-
ડહાપણ સામે ચાલીને આવતું નથી
મંજૂષા
વીનેશ અંતાણી

મોરારજીભાઈ દેસાઈ ભારતના વડાપ્રધાન હતા ત્યારે એક વિદેશી મહિલા પત્રકારે એમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. એણે મોરારજીભાઈને પૂછ્યું કે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું નીચું છે. લોકોને વાંચતાં-લખતાં આવડતું નથી તો તેઓ લોકશાહી અને રાષ્ટ્રહિત માટે આવશ્યક સાચા નિર્ણયો કઈ રીતે લઈ શકે? ટૂંકમાં, પત્રકાર-બહેન કહેવા માગતાં હતાં કે નિરક્ષરતા તમારા દેશની બહુ મોટી સમસ્યા છે. અભણ લોકોમાં જ્ઞાન અને માહિતીનો અભાવ હોય ત્યારે તેઓ દેશની લોકશાહી માટે ખતરો બની શકે છે.
મોરારજીભાઈએ જવાબ આપ્યો કે કોઈ માણસ નિરક્ષર હોય એનો અર્થ એમ નથી કે એનામાં બુદ્ધિ નથી. અમારા દેશના લોકોને ડહાપણ પેઢી દર પેઢી વારસામાં મળે છે, એ એમના લોહીમાં વહે છે. ‘મારા દેશનો નિરક્ષર માણસ પશ્ચિમના દેશોના ભણેલા લોકોની સરખામણીમાં જીવનનાં સત્યો વધારે સારી રીતે સમજી શકે છે.’
મોરારજીભાઈનો આ જવાબ ભારતમાં અક્ષરજ્ઞાન ન ધરાવતા લોકોમાં રહેલી કોઠાસૂઝનો નિર્દેશ કરે છે. પ્રજા શિક્ષિત હોય એ ખૂબ જરૂરી અને અનિવાર્ય છે, પરંતુ બુદ્ધિ–ડહાપણનો આધાર માત્ર ભણતર પર જ નથી હોતો. સાક્ષરતાનું ઘણું મહત્ત્વ છે અને એનો આંક ઊંચો લાવવા માટે આઝાદી પછી આપણા દેશમાં ભગીરથ પ્રયત્નો કરવામાં આવ્યા છે. એનાં સારાં પરિણામ આવ્યાં છે. તેમ છતાં જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે માત્ર ભણેલા હોવું પૂરતું નથી.
ઘણા નિરક્ષર લોકો એમની આંતરસૂઝથી સમજદારીપૂર્વક અને વ્યાવહારિક નિર્ણયો લઈ શકે છે. કોઈએ હળવાશથી સરસ વાત કરી છે કે બુદ્ધિશાળી હોવાનો અર્થ ‘વધારે નંબરવાળાં ચશ્માં કે ગંભીર ચહેરો’ નથી. માણસમાં રહેલું જન્મજાત ડહાપણ પુસ્તકિયા જ્ઞાનથી વિશેષ હોય છે. ઘણા લોકોમાં અલગ રીતે વિચારવાની કુદરતી આવડત હોય છે અને તેઓ ઉચ્ચ ડિગ્રીધારી લોકોથી વધારે સારી રીતે સમસ્યાઓનો હલ કાઢી શકે છે.
એક વાર નહાવાના સાબુ બનાવતી વિદેશની ખૂબ જાણીતી કંપનીના સંચાલકો સામે અણધારી સમસ્યા ઊભી થઈ. કંપનીના સાબુનો માલ બજારમાં પહોંચી ગયો ત્યારે ખબર પડી કે બૉક્સમાં સાબુ જ નહોતા, ખાલી ખોખાં હતાં. કંપનીની શાખ જોખમમાં મુકાઈ ગઈ. એમની કંપનીમાં સાબુ બનાવવાથી માંડીને બૉક્સમાં પેક કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા યંત્ર આધારિત સ્વયંસંચાલિત હતી. બૉક્સમાં સાબુ ભરવાના સ્ટેજ પર કશીક ટેક્નિકલ ગરબડ થઈ હતી. ભવિષ્યમાં આવી ભૂલ નિવારવા માટે નિષ્ણાતોએ સિસ્ટમમાં સુધારો કરવા ઘણા કલાકો ચર્ચાવિચારણા કરી પણ કોઈ ઉકેલ મળ્યો નહીં. છેવટે કંપનીના નીચી પાયરીના એક ‘અભણ’ કર્મચારીએ સરળ ઉપાય સૂચવ્યો – સાબુનું પેકિંગ થતું હોય તે જગ્યાએ મોટા પેડેસ્ટલ ફેન મૂકો. બૉક્સ ખાલી હશે તો પવનમાં ઊડી જશે, એમાં સાબુ હશે તો ભરેલાં બૉક્સ પસાર થઈ જશે.
બહારથી સામાન્ય લાગતા લોકોમાં અકલ્પ્ય બુદ્ધિ હોય છે. અભ્યાસીઓએ એવા લોકોનાં કેટલાંક લક્ષણો તારવ્યાં છે. એમનામાં અદભુત નિરીક્ષણશક્તિ હોય છે. તેઓ એમની આજુબાજુની ઘટનાઓ અને લોકોનું એનું ખૂબ ઝીણવટથી પૃથક્કરણ કરતા રહે છે. તેઓ સાદા પરંતુ વ્યાવહારિક નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે, કોઈ પણ સૂચન પર વિચાર કરવા તેઓ હોય છે અને તંગ પરિસ્થિતિમાં પણ હળવા રહી શકે છે. એમનામાં નાનામાં નાની બાબત વિશે જાણકારી મેળવવાની જિજ્ઞાસા હોય છે. તેઓ પ્રશ્નો પૂછે છે અને એમાંથી યોગ્ય જવાબો શોધે છે. એ લોકો વધારે પડતું બોલતા નથી, ચૂપચાપ ઊંડા વિચાર કરે છે અને પછી જ આગળ પગલું ભરે છે. તેઓ કોઈ પણ ઉંમરે નવું જાણવા ઉત્સુક હોય છે.
‘બુદ્ધિ’ અને ‘ડહાપણ’ વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. ડહાપણ ભણતરનું મોહતાજ નથી. જીવનના અનુભવો લોકોને શાણા બનાવે છે, સારા-નરસા અનુભવોથી લોકોની આંતરસૂઝ ઘડાય છે. એટલે તો આપણામાં ‘ઘરડા ગાડાં વાળે’ જેવાં ઓઠાં પ્રચલિત છે. આપણો સમાજ જ્ઞાનવૃદ્ધ વડીલોને માન આપે છે, જોકે બદલાયેલી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ અને ટેક્નોલોજીના વિકાસને લીધે લોકોમાં વડીલો પ્રત્યેના અભિગમમાં ઝાંખપ આવી છે.
વિભક્ત કુટુંબોની સંખ્યા વધવાથી ઘરના વડીલો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તેમ છતાં દરેક જગ્યાએ એવું જોવા મળતું નથી. બે ચિત્રો મળે છે. સિત્તેર વર્ષની એક નિવૃત્ત શિક્ષિકાએ કહ્યું હતું કે એની પુત્રવધૂ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પહેલું સંતાન દીકરી જન્મી પછી એ બાળઉછેરનાં અંગ્રેજી પુસ્તકો વાંચતી હતી, પણ દીકરી માંદી પડે ત્યારે ઘરગથ્થુ ઉપચાર માટે હંમેશાં સાસુની સલાહ લેતી હતી અને એ પ્રમાણે કરતી હતી, એનાથી વિપરિત ઉદાહરણ – એક વયોવૃદ્ધ પિતાની ફરિયાદ છે કે એનાં સંતાનોએ એને ‘ડેડ સ્ટોક’ માનીને જાણે માળિયામાં ચઢાવી દીધો છે! એના માર્ગદર્શનની એમને જરૂર રહી નથી.
વૃદ્ધ લોકો ખરચાઈ ગયેલી મૂડી નથી. એમની પાસે જીવતરના અનુભવોમાંથી મળેલા ડહાપણનું ભાથું હોય છે. આજના સતત પરિવર્તનશીલ સમયમાં જીવનમૂલ્યોના ઝડપથી બદલાતાં જાય છે ત્યારે અનુભવસિદ્ધ વડીલોના ડહાપણનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે, પરંતુ આજે નહીં તો આવતીકાલે સમાજને જન્મજાત કોઠાસૂઝ ધરાવતા વડીલોની જરૂર પડવાની જ છે.
મોરારજીભાઈએ વિદેશી મહિલાને કહ્યું હતું તેમ વારસામાં મળતા પરંપરાગત ડહાપણને લીધે જ ભારતીય સમાજ યુગોથી અડીખમ ઊભો રહ્યો છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈની આ વાત યાદ કરીએ – ડહાપણ સામે ચાલીને તમારી પાસે આવતું નથી, એની પાસે પહોંચવા માટે તમારે આખી જિંદગીનો પંથ કાપવો પડે છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
પ્રવાસીઓ! પાછા જાવ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
નવાઈ પમાડે એવી વાત તો છે! જે શહેરના અર્થતંત્રનો ચૌદ ટકા જેટલો નોંધપાત્ર હિસ્સો પ્રવાસન પર અવલંબિત હોય અને નવ ટકા રોજગાર પણ આ ક્ષેત્રે હોય એ શહેરના રહીશો એકઠા થઈને પ્રવાસીઓ સામે દેખાવ કરે એ જાણીને નવાઈ લાગ્યા વિના રહે નહીં. પણ આમ બન્યું છે.
એક સવા મહિના અગાઉ આ કટારમાં સ્પેનના મયોકા ટાપુના રહીશોએ પ્રવાસીઓ સામે કરેલા વિરોધ પ્રદર્શન વિશે જણાવવામાં આવ્યું હતું. સવા નવેક લાખની વસતિ ધરાવતો આ ટાપુ સહેલાણીઓમાં અતિ પ્રિય બની રહ્યો છે. વરસેદહાડે અહીં દસથી બાર લાખ સહેલાણીઓની અવરજવર રહે છે. આમ છતાં, સહેલાણીઓના ધસારાથી, તેને લઈને શહેરને થતા નુકસાનથી ત્રાસીને મયોકાવાસીઓએ નક્કી કર્યું કે આ વરસે તેઓ પ્રવાસીઓ સામે દેખાવ કરીને તેમનો વિરોધ કરશે.
સ્પેનના બાર્સેલોના શહેરમાં આ જ ઘટનાનું પુનરાવર્તન થયું. છઠ્ઠી જુલાઈ, ૨૦૨૪ને શનિવારે બાર્સેલોનાના અનેક રહીશો એકઠા થઈને શહેરનાં જાણીતાં પ્રવાસન સ્થળોએ ફર્યા. ‘બાર્સેલોના વેચાણ માટે નથી’ જેવાં સૂત્ર લખેલાં પાટિયાં પકડીને તેમણે ‘પ્રવાસીઓ પાછા જાવ’નો સૂત્રોચ્ચાર કર્યો. આટલું ઓછું હોય એમ તેમણે પ્રવાસીઓ પર પીચકારીઓ વડે પાણીનો છંટકાવ કર્યો. અપરાધસ્થળે લગાવાય છે એવી લાલ રંગની પટ્ટીઓ તેમણે હોટેલો ફરતે વીંટાળી. અલબત્ત, આ આખો કાર્યક્રમ ધાર્યા મુજબ સફળ ન રહ્યો, પણ પ્રસાર માધ્યમોમાં આ ઘટના ચમકી ખરી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી કોવિડની મહામારીથી પહેલાં બાર્સેલોનાના રહીશો ફરિયાદ કરતા રહ્યા છે કે તેમનું સુંદર શહેર ગીચતા, આકાશી મકાનભાડાં અને જીવનધોરણના અતિશય ઊંચા દરને લઈને રહેવા માટે અસહ્ય બનતું ચાલ્યું છે. સોળેક લાખની વસતિમાંથી દોઢેક લાખ લોકોને રોજગાર પૂરો પાડતા આ ક્ષેત્ર સામે વિરોધનો આવો પ્રચંડ જુવાળ ફાટી નીકળે એ બતાવે છે કે સ્થાનિક રહીશો કઈ હદે ત્રસ્ત થયા હશે.
આ ઘટનાને કારણે એવા સવાલ પણ પૂછાતા થયા છે કે આ પરિસ્થિતિ માટે શું પ્રવાસીઓ એકલા જ જવાબદાર છે? સ્થાનિક સત્તાવાળાઓ યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યા છે એટલે ખરો આક્રોશ તેમની સામે હોવો જોઈએ.
બાર્સેલોનાના મેયર જૉમ કોલ્બોનીએ પ્રવાસીઓના ધસારાને ખાળવા માટે અનેક પગલાંની ઘોષણા કરી છે, જેમાં પ્રવાસીઓ પરના રાત્રિવેરામાં વધારો તેમજ ક્રૂઝ જહાજમાં મુસાફરોની સંખ્યાને મર્યાદિત કરવાનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં જાહેર કર્યું કે ૨૦૨૮ સુધીમાં તેઓ દસ હજારથી વધુ એપાર્ટમેન્ટના ટૂંકા ગાળાનાં ભાડાપટા નાબૂદ કરીને પ્રવાસીઓ માટે ભાડે એપાર્ટમેન્ટ રાખવાની જોગવાઈને નાબૂદ કરશે. એને કારણે લાંબા અરસા સુધી અહીં વસનારા એટલે કે રહીશો માટે આવાસની કિંમત પોસાય એવી થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દસેક વર્ષમાં બાર્સેલોનામાં મકાનનાં ભાડામાં ૬૮ ટકા જેટલો અને મકાનની કિંમતમાં ૩૮ ટકા જેટલો વધારો થયો છે.
પ્રવાસીઓને કારણે વિવિધ ચીજોની કિંમતમાં વધારો થાય છે અને જાહેર સેવાઓ પર દબાણ આવે છે. સાથોસાથ પ્રવાસન થકી થતા નફાની અસમાન વહેંચણી થાય છે અને સામાજિક અસમાનતા વધે છે.
બાર્સેલોનાના રહીશોએ કદાચ અત્યાર સુધી પ્રવાસન થકી થતી આવકનાં ફળ ચાખ્યાં હશે, તેની સામે પોતાને થતા નુકસાનને નજરઅંદાજ કર્યું હશે, પણ હવે તેમનો વિરોધ ચરમસીમાએ છે. અને આ કેવળ બાર્સેલોનાના રહીશોની વાત નથી. સ્પેનમાં અન્યત્ર તેમજ યુરોપના કેટલાક દેશોમાં સ્થાનિકોએ ત્રાસીને પ્રવાસીઓનો વિરોધ શરૂ કર્યો છે. પોતાને થતા દેખીતા લાભને પણ તેમણે જોખમમાં મૂક્યો છે એમ કહી શકાય.
આ બાબત વિચાર માગી લે એવી છે. સૌથી પહેલો વિચાર એ કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રવાસી બનીને અન્ય સ્થળે જાય ત્યારે તે કેવી રીતે વર્તે છે? વર્તણૂક કોઈ વ્યક્તિ સાથે નહીં, પણ એક પ્રવાસી તરીકે પોતે કેટલો જવાબદારીપૂર્વક વર્તે છે એ મહત્ત્વનું છે. આ બાબત એકલા યુરોપમાં નહીં, સમગ્ર વિશ્વના પ્રવાસીઓને સાર્વત્રિકપણે લાગુ પડે છે.
યુરોપના વિકસીત ગણાતા દેશોમાં આ હાલત છે, જ્યારે આપણે ત્યાં ઘરઆંગણે હજી અનેક સ્થળોને પ્રવાસનધામ તરીકે વિકસાવવાનું આયોજન પૂરજોશથી થઈ રહ્યું છે. વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે કરાતા આ વિકાસને કારણે જે તે સ્થળની શી વલે થશે એ કલ્પના કરવી મુશ્કેલ નથી. એમાં પણ હિમાલયના નાજુક ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશમાં જે રીતે વિકાસના નામે છેડછાડ થઈ રહી છે, અને એનાં વિપરીત પરિણામ દર વરસે નિયમીતપણે જોવા મળી રહ્યાં છે. છતાં એ વિકાસયોજનાઓ આગળ ધપી રહી છે. પ્રવાસીઓનો ત્યાં ધસારો શરૂ થશે પછી એની જે હાલત થવાની હશે એ થશે, એ અગાઉ એ વિસ્તારના પર્યાવરણનો ખો વળી રહ્યો છે અને એ કૃત્યને ગૌરવભેર આગળ કરવામાં આવી રહ્યું છે. એ તો સરકારના પક્ષની વાત થઈ.
નાગરિક તરીકે આપણી જવાબદારી ઓછી નથી. પ્રવાસી તરીકે પ્રત્યેક સ્થળ, સંસ્કૃતિને યોગ્ય સન્માન આપવું એ લઘુત્તમ અપેક્ષા હોય છે, પણ એથી આગળ વધીને પ્રવાસના સ્થળે ગંદકી કરવી તો અપરાધ જ છે.
કોવિડ પછીનો સમયગાળો એવો છે કે વૈશ્વિક સ્તરે સૌ વધુ ને વધુ પ્રવાસ કરતા થયા છે. તેને કારણે આ ક્ષેત્રે નાણાંનો પ્રવાહ વધ્યો છે. જે તે સ્થળને થઈ રહેલા નુકસાન, ત્યાં કરાઈ રહેલી ગંદકી અને પર્યાવરણને થતું નુકસાન ગમે એટલા નાણાંથી ભરપાઈ કરી શકાય એવું નથી હોતું.
એમ લાગે છે કે વાનરમાંથી ઉત્ક્રાંત થઈને માનવ બન્યા પછી માનવમાંથી નાગરિક બનવા માટે હજી લાંબી મજલ કાપવાની છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૧ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કુદરતની કેડીએ – કેડી કંડારનારા : ૨
સંકલન : યાત્રી બક્ષી
વિશ્વની મોટાભાગની સભ્યતાઓમાં પ્રકૃતિના જતન બાબતે પીઢ જ્ઞાની વ્યક્તિઓએ કેટલીક પાયાની સમજ વિકસે એવા સંદેશાઓ વહેતા મૂક્યા છે. આ સભ્યતાઓમાં ભૌગોલિક રીતે જોઈએ તો ભારતીય દ્વીપકલ્પમાં વિકસેલી સભ્યતાઓએ કમાલ કરી છે.

એક પછી એક એવા દ્રષ્ટાઓ, જ્ઞાતાઓ અને સામાજિક વ્યક્તિત્વો આવ્યાં જેઓએ પેઢી દર પેઢી સર્વસમાવેશક જીવનશૈલી વિકસે એવા સંદેશાઓ અને પ્રચલનો આપ્યાં. મોટાભાગની સભ્યતાઓએ પોતાના દેવ-દેવી કે આસ્થાના પ્રતીકોમાં જીવસૃષ્ટિને સમાવી હોવાનું જાણવા મળે છે, પરંતુ ભારત સિવાયની સભ્યતાઓમાં ભય અને માન્યતાઓ બહુ પ્રારંભિક અવસ્થાઓથી જોવા મળે છે. જ્યારે ભારતીય સભ્યતાઓમાં તે દૈવીય તત્ત્વોને વાહન તરીકે પરિકલ્પિત કરેલા જોવાય છે. તે દર્શાવે છે કે વિવિધ જીવોને એ ઈશ્ર્વરી તત્ત્વો-શુભ અને લાભના વાહન તરીકે પ્રસ્થાપિત કરી તેને સન્માનવાનો પ્રયત્ન થયો છે. આ વિષય પ્રચારપ્રસારનાં માધ્યમોના અત્યંત પ્રારંભિક તબક્કાને દર્શાવે છે, અને તેની પાછળ લોકોને જીવો પરત્વે ભયના બદલે અહોભાવ વિકસાવવા તરફ દોરે છે, તેવું માની શકીએ. પરંતુ એથી આગળ જઈ વેદ-ઉપનિષદ, સંહિતાઓ પ્રકૃતિની જીવસૃષ્ટિથી આગળ જઈ ખગોળ, ભૂમિ, વર્ષા અને પાણીના સ્રોતોને મહત્ત્વ બાબતે પણ શિક્ષણ આપે છે. એ બાબતના અનેક શ્ર્લોકો મળી આવે છે.
આ પરંપરામાં અનેક ધર્મોના વિકાસને વિશિષ્ટ જ્ઞાન તરીકે જોઈએ ત્યારે આ સમગ્ર વિષય, માનવવિકાસમાં મનોવિજ્ઞાન અને સામૂહિક મનોવિજ્ઞાનની શાખા તરીકે વિકસતી જણાય છે. કેડી કંડારનારાઓને જાણવાના આ પ્રયત્નોમાં હાલમાં પ્રચલિત ધર્મ સંપ્રદાય લક્ષ્યમાં છે જ નહિ, પરંતુ તેમ છતાં વિશ્ર્વભરના ધર્મ સંપ્રદાયો પ્રકૃતિ-જતન બાબતે શું કહે છે એ ટૂંકમાં જોઈએ તો વિશ્ર્વની તમામ ફિલોસોફીકલ શાખાઓ એક સામાન્ય માર્ગદર્શન શોધવા તરફ પ્રેરે છે. જે પૃથ્વીના માનવસમુદાયની પ્રકૃતિ ઉપર અસર બાબતે વૈશ્ર્વિક સમાજને એક સૂત્રમાં બાંધે એવી શીખ આપે છે. સદીઓ પહેલાં જે ધર્મોએ આદેશો દ્વારા સામૂહિક આચરણ બાબતે દિશાઓ આપેલી તે એક થતું નવું વિશ્ર્વ પણ યાદ કરે, એ આશા યુ.એન.ના પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. વિજ્ઞાન, ધર્મના આદેશોના વાહનમાં બેસી સમુદાયોને શિક્ષિત કરે એ બહુ જૂની પદ્ધતિ છે. ફરી બહાઈ, બુદ્ધ, જૈન, હિન્દુ, ઇસ્લામ, ઈસાઈ, જ્યુડાઈઝમ, શીખ, તાઓ વગેરેના સંદેશાઓને ચકાસીએ તો તે તમામમાં પૃથ્વીનાં પરમ પોષક તત્ત્વોને જાળવવા બાબતે એક સૂર ગવાતો જોવાયો. અથર્વવેદનું ભૂમિસૂક્ત જાણે આ તમામ ધર્મોના સંદેશાઓમાં વણાયેલું અનુભવાયું.

સર્વ વિદિતનું પુનરાવર્તન કરું તો હિન્દુ પંચતત્ત્વોને પૂજે છે – વન્યજીવોમાં શક્તિ જુએ છે, જૈન માઈક્રોબાયોલોજી શાખાને વિકસાવી સૂક્ષ્મ જીવહિંસાને સમજાવે છે, બૌદ્ધ કર્મકાંડથી વિમુખ રહી સર્વને સ્વીકારવા કહે છે, ઈસાઈ કરુણા અને ઇસ્લામ નીતિમત્તાથી જીવન જીવવા પ્રેરે છે. ઋગ્વેદનું પૃથ્વી સૂક્ત અને તેનું વિસ્તરણ અથર્વ વેદનું ભૂમિસૂક્ત જાણે આ તમામ ધર્મોના સંદેશાઓમાં વણાયેલું અનુભવાયું. એટલે કે કાળક્રમે શું કરવું, શું ના કરવું તેવા યમ અને નિયમોની શીખ દ્વારા પોતાની સામૂહિક પ્રાકૃતિક સંપદાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનાં પ્રચલન, સભ્યતાઓ કે સમુદાયોમાં ધર્મ સ્વરૂપે સ્થાપિત કરવામાં આવ્યાં.
પાંચમી સદીના અફાટ રણમાં થઈ ગયેલા સંત-ગુરુ જામભેશવરજી

જામભેશવરનો જન્મ ૧૪૫૧માં નાગૌરના દૂરના ગામ પીપાસરમાં પંવર કુળના રાજપૂત પરિવારમાં થયો હતો. તેઓ લોહત પંવાર અને હંસાદેવીના એકમાત્ર સંતાન હતા. તેમના જીવનનાં પ્રથમ સાત વર્ષ સુધી, ગુરુ જામભેશવરને મૌન અને અંતર્મુખ માનવામાં આવતા હતા. તેમણે તેમના જીવનનાં ૨૭ વર્ષ પશુપાલક તરીકે વિતાવ્યાં હતાં. ૩૪ વર્ષની વયે, ગુરુ જામભેશવરે સમરાથલ ધોરા ખાતે વૈષ્ણવ ધર્મના પેટા સંપ્રદાય-બિશ્ર્નોઈની સ્થાપના કરી. તેમના ઉપદેશો શબ્દવાણી તરીકે ઓળખાતા કાવ્યાત્મક સ્વરૂપમાં હતા. તેઓ કબીર (૧૪૪૦-૧૫૧૮), સુરદાસ (૧૪૮૩-૧૫૬૩), અને નાનક જેવા અન્ય ભક્તિ સંતોના સમકાલીન (૧૪૬૯-૧૫૩૮) હોવા છતાં એકબીજાને મળવાનો કોઈ ઐતિહાસિક રેકોર્ડ નથી, તેમણે ૫૧ વર્ષ સુધી પોતાના આદેશો-નિયમોના પાલનનો પ્રચાર કર્યો. તેમણે શબ્દવાણીના ૧૨૦ શબ્દ અથવા શ્ર્લોકોની રચના કરી હોવાનું મનાય છે, જે મોટાભાગે લોકોક્તિ રૂપે જ સચવાયેલી છે. ૧૪૮૫માં રાજસ્થાનમાં મોટા ભયંકર દુષ્કાળ પછી તેઓએ બિશ્ર્નોઈ સંપ્રદાયની સ્થાપના કરી હતી.
બિશ્ર્નોઈ શબ્દ – બીસ એટલે કે વીસ અને નોઈ એટલે કે નવ પરથી આવ્યો છે. જ્યારે બંને ઉમેરવામાં આવે છે, ત્યારે સરવાળો બિશ્ર્નોઈ થાય છે. બિશ્ર્નોઈ સમુદાયના આ ગુરુએ આપેલા નિયમોના આધારે એક આંદોલન શરૂ થયું એ જાણવું રસપ્રદ છે.

તેમણે સંપ્રદાય દ્વારા અનુસરવા માટે ૨૯ સિદ્ધાંતો નક્કી કર્યા હતા. તેના ૨૯ નિયમોમાંથી આઠ જૈવવિવિધતાને જાળવવા અને સારા પશુપાલનને પ્રોત્સાહિત કરવા, સાત સ્વસ્થ સામાજિક વર્તણૂક માટે દિશાઓ પ્રદાન કરે છે, અને દસ વ્યક્તિગત સ્વચ્છતા અને મૂળભૂત પ્રામાણિક સામૂહિક જીવન માટે નિર્દેશિત છે. અન્ય ચાર આજ્ઞાઓ દરરોજ વિષ્ણુની ઉપાસના માટે માર્ગદર્શિકા પૂરી પાડે છે. આપણે જાણીએ છીએ કે હિન્દુ પૌરાણિક ગાથાઓ મુજબ વિષ્ણુ એ પૃથ્વીના સંતુલનના દેવતા છે, જેઓ તત્ત્વો અને જીવોના સંયોજનને સંંભાળે છે.
બિશ્ર્નોઈ સમુદાયના પંથકમાં પ્રાણીઓની હત્યા અને લીલાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ અને તમામ જીવન સ્વરૂપોને રક્ષણ આપવાના નિયમોનો સમાવેશ થાય છે. સમુદાયને એ જોવા માટે પણ નિર્દેશિત કરવામાં આવે છે કે તેઓ જે લાકડાનો ઉપયોગ કરે છે તે નાના જંતુઓથી વંચિત છે. વાદળી કપડાં પહેરવા પર પ્રતિબંધ છે કારણ કે તે રંગ મેળવવા માટે મોટા પ્રમાણમાં વૃક્ષોને કાપવામાં આવે છે. પર્યાવરણીય સંતુલન જાળવવા અને પર્યાવરણના રક્ષણમાં સક્રિય અભિગમને કારણે તેઓને પ્રથમ ઈકો યોદ્ધા કહેવામાં આવે છે. ખેજરી વૃક્ષ (પ્રોસોપીસ સિનેરિયા),એ પ્રતિજ્ઞાઓ મુજબ આજે પણ બિશ્ર્નોઈઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે.
૨૯ નિયમો/સિદ્ધાન્તો ઉપરાંત જામભેશવરજીએ શબ્દમાં પોતાની ટીકા વર્ણવી છે. તેઓએ પ્રાણીઓ અને પર્યાવરણને પોતાની આદતો અને રીતરિવાજોમાં રહેલી બદીઓના કારણે કરાતી હિંસા અને વિનાશ બાબતે મધ્ય પૂર્વ પ્રાંતોમાંથી આવેલા મુસ્લિમ અને સ્થાનિક હિન્દુ બંનેની આકરા શબ્દોમાં ટીકા કરી છે, એમના દસમા શબ્દમાં તેઓ રહેમાનને માનનારાઓને રહેમ કરવા સમજાવે છે, તેઓ પ્રત્યેક જીવમાં એ જ રહેમાન વસતા હોવાનું કહી, હિંદુઓને તાંત્રિક કુપ્રથાઓમાં કરાતી હિંસાને અને તાંત્રિક-દંભી ગુરુઓને પણ વખોડે છે. જાણે કે વન્યજીવ સંરક્ષણ ધારો ૧૫-૧૬મી શતાબ્દીમાં લોક નીતિરીતિમાં પ્રવેશ કરે છે.
ઇકોલોજિકલી બેલેન્સ્ડ લાઈફ સ્ટાઇલ-સંતુલિત જીવન દ્વારા પ્રકૃતિના જતનના પાયાના સિદ્ધાન્તોને અમલમાં મુકાવી એક સમુદાય ઊભો કરી શકાય તેનું વિશ્ર્વભરમાં પ્રથમ ઉદાહરણ આ બિશ્ર્નોઈ સમુદાય કહેવાય. એક ગુરુ-સાચો નેતા પોતાની પ્રજાને આવી પ્રેરણા આપે એ અનુપમ કેડી કંડારનારા ગુરુ જામભેશવરને નમન એટલે પણ કરવાનું મન થાય કે એમના સમુદાયે સૈકાઓ અને દાયકાઓ પછી પણ નિયમોના પાલન વડે કેટલાંક ઊજળાં ઉદાહરણો આપી ગુરુએ આપેલા માર્ગને સતત પ્રશસ્ત કર્યો છે.
ખેજરી બલિદાન – પર્યાવરણ કાજે વિશ્ર્વનું પ્રથમ અહિંસક આંદોલન
બિશ્ર્નોઈ સમુદાય ગુરુ જામભેશવરે ૧૫૦૦ની આસપાસ સ્થાપિત કર્યો હતો. પ્રકૃતિનું રક્ષણ હંમેશાં બિશ્ર્નોઈ સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યો છે. ૧૭૩૦ માં જોધપુરના તત્કાલિન મહારાજા અભયસિંહ મારવાડ રાજ્ય પર શાસન કરી રહ્યા હતા, તેઓને એક નવો મહેલ બનાવવા માટે ચૂનો રાંધવા માટે લાકડાંની જરૂર હતી. તેમણે રાજ્યના રાજકુમાર ગિરધારીદાસ ભંડારીની આગેવાની હેઠળ કર્મચારીઓને ખેજરીને કાપીને લાવવા મોકલ્યા. ખેજલડી ગામમાં પુષ્કળ ખેજડીઓ હતી. તે એક બિશ્ર્નોઈ પ્રભુત્વ ધરાવતું ગામ હતું. જોઈતાં લાકડાં મેળવવાં સૈનિકો ખેજલડી ગામ મોકલવામાં આવ્યા. અમૃતાદેવી નામના બિશ્ર્નોઈ મહિલા જોધપુર પંથકના આ ગામમાં રહેતાં હતાં, ખેજડી કપાઈ રહી છે જાણતાં અમૃતાદેવી નિર્ભયપણે દોડી જઈ સૈનિકોની કુહાડીથી ઝાડને બચાવવા વળગી પડ્યાં. સામંત પક્ષે વિચાર્યું કે મહિલાને બચાવવા અને વૃક્ષો કાપવા માટે લાલચ કામ કરશે પણ અમૃતાદેવી વૃક્ષ હત્યાનો વિરોધ કરતાં રહ્યાં, અંતે જાન ગુમાવવાની ધમકી આપવામાં આવી પરંતુ બિશ્ર્નોઈ મહિલા અડગ રહ્યાં. ધાર્મિક આસ્થાના પાલન માટે તેઓ લીલાં વૃક્ષોને બચાવવા માટે પોતાનો જીવ આપવા તત્પર રહ્યાં. તેઓએ સૈનિકને કહ્યું “सर सान्टे रुख रहे तो भी सस्तो जाण ! એક વૃક્ષ કાજે માથું પણ સસ્તું જાણ” કારણ કે બિશ્ર્નોઈ તરીકે તેનું રક્ષણ કરવું તેની ફરજ છે. મહારાજના ફરમાનની અવગણના ગણી સૈનિકોએ ઝાડ કાપવા માટે લાવવામાં આવેલી કુહાડી વડે અમૃતાદેવીનું માથું ધડથી અલગ કરી નાખ્યું. માતા સાથે આવેલી ત્રણ દીકરીઓ આસુ, રતની અને ભગુએ પણ બલિદાન આપ્યું. જોતજોતાંમાં બિશ્ર્નોઈ ગામોમાં વાત ફેલાઈ અને લોકો વૃક્ષોને વળગવા મંડ્યા. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. બિશ્ર્નોઈઓ ભેગા થયા અને ૮૩ બિશ્ર્નોઈ ગામોને સમાચાર મોકલાયા. ચારેયના સર્વોચ્ચ બલિદાનને અવગણી લીલાં વૃક્ષોને કાપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું, તેથી નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક લીલા વૃક્ષને બચાવવા માટે, એક બિશ્ર્નોઈ તેના જીવનનું બલિદાન આપશે. ટૂંક સમયમાં જ ગામના અન્ય લોકોએ પણ અમૃતદેવીના બલિદાનનું અનુસરણ ચાલુ કર્યું અને સૈનિકોએ તેમને મારવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે મહારાજાએ તેમના નિર્ણય પર પસ્તાવો કર્યો અને સૈનિકોને પાછા બોલાવ્યા તે પહેલાં ૩૬૩ (૬૯ મહિલા, ૨૯૪ પુરુષ) લોકોએ ખેજરી વૃક્ષોની સુરક્ષા માટે પોતાનો જીવ આપ્યો.
ખેજરી બલિદાન સર્વ પ્રથમ પ્રકૃતિ કાજે થયેલું અહિંસક લોક- આંદોલન છે, જેને બિશ્ર્નોઈઓ પોતાના ધર્મનું ફરજપાલન માત્ર માને છે. તેમના માટે દરેક છોડ અથવા પ્રાણી, મનુષ્યની જેમ જ એક જીવંત પ્રાણી છે અને તેથી તે સુરક્ષિત થવાને પાત્ર છે. આ એ ધર્મ છે જે મનુષ્યો, તેમના પર્યાવરણ, તેમની ધાર્મિક માન્યતાઓ અને એકબીજા વચ્ચે વધુ સારા સંબંધને ઉત્તેજન આપે છે, બધાને સુમેળથી જીવવા દે છે. આજે નિષ્ણાતો આને ‘ટકાઉપણું’ કહે છે, અને બિશ્ર્નોઈને ‘ભારતના પ્રથમ પર્યાવરણવાદી’ તરીકે ઓળખાવે છે પરંતુ સદીઓ સુધી એક સમુદાય તેને માત્ર પોતાની ફરજ ગણે છે.
ગુરુ જામભેશવર અને તેમના અનુયાયીઓએ પ્રકૃતિને સહાયક કાર્યો કરેલાં તેની વાત પણ મળી આવે છે. જેમ કે જેસલમેરના માર્ગે આવતા નંદેલુ ગામમાં બાંધેલું તળાવ કે જ્યાં વન્યજીવોનો પહેલો હક રહે છે. બિશ્ર્નોઈના ગામોમાં એવાં કેટલાંય જીવતાં મંદિરો છે જ્યાં નાનાં નાનાં વનો ઊભાં કરવામાં આવ્યાં છે અને ત્યાં રોજ પશુ પંખીઓને ચારો નાખવામાં આવે છે. અહીંનાં વૃક્ષોનાં સૂકાં પાંદડાઓ અને પક્ષીઓની હગારને ખાતર માટે વાપરવામાં આવે છે. આવા દર્શનીય સ્થળને સાથરી કહે છે, જે લોહવાટ અને લાલસાર ગામે જોવા મળે છે. અહીં જામભેશવરનાં વ્રતોને પથ્થરમાં કંડારી મૂકવામાં આવ્યા છે.
ખેજલડી એ સ્થાન છે જ્યાંથી ભારતમાં ચિપકો ચળવળની શરૂઆત થઈ હતી. ખેજડલીમાં તે મંગળવાર, કાળો મંગળવાર હતો. ૧૭૩૦ એ.ડી.માં ભાદ્ર (ભારતીય ચંદ્ર કેલેન્ડર) મહિનાના તેજસ્વી પખવાડિયાનો ૧૦મો દિવસ યાદ કરી આજે પણ મેળો ભરાય છે. અહીં ખેજલડી સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં, બિશ્ર્નોઈ સમુદાય હજી પણ અહીં એકઠા થાય છે.
વન્યજીવ સંરક્ષણ માટેનો પ્રથમ અમૃતાદેવી બિશ્ર્નોઈ રાષ્ટ્રીય પુરસ્કાર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી દ્વારા રાજસ્થાનના જોધપુરના ચિરઈ ગામના ગંગારામ બિશ્ર્નોઈને મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો. ગંગારામ કેટલાક શિકારીનો પીછો કરી રહ્યા હતા જેમણે એક હરણને મારી નાખ્યું હતું અને શિકારીઓની ગોળીથી તેનું મૃત્યુ થયું હતું. ૧૧ સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
લગભગ ૨૩૦ વર્ષ પછી, ૧૯૭૩માં, ઉત્તરાખંડમાં તેહરી-ગઢવાલમાં ચિપકો આંદોલન આ ખેજરી શહીદોથી પ્રેરિત હતું. ૨૦૦૧માં, પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપનારા લોકોને ઓળખવા માટે, તેમના સન્માનમાં એક રાષ્ટ્રીય પુરસ્કાર (અમૃતાદેવી બિશ્ર્નોઈ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એવોર્ડ) બનાવવામાં આવ્યો હતો. આના પરિણામે, બિહાર અને ઝારખંડમાં જંગલ બચાવો આંદોલન (૧૯૮૨), કર્ણાટકના પશ્ર્ચિમ ઘાટમાં અપ્પીકો ચાલુવલી (૧૯૮૩), અને અન્ય સમાન વિરોધનો જન્મ થયો. આ બધાનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરવાનો હતો અને પરિણામે જાહેર નીતિઓ બદલાઈ. ચિપકો આંદોલનની ‘ટ્રી-હગિંગ’ યુક્તિ અને તેના સંદેશાઓએ ભારતની સરહદોની બહારના ઘણા દેશોમાં લોકપ્રિયતા મેળવી, જેના કારણે સ્વિટ્ઝર્લેન્ડ, જાપાન, મલેશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડમાં આ રીતે અહિંસક આંદોલનો થયાં છે.
ખેજરીને પશ્ર્ચિમ ભારત તેમજ પશ્ર્ચિમ એશિયાના ઘણા ભાગમાં એક મહત્ત્વપૂર્ણ પ્રજાતિ માનવામાં આવે છે કારણ કે તે ગરમ, શુષ્ક પ્રદેશોમાં સારી રીતે ઊગે છે અને તે લોકો અને પ્રાણીઓ બંને માટે ઉપયોગી છે. દાખલા તરીકે, પાકી ન ગયેલી શીંગોનો ઉપયોગ કેર-સાંગરીનું શાક બનાવવા માટે થાય છે જે કોઈપણ રાજસ્થાની થાળીનો મહત્ત્વનો ભાગ છે, દુકાળ દરમિયાન લોકો છાલનો ખાવામાં ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ચામડીના રોગોની સારવાર માટે પણ થઈ શકે છે, તેનાં મૂળ નાઈટ્રોજનનું સંતુલન કરે છે અને જમીનની ફળદ્રુપતા પુન:સ્થાપિત કરીને, ભૂમિ સુધારણા સાથે ગાય અને બકરા માટે સારા ચારાનો લાભ આપે છે.
(Source: Wikipedia)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ જૂન, ૨૦૨૪
-
ઘણી પરંપરાઓ પાછળ મજબૂત સામાજિક અને આર્થિક કારણો હોય છે
સંવાદિતા
કોરોના વાવાઝોડાંમાં પણ આપણે સામાજિક સંબંધોનો એક અત્યંત વરવો અને બિહામણો ચહેરો જોયો
ભગવાન થાવરાણી
ઘણી સામાજિક પ્રથાઓ કુરુચિપૂર્ણ લાગે છે તો ઘણી અરેરાટી ઉપજાવે એવી પણ. દેશે-દેશે અને સમાજે – સમાજે આવી પ્રથાઓના વ્યાપ પાછળ કોઈને કોઈ સામાજિક અને વિશેષ તો આર્થિક કારણ જવાબદાર હોય છે. આવી ઘણી પ્રથાઓ કાળે ક્રમે અને પરિસ્થિતિઓ બદલાતાં વિલય પણ પામે છે.
જાપાનનાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં છેક ઓગણીસમી સદી લગી એક ક્રૂર લાગે તેવી પ્રથા અમલમાં હતી. એ પ્રથાનું જાપાનીઝ નામ ઉબાસૂતે અથવા ઓયાસૂતે. એનો વાચ્યાર્થ થાય ‘ વડીલોને છોડી દેવાં ‘. આ પ્રથા હેઠળ મોટી ઉંમરના માબાપ કે વૃદ્ધ સગાંઓને એમના જ સંતાનોએ કોઈક પર્વત અથવા સુદૂરની વેરાન જગ્યાએ મૂકી આવવાનું રહેતું જ્યાં એ લોકો ભૂખ, તરસ અને અન્ય કારણોથી થોડાક દિવસોમાં મૃત્યુ પામતાં. સ્વાભાવિક છે, આ કુરિવાજના કારણમાં ઘરની પહેલેથી દયનીય આર્થિક હાલતમાં વૃદ્ધોના પેટ ભરવાનો ‘ બિનજરૂરી ‘ બોજો કારણભૂત હતો. આ ક્રિયાને અંગ્રેજીમાં SENICIDE ( સેનીસાઈડ ) કહેવાય છે.
યુરોપ અને એશિયાના અન્ય કેટલાક દેશોમાં પણ આ રિવાજ અલગ અલગ સમયમાં અલગ અલગ નામે પ્રચલિત હતો. ક્યાંક એની પાછળ અંધશ્રદ્ધા પણ જવાબદાર રહેતી પણ મહદંશે તો આર્થિક પશ્ચાદભૂ જ. જૂનું યુગોસ્લાવિયા અને હાલ જે સર્બિયા કહેવાય છે એ દેશના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રથા LAPOT ( લેપોટ ) નામે અસ્તિત્વમાં હતી. ત્યાં ધરના વયોવૃદ્ધ વડીલો, જે ઘરની અર્થવ્યવસ્થા ઉપર બોજ હોય એમને ગામના ચોકમાં લઈ જવાતા. ગામ આખાને નોતરું દેવાતું અને બધાંની હાજરીમાં એમને કુહાડી કે લાકડીથી મારી નાંખવામાં આવતાં.
જાપાનીઝ લેખક શિચીરો ફુકાઝાવાએ આ પ્રથાને કેંદ્રમાં રાખી એક નવલકથા ‘ ધી બેલેડ ઓફ નારાયામા ‘ ( નારાયામા પર્વતની ગાથા ) ૧૯૫૬ માં લખી. આ નવલ ઉપરથી પ્રથમ ફિલ્મ સર્જક કેસૂકે કિનોશિતાએ ૧૯૫૮ માં અને ત્યાર બાદ અન્ય એક પ્રતિષ્ઠિત સર્જક શોહેઈ ઈમામૂરાએ ૧૯૮૩ માં એ જ નામની ફિલ્મો બનાવી. બન્ને ફિલ્મનું કથાવસ્તુ મૂળ નવલકથાને વફાદાર રહીને ફિલ્માવાયું છે પરંતુ કિનોશિતાની ૧૯૫૮ ની ફિલ્મ જાપાનીઝ નાટ્ય પ્રકાર કાબૂકી શૈલીમાં છે જેમાં એક સૂત્રધાર હોય અને ગાયન – નર્તન પણ હોય. એ દરમિયાન તખ્તા પર મૂળ કથાનું નિરૂપણ પણ થતું રહે.
આપણે વાત કરીએ ૧૯૮૩ ની ફિલ્મની. ઓગણીસમી શતાબ્દીના જાપાનમાં નારાયામા પર્વતની તળેટીમાં વસેલા એક અત્યંત ગરીબ અને બારે માસ દુષ્કાળગ્રસ્ત એવા નાનકડા ગામમાં એવી પ્રથા હતી કે ગામનો કોઈ પણ માણસ કુદરતી મૃત્યુ પામ્યા વિના સિત્તેરની ઉંમરે પહોંચે તો એના પોતાના જ સંતાનો એને ઉપાડીને નારાયામાની ટોચે મૂકી આવે. ત્યાં જો એ ભૂખ-તરસથી ન મરે તો અસહ્ય ઠંડી અને બરફ વર્ષાથી મરી જ જાય ! નિયમોમાં પાછું એવું કે આવા વૃદ્ધને એનો જ્યેષ્ઠ પુત્ર જ પોતાના ખભે ઉપાડી જાય, વળી એ માટે એવી રીતે નીકળવાનું કે ગામનું કોઈ પણ એમને જોઈ ન જાય. કઠિન ચઢાણ દરમિયાન બન્નેમાંથી કોઈએ એક હરફ પણ ઉચ્ચારવાનો નહીં અને સ્હેજે પાછું વાળીને જોવાનું પણ નહીં.

ગામની વિધવા વૃદ્ધા ઓરીનને હજી ૬૯ થયા છે. એ દરેક રીતે કડેધડે છે. ધરનું બધું કામ એ પોતે કરે છે. એના બત્રીસેય દાંત સાબૂત છે પણ રિવાજની આમન્યા તો રાખવી જ પડે. એનો મોટો દીકરો તાત્સુહેઈ પોતે વિધુર છે અને માને દિલોજાનથી ચાહે છે. એ લેશમાત્ર રાજી નથી કે માને નારાયામા મૂકી આવવી. નાનો તો સાવ માથે પડેલો ગામનો ઉતાર છે. ઓરીન નારાયામાની અંતિમ મુસાફરી માટે તૈયાર છે પણ એ પહેલાં એની ખ્વાહેશ છે કે બન્ને દીકરાને ઠેકાણે પાડવા. મોટા માટે તો એણે બાજુના ગામની એક વિધવા સ્ત્રી શોધી પણ રાખી છે, પોતાના ગયા પછી થોડીક આસાની રહે એટલા માટે એ આ ભાવિ વહુને દૂર પર્વતોની આડશમાં આવેલા એક ગુપ્ત ઝરણાં પાસે લઈ જઈ ત્યાં ટ્રોટ માછલીઓ કેમ પકડવી એનો હુન્નર પણ શીખવે છે.
ભયાનક ભૂખમરાએ ગામમાં બીજી એક કુપ્રથાને જન્મ આપ્યો હતો. ગામમાં જો કોઈને પુરુષ બાળક જન્મે તો એને મારીને એનું મૃત શરીર ગામ પાસે આવેલા ડાંગરના ખેતરમાં નાંખી આવવાનું. ખાતરનું ખાતર અને એક વધુ પેટ ભરવામાંથી છુટકારો ! સ્ત્રી બાળકને જિવાડવાનો કારણ કે એ ભાવિ માતા છે !
ઓરીન પોતાની પાડોશમાં જ રહેતા એક વૃદ્ધને એનો દીકરો બાંધીને બળજબરીપૂર્વક નારાયામા લઈ જાય છે એ જૂએ છે અને મનોમન પોતાની આવી હાલત નહીં થવા દે એ નિશ્ચય કરે છે. પોતે અશક્ત અને બિચારી લાગે એટલા ખાતર એ પોતાના જ સાબૂત દાંત ક્રૂરતાપૂર્વક તોડી નાંખે છે!
ફિલ્મના કેટલાક દ્રશ્યો જુગુપ્સાપ્રેરક છે અને કેટલાક અમાનવીય અને ભારતીય માનસિકતા માટે અસહ્ય , એટલે એનો ઉલ્લેખ ટાળીએ. ફિલ્મમા થોડા ઘણાં જે ખુશનુમા દ્રશ્યો છે એમાં કુદરતના વિવિધ રંગો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની અવનવી મુદ્રાઓ, પક્ષીઓ – સર્પો – દેડકાંનું સાહચર્ય વગેરે થોડો થોડા અંતરે મૂક્યા છે.
અલબત્ત, ફિલ્મના અંત ભાગમાં પુત્ર કાત્સુહેઈ કમને પણ માની મક્કમતા આગળ ઝુકીને એને નારાયામાને હવાલે કરી પાછો ફરે છે.
વૃદ્ધા ઓરીનનું પાત્ર ભજવતી અભિનેત્રી સુમીકો સાકામોટોની ઉંમર એ વખતે એના પુત્ર તાત્સુહેઈની ભૂમિકા ભજવતા અભિનેતા કેન ઓગાટા જેટલી જ પચાસની આસપાસ હતી. ફિલ્મને ૧૯૮૩ ના કાન ફિલ્મોત્સવમાં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળેલો. ફિલ્મનું શીર્ષક એક લોકપ્રિય જાપાની લોકગીતની ધ્રુવ પંક્તિ છે જે ૧૯૫૮ વાળી ફિલ્મમાં લેવાયું છે.
વૃદ્ધોને પરાણે મૃત્યુ તરફ ધકેલવાનો ફિલ્ર્મનો વિચાર પ્રથમ દ્રષ્ટિએ ક્રૂર ભલે લાગે, એનો ઉદ્ભવ મજબૂર કરતી આર્થિક પરિસ્થિતિઓમાંથી નીપજ્યો છે એનો ઈન્કાર થઈ શકે નહીં. જરા સરખામણી કરીએ હમણાં થોડાક વર્ષો પહેલાંની કોરોના મહામારી વાળી એ દારુણ પરિસ્સાથિતિ સાથે જ્યારે વિકસિત રાષ્ટ્રોમાં પણ હોસ્પીટલોએ વૃદ્ધોને સારવાર આપવાનો ઈન્કાર કરવો પડેલો જેથી નાની ઉંમરના લોકોને બચાવી શકાય ! એ પણ એક પ્રકારનું ‘ ઉબાસૂતે ‘ જ હતું.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ત્યારે સાલું લાગી આવે
ગીતોના ગઢવી ગણાતા કવિ શ્રી મુકેશ જોશીનું ત્યારે સાલું લાગી આવે ગઝલ–ગીત મન મમળાવે તેટલું મર્મભર્યું બન્યું છે. સ્વરકાર શ્રી શ્યામલ–સૌમિલના અવાજમાં સ્વરબદ્ધ થયું છે અને અનેક મેગેઝીનોમાં પ્રકાશિત થઈને ખૂબ જ જાણીતું અને સૌનું માનીતું પણ થઈ ચૂક્યું છે.
સૌથી પ્રથમ આપણે રચના માણીએ અને પછી તેનું રસદર્શન.
ત્યારે સાલું લાગી આવે…..
પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.– મુકેશ જોશી
:રસદર્શનઃ
દેવિકા ધ્રુવ‘કાગળને પ્રથમ તિલક’ કરનારા અને ‘બે પંક્તિના ઘરમાં’થી પંકાયેલા કવિ શ્રી મુકેશ જોશીનું ઉપરોક્ત ગઝલ–ગીત તેમના અવાજમાં સાંભળવાનો પણ એક લહાવો છે.‘લાગી આવવું’ આ બે શબ્દો જ સંવેદનાથી તરબતર છે. દરેક માનવીને એની ભાવનાઓ કે વિચારો પર મનને ક્યાંક ને ક્યાંક, કશુંક લાગી આવે એ લગભગ સતત ચાલુ જ રહેતુ હોય છે. કારણ કે, જીવન કે જગતમાં ક્યાંય સંપૂર્ણ સમાનતા હોય તેવું નથી હોતું. તો આ બંને શબ્દોના અર્થને મુખ્ય ધ્વનિ તરીકે રાખીને મુકેશભાઈએ એક સુંદર અસરકારક રચના કરી છે.
માત્ર ૮ જ લીટીની આ રચના જીવનના સાર અને વિચારોની એક નવી દુનિયામાં લઈ જાય છે. શબ્દેશબ્દનો ખૂબ ઉચિત પ્રયોગ નોંધનીય છે.
‘સાલુ’ જેવો અતિ સામાન્ય શબ્દ અહીં નરમ,ગભરું સસલાની જેમ સંવેદનાની આસપાસ જાણે ગૂંચળું વળીને બિચારો બની ગોઠવાઇ ગયો છે. ગાગાગાગા નો હળવો લય પણ લાગણીના તારને અનુરૂપ થઈ ભળી ગયો છે.
ગીતનો ઉઘાડ કવિ કુદરતથી કરે છે. “પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે.. જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.” દેખીતી રીતે આમાં વાત તો સંવેદનાની છે, પણ માત્ર સંવેદનાની નથી. શબ્દોની ભીતર એક સનાતન સત્યનો, એના ક્રમનો અને સ્વીકારનો ભાવ છૂપાયેલો છે. જડ કે ચેતન સમગ્ર સૃષ્ટિનો એક નિયમ છે. ઊગવું અને આથમવું, ખીલવું અને ખરવું, ભીડ અને એકાંત, સભરતા અને ખાલીપણું કેટકેટલાં અર્થોને ‘લાગી આવવું’ શબ્દમાં ભરી દીધા છે અને તે પણ સાવ સાદા સીધા, સરળતાથી સમજાઈ જાય એવા શબ્દોમાં.
આગળ જઈને કવિ એક બીજી વિષમતાની વાત એક સુંદર પ્રતીક દ્વારા ચિત્રિત કરે છે. પર્વતારોહણ કરનાર કોઈ વ્યક્તિ લગભગ છેક ટોચ પર પહોંચવાની તૈયારીમાં હોય અને અચાનક એનું ધ્યાન ચળી જાય તો શું થાય? કવિ એ સ્પષ્ટ કહેતા નથી. ગબડી પડવાનો અર્થ આપણી પર છોડી દે છે! માત્ર એક ‘લાગી આવવું” શબ્દથી! શા માટે લાગી આવે? ચલિત થયેલ માણસ ગબડી પડે ત્યારે ને? થોડા શબ્દોમાં કેટલો મોટો ગર્ભિત ઈશારો! તેમાં પણ ‘રોજ પર્વતારોહણ કરનારા’ શબ્દમાં પણ એક ઉંચેરો સંદેશ છે. ખૂબ ઉપર જઈને અહમની ટોચે બેઠેલ માનવીનું મન જરાક પણ ચંચળ બને, સ્થિરતા ગુમાવે તો રોજની આદત હોવા છતાં, ક્ષણમાત્રમાં એ ફેંકાઈ જતો હોય છે. ધ્યેય પ્રત્યેની એકાગ્રતા અને નમ્રતાનું મહત્વ કેટલી સરળ રીતે કહેવાયું છે? એ કવિ હૃદયની સજાગતા દર્શાવે છે.
ક્રમિકપણે કવિ એક બીજાં વીંધતા વિરોધાભાસની, દિલને સોંસરવી ઉતરી જાય તેવી વાત કરે છે. એક ફૂટપાથ પર, ભૂખ્યાં બાળકો આંસુ પીને, ગરમ શ્વાસો ભરતાં પોઢી ગયાં હોય અને સામેની સડક પર એક આલીશાન હોટલ નજરે પડે….શું થાય ત્યારે? લાગી આવે ને? શબ્દેશબ્દમાં ભારોભાર દર્દ છે. ભૂખ્યું બાળક, ફૂટપાથ, આંસુ પીવું, સામે આલિશાન હોટલ.. કોઈ નાનું નિર્દોષ દુભાયેલું ભૂલકું ઉદાસ બનીને, મોં વકાસીને બેઠું હોય ને કોઈ એને પૂછે કે શું થયું તને? પછી એ માસુમ બાળક, હોઠને સહેજ લાંબો કરીને, રડમસ ચહેરે, ધીરે ધીરે એક પછી એક કારણો કહેતું જાય એવું કોઈ અજંપાનુ છતાં રિસાળ ચિત્ર ઉપસે છે અહીં. ઓહ..ઓહ. એક તીવ્ર રુંધામણની પીડાથી ભાવકોના હૈયાંને હલબલાવીને મુકેશભાઈ આગળ વધે છે.
જીંદગીમાં કેવી આકરી પરીક્ષાઓ થતી હોય છે તેની પણ એક કરુણ વાત જુઓ. કવિતાને અંતે એ કહે છે કે, કોઈની સામે કશોક પડકાર ફેંક્યો હોય, એ વિશેની તમામ પ્રકારની તૈયારી કરીને કોઈ બેઠું હોય, પૂરેપૂરો આત્મવિશ્વાસ હોય પણ ખરે ટાંકણે પાસાં અવળાં પડે ને બાજી ઊંધી વળે ત્યારે કેવું લાગે? આ આખીયે લાચારીની લાગણીને કેવી સાહજિકતાથી અભિવ્યક્ત કરી છે અહીં! જીંદગીમાં આવતા વળાંકો અને અચાનક આવતા એક અલગ મોડની, કારમી વાસ્તવિકતાની વાત છે.
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.અહીં દુશ્મન,રણ અને મ્યાન તો એક રૂપક છે. ખરી વાત તો કંઈક બીજી જ છે. ભાવવિશ્વના કંઈક કેટલાય પડળો ખુલે છે. પુરુષાર્થ અને પ્રારબ્ધનો અર્થ પણ નીકળે છે અને જેના પર આખીય જીંદગી આધાર રાખ્યો હોય તે છેલ્લી ઘડીએ ફરી જાય એવી છૂપી વેદનાનો સૂર પણ અહીં સંભળાય છે. યુદ્ધ, રણ, મ્યાન અને તલવાર કોઈ સમરાંગણમાં નથી. આપણી આસપાસ, કદાચ આપણી પોતાની અંદર પણ હોઈ શકે. જેવું જેનું ભાવજગત. સાચી કવિતાનું આ જ તો સૌંદર્ય છે કે એમાંથી જાતજાતના દૄશ્યો અવનવા રૂપ ધરી પ્રતિબિંબિત થાય છે.
આમ, શરુઆતમાં વિષયના ઉઘાડથી માંડીને, ક્રમિક રીતે વિવિધ રૂપકો અને સજીવારોપણ અલંકારો રચી, અંત સુધી ‘લાગી આવવા’ના અનેક ચિત્રો તાદૃશ થયાં છે. ભાવ,લય અને સંગીતનો પણ સુભગ સંયોગ વર્તાય છે. સૌથી વધુ મહત્વની વાત તો એ છે કે, અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવેલ આ ગીતનુમા ગઝલ ભાવકની ભીતર સુધી સ્પર્શ્યા વગર રહેતી નથી. કવિ શ્રી સુરેશ દલાલે સાચું જ કહ્યું છે કે, મુકેશભાઈના ગીતોમાં આંખના ખૂણે ભેજ પ્રગટાવવાની તાકાત છે અને લાગણીઓના પીંછામાંથી મોર ઊભો કરવાની કળા છે.
રજૂઆતના રાજવી અને ગીતોના ગઢવી કવિ શ્રી મુકેશ જોશીના કાવ્યકસબને વંદન.અસ્તુ.–દેવિકા ધ્રુવ
Devika Dhruva.ddhruva1948@yahoo.com
-
સાદગી, સંઘર્ષ, પ્રામાણિકતા, પારદર્શિતા અને બૌધ્ધિકતાનું પ્રતીક મધુ દંડવતે
નિસબત
ચંદુ મહેરિયા
માર્ચ ૧૯૭૭.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી ઉઠ્યા પછીની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીનો વિજય થયો હતો. એવા સમયે કેટલાક અધિકારીઓ અને રાજનેતાઓએ રાજધાનીના વીપી હાઉસના ફ્લેટ નંબર ૪૦૩નો દરવાજો ખખડાવ્યો.કાર્યકરે દરવાજો ખોલ્યો તો તેમણે પ્રો. મધુ દંડવતે ક્યાં? ની પૃચ્છા કરી. કાર્યકરે પૃચ્છાના જવાબમાં બાથરૂમ તરફ ઈશારો કર્યો. પ્રોફેસર અને નવનિર્વાચિત સાંસદ બાથરૂમમાં કપડાં ધોતાં હતા! મધુ દંડવતે મહારાષ્ટ્રના રાજાપુર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. કોઈ આવ્યાનું જણાતા એ ભીના લૂગડે ચશ્માની દાંડી નાક પર ચઢાવતા બહાર આવ્યા. આગંતુકોના આશ્ચ્રય અને આઘાતમિશ્રિત ચહેરા નીરખીને તે બોલ્યા,’ ચૂંટણીમાં બધાં લૂગડાં બહુ મેલા થઈ ગયા હતા. આજે મોકો મળ્યો તે ધોવાનો ‘ અફસરો અને નેતાઓએ તેમને નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જોડાવા શપથવિધિમાં પહોંચવાનું ઈજન દીધું. જનતા સરકારના રાજ્યારોહણની તૈયારીમાં દિલ્હી વ્યસ્ત હતું ત્યારે એ બધાથી જાણે કે બેખબર, સાદગી અને સ્વાશ્રયને વરેલા પ્રો. દંડવતે કપડાં ધોવામાં મસ્ત હતા.
મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારના રેલવે મંત્રી અને સંનિષ્ઠ એટલા સમર્પિત સમાજવાદી મધુ દંડવતે ( ૨૧ જાન્યુઆરી ૧૯૨૪, ૧૨ નવેમ્બર, ૨૦૦૫) નું આ જન્મ શતાબ્દી વરસ છે. લાલબત્તીવાળી સરકારી ગાડી તો જાણે કે પહેલીવાર ૧૯૭૭માં મળી પણ સમાજવાદી હોવાના નાતે જેલના તો એ આદિ. ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ લોકોના જીવનમાં મૂળભૂત ફેરફાર લાવનારા જૂજ રાજકીય નેતાઓ પૈકીના એક તેમને ગણાવ્યા છે. રેલવેના બીજા વર્ગની બર્થ એટલે લાકડાનું પાટિયું. રેલવે મંત્રી દંડવતેએ તેને બે ઈંચ ફોમથી મઢ્યું અને સેકન્ડ કલાસના રેલયાત્રીઓની મુસાફરી આરામદાયક બનાવી. રેલવેના મૂળભૂત માળખામાં તેમણે મહત્વના સુધારા કર્યા. રેલવેનું કમ્યુટરીકરણ પણ મધુ દંડવતેની જ દેન છે. દંડવતે જે રાજાપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા તે મહારાષ્ટ્રના કોંકણમાં રેલવે પહોંચી નહોતી. તેમના પુરોગામી સમાજવાદી સાંસદ નાથ પૈ જ્યારે આ પ્રશ્ન સંસદમાં ઉઠાવતા ત્યારે તેમને મળતો સરકારી જવાબ , ‘ અસંભવ કામ માટેનો મૂર્ખતાપૂર્ણ પ્રયાસ ’ નો રહેતો. પરંતુ દંડવતે એ કોંકણને રેલવે આપી અસંભવ કામ સંભવ કર્યું હતું. રેલવે કર્મચારીઓની લાંબી હડતાળ પછી સરકાર અને રેલવે યુનિયનો વચ્ચે અંતર વધ્યું હતું. દંડવતે એ તે અંતર ઘટાડ્યું હતું.
મહારાષ્ટ્ર્ના અહમદનગરમાં જન્મેલા મધુ દંડવતેના દાદા સાહિત્યકાર હતા અને પિતા ઈજનેર. પિતા દીકરાને ઈજનેર બનાવવા માંગતા હતા. પરંતુ દીકરો કોઈ જુદા જ દેવ માંડી બેઠેલો. મુંબઈની પ્રતિષ્ઠિત રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી ફિઝિક્સમાં એમએસસી કર્યું. ૧૯૪૬માં બાવીસ વરસના મધુ દંડવતે ડો. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત સિધ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સના અધ્યાપક બન્યા હતા. અઢાર વરસની વયે ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટમાં જોડાયા ત્યારથી એમના જાહેરજીવનની શરૂઆત થઈ હતી. પાંચવારના આ લોકસભા સભ્યે તેમની બે દાયકા લાંબી સંસદીય કારકિર્દીનો આરંભ ૧૯૭૦માં મહારાષ્ટ્ર વિધાના પરિષદના સભ્ય તરીકે કર્યો હતો. દંડવતે મોરારજી સરકારના રેલવે મંત્રી હતા તો વી.પી. સિંઘ સરકારના નાણાં મંત્રી અને હા દેવગૌડા સરકારના પ્લાનિંગ કમિશનના વાઈસ ચેરપર્સન પણ હતા.
સરકારી હોદ્દા અને મંત્રી પદ એમણે પૂર્ણ લાયકાતના ધોરણે મેળવ્યું હતું. હાડના તો એ સંઘર્ષશીલ કર્મશીલ હતા. એટલે ગોવા મુક્તિ આંદોલનમાં કમરનું હાડકું પણ ભંગાવ્યું હતું. કટોકટી દરમિયાન બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં તે લાંબો સમય રહ્યા. તે સમયના તેમના બેરેક સાથી અટલ બિહારી વાજપાઈ હતા. સમાજવાદને વરેલા કર્મશીલ જીવન સાથી પ્રમિલા દંડવતે પણ કટોકટીમાં જેલમાં હતા. મધુ બંગલુરુમાં તો પ્રમિલા યરવડામાં. જેલવાસ દરમિયાન દંડવતેદંપતી વચ્ચે થયેલો પત્ર વ્યવહાર ઠીક ઠીક ઉલ્લેખાય છે પરંતુ જેલમાંથી જ મધુ દંડવતે એ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ તેમની આપખુદ રસમો માટે લલકારતા અને ઠપકારતા બસો જેટલા પત્રો નીડરપણે લખ્યા હતા. એ ન જાને કેટલાને યાદ હશે ?
દંડવતેના નામ સાથે પ્રોફેસરનું લટકણિયું કંઈ અમસ્તું નથી. ડોં.આંબેડકરે નાતજાતના ધોરણે નહીં પણ પૂર્ણ લાયકાતના ધોરણે સિધ્ધાર્થ કોલેજમાં અધ્યાપકોની નિમણૂક કરી હતી. ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે એમને દંડવતે જડ્યા એ પણ એવા કે જે ન્યૂક્લિયર ફિઝિક્સ સ્થાનિક અને સરળ ભાષામાં ભણાવે. “ વિજ્ઞાનના કઠિન કહેવાતા પારિભાષિક શબ્દો હિંદી કે ભારતીય ભાષામાં શક્ય છે. હું આખું પરમાણુ ભૌતિકી હિંદી-મરાઠીમાં ભણાવી શકું છું “ તેમ અદબ અને અભિમાનથી લખતા મધુ દંડવતે કંઈ અમથા પ્રોફેસર કહેવાયા હશે?
સિધ્ધાર્થ કોલેજના અધ્યાપકને નાતે દંડવતેને ડો. આંબેડકર સાથે પણ સારો નાતો બંધાયો હતો. તેમની સાથેના સંવાદે દંડવતેના મનમાં સામાજિક ન્યાયનો ખ્યાલ વધુ દ્રઢ થયો હતો. વાજબી રીતે જ બંધારણના ઘડવૈયા કહેવાતા ડો.આંબેડકરના વિચારો પ્રમાણેનું વર્તમાન બંધારણ કેટલું તેનો દંડવતે જ આપી શકે તેવો જવાબ હતો કે, “ બંધારણની એક નકલનાં પાનાં પર ડો. આંબેડકરે પોતાની સમાલોચના લખી છે. બંધારણના એક એક પરિચ્છેદ પર ટિપ્પણી સ્વરૂપે . એ પ્રકાશિત થાય તો બાબાસાહેબની યુગદ્રષ્ટિની ઝલક જોવા મળે “
જેમ દંડવતેની બૌધ્ધિકતા, પ્રામાણિકતા અને પારદર્શિતાની દુહાઈ દેવાય છે તેમ તેમની તટસ્થતા પણ વખણાય છે. એટલે પક્ષે ઘણી મહત્વની ચૂંટણીઓના તેમને ચૂંટણી અધિકારી બનાવ્યા હતા. જોકે વી.પી.સિંઘની વડાપ્રધાન તરીકેની પસંદગી ચૂંટણી અધિકારી દંડવતેની તટસ્થતા પર સવાલો કરે તેવી હતી. જનતા દળના સંસદીય પક્ષના નેતાની ચૂંટણીમાં ચન્દ્રશેખર ઝંપલાવવાના હતા. પરંતુ તેમને દેવીલાલના નામે મનાવી લેવાયા. પછી દેવીલાલે “ હું તો તાઉ જ ભલો”mમ કહીને વિશ્વનાથ પ્રતાપ સિંઘને પસંદ કર્યા. આ સઘળુ ચન્દ્રશેખરને અંધારામાં રાખીને થયું હતું અને મધુ દંડવતે એ થવા દીધું હતું. આ ઘટનામાં મધુ દંડવતેની ભૂમિકા સંદર્ભે ચન્દ્રશેખરે આત્મકથા “ જીવન જૈસા જિયા” માં લખ્યું છે, “મધુ દંડવતે ઈસ તરહ કી તિકડમ કે સાઝીદાર હોંગે , ઈસકા મુઝે કભી વિશ્વાસ નહીં હુઆ “ (પૃષ્ઠ- ૧૬૩) દંડવતેની તટસ્થતાનું આથી મોટું પ્રમાણ બીજું શું હોઈ શકે?
૧૯૯૧ અને ૧૯૯૬ની સામાન્ય ચૂંટણીઓમાં દંડવતેની હાર થઈ હતી.એટલે ૧૯૭૧ થી ૧૯૯૧ની તેમની દીર્ઘ સંસદીય કારકિર્દીનો અંત આવ્યો. જો કે ૧૯૯૬માં જ્યારે તેઓ ચૂંટણી હાર્યા હતા ત્યારે જ વડાપ્રધાન પદ માટે તેમના નામની વિચારણા ચાલી હતી. પોતે લોકસભાના સભ્ય જ નથી એટલે તેમણે વાતને ઉગતી ડામી દીધી હતી. કહેવાય છે કે તે પછી દેવગૌડાની પ્રધાનમંત્રી તરીકેની પસંદગી દંડવતેની હતી. દેવગૌડાએ તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા એટલે ઘણાંને વાતમાં તથ્ય પણ લાગ્યું.
એક્યાસીની વયે ૨૦૦૫માં એમનો દેહવિલય થયો. વાંચતી, લખતી, લડતી, ઝઘડતી અને તર્કવિતર્ક સાથે વિચારવિમર્શ કરતી સમાજવાદીઓની ગઈ પેઢીનું મધુ દંડવતે અણમોલ સંતાન હતા.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૫૩). ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી
દીપક ધોળકિયા
લાહોર કાવતરા કેસ ચાલતો હતો તે દરમિયાન જ સૌંડર્સની હત્યામાં પણ ભગત સિંઘનો હાથ હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું. આમ કેસ હવે વધારે જટિલ બની ગયો હતો. આ ગુનામાં ઘણી ધરપકડો થઈ, જેમાં શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર પણ હતા. ભગત સિંઘ તો જેલમાં જ હતા, એમની નવા અપરાધ માટે ફરી ધરપકડ કરવામાં આવી.
લૉર્ડ અર્વિને ૧૯૩૦ના મે મહિનાની પહેલી તારીખે એક વટહુકમ બહાર પાડીને આ કેસ ટ્રાઇબ્યુનલ સમક્ષ ચલાવવાનો આદેશ આપી દીધો. હવે ટ્રાઇબ્યુનલના હુકમ સામે માત્ર પ્રીવી કાઉંસિલમાં જ અપીલ થઈ શકે એવો આદેશ હતો. જે. કોલ્ડસ્ટ્રીમ આગા હૈદર અને જી. સી. હિલ્ટન ત્રણ ન્યાયાધીશ હતા.પાંચમી તારીખે સુનાવણી શરૂ થઈ. ક્રાન્તિકારીઓ દરરોજ જોશભર્યાં ક્રાન્તિગીતો ગાતા અદાલતમાં આવતા. ભગત સિંઘે આ ટ્રાઇબ્યુનલ ગેરકાનૂની છે એવી દલીલ રજૂ કરવા માટે પંદર દિવસનો સમય માગ્યો. પણ એ માગણી ટ્રાઇબ્યુનલે ન માની. ટ્રાઇબ્યુનલની નીમણૂક ક્રાન્તિકારીઓની ભૂખહડતાલને કારણે થઈ એવું વટહુકમમાં જણાવ્યું હતું. આની સામે ભગત સિંઘે વાંધો લીધો. બીજા જ દિવસે વાઇસરૉય શિમલામાં હતો તેને પત્ર લખીને કહ્યું કે ભૂખહડતાલ સમાપ્ત થઈ ગઈ હતી એટલે તમારો હેતુ જુદો જ છે. “તમારા વટહુકમો અમારી ભાવનાઓને દબાવી નહીં શકે. તમે થોડા માણસોને કચડવામાં સફળ થઈ જશો પણ આ રાષ્ટ્રને કચડી નહીં શકો. આ વટહુકમના સંદર્ભની વાત કરીએ તો અમે એને અમારી ભવ્ય સફળતા માનીએ છીએ.”
૨૪ ક્રાન્તિકારીઓનાં નામ લેવાયાં તેમાંથી ૧૬ પર કાર્યવાહી શરૂ થઈ, પણ બટુકેશ્વર દત્ત સામેના આરોપ પણ પછી પડતા મુકાયા. બાકીના ૧૫ હતાઃ સુખદેવ, ભગત સિંઘ, કિશોરી લાલ, દેસરાજ, પ્રેમદત્ત, જયદેવ કપૂર, શિવ વર્મા, મહાવીર સિંહ, યતીન્દ્રનાથ, અજયકુમાર ઘોષ, યતીન્દ્ર સાન્યાલ, વિજયકુમાર સિન્હા, શિવરામ રાજગુરુ, કુંદનલાલ અને કમલનાથ તિવારી.
૧૨મી તારીખે ભગત સિંઘ અને સાથીઓને હાથકડી પહેરાવીને કોર્ટમાં લાવવામાં આવ્યા, પણ હાથકડી સાથે જ બસમાંથી ઊતરવાનો એમણે ઇનકાર કરી દીધો. એમને બળજબરીથી ઉતારવાનો ટ્રાઇબ્યુનલે હુકમ કર્યો તો ક્રાન્તિકારીઓએ કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર જાહેર કર્યો. બપોરે જમવાના સમયે એમની હાથકડીઓ ખોલી નાખી પણ વળી પાછી લગાડી દેવાનો હુકમ થતાં ભગત સિંઘ અને સાથીઓએ એનો વિરોધ કર્યો. ટ્રાઇબ્યુનલના પ્રમુખ કોલ્ડસ્ટ્રીમે આથી ગુસ્સામાં હિન્દુસ્તાનીઓને ગાળો દઈને લાઠીઓથી ભગત સિંઘને પીટવાનો હુકમ કર્યો. જાહેર જનતા, પત્રકારો અને સાથીઓની નજર સામે પોલીસે ભગત સિંઘને લાઠી અને જોડાથી માર માર્યો. ભગત સિંઘે હિન્દી જજ આગા હૈદરનું નામ લઈને કહ્યું કે એ હિન્દુસ્તાની છે કે કેમ? આવો જજ શું ન્યાય કરવાનો? બીજા દિવસે આખા દેશે ભગત સિંઘ દિન મનાવ્યો, પરિણામે કોલ્ડસ્ટ્રીમને લાંબી રજા પર જવું પડ્યું., આગા હૈદરને હટાવી નાખ્યો અને નવી ટ્રાઇબ્યુનલ બની, જેમાં હિલ્ટન પ્રમુખ બન્યો અને જે. કે. ટેપ અને અબ્દુલ કાદિર નવા જજ બન્યા.આ દરમિયાન ઘણા દેશભક્તોનું માનવું હતું કે બચાવ ન કરવાની હઠની કારણે સજાઓ થઈ છે. ભગત સિંઘના પિતા કિશન સિંઘ ગદર પાર્ટીના સક્રિય કાર્યકર્તા હતા. પુત્ર પોતાનો બચાવ નથી કરવા માગતો જાણીને એમને દુઃખ થયું અને પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવાની એમણે તૈયારી કરી. ભગત સિંઘને આ પસંદ ન આવ્યું. એમણે પિતાને પત્ર લખીને પોતાનો સૈદ્ધાંતિક પક્ષ સમજાવ્યો અને પિતાના વલણ સાથે અસંમતિ દર્શાવી કે એમના આ પ્રયાસથી ક્રાન્તિકારી સાથીઓમાં એમની છાપ ખરાબ થઈ હોય તે શક્ય છે.૩૦મી સપ્ટેમ્બરે લખેલો પત્ર સરદાર કિશન સિંઘને ચોથી ઑક્ટોબરે મળ્યો.
સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના રોજ ટ્રાઇબ્યુનલે પોતાનો ચુકાદો સંભળાવી દીધો. ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપી, અને બીજાઓને પણ કોઈને આજીવન કેદ, કોઈને દસ વર્ષની મજૂરી સાથેની કેદ વગેરે સજાઓ કરી. ટ્રાઇબુનલે ‘ડેથ વૉરંટ’ પર સહીઓ કરીને ૧૭મી ઑક્ટોબરે ફાંસી આપવાની તારીખ નક્કી કરી. બીજા આરોપીઓમાંથી કુંદન લાલને સાત વર્ષની અને પ્રેમ દત્તને પાંચ વર્ષની વર્ષની સખત કેદની સજા થઈ. મહાવીર સિંઘ, કિશોરી લાલ, વિજય કુમાર સિંઘ, શિવ વર્મા, ગયા પ્રસાદ, જય દેવ અને કમલનાથ તિવારીને કાળા પાણીની સજા થઈ; અજય ઘોષ, જતીન્દ્ર નાથ સાન્યાલ અને દેસ રાજ નિર્દોષ ઠર્યા.આખા દેશમાં હાહાકાર મચી ગયો. દેશના ખૂણેખૂણેથી ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બચાવી લેવાની માગણી ઊઠવા લાગી. એમની સજા સામે પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવા માટે પંજાબમાં ‘ડિફેન્સ કમિટી’ની રચના કરવામાં આવી. ભગત સિંઘને આ પ્રયાસો પસંદ ન આવ્યા, પણ એક ફાયદો હતો કે Bhagat Singh v. The King Emperor કેસ ચાલે તો બ્રિટનની જનતાને સંદેશો મળે કે હિન્દુસ્તાનમાં અંગ્રેજોના શાસન સામે રોષ હતો અને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન વિશે જનતા જાણતી થાય.
પ્રીવી કાઉંસિલ સમક્ષ એવી દલીલો રજુ કરવામાં આવી કે વાઇસરૉયે ટ્રાઇબ્યુનલની પુનર્રચના કરીને અપીલનો અધિકાર ઝુંટવી લીધો તે ગેરકાયદે હતું. વાઇસરૉયને દેશમાં અરાજકતા જેવું સંકટ હોય ત્યારે જ ટ્રાઇબ્યુનલ નીમવાનો અધિકાર મળે છે, પણ દેશમાં એવું કોઈ સંકટ નથી. પરંતુ પ્રીવી કાઉંસિલના બોર્ડે આ બધી દલીલો નકારી કાઢી અને ૧૯૩૧ની ૨૭મી ફેબ્રુઆરીએ ભગતસિંઘની અરજી કાઢી નાખી.
ગાંધીજી અને સુભાષબાબુ
આમ છતાં ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બચાવવાના પ્રયાસો ચાલુ રહ્યા. સુભાષ ચંદ્ર બોઝ એ દિવસોમાં મુંબઈમાં ગાંધીજીને મળ્યા અને એમણે પણ વાઇસરૉય અર્વિન સમક્ષ આ મુદ્દો રજૂ કરવા ગાંધીજીને આગ્રહ કર્યો. સુભાષ બાબુ એમના પુસ્તક The Indian Struggle – 1919 – 1928 માં લખે છે કે તે પછી ગાંધીજી અને સુભાષ બાબુ પોતે બન્ને એ જ ટ્રેનમાં મુંબઈથી દિલ્હી સાથે આવ્યા. દિલ્હી આવતાં એમને જે સમાચાર મળ્યા તે Bomb Shell જેવા હતા – સરકારે ફાંસી આપવાની નવી તારીખ ૨૪મી માર્ચ જાહેર કરી દીધી હતી. સુભાષ બાબુ લખે છે કે લૉર્ડ અર્વિન સાથે ગાંધીજીએ પહેલાં વાતચીત કરી હતી ત્યારે એમના પર અને બીજા બધા નેતાઓ પર એવી છાપ પડી હતી કે અર્વિન સજા મુલતવી રાખવા તૈયાર હતો. સૌએ એનો અર્થ એવો જ કર્યો હતો કે સજા રદ કરવી હોય તો જ મોકૂફ રાખવાની તૈયારી વાઇસરૉયે દેખાડી છે.
ગાંધીજીએ અર્વિનને ૨૩મીની સવારે જ પત્ર લખ્યો અને માણસ મોકલીને પહોંચાડ્યો. ગાંધીજીએ લખ્યું કે પોતે અહિંસામાં માનતા હોવાથી મૃત્યુદંડની વિરુદ્ધ છે. ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી ન આપવાનો આગ્રહ કરતાં એમણે કહ્યું કે એમને માફી આપવી એ દેશમાં શાંતિના હિતમાં હશે.”
આની અસર વાઇસરૉય પર ઉલ્ટી થઈ. એને લાગ્યું કે ગાંધીજીએ દેશમાં તોફાન ફાટી નીકળવાની ધમકી આપી છે. એક જ અઠવાડિયા પછી અર્વિનની મુદત પૂરી થતી હતી. એણે ઇંગ્લેંડ પાછા ફરવાનું હતું. એના એક વિદાય સમારંભમાં એણે કહ્યું કે એક શાંતિ દૂત આવું કહે એ અજંપો થાય એવી વાત હતી.
“અમને ગોળીથી ઉડાડી દો”
આ પહેલાં, ૨૦મી માર્ચે ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવે પંજાબના ગવર્નરને પત્ર લખ્યો અને કહ્યું કે સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના ટ્રાઇબ્યુનલે અમને ફાંસીએ લટકાવવાનો ચુકાદો આપ્યો તેમાં કહ્યું છે કે અમે ઇંગ્લૅંડના રાજા સામે યુદ્ધ આદર્યું હતું. આનો અર્થ એ થાય કે બ્રિટનના રાજા અને હિન્દુસ્તાનની જનતા વચ્ચે લડાઈ ચાલે છે, આવું કહીને સરકારે અમને માન આપ્યું છે. અને અમે એના સૈનિકો છીએ. આ લડાઈ હજી ચાલુ જ છે એટલે અને યુદ્ધકેદી માની લો.
જ્યાં સુધી અમારા દેશના ગરીબ ખેડૂતો અને મજૂરોનાં લોહી ચૂસીને તમે પોતાનો ઇજારો સ્થાપ્યો છે તે અમે પાછો ન લઈએ ત્યાં સુધી લડાઈ ચાલવાની છે. અને આ શોષન કરનાર હિન્દુસ્તાની હોય તો પણ લડાઈ ચાલુ રહેશે. એટલે અમને યુદ્ધ કેદી તરીકે ફાંસીએ ચડાવવાને બદલે તમારી ફોજને આદેશ આપો લે સૈનિકોની એક ટુકડી મોકલે અને અમને ગોળીથી ઉડાડી દે!
સાથીઓને છેલ્લો પત્ર
ભગત સિંઘને હજી સુધી ઘણા લોકો દયાની અરજી કરવા સમજાવતા હતા. ૨૨મી માર્ચે એમણે સાથીઓને પત્ર લખ્યો, એમાંથી દેખાય છે કે એ પોતાની ભૂમિકા અને ઇતિહાસમાં એમને મળનારા સ્થાન વિશે કેટલા સભાન હતા. એમણે લખ્યું:
સાથીઓ,
સ્વાભાવિક છે કે જીવવાની ઇચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું એને છુપાવતો નથી. પણ એક શરતે જીવતો રહી શકું છું કે હું કેદમાં કે બંધાઈને જીવવા નથી માગતો.
મારું નામ હિન્દુસ્તાની ક્રાન્તિનું પ્રતીક બની ગયું છે અને ક્રાન્તિકારી જૂથના આદર્શો અને બલિદાનોએ મને બહુ ઊંચે પહોંચાડી દીધો છે – એટલો ઊંચે કે જીવતો રહું તો એટલો ઊંચે તો ક્યારેય ન પહોંચી શકું.
આજ મારી નબળાઈઓ જનતાની સામે નથી. ફાંસીથી બચી જઈશ તો એ જાહેર થઈ જશે અને ક્રાન્તિનું પ્રતીક ચિહ્ન ઝાંખું પડી જશે અને કદાચ ભુંસાઈ પણ જાય. પણ દિલેરીથી હસતાં હસતાં ફાંસી ચડી જાઉં એવી સ્થિતિમાં હિન્દુસ્તાની માતાઓ પોતાનાં બાળકો ભગત સિંઘ બને એવી પ્રાર્થનાઓ કરશે અને દેશ માટે કુરબાની આપનારાઓની તાકાત એટલી વધી જશે કે ક્રાન્તિને રોકવી એ સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની તાકાતોના ગજાની બહારની વાત બની જશે.
હા. એક વિચાર આજ પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માટે કંઈક કરવાની મારા મનમાં અબળખા હતી તેનો હજારમો ભાગ પણ પૂરો નથી કરી શક્યો. જો સ્વતંત્ર જીવતો રહી શક્યો હોત તો કદાચ એ પાર પાડવાની તક મળી હોત અને હું મારાં અરમાનો પૂરાં કરત.
તે સિવાય મારા મનમાં કદી પણ કોઈ લાલચ ફાંસીથી બચવા માટે નથી આવી. મારાથી વધારે ભાગ્યશાળી કોણ હશે? હમણાં હમણાં તો મને સ્વયં મારા પર જ બહુ ગર્વ થાય છે. હવે તો અંતિમ પરીક્ષાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરું છું. ઇચ્છું છું કે એ હજી પણ નજીક આવી જાય.
આપનો સાથી
ભગત સિંઘ
૦૦૦
સંદર્ભઃ
ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ. (બધા ફોટા પણ આ જ પુસ્તકમાંથી જ લીધા છે).
https://www.indialawjournal.org/archives/volume1/issue_3/bhagat_singh.html
૦૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
કાવડ યાત્રા
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
સર્વોચ્ચ અદાલતે કાવડ યાત્રાના માર્ગ પર દુકાનદારનાં નામ મોટે અક્ષરે પ્રદર્શિત કરવાના ઉત્તર પ્રદેશ સરકારના હુકમ બાબતે મનાઈ ફરમાવી તે પછીના કલાકોમાં આ લખી રહ્યો છું.
મૃણાલ પાંડેએ આ દિવસોમાં કરેલી નુક્તેચીની મને ઠીક લાગે છે. એમણે કહ્યું છે કે આખી વાતને લેફ્ટ લિબરલ સેક્યુલર ઢાંચામાં નહીં જોતાં પ્રજાજીવનની પરંપરા અને આસ્થાના વ્યાપક સંદર્ભમાં જોવી જોઈએ. સામસામા કોમી કુંડાળામાં ન જોતાં ગંગા-જમુના દોઆબમાં વિકસેલી મીલીજૂલી સંસ્કૃતિને સમજીને આપણે કામ લેવું જોઈએ. સેક્યુલર વલણ ખોટું નથી, પણ મૃણાલ પાંડેને એક સહૃદય સંસ્કૃતિકર્મીને નાતે એ અપૂરતું લાગે છે.
આ વ્યાપક સંદર્ભમાં જરીક તવારીખની છાનબીન કરું છું તો શું જોઉં છું? નોંધાયેલ ઈતિહાસમાં ઉપલબ્ધ માહિતી મુજબ ૧૯મી સદીના આરંભથી કાવડ યાત્રાની હાજરી સતત વરતાતી રહી છે. આજે આપણે જેને દિલ્હી-હરદ્વાર રાષ્ટ્રીય રાજમાર્ગ 58 તરીકે ઓળખીએ છીએ, મુખ્યત્વે તેના પર અને અન્યત્ર પણ હર શ્રાવણ મહિને (જુલાઈ-ઓગસ્ટમાં) હરદ્વાર, ગોમુખ, ગંગોત્રીથી કાવડમાં ગંગાજળ લઈ યાત્રીઓ નીકળી પડે છે અને એનાથી શિવને અભિષિક્ત કરી જીવનની સાર્થકતા અનુભવે છે.
શિવને ગંગાજળે અભિષિક્ત કરવાની આ પ્રણાલી પાછળ રામાયણ, મહાભારત અને બીજા પરંપરાગત સ્ત્રોતોમાં પડેલી સમુદ્રમંથન અગર અમૃતમંથનની કથાનું નિમિત્ત રહેલું છે. મંથનમાં અમૃત પૂર્વે વિષ પ્રાપ્ત થયું તે વખતે શિવે સૌની દાઝ જાણી પોતે વિષપાન કર્યું અને એ નીલકંઠ ઓળખ પામ્યા. પણ વિષે એમને જે દાહ આપ્યો એનું શું. એ દાહના શમન સારુ સ્તો આ ગંગાભિષેક! ભારતવર્ષની સાંસ્કૃતિક તવારીખમાં સાગરમંથનનું ચોક્કસ મહત્ત્વ રહેલું છે. આપણાં દેવસ્થાનોમાં તમને એનું અંકન જોવા મળશે.
જોકે, નવાઈ પમાડે એ રીતે સમુદ્રમંથન ઘટનાનું સર્વાધિક સુવિશાળ અંકન સુદૂર અંગકોરવાટ (કંબોડિયા)માં જોવા મળે છે. નવા સંસદભવનમાં ૭૬ ફૂટનું જે સમુદ્રમંથન-અંકન છે તે અંગકોરવાટથી પ્રેરિત છે. એમ તો, ગુજરાતમાં ઘરઆંગણે વડનગરના હાટકેશ મંદિરમાં પણ તમને તે અંકિત થયેલું જોવા મળશે. એમાં અસુરો પર્શિયન અસર તળે પશુમુખ જણાય છે. અભ્યાસીઓ આની પાછળ મુઘલ કાળનો સંસ્કાર જુએ છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી પણ વાત આપણે કાવડ યાત્રાની કરતા હતા. જાણકારો કહે છે કે ૧૯૮૦નો દાયકો પૂરો થતે થતે આ યાત્રામાં ભાગ લેવાનું સહસા વધતું ચાલુ છે. આ વર્ષે લગભગ ત્રણેક કરોડ યાત્રીઓ જોડાશે અને સહેજે એકાદ હજાર કરોડ રૂપિયાનો આર્થિક વહેવાર એમની આવનજાવન થકી થશે એવો અંદાજ છે.
પ્રો. વિકાસ સિંહે યાત્રામાનસ અને એનાં પરિમાણો તેમજ એની પાછળનાં પરિબળોનો અચ્છો અભ્યાસ કર્યો છે. સાથે ચાલ્યા પણ છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પ્રેસનું એમનું જે પુસ્તક છે એનું શીર્ષક છે: ‘અપરાઈઝિંગ ઓફ ધ ફુલ્સ: પિલ્ગ્રિમેજ એઝ મોરલ પ્રોટેસ્ટ ઈન કોન્ટેમ્પરરી ઈન્ડિયા.’ અહીં ‘ફુલ્સ’નો પ્રયોગ યાત્રીઓ એકબીજાને શિવસંભારણે ‘ભોલે’ તરીકે સંબોધે છે તે અર્થમાં સમજવાનો છે. યાત્રામાં જે યુવજન સામેલ થાય છે એમનો ઠીક ઠીક હિસ્સો કથિત અગ્રવગ્રનો નહીં એવો છે. અહીં જોડાવાથી, વૈશ્વિકીકરણ-ઉદારીકરણના માર ને ભાર વચ્ચે, એમને કંઈક સામાજિક સધિયારો અનુભવાય છે અને પોતે પણ કંઈક કરી રહ્યા છે એવો ભાવ જાગે છે.
મેં વિકાસ સિંહનો જાડો સાર જ માત્ર આપ્યો છે, તે પણ અતિસરલીકૃત. પણ એમનું કહેવું સરવાળે એમ છે કે આમ જોડાવું એમને અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. દેખીતી રીતે જ, આ કિસ્સો કોઈ ધાર્મિક કટ્ટરવાદ અગર ફંડામેન્ટલિઝમનો નથી.
અહીં થોડુંક દેવદત્ત પટ્ટનાયકની સાખે. પટ્ટનાયક અચ્છા પુરાકલ્પવિદ છે, અને ઠીક અર્થઘટન કરી આપનાર તરીકે એમની ખ્યાતિ પણ છે. એમણે સમુદ્રમંથનની વિભાવના સ્પષ્ટ કરવા સારુ ‘મંથન’ એ પ્રયોગ પર સવિશેષ ભાર મૂક્યો છે. મંથનની જે પ્રક્રિયા છે એમાં બે બાજુ સામસામે શક્તિ લડાવતી નથી. બેય બાજુએથી વારાફરતી જોર લગાવાય છે. બે સ્પર્ધી નથી, શત્રુ નથી, સહયોગી છે. ઉલટ પક્ષે, પટ્ટનાયક કહેશે, માનો કે રસ્સીખેંચ ચાલી રહી છે. અહીં બે બાજુએથી એકસાથે સામસામું જોર થાય છે. તો, રસ્સીખેંચ અને મંથન વચ્ચેનો આ ગુણાત્મક ભેદ છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૧-૦૭– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
અજાણ ભાવિ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સંધ્યાના ઓળા આકાશમાંથી ઉતરવા માંડ્યા હતા. આખા દિવસનો ઉજાસ સમેટીને સૂર્યદેવ પ્રસ્થાન કરવાની તૈયારીમાં હતા. પંખીવૃંદ આ વિદાય પર મંગળગીતો ગાઈ રહ્યાં હતાં. પવનની ગતિ ધીમી પડી હતી.
આવા સમયે એક યુવતી પોતાના પિતાની સમાધિ પાસે ધ્યાનાવસ્થામાં બેઠી હતી. હૃદયના ભાવોની ચઢઊતર ચહેરા પર દેખાઈ રહી હતી. એ લુઇઝા હતી. અચાનક ચાર્લ્સનો અવાજ સાંભળીને એ ધ્યાનભંગ થઈ. પિતાના મૃત્યુ પછી છેલ્લા પંદર દિવસથી લુઇઝાની આ હાલત હતી.
સ્પેનમાં નીતિ-અનીતિ, સરમુખ્યતારશાહી- ફાસીવાદ- અને પ્રજાતંત્રવાદ વચ્ચે તુમુલ સંઘર્ષ ચાલી રહ્યો હતો. માતૃભૂમિ માટે ખેલાયેલી આ ભીષણ ક્રાંતિ સમયે લુઇઝાના પિતા એમના અંત સુધી ઝઝૂમ્યા હતા. અંતિમ સમયે એમના ચહેરા પર સંતોષ અને શાંતિની આભા હતી. ચાર્લ્સ લુઇઝાના પરમવીર પિતાની આ ક્ષણોને યાદ કરીને લુઇઝાને આશ્વાસન આપવા મથતો.
લુઇઝા આ બધું જાણતી હતી છતાં પણ કોણ જાણે કેમ લુઇઝાની વેદના ઓછી થતી જ નહોતી. એનાં મનમાં પિતાની છેલ્લી ક્ષણે સ્વરમાં છલકાતી વેદના, ચહેરા પર અંકિત થયેલી કોઈ અસ્પષ્ટ આકાંક્ષાની છાયાથી અતિરિક્ત કોઈ દુઃખ હતું જે એ દિલ ખોલીને દર્શાવી શકતી નહોતી. ચાર્લ્સ પણ આ વાત સમજી શકતો હતો. લુઇઝા પ્રત્યે અપાર પ્રેમ હોવાથી એનું દુઃખ ઓછું કરી શકવાની અસમર્થતાનાં લીધે એ પણ વ્યથિત હતો. અંતે પોતાના પ્રાણના ભોગે પણ લુઇઝાની વ્યથા દૂર કરવાની ચાર્લ્સે પ્રતિજ્ઞા લીધી.
ચાર્લ્સ ક્યાં જાણતો હતો કે જેને એ અનહદ પ્રેમ કરે છે એ લુઇઝા એને નહીં ફિલિપ્સને પ્રેમ કરે છે? એ ફિલિપ્સ જેને રાષ્ટ્રવાદી સેનાની સાથે વિદ્રોહીઓની વિરુદ્ધ લડવા માટે સ્પેન રોકાઈ જવું પડ્યું હતું. લુઇઝાને ફિલિપ્સની ચિંતા સતાવતી હતી, એની તપાસ કરાવવી હતી પણ એ કોને કહે? ચાર્લ્સના પોતાના પ્રત્યેના અનહદ પ્રેમથી એ જ્ઞાત હતી આથી ફિલિપ્સની ભાળ કાઢવા માટે એને કહી શકતી નહોતી. લુઇઝાનું મૌન ચાર્લ્સને વધે ને વધુ અકળાવતું હતું.
“લુઇઝા, એવી કઈ વાત છે જે તને શૂળની જેમ વાગી રહી છે. એવું કયું દુઃખ છે જે તને આટલી હદે સતાવી રહ્યું છે. એક વાર તું મન ખોલીને બોલ અને તું જો કે તારો આ ચાર્લ્સ તારા માટે શું કરી શકે છે.” ચાર્લ્સની અધીરાઈ માઝા મૂકી રહી હતી.
લુઇઝા હવે પોતાની જાતને રોકી શકી નહીં. મનની પૂરી તાકાત એકઠી કરીને બોલી, “ચાર્લ્સ, મારો એક સાથી છે ફિલિપ્સ મેડ્રિડ, જેને વિદ્રોહીઓ વિરુદ્ધ યુદ્ધ કરવા સ્પેન રોકાઈ જવું પડ્યું છે. આજ સુધી એની કોઈ ભાળ નથી મળી. ઈશ્વર કરે ને જો એને કંઈક થઈ….” અને એ આગળ બોલવાનાં બદલે ભાંગી પડી. શબ્દોના બદલે માત્ર એની સિસકીઓ ચાર્લ્સને સંભળાઈ. એ બે હાથે મ્હોં ઢાંકીને રડી પડી.
ચાર્લ્સને લુઇઝાના મનની અકળામણ, એના મનની વ્યથા સમજાઈ તો એ સન્ન થઈ ગયો. પ્રેમનાં આવેશમાં આવીને એણે વિચાર્યું હતું કે, લુઇઝા આકાશના તારા માંગશે તો એ તોડીને હથેળીમાં ધરી દેશે. એ એના પિતાની સમાધિ પર મોટી ઈમારત બનાવી આપવાનું કહેશે તો એ આકાશને આંબે એવી અટારી બનાવી દેશે. અરે ! કોઈ ઉચ્ચ પદાધિકારી માટે ફરિયાદ હશે તો એનો શિરચ્છેદ કરી દેશે પણ આ તો સાપના માથેથી એનો મણી ઉતારીને આપવાની વાત હતી. એને ક્યાં કલ્પના કરી હોય કે ભિક્ષામાં કોઈ એના જ પ્રાણ માંગી લેશે? શરીરમાંથી જાણે લોહી સૂકાઈ ગયું હોય એમ ચાર્લ્સનો ચહેરો ફિક્કો પડી ગયો.
“લુઇઝા, હું તારા ફિલિપ્સનો પત્તો મેળવી આપીશ.” માંડ એ એટલું જ બોલી શક્યો. લુઇઝાની વ્યાકુળ નજરનો એ સામનો માંડ કરી શકતો હતો.
******
ફ્રાંસના કરકેસોન શહેરમાં પ્રભાતનો ઉજાસ રેલાવાની શરૂઆત થઈ હતી. જાણે રાત્રે આકાશ ઘેરીને ચમકી રહેલા તારકદળનો સંહાર કરવાનો નિશ્ચય કર્યો હોય એમ સૂર્યના કિરણો અવની પર ત્રાટક્યા હતા. અંબરનો ચહેરો ક્રોધથી તમતમી ગયો હોય એમ એ લાલચોળ થવા માંડ્યું હતું. સમસ્ત વાયુમંડળ પર એનો અધિકાર સ્થપાવા માંડ્યો હતો. ચાર્લ્સનાં મનની હાલત પણ કંઈક એવી જ હતી. એને ક્યાં ખબર હતી કે સમગ્રતયા લાગેલી પ્રતિશોધની જ્વાળા કેવી ભભૂકી ઊઠવાની છે!
અસ્ત્ર,વસ્ત્ર સજીને, ઘોડો પલાણીને ચાર્લ્સ યાત્રાની તૈયારી કરીને નીકળતો હતો ને લુઇઝાએ એને રોક્યો. એ સાથે જવા માંગતી હતી.
“લુઇઝા, નાદાની ના કર. કોઈ કાળે આ શક્ય નથી. તને ખબર નથી કે હાલ સ્પેનની શી હાલત છે. કલાકો સુધી આસમાનમાંથી આગના ગોળા વરસે છે. કોઈનાય હાલ પૂછવાવાળા કે કહેવાવાળા નથી. વિશ્વાસ રાખ. ક્યાં તો હું બનતી ત્વરાએ ફિલિપ્સની ભાળ લઈને કે ફિલિપ્સને સાથે લઈને જ આવીશ. મારી રાહ જોજે.”
લુઇઝાને ત્યાં છોડીને ચાર્લ્સે ઘોડો દોડાવી મૂક્યો. લુઇઝા ચૂપચાપ ઊભી રહી પરંતુ એણે મનોમન એક નિર્ણય લઈ લીધો હતો.
સ્પેન અને ફ્રાંસ વચ્ચેનો રાજનૈતિક સંઘર્ષ ટાળી શકવાની હોય એમ પૂર્વથી પશ્ચિમ સુધી પ્રાકૃતિક પિરિનીઝની પહાડી શ્રુંખલા ફેલાયેલી દેખાતી હતી પરંતુ વિજ્ઞાનનાં બળ પર મુસ્તાક માનવજાતે પ્રકૃતિની છાતી પર પત્થરો મૂકીને પોતાનું આધિપત્ય જમાવાનો પ્રયાસ કર્યો હતો. પિરિનીઝ પાર કરીને એક સીધો પણ જંગલમાંથી પસાર થતો રસ્તો શોધીને ચાર્લ્સ આગળ વધ્યો. નાદાન લુઇઝા એનું આંધળું અનુકરણ કરતી પાછળ આવી રહી હતી.
જંગલના અજાણ્યા રસ્તે આગળ વધવામાં લુઇઝાને ડગલેપગલે મુશ્કેલી નડતી હતી. આમ તો એણે અનેકવાર ઘોડેસ્વારી કરી હતી પણ આવો ભયાનક અનુભવ ક્યારેય નહોતો થયો. અંગઅંગમાં પીડા થતી હતી છતાં એ રોકાવાનું નામ નહોતી લેતી. કહે છે ને કે, પ્રેમની પરીક્ષા ભારે કપરી હોય છે.
સ્પેનની સરહદ નજીક આવી રહી હતી.
‘ચાર્લ્સ સ્પેન પહોંચી ગયો હશે. એનું જીવન પણ સંકટમાં હશે. આકાશમાં મણ મણના ગોળા ફેંકાતા હશે.’ લુઇઝા વિચારી રહી. આ વિચારની સાથે જ ચાર્લ્સ જેવા વીર અને દૃઢપ્રતિજ્ઞ પુરુષે પોતાના માટે થઈને એનું જીવન સંકટમાં હોમ્યું છે એ યાદ આવતાં લુઇઝાનું હૃદય કાંપી ગયું. ભાવિ આશંકાથી એ થથરી ઊઠી. ચાર્લ્સ માટે સહાનુભૂતિ થઈ. સહાનુભૂતિ પ્રેમમાં પલટાઈ. વિચારમગ્ન લુઇઝાનો ઘોડો ઢાળ પરથી આપમેળે ઉતરી રહ્યો હતો. એટલામાં એક સ્પેનિશ સિપાહીએ એને રોકી. એ ચાર્લ્સ વિશે પૂછવા જતી હતી ત્યાં બાજુમાં એક ઝાડ પાસે બંધાયેલો ચાર્લ્સનો ઘોડો અને ઘોડાની નજીક જ સફેદ વસ્ત્રોમાં લપેટાયેલું એક શબ નજરે પડ્યું. સફેદ કફન હટાવીને જોયું તો જે ભાવિની આશંકાથી એનું મન ઘેરાયેલું હતું એ હકિકતમાં પલટાયેલી દેખાઈ. એ મૃતદેહ ચાર્લ્સનો હતો.
લુઇઝા બેહોશ બનીને ઢળી પડી. થોડી વાર પછી ચહેરા પર પાણીનો છંટકાવ થતાં એણે આંખો ખોલી. નજર સામે સિપાહીની વેશમાં ફિલિપ્સ દેખાયો. એ ચકિત થઈ ગઈ.
લુઇઝાની નજર ફિલિપ્સ પરથી ખસીને ચાર્લ્સ પર પડી. આ ક્ષણે પણ પોતની ભીષ્મપ્રતિજ્ઞા અને એની પરિપૂર્તિનાં ગૌરવથી એનો ચહેરો ચમકતો હતો. ચાર્લ્સનું શબ જોઈને કાંપેલી લુઇઝાએ ફિલિપ્સને ચાર્લ્સ વિશે સવાલ કર્યો.
પ્રવેશ-પત્ર વગર સ્પેનમાં પ્રવેશ કરવા બદલ ફિલિપ્સે ચાર્લ્સને મૃત્યુદંડ આપ્યો હતો. જે ફિલિપ્સ અને લુઇઝાના મિલન માટે ચાર્લ્સે જાનની પરવા કરી નહોતી એ ફિલિપ્સ જ ચાર્લ્સનો હત્યારો હતો. જેને મળવાની આતુરતા, ઝંખના લુઇઝાને અહીં સુધી ખેંચી લાવી હતી એ એના પ્રાણથી અધિક એવા ફિલિપ્સને મળવાની, બે શબ્દ પ્રણયના કહેવાની લિપ્સા જ મરી પરવારી.
એક તરફ મિલન હતું. એક તરફ વિયોગ. બેધારા ભાવથી લુઇઝા જાણે પાગલ બની રહી. ઉન્માદથી ઘેરાયેલી લુઇઝા ચાર્લ્સના ઘોડા પાસે ગઈ. એને પંપાળ્યો. ઘોડો હણહણ્યો અને બીજી ક્ષણે એનું માથું ઢળી પડ્યું. ઘોડાને છોડીને લુઇઝા ફરી એક વાર એક અજાણ્યા પથ પર, ક્ષિતિજને પેલે પાર અનંત તરફ નિરુદ્દેશ્ય ચાલી નીકળી.
ફિલિપ્સ બૂમો મારતો રહ્યો. “લુઇઝા…લુઇઝા…”
લુઇઝાનો અંતરાત્મા પોકારતો હતો…”ચાર્લ્સ…ચાર્લ્સ..”
ભુવનેશ્વર પ્રસાદ શ્રીવાસ્તવ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
