-
પરિવર્તન – ૧૧: બારીમાંથી અવલોકન
અવલોકન
– સુરેશ જાની
– ૧ –
સવારનો પહોર છે. બારીમાંથી સ્કૂલ બસ આવવાની રાહ હું જોઈ રહ્યો છું. દીકરીના દીકરાને ચઢાવવાનો છે. થોડીક વારમાં બસ આવી જશે; અને હું મારા કામે લાગીશ. આ નવરાશની પળે આદતવશ અવલોકન શરૂ થયું છે.
સામે એ જ બંધ મકાનો, એ જ ટપાલપેટીઓ, એ જ નિર્ધૂમ ચિમનીઓ છે. એમાં રહેનારાં એનાં એ જ માણસો છે. એ જ વૃક્ષો, એ જ ઘાસ, એ જ નિર્જન રસ્તો છે. કદીક રડી ખડી કો’ક કાર કે વાન આવીને જતી રહે છે. પણ એય રોજની જેમ જ. પવનમાં આમતેમ અફળાતાં પાંદડાં છે. કાલે પણ એમ જ થતું હતું.
કશું જ બદલાયું નથી.
બધું જેમનું તેમ છે.
કે ખરેખર એમ છે?મકાનો એક દિવસ જૂનાં થયાં છે. એમ જ એમાં રહેનાર પણ. ક્યાંક મને ખબર ન હોય છતાં કોઈક નવજાત બાળક મીઠી નિંદર માણી રહ્યું છે- જે થોડાક દિવસ પહેલાં, એની માના પેટમાં ઊંધા મસ્તકે અવતરવા માટે તૈયાર લટકી રહેલું હતું. મકાનોની ઉપર એક નજીવું, ન દેખાય તેવું આવરણ ઉમેરાયું છે; જે દસ પંદર વર્ષે મકાનો દસ વર્ષ જૂનાં થયાંની ચાડી પોકારવાનું છે.
એનાં એ જ લાગતાં ઝાડ પર અનેક નવાં પાંદડાં ઉમેરાયાં છે; કોઈક સૂકાયેલી ડાળી જમીન દોસ્ત થઈ નીચે પડી ગઈ છે. ઘાસનો વિસ્તાર અને ઉંચાઈ ચપટીક વધ્યાં છે. રસ્તો કાલ કરતાં સહેજ વધુ ઘસાઈને લીસ્સો થયો છે; અથવા સૂર્યના તાપે, એક ન દેખાય તેવી તરડ કોરાઈને થોડીક વધારે ઊંડી બની છે.
પસાર થઈ ગયેલી કાર કાલવાળી કાર ન હતી. બીજા કો’કની હતી! કાલે અફળાતાં હતાં, તે પાંદડાં અલબત્ત કચરાપેટીમાં કે દૂરની ઝાડીઓમાં ક્યાંના ક્યાંય ફેંકાઈ ગયાં છે. આજે દેખાય છે; તે ગઈકાલે વૃક્ષો પર વિલસતાં હતાં.
– ૨ –
અમારા ઘરના દિવાનખંડના સોફા ઉપર હું બાજુના ટેકાને અઢેલીને બેઠો છું, અને સોફાની પાછળ આવેલી બારીમાંથી બહારની દુનિયાનું અવલોકન કરું છું. બારીને અડીને એક નાનો છોડ છે. પાંચ છ ફૂટ દુર એક ઠીક ઠીક મોટો છોડ છે. પછી રસ્તો છે અને રસ્તાની સામેની બાજુએ મકાનો છે. સામેના બે મકાનોની વચ્ચે એક મોટું વૃક્ષ છે. આ ત્રણેનાં પાન અને ડાળીઓ સતત હાલી રહ્યાં છે. રસ્તા ઉપર કો’ક રડ્યું ખડ્યું સૂક્કું સટ પાંદડું આમતેમ ભટકી રહ્યું છે.
આ બધી સતત ચાલતી રહેલી ગતિ, પવનની હયાતિની સાક્ષી પૂરે છે. આ સઘળાં ન હોત તો? મનને એમ જ થાત કે હવા પડેલી છે. પવન છે જ નહીં. બધું સ્થિર હોવાને કારણે હવાની જીવંતતા અનુભવાત નહીં.
સામેનાં બધાં ઘરોની બધી બારીઓ બંધ છે. માત્ર જડ મકાનો જ દેખાય છે. કોઈ ગતિ, કોઈ ધબકતું જીવન હું જોઈ શકતો નથી. પણ મકાનની અંદર? કેટકેટલાં જીવન ધબકતાં હશે?
અરે! આ સ્થિર હવા જ જુઓને? એ પોતે જ દેખાતી નથી તો તેમાં તરતાં, ઊડતાં બેક્ટેરિયા કે વાઈરસ તો ક્યાંથી દેખાય? પણ ક્યાંથી ઘડીના છઠ્ઠા ભાગમાં શરદી આપણા નાકમાં પેંસી જાય છે?
આપણે કોઈ વસ્તુને જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ, ચાખીએ, ત્યારે એના હોવાપણાની આપણને અનુભૂતિ થતી હોય છે.
પણ …..
કોક ચીજની કશીય અનુભુતી ન થતી હોય, તેથી એમ થોડું જ કહેવાય કે, કશાયનું હોવાપણું છે જ નહીં?
——
આ અવલોકનકાર પણ ક્યાં એનો એ છે? એના શરીરના અનેક કોષો મરણ પામ્યાં છે, અને નવાં જન્મી ચૂક્યાં છે. એના વિચાર, અભિગમ, મિજાજ કાલનાં જેવાં નથી.
એણે અવલોકન, અનાવલોકન, હાલોકન, પ્રતિભાવ, અપ્રતિભાવના ભાવો વચ્ચે કેટકેટલાં ઝોલાં ખાધાં છે ; અને હજુ ન જાણે કેટલાં ખાશે?!
પરિવર્તન… પરિવર્તન… પરિવર્તન… ન દેખાય તેવું પણ અચૂક પરિવર્તન… હર ઘડી, હર સ્થળ.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૧]
સંપાદકીય નોંધઃઆપણે સામાન્ય રીતે વેબ ગુર્જરી પર પુસ્તક પરિચય વાંચીએ છીએ તેને બદલે નરેશભાઈએ બચી કરકરિયાનાં પુસ્તક ‘બિહાઈન્ડ ધ ટાઈમ્સ’નો જે પરિચય કરાવ્યો છે તે છએક પોસ્ટની લેખમાળા બની રહે છે. આ પુસ્તકમાં ટાઈમ્સ ઑવ ઇન્ડીયાની ઘડતરની લાંબી સફરમાં પરદા પાછળ કાર્યરત રહેલાં કેટલાંય નામી અને કેટલાંક બહારની દુનિયામાં ઓછાં જાણીતાં પાત્રોનો બહુ ટુંક પરિચય જોવા મળે છે. બ્રિટીશરો પછીનાં ટાઈમ્સની બદલતી જતી શકલને સમજવામાં આ પુસ્તક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી આ પરિચયને એક એક લેખને બદલે નાની લેખમાળા સ્વરૂપે રજુ કરી છે.– સંપાદક મંડળ, વેબ ગુર્જરી
નરેશ પ્ર. માંકડ
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ૧૮૩૮ માં પોતાની સફર શરૂ કરી ત્યારે દિલ્હીના તખ્ત પર નામનો જ કહેવાય એવો મુગલ શહેનશાહ બેઠો હતો. શીખ અને મરાઠાઓના રાજ્ય એમની ટોચ પરથી હવે અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા. દેશના અંતરિયાળ વિસ્તારોમાં લોહીતરસ્યા ઠગો મુસાફરોને મારીને લૂંટ ચલાવતા હતા. આવા સમયે Bombay Times And Journal of Commerce નામથી આ પત્ર અઠવાડિયામાં બે દિવસ પ્રગટ થતું. ૧૮૫૦માં એ દૈનિક પત્ર બન્યું અને ૧૮૬૧માં તેને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામ અપાયું. તમને જાણીને આશ્ચર્ય થશે કે ૧૯૦૭માં તેની કિંમત ચાર આનાથી ઘટાડીને એક આનો કરવામાં આવી!
આમ તો મુંબઈ વર્ષો સુધી એનો ગઢ હતું પણ ૧૯૫૦માં તેની દિલ્હી આવૃત્તિ શરૂ થઈ. ત્યાર બાદ ૧૯૬૮માં અમદાવાદ આવૃત્તિ પણ શરૂ થઈ. ખોટ કરતી એ આવૃત્તિ કેવી રીતે નફાકારક બની તેની રસપ્રદ વાત આપણે આગળ જતાં કરીશું. ૧૯૯૧માં બીબીસી એ તેને વિશ્વના છ મોટાં અખબારમાં સ્થાન આપ્યું. આ વર્ષો દરમ્યાન વિચાર અને ભાષાના એક સશક્ત ચેમ્પિયન તરીકે તે સુસ્થાપિત થઈ ચૂક્યું હતું પણ સમય પલટાઈ રહ્યો હતો. ટાઈમ્સનુ મેનેજમેન્ટ એને પૈસા કમાવાના ધંધા તરીકે ઉપયોગમાં લેવા માગતું હતું અને એમની વેપારી વૃત્તિ એમને જંગી વળતર આપી રહી હતી. ૧૯૯૬માં દસ લાખ અને વર્ષ ૨૦૦૦માં વીસ લાખના ફેલાવાને વટાવી ગયું. આ આંકડો ૨૦૦૪માં ત્રીસ લાખ અને ૨૦૦૮માં ચાલીસ લાખથી આગળ નીકળી ગયો.
+ + +
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ૧૮૩૮માં શરૂ થયેલી સફરનાં ૧૭૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે ટાઈમ્સ તરફથી સંદીપન દેબનું લખેલું પુસ્તક Momentous Times: 175 Years બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ટાઇમ્સમાં આવરી લેવાયેલા ૧૭૫ મહત્વના બનાવોનું બયાન આપ્યું છે.બચી કરકરીઆનું પુસ્તક Behind The Times જરા વધુ નજીકના બનાવો અને વ્યક્તિઓનું, દર્શન આપે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના લોગોમાં Let Truth Prevail ના નારા સાથે બે હાથી સામસામે મૂક્યા છે. હાથીને આ રીતે મૂકવાની આપણા દેશમાં જૂની પ્રથા છે. તે અજંતામાં પણ જોવા મળે છે, અને રાજા રવિ વર્માના ચિત્રમાં પણ મળે છે; પરંતુ ટાઈમ્સના લોગોમા તો બે હાથીઓના ટકરાવનું સૂચન થતું લાગે છે એવું બચી કરકરિયાનું પુસ્તક વાંચતાં અનુભવાય છે.

બચી કરકરીઆ ૧૯૬૯માં ધ ઇલસ્ટ્રેટેડ વિકલી માં જોડાયાં અને ખુશવંત સિંહ પણ એ વર્ષે જ જોડાયા – બચી તાલીમાર્થી તરીકે અને ખુશવંત સિંહ તંત્રી તરીકે. લગ્ન પહેલાંનું તેમનું મૂળ નામ બચી એન. કાંગા. ટાઈમ્સ સાથે તેઓ ૩૦ વર્ષ જીવ્યાં છે. ખુશવંત સિંહ પાસે તેઓ એમની લેખનકળા શીખ્યાં,બચીની કારકિર્દી પણ ટાઈમ્સના બીજા ઘણા પત્રકારોની આયા રામ, ગયા રામ ની રીતને અનુસરે છે. નાટકના સ્ટેજ ચાલતી અવર જવર જેમ ટાઇમ્સમાં પણ કોઈ પત્રકાર આવે, જાય, ફરી આવે, ફરી જાય અને ફરી પણ આવે એવું બન્યા કરતું.
કલકત્તામાં સ્ટેટ્સમેનમાં કામ કર્યું, અને ફરી ટાઇમ્સમાં આવ્યાં. સન્ડે ટાઈમ્સ, મેટ્રોપોલિસ ઓન સેટરડે અને બોમ્બે ટાઇમ્સમાં તંત્રી રહ્યા પછી ટાઇમ્સની બેંગલોર આવૃત્તિને સશક્ત બનાવી અને ટૂંકી મુદ્દત માટે મિડ ડે માં ગયા બાદ ફરી દિલ્હીના રેસિડન્ટ એડિટર તરીકે અને નેશનલ મેટ્રો એડિટર તરીકે ટાઇમ્સમાં ફરજ બજાવી. હાલ તેઓ મીડિયા સલાહકાર અને ટ્રેઈનર છે. એમની કોલમ Erratica માટે તેઓ વિશેષ જાણીતાં છે. ખુશવંતના અવસાન બાદ બચી કસૌલીમાં યોજાતા ખુશવંત સિંહ લિટ ફેસ્ટ નામના સાહિત્ય સમારોહમાં પણ જોડાતાં રહ્યાં છે.
+ + +
Behind The Times પુસ્તકમાં બચીએ ટાઈમ્સની ગતિવિધિઓ, ઉતાર ચડાવ અને એમના સ્ટાર પત્રકારોની ખાટી મીઠી વાતો રસાળ શૈલીમાં રજૂ કરી છે. ખુશવંત સિંહ સાથે ટ્રેઇની તરીકે મૂલ્યવાન અનુભવ મેળવ્યો હતો એટલે એમની અસર સ્પષ્ટ રીતે વર્તાય છે.
આ ગ્રેટ ટાઈમ્સ સરકસમાં વિભિન્ન અને વિચિત્ર લાક્ષણિકતાઓ ધરાવતાં અનેક પાત્રો છે, જેમાંના કેટલાક તો બચી જેમને epic heroes કહે છે એવાં છે એટલે પત્રકારત્વના વિદ્યાર્થી માત્ર નહિ પણ સામાન્ય વાચકને પણ રસ પડે એવી ભરપૂર વિગતો મળી રહે છે. આ ચિત્રમેળામાં શામલાલ, ગિરીલાલ જૈન, એન. જે. નાનપોરિયા જેવી અસાધારણ, વજનદાર હસ્તીઓ છે, ખુશવંતસિંહ જેવા સુપર સ્ટાર છે, અને પ્રીતિશ નાંદી જેવા શો – મેન પણ છે. સ્વાભાવિક રીતે જ આમાં વ્યક્તિચિત્રો અને જેને ટુચકાઓ (anecdotes) કહે છે એવી નાની રસાળ વાર્તાઓ છે જેના આધારે આપણી સમક્ષ ટાઈમ્સનું એક ચિત્ર ઊભું થાય છે. ટાઇમ્સની વાસ્તવિક યાત્રામાં બનતું રહ્યું હતું એમ આ પુસ્તકમાં પણ ચરિત્રો અલગ અલગ સંદર્ભના કારણે આવન જાવન કરતાં રહે છે.
+ + +
કિવદંતિ સમો ડિરેક્ટર્સ લંચ રૂમ
બચી આરંભમાં ગોળ ગોળ ફરતી (સ્વિવેલ) લાલ ખુરશીના આકર્ષણની વાત કરે છે. સમયની સાથે ડિઝાઇનના થતા રહેલા ફેરફારો સાથે એની મૂળ ચમક જતી રહી છે છતાં તે જ્યાં વપરાતી એ ડિરેક્ટર્સ લંચ રૂમ DLR નો ઠાઠ તો જળવાઈ રહ્યો છે. એક સમયે અહીં લાંબા ટેબલ પર વરદીધારી વેઇટર ભોજન પીરસતા. આજે તો તમારી હાથમાં પકડેલી પ્લેટની સમતુલા જાળવતાં ઊભા રહેવું પડે છે. ૧૯૮૦ના દાયકા સુધી DLR માત્ર પુરુષોની ક્લબ હતી, એમાં અપવાદરૂપ હતાં ફેમિનાનાં જાજરમાન તંત્રી વિમલા પાટીલ. લંચ રૂમમાંથી મોટે મોટેથી થતી વાતો અવાજો આવતા. જેને નોન વેજ જોક કહે છે એવી રમૂજનું હાસ્ય સંભળાતું, વિશેષ તો ખુશવંત સિંહ વિકલીના તંત્રી બન્યા પછી. એટલે તેઓ ચોથા માળ પરની પોતાની કેબિનમાં ટ્રે મંગાવવાનું પસંદ કરતાં. શાબ્દિક અને આલંકારિક અર્થમાં ધર્મયુગના ઊંચી કક્ષાના તંત્રી ડો. ધર્મવીર ભારતી સરદારના મજબૂત હરીફ હતા. દરરોજ બપોર પછી તેઓ પાછળના દરવાજામાંથી માપેલાં ડગલાં ભરતાં, રો સિલ્કના બુશ શર્ટ માં સજ્જ, હોઠ પર રાખેલી સિગાર સાથે પ્રવેશ કરતા.
ટાઈમ્સના એક સુખ્યાત તંત્રી, શામલાલ, ડાયરેક્ટર્સ ના ભોજન કક્ષમાં ક્યારેય ન આવતા. તેઓ પ્રખ્યાત સ્ટ્રેન્ડ બુક સ્ટોલમાં જઈ પુસ્તકો પર નજર ફેરવતા અને સ્ટ્રેન્ડ જેટલા જ ખ્યાતિપ્રાપ્ત એના માલિક ટી. એન. શાનભાગ સાથે સાહિત્યિક ચર્ચાઓમાં વ્યસ્ત થઈ જતા. શ્યામલાલના ઉત્તરાધિકારી ગિરીલાલ જૈન પણ ભોજન કક્ષના અનિયમિત મુલાકાતી હતા. તેઓ સ્ટ્રેન્ડ ની મુલાકાતમાં કે અન્યત્ર ભોજનના રોકાણમાં વ્યસ્ત ન હોય તો ટ્રે મંગાવી લેતા.
*************
બેનેટ કોલમેનમાં ભરતી કરવાનું અનિયમિત અને બિનઆયોજિત રીતે થતું રહેતું. ગૌતમ અધિકારી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરતા પણ એમનું દિલ તો પત્રકારત્વ માં હતું. કેમ્બ્રિજ થી આવેલા અને માર્કસવાદી વિચારો ધરાવતા સહાયક તંત્રી ડેરિલ ડી મોન્ટેના પ્રયત્નથી એમનો એક લેખ ટાઈમ્સમાં પ્રગટ થયો પણ ત્યાર પછી સ્ટેટ્સમેન અને આનંદ બજારના અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ માં તેમણે કરેલા પ્રયત્નો નિષ્ફળ રહ્યા. અખબારોમાં એ સમયના બેન્કના નીચા પગાર ધોરણ જેટલું પણ વેતન ન મળતું. એમની બેંક કરતાં ઓછા પગારમાં પણ પત્રકારત્વની નોકરી લેવાની તૈયારી કોઈને માનવામાં આવતી ન હતી. એવામાં ઇકોનોમિક ટાઇમ્સ કલકત્તામાં આવે છે એવી વાત જાણવા મળી એટલે તરત તેમણે ફોન કર્યો. આ બાબતમાં ઇન્ટરવ્યૂમાં પણ એમને પૂછવામાં આવ્યું, ” વધુ સારો પગાર છોડીને કેમ અખબારમાં આવવું છે?” ગૌતમે રોકડો જવાબ પરખાવ્યો, “તમે મને લેવા માગતા હો તો ઠીક છે, નહીં તો હું આવતીકાલે State Bank of India માંથી રાજીનામું આપીને સ્ટેટ્સમેન કે હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ માં જોડાઈ જઈશ. બીજા દિવસે તેમને બોલાવવામાં આવ્યા અને લગભગ બેંક જેટલું જ વેતન નક્કી કરવામાં આવ્યું.
અરુણ અરોરાનું પોસ્ટિંગ અમદાવાદમાં થયું ત્યાં હજુ ઇકોનોમિક ટાઈમ્સ શરૂ થયું ન હતું. અમદાવાદ આવૃત્તિ બાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી, છતાં હજુ ખોટ કરતી હતી. અમદાવાદમાં તેનું સર્ક્યુલેશન નીચું હતું અને જાહેરાત નો ભાવ માત્ર રૂપિયા ૨.૫૦ હતો. એ દિવસોમાં એકવાર કોઈ એન.આર. આઈ. પટેલ તેમની ઓફિસમાં ધસી આવ્યા અને કહ્યું હું જાહેરાત દેવા આવ્યો હતો, એ આપ્યા વગર જ જાઉં છું, શા માટે તમને ખબર છે, મિસ્ટર મેનેજર? હું તમને કહું, હું કાંકરિયા થી તમારી ઓફિસ રિક્ષામાં આવ્યો તેના ₹૩થયા અને તમારી જાહેરાત માત્ર ₹ ૨.૫૦ માં થાય છે, તો એવી જાહેરાતનો શું પ્રતિભાવ મળશે? અરોરાને જાહેરાતના દરોમાં ફેરફાર કરવાની સત્તા ન હતી તો પણ એમણે દર વધારીને બમણો કર્યો અને પછી હિંમત આવી જવાથી રૂપિયા સાત નો ભાવ કરી નાખ્યો. મુંબઈ હેડ ક્વાર્ટર માં એડવર્ટાઇઝિંગ મેનેજર ને જાણ કરવાની પણ ચિંતા ન કરી. જાહેરાતો વધતી ગઈ અને એમની આ ‘ ખતા ‘ ની જાણ પણ ત્યારે થઈ જ્યારે અમદાવાદ આવૃત્તિ અચાનક જ નફો કરતી કેવી રીતે થઈ ગઈ એવા સવાલ ઉઠવા લાગ્યા. આનું પરિણામ એ આવ્યું કે વધુ સર્ક્યુલેશન ધરાવતા મુંબઈ અને દિલ્હી ને પણ જાહેરાતના દર વધારવા પડ્યા અને જાહેરાત વેચવા જનારાને માટે માથાનો દુઃખાવો થઈ પડ્યો. અરોરાને કડક શબ્દોમાં તેમની સત્તા અંગે ચેતવણી આપવામાં આવી. અરોરાને સમજાયું કે કંપની માટે જે સારું હોય એ કરવા જતાં જેને સંસ્થાનું મૅનેજમૅન્ટ તરીકે ઓળખાય છે એવાં સંચાલન તંત્રનો ગરાસ લુંટાઈ જાય છે.
મજાની વાત એ છે કે જે ટાઈમ્સમાં જાહેરાતો આટલું ઓછું મહત્ત્વ ધરાવતી હતી એ જ ટાઈમ્સના જીવનકાળ દરમ્યાન એક સમય એવો પણ આવવાનો હતો કે જાહેર ખબર આવકનો મુખ્ય સ્રોત બની જાય એ રીતે તેનું વેચાણ થઈ શકે એવી રીતે સમાચારોને પ્રકાશિત કરવાનું એક માધ્યમ બની જવાનું હતું !
ક્રમશઃ
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
અલીગઢ – એ શહેર ઉપરાંત એક વિચારોત્તેજક ફિલ્મ પણ છે
સંવાદિતા
નૈતિકતા અને અનૈતિકતાના અર્થઘટનમાં એક વ્યક્તિના જીવનની ગોપનીયતાના અધિકારને વિસારી શકાય નહીં
ભગવાન થાવરાણીઉત્તર પ્રદેશના શહેર અલીગઢને આપણે બહુધા ત્યાંના અલીગઢી તાળાં તેમજ એ શહેરમાં સ્થિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી ( AMU ) થી ઓળખીએ છીએ. આશરે દોઢસો વર્ષ જૂની આ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થામાં બનેલી એક વિવાદાસ્પદ ઘટના પરથી ગુજરાતી ફિલ્મસર્જક હંસલ મહેતાએ ૨૦૧૫ માં બનાવી છે ફિલ્મ ‘ અલીગઢ ‘. ફિલ્મ પૂર્ણત: સત્ય ઘટનાત્મક છે અને એનો વિષય છે સજાતીયતા – હોમો સેક્સ્યુઅલીટી અને એક નાગરિકનો પોતાની ગોપનીયતા – પ્રાઈવસી ઉપરનો અધિકાર. અભિનેતા મનોજ બાજપાઈની કદાચ આ સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે.

ફિલ્મ વાત કરે છે અલીગઢ યુનિવર્સીટી ( સંભવત: વિવાદ ટાળવા ફિલ્મમાં એને અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી કહેવાનું નિવારાયું છે ! ) ના પ્રોફેસર શ્રીનિવાસ રામચંદ્ર સિરાસની. સજાતિયતાના આરોપસર એમને ૨૦૧૦ માં યુનિવર્સિટીમાંથી અપમાનજનક રીતે બરખાસ્ત કરવામાં આવ્યા હતા. સિરાસ ત્યાં મરાઠી ભાષાના પ્રોફેસર અને ભાષા-વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ જેવા પ્રતિષ્ઠાવાન પદે બિરાજમાન હતા. એ મરાઠી ભાષાના સાહિત્ય અકાદમી પુરસ્કૃત કવિ પણ હતા. પછીથી પુરવાર થયું તેમ, એમની બરખાસ્તીનું કારણ તેમજ પદ્ધતિ બન્ને ગલત હતાં. ફિલ્મમાં સિરાસ પ્રત્યે ભારોભાર સહાનૂભૂતિ ધરાવતા યુવાન પત્રકાર દીપુ સેબાસ્ટીયનની ભૂમિકામાં હંસલ મહેતાના માનીતા અભિનેતા રાજકુમાર રાવ છે. અદાલતમાં એમના કેસની પેરવી કરનાર વકીલની ભૂમિકા આશીષ વિદ્યાર્થી અદા કરે છે.

સિરાસના પાત્રમને અભિનેતા મનોજ બાજપાઈ જે રીતે જીવ્યા છે અને જે કુનેહથી ફિલ્મના પટકથા – સંવાદ લેખક અપૂર્વ અસરાનીએ એનું પાત્રાલેખન કર્યું છે એ હકીકત આ પાત્રને ભારતીય ફિલ્મોના ચિરસ્મરણીય ચરિત્રોની હરોળમાં મૂકે છે. સિરાસ ખરા અર્થમાં વિદ્વાન પણ એકલસૂરા માણસ હતા. પીવાના શોખીન અને લતા મંગેશકર – મદન મોહનના ગીતોના પરમ ચાહક . પરણેલા યે ખરા પણ પત્ની એમના ‘ સંગીત અને પુસ્તકોના ગાંડા શોખ ‘ થી કંટાળીને એમને છોડી ગઈ.
ફિલ્મનો મુખ્ય સુર સજાતિયતા નહીં, પરંતુ એક નાગરિકના ગુપ્તતાના અધિકારનો છે. પ્રોફેસર સિરાસના યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ફ્લેટમાં રાત્રિના સમયે બે કહેવાતા પત્રકારો ઘુસી આવે છે અને એમને એમના ‘ મિત્ર ‘ રિક્ષા ચાલક સાથે કઢંગી હાલતમાં પકડી પાડી એમનો વિડીયો ઉતારી લે છે. એટલું જ નહીં, બરાબર એ જ સમયે એમના યુનિવર્સિટીના સાથી ચાર કર્મચારીઓ પણ પહોંચી જાય છે અને પત્રકારો પાસેથી વિડિયો ટેપ કબજે કરી એમને જવા દે છે. આખો કાંડ જાણે એક પૂર્વયોજિત ષડયંત્રનો હિસ્સો હોય તેમ ! બીજા જ દિવસે આ સમાચાર દેશના અગ્રણી અખબારોમાં મથાળું બની છપાય છે. એમના એક મિત્ર પ્રોફેસર મામલાને રફેદફે કરવાની બાંહેધરી આપી, જે કંઈ બન્યું એનો માફી- પત્ર પ્રોફેસર પાસેથી લખાવી લે છે. યુનિવર્સીટી એમને ‘ આવી પ્રતિષ્ઠિત સંસ્થાને લાંછન લગાડવાના દુષ્કૃત્ય ‘ સબબ તાત્કાલિક અસરથી સસ્પેંડ કરે છે. એમના ક્વાર્ટરનો વીજ પુરવઠો તુરંત કાપી નાંખવામાં આવે છે અને ક્વાર્ટર અઠવાડિયામાં ખાલી કરવાનો આદેશ અપાય છે. શહેરભરમાં વગોવાયેલા સિરાસ તિરસ્કૃત થઈ શહેરમાં ઘર પછી ઘર બદલવા મજબૂર બને છે.
પત્રકાર દીપુને સિરાસને થયેલા અન્યાયની ખબર પડે છે અને એ અલીગઢ દોડી આવે છે. એ યુનિવર્સીટીના પદાધિકારીઓને મળે છે પણ એમના માટે એમના આંગણે થયેલું ‘પાપ’ પ્રોફેસરની પ્રાઈવેસીના ભંગ કરતાં ક્યાંય મોટી વાત છે. સજાતિયતા સમર્થક સંગઠનોના આગ્રહથી – પ્રોફેસરની ખુદની અનિચ્છા છતાં – એમનો યુનિવર્સીટી સામેનો કેસ અલ્લાહાબાદ હાઈકોર્ટમાં લડાય છે. સિરાસને આ સમગ્ર પ્રક્રિયા જ ફારસ લાગે છે. ખટલા દરમિયાન એ પોતે પૂર્ણ ઉદાસીનતાથી કોર્ટમાં એક ખૂણે બેસી પોતાની મરાઠી કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કરતા રહે છે. ઠોસ દલીલો અને સજાતિયતાને અદાલતે પહેલેથી આપેલી માન્યતાના કારણે સિરાસનો વિજય થાય છે. કોર્ટ એમને સન્માનભેર એમના મૂળ સ્થાને પાછા મૂકવાનો ચુકાદો આપે છે. કમનસીબે ( કે કોઈ કારણસર ! ) કોર્ટનો ચુકાદો સત્તાવાળાઓ પાસે પહોંચે એ પહેલાં જ પ્રોફેસર એમના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવે છે. શંકાસ્પદ મૃત્યુ ! એ ત્રણ મહિનામાં નિવૃત થવાના હતા. એમણે દીપુ આગળ નિવૃતિ પછી અમેરિકા જતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરેલી જેથી એ ત્યાં સ્વમાનભેર રહી શકે !
એમના ચરિત્રને ઉજાગર કરતા ફિલ્મના એક દ્રશ્યમાં પ્રોફેસર પોતાના ફ્લેટમાં એકલા વ્હીસ્કીનું આચમન કરતાં કરતાં લતાનું ‘ આપકી નઝરોં ને સમજા પ્યાર કે કાબિલ મુજે ‘ આંખો મીંચી સાંભળી રહ્યા છે. એ ગીતની ધુન અને શબ્દોમાં પૂરેપૂરા ડૂબી જાતને અતિક્રમી ચૂક્યા છે. લતાની સાથે એ પોતે પણ ગીતના શબ્દો દોહરાવતા જાય છે. એમના પગને જાણે એક અલાયદું મન હોય તેમ ગીતના તાલે ડોલે છે ! અસલ નશો તો ગીતનો છે પણ એમના ચહેરે કોઈ અકથ્ય પીડા અને અસહાયતા વંચાય છે.
અન્ય એક યાદગાર દ્રશ્યમાં યુનિવર્સિટીએ ફરજિયાત ખાલી કરાવેલું મકાન છોડી, સામાન રેંકડીમાં લાદી અન્યત્ર રહેવા જતા પ્રોફેસરને પત્રકારો ઘેરી વળે છે. એક પત્રકાર પૂછે છે, ‘ કૈસા લગતા હૈ આપકો ? ‘ જવાબમાં પ્રોફેસર નિતાંત ઉદાસ સ્મિત ફરકાવી કહે છે ‘ જાને દો ‘. નવા મકાન પર પહોંચી સામાન ખોલતાં પહેલાં એ કેસેટ પ્લેયર પર ગીત મૂકે છે ‘ બેતાબ દિલ કી તમન્ના યહી હૈ ‘ !
અલ્લાહાબાદના સંગમે દીપુ અને સિરાસ સાથે નૌકાવિહાર કરે છે. દીપુ એમને સમાચાર આપે છે કે એમના મિત્ર રિક્ષાવાળાને પોલીસે બેફામ માર્યો છે. પોતાના કારણે એ ગરીબને આ યાતના અને અપમાન ભોગવવું પડ્યું એ જાણી એમના ચહેરા પર જે પીડા અને લાચારી ઉપસી આવે છે એને કોઈ પણ સંવેદનશીલ વાંચી શકે.
દીપુના પ્રશ્ન ‘ એ તમારો પ્રેમી હતો ? ‘ ના જવાબમાં પ્રોફેસર કહે છે ‘ તમે લોકો એક શબ્દની પાછળ પડી જાઓ છો ! કમ સે કમ પ્રેમને સમજવાનો પ્રયત્ન કરો. કેવો અદ્ભુત શબ્દ અને તમે એ શબ્દ ગાળ હોય એવું પુરવાર કરવા મથો છો ! ‘
રાજકુમાર રાવની લોકપ્રિયતા વટાવવા ફિલ્મમાં એના પાત્ર અને એના જીવનની ઘટનાઓને જરૂર કરતાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે જે ફિલ્મની અસરકારકતામાં વિક્ષેપરૂપ છે.
ફિલ્મના નિર્દેશક હંસલ મહેતાએ કારકિર્દીની શરૂઆત ‘ ખાના ખજાના ‘ ટીવી શો ( સંજીવ કપૂર ) થી કરી પણ પછી વુડસ્ટોક વિલા, શાહિદ, સિટી લાઈટ્સ, ઓમેર્ટા અને ફરાઝ જેવી ફિલ્મોથી પ્રસિદ્ધિ મેળવી. એમની સ્કૂપ સિરીયલ પણ ઘણી ચર્ચાસ્પદ રહી. ૧૯૯૨ ના હર્ષદ મહેતા પ્રકરણ વાળી સ્કેમ ટીવી શ્રેણીથી પણ ખાસ્સા ચર્ચામાં રહ્યા. હાલ એ જ ક્રમમાં સહારા ઈંડીયા – સુબ્રોતો રોય પ્રકરણ વિષેની સિરીયલમાં વ્યસ્ત છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ચેન્નાઈ એક્સપ્રેસ
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.-શૂન્ય પાલનપુરી
ન્યુટન પાસે ડાયમંડ નામનો એક કૂતરો હતો. તોફાની હતો તો પણ ખૂબ વ્હાલો હતો. એકવાર રાત્રે ડાયમંડે ટેબલ પર કૂદકો માર્યો. તેથી મીણબત્તી પડી અને ટેબલ પરનું પુસ્તક સળગવા લાગ્યું. ન્યુટન પહોંચે એ પહેલા પુસ્તક અર્ધું બળી ગયું હતું. સાત વર્ષની મહેનત પછી લખાયેલું પુસ્તક ઘડીમાં રાખનો ઢેર થઇ ગયું. થોડી ક્ષણોમાં જ સ્વસ્થ થઇ ન્યુટન ફરી એ જ પુસ્તક લખવા બેસી ગયા.
કમલા હેરિસ સાત વર્ષના હતા ત્યારે જ તેમના માતા પિતા એકબીજાથી અલગ થઈ ગયા. કમલાએ પણ ન્યુટન જેમ ફરી સંશોધન આદર્યું પણ જીવનનું… એમાંથી જ પ્રગતિની પગદંડી મળી. પિતા વગર સાત વર્ષના બાળક પર કેવી માઠી અસર થઇ થાય એ કહેવું મુશ્કેલ છે. પણ માતાએ એને સંભાળી લીધી. કમલા નામની બાળકી અભ્યાસમાં કેન્દ્રિત થઇ. બધી નિરાશાઓને ખંખેરી, આવનારી ઉજળી આવતીકાલ માટે કમર કસવા લાગી હતી. ક્યારેક એની મા નિરાશા થતી હતી ત્યારે કમલા આશ્વાસન આપતી હતી. એકલા હાથે ઝંઝાવાતો ખાળતા ખાળતા કમલામાં નાની ઉંમરે મેચ્યોરીટી આવી ગઈ. વસંત પહેલા વૃક્ષણે બધા પાન ત્યજવા પડે છે. જીવનનું પણ કદાચ એવું હશે…!વિલિયમ પેન કહે છે કે ‘જે દેશમાં માણસો સારા હોય તે દેશની સરકાર ખરાબ ન હોય શકે’. મહાસત્તા અમેરિકાની પ્રજા એની શિષ્ટ, સૌહાર્દ અને સંનિષ્ઠા માટે જાણીતી છે. જે દેશમાં નાગરિક હોવું પણ ગૌરવ ભર્યું હોય ત્યારે ત્યાં ઉચ્ચ હોદા પર હોવું એ તો એથી પણ વિશેષ ગૌરવભર્યું.
જૉ બાયડેન અને કમલા હેરિસને ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા છે. તેમને આ ખિતાબ અમેરિકાની ચૂંટણીમાં અકલ્પનીય રીતે વિજય મેળવવા બદલ આપવામાં આવ્યો છે. ભારતીય મૂળના કમલા હેરિસે ઈતિહાસ રચી નાખ્યો છે. અમેરિકામાં તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા ભારતીય મૂળના પ્રથમ, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ મહિલા છે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે. પહેલીવાર ભારતીય મૂળના કોઈ મહિલા અમેરિકામાં આટલું મોટું પદ સંભાળ્યું. ઓબામાના કાર્યકાળમાં ‘ફીમેલ ઓબામા’ના હુલામણા નામથી મશહૂર અને લોકપ્રિય હેરિસ સેનેટના સભ્ય પણ પહેલીવાર જ બન્યા હતા. ભારત અને ભારતીય મૂળનાં લોકો માટે આ ઘણી ખુશીની વાત છે. આ ચેન્નાઈ એક્સપ્રેસ આવવાને કારણે હવે ભારત અમેરિકા વચ્ચે સંબંધો વધુ મજબૂત થશે.
જૉ બાઈડનની શપથવિધિનો દિવસ એ કેટલાયે અમેરિકનો માટે અનહદ ખુશીનો દિવસ બની રહ્યો. બાઇડનને રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચાડવા માટે લોકોએ દિલ ખોલીને મત આપ્યા હતા. જો કે અમુક લોકો માટે એ દુ:સ્વપ્ન સમાન હતું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને પરાણે વ્હાઇટ હાઉસ છોડવું પડ્યું. ખુરશીનું ખેચાણ જ એવું છે જે ભલભલાને એનું વ્યસન થઇ જાય છે. સૂર્યભાનુ ગુપ્ત કહે છે કે ‘જો લોગ જૂતોં કે સાથ પેડોં પર નહીં ચઢ પાતેં હૈ, વે કુર્શિયા બનવાતે હૈ’ રાજકારણ અને કારણનું રાજ બધે સરખું. આ વખતે અનુભવાયું કે કાગડા અમેરિકામાં પણ બ્લેક હોય છે.
વીસ લાખથી વધારે ભારતીય અમેરિકનોએ વોટિંગ કર્યું. પરિણામ આવ્યા બાદ સમજાયું કે એ બાઈડન તરફી રહ્યું. કમલા હેરિસ બાઈડનને માટે હુકમની રાણી સાબિત થઈ. બાઈડને ચૂંટણીના ઘોષણાપત્રમાં પણ ભારતીયોને અલગ મહત્વ આપ્યું. જેની રૂપરેખા કમલાએ તૈયાર કરી હતી. ૨૦૨૦ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરતા બાઈડને જણાવેલું કે જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ફરીથી ચૂંટણી જીતશે તો તે દેશની આત્માને દાવ પર લગાવવા બરાબર ગણાશે. જૉ બાઈડેને બરાક ઓબામાના ઉપરાષ્ટ્રપતિ તરીકે આઠ વર્ષ કામ કર્યું હતું. અમેરિકી સેનેટમાં પણ ત્રણ દાયકા કામ કરેલું છે. વળી તેઓ ડેમોક્રેટ્સ વચ્ચે પ્રિય પણ રહ્યા.
સાલ્વાડોર સાલી કહે છે કે ‘Intelligence without ambition is a bird without wings.’ હેરિસ ખૂબ મહત્ત્વાકાંક્ષી છે, એમની પાસે પારાવાર પ્રતિભા પણ છે. કમલાને જલ્દી સમજાય ગયું હતું કે વટવૃક્ષ બનવું હશે તો કૂંડામાંથી નીકળી જમીન સાથે જોડાવું પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિપદ સુધી પહોંચી શકે એવી સંભાવનાઓ એમનામાં છે. કમલા હેરિસના માતા શ્યામલા ગોપાલન મૂળ ભારતનાં ચેન્નાઈનાં રહેવાસી છે અને તેમના પિતા ડૉનલ્ડ હેરિસ મૂળ જમૈકાના છે. કૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં તા. ૨૦-૧૦-૧૯૬૪ ના રોજ જન્મેલા કમલામાં બાલ્ય અવસ્થાથી જ નેતૃત્વના લક્ષણ હતા. પિતા ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈકનોમિક્સના પ્રોફેસર હતા. માતા શ્યામલા ગોપાલન સ્તન કેન્સર વૈજ્ઞાનિક હોવાથી ખૂબ વ્યસ્ત રહેતા હોવા છતાં કમલાને પૂરતો સમય આપતા હતા. કમલા અને તેમની નાની બહેન માયા માતા સાથે રહ્યા. કમલા ભારતીય વારસા સાથે મોટા થયા. કમલા અને માયાના ઉછેર દરમિયાન માતાએ બંનેને પોતાના સાંસ્કૃતિક વારસા પર ગર્વ કરવાનું શીખવાડ્યું. કમલાની બહેન માયા હેરિસ કહે છે કે ‘અમારી માતા કોણ હતી એ જાણ્યા વિના તમે કમલા કોણ છે એ જાણી ન શકો.’ આ ગૌરવાન્વિત પળોમાં તેની માતાની ખોટ તેને ખૂબ સાલી. એ સમય અશ્વેત લોકો માટે ધારીએ એટલો સહજ ન હતો. ત્યારે પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા.
બાઈડેન-હેરિસની પ્રચાર વેબસાઈટમાં કમલાએ પોતાની આત્મકથા ‘ધ ટ્રુથ્સ વી હોલ્ડ’માં લખ્યું છે કે તેમની માતાને ખબર હતી કે તેઓ બે અશ્વેત પુત્રીઓનું પાલન-પોષણ કરી રહ્યા છે અને તેમને હંમેશા અશ્વેત તરીકે જ જોવામાં આવશે, પરંતુ તેમણે પોતાની પુત્રીઓને એવા સંસ્કાર આપ્યા કે કેન્સર રિસર્ચર અને માનવાધિકાર કાર્યકર શ્યામલા અને તેની બંને પુત્રીઓ ‘શ્યામલા એન્ડ ધ ગર્લ્સ’ તરીકે ઓળખવા લાગ્યા. હેરિસનો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા સુધીની સફર ખૂબજ રસપ્રદ અને રોમાંચક રહી.
વર્ષ ૨૦૦૮માં જ્યારે એક કાળી વ્યક્તિ બરાક હુસેન ઓબામા રાષ્ટ્રપતિ ચૂંટાયા. એ પહેલા અમેરિકામાં રંગભેદની નીતિ-રીતિ રહી છે. આવા માહોલમાં કમલા હેરિસનો ઐતિહાસિક વિજય શાતા આપનાર છે. કમલાએ ૨૦૧૪માં પોતાના સાથી વકીલ ડગલાસ એમ્પહોફ સાથે લગ્ન કર્યા. આફ્રિકી, અમેરિકી અને યહૂદી પરંપરા જોડે પણ જોડાઈ ગયા. આ ત્રણેય પરંપરા સાથે ભારતીય સંસ્કૃતિ ધબકતી રહી. આજે જેટલા ગાઢ મિત્ર છે એમ એક સમયે પોતાના પૂર્વ હરીફ બાઈડેનના તેઓ કટ્ટર આલોચક હતા. તેમણે હોમલેન્ડ સિક્યોરિટી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સ કમિટી, ઈન્ટેલિજન્સ પર સિલેક્ટ કમિટી, જ્યૂડિશિયરની કમિટી અને બજેટ કમિટીમાં કામ કર્યું. કમલા સૌપ્રથમવાર ૨૦૦૩માં તેઓએ સિટી અને સાન ફ્રાંસિસ્કોથી કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટોની તરીકે ચૂંટાયા હતા. એ વાતને યાદ કરતા કહે છે કે ‘એ ખુશી અવર્ણનીય હતી’. ત્યારબાદ ૨૦૧૦માં કેલિફોર્નિયાના એટર્ની જનરલ બન્યા. વર્ષ ૨૦૧૭માં કેલિફોર્નિયાથી સંયુક્ત રાજ્ય સેનેટર તરીકેના શપથ લીધા હતા. આમ કરનાર તેઓ બીજા અશ્વેત મહિલા હતા.
આજે પણ કમલાના પરિવારના લોકો ભારતમાં વસે છે. દિલ્હીમાં તેના કાકા બાલાચંદ્રને મીડિયાની વાતને સમર્થન આપી કહ્યું હતું કે કમલા હેરિસની જીત અપેક્ષા મુજબની છે.’ અહેવાલો મુજબ, ભારતમાં કમલા હેરિસનો પરિવાર શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા યુ.એસ. પણ ગયો હતો. જોકે કમલા વર્ષોથી વિદેશમાં રહ્યા છે, પરંતુ ભારત અને ભારતીય પ્રત્યેનો તેનો પ્રેમ હજી જીવંત છે. તાજેતરમાં કમલાએ ઈડલી-સાંભાર અને ટીક્કાને તેની પસંદીદા ભારતીય વાનગી તરીકે ગણાવ્યા હતા. કમલા ભારતની મુલાકાત લેતાં ત્યારે ભાવવિભોર થઇ જતા હતા. ભારતીય સંસ્કૃતિના ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા:’ને સમર્થન આપતા હોય તેમ કમલા હેરિસ કહે છે કે ‘If We Don’t Lift Women, Everyone Will Fall Short’ તેઓ ઈચ્છે છે કે દરેક મહિલા એવું જાણે કે તે શક્તિશાળી છે અને એના અવાજનું આગવું મહત્વ છે. અમેરિકા નિવાસ કરતા ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવયિત્રી પન્ના નાયકના એક ગદ્યકાવ્યથી લેખનું સમાપન કરું…
મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.
મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.
ઇતિ
મારાં પુસ્તકો તો દર્પણ જેવાં છે, કોઈ ગધેડો એમાં ડોકિયું કરે તો એને દેવદૂતનાં દર્શન થોડા થવાના છે !
-આર્થર શોપેનહોર
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
લેટરલ એન્ટ્રીથી નોકરશાહીમાં પાર્શ્વપ્રવેશનું સમર્થન અને વિરોધ
નિસબત
ચંદુ મહેરિયા
ભારત સરકારના ચોવીસ મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવની પિસ્તાળીસ ખાલી જગ્યાઓ લેટરલ એન્ટ્રીથી ભરવા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ૬૦ પાનાંની જાહેરાત ક્રમાંક ૫૪/૨૦૨૪, તા.૧૭મી ઓગસ્ટના રોજ પ્રગટ થઈ હતી. લેટરલ એન્ટ્રી એટલે સરકારી સેવામાં મોટા હોદ્દાઓ પર કોઈપણ પ્રકારની પરીક્ષા વિના બહારના નિષ્ણાતો કે વિશેષજ્ઞોની સીધી ભરતી. આ પ્રકારની ભરતીમાં અનામત નીતિ લાગુ પડતી નથી. છેક નહેરુના જમાનાથી આ પ્રકારે નિમણૂકો થતી આવી છે. પરંતુ વર્તમાન સરકારે તેને સંસ્થાગત રૂપ આપ્યું છે. અગાઉની સરકારોમાં રાજકીય રીતે થતી એકલદોકલ નિમણૂકો હવે મોટાપાયે અને યુપીએસસી દ્વારા થાય છે. એટલે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જ નહીં સરકારના સહયોગી પક્ષોએ પણ અનામતના મુદ્દે તેનો વિરોધ કરતાં સરકારે પારોઠનું પગલું ભરી આ ભરતી પ્રક્રિયાની જાહેરખબર રદ કરાવી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી કેન્દ્ર સરકારના પ્રવક્તા મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર વાર્તામાં કહ્યા પ્રમાણે ‘ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાજિક ન્યાય પ્રતિ પ્રતિબધ્ધ છે’, તેથી સરકારે યુપીએસસીને આ વિજ્ઞાપન રદ કરવા જણાવ્યું છે. સરકારના કોઈ સચિવે નહીં પણ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પર્સોનલ, પબ્લિક ગ્રિવેંન્સિસ એન્ડ પેન્શન્સે સંઘ લોક સેવા આયોગને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે “ સમાજના નબળા વર્ગોને સરકારી સેવાઓમાં તેમનું સાચું પ્રતિનિધિત્વ મળી શકે તે માટે” વિજ્ઞાપન રદ કરો. સરકારે આમ કરીને લેટરલ એન્ટ્રી અનામતને ખતમ કરશે કે તે અનામત છીનવી લેવાનો પ્રયાસ છે તેનો જવાબ આપ્યો છે.
છેક ૧૯૫૪માં ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડમાંથી આઈ જી પટેલને નાયબ આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારથી લેટરલ એન્ટ્રી અસ્તિત્વમાં છે. વિરપ્પા મોઈલીના અધ્યક્ષપદ હેઠળના બીજા વહીવટી સુધારણા પંચે સિવિલ સેવાઓના વહીવટમાં સુધારાની જરૂર જોઈ, બહારથી નિષ્ણાતોની સીધી ભરતી કરવા ભલામણ કરી હતી.છઠ્ઠા પગાર પંચે હાલની વહીવટી પ્રણાલીમાં સુધારા માટે ઉંચા કે વરિષ્ઠ પદો પર લેટરલ એન્ટ્રીથી ભરતી સિવાય અધિક પરિણામોન્મુખી વલણ અપનાવવા સૂચવ્યું હતું. નીતિ આયોગ સાથે સંકળાયેલા સચિવોના સમૂહે લોકશક્તિની ઉપલબ્ધતામાં વૃધ્ધિ અને નવી પ્રતિભાના ઉપયોગ માટે મધ્યમ અને વરિષ્ઠ સ્તર પર લોકોને સામેલ કરવા જણાવ્યું હતું. વર્તમાન સરકારે ૨૦૧૭માં લેટરલ એન્ટ્રી અંગે વિચારણા કરી ૨૦૧૮થી તેનો અમલ કર્યો છે. તાજેતરની ૪૫ જગ્યાઓની જાહેરાત પૂર્વે ત્રણ વખત હાલની સરકારના કાર્યકાળમાં લેટરલ એન્ટ્રીથી નિમણૂકો થઈ છે. સંસદના વર્ષાસત્રમાં આપેલ માહિતી મુજબ છેલ્લા પાંચ વરસોમાં ૬૩ નિષ્ણાતોની ઉચ્ચ પદો પર લેટરલ એન્ટ્રીથી નિયુક્તિઓ થઈ છે. ભારત ઉપરાંત અમેરિકા, યૂ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બેલ્જિયમમાં આ પ્રકારે ભરતી થાય છે. અમેરિકામાં તો વળી કાયમી સિવિલ સર્વન્ટ અને મિડ કેરિયર પ્રોફેશનલ્સનું ચલણ છે.
લેટરલ એન્ટ્રીના સમર્થકો તેના અત્યાર સુધીના સારા અનુભવોની દુહાઈ દઈ ઉમદા ઉદ્દેશો જણાવે છે. દેશની વહીવટી પ્રણાલીને વધુ અસરકારક બનાવવા તે જરૂરી છે. નવા અને બહેતર વિચારોનો લાભ મેળવવાનો પણ તેનો હેતુ છે. વિશેષ જ્ઞાન અને કૌશલ ધરાવતા લોકોને વહીવટમાં સામેલ કરવાથી વહીવટ સુધરે છે. વહીવટની બહારના લોકોના જ્ઞાન અને અનુભવનો લાભ મળે છે. સમર્થકોની એક દલીલ એ પણ છે કે અર્થવ્યવસ્થાનો આકાર અને જટિલતામાં વૃધ્ધિ સાથે અસરકારક નીતિગત હસ્તક્ષેપ માટે વિભિન્ન ક્ષેત્રોની જાણકારી આવશ્યક છે. વર્તમાન આઈ એ એસ કદાચ તે માટે સજ્જ નથી. તેથી વિશેષ પ્રતિભાની આવશ્યકતા છે. બદલાયેલી પરિસ્થિતિ અને જરૂરિયાતોમાં તકનિકી નિષ્ણાતોની જરૂર ઉભી થઈ છે. નવા અને તાજા વિચારો વહીવટને વધુ જીવંત અને ઉપયોગી બનાવશે. ઉધ્યોગ નિષ્ણાતો અને બિનસરકારી સંસ્થાઓને લેટરલ એન્ટ્રીથી વહીવટી પ્રક્રિયામાં સીધા સામેલ થવાની તક મળે છે.
અનામત નીતિને લેટરલ એન્ટ્રીથી વિશેષ અસર થાય છે. તેથી તેનો વ્યાપક વિરોધ થયો છે. અનામત વર્ગના અધિકારીઓની આ જગ્યાઓ પર પ્રમોશનની તક ઘટે છે. તો નવી નિમણૂકમાં આટલી જગ્યાઓ ઓછી થાય છે. ૧૫મી ડિસેમ્બર ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલ માહિતી પ્રમાણે ભારત સરકારમાં જોઈન્ટ સેક્રેટરી અને સમકક્ષ જે ૩૨૨ જગ્યાઓ ભરાયેલી છે તેમાં સામાન્ય વર્ગના ૨૫૪, ઓબીસી ૩૯, એસ સી ૧૬ અને એસ ટી ૧૩ અધિકારી છે. અર્થાત આ જગ્યાઓમાં અનામત વર્ગનું હાલનું પ્રતિનિધિત્વ પણ ઓછું છે. જો જગ્યાઓ ઘટશે તો તેથી પણ ઓછું થશે. યુપીએસસીની પરીક્ષામાં આ જગ્યાઓ માટે અનુસૂચિત જાતિ/જનજાતિની વય મર્યાદા ૩૭ વરસ છે અને તકની કોઈ મર્યાદા નથી. જ્યારે ઓબીસી વર્ગના ઉમેદવારો માટે નવ તક અને ૩૫ વરસની વય મર્યાદા ઠરાવેલ છે. પરંતુ લેટરલ એન્ટ્રીથી આ જગ્યાઓની ભરતીની જાહેરખબરમાં આવશ્યક ઉંમર ૪૦ થી ૫૫ વરસ છે. જે તમામ અનામત વર્ગના ઉમેદવારો કરતાં વધુ છે. તેથી અનામતના મુદ્દે લેટરલ એન્ટ્રીનો વિરોધ વાજબી છે.
પ્લાનિંગ કમિશનના પૂર્વ સદસ્ય અરૂણ માયરા લેટરલ એન્ટ્રીમાં બજારના પરિબળના યોગદાનની ચર્ચા કરે છે. તેમના મત મુજબ , “ એકવીસમી સદીના વહીવટી તંત્ર સામે બજાર, સમાજ અને સરકારના સ્તરે પડકાર છે. બજાર સમર્થક આર્થિક સુધારાની અમેરિકી વિચારધારાના બીજ ભારતની રાજનીતિમાં વાવવા અર્થશાસ્ત્રીઓને લેટરલ એન્ટ્રીથી દેશના નાણા અને આર્થિક સંસ્થાનોમાં ઉચ્ચ પદે બેસાડવામાં આવ્યા હતા. હાલની સરકારે મુખ્ય આર્થિક સલાહકાર, નીતિ આયોગના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર અને નાણા પંચના ઉપાધ્યક્ષની નિમણૂક લેટરલ એન્ટ્રીથી કરી છે. બહારથી આવી સીધી ભરતીથી આ ઉચ્ચ પદો પર વિરાજમાન મહાનુભાવો દેશની આર્થિક નીતિઓ ઘડે છે, આર્થિક નીતિની દિશા નક્કી કરે છે.”
“ હાલની વહીવટી પ્રણાલીમાં સમસ્યા શું છે જે લેટરલ એન્ટ્રીથી ઉકેલાઈ જશે?” તેવા સવાલ સાથે યુ.પી.ના નિવૃત મુખ્ય સચિવ આલોક રંજન સ્પષ્ટ કરે છે કે “ પ્રશ્ન જ્ઞાન કે અનુભવના અભાવનો નથી. સમસ્યા નોકરશાહી સંરચના અને સરકારી કાર્યપ્રણાલીનો છે. જે સર્વશ્રેષ્ઠ સિવિલ સેવક નોકરીના આરંભે ગતિશીલ અને ઉત્સાહી હોય છે તે સમય જતાં સીએજી, સીવીસી, સીબીઆઈ અને કોર્ટના ડરે નરમ પડી જાય છે. અને કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પોતાની નોકરીની સલામતી વિચારે છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલા અધિકારીઓ આ સ્થિતિથી બચીને નિર્ણયો કઈ રીતે લેશે?” અરૂણ માયરા પણ કહે છે કે, “આજે સામાજિક, આર્થિક, પર્યાવરણીય સમસ્યાઓ જટિલ બની છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલ કોઈ પર્યાવરણવિદ પર્યાવરણની સમસ્યા ઉકેલી નાંખે પણ શાયદ સામાજિક-આર્થિક નુકસાન પહોંચાડે. તેનો હલ શું હશે? “
એટલે વહીવટને અનુભવ, જ્ઞાન અને નિષ્ણાતપણાની ચોક્કસ જ જરૂર છે . પરંતુ તે લેટરલ એન્ટ્રીથી ઉકેલાશે તેમ માનવાની જરૂર નથી. હાલના વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી. વર્તમાન આઈએએસ આઈપીએસ અધિકારીઓને જરૂરી તાલીમ આપીને પણ આ ખોટ પૂરી શકાય છે. લેટરલ એન્ટ્રીથી જ ભરવાપાત્ર જગ્યાઓ અનામતના અમલ સાથે, શૈક્ષણિક લાયકાત અને અન્ય આવશ્યકતાઓ જણાવી, વગર પરીક્ષાએ સીધી ભરતીથી ભરવાને બદલે, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યુપીએસસી દ્વારા લેખિત પરીક્ષાથી ભરી શકાય છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
એક લેખકનો મોક્ષ
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
જ્યારે બાળપોથીમાં ભણતો ત્યારે ચોપડી જોઈને સવાલ થતો કે આ ચોપડીઓ કઈ રીતે બનતી હશે? પછી જેમ જેમ આગળ ભણતા ગયા તેમ ખ્યાલ આવતો ગયો કે જે લખાણ છાપવું હોય તે છાપવાના મશીનો હોય છે. એ મશીનો વડે કોરા કાગળ ઉપર અક્ષરો છાપીને ચોપડીઓ તૈયાર થાય છે. હવે આ લખાણ કેવી રીતે બનતું હશે તે સમજાતું નહિ. આગળનાં ધોરણોમાં ચોપડીમાંના પાઠ નીચે કોઇ નામ છપાયેલું જોવા મળ્યું. પછી જાણવા મળ્યું કે કોઇ કાગળ પર મૂળ લખાણ હાથથી લખનારને ‘લેખક’ કહેવાય છે અને તે લખાણને બીજા કોઇ કોરા કાગળ પર છાપીને ચોપડી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ‘આ લેખક કેવા હશે અને ક્યાં રહેતા હશે?’ એવા પરમેશ્વરને માટે થાય છે તેવા સવાલો તો થતા જ રહ્યા. પછી સમજાઈ ગયું કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગાંધીજી માટે કહ્યું હતું તેમ લેખકો પણ હાડચામના બનેલા માણસો જ હોય છે.
ભલે હાડચામના હોય પણ લેખકો કોઈ વિશિષ્ટ વર્ગના હોય એમ લાગતું. ઉપરાંત તેમના પ્રત્યે લોકોને અહોભાવ પણ જોવા મળતો. જો કે મારા પ્રત્યે પણ કોઈને અહોભાવ થાય એવા મનોરથો તો વર્ષોથી થતા રહ્યાં હતા. પરંતુ એ મનોરથ સિદ્ધ કરવાના રસ્તા સૂઝતા નહિ. દેખાવને કારણે નાટક કે સીનેમાના અભિનેતા થવાનું સ્વપ્ન સાકાર થવાની કોઇ શક્યતા હતી જ નહિ. એ જ રીતે શારીરિક સંપદા રમતવીર બનવામાં આડી આવતી હતી. નેતા બનવામાં હિંમતનો અભાવ નડતો. સાધુસંત બનવાનું મારી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હતું. સમાજમાં ધનાઢ્યોની પ્રતિષ્ઠા હોય છે, પરંતુ નોકરીમાં મળતા પગાર સિવાય ધન કેમ કમાવું તેની આવડતનો અભાવ હતો. શેરબજારમાં પ્રવેશતાની સાથે જ કવિ દલપતરામ ડાહ્યાભાઇની જેમ ખ્યાલ આવી ગયો કે આ આપણી લેન નહિ.
એવામાં સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો. કાલાઘેલા લખાણો લખ્યા. આ લખણો વાંચીને .”તમે તો મોટા લેખક બની શકો તેમ છો” એમ કહીને કેટલાક મિત્રોએ કરેલી મજાકને સમજી નહિ શકતા મેં ગંભીરતાથી લીધી. મને હવે મોટા લેખક તરીકે પ્રખ્યાત થવાના અભરખા થવા લાગ્યા. બસ, ત્યારથી મારી મુશ્કેલીઓની શરૂઆત થઈ ગઈ.
જ્યોતિન્દ્ર દવેના જમાનામાં નવલકથા કે નવલિકાના લેખકોની સંખ્યા બહોળી અને તેના પ્રમાણમાં હાસ્યલેખકો ઘણા જ ઓછા હતા એ પરિસ્થિતિમાં આજે પણ વધુ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી. આથી જ્યાં ભીડ ઓછી છે તે જગ્યાએ વાચકોની નજરે ચડી શકાય તે માટે મેં હાસ્યલેખો લખવાના પ્રયાસો કર્યા. પરંતુ ’ચકલીનું ચિત્ર દોર્યા પછી તેની નીચે ‘ચકલી’ એમ ન લખું તો મારા ચિત્રમાં કોઇને ચકલી દેખાતી નહિ, તેવું જ કાંઈ મારા હાસ્યલેખો બાબતે બનવા લાગ્યું. મારા દરેક -મને લાગતા-હાસ્યલેખના મથાળે ‘આ હાસ્યલેખ છે’ એમ મારે વાચકોના લાભાર્થે લખવું પડતું.
તેમ છતાં કેટલાક મિત્રોએ મને લેખક જાહેર કરી દીધો અને આપણી તો ચકલી ફૂલેકે ચડી ગઈ. કેટલાક મિત્રોનું કહેવું હતું કે હવે તમારા લેખોનું પુસ્તક છપાય તે સમય પાકી ગયો છે. મને પણ ક્યાંકથી એવો ખ્યાલ પેસી ગયો કે જો આપણાં નામે પુસ્તક છપાય તો જ ખરા લેખક થયા કહેવાઈએ. આથી તે દિશામાં પ્રયાસ કરવા જાણકારોની સલાહ લેવાનું શરુ કર્યું.
મિત્રોએ જ્ઞાન આપ્યું કે કેટલાક ધંધાદારીઓ પુસ્તક છપાવીને પ્રગટ કરતા હોય છે અને તે લોકો પ્રકાશકો તરીકે ઓળખાય છે. વળી આ પ્રકાશકો પુસ્તક છાપીને વેચતા હોય છે અને તેમના નફામાંથી લેખકને પણ પત્રંમપુષ્પં આપતા હોય છે. ધન અને કીર્તિ એમ બેવડો(બેવડો એટલે ડબલ,મુંબઇ, મહારાષ્ટ્રમાં એ નામે ઓળખાતું પીણું નહિ!) લાભ મેળવવા હું એક પ્રકાશકની દુકાને ચડ્યો. ત્યાં બેઠેલા ભાઈએ મને પૂછ્યું,” કયું પુસ્તક જોઇએ છે?”
“મારે કોઇ પુસ્તક જોઈતું નથી. હું પોતે જ લેખક છું અને મારે મારું પોતાનું જ પુસ્તક છપાવવું છે”
“તો એ માટે તમારે ભાઈને મળવું પડે”
“આપના ભાઈ ક્યારે આવશે?”
“,મારા પોતાના સગા ભાઈની વાત નથી કરતો. મોટા શેઠને અમે ભાઈ કહીએ છીએ”
“ તો એ ક્યારે આવશે?”
“સાંભળો ભાઈ, આ દુકાન તો અમારા પ્રકાશનનું વેચાણકેન્દ્ર છે. શેઠ તો ઓફિસે બેસે છે.”
પછી હું શેઠની ઓફિસનું સરનામું લઈને તેમને મળવા પહોંચ્યો. ત્યાં એક કેબીનની બહાર ઝબ્ભાલેંઘો પરિધાન કરેલા બગલથેલો લઈને(ખભા પર લટાકાવાતો હોવા છતાં થેલાને બગલથેલો કેમ કહેવામાં આવે છે તે મને સમજાતું નથી!) એક ભાઈ બેઠા હતા. મેં તેમને નમસ્કાર કરીને પૂછ્યું,
“આપ જ શ્રી…….. છો?”
“ના, હું તેમને જ મળવા બેઠો છું.?
થોડી વાર પછી શેઠ આવ્યા, કેબીનમાં તેમનું સ્થાન ગ્રહણ કર્યું અને પેલા ઝભ્ભાલેંઘાધારી તેમને મળવા કેબીનમાં પ્રવેશ્યા. હું પણ તેમને અનુસર્યો.
શેઠે પેલા ભાઈને પૂછ્યું,
“શેનો ફાળો ઉઘરાવવા આવ્યા છો?”
“અરે સાહેબ આપ ભૂલી ગયા? મેં મારી કવિતાનું પુસ્તક છાપવા આપ્યું હતું ”
“જુઓ મિત્ર,અહીં દરરોજ બેચાર કવિઓ પોતાની કવિતાનું પુસ્તક છપાવવા તેમજ એટલા જ ફંડફાળાવાળા આવે છે. વળી બધાના પહેરવેશ અને મુખભાવો એક સરખા જ હોય છે. આપ આપનું નામઠામ અને આપે મેટર ક્યારે આપી હતી તે વિગતો કાગળ પર લખી આપો”
“પણ સાહેબ, મેં તો છ મહિના પહેલા મેટર આપી દીધી છે. આપે વાંચી પણ લીધી હશે”
“સાચી વાત કહું તો હું પોતે મેટર વાંચતો નથી. તેને વાંચવા માટે મેં માણસો રાખ્યા છે. આપ ચોક્કસ તારીખ કહો તો હું જણાવી શકું કે આપની કવિતાઓ મેં મારા કયા માણસને વાંચવા આપી છે”
પછી પેલા ભાઈએ તેમને કાગળ પર માગ્યા પ્રમાણે લખી આપ્યું અને શેઠે તેમને અઠવાડિયા પછી તપાસ કરવાનું કહ્યું.
પેલા કવિના અનુભવને કારણે મારી વાત કરવાની હિંમત ન ચાલી. પરંતુ શેઠે મને પૂછતા મેં મારી ‘હાસ્ય લેખક’ તરીકે ઓળખાણ આપી. તેઓ ખાસ્સી વાર સુધી મારી સામે જોઇ રહ્યા. તેમના ચહેરાના ભાવ પરથી મને લાગ્યું કે તેમને મારી મુખમુદ્રા અને હાસ્ય સાથે કોઇ સબંધ દેખાતો નથી. છતાં મેં હિંમત કરીને મારી મેટર તેમને આપી દીધી જેના પર દૃષ્ટિપાત કર્યા વિના તેમણે ટેબલના ખાનામાં મૂકી દીધી. હવે મને લાગ્યું કે અહીં મારું કામ થવાનું નથી, છતાં મેં તેમને પૂછી લીધું કે પુસ્તક ક્યારે છપાશે? જવાબમાં તેમણે તેમનો ફોન નંબર આપ્યો અને ફોન કરીને તપાસ કરવા કહ્યું અને પછી ઉમેર્યું કે વારેવારે ફોન કરતા નહિ.
મારો આ અનુભવ મેં મારા એક મિત્રને જણાવ્યો તો તેમણે મને પ્રકાશનની દુનિયા વિશે માહિતગાર કરતા કહ્યું કે નવા લેખકનું પુસ્તક એમ કોઈ છાપે નહિ. વળી કોઇ વિરલ એવો વીરલો મળી જાય તો પહેલા તમારે તમારા જ પુસ્તકની બસો નકલ ખરીદવાની ખાતરી આપવી પડશે અને તે પેટે કેટલીક રકમ એડવાન્સ પણ આપવી પડશે. છતાં એક કામ કરીએ. મારા એક પરિચિત મોટા હાસ્યલેખક છે તેમની પાસે જઈએ અને પુસ્તકની પ્રસ્તાવના લખાવીએ. તેથી કદાચ તમારું પુસ્તક છપાય.
મિત્ર મને દિલથી મદદ કરવા માગતા હતા. તેથી મને ‘મતિલાલ થેલીગાગર’ નામના હાસ્ય લેખક પાસે દોરી ગયા અને તેમની સમક્ષ મારા લેખોની ખૂબ પ્રસંશા કરી.
જવાબમાં પેલા લેખકે કહ્યું, “આપ કહો છો તો માની લઉ છું કે તેમના લેખો છાપવા લાયક હશે. આમ તો પ્રસ્તાવના વાંચવા માટે મારે પુસ્તક વાંચવાની જરૂર હોતી નથી, પરંતુ ભાઇ લેખક તરીકે નવા છે, માટે મારે તેમના પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે તેમના એકાદ બે લેખો વાંચવા પડશે.” આ જવાબથી મને પ્રકાશન ઉપરાંત પ્રસ્તાવનાની દુનિયા બાબતે પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું. મેં મારા લેખોની જે વધારે એક નકલ મારી પાસે હતી તે સુપરત કરી અને પ્રસ્તાવના ક્યારે લખાશે તે અંગે પૂછતા તેમણે “જેમ બને તેમ જલ્દી” એવો જવાબ જલ્દીથી આપી દીધો.
આ ‘જેમ બને તેમ જલ્દી’ને છ માસ વીતી ગયા અને અનેક વખત યાદ કરવવા છતાં પ્રસ્તાવના લખાઈ નહિ. પરંતુ મિત્રે પ્રયાસો છોડ્યા નહિ. તે મને અનેક નાનામોટા લેખકો, પ્રકાશકો, મિત્રના ઓળખીતા એવા પ્રકાશકોના સાળાઓ, વેવાઈઓ વગેરે પાસે લઈ ગયા. પરંતુ મારું પુસ્તક છપાય એવી કોઇ આશા જાગી નહિ. હવે મને પોતને મારી ઓળખ ‘લેખક” તરીકેથી ખસીને દક્ષિણાર્થે ઠેર ઠેર ભટકતા લોભી બ્રાહમણ તરફ ઢળતી વધારે લાગી અને એ સાથે જ ભર્તુહરિનો એક શ્લોક યાદ આવી ગયો
फलं स्वेच्छालभ्यं प्रतिवनमखेदं क्षितिरुहाम्।
पय स्थाने स्थाने शिशिरमधुरं पुण्यसरिताम्।
मृदुस्पर्शा शय्या सुललितलतापल्लवमयी।
सहन्ते सन्तापं तदपि धनिनां द्वारि कृपणा:॥(ખાવાપીવાની તથા પહેરવાઓઢવાની બધી જ જરૂરિયાત પૂરી થતી હોવા છતાં લોભિયાઓ ધનવાનોનાં દ્વારે અપમાનો સહન કરતા હોય છે.)
હવે મને કીર્તિના લોભમાં ઉપેક્ષિત થનારા કરતા પોતાના ભજનો લખેલા કાગળનું ભૂંગળું વાળીને નદીમાં વહેવડાવતા ધીરાભગતની મહાનતા સમજાઇ ગઈ. આ ઉપરાંત એક એક મિત્રે લખેલી કાવ્યપંક્તિઓ પણ સોંસરવી ઉતરી ગઈ. આ રહી તે મોક્ષદા પંક્તિઓ.
“સાહિત્યના છબછબિયા છોડો મનેખ તમે મુક્તિના મુલકમાં મ્હાલો.
કવિતાની તૂકમાં જન્મારો જાશે ને તૂતકને મળશે નહિ આરો
લેખક થાવાના ભૂત તમને વળગ્યા ને આતમથી થઈ ગયા અળગા
અવરનું કીધું કથીને, વાંચ્યુ લખીને, નિજની ઓળખ થાય કેમ કરીને ?
સંધ્યાની આરતીની ઝાલર વાગે, આતમને કહી દો હવે જાગે”આતમ તો જાગતા જાગશે પરંતુ એક લેખકનો મોક્ષ થઈ ગયો (ભલે ને પછી તે ‘દ્રાક્ષ ખાટી છે’ પ્રેરિત હોય)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સન બયાલીસ અને કિનારીવાલાની શહાદત
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
આ ઝાદીનાં આ અમૃત વર્ષો કેવી ને કેટલી સ્વરાજલડતનાં શતાબ્દી સંભારણાં લઈને આવે છે! સન બયાલીસમાં જે દૂધમલ જવાનોએ શહાદત વહોરી એમના પૈકીયે એવા કેટકેટલા હશે જેમના શતાબ્દી પર્વ તરતમાં આવવામાં કે જવામાં હોય, ન જાને. નમૂના દાખલ, જેમ કે હમણે ઓગસ્ટમાં કાકોરી રેલ લૂંટ કેસનું સોમું વરસ શરૂ થયું. ચંદ્રશેખર આઝાદ એના આયોજનમાં સંકળાયેલા હતા જોકે પકડાયા નહોતા. જે પકડાયા ને સજા પામ્યા એમાં રામપ્રસાદ બિસ્મિલ ને બીજાઓ હતા. કાકોરી કેસ વિશે આ દિવસોમાં ઠીક ઠીક લખાયું-છપાયું છે એટલે એની ચર્ચામાં સ્વાભાવિક જ જતો નથી. એક અણચિંતવ્યો જોગાનુજોગ અલબત્ત સંભારી લઉં. રેલ લૂંટની એ ક્રાંતિઘટના ૧૯૨૫ની ૯મી ઓગસ્ટે ઘટી હતી- બિલકુલ એ જ તારીખે જે અઢાર વરસ પછી એટલે કે ૧૯૪૨માં ક્વિટ ઈન્ડિયા દિવસનું ઈતિહાસ સમ્માન મેળવવાની હતી.
ગુજરાતે હજુ હમણાં જ વિનોદ કિનારીવાલાની શહાદતને સંભારી હતી: ૯મી ઓગસ્ટે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન પર ‘અંગ્રેજો હિંદ છોડો’નો પ્રસ્તાવ થયો, અને વળતે દહાડે અમદાવાદમાં સરઘસની આગેવાની લઈ ધ્વજદંડ બરાબર સાહી કિનારીવાલાએ શહાદત વહોરી હતી. પાછળથી, આ શહીદની ખાંભી ખુલ્લી મૂકતાં ઓગસ્ટ ક્રાંતિના વીરનાયક જયપ્રકાશે કહ્યું હતું કે યુદ્ધ વખતે જેઓ ભાગતા હોય છે એમની પીઠ પર ગોળી વાગે છે, પણ શહીદ જેનું નામ એ તો સામી છાતીએ વીરમૃત્યુને વરે છે. જોવાનું એ છે કે આઝાદીની લડતની દૃષ્ટિએ દેશનું જાહેર જીવન ત્યારે બહુધા ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજ ત્રિપુટીએ મંડિત ને પરિચાલિત હતું. કિનારીવાલા પણ હશે તો એના જ કાયલ, પણ ભગતસિંહ અને આઝાદના વિચારોમાં રહેલું બલિદાની ખેંચાણ એમને કંઈ ઓછું નહોતું આકર્ષતું.
ભારતની સ્વરાજ લડતના મંચ પર ગાંધીના સત્યાગ્રહી પ્રવેશ સાથે એક જુદો અધ્યાય જરૂર શરૂ થયો હતો, પણ એ માર્ગે જતા યુવકોનેય આઝાદ પ્રકારના વ્યક્તિત્વની જાનફેસાની ને કુરબાની જરૂર આકર્ષતી અને એમના ભાવજગતને તે સીંચતી પણ ખરી. બીજી પાસ, ક્રાંતિકારીઓએ અપનાવેલ માર્ગને બદલે બીજો માર્ગ પસંદ કરતી કોંગ્રેસ તરાહ, તેમાંય ખાસ તો કોંગ્રેસ સમાજવાદી આંદોલન આ ક્રાંતિકારીઓને હૂંફવામાં પાછું નહોતું પડતું. ચંદ્રશેખર આઝાદને આર્થિક સહયોગના સ્ત્રોતોમાં, જેમકે, ગણેશ શંકર વિદ્યાર્થીથી માંડીને મોતીલાલ નેહરુ સુદ્ધાંનો સમાવેશ થતો હતો.
કાકોરી પ્રકરણમાં ક્રાંતિકારીઓના કાનૂની બચાવ માટેની કામગીરીમાં પાછળથી સ્વરાજ સરકારમાં નેહરુ મંત્રીમંડળ પર વિરાજતા, ગોવિંદ વલ્લભ પંત અને અજિત પ્રસાદ જૈન સરખા કોંગ્રેસ કુળના સ્વાતંત્ર્ય સૈનિકો હતા. તમે જુઓ, દેખીતી નવાઈ લાગે પણ ત્યારે યુવાનોને આકર્ષતાં બે નેતૃત્વ, જવાહર અને સુભાષ પૈકી ભગતસિંહે એક ચર્ચામાં પોતાની પસંદગી જવાહરલાલ પર ઉતારી છે. પ્રશંસક તો એ સુભાષના પણ હતા. પરંતુ એમનો નિકષ મુદ્દો એ હતો કે સુભાષમાં જેટલો જોસ્સો અને રણાવેશ છે, એટલી સ્પષ્ટતા ક્રાંતિને વ્યાખ્યાયિત સમતા ને આર્થિક-સામાજિક ન્યાયના કાર્યક્રમ બાબતે નથી જે જવાહરમાં છે. ભગતસિંહનું આ સૂક્ષ્મ નિરીક્ષણ ખુદ ભગતસિંહને સમજવામાં પણ મદદરૂપ થઈ પડે છે. અંધાધૂંધ ખૂનામરકી અગર લેનિન જેને ‘ઈન્ફન્ટાઈલ ડિસઓર્ડર’ કહેવું પસંદ કરે એવી નાદાન હિંસ્ર હરકતમાં બદ્ધ ક્રાંતિકારી સમજ ભગતસિંહની નહોતી. એમણે ગૃહમાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ જેવો જે હલકોફૂલકો (જીવલેણ મુદ્દલ નહીં એવો) ધમાકો કર્યો તે, અને ત્યાર પછી એમણે પકડાઈ જવું પસંદ કર્યું, જેથી અદાલત મારફતે પોતાની વૈચારિક ભૂમિકા વ્યાપકપણે પ્રસરી શકે, એ બંને ઘટના આ અર્થમાં બુનિયાદી રીતે સૂચક છે.
માર્ક્સવાદી ઈતિહાસકાર તરીકે ઓળખાતા બિપીનચંદ્ર જીવનના અંતિમ પર્વમાં ભગતસિંહની જીવની પર જે કામ કરી રહ્યા હતા એમાં એમણે ઉપસાવવા ધારેલ એક ઘટન મુદ્દો એ હતો કે ભગતસિંહને વધુ વર્ષો મળ્યાં હોત તો એ ગાંધીમાર્ગી હોત. અલબત્ત, ગાંધીજીના અર્થમાં અહિંસાવાદી નહીં એવા ભગતસિંહે શાંતિમય પ્રતિકારને ધોરણે ખડી કરાતી ને પરિણામદાયી બની શકતી વિરાટ લોકચળવળ (માસ મૂવમેન્ટ)ના વ્યૂહને અગ્રતા આપી હોત. ઈતિહાસમાં જરી પાછળ જઈએ તો ક્રાંતિગુરુ તરીકે ઓળખાવાતા શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિકારી માર્ગોની કદર જ નહીં હિમાયત પણ કરતા હતા. પણ એ જ શ્યામજી, જો અસરકારક અહિંસક પ્રતિકાર – વિરાટ લોકચળવળ – ખડી થાય તો રાજી નહોતા એવું તો નહોતું.
સન બયાલીસ અને કિનારીવાલાની શહાદત સંભારી તે સાથે એક લસરકે એ પણ યાદ કરી લઉં કે આ વર્ષ, ૧૯૨૪ની ૨૦મી સપ્ટેમ્બરે જન્મેલા કિનારીવાલાનું શતાબ્દી વર્ષ છે. એમનું શતાબ્દી વર્ષ જોકે જરી જુદી રીતે પણ સંભારવા જેવું છે. ગાંધી-નેહરુ-પટેલ મંડિત માહોલમાં ને ક્રાંતિકારીઓની કુરબાનીએ પ્રેરિત ભાવાવરણમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ રૂપે અમદાવાદ અને તેના થકી ગુજરાતમાં એક જુદો જ યુવા સંચાર થયો. સ્વાતંત્ર્ય લડત વિશે દ્વિધાવિભક્ત સામ્યવાદી આંદોલનની છાયામાંથી બહાર આવી આ મંડળે અને એના સલાહકારોએ ગુજરાતમાં એક જુદી જ ભાત પાડી. પ્રો. દાંતવાલા, બી.કે. મઝુમદાર, ઉત્સવ પરીખ, જયંતી જેવા વરિષ્ઠજનો હોય કે બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજા, પ્રબોધ રાવળ વગેરે, સૌની પૂંઠે વળી ઉત્પ્રેરક હાજરી નીરુ દેસાઈની. એ બધી વાત વળી ક્યારેક, યથાપ્રસંગ…
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૮-૦૯– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
મિચ્છામિ દુક્કડમ
વ્યંગ્ય કવન
પંચમ શુક્લ
ઓણ સાલની પૂરી થઈ છે બાઝાબાઝી,
આવ પતાવટમાં કરી લઈએ માફામાફી.બે’ક ઘડીની ઊજવી લઈએ સારાસારી,
મન છટકે કે પાછા કરીએ મારામારી.મૌન રહીને થૂંક ગળીને અપવાસી થઈ,
અઠ્ઠઈ ઊતરે વહોરી લઈએ ચાખાચાખી.ગાયની ફરતે ગૌરવ ગાને ગરબા લેતા,
ક્રમણ-ભ્રમણમાં ખેલી લઈએ લાતાલાતી.દસે દિશાના અંબર વીંટી પરવરીએ ને,
ભરી બજારે મચવી દઈએ નાસાનાસી.મિચ્છામિ દુક્કડમ – मिथ्या मे दुष्कृतम् – મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. પરસ્પર માફી માગતાં બોલાય છે.
પતાવટ – તોડ, સમાધાન
વહોરવુ – અન્નની ગોચરી કરવી, સંઘરવું., સ્વીકારવું, માથે જોખમ લેવું
ખેલવું – શિકાર કરવો, જુગાર રમવો, યુક્તિ કે પ્રપંચથી કાર્ય કરવું, ક્રીડા કરવી, તમાસો કરવો, ભૂતની અસરથી કોઇનું માથું ડોલવું
મચવવું – ‘મચવું’નું પ્રેરક – ભરચક દશામાં થવું, લડાઈમાં કોઈની સામા મંડ્યા રહેવું, તાનભેર ચાલી રહેવું કે લાગુ રહેવું, છવાઈ જવું, ફેલાવું,
દિગંબર – દિશાઓરૂપી વસ્ત્રવાળું, નગ્ન.
પરવરવુ – ચાલતાં નીકળવું, સિધાવવું (પગથી)
નોંધઃઆ પદ્યને બૃહદ લૌકિક, સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં ઉકેલવા વિનંતિ. —-પંચમ શુક્લ -
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક સાતમો : પ્રવેશ ૫ મો
સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાં બેઠકનો ખંડ
[આરામાસન ઉપર અઢેલીને બેઠેલી રાણી લીલાવતી અને તેની પાસે ઊભેલી મંજરી તથા બીજી દાસી પ્રવેશ કરે છે. તે પછી પુરોહિત અને શીતલસિંહ પ્રવેશ કરે છે, અને આઘેથી નમન કરે છે.]
પુરોહિત : રાણી સાહેબ ! આપે કૃપાવાન્ત થઈ અનુજ્ઞા આપી તેથી શીતલસિંહને આપની સમક્ષ લાવ્યો છું.
શીતલસિંહ : (લીલાવતીની વધારે પાસે આવી નમન કરીને ) હું મહારાજનો અને આપનો હમેંશા વફાદાર સામંત છું.
લીલાવતી : તમારી વફાદારી મારા જાણવામાં છે. તમારે જે કાંઈ નિવેદન કરવું હોય તે જલદી કહી દો. મારી પ્રકૃતિ ઘણી અસ્વસ્થ છે. માત્ર ભગવન્તના આગ્રહથી આ મુલાકાત મેં કબૂલ કરી છે.
શીતલસિંહ : રાણીસાહેબ ! બહુ જરૂરની વાત કહેવાની છે, માટે જ ન છૂટકે હું આપને શ્રમ આપવા આવ્યો છું. હું જાણું છું કે આપનું શરીર બેચેન છે.
લીલાવતી : મારું શરીર બેચેન છે ને મન પણ બેચેન છે. માટે જ કહું છું કે પ્રસ્તાવનું લંબાણ ન કરતાં વક્તવ્ય હોય તેનો ઉદ્ગાર કરી નાંખો.
શીતલસિંહ : રાજના સામંત તરીકે મારી ફરજ છે…
લીલાવતી : તમારી ફરજો તો ઘણી છે, પણ તેનો હિસાબ અત્યારે ક્યાં લેવા બેસીએ?
શીતલસિંહ : હું એમ કહેવા જતો હતો કે જગદીપ ગાદીએ બેસે એમ કદી બનવું ન જોઈએ.
લીલાવતી : શા માટે? તમારા પુત્ર કરતાં તો તે ગાદી માટે લાખ ગણો વધારે લાયક છે.
શીતલસિંહ : તે તો – તે તો રાણીસાહેબની મુખત્યારીની વાત છે. મારો પુત્ર તો આખરે રાજના સામંતનો પુત્ર છે, અને જગદીપ જાલકાનો પુત્ર છે.
લીલાવતી : તેથી શું ?
શીતલસિંહ : જે જાલકાએ આપના તરફ આવો દગો કરેલો અને આવો દુરાચાર કરવા ધારેલો તેનો પુત્ર આપના પતિની ગાદીએ બેસશે ?
લીલાવતી : એમાં તો તમે અને જાલકા એક ત્રાજવે તોળાઓ એવાં છો. જે શીતલસિંહે મારા પતિને જાલકાની જાળમાં ઉતાર્યા, જે શીતલસિંહે મારા પતિનું અવસાન ગુપ્ત રાખ્યું, જે શીતલસિંહે પર પુરુષને મારો પતિ બનાવવાની અને મારા પતિને નામે ગુજરાતનો રાજા બનાવવાની દુષ્ટ ચલમય યોજનાનો અમલ કર્યો, તે શીતલસિંહનો પુત્ર મારા પતિની ગાદીએ બેસશે, અને તે મારી જ પસંદગીથી ?
શીતલસિંહ : જાલકાની શીખવણીને હું વશ થયો એટલી મારા મનની નિર્બળતા. બાકી, હું નિર્દોષ છું.
લીલાવતી : નિર્બળ મનના મનુષ્યો પ્રબળ મનના મનુષ્યો કરતાં ઘણા વધારે ભયંકર હોય છે. પ્રબળ મનનો મનુષ્ય દુષ્ટ થાય છે ત્યારે માત્ર પોતાની ધારણા જેટલું જ અહિત કરી શકે છે, પણ નિર્બળ મનનો દુષ્ટ મનુષ્ય તો અનેક દુષ્ટોની ધારણાઓનો સાધનભૂત બને છે.
પુરોહિત : રાણીસાહેબ ! આપ કહો છો તે યથાર્થ છે. શીતલસિંહ તો માત્ર પોતાના સ્વાર્થની વાત કરે છે, પરંતુ આપની રાજા હોય તો દત્તકની વાત બાજુએ રાખતાં બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય છે તે વિશે કહું.
લીલાવતી : કહો. આ વેળા મન ઉકાળવા હું સજ્જ થઈ બેઠી છું.
પુરોહિત : આપ અશાંત થાઓ એવી સ્વાર્થની વાત હું કહેવાનો નથી. હું તો ધર્મનો વિષય લઈ ને કહું છું કે વીણાવતી અને જગદીપે લગ્ન કરવા ધાર્યું છે. તે સંકલ્પથી તેઓ કોઈ કારણથી અટકે તેમ નથી. વિધવાનો પુનર્વિવાહ તો શાસ્ત્રવિરુદ્ધ અને અધર્મ્ય છે.
લીલાવતી : અમારા પ્રધાનજી કહે છે કે શાસ્ત્રોમાં વિધવાના પુનર્વિવાહની અનુજ્ઞા છે, અને હાલ તેની રૂઢિ નથી, પણ રાજા રૂઢિ બદલી શકે છે.
પુરોહિત : આપના પ્રધાનજી કહેતા હશે, પણ તે યથાર્થ નથી.
લીલાવતી : ગુજરાતમાં તો ગુજરાતનાં પ્રધાનની જ સલાહ માન્ય થાય. અને, ભગવન્તની શાસ્ત્ર નિપુણતા સુપ્રસિદ્ધ છે.
પુરોહિત : એ લગ્ન થતું ન અટકાવાય તોપણ જે કાર્યથી ક્ષત્રિયમાં અનર્થ થયો ગણાય અને ગુજરાતના રાજકુટુંબને કલંક લાગેલું ગણાય, તે કાર્ય કરનાર જગદીપ પર્વતરાય મહારાજની ગાદીએ બેસે એ કેમ થવા દેવાય?
લીલાવતી : એ અનર્થ નથી અને કલંક નથી એમ મારી પ્રતીતિ થઈ છે. એ બેનો ઉચ્ચ પ્રેમ જ વિશુદ્ધતાની સાક્ષી પૂરે છે. વીણાવતી ફરી સૌભાગ્યથી સુખી થઈ શકે તેમ છે, તો શા માટે તેનું જીવન નાખી દેવું ? અને, જગદીપ ગાદીએ બેસશે તો મારા પતિની પુત્રીનો વંશ ગાદીએ રહેશે. શીતલસિંહના વંશમાં ગાદી જાય એ શી રીતે વધારે સારું છે?
પુરોહિત : પણ, જગદીપ તો આપના પતિનો શત્રુનો પુત્ર !
શીતલસિંહ : શત્રુ છતાં પણ તે એક વાર ગુજરાતનો રાજા હતો. વળી જગદીપ ગાદીએ બેસે એવી સમસ્ત પ્રજાની ઇચ્છા છે. તેની અવગણના કરવી યોગ્ય છે.
(અનુષ્ટુપ)
રાજ્યનાં હિતકાર્યોમાં લોકેચ્છા માનવી ઘટે,
અનાદર પ્રજાનો જ્યાં રાજલક્ષ્મી ન ત્યાં વસે. ૯૯પુરોહિત : આપને પ્રધાનજીએ આ સિદ્ધાન્ત કહ્યા હશે !
લીલાવતી : જે મંત્રીશ્વર પોતે આવા ઉચ્ચ સિદ્ધાંત ગ્રહણ કરી શકે છે અને મારી પાસે ગ્રહણ કરાવી શકે છે તેમનો મહિમા કંઈ સાધારણ છે ?
પુરોહિત : પ્રધાનજીનો બુદ્ધિપ્રભાવ વિશાળ છે, પરંતુ જે માણસના બાણથી પર્વતરાય મહારાજના પ્રાણ ગયા તેને જ તેમનો વારસ થવા દેવો એ મારી અલ્પ બુદ્ધિને તો ઉચિત લાગતું નથી.
લીલાવતી : એ અકસ્માત હતો અને તેમાં જગદીપનો દોષ લેશમાત્ર નહોતો. એ જગદીપને ઉદાત્તતાને લીધે જ રાજદરબાર કપટમાં ઘેરાતો બચ્યો અને મારા શિયળનું રક્ષણ થયું છે, તે માટે ઉપકારવૃત્તિ ઘટતી નથી ? અને આ અવસ્થાએ આવ્યા પછી, અત્યારે જગદીપને ગાદીએ બેસતો અટકાવી ગુજરાતને કલહમાંથી અને પરરાજ્યોના હુમલામાંથી બચાવવાનો કોઈ માર્ગ સૂચવો છો ? આપ વૃદ્ધ છો અને અનુભવી છો.
પુરોહિત : આપ કૃપાવન્ત થઈ પૂછો છો, માટે કહું છું કે આપ કોઇને દત્તક લઈ ગાદીએ બેસાડો એ જ માર્ગ છે.
લીલાવતી : કોને દત્તક લેવાની આપ સલાહ આપો છો?
પુરોહિત : હું તો તટસ્થ છું, મારે કંઈ લાભાલાભ નથી, પણ અહીં આવ્યા પછી મેં અહીંના સામન્તો અને ક્ષત્રિયો સાથે પ્રસંગ પાડ્યો છે. નિષ્પક્ષપાત વૃત્તિથી જોતાં મને તો લાગે છે કે શીતલસિંહનો પુત્ર દત્તક લેવા માટે સહુથી વધારે યોગ્ય છે.
લીલાવતી : એનામાં શા વિશેષ ગુણ છે ?
પુરોહિત : વિશેષ ગુણ તો શું, પણ શીતલસિંહ ઉપર પર્વતરાય મહારાજને સંપૂર્ણ વિશ્વાસ હતો, અને એ બધી રીતે વફાદાર છે ને વફાદાર રહેશે.
લીલાવતી : મંજરી ! તારો શો મત છે ?
મંજરી : બા સાહેબ ! રાજકાજમાં મારી શી અક્કલ ચાલે ! પણ, પુરોહિત મહારાજ આપના પિયેરના છે એટલે અંગનું માણસ છે, અને સારી સલાહ જ આપે. (સ્વગત) આ તો બાજી કાંઈ ઠીક થતી જણાય છે. છેવટ ઉપાય પર નહિ જવું પડે.
લીલાવતી : શીતલસિંહ ! તમે પણ આ સલાહ આપો છો તે માત્ર મારા અને રાજના હિત માટે ?
શીતલસિંહ : રાણીસાહેબ ! મારો બીજો શો હેતુ હોય ? (સ્વગત) આખરે આપણું કામ પાર પડવા આવ્યું ખરું !
લીલાવતી : બસ ! તમારા ત્રણેના દંભની નિર્લજ્જતા હવે હું વધારે વાર સહન કરી શકું તેમ નથી. ‘નિર્દોષ’, ‘નિઃસ્વાર્થ’, નિષ્પક્ષપાત,’ એ શબ્દો તમારા મુખમાંથી નીકળતાં કલુષિત થાય છે. તમે શું એમ માનો છો કે તમારા ત્રણેની ખટપટથી હું અજાણી છું ? મારા રાજ્યના મંત્રીઓ શું એવા નિર્માલ્ય છે કે કાવતરાં તેમની ભૂલમાં ચાલ્યાં જાય ? તમારી એવી ધારણા હતી કે છેવટે મારો એકાએક વધ કરી મારા શબને ત્વરાથી બાળી મૂકવું અને એવી વાત ચલાવવી કે મેં ગુપ્ત રીતે આ પુરોહિત સમક્ષ શીતલસિંહના પુત્રને દત્તક લીધો અને પછી હું મારા પતિ પછાડી સતી થઈ – એ તમારો સંકેત પણ મારા કુશલ મંત્રીશ્વરથી અજાણ્યો નથી રહ્યો. એમની સાવધાનતા તમારી કલ્પનામાં નથી. દાસી ! બહારના ખંડમાં ભગવન્ત બેઠા છે. તેમને બોલાવી લાવ.
દાસી : જેવી આજ્ઞા.
[દાસી જાય છે.]
શીતલસિંહ : (આશ્ચર્યથી) ભગવન્ત અત્યારે અહીં !
લીલાવતી : સર્પને સમીપ આવવા દેતાં સર્પના પ્રતિકારને સમીપ રાખ્યા વિના ચાલે ?
[કલ્યાણકામ અને દાસી પ્રવેશ કરે છે. કલ્યાણકામ નમન કરે છે.]
(ઉશ્કેરાઈને) ભગવન્ત ! આ ત્રણે અપરાધીઓને શી શિક્ષા કરશો ?
કલ્યાણકામ : રાણીસાહેબ ! શાન્ત થાઓ. આપની અસ્વસ્થ પ્રકૃતિને આ આવેશથી હાનિ થાય છે.
લીલાવતી : એ હાનિ કરનારાઓને જ દંડ કરવાનું કહું છું.
કલ્યાણકામ : અત્યારે કાંઈ ન્યાયાસન ભરીને બેઠા છીએ ? એમને કાંઈ કહેવાનું હોય તે શાન્ત થઈ સાંભળવું પડે.
લીલાવતી : શીતલસિંહ સાચું કહો. કાલ રાત્રે તમારે ઘેર મંજરી અને પુરોહિત અત્તર વેચનારને વેશે આવેલા અને ત્યાં જ મારા વધની યોજના નક્કી કરી, અને હું ઉંઘતી હોઉં ત્યારે મંજરીએ મારી છાતીમાં બરછી ભોંકવી એમ ઠરાવ્યું, એ વાત ખરી કે નહિ ?
શીતલસિંહ : (ધ્રૂજતો ધ્રૂજતો બે હાથ જોડીને) રાણીસાહેબ ! મેં તો એ વાતની ઘણી ના કહી, પણ આ મંજરીએ અને પુરોહિત મહારાજે મારી પાસે પરાણે હા કહેવડાવી.
મંજરી : (સ્વગત) બાયલાની મદદે જાય તેને માથું તો કપાવવું પડે પણ નાકેય કપાવવું પડે.
લીલાવતી : કહો ભગવન્ત ! હવે, એમનું શું સાંભળવાનું રહ્યું !
કલ્યાણકામ : ન્યાય ઉતાવળમાં થતો નથી.
લીલાવતી : ભલે, તમને એમ ઠીક લાગે છે તો પછી એમનો ન્યાય કરજો. હું એમની સાથેનો પ્રસંગ વધારે લંબાવવા ઇચ્છતી નથી, પણ જાલકાને અહીં બોલાવો. મેં એને કહેલાં શાપવચનો આ સર્વનાં દેખતાં મારે પાછાં ખેંચી લેવા છે. એણે મારું હ્રદય ભાંગ્યું, પણ મારે એનું હ્રદય ભાંગવું જોઈતું નહોતું.
ભગવન્ત ! કેમ મારી સામું જોઈ રહ્યા છો ? જાલકાને બોલાવવા મોકલો.
મંજરી : જાલકા તો મરી ગઈ !
લીલાવતી : (ચમકીને) મરી ગઈ ! જાલકા મરી ગઈ !
મંજરી : તે દિવસે અહીંથી ગયા પછી એ મંદવાડમાંથી ઊઠી જ નથી. દુઃખે રિબાતી મરી ગઈ.
લીલાવતી : ખરે ! હું એને ક્ષમા કરું તે પહેલાં જાલકા મરી ગઈ ! મંજરી ! આખરે તું બરછી ભોંક્યા વિના ન રહી !
[બેભાન થઈ જાય છે.]
કલ્યાણકામ : રાણીસાહેબ ! જાગ્રત થાઓ ! દાસી ! એમનાં મોં પર પાણી છાંટો ને પંખો નાંખો !
[દાસી લીલાવતીના મોં ઉપર પાણી છાંટીને અને પંખો નાંખીને તેવું આશ્વાસન કરે છે.]
લીલાવતી : (જાગ્રત થઈને) જાલકાનું સાંત્વન કરી સંતોષ પામવાની મારા હ્રદયમાં આશા હતી, તે પણ આ સમાચારથી ભાંગી પડી. તે દુર્ભાગ્ય-દિવસે મેં એને શાપવચનો કહ્યાં તે પછી એ વચનોના ભણકારા મારા કાનમાં વાગ્યા જ કરે છે. પણ અંત દૂર નથી. પરંતુ, હજી એક ઇચ્છા રહી છે તે પૂર્ણ કરું. ભગવન્ત, મેં તમને કહ્યું હતું તે કામના વ્યવસાયમાં તમને કદાચ યાદ નહિ રહ્યું હોય. મારી સમક્ષ જગદીપ અને વીણાવતીને લાવો.
કલ્યાણકામ : એ બન્ને બહારના ખંડમાં આવેલાં જ છે. દાસી !
દાસી : જેવી આજ્ઞા.
[દાસી જાય છે.]
કલ્યાણકામ : જગદીપ અને વીણાવતી આપનો આશીર્વાદ લેવા ઉત્કંઠિત છે.
લીલાવતી : અને, હું એમને આશીર્વાદ દેવા ઉત્કંઠિત છું.
[જગદીપ, વીણાવતી અને દાસી પ્રવેશ કરે છે. જગદીપ અને વીણાવતી બન્ને પાસે આવી લીલાવતીને પગે પડે છે. લીલાવતી તેમને ઉઠાડે છે.]
જગદીપદેવ – નહિ, હજી જગદીપ !
લીલાવતી : તે દિવસે તેં મને તારી માતા બનાવી છે, તેથી માતા તરીકે આશીર્વાદ દઉં છું કે વીણાવતીને અને ગુર્જરભૂમિને સુખી કરી તું સુખી થજે. મારે દત્તક લેવો હોત તો તને જ લેત, પણ તારા પિતાના પુત્ર તરીકે ગાદીએ આવવા તું હકદાર છે. વીણાવતી ! આજ સુધી તારા સુખ માટે મેં કશી પ્રવૃત્તિ કરી નથી, પણ માતાની આશિષ જો કલ્યાણ કરતી હોય તો હું આશિષ દઉં છું કે તું સૌભાગ્ય પામી ઘણું ઘણું સુખ જોજે. (અટકીને) મારાથી બહુ બોલાશે નહિ એમ મને લાગે છે, પણ એક વચન છેવટ કહું છું કે ગુર્જરરાજની રાણી થઈ તું તારા પતિને નિરંતર એ ઉપદેશ કરતી રહેજે કે પ્રજાના સંસારમાં એવી નીતિ પ્રવર્તાવો કે લગ્નવ્યવહારમાં સ્ત્રીજાતિનું હિત જોતાં લોકો શીખે, અને કોઈ સ્ત્રી લીલાવતી જેવી હતભાગ્ય ન થાય. (અટકીને) મારી છાતીમાં કેમ ગભરામણ થાય છે ? મને જરા પાણી પાઓ. (દાસી પાણી ધરે છે. તે પીએ છે) મારાં આ વચનથી દેશમાં એક દુઃખી સ્ત્રીનું દુઃખ મટશે તો મારા પતિની પ્રજામાં એટલું સુખ વધશે અને ઈશ્વરના ધામમાં મને નિવૃત્તિ થશે. પણ, અલોકમાં તો….
[બેભાન થઈ જાય છે.]
કલ્યાણકામ : દાસી ! તમે અને બીજા સેવકો રાણીસાહેબને લઈ જઈને પથારીમાં સુવાડો. (બીજાંઓને) આપણ સર્વ અહીંથી ચાલો.
[લીલાવતી અને દાસી સિવાય સહુ જાય છે, અને પડદો પડે છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
ફિલ્મી ગઝલો –૬૯. શમ્સ અઝીમાબાદી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
શમ્સ તખલ્લુસધારી બે ગીતકારની ગઝલો આપણે અત્યાર સુધી જોઈ ગયા. શમ્સ ઉલ હુદા બિહારી અને શમ્સ લખનવી. આજે જેમની રચનાઓ જોઈશું એ શમ્સ અઝીમાબાદી ઉત્કૃષ્ટ ગીતકાર – ગઝલકાર હોવા છતાં એમના ગીતો અને ફિલ્મો સિવાય કોઈ વ્યક્તિગત માહિતી ઉપલબ્ધ નથી.
એમણે અનોખા પ્યાર, જિંગો, દેવર, ભૂલે ભટકે, દીવાની, ખૂબસુરત, બેવફા અને ખેલ જેવી ગણીગાંઠી ફિલ્મોમાં ત્રીસેક ગીતો લખ્યા. સજ્જાદ હુસૈન સાહેબે તર્જબદ્ધ કરેલું ફિલ્મ ‘ ખેલ ‘ નું લતાજીએ ગાયેલું ‘ ભૂલ જા ઐ દિલ મુહબ્બત કા ફસાના ‘ સાચા સંગીત રસિયાઓને યાદ હશે. ‘ ખૂબસુરત ‘ ( ૧૯૫૨ )ની સુરૈયાએ ગાયેલી ગઝલ ‘ ઐ ચાંદ અબ તુ જા મેરા દીવાના આ ગયા ‘ વિષે પણ શોખીનોને ખબર છે. ‘ અનોખા પ્યાર ‘ ( ૧૯૪૮ ) ના ગીતોમાંથી શમ્સ સાહેબે બે ગીત લખેલા – ‘ અબ યાદ ન કર ભૂલ જા ‘ અને ‘ ઐ દિલ મેરી વફા મેં કોઈ ‘.
એમની બે ખૂબસુરત ગઝલો જોઈએ :
કટ રહી હૈ બેકસી મેં હર ઘડી તેરે બગૈર
મૌત સે બદતર હૈ મેરી ઝિંદગી તેરે બગૈરતનહાઈ કી વાદિયોં મેં દિલ ઠહરતા થા મેરા
આંસૂઓં સે આજ બહલાતી હું જી તેરે બગૈરથીં હઝારોં આરઝુએં મિલ ગઈં સબ ખાક મેં
દિલ કી યે આબાદ દુનિયા લુટ ગઈ તેરે બગૈરઆસમાં પર હર સિતારા દેખ કર હંસતા રહા
એક દહકતી આગ હૈ યે ચાંદની તેરે બગૈર..– ફિલ્મ : દીવાની ( ૧૯૪૭ )
– અમીરબાઈ કર્ણાટકી
– જ્ઞાન દત્તમેરી રાતોં કે અંધેરે મેં ઉજાલે તુમ હો
જિસ પે સૌ ચાંદ હૈં કુરબાન વો તારે તુમ હોજિસ તરફ દેખતા હું તુમ હી નઝર આતે હો
જો નિગાહોં મેં બસે હૈં વો નઝારે તુમ હોદિલ તો ક્યા ચીઝ હૈ અબ જાન ભી હૈ તુમ પે નિસાર
જાન દિલ સે ભી ઝિયાદા મુજે પ્યારે તુમ હો..– ફિલ્મ : ખૂબસુરત ( ૧૯૫૨ )
– તલત મહેમૂદ
– મદન મોહન
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

