વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪.૬ : અંશ # ૩

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    હસ્તાંતરણ કે સખાવત દ્વારા મિલકતની વહેંચણી

    અંશ # ૨ થી આગળ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    મિલકતની વહેંચણી કરવી કે ન કરવી

    કેટલી મિલકતની કોની સાથે વહેંચણી કરવી એ બહુ પેચીદો પ્રશ્ન અને મુશ્કેલ નિર્ણય છે. આપણા માનવ મનની ચંચળતા, સલામતીની માનવ સહજ ભાવના, પોતાની દોલત પોતાને હસ્તક રાખવી, કે બહુ બહુ તો પોતાનાં કુટુંબ અને સંતાનો સાથે વહેંચવી તેવી અવઢવો, તેમ જ તેમની ભાવિ પેઢીઓ સુધી પણ પહોંચે એવી વ્યવસ્થાઓ કરવી વગેરે એવાં પરિબળો છે જે દરેક સમયના નવા સંદર્ભ સાથે નવાં નવાં સ્વરૂપે જ સામે આવીને ઊભે છે. પરિણામે કયો નિર્ણય સાચો એ નક્કી જ નથી કરી શકાતું !

    મિલકત કોની સાથે વહેંચવી

    પોતાનાં સંતાનો સાથે મિલકતની વહેંચણી ન કરવાનું એક સૌથી સબળ કારણ સંતાનોની પોતાના સ્વબળે આગળ વધવાની ધગશ અને ક્ષમતાને કુંઠિત કરી મુકવાનું જોખમ છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ કે વિપ્રોના અઝીમ પ્રેમજીએ આ કારણોસર જ પોતાની મિલકત સમાજનાં વિશાળ હિત માટે વાપરવાનું વિચાર્યું.

    આપણે આપણા સંતાનોને ફાળવેલી મિલકત તો તેઓ પોતા માટે જ વાપરી કાઢવાનાં હોય, તો આપણી મિલકતનો એટલે અંશે અર્થપૂર્ણ ઉપયોગ ન થયો એમ કહી શકાય. આપણાં સંતાનો સાથે મિલકતની વહેંચણી તો જ વ્યાજબી છે જો તેઓ મિલકતના અમુક હિસ્સાને પોતાનાં જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવાની સાથે  બીજાંઓ માટે નવા રોજગારોની તકો, અન્ય જરૂરતમંદ લોકો માટે સહાય જેવાં વધુ ઇચ્છનીય ઉત્પાદક કામોમાં વાપરે.

    પોતાની વધારાની મિલકત બીજાં લોકોની જરૂરિયાતો પુરી કરવા માટે, અને તેમ કરીને તેમનાં જીવનને સુધારવા માટે, વાપરવી એ આપણા પોતાના માટે જ નહીં પણ સમાજ માટે પણ બહુ મહત્ત્વનું છે. પોતાનાં સ્વબળે,પોતાની બધી જરૂરિયાતો પુરી કરવા ઉપરાંત પણ વધારે કમાણી કરીને મિલકત જરૂર ઊભી કરવી જોઇએ, જો તેનો ઉપયોગ પોતાના જ જીવનકાળ દરમ્યાન જ, પોતાનાં સંતાનોની યોગ્ય જરૂરિયાતો પુરી કરવા ઉપરાંત સમાજનાં વ્યાપક હિત માટે કરવામાં આવે. મિલકત એકઠી કરવા માટે જ એકઠી કર્યા કરવી એ પોતાના સમય, શક્તિ અને આવડતનો વ્યય છે. પરંતુ, તેનાથી પણ વધારે તો કુદરતે આપેલ સંસાધનોનો એ નિરર્થક બગાડ છે. બીજાં લોકોની સમસ્યાઓ હળવી થાય એમ મિલકતનો કરેલો ઉપયોગ મિલકતની ઇચ્છનીય વહેંચણી છે.

    મિલકત ફાળવણીના ત્રણ વિકલ્પ: વહેંચણી, સોંપણી કે એમ ને એમ આપી દેવી

    કોઇની પાસેથી ભવિષ્યમાં વળતરની અપેક્ષા રાખ્યા વિના જ જ્યારે આપણે આપણાં સંસાધનો કે મિલકત બીજાંની જરૂરિયાત માટે ફાળવી દઈએ છીએ ત્યારે થતી ફાળવણી વ્યવહારમાં એમ ને એમ જ આપી દીધેલ ગણાય.

    જરૂરતમંદ વ્યક્તિને, કોઈ પ્રકારનાં વળતરની અપેક્ષા વગર જ પોતાની માલમિલકત કે સંસાધનો, સીધાં જ, કે પરોક્ષ રીતે, આપી દેવાને આપણે સખાવત કહીએ છીએ.

    કુટુંબમાં કોઈને, કે પછી અજાણ વ્યક્તિને પણ, પોતાનો સમય, સંસાધનો, નાણાં કે સેવાઓ પાછાં લેવાના હક્કની શરતે ઉછીનાં આપવાં, કે વિનિમય વ્ય્વસ્થા હેઠળ આપવાં, એ પ્રકારની ફાળવણીને તપુરતી વહેંચણી કરી ગણાય.

    આ રીતનો ઉછીનો વ્યવહાર કોઈ મધ્યસ્થીને વચ્ચે  રાખીને પણ કરી શકાય છે. બેંકો કે અન્ય કોર્પોરેટ કંપનીઓ, વીમા કંપનીઓ, માઈક્રોફાઇનાન્સ કંપનીઓ કે પછી જુદા જુદા સમુદાયોની આર્થિક જરૂરિયાતોને પુરી કરવામાં સહાય કરતી સેવાભાવી સંસ્થાઓની મદદ લઈને જરૂરિયાતમંદ લોકોને નાણા ધીરીને પણ આપણી મિલકતની વહેંચણી કરી શકાય છે.

    જ્યાં સુધી કોઈ અન્ય રીતે આપણી મિલકતની વહેંચની કરવાનું નક્કી ન કરી શકાયું હોય ત્યાં સુધી આ નાણાસેવાઓ મધ્યસ્થીઓની મદદ લેવી એ વચગાળાનું પગલું છે. આમ, આપણા સંસાધનો સાથેનો આપણો સંબંધ ચાલૂ રાખીને એ નાણાકીય મધ્યસ્થીઓ આપણી મિલકત, આપણા વતી, વધારે ઉત્પાદક સ્વરૂપે કે અર્થપૂર્ણ રીતે, ઉછીની આપે છે.

    કોઈ કંપનીના ઈક્વિટી શેરમાં કરેલું રોકાણ પણ એ કંપની સાથે આપણા નાણાકીય સંસાધનોની વહેંચણી જ છે. જોકે, એ કંપની  એ નાણાકીય મિલકત પર કોઈ વળતરની બાહેંધરી નથી આપતી કે નથી તો આપણને નાણાં પરત આપતી. પરંતુ, એ શેરને કોઈ અન્ય વ્યક્તિને વેંચી દઈને આપણે એ નાણાં પરત મેળવી શકીએ છીએ.

    જુદા જુદા પ્રકારનાં જોખમો સામે સુરક્ષા આપે તે રીતે લીધેલ વીમા પોલિસીઓ માટે આપણે વીમા કંપનીઓને પ્રિમિયમ ચુકવીએ છીએ. આ પ્રિમીયમની આવકને વીમા કંપનીઓ, પોતાનાં જોખમે, સીધું રોકાણ કરે છે. આગ કે માંદગીઓ કે મૃત્યુ જેવાં જોખમોની, વીમા કંપની સાથે  પૂર્વનિશ્ચિત કરેલ, ઘટનાઓ બને ત્યારે નક્કી કરેલી શરતોએ, આ રીતે કરેલ રોકાણ પરનું વળતર આપણને મળી શકે છે.

    મધ્યસ્થીને વચ્ચે રાખીને કરેલ આપણા રોકાણોનાં વળતરની આપણે એ મધ્યસ્થીઓ સાથે પહેલેથી નક્કી કરેલ શરતો મુજ્બ અપેક્ષા રાખીએ છીએ. જોકે, એ મધ્યસ્થી એ શરતો મુજ્બ નાણા પરત ન આપી શકે, કે નક્કી કર્યા મુજવ્બનું વળતર ન આપી શકે એ જોખમ તો રહે જ છે. ઘણા અંતિમ કિસ્સાઓમાં આપણે જેમની સાથે નાણાકીય વ્ય્વહાર કર્યો છે એવી બેંક, વીમા કંપની કે અન્ય નાણા વ્ય્વસ્થાપક કંપની  દ્વારા નાદારી નોંધાવવાનું જોખમ પણ રહે છે. જોકે, આવા અપવાદરૂપ કહી શકાય તેવા કિસ્સાઓ સિવાય, પુરતું સમજી વિચારીને કરેલ મિલકતની આ પ્રકારની સોંપણી પરત મળી રહે છે.

    ઇક્વિટી કે ઋણ જામીનગીરીઓમાં રોકાણનો એક વધારે વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડો દ્વારા રોકાણ કરવાનો પણ છે. અહીં મિલકત આપણા નામ પર રહે છે. પણ આ મ્યુચ્યુઅલ ફંડો વળતરની કોઈ બાહેંધરી નથી આપતાં, એટલે મિલ્કત આપણા નામે પણ આપણા જોખમે રહે છે. મ્યુચુઅલ ફંડને જ પુનઃઃવેચાણ કરીને મિલકત પરત મેળવવી પ્રમાણમાં સરળ છે, પણ મુળ મુડી કે વળતરની કોઈ બાંહેધરી નથી હોતી.

    આપણા જીવનકાળ દરમ્યાન કે તે પછી,  આપણી મિલકતની આપણી પસંદગી મુજબની વહેંચણી કરવાના હક્કનો અમલ કરવો એ આપણી અંગત અર્થવ્યવસ્થાનું એક મહત્ત્વનું લક્ષ્ય છે. એટલે, આ પ્રકારનાં જોખમો હોવા છતાં, ફુગાવા જેવાં પરિબળોથી આપણી મિલકતનાં મૂલ્યના સંભવિત ઘટાડાનાં નુકસાનનાં સામે સલામત રાખવાનો  આવી શરતી વહેચણી જ એક માર્ગ છે.  જોકે,  મોટા ભાગનાં લોકો પાસે નાણાને સલામત સ્વરૂપે રોકાણ કરવા માટે પુરી સમજણ નથી હોતી. જે લોકો પાસે આ વિશે પુરતું જ્ઞાન, આવડત કે અનુભવ હોય એમની પાસે એ માટે જરૂરી એટલો સમય ન હોય એવું પણ બનતું હોય છે. આ સંજોગોમાં, આ પ્રકારનાં જોખમોને શક્ય એટલાં મર્યાદિત કરવા માટે આપણે જેમના દ્વારા આપણી મિલકતની વહેંચણી કરવાનું નક્કી કરીએ છીએ તે નાણાકીય મધ્યસ્થી સંસ્થાની સધ્ધરતા અને ક્ષમતા બાબતે પુરતું સમજી વિચારીને પસંદગી કરવી એ આપણી જવાબદારી બની રહે છે.

    આપણી મિલકતની નાણાકીય મધ્યસ્થીને વચ્ચે રાખીને પરોક્ષ રીતે વહેંચણી ન કરવી હોય તો આપણાં કુટુંબીઓ, સંતાનો કે અન્ય જરૂરતમંદ વ્યક્તિઓને સીધું જ ધિરાણ કરવાનો વિકલ્પ પણ વિચારી શકાય. અહીં પણ, મિલકતની વહેંચણી કરવા છતાં, આપણી મિલકત પર વળતર મેળવતાં રહેવાની કે પરત મેળવવાની સગવડ સાથે સાથે, મિલકતની માલિકી આપણી જ રહે છે.

    કોઈ પણ પ્રકારનાં વળતર કે પરત લેવા વિનાની શરત સિવાય પણ આપણી મિલકત આપણાં કુટુંબીજનો, સંતાનો કે અન્ય જરૂરતમંદ વ્યક્તિઓને આપી દઈ શકાય છે. આપણા નીજ કુટુંબીજનો, સંતાનો કે વ્યાપક સમાજને આપણી ફાજલ મિલકત નિઃસ્વાર્થ ભાવે સોંપી દેવી એ આપણી નૈતિક ફરજ પણ છે અને આપણો અંગત હક્ક પણ છે.

    હવે પછીના મણકાઓમાં આપણે પ્રકરણ ૫ માં ‘પોતાની આગવી આર્થિક જીવનદૃષ્ટિ ખીલવવી’ વિશે વાત કરીશું.


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • જૂન જુલઈયા…

    પારુલ ખખ્ખર

    ‘આ ઉનાળાને તો ભડાકે દેવો જોઇએ’- કહીને પરસેવો લૂછતા મનેખ બળાપો કાઢતા રહે છે અને ઉનાળો દસ માથાળા રાવણની જેમ અટ્ટહાસ્ય કરતો  હાહાકાર બોલાવતો રહે છે. દિવસો દ્રૌપદીના ચીરની જેમ લાંબા ને લાંબા જ થતાં જાય અને રાતો મખમલના તાકા જેવી ઉકેલો ન ઉકેલો ત્યાં તો ખતમ! આ ઉનાળો ચ્યુંગમની જેમ આટલો ખેંચાતો કેમ જાય છે? જાન્યુઆરીથી શરુ કરીને છેક જૂનના અંત સુધી જળોની જેમ વળગેલો રહે છે. મન તો મોર બનીને નાચવા થનગનતું હોય, ચાતકની જેમ તરસ્યું હોય, કોયલની જેમ ટહુકી ટહુકીને વર્ષાને નોતરું દેતું હોય પણ ઉનાળો જાય તો ને!

    એપ્રિલ-મેના આકરા તાપ વેઠ્યા પછી જૂન બેસે ત્યારે આશા બંધાય કે ‘હાશ… હવે સુખના દા’ડા આવશે!’ પણ જૂન તો સૌથી વધુ કવરાવે. કાળઝાળ તડકાની આણ જરા ઓછી થઈ હોય પણ બફારો તો બાપરે… કેમેય જીવવા ન દે! ગમે એટલી વાર નહાઓ પણ પરસેવો જનમ જનમની પ્રીત હોય તેમ દૂર જ ન થાય! હાં, એટલું ખરું કે રાત્રે બાર વાગ્યા સુધી પણ ન ડોકાતો એ વાયરો હવે નવ વાગતાં સુધીમાં વિંઝણો લઈને હાજર થઈ જાય છે. પણ સાચી ઠંડક તો વરસાદની! એ ન આવે ત્યાં સુધી વાયરા-બાયરા તો માર્યા ફરે! .

    જૂનનું છેલ્લું અઠવાડિયુ શરુ થાય અને પડોશીના બાળકોની જેમ વાદળા હાઉકલી કરવા લાગે. આવે નહીં પણ મોઢું બતાવીને ચલ્યાં જાય! કેરી તો હજુ ધરાઈને ખાધી ય ન હોય ત્યાં તો મોંઘેરા મહેમાનની જેમ ચાલતી થઈ જાય. પરંતુ ગોટલા તો ફળિયામાંથી ઓસરીમાં અને ઓસરીમાંથી ફળિયામાં એમ અહિંથી તહિ હડિયાપાટી કરતાં રહે. વરસાદનો જાસો આવ્યો હોય તેમ કામઢી ગૃહિણીઓ માળિયા પરથી છત્રીઓ ઉતારી લે, ફાટી-તૂટી હોય તો સંધાવી લે.. કેરીનાં ખાલી બોક્ષ અને તેલના ખાલી ડબ્બા યાદ કરીને ભંગારીયાને વેચી દે, અને જો એકાદ ઝાપટું એના પર પડી ગયું હોય તો કોઈપણ ભાવે ફૂંકી મારે. હજુ તડકાનું સામ્રાજ્ય વિલિન ન થયું હોય ત્યાં જ આ હુતિયણો  યાદ કરી કરીને તડકાનો કસ કાઢવામાં લાગી પડે. ચાનો મસાલો મીક્સરમાં ઘરઘરાટી બોલાવતો બોલાવતો હવાચુસ્ત ડબ્બામાં કેદ થવા લાગે. વડીલો માટેના સુંઠ-પીપરીમૂળ ધબાધબ ખાંડણિયામાં ખંડાવા લાગે અને મોટા અક્ષરે સ્ટીકર મારેલી બોટલોમાં જીનની જેમ પૂરાઈ જાય! આગલા વર્ષના હળદર-મરચામાંથી કાઢેલા હિંગના ગાંગડાનું ભુક્કામાં રુપાંતર થવા લાગે. તલ,વરિયાળી અને અજમો ધમધમાટ શેકાવા લાગે અને પછી ‘હાશ’ કરતી પેલી ગૃહિણી અગાશીએ આંટો મારવા જાય. એના કપાળે બાઝેલા પરસેવાનાં ટીપા વર્ષારાણીને નોતરું મોકલે પણ એમ એ રાણીસાહેબા રીઝે ખરા?

    બફારો દિવસે દિવસે વધતો જાય. ખેડૂતો ભીમ-અગિયારસનાં મુહર્ત સાચવીને વાવણી પણ કરી લે અને પછી નેણ પર હથેળીનું નેજવું કરી વરસાદની રાહ જોયા કરે. ક્યારે મારો મહારાજ પધારે ને ક્યારે મારા બી કોળાય! મહારાજ તો વળી માનમોંઘો તે એકાદ ઝાપટું નાંખીને પાછો અંતર્ધ્યાન થઈ જાય. જગતનો તાત બીચારો રંક થઈને ઝૂર્યા કરે. પણ એમ ઉનાળો જાય ખરો? એ તો ટહેલિયાની જેમ આમથી તેમ ટહેલ્યા કરે અને પોતાની હાજરી પુરાવતો રહે. તમારે ના છૂટકે એની નોંધ લેવી પડે. માણસો તો ઠીક ધરતી ય ચકલીના પોટાની જેમ મોઢું ખોલીને વરસાદને ઝંખતી રહે. એ છાના છાના નિસાસા નાંખતી રહે અને એની ઊંડી ઊંડી તિરાડોમાંથી વરાપ નીકળ્યે રાખે. આમ ચારે બાજુથી હડે હડે થાતા માંદલા શ્વાન જેવો જૂન રવાના થાય અને જુલાઈ બેસે! સૌના હૈયે હાશ થાય કે ચાલો…સારા દિવસો બેઠાં. જુલાઇ-ઓગસ્ટમાં તો વરસ્યે પાર!

    શરુઆત હોય એટલે જુલાઇનુ માન રાખવા રોજ શાસ્તર મુજબ શુકનનાં કુંકુ છાટણા કરી જાય. પણ બંદો મન મુકીને વરસે જ નહીં ને! સૂકવવા મૂકેલાં ગોટલાને ભેજ અડે એટલે કાળા પડવા લાગે, એના પર માખીઓ બણબણે અને કીડીઓ તો ન જાણે ક્યાંથી પહોચી જાય! અંતે કંજુસની જેમ સાચવી સાચવીને ભેગા કરેલા ગોટલાનો મોહ જતો કરવો પડે. અને કચરાનો ડબ્બો એનું મોક્ષધામ બની જાય! સાંજ પડે એટલે પાંખોવાળા મંકોડાનો ઉપદ્રવ શરુ થાય. આયખુ તો માંડ ચોવીસ કલાકનું હોય પણ ઉપાડો તો એવો લ્યે ને કે જાણે આજરામર થઈને ન આવ્યા હોય! ખેતરાઉ કીડી દિવસ-રાત જોયા વગર ઊંધે માથે ખોરાકનો જથ્થો એકઠો કરવા દોડતી રહે. એને જોઈ પેલી ગઝલ યાદ આવ્યા કરે…ઇસકી ફિતરત ભી આદમી સી હૈ… જમીન આ બધી ચહલ-પહલ ચુપચાપ જોતી રહે અને એની છાતીમાંથી વરાળ નીકળતી રહે.

    રસ્તાની બન્ને બાજુએ વાવેલા વૃક્ષો પર નજર પડે અને ચકિત થઈ જવાય. અરે…આ ગરમાળા પર છેક જુલાઈમાં નવો ફાલ કેમ બેઠો? પછી ખબર પડે કે ઉનાળો લંબાયો એટલે ગરમાળો ફરી ખીલ્યો. પ્રકૃતિ તો પોતાની ચાલમાં જ રમતી હોય છે. આપણે જ ઉફરા ચાલવા લાગ્યા છીએ. પીળો સાફો પહેરીને ગરમાળો   ઠાઠમાઠથી ફરી એકવાર વરઘોડે ચડ્યો હોય એવો સોહામણો લાગે છે. ગરમાળાની વાદે વાદે એનો ભાઈબંધ ગુલમહોર પણ લાલચટ્ટાક અચકન પહેરી ફરીવાર મંડપમાં બેઠેલા વરરાજા જેવું છાનુ છાનુ મલક્યા કરે છે. બેય દોસ્તરને જોઈને મનમાંથી આપોઆપ શબ્દો સરી પડે ’ખમ્મા તમારી ભાઈબંધીને!’ ટાણે-કટાણે પવન ફૂંકાય, ધૂળની ડમરી ચડે અને પેલા ગરમાળાની પાંદડીઓ ખરવા લાગે. ગુલમહોર પોતાનો લાલઘુમ વૈભવ રસ્તા પર પાથરી દે. રસ્તો તો જાણે ‘હલ્દી-કંકુ મિલન’માંથી પાછી ફરેલી સ્ત્રી જેવો લાલપીળો થઈને મલકતો રહે. મીઠા લીમડા પર કાળા ફળ બેસે. જાણે કાળી દ્રાક્ષનું ઝુમખું જ જોઈ લ્યો! કડવા લીમડાની લીંબોળીઓ પાકીને પીળીપચ્ચ થઈ જાય અને અંતે ખરી પડે. રસ્તા પરની આવનજાવનને લીધે એ કચડાય અને એક અણગમતી કડૂચી ગંધ વાતાવરણને બગાડી નાંખે. લીંબોળીની સાથોસાથ લીમડાના પાંદડા અને પાતળી સળી જેવી નાની નાની ડાળીઓ પણ સૂકાઈને ખરતી રહે. શિરીષને મોટીમોટી પાપડી બેસે. હમણાં જ જાણે બધા બીજ ખરી પડશે અને ખાલી ખોખા હવા સાથે ખખડવા લાગશે એવું થયાં કરે.

    આજકાલ ફળિયમાં કૂણો કૂણો કલરવ સંભળાયા કરે છે. આંગણાનાં પેલ્ટાફોરમમાં ધારીને જોયું તો બુલબુલ પરિવારમાં બે નવા સભ્યોનો ઉમેરો થયો છે. પેલો કાળિયોકોશી તો વરસાદની એંધાણી કળી ગયો હોય તેમ અનોખા ખંતથી માળો બાંધવા મચી પડ્યો છે. કુદરતે કેવી ઘડિયાળ બેસડી હશે કે રોજ સવારે સાડા ચારથી સાડા પાંચ સુધી એ એકધારો થાક્યા વગર બોલે છે. બરાબર સાડા પાંચના ટકોરે તો એ પોતાની નાદલીલા સંકેલીને ચાલતો થાય.પેલાં નનકુડાં બુલબુલિયા એમને સાથ આપવા લાગ્યા હોય એ પણ ચુપ થઈ જાય . સવાર ઉગે ન ઉગે ત્યાં તો ઝાડવામાં હો-દેકીરો શરુ થઈ જાય  પ્રવાસે ઉપડતાં બાળકોની જેમ બધા પક્ષીઓ એકસાથે કલબલ કરવા લાગે અને અડધી કલાકમાં તો બધા પોતપોતાના આકાશમાં ઊડી જાય.

    આંગણનું પેલ્ટાફોરમ બેફામ વધ્યું છે. વનપ્રવેશ કરેલા કોઈ ગુજરાતી પુરુષની ફાંદ જેવું એ ગોળાકારે ઘેઘૂર થયુ છે. આ વર્ષે તો થોડુ થોડુ કપાવી જ નાંખવુ છે. વરસાદ તોળાઈ રહ્યો છે. વરસાદ ઝીલ્યા પછી તો એ ઝાલ્યું નહીં રહે. એનાં કરતાં વહેલું કપાવી લેવું સારું. કઠિયારાને બોલાવ્યો છે. આજકાલમાં જ આવશે. પણ સાલું… આ ચકલાં, બુલબુલિયા, પતરંગા, લેલાં, ખિસકોલા સભા ભરીને સમગ્ર માનવજાતિ જેવી મને પણ નિર્દય ધારી લેશે તો?- એ દહેશતથી કઠિયારાને પછી ક્યારેક આવવાનું કહી દીધું. આ કહ્યું ત્યારે ખિસકોલાએ મને ધારીધારીને જોઈ હતી. અને પછી ફટાફટ આ શુભ સમાચાર આખા ઝાડવામાં ફેલાવી દીધા. મને થાય છે કે આજે તો એમના ચૂલે લાપસીનાં આંધણ મૂકાયા હશે ને!

    રોજ એકાદુ ઝાપટું આવી જાય છે અને કચકાણ કરીને ચાલ્યું જાય છે. ઠેર ઠેર નાનાનાના ખાબોચિયા ભરાઈ રહે છે. વાહનોની અવરજવરને કારણે એમાંથી ઉડતા કાદવનાં છાંટા કમ્પાઉન્ડવોલને ચિતરી નાંખે છે. ભલે ને ચિતરે… એકવાર મારો વાલિડો ધોધમાર આવશે ને બધાય ચિતરામણ ભૂંસી નાંખશે. વરસાદની આગમચેતી રૂપે ગુલાબને કાપીને બોડો કરી નાંખ્યો છે. જો કે એને કૂંપળો ફૂટી છે, બે ચાર પાંખડીનાં ફૂલ પણ બેસે છે. પણ ચાર પાંખડીના ગુલાબ તે કંઈ ગુલાબ કહેવાય! વરસાદ પડવા દો ને… ગોટા જેવા ગુલાબ ન બેસે તો કહેજો મને! તડકા સામે લડી લડીને શો-પીસના નાજુક છોડવાઓએ તો જાતે જ કેસરિયા કરી લીધા છે. બચી ગયેલા એકએક પાંદડાને શેઇપમાં કટીંગ કરવું પડ્યુ છે. કુંડા-ક્યારાને વાળી-ચોળીને ચોખ્ખા કરી નાંખ્યા છે. કટીંગ કરેલા છોડવાઓ સ્કૂલે જવા તૈયાર થયેલા આજ્ઞાંકિત બાળકો જેવા ડહ્યાં-ડમરાં લાગે છે.

    બફારો વધતો જાય છે. રાતોની બેચેની બેવડાતી જાય છે. પવન સાવ પડી ગયો છે. સ્તબ્ધ જળાશયો ભેંકાર દીસે છે. ડેમમાં પાણીની બદલે કાંકરા ઉડે છે. ગરમીને કારણે વારંવાર સાપ દર્શન દેવા નીકળી પડે છે. સમગ્ર સૃષ્ટિ સ્થિર થઈ ગઈ છે. સૌની અભિલાષાને વાચા આપતો હોય તેમ મોરલો નાનકડી વાદળીને જોઈને બોલી પડે છે ‘મે..આવ…’ ‘મે…આવ….’. બધા જ જીવ ચાતકનું રૂપ લઈને રાહ જોઈ રહ્યાં છે અને આવામાં ચોમાસું આવું આવું થાય છે.


    સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • રામાયણનાં પાત્રોની લીલાભૂમિ : વાયનાડ

    તવારીખની તેજછાયા

    રામાયણના પ્રસંગો જ્યાં બન્યા એવાં અનેક સ્થળો વાયનાડ પાસે છે. આદિયા રામાયણ રામાયણનાં દરેક પાત્રને વનવાસી રૂપે જુએ છે

    પ્રકાશ ન. શાહ

    રામ લલ્લાના ભાલે સૂર્યતિલકની વિધિથી અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં એક નવી શરૂઆત થઈ. ગુજરાતને ગાંધીનગર પડખે કોબાના જૈન તીર્થને પ્રતાપે આવા દેખંત કરિશ્માતી સૂર્યતિલકની નવાઈ નથી. પણ આજકાલ ઈનથિંગ સ્વાભાવિક જ અયોધ્યાનું રામ મંદિર છે. આ ક્ષણે જોકે અયોધ્યામાં નહીં અટવાતે હું સૂર્યતિલકના ઉજાસમાં દક્ષિણ દેશના ટેકરિયાળ ને વળી વનોએ આચ્છાદિત વાયનાડ પંથકની મુલાકાતના મિજાજમાં છું. પણ આ ક્ષણે મારું જે વાયનાડ તે તો રામાયણનાં પાત્રોની લીલાભૂમિ છે.

    આપણા એટલે કે દેશના પરંપરાગત સામાજિક અગ્રવર્ગના એક નોંધપાત્ર હિસ્સાને સારુ રામાયણ કહેતાં સામે આવતા ગ્રંથ સ્વાભાવિક જ વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામચરિત માનસ છે. જે બધાં સંશોધન થયાં છે એમાં સામે આવેલી એક વિગત એ પણ છે કે વાલ્મીકિ થકી જે એક શ્લોકબંધ ને સુશ્લિષ્ટ સ્વરૂપમાં આપણો રામાયણ સાથે મોંમેળો થયો તે પૂર્વે એકાધિક રામકથાઓ મૌખિક પરંપરામાં રમતી થઈ ચૂકેલી હતી- અને તે કંઈ તંતોતંત વાલ્મીકિય રામકથા મુજબ નયે હોય. પણ રહો, તમે યાદ આપો એ પહેલાં મારે વાયનાડ પુગી જવું જોઈએ!

    આદિવાસી વસ્તીએ ઉભરાતા વાયનાડ પાસે આદિ-પરંપરામાં એકાધિક રામકથા છે, અને રામાયણના પ્રસંગો જ્યાં બન્યા કહેવાય છે એવાં એકાધિક સ્થળો પણ આ પંથક કને છે. ત્યાં વાલ્મીકિનું સ્થાનક પણ છે, અને ત્યાં સીતાએ આશ્રય લીધાની સાહેદી પણ મૌખિક પરંપરાએ મજબૂત છે. વાયનાડમાં એ નદી પણ છે જેની નજીક લંકા હતી. આદિ-પરંપરા માંહેલા ચેટ્ટી રામાયણ મુજબ વાયનાડ એ જ પંચવટીનો વિસ્તાર છે, નહીં કે નાશિક પાસે.

    હમણાં લંકા સંદર્ભે નદીનો ઉલ્લેખ કર્યો એ આપણી ચાલુ સમજ પ્રમાણેના દરિયાનો અવેજ તો ક્યાંથી હોય? પણ સુપ્રતિષ્ઠ પુરાતત્ત્વવિદ્ હસમુખ સાંકળિયાના અધીન મતે લંકા મધ્ય પ્રદેશમાં હતી, જ્યાં દરિયો નથી. ભાઈકાકાને પણ ઈતિહાસ-સંશોધનમાં ઊંડો રસ હતો અને એમણે પણ પોતાના અભ્યાસ મુજબ લંકાને મધ્ય પ્રદેશમાં દર્શાવેલ છે. સંસ્કૃત ભાષાની રીતે જોકે આની એક સાદી સમજૂત એ હોઈ શકે કે સમુદ્રના અર્થોમાં સરોવર ને નદીનો પણ સમાવેશ થાય છે. (આ લખતાં સાંભર્યું કે ફારસીમાંથી ઉર્દૂમાં આવેલ ‘દર્યા’નો અર્થ નદી પણ થાય છે, અને દરિયો પણ.)

    ફરી પાછા વાયનાડ જઈએ તો આ આદિવાસી વિસ્તારમાં (જેમ કર્ણાટકના ‘કોડાગુ’માં) રામાયણના કથાનકમાં સીતા વનવાસી છે, અને બીજાં પણ કેટલાંક પાત્ર: આ બધાં હાંસિયાજીવી, કહો કે છેવાડાનાં લોકોનાં સુખ-દુ:ખ ને રીતરિવાજને વાચા આપે છે. એક તબક્કે તો સગર્ભા સીતા પરત્વે જવાબદારી નક્કી કરવા સારુ સ્થાનિકો રામ-લક્ષ્મણને વૃક્ષે બાંધી સવાલજવાબ ને તપાસનો દોર ચલાવે છે.

    વાયનાડમાં લોકપરંપરા પ્રમાણે એ પાપનાશિની નદી પણ છે જ્યાં દશરથના અંતિમ સંસ્કાર થયા હતા. આપણે ત્યાં ગુજરાતમાં એમ તો ભીલી રામાયણ છે જ ને. આ ક્ષેત્રે સંશોધન એ ભગવાનદાસનું જીવનકાર્ય રહ્યું છે. એ વિગતવિશદ ફોડ પાડે તો, બને કે, વાલ્મીકિ ને તુલસીદાસ કરતાં કંઈક જુદું જ ઊપસી આવે- કમસે કમ, ડ્રામાનંદ ઉર્ફે રામાનંદ સાગરના તો ફુરચેફુરચા ઊડી જાય!

    ગમે તેમ પણ ફાધર બુલ્કેના અભ્યાસ પ્રમાણે ખરું જોતાં ઘણાં વધારે છતાં કમસે કમ ત્રણસો રામાયણ તો છે જ. બેલ્જિયમથી ભારત આવી સ્થાયી થયેલા જેસુઈટ પાદરી કામિલ બુલ્કેનો અંગ્રેજી-હિંદી કોશ આખા હિંદીભાષી વિસ્તારમાં સર્વાધિક સ્વીકૃત ને પ્રચિલત છે, પણ એથીયે નમૂનેદાર તો એમનું તુલસી રામાયણ પરનું કામ છે. દૂર દેશથી મિશનવશ અહીં આવ્યા અને અહીંના જ થઈને રહી ગયા. કલકત્તા યુનિવર્સિટીમાંથી એમણે સંસ્કૃતમાં એમ.એ. કર્યું અને અલાહાબાદથી હિંદીમાં ડોક્ટરેટ મેળવી. વિષય હતો ‘રામકથા કા વિકાસ.’ એમના પટ્ટશિષ્યવત્ રાજ સાહે સુદૂર શિકાગો યુનિવર્સિટીમાં હિંદીનો ઈલાકો સાહ્યો અને ગુરુ બુલ્કે વિશે માનસ ભાષામાં કહ્યું: घोर बिदेस से मुनि एक आवा, सीया-राम का तत्त्व पढावा। तुलसी देह से, तुलसी आंगन, बैठ़े वहाँ प्रभु पान करावा।।

    કેટલાંબધાં રામાયણ છે, એની આપણે વાત કરતા હતા. મધ્ય પ્રદેશના કથિત અસ્પૃશ્ય સમુદાયનુંયે એક આગવું રામાયણ છે. કેરળના મુસ્લિમ સમુદાયનું વળી કાપિલા રામાયણ છે. ઈન્ડોનેશિયા, મલેશિયા વગેરેનાં પોતપોતાનાં રામાયણ છે. આપણે ત્યાં બૌદ્ધ પરંપરામાં જે દશરથ જાતક છે, પાલીમાં, તે મુજબ રાજધાની અયોધ્યા નહીં પણ વારાણસી છે. એ. કે. રામાનુજનના અભ્યાસનિબંધમાં આ બધી વિગતો આવી. સ્નાતક કક્ષાએ એક વ્યાપક અભિગમપૂર્વક સમજની કેળવણીની એ ઉત્તમ તક હતી. પણ ચોક્કસ પરિબળના ઉદય સાથે ‘અમારી આસ્થા’ના નામે દિલ્હી યુનિવર્સિટીને એ અભ્યાસક્રમમાંથી પડતો મૂકવાની ફરજ પડી.

    ખરું જોતાં જો રામ મંદિરના નિર્માણ પછી નવી શરૂઆતની વાત હોય તો એમાં હર મુદ્દે સ્ટીમ રોલરી બુલડોઝરી વલણથી પરહેજ કરવી રહે છે. વિવિધ રામકથામાં થયેલ નિરૂપણા, સમાજના વિવિધ સ્તરે અને ઈતિહાસના અલગ અલગ તબક્કે એમાં થતું રહેલ શોધન-વર્ધન આપણા વિકાસનું સંબલ છે… કાશ, સૂર્યકિરણના ઉજાસમાં આ બધું દેખાતું રહે!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૭ – ૦૪ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ફરજના ભાગ

    દરિયા-પારની  વાર્તા

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    એ રાતે હજી સાડા દસ જેવા થયા હતા. સૂવા માટે હજી વહેલું હતું. કૌશિકભાઈ અને ચેતનાબ્હેન નિરાંતે ટેલિવિઝન પર સિરિયલ જોઈ રહ્યાં હતાં. થોડી વાર પહેલાં એમની રેવાબાઇ રોજના રિવાજ પ્રમાણે એક રકાબીમાં થોડી દ્રાક્શ અને સફરજનની ચીરીઓ આપી ગઈ હતી. ચેતનાબ્હેને કહેલું, હવે તું બેસ અને ટીવી જોવું હોય તો જો. રેવાબાઇ કુટુંબ સાથે ઘણાં વર્ષોથી હતાં. ચેતનાબ્હેન જ નહીં, કૌશિકભાઈ પણ એમને ઘરનાં જ ગણતાં. મન થાય ત્યારે એ સાથે બેસીને ટીવી જોતાં, પણ એ રાતે એમને વહેલાં સૂઈ જવું હતું.

    કહે, સવારના પહોરમાં વડીઓ પાડવી છે. તડકો ચઢે એટલે તરત સૂકાઈ જાયને.

    એને કામનો થાક નથી, ચેતનાબ્હેન બોલ્યાં.

    આ વર્ષે કાળી દરાખ શું મીઠી આવી છે. નહીં?, કૌશિકભાઈનું ધ્યાન ટીવીથી પણ વધારે ફ્રૂટમાં હતું.

    બે-ત્રણ સામટી મોઢામાં મૂકતાં ચેતનાબ્હેને કહ્યું, વાહ.

    એ જ વખતે ફોનની ઘંટડી સાંભળીને બંનેને નવાઈ લાગી. આ ટાઇમે કોણ કરે? બધાં સિરિયલ જોતાં હોય. ફોન કરવાનો વિચાર પણ કોને આવે? એમનો દીકરો સૂરજ એમેરિકામાં, ને એ બહુ ફોન ના કરે. પહેલાં પહેલાં બંને ફોનની રાહ જોતાં, વલખતાં, ફોન આવે ત્યારે સૂરજને જરા વઢતાં – કે ભઈ, મહિને એક વાર ફોન કરવાની ટેવ પાડોને.

    પણ એવું ક્યારેય બન્યું નહીં. વહુથી કહેવાઈ ગયેલું, કેટલા પૈસા થાય છે, ખબર છે? ખાલી ‘કેમ છો’ કહેવાનું હોય, ને બધાં સારાં જ હોય એમ માની લેવાનું.

    સૂરજ બોલેલો, પપ્પાજી, અમેય અહીં એવા કામમાં હોઈએને કે ક્યાં દિવસો જતા રહે એનો ખ્યાલ ના રહે.

    બંનેએ મન વાળી લીધેલું. ફોન જ્યારે ક્યારેક આવે ત્યારે ફરિયાદ કરતાં નહીં, ને લાંબી વાતો કરવા પણ ના બેસતાં. એ રાતે ફોન સૂરજનો જ હતો. ઓહો, કેમ છો, ભઈ? સુરખી બેટા મઝામાં? લે, મમ્મી તમને—

    ના, ના, પપ્પાજી, તમને સારા સમાચાર આપવાના છે. સુરખીને ન્યુઝ છે.

    અરે વાહ, ભઈ. કૉન્ગ્રેચ્યુલેશન. તમને બંનેને. લે, આ મમ્મી વિશ કરે —

    એક મિનિટ, પપ્પાજી. જરાક તમારી સાથે કામની વાત કરી લઈએ, સૂરજે ઉતાવળે કહ્યું.

    હા, બોલ, ભઈ.

    એવું છે કે સુરખી તો અહીં સાવ એકલી. એને જાતે બધું ફાવશે નહીં —

    હા, ભઈ, તમારી ત્યાંની જિંદગી તો એવી જ —

    પપ્પા, વાત સાંભળી લોને.

    સૂરજ કદાચ ઘડિયાળ તરફ જોતો હશે, કૌશિકભાઈએ ઉદાસ ભાવે વિચાર્યું.

    અમારે અહીં ડિલિવરીમાં અને પછી બાળકને ઉછેરવામાં કોઈની જરૂર પડશે. એટલે મમ્મીએ અહીં આવી જવું પડશે. એમણે એકલાંએ.

    શું કહે છે, સૂરજ. પછી અહીં ઘર કોણ ચલાવશે?

    અરે, ત્યાં તમારે ક્યાં અહીં જેવાં કૉમ્પ્લિકેશન હોય છે? ત્યાં માણસોની ખોટ નથી. સહેજમાં કોઈ પણ કામ કરી આપનારાં મળી જાય. ને રેવાબાઇ તો છે જને?

    જુઓ, પપ્પા, અત્યારે હવે વધારે વાત નહીં પોસાય, સૂરજ પતાવતાં કહેવા માંડ્યો. જુઓ, અમારા એક ફ્રેન્ડ સાથે હું કાગળ મોકલું છું. એમાં લખું છું મમ્મીએ ક્યારે આવવાનું છે તે. ચાલો, આવજો.

    એટલી રાતે કૌશિકભાઈ ચેતનાને અપસેટ કરવા નહતા માગતા. એમણે કહ્યું, એ ફરી કરવાનો છે. ત્યારે તું ધરાઈને વાત કરજે.

    કૌશિકભાઈ સવારની કૉલેજ પૂરી કરીને દોઢેક વાગ્યે આવી ગયા. જમીને આડા પડવાની રોજની ટેવ, પણ આજે એમની ઊંઘ ઊડી ગયેલી. ચેતનાબ્હેન કહે, પછી સાંજથી બગાસાં ખાશો હોં. મારી સિરિયલ બગાડશો.

    સૂરજની સાથે થયેલી વાત ક્યારે કહેવી ચેતનાને? એ તો સાવ દુઃખી થઈ જવાની. કૌશિકભાઈ મુંઝવણમાં હતા. બંને ક્યારેય એકલાં પડ્યાં નહતાં. હંમેશાં સાથે ને સાથે જ. દીકરો અમેરિકા ગયા પછી તો બંને એકબીજાનો ઘણો મોટો આધાર બની ગયાં હતાં. ચેતના શું કરશે મારા વગર, ને હું શું કરીશ એના વગર?

    ચેતી, કૌશિકભાઈએ વહાલનું સંબોધન વાપરતાં કહ્યું, સૂરજે શું કહ્યું છે ખબર છે? એણે કહ્યું છે કે મમ્મી વગર તો નહીં જ ચાલે – એને કે સુરખી વહુને.

    સૂરજના શબ્દો અને એનો બોલવાનો ઢંગ એ ચેતનાને કહેવા નહતા માગતા. પોતાની રીતે એમણે કહ્યું, જો, એણે આપણને વિનંતી કરી છે—

    શેની વિનંતી?

    એમ કે તારી બહુ જ જરૂર પડશે એમને. એટલે તને ખાસ આગ્રહ કરીને ત્યાં બોલાવી છે.

    હા, તે જઈશું. દીકરાને ત્યાં પ્રસંગ છે તે આપણે જવાનું જ હોયને.

    ચેતનાબ્હેન સમજ્યાં નહતાં કે એમને એકલાંને જ બોલાવવામાં આવ્યાં હતાં.

    પછીના દિવસોમાં તો જાણે શુંનું શું થઈ ગયું. સૂરજનો મિત્ર કાગળ આપવા આવ્યો, ને ત્યારે એણે સૂરજના કહ્યા પ્રમાણે બધી લાંબી વાત કરી. વિઝા માટેના જરૂરી બધા કાગળો પણ એ લેતો આવેલો. કહે, તમારા દીકરાનું કામ બહુ ચોક્કસ છે, હોં. કશું ભૂલ્યો નથી.

    ફીક્કાં પડી ગયેલાં મા-બાપ સંમતિનું સહેજ હસેલાં.

    જુલાઇની ચોથીએ અમેરિકાનો સ્વાતંત્ર દિન. એ દિવસે બાળક જન્મશે એવું ડૉક્ટરનું કહેવું છે, એટલે મમ્મીએ જૂનના છેલ્લા અઠવાડિયામાં આવી જવાનું, એમ સૂરજે કહેવડાવેલું.

    જાણ્યું તે દિવસથી જ પતિ-પત્ની ઉદાસ થઈ ગયાં. દસેક મહિનાનો વિયોગ નક્કી હતો. કેમ કરીને જશે એટલો સમય?, બંને મનોમન કહેતાં હતાં. પોતાની ટિકિટ માટેના પૈસા થોડી સગવડ કરીને કૌશિકભાઈ કાઢી તો શકે એમ હતા, પણ સૂરજે કાગળમાં ચોખ્ખું લખ્યું હતું કે બે જણને આટલા બધા મહિના રાખવાનું નહીં પોસાય. વળી, મમ્મી તો રાત-દિવસ બિઝી રહેવાની, એટલે પપ્પાજી એકલા પડવાના, ને ખોટા બોર થવાના. એના કરતાં પછી વખત આવ્યે જોઈશું.

    સૂરજે વિઝાના ખર્ચાના અને ટિકિટ માટેના ડૉલર મોકલાવેલા. કહેલું કે વન-વે ટિકિટ ઇન્ડિયાથી ઘણી સસ્તી પડે છે. મેં ટ્રાવેલ એજન્ટને પૂછ્યું છે કે આશરે કેટલા થાય. આટલામાંથી થઈ જશે ટિકિટ.

    ખરીદવાનો વખત આવ્યો ત્યારે અને પછી ક્યારેય કૌશિકભાઈએ ચેતનાબ્હેનને કહ્યું નહતું કે એ પૈસા પૂરતા નહતા. પોતે બેન્કમાંથી કાઢીને જોઈતા ઉમેરી દીધા હતા.

    ચેતનાબ્હેનને એ સાંત્વન આપતા રહેલા – દીકરાને જરૂર હોય ત્યારે મદદ કરવાની આપણી ફરજ છે, ખરું કે નહીં? તું ચિંતા ના કર. મહિનાઓ ક્યાંયે નીકળી જશે. પછી ઉનાળાની રજાઓમાં તો એ મને બોલાવવાનો છે.

                                     .                 .                 .                   .                  .                 .

    સૂરજનો ફ્લૅટ આટલો નાનો હશે, તેવું ચેતનાબ્હેને નહતું વિચાર્યું. ને કરકસર તો એ જાણતાં હતાં, પણ દીકરો-વહુ આટલી કંજુસાઇથી કેમ રહેતાં હશે તે એમને નહતું સમજાતું. એક બૅડરૂમ હતો એ દીકરો-વહુ વાપરતાં. જમવા માટેના ભાગમાં એક પાટ જેવું મૂકેલું. તે હતો ચેતનાબ્હેનનો ખાટલો. રસોડામાં બે જણ ખાઈ શકે તેવું નાનું ટેબલ હતું. દીકરા-વહુને જમાડીને ચેતનાબ્હેન પોતે ત્યાં જમવા બેસતાં.

    શરુઆતના દિવસો ઝડપથી ગયા. બેબી આવી પછી થોડી અવર-જવર રહી, ને મહિનો સુરખી ઘેર રહી. પણ છોકરું સંભાળવા મમ્મી હતાં તેથી એ નોકરી પર જલદી ચઢી ગઈ. એ પછી ચેતનાબ્હેનના દિવસો સાવ સૂના થઈ ગયા. કૌશિકભાઈ અઠવાડિયે બે વાર ફોન કરતા હતા તે બંધ થઈ ગયું. સુરખીએ કહેલું કે ગમે ત્યારે ફોનની ઘંટડી વાગે તો અમારી ચાંદની રાણી ચમકીને જાગી ના જાય? અમે ઘેર હોઈએ ત્યારે મહિને એકાદ શનિ-રવિમાં કરવો હોય તો ભલે કરે.

    નાનકડી ચાંદની સૂઈ ગઈ હોય ત્યારે ચેતનાબ્હેન ફ્લૅટનું બારણું ખોલીને કોઇ કોઇ વાર ઊભાં રહેતાં – બારણામાં જ. હજી ઘરની ચાવી એમને અપાઈ નહતી. ઍક્સ્ટ્રા બનાવડાવવાની છે. રહી જાય છે, સૂરજે કહેલું. ને તું એકલી જવાની પણ ક્યાં?

    ચેતનાબ્હેન લાંબા કોરિડોરમાં બે તરફ જોતાં. હંમેશાં એ ખાલી રહેતો. બાજુમાં, સામે કે પેલી તરફ રહેતું કોઈ ક્યારેય એમણે જોયું નહીં. જાણે મકાન ભૂતિયું, ને પોતે એમાં બંધ હતાં. આવા જીવનને લીધે જ અહીં રહેતાં રહેતાં બધાં સાવ એકલપેટા થઈ જતાં હશે?, એ વિમાસતાં, ને કૌશિકભાઈ સાથે ચર્ચા કરવા ઝંખતાં.

    ચાંદની ત્રણેક મહિના થઈ ત્યારે સુરખીએ ચેતનાબ્હેનને સૂચના આપી કે હવે બાબાગાડીમાં એને બરાબર ઢાંકી કરીને રોજ બહાર ફરવા લઈ જજો. ને બપોરે બાર વાગ્યા પહેલાં ઘરમાં આવી જજો. બહુ તડકામાં ના ફેરવતાં એને. આ કારણે ચેતનાબ્હેન મકાનની નજીકમાંના બાગ સુધી નીકળતાં થયાં. ત્યાં  એમની ઓળખાણ શુભા સાથે થઈ. એ ત્રણેક વર્ષની દીકરી ઝુમુને લઈને આંટો મારવા આવતી. વાતો શરૂ થયા પછી શુભાએ કહેલું કે એ સુરખી અને સૂરજને સાધારણ ઓળખતી હતી. આસપાસના સ્ટોર્સમાં એ બધાં ક્યારેક મળી જતાં હતાં.

    બંને વચ્ચે ઉંમરનો આટલો તફાવત હતો તે છતાં ધીરે ધીરે એક મૈત્રી બંધાઈ. શુભા ચેતનાબ્હેનને દર રવિવારે બપોરે પોતાની સાથે બહાર લઈ જવા માંડી. ચાંદનીને રમાડવા ઘેર આવી ત્યારે એણે સુરખીને પૂછી લીધું હતું – વાંધો નથીને? પછી તો સાથે જમી લેવાનો રિવાજ થઈ ગયો. કોઈ વાર બહાર તો કોઈ વાર પોતાને ઘેર લઈ જઈને શુભા ચેતનાબ્હેનને જમાડી લેતી. દિદિ, એ કહેતી, તમે જરાય સંકોચ ના કરો. મને પણ કંપની મળે છેને. જુઓ છોને, મારા હસબંડ કામમાંથી ઊંચા જ નથી આવતા તે.

    થોડા વખત પછી શુભાએ એમને પૂછ્યું, દિદિ, મારે પાંચેક મહિનાનો એક કોર્સ કરવાનો છે. એ પછી હું લૅબ ટૅકનિશિયનની નોકરી માટે ઍપ્લાય કરી શકીશ. તમને વાંધો ના હોય તો તમે ઝુમુને રાખશો? સવારે દસથી એક જેટલું, બસ.

    હા, મને વાંધો નથી. પણ સુરખીને ગમે કે ના ગમે.

    એની સાથે હું વાત કરી લઈશ. અથવા તો એને ખબર પણ નહીં પડે કે ઝુમુ તમારી પાસે આવે છે.

    શુભા આગળ કહે, દિદિ, હું તમને થોડા પૈસા પણ આપીશ. ના, તમે જરા પણ આર્ગ્યુમેન્ટ ના કરતાં. એ વાત તો આપણે સુરખીને નહીં જ કરીએ. એ તમારે જ માટેના. જેમાં જરૂર હોય તેમાં તમે વાપરજો.

    ઝુમુ બહુ શાંત અને મીઠી હતી. ચેતનાબ્હેનને દિદા, દિદા કહેવા માંડેલી. શુભાએ સમજાવેલું કે નાનીને માટે બંગાળીમાં દિદા શબ્દ હતો. બંને બાળકીઓને ચેતનાબ્હેન થોડું ફેરવીને આવે પછી શુભાએ મોકલાવેલું દૂધ પીને ઝુમુ ઊંઘી જતી. ઊઠે ને એના જ ઘરનું નાનું કેળું ખાય એટલામાં તો સમય થઈ જતો અને શુભા આવીને એને લઈ જતી. સુરખીના ઘરનું કશું જ ના વપરાય એવી કાળજી શુભાએ પહેલેથી રાખી હતી. વળી, ચાંદનીના રૂટિનમાં પણ કશી દખલ ના થવી જોઈએ, એ કહ્યા કરતી.

    શિયાળાનો ઠંડો, અંધારિયો સમય પણ શુભાને લીધે ઘણો સારો જવા માંડેલો, છતાં કૌશિકભાઈની ચિંતા મનમાંથી દૂર થતી નહીં. માર્ચ મહિનો શરૂ થવામાં હતો ત્યારે ચેતનાબ્હેને સૂરજને કહ્યું, ભઈ, હવે એમના વિઝા માટે તૈયારી કરો. આવતે મહિને એમનું વેકેશન શરૂ થવાનું. ત્યારે એ અહીં આવી જાય તો સારુંને.

    સૂરજે જાણે જવાબ તૈયાર જ રાખેલો. મમ્મી, તને ખબર તો છે કે અહિંયા એક વધારે માણસની જગ્યા જ નથી. પપ્પા આવશે તો ક્યાં સૂશે? પછી બાળકને પટાવતો હોય તેમ કહે, જો, હમણાં થોડા પૈસા બચાવીએ છીએ. તું ધીરજ રાખ. થોડા વખતમાં અમે બે બેડરૂમનો ફ્લૅટ લેવાનાં જ છીએ, ત્યારે જોઈશું.

    પહેલાં પણ એણે એમ જ કહેલું કે જોઈશું, પણ ચેતનાબ્હેન એ કેમ સમજ્યાં નહતાં? એમને પોતાનો જ વાંક લાગવા માંડ્યો. અત્યારે પણ સૂરજ જોઈશું, જોઈશું જ કરે છે. એની ઈચ્છા જ નથી કે પપ્પાજી આવે. રખેને ખાવાનો ખર્ચો વધી જાય.

    ચેતનાબ્હેન મનમાં ખૂબ ગુસ્સે થયાં. દુઃખી તો એથી યે વધારે થયાં. કશોક નિર્ણય કરી લીધો હોય એમ એ બોલ્યાં, જો સૂરજ, મને આવ્યે દસ મહિના થવા આવ્યા. આપણે વાત થયેલી કે આ પછી પપ્પાજી પણ આવશે, અમે બંને બીજા બે મહિના અહીં રહીશું અને બેબીને એક વરસની કરી આપીશું. હવે જો એ ના આવવાના હોય તો આવતા મહિને હું પાછી જવા માગું છું.

    સુરખીને બોલવા જતી અટકાવીને એમણે કહ્યું, જુઓ બેટા, તમે તો મારાં બાળક છો. તમારી પ્રત્યે મારી ફરજ છે, તે હું કબૂલ કરું છું. તમારે જરૂર છે તે જોઈને હું કોઈ દલીલ કર્યા વગર અહીં આવી, ને રહી. તમે બંને યુવાન છો, અને તમારી ઈચ્છા પ્રમાણે જિંદગી જીવી શકો છો. પપ્પાજીને માટે આમ એકલાં રહેવું કેટલું કઠિન હશે તે હું જ જાણું છું. મને એમની તબિયતની ચિંતા છે. હવે મારી ફરજ એમના પ્રત્યે છે.

    તો પછી, મમ્મી, તમારે અમારી મુશ્કેલી પણ સમજવી જોઈએ, સુરખીથી રહેવાયું નહીં.

    સૂરજે ઊમેર્યું, મમ્મી, હમણાં આ ખર્ચા —એમાં તમારી ટિકિટ કાઢવાની અઘરી છે.

    ભલે. તો હું પપ્પાજીને કહીશ.

    એમની પાસે હશે ઇન્ટરનેશનલ ટિકિટ જેટલા પૈસા?

    અપમાનના ભાવ પર સંયમ રાખીને ચેતનાબ્હેન બોલ્યાં, એમની પાસે પૈસા છે કે નહીં તેની ચિંતા તું ના કરતો. મને ખાત્રી છે કે એ સગવડ કરી શકશે.

    ખરેખર તો એ જાણતાં હતાં કે શુભાના આપેલા ડૉલર પોતાની પાસે હતા, ને ટિકિટ માટે એ પૂરતા હતા.

    શુભાની સાથે બહાર જવાનું થયું ત્યારે એમણે ત્યાં પાડોશીઓને આપવા બદામ ખરીદી, અને સુગંધી કેસરનો ડબ્બો – ભલેને એ મોંઘોદાટ હતો. રેવાબાઈ માટે એમણે એક સાડી લીધી અને એક સેન્ટની શીશી. ભલેને એ શોખ કરતી. બધું થોડા દિવસ શુભાને ત્યાં જ રહેવા દીધું.

    ટિકિટનો બંદોબસ્ત કૌશિકભાઈ તરફથી થયો છે એમ વાત જ કરી. શુભાના હસબંડની  ઑફિસમાંથી સહેલાઈથી  વાયર-ટ્રાન્સ્ફર થઈ ગઈ, એવું એમણે કહ્યું. સૂરજને એની પોતાની ગરીબીની કોઈ દલીલ કરવાની તક જ એમણે આપી નહીં.

    શુભાને ત્યાંથી ફોન કરીને કૌશિકભાઈને એમણે એમ કહ્યું કે સૂરજે ટિકિટની વ્યવસ્થા કરી છે, ને એ કહે છે કે આવતા વર્ષે આપણને બંનેને સાથે બોલાવશે.

        .                .               .                 .               .

    જે બૅગ લઈને અગિયાર મહિના પહેલાં આવેલાં તે જ લઈને ચેતનાબ્હેન પાછાં જઈ રહ્યાં હતાં. શુભાએ ઘેર આવીને બહુ વિવેકથી કહેલું, સૂરજભાઈ, તમે અને ભાભી નાના બાળક સાથે તકલીફ ના લેતાં. હું જ દિદિને ઍરપૉર્ટ લઈ જઈશ. મારી ઝુમુને ગાડીમાં ફરવા જવું ગમશે પણ ખરું.

    સૂરજ અને સુરખી ફીક્કું હસેલાં.

    જવાને દિવસે બંને ચેતનાબ્હેનને આવજો કહેવા સાથે નીચે ઊતર્યાં. સુરખીના હાથમાં ઊચકેલી ચાંદનીના માથા પર વહાલથી  ચેતનાબ્હેને હાથ ફેરવ્યો, ને એના નાનકડા હાથમાં એક કવર મૂકતાં કહ્યું,  પપ્પાજીએ ખાસ આશીર્વાદ આપ્યા છે અને શુકનના આ એકાવન ડૉલર ચાંદનીને આપવાના કહ્યા છે.

    બે પળ કવરને હાથમાં ફેરવ્યા પછી ચાંદનીએ એને મોઢામાં ખોસ્યું. સુરખી એને ખેંચવા ગઈ, પણ  તરત નીકળી ના આવ્યું. એ કહેવા માંડી, અરે વાહ, ચાંદની રાણીને દાંત આવવા માંડ્યા છે.

    સૂરજનો આવજો કહેવા નકામો ઊંચો થયેલો  હાથ નીચો પડતો ગયો ત્યારે એ સ્તબ્ધ થઈ વિચારતો હતો કે મમ્મીએ જતાં જતાં પાછું વળીને જોયું નહીં.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • એ નાનકડાં પંખી

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    આમ તો અમારા ઘરમાં પિતાજી, મા અને હું એમ ત્રણ જણાં રહેતાં છતાં પિતાજી ઘરને સરાઈ જ કહેતા. કારણ..? કારણ કે અમે ત્રણ જણ ઘરના મહેમાન અને ઘરનો માલિક કોઈ બીજો હોય એવો ઘાટ હતો.

    ઘરઆંગણમાં આંબાનું ઝાડ અને એની પર અનેકવિધ પંખીઓનો બસેરો. પિતાજી કહેતા એમ જે કોઈ દૂર પહાડો પરથી દિલ્હી આવે એ અમારા ઘરનું સરનામું લઈને નીકળ્યા હોય એમ સીધા અમારા ઘેર પહોંચી જ જાય છે. પછી તો, બાપરે… ભેગાં થઈને એટલો કલશોર મચાવે કે કાનનાં પડદા ફાટી જાય.

    બાકી હતું તો ઘરમાં વીસ-પચ્ચીસ ઉંદરડાઓનું સામ્રાજ્ય. ધમાચકડી એટલી હોય કે અમે ભાગ્યેજ શાંતિથી સૂઈ શકતાં. ઘડીકમાં ડબ્બા પછાડે તો ઘડીકમાં કપ-રકાબી ફોડે. એક ઘરડો ઉંદરડો ઠંડી લાગતી હોય એમ ચૂલાની પાછળ ભરાયો હોય તો બીજાને ગરમી લાગતી હોય એમ બાથરૂમની ટાંકી પર જઈને બેઠો હોય. બિલાડીને રહેવા માટે અમારું ઘર કદાચ પસંદ નહોતું પણ, ક્યારેક દૂધ પીવા આંટો મારી જતી ખરી. સાંજ પડતાં બેચાર વડવાગોળ ઘરમાં ઘૂસી આવતી. આખો દિવસ ‘ગુટર-ગું’નું સંગીત પીરસતાં કબૂતરો અને કીડીઓની જમાત પણ ખરી. બાકી હતું તો બે ચકલીઓ ઘર રહેવા યોગ્ય છે કે નહીં એમ આવીને જોઈ ગઈ હતી. ઘડીકમાં બારીમાં તો ઘડીક જાળિયાં પર આવતી અને ઊડી જતી. બે દિવસ પછી જોયું તો છત પર લટકતા પંખા પર બેઠી બેઠી બંને ગીતો ગાતી હતી. બીજા બે દિવસ અને પંખાની ઉપર માળો બનાવી લીધો હતો. જાહેર હતું કે એમને અમારું ઘર ગમી ગયું હતું.

    “હવે તો એ અહીં જ રહેશે.” મા બોલી.

    આ સાંભળીને પિતાજીનું માથું ઠમક્યું.
    “ના કેમ જાય. હમણાં જ કાઢું.”

    “અરે છોડો જી. હજુ સુધી ઉંદરડા તો કાઢી શક્યા નથી અને આમને કાઢશો?”

    માએ વ્યંગબાણ છોડ્યું. અને બસ, પછી તો પિતાજી એ નાનકડાં પંખીની પાછળ પડી ગયા. પંખાની નીચે ઊભા રહીને તાલી પાડી, હાથ હલાવી શુ…શુ…કહીને એમને ઉડાડવા મથ્યા.

    ચકલીઓને માળામાંથી ડોકું કાઢ્યું અને ચીં…ચીં કરતી નીચે જોવા માંડી. મા ખિલખિલ કરતી હસી પડી.

    “આમાં હસવા જેવું શું છે?” પિતાજીનો રોષ વધ્યો.

    “એક ચકલી બીજીને પૂછે છે કે. આ નીચે ઠેકડા મારીને નાચે છે એ આદમી કોણ છે?” માએ નિરાંતે જવાબ આપ્યો.

    માને આવા સમયે પિતાજીની મજાક ઊડાવવાનું બહુ ગમતું. આ મજાકથી પિતાજીનો ગુસ્સો ઓર વધ્યો. પહેલાંથી પણ વધુ ઊંચા થઈને ચકલીઓને ઊડાડવા માંડ્યા. ચકલીઓને જાણે પિતાજીનું નાચવાનું પસંદ આવ્યું હોય એમ બીજા પંખા પર જઈને બેઠી.

    “એ હવે નહીં જાય, એમણે ઈંડા મૂકી દીધાં હશે.” મા બોલી.

    “ના કેમ જાય?” બોલતા પિતાજી બહારથી લાકડી લઈ આવ્યા તો ચકલીઓ માળામાં ઘૂસી ગઈ. પિતાજીએ પંખા પર લાકડી ઠોકવા માંડી તો પિતાજી જોડે પકડદાવ રમતી હોય એમ ચકલીઓ ઊડીને પરદા પર જઈ બેઠી.

    “આટલી બધી તકલીફ લેવાની ક્યાં જરૂર છે, પંખો ચાલુ કરી દેવાનો હોય ને?” માને હવે આ ખેલમાં મઝા આવતી હતી. મા જેટલી હસતી એટલા પિતાજી વધુ અકળાતા. પિતાજી લાકડી લઈને પરદા તરફ ધસ્યા. ચકલીઓને પેંતરોં બદલ્યો. એક ઊડીને રસોડાનાં બારણે અને બીજી સીડી પર જઈને બેઠી.

    “ભારે સમજદાર તમે તો…બારણાં બધાં ખુલ્લા રાખીને એમને બહાર કાઢો છો? બધાં બારણાં બંધ કરીને એક બારણું ખુલ્લુ રાખો અને બહાર જાય પછી એ બંધ કરશો તો કંઈ પત્તો પડશે.” માએ બેઠાં બેઠાં ઉપાય બતાવ્યો.

    માનાં સૂચનનો અમલ કરવામાં આવ્યો. હવે શરૂ થઈ ચકલીઓ અને પિતાજી વચ્ચે ધમાચકડી. પિતાજીની અહીંથી ત્યાં, ત્યાંથી અહીં દોડાદોડ અને ચકલીઓની ઊડાઊડ જોવા જેવી હતી. અંતે રસોડાનાં ખુલ્લા બારણાંમાંથી બંને બહાર ઊડી ગઈ અને પિતાજી નિરાંતનો શ્વાસ લઈને બેઠા.

    “આજનો દિવસ બારણાં બંધ રાખજો. એક દિવસ ઘરમાં ઘૂસી નહીં શકે તો આપમેળે ઘર છોડી દેશે.” યુદ્ધ જીતેલા રાજાની જેમ પિતાજીએ ફરમાન કર્યું.

    એટલામાં તો ફરી ચીં…ચીં.. ખબર નહીં ક્યાંથી પાછી આવીને માળામાં ગોઠવાઈ ગઈ. મા ફરી ખિલખિલ કરતી હસી પડી.

    આ વખતે બારણાંની નીચેથી ઘૂસી ગઈ હતી. બારણાંની નીચે કપડાંનો ડૂચો માર્યો તો બારીનાં તૂટેલા કાચમાંથી અંદર આવી.

    “હવે તો ચકલીઓ ઈંડા મૂક્યાં હશે, એમને બહાર કાઢવાનું બંધ કરી દો.” મા આ વખતે ગંભીર હતી.

    એમ કંઈ પિતાજી માને? ચકલીઓ અંદર આવે એ પહેલાં એમણે બારીનાં તૂટેલા કાચ પર કપડાંનો ડૂચો ભરાવ્યો. સાંજે જમતાં પહેલાં આંગણાંમાં નજર કરી, ચકલીઓ ક્યાંય દેખાઈ નહી. હવે નહીં આવે માનીને સૌ સૂઈ ગયાં. બીજા દિવસે ઊઠીને જોયું તો મઝાની મલ્હાર રાગ છેડતી પંખા પર બેઠી હતી. કોને ખબર ક્યાંથી અંદર ઘૂસી આવતી હશે પણ, આ વખતે એમને બહાર કાઢવામાં પિતાજી ઝડપથી સફળ થયા, પણ આ રોજની ઘટના બની ગઈ. પિતાજી એમને કાઢે અને એ ફરી અંદર. પિતાજીએ હવે એમનો માળો જ વિખેરવાનો નિર્ણય લઈ લીધો.

    “કોઈને સાચે ઘરની બહાર કાઢવા હોય તો એમનું ઘર જ તોડી નાખવું જોઈએ.” ગુસ્સાથી માથું જાણે ફરી ગયું હોય એમ પિતાજી બોલ્યા અને વિચારને તાત્કાલિક અમલમાં મૂકવા સજ્જ થયા. માળાને તોરણથી સજાવ્યો હોય એમ થોડાં તણખલાં બહાર લટકતાં હતાં એને લાકડીમાં લપેટીને ખેંચવાં માંડ્યાં. બેચાર તણખલાં ઊડીને નીચે પડ્યાં.

    “ચાલો બે કાઢ્યાં એમ બાકીની બે હજાર પણ કાઢી લેવાશે નહીં? “ માએ હસીને કહ્યું.

    બહાર ચકલીઓ જાણે ચીંચીં કરવા કરવાનું ભૂલી ગઈ હોય સાવ લાચાર અને નિમાણી થઈને બેઠી હતી, પણ પિતાજી તો માળો કાઢવાની ધૂનમાં માળામાંથી લટકતાં સૂકા તણખલાં, રૂનાં રેસા, કપડાંનાં ચીંદરડાં ખેંચવામાં લાગેલા હતા. અચાનક ચીં..ચીં…ચીં..ના અવાજથી એમના અટકી ગયા. “હેં…આ પાછી આવી?”

    પણ ના, એ તો બંને સૂનમૂન એવી બહાર બેઠી હતી. પંખાના ગોળા પર જોયું તો બે નાનાં બચ્ચાં ડોકાં કાઢીને એમની તમામ શક્તિ એકઠી કરીને ચીં..ચી..ચીં કરતાં પોતાનાં માબાપને બોલાવી રહ્યાં હતાં જાણે કહેતાં હતાં કે, અમે આવી ગયાં છીએ. અમારાં માબાપ ક્યાં છે?

    અમે સૌ અવાક. પિતાજીએ માળામાં ખોસેલી લાકડી ખેંચી લીધી અને આવીને ચૂપચાપ ખુરશીમાં બેસી ગયા. માએ ઊઠીને ઝટપટ બધાં બારણાં ખોલી નાખ્યાં.

    બચ્ચાંઓનાં માબાપ પાંખો ફફડાવતાં ઝટપટ અંદર આવીને નાનકડાં બચ્ચાંઓની ચાંચમાં ચણ ઓરવાં માંડ્યાં. અમે સૌ એમની તરફ તાકી રહ્યાં. ઓરડામાં ફરી કલશોર મચી ગયો.

    આ વખતે પિતાજીના ચહેરા પર રોષ નહોતો. પહેલી વાર એ આ નાકકડાં પંખીઓને જોઈને મલકતા હતા.


    ભિષ્મ સાહની લિખિત વાર્તા- दो गोरैयाને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કસ્તૂરી (૧૯૫૪)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    જૂના ફિલ્મસંગીતના રસિયાઓના અનેક પેટાપ્રકાર છે. દરેક રસિયાનું આગવું સંગીતજગત હોય છે. એ વયસ્ક હોય તો મોટે ભાગે આ સંગીતજગત સાથે તેમનું નોસ્ટેલ્જિક જોડાણ હોય એવી પૂરી શક્યતા. આ ગાળા પછી જન્મેલા અમારા જેવા ચાહકોને નોસ્ટેલ્જિક જોડાણ હોવાની શક્યતા જરાય ન હોય. તેને કારણે મુખ્યત્વે મધુરતાને લઈને ગીતો આકર્ષે.

    આ શોખની શરૂઆતના ગાળામાં અમને બે ગુરુઓનો પરિચય થયો અને બન્નેએ અમને ફિલ્મસંગીતના અલગ અલગ વિશ્વનો પરિચય કરાવ્યો. પહેલો પરિચય રજનીકુમાર પંડ્યાનો થયો. શંકર-જયકિશનના ઘરેડ ચાહક એવા રજનીકુમારનો મુખ્ય રસ પચાસના દાયકાના સંગીતનો હતો. બીજો પરિચય થયો નલિન શાહનો, જેમનો મુખ્ય રસ ત્રીસી અને ચાલીસીના દાયકાના સંગીતનો હતો. આ ઉપરાંત બીજા ઘણા પરિચય થતા ગયા અને તેને લઈને આ દાયકાઓમાં પણ વિવિધ પેટાપ્રકાર વિશે જાણવા મળ્યું.

    રજનીકુમાર થકી જ વડોદરા રહેતા દેવેન્દ્ર ત્રિવેદી સાથે પરિચય થયો. દેવેન્દ્રકાકા સાથે સ્નેહનો તંતુ બહુ ઝડપથી સંધાઈ ગયો અને મજબૂત બની ગયો. તેમના રસનું મુખ્ય કેન્દ્ર ન્યૂ થિયેટર્સની ફિલ્મો અને સંગીત હતું. તેમને કારણે એ ગાળાની અનેક ફિલ્મો અને ગીતો વિશે જાણવા મળ્યું. તેમને ઘેર મળવા જવાનું હોય અને અગાઉથી જાણ કરેલી હોય તો તેમની વયના બીજા સમરસિયા મિત્રોને પણ તે બોલાવી રાખે અને પછી વાતો જામે. ન્યૂ થિયેટર્સની અંજનગઢ, કાશીનાથ, હમરાહી જેવી ફિલ્મો વિશે તેમની પાસેથી જ માહિતી મળી. એ જ રીતે પંકજ મલિકનાં ગીતો ધરાવતી ફિલ્મ ‘કસ્તૂરી’ વિશે પણ જાણવા મળેલું. ‘કસ્તૂરી’નું ટાઈટલ સોન્‍ગ સાંભળતાં જ દેવેન્દ્રકાકાની સ્મૃતિ તાજી થઈ આવી.

    ૧૯૫૪માં રજૂઆત પામેલી, સરગમ પિક્ચર્સ નિર્મિત, વ્રજેન્દ્ર ગૌડ દિગ્દર્શીત ‘કસ્તૂરી’માં નિમ્મી, સજ્જન, બિપિન ગુપ્તા જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, જે વ્રજેન્દ્ર ગૌડે લખ્યાં હતાં. ફિલ્મના સંગીતકાર બે હતા- પંકજ મલિક અને જમાલ સેન. ઉપલબ્ધ માહિતી અનુસાર નવમાંથી છ ગીતો પંકજ મલિકે સંગીતબદ્ધ કર્યાં હતાં, જ્યારે ત્રણ ગીતો જમાલ સેને સંગીતબદ્ધ કર્યાં હતાં.

    (ડાબેથી: વ્રજેન્‍દ્ર ગૌડ અને જમાલ સેન)

    ‘મુરલીવાલે સે લાગે નૈન‘ (આશા), ‘મુઝે અપના બનાયા દૂર દૂર સે‘ (આશા), અને ‘રાત ઢલી, તારે થકે, ચાંદ હુઆ…‘ (મધુબાલા ઝવેરી) જમાલ સેન દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવ્યાં હતાં. ‘અપની વિરાન દુનિયા કી’ (પંકજ મલિક), ‘મૈં તો હાર ગઈ મન‘ (બિનોતા ચક્રવર્તી), ‘કાહે હુઆ નાદાન મનવા કાહે હુઆ નાદાન‘ (ધનંજય ભટ્ટાચાર્ય), ‘એક દિન પહલે ભી આયા થા‘ (પંકજ મલિક), ‘તૂ હી બતા દે ભૂલ હુઈ‘ (પંકજ મલિક) તેમ જ ‘અપની પ્રીત કો ઢૂંઢ રહા હૂં’ પંકજ મલિક દ્વારા સંગીતબદ્ધ કરાયાં હતાં. આ ગીતો પૈકી પંકજ મલિકના ઘેઘુર સ્વરે ગવાયેલું ‘અપની પ્રીત કો ઢૂંઢ રહા હૂં’ ગીતની પસંદગી ટાઈટલ સોન્ગ તરીકે કરવામાં આવી હતી. સમયગાળાની રીતે જોઈએ તો આ અરસામાં પંકજ મલિકની શૈલીની ગાયકી ઘટવા લાગી હતી. હવે પાતળા સ્વરવાળા ગાયક-ગાયિકાઓનો યુગ પૂરબહારમાં હતો. આમ છતાં, પંકજ મલિકના સ્વરમાં આ ગીત અદ્‍ભુત અસર પેદા કરે છે. તેના શબ્દો આ મુજબ છે.

    अपनी प्रीत को ढून्ढ रहा हूं
    दुनिया के…
    दुनिया के आंगन में

    जैसे किरन बेचैन भटकता
    जैसे किरन बेचैन भटकता फिरता है
    फिरता है बन बन में
    दुनिया के आंगन में
    अपनी प्रीत को ढून्ढ रहा हूं
    दुनिया के…
    दुनिया के आंगन में

    अरे बावरे, कब समझेगा
    महकी कहां कस्तूरी
    दिल में बसे हैं
    फिर पहचान न पाया
    दिन को…
    जैसे दिन जाने न रात को
    रात न जाने दिन को
    यह नज़दीकी बनी हुई है क्युं
    क्युं जीवन में दूरी
    मह्की कहां कस्तूरी

    આ આખું ગીત અહીં આપેલી લીન્ક પર સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ફિલ્મી ગઝલો – ૪૭. ઝિયા સરહદી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ઝિયા સરહદીએ જે 50 આસપાસ ફિલ્મી ગીતો લખ્યા તે ન લખ્યા હોત તો પણ એમણે દિગ્દર્શિત  કરેલી ‘ હમલોગ ‘ ( ૧૯૫૦ ) અને ‘ ફૂટપાથ ‘ (૧૯૫૩ ) જેવી ફિલ્મો માટે સદૈવ યાદ રહેત. બંને ફિલ્મો માત્ર લીકથી હટીને હતી એટલું જ નહીં, એમણે એ ફિલ્મોમાં નૂતન, બલરાજ સહાની, દિલીપકુમાર અને મીનાકુમારી જેવા કલાકારો પાસેથી જે સંતુલિત અભિનય કરાવેલો એ નિ:શંકપણે કાબિલે દાદ હતો. ફિલ્મ ‘ બૈજુ બાવરા ‘ ના સંવાદ લેખક પણ આ ઝિયા સાહેબ જ.  કાલજયી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ના પટકથા લેખનમાં સલાહકાર તરીકે પણ ઝિયા સાહેબ હતા.

    એમણે દિગ્દર્શિત કરેલી ફિલ્મોમાં ઝલકતી એમની સંવેદનશીલતા એમણે લખેલા ગીતો અને ગઝલોમાં પણ દ્રષ્ટિગોચર થતી રહેતી.  એમની બે ગીતનુમા ગઝલો જોઈએ :

    એક દિલ કા લગાના બાકી થા, સો દિલ ભી લગા કે દેખ લિયા
    તકદીર કા રોના કમ ન હુઆ, આંસૂ ભી બહા કે દેખ લિયા

    એક બાર ભુલાના ચાહા થા, સૌ બાર વો હમકો યાદ આયા
    એક ભૂલને વાલે કો હમને સૌ બાર ભુલા કે દેખ લિયા

    અબ તક તો સમજ મેં આ ન સકા, ઇસ દિલ કી તમન્નાએં ક્યા હૈં
    સૌ બાર હંસા કે દેખ લિયા સૌ બાર રૂલા કે દેખ લિયા..

    https://youtu.be/yS7gasi2ctY?si=KeOWXhPh9p2xcWcc

    – ફિલ્મ :  અનોખા પ્યાર ( 1948 )
    – મીના કપૂર / લતા મંગેશકર
    – અનિલ વિશ્વાસ

    હસરત – ઓ – આસ કો લેકર શબે ગમ આઇ હૈ
    ભીડ કી ભીડ હૈ, તન્હાઈ કી તન્હાઈ હૈ

    ઉલ્ફત કે હૈં કામ નિરાલે, બન બન કે બિગડ જાતે હૈં
    કિસ્મત મેં ન હો તો સાથી, મિલ – મિલ કે બિછડ જાતે હૈં

    ઉમ્મીદ ભી હૈ એક સપના, દુનિયા મેં નહીં કુછ અપના
    આંસૂ હૈં તો બહ જાતે હૈં, અરમાં હૈં તો સડ જાતે હૈં

    આવાઝ ઉઠી હૈ દિલ સે, બેદર્દ ઝમાને સુન લે
    કલ તુ ભી ઉજડ જાએગા, હમ આજ ઉજડ જાતે હૈં

    ( શરૂઆતી બે પંક્તિઓ સ્વતંત્ર સાખી છે. )

    – ફિલ્મ : આવાઝ ( 1956 )
    – લતા
    – સલિલ ચૌધરી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૨ જું: વૈજ્ઞાનિક વૃત્તિ

    આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

    આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

    સંપાદન મડળ – વેબ ગુર્જરી


    પોપટલાલ ગોવિંદલાલ શાહ

    વૈજ્ઞાનિકોના જીવનનું ખરૂં રહસ્ય તેમની માનસિક વૃત્તિમાં છે. અને તેથી વિજ્ઞાનનું ખરૂ સ્વરૂપ પીછાંનવું હોય તો વૈજ્ઞાનિક વૃત્તિ બરાબર જાણવી જોઈએ. સાધારણ જ્ઞાનને વૈજ્ઞાનિક પદ્ધતિનો-સંસ્પર્શ થયા વિના તેમાં વિજ્ઞાનનાં તત્વો ઉદૂભવતાં નથી; તેવી જ રીતે સાધારણ મનુષ્યની માનસિક વૃત્તિ્માં ફ્રેર થયા વિના તેનાથી વૈજ્ઞાનિક જીવનનો લાભ લઈ શકાતો નથી. ગીતામાં અર્જુને પ્રશ્ન કર્યો છે કે ‘યોગીઓ કેવી રીતે બેસે છે? કેવી રીત્તે ચાલે છે ? કેવી રીતે વાતો કરે છે? કઈ ભાષામાં બોલે છે ?’ આવા જ પ્રશ્નો વૈજ્ઞાનિકો અને તેમની માનસિક શક્તિ વિષે પૂછવા યોગ્ય છે. વિજ્ઞાનના ભક્તોને પણ ગીતાર્મા વર્ણવેલા યોગીઓના કેટલાએક લક્ષણો સંમત છેઃ “ “निःस्पृह”, ” निर्ममो”, “ निरंहकारः ”. તે ઉપરાંત સત્યપ્રેમ, સત્યનિષ્ઠા, સ્થિરબુદ્ધિ, અડગ નિશ્રય, ધૈર્ય, મહેનત, તીક્ષ્ણ નિરીક્ષણ બુદ્ધિ વગેરે લક્ષણો પ્રાપ્ત કર્યા વિના ખરી વિજ્ઞાનભકિત અશક્ય જ છે.

    વિજ્ઞાને જગતને આપેલી નાનીમોટી શોધો ભુલાઈ જાય અથવા તો તેમનો નાશ ચઈ જાય તો પણ વિજ્ઞાનના ભક્તોએ જે આદર્શ અને ધ્યેય જગતને આપ્યાં છે, જે આત્મભોગ આપીને આદર્શમય જીવન ગાળ્યાં છે અને મનુષ્ય જીવનને કેવલ ભૌતિક રીતે નહિ પણ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ ઉન્નત કર્યું છે તે માનવજીવનના ઇતિહાસમાં ભુલાય એમ નથી. વિજ્ઞાનનો દુરુપયોગ ધણી વખત થાય છે પણ ત્તેથી વિજ્ઞાનના આદર્શની કે કાર્યની કિંમત ઘટતી નથી; નવલકથા, કાવ્ય, અને ચિત્રકળાનો પણ દુરુપયોગ ઘણીવાર યાય છે, ધર્મને બહાને થતા ઢોંગ, અન્યાય અને જુલમ, અને અનીતિનાં દૃષ્ટાંતો લેવા દૂર જવું પડે તેમ નથી. તેવી જ રીતે વિજ્ઞાનની શોધનો દુરુપયોગ યુધ્ધ કે બીજા કોઈ કામમાં થાય, તો તેમાં દોષ વિજ્ઞાનનો નહીં પરંતુ છે રાજનીતિનો કે સમાજવ્યવસ્થાનો.

    વિજ્ઞાન પોતાના ઉચ્ચ આદર્શોથી, પોતાના ભકતોના નિઃસ્પૃહી અન્વેષણોથી આ રાજનીતિ અને સમાજવ્યવસ્થાની અપૂર્ણતા અને દોષ પદે પદે દર્શાવે છે. પરંતુ સ્વાર્થી મુડીમાલેકો અને રાજપુરુષો। જયાં સુધી વિજ્ઞાનનાં સત્યોને સમજે નહિ ત્યાં સુધી સમાજનાં દુઃખો અને પ્રજાઓનાં યુદ્ધો અટકવાનાં નથી. હજી પણ આ સ્વાર્થી રાજનીતિને જગતમાંથી દૂર કરનારી કોઈ પણ સત્તાનુ બળ જામવાનો સંભવ હોય તો તે વિજ્ઞાનની પૂનિત ભાવનાઓમાં અને વિજ્ઞાનનાં અંતિમ સત્યોની વાસ્તવિકતામાં જ છે.

    વિજ્ઞાનના ઇતિહાસમાં જડવાદ છેલ્લા શતકમાં થોડો સમય પોતાનું સાસ્રાજ્ય ચલાવી ગયો; પરંતુ જડવાદની અપૂર્ણતાઓ હવે સમજાતી જાય છે. વૈજ્ઞાનિકોના અંગત આધ્યાત્મિક જીવનના વિકાસની સાથે સમસ્ત વૈત્તાનિક વિચારનો ઝોક આધ્યાત્મવાદ તરફ ઢળતો જય છે. વિજ્ઞાનનાં પરાક્રમોની પરાકાષ્ટા જડવાદમાં જ સમાપ્ત થય છે એ સમજણ ભૂલભરેલી છે; વિજ્ઞાનનું મૂલ્ય કરવું હોય તો વિજ્ઞાનસમસ્તની તુલના કરવી જોઇએ, વિજ્ઞાનનાં શુષ્ક દેખાતાં તથ્યો કે સિદ્ધાન્તોમાં જ વિજ્ઞાન પૂરું થતુ નથી; વિજ્ઞાનના અસલ રવરૂપનું રહસ્ય વિજ્ઞાનની પધ્ધતિ અને વિચારપ્રણાલિકામાં છે તેવી જ રીતે વિજ્ઞાનના આત્માનું રહસ્ય વૈજ્ઞાનિક વૃત્તિમાં-વૈજ્ઞાનિકોના સ્વભાવની વિશેષતામાં અને તેમના વિચાર અને કાર્યની અદ્ભૂત શુદ્ધિમાં રહેલું છે.


    ક્રમશઃ


    હવે પછી વૈજ્ઞાનિક વૃત્તિનાં પહેલાં લક્ષણ ‘જિજ્ઞાસા’ વિષે વાત કરીશું.

  • આપણા પછી – ખેતીમાં આપણા અનુગામી કોણ ?

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    તમે બાપા ખેતી તો ખરાખરની જમાવી હતી. બળદિયાની બે બે જોડી, ચચ્ચાર દુજાણાં, કૂવા, પાઇપલાઇનો, મશીનો, ખેતીના સાધનો, મકાનો, સાથી-દાડિયા અને તમારી માણકી ઘોડી-બધું સંકેલાઇ ગયું ? અઢાર જણા તો એકચૂલે રાંધી ખાતા હતા ત્યાં તમે બે ડોહલા જ રહ્યા ? કેમ તમારા પછી તમારી આ ખેતીને આવીને આવી જીવતી રાખી શકે અને રસથી સંભાળી શકે તેવો તમારો જણ તમે તૈયાર ન કર્યો ? ” આવો સવાલ મેં જેમની ખેતી જોઇ “વાહ ભૈ વાહ !” કહેવાઇ જતું એવા ખેતી ની સાથે ઓતપ્રોત થઇ ગયેલા જેટલા જેટલાને પૂછ્યો છે,તે બધામાંથી 80 ટકાના જવાબો એવા મળ્યા છે કે “ મારી તો હજૂએ ઘણી ઇચ્છા છે કે મારા પછી મારો એકાદ દીકરો, અને એ નહીં તો એનો એકાદ દીકરો-આ ખેતી સંભાળવા આવી જાય. પણ મારાબેટા કોઇ આ બાબતે કાનહોરો જ દેતા નથી ને ! કોણ જાણે કેમ પણ ખેડ્યથી બધા આઘા જ ભાગે છે.”

    અને વાત ખરેખર સાચી છે હો ! સામાન્યરીતે આજે ગામડામાં મોટાભાગના ખેડૂત કુટુંબોમાં દાદા-દાદીનું એક જોડકું ગામ માહ્યલી મકાન-મિલ્કત અને સીમ અંદરના ખેતર-વાડી સાચવીને બેઠું છે. ખેતર-વાડીનું કામકાજ કોઇને ભાગમાં આપી દઇ,આંટોફેરો મારે છે અને બાર મહિને ભાગિયા દ્વારા જે કંઇ ઉપજ મળે ન મળે તેને “માંગલિક”માની હાશકારો અનુભવે છે. જે આંગણે બેબે ભેંશો દૂજતી અને ગાયના ગોધલા તેના જનમથી જ ઉછેરાતા ત્યાં દૂધ કળશ્યામાં વેચાતું અને છાશ તપેલીમાં માગી લાવી ચા-પાણી અને બપોરા-વાળુનું રોડવી લે છે. પોતાને દુઝાણું રાખવું મહેનત કરવા બાબતે સાલ્ય સામે એમ નથી. કારણકે બેમાંથી એકેયથી હવે શરીરશ્રમ થાય તેમ નથી.

    જો હજુ થોડા વરસો ખેતી પ્રત્યે આવીનેઆવી અવહેલના કરવામાં આવશે તો આવતા વરસોમાં માત્ર જમીનના માલિક બની રહેવું હશે તો પણ મજૂરોને-બાર મહિને વાડી-ખેતરમાં જે કંઇ ઉપજ આવે તે એની, અને વાડીએ વસીરહી, મિલ્કત સાચવવાના જ તે કહે તેટલા રૂપિયા ઉપરિયામણ આપવાના આવશે.જે વ્યવસાય પેઢીઓથી ખેડૂત કુટુંબોની આજીવિકાનું સંતોષપ્રદ સાધન રહ્યું છે તે ખેડૂતોના હાથમાંથી ક્યારે સરકી જશે તેનો ખ્યાલ ખુદ તેમને પણ રહેવાનો નથી, એવું ભયંકર સ્વપ્નું મારી નિંદ હરામ કરી રહ્યું છે.

    પ્રશ્ન મારે આમને કરવો છે =

    ભલેને હોય ગણ્યાગાંઠયા, પણ જે ખેડૂતો ખેતી વ્યવસાયને ખૂબ ઊંડાણથી સમજીને તથા તેમાં દિલનો રંગ રેડીને કરી રહ્યા છે, ખેતીમાં કરવામાં આવતા જરૂરી કામોની સાથેસાથે આ કુદરત સંચાલિત ખેતી અભિગમ પ્રત્યેની એક નિષ્ઠા, અને એના પ્રત્યે તાદાત્મ્યભાવ જે દેખાડી રહ્યા છે, ખેતી એક પાયાનો અને પ્રામાણિક ધંધો છે તેવું પામી શક્યા છે, અને ખેતીમાં ઊભાથતાં સાંપ્રત પડકારો સામે સલુકાઇથી રસ્તાઓ શોધી, પ્રમાણમાં ઘણૂં અને ગુણવત્તામાં પણ ઉત્તમ એવું ઉત્પાદન મેળવવા મથી રહ્યા છે અને ખેતીને જે રીતે જીવતી રાખી રહ્યા છે. સાથેસાથે શ્રમ, સાદગી અને સ્વતંત્રતા વાળું ઊંચા મસ્તકે જીવન જીવી રહ્યા છે અને બીજા કેટલાય ધંધાર્થી ભાઇઓને ધડારૂપ હુંફ પૂરી પાડી રહ્યા છે તેવા ચુનંદા મરજીવાઓના હદય સુધી પહોંચી એમની પાસેથી તટસ્થભાવે વિગત જાણવી છે કે તેમના પછી તેમનો આ ધંધાકીય કારભાર સદાબહાર ચલાવી શકે તેવો અનુગામી કોઇ તૈયાર કરી વાળ્યો છે ? કે હવે પછી તૈયાર કરવાની પેરવી માં છે ?આ બાબતે ન જ વિચાર્યું હોય તો આધંધાને આપણા પછી શું કોઇ વેચી મારવાના મૂડમાં છીએ કે વીંખી નાખવાની ગણતરી છે ? કંઇક તો આયોજન હશે જ ને 1

    કામનહીં પણ ફરજ નો જ એક ભાગ =

    એક વાત તો નક્કી જ છે કે બીજા ઘણાબધાની જેમ આપણે ખેતી છોડી ભાગ્યા નથી. જે કંઇ પરિસ્થિતિઓ છે તેમાંથી કેમ રસ્તો કાઢવો તેની મહેનત લીધી છે. અને મહેનતના પ્રમાણમાં ઠીક ઠીક એવા પરિણામ પણ મેળવ્યા છે. બીજા ધંધાની જેમ ‘ખેતી’ પણ કરવા જેવો વ્યવસાય છે તેવું ચિત્ર ઉપસાવી શક્યા છીએ ત્યારે ભેગાભેગું આ ધંધો લાંબું જીવે એવું વિચારતા હોઇએ તો એક જાગૃત ખેડૂત તરીકે, જેમ વર્તમાન સમયના સંકટોમાં માર્ગ શોધન કરતા હોઇએ છીએ અને એની જાણ બીજાને પણ ઉપયોગી બને એ હેતુથી કરતા હોઇએ છીએ તેમ,ખેતી પર આવતા દિવસોમાં તોળાઇ રહેલ સંકટ અને ઊભા થનારા પ્રશ્નોમાં પણ આગોતરી ચિંતા સેવી,આવનારા દિવસો પણ સારીરીતે પસાર થાય તેવું વાતાવરણ ઘડવા અગાઉથી આયોજન આપણે જ નહીં કરીએ તો બીજું કોણ કરવાનું છે ભાઇ ! ખેતી તો સંસ્થા સંચાલનથી પણ વધુ કુશળ એવા વ્યવસ્થાપકની માગ કરતી હોય છે.એટલે ‘અનુગામી’ તૈયાર કરવાની બાબત એ માત્ર અગત્યનું એક કામ નહીં પણ આપણી જવાબદારીવાળી ફરજ બનવી જોઇશે.

    એ એવી ખેતી કરી શકે કે જેથી કુદરતી સ્ત્રોતોનું ધોવાણ અટકે, માપસરના ખર્ચથી ઉત્પાદન પણ સારું અને નરવ્યું વાપરનારને પણ સુખાકારી બને તેવું મેળવે.પોતેસુખી અનેસમૃધ્ધ થાય અને રાષ્ટ્રને પણ બનાવે તેવા બાહોશ અનુયાયીઓ નહીં ઊભાકરીએ તો આપણે કંઇ ‘અમરપટો’ લઇને તો આવ્યા નથી જ ! એક દિવસ આપણું શરીર પણ થાકવાનું જ છે.અને આજ-કાલ કરતા આપણોયે સમય પૂરો થઇ જશે – આ કામ ક્યાંક બાકી ન રહી જવાપામે તેય જોવું જોયશે ને ?

    બહુ અગત્યના છે વારસો અને વાતાવરણ =

    તમે બરાબર નિરીક્ષણ કરજો ! સુથાર-લુહારના બાળકો નાનીએવી છીણી-હથોડી લઇ કંઇ પતરાં-ચુંકું કાપતાકે વાંકુંસીધું કરતા, કુંભારના હોય તો માટીના અલગ અલગ ઘાટના લોટક્યા,તાવડી, ભંભોટિયા,કોડિયાં બનાવતાં અને ખેડૂતના હોય તો હળ-કોદાળી અને ગાડું-બળદની રમત રમતાં ભળાશે.બાળકોની રમતમાં તેમના કુટુંબનાં ધંધાનું આબેહુબ પ્રતિબિંબ એટલા માટે જોવા મળતું હોય છે કે તેને જન્મજાત સંસ્કારો આ વ્યવસાયના મળેલાછે

    આપણે ટપાકાનું નહીં-રોટલાનું કામ છે =

    એટલે જ્ઞાતિ ગમે તે હોય, પણ જો ખેતી કરતા કુટુંબમાં જન્મેલ અને ઉછરેલ વ્યક્તિ આપણા વારસદાર તરીકે પસંદ થાય તો કાર્યકુશળતા વધારે ઝડપથી સાબિત કરી શકે.અને એ જો નાની ઉંમરથી ખેતીમાં રસ ધરાવતી વ્યક્તિ હોય તો તેને કોલેજ કક્ષા સુધી ખેતીવાડીનો અભ્યાસ કરાવવાની તક ઊભી કરાય તો તો સોનામાં સુગંધ મળ્યા જેવું થાય ! ‘વારસો’ અને ‘વાતાવરણ’ બન્નેનો એને મેળ પડી જાય !

    એટલે આપણો નાનોભાઇ, દીકરો કે દીકરાનો દીકરો, અરે ! સબંધીમાંથી કોઇ જેના માવતર ખેતી કરતા હોય તેવો જણ ખેતી કરવા રસ દેખાડે તો એનાજેવું રૂડું બીજું એકેય નથી. પણ……ખાટલે મોટી ખોટ એ પડવા માંડી છે કે તેના આ ‘પાયા’ જ નબળા પડવા માંડ્યા છે.ખેડૂતના  છોકરા ‘ખેડૂત’ થવામાં રાજી નથી ત્યારે ખેતીનો આ વારસો સંભાળશે કોણ ?

    જે ગાયો ચરાવે તે ગોવાળ =

    આમ ગણો તો ચોરાનો વંશ કદિ જતો નથી ! કહે છે કે કોઇના વિના કોઇનું અટકી પડતું નથી. સમય સમયનું કામ કરે જ છે. પણ આવનારા દિવસોમાં ગમેતેવા ‘અણઘડ’ના હાથમાં સુકાન જઇ પડે અને નાવ કિનારે પહોંચવાને બદલે ભૂંડાઇની મધદરિયે વમળમાં ફસાય તેના કરતા પહેલેથી જ ગણતરી પૂર્વકનું આયોજન કરી યોગ્ય વ્યક્તિના હાથમાં ખેતી સોંપી હોય તો ધંધાને ધૂણીધૂણીને માથા પછાડવાનો વારો ન આવે.

    એટલે હવે આપણા પછી આપણો નાનોભાઇ કે દીકરો જ ધંધો સંભાળનાર હોય તે જરૂરી નથી. તે હોય તો વધુ સારું. પણ માનોકે તેને કોઇનેઆ ધંધામાં રસ ન હોય તો કંઇ વાંધો નહીં. જેને રસ પડે છે તેવા, જ્ઞાતિ ભલેને એક્સ-વાય-ઝેડ ગમેતે ધરાવતાહોય, ન સબંધી હોય કે ન ઓળખિતા સ્નેહી હોય, પણ તેની સારી અને ધંધાના વારસદાર તરીકેની જે યોગ્યતા ગણાય તેવી યોગ્યતા હોય તથા ધંધાને સમજી શકે અને તેને જીવાડી શકે તેમ હોય તેના હાથમાં સોંપવો જોઇએ.

    આપણે થર્મોમીટર મૂકવાનું છે એના દિલ પર ! બગલમાં કે મોંમાં નહીં ! ખેતીની યોગ્ય જાણકારીની સાથે સાથે થડકારા ભળે છે તેના હદયના, ધંધા સાથેના લગાવના ! તો બસ, ખેતીમાં આવતા સાંપ્રત પડકારો અને તેના ઉકેલના કાર્ય ક્રમો કે પધ્ધતિઓ તેને શોધતી સામેથી આવી મળવાની. એવા પ્રશ્નો એને હવે નહીં મુંઝવી શકવાના ! એના નિરાકરણો પોતાની કોઠાસૂઝમાંથી કાયમ જડતા રહેવાના ! એટલે આપણી ચિંતા હવે સમજોને એટલી થઇ રહે હળવી !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • પરિવર્તન – ૬. મારી ચીઝ કોણે ખસેડી?

    અવલોકન

     – સુરેશ જાની

    નવાઈ પામી ગયા ને, આ શિર્ષક વાંચીને? ભારતમાં ચીઝ એટલી બધી વપરાતી નથી. પણ પશ્ચિમના વિશ્વમાં ચીઝ એ ખોરાકનો એક સત્વવાળો – આપણે મલાઈ કે ઘીને ગણીએ એવો – આકર્ષક પદાર્થ ગણાય છે. જ્યારે કોઈ એમ કહે કે, ‘મારી ચીઝ હવે જતી રહી છે.‘ તો એ મોટી આપત્તિ કે, અણધાર્યા પરિવર્તનનું રુપક મનાય છે.

    સ્પેન્સર જહોન્સન નામના ચિંતક અને લેખકની, ૧૯૯૮ની સાલમાં પ્રકાશિત થયેલ, આ નામની ચોપડીએ એક નવો જ વિક્રમ સ્થાપિત કર્યો છે. સાવ વાહિયાત લાગે તેવી આ વાર્તાની અઢી કરોડ નકલો વેચાય; એ નાનીસૂની સિદ્ધિ ન જ કહેવાય. ૪૭ ભાષાઓમાં એ અનુવાદિત થયેલી છે. એમણે લખેલી અગિયાર ચોપડીઓ ગણીએ તો તો એ આંક ૪૬ કરોડ પર પહોંચે છે. મૂળે, જહોન્સન માનસશાસ્ત્રનો સ્નાતક હતો; અને ત્યાર બાદ સાઉથ કેરોલિનાની મેડિકલ કોલેજમાંથી એમ.ડી.  થયેલો. જગવિખ્યાત બની ગયેલ અને હાર્વર્ડ સ્કુલમાં સેવા આપી ચૂકેલ આ મહાનુભાવ મેનેજમેન્ટ નિષ્ણાત તરીકે બહુ જાણીતા છે.  એ તો ઠીક, પણ આ ચોપડીમાંની કાલ્પનિક વાર્તા ઘણી કમ્પનીઓમાં કામદારોને – ખાસ તો ઉચ્ચ અધિકારીઓને – બદલાતા વૈશ્વિક પરિબળો સાથે તાલ મેળવવા, અને અભિગમ બદલવા માટેની તાલીમ આપવા વપરાવા માંડી છે.

    તો શું છે આ વિશિષ્ઠ પુસ્તકમાં? તમને જાણીને નવાઈ લાગશે કે, ઉપરછલ્લી રીતે તો આપણને આ એક બાળવાર્તા જ લાગે! એક અત્યંત વિલક્ષણ અને અટપટી ભુલભુલામણી વાળી જગ્યામાં ચાર સાવ ટચૂકડાં પાત્રો રહે છે. એમાંના બે ઉંદર છે, અને બે સાવ ટચુકડા માણસો. એમનો ચીઝનો જાણીતો ઢગલો ખતમ થઈ ચૂક્યો છે.

    ઉંદરો પ્રાણીસહજ સીમિત બુદ્ધિ ધરાવે છે. એક  ખણખોતિયો ઉંદર સારી ઘ્રાણશક્તિવાળો છે; અને ચીઝ માટે સતત સૂંઘતો રહે છે. બીજો સતત દોડતો રહેતો, કર્મઠ જણ છે. એ બે તરત ચીઝના નવા પ્રાપ્તિસ્થાનની શોધમાં લાગી જાય છે. ચોપડીના ત્રીજા કે ચોથા જ પાને એમને એ મળી પણ જાય છે.

    પણ બીજા બે માનવબંધુઓ, માનવસહજ વિશિષ્ઠ બુદ્ધિ ધરાવે છે; દલીલો કરે છે; વિચાર-વિમર્ષ કરે છે; અને આ અણધાર્યા આપત્તિજનક પરિવર્તનથી મુંઝાયેલા છે. એમાંનો એક તો પરિવર્તનને સ્વીકારવા બિલકુલ તૈયાર નથી અને છેવટ સુધી હતાશ થઈને બેસી રહે છે. બીજો પ્રારંભિક હતાશાને અતિક્રમી, નવી ચીઝ શોધવા નીકળી પડે છે. ચોપડીનો મોટો ભાગ , આ ચોથા જણના અનુભવો અને એણે શોધી કાઢેલા સત્યો અને સિધ્ધાંતોનું નિરુપણ છે.

    જેમ જેમ આપણે આ ચોથા જણની સાથે એ ભુલભુલામણીમાં સફર કરતા જઈએ છીએ; તેમ તેમ આપણા પોતાના જીવન, તેમાં આવતા પરિવર્તનો અને વેઠવા પડતા સંઘર્ષો સાથે આપણે સ્વાભાવિક રીતે તુલના કરતા જઈએ છીએ. ચારે પાત્રો પણ વાસ્તવિક જીવનમાં સામાન્ય રીતે જોવા મળતી, વિધવિધ પ્રકાર અને સ્વભાવવાળી વ્યક્તિઓ સાથે સામ્ય ધરાવે છે.

    આ ચોથા જણે પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંતો સરળ ભાષામાં –

    • પરિવર્તન તો થવાનું જ.
      • આપણી ચીઝ કોઈને કોઈ ખસેડી જ નાંખવાનું છે.
    • પરિવર્તનને ઓળખતાં શીખો .
      • ચીઝ  તો જતી રહેવાની જ  છે.  તે માટે તૈયાર રહો.
    • પરિવર્તન પર સતત ધ્યાન રાખો.
      • ચીઝ જૂની થઈ ગઈ છે કે કેમ તે, સૂંઘતા રહો.
    • પરીવર્તન સાથે ઝડપથી તાલ સાધો.
      • જેટલી ઝડપથી જૂની  ચીઝની માયામાંથી મુક્ત થશો એટલા નવી ચીઝ મેળવવા શક્તિમાન બનશો.
    • બદલાઓ.
      • ચીઝના નવા ઠેકાણા પ્રમાણે ખસતા રહો.
    • પરિવર્તનનો પ્રેમથી સ્વીકાર કરો.
      • નવી ચીઝ શોધવાના પ્રયત્ન/ સાહસની મોજ માણો. અને નવી ચીઝ માટેનો સ્વાદ કેળવતા જાઓ.
    • વારંવાર થતા બદલાવ માટે તૈયાર રહો , અને એનો ફરી ફરી આનંદ માણો.
      • ચીઝનું ઠેકાણું તો બદલાતું જ રહેવાનું છે.

    મોટે ભાગે આપણે કોઈ જ ચીજ પરિવર્તન ન પામે; તેવી અપેક્ષા રાખતા હોઈએ છીએ. આપણાં ઘણા બધાં દુઃખોનું મૂળ પણ આ ઠગારી આશા કે અપેક્ષા હોય છે. પણ વાસ્તવિકતા એમ નથી જ હોતી. સતત પરિવર્તન એ વિશ્વનો ક્રમ છે. આ માટે વાસ્તવિક અને ભોંય સોંસરો ( Down to earth)  અભિગમ કેળવવા આ વાર્તા આપણને સહજ રીતે પ્રેરણા આપે છે.


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.