-
જળ ‘તીર્થ’ છે અને અન્ન ‘બ્રહ્મ’ !
નલિની નાવરેકર
પાણી માણસની મૂળભૂત આવશ્યકતાઓમાંની એક છે. માણસના શરીરમાં ૭૦ ટકા પાણી હોય છે. આ પ્રમાણ જળવાઈ રહે તે આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. ખાધા વિના માણસ ઘણા દિવસો રહી શકે છે, પરંતુ પાણી વિના થોડા કલાકો સુધી રહેવું પણ મુશ્કેલ છે. તેથી જ પાણી એ ‘જીવન’ કહેવાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં પાણી અંગે ઊંડો અભ્યાસ થયો છે. અંતરિક્ષ જળ, ભૌમજળ, વહેતું પાણી, સંગ્રહાયેલું પાણી જેવા અન્ય પ્રકારો પણ દર્શાવ્યા છે. દરેકના ગુણ જુદા જુદા છે. ગરમ પાણી, ઠંડું પાણી, ઉકાળેલું પાણી વગેરેના પરિસ્થિતિ પ્રમાણે જુદા-જુદા ગુણ હોય છે. પાણી એટલે આપણી તરસ બુઝાવનાર માત્ર નથી.
આપણે માટે આટલું મહત્ત્વનું, અત્યંત જરૂરી ‘પાણી’ સ્વચ્છ અને શુદ્ધ હોવું બહુ જરૂરી છે. નહીં તો આપણે જાણીએ છીએ કે તે મૃત્યુનું કારણ બની શકે છે.
સ્વચ્છ અને શુદ્ધનો તફાવત
અસ્વચ્છ પાણી જેમાં કચરો, ધૂળ, માટી વગેરેના અંશ છે, તે આપણે નરી આંખોથી જોઈ શકીએ છીએ. પરંતુ પાણી શુદ્ધ, જંતુરહિત છે કે નહીં તે માત્ર જોઈને નથી કહી શકાતું. પાણી સ્વચ્છ કરવા માટે તેને ગાળવું, ફટકડી ફેરવવી, તેને સ્થિર રાખવું વગેરે ઉપાયો છે. તેની સાથે સાથે જેમાં પાણી ભરીએ છીએ તે વાસણની સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે. પીવાનું પાણી શુદ્ધ કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, ઘર માટે તેમજ સાર્વજનિક.
ક્લોરિન માટેની ચેતવણી
પાણી જંતુરહિત કરવા માટે ક્લોરિનનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં યોગ્ય માત્રામાં પ્રયોગ કર્યા બાદ તે સાબિત થાય છે. પરંતુ વ્યવહારમાં આ પ્રમાણ જાળવવું સહેલું નથી. તેને કારણે પાણીમાં અનેક નુક્સાનકારક તત્ત્વો, ટોક્સીન વગેરે ભળે છે. તેની માઠી અસર મનુષ્ય શરીર ઉપર તેમજ પર્યાવરણ પર થવી સ્વાભાવિક છે. અમેરિકામાં થયેલ એક અભ્યાસમાં આ બાબત ધ્યાનમાં આવી છે.
અગ્નિ દ્વારા શુદ્ધિ
લોખંડનો તપેલો ગોળો અથવા અન્ય તપેલી વસ્તુ પાણીમાં ડુબાડવાથી પાણી શુદ્ધ થઈ જાય છે. પાણી ઉકાળવાથી પણ તે શુદ્ધ થાય છે. – (સુશ્રુત-સૂત્ર સ્થાન)
પાણી ઊકળવાની શરૂઆત થાય તે પછી વીસ મિનિટ સુધી તેને ઉકાળવામાં આવે તો જ તે પૂર્ણરૂપથી શુદ્ધ થાય છે. ચંદન, મંજીષ્ઠા, અનંતમૂલ વગેરે નાંખીને ઉકાળવાથી પાણી વધુ શુદ્ધ, સુપાચ્ય બને છે.
સારો અને સહેલો ઉપાય
પાણી શુદ્ધ કરવાનો સૌથી સારો, ઘરગથ્થુ ઉપાય છે, વિશિષ્ટ ધાતુઓના વાસણોનો ઉપયોગ. પૂના (મહારાષ્ટ્ર)ની વિજ્ઞાનવર્ધિની સંસ્થાએ આ બાબતે સંશોધન કર્યું છે. પ્રયોગો દ્વારા તેમણે સાબિત કર્યું છે કે પિત્તળના વાસણમાં બાર કલાકમાં પાણી શુદ્ધ થાય છે. તાંબામાં છ કલાકમાં અને ચાંદીના વાસણમાં અડધા કલાકમાં તે શુદ્ધ થાય છે. સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં પાણી ભરીને તેમાં ચાંદીની નાનકડી વસ્તુ મૂકવાનો પ્રયોગ કરી શકાય. ઇંગ્લેંડના રૉબ રીડ નામના સૂક્ષ્મ જીવ શાસ્ત્રના વિજ્ઞાનીએ પિત્તળના વાસણમાં પાણી શુદ્ધ કરી બતાવીને સાબિત કરી આપ્યું છે કે તે શક્ય છે. અલબત્ત, આ વાસણ પાણી ભરતા પહેલાં રોજ માંજીને સાફ રાખવું જરૂરી છે.
રાખનો ઉપયોગ
જૈન ધર્મની પરંપરા પ્રમાણે પીવા માટે મુખ્યત્વે વરસાદી પાણીનો ઉપયોગ કરવાનું યોગ્ય માનવામાં આવે છે. દેશી ગાયના છાણની રાખનો ઉપયોગ પણ તેઓ કરે છે. તેનાથી પાણી જંતુરહિત થાય છે. ડૉક્ટરોએ પણ આ બાબત માન્ય કરી છે.
પ્લાસ્ટિકમાં રાખેલું પાણી
સ્વચ્છ, શુદ્ધ પાણી બાબતે આજે આપણે જાગૃત થયા છીએ. તેથી ખૂબ વિશ્ર્વાસપૂર્વક પાણીની બોટલ આપણે ખરીદી લઈએ છીએ. કાર્યક્રમોમાં કૅન ભરીને પાણી ખરીદવામાં આવે છે. ઘરેઘરે વપરાતા ફીલ્ટર પણ પ્લાસ્ટિકના હોય છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકમાં ભરેલા પાણી કે ખાદ્ય પદાર્થની સાથે આપણા પેટમાં, શરીરમાં પ્લાસ્ટિક જાય છે. જે નરી આંખે નથી દેખાતું. જેવી રીતે રોગના જીવાણુ પણ નથી જોઈ શકાતા. નવા અભ્યાસ પ્રમાણે એક લિટર પાણીમાં બેલાખ ચાલીસ હજાર પ્લાસ્ટિકના સૂક્ષ્મકણ મળી આવે છે. માનવમાત્રને આ કારણે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.
પાણી એ તીર્થ છે
દરેક ઘરનું પાણી ‘તીર્થ’ બની શકે તેમ છે. જે ઘરમાં સારા સંસ્કાર છે, હળીમળીને રહેવાનું તેમજ ભજન, પ્રાર્થના, સત્સંગનું વાતાવરણ છે, તો એ ઘરનું પાણી ‘તીર્થસ્થાન’ જેવું સંસ્કારપૂર્ણ હશે. ઘરમાં જ્યારે વિશેષ પૂજાપાઠ વગેરે કરવામાં આવે છે ત્યારે પહેલાં કળશમાં મૂકેલ પાણીની પૂજા કરવામાં આવે છે. મંદિરોમાં ભક્તોના હાથ પર ‘તીર્થ’ આપવામાં આવે છે. શુદ્ધ ચિત્તથી, પ્રસન્નતાપૂર્વક પૂજાપાઠ, આરતી, સ્તોત્ર પઠનથી પાણી અભિમંત્રિત થઈને તીર્થ બની જાય છે. પાણી પર મન, વિચારો તેમજ સંગીતની અસર થાય છે. ધ્વનિના, પ્રકાશના સંસ્કાર હોય છે. કમનસીબે આપણા મોટાભાગનાં તીર્થસ્થાનો ગંદકીથી ભરેલાં છે. જ્યાં સ્વચ્છતા જ ન હોય ત્યાં પવિત્રતા કઈ રીતે હોઈ શકે ?
આજે વિજ્ઞાને આ સાબિત કરી બતાવ્યું છે. મામારુ ઈનોટોબા નામના જાપાનના બુદ્ધિજીવીએ પ્રયોગ કર્યો. સદ્વિચારો સાથે પાણીના ટીપાને થીજવ્યું, તેનો બરફ બનાવ્યો, સૂક્ષ્મદર્શક યંત્રથી તેના ફોટા પાડ્યા. તેની એક સુંદર રચના બની હતી. ત્યારબાદ જ્યારે તેની સામે વિનાશકારી, ખરાબ વિચાર પ્રગટ કર્યા તો આ રચના બગડી ગઈ. સુંદર રચના તૂટી ગઈ.
અનાજની સ્વચ્છતા તેમજ શુદ્ધિ
સ્વચ્છ તેમજ શુદ્ધ અનાજ બાબતે વિચારવું એ આજના જમાનામાં અત્યંત જરૂરી બાબત બની ગઈ છે. ઉપનિષદમાં સૂત્ર છે, ‘અળવળફયૂથ્ળજ્ઞ લટ્ટમયૂરુથ્:’ -આંતરિક શુદ્ધિ, જીવનની શુદ્ધિ માટે આહારશુદ્ધિનું મહત્ત્વ છે. આજનો આપણો આહાર કેટલો શુદ્ધ છે ?
સહુથી પ્રથમ તો સામાન્ય સ્વચ્છતા ઉપર ધ્યાન આપવું જરૂરી છે. રસોડું સાફ હોવું જોઈએ. ખાવાનું બનાવનાર તેમજ આરોગનાર સાફ થઈને જ તેમાં પ્રવેશ કરે. ઘણી જગ્યાઓએ સ્નાન કર્યા બાદ જ રસોઈ કરવાનો મહત્ત્વનો રિવાજ હોય છે. વાસણ, શાકભાજી, અનાજની સફાઈ પણ સહુ કરતા જ હોય છે.
ભેળ-સેળનો પ્રશ્ન
માણસનો લોભ અને રેડીમેડ લેવાની, બજાર પર આધારિત આપણી જીવનશૈલી આ બંને કારણોને લીધે ‘ભેળસેળ’ની વૃત્તિએ આજે બધી સીમાઓ પાર કરી દીધી છે. અગાઉ દૂધમાં પાણી નાંખવામાં આવતું હતું, આજે તો રસાયણો દ્વારા કૃત્રિમ દૂધ બનાવવામાં આવે છે. તેલમાં થતી ભેળસેળ પણ એવી જ જોખમકારી છે. મસાલામાં લાકડાનો વેર વગેરે નાખવામાં આવે છે. આકર્ષકતા વધારવા રોડામાઈન જેવા જોખમી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ઘણી વસ્તુઓ છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.
હોટેલનું ખાણુ
લારી પર મળતી પાણીપૂરી, કચોરી, વડા, સમોસા – આ બધા શું સ્વચ્છ અને શુદ્ધ આહાર છે ? ઘણી હોટેલોની અંદર તેમજ બહાર ગંદકી હોય છે. મોટી હોટેલોમાં ભલે ગમે તેટલી સફાઈ દેખાય, પરંતુ તેમાં પણ કેટલી ભેળસેળ, વાસી ખાવાનું હોય તે આપણે જાણતા હોતા નથી. અમારા એક મિત્ર મહારાષ્ટ્ર રાજ્યના અન્ન અને ઔષધ વિભાગના સચિવ હતા, તેઓ કહેતા કે ‘મીઠાઈની દુકાનમાંની એક પણ મીઠાઈ ખાવા લાયક હોતી નથી.’ આપણે ત્યાં ‘સારું ખાવાનું’નો અર્થ ‘સારો સ્વાદ’ એટલો જ થાય છે. પરિસ્થિતિવશ બહાર ખાવું પડે અને શોખને માટે હોટેલમાં જવું એમાં ફરક છે. ‘માતૃહસ્તેન ભોજનમ્’ કહેવાય છે. ઘરનું ખાવાનું સૌથી શ્રેષ્ઠ હોય છે.
ઝેરમુક્ત અનાજ
આજે આપણે જોઈએ છીએ કે ફળ હોય કે શાક કે અનાજ – આમાં કુદરતી સ્વાદ મળતો નથી. પોષણ પણ ઓછું છે. કારણ કે રાસાયણિક ખાતર, દવાઓ વગેરેનો ભરપૂર ઉપયોગ કરાય છે. આ કારણોસર આપણા શરીરમાં ઝેરના અંશોનો સંગ્રહ થતો જાય છે. કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે. જમીનની ઉત્પાદક ક્ષમતા ઓછી થઈ રહી છે. આનો ઉપાય એટલે કુદરતી ખેતી જ છે. પોતે ઉગાડીને પોતે ખાવું જોઈએ. વેદમાં કહ્યું છે – ‘તમે કોઈ પણ કામ ભલે કરો, સાથે ખેતી તો કરો જ.’
માંસાહારનો સવાલ
મનુષ્ય જે પ્રાણીઓને પ્રેમ કરે છે, પ્રેમ કરી શકે છે, તો તે એને કેવી રીતે ખાઈ શકે ? મનુષ્યના શરીરની રચના – દાંત, આંતરડાં, નખ વગેરે એવાં છે કે તે માંસાહાર નહીં પરંતુ શાકાહાર માટે બનાવેલાં છે. માંસાહાર માટે શાકાહાર કરતાં ચાર ગણી જમીનની જરૂરિયાત રહે છે. આટલું સમજ્યા પછી પણ જો સમજણવાળો માનવી માંસાહાર કરે તો તે મહાપાતક જ ગણાય. શોખને કારણે, સ્ટેટસ માટે માંસાહાર કરે છે તે મહાપાતક કરે છે. વિનોબાજી કહે છે, ‘અળવળફયૂરુથ્ લજ્ઞ લણ્મયૂરુથ્’ એ અનુભવસિદ્ધ બાબત છે.
પૂર્ણબ્રહ્મ
રસોઈ કરતી વખતે, પીરસતી વખતે તેમજ ખાતી વખતે મનમાં કોઈ પ્રકારનું દુ:ખ ન હોય, મન પ્રસન્ન હોય તે જરૂરી છે. ક્રોધ, નારાજી, ઝગડો – એ બધાને ભોજનઘરમાં સ્થાન ન આપવું. બને ત્યાં સુધી ભાર વધારનારી કામની વાતો, અશાંતિ કરનારી વાતો ખાતી વખતે ન કરવી એ પણ આહારશુદ્ધિનો જ ભાગ છે.
અનાજને પૂર્ણબ્રહ્મ કહેવામાં આવે છે. પ્રાર્થના સાથે ગ્રહણ કરાયેલું અન્ન અને પાણી શુભ હોય છે.
નલિની નાવરેકર| મો.: ૭૫૮૮૩૧૬૧૩૭ | (નાસિક)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ એપ્રિલ, ૨૦૨૪
-
પ્રકાશપુંજ
સરયૂ પરીખ
હે જી રે, મારા પ્રેમના ઝરૂખાનો દીવો,
રે રાજ રત, પાવન પ્રકાશે પ્રગટાવો.જાગે મારા આતમમાં પ્યારો પલકારો,
વાગે રૂડા અવસરનો ન્યારો ઝણકારો,
હે જી, હું તો હરખે બજાવું એકતારો,
ને રાજ રત, મનમાં મંજુલ સૂર તારો.નાની પગલી ને લાંબો પગથારો,
ના હું એકલી, છે તારો સથવારો.
શૂલ હો, મને ફૂલ–શો અથવારો,
રે રાજ રત, તારો અતૂટ સહચારો.અંક અંકુરમાં પગરવ સુહાણો,
તેજપુંજ ઝળહળ દીપતો અજાણ્યો,
ઘેરા ઘનમાં સોનેરી પ્રકટ જાણ્યો,
રે રાજ રત, કાળજડે કાનજી સમાણો.https://drive.google.com/file/d/1dzZeK-oem9X4S5i3OPfGyhxNGRrFCzR0/view?usp=sharing
સંપર્કઃ સરયૂ પરીખ – saryuparikh@gmail.com
:આસ્વાદઃદેવિકા ધ્રુવઅમેરિકાના ઑસ્ટીન શહેરમાં રહેતાં સરયૂબહેન પરીખનું એક સુંદર કાવ્ય ‘પ્રકાશપુંજ’ વાંચતાંની સાથે જ ચિંતનની એક ઊંચાઈ પર જઈને બેસી ગયું. સંસ્કારી વાતાવરણમાં ઉછરેલાં અને સંગીતમય વિશ્વમાં પાંગરેલાં સરયૂબહેનને કવિતા, વારસાગત મળેલી દેન છે, જે ઉત્તરોત્તર સ્વ-સમજણ અને સૂઝથી વિકસતી ગઈ છે.
ઉપરોક્ત કાવ્ય તેના આરંભથી જ એક અજવાળું લઈને આવે છે. ભૌતિક કોડિયાના દીવડાની કે તેના ઉજાસની અહીં વાત જ નથી. અહીં તો છે પ્રેમનો ઝરુખો અને તે દ્વારા પ્રગટતો દીવો જેને પ્રગટાવવાની એક ઝંખના છે, એના પાવન પ્રકાશને પામવાની એક પ્રાર્થના છે. એટલે જ તો ‘હે જી રે…’ અને ‘રે રાજરત’…જેવા ઉચિત શબ્દપ્રયોજનથી બુલંદ છતાં મૃદુતાસભર આરંભ થાય છે.
પ્રથમ અંતરામાં નાયિકા આંતરમનનું વર્ણન કરવાનો પ્રયાસ કરે છે. કોઈ શાંત પડેલા વાજીંત્ર પર આંગળીઓ ફરે ને જે મધુર રણકાર થાય તેમ આ પાવન પ્રકાશના વિચાર માત્રથી જાણે કે, એક અજબનો અનુભવ થાય છે. કોઈ મંગલ અવસરની આગાહી જેવો હરખ થાય છે અને તેથી જ સૂરો પણ મંજુલ થઈ રેલાય છે. અહીં એક મઝાનો સુવિચાર યાદ આવ્યા વગર રહેતો નથી કે, “મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં અંતરના ઊંડાણમાં પ્રગટાવેલો શ્રદ્ધાદીપ આત્માને વધુ ઉજાસ આપનારો નીવડે છે.”
બીજા અંતરામાં આ જ વિષયને આગળ વધારતાં હકીકતની સજાગતા વરતાય છે. કલમકાર જાણે છે કે, માત્ર ઇચ્છા કે પ્રાર્થના કરવાથી આ પાવન-પુંજ સુધી પહોંચી શકાતું નથી. કારણ કે, એનો પંથ સુદૂર છે, પગથાર લાંબો છે, પોતાની પગલીઓ નાની છે. પણ છતાં એક વિશ્વાસ છે કે, પોતે એકલ નથી, પરમ ‘એ’નો સાથ છે, સહારો છે, આધાર છે અને તેથી જ માર્ગમાં ભલે ને ડંખે કે વાગે એવી હજાર હજાર શૂળ આવે, કાંટા આવે પણ અનુભૂતિ તો ફૂલ-શી જ લાગે. એક અતૂટ સાથની શ્રદ્ધા છે.
“નાની પગલી ને લાંબો પગથારો,
ના હું એકલી, છે તારો સથવારો.
શૂલ હો, મને ફૂલ–શો અથવારો,
રે રાજ રત, તારો અતૂટ સહચારો.”અહીં ‘અથવારો’ શબ્દ પ્રાસની રીતે સાનુકૂળ છે. છતાં ‘ઓથારો’ વધુ ઉચિત લાગે છે. કારણ કે, કવયિત્રીને ‘આધાર’ અર્થ અભિપ્રેત છે તે સ્પષ્ટપણે વરતાય છે. લય આસ્વાદ્ય બન્યો છે અને મઝાનો ગૂંથાયો છે.
હવે ત્રીજા અને ચોથા અંતરામાં આતમરાજના અનુપમ આનંદની ક્ષણો ઝીલાય છે. અગાઉ સુપેરે વર્ણવેલ આંતરમનનો ભાવ, હકીકતની સજાગતા અને તે પછીની શ્રદ્ધાને કારણે થયેલી સુસજ્જતા પછી રુદિયામાં એક અનોખા આનંદની સરવાણી ફૂટે છે. કંઈક પગરવ જેવું સંભળાય છે, હલચલ થતી ભાસે છે. જાણે પહેલાં નહિ જોયેલો,જાણેલો એવો એક ઝળહળતો, સોનેરી તેજપુંજ પ્રકાશતો ભાસે છે. મનમાં આનંદ આનંદ છવાય છે. એ બીજું કોઈ નહિ પણ, કાવ્યનાયિકા ઘટસ્ફોટ કરતાં કહે છે કે, ભીતરમાં ‘ રે રાજ રત, કાળજડે કાનજી સમાણો.’ આધ્યાત્મિક અનુભવની એક પરમ અવસ્થાનો આ આનંદ તે જ પામી અને માણી શકે જેને એમાંથી પસાર થવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હોય.
આમ, પ્રેમના ઝરુખેથી શરૂ થઈને ૧૪ પંક્તિમાં રચાયેલ આ કાવ્ય અંતે કાનજીના પ્રકાશપુંજ સુધી પહોંચે છે. ધ્રુવપંક્તિ યથાર્થ રીતે દોહરાવી છે અને લગભગ આખી રચનામાં લય પણ જળવાયો છે તેથી સ્વાભાવિક રીતે જ મનમાં ગણગણ્યાં વગર રહેવાતું નથી. ભીતરના ખજાનાની વાત જ ન્યારી છે. કેટલી સાચી વાત છે કે, ‘માંહી પડે તે જ મહાસુખ પામે’.
આવી સુંદર કવિતા માટે સરયૂબહેનને અભિનંદન અને તેમની પાસેથી વધુ ને વધુ સારી કવિતા મળતી રહે તેવી શુભેચ્છા.
દેવિકા ધ્રુવ : સંપર્કઃ ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com -
પહેરવેશ: પરિવર્તન,પ્રતિરોધ, પ્રતિબંધ અને પર્યાવરણ
નિસબત
ચંદુ મહેરિયા
‘ દેશ તેવો વેશ’ અને ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં’ જેવી કહેવતોથી બદન ઢાંકવા માટેના કપડાંની સફર ક્યાં પહોંચી છે તે જણાય છે. કપડાં, વસ્ત્ર, લૂંગડાં, ચીથરાં, પોશાક, પહેરવેશ, ગણવેશ જેવા શબ્દોથી ઓળખાતા શરીરની સલામતી , ઈજ્જત, વિનમ્રતા, સુંદરતા, આકર્ષણના ઉદ્દેશે પહેરાતાં કપડાં હવે તો તેના સ્વીકૃત સ્વરૂપમાં બદલાવ અર્થાત નિતનવી ફેશન સાથે સાંસ્કૃતિક પરંપરાથી ઘણા આગળ નીકળી ગયા છે. સુખની પરિભાષામાં ખાધે-પીધેની સાથે જ લૂગડે-લત્તે સુખીનો પણ સમાવેશ થાય છે. તેના પરથી પણ તેની મહત્તા જણાય છે. હવે તો માત્ર ફેશનેબલ જ નહીં બ્રાન્ડેડ અને ફાસ્ટ ફેશનનો પણ જમાનો આવી ગયો છે.
સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલા માનવીના પોશાકમાં સતત પરિવર્તન થતા રહ્યાં છે. પ્રાચીનકાળમાં માણસ શરીર ઢાંકવા ઝાડની છાલ કે જાનવરોના ચામડાનો ઉપયોગ કરતો હતો. પહેલા લંગોટ અને કાપડની શોધ પછી તે લાંબુ કપડું વીંટતો હતો. કાળક્રમે સાડી અને ધોતી વાપરતો થયો. સિલાઈની શોધે તેના કપડામાં પ્રાણ પૂર્યા અને જાતભાતના કપડાં પહેરતો થયો. સ્ત્રીઓના બ્લાઉઝની શોધ કદાચ બંગાળમાં પહેલીવાર થઈ હતી. મહિલા મુક્તિની દિશામાં રૂઢિવાદી પિતૃસત્તાત્મક સમાજમાં સાડીથી ગાઉન કે ડ્રેસ સુધીની મહિલાઓની વસ્ત્ર પરિધાન યાત્રા સાચે જ કઠિન હશે. ભારતની સઘળી વિવિધતા લોકોના પહેરવેશમાં જોવા મળે છે. શહેરોમાં પશ્ચિમી વેશભૂષાનું ચલણ છે.પરંતુ ગામડાઓમાં ખેડૂતો, કારીગરો અને શ્રમિકો તેમના કામને અનુરૂપ કપડાં પહેરે છે.
જેમ પરિવર્તન તેમ પ્રતિબંધ પણ પહેરવેશ સાથે જોડાયેલો છે. કપડાં ઓળખની સાથે માનવીના સામાજિક-આર્થિક દરજ્જાનું પણ પ્રતીક છે. બ્રિટિશકાળમાં કેટલાક ભારતીયો અંગ્રેજો જેવો પોશાક પહેરતા અને અન્ય ભારતીયોથી પોતાને વેંત ઉંચા માનતા. આપણા ધાર્મિક સ્થળોએ અમુક કપડાં પ્રતિબંધિત છે જ ને ? તેથી આ વરસના આરંભે ઈન્ડિયન નેવીની મેસમાં નેવી ઓફિસર્સ અને સોલ્જર્સને કુર્તા-પાયજામા પરિધાન કરવાની છૂટ મળી તે ગુલામીના અવશેષોમાંથી મુક્તિ અને ભારતીય પરંપરાના અમલની દિશાનુ કદમ છે. આજે ભારતીયોના રોજબરોજના પોશાકમાં ધોતી-સાડી અને કુર્તા-પાયજામાનું ચલણ વધ્યું છે તે ઔપનિવેશિક માનસિકતાથી દૂરી અને સાંસ્કૃતિક સ્વરાજનું ધ્યોતક છે.
ગાંધીજીએ ગરીબ મહિલાની સ્થિતિ જોઈને શરીર પરનાં ઘણા વસ્ત્રો છોડી જિંદગીભર પોતડી પહેરી હતી. એ તો ખરું પણ અંગ્રેજોએ ભારતના કાપડ ઉધ્યોગને તબાહ કરી તેમના દેશનું કાપડ આપણા માથે માર્યું ત્યારે ગાંધીજીએ તેના વિરોધમાં વિદેશી કાપડ અને વસ્ત્રોના બહિષ્કારનું એલાન આપ્યું હતું. દેશમાં ઠેરઠેર વિદેશી કાપડની હોળી થઈ હતી. ઘણીવાર મહિલાઓએ નગ્ન કે અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો છે. નારીવાદનો આરંભ નારીઓના આંતરવસ્ત્રો સળગાવીને થયો હતો. એટલે કપડું પ્રતિબંધની જેમ પ્રતિરોધનું પણ સાધન છે. વિદેશી કાપડના બદલે દેશી કાપડ , હાથવણાટનું કાપડ અને ખાદી તેનો વિકલ્પ જ નહીં આઝાદી આંદોલનનું પણ પ્રતીક હતું. ગાંધી ટોપી આજે ભાગ્યે જ જોવાa મળે છે પણ તે સ્વતંત્રતા આંદોલનનું મજબૂત પ્રતીક હતું.
ચીન , રશિયા અને જાપાન જેવા દેશોના નેતાઓ પશ્ચિમી શૈલીના કપડાં પહેરે છે ત્યારે ભારતના રાજનેતાઓ ભારતીય પોશાક જ પહેરે છે. તેમાં પણ તેમની વિશિષ્ટતા જોવા મળે છે. પ્રથમ વડાપ્રધાન નહેરુનું નહેરુ જેકેટ તો હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અડધી બાંયનો મોદી કુર્તા જાણીતા છે.ઈંદિરા ગાંધી થી સોનિયા ગાંધી સુધીના મહિલા નેતાઓ ખાદીની સાડીને મહત્વ આપે છે. ગાંધીની ટોપી વિલુપ્ત થઈ ગઈ છે તો પછી બાપુ પહેરતા હતા તે પોતડી તો તેમની હયાતીમાં જ ભાગ્યે જ કોઈ પહેરતા. જોકે મોદી કુર્તા અને મોદી લુક માટે ઓન લાઈન બિઝનેસ વેબસાઈટ્નું હોવું કે પૂર્વ અમેરિકી પ્રમુખ બોરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાના પહેરવેશ વિશે બ્લોગ હોવો તે દર્શાવે છે કે લોકો રાજનેતાઓના વસ્ત્ર પરિધાનને કેટલા અનુસરે છે.
ફેશનનો જે ટ્રેન્ડ ચાલે છે તે આશરે વીસ વરસે બદલાઈ જાય છે. વરસે ૮૦ ટકા કરતાં વધુ કપડાં ડમ્પ થઈ જાય છે. કપડાંનું અર્થકારણ પણ મહત્વનું છે. ૮૦ ટકા કપડાં બનાવનાર ૧૮ થી ૨૪ વરસની મહિલાઓ હોય છે. એટલે કપડામાં આવતું પરિવર્તન જનહિતમાં હોવું જોઈએ.વ્યક્તિની સામાજિક-આર્થિક ઓળખ કપડાં પરથી પરખાય છે એટલે પણ સૌને પોસાય અને જચે તેવા કપડાં જરૂરી છે. ઘણી વાર લોકો ફેશનના નામે એવા કપડા પહેરે છે જે મજાકનું સાધન બને છે. એટલે વ્યક્તિએ તેના કદ-કાઠીને શોભે તેવા વસ્ત્રો પહેરવા ઘટે. શરીર અને ઉમરને અનુરૂપ તથા શરીરને માફક આવે તેવા કપડાં પહેરવા જોઈએ. જીન્સ પહેરવું કે માત્ર સ્કીનટાઈટ જીન્સ પણ વિચારવું પડશે. જુવાન મહિલાઓનાં કપડાની પણ આલોચના થાય છે.તે સંદર્ભે યુવતીઓએ ટૂંકા કપડા ન પહેરવા કે પુરુષોએ રૂઢિવાદી માનસિકતા બદલવી તે સવાલ છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી @article{Karunaratne2019PreservingAS, title={Preserving and sustaining culture: Traditional clothing in the UNESCO world cultural heritage site Kandy in Sri Lanka}, author={Priyanka Virajini Medagedara Karunaratne and Gayathri Madubhani Ranathunga and S. S. V. DE Silva}, journal={Journal of Advanced Research in Social Sciences and Humanities}, year={2019}, url={https://api.semanticscholar.org/CorpusID:195721954} પહેરવેશનો પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે. એ મુદ્દે હવે જાગ્રતિ આવી રહી છે. જળવાયુ પરિવર્તન સામે લડવા અને પર્યાવરણના સંરક્ષણ માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) તથા સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, ચેન્નઈએ મળીને એક અભિયાન શરૂ કર્યું છે. સીએસઆઈઆરે તેના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય તમામને દર સોમવારે ઈસ્ત્રી વગરના કપડાં પહેરવા અપીલ કરી છે. એક જોડ કપડાંને ઈસ્ત્રી કરવાથી ૨૦ ગ્રામ કાર્બનનું ઉત્સર્જન થાય છે તેના કરતાં કરચલીવાળા, ઈસ્ત્રીવગરના કપડા શું ખોટા? તે આ ઝુંબેશનો હેતુ છે. સીએસ આઈઆરની ૩૭ લેબોરેટરીઝમાં ૩૫૨૧ સાયન્ટિસ્ટ અને ૪૧૬૨ ટેકનિકલ અને બીજો સ્ટાફ કામ કરે છે. જો બધું સમુસૂથરું પાર પડે તો માત્ર આ એક જ સંશોધન સંસ્થાના કર્મચારીઓના અઠવાડિયે એક વખત ઈસ્ત્રી વગરના કપડાંથી વરસે ૪,૭૯,૪૧૯ કિ.ગ્રામ કાર્બનનું ઉત્સર્જન અટકાવી શકાશે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ પોશાકને જોવાની જરૂર છે.
આઈઆઈએમ તેના સ્નાતકોને દીક્ષાંત સમારોહમાં યુવકોને કુર્તા-પાયજામા અને યુવતીઓને સાડીનો ભારતીય પરંપરાનો પોશાક પહેરવા અનુરોધ કરે છે. હવે આઈઆઈએમના દીક્ષાંત સમારોહ લગભગ ભારતીય પોશાકમાં જ યોજાય છે. પરંતુ શાળાઓનો ગણવેશ હોય કે કંપનીઓનો ડ્રેસ કોડ તે દેશની આબોહવાને અનુરૂપ હોય તે વધુ જરૂરી છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૪૯) લાલા લાજપત રાયની શહાદત
દીપક ધોળકિયા
પહેલા વિશ્વ યુદ્ધમાં બ્રિટનની ફોજ સાથે અસંખ્ય ભારતીયો પણ લડ્યા હતા અને વિશ્વયુદ્ધમાં બ્રિટન અને એના સાથીઓને મળેલા વિજયમાં ભારતીયોનો મોટો ફાળો રહ્યો. આથી એવી આશા હતી કે હવે સામ્રાજ્યવાદી સરકાર હિન્દુસ્તાનનો આભાર માનવા તરીકે અમુક રાજકીય સ્વતંત્રતાઓ આપશે. બ્રિટન સરકારે આના માટે કૅબિનેટના ભારત માટેના મંત્રી મોંટેગ્યૂ અને ભારતના વાઈસરૉય ચેમ્સફૉર્ડને મુસદ્દો તૈયાર કરવાનું કામ સોંપ્યું. એમણે જે યોજના તૈયાર કરી તે મોંટેગ્યૂ-ચેમ્સફૉર્ડ સુધારા (અથવા મોંટફર્ડ સુધારા) તરીકે ઓળખાય છે. ૧૯૧૯માં એ લાગુ કરવામાં આવી. આ યોજનાએ બળતામાં ઘી હોમ્યું. કારણ કે બ્રિટને જે આપ્યું તે એટલું ઓછું હતું કે લોકોનો અસંતોષ વધ્યો.
મોટફર્ડ સુધારા હેઠળ દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવામાં આવી. એટલે કે કેન્દ્રમાં અને પ્રાંતોમાં બે ધારાગૃહો બનાવાયાં – એકમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ અને બીજામાં ગવર્નરે નીમેલા નાગરિકો અને સરકારી અધિકારીઓ. એ એક્ઝીક્યુટિવ કાઉંસિલ હતી અને એ સીધી રીતે ગવર્નરને જવાબદાર હતી. આમ લોક-પ્રતિનિધિઓના હાથમાં કંઈ આવ્યું નહીં. આમ છતાં, જનતા સમક્ષ તો એમને જવું પડતું. આની સામે લોકોએ ભારે વિરોધ કર્યો. રોલેટ ઍક્ટ આ વિરોધને દબાવવા માટે જ બનાવવામાં આવ્યો હતો અને જલિયાંવાલા કાંડ પણ રૉલેટ ઍક્ટના વિરોધનું જ પરિણામ હતો.
૧૯૧૬માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક થઈને સ્વરાજ માટે લડવાની સમજૂતી કરી.
સાઇમન કમિશન
મોંટફર્ડ સુધારા લાગુ કરતી વખતે બ્રિટન સરકારે દસ વર્ષ પછી એની સમીક્ષા કરવાનું વચન આપ્યું હતું.
આ દસવર્ષીય સમીક્ષા માટે સાઇમન કમિશન ૧૯૨૮માં ભારત આવ્યું. બ્રિટનને એમ હતું કે થોડા વધારે સુધારા કરવા અને લોકોના અસંતોષને ઠંડો પાડવો. પરંતુ બ્રિટન સરકારની ભૂલ એ હતી કે ૧૯૧૯ અને ૧૯૨૯નાં દસ વર્ષ દરમિયાન ચિત્ર બદલાઈ ગયું હતું. લોકોમાં ૧૯૧૯ના સુધારા પછી વિરોધ શમવાને બદલે વધારે ઊગ્ર બન્યો હતો.
સાઇમન કમિશન કંઈ ધરખમ ફેરફાર કરે એવી આશા નહોતી. હિન્દુસ્તાનીઓ નિર્ણયનો અધિકાર માગતા હતા. સાઇમન કમિશનમાં એક પણ ભારતીય નહોતો એટલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એનો બહિષ્કાર કર્યો હતો. આમ, દેશની ચેતનામાં નવું જોશ રેડાયું. આથી આખા દેશમાં સાઇમન કમિશન સામે વિરોધ ફાટી નીકળ્યો.
૧૯૨૮નું વર્ષ આવતાં સુધીમાં દેશમાં સંઘર્ષ માટેનું ચિત્ર વધારે સ્પષ્ટ થવા લાગ્યું હતું. એક તો, ૧૯૨૦થી જ કોંગ્રેસનું પોત બદલી ગયું હતું. ગરમ કે નરમ, બન્ને જૂથોના નેતાઓ, લોકમાન્ય તિલક અને ગોપાલ કૃષ્ણ ગોખલે તો બહુ પહેલાં જ વિદાય લઈ ગયા હતા. ગાંધીજીની અહિંસક અને સામૂહિક આંદોલનની પદ્ધતિ એકમાત્ર પદ્ધતિ રહી હતી. બીજી બાજુ, સશસ્ત્ર ક્રાન્તિકારીઓમાં પણ પરિવર્તનો આવ્યાં હતાં. પહેલાં ધાર્મિક રંગે રંગાયેલા હિંસામાં માનનારા ક્રાન્તિકારીઓ મોખરે હતા. તેમાંથી HRA અને પછી ભગત સિંઘ જેવા ધર્મથી અલિપ્ત, સમાજવાદથી પ્રેરાયેલા ક્રાન્તિકારીઓ આગળ આવ્યા હતા. જો કે, હજી સશસ્ત્ર આંદોલનોમાં સમાજવાદી વિચારોને લાગુ કરવા માટે જરૂરી શક્તિ વિકસી નહોતી, અને અંગ્રેજી સત્તાનો શસ્ત્રશક્તિથી સામનો કરવાની ઉત્કટતા વધારે હતી. ખરેખર તો રશિયામાં થયેલા સત્તાપલટાની અસર સામ્યવાદી સિદ્ધાંતો કરતાં વધારે હતી. એટલે માર્ક્સવાદ વિશે ક્રાન્તિકારીઓ વધારે રોમૅંટિક હતા. હજી એમની સમજ પૂરી વિકસી નહોતી. આથી કોઈ આખી વ્યવસ્થાને નહીં પણ કોઈ એક ખાસ વ્યક્તિને જવાબદાર માનવાનું વલણ પણ હતું.
સાઇમન કમિશન અને લાલા લાજપત રાયનું મૃત્યુ
૧૯૨૮ની ૩૦મી ઑક્ટોબરે કમિશન લાહોર પહોંચ્યું ત્યારે સરકારને ખબર હતી કે એની સામે વિરોધ થશે એટલે ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ હતી. તેમ છતાં, એના વિરોધમાં જબ્બરદસ્ત સરઘસ નીકળ્યું. પંજાબ કેસરી લાલા લાજપત રાયની આગેવાની નીચે હજારો લોકો રસ્તા પર કૂચ કરતા નીકળી પડ્યા. જંગી સરઘસને વીખેરી નાખવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો તેમાં લાલાજી ઘવાયા અને ૧૭મી નવેમ્બરે એમનું અવસાન થયું.લાલા લાજપત રાય કોંગ્રેસના એક સર્વમાન્ય નેતા હતા. અહિંસક સરઘસ પર પોલીસના પાશવી અત્યાચારનો ભોગ બનનારા તેઓ એકમાત્ર અને પહેલા નેતા હતા, જે શહીદ થયા. દેખીતી રીતે જ, લાહોર ક્રોધથી કાંપતું હતું.
હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)ના ક્રાન્તિકારીઓ લાલાજીના રાજકારણ સાથે સંમત તો નહોતા પરંતુ એમણે એમના મૃત્યુને સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું. એમનો ઇરાદો તો લાઠીચાર્જનો હુકમ આપનારા લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો. લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી, ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો.
ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણ એના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ. પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો. (આ કથા ભગતસિંહ વિશેના પ્રકરણમાં આગળ ચાલશે).
બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે HSRAના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી – “સોંડર્સ મરાયો… લાલાજીના મોતનો બદલો વસૂલ!” આ કેસના તાજના સાક્ષી જયપાલના નિવેદનમાંથી આખી યોજનાની ઝાંખી મળે છે તે પ્રમાણે ક્રાન્તિકારીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી.
સંદર્ભઃ
1.भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00 rhljk iqueqZnz.k % fnlEcj] 2017
- A Centenary History of the Indian National Congress Vol. II (1919-1935)
૩. http://www.shahidbhagatsingh.org/biography/c6.htm
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
સમાજવાદને સમજવાની એક કોશિશ!
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
શરૂઆત એક રોમહર્ષક સાંભરણથી કરું? હવે તો ખાસાં આઠ વરસ થયાં એ વાતને. એ ગાળામાં હું ગેસ્ટ ફેલોને નાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી (શિમલા)માં યદૃચ્છાએ સ્વાધ્યાય વિહાર કરતો હતો. સર્વપલ્લી રાધાક્રિષ્ણન રાષ્ટ્રપતિ હતા ત્યારે એમણે ઐતિહાસિક વાઈસરોય ભવનને સ્વાધ્યાય સંશોધન કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો સંસ્કાર શોભીતો નિર્ણય કીધો હતો. આવી જગ્યાએ થોડાક ગાળા સારુ પણ વિધિવત હોવું એ પોતે કરીને કમ રોમાંચક અલબત્ત નથી, પણ ત્યાં કેમ જાણે એથીયે અદકી રોમહર્ષક ક્ષણ રાહ જોતી હતી.
આપણે ત્યાંનું સમાજવાદી આંદોલન, ખાસ તો એવો ઉષાકાળ, મને હંમેશ ખેંચે છે. એના આરંભકારોનું સાહિત્ય ફંફોસતો હતો અને મને સહજ કુતુહૂલ થઈ આવ્યું કે મારા પહેલાં કોણે આ સાહિત્યમાં ડોકિયું કર્યું હશે. પુસ્તકના પાછલે છેડે જઈને ઈશ્યુવહી જોઉં છું… અરે, આ તો સૂ ચી! મ્યાંમારની લોકશાહી લડતમૂર્તિ, નોબેલ પુરસ્કૃત. પોતે અહીં ફેલો તરીકે હશે, મારાથી ત્રણેક દાયકા પર, ત્યારે એમાંથી એ હોંશે હોંશે અભ્યાસઅગ્ર જીવે પસાર થયાં હશે, કેમ કે એ છે તો સમાજવાદી રુઝાનવાળા સ્વાતંત્ર્યસેનાની પિતા ઑંગ સાનનાં પુત્રી.
હમણેના દિવસોમાં આ સાંભરણ નીંગળવાનું કારણ કહું? આપણે ત્યાં સમાજવાદી આંદોલન કોંગ્રેસ સમાજવાદી પક્ષ રૂપે સંસ્થીકૃત થવાની શરૂઆત થઈ મે ૧૯૩૪ની પટણા બેઠકથી. જેટલા માર્ક્સ વિચાર એટલા જ બૌદ્ધ દર્શનના પ્રખર વિદ્વાન આચાર્ય નરેન્દ્ર દેવ એમાં અગ્રપદે હતા. સંયોજનનું દાયિત્વ જેમની કને હતું એમાં જયપ્રકાશ નારાયણ મુખ્ય હતા, અને એમના સાથીઓ પૈકી એક વિશેષ રૂપે સાંભરી આવતું નામ મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનનું છે.
આ તો વિધિવત નવ દાયકાની વાત થઈ પણ અવિધિસરની તવારીખ તો એથીયે પાછળ જઈ શકે. ગાંધીપ્રવેશનાં બે-ત્રણ વરસે અમદાવાદની મજૂર ચળવળને મળી રહેલાં મોટીબહેન બલકે માતૃમૂર્તિ શાં અનસુયા સારાભાઈને એમનાં લંડનવાસ દરમ્યાન ફેબિયન સોશિયાલિઝમનો કંઈક પરિચય હતો એમ જણાય છે. વખતે દીક્ષા લઈ જૈન સાધ્વી થઈ શક્યાં હોત એવાં અનસૂયાબહેન મિલ માલિક ભાઈ અંબાલાલ સારાભાઈની સામે મજૂરોની પડખે ઊભાં રહ્યાં એ વળી ઈતિહાસનું એક મળતાં મળે એવું પાનું છે.
હમણાં ગાંધીઘટનાની જિકર કરી તો એની સાથે એક રસપ્રદ વિગત પણ દર્જ કરી લઉં. લોકશાહી સમાજવાદને વરેલી લેબર પાર્ટીનો ઈંગ્લેન્ડમાં ઉદય થયો અને પહેલી વાર ત્યાં હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીના સાંસદો કંઈક નોંધપાત્ર સંખ્યામાં ચૂંટાયા ત્યારે એક સર્વેમાં માલૂમ પડ્યું હતું કે તેમના પૈકી ઠીક ઠીક આ પક્ષ અને સમાજવાદી ચળવળ ભણી રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધ લાસ્ટ’ની નૈતિક અપીલથી ખેંચાયા હતા. અને આ તો, પાછળથી જેમની કલમે ‘સર્વોદય’ શીર્ષકે ઊતરી આવ્યું તે ગાંધીનુંયે પ્રિય પુસ્તક હતું.
બાય ધ વે, ૧૯૪૭માં આપણે આઝાદ થયા તે ઈંગ્લેન્ડમાં લેબર પાર્ટીનો શાસનકાળ હતો. આગળ પટણા બેઠકનો ઉલ્લેખ કર્યો, પણ સ્વરાજલડતની વડી પાર્ટી કોંગ્રેસ અંતર્ગત સમાજવાદી પાર્ટી તરીકે ગઠિત થવું ને કાર્યરત હોવું એવી અવિધિસરની ચર્ચા એની પૂર્વે શરૂ થઈ જ ગઈ હતી. એમાં કદાચ સૌથી મહત્ત્વનું ઠામ બલકે ધામ હોય તો તે ૧૯૩૩માં નાશિક જેલનો બી વોર્ડ હતો. ત્યાં યુવા સ્વાતંત્ર્યસૈનિકો વચ્ચે આ વિશે ખાસી ચર્ચા-વિચારણા થઈ હતી. કારાગારમાં કૃષ્ણજન્મ શી આ ઈતિહાસ પ્રક્રિયામાં સહભાગી બંદીજનોમાં જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા, મીનુ મસાણી, રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, યુસુફ મહેરઅલી, મોહનલાલ દાંતવાલા, નાનાસાહેબ ગોરે, સહુ ત્યાં હતા. (આ જૂથની બૌદ્ધિક પ્રતિભાનો અંદાજે અહેસાસ મને પાંચેક દાયકા પર અમેરિકન એન્સાઈક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સીઝમાંથી પસાર થતાં થયો હતોઃ એના આંતરરાષ્ટ્રીય સંપાદક મંડળમાં બે જ ભારતીયો હતા, પાછા બેઉ સમાજવાદી, અને વળી ગુજરાતી! અશોક મહેતા, મોહનલાલ દાંતવાલા.)
આ લખી રહ્યો છું ત્યારે લોકસભાની ચૂંટણી પૂરી થવામાં છે. જેને આર્થિક-સામાજિક વિચારધારાકીય કહી શકાય એવા મુદ્દાને ચૂંટણી પ્રચારમાં પૂરા કદની માવજત મળી નથી. કોંગ્રેસે જરૂર એક અભિગમ ઉપસાવવાની કોશિશ કરી છે, પણ સત્તા પક્ષે એ અંગે કોઈ ધોરણસરના પ્રતિભાવની જરૂર જોઈ નથી. આપણે ત્યાં ચોક્કસ જ એક ચિંતન કોશિશ થઈ છે. હકીકતે, જે ગાળાની હમણાં મેં વાત કરી તે વર્ષોમાં આપણી બંધારણ સભાએ ૧૯૪૬-૧૯૪૯નાં વર્ષોમાં જે કામગીરી પાર પાડી તેને સારુ ખાસું ખાણદાણ ભરેલું છે. ભગત સિંહે શહાદત વહોરી ઉપસ્થિત કરેલા આર્થિક-સામાજિક મુદ્દા, મીઠાનો મુદ્દો ઊંચકી દાંડીકૂચ વાટે ગાંધીએ નાતજાતકોમથી નિરપેક્ષપણે આમ આદમીના અર્થકારણ સારુ પ્રશસ્ત કરેલી ભૂમિકા, કરાચી કોંગ્રેસનો મૂળભૂત અધિકારનો ઠરાવ, પુના કરાર, આ બધાંમાં બંધારણ સભાની વણબોલી નાન્દી પડેલી છે.
અહીં મહાદેવભાઈની ડાયરીનો ઓગણીસમો ગુટકો સાંભરે છે. સમાજવાદીઓને અને સમાજવાદને સમજવા માટે ગાંધીએ કરેલી મથામણ તમને ૧૯૩૪-૩૫માં તબક્કે તબક્કે જોવા મળે છે. જવાહરલાલ જોડે સહજ ચર્ચા સારુ ગાંધી મહાદેવભાઈને અલાહાબાદ મોકલે છે, પોતે સમાજવાદીઓ સાથે સહવિચારની દૃષ્ટિએ પૂર્વ તૈયારી સારુ શું વાંચવું એ માટે નરેન્દ્ર દેવની સલાહથી જી. ડી. એચ. કોલનું પુસ્તક જોઈ જાય છે. ગુજરાતના સમાજવાદીઓને મળવા સારુ જગ્યા મેળવી આપે છે. સ્વરાજ પછી પચમઢી કાર્યક્રમથી માંડી ૧૯૭૭ના જનતા ઢંઢેરા પૂંઠે એક આખો જમાનો પડેલો છે તે આ લખતાં તાદૃશ થાય છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૯ – ૦૫ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
આધુનિકા
ગિરિમા ઘારેખાન
રચનાએ ફરી એક વાર ઘડિયાળમાં જોયું. સેકંડ કાંટો તો એની ગતિથી જ ફરી રહ્યો હતો. તો પછી સમય કેમ આગળ વધતો ન હતો? દીપાનું પ્લેન તો ક્યારનું લેન્ડ થઇ ગયું હશે. એરપોર્ટથી ઘેર આવતા એકાદ કલાક થાય. તો પછી હજી પહોંચી કેમ નહીં? ઘરમાં આટલું કામ ના હોત તો એ પોતે જ એને લેવા એરપોર્ટ પહોંચી ગઈ હોત. મન દીકરીને જોવા બેબાકળું થઇ ગયું હતું. એનું અમેરિકા જવાનું કેવું ઓચિંતુ નક્કી થઇ ગયું હતું! સુધીરે બહુ નાની ઉંમરમાં એને વિદેશ ભણવા મોકલી દીધી હતી. હજી તો જાણે નાળથી બંધાયેલી હોય એવું જ લાગતું હતું અને હવામાં ઉડતા પતંગની દોરી અચાનક હાથમાંથી છૂટી જાય એવી રીતે દૂર દૂર ઉડી ગઈ હતી. એના દાદીને તો એ જરા પણ ગમ્યું ન હતું, ‘હજી હમણાં તો એને અઢાર પૂરાં થયા છે. કોલેજના ત્રણ વર્ષ ભલે અહીં પૂરાં કરી લેતી. પછી મોકલી દેજે.’
પણ સુધીરે એ લોકોની વાત કાન તળે કાઢી નાખી હતી. એની પાસે એને માટેના કારણો પણ તૈયાર હતાં, ‘તમે લોકો જોતાં નથી અહીંનું વાતાવરણ? એ અગિયારમામાં આવી અને ભયંકર ધરતીકંપ થયો. લગભગ છ મહિના સ્કૂલ બંધ રહી. બારમામાં બોર્ડ એકઝામના મહિના પહેલા કોમી રમખાણો. પરીક્ષા ચાર મહિના લંબાઈ ગઈ અને પરિણામમાં પછી લોચા. અહીં ભણાવીને મારે મારી આટલી હોશિયાર છોકરીની કેરિયર ખરાબ નથી કરવી.’
‘પણ એ હજી તો કેટલી નાની છે? ત્યાના સાવ અજાણ્યા વાતાવરણમાં —’ રચનાએ પણ દલીલ કરી જોઈ હતી.
‘કયા જમાનામાં જીવે છે તું? કેટલાય મા બાપ પોતાના છોકરાંઓને મેડીકલનું ભણાવવા માટે રશિયા અને ચાઈના મોકલતા હોય છે. ત્યાં તો ભાષાની પણ મુશ્કેલી. આપણી દીપુને અમેરિકામાં તો જરા ય વાંધો નહીં આવે.’
જો કે શરૂઆતના થોડા વિરોધ પછી તો ધ્રૂજી ગયેલા અને પછી ભડકે બળેલા ગુજરાતની હાલત જોઈ ચૂકેલી રચના પણ સુધીરના સૂરમાં સુર પૂરાવતી થઇ ગઈ હતી. દીપાને ફટાફટ સ્ટુડંટ વિઝા મળી ગયા હતા અને ઓગણીસમા વર્ષે તો એ પાંખો પહેરીને ઊડી ગઈ હતી. બે વર્ષ થયાં એ વાતને. થોડી બૂમો પાડીપાડીને ફોન પર એની સાથે વાત તો થઇ જતી, પણ રચનાની આંખો હવે એને જોવા માટે ચાતક બની ગઈ હતી અને મન એના વધુ યુવાન થયેલા સ્વરૂપની કલ્પના કરવા માંડ્યું હતું.- કેવી લાગતી હશે મારી દીકરી? સુંદર તો એ નાનપણથી હતી જ. એના નિતંબ સુધી પહોંચતા ભરાવદાર વાળને ઓળતાં કેટલો બધો સમય લાગતો હતો! તીણું નાક અને ચમકતી આંખો એની નમણાશને વધુ નાજુક બનાવતા હતા. અમેરિકા રહીને તો એની ગોરા ગાલ વધારે ગુલાબી થઇ ગયા હશે. પ્લેનમાં બેઠી ત્યારે તો લાલ પંજાબી ડ્રેસમાં આંખે ઊડીને વળગે એવી લાગતી હતી! અત્યારે ભાઈના લગ્નમાં આવે છે એટલે ઘણાની નજરમાં આવી જવાની મારી દીકરી.
બહારથી ગાડીના હોર્નનો અવાજ આવ્યો અને રચના ગેસ બંધ કરીને બહાર દોડી. ડ્રાઈવર ગાડીમાંથી ઉતરીને ડીકીમાંથી સામાન કાઢી રહ્યો હતો. રચના ગાડી તરફ આગળ વધતી હતી ત્યાં તો પાછળનો દરવાજો ખુલ્યો અને એમાંથી હાઈ હિલ્સ બુટ્સ પહેરેલો એક ગોરો પગ બહાર આવ્યો, પછી બીજો અને રચના મટકું મારવાનું ભૂલી ગઈ-આનંદથી નહીં, આઘાતથી. સાથળ સુધી પહોંચતું ફ્રોક પહેરીને દીપા સામે ઊભી હતી. ખભા ઉપર બાંયની જગ્યાએ માત્ર બે પાતળી પટ્ટીઓ હતી. ખુલ્લા વાળ માંડ ખભા સુધી પહોંચતા હતા. એક ક્ષણ તો રચનાને લાગ્યું કે એ બેભાન થઇ જશે. એને સાસુના શબ્દો યાદ આવી ગયાં, ‘અત્યારે બહુ કૂદે છે પણ પછી તું જ પસ્તાઇશ. ભણાવાની લાહ્યમાં છોકરીને ગુમાવાનો વારો ના આવી જાય.’
દીપા નજીક આવીને રચનાને વળગી પડી. એના અવાજમાં ઝાકળ જેવી ભીનાશ હતી. ‘ઓ મમ્મા! તને જોઇને કેટલું સારું લાગે છે! I feel so good!’ પછી એના બંને ગાલ ઉપર ચુંબન કરતાં બોલી, ‘I miss you the most. મમ્મા.’
રચના પણ બે વર્ષ પછી મળેલી દીકરીને જકડી રાખવા માગતી હતી. પણ એની ડોક ઉપર કોતરાયેલું પતંગિયાનું ટેટુ આંખમાં આવીને ભોંકાતું હતું. માથે ફરતો હાથ વાળના છેડા સુધી આવીને અટકી જતો હતો, પહેલાંની જેમ પીઠ સુધી લંબાઈ શકતો ન હતો. નજર રહી રહીને પવનથી ઉડીને પગને વધારે ઉઘાડા કરતા ફ્રોક તરફ અને બીજું કોઈ એ જોઈ તો નથી રહ્યું ને એ જોવા આજુબાજુ ફરતી રહેતી હતી.
‘મમ્મા, ભાઈને રસ્તામાં કંઇક કામ હતું એટલે એ થોડા મોડા ઘેર આવશે. ડેડી ક્યાં? દાદી ક્યાં છે?’
‘ડેડી તારે માટે તારા ભાવતાં ગરમાગરમ સમોસા લેવા ગયા છે અને મા પૂજા રૂમમાં હશે. પણ તું પહેલાં તારા —’
‘અરે આજ ભલે દાદીની સેવા અધૂરી રહેતી. હું તો જવાની.’
દીપા પૂજા રૂમ તરફ આગળ વધી અને રચના એના સાસુ એને આવી રીતે જોઇને શું પ્રતિભાવ આપશે એ વિચારી રહી. એ કપડાં બદલીને એમની પાસે ગઈ હોત તો!
એણે પૂજા રૂમ તરફ કાન માંડ્યા.
‘આવી ગઈ બેટા? અલી છોડ, છોડ મને. જો મારા લાલજીનું દૂધ ધોળી નાખ્યું તેં. અને આ શું વેશ કાઢ્યા છે? આવા સારા વાળ મુંડાવી નાખ્યા! મેં કહ્યું’તું તારી મમ્માને —.’
‘અરે મા, સવારે વહેલું કોલેજ માટે નીકળવું પડે. એટલા લાંબા વાળ ઓળવાનો સમય જ કોની પાસે હોય? અહીં પાછી આવીશ એટલે વાળ તો વધી જશે.’
‘અને આ કેવું ફ્રોક પહેર્યું છે? આટલું ઊંચું?’
‘મા, તમે જ કહો છો ને કે દેશ એવો વેશ કરવો પડે? હું ત્યાંની કોલેજમાં મારો પંજાબી ડ્રેસ પહેરીને , દુપટ્ટો નાખીને તો ના જ જાઉં ને? ફ્લાઈટનો ટાઈમ થઇ જતો હતો એટલે કોલેજ પહેરીને ગઈ હતી એ જ કપડાં પહેરીને આવી ગઈ.’
દીપાના શબ્દોમાંથી લાડનું મધ ટપકતું હતું.
‘સારું સારું. જરા ય બદલાઈ નથી. બધી વસ્તુના જવાબ તારી પાસે તૈયાર જ હોય. પણ અલી દીપુ, તું તો ગોરી બહુ થઇ ગઈ છે હોં! અસલ મડમ જેવી લાગે છે.’ દાદીના શબ્દો પણ વ્હાલની ચાસણીમાં ડૂબાડૂબ હતાં.
‘એમ ને મા! બસ ત્યારે. હવે સાંજે પૂજા સમયે બધા આવે ત્યારે કેવી તૈયાર થવું છું જોજો.’
રચનાને લાગ્યું કે હાશ! એક પહાડ તો પાર થઇ ગયો! જો કે હિમાલય તો હવે ચડવાનો છે. દીકરાના લગ્ન નિમિત્તે સાંજે ઘરમાં સત્યનારાયણની પૂજા રાખી છે. બધાં જ સગાં વહાલાં આવવાના છે. એ બધાની સામે દીપા આવા કપડાં પહેરીને આવશે તો કેવું લાગશે! હું એને કહી જોઇશ પણ બે વર્ષ પરદેશની હવા ખાઈ આવ્યા પછી એ મારું માનશે?
ત્યાં તો બહારથી સુધીરનો અવાજ સંભળાયો, ‘ક્યાં ગઈ મારી દીકરી? દીપુ! આવી ગઈ ને બેટા? જો તારે માટે તારા ભાવતાં સમોસા લાવ્યો છું.’
દીપા અંદરની રૂમમાંથી આવીને એના પપ્પાને વળગી પડી. સુધીરનો પ્રતિભાવ જોવા રચના એની સામે જોઈ રહી. પણ એને તો જાણે દીકરીમાં થયેલો ફેરફાર નજર જ ન હતો આવતો. એ તો એની સાથે એની કોલેજની, ભણવાની, આગળના કોર્સની જ વાતો કરવા માંડ્યો.
નાસ્તો પતાવીને દીપા તો તરત એની રૂમમાં સૂવા જતી રહી પણ રચનાના મગજમાં ચિંતાનું ધુમ્મસ ધીરે ધીરે ગાઢું બનતું રહ્યું. ‘આ છોકરી! સાવ આવી બદલાઈ જશે એવું ક્યાં વિચાર્યું જ હતું? ભગવાન જાણે બીજું શું શું બદલાયું હશે? માંસ મટન ખાતી તો નહીં થઇ ગઈ હોય ને? કોને ખબર? પછી કહી દે કે “બધાની સાથે સાથે ખાવું પડે.” બે ત્રણ ઘેરથી સારા છોકરાઓ માટે વાત પણ આવેલી છે. પણ આવી છોકરીને કોણ પસંદ કરે? લોકો તો મારી જ મજાક ઉરાડશે ને? એને યાદ આવ્યું – એણે એક વાર એનો એક સોનાનો દાગીનો ઘાટ બદલવા માટે સોનીને આપ્યો હતો અને નવા ઘાટ સાથે એ એની પાસે પાછો આવ્યો ત્યારે એ પહેલા કરતાં તો સાવ જુદો અને ખરાબ થઇ ગયો હતો. એને લાગતું હતું કે એમાંથી સોનું જાણે ઓછું થઈને તાંબુ ઉમેરાઈ ગયું હતું.
ચાર વાગ્યા પછી ઘર ભરાવા માંડ્યું. જેને ખબર હતી એ બધાં દીપાને મળવા આતુર હતાં પણ રચના ઈચ્છતી હતી કે એ ભલે સૂતી જ રહેતી. એના એ ફ્રોકમાં બહાર દોડી આવશે તો એમના થોડા સંકુચિત સમાજમાં લોકોને તો વાતો કરવાની તક મળી જશે –મોટા ઉપાડે દીકરીને અમેરિકા મોકલી હતી, હવે ભોગવો પરિણામ!
ભગવાને રચનાની પ્રાર્થના સાંભળી હોય એમ આખી પૂજા, પાંચે ય અધ્યાયની કથા સંપન્ન થઇ ત્યાં સુધી દીપા ઊંઘતી જ રહી. આરતીની ઘંટડીનો અવાજ આવ્યો ત્યારે એના રૂમનું બારણું ખુલવાનો અવાજ આવ્યો અને રચનાના મગજમાં ઘંટડીનો અવાજ મોટા ઘંટની જેમ અથડાવા માંડ્યો -ટન ટન ટન ટન. એ અને સુધીર આરતી ઊતારતા હતાં ત્યારે બંગડીઓ પહેરેલા બે હાથ એમની આરતીની થાળી સુધી લંબાયા અને આરતીના દીપકમાંથી નીકળતું તેજોવર્તુળ થોડું વધારે વિસ્તૃત થવા માંડ્યું. . રચનાએ બાજુમાં જોયું. પંજાબી ડ્રેસ પહેરીને, કપાળમાં નાની બિંદી કરીને, માથે દુપટ્ટો ઓઢીને દીપા બાજુમાં ઊભી હતી. એના ખભા સુધીના વાળને એણે સરસ પોનીમાં બાંધી દીધા હતા. મહારાજની સાથે એના સૂરે પણ સાથ પૂરાવ્યો, ‘મંગલમ્ ભગવાન વિષ્ણુ, મંગલમ્ ગરુડધ્વજ—.’
રચનાની આંખોમાં આંસુ આવી ગયાં.એણે સુધીર સામે જોયું. સુધીરની આંખોમાં દીકરી માટેનો ગર્વ છલકતો હતો. રચનાથી સાસુ સામે નજર નંખાઈ ગઈ. એમણે રચના સામે જોઇને ડોકી હલાવી અને પછી દીપા સામે જોઇને માથે મુઠ્ઠીઓ અરાડીને ટચાકા ફોડ્યા. આરતી પછી દરેક જણને પંચામૃત આપતી વખતે દીપા દરેક વડીલને નીચી નમીને પગે પણ લાગતી હતી. છેલ્લે એ રચના પાસે આવી અને આંખો ઊલાળીને એની સામે હસી અને ધીમેથી બોલી, ‘મમ્મા, તારી જ દીકરી છું.’ રચનાથી એના માથામાં ટપલી મરાઈ ગઈ. એણે ભગવાનને ચડાવાયેલા ફૂલ તરફ નજર નાખી. ગુલાબથી છૂટા પડ્યા પછી પણ ગુલાબની દરેક પાંદડીની સુગંધ તો યથાવત જ હતી.
એ પછીનું નાસ્તો વગેરે આપવાનું બધું કામકાજ દીપાએ જ સંભાળી લીધું. એણે રચનાને કહી દીધું, ‘તેં આખો દિવસ બહુ કામ કર્યું છે મમ્મા. હવે બધું જ હું કરીશ. તું બેસીને વાતો કર.’
બાજુમાં જ બેઠેલા રચનાના સાસુએ એને ધીરેથી કહ્યું, ‘છોકરીના વાળ અને કપડાં જોઇને તું નક્કામી ફિકર કરતી હતી ને? હું તને કહેતી જ હતી કે આપણા સંસ્કાર ક્યાંય ના જાય. એ તો લોહીમાં વણાઈ ગયા હોય.’
રચના એના સાસુએ ક્યારે આવું કહ્યું હતું એ યાદ કરવા પ્રયત્ન કરતી રહી.
નાસ્તા પછી ભજનો ગવાયાં ત્યારે દીપાએ એના સૂરીલા કાંઠે મીરાબાઈનું ભજન સંભળાવ્યું,
‘કોઈ દિન હાથ ન કોઈ દિન ઘોડા
કોઈ દિન પૈદલ ચલના જી.
કર લી ફકીરી ફિર ક્યા દિલગીરી,
મીરા મગનમેં રહના જી.’
રાત્રે સૂતાં પહેલાં સુધીરે ખુશખુશાલ દેખાતી રચનાને કહ્યું, ‘મને ખબર છે કે આખો દિવસ તું શેનું ટેન્શન લઈને ફરી છે. પણ આપણી દીકરીએ રંગ રાખ્યો ને? મને તો એના પર પૂરો ભરોસો હતો.
‘હા સુધીર, હું મા છું ને એટલે અનેક વિચારો આવતાં હતાં. પણ હું ભૂલી ગઈ હતી કે માળામાંથી બહાર નીકળેલું પંખી આખો દિવસ આકાશમાં ગમે તેટલી કરતબો બતાવે, પણ માળામાં પાછું આવે ત્યારે તો પાંખો સંકેલીને જ અંદર આવે છે.’
‘બસ તો હવે એને બીજી વાર ઉડવા માટે આનંદથી મોકલી દઈશ ને?’
રચનાએ સુધીરના લંબાયેલા હાથમાં હાથ મૂકી દીધો.
ગિરિમા ઘારેખાન:
૧૦, ઇશાન બંગલો, સુરધારા- સતાધાર રોડ, થલતેજ
અમદાવાદ-૩૮૦૦૫૪ -
મહાદાન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“બાબુજી, કોઈ તો આ અંધ પર દયા કરો.”
મંદિરની બહાર એક અંધ ભિખારણ રોજ આવીને બેસતી. કેટલાક દયાળુ એને પાઈપૈસો આપતા તો કોઈ સ્ત્રી થોડું અનાજ ઠાલવતી. આખો દિવસ એ આમ બેસતી. સાંજ પડે જે કંઈ મળ્યું એ પાલવમાં સમેટીને લાકડીના સહારે ગામથી થોડે દૂર એનાં ઘર ભેગી થતી. એને ઘર તો કેમ કહેવાય ? નાનકડી એ ઝૂંપડી હતી. રસ્તામાં પણ જે કંઈ બેચાર પૈસા વધુ મળે એની યાચના કરતી રહેતી.
આમ એ અંધ ભિખારણનો જીવનનિર્વાહ ચાલતો. એક સાંજે સૌએ જોયું તો એ સ્ત્રીના ખોળામાં એક છોકરો સતત રડતો હતો અને એ સ્ત્રી એને શાંત રાખવા મથતી હતી. છોકરો કોણ છે, ક્યાંથી આવ્યો છે એની આસપાસના કોઈને ખબર નહોતી.. બસ, એ દિવસથી આ છોકરો એની પાસે હતો અને ખુશ હતો એટલું સૌ જોતા અને જાણતાં. સાંજ પડે જેવી એ એની ઝૂંપડી પર પહોંચે કે એ દસ વર્ષનો છોકરો દોડતો આવીને એને વળગી પડતો. અંધ સ્ત્રી હેતથી એનું માથું ચૂમી લેતી.
એ અંધ સ્ત્રીએ ઝૂંપડીની જમીનમાં એક હાંડી મૂકી રાખી હતી. દિવસ દરમ્યાન જે કંઈ પૈસા મળે એ એમાં એકઠા કરતી. કોઈની નજર ન પડે એમ એની પર કશું ઢાંકી રાખતી. દિવસ દરમ્યાન એને ખાવાનું પૂરતું મળી રહેતું, એમાંથી પહેલાં એ છોકરાને ખવડાવતી અને બાકીનું પોતે ખાઈ લેતી. રાત્રે એને પોતાની સાથે સૂવડાવતી. સવાર પડતાં એને ખવડાવીને ફરી મંદિરે જઈને ઊભી રહેતી. બસ, આ હતી એની દિનચર્યા.
*****
કાશીમાં શેઠ બનારસીદાસની ધર્માત્મા અને દેશભક્ત તરીકે ખૂબ ખ્યાતિ હતી. શેઠની હવેલી પર કરજ માટે નાણાં લેવાથી માંડીને પોતાની બચત થાપણ તરીકે મૂકવા આવનારની હંમેશાં ભીડ રહેતી. સેંકડો ભિખારીઓ પણ પોતાની બચત શેઠ પાસે જમા કરાવતા. અંધ સ્ત્રીને એની જાણ હતી છતાં, કોણ જાણે એની ભેગી થેયેલી મૂડી મૂકવા એનું મન માનતું નહોતું. અંતે હાંડી છલોછલ ભરાઈ જતાં અને કોઈ ચોરી ન લે એ ડરથી શેઠ પાસે થાપણ મૂકવાની હિંમત કરીને એ નીકળી.
શેઠજીએ એનું નામ-ઠામ લખીને પૈસા મુનિમ પાસે જમા લઈ લીધા.
*****
બીજાં બે વર્ષ ખૂબ સરસ રીતે પસાર થયાં. એક દિવસ પેલો છોકરો મોટી બીમારીમાં સપડાયો. ઘરગથ્થુ દવાદારુ, મંત્રતંત્ર, ઝાડફૂંક, બધું જ કર્યું પણ વ્યર્થ. કોઈ ઉપચાર કામે ન લાગતાં અંતે ડૉક્ટરના શરણે જવા વિચારીને પોતાની જમા પૂંજીના પૈસા શેઠ પાસે લેવા નીકળી.
ધાર્મિક અને દાનવીર એવા શેઠે તો વળી કોણ તું અને કેવા તારાં પૈસા કહીને એને જરાય ધરણું ન ધર્યું.
પોતાના પૈસા નહીં સહી, ધર્મ અને દાનનાં નામે શેઠ પાસેથી થોડા રૂપિયા મળી જાય એવી આશાથી એ કેટલુંય કરગરી. શેઠ સાવ નામક્કર રહ્યાં.
“ભલે, ભગવાન તમને ઘણું દે” કહીને સ્ત્રી પોતાની લાકડીના ટેકે પાછી ચાલી નીકળી. દુઆ માટે બોલાયેલા શબ્દોમાં દુઃખ હતું.
દિવસ પસાર થતા પણ કોઈ રીતે છોકરાને ઠીક નહોતું થતું. તાવથી એ ધખી રહ્યો હતો. હારી થાકીને એ સ્ત્રી છોકરાને ઊઠાવીને ફરી શેઠ પાસે દયાયાચના માટે નીકળી.
પહેલાં તો એને બહારથી જ ભગાડી દેવા શેઠે નોકરને મોકલ્યો. સ્ત્રી ટસની મસ ન થઈ છેવટે શેઠ બહાર આવ્યા. છોકરાને જોઈને શેઠ ચમક્યા. છોકરાનો ચહેરો અદ્દલ એમના ખોવાયેલા દીકરા મોહનને મળતો આવતો હતો. કેટલુંય શોધ્યા પછી એ મળ્યો નહોતો જે આજે નજર સામે હતો. છોકરાના સાથળ પર મોહનને હતું એવું લાલ રંગનું નિશાન હતું જે એની ઉંમર વધવાની સાથે થોડું મોટું અને સ્પષ્ટ થયું હતું.
શેઠે ત્વરાથી એને સ્ત્રી પાસેથી ખેંચીને છાતી સરસો ચાંપી દીધો. તાવથી ધખતા દીકરા માટે તાત્કાલિક ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરી.
મૂડી તો ગઈ સાથે છોકરો પણ હાથમાંથી જતો રહ્યાની હાય સાથે રોતી કકળતી એ અંધ સ્ત્રીને ત્યાંથી ચાલ્યા જવા સિવાય કોઈ આરો નહોતો.
ઈશ્વરકૃપા અને ડૉક્ટરની દવાથી છોકરાનો તાવ ઉતર્યો. આંખ ખોલતાની સાથે આજુબાજુ અપરિચિત ચહેરા જોઈને ફરી આંખ બંધ કરી દીધી. બંધ આંખે ‘મા-મા’ રટણ શરૂ થઈ ગયું. ફરી તાવનું જોર વધવા માંડ્યું. ડૉક્ટરોને જવાબ દઈ દીધો.
માંડ મળેલો દીકરો ફરી ગુમાવી બેસવાના ભયે શેઠે એ ભિખારણની તપાસ કરાવી. શેઠ પહોંચ્યા ત્યારે ઝૂંપડીમાં પડેલી એ સ્ત્રીનું શરીર પણ તાવથી ધખતું હતું.
“માજી, તારો દીકરો મરવા પડ્યો છે. માત્ર તારું જ રટણ કરે છે. તું જ એને બચાવી શકે એમ છે, બચાવી લે તારા દીકરાને.”
“મરતો હોય તો છો મરે. હું પણ મરી રહી છું. મરીને બંને મા-દીકરાની જેમ શાંતિથી સ્વર્ગલોકમાં રહીશું. આ લોકમાં તો સુખ ન મળ્યું, ત્યાં સુખીથી સાથે રહીશું. જાવ અહીંથી.”
આજ સુધી કોઈનીય સામે ન નમેલા શેઠ એ સ્ત્રીનાં પગે પડી ગયા. મમતા અને માતૃત્વની દુહાઈ આપી ત્યારે માંડ એ સ્ત્રી જવા તૈયાર થઈ. સ્ત્રીને લઈને ઘોડાગાડી હવેલી પર પહોંચી. શેઠ અને ભિખારણ, બંને પોતાના દીકરાને જોવા ઉતાવળા હતાં. જેવો એ સ્ત્રીએ મોહનના માથે હાથ ફેરવ્યો કે મોહન બોલ્યો, “મા તું આવી ગઈ?”
“હા દીકરા, તને છોડીને ક્યાં જવાની હતી?” મોહન અપાર શાંતિથી એના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો.
એનો તાવ ઉતરવા માંડ્યો. જે કામ દવાદારુ, ડૉક્ટર કે હકીમ ન કરી શકયા એ માની મમતાએ કર્યું. મોહન સાજો થતાં શેઠના અતિ આગ્રહ છતાં એ સ્ત્રીએ પાછાં જવા રજા માંગી. એ જતી હતી ત્યારે શેઠે એના હાથમાં રૂપિયાની થેલી મૂકી.
“માજી, આમાં તમારી અમાનત, તમારી મૂડી અને મારો અપરાધ છે.”
એમની વાત કાપતાં સ્ત્રી બોલી, “એ પૈસા તો તમારા મોહન માટે ભેગા કર્યા હતા, એને જ આપી દેજો. સ્ત્રી થેલી ત્યાં જ મૂકીને લાકડીના ટેકે બહાર નીકળી ગઈ. એની આંખોમાં આંસુની ધાર ચાલી જતી હતી.
અત્યારે ભિખારણ હોવા છતાં એ શેઠ કરતાં મહાન હતી. શેઠ યાચક હતા અને એ દાતા.
રવીન્દ્રનાથ ટાગોર લિખિત વાર્તા’ भिखारिन’ ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૫૩. ખાવર ઝમાન
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
‘૬૦ ના દાયકામાં ગૈર ફિલ્મી ગીતો- ગઝલોના રેડિયો કાર્યક્રમમાં બે રચનાઓ અવારનવાર સંભળાતી. તલત મહેમૂદની ગાયેલી નઝમ ‘ પ્યાર કી મેહફીલ તેરી સહી પર વીરાને સબ મેરે હૈં ‘ અને મોહમ્મદ રફી સાહેબે ગાયેલી ‘ મેરી મહોબ્બત કુબુલ કર લો ગરીબ શાયર કે આંસુઓ કા હકીર તોહફા કબૂલ કર લો‘ આ બંને રચનાઓ હતી ખાવર ઝમાનની.
ઝમાન સાહેબે સોના ચાંદી, ટેન ઓ’ક્લોક, ખેલ, ગુરુ ઘંટાલ, ખૂની ખજાના, ફ્લાઈંગ મેન, ઝીમ્બો કી બેટી, સાયા, પેડ્રો, નેક ખાતુન, તિકડમબાઝ અને હોટેલ જેવી ત્રીજા અને ચોથા દરજ્જાની ફિલ્મોમાં એકંદરે સારા કહી શકાય એવા ૫૦ ઉપરાંત ગીતો લખ્યા. ન ફિલ્મો ચાલી, ન ગીતો !
અહીં આપેલી એમની બે ફિલ્મી ગઝલોમાંની બીજી ગઝલ વાળી ફિલ્મ ‘પ્યાર કી બાતે’ ના તો નાયિકા પણ નરગીસ જેવા ખ્યાતનામ અભિનેત્રી હતા પણ ખાવર ઝમાનને પ્રકાશમાં લાવવા એમની બુલંદી કોઈ કામમાં ન આવી –
યે રંજ જુદાઈ કે ઉઠાયે નહી જાતે
મજબુર હૈ લબ પર ભી તો લાયે નહીં જાતેવાદે જો મોહબ્બત કે નિગાહો ને કિયે થે
વો ભૂલ ગયે હમ સે ભુલાયે નહી જાતેવો ઉનકી જફાએં હોં યા ખુદ કી વફાએં
યે રાઝ હૈં – ગૈરોં કો સુનાયે નહીં જાતેકબ તક મૈં દિલ કો માર કે દું જુઠી તસલ્લી
અબ જાન કે ધોકે ભી તો ખાયે નહીં જાતે…– ફિલ્મ: ગઝલ ૧૯૪૫
– નસીમ અખ્તર
– જ્ઞાન દત્ત
અબ કહાં જાએ કે અપના મહેરબા કોઈ નહીં
તેરી દુનિયા મેં હમારા પાસબાં કોઈ નહીંલુટ રહા હે આશિયા મેરી નજર કે સામને
ઔર મૈં ખામોશ હું જૈસે જુબાં કોઈ નહીંહસરતો કે બાગ મેં યુઁ છા ગઇ બરબાદીયાં
ફુલ હૈં, કલિયાં હૈં લેકિન આશીયાં કોઈ નહીં..– ફિલ્મ : પ્યાર કી બાતે ૧૯૫૧
– લતા
– ખૈયામ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં મે ૨૦૨૪નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creations of May 2024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
એસ ધમ્મો સનંતનો – ભક્તિ – સંત – ગુરુ પરંપરા
પ્રવાસી યુ. ધોળકિયા
આ લેખમાળામાં આ અગાઉ આપણે વૈદિક અને શ્રમણ પરંપરાઓ પર અતિ સંક્ષિપ્ત વિવેચન કર્યું. હવે ક્રમ પ્રમાણે પૌરાણિક હિંદુ પરંપરા પર વિવેચન કરવું જોઇએ.
વિશ્વમાં એક અબજની વસ્તી ધરાવતા હિંદુ ધર્માવલંબીઓ પોતાને સનાતન પરંપરાના પ્રથમ વારસો માને છે. જો ઊંડાણથી આ પરંપરાનો અભ્યાસ કરવામાં આવે તો એક બાબત સ્પષ્ટ થાય છે કે વૈદિક અને શ્રમણ પરંપરાઓ સાથે સનાતન પરંપરા ઓછેવત્તે અંશે, ચોક્કસપણે જોડાયેલી છે. સાથે સાથે, હિંદુ પરંપરા પછી આવેલ આગમિક – તાંત્રિક પરંપરા અને ભક્તિ – સંત પરંપરા સાથે પણ તે એટલી જ જોડાયેલી છે. એટલે, સાચા અર્થમાં, પૌરાણિક હિંદુ ધર્મ પરંપરા એક બૃહદ છત્ર જેવી છે અને બીજી સનાતન પરંપરાઓ સાથે તે સંકળાએલી છે.
વર્તમાન સમયમાં, લોકોમાં, અને ખાસ કરીને શિક્ષિત વર્ગમાં, આપણી, મહાન પરંપરાઓ પ્રત્યે ઉદાનસીતા વધતી જતી જણાય છે. પરંતુ, ભક્તિ માર્ગમાં લોકોને હજુ પણ ઘણી શ્રધ્ધા છે એવું સ્પષ્ટપણે કળાય છે, એથી, સરળતા ખાતર, છેલ્લા ક્રમે આવેલી ભક્તિ – સંત – ગુરુ પરંપરાનો અભ્યાસ પહેલાં કરીશું.
ભક્તિ – સંત – ગુરુ પરંપરા
ભક્તિ માર્ગની વાત કરીએ તો આપણા મનોચક્ષુ સમક્ષ
૧) ભગવદ ગીતામાં પ્રબોધેલો ભગવાન શ્રીકૃષ્ણનો ભગવદ્યોગ
૨) મહર્ષિ વેદવ્યાસ પ્રણિત પુરાણોનો ભક્તવાદ
૩) માર્કંડેયપુરાણમાં દેવી મહાત્મ્યમાં માતાજીની અદ્વિતિય સ્તુતિઓ છે
૪) ઋષિ નારદ, અને
૫) ઋષિ શાંડિલ્યનાં ભક્તિ સૂત્રો
૬) દક્ષિણ ભારતના ભક્તો અને આચાર્યોએ દર્શાવેલો ભક્તિ માર્ગ
૭) ઉત્તર ભારતના સંતોનું સાહિત્ય
૮) બ્રિટિશકાળમાં જેમનું પ્રાગટ્ય થયું એવા શ્રીરામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, અરવિંદ ઘોષના બોધ અને સાહિત્ય, તેમજ
૯) વીસમી સદીના શ્રી રજનીશ તથા સદગુરુ વાસુદેવ જેવા આચાર્યોનાં પ્રવચનો અને ચિંતન સાહિત્ય
તરી રહે છે.
શ્રી કૃષ્ણનો ભક્તિયોગ
ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ગીતામાં ભક્તિયોગને પ્રતિપાદિત કરતાં કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાનાં સમગ્ર અસ્તિત્વનો અણમોલ પ્રેમ ભગવાનનાં શ્રીચરણોમાં અર્પણ કરી દેવો જોઈએ. આવી ભક્તિમાં અંગત સ્વાર્થને કોઈ સ્થાન નથી. સાથે સાથે વ્યક્તિએ સંયમ, સ્થિતપ્રજ્ઞતા, અહિંસા, પ્રમાણિકતા, ચિત્તની નિર્મળતા તથા ફળની અપેક્ષા વિના કર્મ કરવાના ગુણો પણ વિકસાવી ઈશ્વરમાં અનન્ય શ્રધ્ધા રાખવી આવશ્યક છે.
મહર્ષિ વેદવ્યાસ
મહર્ષિ વેદવ્યાસનો બોધ ઉપરોક્ત ભક્તિ યોગની પોતાની અનન્ય ભક્તિને કૃષ્ણમય બનાવી પોતાનાં જીવનને ભક્તિની મહેકથી મઘમઘતી બનાવી દેવાનું સૂચવે છે.
ઋષિ નારદ અને ઋષિ શાંડિલ્ય
કાળખંડની દૃષ્ટિએ આ બન્ને ઋષિઓ ભગવાન શ્રી કૃષ્ણ અને વેદવ્યાસ પહેલાં આવે. પરંતુ ભાષાની દૃષ્ટિએ બન્નેએ રચેલાં સૂત્રોનું નવસંસ્કરણ પછીથી થયું.
નારદે પોતાનાં ૮૪ ભક્તિસૂત્રોમાં વિષ્ણુના નામસ્મરણને જ ભક્તિનું મૂળ તત્ત્વ ગણાવ્યું છે. તેઓ ભક્તને ભગવાન વિષ્ણુમાં સમર્પિત થઈ જવાનું આહવાન કરે છે. આ સૂત્રોમાં જ્ઞાનમાર્ગ અને યોગને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે.
શાંડિલ્યનાં આજે ૧૦૦ સૂત્રો જ મળે છે. તેમાં તેઓએ બાહ્ય ભક્તિ કરતાં આંતરિક ભક્તિને વધારે પ્રાધાન્ય આપ્યું છે.
વિવેચકો માને છે કે આમ તો ભક્તિમાર્ગનું પ્રચલન ભારતમાં અતિ પ્રાચીન છે. પરંતુ આજથી ૩,૮૦૦ વર્ષ પહેલાં શ્રમણ પરંપરાના મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ એવા બે મહાન વ્યાખ્યાતાઓએ પોતાના સરળ ઉપદેશ વડે ભારતીય લોકમાનસને એટલું પ્રભાવિત કર્યું કે વૈદિક પરંપરાના પાયા ડગમગી ગયા. ભક્તિ પરંપરા પણ લગભગ વિસરાઈ ગઈ. આ પરિસ્થિતિની સામે હિંદુ પરંપરાઓનાં સંરક્ષણ કરવા માટે કરીને, પુરાણોનું નવસંસ્કરણ થયું. ૧૮ મહાપુરાણો રચાયાં, જેમાં ભગવાન વિષ્ણુ, શિવ, દેવી (માતાજી), સૂર્ય તથા ગણપતિની પુજા-અર્ચના સરળ કરવામાં આવી. જેને પરિણામે, જનમાનસમાં ભક્તિ માર્ગ પુનઃ ફેલાવા લાગ્યો.
દક્ષિણ ભારતના સંતો અને આચાર્યો
શ્રમણ પરંપરાને સમગ્ર ભારત વર્ષમાં ફેલાતી જોઈને દક્ષિણ ભારતના સંતો અને આચાર્યોને લાગ્યું કે શ્રમણ પરંપરા ભારતીય સંસ્કૃતિનાં હાર્દને હાનિ પહોંચાડી રહી છે. ક્ષત્રિયો અને શ્રેષ્ઠીઓ પોતાનાં મૂળ કાર્યક્ષેત્રો છોડીને માત્ર શ્રાવક બની ગયા છે. પરિણામે, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશાઓમાંથી આવી રહેલી અનેક લડાયક જાતિઓ સામે ભારત અને ભારતની સંસ્કૃતિનું રક્ષણ નથી થઈ રહ્યું. ભૌતિક અને માનસિક રીતે દેશ ગુલામ બનતો જાય છે.
તેથી, દક્ષિણના આલવાર સંતોએ ભગવાન વિષ્ણુનાં, અને ૬૩ નયનાર સંતોએ ભગવાન શિવનાં, ભક્તિકાવ્યો દ્વારા ભગવાન ઈશુનાં પ્રાગટ્યનાં ૬૦૦ વર્ષોમાં જ ભક્તિવાદમાં નવા પ્રાણ ફુંક્યા. આ સંતોમાં અનેક સ્ત્રીઓ તેમજ દલિત વર્ગના સંતો પણ હતાં. આ સમયમાં જ દક્ષિણ ભારતનાં ભવ્ય મંદિરો રચાવાની શરૂઆત પણ થઈ.
તે પછી દક્ષિણ ભારતમાં આચાર્યોનો યુગ શરૂ થયો. તેઓએ બીજાં ૭૦૦ વર્ષોમાં ઉત્કૃષ્ટ પ્રકારનાં ભક્તિ સાહિત્યની સાથે સાથે વિશ્વપ્રસિધ્ધ વેદાંત આધારિત તત્ત્વજ્ઞાનના ગ્રંથોની પણ રચના કરી. આ રીતે દક્ષિણના મહાન આચાર્યોએ સામાન્ય પ્રજાને ભક્તિમાર્ગે વાળી, તેમજ પ્રકાંડ તત્ત્વજ્ઞાન દ્વારા મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધે આપેલાં તત્વજ્ઞાનને નામશેષ કરી નાખ્યું.
ભારતીય ભક્તિવાદ વિચારશ્રેણી અને તેનાં તત્ત્વજ્ઞાનની લાંબી શૃંખલામાં આ આચાર્યોનાં યોગદાન વિશે હવે આપણે ટુંકમાં જોઈશું.
શ્રી શંકરાચાર્ય
આ મહાજ્ઞાનીએ અદ્વૈતવાદ દ્વારા એવું પ્રતિપાદિત કર્યું કે બ્રહ્મ જ સત્ય છે, આ માયાવી જગત મિથ્યા છે. આ વિચાર પર તેમણે ત્રણ પ્રસિધ્ધ ગ્રંથો લખ્યા જેને પ્રસ્થાનત્રયી કહેવાય છે, જેમાં બ્રહ્મસૂત્ર ભાષ્ય, ઉપનિષદો અને ભગવદ્ગીતાની ટીકાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેમણે ઉપદેશ સહસ્ત્રી તત્ત્વબોધ, વિવેક્ચુડામણિ અને વિવરણ લખ્યાં છે. આપસ્તંભ ધર્મસૂત્ર પર તેઓએ ટીકા લખી. ભક્તિવાદ ક્ષેત્રે તેઓએ દક્ષિણામૂર્તિ સ્તોત્ર, ભજગોવિંદમ, શિવાનંદ લહેરી, ચર્પટ પંજરિકા, આનંદ લહેરી અને વિષ્ણુસહસ્રનામ તથા લલિતા ત્રિશથિ સ્તોત્રમ્ નામના ગ્રંથો પણ રચીને ભારતવર્ષને ભક્તિ રંગમાં રંગી દીધું. તે ઉપરાંત શકરાચાર્યે ચાર મઠો સ્થાપીને હિંદુ ધર્મને વ્યવસ્થિત કર્યો.
માધવાચાર્ય
માધવાચાર્યએ કહ્યું કે શંકરનો અદ્વૈતવાદ અપૂર્ણ છે. સાચા અર્થમાં વિશ્વમાં પરબ્રહ્મ ઉપરાંત પ્રકૃતિની સત્તા પણ ચાલે છે. તેઓએ આ રીતે વેદાંત પર લખ્યું તેની રચનાઓમાં ૧) દ્વૈતવાદ પર ભાષ્ય, ૨) ભગવદ્ગીતા પર ભાષ્ય, ૩) અનુભાષ્ય, ૪) ન્યાય વિવેક અને ૫) ઋગભાવ મુખ્ય છે. તેમના અન્ય ગ્રંથોમાં ભગવાન વિષ્ણુની ભક્તિના સમર્થનમાં મહાભારતના રહસ્યો પરની ટીકા મુખ્ય છે.
આચાર્ય રામાનુજમ
આચાર્ય રામાનુજમે વિશિષ્ટાદ્વૈત દ્વારા વેદોમાં વર્ણિત દેવો વિશે આધ્યાત્મિક ચર્ચા કરી તેને લોકભોગ્ય બનાવ્યું. તેઓના ગ્રંથોમાં વેદાર્થસાર, શ્રી ભાષ્ય, વેદાંત દીપ અને ભગવદ્ગીતા ભાષ્ય મુખ્ય છે. શ્રી રામાનુજમે પણ ભગવાન વિષ્ણુના સગુણ અને નિર્ગુણ રૂપની ભક્તિનું પ્રતિપાદન કર્યું. તેમાં તેઓએ શરણાગતિ સૂત્ર, વૈકુંઠગદ્ય અને નિત્યપુજા ગ્રંથો લખ્યા. તેમની પ્રેરણાથી વસુધૈવ કુટુંબકમ્ નો મંત્ર ખુબ જ લોકપ્રિય થયો.
નિમ્બકાચાર્ય
તેઓશ્રીએ વેદાંતમાં દ્વૈતાદ્વૈતનું તત્ત્વજ્ઞાન વિશ્વને આપ્યું. એ તત્ત્વજ્ઞાનને સમજાવતા ગંથોમાં વેદાંત પારિજાત, બ્રહ્મસૂત્ર ભાષ્ય, પ્રપંચસૂત્ર ભાષ્ય અને તત્ત્વ વિવેકનો સમાવેશ થાય છે. તેઓની ભક્તિવાદની કૃતિઓમાં રાધાકૃષ્ણની પુજા અને શિવ – વિષ્ણુના ઐક્ય વિશે અનેક કૃતિઓ જોવા મળે છે.
દક્ષિણ ભારતનો ભવ્ય ભક્તિવાદ પછીથી ઉત્તર ભારતમાં ફેલાયો. રામાનંદની પ્રેરણાથી ઉત્તર ભારતમાં કબીર અને રહીમે નિર્ગુણવાદને સ્વીકાર કર્યો. કબીરપંથ આજે પણ હજારો ભક્તો માટે પ્રેરણાસ્રોત છે. રહીમના દોહાઓમાં સુરદાસનાં ભજનોમાં ભક્તિવાદ સાથે જીવનનું ઊંડું તત્ત્વજ્ઞાન સમાયેલું છે.
આ સમયે ભારતમાં રાજકીય રીતે ઇસ્લામિક સંસ્કૃતિ સ્થાપિત થઈ હતી. તેના સુફીવાદ પર પણ હિંદુ ભક્તિવાદનો પ્રભાવ પડ્યો. આની સંયુક્ત પ્રેરણા અને નિર્ગુણવાદનો આધાર લઈ પંજાબમાં ગુરુ નાનકે ૧૫મી સદીમાં નાનક પંથની સ્થાપના કરી. આ પંથ પર તે સમયના મુસ્લિમ શાસકોએ અતિશય જુલ્મ ગુજાર્યો. તેને પરિણામે, ગુરુ ગોવિંદસિંહે શીખ પંથને ખાલસા પંથમાં પરિવર્તિત કરી એક નવી લડાયક ધાર્મિક પરંપરા ઊભી કરી. આગળ જતાં નાનક પંથ વિશ્વનો સૌથી છેલ્લો, એટલે કે ૧૧મો, વિશ્વધર્મ બન્યો.
આ ભક્તિ સંતોની પ્રેરણાથી જ સમગ્ર ભારતમાં હિંદુઓનું ઇસ્લામ ધર્મમાં પરિવર્તન અટક્યું.
વલ્લભાચાર્ય
૧૭મી સદીમા તેલંગણાના એક બ્રાહ્મણે વલ્લભાચાર્ય નામ ધારણ કરીને વૈષ્ણવ પરંપરાનો શાખારૂપ પુષ્ટિમાર્ગ સ્થાપ્યો. તેના ૮૪ સ્થાનકો થકી વૈષ્ણવ ભક્તિને નવું બળ મળ્યું. આજે ગુજરાત મોટા ભાગે શાકાહારી છે તેના મુળમાં પુષ્ટિમાર્ગ અને જૈન ધર્મ છે.
સંત તુલસીદાસે રામચરિત માનસ લખીને રામભક્તિથી ઉત્તર ભારતને નવપલ્લવિત કર્યું. સંત રવીદાસ અને દાદુ દયાળે ભક્તિમાર્ગના ફેલાવામાં સિંહ ફાળો આપ્યો. ભારતની, કહેવાતી, કચડાયેલી પ્રજામાં માતંગદેવ મામૈદેવે મહેશ્વરી પંથ, બાબા રામદેવજી અને દેવાયત પંડિતે નિજારપંથ સ્થાપી લાખો વંચિત હિંદુઓને મુસ્લિમ થતા અટકાવ્યા.
ઇસુની ૧૩થી ૧૭મી સદી સુધીમાં કેટકેટલા સંતો થઈ ગયા. એ બધા પર લખવા બેસીએ તો એક ગ્રંથ પણ પુરો ન પડે. તેથી તેમનામાંથી કેટલાંક નામ ગણાવીને સંતોષ માની લઈએ.
પશ્ચિમ ભારતમાં મીરાબાઈ અને નરસિંહ મહેતાએ અને મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ અને તુકારામે વૈષ્ણવ ભક્તિની પરંપરા ચાલુ રાખી.
પૂર્વ ભારતમાં આ પરંપરાને ચૈતન્ય મહાપ્રભુ, ચંડીદાસ, જયદેવ, શંકરદેવ અને ઓરિસ્સામાં અચ્યુતાનંદદાસ (પંચ સખા) વગેરે ચાલુ રાખી.
વાચકોને જાણવમાં રસ પડશે કે ગુગલ સર્ચ કરવામાં આવે તો ભારતની ભક્તિ પરંપરા પર સૌથી શ્રેષ્ઠ વિવેચન ગુજરાતી વિશ્વકોશમાં જોવા મળે છે.
ભક્તિમાર્ગમાં નવધા ભક્તિ[1]નો ઘણો મહિમા છે. નવધા ભક્તિનો ઉલ્લેખ બે યુગોમાં કરવામાં આવ્યો છે, સત્યયુગ અને ત્રેતાયુગ. સત્યયુગમાં, ભક્ત પ્રહલાદે તેમના પિતા હિરણ્યકશિપુને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો હતો અને ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામે માતા શબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો હતો. પ્રહલાદજી દ્વારા કહેવામાં આવેલી નવધા ભક્તિ શ્રીમદ ભાગવત પુરાણના સાતમા ગ્રંથના પાંચમા અધ્યાયમાં છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે નવ પ્રકારે ભગવાનની ઉપાસના કરવાથી મોક્ષ કેવી રીતે મેળવી શકાય છે. જો કોઈ વ્યક્તિ આ નવ પ્રકારની ભક્તિમાંથી કોઈપણ એકને પોતાના જીવનમાં કાયમ માટે અપનાવી લે, તો પણ તે ભગવાનના વૈકુંઠ ધામને પ્રાપ્ત કરી શકે છે.
નવધા ભક્તિના પ્રકાર૧) શ્રમણ (પરીક્ષિત)
૨) કીર્તન (શુકદેવ)
૩) સ્મરણ (પ્રહલાદ)
૪) પાદ સેવન (લક્ષ્મીજી)
૫) અર્ચન (પૃથુરાય)
૬) વંદન (અક્રુર)
૭) દાસ્ય (હનુમાનજી)
૮) આત્મ વિલોપન (બ્રહ્માજી)
આ માર્ગમાં ભક્તોએ પોતાનાં ઈષ્ટદેવી-દેવતાઓને જમાડવાનું નૈવેદ્ય ધરાવવાનું હોય છે. પછી તેને પ્રસાદરૂપે ગ્રહણ કરવાનું હોય છે. તે ઉપરાંત મંદિરોમાં દેવીદેવતાઓની પ્રતિદિન સોળ પ્રકારની અર્ચન વિધિ સંપન્ન કરવાની હોય છે. શક્ય હોય તો આમાની કેટલીક વિધિઓ ભક્તોએ ઘરમાં કરવી તેવો આગ્રહ પણ શાસ્ત્રો રાખે છે.
આધુનિક યુગ – ગુરુવાદ
૧૮મી સદીથી આપણા દેશમાં મુસલમાની રાજ્યસત્તાનો અંત આવ્યો. તેનું સ્થાન પશ્ચિમી સંસ્કૃતિના વાહક બ્રિટિશરોએ પચાવી પાડ્યું. તેઓ ભારતમાં વિજ્ઞાન અને ખ્રિસ્તી ધર્મ લાવ્યા. તેની અસર ભારતના સુધારાવાદી માનસ પર નિશ્ચિત સ્વરૂપે પડી.
પરિણામે ભારતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક નવજાગૃતિનો યુગ શરૂ થયો. સૌ પ્રથમ, બંગાળમાં રાજા રામમોહનરાય અને કેશવચંદ્ર સેનના પ્રયાસોથી બ્રહ્મો સમાજ અને પાર્થના સમાજ સ્થપાયા. સ્ત્રીઓની સમાજમાં દયનીય સ્થિતિનાં સ્વરૂપ સમી સતીપ્રથા જેવી અનેક પ્રથાઓ સામે અવાજ ઊઠ્યો., જેમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નામ પણ આદરપૂર્વક મુકી શકાય.
આ સમયે બંગાળમાં શ્રી રામકૃષ્ણ પરમહંસે વિશ્વના બધા ધર્મોની પરમ ચેતનાનો સાક્ષાત્કાર કર્યો અને લગભગ ભગવાનનો દરજ્જો પામ્યા. તેઓએ કાલીપૂજા અને હિંદુ ધર્મની પરંપરાની સ્થાપના કરી. તેમના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદે આખા દેશમાં અને અમેરિકા, બ્રિટન, શ્રી લંકા જેવા અનેક દેશોમાં પરિભ્રમણ કરીને આપણી મહાન ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાઓથી વિશ્વને પરિચિત કરાવ્યું. તેઓએ અનેક સ્થળોએ રામકૃષ્ણ મિશનોની પણ સ્થાપના કરી.
બિહારના શ્રી સહજાનંદ સ્વામીએ વૈષ્ણવ ધર્મની પરંપરામાં સ્વામીનારાયણ સંપ્રદાય સ્થાપીને ગુજરાતમાં ગુરુ પરંપરાને ભારે બળ પુરું પાડ્યું. આજે સ્વામીનારાયણ સંપ્રદાયનાં વિશ્વભરમાં અક્ષરધામ મંદિરોએ ધર્મ વિશેની સમજની નવી પરિપાટી શરૂ કરી છે.
દયાનંદ સરસ્વતી ગુજરાતી હોવા છતાં આર્યસમાજ સંપ્રદાયની સ્થાપના પંજાબમાં કરી.
‘શ્રી લાહિરી મહાશય’ અને ‘ઓટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ પુસ્તકોના કર્તા શ્રી યોગાનંદે મહાવતાર બાબા અને તેઓ દ્વારા પ્રબોધાયેલા ક્રિયાયોગનો વિશ્વભરમાં પ્રચાર કર્યો.
બંગાળમાં જ શ્રી અરવિંદોએ યોગના જુદા જુદા માર્ગોનો સમન્વય કરીને Integral Yoga પુસ્તકમાં તેની વિશદ સમજણ આપી.
નીમ કરોલી બાબા (મૂળ નામઃ લક્ષ્મીનારાયણ શર્મા)ને ન માત્ર ભારત પરંતુ વિશ્વમાં પણ પ્રસિદ્ધ સંતના રુપમાં ઓળખવામાં આવે છે. તેઓ ૨૦મી સદીના મહાન સંતોમાંના એક માનવામાં આવે છે. ભક્તો અને તેમના અનુયાયીઓ બાબા નીમ કરોલીને હનુમાનજીનો અવતાર માનતા હતા. પરંતુ નીમ કરોલી બાબા પોતે પણ હનુમાનજીની પૂજા કરતા હતા. નીમ કરોલી બાબા આજે હયાત નથી. પરંતુ તેમના ભક્તો તેમને ભક્તિભાવથી માને છે.
વર્તમાન ભારતનાં અગ્રણી મહિલા સંતોમાંનાં એક એવાં મા આનંદમયીના (જ. ૩૦ એપ્રિલ ૧૮૯૬, ખેવડા, ત્રિપુરા; અ. ૨૭ ઑગસ્ટ ૧૯૮૨) બાળપણમાં જ તેમનામાં આધ્યાત્મિક લક્ષણો પ્રગટવા લાગ્યાં હતાં. માનો કોઈ સંપ્રદાય નથી. તેમનો બોધ સ્પષ્ટ છે : एकम् सत् विप्रा बहुधा वदन्ति । આપણે ફાળે જે કામ આવે તે ઈશ્વરનું ગણવું. આશ્રમધર્મ ઈશ્વરપ્રણીત છે. પતિ, પિતા, માતા અને ગુરુની આજ્ઞા માનો. સ્વધર્મને જ અનુસરો. સત્સંગકીર્તન કરો. જે મળે તેને ઈશ્વરની ભેટ માનો. ઈશ્વરને માનો.
વીસમી સદીમાં, અને અત્યારે પણ, ભારતમાં થયેલા ગુરુઓ વિશે લખવા બેસીએ તો એક આખો વિશ્વકોશ તૈયાર થાય. તેથી થોડા રહસ્યવાદી ગુરુઓ વિશે ટુંકમાં લખીને આજના મણકાનું સમાપન કરીશું.
જે. કૃષ્ણમૂર્તિએ પસંદગી વિનાની જાગૃતિ કેળવવાનો નવો માર્ગ સૂચવ્યો. પરંતુ ઓશો રજનીશે તો ભારતના ધર્મ, રહસ્યવાદ અને આધ્યાત્મિક પરંપરાઓ પર વીસમી સદીના સાતમા, આઠમા અને નવમા દાયકાઓમાં પોતાનાં પ્રવચનો દ્વારા અતિઆધુનિક અને નવી જ વ્યાખ્યાઓ આપીને ગુરુવાદને ટોચ પર પહોંચાડ્યો. તેઓએ આ માટે ભારતના અતિપ્રાચીન રહસ્યવાદ અને તંત્રવાદનો સહારો લીધો. અગાહી કરતાં એટલું જરૂર કહી શકાય કે ઓશો રજનીશમાં આપણને શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, પતંજલિ અને ગોરખનાથનું સંમિશ્રણ મળે છે અને તેથી આવનારી અનેક સદીઓ સુધી તેમનો પ્રભાવ વધતો જ જશે.
શ્રી શ્રી રવિશંકરે પણ ક્રિયા યોગને માધ્યમ બનાવી વિશ્વભરમાં આધુનિક ગુરુવાદનો પ્રચાર કર્યો.
આ રહસ્યવાદી ગુરુઓની છેલ્લી કડીમાં સદ્ગુરુ વાસુદેવ આવે છે. તેઓએ વિજ્ઞાન ભૈરવ તંત્રની ૧૧૨ પદ્ધતિઓનો આધાર લઈને આદીયોગી શિવને કેન્દ્રમાં મુક્યા છે. આજે તેમના ઈશા ફાઉન્ડેશને યોગમાર્ગને વિશ્વસ્તરનો બનાવી દીધો છે.
પ્રજ્ઞાચક્ષુ અને બહુશ્રુત વિદ્વાન એવા શ્રી રામભદ્રાચાર્ય આપણા પૂજનીય ગુરુ બન્યા છે.
આ બધામાં આપણે એક મહાન સંત અને ગુરૂ શ્રી સાંઈબાબાને ભૂલી જઈએ તે કેમ ચાલે? તેઓ તો પાંચ દેવને પૂજતા હિંદુઓના છઠ્ઠા દેવ બની તેમના ગૃહમંદિર અને મનમંદિરમાં સ્થાન પામે છે.
હવે પછીના મણકામાં આપણે હિંદુ પરંપરાના ત્ર્ણ મુખ્ય સ્તંભો, પુરાણ, આગમ અને તંત્રશાસ્ત્ર વિષે ચર્ચા કરીશું.
[1] નવધા ભક્તિ – પ્રકાશકઃ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, મુંબઈ
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
