્મક કામ અને પાયાના શિક્ષણ વાટે જુગતરામ કાકા અને સાથીઓએ હાળીને હળપતિ બનાવ્યા. એમને શિક્ષિત કરવાની કોશિશે સ્વાતંત્ર્ય લડતના સમર્થક સમ્પન્નોને ચિંતામાંયે નાખ્યા હતા કે આ લોકો ભણશે તો આપણાં કામ કોણ કરશે. એમની જાગૃતિ વર્ગસંઘર્ષ નો’તરશે એવીયે ફરિયાદ સરદાર સુધી પહોંચી હતી. સરદારે જોકે ફરિયાદીઓને સમજાવ્યું કે જુગતરામ ને બીજા છે તો ન્યાય ને સમન્વયની એમની રીતે સંઘર્ષ નિવારી શકાશે. કેટલીક વાર જુગતરામ અને એમના સાથીઓએ ઉજળિયાતોનો વિરોધ વેઠીને સમજાવટ છતાં મક્કમતા સાથે કામ પણ લીધું હશે.
તમે જુઓ, આ જે જાગૃતિ આવી, ખાદી કામની સંગઠના થઈ, જંગલ સહકારી મંડળીઓ બની, શિક્ષણ પ્રસર્યું, આદિવાસી બાળકોના સરળ સામાજિકીકરણની કોશિશ રૂપ ‘બાલવાડી’નું હવે ભારતસ્વીકૃત દૃષ્ટાંત ઉભર્યું, ગાંધીની સ્વરાજ લડત સાથે આદિવાસી જાગૃતિની અનોખી ગાંઠ બંધાઈ, કેટલી મોટી વાત હશે !
ઉમાશંકર જોશીએ એકવાર જુ’કાકા વિશે વાત કરતાં જયપ્રકાશને જરા જુદી રીતે સંભાર્યા હતા કે પોતે એમને મળ્યા ત્યારે જેપીએ પૂછ્યું કે હમણાં કોઈ નવી રચના? તો, હિંદીમાં ‘રચના’ એ પ્રયોગ કોઈ કૃતિ માટે તેમ પ્રત્યક્ષ કાર્ય એમ બેઉ અર્થમાં થાય છે: ઉમાશંકરે કહ્યું જુ’કાકા અમારામાંથી છટકી ગયેલા રચનાકાર છે. કેવળ એક જ રચના ‘અંતરપટ આ અદીઠ’ થકી પણ એ કવિ તરીકે સુપ્રતિષ્ઠ થઈ ગયા હતા. પોતે જેલમાં છે એટલે ભીંતની આડશને એમણે અંતરપટ કહી છે. આ અંતરપટ, મને લાગે છે, કથિત ઉજળિયાત અને આદિવાસી વચ્ચેનુંયે છે. તે ગયા વિના ‘ચેન પડે નહીં ચિત્ત’ એવો ઘાટ છે.
જોકે, જુગતરામ કાકાના જીવનકાર્યને સંભારું ત્યારે રવીન્દ્રનાથની એમણે ગુજરાતીમાં ઉતારેલી રચના મને હંમેશ પ્રધાનપણે સાંભરે છે:
ચરણ આપના ક્યાં વિરાજે…
નીચાંમાં નીચાં, દૂબળાં બાપડાં જ્યાં-
ચરણ આપના ત્યાં વિરાજે, ચરણ આપનાં ત્યાં!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨ – ૦૫ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક છઠ્ઠો: પ્રવેશ ૨

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક છઠ્ઠો: પ્રવેશ ૧ થી આગળ
પ્રવેશ ૨ જો
[જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે. ]
દુર્ગેશ : તે પછી તમે એને દીઠી જ નથી?
જગદીપ : ફક્ત એકવાર દીઠી છે. હોડીનો એ અકસ્માત બન્યો તે દિવસે હું કોટ બહાર આવ્યો, પછી તરત નદી પરનો ઝૂલતો ઝાંપો તૂટ્યો હતો ત્યાંથી સાંધી લેવામાં આવ્યો. સાંજ સુધી હું ત્યાં રહ્યો, પણ કોઈ જણાયું નહિ. જે ચંબેલીના છોડ આગળથી હોડી પ્રથમ ડૂબતી મારી નજરે પડી હતી ત્યાં બીજે દિવસે સવારે મોટો મગરમચ્છ મરેલો પડ્યો હતો. તે જોવા એ યુવતી પરિચારિકાઓ સાથે બહાર આવી હતી. આઘેથી તેમને જોઈ તેમને
પાછા ફરવાના માર્ગ પર આવેલા શિવાલયના ઓટલા પર જઊને હું બેઠો. પાસે અવતાંપરિચારિકાઓએ મને જોઈ મારા ભણી રોષભરી દૃષ્ટિ કરી.
દુર્ગેશ : અને એ યુવતીએ ?
જગદીપ : એ તો
(ઈન્દ્રવિજય)
ચાલી ગઈ મુજ આગળથી મુખ રાખિ નિચું, હઇયું ઉભરાતું,
થોભિ અગાડિ જઈ લટને અમથી જ સમારિ કરી મુખ પાછું;
ને જરિ ચોરવિ દૃષ્ટિ કરી મુજ સામિ, પછી, મુખને મલકાવ્યું,
પાછિ ફરી પછિ ચાલિ ગઈ, દઈ સંશય-શું કંઈ સ્વપ્ન જ આવ્યું ? ૭૦દુર્ગેશ : અને, હવે સ્વપ્નાવસ્થા ચાલે છે કે સંશયાવસ્થા ?
જગદીપ : મારી વિહ્વલતા હાસ્યપાત્ર ભાસતી હશે, પણ તેનો ઉપાય એ યુવતીના પુનર્દર્શન વિના બીજો એકે નથી.
દુર્ગેશ : એનું નામ કાંઈ જાણવામાં આવ્યું ?
જગદીપ : એના નામથી શબ્દથી મારા કર્ણ ધન્ય થયા નથી. એની એક પરિચારિકાનું નામ લેખા છે.
દુર્ગેશ : સ્વામીથી સેવક ઓળખાય કે સેવકથી સ્વામી ઓળખાય ?
જગદીપ : જગતના બધાં સિદ્ધાંતો મારી સ્મૃતિમાંથી ખસી ગયા છે. મને યાદ આવે છે કે લેખાએ એને ‘કુંવરીબા’ કહી હતી.
દુર્ગેશ : ‘કુંવરીબા’? અહીં તો કોઈ કુંવરી નથી. પર્વતરાયને પ્રથમનાં રાણીથી એક કુંવરી હતી. તે તો કેટલાંક વર્ષ પર કાંઈ ભેદભરેલી રીતે ગુજરી ગઈ. અને ‘કુંવરી’ કહેવાય એવી કોઈ બાલા અહીં છે જ નહિ.
જગદીપ : ત્યારે આ મહેલમાં કોણ રહે છે ?
દુર્ગેશ : એ મહેલમાં કોઈ કાયમ રહેતું નથી. એ મહેલ રાણીસાહેબના ખાસ તાબામાં છે, અને તેઓ કોઈ વખત અહીં આવે છે. એમની રજા સિવાય કોઈ એ મહેલમાં જઈ શકતું નથી. એ મહેલની વ્યવસ્થા અને ખર્ચ પણ લીલાવતીને હસ્તક છે. મંત્રીશ્વરને પણ એ સંબંધે કાંઈ વ્યવહાર કરવાનો નથી; બધું લીલાવતી જ કરે છે. એ યુવતી તે લીલાવતી તો નહિ જ?
જગદીપ : બેશક નહિ. એનું વય લીલાવતીથી કાંઇક ઓછું છે, પણ એનું સૌન્દર્ય લીલાવતીથી સહસ્ત્રગણું વધારે છે. લીલાવતીને મેં જોઈ ત્યારે તેનું સૌન્દર્ય મને અનુપમ લાગેલું, પરંતુ હવે મને સમજાયું કે ઉપમાનોના વિશાળ સંગ્રહનો ચિત્તમાં સંચય કર્યા વિના ‘અનુપમ’, ‘અતુલ્ય’, ‘અપૂર્વ’, સર્વોત્કૃષ્ટ’, ‘અલૌકિક’ એવાં વિશેષણો વાપરવા એ માત્ર મૂર્ખતાનો આડંબર છે; પણ એ અજ્ઞાત સુન્દરીનું વર્ણન કરવા માટે વિશેષણ કે ઉપમાનોની જરૂર જ નથી.
(હરિગીત)
શું ધરતી કે શું પાણિ કે શું પવન કે શું માનવી,
જે જે ઘડીએ ધન્ય થાતું એહના સંસર્ગથી
તે તે ઘડીએ દાખવે સૌન્દર્ય પોતાનું ઉંડુ,
ને તૂટતો સંસર્ગ જ્યાં કદ્રપ ત્યાં તે થઇ જતું. ૭૧એ નિશાની એને ઓળખવાને બસ છે.
દુર્ગેશ : એવી કોઇ સ્ત્રી આ દેશમાં વસતી હોવાનું કમલા જાણે છે કે કેમ તે હું પૂછી જોઈશ. પુરુષોને ખબર ન હોય, પણ સુન્દર સ્ત્રીની સ્ત્રીઓને ખબર ન હોય એમ બનતું નથી. પણ અત્યારે આપણે બન્ને તપાસ કરીએ. કોઈ નોકર ચાકરો મહેલના કોટમાં જતા આવતા નજરે પડ્યા છે?
જગદીપ : બીજી વાર એ સુન્દરી જોઈ ત્યાર પછી હું મહેલને ચારે તરફ ફરી વળ્યો છે. પાંચ દિવસથી એ પ્રદક્ષિણા કરું છું. તરાપો બનાવી તે પર નદી ઓળંગી બન્ને પારના કોટના એકેએક દ્વાર આગળ વાટ જોઈ બેઠો છું, પણ કોઈ દ્વાર ઊઘડતું નથી ને કોઈ માણસ નીકળતું નથી કે પેસતું નથી. માત્ર અત્યારે કોટાનું આ મુખ્ય દ્વાર ઊઘડે છે, તેમાંથી અંદર રહ્યું રહ્યું કોઈ એક રાતી ગાયને બહર કાઢે છે ને એક રબારી બહારથી દરવાજા આગળ આવે એ ગાયને ચરાવવા લઈ જાય છે. સાંજે તે ગાયને પાછી દરવાજા આગળ લઈ આવે છે ત્યારે દરવાજો ઉઘડે છે. દરવાજા આગળ અંદરથી કોણ આવે છે તે જણાતું નથી, અને રબારી દરવાજાથી આઘો ઊભો રહે છે.
દુર્ગેશ : રબારી સવારે ક્યારે આવે છે ?
જગદીપ : હવે વખત થયો છે, અને તે જ માટે હું આ તરફ આવ્યો છું. સવારસાંજ દરવાજો ઊઘડતો જોવાનો સંતોષ મેળવું છું.
દુર્ગેશ : એથી કાંઈ વધારે સંતોષ મેળવવાનો માર્ગ કદાચ એ પ્રસંગે જડી શકશે.
જગદીપ : શી રીતે ?
દુર્ગેશ : એ યુવતીના દૃષ્ટિપાત અને સ્મિતનો જે વિભ્રમ તમે વર્ણવ્યો તે પરથી જણાય છે કે એનું હ્રદય તમારામાં આસક્ત થયું હોવું જોઈએ, અને એ પણ તમારા દર્શન માટે ઉત્કંઠિત થઈ હોવી જોઈએ.
જગદીપ : એવાં અનુમાન બાંધ્યાથી શું હાથમાં આવ્યું.
દુર્ગેશ : પ્રેમમાં પણ ધીરજ વિના ચાલે તેમ નથી. અનુમાન બાંધ્યાથી તો સ્વર્ગનો માર્ગ પણ હાથ લાગે છે. તમે
ઉત્કંઠિત થઈ બહાર ફરતા હશો એમ પણ એ યુવતી ધારતી હોવી જોઈએ. અને, માત્રા આજ દ્વાર ઉઘડે છે અને તેમાંથી આ ગાય બહાર આવે છે એ સ્થિતિ તો એ જાણતી જ હોવી જોઈએ. તો એ ગાય બહાર આવવાના પ્રસંગે એ કાંઇ સંદેશ મોકલવાનો પ્રયત્ન કરે એમ કેમ ન બને?
જગદીપ : જુઓ પેલો રબારી આવે છે ને દરવાજા તરફ જાય છે.
[રબારી આધેથી પ્રવેશ કરે છે.]
પેલો દરવાજો ઊઘડ્યો, અને ગાય બહાર આવી, દરવાજો પાછો વસાઈ પણ ગયો.
દુર્ગેશ : ગાય રળિયામણી દેખાય છે. એને ગળે કોડીઓની માળા બાંધેલી છે. ચાલો,આપણે એ ગાય ને રબારી પાસે જઈએ.
[બન્ને તે તરફ જાય છે]
દુર્ગેશ : રામ રામ ! ભાઈ રાયકા !
જગદીપ : રામ રામ.
દુર્ગેશ : અમે આ ગાયને જરાક પરસાદ ખવડાવીએ ? અમે ક્યારના લાલ ગાય ખોળીએ છીએ.
રબારી : ખવરાવોને. રાંધ્યું ખાધાનો તો ઇ ને ધખારો સે. (ડાંગ પર મોઢું ટેકવીને ઊભો રહે છે.)
દુર્ગેશ : (ભાથામાંથી થાળી છોડી ગાયના મોં આગળ ધરીને ગાયને ખવડાવતાં) આ કોની ગાય છે?
જગદીપ : પરભુ જાણે ચેની સે.
દુર્ગેશ : તમને ચરામણ કોઈ આલતું હશે ને?
રબારી : ઈ તો દરબારમાંથી મળે સે. આ ગા ખાઈ રહી. (ગાયને) હેંડ હવે ટેંબા ભણી
[ડચકરા બોલાવતો ગાયને હાંકી જાય છે.]
જગદીપ : સ્વર્ગેય ના જડ્યું ને સ્વર્ગનો માર્ગેય ના જડ્યો. પૃથ્વી પર હતા તેમ જ છીએ.
દુર્ગેશ : જુઓ ! આ વિમાન જેવું તો કાંઈ દેખાય છે.
[પોતાના હાથમાંનો કગાળનો ડૂચો બતાવે છે.]
જગદીપ : એ ક્યાંથી જડ્યો ?
દુર્ગેશ : ગાયની પાસે ઊભા રહી એને ખવડાવતાં બારીક નજરે જોતાં એને ગળે બાંધેલી કોડીઓમંથી વચલી મોટી કોડીમાં કાંઈ જણાયું. તે મેં હળવે રહી ખેંચી લીધું. હું રબારીને મારું ઓઠું કરીને જ ઊભો હતો, એટલે એને દેખાયું નહિ. હવે જુઓ, એ કાગળમાં કાંઈ સત્ત્વ છે?
જગદીપ : (કગળ ઉઘાડે છે.) કાંઈ કવિતા લખેલી છે. (વાંચે છે.)
(ઉપજાતિ)
એકાન્તવાસી ઋજુ બાલિકાને,
લઈ ઉપાડી જલસ્રોતમાંથી,
શા આ બિજા સ્રોત અગમ્યમાંહે,
મૂકી તણાતી અસહાય છેક? ૭૨દુર્ગેશ : મેં કલ્પી હતી તે જ સ્થિતિ છે. મારી પાસે આ લેખન-સામગ્રી છે તે વડે એનો ઉત્તર લખો.
જગદીપ : એનો ઉત્તર એ જ કાગળની બીજી બાજુએ લખું છું કે,
(વસંતતિલકા)
એ સ્રોત છે હ્રદયના રસપુણ્ય કેરો,
એમાં કદાપિ નથિ જોડ વિના તરાતું;
ઉત્કંઠ જેહ તલસે બનવા સહાય,
રોકી રહ્યું વિરસ વેષ્ટન ક્રૂર તેને. ૭૩[કાગળ પર લખે છે.]
દુર્ગેશ : એ કાગળ હવે સાંજ સુધીમાં પાછો એ ગાયને ગળે એ જ કોડીમાં નાખી દેજો. હવે તો, ગાય પર હાથ ફેરવવાને બહાને પણ ગાય પાસે જઈ શકશો. કાલે પ્રત્યુત્તર મળ્યા વિના નહિ રહે.
જગદીપ : તમારા આ મિત્રકાર્ય વિના મારો પ્રેમ અપંગ રહેત. હું વસતીથી દૂર ઉછર્યો છું, અને પ્રેમીઓની યુક્તિઓથી અજાણ્યો છું.
દુર્ગેશ :
(ઉપજાતિ)
જેવો હિરો હોય જડ્યા વિનાનો,
ગૂંથ્યા વિનાનું ફુલ હોય જેવું;
તેવો દિસે આ તમ પ્રેમ સાદો,
ન યુક્તિઓમાં ભળિ કાન્તિ જેની. ૭૪જગદીપ : મને ન સૂઝી તે યુક્તિ એકાન્તમાં વસનારી એ ઋજુ બાલિકાને આવડી છે!
દુર્ગેશ : પ્રેમ અદ્ભુત થયા પછી સ્ત્રીને પ્રેમયુક્તિઓ શીખવા જવું નથી પડતું.
જગદીપ : અરે ! કનકપુરની ખબરો તમને પૂછવાનું તો હું ભૂલી જ ગયો છું.
દુર્ગેશ : મને તમારા કરતાં કનકપુરની કંઈ વધારે ખબર નથી; કેમકે, તમે રાજસભામાંથી નીકળ્યા પછી તરત જ હું તમારી શોધમાં નીકળ્યો છું. પરંતુ, તમે બારોબાર નીકળી આવ્યા ને હું મારા પ્રયાણની ખબર કમલાને કહેવા ગયો, એથી આપણા વચ્ચે અન્તર પડી ગયું.
જગદીપ : કુંવારા અને પરણેલા વચ્ચે એટલું અન્તર તો હોય જ ! પણ તમે મને શી રીતે ખોળી કાઢ્યો ?
દુર્ગેશ : તમે રાજસભામાં વૃતાન્ત કહેતાં કિસલવાડીનું ઠેકાણું કહેલું, તેથી પહેલાં ત્યાં હું તમારી ખબર કાઢવા ગયેલો. ત્યાંથી કાંઈ પત્તો મળ્યો નહિ, તેથી નગરની ચારે દિશામાં ફરીને શોધ કરવા માંડી. અને અન્તે, નદી પ્રત્યેની તમે ઘણી વાર દર્શાવેલી આસક્તિ પરથી તમે કોઈ ઠેકાણે નદીતટે હશો એમ કલ્પના કરી નદીને માર્ગે ભ્રમણ કરતો હું અહીં આવી પહોંચ્યો. તમે એ શિવાલયની પડાળીમાં વાસ કરવાને બદલે નગરમાં આવો તો કેમ ? ત્યાંથી વખતોવખત અહીં આવી શકાશે.
જગદીપ : પંદર દિવસ તો હું નગરથી દૂર જ રહેવા ઇચ્છું છું. તે વિના મારી પ્રતિજ્ઞા પ્રમાણે તટસ્થતા પળાય નહિ.
દુર્ગેશ : હું નગરમાં જઈ કમલાને તમારા સમાચાર કહીને તથા નગરની ખબરો મેળવી અહીં પાછો આવીશ અને તમારા એકાન્તવાસની સગવડનાં કાંઈ સાધન લેતો આવીશ, અને આવીને તમારો અભિલાષ વિશેષ સિદ્ધિ પામેલો જોઈશ.
જગદીપ : એ સિદ્ધિનો આધાર પેલી ગાયને ગળે છે. એ ચરતી હશે ત્યાં જ હું જાઉં છું. કમલાદેવીને કહેજો કે એમને સહિયર આણી આપવા સારુ મેં ગાયની પૂજાનું વ્રત આરંભેલું છે.
[બંને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
વસંતની વનદેવી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮[ઢાળ-કાન તારે તળાવ રૂમઝુમતી રમવા નીસરી;
રમવા નીસરી, ચુંદડી વીસરી રે]આજ ફાગણને ફાગ, રૂમઝુમતી રમવા નીસરી;
રમવા નીસરી, દુઃખડાં વિસરી રે –આજ૦આજ ફુલડાંને ફાલ, ફુલવંતી રમવા નીસરી;
રમવા નીસરી, મન મીઠાં કરી રે–આજ૦આજ ખેતર મોઝાર, અનદેવી રમવા નીસરી;
રમવા નીસરી, કણ ખોબા ભરી રે–આજ૦આજ ગલને ગુલાલ છાટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે–આજ૦આજ કેસુડાં ડાળ, રંગરેલી રમવા નીસરી;
રમવા નીસરી, પટકુળ કેસરી રે–આજ૦આજ આંબાને મ્હોર, મધુવંતી રમવા નીસરી;
રમવા નીસરી, કરમાં મંજરી રે–આજ૦આજ દખણાદે દ્વાર, મદઘેલી રમવા નીસરી;
રમવા નીસરી, પવનની પાંખડી રે–આજ૦આજ દરિયાને તીર, અલબેલી રમવા નીસરી;
રમવા નીસરી, જળની મોજડી રે–આજ૦આજ કિલકિલ ટૌકાર, કોયલડી રમવા નીસરી;
રમવા નીસરી, મદભર આંખડી રે–આજ૦આજ પૂનમને આભ, અનહદમાં રમવા નીસરી;
રમવા નીસરી, ઉર ચાંદો ધરી રે–આજ૦આજ સૂરજનો તાપ, સળગન્તી રમવા નીસરી;
રમવા નીસરી, ઝગમગ ઓઢણી રે–આજ૦આજ કરતી અંઘોળ, નદીઓમાં રમવા નીસરી;
રમવા નીસરી, ભીંજવે ચૂંદડી રે–આજ૦આજ આવળને ફુલ પથ ભૂલી રમવા નીસરી;
રમવા નીસરી, પીળુડી પાંભરી રે–આજ૦આજ કાંટાની વાડ્ય, વીંધાતી રમવા નીસરી;
રમવા નીસરી, નવલી વેલડી રે–આજ૦આજ પંખીને માળ, હીંચન્તી રમવા નીસરી;
રમવા નીસરી, સુણતી બંસરી રે–આજ૦આજ કૂંપળને પાન, પગ દેતી રમવા નીસરી;
રમવા નીસરી, કુમકુમ પાથરી રે–આજ૦આજ મેંદીને છોડ, મલકંતી રમવા નીસરી;
રમવા નીસરી, નખલા રંગતી રે–આજ૦આજ સોળે શણગાર, શોભંતી રમવા નીસરી;
રમવા નીસરી, સુખભર સુંદરી રે–આજ૦આજ વનદેવી નાર, નવખંડે રમવા નીસરી;
રમવા નીસરી, વિભુની ઇશ્વરી રે–આજ૦
‘વેણીનાં ફૂલ’ કાવ્ય સંગ્રહમાંથી
● ●
સ્રોત : વિકિસ્રોત
