વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આંગળી પકડીને માત્ર રાહ નહિં પણ રોજગારીય ચીંધી

    લ્યોઆ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    જે સદ્‍ભાગી આયુષ્યમાન ૮૦ વર્ષથી ઉપરની વયના લોકો આજે હયાત છે અને પોતાના નાનપણના વર્ષોને મનોમન ‘જીવી’ શકતા હશે એમને યાદ હશે કે કોઈ અનાથાશ્રમના બાળકોને લઈને ધોતિયાં ઉપર સફેદ લાંબો કોટ અને અને માથે ટોપી સાથે એક પીઢ વયનો મુખીયો શહેરની ગલીઓમાંથી સમૂહમાં ગાતાં હોય એવાં કિશોર વયનાં બાળકોની ટુકડીની આગેવાની લઈને પસાર થતો અને માનવદયાની આણ દઈને એ સરઘસ સાથે પસાર થતો. બાળકોની એ ટોળીમાં મોટા ભાગે અનાથ બાળકો જ રહેતા એવું નહોતું. એ જથ્થામાં નિરાધાર એવાં બહેરામૂંગા બાળકો પણ સામેલ રહેતાં. એ લોકો ગાઈ કે સાંભળી શકતાં નહોતાં, પણ સરઘસમાં તો જોડાતાં જ. કારણ કે બહેરાં અને મૂંગા બાળકો માટે ભાગ્યે જ કોઈ અલાયદી સંસ્થા હતી. જે હતી એ બધી બહુ મોટાં શહેરોમાં હતી. એવાં બાળકો અનાથ નહોતાં, પણ મૂકબધીર હોવાને કારણે ઘરમાં સચવાય તેવાં નહોતાં તેથી તેમનાં વાલી એમને આ આશ્રમમાં મુકી ગયા હોય એવાં હતા. અનાથ બાળકોને તો દત્તક લેનાર ‘નાથ’ મળી જાય, પણ આવા વાચા અને શ્રવણવિહીન બાળકોને છતે ‘નાથે’ અનાથની ટોળીમાં સામેલ કરી દેવાતાં.

    પણ હવે યુગ પલટાયો છે. ખરેખરા અનાથ બાળકોની ટોળી પણ દાન યાચવા શેરીઓમાં નીકળતી નથી. અને બહેરામૂંગા બાળકોને તો વળી  હવે વિશિષ્ટ માનભર્યો દરજ્જો પણ મળ્યો છે. સરકાર પણ એમને ‘સ્પેશિયલ’ નાગરિકો ગણી રહી છે. અધૂરામાં પૂરું યુવાન થાય ત્યારે એમને સ્વનિર્ભર બનાવવા માટે તાલીમી શિક્ષકો ધરાવતી શાળાઓ પણ અસ્તિત્વમાં આવી ગઈ છે. આમ એમને પરાવલંબનમાંથી પાછા વાળીને સ્વાવલંબન તરફ વાળી રહી છે. અને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ એમને સ્વાવલંબન માટે તાલીમ અપાવવા  અનેક સગવડો પૂરી પાડી રહ્યું છે. એવી સરકારી સુવિધાઓનો લાભ લેવા ઉપરાંત એવી અનોખી સંસ્થાઓ પણ લાઇમ લાઇટમાં આવી છે કે જે પોતે પોતાની રીતે દાતાઓ શોધીને પોતાને ત્યાં વસતાં મૂકબધિર વિદ્યાર્થીઓને રોજગારીને લાયક બનાવવાનો પુરુષાર્થ પાર પાડી રહી છે.

    આપણે એવી એક સંસ્થાની વિગતોમાં જરા ઊંડા ઉતરીએ:

    વર્ષો પહેલાં, એટલે કે ૧૯૯૭ થી સૌરાષ્ટ્રના જેતપુરમાં ‘શ્રી જય સચ્ચિદાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ’ નામની બહેરામૂંગા બાળકોની શાળા અસ્તિત્વમાં આવી. નિકટના પરિચય પછી પણ કોઇને જરા ખબર સરખી પણ ના પડે એવી મામૂલી શારીરિક ક્ષતિ ધરાવતી જેતપુરના એક ઉચ્ચ કુટુંબની દીકરી નામે ભાર્ગવી અરવિંદભાઈ દવેએ અપરિણીત રહીને બહેરામૂંગા બાળકોની આજીવન સેવાનું વ્રત લીધું અને એ ક્ષેત્ર માટે જાતે નિપુણતા પામવા માટે અમદાવાદની એક માન્ય સંસ્થામાં કોર્સ કરીને પોતાની જાતને એમની સેવાને માટે લાયક (Qualified) પણ બનાવી.

    જેતપુરમાં જ માતાપિતા રહેતાં હતાં એ જ નાના એવા મધ્યમવર્ગીય નિવાસમાં સાલ 1995માં બહુ થોડાં મૂકબધિર બાળકોને એમને યોગ્ય તાલીમ આપવાથી એમની બધિરતાને વળોટી જવાનો પ્રયત્ન આરંભ્યો. એમાંથી એને કમાવાનો કોઈ મકસદ જ નહોતો.પણ એક મિશન તરીકે એને હાથમાં લીધું. એને વ્યવસ્થિતતા આપવા માટે એણે એને એક ટ્રસ્ટ નામે ‘શ્રી જય સચ્ચિદાનંદ બહેરામૂંગા શાળા, જેતપુર’ના નામે એને રજિસ્ટર્ડ કરાવી દીધું. એ સાલ ૧૯૯૭ની. એ સ્વરૂપમાં જ એ પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો અને થોડા સમયમાં જ જાણે કે ચમત્કાર જ થયો!

    એ પછીની આજ સુધીની ત્રીસ વર્ષ સુધીની જ્વલંત યાત્રાની મંઝીલ-દર-મંઝિલ કથા તો માત્ર કોઈ વ્યક્તિ માટે જ નહીં, પણ જાહેર સેવાસંસ્થા માટે પણ એક મિસાલ છે. એટલે કે  પ્રેરણારૂપ બને તેવી છે. આજે એ સંસ્થા એક વિશાળ વૃક્ષ સરખી અને પોતાની ઇમારત ધરાવતી બની રહી છે. ૭૦ જેટલાં મૂકબધિર બાળકો અને કિશોરો એમાં નિવાસ કરીને શિક્ષણ ઉપરાંત પોતાને યોગ્ય તાલીમ મેળવી રહ્યાં છે. જેમાં. કુમારો અને……..બાળાઓનો સંમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષથી સંસ્થાએ પોતાના મૂકબધિર નિવાસીઓ માટે એમને સ્વાવલંબી બનાવવા માટેનું રોજગાર તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે, જેમાં એ લોકોને વિવિધ રોજગારની તાલીમ મળે તેવાં યંત્રો, સાધનો, સરંજામ વસાવવા માંડ્યા છે અને એમને માટે તાલિમબદ્ધ શિક્ષકો પણ નીમવામાં આવી રહ્યા છે.

    (ફાઈલ બનાવવાની તાલીમ)

    પરંતુ ક્ષિતીજને જેમ કોઈ સીમા હોતી નથી, તેમ રોજગારીની ઉઘડતી નવી નવી તકોને પહોંચી વળવા માટે ભંડોળની આવશ્યકતા પણ રહે તે કોઈ પણ સમજી શકે.

    રોજગારીના આ વિકસતા નિતનવા આયામોને  પહોંચી વળવા માટે છુટીછવાઈ વિગતોમાં પડવાને બદલે સીધી અને નક્કર હકીકતો સામે રાખવી જોઈએ, જે નીચે આપવાનો વ્યવસ્થિત પ્રયત્ન કર્યો છે.

    (સીવણકામની તાલીમ)

    અગાઉની વિકાસયાત્રાની વાત કરીએ તો આ એક લેખ તો ખરો જ, નાનકડી પુસ્તિકા પણ ટૂંકી પડે. એટલે અગાઉની ઝીણીઝીણી વિગતો મૂકવાનો લોભ જતો કરીને આ સંસ્થાએ હાલ પોતાની સંસ્થાના મૂકબધિર નિવાસીઓને માટે સ્વાવલંબન એટલે કે સ્વરોજગારીને લાયક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે તેની અને તેમાં દાતાઓ તરફથી શી શી અને કેટકેટલી જરુરત રહે છે તેની જ સીધી આંકડાલક્ષી હકીકત રજૂ કરીએ તે જ ઠીક.

    (બ્યુટી પાર્લરની તાલીમ)

    હાલ નર્સરીથી લઈ ધોરણ ૮ સુધી બાળકોને સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, દરેક વર્ગમાં પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ, સિવણ, દીકરીઓને પાર્લરને લગતી પ્રવૃત્તિઓ સાથેસાથ બાળકોને ઝેરોક્સ, લેમિનેશન, ફાઈલ બનાવવી જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. એ સાથે સંસ્થા દ્વારા દરેક બાળકોને BTE પ્રકારના હિયરિંગ મશીન અપાવી, સ્પીચ ટ્રેનરની મદદથી વાણી અને ભાષા વિકાસની કામગીરી કરવામાં આવે છે.

    સમગ્ર સંકુલને સોલર પાવર સિસ્ટમ અંતર્ગત આવરી લઈ જીઈબીનો પાવર જાય તો પણ ૫ કલાક સુધી પાવર રહે તે માટે જરૂરી બેટરીની સુવિધાઓ ટ્રસ્ટ  દ્વારા કરવામાં આવી છે. દરેક બાળકને સ્નાન માટે ગરમ પાણી મળી રહે એ માટે ૨ વોટર સોલર સિસ્ટમ, પીવા માટે શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે એ માટે 3 વોટરકુલરની સુવિધા સાથોસાથ લાઈબ્રેરીની સુવિધા સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    (સંસ્થાની ઈમારત)

    અભ્યાસ પૂરો થતાં ધોરણ ૧૦ માટે અમુક જ બાળકો બીજી સંસ્થામાં જાય છે, બાકીનાં ઘરે પરત ફરી, ઘરકામ-ખેતીકામમાં વળગી જાય છે. એવું ના થાય માટે એક વિરલ વિચાર ભાર્ગવીબેન દવેને આવ્યો અને બધીર સ્વાવલંબી કેન્દ્રના પાયા નખાયા. જેથી આ બાળકો અભ્યાસપૂર્ણ થયે વ્યવસ્થિત વ્યાવસાયિક જ્ઞાન પ્રત્યક્ષ મેળવી અને પોતે પગભર થઈ સમાજમાં ઉભો રહી શકે.

    સ્વાવલંબી કેન્દ્રનું બિલ્ડિંગ એકદમ તૈયાર છે, પરંતુ અમુક લેબ મશીનરીના અભાવે શરુ કરી શક્યા નથી, જેવી કે ઓફસેટ પ્રિન્ટિંગ, ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી, ઈવેન્ટ ડેકોરેશન, પડીયા બનાવવા, ઝેરોક્સ, બાઈન્ડિંગ, ધૂપ કપ મશીનરી. આ બધી મશીનરી દાતાઓના સહકાર વગર શક્ય નથી, પરંતુ જે લેબ ચાલુ છે જેવી કે ફાઈલિંગ, બ્યુટીપાર્લર, શિવણ, કોમ્પ્યુટર આ લેબના રો-મટિરિયલની જરૂરિયાત છે,  જેની અંદાજિત કિંમત પ્રત્યેક લેબ દીઠ ૫૦,૦૦૦/- જેવી છે. બીજી નાની-મોટી જરૂરતો નીચે મુજબ છે.

    બધીર સ્વાવલંબી કેન્દ્રની જરૂરતો

    જરૂરિયાતની સંખ્યા (નંગ) એકમ દીઠ કિંમત અંદાજીત કિંમત (રૂ.)
    લેબમાં એ સી ૪૦,૦૦૦/-
    કબાટ ૩૦ ૪૦૦૦ ૧,૨૦,૦૦૦/-
    ટ્યૂબલાઈટ ૨૦ ૪૦૦ ૮,૦૦૦/ –
    ઝેરોક્સ બાઈન્ડીંગ લેમિનેશન યુનિટ ૧,૦૧,૦૦૦/ –
    પંખા . એક્ઝોસ્ટ ફૅન ૨૦ ૩૦૦ ૬૦,૦૦૦/ –
    ફાઈલિંગ યુનિટ ૧,૦૧,૦૦૦/ –
    ઓફસેટ પ્રિંટિંગ યુનિટ ૩,૦૧,૦૦૦/ –
    વોટરકુલર (R 0 સાથે) ૧,૨૦,૦૦૦/ –

    (દાતા મળી ગયા છે)

    ફોટોગ્રાફી / વિડીયોગ્રાફી યુનિટ ૧,૫૧,૦૦૦/ –
    ટેબલ ૩૦૦ ૨૪,૦૦૦/ –
    ખુરશી ૨૦ ૫૦૦ ૧૦,૦૦૦/ –
    પાણીની મોટર(ફીટીંગ સાથે) ૧૦,૦૦૦/ –
    ફ્રિજ મોટું ૭૦,૦૦૦/ –
    કોમ્પ્યુટર/પ્રિન્ટર/ ઈન્વર્ટર ૭૫,૦૦૦/ –
    સંકુલ cctv યુનિટ ૧,૦૦,૦૦૦/ –
    રસોડા માટે વાસણો / સાધનો ૫૦,૦૦૦ / –
    પડીયા બનાવવા માટે મશીનરી યુનિટ ૨,૦૧,૦૦૦/ –
    ઈવેન્ટ ડેકોરેશન યુનિટ મટીરિયલ ૨,૫૦,૦૦૦/ –
    કોમ્પ્યુટરલેબ ૪૦,૦૦૦ ૨,૦૦૦૦૦/ –
    બ્યુટીપાર્લર યુનિટ ૧,૬૧,૦૦૦/ –
    ઓવન મોટું ૪૦,૦૦૦/ –
    દિવ્યાંગો માટે લિફ્ટ ૭,૦૦,૦૦૦/-
    રસોડા માટે ચીમની ૨૫,૦૦૦/-

    આ ઉપરાંત સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ

    1. કોર્પસ-આ યોજના અંતર્ગત રૂપિયા ૨૧,૦૦૦/-માં મિષ્ટ ભોજન અને રૂપિયા ૧૧,૦૦૦/-માં સાદું ભોજન વર્ષમાં એક વાર તે રકમના વ્યાજમાંથી આપવામાં આવે છે.
    2. શિશુપાલક યોજના – જે અંતર્ગત સંસ્થામાં અભ્યાસ કરતાં ગરીબ પરિવારના બહેરામૂંગા બાળકને વાર્ષિક ૧૨,૦૦૦/- લેખે એક વર્ષ માટે દત્તક લઈ શકાય છે.
    3.  અનામત ફંડ- જેમાં દાતા વાર્ષિક અમુક રકમ આપી, તે રકમના વ્યાજમાંથી વર્ષ દરમિયાન કંઈક વિશેષ જેમ કે ફટાકડા, કેક, રાખડી, જેવી વસ્તુઓ ઉત્સવ આધારિત લખાવી શકે છે.
    4. પ્રવાસ ફંડ – જેમાં દાતા એક ચોક્કસ રકમ આપીને વર્ષમાં એક વાર તે રકમના વ્યાજમાંથી સંસ્થાના તમામ બાળકોને પ્રવાસ કરાવવામાં આવે એમ ગોઠવી શકે છે.
    5. આ ઉપરાંત દાતા સંસ્થામાં અનાજ કરિયાણું જેવા કે ઘઉં, તેલ, ઘી, ખાંડ, ચોખા, દાળ વિગેરે લખાવી શકે કે આપી શકે.
    6. દાતા સંસ્થાના બાળકો માટે સ્કુલ ડ્રેસ, ટુવાલ, નેપકીન, ચાદર, આસન વિગેરે આપી શકે.
    7. દાતા સ્ટેશનરી, પુસ્તકો વિગેરે પણ આપી શકે.
    8. આ ઉપરાંત વાર્ષિક જોઈતી દવાઓ, રમકડાં, રમત ગમતના સાધનો જેવી વસ્તુઓ આપી આ ભગીરથ કાર્યમાં પણ દાતા સહભાગી બની શકે છે

    આ બધા કાર્યો માટે સતત સંપર્ક:

    ભાર્ગવીબહેન દવે

    સંચાલિકા: મોબાઇલ: +૯૧ 635100881

    ઇ મેઇલ: sachideafddrs12@gmail.com


    બેંકની વિગતો:

    UNION BANK: JETPUR //એકાઉન્ટ: SHREE JAY SACHINAND EDCUATION CHERITABLETRUST

    BANK ACCOUNT NO. 314502010009724 //IFSC CODE – UBIN0531456

    (ટ્રસ્ટને અપાતું તમામ દાન ઇન્કમટેક્સની કલમ 80જી હેઠળ કરમુક્ત છે)


    લેખક સંપર્ક –

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • મારું સાવકું સરનામું

    સોરઠની સોડમ

    ડો. દિનેશ વૈષ્ણવ

    ક્ષમાયાચના –

    મારા બેય હાથમાં “ટ્રીગર ફિંગર”ની વ્યથા આવીતી ને હું “કીબ્રોડિંગ” નોતો કરી સક્તો. હાલપૂરતું પીડિત આંગળીઓમાં ઇન્જેક્શનો લઈને ગાડું ગબડાવું છ. પછી મને બીજી વાર કોવિડ થ્યો ને એમાંથી પણ હવે સાજોનરવો થ્યો છ. બાકી ઉંમરની નાનીમોટી ઉપાધીઓને તો હું હવે ગણકારતો નથી કારણ ઈ રોજનું થ્યું. પણ આનંદ ઈ છે કે લાંબાસમયના અંતરાલે પણ આપ વાંચક મિત્રો સમક્ષ હું તરોતાજો આવું છ કારણ કે મને આશા છે કે મારી ગેરહાજરીને દરગુજર કરી આપ ફરી મને વાંચશો ને પ્રોત્સાહિત ટિપ્પણ લખશો.

    મેંદરડામાં ભાગેરથીબેન આગળ “ક્કો બારખડી” ને એકથી દસ લખતાં શીખીને મને છ વરસની ઉંમરે યાંની તાલુકાશાળામાં ભાણજીભાઈના વર્ગમાં પે’લા ધોરણમાં બેસાડ્યો. તે યાંથી લઈને નવસારીમાં કોલેજનું ભણતર પૂરું કર્યું યાં લગી મારું ભણતર ચોપડીઓ વાંચીગોખી ને સારા માર્ક્સમાં સીમિત હતું. કોલેજમાં ભણ્યો ત્યારે પપ્પાએ જરૂરિયાતથી વધુ પુરા પાડેલ પૈસા અને જે ફાજલ વખત હાથે હતો એનો સદ્દઉપીયોગ કરવાનું પણ મને ભાન નો’તું. પણ આ બેયને ઓળંગે એવી મારી મોટી નબળાઈ ત્યારે ઈ હતી કે મારામાં સ્વતંત્ર વિચારશક્તિ જ નો’તી. પરિણામે ગતાગમ વિનાના પણ જો કોઈ વડીલ ક્યાંક કે’તો ઈ હું સનાતનસત્ય માનતો કે જેનો નીચેનો એક જ પુરાવો પૂરતો છે.

    તો ઈ ૧૯૬૭ની સાલે ઈંટરસાયન્સમાં મારા માર્ક્સ પ્રમાણમાં ઓછા આવ્યા એટલે જામનગર મેડિકલ કોલેજમાં દાક્તરીનું હું ન ભણી શક્યો પણ ત્યારે નાનીમોટી શિષ્યવૃતિ હારે મને પીલાણીમાં “ફાર્મસી”માં, કર્નાલમાં “ફૂડસાયન્સ એન્ડ ટેક્નોલોજી”માં અને આણંદમાં “વેટરનરી સાયન્સમાં” એડમિશનો મળ્યાંતાં. આ ત્રણેય એડમીસનો મળ્યાનો મને આનંદ હતો ને હું વિચારતોતો કે આગળ સું ભણવું. એવામાં પપ્પાના મિત્ર કે જેની આજીવિકા શીતળાની રસી ટાંકાવાની હતી ઈ વડીલ મને મેડીકલમાં એડમિશન ન મળ્યું એનો ખરખરો કરવા ઘેર આવ્યા. ઈ શોકસભા પતી પછી મારા આગળ ભણવાના વિચારો જાણી ને એને કીધું,”તું ફાર્મસીનું ભણીને કેમિસ્ટ થઈસ તો ઝંડુના બામ ને સુગંધી તેલની સીસી વેંચીને પેટ નહીં ભરી સક ને ફૂડસાયન્સનું ભણીને રસોયો થઈસ કે વેટરનરીનું ભણીને ઘોડાદાકતર થઈસ તો વાંઢો મરીસ. એટલે જો તું મારું માન તો પેથોલોજીનું ભણીને ઝાડોપેશાબ તપાસવાની લેબોરેટરી જૂનાગઢમાં ઉઘાડ, ગામને જરૂર છે.”

    બસ, આ રસીદાક્તરની સલાહ બાદ કાંઈ પણ વિચાર્યા વગર, કોઈને પૂછ્યા વગર કે કોઈનું સાંભળ્યા વગર હું નવસારી જઈને માઇક્રોબાયોલોજીમાં બી.એસસી. થ્યો. આ વિષયમાં યુ.ની.માં હું બીજા નંબરે પણ આવ્યો પણ પેથોલોજી લેબ ખોલીને કોકનાં ઝાડોપેશાબ ફેંદવાની મને માનસિક જ ચીતરી ચડી. વળી હું નાગર ને સૌ જાણે છ એમ અમારી નાતને ઈશ્વરે ઘણું દીધું છ પણ વાણિજ્ય વૃત્તિ, ધંધે પૈસા રોકવાની હામ ને નફોતોટો ગણવાની આવડત ન દીધી. એટલે ઈ લેબોરેટરીનો વિચાર તો આમારા ઘરના ઉંબરે પણ ન આંબ્યો. પણ ત્યારે હું નસીબે બળિયો હોઇસ એટલે મને માઇક્રોબાયોલોજીમાં એમ.એસસી. કરવા શિષ્યવૃતિ મળી ને ઈ મેં નવસારીમાં જ ચાલુ કર્યું. પછી પે’લા બેચાર મહિનામાં “ગુજરાત સમાચાર” ને “સંદેશ” છાપાંઓ ઉથલાવતાં મેં જોયું કે મારી હારે ભણતા ને બીજા ને ત્રીજા વર્ગમાં બી.એસસી. પાસ કરેલ ત્રણેક છોકરાઓ વધુ અભ્યાસર્થે અમેરિકા ગ્યાતા. એટલે મારા માથે ઈ ભૂત સવાર થ્યું, માં-પપ્પાએ મંજૂરી દીધી ને હું આગળ ભણવા યુ.એસ. ૧૯૭૦માં આવ્યો. કે’વાનું બિનજરૂરી જ છે કે હું મારી અલ્લહડ, અણઘડ અને “ખાધુંપીધું ને રાજ કર્યું” એવી યુવાનીના સરવાળા રૂપે કિંમત વિનાના “લીલા સોપારી” જેવો યુ.એસ. પે’લી વખત આવેલ ને ઈ પણ ઈ જ ઇરાદે કે ભણીને હું પાછો ભારતમાં જ – અને શક્ય હોય તો ગુજરાતમાં – સારી નોકરી ને છોકરી હારે સ્થાયી થઈસ.

    આંઈ સાત વરસ ભણ્યો ને એમ.એસ. અને પીએચ.ડી. થ્યો. એમાં પે’લાં દોઢેક વરસ મને કોઈ શિષ્યવૃતિ ન મળી ને મળી ત્યારે ઈ અપૂરતી હતી. વળી ઈ દાયકાઓમાં ભારત સરકાર પણ દર સાલ માત્ર બે સેમિસ્ટરના ભણતર પૂરતું જ – ખીસા ખર્ચીનું નહીં – મૂડીચલણ દેતી. ત્યારે સાડાચારેક રૂપિયાનો એક યુ.એસ. ડોલર એવો મોંઘોદાટ વટામણ દર પણ હતો એટલે મેં મનોમન થામી લીધેલ કે પપ્પા પાસેથી વધુ પૈસા ન લેવા. પરિણામે દા.ત. ૧૯૭૧ના ઉનાળામાં પૈસાના અભાવે મેં બેએક મહિના બપોરના પાંચ સેન્ટસમાં અનલિમિટેડ કોફીએ પેટ ભર્યું ને ચારેક મહિના મિત્રની કારમાં અકસ્માતે તૂટેલી પાંસળીઓએ લાકડાની ઘોડીએ આવકજાવક રોજના છ કી.મી. હાલીને નોકરી કરી.

    અમારા કેમ્પસમાં નવું બાંધકામ થાતુંતું એટલે ૧૯૭૨ના ઉનાળે પચાસ કિલોની એક એવી રોજની સોએક રેતીની કોથળીઓ મેં મારા ખભે સારી જેના વેતનમાં હું રોજના દસ ડોલર્સ કમાતો. તો ૧૯૭૩માં પાંચેક મહિના અઠવાડિયાના સાતેય દી’ રોજના આવકજાવક ૪ કી.મી. હાલીને “ડેરી સાયન્સ ડિપાર્ટમેન્ટ”માં સવારના ચારથી સાત ચીઝ બનાવા જાતો અને આઠથી સાંજના ચાર ક્લાસીસ ભરતો. ઉપરાંત મફત ખાવા મળે એટલે સાતેય વરસ યુ.ની.ના કાફેટેરિયામાં રોજ બે કલાક વેઈટર બન્યો. આ બધાં કામોમાં પણ દર શનિવાર સિવાય સાંજના સાતથી રાતના બાર ભણવામાં અને રિસર્ચમાં વ્યસ્ત રે’તો. વધુમાં હું તમાકુ ખાવાનો બંધાણી હતો પણ ઈ આઈ ન મળતી એટલે મિત્રો પાસે માંગીને મેં સિગારેટો ને ઈ લોકો ના પાડે ત્યારે ઠૂંઠા પણ વીણીને ફૂંકતો.

    ટૂંકમાં,આ દેશમાં સંજોગોએ મને નાની વયે ઘણના ઘાએ ઘડ્યો અને સેલ્ફમેઈડ બનાવ્યો. નીતિનું કોઈ કામ નાનું નથી ઈ સમજ દીધી અને મારાથી શક્ય એટલું જે તે કામ ઉત્તમ કરવાની ઉર્જા અને વર્ક એથીક્ક્ષ આપ્યાં. મને નખશીખ પ્રમાણિક બનાવ્યો ને પૈસાની અછતમાં કેમ જીવવું અને સમય અને પૈસાનું કેમ સફળ સંચાલન કરવું ઈ પણ આ દેશે મને નાની વયે શીખવ્યું. વધુમાં ભણતાંભણતાં હું જે કાંઈ પુસ્તક બા’રનું શીખ્યો અને “વર્તુળાકાર જ્ઞાન” મેળવ્યું એમાં મારા એમ.એસ. અને પીએચ.ડી.ના ગાઈડ/પ્રોફેસર સ્વ.ડો. બ્રાઉનનો પણ જંગી ફાળો હતો.

    છથી વધુ વરસે ૧૯૭૬ના ડિસેમ્બરમાં મારું પીએચ.ડી.નું ડ્રાફ્ટ ડિઝર્ટેશન કમિટીને રીવ્યુ કરવા આપીને ટોચાયેલો, ઘડાયેલો હું પે’લી વાર દેશ પાછો આવ્યો. ઈ વખતે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી દેશ પરત આવવાના ઇરાદે મેં નોકરીની તપાસ કરી. મને વડોદરામાં ઈ સમય અનુસાર સારી નોકરી મળત પણ વધુ તપાસ કરતાં ખબર પડી કે ઈ કમ્પનીમાં પ્રમોશન્સ,વ.આવડત કરતાં વ્યક્તિની કોમ પર વધુ આધારિત હતાં. ગુજરાત બા’રની બે નોકરીમાંથી એકમાં પૈસા ખવરાવની અને બીજીમાં ઉંચી લાગવગની જરૂર હતી. એટલે ઈ વખતે મને સ’ખેદ લાગ્યું કે અપ્રમાણિકતા મેં દેશ છોડ્યો એના કરતાં પણ વધુ વ્યાપક અને સરેઆમ હતી. ત્યારે ડો. વિનોદ શાહના આપઘાતનો હૃદયદ્રાવક કિસ્સો પણ યાદ આવ્યોતો અને આજે પણ ઈ યાદ છે કારણ કે એનાં માતાપિતા હારે અમારે ચોરવાડનો નાતો. આ કિસ્સો હું એક આડવાતે લખું છ જેથી આઝાદી પછીના દસકાઓમાં ભારતના રાજકારણની આરાજકતાનો અંદાજ આવે.

    વિનોદભાઈ આપણી લોકસભાના માજીસભ્ય, અન્ય રાજકીય અને સામાજિક ક્ષેત્રે અગ્રીમ અને “મુકુંદ આયર્ન”ના માલિક સ્વ. વિરેન્દ્ર શાહના કાકા હરખલાલ શેઠના પુત્ર. આ શેઠનો પરિવાર આચરેવિચારે ગાંધીજીનો સંપૂર્ણ અનુયાયી. વિનોદભાઈ એગ્રોનોમી વિષયમાં યુ.એસ.ની વરિષ્ઠ યુનિવર્સીટી માંથી પીએચ.ડી. કરી ૧૯૬૦માં સ્વદેશ પાછા આવ્યા. ઈ વખતે ભારતમાં “ગ્રીન રેવોલ્યૂશન” પૂરબહારમાં હાલતુતું એટલે વિનોદભાઈ “ઇન્ડિયન અગ્રિકલચરલ રિસેર્ચ ઇન્સ્ટિટ્યૂટ”માં (પુસા ઇન્સ્ટિટ્યૂટમાં) ભારતમાં મકાઈ ઉત્પાદનમાં વધારો કરવાના રિસર્ચ પ્રોજેક્ટમાં મેનેજર તરીકે જૉડાણા અને સફળ થ્યા. થોડા વખતમાં રાજકીય વગથી જે બે વ્યક્તિઓને કૃષિ ક્ષેત્રે બિલકુલ જાણકારી નો’તી ઈ વિનોદભાઈના અધિકારી બન્યા ને એની સફળ રિસર્ચમાં દખલ દેવા મંડ્યા. વિનોદભાઇએ આ બાબતે એની નારાજગી ઉપલા અધિકારીઓને વખતોવખત વ્યક્ત કરી પણ એમાં અસફળ રયા. અંતે ચુસ્ત ગાંધીવાદી વિનોદભાઇએ આ ઘટનાઓ વર્ણવતો એક કાગળ લખ્યો ને એમાં જણાવ્યા મુજબ “પ્રોટેસ્ટ બાય સ્યુસાઇડ” એને કર્યો. ત્યાર બાદ તપાસપંચો નિમાણાં, બેઠકો મળી, ચર્ચાવિચારણા કરાણી પણ ઈ દાયકાઓની મૂંગી, બે’રી ને આંધળી સરકારમાં સરવાળો શુન્ય જ થ્યો ને બધું ભીનું સંકેલાઇ ગ્યું. આ સમગ્ર બાબતનો ઉલ્લેખ ૧૯-૫-૧૯૭૨ના વરિષ્ઠ આંતરરાષ્ટ્રીય “નેચર” જર્નલમાં થયેલ છે.

    ખેર, મારી નોકરીની નિરાશાજનક તપાસ વખતે મારું ડિઝર્ટેશન માન્ય નો’તું થ્યું, એને મેં સાત નિષ્ણાતો વચ્ચે ડિફેન્ડ નો’તું કર્યું, અમારા ડિપાર્ટમેન્ટની પોલિસી મુજબ એમાંથી ત્રણ પેપર્સ આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત નો’તાં કર્યાં ને મને કાયદેસર પીએચ.ડી.ની ડિગ્રી હજી નો’તી મળી. એટલે આ બધી ફોર્માલિટીસ પતાવા મારે યુ.એસ.નો એક ધક્કો બાકી હતો. એવામાં કે’છ ને કે “ભગવાન બાયણું બંધ કરે તો બારી ઉઘાડે” એમ મારું નોકરીનું બાયણું ભલે એને ન ઉઘાડ્યું પણ એના બદલે આલીશાન બારી ઉઘાડી ને મને મનગમતી કન્યા નીલા દીધી કે જેની હારે હું આજ ૪૭ વરસથી છેડાછેડીએ બંધાઈને મોજે તોરા છોડું છ.

    હવે ત્યારે એકાદ મહીનાથી પયણેલો હું ડિગ્રીની ફોર્માલિટીસ પુરી કરવા યુ.એસ. એકલો પરત થ્યો ને જુન ૧૯૭૭માં પીએચ.ડી. થ્યો. ઈ દસકાઓમાં ભણ્યા બાદ ૧૮ મહિનાનો પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ વિઝા મળતો એટલે મેં “અલાબામા” રાજ્યમાં એક યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ લીધી ને ઈ પણ ઈ જ વિચારે કે આ દરમ્યાન નીલા યુ.એસ. આવે, કોન્વોકેશનમાં મને પીએચ.ડી.ની ડિગ્રી મેળવતો જોવે ને સજોડે અમે યુ.એસ. ફરી ભારત પાછા ફરીયેં. ઈ મારી નવોઢા યુ.એસ. આવી, અમે હર્યાંફર્યાં, એને પણ આંઈ ગમ્યું ને અમે ગ્રીનકાર્ડ લીધું. એમાં પણ એક જ હેતુ કે કોઈ વિઝાની લમણાઝીક વિના અમે ગ્રીનકાર્ડે યુ.એસ.માં ટૂંકી મુદ્દતે રહી ને ભારત પાછા ફરવું. ઈ ટૂંકી મુદ્દતને આજકાલ કરતાં ૫૪ વરસના વ્હાણા વાઈ ગ્યા ને મારા ૭૬માં વરસે આજ હું ખુદને પૂછું છ કે યુ.એસ.ને મેં મારું સાવકું સરનામું શું કામ બનાવ્યું? અલબત્ત, આ સવાલનો જવાબ અમે બેય માણસનો પણ અલગ હશે ને હોવો પણ જોયેં પણ મારો બહુપાંખી જવાબ કે જે આજની વાતનો પ્રાણ છે ઈ નીચે મુજબછે.

    ઘટમાળ – “ઊંચીનીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી ઓટ છે ઓટ પછી જુવાળ.” આ દલપતરામની કવિતા હું ત્રીજા ધોરણમાં એનો મર્મ સમજ્યા વગર ભણેલ કે જે મર્મ મને હવે સમજાય છ. પયણ્યા પછીથી આજ દી’ લગી મારું જીવન જાણેઅજાણે કુંભારના ચાકડે ચડ્યું છ. પે’લાં તો જાણે બેએક વરસમાં “અલાબામા”ની નોકરી છોડી ને મેં યુનિવરસીટી ઓફ વિસ્કોન્સીનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ અને રિસર્ચ સાયન્ટિસ્ટની નોકરી લીધી ને પછીના ગાળામાં વ્યવસાયિક ધાર્યાથી વધુ પ્રગતિ કરી. આ વરસોમાં અમે બે છોકરાંના માબાપ બન્યાં ને નીલાએ પણ કોમ્પ્યુટર સાયન્સમાં બે ડિગ્રી લીધી અને સારી નોકરી મેળવી. ઈ જ રીતે અમારાં બેય સંતાનો ભણ્યાં ને દીકરી લગ્ન કરી બે બાળકની માં બની. હવે અમારો પરિવાર મળતો રે’છ ને એની મોજ છે. ઉપરાંત અમે બેય હવે નિવૃત્તિમાં દેશવિદેશની જાત્રાએ ન હોયેં ત્યારે અમારા ગામમાં “દુઃખમાં આગળ ને સુખમાં પાછળ” એવા મિત્રો હારે મોજમસ્તીથી દિવસો વીતાવીયેં છ. ટૂંકમાં, આ સંબંધોનાં જાળાં ક્યારે બંધાણાં ને એમાં ક્યારે હું માકડી થઇ ઘુમરા લેવા મંડ્યો એનું મને ભાન જ ન રયું ને હવે આ જાળું મારી કર્મભૂમિ એવા આ દેશમાં સ્થાયી થાવાનું સાચાંખોટાં કારણોમાંનું એક કારણ બની ગ્યું છ.

    બીક – હું દેશથી પે’લી વખત યુ.એસ. આવ્યો ત્યારે ને પછી પણ વરસો સુધી ભારત અઢારમી સદીમાં “કુંભકરણની નીંદરે” સૂતુંતું ને “હોતી હૈ ચલતી હૈ”ની હાલે હાલતુંતું. જો ઈ જ વખતે હું ભણીને ભારતમાં આવી ગ્યો હોત તો “ફૂલમાં સોગઠી”ની જેમ ગોઠવાઈ જાત કારણ કે ઈ જ ભારતને હું ઓળખતોતો ને મને ગમતુંતું. પણ ઈ પછીનાં વરસોમાં મારો પરિવાર યુ.એસ.માં સુખી હતો, અમે બેય માણસ વ્યવસાયે અને વેતને પ્રગતિના પંથે હતાં એટલે મધદરિયે એક સ્થિર હોડીમાંથી ભારતમાં વણખેડેલ હોડકે કુદવાની ત્યારે બીક હતી. ઉપરાંત પે’લી વાર જયારે ભારતમાંથી મનગમતી છોકરી મળી પણ નોકરી નહીં એટલે ઈ પણ એક સાચીખોટી બીક તો હતી જ.

    અનફિટ – ઉપર કીધું એમ હું સુસુપ્ત ભારતમાંથી ત્યારે વીસમી સદીના યુ.એસ.માં આવેલ એટલે ત્યારે મને ને સૌને આ દેશ અધધધ…લાગતો, ગમતો. પણ સમય જાતાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા ને જાપાન જેવા દેશોએ યુ.એસ.ની સરખામણીમાં નૈતિક, આર્થિક, સામાજિક, ભૌતિક અને માણસના જીવનધોરણના સુધારામાં વધુ પ્રગતિ કરી અને કરે છ. ઘણીવાર તો મને એમ પણ લાગે છ કે ભારત આજ બાવીસમી ને યુ.એસ. હજી પણ વીસમી સદીમાં જીવે છ. મારા મતે તો છેલ્લાં કેટલાંક વરસોથી યુ.એસ.નું રાજતંત્ર સ્થગિત છે ને અમારા બેય રાજકીય પક્ષો લોકહિત ભૂલી જઈ પરસ્પર બાધ્યા કરે છ. ઉપરાંત અમુક વર્ગમાં તો માણસાઈનાં મૂલ્યો પણ પાતળાં થાતાં મને દેખાય છે.

    હવે સર્વોમુખી અને સર્વાંગી પરિવર્તન ઈ સંસારનો નિયમ છે. ઘણી વખત ઈ ન અનુભવાય એટલું કીડીવેગે “એવોલ્યુશન” રૂપે થાય તો કોકવાર હરણફાળે “રેવોલ્યુશન” રૂપે, કે જે ભારતમાં થઈ રયું છ. મારી જ ઉંમરના ભારતના હમવતનીઓ આ ત્વરિત પ્રગતિનો હિસ્સો છે, એમાં ગોઠવાઈને જીવે છે, એને મ્હાણે છ. પણ છેલ્લા દસકાની મારી ભારતની મુલાકાતો દરમ્યાન મને એમ લાગ્યા કરે છ કે વીસમી સદીનો “હું” મારા જ વતનમાં પુરાતત્વ ખાતાએ ખોદેલ એક અવશેષ જેવો છું. મારો જુનાગઢનો પિત્રાઈ તો મીઠી ટકોર પણ કરે છ કે “દિનેશભાઇ તમને “ડીપફ્રીઝ”માંથી પચાસ વરસે કાઢ્યા હોય એવા છો. જો બદલાસો તો આજના ભારતમાં ભળી જાસો ને આંઈ રોજેરોજ મોજેમોજ કરશો.” ઈ આ તેરમણનો “તો” જ મને હંફાવે છ, હરાવે છ ને એટલે હું નીચી મૂંડીએ સ્વીકારું છ કે બાવીસમી સદીના ભારતમાં હું કદાચ બંધ ન બેસું, એમાં કાયમ રે’વા કદાચ હું અનફિટ હોઉં.

    કમ્ફર્ટ ઝોન – છેલ્લા થોડાક અરસાથી યુ.એસ. જે હતું ઈ નથી પણ છત્તાં “ભાંગ્યું તોયે ભરૂચ” એટલે આ દેશનું ભાવિ મને સ્થિર અને ઉજળું લાગે છે. આંઈ લોકતંત્ર સવાબે સયકાથી વધુ જૂનું અને પ્રબળ છે. આ દેશની ઈકોનોમી વિશાળ અને વિશ્વટોચે છે ને એનું ચલણ સ્થિર ને દુનિયાના લગભગ બધા જ દેશોમાં માન્ય છે. એક નોંધનીય હકીકત ઈ છે કે વિશ્વમાં બીજો કોઈ પણ દેશ બીજા દેશને આફતના સમયે યુ.એસ. જેટલી આર્થિક, શારિરીક, તબીબી ને અન્ય અનેક પ્રકારની મદદ નથી કરતો ને આમ “જીવ સેવા” ઈ યુ.એસ.નો સર્વોત્તમ ગુણ છે. આ દેશની મોટાભાગની વસ્તી એની શક્તિનુસાર દાનેશ્વરી અને નિશ્વાર્થ છે ને ખરા અર્થમાં ખ્રિસ્તી ધર્મમાં કીધા મુજબ “લવ ધાય નેબર એઝ ધાય સેલ્ફ” નિયમે જીવે છે. બીજું, આ દેશની જંગી સંપત્તિ એની પ્રમાણિક, મહેનતુ, સાદી અને સરળ પ્રજા છે. ઉપરાંત દેશ પાસે વિવિધ પ્રકારની અમાપ કુદરતી સંપત્તિ (નેચરલ રિસોર્સીસ) છે. આંઈ વનસ્પતિથી લઈ વાતાવરણ / પર્યાવરણ, વિશ્વવિનાષક શસ્ત્રોથી લઈ વિશ્વશાંતિ, વાણિજ્યથી લઈ વિજ્ઞાન અને દારૂથી લઈ દવા અને અન્ય સૌ ક્ષેત્રે અભ્યાસ અને રિસર્ચ / ડેવલપમેન્ટ સક્રિય છે કે જેનો લાભ અન્ય દેશોને પણ મળે છે. આ દેશની નીપજના પ્રમાણમાં વસ્તી ઓછી છે એટલે લોકોને જરૂરિયાતથી જાજું પ્રાપ્ય છે ને જેને નથી એને સરકાર પૂરું પાડે છ.

    ખેર, યુ.એસ.ની જાજી વાત્યું ન કરતાં જો હું મારું સજોડે કહું તો આ દેશના કાયદા મુજબ ૬૫ વરસની ઉંમરથી બહુ ઓછી કિંમતે સરકાર અમારી સંપૂર્ણ અને ઉત્તમ ચિકિત્સક જરૂરિયાત “મેડિકેર” ઇન્સ્યોરન્સ દ્વારા પુરી પાડે છ. આર્થિક રીતે પણ અમને બેયને મળતાં સરકારી પેન્સન્સ ને અમારી નાનીમોટી બચત વચ્ચે અમારું ગાડું ગબડે જાય છ. બીજું, મારું ઘર પણ ઝાડઝાડી વચ્ચે શાંત વિસ્તારમાં છે એટલે મારો વખત વિવિધ પશુપક્ષીઓ જોવામાં સરસ પસાર થાય છે ને ઈ જ રીતે નીલા એની મનગમતી પ્રવૃત્તિમાં પ્રવૃત રે’છ. મારી આજ સાડાસાત દાયકાની ઉંમર હું હવે નિજાનંદે જીવું છ અર્થાત હું કોક પાસેથી આનંદ ઉછીનો નથી લેતો. મને હવે જાજો ગોકીરો, અણધર્યા મેં’માન, રેસ્ટોરાંમાં ખાવું, વધુપડતાં ટી.વી. ને ફોન પસંદ નથી કે ઘરની બા’ર બેએક અઠવાડિયાથી વધુ ગમતું નથી.

    હું જાણું છું કે આજ ભારત અને અન્ય કેટલાક દેશોમાં યુ.એસ.થી વધુ સુખ, સગવડ, સંપત્તિ, મોજમસ્તીનાં સાધનો અને એશોઆરામ છે પણ હું હવે જ્યાં છું, જે છું, જેવો છું, જેની હારે છું અને મારી પાસે જે છે કે નથી ઈ બધું ઈશ્વરની કૃપા ગણી શક્ય એટલું ઓશોસન્યાસે જીવવા પ્રયત્ન કરું છ. મારે માટે આ સમય ઈ આનંદ છે, ઉપલબ્‍ધિ છે, પ્રાપ્‍તિ છે, વિધાયક છે ને છતાં કોઈ પણ રીતે ઈ વૈરાગ નથી કારણ કે મને સંસાર વ્હાલો છે. હા, યુ.એસ.માં ગૂંથેલ સાંસારિક ઘટમાળ કે “કમ્ફર્ટ ઝોન” છાંડી, ભારતમાં કાયમી વસી ને “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી…” ઈ ગજું મારામાં હવે નથી. જ્યાં સુધી મારાં માં-પપ્પા બેઠાતાં, અમારું પોતાનું ઘર ધબક્તુંતું ને જેમાં થેલી મુકવાનો ખુદની માલિકીનો ખાલી ખૂણો હતો યાં લગી અમે વખતોવખત દેશમાં આવતાં. અમારું ખુદનું ઘર બંધ થ્યા પછી પણ અમે મારી બેન અને મોસાળને ઘેર આવીયેં છ પણ હવે ઉંમરના લીધે પ્રમાણમાં ઓછું. કોકવાર મને ભારત હવે “આઉટ ઓફ સાઈટ ઇઝ આઉટ ઓફ માઈન્ડ” પણ લાગે છ પણ એનો અર્થ એમ નથી કે માદરેવતન રે’તાં “મારાં પોતીકાં” મને હૃદયસ્થ નથી કે “વતનની ધૂળથી માથું ભરી લ્યોને આદિલ.. .ઈચ્છા મારામાં પ્રજ્જવલિત નથી ભલે મારું સરનામું સાવકું હોય.


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મજા જિંદગી છે… / ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

    મજા જિંદગી છે હસો ને હસાવો,
    પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

    વહી જાય તો કાળ પાછો ન આવે,
    લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

    અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
    બધાં બંધનો એહ દૂરે ફગાવો.

    જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
    ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

    ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
    જિગર-બીન એવું તમેયે બજાવો.

    ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
    અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.

    ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
    અઅરે મોતને પણ હસીને હસાવો.

               – ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’


    ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?
    નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર.

    ભારનું વાહન કોણ બની રહે નહીં અલુણનું કામ,
    આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન.
    સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર,
    ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

    જલભરી દ્રગ સાગર પેખે, હસતી કમળફૂલ,
    કોકડું છે પણ રેશમનું એનું ઝીણું વણાય દુકૂલ.
    નિબીડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર,
    ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

    આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર,
    આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર.
    આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર,

    ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

    રાજેન્દ્ર  શાહ


  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક સાતમો:પ્રવેશ ૧ લો

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક છઠ્ઠો: પ્રવેશ  થી આગળ

    અંક સાતમો

    પ્રવેશ ૧ લોસ્થળઃ વીણાવતીના મહેલથી કનકપુર જવાનો માર્ગ.

    [જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે]

    દુર્ગેશઃ   એમાં કોઇ સંદેહને અવકાશ જ નથી. રાજપુરુષો અને પ્રજાના અગ્રેસરોએ સર્વત્ર એ જ ઇચ્છા પ્રદર્શિત કરી છે કે જગદીપદેવ રાજગાદીએ બેસે.

    જગદીપઃ કોઇનો ભિન્ન મત સાંભળ્યો જ નથી?

    દુર્ગેશઃ   માત્ર એક જ માણસને ભિન્ન મત જાણવામાં આવ્યો છે, અને તે માણસ તે બીજું કોઇ નહિ પણ શીતલસિંહ છે.

    જગદીપઃ શીતલસિંહ ! કેવું આશ્ચર્ય ! શીતલસિંહ તો મારો ખરો વૃતાન્ત સવારીની આગલી રાત્રે મારે મોઢેથી સાંભળ્યા પછી મને કહેલું કે ‘આપ રાજા થવા યોગ્ય છો’ અને મને વિનંતિ કરેલી કે ‘મને આપના અચલ નિષ્ઠાવાન પરમભક્ત તરીકે સ્વીકારશો!”

    દુર્ગેશઃ   એ વખતે એનું ચિત્ત ભયથી ઘેરાયેલું હતું, અને બીજી કોઇ રીતે એન લાભ થવાનો માર્ગ હતો નહિ. પણ, ગાદી પરનો દાવો તમે મોકૂફ રાખ્યો, તેથી તેને એક નવો મહત્ત્વલોભ થયો છે. પોતાના પુત્રને રાણી લીલાવતી પાસે દત્તક લેવડાવી તેને ગાદી અપાવવાની ખટપટ કરે છે.

    જગદીપઃ અને, રાણી લીલાવતીની શી ઇચ્છા છે?

    દુર્ગેશઃ   તે હજી જણાયું નથી, પરંતુ મહત્ત્વલોભથી શીતલસિંહનું દુર્બલ ચારિત્ર બહુ ઉપહાસપાત્ર થયું છે. પોતાને તે ભારે ગૌરવવાળો કલ્પવા લાગ્યો છે.

    જગદીપઃ દુર્બલ કે પ્રબલ – કયા ચારિત્રને મહત્ત્વલોભ ઉપહાસપાત્ર નથી બનવતો?

    (ઉપજાતિ)

    મહત્ત્વલોભે નરમૂર્ખ થાય,
    મિથ્યા તરંગો કરિને ફુલાય;
    મર્યાદ ભૂલી નિજ યોગ્યતાની,
    મારે ફલંગો કંઇ લંગડાતી. ૮૯

    નીચા જનોની કરિ મિત્રતા તે,
    સાહાય્ય શોધે ઉંચિ સિધ્ધિ માટે;
    દમામ પોલો કરિ રાજી થાય,
    પોતે જ પોતાથકિ તે ઠગાય. ૯૦

    દુર્ગેશઃ   શીતલસિંહનાં એ વલખાં ચિંતાનું કારણ નથી. પણ એક ખરેખરું ચિંતા કારણ ઉત્પન્ન થયેલું છે. તમારાં માતા ભયંકર મંદવાડમાં છે.

    જગદીપઃ મારી માતા ! મારી વહાલી માતા ! એને શું થયું છે? મને ઝટ કહો. એ વાત આટલી મોડી કેમ કરો છો?

    દુર્ગેશઃ   તમારા હૃદયને એકદમ સખત આઘાત ન થાય, માટે પ્રથમ થોડી વિષમતાની હકીકત કહ્યા પછી આ ભારે વિષમતાની હકીકત કહેવાનું મેં રાખ્યું હતું. તમે દરબાર ભર્યો તે દિવસનાં એ માંદાં થયાં છે.

    જગદીપઃ હું સવારીમાં નીકળ્યો તે વખતે તો એને કાંઇ માંદગી નહોતી, અને એ ઘણી ઉમંગમાં હતી!

    દુર્ગેશઃ   તમે રાણી લીલાવતીને ખરી હકીકત કહી એમના આવાસમાંથી નીકળી દરબારમાં આવ્યા તે જ વખતે તમારાં માતા માલણને વેશે રાણી લીલાવતી પાસે ગયાં. બનેલી હકીકત એમને માલૂમ નહિ. તે પ્રગટ કરી રાણી લીલાવતીએ તેમનો તિરસ્કાર કર્યો. તેથી બે વચ્ચે કલહ થયો, અને અંતે તમારાં માતા બેભાન થઇ ગયાં.

    જગદીપઃ હું એક સ્થળે આઘાત બચાવવા ગયો, ત્યારે બીજે સ્થળે આઘાત થઇ બેઠો! મનુષ્યની શક્તિ કેટલી પરિમિત છે! ત્યાં તો મારી માતાની સંભાળ લેનાર પણ કોઇ નહિ હોય?

    દુર્ગેશઃ   સાવિત્રીદેવી અને કમલા ત્યાં હતાં.

    જગદીપઃ મેં જ તેમને રાણીની પાસે મોકલ્યાં હતાં, પણ રાણીને આશ્વાસનની જરૂર પડશે એમ ઘારીને.

    દુર્ગેશઃ   રાણીને પણ આશ્વાસનની જરૂર હતી, અને એરીતે સુભાગ્યે એ બે ત્યાં હોવાથી આપનાં માતાની પણ સારવાર થઇ. સાવિત્રીદેવીની આજ્ઞાથી કમલા અને મંજરીએ એમને સાવધ કરી ઘેર મોકલ્યાં.

    જગદીપઃ ત્યારથી એમનો મંદવાડ ચાલુ જ છે?

    દુર્ગેશઃ   પછી દરબારમાં તમે જે કહ્યું અને કર્યું તે એમના જાણવામાં આવ્યું એટલે એમનું હૃદય છેક ભાંગી ગયું, અને મંદવાડ બહુ વધી ગયો.

    જગદીપઃ એ ક્યાં રુદ્રનાથમાં છે?

    દુર્ગેશઃ   ના, કિસલવાડીમાં છે.

    જગદીપઃ એની પાસે કોઇ નહિ હોય!

    દુર્ગેશઃ   દરબાર પછી હું તમારી ખોળમાં નીકળ્યો, તે પછી કમલા એમની પાસે ગઇ અને આપણા વચ્ચેની મૈત્રિની હકીકત કહી ચાકરી કરવાની અનુજ્ઞા માગી. ત્યારથી કમલા એમની માવજત કરે છે.

    જગદીપઃ કમલાદેવીનો હું કેવો આભારી થયો છું! પરંતુ, તમે જઇને મને તરત ખબર કેમ ન મોકલાવી?

    દુર્ગેશઃ   તમારાં માતાએ જ ના કહી. ગાદીનો નિર્ણય થતા સુધી દૂર થવા તમે પંદર દિવસની અવધિ ઠરાવી છે તે તમે પાળી શકો માટે તે પહેલાં તમારે ન આવવું એવી ઇચ્છા તેમણે દર્શાવી.

    જગદીપઃ મને ગાદી અપાવવા માટે જ એણે બિચારીએ આ બધું કર્યું છે અને ખમ્યું છે. માતા વિના એવું કોણ કરે? માતૃત્વની ઘટના પ્રાણીઓને કેવી વરદાન રૂપ પ્રાપ્ત થઇ છે ! એ ઘટનામાં પ્રાણીઓના હૃદયનો ઉલ્લાસ કેવો અદ્‍ભૂત રીતે સમાયો છે?

    (અનુષ્ટુપ)

    માતૃત્વ પ્રભુએ સર્જી ઉપજાવ્યો મિઠો ઝરો;
    કૃતજ્ઞતા, દયા, સ્નેહ સિંચાત નહિ તે વિના. ૯૧

    દુર્ગેશઃ   પશુઓ અને પક્ષીઓ જન્મ પછી થોડો કાલ જ માતૃત્વની કદર પિછાને છે. એમાં જ ખરે મનુષ્યજાતિ અને બીજાં પ્રાણીઓ વચ્ચેના ભેદનો આરંભ થાય છે. એ માતૃત્વની કદરથી જ મનુષ્ય કુટુમ્બ અને સમાજ ના ઉચ્ચ સાંસારિક બંધારણ તરફ વળે છે.

    જગદીપઃ અત્યારે તો એ સાંસારિક બંધારણમાં મને દુઃખભરી અને વિસંવાદી દ્વિવિધતા જણાય છે.

    (પ્રિયંવદા)

    પ્રણયના મધુર રંગની પિંછી
    હૃદયના પટ પરે ફરંતિ જ્યાં,
    સળગતો પ્રબળ અગ્નિ કષ્ટનો
    નિકટ એ પટ પુઠે અદૃષ્ટ ત્યાં. ૯૨

    એ સુખ ખરું કે દુઃખ?

    દુર્ગેશઃ   અ બન્ને ખરાં છે, અને એ બન્નેથી જ સાંસારિક બંધારણની ઉચ્ચતા ઘડાય છે અને સંવાદી થાય છે.

    જગદીપઃ સુખદુઃખને સંવાદ હોય કે ન હોય, પણ અત્યારે બિનશરતે દુઃખાગ્નિમાં પ્રવેશ કરવા હું તૈયાર છું. મારી વ્યાધિગ્રસ્ત માતા પાસે મને ત્વરાથી લઇ ચાલો.

    [બન્ને જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

     

  • ફિલ્મી ગઝલો – ૬૧. જી. એલ. રાવલ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    માત્ર પોતાના ભાઈઓ નિર્માતા બી.એલ રાવલ અને નિર્દેશક સી.એલ રાવલ ની છત્રછાયામાં રહી રાવલ ફિલ્મ્સની જ ફિલ્મોમાં ગીત લખનાર જી એલ રાવલ ઉર્ફે ગુલઝારીલાલ રાવલ ની ગીત રચનાઓની ગુણવત્તા જોતાં આપણને લાગે કે એમણે વધુ ગીતો લખ્યા હોત તો કેટલું સારું !

    રાવલ ફિલ્મ્સની મિસ ઈન્ડિયા (૧૯૫૭) થી લેખક તરીકે શરૂઆત કરી. એમની જ એ પછીની ‘દિલ હી તો હૈ ‘ ( રાજ કપૂર- નૂતન – રોશન – સાહિર) ફિલ્મની કથા, પટકથા  અને સંવાદો લખ્યા. રાવલ બંધુઓની એ પછીની દિલને ફિર યાદ કિયા (૧૯૬૬) , આબરૂ ( ૧૯૬૮ )લડકી પસંદ હૈ ( ૧૯૭૧ ) અને ચોર મંડલી ( અપ્રદર્શિત ૧૯૮૩ )માં એમણે ગીતો લખ્યા. એમણે લખેલા ફિલ્મ ‘દિલ ને ફીર યાદ કિયા’ ના બધા જ દસ ગીતો ઝળહળતી સફળતાને વરેલા. ઉપરોક્ત ચાર ફિલ્મોમાં એમણે લખેલા પચીસેક ગીતોમાંથી આ બે જાણીતી ગઝલ વાંચીને લાગ્યા વગર રહે નહીં કે એમનું સર્જકત્વ બિનજરૂરી રીતે મર્યાદિત રહી ગયું !

    યે દિલ હૈ મોહબ્બત કા પ્યાસા ઇસ દિલ કા તડપના ક્યા કહીએ
    માયુસ હૈં હમ મગરૂર હો તુમ ઔર તુમ પે હી મિટના ક્યા કહીએ

    યે શૌક હમે કે ઉઠા લેં ઉન્હેં વો શર્મ- ઓ – હયા કે મારે હૈં
    યે હદ સે ગુઝર જાના અપના ઔર ઉનકા સિમટના ક્યા કહીએ

    કિસ સોચ મેં હો કુછ હોશ નહીં યે ગભરાહટ ભી કૈસી હૈ
    બલ ખા કે હમી સે હટ જાના ફિર હમ સે લિપટના ક્યા કહીએ

    આ જાઓ હમારી બાહોં મેં હાએ યે હૈ કૈસી મજબૂરી
    હમ આપકે હૈં કોઈ ગૈર નહીં અપનો સે ઉલઝના ક્યા કહીએ..

     

    https://youtu.be/s4GReRFGQSA?feature=shared

    – ફિલ્મ : દિલ ને ફિર યાદ કિયા ૧૯૬૬
    – મુકેશ
    – સોનિક ઓમી

     

    જિન્હેં હમ ભૂલના ચાહેં વો અક્સર યાદ આતે હૈં
    બુરા હો ઇસ મોહબ્બત કા વો ક્યોં કર યાદ આતે હૈં

    ભુલાએં કિસ તરહ ઉનકો કભી પી થી ઉન આંખોં સે
    છલક જાતે હૈં જબ આંસુ તો સાગર યાદ આતે હૈં

    કિસી કે સુર્ખ લબ થે યા દિયે કી લૌ મચલતી થી
    જહાં કી થી કભી પૂજા વો મંદર યાદ આતે હૈં

    રહે ઐ શમા તુ રૌશન દુઆ દેતા હૈ પરવાના
    જિન્હેં કિસ્મત મેં જલના હો વો જલ કર યાદ આતે હૈં..

     

    –  ફિલ્મ : આબરૂ ૧૯૬૮
    – મુકેશ
    – સોનિક ઓમી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • વાદ્યવિશેષ : (૧૪) – તંતુવાદ્યો (૧૦) : ટાઈશોકોટો

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    મૂળે જાપાનમાં ઉદભવેલું આ તંતુવાદ્ય સામાન્ય રીતે ટાઈસોકોટો અથવા તાઈશોગોતો જેવાં નામો વડે પણ ઓળખાય છે. આપણા દેશમાં તે પંજાબમાં પ્રવેશ્યું અને સમય જતાં અન્ય પ્રાંતોમાં પણ ખાસ્સું પ્રચલિત બની રહ્યું છે. અહીં તે બુલબુલતરંગ નામથી પણ જાણીતું છે. ઘણા લોકો તેને બેન્જો પણ કહે છે, પણ હકિકતે બેન્જો એક અલગ વાદ્ય છે, જે રબાબને મળતું આવે છે. નીચે જોઈ શકાય છે તેમ આ બન્ને વાદ્યો રચના અને પરિણામે વાદનની પદ્ધતિથી ખાસ્સાં અલગ પડે છે. આપણો ઉપક્રમ એવાં ફિલ્મી ગીતો માણવાનો છે, જેના વાદ્યવૃંદમાં  ટાઈશોકોટોના અંશોનો સમાવેશ થયો હોય.

    ઉપર જોઈ શકાય છે તેમ આ વાદ્ય લાકડાની બનેલી એક લંબઘન રચના છે. તેમાં સામસામેના છેડે ચોક્કસ સંખ્યામાં તાર બાંધેલા હોય છે. એક છેડા પાસે નખલી તરીકે ઓળખાતા સાધન વડે પ્રહાર કરી ને ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે,  તે જ સમયે ઉપરના ભાગે આવેલી છાજલી જેવી રચના સાથે જોડાયેલી ચાવીઓ વડે તે ધ્વનિને નિયંત્રિત કરી, અપેક્ષિત સૂર નિપજાવવામાં આવે છે. આ થઈ એક લાક્ષણિક ટાઈશોકોટોની રચના. કાળક્રમે તેના સ્વરૂપમાં અને વાદનશૈલીમાં ખાસ્સા ફેરફારો થતા રહ્યા છે, જેની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે. પ્રસ્તુત ક્લિપમાં એક શિખાઉ બાળક લાક્ષણિક ટાઈશોકોટો વગાડી રહ્યો છે તે જોતાં/સાંભળતાં આ વાદ્યની રચના, વાદનશૈલી તેમ જ તેના સ્વરનો ખ્યાલ આવશે.

     

    હવે કેટલાંક ફિલ્મી ગીતો માણીએ, જેમાં ટાઈશોકોટોના અંશોનો સમાવેશ થયો હોય.

    ૧૯૫૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘બૂટ પાલીશ’ના ગીત જોન ચાચા તુમ કિતને અચ્છેમાં આ વાદ્યના ખુબ જ પ્રભાવક અંશો છે. વિશેષમાં અદાકાર ડેવીડ તેને વગાડતા જોઈ શકાય છે. સંગીત શંકર-જયકિશનનું છે.

    https://www.youtube.com/watch?v=SB_lBd6hz2c

    તે જ ફિલ્મના અન્ય ગીત ચલી કૌન સે દેસમાં પણ ટાઈશોકોટો સાંભળવા મળે છે. અહીં એક અજ્ઞાત કલાકાર આ વાદ્ય છેડી રહેલા નજરે પડે છે.

     

    ફિલ્મ ‘નાગીન’ (૧૯૫૪)ના હેમંતકુમારના સંગીતદિગ્દર્શનમાં બનેલા ગીત જાદૂગર સૈયાં છોડો મોરી બૈયાંમાં ટાઈશોકોટોના મધુર અંશો કાને પડે છે.

     

    ૧૯૫૭ની ફિલ્મ ‘એક ગાંવ કી કહાની’માં સલિલ ચૌધરીનુ સંગીત હતું તે ફિલ્મના ગીત રાત ને ક્યા ક્યા ખ્વાબ દિખાયેના મધ્યાલાપમાં મુખ્ય વાદ્યની સમાંતરે ટાઈશોકોટોના અંશો સંભળાતા રહે છે.

    ૧૯૬૩ની ફિલ્મ ‘રૂસ્તમ સોહરાબ’નાં સજ્જાદ હુસૈનનાં સ્વરબધ્ધ કરેલાં ગીતો તે સમયે તો ખુબ જ લોકપ્રિય થયાં જ હતાં, પણ આજે છ દાયકા પછી સુદ્ધાં તેમની લોકપ્રિયતા બરકરાર છે. તે પૈકીની એક કવ્વાલી પ્રકારની રચના ફીર તુમ્હારી યાદ આયી હૈ સનમમાં એક કલાકાર ટાઈશોકોટો વગાડતા જોઈ શકાય છે. વાદ્યવૃંદમાં અલબત્ત, તેના સ્વરો એકદમ પ્રચ્છન્ન જણાય છે.

    ફિલ્મ ‘અમર અકબર એન્થની’ (૧૯૭૭)ની સફળતામાં લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં બનેલાં ગીતોનો મોટો ફાળો રહ્યો છે. તેની એક કવ્વાલી પરદા હૈ પરદાના પૂર્વાલાપમાં ટાઈશોકોટોના અંશો સંભળાય છે. પરદા ઉપર પણ એક કલાકાર આ વાદ્ય વગાડતા જોઈ શકાય છે.

    ફિલ્મ ‘કર્મા’(૧૯૮૬)ના પ્રસ્તુત ગીત દિલ દિયા હૈ જાં ભી દેંગેના મધ્યાલાપમાં તેમ જ ગાયકીને સમાંતર ટાઈશોકોટોના સ્વર કાને પડતા રહે છે. સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું છે.

    આ કડીના સમાપનમાં ટાઈશોકોટોનું આધુનિક સ્વરૂપ જોઈએ અને તેના સ્વર માણીએ. આ માટે પ્રસ્તુત છે ૨૦૧૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘બેન્જો’ના ગીત ઓમ ગણપતયે નમ:. સંગીત વિશાલ-શેખરનું છે.

     

    આવતી કડીમાં નવા વાદ્ય સાથે મળીશું.

     

    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • બાળકોએ ગાયેલા ગીતો – मास्टरजी की आई चिट्ठी

    નિરંજન મહેતા

    ૧૯૭૦ પહેલાના બાળગીતો તા. ૨૨.૦૬.૨૦૨૪નાં દિવસે અહીં મુકાયા હતાં. ત્યાર પછીના કેટલાક ગીતો આ લેખમાં સમાવાયા છે.

     

    સૌ પ્રથમ છે ૧૯૭૦ની ફિલ્મ ‘મસ્તાના’નુ

     

    मैंने माँ को देखा है
    देखा है माँ को देखा है
    माँ का प्यार नहीं देखा
    मैंने माँ को देखा है
    माँ का प्यार नहीं देखा

     

    શાળાના એક કાર્યક્રમમાં બાળકલાકાર (બોબી?) માની યાદમાં આ ગીત ગાય છે. ગીતમાં મેહમુદને પણ દર્શાવાયો છે. ગીતકાર છે આનદ બક્ષી, સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગાયિકા છે લતાજી.

    https://youtu.be/H2QcSQ4ZmQ

     

    ૧૯૭૦ની અન્ય ફિલ્મ ‘સમાજ કો બદલ ડાલો’નુ આ ગીત ભીખ માંગતા બે બાળકો પર રચાયું છે.

    अम्मा एक रोटी दे बाबा एक रोटी दे
    भूखे बच्चे मांग रहे है
    कबसे हाथ पसार के
    अम्मा एक रोटी दे बाबा एक रोटी दे

    સાહિર લુધિયાનવીનાં શબ્દોને સંગીત આપ્યું છે રવિએ. ગાનાર કલાકારો છે લતાજી અને ઉષા મંગેશકર.

    https://youtu.be/cijAc1zW3w8

    ૧૯૭૧ની ફિલ્મ ‘અંદાઝ’નુ આ ગીત આજે પણ પ્રચલિત છે.

    है ना बोलो बोलो
    पापा को मम्मी से
    मम्मी को पापा से
    प्यार है, प्यार है

    બે બાળકો પોતપોતાના માતા પિતા કે જે વિધવા વિધુર છે તેમને ભેગા કરવા પ્રયત્ન કરે છે ત્યારે આ ગીત મુકાયું છે. કલાકારો છે હેમા માલિની, શમ્મી કપૂર, અલંકાર જોશી અને અન્ય. શબ્દો છે હસરત જય્પુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ચાર કલાકારો માટે સ્વર આપ્યો છે ચાર જુદા જુદા ગાયકોએ. તે છે રફીસાહેબ, સુમન કલ્યાણપુર, પ્રતિભા અને સુષમાં શ્રેષ્ઠા.

    https://youtu.be/GUr4lOI87zE

    ૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘ગુડ્ડી’ જે એક કિશોરવયની શાળામાં ભણતી કન્યાના ફિલ્મ કલાકારો પ્રત્યેના આકર્ષણને ઉજાગર કરે છે. શાળામાં ગવાતું આ પ્રાર્થનાગીત છે.

    हम को मन की शक्ति देना,
    मन विजय करें ।
    दूसरों की जय से पहले,
    खुद को जय करें ।

    જયા ભાદુરી કલાકાર છે. ગીતના શબ્દો છે ગુલઝારના અને સંગીત આપ્યું છે વસંત દેસાઈએ. ગાયિકા છે વાણી જયરામ.

     

    ૧૯૭૧ વધુ એક ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’માં એક બાળક ભવિષ્યમાં એક્ટર બનવાને લગતી વાત કરે છે

    ऐसा बनूँगा एक्टर मै यारो
    हाय ऐसा बनूँगा एक्टर मैं यारो
    रंग जमके छोडूंगाचूना लगाने वालोंको
    आय हाय मेंचुना लगाके छोड़ूँगा

    કલાકાર છે જુનીઅર મહેમુદ. ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે હેમલતાનો.

    ૧૯૭૨ની ફિલ ‘પરિચય’ અંગ્રેજી ફિલ્મ ‘SOUND OF MUSIC’ પર આધારિત છે જેમાં બાળકોને કારમાં ફરવા લઇ જતી વખતે આ ગીત ગવાય છે.

    सा रे के सा रे गमा
    को लेकर गाते चले
    सा रे के सा रे गमा
    को लेकर गाते चले
    पापा नहीं है धनि सी दीदी
    दीदी के साथ है सरे

    જીતેન્દ્ર અને જયા ભાદુરી સાથે જે બાળકલાકારો છે તે છે રાજુ શ્રેષ્ઠા, બેબી પિંકી, માસ્ટર રવિ અને અન્ય. ગીતકાર ગુલઝાર, સંગીતકાર આર.ડી.બર્મન અને ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.

    https://youtu.be/7UjFArm0HMo

    ૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’નુ આ ગીત બે ભાઈ બહેનોના પ્યારભર્યા સંબંધને દર્શાવે છે. રિસાયેલી બહેનને સંબોધીને આ ગીત ગવાયું છે.

    फूलों का तारों का सबका कहना हैएक हज़ारों में मेरी बहना हैसारी उमर हमें संग रहना है ये न जाना दुनिया ने तू है क्यूँ उदास, तेरी प्यासी आँखों में प्यार की है प्यास, आ मेरे पास आ कह जो कहना है, બાળકલાકારો છે સત્યજીત અને મીના. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને અને ગાયિકા છે લતાજી.

    ૧૯૭૬ની ફિલ્મ ‘કાલીચરણ’નુ આ ગીત શાળાના એક કાર્યક્રમમાં ગવાય છે.

    एक बटा दो
    दो बटे चार
    छोटी छोटी बातो में
    बट गया संसार

    બાળકલાકારો કોણ છે તે જણાતું નથી.  ગીતકાર છે ઇન્દ્રજીત તુલસી, સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ અને ગાયિકાઓ છે કાંચન અને અનુરાધા પૌડવાલ.

    ૧૯૭૭ની  ફિલ્મ ‘અપનાપન’નુ આ ગીત શાળામાં ‘પેરન્ટસ ડે’ ને અનુલક્ષીના ગવાયું છે.

    एक दिन मै सौ बार करती हूँ
    मै डेडी से प्यार करती हूँ

    બાળકોના આ સમુંહગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયિકાઓ છે દિલરાજ કૌર અને અનુરાધા પૌડવાલ.

    ૧૯૭૭ની ફિલ્મ ‘કિતાબ’નું  આ ગીત ક્લાસમાં મસ્તી કરતાં વિદ્યાર્થીઓ પર રચાયું છે.

    मास्टरजी की आई चिट्ठी

    चिठ्ठी में से निकली बिल्ली

    માસ્ટર રાજુ, માસ્ટર ટીટો અને અન્ય બાળકલાકારો આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો ગુલઝારના અને સંગીત છે આર.ડી.બર્મનનુ. સ્વર આપ્યો છે શિવાંગી કોલ્હાપુરે

    ૧૯૮૧ની ફિલ્મ ‘ યારાના’નુ ગીત છે

    बिशन चाचा कुछ गाओ
    अरे रे रे ऐसा तराना झूम के गाऊं
    संग संग दुनिया झुमे

    સ્ટીમર પર સફર માણતાં બાળકો અમજદખાનને ગીત ગાવાનું કહે છે અને તેમાં સાથ પુરાવે છે. ગીતના શબ્દો છે અનજાનના અને સંગીત આપ્યું છે રાજેશ રોશને. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૮૧ની ફિલ્મ ‘એક હી ભૂલ’નુ ગીત એક પિતા અને પુત્ર વચ્ચે થતાં સંવાદનું કાવ્ય સ્વરૂપ છે.

    ओ राजु ओ डेडी
    मम्मी से तुम मेरी सुलह करा दो
    इक पप्पी से सारा झगड़ा मिटा दो
    मैं तुम से कल मुलाक़ात करूँगा
    अच्छा मैं मम्मी से बात करूँगा

    પોતાની રિસાયેલી પત્નીને મનાવવા જીતેન્દ્ર બેબી પિંકીને વિનવે છે. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે એસ.પી. બાલાસુબ્રમણ્યમ અને રાજેશ્વરીના.

    https://youtu.be/VQDoEUk7oQc

    ૧૯૮૨ની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’નુ ગીત છે

    गोरों की ना कालों की
    दुनियां है दिलवालों की
    हसके जियें हसके मरें
    हम जैसे दिलवालो की

    જાહેરમાં ખેલ કરતાં રાજેશ ખન્ના અને બેબી પિંકી આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો છે અનજાનના અને સંગીત છે બપ્પી લાહીરીનું. સ્વર છે સુરેશ વાડકરનો.

    ૧૯૮૨ની ફિલ્મ ‘અનોખા બંધન’નુ આ ગીત રિસાયેલી માને મનાવવા દીકરો ગાય છે.

    तू इतनी दूर क्यों है माँ
    बता नाराज़ क्यों है माँ
    मैं तेरा हूँ बुला ले तू
    गले फिर से लगा ले तू
    ओ माँ प्यारी माँ

    શબાના આઝમી અને માસ્ટર બીટુ આ ગીતના કલાકારો છે. ગીતકાર નિદા ફાઝલી અને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. ગાયિકા અલકા યાજ્ઞિક.

     

    ૧૯૮૩ની ફિલ્મ ‘માસુમ’નુ આ ગીત આજે પણ પ્રચલિત છે.

    लकड़ी की काठी काठी पे घोड़ा
    घोडे की दुम पे जो मारा हथौड़ा
    दौड़ा दौड़ा दौड़ा घोड़ा दुम उठा के दौड़ा

    ત્રણ બાળકલાકારો પર રચાયેલ આ ગીતના બાળકો છે જુગલ કિશોર, ઉર્મિલા માતોંડકર અને અન્ય. ગીતકાર ગુલઝાર અને સંગીતકાર આર.ડી.બર્મન. ગાયિકાઓ છે ગૌરી બાપટ, ગુરપ્રિત કૌર અને વનિતા મિશ્રા.

    આ ગીત આપણું ગુજરાતી બાળગીત ‘દાદાજીનો ડંગોરો લીધો, તેનો તો મેં ઘોડો કીધો’ની યાદ અપાવે છે.

    ૧૯૮૫ની ફિલ્મ ‘પ્યાર ઝુકતા નહિ’નુ ગીત માથી જુદા પડેલા પુત્રના મનોભાવને દર્શાવે છે.

    तुमसे मिलकर ना जाने क्यूं और भी कुछ याद आता है
    आज का अपना ये प्यार नहीं है जन्मों का ये नाता है

    કલાકાર છે માસ્ટર વીકી અને પદ્મિની કોલ્હાપુરે, એસ.એચ. બિહારીના શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ.

    ૧૯૮૭ની ફિલ્મ ‘મિ. ઇન્ડિયા’નુ આ ગીત એક પેરેડી ગીત છે જે ફિલ્મ ‘બોબી’ના ગીત ‘ના માંગુ સોના ચાંદી’ પર આધારિત છે.

    ना मांगे सोना चांदी
    हम मांगे माफ़ी दीदी
    लो पकड़े हम कान रे

    અનિલ કપૂર, શ્રીદેવી અને બાળકલાકારો પર રચાયેલ આ ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયકો છે અનુરાધા પૌડવાલ અને શબ્બીરકુમાર.

     

    ૧૯૮૮ની ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’નુ આ ગીત પણ બાળકો રિસાયેલી દાદીમાને સંબોધે છે.

    दादी माँ दादी माँ
    प्यारी प्यारी दादी माँ
    देखो ज़रा इधर देखो
    गुस्सा छोडो दादी माँ

    શશીકલા દાદીમાના પાત્રમાં છે. ગીતકારનું નામ જણાવાયું નથી પણ સંગીતકાર છે બપ્પી લાહિરી અને ગાયકો છે શબ્બીરકુમાર અને અલકા યાજ્ઞિક.

     

    ૧૯૯૪ની ફિલ્મ ‘આ ગલે લગ જા’નુ ગીત એક પાર્ટી ગીત છે.

    मुझसे है पहले का नाता कोई
    यूँ ही नहीं दिल लुभाता कोई
    जाने तू या जाने ना, माने तू या माने ना

     

    અપાહિજ પુત્ર માસ્ટર ટીટો બે પ્રેમીઓ શશીકપૂર અને શર્મિલા ટાગોરને ઉદ્દેશીને આ ગીત ગાય છે જે તે બંનેને અતીતની યાદ અપાવે છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે આર.ડી.બર્મનનુ. ગાયકો છે કિશોરકુમાર અને સુષમા શ્રેષ્ઠા.

     

    હજી કદાચ ગીતો રહી ગયા હોય તો સુજ્ઞ મિત્રોને તે જણાવવા વિનંતી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • બાળ ગગન વિહાર – મણકો – ૩૮ – પહેલો દિવસ બાળકો સાથે

    શૈલા મુન્શા

    આજે મારે વાત કરવી છે મારા દિવ્યાંગ બાળકોનો પહેલો દિવસ સ્કૂલમાં. મને યાદ આવી ગયું ૨૦૧૩નું વર્ષ કારણ એ વર્ષે મારા ક્લાસમાં ઘણા ફેરફાર થયાં હતાં.

    નવું વર્ષ શરૂ થાય ત્યારે અમેરિકામાં બધા શિક્ષકો માટે તો બે અઠવાડિયા પહેલાં જ સ્કૂલ શરૂ થઈ જાય કારણ ક્લાસમાં બધી તૈયારી ધોરણ અનુસાર કરવાની હોય, અને સ્કૂલ શરૂ થાય તે પહેલાં બધાં માતા પિતા બાળકને લઈ શિક્ષકને મળવા આવે, સ્કૂલમાં ગણવેશ અને જોઈતી વસ્તુનું લિસ્ટ આપવામાં આવે. આમ બાળક અને શિક્ષકનો પરિચય પણ થઈ જાય.

    પહેલો દિવસ બાળકો માટે અને ખાસ કરીને પહેલીવાર સ્કૂલમાં આવતાં નાનાં ચાર વર્ષનાં બાળકો થોડા ઘભરાઈ જાય એ સ્વાભાવિક છે. પહેલો દિવસ તો સ્કૂલના બધા શિક્ષકો અને પ્રિંસિપાલથી માંડી ઓફિસ સ્ટાફ માટે રઘવાટભર્યો હોય. ચારેબાજુ માતા પિતા નાના બાળકો સાથે અને શિક્ષકોની દોડાદોડી. Pre-K ના બાળકો પહેલીવાર સ્કૂલમાં આવતા હોય એટલે રડવાનો અવાજ ચરેબાજુ અને ઘણા બાળકો તો પોતાના માતા પિતાને છોડવા તૈયાર નહિ.
    આ તો આખી સ્કૂલનો ચિતાર પણ અમારા બાળકો (PPCD- pre-Primary children with disability) તો જુના અને નવાનું મિશ્રણ હોય, કારણ અમારા ક્લાસમાં ત્રણ વર્ષે આવતું બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી અમારા ક્લાસમાં જ હોય. છ વર્ષ પછી પહેલા ધોરણમાં જાય. જેમ જેમ બાળકો આગળના ક્લાસમાં જાય તેમ નવા બાળકો પણ આવતાં જાય, એટલે થોડા જુના અને થોડા નવા. એ વર્ષે ટીચર પણ નવી અને ચારેક બાળકો પણ નવા આવ્યાં.

    ડેનિયલ અને ડુલસે તો જેવા બસમાંથી ઉતર્યા કે મને બાઝી પડ્યા. બે મહિના ઘરે રહીને ડેનિયલભાઈ તો બધું ભુલી ગયા હતા. આગલ વર્ષે શીખવાડેલું અંગ્રેજી બધું ભુંસાઈ ગયું હતું અને કડકડાટ સ્પેનિશ ચાલુ થઈ ગયું હતું. ખરી મઝા સવારના નાસ્તા વખતે આવી. સીરીયલને દુધને બદલે ડેનિયલને ટાકો જોઈતો હતો. (મેક્સિકન લોકો મકાઈની રોટલીમાં ચિકન ને સાલસા બધું ભરી ગોળ વીંટો વાળી ને ખાય.) વેકેશનની મજા શરીર પર દેખાતી હતી. આમ પણ ડેનિયલ ગોળમટોળ હતો અને હવે થોડો લાંબો અને ગાલ ભરાયા હતા. તોફાન થોડા ઓછા થયા હતા.

    એ.જે ઘણું બોલતા શીખી ગયો હતો. મારૂ નામ બરાબર બોલતો હતો. “હલ્લો મુન્શા” અને નવા ટિચરને “હલ્લો ટિચર” કહી બોલાવતો. “help me” કહેતા પણ શીખી ગયો હતો.. ફક્ત તકલીફ એક જ હતી, વારંવાર એ એકની એક વાત કહ્યા કરતો. જમવાના સમયે જ્યારે એક એક કોળિયે “Thank you” કહેવા માંડ્યો અને એ કહેવાની રીત એટલી સરસ હતી કે ત્યારે મને “ઈન્ડિયન આઈડોલ” ની નાનકડી હસતી સુગંધા દાતે, (જેના બે દાંત નહોતા) એ યાદ આવી ગઈ હતી.
    ડુલસે જેવી જ બીજી નાનકડી નવી છોકરી બ્રીટ્ની આવી હતી. જસ્ટીન અને તઝનીન જેવા નવા બાળકો જોડાયા હતાં. પાણીની ધારને “Rain bow” કહેવાવાળો મીકેલ એ વર્ષથી એની કાબેલિયતને લીધે સામાન્ય વિધ્યાર્થીઓના ક્લાસમાં ભરતી કરવામાં આવ્યો હતો, પણ હજી સ્પેસિઅલ નીડ બસમાં જ આવતો કારણ હજી એને Autistic બાળકનું લેબલ હતું.

    જેવો એ બસમાંથી ઉતર્યો તેવો હમેશની આદત પ્રમાણે અમારા ક્લાસમાં જઈ પોતાનું દફતર લટકાવવા માંડ્યો. મારે એને સમજાવીને એના નવા ક્લાસમાં લઈ જવો પડ્યો, ત્યાં પહોંચતા સુધીમાં તો એ કેટકેટલું બોલી ગયો. બે મહિનાના વેકેશન દરમિયાન વધુ ડાહ્યો અને સમજુ થઈ ગયો હતો.

    મારી સાથે એ વર્ષે જે નવી ટીચર આવી, મીસ સમન્થા એનું વલણ ઘણું સકારાત્મક અને દિવ્યાંગ બાળકોને સંભાળવાની ઘણી કુનેહ હતી. પહેલે દિવસે જ મને કહેવા માંડી, ”મીસ મુન્શા પ્રિન્સીપાલ થી માંડી જે ટીચરને હું મળી એ બધા એ મને કહ્યું તું જરાય ચિંતા ના કરીશ. મીસ મુન્શા તારી સાથે છે અને એ આ બાળકો સાથે ઘણા સમયથી કામ કરે છે માટે તને જરાય વાંધો નહિ આવે” સમન્થાએ મારા અનુભવોનુ હંમેશા માન રાખ્યું અને નવું કામ શરૂ કરતાં અચૂક મારા મતને ધ્યાનમાં લીધો.

    ભગવાનની મારા પર અસીમ કૃપા રહી છે કે મારા જીવનનાં એ સોનેરી વર્ષો જે મેં આ દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું એ બધાનો ખૂબ પ્રેમ પામી અને જે શિક્ષકો સાથે કામ કર્યું એ બધાએ મને એક અનુભવી શિક્ષિકા, એક માતા અને એક ભારતીય નારીના દેશી નુસ્ખા જે મેં કહ્યા એને મારૂં માની અપનાવ્યા અને મને ભરપૂર આદર આપ્યો.

    મારા જીવનનાં એ અણમોલ વર્ષો છે જે આજે પણ મને હર તકલીફ કે મુસીબતમાં લડવાની શક્તિ આપે છે.

    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

     

  • મનના બે ચહેરા!

    હરેશ ધોળકિયા

    માત્ર ભારત જ નહીં, સમગ્ર જગત આકાશમાં વિસ્મયથી જોતું હતું કે કયારે ભારતનું ચન્દ્રાયન-૩ ચન્દ્ર પર ઉતરે છે. અવકાશ ક્ષેત્રમાં દાદુ મનાતું રશિયાનું ચન્દ્રયાન અચાનક છેલ્લી ઘડીએ નિષ્ફળ ગયું, પણ અવકાશમાં હજી પાપા પગલી ભરતાં,ભારતનું ચન્દ્રયાન-૩, એટલે કે ત્રીજું યાન ધીમે ધીમે પણ મકકમતાથી ચન્દ્રની સપાટી નજીક જતું હતું. આજ સુધી ઘણાં યાનો ચન્દ્રની સપાટી પર ઉતર્યાં છે, પણ આ યાન પહેલી વાર ચન્દ્રની દક્ષિણ બાજુ તરફ ઉતરવા માગતું હતું. આ ઉતરાણ ખૂબ જ વિશિષ્ટ અને સૂક્ષ્મ ટેકનીકલ ક્ષમતા માગે છે જે આ યાન કરવાનું હતું. અમેરિકા, ચીન, રશિયા, ફાન્સ- બધા અધ્ધર શ્વાસે આ ઘટનાને જોતા હતા.

    ભલે આ ઘટના પૂરી સફળ ન થઈ, પણ આ ઘટના નાની સૂની નથી. તે સૂક્ષ્મતમ બુધ્ધિ- પ્રજ્ઞા જ કહો- માગે છે. યાન બનાવવાથી લઈ તે અવકાશમાં જવાની શરુઆત કરે ત્યાંથી ચન્દ્ર પર ઉતરે, ત્યાં પળેપળ કામ કરે અને પૃથ્વી પર સતત સંદેશાઓ અને માહિતી મોકલતું રહે-આ બધાની જે તૈયારી કરવાની હોય છે તેનો વિચાર આપણને ગુંચવી નાખે છે. જયાં સાઈકલની ચેઈન ચડાવવી પણ મુશ્કેલ લાગતી હોય કે સ્કૂટરનો પ્લગ બદલાવવો પણ તકલીફ રુપ હોય, ત્યાં આ સૂક્ષ્મતમ કામગીરી કેમ થતી હશે તેની કલ્પના કરવી પણ લગભગ અશકય છે. દરેક પળના લાખમા ભાગમાં યાને કઈ કામગીરી કરવાની છે- ચાલુ રહે ત્યાં સુધી-તે બધું જ કમ્પ્યુટરમાં ફીડ કરવાનું છે. તેના પ્રોગ્રામ બનાવવાના હોય છે. આ પ્રોગ્રામ પાછા કોઈ પણ અડચણ વિના સતત ચાલુ રહે એ પણ જોવાનું હોય છે. અવકાશમાં કયાં વળાંક લેવાનો છે, કયારે લેવાનો છે, કઈ રીતે લેવાનો છે,

    આ બધું પણ પહેલેથી જ તૈયાર હોય છે. એક સેકન્ડની ગરબડ પણ ન ચાલી શકે. બીજી પળે યાન ખલાસ થઈ જાય.

    અને આ બધું વિજ્ઞાનીઓ કરે છે. તો વિચાર આવે કે આ વિજ્ઞાનીઓનાં ભેજાં કેવાં હશે! શું તાકાત હશે આ બુધ્ધિઓમાં !

    કઈ રીતે વિચારતા હશે તેઓ ! અને આ બધું જેણે પહેલી વાર શોઘ્યું હશે અને પ્રયોગો કર્યા હશે અને સફળતા મેળવી હશે તેનું

    ભેજું તો વળી કેવું જ હશે ! ! સ્તબ્ધ, ચકિત, બાઘા થઈ જવાય છે આ વિચારો કરવાથી. આ અદભુત યાન જે અદભુત રીતે કામ

    કરે છે અને તે કામ કરે માટે તેની જે અદભુત તૈયારી હોય છે, તો આ બધું કરનાર આ લોકોનાં મન કેવાં હશે ? શું તાકાત હશે આ મનોમાં ! કયા સ્તરની બુધ્ધિ હશે તેમની ? પ્રાચીન ત્રદષપિઓ, અવતારો કે જ્ઞાનીઓ જેવી બુધ્ધિ હશે તેમની ! એક પળમાં આદર થઈ જાય છે તેમના વિશે વિચારીએ છીએ ત્યારે. આવી પ્રજ્ઞાઓ સામે આપણે તો લઘુતાર્ગ્રાંથે જ અનુભવીએ.

    થોભો ! એવું ન વિચારો. મનોવિજ્ઞાન અને યોગ કહે છે કે જગતના બધા લોકો પાસે આવી જ બુધ્ધિ છે. ઈચ્છે તો બધા આવાં કલ્પનાતીત કામો કરી શકે છે. ધારે તો માત્ર ચન્દ્ર પર જ નહીં, બધા ગ્રહો પર જઈ શકે છે.

    ધારે તો !

    પણ જગત પર નજર પડે છે તો મોટા ભાગના લોકો બહુ જ સામાન્ય જીવન જીવતા જોવા મળે છે ! એંસી ટકા લોકો તો ખૂબ જ મઘ્યમ સ્થિતિમાં જીવે છે. નથી તેમના પાસે જરુરી સગવડો, નથી પૂરતા પૈસા, નથી આરોગ્ય, નથી તેમની ઈચ્છાઓ પૂરી થતી. આ બધા જ લોકો અભાવોમાં જ જીવન પસાર કરી નાખે છે. જો એમ કહેવાતું હોય કે બધા પાસે આ અદભુત લોકો

    જેવી જ બુધ્ધિ છે, તો આ બધા હેરાન કેમ થયા કરે છે ? સામાન્ય જીવન કેમ જીવે છે ? અવકાશમાં જવું તો ઘેર ગયું, પણ તેઓ તો પોતાની સામાન્ય ઈચ્છાઓ પણ પૂરી કરી શકતા નથી. તો પછી કેમ કહી શકાય કે ” બધા” પાસે આવી જ પ્રજ્ઞા છે ! હા, કેટલાક પાસે હોઈ શકે, અથવા તો છે, પણ બધા પાસે ? શકય જ નથી.

    ફરી થોભો ! આકોશ કાઢવાની છૂટ છે, પણ આ આક્રોશ સાચો નથી. માણસ વિશે જે અભિપ્રાય અપાયો છે તે સંપૂર્ણ સાચો છે. હા, ” બધા” જ આવી પ્રજ્ઞા ધરાવે છે. બધા !

    પણ દેખાતું તો નથી ?

    દેખાય નહીં માટે હોય નહીં એમ માનવું તો અતાર્કિક મનાય. સવારે તારા નથી દેખાતા, તો શું આકાશમાં તારા નથી હોતા ? ઈશ્વર નથી દેખાતો, તો શું ઈશ્વર નથી ? હું ન અનુભવું માટે બધું અસત્ય ?

    પણ પોણી દુનિયા તો સામાન્ય છે જ ને!

    દુનિયા સામાન્ય છે એ વાત સાચી, પણ સામાન્ય રહેવું ફરજિયાત નથી. પ્રજ્ઞાવાન બની શકાય છે.

    પણ એ કેમ શકય છે?

    શકયનો સવાલ જ નથી. પ્રજ્ઞાવાન છે જ બધા. જન્મથી. પળેપળ. મુદો એ નથી કે બધા પ્રજ્ઞાવાન છે કે નહીં, સમસ્યા એ છે કે તેમને તેની જાણ નથી.

    પણ કેમ ખબર નથી ?

    હા, તેનો જવાબ મળતો નથી. પણ સાદો જવાબ છે અજ્ઞાન. પોતા વિશેનું અજ્ઞાન. કદાચ પૂછાય કે આ અજ્ઞાન કયાંથી આવ્યું ? તો જવાબ છે તાલીમનો અભાવ. ખોટું અથવા અધૂરું શિક્ષણ.સમાજને આ ભાન માત્રને માત્ર સમાજમાંના પ્રજ્ઞાશીલ લોકો જ કરાવી શકે. એટલે કે શિક્ષણમાં માત્ર પ્રજ્ઞાશીલ લોકો જ હોવા જોઈએ. આવા લોકો જ તેમાં દાખલ થાય તે જરુરી છે. સમાજ અને સરકારનું કામ જ એ છે કે તે શિક્ષણમાં દેશનાં શ્રેષ્ઠ વ્યકિતત્વોને જ નીમે. તેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, રિઝર્વેશન, પક્ષવાદ-કશું જ ન ચાલે. કદાચ એમ કહી શકાય કે આવા વ્યર્થ મુદાઓ સમાજમાં ચાલે કે ટકે છે તેનું કારણ જ એ છે કે સમાજ પ્રજ્ઞાશીલ લોકોને આગળ નથી કરતો. સમાજ પક્ષપાતી છે માટે જ પછાતપણું ટકી રહ્યું છે. ભેદભાવ ચાલુ રહી શકયો છે. કેવળ સંકુચિત સમાજમાં જ આવી નકામી અને વ્યર્થ બાબતો ટકી શકતી હોય છે. કદાચ બીજાં ક્ષેત્રોમાં હોય તો વાંધો ન હોય, પણ જ્ઞાનના ક્ષેત્રમાં તો માત્રને માત્ર પ્રજ્ઞાશીલ લોકો જ ચાલે. તેઓ જ હોવા જોઈએ.

    ચન્દ્રયાનો કેમ સફળ જાય છે ? ફિલ્મો ઉતમ કેમ બને છે ? વિશ્વ કપ કેમ જીતી શકીએ છીએ ? ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં કેમ સતત પ્રગતિ થાય છે ? ઉદ્યોગો કેમ સફળ થાય છે?

    કારણ કે આ ક્ષેત્રોમાં કેવળ ઉતમ, પ્રજ્ઞાશીલ, શ્રેષ્ઠ લોકોનો જ આગ્રહ રખાય છે. ત્યાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષપાત વગેરે જોવાતાં નથી. જયારે પણ તેમાં ભૂલ થાય છે ત્યારે આ બધાં પણ નબળાં પડે છે. પણ મોટા ભાગે તેમાં સજાગ રીતે કામ થતું હોવાથી ઓછા બનાવો બને છે.

    પણ જ્ઞાન ક્ષેત્રમાં આવો આગ્રહ રખાતો નથી. તેમાં બધા જ ભેદભાવો ચાલે છે. તેમાં સાદા શિક્ષક હોય તો ચાલે, ગુરુનો આગ્રહ રખાતો નથી. પણ જ્ઞાન ક્ષેત્ર પણ કેવળને કેવળ ગુરુઓનો જ આગ્રહ રાખે છે. કેવળ ગુરુ જ શિષ્યની, વિદ્યાર્થીની પ્રજ્ઞાને પ્રગટાવવા સક્ષમ હોઈ શકે. જેની પ્રજ્ઞા પ્રગટ થઈ હોય, તે જ બીજાની પ્રજ્ઞાને પ્રગટાવી શકે. એક દીવો જ બીજા દીવાને પ્રગટાવી શકે. અંધારું પ્રકાશ ન આપી શકે. જે પોતે જ અંધારામાં, અજ્ઞાનમાં ગોથાં ખાતું હોય, તેના પાસેથી શ્રેષ્ઠની કેમ અપેક્ષા રાખી શકાય?

    હકીકતે જગતના કે દેશના બધા જ લોકો જન્મથી જ શ્રેષ્ઠ છે, પૂર્ણ છે, પણ આ પૂર્ણતા કે શ્રેષ્ઠતા સુષુપ્ત છે. તેને બહાર લાવવી પડે છે. પ્રગટાવવી પડે છે. તેને વ્યકત કરતાં શીખવું પડે છે. તેની તાલીમ લેવી પડે છે. તેની સાધના કરવી પડે છે. આ તાલીમ કેવળને કેવળ પ્રજ્ઞાશીલ લોકો જ આપી શકે. કૃષ્ણ તો બધા છે, પણ કૃષ્ણનું કૃષ્ણત્વ માત્ર સાંદીપની જ પ્રગટાવવી શકે.. રામનું રામત્વ માત્ર વશિષ્ઠ જ પ્રગટાવી શકે. નરેન્દ્રનું વિવેકાનંદત્વ માત્ર રામકૃષ્ણ જ પ્રગટાવી શકે.

    તે સમાજ શ્રેષ્ઠ છે જે રામકૃષ્ણ કે સાંદીપની કે વશિષ્ઠોને કામ કરવાની તક આપે છે. અલબત, આ બધાને સમાજના ટેકાની જરા પણ જરુર નથી હોતી. તેઓ જાતે જ શ્રેષ્ઠ હોય છે, પણ સમાજે તેનો ઉપયોગ કરવાનો કરવાની ક્ષમતા કેળવવાની છે. સમાજે તેને કામ કરવા માટે સ્વતંત્રતા આપવાની છે. પોતાની સંકુચિતતા તેમના પર ઢોળવાની નથી. માત્ર આવા લોકોને જ સહાય કરવાની છે. તો જ, માત્ર તો જ, સમાજને સતત પ્રજ્ઞાવાન લોકો મળતા રહેશે.

    જે સમાજ શ્રેષ્ઠને જ સન્માને છે, આદર આપે છે, કેવળ તે જ સમાજ પોતે શ્રેષ્ઠ બની શકે છે.

    કોઈ પણ વ્યકિત, કહેવાતી સામાન્ય કે નબળી વ્યકિત પણ, ચન્દ્રયાન બનાવી શકે છે, ગ્રહો પર જઈ શકે છે. એટલે કે બધા જ શ્રેષ્ઠત્વ સાથે જન્મે છે, તે જ સત્ય છે. પણ તેને પ્રગટાવવાની જવાબદારી તત્કાલીન સમાજ પર હોય છે. જેટલો સમાજ ઉદાર, ગ્રંથિસુકત, વિશાળ મગજ ધરાવતો, તેટલા વધારે પ્રજ્ઞાશીલ લોકો મળવાના. ઈતિહાસ સાક્ષી છે.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • ગાય ભાંભરી? ભરો વેરો!

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પ્રદૂષણ માટે માનવજાતે ભારે કિંમત ચૂકવવી પડશે એમ અવારનવાર કહેવાતું આવ્યું છે. આનો અર્થ આપણને થતા વિવિધ નુકસાનરૂપી કિંમતનો છે. પણ હવે આમાં એનો શાબ્દિક અર્થ એટલે કે નાણાંકીય કિંમતનો સમાવેશ પણ થશે.

    ડેન્‍માર્ક દેશમાં ઈ.સ.૨૦૩૦થી ખેડૂતો પર નવા જ પ્રકારનો વેરો લાદવાની ઘોષણા કરવામાં આવી છે અને આવો વેરો લાદવાનો પ્રસ્તાવ લાવનાર એ વિશ્વનો સહુ પ્રથમ દેશ છે. ગાય, ડુક્કર, ઘેટાં જેવું પશુધન ધરાવનાર ખેડૂતોને એ લાગુ પડશે. કારણ? આ પશુઓ મિથેનવાયુનો ઉત્સર્ગ કરે છે. મિથેન વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ માટે સૌથી વધુ જવાબદાર વાયુઓ પૈકીનો એક છે. ડેન્માર્કના કરવેરા મંત્રી યેપ્પે બ્રુસે જણાવ્યું છે કે ડેન્માર્કમાં મિથેન ઉત્સર્જનનું જે પ્રમાણ ૧૯૯૦માં હતું તેમાં ૨૦૩૦ સુધી ૭૦ ટકા જેટલો ઘટાડો કરવાનું લક્ષ્ય છે. પશુધન ધરાવતા ખેડૂતોએ અંગારવાયુના પ્રતિ ટન ત્રણ સો ક્રોનર એટલે કે આશરે ૪૩ યુ.એસ.ડોલર જેટલો વેરો ભરવાનો આવશે, જે ૨૦૩૫ સુધીમાં વધીને ૭૫૦ ક્રોનર એટલે કે આશરે ૧૦૮ યુ.એસ.ડોલર થશે. અલબત્ત, આવકવેરામાં મળતા ૬૦ ટકા વળતરને કારણે ખેડૂતોએ પ્રતિ ટન ૧૨૦ ક્રોનર એટલે કે ૧૭.૩  યુ.એસ.ડોલર ચૂકવવાના થશે, જે વધીને ૨૦૩૫ સુધીમાં ૩૦૦ ક્રોનરે પહોંચશે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    લૅન્ડફીલ તરીકે ઓળખાતી ઘન કચરો ઠાલવવાની ખુલ્લી જગ્યાઓ, તેલ અને કુદરતી વાયુપ્રણાલિઓ તેમજ પશુધન દ્વારા છોડવામાં આવતા મિથેનનું પ્રમાણ ૨૦૨૦થી ઝડપભેર વધી રહ્યું છે. યુનાઈટેડ નેશન્‍સ એન્વાયર્ન્મેન્ટ પ્રોગ્રામના જણાવ્યા અનુસાર ઉત્સર્જિત મિથેન વાયુમાંથી ૩૨ ટકા પશુધન દ્વારા કરવામાં આવે છે. મંત્રી બ્રુસના અનુસાર ૨૦૪૫ સુધીમાં ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ બનવા તરફનું આ મોટું પગલું તેઓ ભરી રહ્યા છે. ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ એટલે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનનું પ્રમાણ શૂન્ય કરી દેવું. કૃષિ પર વાસ્તવિક અંગારવાયુનો વેરો લગાવવાનો આરંભ કરનાર પહેલવહેલો દેશ ડેન્‍માર્ક હશે અને અન્ય દેશો પણ તેને અનુસરશે એમ તેમણે ઊમેર્યું હતું.

    ન્યુઝીલેન્‍ડે પણ લગભગ આવો જ કાયદો તૈયાર કરેલો છે, જેનો અમલ ૨૦૨૫થી થવાનો છે. જો કે, એ બાબતે ખાસ્સો ઊહાપોહ થતાં હમણાં કૃષિક્ષેત્રને તેમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવાયો છે.

    યુરોપભરના ખેડૂતો પોતપોતાના દેશની કૃષિનીતિ, ખાસ કરીને હવામાન સુધારણા અંગે લેવાતાં પગલાં  બાબતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેમ કે છેવટે તે રાહતમાં ઘટાડો કરે છે, અને ખેડૂતોને વધુ દેવાદાર બનાવે છે.

    આ વેરા થકી ઊભી થતી આવકનો ઊપયોગ સરકાર વૃક્ષો ઉછેરવામાં કરશે એમ કહેવાયું છે. બ્રિટીશ વડાપ્રધાન વિન્‍સ્ટન ચર્ચીલે કહેલું, ‘તેઓ હવા અને પાણી પર પણ વેરો લાદશે.’ અલબત્ત, આ વિધાન તેમણે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતના નેતાઓ સંદર્ભે કહેલું. પણ એ સાચું પુરવાર થઈ રહ્યું છે, અને કેવળ ભારતના નહીં, મોટા ભાગના દેશના નેતાઓ બાબતે.

    ગાય દ્વારા ઉત્સર્જિત મિથેન પર વેરો લાદીને આવક ઊભી કરવાનો જ મુખ્ય આશય હોય એમ જણાય છે, કેમ કે, વનીકરણ માટેનાં નાણાં સરકાર પાસે ન હોય એમ બને નહીં. ગાય, ઘેટું કે ડુક્કર કોઈ ઔદ્યોગિક એકમ નથી કે એના દ્વારા કરાતા વાયુના ઉત્સર્જનને નિયંત્રણમાં લાવી શકાય કે એ સદંતર બંધ કરી શકાય. એ

    આ પશુઓ પાળેલાં હોય કે ન હોય, તેમના શરીરતંત્રની પ્રણાલિ અનુસાર વાયુ ઉત્સર્જન તેઓ કરવાના જ છે. ખેડૂતોએ તેના માટે વેરો ભરવાનો આવે એ વાત પહેલી નજરે ગળે ઊતરે એમ નથી. જો કે, ગળે ન ઊતરી શકે એવી બાબતોનો અમલ કરવામાં શાસકો બહુ પાવરધા હોય છે, ચાહે એ ગમે તે દેશના કેમ ન હોય!

    શાસકોને કોઈ પણ પ્રકારના વેરાથી આવક ઊભી કરવી હોય એમ સતત લાગ્યા કરે છે. એ ઊભી કરવા માટે ઓઠું ગમે તે આગળ ધરવામાં આવે છે. ખરી જરૂર વાતાવરણને મોટા પાયે પ્રદૂષિત કરી રહેલા ઔદ્યોગિક એકમો પર નિયંત્રણ લાદવાની છે. ઉદ્યોગો અલબત્ત, જરૂરી છે, પણ તેના થકી ફેલાતું પ્રદૂષણ કંઈ માત્ર વેરામાં વધારો કરવાથી રોકી ન શકાય. ઉત્સર્જિત ઘન, પ્રવાહી અને વાયુની યોગ્ય ટ્રીટમેન્‍ટ થવી જોઈએ અને તે નિર્ધારીત માત્રામાં લવાય ત્યાર પછી જ તે બહાર છોડી શકાય એવો કાયદો મોટે ભાગે બનાવાયેલો હોય છે. નાણાં આ કાયદો, ઉત્સર્જિત ચીજોની માત્રાની મર્યાદા સહિત બધાને કોરાણે મૂકી દે છે. ઉદ્યોગોને આખી પ્રણાલિ ઊભી કરવાનો ખર્ચ લાગે છે, અને તેઓ તેને ટાળે છે. બીજી તરફ શાસકો માત્ર વેરા લાદીને આવક ઊભી કરે છે અને ‘કંઈક’ કર્યાનો સંતોષ લે છે. તદુપરાંત, ભ્રષ્ટાચાર માટેની બારી પણ તે ખોલી આપે છે.

    સરવાળે ભોગવવાનું સહુ કોઈના ભાગે આવે છે. પર્યાવરણને થતા નુકસાનનું વળતર ગમે એટલા નાણાંના વળતરથી સરભર કરી શકાય નહીં એ હકીકત છે. છેવટે જાળમાં આવે છે નાનાં માછલાં જેવા નાગરિકો. નાગરિકોની જવાબદારી અલબત્ત, ઓછી થતી નથી, પણ સમગ્રપણે જોઈએ તો તેમનું પ્રદૂષણ વધારવામાં પ્રદાન મોટા ઉદ્યોગોની સરખામણીએ ‘ઊંટના મોંમાં જીરાના વઘાર’થી વધુ હોતું નથી.

    ડેન્‍માર્કે પશુધન દ્વારા થતા વાયુઓના ઉત્સર્જન પર વેરો લાદવાની ઘોષણા કરી છે, તેને બીજા દેશો ન અનુસરે તો જ નવાઈ! કોને ખબર, પચીસ-પચાસ વરસ પછી મનુષ્ય દ્વારા ઉચ્છવાસમાં કઢાતા અંગારવાયુ પર પણ વેરો નખાય! અને પછી તેનું આવકવેરામાંથી વળતર અપાશે કે રાહત અપાશે. પ્રદૂષણમાં ઘટાડો થવો હોય તો થાય, ને ન થવો હોય તો ન થાય!


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૦૭ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)