વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • એસ ધમ્મો સનંતનો – વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય : : ભગવાન સદાશિવ: ત્રિમૂર્તિના અધિનાયક

    પ્રવાસી યુ. ધોળકિયા

    ત્રિમૂર્તિના બ્રહ્મા સૃષ્ટિકર્તા, વિષ્ણુ પાલનકર્તા અને મહેશ સંહારકર્તા છે. આમ ભગવાન શિવ પર વિશ્વની સર્જન અને સંવર્ધનની સતત ચાલતી ક્રિયાઓને સંહાર શક્તિ વડે ચાલતી રાખવાની વિકટ જવાબદારી છે.

    મહેશ ભગવાન સદાશિવનું જ સાકાર રૂપ છે. ત્રિમૂર્તિના તે અધિનાયક છે. તેઓ વેદમાં નિરૂપાયેલ પરમ બ્રહ્મ સત્તા છે. પુરાણો ભલે એમ કહે કે શિવ વિષ્ણુના લલાટમાંથી અને બ્રહ્માની કુખમાંથી પ્રગટ્યા હોય પણ ખરા અર્થમાં શિવ જ સર્વવ્યાપક મહાન અને પરાત્પર છે.

    આવા મહાદેવ વિશે કંઈક પણ લખવાનું સાહસ મહિમ્ન સ્તોત્રના રચયિતા પુષ્પદંત કે ઉપમન્યુ જ કરી શકે, કેમકે મહાભારતમાં શ્રીકૃષ્ણે પણ કહેવું પડ્યું છે કે બ્રહ્મા, ઈન્દ્ર કે મહર્ષિઓ પણ શિવતત્ત્વને સમજવા અસમર્થ છે. તેઓ પોતે પણ શિવના ગુણોનું વ્યાખ્યાન કરવા જ સમર્થ છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન કહે છે કે શિવ સિવાય તેઓ કોઈને વિશેષ પ્રિય નથી. વાયુપુરાણમાં બ્રહ્મા અને વિષ્ણુએ સંયુક્ત સ્તુતિમાં કહ્યું છે કેઃ नमस्तुभ्यं भगवते सुव्रतेऽनन्ततेजसे। (ભગવાન ! આપ સુવ્રત અને અનંત તેજોમય છો !)

    ભગવાન શિવ સમસ્ત પ્રાણીઓનું વિશ્રામ સ્થાન છે. તેમનો અર્થ મહાનિદ્રા પણ થાય છે. તેથી જ તેમની વ્યુત્પત્તિ સમજાવતા ગ્રંથો તેમના માટે विश्राम स्थानमेकम् । शीङ् स्वप्ने ધાતુનો પ્રયોગ કરે છે.

    વેદોમાં શિવની ઓળખ રૂદ્ર તરીકે આપવામાં આવી છે. તેથી શિવના ભક્તો રૂદ્રીનો પાઠ કરતાં જે કૃતાર્થતા અનુભવે છે તે અવર્ણનીય છે. શ્વેતાશ્વર ઉપનિષદ આનો પડઘો પાડતાં લખે છે કે સમગ્ર સત્તાઘીશ છે તે રૂદ્ર એક જ છે – एको हि रुद्रो न द्वितीयाय तस्थुर्य । વેદનાં અગ્નિ સુક્તો શિવના જ્ઞાન સ્વરૂપની સ્તુતિ છે.

    શિવનાં મહાન કાર્યો નીચે મુજબ છેઃ

    ૧. દેવ દાનવોએ જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે જે કાલકૂટ વિષ નીકળ્યું તે શિવ પી ગયા અને પૃથ્વીને બચાવી લીધી. શિવ નીલકંઠ બન્યા.

    ૨. ભસ્માસુર, હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, રાવણ, કુંભકર્ણ અને બાણાસુરને એવા અજેય બનાવ્યા કે તેમના વિનાશ અર્થે ભગવાનને અવતાર લેવો પડ્યો.

    ૩. આરંભમાં ગણપતિ અને વિનાયક નામના દેવતાઓ લોકોને રંજાડતા. શિવપાર્વતીનું સંતાન બન્યા પછી ગણપતિ સનાતન ધર્મના વિઘ્નહર્તા દેવ બન્યા.

    ૪. ભગવાન વિષ્ણુ શિવની સહસ્ત્રકમળથી પૂજા કરતા. જ્યારે એક કમળ ઓછું પડ્યું ત્યારે પોતાનું નેત્રકમળ તેમણે ચડાવ્યું. શિવે પ્રસન્ન થઈને વિષ્ણુને પોતાનું સુદર્શન ચક્ર આપ્યું.

    ૫. તારકાસુરના વધ અર્થે દેવોની વિનંતિથી શિવ પાર્વતી સાથે સંસાર બંધનમાં જોડાયા. તેમનાં સંતાન, કાર્તિકેય – સ્કંધે દેવતાઓના સેનાપતિ બનીને તારકાસુરનો વધ કર્યો.

    ૬. સગરના સાઠ હજાર મૃત પુત્રોના શ્રાધ્ધ સંસ્કાર માટે ગંગાનું જ્યારે પૃથ્વી પર અવતરણ થયું ત્યારે શિવે ગંગાને પોતાની જટામાં ઝીલી લઈને પૃથ્વીના કકડા થતા અટકાવ્યા. આ રીતે આપણને પતિતપાવની ગંગા મળી.

    ૭. કૈલાશ તજી કાશીવાટ સ્વીકારીને શિવે માનવજાતને કાશી જેવું તિર્થધામ આપ્યું.

    ૮. શિવે અસુરોનાં અજેય ત્રણેય શહેરો[1] – ત્રિપુર- નો પોતાનાં ધનુષ્ય પિનાકનાં એક જ બાણથી વીંધી નાખ્યાં. અહીં પિનાક તો ખરેખર આદ્યાશક્તિ માતાજીની તાંત્રિક શક્તિનું પ્રતિક છે. ત્રિપુર એટલે સત્વ, રજસ અને તમસ પ્રધાન પ્રકૃતિ. શિવે આ રીતે તંત્ર વિદ્યાને ગૌરવ અપાવ્યું.

    ૯. શિવે દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો એ કથા સર્વ વિદિત છે.

    યજ્ઞમાં જાણીબૂઝીને શ્વસુરગૃહેથી શિવને આમંત્રણ ન અપાયું. પતિનું અપમાન સહન ન થવાથી સતીએ આત્મવિલોપન કર્યું. શિવની આજ્ઞાથી ગણોએ દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો. પત્નીનો વિયોગ સહન ન થવાથી શિવ સતીના મૃતદેહને લઈને અહીં તહીં ભાગંભાગ કરવા લાગ્યા. વિશ્વ ડોલાયમાન થઈ ગયું. શિવને ભાનમાં લાવવા વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના મૃતદેહના ટુકડા કરી નાખ્યા. આ ટુકડા સમગ્ર ભારતવર્ષમાં એકાવન જગ્યાએ વેરાયા. ત્યારે એ દરેક જગ્યાએ પવિત્ર શક્તિપીઠો સ્થપાયાં.

    આ આખ્યાયિકા એ દર્શાવે છે કે વિશ્વની પ્રાચીનમાં પ્રાચીન દેવી માતૃપૂજાને શિવે સનાતન ધર્મમાં દાખલ કરી, તેને સન્માનીય સ્થાન અપાવ્યું. ગૌરવવંતી દેવીપૂજાથી ફક્ત આપણો ધર્મ જ દેદીપ્યમાન બન્યો છે.

    ૧૦. શિવનાં તાંડવ નૃત્યનો વિશ્વમાં જોટો નથી. આ દૈવી નૃત્યનું અધ્યક્ષસ્થાન આદ્યશક્તિ દેવીમાતાજીએ લીધેલું. નારદજીએ તેમાં વીણા અને વિષ્ણુએ મૃદંગ વગાડેલ. નટરાજે અતિભંગ મુદ્રામાં પોતાનો ડાબો પગ ઊંચો કર્યો છે. તેઓની જટા બંધાયેલી છે. તેમની અમુક લટો હવામાં લહેરાયેલી છે. અપસ્માર પુરુષની ઉપર શિવ નૃત્ય કરે છે.

    આ નૃત્યના ઘણા સુચિતાર્થો છે.

    અરવિંદ આશ્રમવાળા નલીનકાન્ત ગુપ્તા કહે છે કે સમગ્ર સંકીર્ણતા અને મોહમાયાનો ત્યાગ શિવ પોતાના પાદ વિક્ષેપથી કરે છે. શ્રી અરવિંદ તાંડવનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે કે બધાં દેવદેવીઓ અહીં સંમિલિત છે, પણ શિવ એકાકી છે. શિવનું નૃત્ય જીવન – મૃત્યુના દ્વંદ્વનો આભાસ આપે છે. અહીં જ્ઞાન અને વિજ્ઞાનનું અદ્‍ભૂત મિલન થયું છે.

    તેમના જમણા હાથમાં જ્વાળા શુદ્ધિ અને પરિવર્તન પ્રગટ કરે છે. તેમની વચમાં શિવનું અનાસક્ત અને શાંત મસ્તક સમગ્ર જીવસૃષ્ટિ તરફ કલ્યાણમયી અને કરૂણા દૃષ્ટિથી તાકી રહ્યું છે. બીજો જમણો હાથ અભય મુદ્રામાં માનવજાતને શાંતિ અને રક્ષા અર્પે છે. બીજો ડાબો હાથ ઊઠેલા ડાબા પગ તરફ સંકેત કરે છે,  જે માયાથી મુક્તિનું પ્રતીક છે. જીવ પરનો જમણો પગ દર્શાવે છે કે શિવ સિવાય આપણો કોઈ આશ્રય નથી.

    ૧૧. સીતા સ્વયંવરમાં કોઈથી ન તુટનાર શિવના ધનુષને જ્યારે રામે તોડ્યું ત્યારે રાવણવધના પાયા નંખાયા.

    શિવ પર બીજું કંઈ કહીએ તે પહેલાં પુષ્પદંત સાથે સહમત થઈએ કે

    लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं
    तदपि तव गुणानामीश पारं याति।।

    જો સમુદ્રને દવાત બનાવી દેવાય, તેમાં કૃષ્ણ પર્વતની શાહી ઉમેરી દેવાય, કલ્પવૃક્ષની શાખાઓની કલમ બનાવીને, પૃથ્વીને કાગળ બનાવીને સ્વયં જ્ઞાન સ્વરૂપ મા સરસ્વતી દિનરાત આપના ગુણોનું વર્ણન કરે તો પણ, હે શિવ, તમારા ગુણોની વ્યાખ્યા ન થઈ શકે.

    શિવલિંગ: પરમતત્ત્વનું કારણ

    ત્રિમૂર્તિના ત્રીજા દેવ ભગવાન શિવ મહાદેવ દરેક ભારતીયના મનમાં ઉચ્ચ અને સન્માનીય સ્થાન ધરાવે છે. તેનું કારણ એ છે કે શિવ માર્ગમાં ભક્તિ અને અધ્યાત્મની અદ્‍ભૂત જુગલબંધી જોવા મળે છે. અહીં જ્ઞાન, તંત્ર, ધ્યાન, યોગ, અગમનિગમ, દૈનિક પૂજા – અર્ચન, જપ – તપ અને ભજન – કિર્તનનું કમાલનું સમાયોજન થયેલું છે.

    શિવમાર્ગમાં માનવ શરીરનો કે ગૃહસ્થ જીવનનો તિરસ્કાર નથી. પણ બધું સ્વીકારીને ચાલવાનું છે, છતાં આત્મસાક્ષાત્કારના ધ્યેયને ચુકવાનું નથી. જીવનમાં આવતા દરેક પડકારને ઝીલી લેવાનો છે. શિવ માનવને તેના અસ્તિત્ત્વના અંતિમ ધ્યેય તરફ દોરી જાય છે. શિવમાર્ગ જીવન, મૃત્યુ અને મુક્તિના પડાવ પર માર્ગદર્શક બને છે.

    શિવ એક અધ્યક્ષ સ્વરૂપ હોવા છતાં સૃષ્ટિમાં જે કંઈ પેદા થયેલું છે એમાં તેનો વાસ  છે. આ રીતે વિશ્વભરમાં જે કંઈ ફલિત થઈ રહ્યું છે અને વિઘટિત થઈ રહ્યું છે તે શિવશક્તિના પરિપાક રૂપે છે.

    સામાન્ય પ્રજાજનો, યોગીઓ, સંતો, પ્રેમીઓ, તત્ત્વજ્ઞાનીઓ કે માનસવિદો એ બધાં માટે શિવ આરાધ્ય દેવ છે. તેથી વિશ્વમાં તે સર્વોચ્ચ છે. શિવતત્ત્વ જીવનાં ઉતારીને રોજબરોજના વ્યવહારમાં મુકવાનું છે. શિવમાર્ગમાં જાતપાત કે ઊંચનીચના ભેદભાવ નથી. કચડાયેલા અને અદના માનવીને પણ અહીં ઊંચે ઉઠવા આમંત્રણ છે. શિવનો આગ્રહ અનેકતામાં એકત્વનો અને એકત્વમાં અનેકનો રહ્યો છે.

    મહાન તાંત્રિક બ્રીજમોહન ભટ્ટાચાર્ય પોતાના પુસ્તક, ‘શિવધર્મ અને લિંગમાર્ગ’,માં જણાવે છે કે શિવપંથમાં રહેલી લિંગ – યોનીની પૂજાને કારણે વિદેશીઓએ ને અત્યંત હીન કક્ષાનો ચીતર્યો છે. વિદેશીઓ તેમની ટિકાઓમાં લખે છે કે બર્ફીલા કૈલાશ પર્વત પર નગ્ન હાલતમાં સર્પને વીંhaaટાળીને રહે છે. શરીર પર શબની રાખ ની ભસ્મ લગાવે છે. ગળામાં મુંડમાળા અને ગળામાં વિષ છે.  શિવ ગાંજા અને ભાંગના નશામાં ધૂત રહે છે. ભૂતપ્રેત, પિશાચ, ડાકણો અને ભયાનક ગણો તેમના સેવકો છે. આમ સંસારની બધી ગંદી વસ્તુઓ અહીં જ ઠલવાઈ છે.  આવા શિવ ત્રિમૂર્તિના દેવ કઈ રીતે હોઈ શકે?

    શિવ વિશેની વિદેશીઓની આવી ગેરસમજ તેમના અધકચરા જ્ઞાન અને પૂર્વગ્રહને આધારિત છે. ‘લિંગ’નો સાચો અર્થ ‘સૂક્ષ્મ’ થાય છે. લિંગ અને યોનીની પૂજા પ્રકૃતિ અને પુરુષના સંભોગ દ્વારા ઉદ્‍ભવતી શૃષ્ટિ સૂચવે છે. અહી કશું અશ્લીલ નથી. સૃષ્ટિ કર્મથી સંતાન ઉત્પન્ન થાય છે તેથી ઋણમુક્તિ મળે છે.  બીજા અર્થમાં, લિંગ પ્રાણી માત્રનું પરમ કારણ અને પરમ નિવાસસ્થાન છે. લિંગનો એક અર્થ છે लियते यस्मिन्नति लिंगम् (અર્થાત્ જેમાં સમગ્ર સૃષ્ટિ સમાઈ જાય છે). તે જ્યોતિ અને પ્રણવ (ૐ) રૂપ છે લિંગ સ્થૂળ નથી, ચિન્મય છે. સદાશિવમાંથી જે શક્તિ ઉત્પન્ન થઈ અને ચિન્મય પુરુષ પ્રગટ્યા તે યથાર્થ લિંગ છે, જેમાંથી સચરાચર જગત ઉત્પન્ન થયું છે. તેથી  બાર જ્યોતિર્લિંગો સમગ્ર ભારતવર્ષ ભરમાં મહાતીર્થો સ્વરૂપે છવાયેલાં છે.

    એક મહત્ત્વની બાબત એ છે જે પ્રાચીન સમયમાં જગતની તમામ સભ્યતાઓમાં ફળદ્રૂપતા ( Fertility cult), રક્ત બલિ, આદિજાતિના પશુ – પ્રાણીને દેવતા માનવાં (Totems), પશુ તથા નર બલિ, જનનેન્દ્રીય પૂજા, કાળો જાદુ, તંત્ર તથા વામ માર્ગ અને કામવિલાસની બોલબાલા હતી. આ બધી પરંપરાઓએ પ્રચીન સમયના ભારતના દરેક ધર્મો અને સંપ્રદાયો પર પ્રભાવ કરેલ છે. શિવમાર્ગે આ બધી અસરોને પોતાનામાં સમાવી લીધી અને તેનું ઉર્ધ્વીકરણ અને દૈવીકરણ કર્યું. કાળક્રમે, આવા શિવધર્મ અને વૈદિક ધર્મનું સંમિલન થયું. પરિણામે આપણો પવિત્ર સનાતન ધર્મ પ્રગટ્યો.

    વળી, શિવ તો પવિત્રતા,  દિવ્યતા, સાદગી અને સાત્વીકતાના મહાસ્તંભ છે. જો આમ ન હોત તો સતી પાર્વતી તેમને વર તરીકે પામવા આવાં કઠણ તપ શું કામ આદરે? શિવ તો જ્ઞાની, યોગી અને ઋતંભરાપ્રજ્ઞા છે. કામદેવને શિવના હાથે ભસ્મ થવું પડ્યું એ બહુ સૂચક છે. કદાચ આ કારણોથી જ ઈજિપ્તના પ્રાચીન ધર્મગુરુઓએ શિવ પર આફ્રીન થઈને સ્ફિંક્સ નામનો નંદી ખડો કરી દીધો !

    શિવ ધર્મે સૌથી પુરાતન માતૃ-પૂજાને અને તેની મહાન ગતિશીલ રહસ્યવાદી પરંપરાને પોતામાં આત્મસાત કરીને સનાતન ધર્મને હિમાલય જેટલી ઊંચાઇ અપાવી. શિવને શક્તિ વિના ક્લ્પવા અશક્ય છે.  બન્ને અભિન્ન છે. શિવ અજન્મા, અવ્યક્ત, અદૃશ્ય અને અરૂપ છે. શક્તિ દૃશ્ય, ચલ, સ્વરૂપવાન અને નામ સ્વરૂપથી વ્યક્ત થાય છે. શક્તિ શિવનું પ્રતિરૂપ ( Alter Ego) અને પરાવર્તન (Reflex ) છે. શક્તિથી જ શિવ પરમતત્ત્વ (Absolute) પદ પામ્યા છે. શિવ અને શક્તિમાં સંપૂર્ણ વિશ્વ સમાઈ જાય છે. સાંખ્ય સિદ્ધાંતના પુરુષ અને પ્રકૃતિ જેવી શિવ અને શક્તિની અતૂટ બેલડીને આધારે આ વિશ્વ ટકી રહ્યું છે.

    શિવ મહાયોગી છે. યોગમાં મનનાં સાત સ્તરો પર મંત્ર, લય, હઠ, રાજ અને શિવ યોગ વડે નિયંત્રણ પામીને સત્યને પામવાનું છે. શિવના યોગમાં પાતંજલિ યોગ અને તાંત્રિક કુંડલી યોગના પાયા છે.  શિવમાર્ગનું તત્ત્વજ્ઞાન રહસ્યવાદી છે. તે વેદાંત જેટલું સંપૂર્ણ, ગંભીર અને તલસ્પર્શી છે. તેના પર કપિલના સાંખ્યવાદ અને વેદાંતની પ્રબળ અસરો છે તેવું વિદ્વાનો માને છે. આ બધું કાશ્મીરના શિવ – સિદ્ધાંત, દક્ષિણ ભારતના શૈવ સિદ્ધાંત અને અઢાર આગમોમાં સંગ્રહસ્ત છે.

    પ્રાણી માત્ર માટે શિવ મંગળની કામના કરે છે.

    શિવ પુરાણ અને ઉપમન્યુની પ્રાર્થના સાથે શિવ મીમાંસા કરવી યોગ્ય જણાશે

    जयाभुत जयाक्षुद्र जयाक्षत जयाव्यय
    जयामेय जयामाप जयाभव जयामही

    હે પ્રભુ! આપ અદ્‍ભૂત છો. આપનો જય હો! આપ મહાન છો. આપનો જય હો!  આપ અવિનાશી અને અનન્ય છો. આપનો જય હો!

    (શિવ પુરાણ)

    જો મને મારા દોષોને કારણે વારંવાર પુનર્જન્મ મળે તો તે તે જન્મમાં શિવમાં મારી અક્ષય ભક્તિ રહે.

    (ઉપમન્યુ સ્તુતિ)

    ભગવાન શિવ: મંગળમૂર્તિ અને કલ્યાણકર્તા

    ત્રિમૂર્તિના ત્રીજા દેવ, શિવ,ને પ્રલયકારી માનવામાં આવે છે. પરંતુ, પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં શિવનાં વિનાશકારી કૃત્યોની બહુ ઓછી માહિતી મળે છે. સત્ય તો એ છે કે શિવ મંગળમૂર્તિ અને કલ્યાણકારી છે.

    સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજીએ શિવની મનોરમ્ય છબી દોરી છે.  શંકરનાં શરીરનો રંગ ચાંદી જેવો શ્વેત છે, જે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. મસ્તકમાં શશીકલા શોભે છે, જે મનનું દર્પણ છે. હાથીની સૂંઢ જેવા ચાર હાથ છે. એક હાથમાં પરશુ છે જે અર્થસૂચક છે. બીજા હાથમાં ધનુષ્ય છે જે કામનું પ્રતિક છે. ત્રીજો હાથ વર મુદ્રા – ધર્મનું પ્રતિપાદન કરે છે. જ્યારે ચોથો હાથ અભય મુદ્રા મોક્ષનું નિરૂપણ કરે છે. વ્યાઘ્ર ચર્મ અનાસક્તિ દર્શાવે છે. ત્રિનેત્ર સૂર્ય, ચંદ્ર અને અગ્નિનું પ્રતીક છે. શિવનાં પાંચ મુખ પંચમહાભૂત સૃષ્ટિ છે. ત્રિશૂળ સત્વ, રજસ અને તમસનું સૂચક છે. જટામાં ગંગા એ કરોડો સૌરમંડળવાળી આકાશગંગા શિવ ઉપર ટકી રહી છે તેનું પ્રતિપાદન કરેલ છે.

    અગાઉ વર્ણવેલાં શિવનાં મહાન કાર્યોમાં ઉમેરો કરતાં કહી શકાય કે અર્જુનને શિવે અજેય શસ્ત્રો આપ્યાં જેને પરિણમે પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી શક્યા. છેલ્લે મહાતંત્રિક અશ્વત્થામાએ દુર્યોધનનાંમોતનો બદલો લેવા પાંડવોની નિશ્ચિતરૂપે હત્યા કરી હોત. પણ, અશ્વત્થામાની તાંત્રિક વિદ્યાને શિવે બુઠ્ઠી બનાવી દીધી અને પાંડવોને બચાવી લીધા.

    શિવ વિશ્વના પહેલા શલ્ય ચિકિત્સક છે. ગણપતિ પર હાથીનાં મસ્તક અને દક્ષ પર બકરાનાં મસ્તક્નું પ્રત્યારોપણ શિવજીને કારણે શક્ય બન્યું.

    શિવના ડમરૂમાંથી જે નાદ પ્રસવ્યો તેમાંથી પંચ ભૌતિકી સૃષ્ટિ સર્જાઈ.  વ્યાકરણના ચૌદ મૂળ સિદ્ધાંતો અને સંસ્કૃત વર્ણમાળાના એકાવન મૂળાક્ષરો આ નાદમાંથી પ્રગટ્યા છે. અણુના સુક્ષ્માણુઓની સંખ્યા હજુ સુધી વિજ્ઞાન નક્કી નથી કરી શક્યું. ભવિષ્યમાં વિજ્ઞાન એ વાત સાબિત કરી શકશે કે વિશ્વભરના સુક્ષ્માણુઓની સંખ્યા એકાવન છે અને વર્ણમાળાના અક્ષરો પણ એકાવન છે. કેવો સુભગ યોગ!

    શિવ વિશાળતમમાં વિશાળતમ એકાઈ છે. બ્રહ્માજીના એક વર્ષને માનવ વર્ષમાં માપવું હોય તો ૩૧૧૦૪ની સંખ્યા પાસે દસ મીંડાં મુકવાં પડે. વિષ્ણુનાં એક પાદ-જીવન- માં માનવોનાં આવાં ૯૩૩૧૨ પાસે ચૌદ શૂન્ય જેટલાં વર્ષો પુરાં થઈ જાય છે.  શિવજીના પ્રલયકાળનો સમય અધધધ છે! ૨૨૩૯૪૮૮ની પાછળ એકવીસ મીડાં મુકીએ એટલાં માનવ વર્ષો શિવનાં એક ચરણમાં ખર્ચાઈ જાય છે/

    મહાભારતમાં એક રમ્ય કથા છે. એક વાર માતા પાર્વતીએ રમત રમતાં શીવજીની બન્ને આંખો બંધ કરી દીધી ત્યારે શિવજીએ અજાણતાં ત્રીજું નેત્ર ખોલી નાખ્યું. પરિણામે આખું વિશ્વ વિનાશના આરે આવી ગયું. શિવની દરેક મુદ્રાની સ્થિરતામાં વિશ્વની સ્થિરતા છે. વિશ્વની એક ઉપાધિ ‘સ્થાણુ’ છે.

    શિવ પૃથ્વીના દેવતા છે, એટલે એમનાં ત્રણ નિવાસસ્થાન છે – ભદ્રવટ (મહાતિબેટમાં), ત્રિવિષ્ટપ (કૈલાસ – ભારત – તિબેટની સીમા પર) અને મુંજવાન્ પર્વત (હિમાલયના નીચેના ભાગમાં સ્થિત).

    શિવનો પરિવાર પણ ગજબનો છે. આમ તો સમગ્ર વિશ્વ જ શિવનો પરિવાર ગણાય. ઉમા જેવાં અર્ધાગિની, ગણપતિ અને સ્કંધ જેવા પુત્રો અને પરિવારને ગમતાં પ્રાણીઓ – શિવનાં સર્પ અને નન્દી, પાર્વતીનું વાહન સિંહ, કાર્તિકેયનું મોર અને ગણપતિનું મુષક. આ બધાં પ્રાણીઓ એકબીજાનાં વેરી હોવા છતાં શિવ સદા શાંતિ ધારણ કરીને તપમાં લીન રહે છે.

    શિવે આપણા કલ્યાણ અર્થે જ્યારે એક હજાર વર્ષનું તપ કરેલું ત્યારે તેમની આંખમાંથી જે અશ્રુ ખરી પડ્યું તે રુદ્રાક્ષ [ સંધિ. રુદ્ર + અક્ષિન્ ( આંખ ) ]. રુદ્રાક્ષનાં ચૌદ મૂળ છે. દરેક મુળમાં શિવની શક્તિ સંગ્રહાયલી છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી સાધકની દિવ્ય સાધના સફળ થાય છે.  શિવપૂજા સરળ છે. શિવલીંગ પર જળધારા અને બિલ્વપત્રો ચડાવવાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. ભારતીય પ્રજાએ અનુગ્રહિત થઈને શ્રાવણ માસ શિવનાં પૂજન – અર્ચન ખાતે જ અનામત રાખ્યો છે.

    શિવના પંચાક્ષરી – નમઃ શિવાય – અને ષડાક્ષરી – ૐ નમઃ શિવાય – જાપ માત્રથી શિવસાધના સંપૂર્ણ કરી શકાય છે. શિવરાત્રીનું ખાસ મહત્ત્વ એ છે કે એ રાતે લાખો સૂર્યનું તેજ ધરાવતું લિંગ પેદા થયું હતું. શિવની વિભૂતિ અને વૈદિક યજ્ઞનું ફળ સરખાં છે.  શિવની શ્વેત વિભૂતિ માતૃશક્તિ – ચુલાની અધિષ્ઠાત્રી- નું પ્રતીક છે. શિવની પ્રલયકારી શક્તિ પણ વિભૂતિ રજુ કરે  છે. તે સાથે વિભૂતિ એ સત્ય સ્થાપિત કરે છે કે સમગ્ર જગત સ્મશાન છે. શિવની ચેતના શક્તિ વિના બધું શવ સમાન છે.

    ભગવાન શિવનાં અનેક નામ અને રૂપ છે. આ બધાં સામાન્ય નામ કે ઉપનામ નથી, પણ અધ્યાત્મવાદી ગૂઢાર્થથી અભિપ્રેત છે. જેમકે, મૃત્યુંજય, આશુતોશ, ચડેશ્વર, અર્ધનારીશ્વર, પંચવત્રક, સદ્યોજાત, વિશ્વરૂપ, દિગ્પાદ, ત્રિનેત્ર, કૃતિવાસા, શિનીકંઠ, ખડપરશુ, પ્રમથધિપ, ગંગેશ્વર, પિતામહ, સર્વજ્ઞ, કપાલ, શર્વ, ભવ, ઉગ્ર, રૂદ્ર, ભીમ, પશુપતિ, ઈશાન, મહાદેવ, વામદેવ, અધીર વગેરે.

    શિવના અનેક સંપ્રદાયો છે, જેમાં નાથ, સિદ્ધ, પાશુપાત, વીરશૈવ, લિંગાયત મુખ્ય છે.

    શિવ સત્, ચિત્ અને આનંદમાં આનંદ રૂપે છે. સત્યમ્, શિવમ્, અને સુંદરમ્ એ શિવનું સંપૂર્ણ સ્વરૂપ છે.

    આવા શિવને નમસ્કાર.

    नमः शम्भवाय मयोभवाय नमः शङ्कराय मयस्कराय नमः शिवाय शिवतराय

    કલ્યાણ અને સુખના મૂલ સ્રોત ભગવાન સદાશિવને નમસ્કાર. કલ્યાણને અને સુખને વિસ્તારનારા ભગવાન શિવને નમસ્કાર.


    [1] મયાસુરે રાક્ષસો માટે આકાશ, અંતરિક્ષ અને પૃથ્વી ઉપર બાંધેલાં સોના, ચાંદી અને લોખંડનાં ત્રણ શહેર. પૂર્વે દેવદાનવોને ઘણા કાળ પર્યંત સંગ્રામ થતાં દાનવોનો પરાભવ થયો. ત્યારપછી પોતાના તારક અને વિદ્યુન્માલી નામના બે મિત્રોને જોડે લઈ મયાસુરે લાંબા કાળ સુધી તપ કરીને બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે, સો સો યોજનને અંતરે હું ત્રણ શહેર બાંધી શકું. વળી તે શહેરો ફરતાં ઊડતાં રહી શકે અને દેવોથી તેમ જ બ્રાહ્મણોના શાપથી અભેદ્ય હોય. વખત છે ને મહાદેવના બાણે કરીને કોઈ ભાગનો નાશ થઈ જાય, તોપણ બાકીના ભાગને કશી અડચણ ન આવે એવાં હોય. તથાસ્તુ કહીને બ્રહ્મદેવ સ્વસ્થાને ગયા.

    પછી મયાસુરે પુષ્ય નક્ષત્રને દહાડે લોઢું, રૂપું ને સોનું એમ એક ઉપર એક એમ સરખે અંતરે ત્રણ પુર નિર્માણ કર્યાં અને તારકાસુર, કમલાક્ષ અને વિદ્યુન્માલીને અનુક્રમે તેમનું અધિપતિપણું સોંપ્યું. વળી એ ત્રણ શહેરની પાસે બીજાં કેટલાંક અંતરિક્ષ પુર બનાવી ત્યાં બીજા અસુરોને રહેવાની સોઈ કરી. એ બધાંથી ઊંચા ભાગમાં એક ઘણું દિવ્ય પૂર નિર્માણ કરી તેમાં મયાસૂર પોતે રહ્યો. પહેલાં તો તેઓ આચાર પ્રમાણે વર્તતા હતા, પણ ધીમે ધીમે ઉન્મત્ત બનીને જુલમ કરવા લાગ્યા. તેથી બ્રહ્મદેવની પાસે દેવો ગયા અને બ્રહ્મદેવ બધાને લઈને મહાદેવ પાસે ગયા.

    મહાદેવે એ ઉપરથી પૃથ્વીને રથ કલ્પી બ્રહ્મદેવને સારથિ કલ્પ્યા. બીજા દેવોને જે જે સ્થાને યોજવા હતા તે કલ્પી વિષ્ણુને બાણ કલ્પ્યા. પછી જ્યારે પુષ્ય નક્ષત્ર આવ્યું અને બધાં શહેરો ક્ષણભર સમસૂત્ર સ્થિતિમાં આવ્યાં કે તે ક્ષણ સાધીને મહાદેવે ત્રણે પુરનો નાશ કર્યો. પોતે પરમ નિયમશાળી અને ઈશ્વરોપાસક હોવાથી મયાસુર એકલો બચ્યો. –  સ્ત્રોતઃ ભગવદ્‍ગોમંડળ શબ્દકોશ


    હવે પછીના મણકામાં આપણે પંચદેવોમાંનાં આદ્યાશક્તિની વાત કરીશું


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે

  • ભગતસિંહ અને ગાંધી : કોણ સૌથી લોકપ્રિય?

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    આવતા દિવસો, આપણી સ્વરાજલડત સંદર્ભે એક તબક્કે લગભગ સરખી લોકપ્રિયતાના મોજા પર સવાર હોઈ શકતી બે વિરલ પ્રતિભાઓના જયંતી પર્વના છે: ભગતસિંહ અને ગાંધીજી.

    ૧૯૨૦ની અસહકાર ચળવળ અને ૧૯૩૦ની દાંડીકૂચ સાથે દેશના રાજકીય જીવનમાં ઊપસી રહેલું કેન્દ્રીય વ્યક્તિત્વ સતત તો સ્વાભાવિક જ ગાંધીજીનું હતું. બીજી સંસ્થાઓ નહોતી એમ તો નહીં કહી શકાય, પણ રાષ્ટ્રીય ચળવળનું પ્લેટફોર્મ ત્યારે અલબત્ત કોંગ્રેસ જ કોંગ્રેસ હતું. સન સત્તાવનની ધારા એક રોમહર્ષક ઉઠાવ પછી શમી ગઈ હતી, ને ૧૯૦૫માં બંગભંગ સાથે લાલ-બાલ-પાલ ફરતે લોકજુવાળ બાદ રાજકીય તખ્તે ૧૯૧૫માં ગાંધીપ્રવેશ સાથે એક તરેહના નવજીવનનો ઉન્મેષ વરતાવા લાગ્યો. ૧૯૨૦માં તિલક ગયા: એમની અર્થીને ખભો આપનારા પૈકી ગાંધીજી સર્વથી મોખરે હતા. સ્વતંત્રતાના સાદ સાથે હવે સમતાનો મંત્ર પણ ગુંજવા લાગ્યો.

    દરમ્યાન, ક્રાંતિધારાને નવજીવન મળ્યું તે સાથે ગુંજેલો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો હતો. આ ક્રાંતિધારાનો સ્વાભાવિક જ એવો કોઈ મોટો વ્યાપ હોઈ શકતો નહોતો. એની અપીલ અલબત્ત પ્રભાવક હતી, પણ લોકહિસ્સેદારીનું જે નવું વ્યાકરણ ગાંધીયુગમાં વિકસ્યું એનો આગળ-પાછળ કદાચ કોઈ જ જોટો નહોતો. ૧૯૩૦-૩૧માં ભગતસિંહનો વિરલ ને વિશિષ્ટ પ્રવેશ અલબત્ત એમણે વડી ધારાસભામાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો જે હલકો-ફુલકો બોંબ પ્રયોગ કીધો એને આભારી હતો. અફરાતફરીમાં આઘાપાછા નહીં થતા, કેમ કે અદાલત મારફતે પોતાની ભૂમિકા લોક લગી પહોંચે, એમણે પકડાવું પસંદ કર્યું… જેમ ન પકડાવું તેમ પકડાવું પણ એક ક્રાંતિઘટના હોઈ તો શકે! જે સજા થઈ ભગતસિંહને, એ કંઈ બોંબ ઘટનાને કારણે નહોતી. એમાં તો સોન્ડર્સની હત્યાનું નિમિત્ત હતું. એક ગોરા અફસરને બદલે ભળતો ગોરો અફસર ગોળીએ દેવાયો એ ચર્ચામાં નહીં જતાં અહીં આપણે એટલું જ નોંધીશું કે આ હત્યાનો હેતુ લાલા લાજપતરાય પર સાઈમન કમિશન સામેના વિરોધ સરઘસ દરમ્યાન અંધાધૂંધ લાઠીમારથી આગળ ચાલતાં નીપજેલ મોતનો બદલો લેવાનું હતું.

    આ મુદ્દો જરી પોરો ખાઈને સમજવા જેવો છે. લાજપતરાય કોંગ્રેસ નેતા હતા. એમના રાજકારણના કેટલાક અંશ ભગતસિંહ અને સાથીઓને કંઈક નાપસંદ પણ હતા. પણ રાષ્ટ્રીય ચળવળના એક સન્માન્ય નેતા સાથેના પોલીસ દુર્વર્તાવને કેવી રીતે સાંખી શકાય, એ સવાલ હતો. માટે, ભગતસિંહ ને સાથીઓએ જાન પર ખેલવાનો રસ્તો લીધો. બાકી, ચંદ્રશેખર આઝાદનો દાખલો તો આપણી સામે જ છે. જ્યારે પોલીસથી ઘેરાયા ત્યારે પકડાવાની પળે પોતે મોત વહોરવું પસંદ કર્યું. અહીં આઝાદ અને બિસ્મિલને સંભારીને એક બીજોયે મુદ્દો કરવા જેવો છે. ક્રાંતિકારી પ્રવૃત્તિના ઉત્તરકાળમાં એ બંને ખુલ્લા શાંતિમય પ્રતિકારના વિકલ્પની તરફેણમાં વિચારવા લાગ્યા હતા. કોઈ પલાયની મનોવલણ એની પાછળ નહોતું, પણ સંદેશો લોકમાં સંક્રાન્ત થવો અને એની ફરતે લોકનું ઉદ્યુક્ત થવું એ ચાલના મુખ્ય હતી.

    આરંભે મેં ૧૯૩૦-૩૧ના કેટલાક મહિના ગાંધીજી અને ભગતસિંહની લોકપ્રિયતા સરખેસરખી સરસાઈ પર હતી એમ કહ્યું તે વાસ્તવમાં કોંગ્રેસના અધિકૃત ઈતિહાસકાર પટ્ટાભિ સીતારામૈયાનું વિધાન છે. સરખેસરખી સરસાઈના, ખાસ તો ભગતસિંહને છેડેથી જોતાં જેટલા ટૂંકા એટલા જ તેજતર્રાર ગાળા બાદ સતત સંકળાયેલો એક વિવાદમુદ્દો ગાંધીજી ભગતસિંહને કેમ બચાવી ન શક્યા એ છે. એને અંગે ચર્ચાને અવશ્ય અવકાશ હોઈ શકે, પણ એ માટે ગાંધીજીને નાના કે ક્ષુદ્ર મનના દેખાડવાની ગણતરીથી ઊંચે ઊઠી ઈતિહાસ સમગ્રને જોવો પડે. વાત એ છે કે ગાંધી-અરવિન સમાધાનીને અન્વયે જેમને છોડી મૂકવાના હતા એ સૌ શાંતિમય પ્રતિકાર સર પકડાયેલા હતા. એટલે સમાધાન સમજૂતીનો એક હિસ્સો આ માંગ બની શકે નહીં. સુભાષબાબુ જેવાને લાગતું હતું કે ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવાને મુદ્દે બાજી ફિટાઉસ કરી નાખવી જોઈએ. જોકે, તેમ છતાં, એમણે પણ નોંધ્યું છે કે ગાંધીજીએ પોતાના તરફથી અરવિનને કહેવામાં કોઈ કસર છોડી નહોતી. એમણે એક વહેવારુ મુદ્દા તરીકે એ પણ ધ્યાન દોર્યું હતું કે ભગતસિંહ અંગેની તીવ્ર લોકલાગણીને તમે માન આપશો તો સમાધાની સાથે અપેક્ષિત પરિસ્થિતિને પણ મદદ મળશે. અરવિનની (લોર્ડ હેલિફેક્સની) એ ગાળાની ડાયરી બોલે છે કે અહિંસાના પૂજારીને એક હિંસાના આરાધકને બચાવવાની આટલી બધી શું કામ પડી છે તે મને સમજાતું નથી.

    આંબેડકર ત્યારે મરાઠીમાં ‘જનતા’ પત્ર ચલાવતા. એમણે ફાંસી પ્રકરણની જે ચર્ચા કરી છે તે મરાઠીમાં હોઈ વ્યાપક સમાજનું ધ્યાન એ તરફ ગયું નથી. આનંદ તેલતુંબડેએ તાજેતરનાં વર્ષોમાં એ અંગ્રેજીમાં સુલભ કરી એમાં પ્રધાન મુદ્દો એ છે કે બ્રિટનની તે વખતની સરકાર માટે ઘરઆંગણાના રાષ્ટ્રવાદી ઉછાળ સામે, ચૂંટણીને લક્ષમાં રાખી ભગતસિંહની સજા મોકૂફ રખાવી શક્ય નહોતી. પ્રશ્ન ગાંધી-અરવિનના વશનો નહોતો. હિંદની અંગ્રેજ અફસરશાહી અને બ્રિટનમાં વિરોધમત, એ બે મુખ્ય ચાલક બળ હતાં. ગાંધીજીને છોડવાનું ને મંત્રણા માટે બોલાવવાનું પગલું જ બ્રિટનની સરકારને વિરોધમતની બીકે નામોશીભર્યું લાગતું હતું, અને એમાં જો ભગતસિંહને બક્ષ્યા તો- વસ્તુત: સ્વરાજલડત અને સ્વરાજનિર્માણની દૃષ્ટિએ લોકહિસ્સેદારીનું વ્યાકરણ ને વિજ્ઞાન કેમ વિસ્તરે અને દૃઢમૂળ બને એ પાયાનો પ્રશ્ન છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૫-૦૯– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનમાં ગઝલકાર શ્રી અદમ ટંકારવી સાથે ઉજવાયો ગઝલોત્સવ…

    અહેવાલઃ દેવિકા ધ્રુવ:

    તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ અને શ્રી ફૈયાઝ ખાંધિઆ.

    ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૦મી બેઠક, ૭મી સપ્ટે.૨૦૨૪ને શનિવારે, ઑસ્ટીન પાર્કવે, સ્યુગરલેન્ડના ક્લાઈડ અને નેન્સી કૉન્ફરન્સ સેન્ટર ખાતે યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન હતા યુકે.થી પધારેલ, સુવિખ્યાત ગુજલીશ ગઝલકાર શ્રી અદમ ટંકારવી.

    ગણેશચતુર્થીના તહેવારની ઠેકઠેકાણે ઉજવણી હોવા છતાં  હાજર રહેલા સભ્યોની સંખ્યા નોંધપાત્ર હતી.પ્રણાલિકા મુજબ સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે જરૂરી સૂચનાઓ અને માહિતી આપ્યા બાદ, શ્રીમતી જ્યોત્સના વેદ દ્વારા ગણેશ અને સરસ્વતી વંદનાથી શુભ શરૂઆત કરવામાં આવી. પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ સૌનું સ્વાગત કરી ‘ગણેશચતુર્થી અને સાહિત્ય’ વિષયક પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. તે પછી શ્રીમતી દેવિકા ધ્રુવે સંસ્થાની સ્થાપનાના આ મહિનાની યાદ સાથે, શ્રી અદમભાઈના જન્મદિવસનો મહિનો હોવાની પણ જાણ કરી, તેમનો સાહિત્યિક પરિચય આપ્યો. શ્રી અદમ ટંકારવીના એક કાબિલેદાદ શેર સાથે બેઠકનું વાતાવરણ જમાવતી એક ઝલક રજૂકરી કેઃ

    બાઈબલ
     ખોલું ને સીતા નીકળે
    ખિસ્સામાંથી પણ
     ફરિશ્તા નીકળે.
    ઝેર
     તો બીજું  કોઈ પી ગયું
    ખાલી
     પ્યાલીમાંથી મીરાં નીકળે..

    ડો. કોકિલા પરીખે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ, સભાજનોની તાળીઓના ગડગડાટ અને આવકાર સાથે શ્રી અદમભાઈએ મુશાયરાનો પ્રથમ દોર શરૂ કર્યો.

    આરંભમાં જ શબ્દનો મહિમા વર્ણવતા તેમણે એક પછી એક નામાંકિત ગઝલકારોના શેર દબદબાપૂર્વક રજૂ કર્યા કેઃ  મનોજ ખંડેરિયા કહે છે કે,


    રસમ અહીંની જુદી,નિયમ સાવ નોખા,
    અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.

    અમૃત ઘાયલનો શેર કે

    “શબ્દોની આરપાર જીવ્યો છું, હું ધારદાર જીવ્યો છું.
     આમ ઘાયલ છું અદનો શાયર પણ સર્વથી શાનદાર જીવ્યો છું…

    કવિનો શબ્દ કેવો જાદૂ જેવો હોય છે તેના અનુસંધાનમાં ખલીલ ધનતેજવી, મનહર ચોક્સી, રમેશ પારેખ,શોભિત દેસાઈ વગેરેના ચોટદાર શેર, શ્રોતાઓ મંત્રમુગ્ધ બની સાંભળતાં હતાં. તે પછી આ નમ્ર શાયરે પોતાની ગઝલના શેર પ્રસ્તૂત કર્યા. ઈંગ્લૅંન્ડમાં  ગુજરાતીની સ્થિતિ અંગે કહેતાં જણાવ્યું કે,


    “વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી, જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.
    અને
    તું ગુજરાતીમાં  જો ‘આવો’ કહે છે, તો મારા કાને એક ટહુકો પડે છે.
    તું ગુજરાતીમાં જો વાતો કરે છે, તો તારા હોઠથી ફૂલો ઝરે છે.

    સાદી સીધી બોલચાલની ભાષામાં લખાયેલા તેમના શેર ભાવકોને આનંદ આપતા હતા અને તેમાં પણ આછા હાસ્ય સાથે એમણે સુરતી બોલીમાં, ‘હારુ અંઈ હુરત જેવું ની મલે’ શરૂ કર્યું અને તે પછી રઈશ મનીઆરને યાદ કરી તેમના થોડા જાણીતા શેર અને  અમદાવાદની લાક્ષણિક ખાસિયતોના શેર સંભળાવ્યા ત્યારે તો સભાગૃહમાં હાસ્યનાં મોજાંઓ ફર્યે જતાં હતાં.

    તે પછી બીજો જામ ખોલ્યો જીવન વિશેનો.

    ‘સોમવારે પારણું બંધાય છે,
    બોખાં દાદીમા હરખાય છે’ એવા મત્લાથી ઉઘાડ કરી મંગળ,બુધ,ગુરુ,શુક્રવારના શેરો સંભળાવી  શનિ-રવિવાર વિષે કહ્યું કે:

    થાક લાગે છે શનિવારે બહું,
    ને કબરમાં ટાંટિયા લંબાય છે.
    હા રવિવારે તો છુટ્ટી પાળીએ,
    ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે.

    જીંદગીની કેટલી મોટી વાસ્તવિકતા સહજ રીતે સમજાવી દીધી. જીંદગીના રસ્તાને ‘ઘરથી કબર સુધી’ કહેનાર’ બેફામ’ સાહેબને પણ યાદ કરી જ લીધા તો સાથે સાથે વાતાવરણમાં જરાયે ભાર ન રહે તે આશયથી તરત જ સિફતપૂર્વક, મુંબઈના મુશાયરાની વાતો તરફ વળ્યા. જ્યોતિન્દ્ર દવેની રમૂજભરી પંક્તિઓને રસિક રીતે પ્રસ્તુત કરી. તે પછી વરસાદ, દિલ વગેરે ગઝલકારોના મનગમતા વિષયો છેડ્યા. રમેશ પારેખ, કૃષ્ણ દવે, રાજેન્દ્ર શુક્લ, મરીઝ, મુકુલ ચોક્સી, જલન માતરી, સૈફ પાલનપુરી, આદિલ મનસુરી વગેરે શાયરોના શેર મસ્તીથી રજૂ કર્યા. અમેરિકન અનુભૂતિ વિશે તેમણે  ન્યૂયોર્કના પટેલો અને મોટેલોના વિસ્તારની,જનરેશન ગૅપની અને બે સંસ્કૃતિઓની મથામણની ઝલક દર્શાવતા શેર સંભળાવ્યા.

    ભલે યુકે.માં વસીએ અમે,
    પણ અવળચંડા એવા અમે
    હશે ડોરબૅલ તોયે બારણાં
    ખટખટાવીએ છીએ અમે.

    મઝાના આ પ્રથમ દોર પછી સ્થાનિક ૩-૪ સર્જકોએ પોતપોતાની એક કૃતિ રજૂ કરી. શ્રી પ્રકાશ મજમુદારે મરીઝની એક ગઝલ ગાઈ સંભળાવી. સૈદભાઈ પઠાણે  ‘મેરા ભારત’ની એક રચના હિન્દીમાં પ્રસ્તુત કરી. સંસ્થાના સ્થાપક શ્રી દીપક ભટ્ટે અદમ ટંકારવીની ગઝલનો આસ્વાદ ગુર્જરીમાં પ્રકાશિત થયેલ છે તેની જાણ કરી. દેવિકા ધ્રુવે અદમ ટંકારવીની એક ખૂબ જૂની ગઝલ ‘બાગમા ક્યાં હવે મળે છે સનમ’ની સામે લખેલ પ્રતિગઝલ અને કેટલાક સ્વરચિત શેર રજૂ કર્યા.

     થોડી મિનિટો પછી તરત જ ફરી પાછો બીજો દોર અદમભાઈએ  મરીઝના શેરથી શરૂ કર્યો કે,

    “ઘણાં વર્ષો પછી આવ્યાં છો એનો એ પુરાવો છે.
    જે મહેંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી.”

    એની સાથે કેટલીક લાગણીની, હૃદયની,પ્રેમની અને જીવનની ગઝલોની વાત કરી જેમાં શ્યામ સાધુ, ર.પા. અને મરીઝ વગેરેને વારંવાર યાદ કરી અદમભાઈએ હઝલો સંભળાવી. પોતાની ગુજલીશ ગઝલો,ભાષાભવનની ગઝલ,હ્યુસ્ટનમાં લખાયેલ ગઝલ વગેરેના જામ અવનવી ઢબે ઉઘડતા ગયા અને શ્રોતાજનોનો કેફ વધારતા રહ્યા. આ રહ્યા તેમાંના કેટલાક ઘૂંટઃ

    છે તોર એનો એવો કોઈની પડી નથી.
    ગામમાં જાણે કે બીજી છોકરી નથી.
    એને તેં એટલી તો ફટવી દીધી ‘અદમ’,
     ગઝલ કોઈને હવે ગાંઠતી નથી.

    અમથી અમથી ‘હોપ’લઈ બેસી રહો
    મોંમાં લૉલિપૉપ લઈ બેસી રહો.

    ગુર્જરીના કોડ પૂરા થઈ ગયા,
    લ્યો ગઝલના હાથ પીળા થઈ ગયા.

    એના પાયામાં પડી બારાખડી
    ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી
    એક તત્સમ બારણું પ્રવેશનું
    સાત ક્રિયાપદની બારી ઊઘડી.

    સમય સરતો જતો હતો. સાંજના ૪.૧૫ વાગ્યાથી શરૂ થયેલ મુશાયરામાં ક્યાં ૭ વાગી ગયા, ખબર પણ ન પડી.

    જુદાજુદા ઘણા વિષયોને આવરી લેતા, ટૂંકી બહેરના શેર થકી, અદમભાઈ સૌના મનમાં અમીટ છાપ મૂકતા ગયા. ગઝલ અને હઝલની વચ્ચે એક વિશાળ વ્યાપ ખોલી ગયા. તેમની ગઝલોમાં તેમના સ્વભાવ જેટલી સાદગી અને સરળતા. શબ્દો સ્વાભાવિકપણે સાવ બોલચાલની ભાષાના. તેમ છતાં ભાવો અને અર્થોમાં ઊંચાઈ અને ઊંડાણ સ્પર્શી ગયાં. ડાયસ્પોરિક સંવેદનાઓને સ્મિતની પીંછીથી સજાવેલ આ કાર્યક્રમ કલાત્મક બની રહ્યો. અદમભાઈના કવિકર્મને, સતત કંઠસ્થ રજૂઆતને અને યાદશક્તિને સલામ.

    સમાપનમાં આભારવિધિ, અન્ય ઔપચારિક વિધિ અને અસ્સલ ગુજરાતી ભોજન પછી સૌ ભાઈબહેન આ મજેદાર મુશાયરાની ઘેરી અસર પામી છૂટાં પડ્યાં..ભોજન સ્પૉન્સર કરનાર શ્રી હસમુખ દોશી અને સ્વ.નવીન બેંકરની સ્મૃતિમાં, બેંકર પરિવાર તરફ્થી અનુદાન કરનાર દેવિકા ધ્રુવ અને ડો.કોકિલા પરીખ હતાં. આમંત્રિત મહેમાન ગઝલકારના યજમાન બનેલ શ્રી ફૈયાઝ ખાંધિઆને સલામ.

    ૨૬૦મી આ બેઠક યાદગાર બની રહેશે.

    અસ્તુ.


    Devika Dhruva.

    ddhruva1948@yahoo.com

  • જૂઇ

    લતાબહેન હિરાણી જાણીતાં સાહિત્યકાર અને આકાશવાણી – દૂરદર્શન કલાકાર છે. ‘દિવ્ય ભાસ્કર’નાં તેઓ ૨૦૦૭ પધ્ય અને ગદ્ય સાહિતયનાં કોલમિસ્ટ છે. તે ઉપરાંત તેઓ ‘વિશ્વા’ સામયિક   અને  કાવ્યવિશ્વ.કોમ નામની સંપૂર્ણપણે કવિતાને વરેલી વેબસાઇટનાં સંપાદક પણ છે. બે વાર્તાસંગ્રહો અને એક નવલકથા સહિત કુલ તેમનાં ૨૩ પુસ્તકો પ્રકાશિત થયાં છે.

    વેબ ગુર્જરી પર તેમની વાર્તાઓ નિયમિતપણે પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ વેબ ગુર્જરી લતાબહેન હિરાણીનો આભાર માને છે.

    સંપાદક મંડળ – વેબ ગુર્જરી વતી,

    રાજુલ કૌશિક, ગદ્ય વિભાગનાં સંપાદક


    લતા હિરાણી

     

    સાંજ હજી આથમી નહોતી. એના ઉપર દિવસનો બોજ અને રાતના ઊતરતા ઓળા લદાયેલા હતા. વાતાવરણમાં ઊડતી ધૂળનું ઘટ્ટ પડ થાકેલી સાંજને વેરવિખેર કરી મુકતું હતું. મેદાનમાં છુટ્ટાંછવાયાં ચારપાંચ વૃક્ષો એનાં ફિક્કાં, પીળાં પાંદડા સાથે જાણે ઢળી પડવાની તૈયારી કરતાં હતાં. ક્યારેક વાયરાની લહેરખીમાં એની બે ચાર ડાળીઓ આમ તેમ ઝૂલી અસ્તિત્વની એંધાણી આપી જતી હતી.

    સરુ રાહતકેમ્પના પતરાંના દરવાજાને અઢેલીને ઊભી હતી. થાકેલી સાંજ એની કોરીધાકોર આંખોમાં લિંપાઈ ગઇ હતી. હોઠ સુક્કા ભટ્ઠ થઈ ગયા હતા અને ચામડી તરડાઈ ગઈ હતી. એ ભાગ્યે જ કોઈની સાથે વાત કરતી. બોલતી વખતે એનું ગળું તરડાઈ જતું હતું. એને થતું કે જાણે ગળામાંથી ભીનાશ સદાને માટે સુકાઈ ગઈ છે.

    આ રાહતકેમ્પમાં આવ્યે એને છએક મહિના થવા આવ્યા હતા. કેમ્પના વ્યવસ્થાપકોનું કહેવાનું હતું કે હવે બહુ બહુ તો એકાદ-બે મહિના આ સગવડ ચાલુ રહેશે પછી સૌએ પોતપોતાની વ્યવસ્થા કરી લેવી પડશે.

    સરુ વિચાર કરતી હતી કે એ ક્યાં જશે ? એને ખબર નહોતી. શહેરમાં થયેલા કોમી હુલ્લડોમાં એનું સર્વસ્વ હોમાઈ ગયું હતું. એનું ભાડાનું ઘર સળગીને રાખ થઈ ગયું હતું. એણે સાંભળ્યું હતું કે એ આખો વિસ્તાર બીજા લોકોએ કબજે કરી લીધો છે એટલે હવે ત્યાં જવા જેવું રહ્યું નહોતું. આમ જુઓ તો શહેરમાં પરિસ્થિતિ એકંદરે શાંત થઈ હતી પરંતુ રાહત કેમ્પમાં રહેતા માનવીઓ હજી ફફડતા હતા. એમના માટે આ શાંતિ એક છળ હતી. એમની ઉપર જે વીત્યું હતું એની અસર ક્યારે ઓસરે ?

    ચાર મહિના ! આખી જિંદગી કરતાં ક્યાંય લાંબો સમય ! રોજ સવારે આંખ ખુલતાંની સાથે એના હૈયામાં ઝીણું ઝીણું કોર્યા કરતી એક ધારદાર વલોણી ફરવા માંડતી. સાંજ થતાં થતાં એના ચુરેચુરા થઈ જતા.

    ———————-

     એની નજર સામે ભુતકાળ તરવરી ઊઠ્યો જ્યારે એ સંજયની સાથે પહેલાં સ્નેહની અને પછી લગ્નની ગાંઠે બંધાઈ હતી. મા-બાપ વગરના સંજયને ઉછેરવાની જવાબદારી કાકા-કાકીએ અનિચ્છાએ નિભાવી હતી. અનાથ સરુને પરણવાની સંજયની વાત સાંભળતાં જ એમને રહ્યોસહ્યો ભાર ખંખેરી નાખવાની તક મળી હતી. લગ્ન પછી સરુ અને સંજયને પરસ્પરને સાચવવા સિવાય વિશેષ પળોજણ નહોતી..

    નાનકડું ઘર, આભ ભરીને સપનાં અને દરિયા જેવું વહાલ – આ હતી એમના સંસારની શરુઆત.

    સરુને એનું ઘર બહુ ગમતું. એમાંય વરંડા પાસે કમાનાકારે ફેલાયેલી જૂઈ એને બહુ વહાલી હતી. ઘરના કામકાજમાંથી એ જલ્દી પરવારી જતી અને જૂઈ સાથે વાતોએ વળગતી,

    ’તું આવી નાજુક કેમ છો? સુંદર ખરી પણ જરા સરખો વંટોળ ન ખમી શકે ! કંઈ નહીં, હું તને સાચવીશ. તું રોજ તારાં ઝીણાં ઝીણાં સુગંધી શ્વેત ફૂલોથી મારું હૈયું ભરી દે છે ને !’ પછી પોતાની એકલ વાણીથી એ હસી પડતી.

    સરુને એનાં લીલાંછમ પાંદડામાંથી પણ ફૂલોની સુગંધ આવતી. ક્યારેક એ એના ક્યારામાંથી મુટ્ઠીભર માટી લઈને નહાતી વખતે પોતાના અંગો પર ચોળતી અને સંજયને કહેતી, ’જોજે હવે કાલે હું ફૂલોથી લચી પડવાની.’ રાત આખી સંજય જૂઈની સુગંધના નશામાં તરબતર રહેતો.

    સરુ જૂઈ સાથે એટલી પરોવાતી જતી હતી કે સંજય ક્યારેક આ બાબતે નારાજ પણ થતો. ‘આટલી બધી માયા સારી નહીં સરુ, આ તો વેલ છે. ક્યારેક સુકાઈ જાય કે વંટોળમાં તૂટી યે પડે.’

    ’તું મને નહીં સાચવે?’ સરુ લાગલું જ પૂછી બેસતી.

    ’મજાલ છે કોઈની કે તને કશું કરી શકે !’ સંજય એને વીંટળાઈ વળતો.

    ——

    સરુ એકલી અટૂલી ઊભી હતી. સાંજનું ભોજન પતાવી કેમ્પમાં પોતપોતાના ખૂણે સૌ ઢબુરાવા લાગ્યા હતા. શિયાળાની ક્ડકડતી ઠંડીના દિવસો અને સુસવાટા મારતો પવન….. સરુનાં તન મનમાં અંધારું તરફડી ઉઠ્યું. એને થયું આ અંધારાનો અજગર એને ગળી જાય તો સારું. આમ ફફડતા કકળતા રહેવાના દિવસો તો પૂરા થાય ! ક્યાંકથી બાળકના રુદનનો અવાજ આવ્યો અને એના પેટમાં ધ્રાસ્કો પડી ગયો. એણે પોતાના પેટ તરફ જોયું; હાથ ફેરવ્યો અને એક ધ્રાસ્કો આખા શરીરમાં ફરી વળ્યો. એ કંઈ જ કરી શકતી નહોતી. ટુંટિયું વાળીને એ બેસી પડી અને હીબકે ચડી ગઈ.

    ક્યારેક એ આમ જ હીબકે ચડી જતી. સંજય કશું જ બોલ્યા વગર આંગળીઓથી એની પીઠ પસવાર્યા કરતો. એના સ્પર્શમાંથી વરસતો સ્નેહ સરુને છલકાવી દેતો અને એને રાહત થઈ જતી. હળવે હળવે એનું રુદન શમી જતું.

    સંજય પાસે સરુ પર ક્યારેક ફરી વળતા આ પૂરને રોકવાનો કોઈ ઉપાય નહોતો. લગ્નને સાત વર્ષ વીતી ચુક્યા હતા. અનેક ડૉકટરોને તેઓ બતાવી ચુક્યા હતા. દરેકનો જવાબ એક જ હતો, સંજય સરુને સંતાન આપી શકે એમ નહોતો. સંજય વિવશતાથી સરુના જીવનને રણ બનતું જોઈ રહેતો. આમ તો સરુ બહુ સંયમથી વર્તતી. મોટે ભાગે એ આનંદમાં જ રહેતી.

    ’આ ઘરમાં કેટલા મધુર સ્વરો જનમ્યા કરે છે…. આપણી આગળ પાછળ સતત નૃત્ય કર્યા કરે છે. આ સહુ આપણાં બાળકો જ છે ને ! એક નહીં અનેક, સુંદર, કોમળ, નટખટ, મધુરાં…. ‘

    ’હા, તારાં જેવાં….’

    એમણે ઘરની ફરતે જતનપૂર્વક નાનકડો સુંદર બગીચો બનાવ્યો હતો. પાનખરની મૃદુ બપોરે એ સંજયને બગીચાના હીંચકા પર ખેંચી જતી. બંને ઉપર ઝીણાંમોટાં સુક્કા સોનેરી પાંદડા વરસતાં અને એ સંજયને જૌનપુરી રાગ છેડવા કહેતી,

    ’સંજુ, આ બધાં સોનેરી પર્ણો લીલાંછમ્મ થઈ જશે તારા સ્વરોથી’

    સંજયના હૈયા પરથી સાત સાત નિ:સંતાન વર્ષોનો ભાર ઊતરતો નહીં

    ‘પર્ણોને સોનેરી જ રહેવા દે સરુ, તારા લીલપના સ્વપ્નને મારો સાથ ક્યાં ફળવાનો ?’

    જોકે સરુ પળવારમાં પોતાના તોફાનોથી સંજયનો વિષાદ ખંખેરી નાખતી. વાતાવરણમાં પંચમના સ્વરો ખીલી ઉઠતા. સાગરના ગર્જન જેવો સંજયનો ખરજનો ઘેરો સ્વર સરુના અસ્તિત્વને હર્યુંભર્યું બનાવી દેતો.

    સરુ એકલી હોય ત્યારે પણ હીંચકે ઝૂલ્યા કરતી. સાંજનો કૂણો તડકો પાંદડામાંથી એના પર પ્રસરતો અને એને થતું એ ગર્ભવતી થઈ ગઈ છે. એના પેટમાં એક મીઠો મધુરો સૂર ફરકી રહ્યો છે. એ હાથ પગ ઉછાળે છે. એની સાથે ગોઠડી કરે છે, જન્મવા માટે કેવો અધીરો થઈ ગયો છે ! હાથ પેટ પર ફરવા માંડતો અને હોઠેથી સરવા માંડતું એકાદ ગીત…

    ——————

     એ તંદ્રામાંથી જાગી ગઈ. અહીં તો સોપો પડી ગયો હતો. વાતવરણમાં ડરામણી નીરવતા છવાઈ ગઈ હતી. અંધારું એક અજ્ઞાત ભય સાથે ફરી વળ્યું હતું. અચાનક એને દૂરથી એક ઓળો આ તરફ આવતો હોય એમ લાગ્યું. એ ડરની મારી થીજી ગઈ. ઊભી થવા ગઈ પણ હલી શકી નહીં. ખસવા ગઈ પણ કાયા જાણે પોટલું હોય એમ માંડ માંડ પોતાનું સમતોલન જાળવી શકી. એના પગ પેલી જૂઈની જેમ જમીનમાં ખોડાઈ ગયા. એ પરસેવે રેબઝેબ થઈ ગઈ. પેલો ઓળો આ તરફ આવી રહ્યો હતો. થોડો નજીક આવ્યો અને બીજી દિશામાં વળી ગયો. સરુના જીવમાં જીવ આવ્યો.

     —————-

    એ દિવસે સવારે વંટોળ આવ્યો હતો. ઘરની બાજુમાં આવેલી વસાહતોનાં ઝૂંપડા પરથી છાપરાં ઉડ્યાં હતાં. એની પ્યારી જૂઈ આંગણમાં ઢળી પડી હતી. એનાં ફૂલો અને પાંદડાં જમીન પર વેરવિખેર થઇ પથરાઈ ગયા હતા. બપોર થતાં કંઈ કેટલીયે અફવાઓ ફેલાવા માંડી હતી. લોકોના ઘરના દરવાજા ટપોટપ બંધ અને સહુ કેદમાં…

    સરુ અને સંજય ભય અને આશંકા સાથે ઘરમાં પુરાઈ ગયા હતા. આખો દિવસ એમ જ ભારેખમ વિત્યો. રાતનું અંધારું પૂરેપુરું ઢળે એ પહેલાં એમનો દરવાજો ખખડ્યો. બેઉ ધ્રુજી ઉઠ્યાં. કોણ છે, પૂછવાની જરુર ન પડી. બહારથી ચિચિયારીઓના ધગધગતા અવાજ દીવાલ વીંધી એમના કાનમાં રેડાવા લાગ્યા.

    એ લોકોએ બારણું ખુલવાની રાહ ન જોઈ. તોડી નાખ્યું. ચાર પાંચ મવાલીઓ હતા. એમાંનો એક સંજયને આંગણામાં ખેંચી ગયો. એક બે કાકલુદી…. અને તૂટી પડેલી જૂઈના સફેદ ફૂલો લાલ રંગે રંગાઈ ગયા.

    સરુની ચીસો પડોશીઓના બહેરા કાને અથડાતી હતી પરંતુ સૌને પોતાના જીવની ચિંતા હતી. કોણ કોને બચાવે ?

    આ ભયાનક ખેલનો બીજો ભાગ પણ બહુ જલદી ભજવાઈ ગયો. રાક્ષસી પગલાં આગળ વધ્યા. એક મવાલીએ પિશાચી હાસ્ય કરતાં ઘરમાં લૂંટ શરુ કરી. હાથમાં ખાસ કંઈ આવે એવું એને લાગ્યું નહીં. એણે આડીઅવળી તોડફોડ શરુ કરી. સરુએ કાળજીપૂર્વક ગોઠવેલી સિતારના તાર એણે એકીઝાટકે તોડી નાખ્યા. બીજા રાક્ષસો આક્રંદ કરી રહેલી સરુ તરફ આગળ વધ્યા. સરુ લુંટાઈ ગઈ, રોળાઈ ગઈ. જ્યાં સંગીતના રાગરાગિણીઓ નૃત્ય કરતા રહેતા ત્યાં નરાધમોની પાશવી લીલા વરવા સ્વરુપે નાચી રહી. સરુ બેહોશ થઈ ગઈ. કોણ એને ઉપાડી કેમ્પમાં મુકી ગયું એને ખબર જ નહોતી.

    સુખની સ્મૃતિ દરિયાના ફીણની જેમ શમી જતી હોય છે જ્યારે પીડાની પળો પથ્થર બની માનવીને ખરલમાં ઘુંટ્યા જ કરતી હોય છે. કેમ્પમાં આવ્યા પછી શરુઆતમાં એનું અનરાધાર રુદન શમતું જ નહોતું. બીજા લોકો એને આશ્વાસન આપતા પણ એની પીડા કેમ ઓછી થાય ? કેમ્પમાં આવનાર દરેક વ્યક્તિ પોતાની સાથે ઊંચકી ન શકાય એવડું પીડાનું પોટલું લઈને આવી હતી. સૌને એકબીજાની કરુણ કથા સાંભળવાનું એક જ કામ અહીં હતું.

    …………………

     એક દિવસ મોડી સાંજે.. સરુ કેમ્પમાંથી બહાર નીકળી એક ખૂણો શોધી બેસી ગઈ. એના પેટમાં ગર્ભ ફરકી રહ્યો હતો. એણે પૂરી તાકાતથી પોતાનું પેટ મસળવાનું શરુ કર્યું.  જોરજોરથી મુક્કીઓ મારવા લાગી. ખાસ્સી વાર સુધી તે આમ કરતી રહી. આખરે તનમનની પીડા નહીં ખમાતાં રુદન ચીસ થઈને ફૂટ્યું.

    સામે જ એક બીજો રાહત કેમ્પ હતો. એમાંથી એક સ્ત્રી દોડતી દોડતી આવી. સરુના હાથ પકડી લીધા અને ચુપચાપ એની બાજુમાં બેસી ગઈ. ઘણીવાર સુધી એ કંઈ બોલ્યા વગર સરુના ચહેરા પર, માથા પર, બરડા પર હાથ ફેરવતી રહી. સરુ એના ખોળામાં ઢળી પડી. એણે ધોધમાર રડી લીધું. પેલી સ્ત્રીએ અત્યંત કોમળતાથી સરુના પેટ પર હાથ ફેરવવાનો શરુ કર્યો. સરુની આંખો પોતાના પેટ તરફ તાકી રહી. ઠંડો પવન ફૂંકાયો. સરુએ એકદમ પોતાનું પેટ પાલવથી ઢાંકી દીધું અને પેલી સ્ત્રીએ રાહતનો શ્વાસ ખેંચ્યો. નીચા નમીને એણે સરુના પેટને વહાલથી ચુંબન કર્યું.

    બંનેનો મળવાનો હવે રોજનો ક્રમ થઈ ગયો હતો. સાંજે સરુ પોતાના કેમ્પમાંથી બહાર આવતી. એ જ સમયગાળામાં પેલી સ્ત્રી પણ એની પાસે આવતી. શરુઆતમાં બંનેનાં ડુસકાંઓ સમાંતર ચાલ્યાં કરતાં. ક્યારેક પેલી સ્ત્રીની નજર ચારે બાજુ કંઈક શોધ્યા કરતી. સરુને એની નજરમાં ઘણીવાર ભય દેખાતો. એવે સમયે સરુ એનો હાથ પકડી લેતી. આંગળીઓ પરસ્પર ભિડાઈ જતી અને બંન્નેના હૈયામાં જીવનનો એક નવો સૂર જાગી ઉઠતો.

    સરુની નજર જમીન ખોતરી રહી હતી. એની આંખો કદાચ પોતાની પિંખાયેલી, ભાંગીને ભુક્કો થઈ ગયેલી જિંદગીનો એકાદ ટુકડો શોધી રહી હતી. બંને લગભગ સમવયસ્ક હતાં બંને વચ્ચે મૌન તુટ્યું. પેલી સ્ત્રીએ પૂછ્યું.

    ’તારું નામ શું છે?’

    ’સરુ. તારું ?’

    ’તને બહુ ગમે એવું શું?’

    ’ફૂલો અને સંગીત…’

    ’મારું નામ ચંપા.’

    સવાલ ઉઠ્યો અને શમી ગયો. સરુને કંઈ જાણવાની જરુર ન લાગી.

    કદીક ચંપા એને માટે કશુંક ખાવાનું લઈને આવતી. રાહતકેમ્પમાં સેવાભાવી સંસ્થાઓમાંથી લોકો ખાવાપીવાનું કે જરૂરી ચીજવસ્તુઓ આપવા આવતા. સરુના કેમ્પમાં પણ આ બધું આવ્યા કરતું પરંતુ પથારી પાસે મુકેલી ચીજ તરફ સરુ ભાગ્યે જ નજર કરતી.

    એક વખત બપોરના સમયે ચંપા દોડતી દોડતી આવી, સરુની પાસે ઊભી રહી ગઈ. સરુ એની સામે પ્રશ્નસુચક નજરે જોઈ રહી. ચંપાના ચહેરા પર હાસ્ય ફૂટુંફૂટું થતું હતું. એ બે ચાર પળથી વધારે સંયમ રાખી શકી નહીં. એણે કહ્યું,

    ’આંખ બંધ કર જોઉં !’

    સરુએ બંધ આંખ ખોલી ત્યારે એને એક નાનકડા અરીસામાં પોતાનો ચહેરો દેખાયો. સુકાઈ ગયેલો અને નિસ્તેજ. તોયે એના હોઠ પર હળવું સ્મિત રેલાઈ ગયું. ચંપા સરુની પીઠ પાછળ બેસી ગઈ. કાંસકો લઈને એણે સરુના વાળ ઓળ્યા કર્યા. એના આંગળા સરુના વાળમાં ફરતાં જ રહ્યાં. બાજુવાળા માજી બોલ્યાં ત્યારે બંનેની ભાવસમાધિ તૂટી.

    ’અલી બાઈઓ, ખાવાનું તો લઈ આવો. ભુખ્યાં રહી જશો.’

    ————————-       

     ’છ મહિના થવા આવ્યા.’ ચંપા બોલી.

    સરુ ચુપ રહી..

    ‘હજી એકાદ મહિનો કેમ્પ ચાલુ રહેશે.’

    સરુની નજર અંધારાને કાપતી રહી.

    ‘તું ચિંતા ન કર. હું બધું સંભાળી લઈશ.’ ચંપા બોલ્યે જતી હતી.

    ’પણ મારે નથી જોઈતું.’ સરુ પગથી માથા સુધી ખળભળી ગઈ.’

    ’હવે મોડું થઈ ગયું છે.’ ચંપાએ હળવેથી સરુને ઊભી કરી. પથારી સુધી લઈ જઈને એને સુવડાવી દીધી. સરુને જરાસરખું આશ્વાસન આપવાની હોઠ સુધી આવી ગયેલી ઇચ્છાને ચંપા બળપૂર્વક ગળી ગઈ. એની ધુંધળી આંખો પાછી વળી ગઈ.

    થોડા દિવસો પછી અચાનક ચંપા અદૃશ્ય થઈ ગઈ. રોજ સાંજે સરુ એને શોધ્યા કરતી પણ એ દેખાતી નહીં. સરુના મનમાં પ્રશ્નોનો પહાડ ખડકાયે જતો હતો. કેટલીયે વાર એ સામેના કેમ્પમાં આંટો મારી આવી. એણે ક્યારેય ચંપાને એના નામથી વિશેષ પૂછ્યું નહોતું. એ પોતાના ઉપર ધુંધવાઈ ઉઠી. પીડાના આવડા મોટા મહાસાગરમાં ચંપા એકમાત્ર રાહતનો ટાપુ હતી. બળબળતા ધોમધખતા રણમાં એ એક તો ઠરવાનું ઠેકાણું હતી ! અને પોતે કેવી મૂર્ખ !! ના, મહામૂર્ખ. કદી એના વિશે કાંઈ જાણ્યું જ નહીં હવે એ કોઈને પૂછે તો શું પૂછે ? એની તપાસ કરે તો કેમ કરે ??

    ચંપા પાછી નહીં આવે તો શું થશે ? પોતે શું કરશે ? કેમ્પ છોડ્યા પછી ક્યાં જવું એ વિશે ચંપા સાથે કદી વાત નહોતી થઈ અને છતાં યે જેમ માના ભરોસે બાળક રહેતું હોય તેમ કશું કહ્યા-પૂછ્યા વગર અજાણપણે તે એના ભરોસે બધું છોડીને બેઠી હતી.

    એની આંખે અંધારા આવી જતાં હતાં. એને થતું કે કોઈએ એનો રહ્યોસહ્યો આધાર પણ ઝુંટવી લીધો છે એ ખાધાપીધા વગર સુનમુન પડી રહેતી. સાંજ ઢળતી અને એના મનમાં આશાનો ઝબકારો થતો, ચાલ બહાર જાઉં, ચંપા આજે તો આવી હશે ને ! કલાકો વિતાવી નિરાશ થઈ લથડતા પગે એ પાછી અંદર આવતી.

    ચંપાના અદૃશ્ય થયે સાતેક દિવસ થયા હતા પણ સરુ જાણે જંગ હારી ગઈ હતી. આજે એણે નક્કી કર્યું હતું કે એ બહાર જશે નહીં. જો કે સાંજ પડતાં એનાથી રહેવાયું નહીં. શરીરમાંથી ઓસરી ગયેલી તાકાત ફરી એકઠી કરી એ દરવાજા સુધી પહોંચી. બહાર થોડી ચહલપહલ હતી. જેની શોધ હતી એ ચહેરો ક્યાંય કળાતો નહોતો. એકબાજુ જઇને એ એવી રીતે બેસી ગઈ જાણે ચંપા આવે નહીં ત્યાં સુધી એ ત્યાંથી ઉઠશે નહીં.

    અંધારું વધતું ગયું. કોઇક સામેથી આવી રહ્યું હતું. સરુની આંખોમાં કેટલા લાંબા સમયે જીવન પ્રગટ્યું. એના રોમેરોમમાં ચેતનાનો સંચાર થયો. એ એની ચાલથી પરિચિત હતી. સરુ ઊભી થઈને દોડી. બેઉ ભેટી પડ્યાં. ચંપાના તનમનમાંથી વહેતી શક્તિનો પ્રવાહ સરુનું શરીર ઝીલી રહ્યું. એણે ક્યાંય સુધી ચંપાને પોતાના ધ્રુસ્કાઓથી નવડાવ્યે રાખી.

    ચંપાએ હળવેથી એનો હાથ પકડીને કહ્યું ‘ચાલ’

    સરુ ઝબકી ગઇ – ‘તું ક્યાં જતી રહી હતી ?’

    ’કંઈ પૂછવાની જરુર નથી. તને બધી જ ખબર પડશે. ચાલ મારી સાથે.’

    સરુના પગમાં તાકાત આવી ગઈ. ચંપા એને કેમ્પમાં ખેંચી ગઈ. સરુની પથારીની આજુબાજુ રહેલાં એનાં કપડાં અને ચીજવસ્તુઓ એણે એકઠી કરવા માંડી.

    ’શું કરે છે તું ?’

    ’આપણે જવાનું છે.’

    ’ક્યાં ?’

    ’તારે શું કામ છે ? હું જ્યાં લઈ જઉં ત્યાં તારે આવવાનું !!’

    પ્રેમ એકીસાથે એકને અધિકાર અને બીજાને સમર્પણ કેવી રીતે આપી દેતો હશે !!

    ચંપાએ થાળી-વાડકો બહાર રાખી બાકીની ચીજવસ્તુઓનું પોટલું વાળી લીધું. સરુ એની સામે વિસ્મય અને વિશ્વાસથી જોઈ રહી.

    ’ચાલ હવે આપણે જમી લઈએ.’

    એ જઇને ખાવાનું લઈ આવી અને બંને વચ્ચે થાળી મુકી દીધી..

    ’લે હવે, જોઈ શું રહી છો ? ખાવા માંડ.’

    ચંપા એક પછી એક હુકમો છોડ્યે જતી હતી અને સરુ ડાહી દીકરીની જેમ ચુપચાપ એનું પાલન કર્યે જતી હતી. બંને એક થાળીમાં જમ્યાં. સરુને કંઈ સમજ પડતી નહોતી કે ચંપા શું કરવા માગે છે. જમ્યા પછી ચંપા થાળીવાડકો માંજી આવી.

    ’હવે તું સુઈ જા. આપણે સવારે અહીંથી નીકળી જઈશું.’

    સરુની આંખમાં નર્યું કુતુહલ ભરાઈ ગયું.

    ચંપા સમજી ગઈ. ‘ચાલ આજે હું અહીં જ સુઈ જાઉં છું.’ સરુ બાળકની જેમ એને વળગી પડી. બેઉ ઘસઘસાટ ઊંઘી ગયાં.

    પરોઢના વાયરાએ પ્રથમ ચંપાને જગાડી. હળવેથી સરુના હાથને છોડાવી એ ઊભી થઇ. આજુબાજુ નજર કરી. હજી બધાં ગાઢ નિંદ્રામાં હતાં. એણે સરુને જગાડી.

    ’ઊઠ જલ્દી. બધાં જાગશે પછી વળી પૂછાપૂછ થશે. એ પહેલાં આપણે નીકળી જઈએ.’

    સરુ ઊભી થઈ. એણે એક નજર નાખી. છેલ્લા છ મહિનાથી ઘર બની ચુકેલા કેમ્પ પર. બીજી નજર ગઈ પોતાના પેટ પર.

    ’આનું કેમ કરશું ?’

    ’એના માટે બધી વ્યવસ્થા કરીને આવી છું.’

    ’શું?’ સરુની આંખમાં ચિંતા ડોકાણી.

    ’તું ચાલ તો ખરી !

    ફૂટુંફૂટું થતાં સૂર્યનાં કિરણોએ બંનેના પગમાં શક્તિ ભરી દીધી. અર્ધોએક કલાક ચાલ્યા પછી એક ચાલી જેવો વિસ્તાર આવ્યો. ચંપા એને અંદર દોરી ગઈ. એક ઓરડી પાસે ચંપા અટકી. કેડે ખોસેલી ચાવી કાઢી તાળું ખોલ્યું. ચાલીના પાછળના ભાગમાં કોઈ સ્ત્રી મીઠા અવાજમાં ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા..’ પ્રભાતિયું ગાતી હતી.

    બાજુની ઓરડીનું બારણું ખુલ્યું. એક સ્ત્રી તુલસીક્યારે મુકવા માટે હાથમાં દીવો લઈને બહાર નીકળી. એની નજર આ બંને પર પડી અને ખુશ થતાં બોલી ઉઠી.

    ’સારું થયું ઝરીન, તું પાછી આવી ગઈ. મને તારા વિના ગોઠતું નહોતું. હવે તું ક્યાંય જઈશ નહીં. અમે બધાં છીએ ને!’

    ચંપાએ નાક પર મુકેલી આંગળી નિષ્ફળ નિવડી. સરુ એક પળ મુંઝવણથી ઘેરાઈ. બીજી પળે એ મુંઝવણ સવારના ધુમ્મસની જેમ ઓગળી ગઈ. ઝરીન ઊર્ફે ચંપાની સામે એ પૂરી શ્રધ્ધાથી જોઇ રહી. ચંપા એને અંદર લઈ ગઈ.

    ઓરડીમાં એક ઘોડિયું રાખ્યું હતું અને બાજુમાં એક ઢીંગલી. સરુએ ચંપાની સામે જોયું.

    ’મને ખબર છે, તને દીકરી જ આવશે…’ ચંપા બોલી.

    ’તને કેમ ખબર પડી?’

    ’તારાં પગલાં પરથી વળી, પણ તારી દીકરીનું નામ શું રાખશું?’

    ’જૂઈ…………..’


    પ્રકાશિત

    જૂઇ : અખંડ આનંદ , ડિસેમ્બર  ૨૦૦૪      

    હિન્દી અનુવાદ : નયા જ્ઞાનોદય (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશિત સામયિક), સપ્ટેમ્બર, ૨૦૦૬

    ગુર્જરી ડાયજેસ્ટ : જુલાઇ ૨૦૨૨

  • ફિલ્મી ગઝલો – ૭૦. હસરત લખનવી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    અત્યાર સુધીના હપ્તાઓમાં એક હસરત ( હસરત જયપુરી ) અને ચાર લખનવી ( નૂર, આરઝુ, બેહઝાદ અને શમ્સ) ની ગઝલોને આપણે આવરી લીધી છે. આજે આ બંનેનું સંયોજન એટલે કે હસરત લખનવી.

    અપેક્ષા મુજબ એમની પણ વિશેષ વ્યક્તિગત વિગતો ઉપલબ્ધ નથી. હા એટલું કે ગીતકાર ઉપરાંત તેઓ દિગ્દર્શક ( ફિલ્મ : આબશાર – ૧૯૫૩ ) અને લેખક ( ફિલ્મ : બેતાબ, જ્વાલા, કનીઝ, સઝા ) પણ હતા.

    એવું લાગે છે કે પછીથી એ પાકિસ્તાન ચાલ્યા ગયા હશે કારણ કે ૧૯૬૦ પછી એમણે કેટલીક પાકિસ્તાની ફિલ્મોનું લેખન – પટકથા લેખન કર્યાના ઉલ્લેખો મળે છે.

    આબરૂ, કનીઝ, સોસાયટી, આપબીતી, ભલાઈ, કલજુગ, સલમા જેવી ફિલ્મોમાં ૫૦ થી વધુ ગીતો પણ લખ્યાં.

    એમની બે ગઝલો જોઈએ –

    પછતાએંગે જો વો હમેં બરબાદ કરેંગે
    જબ હમ નહીં હોંગે તો હમેં યાદ કરેંગે
    ઉમ્મીદ જિન સે થી કે હમેં શાદ કરેંગે
    ક્યા હમકો ખબર થી વોહી બરબાદ કરેંગે
    વો ચાહે સતાએં હમેં વો ચાહે મિટાઍ
    લેકિન ન હમ ઉનસે કભી ફરિયાદ કરેંગે..
    – ફિલ્મ : આપબીતી ૧૯૪૮
    – ખુરશીદ
    – હરિભાઈ
    સલામે મુહબ્બત કા મતલબ બતા દો
    હમેં અપને દિલ કી કહાની સુના દો
    યે દિલ ખાક સમજે તુમ્હારે ઇશારે
    ઇસે સાફ લફઝોં મેં સબ કુછ બતા દો
    સલામ આ રહા હૈ, પયામ આ રહા હૈ
    કે ખ્વાબોં મેં આને કા મકસદ બતા દો
    હુઈ ભૂલ સે જો ભી હમ સે ખતાએં
    ખુદારા ઉન્હેં અપને દિલ સે ભુલા દો…
    – ફિલ્મ : કનીઝ ૧૯૪૯
    – ઝીનત બેગમ
    – ગુલામ હૈદર, હંસરાજ બેહલ

    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • વાદ્યવિશેષ (૧૬) – તંતુવાદ્યો (૧૨) : વીણા

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    ભારતીય તંતુવાદ્યોમાં વીણા આગવું સ્થાન ધરાવે છે. પહેલી નજરે જોતાં તે એકતારો, તાનપુરો કે સિતાર જેવું જ દેખાય છે, પણ ધ્યાનથી જોતાં ખ્યાલ આવે છે કે તફાવતરૂપે આ વાદ્યમાં બે તુંબડાં હોય છે. એક મુખ્ય તુંબડાની સાથે જોડાયેલી ગ્રીવાના છેડે એક વધારાનું તુંબડું જોડવામાં આવે છે. આમ કરવાથી તેનો સ્વર એકદમ ઘેરો અને અનુનાદિય ઉત્પન્ન થાય છે. તુંબડાની મધ્યથી લઈને ગ્રીવાના છેડા સુધી ચાર તાર જોડવામાં આવે છે. ગ્રીવાના પટ પાર નિયત અંતરે પડદા તરીકે ઓળખાતા પાતળા પટલ લગાડેલા હોય છે, જે વીણા વગાડતી વેળાએ યોગ્ય સૂર નિષ્પન્ન કરવામાં ઉપયોગી નીવડે છે. મૂળભૂત સિદ્ધાંત એકસમાન જ હોવા છતાં રચનામાં નાનામોટા ફેરફારોના સંદર્ભે આ વાદ્ય સરસ્વતી વીણા, નારદ વીણા, વિચિત્ર વીણા અને રાવણ વીણા જેવા પ્રકારોમાં જોવા મળે છે.

    વીણા દક્ષીણ ભારતીય શાસ્ત્રીયવાદન માટે વધુ પ્રચલિત છે. જયંતી કુમારેશ નામેરી કલાકારની પ્રસ્તુતિની ક્લીપ જોવાથી વીણાની રચના, તેને વગાડવાની પધ્ધતિ તેમ જ તેના સ્વર વિશે પ્રાથમિક જાણકારી મળી શકશે.

    આટલી પ્રાથમિક સમજ પછી હવે માણીએ કેટલાંક ફિલ્મી ગીતો કે જેના વાદ્યવૃંદમાં વીણાનો સમાવેશ થયો હોય.

    ૧૯૪૩માં પ્રદર્શિત થયેલી ફિલ્મ રામ રાજ્યનું ગીત ‘બીના મધુર મધુર કછુ બોલ’ માણવાથી વીણાના સ્વરો અને વાદનશૈલીનો વધુ ખ્યાલ આવશે. સંગીત શંકર રાવ વ્યાસે તૈયાર કર્યું હતું.

    ફિલ્મ આગ (૧૯૪૮)નાં બે વીણાપ્રધાન ગીતો અને એક પછી એક માણીએ. આ ફિલ્મનું સંગીત રામ ગાંગુલીએ તૈયાર કર્યું હતું.

    પહેલાં સાંભળીએ  ‘દેખ ચાંદ કી ઓર’.

    પ્રસ્તુત ગીત  ‘કાહે કોયલ શોર મચાયેં રે’માં હવાઈયન ગીટારને સમાંતર વીણાના સ્વર સંભળાતા રહે છે.

    ૧૯૫૦ની ફિલ્મ જોગનનું સંગીતકાર બુલો સી. રાનીના નિર્દેશનમાં તૈયાર થયેલું ગીત ‘સખીરી ચિતચોર નહીં આયો’ વીણાના કર્ણપ્રિય અંશો ધરાવે છે.

    https://www.youtube.com/watch?v=xpTR6bAysJM

    ફિલ્મ દેખ કબીરા રોયા(૧૯૫૭)નું ગીત ‘મેરી બીના તુમ બિન રોયે’ સાંભળતાં જ વીણાના અંશો આસાનીથી પારખી શકાય છે. સંગીત મદનમોહને તૈયાર કર્યું હતું.

    ૧૯૬૧ની ફિલ્મ સ્ત્રી માટે સંગીત સી. રામચન્દ્રએ તૈયાર કર્યું હતું. તે ફિલ્મના ગીત ‘કૌન હો તુમ કૌન હો’માં વીણાના પ્રભાવક અંશો કાને પડતા રહે છે.

    આમ્રપાલી (૧૯૬૬) એક સંગીતપ્રધાન ફિલ્મ હતી. શંકર-જયકિશનના નિર્દેશનમાં બનેલાં તેનાં ગીતો આજે પણ ભાવકોના મનોજગતમા ખુબ જ મહત્વના સ્થાને જગ્યા બાનાવીને બેઠાં છે. તે પૈકીના એક ‘તુમ્હેં યાદ કરતે કરતે’માં વીણાના ચિત્તાકર્ષક અંશો છે.

    અગાઉ જણાવ્યું તે મુજબ વીણાનું ચલણ દક્ષિણ ભારતીય સંગીતવિશ્વમાં વધારે વ્યાપક છે. તે હકીકત ધ્યાને લઈને આજની કડીમાં એક અપવાદ કરીએ. કેટલાંક દક્ષિણ ભારતીય ફિલ્મી ગીતો માણીએ, જેનાં વાદ્યવૃંદમાં વીણાના સ્વરો ગૂંજતા હોય. શબ્દો નહીં સમજાય, પણ સંગીતને માણવામાં ભાષાના સીમાડા ક્યાં નડતા હોય છે!

    ફિલ્મ સાગર સંગમમ(૧૯૮૩)નું એક ગીત ‘થાકીટા થાકીટા’ માણીએ. દક્ષિણના સુખ્યાત સંગીતનિર્દેશક ઈલૈયા રાજાના નિર્દેશનમાં બનેલા આ ગીતમાં ગિટાર અને વીણાના સ્વરો સમાંતરે કાને પડતા રહે છે.

    ૧૯૯૦ની ફિલ્મ માઈકલ મદન કામરાજન(૧૯૯૦)માં ઈલૈયા રાજાનું સંગીત હતું. તેનું ગીત ‘સુંદરી નીયમ સુંદરન’ વીણાના સ્વરોથી ભરેલું છે. રસપ્રદ બાબત એ છે કે પુરૂષ સ્વર અભિનેતા કમલ હાસનનો છે!

    ફિલ્મ કાદલન (૧૯૯૪)નું વીણાના અંશો ધરાવતું ગીત ‘એનાવલ્લે એનાવલ્લે’ સાંભળીએ. આ ધૂન સંગીતકાર રહેમાને બનાવેલી છે.

    ૨૦૧૪ની ફિલ્મ સૈવમના ગીત ‘અળલે અળલે’ સાથે આજની કડીનું સમાપન કરીએ. સંગીત જી.વી. પ્રકાશકુમારે તૈયાર કર્યું છે.

     


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ત્રણ ગાયકો – बाबू समझो इशारे हौरन पुकारे

    નિરંજન મહેતા

     

    ફિલ્મીગીતો મોટાભાગે એકલ સ્વરમાં, યુગલગીત કે સમુહગીતના રૂપમાં પ્રસ્તુત હોય છે પણ એવા કેટલાક ગીતો છે જેમાં ત્રણ કે કોઈવાર ચાર ગાયકો જોવા મળે છે. આવા કેટલાક ગીતોની નોંધ આ લેખમાં લેવાઈ છે અને બાકીના ગીતો આગળના ભાગમાં પ્રસ્તુત થશે.

    સૌ પ્રથમ યાદ આવે છે ૧૯૫૫ની ફિલ્મ ‘શ્રી ૪૨૦’નું આજ પર્યંત સુપ્રસિદ્ધ ગીત.

    रमैया वस्तावैया
    मैंने दिल तुझको दिया
    हाँ रमैया वस्तावैया
    रमैया वस्तावैया
    मैंने दिल तुझको दिया

    ગીતના કલાકારો છે રાજકપૂર, લલીતા પાવર અને શીલા વાઝ. ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત છે શંકર જયકિસનનું. ગાયકો છે મુકેશ, રફીસાહેબ અને લતાજી

    ૧૯૫૭ની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નું આ ગીત પણ બહુ પ્રચલિત છે જેમાં ચાર કંઠ ગીત ગાય છે.

    हो, दुख भरे दिन बीते रे, भैया, अब सुख आयो रे
    रंग जीवन में नया लायो रे
    ओए-होए, दुख भरे दिन बीते रे, भैया, बीते रे, भैया

    ગીતના કલાકરો છે નરગીસ, રાજકુમાર, રાજેન્દ્રકુમાર, સુનીલ દત્ત અને સાજીદખાન. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે. આશા ભોસલે, મન્નાડે. રફીસાહેબ અને શમશાદ બેગમ ગીતના ગાયકો.

    ૧૯૫૯ની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’નું આ મસ્તીભર્યું ગીત ત્રણ ભાઈઓ પર રચાયું છે અને આજે પણ તેની મજા રસિકો માણે છે.

    बाजूऽऽऽऽ
    बाबू समझो इशारे हौरन पुकारे
    पॉम पॉम पॉम
    यहाँ, चलती को गाड़ी कहते हैँ प्यारे
    पम पम पम

    ત્રણ ભાઈઓ છે કિશોરકુમાર, અશોકકુમાર અને અનુપકુમાર. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. સ્વર છે કિશોરકુમાર, અશોકકુમાર અને મન્નાડેનાં.

    ૧૯૬૦ની ફિલ્મ ‘બરસાત કી રાત’ની આ કવ્વાલી બહુ પ્રચલિત નથી પણ તેમાં ત્રણ ગાયકો જોવા મળશે.
    न ख़ंजर उठेगा न तलवार इन से
    ये बाज़ू मिरे आज़माए हुए हैं

    શ્યામા, રત્ના ભૂષણ અને અન્ય એક આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે સાહિર લુંધિયાનવીના અને સંગીતકાર છે રોશન. ગાયકો છે બલબીર, આશા ભોસલે અને સુધા મલ્હોત્રા

    ૧૯૬૩ની ફિલ્મ ‘તાજમહલ’નું આ ગીત એક રીતે કવ્વાલીના સ્વરૂપમાં છે પણ તે પણ ચાર ગાયકો દ્વારા ગવાયું છે.

    चाँदी का बदन सोने की नज़र
    उस पर ये नज़ाकत क्या कहिये
    एजी क्या कहिये
    किस किस पे तुम्हारे जल्वों ने
    तोड़ी है क़यामत क्या कहिये

    કલાકારો છે મીનુ મુમતાઝ, જીવન, બીના રોય અને અન્ય. શબ્દો છે સાહિર લુંધિયાનવીનાં જેને સંગીત આપ્યું છે રોશને. જે ચાર ગાયકો છે તે છે આશા ભોસલે, મન્નાડે, મીના કપૂર અને રફીસાહેબ.

    ૧૯૬૩ની ફિલ્મ ‘ગૃહસ્થી’નું આ ગીત ત્રણ સખીઓ પર રચાયું છે જેમાં લાગે છે કે રાજશ્રીના લગ્ન નક્કી થયા બાદ આ નૃત્યગીત ગવાયું છે.

    खिले हैं सखि आज फुलवा मन में
    जाउंगी ससुराल दुल्हन बन के
    खिले हैं सखि आज फुलवा मन में

    ત્રણ સખીઓ છે રાજશ્રી, ચાંદ ઉસ્માની અને શોભા ખોટે. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત સાંપડ્યું છે રવિનું. ત્રણ ગાયિકાઓ પણ ત્રણ બહેનો છે લતાજી, આશા ભોસલે અને ઉષા મંગેશકર.

    ૧૯૬૪ની ફિલ્મ ‘હકીકત’ જે એક યુદ્ધ પૃષ્ટભૂમિ પર રચાઈ છે તેનું આ ગીત સરહદ પરના સૈનિકોની મનોદશાને વ્યક્ત કરે છે.

    होके मजबूर मुझे उसने भुलाया होगा
    ज़हर चुपके से दवा जानके खाया होगा
    होके मजबूर…
    दिल ने ऐसे भी कुछ अफ़साने सुनाए होंगे
    अश्क़ आँखों ने पिये और न बहाए होंगे
    बन्द कमरे में जो खत मेरे जलाए होंगे
    एक इक हर्फ़ जबीं पर उभर आया होगा

    કલાકારો છે રાજુ, જોની બક્ષી, પ્રેમ સાગર અને ભૂપિંદર. શબ્દો છે કૈફી આઝમીના અને સંગીતકાર છે મદન મોહન. સ્વર છે તલત મહેમુદ, રફીસાહેબ, મન્નાડે અને ભૂપિંદર સિંહનાં.

    ૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નું આ ગીત પ્રેમના ત્રિકોણના ત્રણ ખૂણા સમાન છે.

    हर दिल जो प्यार करेगा वो गाना गायेगा
    दीवाना सैंकड़ों में पहचाना जायेगा

    ગીતમાં રાજકપૂર, વૈજયંતીમાલા અને રાજેન્દ્ર કુમાર દેખાડ્યા છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. મહેન્દ્ર કપૂર, મુકેશ અને લતાજી આ ગીતના ગાયકો છે.

    ૧૯૬૪ની ફિલ્મ ‘દૂર કી આવાઝ’નું આ ગીત એક જન્મદિવસની પાર્ટીનું ગીત છે જેમાં બાળકોના મનોરંજન માટે કલ્પના કરાઈ છે કે

    हम भी अगर बच्चे होते
    नाम हमारा होता गबलू बबलू
    खाने को मिलते लड्डू
    और दुनिया कहती
    happy birthday to you

    કલાકારો છે સાયરા બાનું, જોય મુકરજી અને જોની વોકર. શકીલ બદાયુનીના શબ્દો અને સંગીત રવિનું. ગાયકો છે આશા ભોસલે, મન્નાડે અને રફીસાહેબ.

    ૧૯૬૯ની ફિલ્મ ‘નન્હા ફરિશ્તા’નું આ ગીત એક બાળકને સંબોધીને ત્રણ વયસ્કો ગાય છે.

    बच्चे मन के सच्चे
    सारी जग के आँख के तारे
    ये वो नन्हे फूल हैं जो
    भगवान को लगते प्यारे

    વયસ્કો છે અજીત, અનવર હુસેન અને બલરાજ સહાની, જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાનાર કલાકારો છે કિશોરકુમાર, રફીસાહેબ અને મન્નાડે.

    આ જ ફિલ્મનું એક અન્ય ગીત આ ત્રણ વયસ્કોએ જ ગાયું છે.

    अरे चंदा काहे का तेरा मामा, मामा
    चंदा काहे का तेरा
    ना भेजे ना माना जामा

    ગાયકો છે મહેન્દ્ર કપૂર, મન્નાડે અને મનહર ઉધાસ. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ.

    ૧૯૭૩ની ફિલ્મ ‘યાદો કી બારાત’નું આ ગીત એક કોલેજ સમારંભમાં ગવાયું છે

    आपके कमरे में कोई रहता है
    हम नहीं कहते ज़माना कहता है
    हम आज इधर से गुज़रे तो बड़े इत्मीनान से
    गिरा रहा था कोई परदा हाय सर-ए-शाम से
    उधर आपकी photoसे सजी दीवार पे
    पड़ा हुआ था एक साया बड़े आराम से

    તારિક, વિજય અરોરા અને ઝીનત અમાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી જેને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયકો છે આશા ભોસલે, કિશોરકુમાર અને ખુદ આર.ડી.બર્મન.

    ૧૯૭૭ની ફિલ્મ ‘અમર અકબર એન્થની’નું આ ગીત ત્રણ મિત્રોની ત્રિપુટી પર છે.

    अनहोनी को होनी कर दें, होनी को अनहोनी
    अनहोनी को होनी कर दें, होनी को अनहोनी
    एक जगह जब जमा हों तीनों
    अमर अकबर एंथनी

    ત્રિપુટી છે અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને રિશી કપૂર. આનંદ બક્ષીના શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ત્રણેય માટે સ્વર આપ્યો છે શૈલેન્દ્ર સિંહ, કિશોરકુમાર અને મહેન્દ્ર કપૂરે.

    ૧૯૭૭ની ફિલ્મ ‘પરવરીશ’નું આ ગીત ચાર કલાકારો પર આધારિત છે.

    अजी ठहरो ज़रा देखो
    कुछ सोचो ज़रा समझो
    हम तो मर जाएँगे ले के तेरा नाम
    टूट गया जब दिल तो जीने से क्या काम
    हम तो चले जो कहा-सुना हो माफ़ कर देना
    ओ जाते हो जाने जाना
    आखिरी सलाम लेते जाना
    हमको वहाँ ना बुलाना

    કલાકારો છે અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, નીતુ સિંહ અને શબાના આઝમી, જેને સ્વર આપ્યો છે શૈલેન્દ્ર સિંહ, અમિતકુમાર, આરતી મુકરજી અને આશા ભોસલેએ. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

    આ જ ફિલ્મનું બીજું ગીત પિતા અને બે પુત્રો પર રચાયું છે.

    हम प्रेमी प्रेम करना जाने
    हम प्रेमी प्रेम करना जाने
    कहे न दिल की बात सदा चुप रहना जाने
    हम प्रेमी प्रेम करना जाने

    પુત્રો છે અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના અને પિતા છે શમ્મીકપૂર. મજરૂહ સુલતાનપુરીના શબ્દો છે અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે શૈલેન્દ્ર સિંહ, કિશોરકુમાર અને રફીસાહેબના.

    આ પછીના ગીતો હવે પછીના લેખમાં.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૨]

    નરેશ પ્ર. માંકડ

    મણકો []થી આગળ

    મહાનાયકો

    ફ્રાંક મોરાએસ, એન.જે. નાનપોરિયા અને શામ લાલના  વિશિષ્ટ વ્યક્તિત્વ હતાં, બૌદ્ધિક આડંબર પણ હતો પરંતુ  ઘમંડ ન હતો.  એ આવ્યો ગિરીલાલ જૈન દ્વારા. દિલીપ પડગાંવકર કહે છે તેમ ગિરીલાલ એક વાક્યમાં યુગોને આવરી લેતાં સ્પેંગ્લેરિયન વિધાનો કરતા; તેઓ કર્ઝનિયન મહત્વાકાંક્ષા અને હરિયાણવી આત્મશ્લાઘાના મિશ્રણ સમાન હતા.  એટલે જ તેઓ ગયા તો હતા ઈરાનના પહેલવી શહેનશાહનો ઇન્ટરવ્યુ લેવા પણ શાહને એમણે ભૂ – રાજનૈતિક વ્યૂહરચનાના પાઠ ભણાવ્યા હોવાનું માનવામાં આવે છે.

    બચી એમની આગવી અદામાં કહે છે,  કોઈ એક સાંજે દિલ્હીના બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માઉન્ટ પરનેસ્સુસ સમા લોધી ગાર્ડન્સમાં ગિરીલાલ જૈન ચાલતા હશે ત્યારે સિગારનો કશ લેતાં એવાં ઉચ્ચારણો કરશે કે એમના ઉચ્ચ કક્ષાના સાથીદારને પણ ગૂંચવી નાખશે. તેઓ જાહેર કરશે, ” હુણ હિન્દુઓની સામે ખડા થશે.” પછી મંથનના વિરામ બાદ તેઓ વિચારવિસ્તાર કરશે.

    Epic Heros પ્રકરણ માં બચી ફ્રાંક મોરાએસ અને નાનપોરીઆ વિશે ટૂંક નોંધ આપી દે છે એ આ મહાન તંત્રીઓને અન્યાય સમાન છે.  કદાચ કારણ એ હોઈ શકે કે બચીનો પ્રવેશ મોડો થયો હતો.  લૂઈ ફિશરે ફ્રાંકના પુસ્તક India Today ના રિવ્યુમાં લખ્યું હતું: “Next to Nehru, Frank Moraes wields the finest political pen in India where the intelligentsia still take a British delight in exquisite English.

    અસામાન્ય માણસ – આર. કે. લક્ષ્મણ

    બચી કરકરીયા કહે છે કે સામાન્ય માણસ (common man)ના સર્જકનું સૌથી નોંધપાત્ર લક્ષણ એ હતું કે એનામાં  સામાન્ય માણસનાં એ વ્યક્તિત્વનો સ્પર્શ બિલકુલ ન હતો.  એમના અંગત મિત્રો અને જેમની સાથે તેઓ કામ કરતા એવા તંત્રીઓની મંડળીના નિકટના વર્તુળની બહાર, તેઓ ઉદ્ધતાઈની હદે ગુમાની હતા. પોતાની બૌદ્ધિક ઊંચાઈની નજીક ન હોય એવા લોકોને તેઓ સહન કરી ન શકતા.

    પોતાની કાળી એમ્બેસેડર કાર ડ્રાઈવ કરીને લક્ષ્મણ બરાબર ૮:૩૦ વાગે આવી જતા અને તેમની નિયત જગ્યાએ પાર્ક કરતા. ત્યાં બીજું કોઈ પાર્ક કરવાની હિંમત ન કરતું અને જો કોઈ એ જગ્યાએ ઘુસવાનો પ્રયત્ન પણ કરે તો સિક્યુરિટીવાળા તેમને ભગાડી દેતા.  લક્ષ્મણનો પટાવાળો શેટ્ટી તેના બોસ કરતા વહેલો આવીને પેન્સિલ સાફ કરી, તેમનું સ્કેચિંગ સ્ટેન્ડ તૈયાર કરીને સવારના બધા દૈનિકો દિવાલ પરના તેમના અંગત ન્યૂઝ પેપર સ્ટેન્ડ પર લગાવી દેતો.

    બધા તંત્રીઓ અને સહાયક તંત્રીઓ ૧૦:૩૦ ની મિટિંગ માટે એકઠા થાય ત્યાં સુધીમાં લક્ષ્મણના મગજમાં એનું કાર્ટુન સ્ફુરી ગયું હોય અને કદાચ એનો પહેલો ડ્રાફ્ટ પેડ પર આવી ગયો હોય.  લક્ષ્મણ ટહેલતા ટહેલતા મીટીંગમાં આવતા, મિટિંગમાં ભાગ લેવા છતાં ભાગ ન લેતા હોય એ રીતે હાજરી આપતા. ટાઈમ્સના પદાનુક્રમમાં તંત્રીઓની સમકક્ષ તેમની પોતાની જગ્યા હતી. પછીના વર્ષોમાં લક્ષ્મણ એમની આગવી રીતે એમના મુગ્ધ શ્રોતાઓ સમક્ષ ભૂતકાળના દંતકથા સમા તંત્રીઓની વાત કરીને મનોરંજન કરાવતા અને અપવાદરૂપ સારા મૂડમાં હોય તો, છેલ્લે સિક્કાની કોઈ કરામત બતાવીને સમાપન કરતા.

    ઊંડા નીચા ખીસ્સાવાળો સફેદ બુશશર્ટ અને કાળી પેન્ટ એ સિવાયના બીજા કોઈ પહેરવેશમાં એમને કલ્પી ન શકાય. લક્ષ્મણ જેટલા આળા હતા એટલાં જ એમના પત્ની કમલા મૈત્રીપૂર્ણ હતા. એમણે બાળવાર્તાઓના પુસ્તકો લખ્યાં છે, જેમાં લક્ષ્મણે રેખાચિત્રો પુર્યાં છે.

    લક્ષ્મણ એકદમ મૂડના માણસ હતા. પારા જેવા અધીરા,  એક ક્ષણે રમુજથી તરવરતા તો બીજી ક્ષણે એકદમ ખરાબ સ્વભાવના બની જતા. સિક્કાઓની હાથચાલાકીના જાદુ કરતાં પણ ઓછી જાણીતી છે એમની મીમીક્રીની અદભુત આવડત. કાર્ટૂનિસ્ટોની નિરીક્ષણ શક્તિ સતેજ હોય છે પણ કાર્ટૂનમાં પકડાયેલ વિચિત્રતાઓને બધા ભજવી શકતા નથી હોતા.  લક્ષ્મણ પોતાની આ આવડતથી એમના મિત્રો અને સહકાર્યકારોને ખૂબ જ રમૂજ પૂરી પાડતા.

    દિલીપ પડગાંવકર સાથે મહારાષ્ટ્ર પરના એક પુસ્તકમાં તેમણે કામ કર્યું હતું ત્યારે દિલીપે નોંધ્યું હતું કે એમના નિરીક્ષણો આશ્ચર્યજનક હતાં.  એક અન્ય મુસાફરીની પણ દિલીપ વાત કરે છે.  લક્ષ્મણ અને કમલા કોઈ શેખના મહેમાન તરીકે કતાર ગયા હતા, જ્યાં તેમણે એક જાહેર વ્યક્તવ્ય આપવાનું હતું.  એમના આરંભના શબ્દોએ શ્રોતાઓ અને યજમાનને આઘાત આપ્યો. એમણે કહ્યું, “તમારા દેશમાં મેં પગ મુક્યો ત્યારથી જ હું બહુ દુઃખી છું.” પછી ઉમેર્યું, ” મને લેવા માટે કાર ૧૦. ૦૦ વાગે આવવાની હોય તો તે ૧૦ માં પાંચ મિનિટ પહેલા આવી જશે, એસી ચાલુ હશે, મારે દરવાજો ખોલવો નહીં પડે, સ્માર્ટ યુનિફોર્મ માં શોફર મારા માટે દરવાજો ખોલશે. તમારા દેશમાં હું ફરું છું ત્યારે મારું હૃદય બેસી જાય છે.  માર્ગમાં ક્યાંય ખાડાઓ નથી, જેનો મને મારા દેશમાં અનુભવ છે; દરેક શેરીની બત્તીઓ ચાલુ સ્થિતિમાં હોય છે, દિવાલો પર પાનની પિચકારીના ધાબાં નથી. મુંબઈથી આવેલા મારા જેવા માણસને માટે અત્યંત નિરાશા કેમ ન થાય?” શ્રોતાઓમાં હાસ્ય છવાઈ ગયું.

    દિલીપ અને લક્ષ્મણ પટણા પણ સાથે ગયા હતા. દરેક પ્રસંગમાં લક્ષ્મણને લોકોનું ટોળું ઘેરી વળતું હતું અને તેને નિયંત્રિત કરવા માટે પોલીસની જરૂર પડતી હતી.  બધી જગ્યાએ કોઈ પ્રદર્શનનું ઉદઘાટન કરવાનું રહેતું હતું.  છેલ્લે એવા પ્રસંગમાં છટકવા માટે એમણે પ્રયાસ કર્યા ત્યારે આયોજકોએ કહ્યું કે આ તો માત્ર પાંચ મિનિટમાં પતી જશે. લક્ષ્મણે દિલીપ તરફ ફરીને ધીમેથી કહ્યું, આ કંઈ પાંચ મિનિટમાં પૂરું ન થાય, હાર તોરા થશે, ભાષણો થશે, ફોટોગ્રાફ લેવાશે, મોમેન્ટો અપાશે, પણ જોજો હું શું કરું છું તે.  એમણે રીબીન કાપી અને યજમાનોને કંઈક કહીને નીકળી ગયા.  દિલીપે આશ્ચર્ય અને અહોભાવથી પૂછ્યું, આ તમે કેવી રીતે કર્યું?  લક્ષ્મણે કહ્યું, “મેં એમને એટલું જ માત્ર કહ્યું, ‘આજે નહીં, આજે નહીં. મારે આજે બુધવાર છે.’ ભારતમાં ધર્મનો ઉપયોગ કરીને છટકી જવાનો ઉપાય સૌથી સલામત ઉપાય છે.”

    ગૌતમ અધિકારીને પણ લક્ષ્મણ સાથે મુસાફરી કરવાનો લહાવો મળ્યો હતો. ઘણીવાર ડ્રાઇવિંગ કરતાં લક્ષ્મણની વાતથી હાસ્ય સમી ન જાય ત્યાં સુધી એમને કાર રસ્તાની બાજુએ લઈને ઉભી રાખી દેવી પડતી હતી.

    કાનૂની બાબતો પર લખનારા એ. જી. નૂરાનીના કાળા અને ખૂબ જ વેસેલિન લગાડેલા વાળને તેઓ પેટન્ટ લેધર વાળ કહેતા.  લક્ષ્મણે દંતકથા સમાન બની ગયેલી મહાન વ્યક્તિઓ સાથે કામ કર્યું હતું.  પોતાના શહેર મદ્રાસમાં હિન્દુમાં કામ કર્યા પછી તેઓ મુંબઈ આવ્યા.  ફ્રી પ્રેસ જર્નલમાં બાલ ઠાકરે સાથે કામ કર્યું, મિત્રાચારી થઈ અને ઠાકરે એમના ઠઠાચિત્રોનો વિષય પણ બન્યા.  ત્યારબાદ તેમણે ટાઈમ્સમાં કામ મેળવવા પ્રયત્ન કર્યો અને સર ફ્રાન્સિસ લો ને મળ્યા. (અહીં એક જરૂરી આડ વાત જે આ પુસ્તકમાં નથી. સર ફ્રાન્સિસ લો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ લશ્કરમાં હતા. ૧૯૧૯ માં એમણે લશ્કર છોડ્યું, ૧૯૨૨ માં ટાઈમ્સમાં જોડાયા. ૧૯૩૨ થી ૧૯૪૮ સુધી તેઓ એના તંત્રી રહ્યા અને ભારતીય સ્વાતંત્ર્યની લડતને છેક આઝાદી સુધી આવરી લીધી.)

    એમને યાદ કરતાં લક્ષ્મણ કહે છે, “Nice fellow, I zay.”  (લક્ષ્મણ say નો ઉચ્ચાર zay કરતા.) “એમણે મને કહ્યું, અમે કાર્ટૂન નથી આપતા પણ ઈવનિંગ ન્યુઝમાં તમને લઈ શકીએ.”  એક વખત એક કાર્ટૂન એમને વિશેષ પસંદ પડ્યું અને એ ટાઈમ્સમાં જવું જોઈએ એમ કહ્યું. આ રીતે અણધાર્યા જ ટાઈમ્સનો તેઓ નિયમિત ભાગ બની ગયા.  આવી બીજી મહાન વ્યક્તિઓમાં તેઓ બર્ટ્રાંડ રસેલને પણ મળ્યા હતા. રસેલે એમને કહ્યું, ભારતે કંઈ નથી શોધ્યું, “Indians have discovered nothing” અને પછી ઉમેર્યું, ” Don’t look so angry, young man.  I meant they are the ones who discovered the concept of zero.”

    સર ડેવિડ લો ન્યુઝીલેન્ડથી લંડન ગયા અને ૨૦મી સદીના સહુથી મહાન રાજકીય કાર્ટૂનિસ્ટ અને કેરિકેચરિસ્ટ થયા.  એક વાર તેઓ લક્ષ્મણની કેબિનમાં જઈ ચડ્યા અને કહ્યું, “મને તમારું કામ તમે હિન્દુમાં હતા ત્યારથી જ ગમ્યું છે. હું હોંગકોંગ જઈ રહ્યો છું અને મારે તમને મળવા માટે મુંબઈ રોકાવું જ પડ્યું.” લક્ષ્મણ એમને લઈને કારમાં નીકળ્યા. હવે આવે છે ટિપિકલ લક્ષ્મણની વાત: “મેં તેમને મરીન ડ્રાઈવ પરના ભવ્ય બિલ્ડીંગ્સ બતાવ્યાં અને કહ્યું, તમે લોકો ભારતને સાપના મદારીઓનો દેશ સમજો છો પણ એવું કંઈ જ નથી. બરાબર એ જ વખતે બીનનો અવાજ સંભળાયો અને ત્યાં એક સાપનો મદારી જોવા મળ્યો! સર ડેવિડ લો એક શબ્દ પણ ન બોલ્યા.”

    લક્ષ્મણ ટી. એસ. ઇલિયટ ને પણ મળ્યા હતા.  એ મુલાકાત ગ્રેહામ ગ્રીને કરાવી આપી “જે મારા ભાઈના  મિત્ર હતા.”  લક્ષ્મણના ભાઈ એટલે આર. કે. નારાયણ – માલગુડી ડેયઝ, ગાઈડ વગેરે રચનાઓના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખક.

    બ્રિટિશરો પછી આવેલા તંત્રીઓ ફ્રાંન્ક મોરાએસ, એન. જે. નાનપોરીયા, શામ લાલ, ગિરીલાલ જૈન સાથે ક્યારેય લક્ષ્મણને વિખવાદ થયો હતો?  “કદી નહિ. અમે એકબીજાને સન્માન આપતા. ફ્રાંન્ક સરસ, નમ્ર માણસ હતા, હા ક્યારેક થોડા ‘હાઈ ‘ (નશા માં) હોય.”

    શું એ સાચું છે કે તેઓ લડખડાતા ઓફિસમાં આવતા અને પીધેલી હાલતમાં સહુથી વધારે તીખા તંત્રીલેખ લખતા?  લક્ષ્મણ: “Nonsense, I zay, that is all nonsense.”

    “બધા તંત્રીઓ સજ્જન હતા. તેઓ એકબીજાને મળે ત્યારે પુસ્તકો અને લેખકો પર ચર્ચા કરતા.” બચી કહે છે, ક્યારેક રાજકારણીઓ અને સમકક્ષો વિશેની ગપસપ થતી. ખાસ કરીને ગીરિલાલ જૈન અફવાઓનો મસાલો પૂરો પાડતા.  જ્યારે આ ગપસપ માત્ર અફવા ન રહી ત્યારે આવા ઉચ્ચ કક્ષાના તંત્રીના નિષ્કાસનનું મહત્વનું પરિબળ બની.

    ૨૦૦૩માં લક્ષ્મણને સ્ટ્રોક આવ્યો.  ધીરે ધીરે એમના હાથનો ઉપયોગ શરૂ કરી શક્યા પણ એમની રેખાઓમાં પહેલાં જેવી ધાર રહી નહોતી.


    ક્રમશઃ


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ત્રીજો મણકો ૧ – ૧૦ – ૨૦૨૪ના રોજ પ્રકાશિત થશે જેમાં ગિરીલાલ જૈન પછી ‘બહાર’થી આવેલા તંત્રીઓ અને કોલમિસ્ટોની વાત જાણવા મળે છે.

  • બાળ ગગન વિહાર – મણકો – ૪૦ : વાત અમારી રીયાની –

    શૈલા મુન્શા

    વર્ષોની મારી દિવ્યાંગ બાળકો સાથેની સફરમાં કેટલાય અવનવા બાળકો સાથે મારી સફર પણ મજાની, લાગણીસભર અને ઉમદા રહી. આજે પણ એ બધા બાળકો મારી નજર સામે તરવરે છે. હું કેટલું બધું એમની પાસેથી શીખી અને ખાસ તો હર મુસીબતમાં હસતાં રહેવાની અને બીજાને પણ જીવન જીવતા શીખવાડવાની કળા એ નાનકડાં દિવ્યાંગ બાળકોએ સહજ શીખવી દીધું.

    આજે મારી બહેનપણીની પૌત્રી સાથે મુલાકાત થઈ. દાદી એને જમાડતી હતી અને પૌત્રી હાથમાં ફોન લઈ ગમતું કાર્ટુન જોઈ રહી હતી. મેં મારી સખી માલતીને ફોન લઈ લેવાનું કહ્યું, અને મને જવાબ મળ્યો “અરે શૈલા એવું કરીશ તો એ જમશે જ નહિ” અને અચાનક મને મારી રીયાની યાદ આવી ગઈ.
    આઈસક્રીમ શબ્દ સાંભળી ને જ મોઢામાં પાણી આવી જાય! મોટા ભાગે સહુને આઈસક્રીમ ભાવતો હોય. રીયાને આઈસક્રીમ બહુ જ ભાવે. રીયા નવી જ અમારા ક્લાસમાં આવી હતી. પાંચ વર્ષની રીયાને Autistic child નું લેબલ હતું અને આ પ્રકારના બાળકો પોતાની જીદ અથવા તો એમ કહી શકાય કે રોજના રુટીન પ્રમાણે જ કામ કરતા હોય.

    રીયાને પણ ખાવાની બહુ પંચાત! ભાવવા કરતા ન ભાવવાનું લીસ્ટ લાંબુ. મમ્મી બિચારી થાકી જાય. જુદી જુદી વાનગી બનાવી એના લંચ બોક્ષમાં આપે, પણ રીયા જેનુ નામ, એ તો એની સન બ્રાન્ડ ચીપ્સ ખાય અને એપલ જ્યુસ જ પીએ. ભુલમાં જો મમ્મીએ બીજી બ્રાન્ડની ચીપ્સ મુકી તો ધમપછાડા. આખો દિવસ ખાધા વગર કાઢે પણ બીજી ચીપ્સને હાથ ના લગાડે. રીયાના ખાવાના બધા નખરા મમ્મી પાસે જ ચાલે. પપ્પા જો સ્કૂલે મુકવા આવે તો મેઘા ચુપચાપ ક્લાસમાં આવે, કારણ પપ્પા તો મુખ્ય દરવાજે જે શિક્ષક ત્યાં ફરજ પર હોય એના હાથમાં રીયાને સોંપી દે, અને રીયા પણ કશું બોલ્યા વગર ક્લાસમાં આવે.

    જે દિવસે મમ્મી આવે ત્યારે બેનના હાથમાં મોટો મેકડોનાલ્ડનો ઓરિયો કુકી આઈસક્રીમ મીલ્કશેકનો કપ હોય. કલાક સુધી અમારા બ્રેકફાસ્ટ ટેબલ પર બેસી રીયા ચમચે ચમચે આઈસક્રીમ ખાય. આખે મોઢે આઈસક્રીમ, હાથે રેલા આઈસક્રીમના અને ટેબલ પર આઈસક્રીમના ટપકાં. બીજા બાળકોનું ધ્યાન પણ ક્લાસની પ્રવૃતિને બદલે રીયા પર જ હોય. સ્વભાવિક એ નાનકડાં બાળકોને પણ મન તો થઈજ જાયને!

    બે ત્રણ દિવસ તો અમે એ નાટક ચલાવ્યું, કપ લઈ ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો પણ રીયાના હાથમાંથી કપ લેવો એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ. ચોથે દિવસે રીયા આઈસક્રીમનો કપ લઈ આવી અને જોગાનુજોગ પ્રીન્સીપાલ મીસ સમાન્થા ક્લાસમાં કંઈ કામે આવ્યા હતાં, એમણે રીયાના હાથમાંથી આઈસક્રીમનો કપ લઈ લીધો અને એનું જેકેટ ઉતારવામાં મદદ કરવાને બહાને અને રીયા પાછળ ફરી જેકેટ ખીલી પર લટકાવે ત્યાં સુધીમાં આઈસક્રીમનો કપ અંદરના રૂમના કચરાના ડબ્બામાં નાખી દીધો.

    કલાક સુધી રીયાનું રડવાનું અને આઈસક્રીમના નામની ચીસાચીસ ચાલી. “મારો આઈસક્રીમ ક્યાં ગયો? મારો આઈસક્રીમ ક્યાં ગયો?” પછી જાણે મોંઘેરૂ રતન ખોવાઈ ગયું હોય તેમ બપોર સુધી મારો આઈસક્રીમની રટ ચાલુ રાખી.

    બીજા દિવસે રીયા આવી તો જાણે રીયાને બદલે એનું ભૂત હોય તેમ સાવ નંખાઈ ગયેલી હાલતમાં ટેબલ પર માથુ મુકી એકલા એકલા બોલ્યા કર્યું “મારો આઈસક્રીમ જતો રહ્યો, મારો આઈસક્રીમ જતો રહ્યો”

    દિવસ એનો તો ખરાબ ગયો પણ સાથેસાથે અમારો પણ! અમારાથી રીયાની હાલત જોવાતી નહોતી પણ જે કર્યું તે એના સારા માટે જ. સવારના પહોરમાં નાસ્તામાં આઈસક્રીમ, એટલી બધી સુગર પછી આખો દિવસ રીયાની ધમાલ, એક જગ્યા એ ઠરીને બેસીના શકે, ન ભણવામાં ધ્યાન આપી શકે.
    મીસ બર્ક મને કહે “મીસ મુન્શા કોઈ ઉપાય બતાવ, મને તારી ભારતીય સોચ પર વિશ્વાસ છે”

    મેં મમ્મીને સમજાવી કે આઈસક્રીમને બદલે દહીંમા થોડી ખાંડ અને કેળું કે એવા કોઈ ફળ નાખી સ્મુધી બનાવી મેકડોનાલ્ડ જેવા કપમાં ભરી આપો. રીયાને આઈસક્રીમ જેવું લાગવું જોઈએ. મમ્મી સમજદાર હતી અને દીકરીના ભલા માટે કંઈ પણ કરવા તૈયાર હતી.

    અઠવાડિયું ગયું અને રીયા આઈસક્રીમને ભુલી પણ ગઈ અને સ્મુધી ખાતી થઈ ગઈ.

    હતી તો છેવટે પાંચ વર્ષની બાળકી જ ને! કુમળો છોડ વાળીએ એમ વળે અને રીયા જેવા બાળકો પણ જીવનમાં આગળ વધે એવા અમારા સતત પ્રયાસ રહેતા.

    આવા અનોખા બાળકો મારા જીવનનો અમિટ હિસ્સો બની ગયા છે અને એમનું સ્મરણ આજે પણ મારા ચહેરા પર એક મધુર મુસ્કાન લાવી દે છે.

    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • આવો, અમે તૈયાર છીએ. અમને છેતરો.

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    માહિતીના વિસ્ફોટના આ યુગમાં સૌ કોઈ પાસે જરૂરી કરતાં બિનજરૂરી વિગતો હાથવગી, હોઠવગી અને હૈયાવગી થવા લાગી છે. અલબત્ત, પોતાની માહિતીની ખરાઈ કરવાનું વલણ ભાગ્યે જ કોઈની પાસે જોવા મળે છે. અન્ય અનેક ક્ષેત્રો કરતાં આની વધુ આડઅસર સ્વાસ્થ્ય ક્ષેત્રે વધુ જોવા મળે છે. આહાર અને સ્વાસ્થ્યને લગતી સાચીખોટી, ચિત્રવિચિત્ર અનેક જાણકારી લોકો જોતા રહે છે, મોકલતા રહે છે, અને અભાનપણે પોતાના દિમાગમાં સંઘરતા રહે છે. તબીબોનું કામ પણ આને કારણે અનેકગણું વધ્યું છે, કેમ કે, ઘણા કિસ્સામાં દરદીઓ તબીબના નિદાન મુજબ નહીં, પણ પોતાની જાણકારી મુજબનો ઈલાજ કરવાની માગણી કરતા જોવા મળે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    છેલ્લા ઘણા વખતથી દૂધ અને અન્ય ડેરી પેદાશો પર વિવિધ ઉત્પાદક કંપનીઓ ‘A2’ (એ-ટુ)નું લેબલ મારીને વેચાણ કરી રહી છે. માત્ર ઉપરછલ્લી નજરે ગૂગલ પર તપાસ કરતાં જણાશે કે આ શ્રેણીનું ઘી ૯૯૯/રૂ. થી માંડીને ૨,૭૯૦/રૂ. પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. આહાર સુરક્ષાના કેટલાક નિષ્ણાતોના મતે ઘીનું ‘એ-ટુ’ની શ્રેણીમાં થઈ રહેલું વેચાણ એકવીસમી સદીના આરંભિક કાળથી વેચાણ માટેના અતિ સફળ ગતકડાં પૈકીનું એક છે. આવું ઘી બહેતર ગુણવત્તાયુક્ત હોવાનું કોઈ પ્રમાણ નથી, પણ તેનું પેકેજિંગ અને વેચાણ માટેના નુસખા એવા હોય છે કે અજાણપણે પણ ગ્રાહકો આ ગતકડામાં ભેરવાઈ જાય. ઘણા ઉત્પાદકો ‘એ-ટુ’ના લેબલની સાથે વ્યાપક રીતે દુરુપયોગ કરાયેલું ‘ઓર્ગેનિક’નું લેબલ પણ લટકામાં લગાવી દે છે, અને ગ્રાહકોના ખિસ્સાને ખંખેરે છે.

    આપણા દેશમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત ‘ફૂડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઈન્‍ડિયા’ (એફ.એસ.એસ.એ.આઈ.) કાર્યરત છે, જે આહારસંબંધી કાયદાપાલન અંગે ધ્યાન રાખે છે. આ સંસ્થા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે દૂધ કે અન્ય કોઈ પણ ડેરી પેદાશ પર લગાવાતું ‘એ-ટુ’ લેબલ ગેરમાર્ગે દોરનારું છે. ફૂડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ની જોગવાઈઓ સાથે એ સુસંગત નથી. આ સંસ્થાએ ઉત્પાદકોને પોતાનાં ઉત્પાદનોનું ‘એ-વન’, ‘એ-ટુ’ વગેરે જેવું વર્ગીકરણ કરવાની મનાઈ ફરમાવી છે અને આવાં લેબલ દૂર કરવા જણાવ્યું છે. ૨૧ ઑગષ્ટ, ૨૦૨૧ના રોજ કરવામાં આવેલી આ અધિકૃત જાહેરાતના છ મહિનામાં અગાઉથી પૅકેટ પર છાપવામાં આવ્યાં હોય એવાં તમામ લેબલનો ઉપયોગ કરી દેવાની તેમને તાકીદ કરાઈ છે.

    ‘એફ.એસ.એસ.એ.આઈ.’ના જણાવ્યા અનુસાર દૂધનાં ઉત્પાદનોમાં ‘એ-વન’, ‘એ-ટુ’ જેવો ફરક કેવળ બીટા કેસિન તરીકે ઓળખાતા પ્રોટિનના બંધારણને લઈને હોય છે. એથી વિશેષ કંઈ નહીં. આ જાણીને એ સવાલ થયા વિના રહે નહીં કે તો પછી આ ‘એ-ટુ’નું ગતકડું આવ્યું ક્યાંથી?

    અસલમાં યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (ઈ.એફ.એસ.એ.) દ્વારા ૨૦૦૯માં ૧૦૭ પાનાંનો એક વૈજ્ઞાનિક અહેવાલ પ્રકાશિત કરાયો હતો. તેમાં જણાવાયું હતું કે દૂધમાં ‘એ-વન’ અને ‘એ-ટુ’ જેવો ભેદ કરવાની કશી જરૂર નથી.

    એ પછી ન્યુઝીલેન્‍ડસ્થિત ‘એ-ટુ કોર્પોરેશન’ નામની કંપનીએ પોતાનાં ઉત્પાદનોને આ નામે બજારમાં મૂકેલાં, અને એ બહેતર ગુણવત્તાનાં હોવાનો દાવો કરેલો. આમ તો, દરેક કંપનીઓનો દાવો આ રીતનો હોય છે, અને એમાં કશી નવાઈ નથી, પણ ન્યુઝીલેન્‍ડની ફૂડ સેફ્ટીએ જણાવેલું કે એ-વન/એ-ટુ પ્રકારના દૂધનું બંધારણ માનવસ્વાસ્થ્ય માટે મહત્ત્વનું છે એવો દાવો વિશ્વાસપૂર્વક કરતાં અગાઉ એ બાબતે વિશેષ સંશોધન થવું જરૂરી છે, ખાસ કરીને માનવજાત પર તેનો અખતરો થાય એ પછી જ આમ કહી શકાય.

    આ તમામ બાબતો જોતાં સહેલાઈથી તારણ કાઢી શકાય કે ‘એ-ટુ’ પ્રકાર ગ્રાહકોના ખિસ્સામાંથી સ્વાસ્થ્યના નામે નાણાં કઢાવવા માટેના ગતકડાથી વિશેષ કંઈ નથી. ‘ઈન્‍ડિયન ડેરી ઍસોસિયેશન’ના પ્રમુખ આર.એસ.સોઢીએ આ રીતે ગ્રાહકોને મૂર્ખ બનાવતી કંપનીઓની ટીકા કરી છે અને કહ્યું છે, ‘દૂધ માનવજાત માટે મૂળભૂત રીતે સારું છે. તે પ્રોટિન, કેલ્શિયમ, ચરબી અને વીટામીન જેવાં પોષક તત્ત્વો ધરાવે છે. પણ અમુક પ્રકારનું પ્રોટિન અન્ય પ્રકારના પ્રોટિનની સરખામણીએ બહેતર હોવાનું હજી નિશ્ચિત થઈ શક્યું નથી.’

    આખા મામલામાં બે બાબત સ્પષ્ટપણે નજરે પડે છે. એક તો ‘એ-વન’ કે ‘એ-ટુ’ જેવો કોઈ પ્રકાર માનો કે હોય તો પણ એનું ખાસ કશું મહત્ત્વ નથી. બીજી બાબત એ કે આવાં લેબલથી ઉત્પાદન વેચતી કંપનીઓને આની સુપેરે જાણ છે. તેમનો એક માત્ર હેતુ સ્વાસ્થ્યના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો છે.

    વર્તમાન સમયમાં છેતરનારાઓની આખી ફોજ એ હદે સક્રિય છે કે ફોન કે ઈન્‍ટરનેટના ઊપયોગથી તેઓ સીધેસીધો પોતાનો શિકાર શોધતા ફરે છે. આ સંજોગોમાં જે લોકો ખુલ્લી આંખે છેતરાવા તૈયાર હોય, સામે ચાલીને નાણાં ખર્ચવા ઈચ્છતા હોય, એટલું જ નહીં, એમ કરવામાં ખર્ચેલાં નાણાંનું સાર્થક્ય સમજતા હોય ત્યારે છેતરનારાને કેવી મજા પડે!

    ગ્રાહક તરીકે આપણે એ વિચારવાનું છે કે સ્વાસ્થ્યલક્ષી બાબત હોય કે બીજી કોઈ પણ અગત્યની બાબત હોય, આપણી પાસે કેવળ નાણાં હોવાના કારણે આપણે એ સેવા લઈ રહ્યા છીએ કે ખરેખર એની જરૂર છે?

    માત્ર દૂધ કે એની પેદાશો પૂરતી આ વાત મર્યાદિત નથી. નૈસર્ગિક સ્રોતને પણ આ જ બાબત લાગુ પડે છે કે માત્ર નાણાંના જોરે તેનો વેડફાટ કરવાનો આપણને પરવાનો મળી જતો નથી. કોઈ પણ સ્રોતના વેડફાટને આપણે આપણા મોભા સાથે સાંકળવાની જરૂર નથી એટલું હવે આપણને સમજાઈ જવું જોઈએ.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭ – ૦૯ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)