-
પાંચમી જૂનના સંપૂર્ણ ક્રાંતિ દિવસની સાખે…
તવારીખની તેજછાયા

ગાંધી મેદાનમાં જનમેદનીને સંબોધતા જે.પી. પ્રકાશ ન. શાહ
આજથી પાંચ દાયકા પર પાંચમી જૂને જયપ્રકાશના આવાહનથી પટણાના ઈતિહાસપ્રસિદ્ધ ગાંધી મેદાન પર સંપૂર્ણ ક્રાંતિ દિવસ મનાવાયો હતો. એક રીતે, એમાં નેવું વરસ પર જેનો સૂત્રપાત થયો હતો એ સમાજવાદી આંદોલનનું સ્વાતંત્ર્યોત્તર સંધાન હતું.
આ ક્ષણે, પાંચમી જૂનના જોગસંજોગનો અવસર ઝડપી હું એક મુદ્દો ખસૂસ કરવા ઈચ્છું છું- અને તે એ કે વાજપેયીનાં છ વરસ (૧૯૯૮-૨૦૦૪) દરમ્યાન જેના કંઈક દબાતા, કંઈક સંવારેલા ઉદગારો સંભળાતા હતા અને જે કથાનક ઉભરતું આવતું હતું, યથાપ્રસંગ કથિત લિબરલ મેકઅપ સાથે, તે ૨૦૧૪-૨૦૨૪ના આ મોદી દશકમાં એકદમ બુલંદપણે અને પ્રસંગોપાત તો પ્રાકૃત લાગવાની હદે ખાસ ફિકર વગર ઉભર્યું છે.
આ કથાનક અલબત્ત ‘રાષ્ટ્ર’નું છે, એની સાંકડી ને આક્રમક વ્યાખ્યાનું છે, પણ હમણેના ગાળામાં એક વૈકલ્પિક કથાનક, અને તે પણ સ્વરાજસંધાન સાથે, ઊઘડતું આવે છે. પરિણામથી નિરપેક્ષપણે હવે એ કંઈ નહીં તો પણ વ્યાપક સમાંતર સ્વીકૃતિ ધરાવતું માલૂમ પડે છે. આ કથાનકને ગાંધીયુગીન લેખે અંશતઃ પણ ખતવી તો શકાય, પણ એમાં જો લવણ સાટું લડ્યાનું લાવણ્ય છે તો પુના કરારનું ખરબચડું સત્ પણ છે.
એની પાસે સદભાગ્યે સાવરકર નથી, પણ મહદભાગ્યે ભગતસિંહ જરૂર છે- એ ભગતસિંહ, જેનો બોંબપ્રયોગ હલકાફૂલકા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો હતો, અને જેની મુખ્ય વાત આર્થિક-સામાજિક ન્યાયની હતી. લાહોર જેલમાં ૧૯૨૯ની આઠમી ઓગસ્ટે જવાહરલાલ ભગતસિંહ અને સાથીઓને મળવા ગયા ત્યારે એક મહિનાથી ભૂખ હડતાળ ચાલુ હોવા છતાં, એમણે આત્મકથામાં સંભાર્યું છે કે ભગતસિંહના ચહેરા પર ઝળકતી બૌદ્ધિક પ્રતિભા આકર્ષતી હતી, અને તે સાથે એના પરની શાંતિ ને સ્વસ્થતા પણ… કેટલી મૃદુતા ને સુજનતાથી એ વાત કરતા હતા!
વોટ્સએપ યુનિવર્સિટીના સૌ લબરમૂછ (કેટલાંક તો મોટી ઉંમરનાં) બાળુડાંને આઝાદીના લડવૈયાઓની વિવિધ ધારાઓ વચ્ચે મતભેત છતાં કેવું સૌહાર્દ હતું એ સમજાય એટલા માટે જવાહરલાલની આત્મકથામાંથી આ ઉલ્લેખ કર્યો છે.
મુદ્દાની વાત એ છે કે રાષ્ટ્રવાદના ગર્જનતર્જનમાં ગંઠાઈ ન રહેતાં સમાજવાદે આમ આદમીના આર્થિક-સામાજિક ન્યાયની ચિંતા કરી. તમે જોયેલા છેલ્લામાં છેલ્લા દીનહીન જણનો ચહેરો યાદ કરી નિર્ણય લેશો એ તો ગાંધીદીધું તાવીજ હતું જ. કોંગ્રેસ સમાજવાદી પક્ષનું પ્રતિનિધિ મંડળ ગાંધીજી સાથે નિરાંતે વાતો કરવા ગયું ત્યારે એના નેતા આચાર્ય નરેન્દ્ર દેવે સરસ કહ્યું હતું કે તમે આવ્યા અને સ્વાતંત્ર્યલડતનો વ્યાપ સુખી મધ્યમવર્ગની વંડી ઠેકીને આગળ વધી રહ્યો છે એના જ અનુસંધાનમાં કિસાનો ને કામદારો સહિત સૌની સહભાગિતાની અમારી સમાજવાદીઓની કોશિશ છે.
પાંચમી જૂને આ પિછવાઈ સંભારણું એટલા વાસ્તે કે બેસતે સ્વરાજે ગાંધીસૂચવ્યા બે કોંગ્રેસ પ્રમુખો સમાજવાદી જયપ્રકાશ ને સમાજવાદી નરેન્દ્ર દેવ હતા. ગાંધીએ આંબેડકરનું નામ રાષ્ટ્રપતિ પદે વિચાર્યું હતું એવું કવચિત્ સાંભળવામાં આવ્યું હશે, પણ આ લખનાર કને એની કોઈ સાહેદી નથી. અલબત્ત, બંધારણના ઘડતર સાથે આંબેડકરનું સંકળાવું ગાંધીપહેલને આભારી હતું.
ગમે તેમ પણ, સ્વરાજના ઉષાકાળે જે નામો શાસનસ્થ નેહરુ-પટેલથી ઉફરાટે ગાંધીને સાંભર્યા તેમાંથી એકને આ દેશના પરંપરાગત વર્ણવાસ્તવની પાકી ખબર હતી તો બીજાને વર્ગવાસ્તવની. ૧૯૫૬ સંકેલાતે સૂચિત લોહિયા-આંબેડકર મુલાકાત આંબેડકરના અસામયિક નિધનથી રહી ગઈ. બાકી, લોહિયાનું આંબેડકર જોગ આગ્રહભર્યું કહેવું હતું કે તમારે સ્વરાજ પછીની રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ કરવાનું છે.
(આઠેક વરસ પર અમદાવાદમાં ઉમાશંકર વ્યાખ્યાનમાં આનંદ તેલતુંબડેએ સંભાર્યું હતું કે આંબેડકર બંધારણમાં ‘સમાજવાદ’- અલબત્ત, લોકશાહી સમાજવાદનો સ્પષ્ટ ઉલ્લેખ ઈચ્છતા હતા.)
સ્વરાજ પછી કોંગ્રેસમાંથી જુદા પડેલા સમાજવાદી પક્ષના નીતિ વિષયક નિવેદનમાં, આગળ ચાલતાં નેહરુ-ઢેબરની કોંગ્રેસમાં, પ્રજા-સમાજવાદી પક્ષથી ફારેગ થઈ ભૂદાન આંદોલન ભણી વળતી વખતે જયપ્રકાશે સાથીઓ જોગ લખેલ પત્રમાં, ૧૯૭૭ના જનતા ઢંઢેરામાં, જનતા અવતાર છાંડી ભારતીય જનતા પક્ષ રૂપે લીધેલ આરંભિક ભૂમિકા માંહેલા ગાંધીવાદી સમાજવાદમાં, લોહિયા-પ્રભાવિત ચિંતનને પગલે વીપીએ ઘુમાવેલ મંડલાસ્ત્રમા અને હમણેની કોંગ્રેસ ભૂમિકામા તમને આ ઈતિહાસનું સાતત્ય જૂજવે રૂપે જોવા મળશે. ક્યાંક એ પૂરા કદમાં નહીં તો પ્રભાવિત ટુકડાઓમાં છે, ક્યાંક કોસ્મેટિક પણ હશે.
જોકે, મને પોતાને બે રોમહર્ષક અવસર પચમઢી કાર્યક્રમ (મે ૧૯૫૨) અને સંપૂર્ણ ક્રાંતિ દિવસ (૫ જૂન, ૧૯૭૪) લાગતા રહ્યા છે. પચમઢીમાં સમાજવાદીઓ મળ્યા તો હતા આકરી હાર પછી, પણ પાવડો, જેલભરો અને મતપેટી- રચનાકાર્ય, અન્યાય પ્રતિકાર તેમજ લોકશાહી પ્રશિક્ષણની એની ત્રિસૂત્રી રાજ્ય અને સમાજના ધોરણસરના રુધિરાભિસરણ ને ચયાપચયની રીતે બેમિસાલ હતી, છે અને રહેશે.
૧૯૭૪ના માર્ચથી બિહારમાં આવેલ છાત્રઉઠાવ જયપ્રકાશના નેતૃત્વમાં કેવળ વિધાનસભા વિસર્જનની માંગ ન અટકતાં સંપૂર્ણ ક્રાંતિના વ્યાપક અભિગમ ભણી વળ્યો એ સમાજવાદી આંદોલનની સર્વોદયસંધાન સહિતની ગાંધી ઘડી હતી… છે ને આ બધી નવ્ય કથાનકની ઈતિહાસ-સામગ્રી?
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૫ – ૦૬ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
તીખો તમતમતો તડકો, કાળઝાળ ગરમી અને બળબળતો ઉનાળો…
પીળક
-રક્ષા શુક્લ
તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.
‘આવું ?’ કહેતા ગરમાળો સાથે પીળકને લાવ્યો.
તોરણ લીલાં મૂકી મેડિયે ગરમાળો તો પીઠી ચોળે,
પૈણું પૈણું પીળક કરે ‘ને કંકુમાં આંગળિયું બોળે.
લૂમઝૂમ ને લાલચટક લ્યો, ગુલમહોર પણ નીકળે ટોળે,
લળી લળી વાસંતી વાયુ ફરી ફરીને ચમ્મર ઢોળે.
ગમતીલી ધમ્માચકડી ને ગમતો અવસર ફાવ્યો.
તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.
તડકાની તીખી બારાખડી, ગરમાળો પીળચટ્ટો ક્યાંથી ?
ગોળગોળ ઘુમરાતા વાયુ વચ્ચે પીળો પટ્ટો ક્યાંથી ?
પીળકનો પડછાયો આછો, આજે હટ્ટોકટ્ટો ક્યાંથી ?
રંગ ઉછાળી ગરમાળો-ગુલમ્હોર રમે આ સટ્ટો ક્યાંથી ?
ચૈતર ચીંધી કેડી પકડી સૂરજ છો ને આવ્યો !
તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
“વેબગુર્જરી” પરિવારનુ પ્રથમ નવલું નજરાણું એટલે ‘ગ્રીષ્મવંદના’નામે
ઈપુસ્તક. તેમાં સમાવેશ પામેલ એક રચનાઃ‘ઉનાળો’
—દેવિકા ધ્રુવ
છંદવિધાન– હજઝ- ૨૮ ( લગાગાગા*૪)
ગુજાર્યો જીંદગીનો જે ઉનાળો યાદ આવે છે.
ધરા જેવી હતી હૈયાવરાળો યાદ આવે છે.સૂકા સૂમસામ રસ્તા પર ફરે ના બે પગુ પ્રાણી,
ઝરે જલ–ધન, મળે માનવ રૂપાળો યાદ આવે છે.નિશાળોની રજામાં માણવા મળતી મઝા કેવી,
એ વ્હાલી બાના ગામે કેરીગાળો યાદ આવે છે.શિશુવયના લડી ઝઘડીને રમતા સાથ સૌ સંગે,
ભગિની–ભાઈનો એ નેહ નિરાળો યાદ આવે છે.ભલે બાળે ,દઝાડે ઝાળ સૂરજ ચૈત્ર–વૈશાખે,
મળે જે માર્ગમાં વૃક્ષોનો માળો યાદ આવે છે.હકીકત તો અનોખી સ્હેલ છે સંસાર ઉનાળાની,
સમંદર ઓટ ને ભરતી ઉછાળો યાદ આવે છે.
—-દેવિકા ધ્રુવ | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com -
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક છઠ્ઠો: પ્રવેશ ૩

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક છઠ્ઠો: પ્રવેશ ૨ થી આગળ
પ્રવેશ ૩ જો
સ્થળ : વીણાવતીના મહેલની વાડી માંહેની ભૂમિ.
[કોટની પાસે અંદરની બાજુએ પીપળાના ઝાડ આગળ ઊભેલી વીણાવતી પ્રવેશ કરે છે.]
વીણાવતી : હજી કેમ આવ્યા નહિ ? આવશે ખરા કે નહિ ? આટલી મોડી રાત્રે આ પીપળા ઉપરથી ચઢી ઊતરીને અહીં આવવા મેં એમને બોલાવ્યા, પણ એટલું બધું સાહસ એ કરશે ? ગાયની કોડીમાં મારા પત્રનીચે તો લખી મોકલ્યું હતું કે ગમે તેમ કરીને પણ આવીશ, પણ એવું શું છે કે મને મળવા સારુ ગમે તેમ કરીને આવે ? ત્યારે , એવું શું છે કે એમને મળવા સારુ હું પરિજનોને ઊંઘતા મૂકી છાનીમાની આ એકાન્ત સ્થળે આવી ઊભી છું ? એવું શું છે ? હ્રદય ! એનો ઉત્તર તો તું જ દઈ શકે. તું મને અહીં ખેંચી લાવ્યું છે.
(ઉપજાતિ)
તેં જે ક્ષણેથી દઈ ફેંકિ શાન્તિ,
ગ્રહી અજાણી નવિ કોઈ વૃત્તિ;
ત્યાંથી છુટ્યું તું મુજ તંત્રમાંથી,
ને હું બની છું તુજ તંત્રવશ્ય. ૭૫(ઊંચે જોઈને) અહો ! આ ઝાડમાંથી કોણ ડોકિયું કરી રહ્યું છે? અરે ! એ તો ચન્દ્ર છે. ચન્દ્ર ! મારી આ વિવશતા જોવાનું તને કુતૂહલ થાય છે ! અને આ શું?
(ઉપેન્દ્રવજ્રા)
મને વિંટીને કિરણોનિ જાળે,
ધિમે ધિમે ભૂમિથિ તું ઉપાડે;
કરે શું એ કૌતુકતૃપ્તિ સારૂ,
નિહાળવા મન્થકષ્ટ મારું ? ૭૬પણ કદાચ હું ખોટો આરોપ મૂકતી હઈશ. તું મારી મદદે આવીને આમ કરતો નહિ હોય?
(અનુષ્ટુપ)
જેહના દર્શનાર્થે હું ઔત્સુક્યે અધિરી ઉભી,
તેની પાસે મને લે શું અન્તરાયો થકી ઉંચે ? ૭૭[પીપળાના ઝાડ ઉપરથી અવાજ સંભળાય છે.]
‘સુન્દરી અન્તરાયોનું સામ્રાજ્ય હવે ઉતરી ગયું છે.’
વીણાવતી : (ચમકીને) અરે ! મારાં વચન કોણે સાંભળ્યાં ?
[ઝાડના થડને અડકીને ઊભી રહી ઊંચુ જુએ છે. જગદીપ ઝાડને થડેથી નીચે ઉતરે છે.]
જગદીપ : (ઊતરતાં ઊતરતાં) એ વચનામૃતોનો જે પિપાસુ હતો તેણે જ પાન કર્યું છે. (નીચે ઊતરી ઝાડના થડને અડકી વીણાવતી પાસે ઊભો રહે છે.) અને એ પાને તેને અધિક તૃષાતુર કર્યો છે, પરંતુ એ અમૃતના સરોવર પર કાંઈ છાયા કેમ દેખાય છે?
વીણાવતી : મને ચિંતા થતી હતી કે કોટ બહાર ઝૂમતી આ ઝાડની ડાળીઓ ઘણી ઊંચી છે, તેને શી રીતે પહોંચીને ઝાડ પર ચઢાશે.
જગદીપ 😐 ઝાડ પર ચઢતા હું નાનપણથી શીખ્યો છું. પણ મને ખ્યાલ નહોતો કે એ કુશળતા કોઈ દિવસ સ્વર્ગનું દર્શન કરાવશે.
વીણાવતી : આપ અતિ શયોક્તિના વાક્યો બોલો છો.
જગદીપ : મારું હ્રદય બોલાવે છે તે કરતાં એક અક્ષર પણ વધારે નથી બોલતો. હ્રદયને જે વિષય કહેવાનો છે તે અતિશય હોય એમાં તો આપને વાંધો ન જ હોય ?
વીણાવતી : આપ ક્યા વિષય વિશે કહો છો તે સાદી ભાષામાં કહો. તે વિના આ કોટની અંદર રહેનારને શી સમજણ પડે?
જગદીપ : આ કોટની બહારની ભાષામાં એ વિષયને પ્રેમ કહે છે. આ કોટની અંદર એને માટે કદાચ બીજો કોઈ શબ્દ હશે.
[વીણાવતી નીચું જોઈ રહે છે, પછી ઝાડના થડની છાલ પર નખથી ‘મૂંઝવણ’ શબ્દ લખે છે.]
જગદીપ : (વાંચીને) તરુણી ! એ મૂંઝવણનું ખરું નામ પ્રેમ છે. એમ તમે હવે જાણ્યું તો પછી એનો સ્વીકાર કરવો ઘટે છે.
વીણાવતી : ખરો શબ્દ સ્વીકાર્યા પછી પણ ખોટાએ કરેલી મુશ્કેલી ખસતી નથી.જગદીપ : પ્રેમ આગળ કોઈ મુશ્કેલી ટકતી નથી.
વીણાવતી : મારી પરવશતાનો તમને ખ્યાલ નથી. હું રાજપુત્રી છું. પણ ભિખારણ જેટલી પણ હું સ્વેચ્છાની માલિક નથી.
જગદીપ : તમે રાજપુત્રી ! કયા રાજાનું આંગણું આવાં અણમૂલ પગલાંથી ધન્ય થયું છે?
વીણાવતી : પિતાના આંગણે મારો સંચાર હોત તો આ પ્રશ્ન ઉત્પન્ન જ ન થાત, પરંતુ મહારાજ પર્વતરાયને પોતાની પુત્રીને દૂરના એકાન્તમાં પૂરી રાખવી ગમે છે.
જગદીપ : તમે પર્વતરાયનાં પુત્રી ! તેમના કુંવરી તો ગત થયાં છે, એમ લોકો જાણે છે !
વીણાવતી : મારી આસપાસ આ કોટ ઉપરાંત ભેદના બીજા શા શા પડદા વીંટાળેલા છે તે હું જાણતી નથી, પણ હું પર્વતરાયની પુત્રી વીણાવતી છું અને હજી ગત થઈ નથી એટલું તો જાણું છું.
જગદીપ : અહો ! પ્રેમ ! તને કેવાં તોફાન સૂઝે છે ! ક્યાં પર્વતરાયની વીણાવતી અને ક્યાં રત્નદેવીનો પુત્ર જગદીપ !
વીણાવતી : તમે રત્નદીપદેવીના પુત્ર ! તમે અહીં શી રીતે ?
જગદીપ : એ અપરાધનો વૃત્તાન્ત વર્ણવીશ ત્યારે તમે આર્પેલો પ્રેમપ્રસાદ રાખવાનો મારો અધિકાર નહિ રહે.
વીણાવતી :
(વસંતતિલકા)
આ વાડિમાં વિવિધ જે કુસુમો ઉગે છે.
દે છે સુગંધ, પણ, તે નહિ પાછી લે છે;
ને કહાડતાં મધુર જે રવ પક્ષિ આંહી,
લેતાં ન ખેંચિ ફરિ તે નિજ કંઠ માંહી. ૭૮જગદીપ : પ્રિયા ! તું એ કુસુમો અને પક્ષીઓ સાથે ઊછરી છે, અને તેમના જ વર્ગની છે. તેની પેઠે તારું પ્રમદાન પણ અલોપ્ય છે. તે હું જાણું છું. પરમ્તુ, તારા પ્રતિ થયેલો મારો અપરાધ હું ગુપ્ત રાખી તારું પ્રેમદાન અકુંઠિત થવા દઉં એ ન્યાય નથી.
વીણાવતી : જેના ગુણને હું પૂજું છું તેના અપરધ જાણવાને મને શી જિજ્ઞાસા હોય?
જગદીપ : (જમીન તરફ જોઇને) અરે, આ મારા પગ સાથે શું અથડાયું ? (વાંકો વળી જમીન પરથી વસ્તુ હાથમાં લઇ) માછલીના કાંટા જેવું જણાય છે ! અને, એમાં રેશમી દોરી પરોવેલી છે!
વીણાવતી : એ કાંટો મારા કંઠમાં બાંધ્યો હતો, તે છૂટીને પડી ગયો. એ જાળવી રાખવાનો છે.
જગદીપ : એવું એનું શું મૂલ્ય છે ?
વીણાવતી : એ અમૂલ્ય છે. જે મગરમચ્છે જીવતાં આપણો પ્રથમ મેળાપ કરાવ્યો, અને પોતે મુવા પછી પણ આપણે ફરી મેળાપ કરાવ્યો તેના અંગમાંનો એ કાંટો છે.
જગદીપ : એમ છે તો તેની બહુ આદરથી રક્ષા કરવી જોઈએ. પરંતુ મગરમચ્છે શી રીતે એ ધન્ય કાર્ય કર્યું?
વીણાવતી : સમુદ્રમાં ભરતી સાથે મગરમચ્છ નદીમાં ચાલ્યો આવેલો, અને નદીના પટ ઉપરનો પેલો ઝૂલતોઝાંપો તોડીને તે વાડીની હદમાં પેઠેલો. મારી હોડી નીચે તેનું અંગ આવતાં હોડી ઉંધી વળેલી. ઝાંપાના ભાલા વાગવાથી તેનું મૃત્યુ થયેલું અને ભરતી ઊતરી જતાં તેનું શબ પાછું તણાઈ વાડી બહાર આવીને કિનારે પડેલું. ત્યાં બીજે દિવસે જઈ તેના અંગમાંથી હું આ કાંટો સ્મારકચિહ્ન માટે લઈ આવી છું.એના દેહને મેં ત્યાં જ અગ્નિ દાહ કરાવ્યો છે.
જગદીપ : એની સેવા અતુલ છે.
(અનુષ્ટુપ)
પ્રેમસ્ફુલિંગે લાવેલો વડવાનલમઆંથિ એ,
રોપવા આપણી માંહે તોડિયા જડ બન્ધનો. ૭૯એણે ઝાંપો તોડ્યો ન હોત તો આ બંધ વાડીમાં મારો પગ સંચાર ક્યાંથી થાત? અને, એણે હોડી ઉથલાવી પાડી આ વાડીમાંની અપ્સરાને મારી તરફ જલમાર્ગે પ્રેરિત કરી ન હોત તો હું એ દિવ્ય મૂર્તિની પ્રાપ્તિ ક્યાંથી કરત ? આ કાર્યમાં એના જીવનનું બલિદાન થયા પછી એનું શબ જ્યાં આપણા પુનઃ સમાગમનું નિમિત્ત થઈ ભસ્મીભૂત થયું છે ત્યાં આપણે સ્મરણસ્તંભ ઊભો કરીશું અને તે ઉપર લેખ કોતરાવીશું કે,
(તોટક)
હળવા ભરજો પગલાં અહિઆં,
કચરાતિ રખે રજ આ સ્થળની.
ભરિ ભસ્મ અલૌકિક એ રજમાં,
વડગાગ્નિકણે જહિં પેમ સ્ફુરે. ૮૦પરંતુ પ્રેમથી અમૂલ્ય કીર્તિ સૌંદર્ય સાથેના યોગમાં રહેલી છે. માટે એ પ્રેમદૂતના આ અવશેષોને આ ગૌર કંઠ ઉપર આપેલી ધન્ય પદવીએ તેને ફરી સ્થાપિત કરવોજોઈએ.
[જગદીપ મગરમચ્છનો કાંટો વીણાવતીને કંઠે બાંધે છે. તેમ કરતાં વીણાવતીના કંઠ પર જગદીપના હાથ રહેલા છે. તે વેળા બંનેની આંખો સામસામી મળે છે. અને તેવી સ્થિતિમાં તેઓ ક્ષણભર ઊભા રહે છે.]
વીણાવતી : વહાલા ! તું મારી આંખોમાં શું જોઈ રહ્યો છે?
જગદીપ : પ્રિયતમ વીણા ! મેં આજ સુધી જે દીઠું નથી તે અત્યારે તારી આંખોમાં જોઉં છું.
(વસંતતિલકા)
સીમા અભેદ્ય નડતી મુજને બધે જ;
તે ચક્ષુ આ તુજ મહીં થતિ લુપ્ત દેખું,
નિસ્સીમ દર્શન થતું તુજ ચક્ષુમાં જે,
તેથી અગમ્ય ઘટના થતિ આજ ગમ્ય. ૮૧(અનુષ્ટુપ)
ઘેરો અગમ્યતાનો જે દશે દિશ ફરી વળ્યો,
ખસી જતો નિહાળું આ પ્રેમાર્દ્ર નયનો મહીં. ૮૨વીણાવતી : મારી આંખો મારા દિલદારને કોઈ પણ રીતે કામ આવતી હોય તો તે કાઢીને આપી દેવા તૈયાર છું.
જગદીપ : મારે તો આખી વીણા જોઈએ છે. એના કયા અંગની કિંમત વધારે કરું અને કયા અંગની કિંમત ઓછી કરું ?
વીણાવતી : (ઊંચે જોઈને) આ ચન્દ્રને આજે જંપ નથી. ઝાડ પરથી નીકળી આવીને એણે છાયાનું આવરણ આપણા પરથી ખસેડી લીધું છે. આપને બીજા કોઈ ઝાડની છાયાનો આશ્રય લઈએ કે જ્યાં મહેલમાંથી દૃષ્ટિગોચર ન થવાય.
જગદીપ : પ્રેમપ્રતિજ્ઞાથી પાવન થયેલું આ સ્થળ છોડતાં પહેલાં અહીં તારી સુકોમલ અંગુલીએ મુદ્રા ધારન કરાવવી ઘટે છે. મારી પાસે આ વેળા સુવર્ણ પણ નથી અને રત્ન પણ નથી, પરંતુ પ્રેમરસની અમૂર્ત મુદ્રાથી તારી અંગુલી અંકિત કરવાની અનુજ્ઞા માંગુ છું.
[વીણાવતી પોતાનો જમણો હાથ લાંબો કરી આંગળીઓ ધરે છે. જગદીપ ઘૂટણીયે પડી વીણાવતીની અંગુલી પર ચુંબન કરે છે.]
જગદીપ : (ઊભો થઈને) સ્વર્ગમાં અમૃતનો આસ્વાદ છે એની મને હવે પ્રતીતિ થઈ. હવે પેલા ઝાડની છાયામાં જઈ પ્રભાત આપણો વિયોગ કરાવે તે પહેલાં હું મારું વૃતાન્ત નિવેદન કરી મારા હ્રદય પર રહેલો ભાર હલકો કરું.
[બન્ને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
ફિલસુફીભર્યાં ગીતો – ૨૩ – दुनिया ये सरकस है और सरकस में ….. नीचे से ऊपर को, ऊपर से नीचे को आना-जाना पड़ता है
નિરંજન મહેતા
ए भाई, ज़रा देख के चलो
आगे ही नहीं, पीछे भी
दायें ही नहीं, बायें भी
ऊपर ही नहीं, नीचे भी
ए भाई…तू जहाँ आया है
वो तेरा
घर नहीं, गली नहीं, गाँव नहीं
कूचा नहीं, बस्ती नहीं, रस्ता नहीं
दुनिया है
और प्यारे
दुनिया ये सरकस है
और सरकस में
बड़े को भी, छोटे को भी, खरे को भी
खोटे को भी, दुबले भी, मोटे को भी
नीचे से ऊपर को, ऊपर से नीचे को
आना-जाना पड़ता हैऔर रिंग मास्टर के कोड़े पर
कोड़ा जो भूख है
कोड़ा जो पैसा है
कोड़ा जो क़िस्मत है
तरह-तरह नाच के दिखाना यहाँ पड़ता है
बार-बार रोना और गाना यहाँ पड़ता है
हीरो से जोकर बन जाना पड़ता हैगिरने से डरता है क्यों, मरने से डरता है क्यों
ठोकर तू जब तक न खाएगा
पास किसी ग़म को न जब तक बुलाएगा
ज़िन्दगी है चीज़ क्या नहीं जान पायेगा
रोता हुआ आया है, रोता चला जाएगा
ए भाई ज़रा देख के…क्या है करिश्मा, कैसा खिलवाड़ है
जानवर आदमी से ज़्यादा वफ़ादार है
खाता है कोड़ा भी, रहता है भूखा भी
फिर भी वो मालिक पे करता नहीं वार है
और इनसान ये माल जिसका खाता है
प्यार जिस से पाता है, गीत जिस के गाता है
उसके ही सीने में भौंकता कटार है
ए भाई ज़रा देख के…हाँ बाबू, ये सरकस है शो तीन घंटे का
पहला घंटा बचपन है
दूसरा जवानी है
तीसरा बुढ़ापा हैऔर उसके बाद
माँ नहीं, बाप नहीं
बेटा नहीं, बेटी नहीं
तू नहीं मैं नहीं
ये नहीं, वो नहीं
कुछ भी नहीं रहता है
रहता है जो कुछ वो
ख़ाली-ख़ाली कुर्सियाँ हैं
ख़ाली-ख़ाली तम्बू है
ख़ाली-ख़ाली घेरा है
बिना चिड़िया का बसेरा है
ना तेरा है, ना मेरा हैhttps://youtu.be/u0I8bCWcY3Y
૧૯૭૦ની ફિલ્મ મેરા નામ જોકરનું આ બીજું ગીત છે જેમાં જીવનની ફિલસુફી છલકે છે.સરકસ એ આપણી જિંદગીનું જ એક રૂપ છે તેમ આ ગીતમાં દર્શાવાયું છે. કહે છે કે આ જિંદગીરૂપી સરકસમાં સર્વેને આવવું જવું પડે છે, ભલે તે પાતળો હોય કે જાડો, ખરો હોય કે ખોટો, નાનો હોય કે મોટો. વળી તેમ પણ સમજાવે છે કે જ્યાં તમે રહો છો તે ગલી, ઘર, રસ્તો, ગામ વગેરે તમારા નથી. તમે તો આવ્યા છો અને સમય આવ્યે ત્યાંથી છોડીને જતાં રહેવાના.
સરકસમાં જેમ રીંગ માસ્ટર હોય છે તેમ આ દુનિયાના રીંગ માસ્ટર, પ્રભુ, ભૂખ, પૈસો, નસીબ જેવા કોરડા માનવી ઉપર વીંઝે છે અને તેને લઈને મનુષ્યએ જાત જાતના કામો કરવા પડે છે, ભલે તે ગમતું હોય કે નહીં. પણ આમ આખડતા પડતાં રહેવાથી શા માટે ગભરાવવું? જ્યાં સુધી ઠોકર નહીં ખાઓ, જ્યાં સુધી દુઃખનો અનુભવ નહીં કરો ત્યાં સુધી જિંદગીની ખરી કિંમત નહીં સમજાય. એ તો સર્વ વિદિત છે કે માનવ આ જગતમાં આવે છે ત્યારે રડતો આવે છે અને જાય છે ત્યારે અન્યો તેના માટે રડે છે.
આગળ બહુ સુંદર કટાક્ષ મુક્યો છે. કહે છે કે માનવી કરતા જાનવર વધુ વફાદાર છે. સરકસમાં જાનવર માલિક તરફથી કોરડા ખાય છે, ભૂખ્યો રહે છે છતાં તે માલિક પર હુમલો નથી કરતો. જ્યારે માનવી જેનું ખાય છે, જેનો પ્રેમ મળ્યો છે, જેના તે ગુણગાન ગાય છે તેને જ પીઠ પાછળ છરો ભોંકે છે. આ કેવી કરામત, આ કેવી રમત!
સરકસના આ ખેલને જીવનના ખેલ સાથે સરખાવ્યો છે. જેમ સરકસમાં ત્રણ કલાકનો શો હોય તે જ રીતે માનવીના જીવનમાં પણ ત્રણ તબક્કા છે, બાળપણ, જુવાની અને બુઢાપો. પણ જેવો બુઢાપો સમાપ્ત થાય છે ત્યારે પછી કોઈ કોઈનું નથી રહેતું. જેમ સરકસનો શો પત્યા પછી ખાલી ખુરસીઓ, ખાલી તંબુ રહી જાય છે તેમ માનવીના ગયા પછી જે કાંઇ રહે છે તે બધું ખાલી ખાલી જ અનુભવાય છે. મારૂં તમારૂં કાંઈ જ નથી રહેતું.
આમ સરકસના એક જોકર દ્વારા કહેવાયેલી આ ફિલસુફીભરી વાત આપણને જરૂર વિચાર કરતાં કરી મુકે છે.
આ ગીતના રચયિતા છે નીરજ જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે મન્નાડેનો.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૫૪. પંડિત ગાફિલ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
એ જમાનામાં ફિલ્મી લેખકો અને ગીતકારોમાં પંડિતોની ભરમાર હતી. આ બધા ‘પંડિત’ જે સરળતાથી કોઈ ભક્તિ ગીત અથવા સંસ્કૃત – પ્રચુર રચના લખી શકતા એટલી જ સરળતાથી ગઝલ પણ કહી શકતા કારણ કે ફિલ્મોની ભાષા હિન્દુસ્તાની હતી જેમાં ઉર્દુનો પ્રભાવ સાહજિક હતો એ ભાષા લોકોની હતી, કોઈ ધર્મ કે જાતિ – વિશેષની નહીં.
અત્યાર સુધી આ લેખમાળામાં જે પંડિતોની ગઝલો આપણે જોઈ ગયા એમાં પંડિત ન્યાય શર્મા, કેદાર શર્મા, નરેન્દ્ર શર્મા, ભરત વ્યાસ, દીનાનાથ મધોક અને પંડિત ઈન્દ્રનો સમાવેશ થાય છે.
વાત કરીએ પંડિત ગાફિલની. એ ગાફિલ હરનાલવી પણ કહેવાતા. માત્ર એક રચનાથી એમનો પરિચય આપવો હોય તો ‘ અફસાના ‘ ૧૯૫૧ નું લતાએ ગાયેલું ગીત ‘ અભી તો મૈં જવાન હું ‘ કાફી છે. એમનું અસલી નામ અને અન્ય માહિતી ઉપલબ્ધ નથી. એમણે દો શહઝાદે, ડાકુ મન્સુર, ઝંઝીર, મિડલ ફેલ, રૂપ બસંત, રસીલી, તુફાન, પરખ અને પત્થરો કે સૌદાગર જેવી પંદરેક ફિલ્મોમાં ૫૦ જેટલાં ગીત લખ્યાં.
એક જ ફિલ્મ ‘ દો શહઝાદે ‘ ( ૧૯૫૬ ) ની એમણે લખેલી બે ગઝલ પેશ છે :

ઐ ગમે દિલ તેરા ચારા મૈં કરું તો ક્યા કરું
જિંદગી હૈ બેસહારા, મૈં કરું તો ક્યા કરુંશબ અંધેરી દૂર સાહિલ નાખુદા મજબૂર હૈ
કોઈ બતલાઓ ખુદારા, મેં કરું તો ક્યા કરુંઅપને અરમાનો કી બરબાદી કા મંઝર દેખકર
ખૂન હોકર દિલ પુકારા, મેં કરું તો ક્યા કરુંલોગ ગૈરોંકા ગિલા અપનોં સે કરતે હૈ મગર
મુજકો અપનોં હી ને મારા, મૈં કરું તો ક્યા કરું..– મુબારક બેગમ
– લચ્છીરામ તોમરઇન્સાં કી મહોબ્બત ભુલ ગયા તુ રસ્મે વફા કો ભૂલ ગયા
દો રોઝ કી જુઠી દુનિયા મેં, બંદે તુ ખુદા કો ભુલ ગયાતુ ઝુલ્મો સિતમ સે ઓ ઝાલિમ, ખાલિક કી શાન મિટાતા હૈ
જો દર પે ખડી હૈ શામો સહર, ક્યા અપની કઝા કો ભુલ ગયાદુનિયા કે સફર મેં ઐ રાહી, એક હાથ સે દે એક હાથ સે લે
યહાં સૌદા નકદ – બ – નકદી હૈ, તુ ઉસકી રઝા કો ભૂલ ગયાનાદાન સંભલ કુછ હોશ મેં આ, યે ઝુલ્મ ન કર યું ઝોર ન ઢા
તાકત કે નશે મેં દીવાને, તુ કહરે ખુદા કો ભૂલ ગયા..– શિવ દયાલ બાતિશ
– લચ્છીરામ તોમર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
શા માટે કંઈ પણ શીખવું જોઈએ?
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
શીખતાં રહેવાની બાબતે દરેક વ્યક્તિને વળગણ હોય છે..
તે, તેણી, પેલું. તમે, તેઓ, કે હું.
પરંતુ, ૯૦% લોકો અર્થ વગરનું શીખવામાં સમય વેડફતાં હોય છે.
બધાં “માહિતગાર” થવા માટે શીખે છે.
મોટે ભાગે, માહિતગાર થવાથી ખોટો વિશ્વાસ ઘડાય છે – એ વિશ્વાસને કારણે તમારે કરવાનાં કામોમાંથી કેટલાંક કરી નાખી શકાતાં હોય છે, પણ તેનાથી કંઈ વધારે નથી કરી શકાતું.
માહિતગાર હોવાથી સારી કારકિર્દી બનશે કે વધુ સારૂં જીવન બનશે એવું જરૂરી નથી.
→ તમે જે શીખ્યાં છો તેને વ્યવહારમાં મુકી શકો તો જમવાનાં ટેબલ પર સફળતા લાવી શકો.
અને સફળતા એકલી નથી આવતી. સમૃદ્ધિ પણ સાથે સાથે લાવે છે.
વધારે સારી કારકિર્દી અને બહેતર જીવનને પણ સાથે લાવે ✌️
માહિતી મેળવવા શીખવું જૉઇએ = ના.
નાનામાં નાનું કર્મ કરવા શીખવું જોઈએ = હા.તમે શા માટે શીખવા માગો છો?
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
જીવનપર્યંત શીખતા રહેવા જરૂરી એવા ૨૦ પદાર્થપાઠ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
ગયા મણકામાં આપણે ”નવું નવું શીખતી રહેતી સંસ્થાના ઘડતર કરવા માટે અગ્રણીએ ધ્યાનમાં રાખવા જેવા ૧૦ પદાર્થપાઠ’ વાત કરી હતી. વધુ વિચાર કરતાં કરતાં જણાયું કે જો સંસ્થામાંની વ્યક્તિઓ નવુ નવું ન શીકે તો નવું નવું શીખતી સંસ્થાનું ઘડતર શક્ય નથી. આજીવન શિક્ષણ કેળવવા માટે મેં ટોચના જે ૨૦ પાઠ અનુભવ્યા તે અહીં રજૂ કરેલ છે:
- વ્યાવસાયિકો તરીકે, સતત શીખવાની ક્ષમતા (અને ધગશ) એ સ્પર્ધાત્મક લાભ છે.
- શીખવું એ એક વખતની ઘટના નથી, પરંતુ જીવનભરની પ્રક્રિયા છે. તે સતત અને સ્વ-નિર્દેશિત હોવું જોઈએ.
- જો તમે હંમેશા જે રીતે કર્યું છે તે રીતે કામ કરવાનું ચાલુ રાખો, તો તમે ફક્ત તે જ જાણતાં રહેશો જે તમે હંમેશાથી જાણો છો.
- તમે જેટલા વધુ જોખમો લો છો, તેટલું વધુ તમે શીખો છો. તમામ નોંધપાત્ર શિક્ષણ ત્યારે થાય છે જ્યારે આપણે આપણી જાતને આપણને અનુકૂળ હોય એવી પરિસ્થિતીમાંથી બહારનીકળવા માટે તૈયાર હોઈએ છીએ.
- જ્યારે તમે જોખમ લો છો, ત્યારે નિષ્ફળ થવા માટે તૈયાર રહો અને તે નિષ્ફળતાઓમાંથી શીખો. તમારી નિષ્ફળતાઓને વેડફશો નહીં.
- શીખવા માટે તમારી સફળતાઓ, નિષ્ફળતાઓ, હેતુઓ, ધારણાઓ અને ક્રિયાઓનું પ્રમાણિક સ્વ-મનોમંથન અને મૂલ્યાંકન જરૂરી છે.
- જિમ રોહ્નનું કહેવું છે કે, “જો તમે વાંચતા નથી, તો જેઓ વાંચી શકતા નથી તેમનાકરતાં તમને કોઈ ફાયદો નથી. હું જે પણ મહાન નેતાને મળ્યો છું તે દરેક મહાન વાચક છે.” વાંચન આપણી જિજ્ઞાસાનો ખોરાક છે.
- શીખવુંએ પ્રમાણપત્રો, તાલીમો જેવું કોઈ બાહ્ય પરિબળ નથી.- જ્યારે તમે આંતરિક રીતે શીખવા માટે પ્રતિબદ્ધ હોવ ત્યારે જ બાહ્ય પ્રયાસો મદદ કરે છે. શીખવું એ “બહારની અંદર” પ્રક્રિયા નથી. તે શીખવાની આપણી ઇચ્છાથી શરૂ થાય છે. તેથી, તે “અંદરથી બહાર”ની સહજ પ્રક્રિયા છે.
- જો આપણે સાંભળીએ નહીં તો આપણે શીખીશું નહીં.ખુલ્લું મન અને સાંભળવા માટેનું વલણ શીખવા માટેની પૂર્વ-જરૂરીયાત છે. પોતે કરેલ કામ માટે પ્રતિસાદ મેળવવો (અને સ્વીકારવો) એ શીખવાની શ્રેષ્ઠ રીત છે. તેથી ટીકા પર ધ્યાન આપવું રહ્યું.
- પુસ્તક વાંચવાં, બ્લોગ્સ કે લેખો વાંચવા, ટીવી જોવાનું બંધ કરવું , દિવસમાં થોડો સમય સક્રિયપણેશીખવા માટે સમર્પિત કરવો જેવાં કોઈ પણ માધ્યમો દ્વારા નવું શીખવા માટે પ્રતિબદ્ધતા અને શિસ્તની જરૂર છે.
- ટેકનોલોજી શીખવાનું સરળ (અને સસ્તું) બનાવે છે. ઘણા ઉદાર લોકો તેમના બ્લોગ્સ, પોડકાસ્ટ્સ અને વિડિઓ દ્વારા ઘણું બધુંઉપલબ્ધ કરે છે. તમારા કાર્યક્ષેત્રમાં આ વિચારોબીજોને ખોળતાં રહેવા માટે થોડો થોડો સમય ફાળવવાથી મોટો ફરક પડે છે.
- સ્મૃતિપત્ર : પુસ્તકો હજુ પણ આપણાં શ્રેષ્ઠ મિત્રો છે.
- સ્મૃતિપત્ર પછી : પુસ્તક વાંચીને તરવાનું શીખાતું નથી. વાંચ્યા પછી, મનન કરો અને પોતાની વિચારસરણીને ઢંઢોળો. જે શીખવાનું થયું છે તેને યોગ્ય સંદર્ભમાં પાઠ લાગુ કરો અને વ્યવહારમાં મૂકો. શીખવાની આ એક સૌથી જાણીતી પદ્ધતિ છે.
- મિત્રો આપણા શિક્ષણને વેગ આપે છે અને તેથી, જેઓ વિચારે છે (અને આપણને વિચારતા કરે છે), જેઓ શીખે છે (અને આપણને શીખવામાં સક્ષમ કરે છે), જેઓ પ્રેરિત છે (અને આપણને પ્રેરણા આપે છે) એવા મિત્રો હોવા મહત્વપૂર્ણ છે. મિત્રો તમારી શીખવાની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરી શકે છે.
- આપણે જ્ઞાન અને અનુભવ જેટલાં વધારેવહેંચીશું તેટલું આપણે તેમાંથી વધારે શીખીશું. અન્યને માર્ગદર્શન આપવું, અન્યને શીખવવામાં વ્યસ્ત રહેવું અથવા ફક્ત પોતે શીખેલા પાઠ વહેંચવાથી આપણી પોતાની તંત્રવ્યવસ્થા મજબૂત બને છે. પાઠોને વહેંચવાની પ્રક્રિયામી મદદથી આપણી શીખવાનું પ્રક્રિયા પણ વધુ આપણી અંદર વણી લઈએ છીએ.
- બહુ ઘણું શીખવું એએક પ્રકારનું અશિક્ષણ પણ છે. શીખવું એ પ્રવાહી છે અને તેથી આપણે આપણા શીખેલા પાઠને કાયમ માટે પકડી રાખી શકતા નથી. આપણા સંદર્ભમાં થતા ફેરફારો અનુસાર એ પાઠોની શીખ બદલાતી રહે છે.
- આપણાંકામ આપણાં શિક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે – જો તમે અઠવાડિયાના ૪૦ કલાક એક જ વસ્તુઓ વારંવાર કરવામાં પસાર કરતાં હો તો તમારે ચિંતા કરવાનું કારણ છે.
થોડા જટિલ પ્રશ્નો – તમે તાજેતરમાં શું શીખ્યા છો? તમે શું શીખવા માટે આગળ જોઈ રહ્યાં છો? તમારું શિક્ષણ તમને વધુ યોગદાન આપવામાં કેવી રીતે મદદ કરી રહ્યું છે?
છેલ્લું પરંતુ ઓછામાં ઓછું નહીં – સતત નવી વસ્તુઓ શીખવાથી આપણા મનને તાજગી મળે છે અને આપણી ખુશીમાં મોટો ફાળો મળે છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
આગ ભલે લાગ્યા કરે, કૂવો કદી નહીં ખોદીએ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
અગ્નિની શોધ માનવના ઈતિહાસની સૌથી મહત્ત્વની શોધ કહી શકાય. નિયંત્રિત રહેલો અગ્નિ માનવજીવન માટે અનિવાર્ય અને આશીર્વાદરૂપ છે, પણ તે નિયંત્રણ બહાર જતો રહે અને આગ બને તો તેના જેવો જીવનહારક બીજો કોઈ નથી. માનવસંસ્કૃતિ વિકસતી ચાલી એમ અગ્નિનો ઉપયોગ પણ વધતો ગયો, જેણે જીવનશૈલીમાં ઘણા ફેરફાર કર્યા. સાથોસાથ આગને લઈને માનવજીવન પર તોળાતા ખતરાનું પ્રમાણ પણ વધતું ચાલ્યું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
https://www.peepultree.world/livehistoryindia/story/eras/great-mumbai-fireભારતમાં અગ્નિસેવાનો આરંભ ૧૮૦૩માં મુંબઈથી થયો, જે પછી કોલકાતા, દિલ્હી અને ચેન્નાઈમાં આરંભાઈ. ઔદ્યોગિક વિકાસની સાથોસાથ અગ્નિનો ઉપયોગ વધતો ચાલ્યો, એમ તેની સાથે સંકળાયેલા જોખમમાં પણ વધારો થતો ગયો. રહેણાક વિસ્તારો માટે આગને લગતા સુરક્ષાના નિયમો સરખામણીએ ઘણા મોડા બન્યા. બહુમાળી ઈમારતોનું પ્રમાણ વધતાં એ જરૂરિયાત ઊભી થતી ગઈ. ભારતીય માનક બ્યુરો (બી.આઈ.એસ.) દ્વારા ૧૯૭૦માં ‘નેશનલ બિલ્ડીંગ કોડ’(એન.બી.સી.) અંતર્ગત પહેલવહેલી વાર માળખાકીય નિયમો અમલી બન્યા, જેમાં આગ સામે સુરક્ષાનો સમાવેશ થતો હતો. આ નિયમોમાં ત્યાર પછી વખતોવખત જરૂરિયાત મુજબ ફેરફાર થતા આવ્યા છે.
અલબત્ત, નિયમ બનાવવા એક વાત છે, તેની ગંભીરતા સમજીને ચુસ્ત અમલ કરવો બીજી વાત છે, અને કાગળ પર અમલ થયેલો દેખાડવો એ સાવ અલગ વાત છે. વસ્તીની ગીચતા, સતત વધતું ઔદ્યોગિકરણ, બિનસલામત બાંધકામો અને સુરક્ષાના નિયમો પ્રત્યે બેકાળજી વગેરે પરિબળોને કારણે ઉદ્યોગોમાં તેમજ રહેણાક વિસ્તારોમાં આગના બનાવ બનતા રહે છે, જે અનેક લોકોનો ભોગ લે છે, અને છતાં એવા બનાવ અટકવાનું નામ નથી લેતા.
મહારાષ્ટ્રના થાણેમાં ૨૩મેના રોજ એક રસાયણના કારખાનામાં આગ અને ધડાકાનો બનાવ બન્યો, જેમાં ઓછામાં ઓછા અગિયાર લોકોનું મૃત્યુ અને સાઠથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. એ પછી મહારાષ્ટ્રના ઉદ્યોગ અને શ્રમ વિભાગની તપાસમાં જણાયું કે આ ઔદ્યોગિક એકમનું બૉઈલર ભારતીય બૉઈલર કાનૂન, ૧૯૫૦ અંતર્ગત નોંધાવવામાં નહોતું આવ્યું. રાજ્યના મુખ્ય મંત્રીએ રાબેતા મુજબ ‘આકરાં પગલાં’નો આદેશ આપ્યો. એ પછી પણ તપાસ સમિતિ કે ઉચ્ચ કક્ષાની તપાસ જેવી ઘોષણાઓ થતી રહેવાની. એ તપાસના અહેવાલો આવ્યા કે કેમ, આવ્યા તો એનો કશો અમલ થયો ખરો વગેરે બાબતો કદી પ્રકાશમાં આવતી નથી, અને આવે તો એને ગંભીરતાથી લેવામાં આવતી નથી. આ કારણે ફરી વખત દુર્ઘટનાનું પુનરાવર્તન થાય ત્યારે આવા જુમલાઓનું પણ પુનરાવર્તન થતું રહે છે.
મહારાષ્ટ્રની આ દુર્ઘટના બન્યાના બે દિવસમાં જ ગુજરાતના રાજકોટમાં આગની દુર્ઘટના બની. આ દુર્ઘટના એક ગેમઝોનમાં બની અને એવી ભયાવહ નીવડી કે તેમાં બળી ગયેલા લોકોના મૃતદેહોની ઓળખ પણ થઈ ન શકી. ફરી એક વાર ‘ચમરબંદીને છોડવામાં નહીં આવે’થી લઈને ‘ઉચ્ચ કક્ષાની તપાસ’ના એના એ જ નાટકીય જુમલા અને ઠાલાં આશ્વાસનનો મારો ચાલ્યો. જેમનાં સ્વજનોએ જીવ ગુમાવ્યા એમના ભાગે આજીવન ખોટ સહન કરવા સિવાય કશો ઉપાય નથી.
રાજકોટની દુર્ઘટનાના બીજા દિવસે દિલ્હીના વિવેક વિહારની એક હોસ્પિટલમાં આગની દુર્ઘટના બની, જેમાં સાતેક નવજાત શિશુઓ બળીને ખાક થઈ ગયા. આ ઘટનાને પગલે પણ ‘કોઈને છોડવામાં નહીં આવે’નો જાપ ચાલ્યો.
સાવ તુચ્છ મામલે રાજકારણ- રાજકારણ રમનારા નેતાઓ આવી દુર્ઘટના થાય ત્યારે પ્રજાકીય નિવેદનમાં જણાવે છે કે આ મામલો સંવેદનશીલ છે અને આ મામલે રાજકારણ કરવું જોઈએ નહીં. સો ઉંદર મારીને હજ કરવા જતી બિલ્લી જેવો આ મામલો છે. રાજકારણ ‘કરવું’ એ પ્રજાનો નહીં, રાજકારણીઓનો શોખ છે, અને કદી કલ્પ્યું ન હોય એવા મુદ્દે તેઓ રાજકારણ કરી લે છે, પણ પોતાની તળે રેલો આવે ત્યારે તેમને અચાનક ડહાપણની દાઢ ફૂટવા લાગે છે.
આગ લાગી, મૃત્યુ થયાં, સરકારે તપાસનો આદેશ આપ્યો કે રાજ્યે મૃતકોને શું વળતર આપ્યું એ બાબતો ગૌણ છે, કેમ કે, આ બધું ઊભરા જેવું હોય છે. મુખ્ય મુદ્દો એ છે કે આટલો કાનૂન હોવા છતાં એવું કયું પરિબળ છે કે જેને કારણે લોકો એનો છડેચોક ભંગ કરતા રહે છે? એમને કાનૂનભંગનો અને તેને પગલે થનારા દંડનો ડર શાથી નથી હોતો? કાનૂની કડકાઈ અને ‘ચમરબંદીને નહીં છોડવામાં આવે’ની ઘોષણાનો ખરેખરો અમલ થાય છે ખરો? આગના મોટા ભાગના કિસ્સામાં આગ સામે લેવાનારાં સુરક્ષાનાં પગલાંનો અભાવ જોવા મળે છે. સરકારી તંત્ર કયા કારણે આ પરિસ્થિતિને નજરઅંદાજ કરે છે? કાનૂન અને એને અમલમાં મૂકનારું તંત્ર હોવા છતાં એની બીક નથી એ સૂચવે છે કે આ બધું કાગળ પર કેવળ નામનું જ છે. ડ્રાઈવિંગ લાઈસન્સ લીધા વિના વાહન ચલાવનારને દંડ કરી શકાતો હોય તો કાનૂની રીતે આગ સામે સુરક્ષાનાં પગલાં ન લેનાર સામે આંખ આડા કાન શી રીતે થઈ શકે? શું એવા લોકોની સંખ્યા રસ્તા પરના વાહનચાલકો કરતાંય વધુ હોય છે? કે પછી એમની આ હરકત સામે આંખ આડા કાન કરવાનો આદેશ હોય છે?
આ બધા સવાલો થતા હોય અને તેના જવાબનું પગેરું મેળવવા જઈએ તો છેવટે એ રાજકારણીઓ સુધી જ પહોંચે છે, કેમ કે, તંત્રના કોઈ એકલદોકલ અધિકારીની એવી હિંમત હોતી નથી કે તે ભ્રષ્ટ બનીને કાનૂની જોગવાઈના અભાવ સામે આંખ આડા કાન કરે.
નાગરિક તરીકે આપણી કમનસીબી એ છે કે આપણે નેતાઓને આવા સવાલ પૂછવાને બદલે અંદરોઅંદર એકબીજાને ચૂપ કરવાની કવાયત કરતા રહીએ છીએ. હજી આપણા નેતાઓ પાસે મફતિયા અનાજ આપવા કે કોમોને અંદર અંદર લડાવતા રહેવા સિવાય બીજા કોઈ નક્કર મુદ્દાઓ જ નથી. અને એ જ નેતાઓ આપણને આવા ગંભીર અકસ્માતના મુદ્દે રાજકારણ ન કરવાની સલાહ આપે ત્યારે શું સમજવું!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩ ૦ – ૦૫ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સમયની શરણાગતિ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
એક દિવસની વાત છે. અનરાધાર વરસાદના લીધે ઉપરવાસમાંથી જાણે પાણીનો ધોધ ફાટ્યો. નદી તો જળબંબાકાર. આ ગામથી પેલા ગામ જવા માટે નદી પર બાંધેલો લાકડાનો પૂલ તુટી ગયો. પૂલ પરથી પસાર થતા હતા એવા બે જણા પૂલમાંથી સીધા જ નદીમાં પડ્યા અને નદીના ધસમસતા વહેણ સાથે ખેંચવા લાગ્યા.
પાણીનું વહેણનો જે રીતનો પ્રવાહ હતો એ જોઇને તો લાગતું જ હતું કે બેમાંથી કોઇ ઉગરી નહીં શકે. કાંઠે ઊભેલા લોકો બૂમાબૂમ કરવા માંડ્યા. એમને બચાવવા માટે શક્ય એટલા પ્રયત્નો કરવા માંડ્યા. કોઇએ દોરડું ફેંકીને એમને ઉગારવા પ્રયત્ન કર્યો તો કોઇએ લાકડાના થડિયા વહેતા મૂક્યા જેથી એમના હાથમાં જે આવે એ પકડીને બચી જાય. પરંતુ એવી કોઇ શક્યતા જ નહોતી કારણકે પાણીનો ધસમસતો પ્રવાહ દોરડું કે થડિયું પહોંચે એ પહેલાં તો એમને ક્યાંય આગળ તાણી જતો.
આ બે વ્યક્તિમાંથી એક જણને તો તરતા આવડતું હતું એટલે એના બચવાની તો થોડી-ઘણી શક્યતા હતી. એણે તો બાથોડિયાં મારવાના ચાલુ પણ કરી દીધા. શરીરમાં હતી એટલી પૂરેપૂરી તાકાતથી એણે પ્રવાહમાં તરીને કિનારા તરફ આવવા મથામણ આદરી એ પણ લોકોએ જોયું. પણ બીજાનું શું? એનો તો અંત નિશ્ચિત જ હતો.
વરસાદ અટકતા પાણીનું જોશ પણ ધીમું પડ્યું. નદીનો પ્રવાહ પણ જરા ધીમો પડ્યો. હવે લોકોએ પેલા બે જણની શોધ આદરી. સૌની નવાઇ વચ્ચે જેને તરતા નહોતું આવડતું એ ક્યાંક આગળ જઈને તુટી પડેલા ઝાડ વચ્ચે ફસાઇને ત્યાં જ અટકી ગયો હતો. જ્યારે બીજાનું નામ નિશાન નહોતું. પેલા માણસને બચાવીને બહાર લાવવામાં આવ્યો.
“ભારે નસીબદાર ભાઇ તું!
“હા વાત તો તમારી સાચી, પેલાએ જવાબ આપ્યો. નસીબદાર તો ખરો જ પણ આમાં તો નસીબની સાથે મારી સાદી સમજ પણ કામ તો આવી જ. પાણીનો પ્રવાહ આપણા માટે અનુકૂળ નહોતો એટલે હું જ પાણીના પ્રવાહને અનુકૂળ બની ગયો. એના ધસમસતા પ્રવાહમાં અર્થહીન બાથોડિયાં ભરવાના બદલે મેં મારી જાતને જ એમાં વહેતી મૂકી દીધી. જો સામે પડવા પ્રયત્ન કર્યો હોત તો હું થાકી જાત, હારી જાત .”
સીધી વાત! પડકારો ઝીલીને સફળ થવાનો તો સો ટકા પ્રયાસ કરવો જ જોઇએ પણ સાથે પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યર્થ હવાતિયાં મારવાના બદલે થોડા સમય માટે એને આધીન થઈને શાંતિથી સમય પસાર કરવામાં અને શાંતચિત્તે એનો ઉકેલ લાવવામાં શાણપણ તો છે જ.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વતન ઝુરાપો : છોડી આવ્યા છીએ એ ક્યારેય છૂટતું નથી. મનમાં એ બધું અકબંધ પડેલું હોય છે
સંવાદિતા
એક છોટા-સા લમ્હા હૈ જો ખતમ નહીં હોતામૈં લાખ જલાતા હું યે ભસ્મ નહીં હોતા– ગુલઝારભગવાન થાવરાણીમન્ના ડેએ ગાયેલું પ્રેમ ધવન લિખિત ફિલ્મ ‘ કાબૂલીવાલા ‘ નું ગીત ‘ ઐ મેરે પ્યારે વતન ઐ મેરે બિછડે ચમન તુજ પે દિલ કુરબાન ‘ એ દેશભક્તિનું નહીં, વતન ઝુરાપાનું ગીત છે. અહીં સમાઈ છે જલાવતન થયેલા એક વતન પ્રેમીની વ્યથા. વતન અફઘાનિસ્તાનથી જોજનો દૂર રોજીરોટી માટે હિંદુસ્તાન ફંગોળાયેલો એ પઠાણ નાયક સતત પોતાની જમીન, સખા-સાથીઓ અને નાનકડી દીકરીને સંભારતો રહે છે. કવિ જ્યારે લખે કે ‘ તને સ્પર્શીને જે હવા આવે એ હવાને લાખ લાખ સલામ ‘ ત્યારે એ ઉદગાર અને એમાંની પીડા માત્ર કવિ કે નાયકની નહીં, વતનથી દૂર રહેવા મજબૂર બધાની છે.ઉર્દૂ કવિ મુનવ્વર રાણાએ એમની દીર્ઘ ગઝલ ‘ મુહાઝિરનામા ‘ માં ‘ છોડ આએ હૈં ‘ રદીફથી લખાયેલા પ્રત્યેક શેરમાં એક મુહાઝિર ( વિસ્થાપિત ) ની પીડા વ્યક્ત કરી છે જે પોતાના વતનમાં ઘણું બધું છોડી આવ્યો છે. ગુજરાતીમાં આદિલ મંસૂરીની, પરદેશમાં પોતાના વતન અમદાવાદ અને સાબરમતી નદીને સંભારતી ગઝલ ‘ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ‘ થી સૌ ગુજરાતીઓ પરિચિત છે. એ ગઝલના અંતિમ શેરમાં પણ કવિ આર્દ્રતાપૂર્વક ‘ વતનની ધૂળથી માથું ભરી લેવાની ‘ વાત કરે છે કારણ કે ‘ કોણ જાણે ક્યારે ફરી આ ધૂળ મળે ‘ !કવિ મણિલાલ હ પટેલની ગઝલ ‘ ગામ જવાની હઠ છોડી દે ‘ વાળા રદીફની બાર શેરની ગઝલમાં ગામ છૂટવાની સાથે શું-શું છૂટ્યું એની દર્દનાક વાત દરેક શેરમાં વણી લે છે તો કવિ યોગેશ વૈદ્ય એમના દીર્ઘ સોનેટ કાવ્ય ‘ ભટ્ટ ખડકી ‘ માં એમના પૈતૃક નિવાસની શેરી અને એની વર્તમાન દુર્દશાની વાત કરે છે.
આજે વાત કરીએ આપણા ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લની યાદગાર ગઝલ ‘ હું મળીશ જ ‘ વિષે. ગુજરાતી કવિતાનો ભાગ્યે જ કોઈ એવો રસિયો હશે જેણે આ રચનાનું રસપાન કરી એમાં સમાવિષ્ટ અનૂભુતિ સાથે તાદાત્મ્ય ન કેળવ્યું હોય. ઘણા બધાએ આ ગઝલ વિષે ઘણું બધું લખ્યું પણ છે. કેટલાકને તો – વિશેષત: જૂનાગઢ નગરના પ્રેમમાં હોય તેને – આ આખી ગઝલ કંઠસ્થ હશે. ગઝલ જોઈએ:પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જહતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જનગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જબપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જતળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જકોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જશિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જછતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જશમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જહશે કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જમને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જજૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ..ગઝલમાં જૂનાગઢ શહેરનો ઉલ્લેખ તો છેક અંતિમ શેરમાં આવે છે પરંતુ આ શહેર જેમની નસ નસમાં વસેલું છે એમને તો ત્રીજા જ શેરથી ખબર પડી જાય કે આ એમના પ્રિય નગર અને ત્યાંની સ્મૃતિઓની વાત છે. ગઝલના દરેક શેરનો અદ્રષ્ય ધ્વનિ તો એ છે કે કોઈ શહેર કે ગામને તમે દિલથી ચાહ્યું હોય, એમાં અલગારી રઝળપાટ કરી હોય, એને સદૈવ શ્વસ્યું હોય તો તમે સ્થૂળ રીતે ત્યાં ( કે જગતમાં પણ ! ) ન હો તો પણ ત્યાંની આબોહવામાં સુક્ષ્મ રૂપે તમે મળો જ. દરેક શેર લાક્ષણિક ‘ રાજેન્દ્ર શુક્લાઈ ‘ મિજાજમાં છે જ્યાં પંક્તિએ પંક્તિએ અધ્યાત્મ, નિસર્ગ અને કવિની આગવી છટા વર્તાય છે. અહીં ક્યાંક દામોદર કુંડ અને ગિરિ તળેટી છે, ક્યાંક ગિરનારની ટૂક અને દત્તાત્રેય શિખર છે, ક્યાંક અશોક શિલાલેખ છે તો ક્યાંક ઉપરકોટની ભરબપોરની સૂની રાંગ પણ છે. નરસિંહ ચોરાનું નગારું અને એમના પ્રિય રાગ કેદારનો ઉલ્લેખ છે તો ગિરનારની પરકમ્મા પણ છે. કવિએ પોતાની પ્રકૃતિ અનુસાર આ પરકમ્માને સ્વયંની શોધ જોડે સાંકળી લીધી છે. શિલાલેખમાં આલેખાયેલી હવે લુપ્ત એવી બ્રાહ્મી લિપિનો ઉલ્લેખ કરી એમણે માણસને ઉકેલવાની વાત પ્રતીકાત્મક સ્વરૂપે મૂકી છે. હૃદયમાં ટીસ ઉઠાવતા એક શેરનો ઉપાડ છે ‘ છતાં યાદ આવે તો કેદાર ગાજો ‘ . અહીં ‘છતાં’ શબ્દમાં એ પીડા અભિપ્રેત છે કે મોટે ભાગ તો હું યાદ નહીં જ આવું ! કવિને વળી કોણ સંભારે ? પણ ધારો કે યાદ આવું તો બસ કેદારો ગાજો. હું તુરત આવીને મળીશ. ક્યાં ? ભીતરે સ્તો !
તાજેતરમાં જૂનાગઢના ઉપરકોટના થયેલા પુનરુદ્ધારમાં શાસને જૂનાગઢના આ રત્નકવિને યાદ કરી પરિસરમાં એમના નામની તકતી પણ મૂકી છે એ થઈ સવિશેષ આનંદ અને સંતોષની વાત.

જૂનાગઢના ઉપરકોટના થયેલા પુનરુદ્ધારમાં રત્નકવિ શ્રી રાજેન્દ્ર શુક્લની યાદમાં પરિસરમાં એમના નામની તકતી નિશાળેથી ભાગી જતા જ્યાં રિસેસે
મહાબતના એ મકબરે હું મળીશ જ..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
