વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મનના બે ચહેરા!

    હરેશ ધોળકિયા

    માત્ર ભારત જ નહીં, સમગ્ર જગત આકાશમાં વિસ્મયથી જોતું હતું કે કયારે ભારતનું ચન્દ્રાયન-૩ ચન્દ્ર પર ઉતરે છે. અવકાશ ક્ષેત્રમાં દાદુ મનાતું રશિયાનું ચન્દ્રયાન અચાનક છેલ્લી ઘડીએ નિષ્ફળ ગયું, પણ અવકાશમાં હજી પાપા પગલી ભરતાં,ભારતનું ચન્દ્રયાન-૩, એટલે કે ત્રીજું યાન ધીમે ધીમે પણ મકકમતાથી ચન્દ્રની સપાટી નજીક જતું હતું. આજ સુધી ઘણાં યાનો ચન્દ્રની સપાટી પર ઉતર્યાં છે, પણ આ યાન પહેલી વાર ચન્દ્રની દક્ષિણ બાજુ તરફ ઉતરવા માગતું હતું. આ ઉતરાણ ખૂબ જ વિશિષ્ટ અને સૂક્ષ્મ ટેકનીકલ ક્ષમતા માગે છે જે આ યાન કરવાનું હતું. અમેરિકા, ચીન, રશિયા, ફાન્સ- બધા અધ્ધર શ્વાસે આ ઘટનાને જોતા હતા.

    ભલે આ ઘટના પૂરી સફળ ન થઈ, પણ આ ઘટના નાની સૂની નથી. તે સૂક્ષ્મતમ બુધ્ધિ- પ્રજ્ઞા જ કહો- માગે છે. યાન બનાવવાથી લઈ તે અવકાશમાં જવાની શરુઆત કરે ત્યાંથી ચન્દ્ર પર ઉતરે, ત્યાં પળેપળ કામ કરે અને પૃથ્વી પર સતત સંદેશાઓ અને માહિતી મોકલતું રહે-આ બધાની જે તૈયારી કરવાની હોય છે તેનો વિચાર આપણને ગુંચવી નાખે છે. જયાં સાઈકલની ચેઈન ચડાવવી પણ મુશ્કેલ લાગતી હોય કે સ્કૂટરનો પ્લગ બદલાવવો પણ તકલીફ રુપ હોય, ત્યાં આ સૂક્ષ્મતમ કામગીરી કેમ થતી હશે તેની કલ્પના કરવી પણ લગભગ અશકય છે. દરેક પળના લાખમા ભાગમાં યાને કઈ કામગીરી કરવાની છે- ચાલુ રહે ત્યાં સુધી-તે બધું જ કમ્પ્યુટરમાં ફીડ કરવાનું છે. તેના પ્રોગ્રામ બનાવવાના હોય છે. આ પ્રોગ્રામ પાછા કોઈ પણ અડચણ વિના સતત ચાલુ રહે એ પણ જોવાનું હોય છે. અવકાશમાં કયાં વળાંક લેવાનો છે, કયારે લેવાનો છે, કઈ રીતે લેવાનો છે,

    આ બધું પણ પહેલેથી જ તૈયાર હોય છે. એક સેકન્ડની ગરબડ પણ ન ચાલી શકે. બીજી પળે યાન ખલાસ થઈ જાય.

    અને આ બધું વિજ્ઞાનીઓ કરે છે. તો વિચાર આવે કે આ વિજ્ઞાનીઓનાં ભેજાં કેવાં હશે! શું તાકાત હશે આ બુધ્ધિઓમાં !

    કઈ રીતે વિચારતા હશે તેઓ ! અને આ બધું જેણે પહેલી વાર શોઘ્યું હશે અને પ્રયોગો કર્યા હશે અને સફળતા મેળવી હશે તેનું

    ભેજું તો વળી કેવું જ હશે ! ! સ્તબ્ધ, ચકિત, બાઘા થઈ જવાય છે આ વિચારો કરવાથી. આ અદભુત યાન જે અદભુત રીતે કામ

    કરે છે અને તે કામ કરે માટે તેની જે અદભુત તૈયારી હોય છે, તો આ બધું કરનાર આ લોકોનાં મન કેવાં હશે ? શું તાકાત હશે આ મનોમાં ! કયા સ્તરની બુધ્ધિ હશે તેમની ? પ્રાચીન ત્રદષપિઓ, અવતારો કે જ્ઞાનીઓ જેવી બુધ્ધિ હશે તેમની ! એક પળમાં આદર થઈ જાય છે તેમના વિશે વિચારીએ છીએ ત્યારે. આવી પ્રજ્ઞાઓ સામે આપણે તો લઘુતાર્ગ્રાંથે જ અનુભવીએ.

    થોભો ! એવું ન વિચારો. મનોવિજ્ઞાન અને યોગ કહે છે કે જગતના બધા લોકો પાસે આવી જ બુધ્ધિ છે. ઈચ્છે તો બધા આવાં કલ્પનાતીત કામો કરી શકે છે. ધારે તો માત્ર ચન્દ્ર પર જ નહીં, બધા ગ્રહો પર જઈ શકે છે.

    ધારે તો !

    પણ જગત પર નજર પડે છે તો મોટા ભાગના લોકો બહુ જ સામાન્ય જીવન જીવતા જોવા મળે છે ! એંસી ટકા લોકો તો ખૂબ જ મઘ્યમ સ્થિતિમાં જીવે છે. નથી તેમના પાસે જરુરી સગવડો, નથી પૂરતા પૈસા, નથી આરોગ્ય, નથી તેમની ઈચ્છાઓ પૂરી થતી. આ બધા જ લોકો અભાવોમાં જ જીવન પસાર કરી નાખે છે. જો એમ કહેવાતું હોય કે બધા પાસે આ અદભુત લોકો

    જેવી જ બુધ્ધિ છે, તો આ બધા હેરાન કેમ થયા કરે છે ? સામાન્ય જીવન કેમ જીવે છે ? અવકાશમાં જવું તો ઘેર ગયું, પણ તેઓ તો પોતાની સામાન્ય ઈચ્છાઓ પણ પૂરી કરી શકતા નથી. તો પછી કેમ કહી શકાય કે ” બધા” પાસે આવી જ પ્રજ્ઞા છે ! હા, કેટલાક પાસે હોઈ શકે, અથવા તો છે, પણ બધા પાસે ? શકય જ નથી.

    ફરી થોભો ! આકોશ કાઢવાની છૂટ છે, પણ આ આક્રોશ સાચો નથી. માણસ વિશે જે અભિપ્રાય અપાયો છે તે સંપૂર્ણ સાચો છે. હા, ” બધા” જ આવી પ્રજ્ઞા ધરાવે છે. બધા !

    પણ દેખાતું તો નથી ?

    દેખાય નહીં માટે હોય નહીં એમ માનવું તો અતાર્કિક મનાય. સવારે તારા નથી દેખાતા, તો શું આકાશમાં તારા નથી હોતા ? ઈશ્વર નથી દેખાતો, તો શું ઈશ્વર નથી ? હું ન અનુભવું માટે બધું અસત્ય ?

    પણ પોણી દુનિયા તો સામાન્ય છે જ ને!

    દુનિયા સામાન્ય છે એ વાત સાચી, પણ સામાન્ય રહેવું ફરજિયાત નથી. પ્રજ્ઞાવાન બની શકાય છે.

    પણ એ કેમ શકય છે?

    શકયનો સવાલ જ નથી. પ્રજ્ઞાવાન છે જ બધા. જન્મથી. પળેપળ. મુદો એ નથી કે બધા પ્રજ્ઞાવાન છે કે નહીં, સમસ્યા એ છે કે તેમને તેની જાણ નથી.

    પણ કેમ ખબર નથી ?

    હા, તેનો જવાબ મળતો નથી. પણ સાદો જવાબ છે અજ્ઞાન. પોતા વિશેનું અજ્ઞાન. કદાચ પૂછાય કે આ અજ્ઞાન કયાંથી આવ્યું ? તો જવાબ છે તાલીમનો અભાવ. ખોટું અથવા અધૂરું શિક્ષણ.સમાજને આ ભાન માત્રને માત્ર સમાજમાંના પ્રજ્ઞાશીલ લોકો જ કરાવી શકે. એટલે કે શિક્ષણમાં માત્ર પ્રજ્ઞાશીલ લોકો જ હોવા જોઈએ. આવા લોકો જ તેમાં દાખલ થાય તે જરુરી છે. સમાજ અને સરકારનું કામ જ એ છે કે તે શિક્ષણમાં દેશનાં શ્રેષ્ઠ વ્યકિતત્વોને જ નીમે. તેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, રિઝર્વેશન, પક્ષવાદ-કશું જ ન ચાલે. કદાચ એમ કહી શકાય કે આવા વ્યર્થ મુદાઓ સમાજમાં ચાલે કે ટકે છે તેનું કારણ જ એ છે કે સમાજ પ્રજ્ઞાશીલ લોકોને આગળ નથી કરતો. સમાજ પક્ષપાતી છે માટે જ પછાતપણું ટકી રહ્યું છે. ભેદભાવ ચાલુ રહી શકયો છે. કેવળ સંકુચિત સમાજમાં જ આવી નકામી અને વ્યર્થ બાબતો ટકી શકતી હોય છે. કદાચ બીજાં ક્ષેત્રોમાં હોય તો વાંધો ન હોય, પણ જ્ઞાનના ક્ષેત્રમાં તો માત્રને માત્ર પ્રજ્ઞાશીલ લોકો જ ચાલે. તેઓ જ હોવા જોઈએ.

    ચન્દ્રયાનો કેમ સફળ જાય છે ? ફિલ્મો ઉતમ કેમ બને છે ? વિશ્વ કપ કેમ જીતી શકીએ છીએ ? ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં કેમ સતત પ્રગતિ થાય છે ? ઉદ્યોગો કેમ સફળ થાય છે?

    કારણ કે આ ક્ષેત્રોમાં કેવળ ઉતમ, પ્રજ્ઞાશીલ, શ્રેષ્ઠ લોકોનો જ આગ્રહ રખાય છે. ત્યાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષપાત વગેરે જોવાતાં નથી. જયારે પણ તેમાં ભૂલ થાય છે ત્યારે આ બધાં પણ નબળાં પડે છે. પણ મોટા ભાગે તેમાં સજાગ રીતે કામ થતું હોવાથી ઓછા બનાવો બને છે.

    પણ જ્ઞાન ક્ષેત્રમાં આવો આગ્રહ રખાતો નથી. તેમાં બધા જ ભેદભાવો ચાલે છે. તેમાં સાદા શિક્ષક હોય તો ચાલે, ગુરુનો આગ્રહ રખાતો નથી. પણ જ્ઞાન ક્ષેત્ર પણ કેવળને કેવળ ગુરુઓનો જ આગ્રહ રાખે છે. કેવળ ગુરુ જ શિષ્યની, વિદ્યાર્થીની પ્રજ્ઞાને પ્રગટાવવા સક્ષમ હોઈ શકે. જેની પ્રજ્ઞા પ્રગટ થઈ હોય, તે જ બીજાની પ્રજ્ઞાને પ્રગટાવી શકે. એક દીવો જ બીજા દીવાને પ્રગટાવી શકે. અંધારું પ્રકાશ ન આપી શકે. જે પોતે જ અંધારામાં, અજ્ઞાનમાં ગોથાં ખાતું હોય, તેના પાસેથી શ્રેષ્ઠની કેમ અપેક્ષા રાખી શકાય?

    હકીકતે જગતના કે દેશના બધા જ લોકો જન્મથી જ શ્રેષ્ઠ છે, પૂર્ણ છે, પણ આ પૂર્ણતા કે શ્રેષ્ઠતા સુષુપ્ત છે. તેને બહાર લાવવી પડે છે. પ્રગટાવવી પડે છે. તેને વ્યકત કરતાં શીખવું પડે છે. તેની તાલીમ લેવી પડે છે. તેની સાધના કરવી પડે છે. આ તાલીમ કેવળને કેવળ પ્રજ્ઞાશીલ લોકો જ આપી શકે. કૃષ્ણ તો બધા છે, પણ કૃષ્ણનું કૃષ્ણત્વ માત્ર સાંદીપની જ પ્રગટાવવી શકે.. રામનું રામત્વ માત્ર વશિષ્ઠ જ પ્રગટાવી શકે. નરેન્દ્રનું વિવેકાનંદત્વ માત્ર રામકૃષ્ણ જ પ્રગટાવી શકે.

    તે સમાજ શ્રેષ્ઠ છે જે રામકૃષ્ણ કે સાંદીપની કે વશિષ્ઠોને કામ કરવાની તક આપે છે. અલબત, આ બધાને સમાજના ટેકાની જરા પણ જરુર નથી હોતી. તેઓ જાતે જ શ્રેષ્ઠ હોય છે, પણ સમાજે તેનો ઉપયોગ કરવાનો કરવાની ક્ષમતા કેળવવાની છે. સમાજે તેને કામ કરવા માટે સ્વતંત્રતા આપવાની છે. પોતાની સંકુચિતતા તેમના પર ઢોળવાની નથી. માત્ર આવા લોકોને જ સહાય કરવાની છે. તો જ, માત્ર તો જ, સમાજને સતત પ્રજ્ઞાવાન લોકો મળતા રહેશે.

    જે સમાજ શ્રેષ્ઠને જ સન્માને છે, આદર આપે છે, કેવળ તે જ સમાજ પોતે શ્રેષ્ઠ બની શકે છે.

    કોઈ પણ વ્યકિત, કહેવાતી સામાન્ય કે નબળી વ્યકિત પણ, ચન્દ્રયાન બનાવી શકે છે, ગ્રહો પર જઈ શકે છે. એટલે કે બધા જ શ્રેષ્ઠત્વ સાથે જન્મે છે, તે જ સત્ય છે. પણ તેને પ્રગટાવવાની જવાબદારી તત્કાલીન સમાજ પર હોય છે. જેટલો સમાજ ઉદાર, ગ્રંથિસુકત, વિશાળ મગજ ધરાવતો, તેટલા વધારે પ્રજ્ઞાશીલ લોકો મળવાના. ઈતિહાસ સાક્ષી છે.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • ગાય ભાંભરી? ભરો વેરો!

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પ્રદૂષણ માટે માનવજાતે ભારે કિંમત ચૂકવવી પડશે એમ અવારનવાર કહેવાતું આવ્યું છે. આનો અર્થ આપણને થતા વિવિધ નુકસાનરૂપી કિંમતનો છે. પણ હવે આમાં એનો શાબ્દિક અર્થ એટલે કે નાણાંકીય કિંમતનો સમાવેશ પણ થશે.

    ડેન્‍માર્ક દેશમાં ઈ.સ.૨૦૩૦થી ખેડૂતો પર નવા જ પ્રકારનો વેરો લાદવાની ઘોષણા કરવામાં આવી છે અને આવો વેરો લાદવાનો પ્રસ્તાવ લાવનાર એ વિશ્વનો સહુ પ્રથમ દેશ છે. ગાય, ડુક્કર, ઘેટાં જેવું પશુધન ધરાવનાર ખેડૂતોને એ લાગુ પડશે. કારણ? આ પશુઓ મિથેનવાયુનો ઉત્સર્ગ કરે છે. મિથેન વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ માટે સૌથી વધુ જવાબદાર વાયુઓ પૈકીનો એક છે. ડેન્માર્કના કરવેરા મંત્રી યેપ્પે બ્રુસે જણાવ્યું છે કે ડેન્માર્કમાં મિથેન ઉત્સર્જનનું જે પ્રમાણ ૧૯૯૦માં હતું તેમાં ૨૦૩૦ સુધી ૭૦ ટકા જેટલો ઘટાડો કરવાનું લક્ષ્ય છે. પશુધન ધરાવતા ખેડૂતોએ અંગારવાયુના પ્રતિ ટન ત્રણ સો ક્રોનર એટલે કે આશરે ૪૩ યુ.એસ.ડોલર જેટલો વેરો ભરવાનો આવશે, જે ૨૦૩૫ સુધીમાં વધીને ૭૫૦ ક્રોનર એટલે કે આશરે ૧૦૮ યુ.એસ.ડોલર થશે. અલબત્ત, આવકવેરામાં મળતા ૬૦ ટકા વળતરને કારણે ખેડૂતોએ પ્રતિ ટન ૧૨૦ ક્રોનર એટલે કે ૧૭.૩  યુ.એસ.ડોલર ચૂકવવાના થશે, જે વધીને ૨૦૩૫ સુધીમાં ૩૦૦ ક્રોનરે પહોંચશે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    લૅન્ડફીલ તરીકે ઓળખાતી ઘન કચરો ઠાલવવાની ખુલ્લી જગ્યાઓ, તેલ અને કુદરતી વાયુપ્રણાલિઓ તેમજ પશુધન દ્વારા છોડવામાં આવતા મિથેનનું પ્રમાણ ૨૦૨૦થી ઝડપભેર વધી રહ્યું છે. યુનાઈટેડ નેશન્‍સ એન્વાયર્ન્મેન્ટ પ્રોગ્રામના જણાવ્યા અનુસાર ઉત્સર્જિત મિથેન વાયુમાંથી ૩૨ ટકા પશુધન દ્વારા કરવામાં આવે છે. મંત્રી બ્રુસના અનુસાર ૨૦૪૫ સુધીમાં ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ બનવા તરફનું આ મોટું પગલું તેઓ ભરી રહ્યા છે. ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ એટલે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનનું પ્રમાણ શૂન્ય કરી દેવું. કૃષિ પર વાસ્તવિક અંગારવાયુનો વેરો લગાવવાનો આરંભ કરનાર પહેલવહેલો દેશ ડેન્‍માર્ક હશે અને અન્ય દેશો પણ તેને અનુસરશે એમ તેમણે ઊમેર્યું હતું.

    ન્યુઝીલેન્‍ડે પણ લગભગ આવો જ કાયદો તૈયાર કરેલો છે, જેનો અમલ ૨૦૨૫થી થવાનો છે. જો કે, એ બાબતે ખાસ્સો ઊહાપોહ થતાં હમણાં કૃષિક્ષેત્રને તેમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવાયો છે.

    યુરોપભરના ખેડૂતો પોતપોતાના દેશની કૃષિનીતિ, ખાસ કરીને હવામાન સુધારણા અંગે લેવાતાં પગલાં  બાબતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેમ કે છેવટે તે રાહતમાં ઘટાડો કરે છે, અને ખેડૂતોને વધુ દેવાદાર બનાવે છે.

    આ વેરા થકી ઊભી થતી આવકનો ઊપયોગ સરકાર વૃક્ષો ઉછેરવામાં કરશે એમ કહેવાયું છે. બ્રિટીશ વડાપ્રધાન વિન્‍સ્ટન ચર્ચીલે કહેલું, ‘તેઓ હવા અને પાણી પર પણ વેરો લાદશે.’ અલબત્ત, આ વિધાન તેમણે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતના નેતાઓ સંદર્ભે કહેલું. પણ એ સાચું પુરવાર થઈ રહ્યું છે, અને કેવળ ભારતના નહીં, મોટા ભાગના દેશના નેતાઓ બાબતે.

    ગાય દ્વારા ઉત્સર્જિત મિથેન પર વેરો લાદીને આવક ઊભી કરવાનો જ મુખ્ય આશય હોય એમ જણાય છે, કેમ કે, વનીકરણ માટેનાં નાણાં સરકાર પાસે ન હોય એમ બને નહીં. ગાય, ઘેટું કે ડુક્કર કોઈ ઔદ્યોગિક એકમ નથી કે એના દ્વારા કરાતા વાયુના ઉત્સર્જનને નિયંત્રણમાં લાવી શકાય કે એ સદંતર બંધ કરી શકાય. એ

    આ પશુઓ પાળેલાં હોય કે ન હોય, તેમના શરીરતંત્રની પ્રણાલિ અનુસાર વાયુ ઉત્સર્જન તેઓ કરવાના જ છે. ખેડૂતોએ તેના માટે વેરો ભરવાનો આવે એ વાત પહેલી નજરે ગળે ઊતરે એમ નથી. જો કે, ગળે ન ઊતરી શકે એવી બાબતોનો અમલ કરવામાં શાસકો બહુ પાવરધા હોય છે, ચાહે એ ગમે તે દેશના કેમ ન હોય!

    શાસકોને કોઈ પણ પ્રકારના વેરાથી આવક ઊભી કરવી હોય એમ સતત લાગ્યા કરે છે. એ ઊભી કરવા માટે ઓઠું ગમે તે આગળ ધરવામાં આવે છે. ખરી જરૂર વાતાવરણને મોટા પાયે પ્રદૂષિત કરી રહેલા ઔદ્યોગિક એકમો પર નિયંત્રણ લાદવાની છે. ઉદ્યોગો અલબત્ત, જરૂરી છે, પણ તેના થકી ફેલાતું પ્રદૂષણ કંઈ માત્ર વેરામાં વધારો કરવાથી રોકી ન શકાય. ઉત્સર્જિત ઘન, પ્રવાહી અને વાયુની યોગ્ય ટ્રીટમેન્‍ટ થવી જોઈએ અને તે નિર્ધારીત માત્રામાં લવાય ત્યાર પછી જ તે બહાર છોડી શકાય એવો કાયદો મોટે ભાગે બનાવાયેલો હોય છે. નાણાં આ કાયદો, ઉત્સર્જિત ચીજોની માત્રાની મર્યાદા સહિત બધાને કોરાણે મૂકી દે છે. ઉદ્યોગોને આખી પ્રણાલિ ઊભી કરવાનો ખર્ચ લાગે છે, અને તેઓ તેને ટાળે છે. બીજી તરફ શાસકો માત્ર વેરા લાદીને આવક ઊભી કરે છે અને ‘કંઈક’ કર્યાનો સંતોષ લે છે. તદુપરાંત, ભ્રષ્ટાચાર માટેની બારી પણ તે ખોલી આપે છે.

    સરવાળે ભોગવવાનું સહુ કોઈના ભાગે આવે છે. પર્યાવરણને થતા નુકસાનનું વળતર ગમે એટલા નાણાંના વળતરથી સરભર કરી શકાય નહીં એ હકીકત છે. છેવટે જાળમાં આવે છે નાનાં માછલાં જેવા નાગરિકો. નાગરિકોની જવાબદારી અલબત્ત, ઓછી થતી નથી, પણ સમગ્રપણે જોઈએ તો તેમનું પ્રદૂષણ વધારવામાં પ્રદાન મોટા ઉદ્યોગોની સરખામણીએ ‘ઊંટના મોંમાં જીરાના વઘાર’થી વધુ હોતું નથી.

    ડેન્‍માર્કે પશુધન દ્વારા થતા વાયુઓના ઉત્સર્જન પર વેરો લાદવાની ઘોષણા કરી છે, તેને બીજા દેશો ન અનુસરે તો જ નવાઈ! કોને ખબર, પચીસ-પચાસ વરસ પછી મનુષ્ય દ્વારા ઉચ્છવાસમાં કઢાતા અંગારવાયુ પર પણ વેરો નખાય! અને પછી તેનું આવકવેરામાંથી વળતર અપાશે કે રાહત અપાશે. પ્રદૂષણમાં ઘટાડો થવો હોય તો થાય, ને ન થવો હોય તો ન થાય!


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૦૭ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

     

  • સંસ્પર્શ : ૨

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

     

    ‘ગાય તેના ગીત’ આવું નામ આપી, ક્યારેક વાદળને વરસાદ સાથે વાત કરતા તો ક્યારેક પ્રેમની પરિભાષા શીખવતા ગીત ધ્રુવદાદાએ લખ્યાં છે. ક્યારેક માછલીની આંખની ભીનાશને વર્ણવતાં, લય અને શબ્દોનાં સાયુજ્ય સાથે દરિયો, ડુંગરા,અને ગાઢ જંગલોમાં અનહદનો અનાહત નાદ સંભળાવતાં ધ્રુવદાદાનાં ગીતો તેમણે ગાનારનાં કરી દીધાં છે. આજનાં કલિયુગમાં લેખકો, કવિઓ અને સાહિત્યકારો પોતાની લખેલ એક લીટી કે શબ્દ માટે પણ પોતાના નામની માંગણી કરે છે, ત્યારે દાદાએ તો પોતાની લય સાથે વહાવેલી લાગણીઓને ગીત ગાનારાને નામે કરી દીધી છે.

    ધ્રુવદાદા તેમના ગીતો ગાનાર સાથે પ્રેમથી વહેંચતા કહે છે,

    ‘તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
    તે ગીત કહો મારા કહેવાય કઈરીતે?

    ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે કે ચાલ જઈ કંઠ કંઠ મ્હાલીએ
    આપણે તે એવડાં તો કેવડાં કે મારું છે ચાલ કહી ગજવામાં ઘાલીએ

    જે પ્રેમ કરી પામે તે જીતે
    તે ગીત હવે મારાં કહેવાય કઈ રીતે..’

    આમ ગીતને સૌ ગાનારનાં કરી દેનાર ધ્રુવદાદા પર એક દિવસ કલક્ત્તાનાં એક બાઉલનો (baul)ફોન આવ્યો કે ‘ધ્રુવદાદા મને તમારું એક ગીત મોકલો મારે તમારું ગીત ગાવું છે.’

    આ બાઉલને તેમણે ગીત લખીને મોકલ્યું અને બાઉલ એટલે કોણ અને તે લોકોની શરુઆત કરનાર લાલોનની સુંદર વાત દાદાએ કરી હતી તે કહું.

    “બંગાળ અને કલકત્તાની એવી એક જાતિના લોકો છે જે તંત્ર, વૈષ્ણવ, સુફીઝમ, બૌદ્ધિઝમ જેવા ધર્મોને ભેગા કરી બનાવેલ જુદા ધર્મમાં માને છે અને ગાઈ બજાવી પોતાનું ગુજરાન ચલાવે છે.  બાઉલ લોકો ભગવા કપડાં પહેરી ભજનો પોતાની મસ્તીમાં મસ્ત થઈ ગાય છે. બાઉલ શબ્દ Vtula પરથી આવ્યો છે. Vtula means Vyakula. બાઉલને લોકો પાગલ ગણે છે, પણ બાઉલ લોકો પોતાના ગીત-સંગીત અને ભજનોમાં મસ્ત બની ભગવાન સાથે જોડાઈ જવા માંગે છે. તેમને નાતજાત, ધર્મના વાડા નથી હોતા. દાદાએ આ બાઉલ પ્રથાની શરુઆત કેવી રીતે થઈ તેની પણ વાત સરસ રીતે સમજાવી હતી.

    લાલોન નામનો એક છોકરો હતો. તે તેના શેઠ સાથે કામ કરતો હતો. શેઠને જગન્નાથપુરી જવાનું થયું તો આ લાલન પણ શેઠની પાલખી સાથે ચાલે અને શેઠને પાણી કે જે વસ્તુ જોઈએ તે લાવી આપી, પાલખી જોડે ચાલતાં ચાલતાં શેઠની સેવા કરે. રસ્તામાં હતાં ત્યાં જ લાલોનને શીતળા નીકળ્યા એટલે શેઠ તેને રસ્તામાં છોડીને આગળ નીકળી ગયાં. લાલોનને બેભાન અવસ્થામાં જોઈ એક મુસ્લિમ દંપતી લાલોનને પોતાને ઘેર લઈ ગયાં અને તેની સેવા કરીને સાજો કર્યો. સાજા થઈ ગયાં પછી લાલોન તેના ઘેર પાછો ગયો તો તેના માતા-પિતાએ અને ગામનાં લોકોએ ‘તું વટલાઈ ગયો છે’ કહી, ઘરમાંથી કાઢી મૂક્યો. લાલોનને કંઈ સમજાયું નહીં કે ‘હું કેવીરીતે વટલાઈ ગયો? ‘આ ધર્મ અને નાત-જાતનાં ભેદભાવ પર તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તે ગામને છેવાડે જઈ, ફકીર બની તંબૂરા સાથે ભજન ગાઈ રહેવા લાગ્યો. આ લાલનની સાથે જે લોકો જોડાયા તે બાઉલ લોકો ગામનાં છેવાડે ભજન ગાઈને પોતાનો જીવન નિર્વાહ કરે અને આ લોકો બાઉલ તરીકે બંગાળ અને કલકત્તામાં ઓળખાય છે. બાઉલ ફકીરો ભગવા કપડાં પહેરી ભજનો ગાય છે અને કોઈ નાત-જાતનાં કે ધર્મનાં વાડામાં માનતા નથી.

    જે નાતજાત અને ધર્મનાં વાડામાં પોતે પણ નથી માનતા અને પોતાનાં ગીત ગાઈને પ્રકૃતિ સાથે જોડાઈ પરમ સાથે જોડાવવાનો આનંદ લે છે તે બાઉલ માટે ધ્રુવદાદાએ “અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું“ જેવું સરસ ગીત લખીને મોકલ્યું .આ ગીત તેમનાં “ગાય તેનાં ગીત” પુસ્તકની પ્રસ્તાવનાનું ગીત છે.

    હમણાં જ ક્યાંક સાંભળ્યું હતું કે અંતરમાં અજવાળા પાથરવા અજવાળાનાં સાત મેઘધનુષ રંગોની જરુર પડે. તે રંગો છે જ્ઞાન, સત્ય, પ્રેમ, સર્જન, સેવા, શ્રદ્ધા અને આનંદનાં..આ સાત રંગો તમે પામી શકો તો તમે જીવનમાં અજવાળું પ્રાપ્ત કરી શકો. સ્વપ્નવત્ જીવનમાંથી જ્ઞાનનાં પ્રકાશને પાથરી ભીતરને જગાડવાનું છે. ધ્રુવદાદાએ કેટલી સરસ વાત કરી કે ‘નીંદર ઓઢી તું આંખો ખોલ.’ પ્રેમ અને સત્યનાં જ્ઞાનથી કરાએલ આ સર્જનનો સ્પર્શ મને કોઈ અનોખા આનંદ તરફ ખેંચી જાય છે. આગળનાં શબ્દો તો જુઓ,

    અમે પરોઢિયે વહી આવ્યો ટહુકો સાંભળ્યો,
    વૃક્ષોને પૂછ્યું કોનો આ બોલ

    પાને-પાન ઊછળતી ચમકી ચાંદની
    શબદ કહે તું સાતે સાંકળ તોડ

    શબદની સાંકળ ખોલી બોલવાનું નથી પણ મૌનનો મહિમા કરવાનું આપણને ધ્રુવદાદા શીખવે છે. માણસ સૌથી ખુશ ક્યારે થાય છે? જ્યારે તે પોતાની જાતને ભૂલી પ્રકૃતિનાં સર્જનમાં ખોવાઈ જાય છે. હિમાલયનાં બરફાચ્છાદિત પહાડોની વાદીઓમાં, ખળખળ વહેતી નદીનાં પ્રવાહ પાસે, કૈલાસની પરિક્રમા કરતાં ,૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ પૂનમની રાતે, નભમંડળનાં ચમકતાં તારલાઓની રજાઈ નીચે ઊભા રહી, ખુદને ભૂલી ચાંદની રાતમાં ખોવાઈ જાવ તે જ શું મોક્ષ નથી?

    સત્ ચિત્ આનંદ એટલે સ્વ ને ભૂલી જવું. એ અનુભવ જ રુચિકર,અદ્વિતીય,અનોખો અને અદ્ભૂત હોય છે. પ્રકૃતિ પાસે જવા માણસ પ્રેરાય છે કે તેની પાસે જઈ માણસ એવો આનંદ મેળવે છે કે તે મેળવ્યા પછી તે બધું ભૂલી એમાં ખોવાઈ જાય છે. બધું ભૂલી, તમારી જાતને પણ ભૂલી, ખોવાઈ જવું તે જ મોક્ષ અને તે જ ધ્યાન નથી શું?

    અજવાળાની યાત્રા સહેલી નથી પણ ધ્રુવદાદાની આંગળી પકડી ચાલીશું તો જરૂર સફરમાં આગળ વધાશે ખરું.  દાદા આપણને રસ્તો બતાવવા દીવો તો ધરશે જ. શબદને છોડી, અક્ષરને ગ્રંથોમાં વાંચી રટવા કે ઓળખવાનો બદલે દાદા શું કરવાનું કહે છે તે તો સાંભળો,

    અમે ગ્રંથોને ખોલ્યા ને કોરા સાંભળ્યા
    અક્ષર બોલ્યા ઓળખવાનું છોડ

    અમે
    ‘નહીં ગુરુ’ ‘નહીં જ્ઞાન ‘લઈ નીકળ્યા
    ડુંગર માથે રણકી ઊઠ્યા ઢોલ.

    અને મને યાદ આવે છે કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ ,

    ‘તું રાખ ભરોસો ખુદપર, તું શાને શોધે છે ફરીસ્તાઓ,
    સમંદરનાં પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
    તોય શોધી લે છે રસ્તાઓ…..’

    આપણે ત્યાં કવિવર ટાગોરની, શરદબાબુ અને બંકીમચંદ્રની કવિતાઓ અને વાર્તાઓના બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયા છે અને આપણે વાંચ્યાં છે.

    પણ ધ્રુવદાદાનું આ બાઉલ લોકોને માટે લખીને મોકલેલું ગીત

    ‘અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું, માટી ફંફોસી તો મહોર્યા મોલ’ નો  તે લોકોએ બંગાળીમાં અનુવાદ કરીને ભાવથી ગાયું.

    ધ્રુવદાદાનાં ગીતો તેમણે પાઠ્યપુસ્તકનાં ઇતિહાસને ચાતરીને મનુષ્યનાં નૈસર્ગિક ઇતિહાસને સમજવા મથતાં માનવબાળને અર્પણ કર્યા છે. શબનમ વિરમાણી, વિપુલ રીખી, રાસબિહારી દેસાઈ, જન્મેજય વૈધ, ક્ષેમુભાઈ દિવેટીયા,અમર ભટ્ટ જેવા ખૂબ ઊંચાં ગજાનાં અને હવે તો નીલા ફિલ્મ્સનાં અનેક સુંદર ગાયકોએ ધ્રુવગીત ગાઈ ઘ્રુવગીતને પોતાનાં સ્વર આપી આપણા સુધી પહોંચાડ્યાં છે.

    ધ્રુવદાદાનાં આવા જ મનને પ્રફુલ્લિત કરી મોજ કરાવતાં અને જીવનની સાચી ફિલસુફી સહજતાથી સમજાવતાં બીજા ગીતની વાત કરતાં મળીશું આવતા અંકે.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • લક્ષ્ય કે એનું મસમોટું નામ ગૌણ છે. એ તમને દોડતા રાખે છે અને એના કારણે જે મુસાફરી થાય એનું મહત્વ છે.

    સંવાદિતા

    મેં જે કંઈ કહ્યું અથવા કર્યું એના પરથી હું કોણ હતો એ નક્કી કરવાની કોશિશ ન કરતા.

    – કેવેફી

    ભગવાન થાવરાણી

    કોન્સ્ટન્ટટાઈન પી કેવેફી ( ૧૮૬૩ – ૧૯૩૩ ) વીસમી સદીના ગ્રીસ અને યુરોપના શ્રેષ્ઠ કવિઓમાંના એક ગણાય છે . ગ્રીક હોવા છતાં જીવન આખું એમણે એલેક્ઝાન્ડ્રિયા ( ઈજીપ્ત ), ઇંગ્લેન્ડ અને કોન્સ્ટેનટીનોપોલ ( ઇસ્તંબુલ – તુર્કી ) માં વિતાવ્યું અને એલેક્ઝાન્ડ્રિયામાં જ બરાબર પોતાની 70 મી જન્મતિથિએ કેન્સરથી અવસાન પામ્યા. એમની કવિતાઓ એમના હયાતીકાળ દરમિયાન માત્ર ચોપાનિયા અને હસ્તપ્રતો રૂપે એમના અંગત મિત્રોમાં ફરતી રહી.એ જગત સમક્ષ ગ્રીકમાંથી અંગ્રેજી અનુવાદરૂપે આવી એમના મૃત્યુના બે વર્ષ બાદ.
    એમની કુલ ૧૫૪ કવિતાઓ ના વિષયો મુખ્યત્વે ઇતિહાસ અને શૃંગાર (સમલૈંગિકતા )છે. મજાની વાત એ કે કવિતાના આ બંને પ્રકારોને આ કવિ અભિન્ન રીતે એક જ પરિઘમાં આવરી લે છે. લોકો સુધી પોતાની કવિતાઓ પહોંચાડવા પ્રત્યે એ ઘોર ઉદાસીન હતા. કદાચ એટલા માટે કે પહેલા વાંચને એમની કોઈ રચના ભાગે જ ભાવક સમક્ષ ઉઘડી શકતી.  એ વર્તમાનના નહીં, ‘વીતેલી અને ભાવિ પેઢીઓના’ કવિ હતા. એમની સૌથી અગત્યની કવિતાઓ એમની જિંદગીના પાછલા વર્ષોમાં રચાઈ.
    પોતાની કવિતાઓમાં એ જે જાતિય ચિત્રણો કરે છે એ અલ્પકાલીન સંબંધોના છે. એમની કવિતાઓમાં પ્રેમ એ શારીરિક ઉત્તેજનાથી વિશેષ કશું જ નથી અને એ એવો દંભ પણ કરતા નથી કે ઇન્દ્રિઓના ઉપભોગમાં કોઈ અપરાધ-ભાવ છે. ‘એ પેસેજ ટુ ઇન્ડિયા ‘ નવલકથા લખનાર વિખ્યાત અંગ્રેજ લેખક ઇ એમ ફોર્સ્ટર એમના પરમ પ્રશંસક હતા. એ કેવેફી વિશે લખે છે, ‘ આવા લેખક લોકપ્રિય ક્યારેય ન બની શકે. કેવેફી ધીમે અને બહુ ઊંચે ઉડનારા સર્જક છે. એમનામાં વિતરાગીનું બળ છે, જેને વિશ્વનો ભય નથી. એ અવિચળ અને વિશ્વથી સહેજ ત્રાંસા ખૂણે ઊભા રહે છે. એ નશ્વરતા, સૌંદર્ય કે નિરાશા વિશે લખે તો પણ એની ભાષા અને પદ્ધતિ આગવી જ.
    કેવેફી એલેક્ઝાન્ડ્રિયાના પોતાના નિવાસસ્થાન વિશે લખે છે, ‘ આનાથી સુંદર કઈ જગ્યા હોય !  મારા ઘરની નીચે જ વેશ્યાલય,  એનાથી થોડેક દૂર સર્વે ગુનાઓની માફી આપવું ચર્ચ અને અને ત્યાંથી સ્હેજ આગળ મૃત્યુને પામી શકીએ એવી હોસ્પિટલ ! ‘
    એમની સૌથી જાણીતી અને ચર્ચિત કેટલીક કવિતાઓના શીર્ષક છે બપોરનો સૂર્ય, શહેર, દુશ્મનો, પગલાં, બર્બર સેનાની પ્રતિક્ષામાં અને ઈથાકા. તેમની એક મહાન કવિતા ‘ઇથાકા’નો ભાવાનુવાદ જોઈએ એ પહેલા ઈથાકા વિશે થોડુંક.
    ઈથાકા એ ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ઓડિસીમાં દર્શાવાયેલો એક કાલ્પનિક ટાપુ છે જે એના નાયક ઓડિશિયસનું વતન છે. લાંબા યુદ્ધ પછી એને ત્યાં પાછા ફરવું છે. એક રીતે એ પ્રતીક છે જીવનભર જેના માટે પ્રયત્નશીલ હોઈએ એવી કોઈક ઝંખનાનું, મુસાફરીના અંતનું, અંતિમ લક્ષ્યનું !
                           : ઈ થા કા :
    તમે ઈથાકા માટે નીકળો
    ત્યારે આશા એવી રાખજો
    કે પ્રવાસ સુદીર્ઘ હોય
    સાહસ અને નવી શોધોથી ભરપૂર
    માણસખાઉ રાક્ષસો, એક-આંખાળા પિશાચો અને ક્રોધિત ભૂકંપ-દેવ રસ્તામાં મળે તો
    મૂંઝાશો નહીં
    જ્યાં સુધી વિચારો ઉન્નત રાખશો
    જ્યાં સુધી કોઈ વીરલ ઉત્તેજના
    તમારા સત્વ-તત્વને ચલાયમાન રાખશે
    ત્યાં સુધી એ બધા તમને નહીં મળે
    સિવાય કે એ બધાંને તમારી ભીતરે જીવવા દો
    સિવાય કે
    તમારો માંહ્યલો એમને સાથેને સાથે રાખે
    એવી અસંખ્ય ઉનાળુ સવારો તમારી મુસાફરીમાં આવશે
    જ્યારે તમે આનંદવિભોર બની
    પ્રથમ વાર જોયા હોય
    એવા નવા બંદરોએ પહોંચશો
    તમે ફિનીશીયાની બજારોમાં 
    અણમોલ મોતી, પરવાળા, અંબર, અબનૂસ
    અને ઊંચા અત્તરોના સોદા કરશો મન ભરીને
    તમે મિસરના નગરોમાં પહોંચી
    ત્યાંના વિદ્વજ્જનો પાસેથી 
    જ્ઞાનના ભંડારો હાંસલ કરશો
     મનમાં હમેશાં ઈથાકા રાખશો
    તમારું પ્રારબ્ધ તમને ત્યાં જ પહોંચાડશે
    પણ મુસાફરીમાં ઉતાવળ બિલકુલ નહીં
    બેહતર છે એ લાંબી ચાલે
    જેથી તમે એ ટાપુ ઉપર પહોંચો
    ત્યાં સુધીમાં વૃદ્ધ થઈ જાઓ
    અને રસ્તામાં જે મેળવ્યું એનાથી સંપત્તિવાન પણ
    એવી અપેક્ષારહિત
    કે ઈથાકા તમને ધનવાન બનાવશે
    ઈથાકાએ  જ તો તમને આ અદ્ભુત પ્રવાસ કરાવ્યો
    એના વિના
    તમે નીકળ્યા જ ન હોત
    ઈથાકા પહોંચો ત્યારે
    કદાચ ઈથાકા પાસે
     તમને આપવા જેવું કશું જ ન બચ્યું હોય
    એ જો તમને નિર્ધન લાગે
    તો એનો અર્થ એવો નહીં કે
    એણે તમને છેતર્યા
    જો આ દરમિયાન
    ડહાપણ અને અનુભવ પામ્યા હશો
    તો સમજી જ ગયા હશો
    ઈથાકા એટલે શું ? ….
    અંગ્રેજી અનુવાદ : એડમન્ડ કીલી અને ફિલિપ શેરાર્ડ
    ગુજરાતી ભાવાનુવાદ : ભગવાન થાવરાણી

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.


  • નકારનો મત ‘નોટા’ અમલના એક દાયકે સાર્થક કે નિરર્થક ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝની જાહેર હિતની અરજી પરના સર્વોચ્ચ અદાલતના ૨૦૧૩ના આદેશથી ઈલેકશન કમિશને નકારનો મત નોટા દાખલ કર્યો છે. ભારતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાના અમલના એક દાયકા પછી તેની સાર્થકતા કેટલી છે તે વિચારણીય બાબત છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    પીયુસીએલની મૂળે ૨૦૦૪ની પીઆઈએલમાં જે મતદારોને મતદાન કરવું છે પરંતુ તેમને એક પણ ઉમેદવાર પસંદ નથી તો તેમને વિકલ્પ આપવાની માંગ  હતી. ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટે  ચૂંટણી પંચને નોટાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની તેમની ઈચ્છાની જાણ કરી અને ૨૦૧૩માં તે અંગે ચુકાદો આપ્યો. નોટા(NOTA) અર્થાત નન ઓફ અબોવ કે આમાંથી કોઈ નહીંનું બટન ઈવીએમમાં ઉમેદવારોના નામોના અંતે દાખલ કરવામાં આવ્યું. ૨૦૧૩ની દિલ્હી, રાજસ્થાન, મિજોરમ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એ પાંચ રાજ્યોની વિધાનસભા  ચૂંટણીમાં નોટાના બટનનો પ્રવેશ થયો તેને આજે દસ વરસો વીતી ચૂક્યાં છે. આજે તો તે ભારતની ચૂંટણીનું મહત્વનું અંગ છે. ૨૦૧૮થી ૨૦૨૨ની છેલ્લા પાંચ વરસોની લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભારતીય મતદારોએ ૧.૨૯ કરોડ મત નોટાને આપ્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કુલ મતદાનમાંથી ૧.૦૮ ટકા , ૨૦૧૯માં ૧.૦૬ ટકા અને ૨૦૨૪માં ૦.૯૯ ટકા મતદારોએ નકારના મત નોટાનું બટન દબાવીને તેમના મતદાન વિસ્તારના તમામ ઉમેદવારોને નકાર્યા હતા. ટકાવારી અને મતની દ્રષ્ટિએ એમાં વધારો ઘટાડો થતો રહ્યો છે. ૨૦૧૪માં ૬૦,૦૦,૧૯૭,  ૨૦૧૯માં ૬૫,૨૩,૯૭૫ અને ૨૦૨૪માં ૬૩,૪૭,૫૦૯ મતદારોએ નકારના મત નોટાનો ઉપયોગ કર્યો હતો.

    ૨૦૨૪ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં અગાઉના કરતા નોટાના મત અને ટકા ઘટ્યા છતાં તેની ઉપયોગિતા અને તેના ઉદ્દેશની સાર્થકતા ચર્ચાઈ રહી છે. અગાઉ કોઈ એક મતવિસ્તારમાં ક્યારેય નહોતા પડ્યા એટલા નોટામાં મત આ વખતે મધ્યપ્રદેશના ઈન્દોર મતવિસ્તારમાં પડ્યા છે. ઈન્દોરના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ છેલ્લી ઘડીએ ચૂંટણીમાંથી ખસી ગયા અને બીજેપીમાં સામેલ થઈ ગયા.તેથી ચૂંટણી એકતરફી અને બીજેપીની તરફેણની બની ગઈ. કોંગ્રેસે ઈન્દોરમાં તેના ઉમેદવારની ગેરહાજરીમાં નકારનો મત નોટાનો ઉપયોગ કરવા મતદારોમાં અભિયાન ચલાવ્યું. મતદારોને પણ ભાજપની ચાલ ના ગમી. એટલે ૨,૧૮,૬૭૪ મતદારોએ નોટાનું બટન પસંદ કરી તેમને એકેય ઉમેદવાર પસંદ ન હોવાનું જણાવ્યું. નોટાના અમલ પછી પહેલીવાર તેને આટલા વિક્રમજનક વોટ એક જ મતવિસ્તારમાં મળ્યા. ઈન્દોરમાં કુલ મતના ૧૬.૭૮ ટકા વોટ નોટાને મળતાં રાજકીય પક્ષોને પણ તેની નોંધ લેવી પડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી(ઉત્તરપ્રદેશ)માં ૮૪૭૮ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મતવિસ્તારો વાયનાડ (કેરળ)અને રાયબરેલી(યુ.પી.) માં અનુક્રમે ૬૯૯૯ અને ૭૮૭૨ મત નોટાને મળ્યા તે પણ નોંધનીય છે.

    મતદારો કોઈ પણ ઉમેદવારને તેના પ્રતિનિધિ તરીકે લાયક ન માને, નાપસંદ કરે કે તેને અપાત્ર, અવિશ્વસનીય અને અયોગ્ય માને તે માટે નોટાની વ્યવસ્થા છે. મતદારોને પંચાયતથી પાર્લામેન્ટ સુધી તેના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે પરંતુ આ પ્રતિનિધિની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદગી તો રાજકીય પક્ષો કરે છે અને ઉમેદવાર પસંદગીમાં લોકોનો કોઈ અવાજ હોતો નથી.એટલે રાજકીય પક્ષોએ  પસંદ  કરેલા ઉમેદવારો સામેની તેની નાપસંદગી તે નકારના મતથી વ્યક્ત કરે છે. મતદારો રાજકીય પક્ષોને નોટા મારફત એવો સંદેશ આપે છે કે અમે કોઈ કરિશ્માઈ રાજકીય નેતાના નામે મત નહીં આપીએ. તમે વીજળીના થાંભલાને ઉમેદવાર ઘોષિત કરશો, કલંકિત, અપરાધી  અને બાહુબલીને ટિકિટ આપશો અને અમે આંખો મીંચીને તેને સ્વીકારી લઈશું તેવું માનશો નહીં. નેગિટિવ કે વિરોધના મત નોટા દ્વારા મતદારો ગુપ્ત મતદાનથી ધાક-ધમકી કે ડર વગર પોતાની પસંદગી કરે છે.

    નોટાની સાર્થકતા અને નિરર્થકતાની ચર્ચા પણ થવી જોઈએ. એક દાયકાના અનુભવે જણાયું છે કે નોટાને સરેરાશ ૦.૫ થી ૧.૫ ટકા મત મળે છે. એટલે તેની વ્યાપક અસર થતી નથી. નોટાના અમલ પછી અપરાધી, બાહુબલી, ભ્રષ્ટ અને કલંકિત ઉમેદવારો ઘટ્યા નથી. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ૩૦ ટકા  ઉમેદવારો સામે અપરાધિક કેસો નોંધાયેલા હતા . જ્યારે ૧૪ ટકા સામે ગંભીર ગુના હતા. ૨૦૧૯માં આ બંને પ્રકારના ઉમેદવારો વધીને ૪૩ અને ૨૯ ટકા થયા છે. એટલે નોટાનો કલંકિત ઉમેદવાર સામેના વિરોધનો ઉદ્દેશ ફળીભૂત થયો નથી.

    પ્રવર્તતમાન ચૂંટણી કાયદા અને નિયમો પણ નોટાની નિષ્ફળતા માટે જવાબદાર છે. હાલના નિયમ પ્રમાણે ૧૦૦ મતમાંથી જો નોટાને ૯૯ મત મળે અને એક જ મત કોઈ ઉમેદવારને મળે તો પણ નોટા નહીં ઉમેદવાર વિજેતા ગણાય છે. ઈન્દોરમાં ભાજપના ઉમેદવાર પછી સૌથી વધુ મત નોટાને મળ્યા હતા .પરંતુ વિજેતા ઉમેદવારની જીતનું અંતર નોટાના મતથી નહીં ત્રીજા ક્રમના મત મેળવનાર ઉમેદવારથી ગણવામાં આવ્યું છે! તેને લીધે પણ નોટાને મતની બરબાદી ગણવામાં આવે છે.

    સુપ્રીમ કોર્ટમાં પડતર મોટીવેશનલ સ્પીકર શિવ ખેડાની જાહેર હિતની અરજીમાં નોટાને કાલ્પનિક મતદારા માનવાની માંગ સ્વીકારાય તો નોટાની સાર્થકતા આપોઆપ ઉભી થઈ શકે છે. જો એમ થાય તો સુરતની જેમ એક જ ઉમેદવારના કિસ્સામાં તેને બિનહરીફ જાહેર કરવાના બદલે નોટા સામે તેણે ચૂંટણી લડવી પડે. જો નોટાને સૌથી વધુ મત મળે તો પણ તે પછીના ક્રમે મત મેળવનાર ઉમેદવાર વિજેતા બને છે તે અટકી શકે અને લોકોની નોટાની પસંદગી સાર્થક બની રહે.

    નોટા અપનાવનાર ભારત વિશ્વનો ચૌદમો દેશ છે. કેનેડા, ફ્રાન્સ, ઈન્ડોનેશિયા, નોર્વે, પેરુ, કોલંબિયા, સ્વીડન, નેપાળ યુક્રેન, બાંગ્લાદેશ, બેલારુસ અને રશિયામાં નકારના મતની જોગવાઈ છે. તે વિભિન્ન નામે ઓળખાય છે. નન ઓફ કેન્ડિડેટ, બ્લેન્ક વોટ, અગેઈન્સ્ટ ઓલ અને નન ઓફ અબોવ જેવા નામે બેલેટ પેપર કે ઈવીએમાં નકારના મતની વ્યવસ્થા છે.

    નોટા મતનો વેડફાટ, મામૂલી ચીજ કે નિરર્થક નથી. બંધારણીય રાહે મળેલા અભિવ્યક્તિના અધિકારનું તે અંગ છે. અસહમતિના અધિકારને વ્યક્ત કરે છે. તેની અસર ધીરે ધીરે વધતી રહેવાની છે અને તે ભારતના લોકતંત્રને મજબૂત કરશે. મતદાનથી વેગળો રહેતો મતદાર આળસુ, હતાશ, બેજવાબદાર અને વ્યસ્ત હોઈ શકે છે પરંતુ નકારનો મત આપનાર મતદાર તે મતદાન નહીં કરીને રાજકારણથી નિરાશ-હતાશ થયેલા મતદાર કરતાં ઘણો જૂદો છે. નોટાને મત આપનારા લોકતંત્રમાં, રાજનીતિમાં અને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ધરાવે છે. તેની નાપસંદગીને જ્યારે રાજકીય પક્ષો સ્વીકારશે ત્યારે નોટાની સાર્થકતા સમજાશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • અષાઢી અવાજની અલકનંદા

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    મન ન માને  એ જગાઓ પર જવાનું છોડીએ,
    કોઈના  દરબારમાં   હાજર   થવાનું  છોડીએ.
    કંઠમાં  શોભે  તો શોભે  માત્ર પોતાનો અવાજ,
    પારકી   રૂપાળી    કંઠી   બાંધવાનું    છોડીએ.

    હેમેન શાહ

    પક્ષીઅભ્યારણમાં  વિદેશી પક્ષીઓનો જમાવડો અને  સહેલાણીઓની ભીડ હોય ત્યારે પત્રકાર હેડીંગ બાંધે ‘પંછી, નદિયા, પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઉન્હેં રોકે’. જાવેદ અખ્તરનું ‘રેફ્યુજી’ ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના કંઠે સાંભળીએ એટલે શ્વાસોમાં સુકુન પથરાય છે અને મનમાં મહેક. મનોરંજન સાથે મનોમંથન પણ આપે છે. સાચી કલા અંતરને આનંદ આપે અને આંખને ખોલે પણ છે. અલકાની ગાયકીની સરહદ દેશ વિદેશ સુધી વિસ્તરી છે.

    એવો કોઈ ગુજરાતી ભાગ્યે જ હશે જે ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય’ ગીત પર ઝૂમી ન ઉઠ્યો હોય. અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે દ્વારા ગવાયેલ આ ગીત ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. અલકાનું પ્રથમ ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મ ‘સીતા ત્યાગ’નું છે. ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ…’ ગીતથી અલકાના પાર્શ્વગાયનને ચાર વત્તા ચાર એમ આઠ ચાંદ લાગી ગયા. ફિલ્મ ‘લાવારિસ’થી પ્લેબેક સિંગિંગના તેઓ વારિસ બન્યા. પછી તો તેણે પાછા વાળીને જોયું જ નહીં અને એક કે બાદ એક સોલીડ સુપરહિટ ગીતોની હારમાળા સર્જી દીધી.

    ૨૦૨૦માં ‘સા રે ગા મા – લિટલ ચેમ્પ’ કે ‘સુપરસ્ટાર સિંગર’ જેવા રિયાલિટી શોમાં અલકા યાજ્ઞિક નવા અંદાઝમાં જોવા મળ્યા હતા. શોને જજ કરવા ઉપરાંત અલકા તેમાં ભાગ લેતા બાળકોની મેન્ટર પણ બની હતી. અલકા પાસે સંગીતની શિક્ષા મળે એનાથી રૂડું શું ! ગુરુ અલકા યાજ્ઞિક ગીત સાંભળતી વખતે કાનસેન બને છે. ગીતના ભાવ તેના ચહેરા પર ઉડાઉડ કરતા હોય છે. એ સમયે આંખના પલકારા પણ સૂરમાં હોય છે.

    કારકિર્દીના શરૂઆતના દિવસો બધા માટે આકરા અને અવઢવભર્યા સંઘર્ષના હોય છે. પ્રારંભિક તબક્કામાં અમિતાભના અવાજને આકાશવાણીએ રીજેક્ટ કર્યો હતો. આજે તો એમના પ્રભાવશાળી અવાજ અને અંદાઝ સૌના દિલોદિમાગ પર છવાયેલા છે. એવી જ રીતે અલકા યાજ્ઞિકને પણ એના પાતળા અવાજને કારણે નકારવામાં આવી હતી. પરંતુ પછીથી સંગીતકાર રાજકમલે તેની પાસે એક શાસ્ત્રીય ગીત ગવડાવ્યું ત્યારે સાંભળનારા સૌ તેને પામી ગયા કે અલકામાં પ્રતિભાની કમી નથી. તેનો અવાજ ભલે પાતળો હતો. જો કે એ આરંભિક તબક્કામાં ગીતના ભાવ પ્રગટ કરવામાં હજુ પૌઢત્વ પ્રગટ્યું ન હતું. એ પછી તો અલકાનો અવાજ અષાઢી વાદળોની જેમ ચોતરફ મેઘાડંબર બની ગૂંજી ઉઠ્યો.

    કલકત્તામાં ૧૯૬૬માં જન્મેલા અલકા યાજ્ઞિક એક મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાંથી આવે છે. પિતા કલકત્તાની હુગલી રીવર સંસ્થામાં શિપિંગ પાઈલોટ હતા. માતા શુભા યાજ્ઞિક શાસ્ત્રીય સંગીતના ગાયિકા હોવાથી એમની પાસે અલકાએ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો. ઘરમાં સંગીતનું વાતાવરણ હોવાને કારણે અલકાનો પણ સંગીતમાં રસ વધતો ગયો. માત્ર ૬ વર્ષની ઉંમરમાં તેણે આકાશવાણી કલકત્તા માટે ગાવાની શરુઆત કરી. 10 વર્ષની ઉંમરમાં અલકા પોતાના માતા સાથે મુંબઈ આવી અને ફિલ્મમેકર રાજ કપૂરને મળી. રાજ કપૂરને અલકાનો અવાજ ગમ્યો અને એમણે અલકાની મુલાકાત લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે કરાવી. એક વાત એવી પણ છે કે અલકા ચાર વર્ષની ઉંમરથી સ્ટેજ પર ગાતી હતી. એને એેક પ્રોગ્રામમાં સાંભળીને સંગીતકાર કલ્યાણજી આણંદજીએ એને મુંબઇ તેડાવી અને ફિલ્મ પ્લેબેક સિંગિંગ માટે તૈયાર કરી. કલ્યાણજી આણંદજીએ ગાયન અને પાર્શ્વગાયન વચ્ચેના ભેદ સમજાવી અલકાની સજજતામાં વધારો કર્યો. ૧૯૮૮માં આવેલી ફિલ્મ તેજાબના ગીત ‘એક દો તીન’ પછી અલકાને પ્લેબેક સિંગર તરીકે વધુ ઓળખ મળી. પછી એણે ૧,૨,૩ નહીં પરંતુ ૧૦૦ જેટલા હીટ ગીતોનો ગુચ્છ ચાહકો સમક્ષ ધરી દીધો. તેજાબના આ ગીતે તેને પહેલો ફિલ્મફેર એવોર્ડ પણ અપાવ્યો. ત્યાર પછી અલકાએ લગભગ ૭૦૦થી વધારે ફિલ્મોમાં ૨,૦૦૦ કરતાં વધુ ગીતો ગાયાં છે.

    ૧૯૮૦ – ‘૮૫ પછી લતાજી અને આશાજીની પ્રવૃત્તિ થોડી મર્યાદિત થવા લાગી અને પાર્શ્વગાયન ક્ષેત્રે જ્યારે થોડું શૂન્યાવકાશ સર્જાયું ત્યારે વિકલ્પ રૂપે પૂર્ણિમા, અનુરાધા પોંડવાલ, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાધના સરગમના નામો તરી આવ્યા. પરંતુ એ અઢી-ત્રણ દાયકાની ગાયિકાઓમાં લોકપ્રિયતા, શ્રેષ્ઠતા અને સાતત્ય સાથે ટકી જનાર કોઇનું નામ લેવાનું હોય તો ગુજરાતણ અલકા યાજ્ઞિકનું જ નામ મોખરે આવે. હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયનમાં ગુજરાતીઓ ઓછા મળે પરંતુ અલકા યાજ્ઞિકને ગૌરવપૂર્વક યાદ કરી શકાય. આતંકી ઓસામા બીન લાદેનને ગાયિકા અલકા યાજ્ઞિકનાં ગીતો બહુ પસંદ હતા પણ અલકાજીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ કદી પસંદ ન હતા.

    અલકાએ હિન્દી ફિલ્મોમાં એવું વર્ચસ્વ જમાવી દીધું કે દરેક સંગીતકાર પ્રથમ તેને યાદ કરે પછી બીજી પાર્શ્વગાયિકાને. નવી પેઢીના સંગીતકારો માટે પણ અલકા અનિવાર્ય બનતી ગઈ. કોઈ પણ ગીતની ધૂન તે બહુ ઝડપથી પકડી શકતી એટલે સંગીતકારોને ય રાહત અનુભવાતી. એના કારણમાં એની શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ. પોતાના સમયની માતબર અભિનેત્રીઓ રાખી, રેખા, હેમા માલિની અને અન્યો માટે સંખ્યાબંધ હિટ ગીતો ગાયાં છે. એ અભિનેત્રીઓ સામેથી સંગીતકારને  કહેતી કે અલકા અમારા ગીતો માટે માટે કંઠ. હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ ગીતો ગાનાર પ્લેબેક સિંગર્સમાં અલકા અગ્ર ક્રમે આવે છે. તેમણે સિંગર ઉદિત નારાયણ અને કુમાર સાનૂ સાથે સૌથી વધારે રોમેન્ટિક ગીતો ગાયા છે. અલકામાં રહેલું શૈલી અને ભાવનું વૈવિધ્ય જુદા જુદા પ્રકારનાં ગીતો સાથે આભમાં પીંછું ફરે એમ વિસ્તર્યું છે.

    બોલિવૂડમાં અલકાએ અનેક સુપરહિટ ગીતો આપ્યાં છે અને એની કદર પણ યોગ્ય સમયે થઇ છે. બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર કેટેગરીમાં અલકા યાજ્ઞિકનું નામ ફિલ્મફેરમાં ૩૫ વાર નોમિનેટ કરવામાં આવ્યું, જેમાંથી ૭ વાર અવોર્ડ મેળવ્યો. આ સિવાય બે નેશનલ એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે. તેના જેટલા એવોર્ડ્સ તેની સમકાલીન ગાયિકાઓમાં કોઇને મળ્યા નથી. ઓગસ્ટ, ૨૦૧૯ના વર્ષમાં જ અલકા યાજ્ઞિકને ભારત સરકારના પ્રતિષ્ઠિત એવોર્ડ અટલ મિથિલા એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. આશા ભોંસલેને તેમની કારકિર્દીમાં સાત ફિલ્મફેર મળ્યા છે. અલકાને પણ એટલા મળી ચૂક્યા છે. અલકા યાજ્ઞિકના અવાજમાં એક યૌવન છે, કસક ભરી મસ્તી પણ છે અને ‘પંછી નદીયાં…’ ‘જાને ક્યૂ… (દિલ ચાહતા હૈ), ‘કભી અલવિદા ના કહેના’ ગીતો સાંભળતા વેદનાભરી ગંભીરતાનો ય અહેસાસ થાય છે. ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ‘ચાંદ છૂપા બાદલ મેં’ ગીતમાં સલમાન ખાન અને ઐશ્ર્વર્યા રાય વચ્ચેની કેમેસ્ટ્રી જોરદાર દેખાય છે. પણ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો સ્વર આ સ્વરાંકનને એક પગથિયું વધુ ઉપર લઈ જાય છે.

    સમય સાથે તાલ મિલાવતી અલકાને ‘તાલ’માં એ. આર. રહેમાને ‘તાલ સે તાલ મિલા’ ગવડાવ્યું ત્યારે તે ચોથા ફિલ્મફેર માટે લાયક સાબિત થઈ. વાતની મજા એ હતી કે ‘તેજાબ’ પછી ‘ચોલી કે પીછે’ (ખલનાયક) અને ‘જરા તસવીર સે તું’ (પરદેશ) ગીતોએ એને ફિલ્મફેર અપાવ્યો ત્યારે તે સુભાષ ઘાઇની જ ફિલ્મ હતી, જેમ ‘તાલ’ ઘાઇની હતી. એક સમયે અલકા યાજ્ઞિકના સ્વરના એવા સિક્કા પડતા હતા કે એના  વિના કોઇ મોટા બેનરની ફિલ્મનું સંગીત જાણે વેચી શકાતું નહોતું. તેને ૧૯૯૩ની ‘હમ હૈ રાહી પ્યાર કે’નાં ‘ઘૂંઘટ કી આડસે દિલબરકા’ ગીત માટે ફિલ્મફેર ન મળ્યો તો નેશનલ એવોર્ડ મળ્યો. જો કે એવું ૧૯૯૮ની ‘કુછ કુછ હોતા હૈ’ના ટાઇટલ ગીત માટે ય થયું હતું.

    આમિર ખાન સાથેનો એક રમૂજી  કિસ્સો યાદ આવતા આજે પણ અલકા યાજ્ઞિક હસી પડે છે. બનેલું એવું કે અલકા ‘કયામત સે કયામત તક’ માટે ગીત રેકોર્ડ કરી રહી હતી. ત્યારે આમિર ખાન એની સામે આવી બેસી ગયા. આમીર તે વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા હતા. અલકાએ ગુસ્સાથી એને સ્ટુડિયોની બહાર જવા કહ્યું કારણ કે આમીર વારંવાર અલકાજીને તાકી રહ્યા હતા. એમ કરવાને કારણે અલકાને વિચિત્ર લાગતું હતું અને એ ક્ષોભ અનુભવતી હતી. રેકોર્ડીંગ પૂરું થતા સ્ટાર કાસ્ટ સાથે ઓળખાણ કરાવતા અલકાને ખ્યાલ આવ્યો કે આમીર મેઈન હીરો છે. પછી તો અલકાએ હસતા હસતા માફી પણ માગી. આમીરે પણ માફી આપી. જો કે આજે તો અમીર ખાનને સ્ટુડીઓ તો શું પણ બોલીવુડમાંથી પણ બહાર કાઢી શકે એમ નથી. આમીરખાને એક કે બાદ એક એવી ઘણી વિચારપ્રધાન ફિલ્મો આપી.

    જો કે આજે તો અમીર ખાનને સ્ટુડીઓ તો શું પણ બોલીવુડમાંથી પણ બહાર કાઢી શકે એમ નથી. આમીરખાને એક કે બાદ એક એવી ઘણી વિચારપ્રધાન ફિલ્મો આપી.

    એક ગીત માટે લાખો રૂપિયા ચાર્જ લેતા નવા ગાયકોને ખ્યાલ પણ નહીં હોય કે લીજેંડ ગણાતા આપણા લતાજીને આટલી ઊંચાઈ પર પહોંચતા કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે. એક જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટ લખે છે કે ‘લતાનું ‘મહલ’ માટે ગાયેલું ગીત ‘આયેગા આયેગા’ સાંભળીને આજેય આપણે ડોલી ઉઠીએ છીએ એ ગીતનું રિહર્સલ પાંચ દિવસ સુધી ચાલ્યું હતું અને ત્યાર પછી જ ઓ.કે. થયું હતું. લતાને એ વાતનો રંજ છે કે તેમના ગળાએ પાંચ પાંચ દિવસની કાળી મજૂરી કરી હોવા છતાં એ ગીત ગાવાનો એક કાંણિયો પૈસોય તેમને હજી સુધી મળ્યો નથી, એટલું જ નહીં, એ ગીતની રેકર્ડ પર તેમનું નામ પણ નથી. ટૂંકમાં આવું સુંદર ગીત ગાવાના પૈસા તેમજ પ્રતિષ્ઠા તે પામ્યા નથી’.

    અલકાએ ૧૯૮૯માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી. બન્ને અલગ અલગ ફીલ્ડના છે, માટે તેમણે નિર્ણય કર્યો કે અલગ અલગ રહીને પોતાના કામ પર ફોકસ કરશે. તેમની એક દીકરી છે સાયશા. સિંગર અલકા યાજ્ઞિકે એકલા હાથે દીકરીના લગ્ન કર્યા. પોતાની દીકરીનાં લગ્નમાં એક ઇમોશનલ સિંગિંગ પરફૉર્મેન્સ પણ આપ્યું હતું. અલકાનું આભિજાત્યપણું એ વાતમાં દેખાઈ આવે કે એણે લતા, આશા કે બીજા કોઈ વિશે પણ કદી ટીકાત્મક ભાષામાં વાત નથી કરી બલકે, તે સૌનો સતત આદર કરે છે. કોઇ સારું ગીત અન્ય ગાયિકા પાસે ચાલી જાય તોય તેણે કદી કોઈ ઈર્ષા કે બળાપો પ્રગટ નથી કર્યો. ગાયકીની શ્રેષ્ઠતા જેવું જ અલકાનું આભિજાત્ય છે. એનો કોઈ  ફિલ્મફેર એવોર્ડ મળતો હોત તો ચોક્કસ એમને જ મળે…!

    ઇતિ

    નાનું સરખું જુઠ્ઠાણું પણ માણસનો નાશ કરી શકે છે, જેમ ઝેરનું એક ટીપું પણ દૂધનો નાશ કરે છે.

    -ગાંધીજી


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • “હું તો કોઈ દહારોબી હિંડુ નહિ ઠવસ.”

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    (ધૂમકેતુએ તેમની ‘પોસ્ટઓફિસ’ નામની વાર્તામાં સંદેશ આપ્યો છે કે માણસ પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિએ જોવા જાય તો અર્ધું જગત શાંત થઈ જાય. આપણા મોટાભાગના ધાર્મિક કલહો અન્ય ધર્મને આપણી દૃષ્ટિથી જોવાને કારણે થાય છે. આપણા મહાન હાસ્યલેખક જ્યોતી‌ન્દ્ર દવે‌એ જે વાંચવાથી ખડખડાટ હસવું આવે એવા એક લેખથી આ વાત સમજાવી છે. આ ઉપરાંત એ લેખમાં પારસી બોલીની મજા પણ માણવા મળે છે. તો વાંચીએ આપણે જ્યોતી‌ન્દ્ર દવેનો એ લેખ)

    મહાભારત: એક દૃષ્ટિ

                                                                        જ્યોતી‌ન્દ્ર દવે

    મહાભારતની અનેક દૃષ્ટિથી સમાલોચના કરવામાં આવી છે. પણ મારા એક પારસી મિત્ર મારી સાથે “મહાભારત” નાટક જોવા આવ્યા હતા તેમણે જે દૃષ્ટિથી મહાભારતનું અવલોકન કર્યું હતું, તે દૃષ્ટિથી હજુ સુધી કોઈએ કર્યું હોય એમ જાણવામાં નથી. દરેક ધર્મના મંતવ્યો તેમ કથાઓ પારબૌધિક-બુદ્ધિથી પર- હોય છે એ સૂત્રનું રહસ્ય એમની મહાભારત પરત્વેની ટીકા પરથી હું બરાબર સમજ્યો.

    હું મારા મિત્ર પેસ્તનજી સાથે માહાભારતનો નાટક જોવા ગયો હતો. એની ઈચ્છા તો ‘ગુલની એક ભૂલ’ કે ‘ભોલો દોનો યાને શીરેનની જિંદગીની સાત સફાઓ’ જોવા જવાની હતી “આંય મહાભારત સું ટેટો હું જાનટો બી નહિ, પણ તમે મક્કમ છેઓ તો હું બી આવસ.” મેં એવનને ખાતરી આપી કે, “હું મક્કમ છેઉં” ને એવન આવીઆ.

    નાટક શરૂ થયો, પ્રવેશો પસાર થઈ ગયા. પણ પેસ્તનજીબાવાને કાંઈ રસ પડતો હોય એમ લાગ્યું નહિ. આખરે એમનાથી ન રહેવાયું તે મને પૂછવા માંડ્યું ને અમારો સંવાદ નાટક પુરો થયો ત્યાં સુધી ચાલ્યો. આસપાસ બેઠેલા કેટલીક વાર હસતા ને ઘણી વાર કંટાળો કે તિરસ્કાર વ્યક્ત કરતા. પણ તેથી કાંઈ અમારો સંવાદ અટક્યો નહિ. અમે રંગભૂમિ પર આવીને એ સંવાદ ભજવ્યો હોત તો નાટકના એ ફોર્સ કરતા અમારો સંવાદ વધારે દીપી ઊઠે એવો હતો. એ આખો સંવાદ અહીં ઉતારવા પ્રયત્ન કરું છું.

    મત્સ્યગંધાએ પ્રવેશ કર્યૉ. પેસ્તનજીએ નાકને ટેરવે આગળી અરકાડી પૂછ્યું: “ એવન કોણ છે?”

    “મત્સ્યગંધા.”

    “હીંગ બહુ ખાટી હોસે!”

    “શું?”

    “એ કહુ ચ કે હીંગ બહુ ખાટી હોસે.”

    “કેમ?”

    “તમે કહેવો ચ ને એવનનું નામ મસગંઢા છે.”

    “નહિ, નહિ. એનું નામ તો મત્સ્યગંધા- માછલી જેવી ગંધાતી.”

    “માછલી જેવી? નહીં, નહીં, એ કાંઈ મનાતું નહીં બા, માછલી તો ગંઢાતી હોસે કે? માછલીની તો મોંમા પાની છૂતે એવી સુગંઢ આવે.”

    “તે તો કોણ જાણે પણ એનું નામ તો મત્સ્યગંધા છે.”

    “વારુ હોસે, પણ એવને આવો ફે‌ન્સી દરેસ કાંય કરીઓચ?”

    “ફે‌ન્સી ડ્રેસ વળી ક્યાં છે?”

    “આંય સું? કાને ફૂલ ખોસીઆચ ને આવો ગંદો -મસ-મેલો દરેસ પહેરીઓચ તે સું એવનના માટીદાને સોજ્જા કપરાં બી નહિ મલટાં હોં સે કે?”

    “આ તો અસલના જમાનાનો ડ્રેસ છે.”

    “એ સું બકોચ? તમારા ને મારાં મંમ‌ઇ જૂના જમાના છે. પન એવન વરી કારે કાને ફૂલ ખોસેચ ને આવો હંબગ જેવો દરેસ પહેરેસ?”

    “અરે આ તો ઘણા જૂના જમાનાની વાત છે-બહુ વર્ષો પહેલાની. અસલ ઘરેણાંને બદલે ફૂલ ખોસતા.”

    “અરે ટમે ટો કહેવોચને કે ટમે અસલ બી સુઢરેલા ઉટા? ને કંઇ વેડ બી લખીયા ઉટા? તો સું ઘરેના જ તમને બનાવતા નહિ આવરટાં? ટું નહિ સમજતો હોય ટો ના કહે, પન બાવા, ફેંક ના”

    “વારુ ત્યારે સમજતો હોય તેને પૂછજે, મને હવેથી પૂછતો નહિ”

    “નહિ ડીકરી! આમ છેરાઈ સું પરેચ? હવેથી પૂછીશ બી નહિ ને આવું ધટીંગ જોવસ બી નહિ”

    થોડી વાર પેસ્તનજી મૂંગા રહ્યા. ઘણા પ્રવેશો સમજ્યા વગર પસાર થવા દીધાથી તેમનો જીવ તાળવે આવી હોઠ બહાર નીકળી જવા તલપી રહ્યો હોય એમ એના વ્યર્થ ઊઘડીને તરત બિડાઇ જતા હોઠો પરથી લાગતું હતું. પાંડવોએ સ્ટેજ પર પ્રવેશ કર્યો ને એમના હોઠો ઊઘડી ગયા.

    “અરે, વલી આય કોન?”

    “એ પાંડુ રાજાના પુત્રો; પાંડવો કહેવાય છે”

    “પાંડવો કોનું નામ છે, એ ઘાટાઓ હસે?”

    “ના રે! ઘાટાઓ નથી, પણ પાંડુરાજાના પાંચ પુત્રો છે ને એ બધાનું નામ પાંડવો છે.”

    “સરને‌ઇમ(અટક) કે ફેમિલી ને‌ઇમ છે?”

    “એ તો પાંડુના પુત્રો એટલે પાંડવો. એ સરને‌ઇમ કે ફેમિલી ને‌ઇમ નથી, સમજ્યા કે?”

    “પન એ બઢાના એક જ નામ કેમ હોઈ શકે? તમે પન સું ગિલ્લી ફેંકોચ?”

    “બાવા, અમારા પુરાણની વાતમાં તમે નહિ સમજો!” મેં કહ્યું.

    “ટુ બી કાંય બાવા નકામો ભેજાનું દહીં કરેચ? ટમારી ફઈઓ બી કંઇ કમઅક્કલ લાગેચ, જે પાંચ માણસોના નામ પારતા બી મુઝાયચ!”

    “એ તો પાંડુના છોકરા તે પાંડવ: ધૃતરાષ્ટ્રના તે ધાર્તરાષ્ટ્ર, એમ કહેવાય. પણ આ બધાનાં નામ તો જુદાં છે.”

    “આંય પેલા જારીયાએ હાથમાં ઉંઢો ટંબૂરો કાંય રાખીઓચ?”

    “એ તંબૂરો નથી. એ ગદા છે. એ જાડિયાનું નામ ભીમસેન.”

    “એવન મહાભારટના શું થાય?”

    “માહાભારત તો નાટકનું નામ છે.”

    “તે તો નાનું પોરિયું બી જાનેચ પન આય નાટકની અંદર મહાભારટ કોન છે? ને આંય પાંડવો મહાભારટના સું લાગે ચ?”

    “મહાભારત કોઈ માણસનું નમ નથી. એ તો ફક્ત નાટકનું નામ છે?”

    “તમે લોકો નામ બી ઠીક પારોચ ! આંય પાંચ જનનાં નામ પાંડવ ને આખા નાટકમાં મહાભારટ કોઈ મલે જ નહિ ! ખોડાયના નામનું નરિયું ફેંક બાવા, ફેંક !

    દ્રૌપદીએ પ્રવેશ કર્યો. પેસ્તનજીએ પૂછ્યું: “આંય કોન?”

    “સતી દ્રૌપદી પાંડવોની સ્ત્રી.”

    “પન નાનલાની કે મોટાની?”

    “પાંચેય ભાઈઓની

    .”સું?”

    “હા, એ પાંચે ભાઈઓની આ એક સ્ત્રી છે.”

    “સું બોલીઓ? પાંચ માટીરા વચ્ચે એક બૈરું? તેં બી છાંટોપાની લીઢો દેખું. ટને બી રાટ પરી નાખ ભીંજવવાની આદટ છે શું?

    “એ તો આમારા શાસ્ત્રની વાત છે.”

    “સું તમારા સાસ્ટરમાં બી બધા આવા ગોટારા જ ભરી આચ કે?”

    “અરે એમ ન બોલ ! એ તો સતી છે.”

    “સટી ! આય પાંચ માટીરાનું બૈરું સટી ? તમારો મોરેલીતીનો સ્તે‌ન્દર્દ બી ઘન્નો ઊંચો દેખું ! અમારામાં ટો આવા બૈરાની સામ્ભે બી કોઈ ના જોય. પેલો રુસ્તમ કરકરીઓ છેની ટેની સાથે આમારા સર બહેરામજી જંગબારીની ડીકરી ગુલાં અદરાઈ ઉટી. બંને સાથે ફરવા જટાં, સિનેમા જોવા જટાં. રુસ્તમજી કરકરીઓ ગુલાંને દર અથવારીએ બે પ્રેઝંત આપતો ને બાર લવલેતર લખ્તો; ને તેણી એ પ્રેઝંત લેતી ને લવલેતરના જવાબમાં ચકરદા ભમરદા જેવા અક્સર કાડી કાગજોબી લખતી. પછી નશરવાનજી નાકકટુનો દુક્તો લંદન જઈ દાકતર થઈ આયો ને ગુલબાઇને એ ચીચોરાવાળો આદમી ગમી ગયો તે બિચારા રુસ્તમને નાપાસ કરીઓ ને દાકતર જોરે પન્ની બી ગે‌ઇ. પન અમારી કોમમાં ગુલાંની જરી બી આબરૂ નથી, આય દરૌપદીની મિસાલ, તમારા વાનીઆમાં તો એ સટી કહેવાય કેમ? વીદો મેરેજની સાંભે ઠાઓચ ને એક સામાટા પાંચ માટીડા કરે તેણીને સટી કહેવોચ ! તમે હિંદુ બી જબરા ઇંકસીસ્ત્ન્ત છેઓ જો”

    મેં કંઈ જવાબ દીધો નહીં. થોડી વાર એમણે તિરસ્કારથી રંગભૂમિ સામે જોયા કર્યું. પછી શ્રીકૃષ્ણે રંગભૂમિ પર પ્રવેશ કીધો. રાધા તથા અન્ય ગોપીઓએ આવી રાસ ખેલવા માંડ્યો. પેસ્તનજી બોલી ઊઠ્યા, “આય આદમીને ઝેરબેર ચરીઉંચ કે સું?”

    “કેમ?”

    “જોટો નહીં, બિચારો ભુરોભટ થઈ ગીઓચ ટે?”

    “અરે એ તો શ્રીકૃષ્ણ.”

    “હોસે, પન તે ભુરો કાંય બનીઓચ?”

    “એમના શરીરનો રંગ એવો જ હતો.”

    “બિચારો તદ્દન અગલી હેલ જેવો લાગેચ, નહીં વારું?”

    “અગ્લી ! બદસૂરત ? અરે એ તો ખૂબસૂરતીનો અવતાર ગણાય છે.”

    “આંય ખૂબસૂરટીનો અવટાર? ટું બી એ બિચારાને બનાવેચ કાંય ? એને  જોઈને તો કલેજું બી ટારૂં ટપ થઈ જાયેચ. પન આટલા બધા બૈરામાં એ એકલો માટીરો  કરેચ સું?”

    “આ બધી ગોપીઓ છે. એની જોડે શ્રીકૃષ્ણ રાસ રમે છે.”

    “રાસની ગે‌ઈમ તો મેં સાંભળી બી નઠી.”

    “રાસ એટલે નાચ-ડેન્સ.”

    “આંય એવન એકલા ડે‌ન્સ કરવાના  આટલા બઢાં બૈરાં જોરે?”

    “હા”

    “ઘેર બૈરુ નહીં હોય એટલે ફિકર નહીં. નહીં ટો ઘેર જતાં વારને એવનનું બેથ્થું દારમ ઝીલાવે. કેમ ડીકરી! ટું ટો બરાબર જાનેચને, ટું આવું કરે તો તારી ઘરવાલી ટારા કેવા હાલ કરે ટે? પન એવન તો પન્નેલા નહીં હોસે. એવનને પોતાની સુન્ના જેવી ડીકરી કોન આપે?”

    “અરે એને તો સોળ હજાર સ્ત્રીઓ છે !”

    “સું ક……હે…..ચ? સોલ હજાર બૈરી! તમે હિંડુ લોક બી જબરા છીઓ. પેલા બિચારા પાંચ જન વચ્ચે એક બૈરું ને આય એવન ભુરીયાને સોલ હજાર બૈરા! દીવીઝન ઓફ લેબર બી નહીં સીખેલા કે? ને સોલ હજાર બૈરાંઓ આય માટીડા પરથી જીવ ઓવારી નાંખતા હોસે કે? એવનને જોઈને બૈરાંનો જીવ બહુ ખુશ થાય એવું કૈં લાગટું નહીં.”

    “એમ ના બોલ. એ તો ઇશ્વરનો અવતાર છે-અમારા ભગવાન છે.”

    “કોન, આય તમારો ઇસવર? આય સોલ હજાર બૈરાંનો માટીડો ને આટલી બધી પારકી બૈરી જોરે નાચનારો ! ઓ મારા ખોડાયજી !”

    “કોઈ સાંભળશે તો તું માર ખાશે. માટે હમણાં મૂંગો મરી રહે. નાટક થઈ રહે પછી ઘેર જતાં જે કહેવું હોય તે કહેજે.”

    “વારું બાવા ! હમનાં મૂંગો મરી રહેવસ,” કહી પેસ્તનજી બોલતા બંધ થયા. નાટક પૂરો થયો ને અમે બહાર નીકળ્યા. એટલે પેસ્તનજીની જીભ તરત ચાલવા માંડી: “આંય તમારો ઢરમ કે? હું તો કોઈ દહારોબી હિંડુ નહિ ઠવસ. તમને મોરેલીતીનો કંઇ સે‌ન્સ જ નથી. એક જનને સોલ હજાર બૈરાં, ને બીજા પાંચ જન વચ્ચે એક જ બૈરી ! ગંડો, ભુરોભટ જેવો આડમી તે તમારો ખૂબસૂરટીનો કકરો. જે વાંસલી લઈને રખરીઆ કરે, બૈરાંઓમાં ભમીઆ કરે ને બિચારા કરન જેવાને લુચ્છાઈથી મારી નંખાવે ટે ટમારા ભગવાન; જે જરા જૂથુ બોલતા પાની પાની થઈ જાય છતાં બૈરીને બી આડમાં મૂકી જુગાર રમે તે તમારા ઢરમરાજા! અરે સમજેચ કે?” મારું ધ્યાન એના શબ્દો પરથી ખસી જતું જોઈ એણે મોટા અવાજે કહ્યું: “મૂંગો કાય થ‌ઇ ગીયો? સાંભો જવાબ ડેની, આય તમારા ઢરમમાં બુઢ્ઢી-રીઝન(બુદ્ધિ)ની બહારની જ વાતો ભચરી મારીચ કે સું?”

        ****

    દરેક ધર્મનો અનુયાયી અને ધર્મના અનુયાયીને પૂછે છે: “તારા ધર્મમાં બુદ્ધિ કબૂલ ન કરે એવી જ વાતો છે?” અને આ જ પ્રશ્ન પ્રતિપક્ષી તરફથી પ્રત્યુત્તરરૂપે એને મળે છે.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • કુદરતની કેડીએ – કેડી કંડારનારા : ૧

    યાત્રી બક્ષી

    પ્રકૃતિના ખેડાણ, અભ્યાસ અને સંરક્ષણ માટેનું ફલક પ્રકૃતિ જેટલું જ વ્યાપક અને ગહન છે

    વર્ષો, દાયકાઓ કે સદીઓ નહિ પરંતુ કંઈ કેટલાંયે જીવનોનો સાતત્યપૂર્ણ સમયગાળો જો ગણતરીમાં મૂકીએ તો પણ આ સતત પરિવર્તનશીલ અને ગતિશીલ સંરચનાને સમજવી શક્ય નથી.

    આપણે વાંવાર વાંચીએ સાંભળીએ છીએ કે ભારતવર્ષ કે ભારતીય દ્વીપકલ્પની પ્રાચીન સભ્યતાઓએ વિજ્ઞાન અને ખાસ કરીને પ્રકૃતિ વિજ્ઞાનના ક્ષેત્રે દુનિયાના કોઈપણ દેશ કરતાં વધુ અને વ્યાપક અભ્યાસો કરી વેદ ઉપનિષદ અને સંહિતાઓ દ્વારા રહસ્યોને પામી લીધેલાં. બાકીના બધા અભ્યાસો અને ખેડાણો ત્યારબાદનાં અનુસરણો જ છે.

    આ એક હકીકત હોય તો પણ વેદકાલીન જ્ઞાન ભંડારનો ઘણો ખરો વારસો પ્રકૃતિના જ મહાપ્રભાવોના કારણે માનવ સભ્યતાઓએ ગુમાવેલો. સપ્તસિંધુના મહાપ્રલયકારી પૂર અને ભૂસ્તરીય બદલાવોએ અનેક વેદકાલીન જ્ઞાનધારાઓને લુપ્ત કરી. વેદમાં અવતરિત જ્ઞાન તો દૃષ્ટાઓ શ્રુતિ સ્મૃતિ પદ્ધતિથી એક માનવીથી બીજા માનવીને, એક પેઢીથી બીજી પેઢીને, એક સદીથી પછીની સદીને અને તેમ હજારો વર્ષોથી આજે આપણા સુધી પહોંચ્યું છે. પુરાણો અને સંહિતાઓના ગ્રંથ પણ પ્રકાશિત તો છેલ્લા તામ્રપત્ર, શિલાલેખ અને પુરાતત્ત્વીય પુરાવાઓના આધારે ગ્રંથસ્થ થયા હશે ? જ્ઞાનનાં હસ્તાંતરણોમાં તબક્કાવાર ઉમેરણો અને વિવેચનોના પ્રસ્તુતિકરણ દરમ્યાન પણ ક્ષય થયો હશે. સીધો તફાવત વેદકાલીન સંસ્કૃત અને ત્યારબાદની હસ્તલિપિઓ કે સાહિત્યોમાં જોવા મળે છે.

    આથી જ વેદકાલીન જ્ઞાનને પુન:સ્થાપિત કરવા માટે આધુનિક વિજ્ઞાનની વિકસિત વર્ગીકૃત શાખાઓને અવગણવી એ અત્યારની માનવજાત માટે પરવડે તેમ નથી.

    પુરાતત્ત્વીય સાબિતીઓ ૫૦૦૦ વર્ષથી વધુ જૂના સમયકાળમાં ભૂસ્તરીય અને જીવાવશેષો બાબતે જ ઉઘાડ કરે છે. તો અર્વાચીન સમયમાં પૃથ્વીની પ્રકૃતિ વિષેની સમજ અને સંવેદનશીલતા, સંરક્ષણ અને સંવર્ધન માટેનાં ખેડાણો શું છેલ્લી એક સદીમાં જ શરૂ થયાં, જ્યારથી ડાર્વિનની વ્યાખ્યાઓ પ્રકાશિત અને સ્વીકૃત થઈ ?

    આ તમામ પ્રશ્ર્નોના મંથનમાંથી પ્રકૃતિના અગાધ ફલકમાં જેઓએ દુનિયાના ખૂણે ખાંચરે જે કોઈ ખેડાણો કર્યાં તે પ્રાચીન અર્વાચીન કુદરતની કેડી કંડારનારાઓ વિષે જાણવાની ઉત્કંઠાએ આ યાદી અને વ્યક્તિઓ વિષે માહિતી એકઠી કરવા પ્રેરણા આપી.

    આ લેખમાળામાં કેટલાક રસપ્રદ પ્રકૃતિઘેલા મારા પૂર્વજો વિશે માહિતી વહેંચવી છે. આ લેખમાળામાં અનેક શોધલેખો અને સાહિત્યોના સંદર્ભોને સંકલિત કરવાનો પ્રયત્ન છે. તેમાં ત્રુટીઓની સંભાવનાઓ પણ છે. એક અભ્યાસુની દૃષ્ટિએ આ લેખનને જોવાશે અને માહિતીની વહેંચણી માત્ર પ્રકૃતિના અભ્યાસોને પ્રોત્સાહિત કરશે એવી આશા છે.

    આ વ્યક્તિઓએ કયા સમયગાળામાં, કેવા સંજોગોમાં પ્રકૃતિને પામવા પ્રયત્નો કર્યાં છે અને કેવા હીરા-મોતીઓ વીણી આપણા આજના સ્પષ્ટ દેખાતા માર્ગને કંડાર્યો છે એ માહિતી રસપ્રદ રહેશે.

    પ્રકૃતિની વિશેષ જ્ઞાન શાખા તરીકેનો પ્રારંભિક વિકાસ : કેડીનો પ્રારંભ કરનારા : નામી-અનામી મહાન અંગ્રેજો

    એકતાની શક્તિને યજુર્વેદમાં સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે. યજુર્વેદના અધ્યાય ૩૨ના આઠમા શ્ર્લોકમાં કહે છે : પ્રેમાળ ઋષિ એ રહસ્યમય અસ્તિત્વને જુએ છે કે જેમાં સમગ્ર બ્રહ્માંડ એક ઘર છે, જેમાંથી આત્માઓ અને દ્રવ્યો (ઓરગેનિઝમ્સ એન્ડ એલિમેન્ટ્સ) પ્રગટે છે, જે સૃષ્ટિના તાણાવાણા ગૂંથે છે.

    આજે આપણે આ વિભાવનાને ઇકોલોજી વિજ્ઞાન – પારિસ્થિતિકીય વિજ્ઞાન તરીકે અનેક પાસાઓમાં વિભાજિત કરી સમજી રહ્યા છીએ.

    વૈદિક સમયગાળો (અથવા વૈદિક યુગ) (૨૫૦૦ ઇઈ થી ૬૦૦ ઇઈ) એ ભારતીય ઇતિહાસનો સમયગાળો માનવામાં આવી રહ્યો છે કે જે દરમિયાન ભારતના સૌથી જૂના ગ્રંથો-વેદોની રચના થઈ હતી. ભારતમાં છોડનું વર્ગીકરણ અને નામકરણનો અભ્યાસ ગ્રીક અને રોમન કરતાં પણ જૂનો છે અને ઋગ્વેદમાં, છોડનાં ત્રણ જૂથોને ઓળખવામાં આવ્યાં છે; જેમ કે, વૃક્ષો (વૃક્ષ), જડીબુટ્ટીઓ (ઔષધિ) અને લતા (વિરુધ), અથર્વવેદમાં પ્રકાર, આકાર અને છોડની મોર્ફોલોજી પણ વર્ણવેલ છે. યજુર્વેદમાં ઔષધીય વનસ્પતિઓનાં ચાર જૂથ વર્ણવેલ છે. અથર્વવેદમાં અનેક ઔષધીય વનસ્પતિઓનું વર્ણન પણ છે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં, છોડનું નામકરણ સામાન્ય રીતે છોડના વનસ્પતિશાસ્ત્ર પર આધારિત હતું.

    આયુર્વેદ, ભારતીય દવાની પરંપરાગત પદ્ધતિ, આયુર્વેદિક દવા પરંપરાગત આરોગ્ય સંભાળની સુવ્યવસ્થિત પ્રણાલીનું ઉદાહરણ છે, જે નિવારક અને ઉપચારાત્મક બંને છે, જે એશિયાના ભાગોમાં વ્યાપકપણે પ્રચલિત છે. આયુર્વેદની પાછળ એક લાંબી પરંપરા છે, જેનો ઉદ્ભવ કદાચ ૩,૦૦૦ વર્ષ પહેલાં ભારતમાં થયો હતો. આયુર્વેદનો શ્રેય મહર્ષિ ધનવંતરીને આપવામાં આવે છે. તેની સૌથી પ્રાચીન વિભાવનાઓ અથર્વવેદ તરીકે ઓળખાતા વેદના ભાગમાં (સી.૨જી સહસ્રાબ્દી બીસીઇ) તરીકે નિર્ધારિત કરવામાં આવી હતી. વૈદિક ચિકિત્સાનો સમયગાળો લગભગ ૮૦૦ બીસીઈ સુધી ચાલ્યો હતો.

    ભારતનો તબીબી વારસો તેના અનુભવલક્ષી જ્ઞાનના બે પ્રવાહોમાં: શાસ્ત્રીય (કોડીફાઈડ) અને લોક મૌખિકમાં ઔષધીય વનસ્પતિઓ વિશે અકલ્પનીય શ્રેણી અને જ્ઞાનની ઊંડાઈ દર્શાવે છે. આયુર્વેદના શાસ્ત્રીય પ્રવાહમાં, ૧૫૦૦ બીસીઈથી ૧૯૦૦ સીઈ સુધીના સમયગાળામાં, ૧૨૦૦૦ કરતાં વધુ અલગ-અલગ છોડનાં સંસ્કૃત નામોની માહિતી ૨૦૦થી વધુ ગ્રંથોમાં નોંધવામાં આવી છે. ૬ સંહિતા, ૫૭ નિઘંટ અને ૧૪૦ વ્યાખ્યાઓ. સંહિતાકૃત સાહિત્યમાં, વનસ્પતિઓ વિશેની માહિતીનાં ત્રણ મુખ્ય પરિમાણો છે જેમ કે, રૂપ જ્ઞાન વર્ણન (મોર્ફોલોજિકલ), દ્રવ્ય ગુણ શાસ્ત્ર (ફાર્માકોલોજી) અને ભૈષજ્ય કલ્પના (ફાર્મસી).

    આયુર્વેદ સાહિત્યમાં ઔષધીય વનસ્પતિઓનું વ્યાપક દસ્તાવેજીકરણ છે. દસ્તાવેજીકરણના સમયગાળાને ચાર અલગ-અલગ તબક્કાઓમાં વર્ગીકૃત કરી શકાય છે. તે છે વૈદિક સમયગાળો (૪૦૦૦ BCE – ૧૫૦૦ BCE),  સંહિતા સમયગાળો (૧૫૦૦ BCE – સાતમી સદી), મધ્યકાલીન સમયગાળો (આઠમી-પંદરમી સદી) અને આધુનિક સમયગાળો (સોળમી સદી પછી). ઔષધીય વનસ્પતિના દસ્તાવેજીકરણને ચારમાંથી ત્રણ વેદોમાં સ્થાન મળે છે. ઋગ્વેદમાં ૬૭ ઔષધીય વનસ્પતિઓની નોંધ છે જ્યારે યજુર્વેદ અને અથર્વવેદમાં અનુક્રમે ૮૨ અને ૨૮૮ ઔષધીય વનસ્પતિઓ નોંધવામાં આવી છે. વાસ્તવમાં આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. ઔષધીય વનસ્પતિઓને પણ ઉપનિષદમાં સ્થાન મળે છે, જ્યાં લગભગ ૩૧ છોડ નોંધાયેલા છે.

    કાલક્રમિક રીતે, સંહિતાઓ ઔષધીય વનસ્પતિઓ પરની માહિતીનો આગળનો સ્રોત છે. સંહિતા એટલે સંકલન એવું માની શકાય ? ચરક સંહિતા (૧૦૦૦ BCE – ૨૦૦ CE) અને સુશ્રુત સંહિતા (૧૫૦૦ BCE થી ૧૦૦૦ BCE) વિવિધ પ્રકારના છોડ અને તેમના ઔષધીય ઉપયોગોનું વર્ણન કરનાર પ્રથમ છે. ચરક સંહિતા ૧૨,૮૦૦ સંદર્ભોમાં ૬૨૦ છોડનું સંપૂર્ણ વર્ણન આપે છે અને સુશ્રુત સંહિતામાં ૯૬૭૬ સંદર્ભોમાં ૭૭૫ છોડ છે. ગ્રંથોમાં ઔષધીય વનસ્પતિઓનાં વિવિધ પાસાઓ પર વિગતવાર માહિતી શામેલ છે. તે સમયગાળાની અન્ય સંહિતાઓ છે, અષ્ટાંગ સંગ્રહ (૫૦૦ CE) અને અષ્ટાંગ હૃદય (૬૦૦CE). અષ્ટાંગ સમૂહમાં ૭૫૫ ઔષધીય છોડ છે જે ૨૦,૫૦૦ સંદર્ભોમાં ફેલાયેલા છે. ૭૦૦ CE પછી લખાયેલી પંક્તિઓમાં હરિતા સંહિતા, ભેલા સંહિતા, કશ્યપ સંહિતા, શારંગધારા સંહિતા અને ભાવપ્રકાશ સંહિતા છે. આમ અત્યાર સુધી આ ગ્રંથોમાં આ સમયગાળા સુધીમાં જોકે વનસ્પતિઓની વર્ગીકૃત વ્યવસ્થિત નામાવલી (ઇન્વેન્ટરી)નો ઉલ્લેખ મળી આવતો નથી.

    ભારતમાં સંહિતા સમયગાળા (૯૦૦-૬૦૦ BC)માં વનસ્પતિનો વિગતવાર અભ્યાસ

    ૧.      ચરક સંહિતા અથવા (મહર્ષિ ચરકનું સંકલન)

    (અ) આયુર્વેદ (ભારતીય પરંપરાગત દવા) પરનું પ્રારંભિક લખાણ છે. મહર્ષિ ચરકે (૧લી સદી એડી) છોડને વિભાજિત કર્યા, વનસ્પતિ: ફળોવાળાં વૃક્ષો, વનપસ્ત્ય : ફૂલ અને ફળોવાળાં વૃક્ષો, ઔષધિ : જડીબુટ્ટીઓ જે ફળ આપ્યા પછી સુકાઈ જાય છે તથા વિરુધા : ફેલાયેલી દાંડીવાળી અન્ય વનસ્પતિ એમ ચાર વિભેદો મળી આવે છે.

    ૨.      સુશ્રુત સંહિતા – સુશ્રુત (૬૦૦ બીસી)નું લગભગ ચરક સમાન વર્ગીકરણ છે, જેમાં છોડને આઠ જૂથોમાં વર્ગીકૃત કર્યા. (ફ) ઔષધિ: છોડ પુષ્કળ ફૂલો અને ફળો ધરાવે છે, પરંતુ ફળ આવ્યા પછી સુકાઈ જવું દા.ત. ચોખા, ઘઉં, વગેરે (બ) વનસ્પતિ : તે છોડ જે ફળ આપે છે, સ્પષ્ટ ફૂલો વગર, દા.ત. અંજીર કુળના વડ પીપળ વગેરે જેવાં. (ભ) વૃક્ષ : છોડ કે જે ફૂલો અને ફળ બંને ધરાવે છે. દા.ત. આંબો – કેરી, (મ) ગુચ્છા : ઝાડી ઔષધિઓ દા.ત. જાસ્મીન (ય) તૃણ : તમામ પ્રકારનાં ઘાસ. (ર) ગુલમા : રસદાર છોડ, (લ) પ્રતન : લતા, (વ) વલ્લી : અથવા આવા છોડ કે જેને આધારની જરૂર હોય છે.

    ૩.      રાજ નિઘંટુમાં, વનસ્પતિના નામકરણને તેમના રોગનિવારક ગુણધર્મો માટે ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેના માટે સાત પરિબળો વર્ણવવામાં આવ્યાં છે.

    આ દરમ્યાન પ્રકૃતિની ઊપજ એવો પશ્ર્ચિમી જગતનો માનવી પણ આ ક્ષેત્રે સક્રિય હતો. મળી આવતા ઉલ્લેખો જોઈએ તો યુરોપમાં બોટનિકલ નામકરણ થિયોફ્રાસ્ટસ (સી. ૩૭૦-૨૮૭ બીસી), ડાયોસ્કોરાઈડ્સ (સી. ૪૦-૯૦ એડી)થી પ્લિની ધ એલ્ડર (૨૩-૭૯ એડી), સુધીનો લાંબો ઇતિહાસ ધરાવે છે.

    મધ્યયુગીન સમયથી, લેટિન યુરોપમાં સાર્વત્રિક વૈજ્ઞાનિક ભાષા (લિગુઆ ફ્રાન્કા) બની. સાથે સમયની પ્રગતિને કારણે વધુ ને વધુ સંખ્યામાં વનસ્પતિની શોધ કરવામાં આવી જે કંઈક અંશે મોર્ફોલોજિકલ રીતે સમાન હતી પરંતુ એક અથવા બીજી રીતે એકબીજાથી અલગ છે.

    આમ, વનસ્પતિમાં ઝીણવટભર્યાં રૂપાંતરણ (મોર્ફોલોજીકલ) વર્ણનની જરૂરિયાત ઊભી થઈ અને આધુનિક વિજ્ઞાને ઉપલબ્ધ વનસ્પતિને ઓળખવા અને વર્ગીકૃત કરવા માટેની યુક્તિઓની સંખ્યા અને પદ્ધતિ વિકસાવી. આમ વનસ્પતિના વર્ગીકરણ વિશે ચર્ચા થિયોફ્રાસ્ટસના સમયગાળા કરતાં જૂની છે તથા વનસ્પતિના નામકરણની પદ્ધતિઓ પ્રાચીન કાળથી લઈને આજની ૨૧મી સદી સુધી પરિવર્તનની સાક્ષી છે.

    એરિસ્ટોટલ : સમુદ્ર અને તેની જૈવિક વિવિધતાની શોધ ગ્રીક ક્લાસિક્સ દ્વારા અને ખાસ કરીને ખ્યાતનામ એરિસ્ટોટલ (૩૮૪-૩૨૨ બીસી) દ્વારા કરવામાં આવી હતી, જેને પ્રથમ દરિયાઈ જીવવિજ્ઞાની માનવામાં આવે છે. એરિસ્ટોટલ પહેલાં, ઘણા ગ્રીક ફિલસૂફોએ પૃથ્વી અને જીવનની ઉત્પત્તિ વિશે અનુમાન લગાવ્યું હતું. પરંતુ તેમના સિદ્ધાંતને પ્રયોગમૂલક તપાસ દ્વારા સમર્થન મળ્યું ન હતું.

    થિયોફ્રાસ્ટસ (૩૭૧-૨૮૭ બીસી), લેસ્બોસમાં ઇરેસોસનો ગ્રીક વતની, પેરીપેટિક શાળામાં એરિસ્ટોટલનો અનુગામી હતો. તે નાની ઉંમરે એથેન્સ આવ્યો અને શરૂઆતમાં પ્લેટોની શાળામાં અભ્યાસ કર્યો. પ્લેટોના મૃત્યુ પછી, તેણે પોતાને એરિસ્ટોટલ સાથે જોડી દીધો. એરિસ્ટોટલને વસિયતનામું કર્યું.

    થિયોફ્રાસ્ટસે તેમનાં લખાણો લખ્યાં અને તેમને લિસિયમ ખાતે તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા. થિયોફ્રાસ્ટસ છત્રીસ વર્ષ માટે પેરિપેટેટિક શાળાના અધ્યક્ષ રહ્યા જે સમય દરમ્યાન શાળાનો ખૂબ વિકાસ થયો. છોડ પરનાં તેમનાં કાર્યો માટે તેમને ઘણી વાર “વનસ્પતિશાસ્ત્રના પિતા” ગણવામાં આવે છે.

    પારાશર્યનો વૃક્ષાયુર્વેદ – વનસ્પતિ શાસ્ત્રનો એક પ્રાચીન ગ્રંથ

    ભારતમાં, ઋગ્વેદ, અથર્વવેદ અને તૈત્તરીય સંહિતાની સરળ કૃત્રિમ વનસ્પતિ વર્ગીકરણ પ્રણાલીઓ વૃક્ષાયુર્વેદ (વૃક્ષોના જીવનનું વિજ્ઞાન)ના લેખક પરાશર (ઈ.સ. ૪૦૦ – ઈ.સ. ૫૦૦ એડી)ના કાર્ય સાથે વનસ્પતિ-શાસ્ત્રીય પદ્ધતિ અને વિજ્ઞાન શાખા બની હોવાનું માનવામાં આવે છે.

    પરાશરના વૃક્ષાયુર્વેદ એ પ્રાચીન ભારતમાં વનસ્પતિશસ્ત્રમાં મોટું યોગદાન છે. એન.એન.સિરકાર અને રોમા સરકારે આ લખાણ અંગ્રેજી અનુવાદ સાથે સંપાદિત કર્યું છે. આધુનિક વનસ્પતિશાસ્ત્રના તુલનાત્મક સંદર્ભો સાથે નોંધો ઉમેરવામાં આવી હતી. આ પુસ્તકને તેની ભાષાકીય શૈલીના આધારે ઈ.સ. પૂર્વે ૧લી સદીથી ૪થી સદીની વચ્ચેની તમામ સંભાવનાઓમાં મૂકી શકાય છે.(1st century B.Cto 4th century A.D.)

    વનસ્પતિશાસ્ત્રની ઘણી વિજ્ઞાનશાખાઓ જેમાં જીવનની ઉત્પત્તિ, ઇકોલોજી, જંગલોનું વિતરણ, મોર્ફોલોજી, વર્ગીકરણ, નામકરણ, હિસ્ટોલોજી અને ફિઝિયોલોજીનો સમાવેશ થાય છે. જોકે એવું માનવામાં આવે છે કે આ પુસ્તક પરાશર દ્વારા પ્રાચીન આયુર્વેદના વિદ્યાર્થીઓને આયુર્વેદ અભ્યાસની તૈયારી માટે વનસ્પતિશાસ્ત્ર શીખવવા માટે લખવામાં આવ્યું હતું.

    આ પુસ્તકમાં, મોર્ફોલોજીનું વર્ણન કરવા સિવાય, છોડની શરીર-રચના અને ૧૪ પ્રકારનાં જંગલો, વર્ગીકરણની પદ્ધતિ પ્રદાન કરવામાં આવી હતી. મજુમદાર (૧૯૪૬) મુજબ છોડની તુલનાત્મક મોર્ફોલોજી પર આધારિત જે પદ્ધતિ છે, તે ૧૮મી સદી પહેલાં પશ્ર્ચિમી દેશોમાં વિકસિત અન્ય કોઈપણ કરતાં વધુ વિકસિત પદ્ધતિ છે. આ પદ્ધતિમાં છોડને ગણ, વિભાગ અથવા પરિવારો વર્ગીકૃત કરવામાં આવે છે. કેટલાક સામાન્ય પરિવારો સમિગનિયા, પુપ્લિકગનિયા, સ્વસ્તિકગનિયા, ત્રિપુષ્પગનિયા, કુર્ચપુષ્પગનિયા, મલ્લિકાગનિયા વગેરેને ગણવામાં આવ્યા છે. જે હવે અનુક્રમે લેગ્યુમિનોસે, રૂટાસી ક્રુસિફેરા, કુકરબિટાસી, કોમ્પોસિટી અને એપોસિનેસી તરીકે ઓળખાય છે. કેટલીક પ્રાચીન સંસ્કૃત કૃતિઓ પણ મોર્ફોલોજીકલ વર્ગીકરણ માટે વનસ્પતિની રંગ, સ્વાદ, સપાટી વગેરે લાક્ષણિકતાઓને મહત્ત્વની ગણી હોવાનું જાણવા મળે છે.

    પરાશર વૃક્ષાયુર્વેદ : છોડનું વર્ગીકરણ

    ૧.      રચના : રુવાંટીવાળા માટે લોમાસા; નરમ પર્ણ માટે મૃદુપત્ર, ઋજુપર્ણ માટે કોમલ પર્ણ; અને ખરબચડા જાડા પાન માટે સિગ્નધા પત્ર.

    ૨.      આકાર : લાંબા પાંદડા માટે દિરખા પત્ર; ગોળ પર્ણ માટે મંડલા પત્ર અને પહોળા પર્ણ માટે વિલાસા પત્ર.

    ૩.      રંગ : સફેદ રંગ માટે સ્વેતા પત્ર; લાલ રંગ માટે રક્ત પત્ર, વાદળી રંગ માટે નીલા પર્ણ; સોનાના રંગ માટે સુવર્ણા પર્ણ અને ધુમાડાના રંગના માટે ધૂર્મવર્ણા.

    ૪.      સ્વાદ : મીઠા પર્ણ માટે સ્વદુ પત્રી; ખાટા માટે અમ્લી પત્રી, કડવા સ્વાદ ધરાવતાં પાંદડાં માટે કટુપત્રી; અને ગરમ સ્વાદ માટે તીક્ષ્ણ પત્રી.

    ૫.      સપાટી : બહારની બાજુ સ્પર્શાતી રુંવાટીવાળા માટે રોમાસા પત્રી, છિદ્રોવાળા પાન માટે રંધ્ર પત્રી અને છાલ જેવા માટે વાલ્કા પત્રી.

    ૬.      પત્રિકાઓ : એક પર્ણી માટે એકપત્રિકા, બે માટે દ્વિપત્રિકા, ત્રણ પર્ણિકાઓ માટે ત્રિપત્રિકા, ચાર પર્ણિકાઓ માટે ચતુષ્પત્રિકા, પાંચ પર્ણી માટે પંચપત્રિકા, સાત પર્ણીઓ માટે સપ્તપર્ણી અને તેનાથી વધુ પર્ણિકાઓ માટે બહુપત્રિકા.

    ભારતમાં નિઘન્ટુ સમયગાળામાં છોડનો અભ્યાસ : નિઘન્ટુઓ એ સંહિતામાં ઉલ્લેખિત ઔષધીય વનસ્પતિઓના આધારે લખાયેલ શબ્દકોષ છે. ૮મીથી ૧૯મી સદીના સમયગાળામાં ૧૬ મહત્ત્વના નિઘન્ટુઓ લખાયેલા છે અને તેમાંથી છેલ્લું છે સાલીગ્રામા નિઘન્ટુ ૪૨૦૦ છોડના સંદર્ભો સાથે. સંહિતાઓની જેમ, વ્યાખ્યા અને નિઘન્ટુઓના ઔષધીય છોડ માટે કોઈ સંપૂર્ણ સંકલન ધોરણસરની યાદી (ઇન્વેન્ટરી) ઉપલબ્ધ નથી.


    Written and complied by : Yatri Baxi – Nature enthusiast –
    Paryavaran.santri@gmail.com
    REF.:

    1. BRITANNICA ENCYCLOPEADEA

    1. Vrksayurveda of Parasara – an ancient treatise on plant
      science / January 2006 Bulletin of the Indian Institute of History
      of Medicine (Hyderabad) 36(1):63-74.

    Controversial identities of medicineal plants in classical
    literature of Ayurveda
    Verghese Thomas,a.* S.N. Venugopalan Nair,b D.K. Ved,c and
    Darshan Shankard
    https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7772428/#.-
    text=Nighantus%are%20glossaries%20written%20based,
    Nighantu%20with%204200%20plant%20references.

     


    સ્રોત સૌજન્ય:  ભૂમિપુત્ર : ૧૬ મે, ૨૦૨૪

  • બે ધ્વજ

    દરિયા-પારની  વાર્તા

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ન્યૂયૉર્ક પાછી આવતી ફ્લાઇટ બહુ ભરેલી નહતી. સોહનને સામટી ત્રણ ખાલી સીટો મળી ગઈ હતી. આમ તો એને છેડે બેસવું જ વધારે ગમે, જેથી ઇચ્છા પ્રમાણે ઊભાં થઈ શકાય, ને દર વખતે એ પ્રમાણેની સીટ જ નિયત કરાવે. આજે એમ છેડે થોડી વાર બેઠા પછી એ બારી પાસેની સીટ પર જઈને બેઠો.  જોયુંને, સંકડાશ ના હોય તો ઊડવાની કેવી મઝા પડે છે, એણે જાતને કહ્યું. સ્ટુઅર્ડેસને બોલાવીને ફરી એક બિયર મંગાવ્યો. ખોલતાં ખોલતાં એને રીતુ યાદ આવી. એ હોત તો કહેત, લાવ, ખોલી આપું. તું તો પાછો વગાડી બેસીશ.

    રીતુનું બોલવાનું હંમેશાં આવું જ રહેતું. ક્યારેક એમાં વહાલ લાગતું, ને ગમતું, ને ઘણી વાર સોહનને ચીડ ચઢતી. હું એનો નાનો મિલન હોઉં એવી રીતે વર્તે છે મારી સાથે. અરે, ઇન્ડિયામાં હોતને તો ખબર પડત.

    જોકે શું હોત, ને શાની ખબર પડત તે સોહન સ્પષ્ટ જાણતો કે કહી શકતો નહીં. રીતુ એને સીધું કશું કહેતી નહીં, પણ મનમાં ને મનમાં ગણગણતી, જ્યારે ને ત્યારે ઇન્ડિયા-ઇન્ડિયા કરે છે તે જાય, ને ત્યાં રહે, ને જુએ કેવું ગમે છે, ને ફાવે છે તે. પછી જ પડે ખરી ખબર.

    સોહન પોતાની મરજીથી જ આવ્યો હતો અમેરિકા. રીતુ સાથે પ્રેમલગ્ન કરેલાં, ને કુટુંબ સાથેની જિંદગી બહુ સરસ જ હતી, પણ ઑફીસમાંથી અણધારી એક તક ઊભી થયેલી, એટલે એને બહુ મન થઈ ગયું. કદાચ કશા નવા જીવનની ઇચ્છા હશે, કે પછી કોઈ નવી ચૅલૅન્જ માટે જીવ ઊંચોનીચો થતો હશે.

    રીતુને અમેરિકા આવવાની જરા પણ ઇચ્છા નહતી, એમ જ કહી શકાય. એણે સોહન સાથે ઘણા ઝગડા કરેલા. એમ પણ કહેલું એક વાર તો, કે જો આવી ખબર હોત તો એણે લગ્ન કર્યાં જ ના હોત. પછી સોહને ખાતરી આપેલી કે બસ, થોડાં વર્ષો ત્યાં રહીએ, મઝા કરી લઈએ, ને પછી પાછાં. બસ?

    ન્યૂયૉર્ક જેવું શહેર. શક્યતાઓનો પાર નહીં. સોહન તરત કામ પર લાગી ગયેલો, ને રીતુએ આગળ ભણવાનું શરૂ કરી દીધેલું. હજી ડિગ્રી મળે તે પહેલાં જ એને નોકરી મળી ગયેલી. પછી તો સોહનને ઑફીસ તરફથી અમેરિકામાં પર્મેનન્ટ થવાની ઑફર મળી, ને ત્યારે સોહને દેશ પાછાં જવાનો વિચાર જરા પાછો ઠેલ્યો હતો.  “સક્સેસ સ્ટોરી” કહેવાય તેવું એમનું અમેરિકામાંનું જીવન હતું.

    ત્રણેક વર્ષ પછી રીતુ પ્રૅગ્નન્ટ થઈ ત્યારે સોહન કહેવા માંડેલો, કે ડાર્લિન્ગ, મેં તને વચન આપેલું તે પ્રમાણે ચાલ, હવે આપણે પાછાં જતાં રહીએ. બાળક ઉછેરવાનું તો ત્યાં જ સારુંને.

    આ સાંભળીને રીતુ જરા સ્તબ્ધ થઈ ગઈ હતી. એમ નહીં કે એ સોહનની આ ખાતરી ભૂલી ગઈ હતી, પણ એટલા માટે કે ત્યારે પહેલી વાર એને પોતાને ખ્યાલ આવ્યો કે પાછાં જવાની હવે એને ઇચ્છા થતી નહતી. હા, અહીં થોડું અઘરું હતું – બધું જાતે કરવાનું, ઘરનું કામકાજ સાચવવાનું, નોકરી પર દોડવાનું. પણ આમ જુઓ તો બધું કેટલું સહેલું પણ હતું. પોતાને જે પસંદ હોય તેમ કરવાનું, ઘર રોજ ધૂળિયું થાય નહીં, ને ઑફીસમાં તો રીતુની બુદ્ધિ એવી ખીલતી હતી કે ક્યારેક પોતાને જ નવાઇ લાગતી.

    પાછાં જવાનો સોહનનો આગ્રહ વધતો જતો લાગ્યો, ને રીતુને મનોમન વિચાર કરતાં એક સરસ દલીલ સુઝી. એણે સોહનને કહ્યું કે, ડાર્લિન્ગ, તું કહે છે તે બરાબર છે, પણ તને એમ નથી લાગતું કે બાળકનો જન્મ અહીં  થાય તે એના ભવિષ્ય માટે વધારે સારું છે? અમેરિકન નાગરીક તરીકે એને માટે અમેરિકામાં ભણવા આવવાનો, કે રહેવું હોય તો તે માટેનો રસ્તો ખુલ્લો અને સહેલો થઈ જાય, એમ નથી લાગતું તને?

    બાળકના જન્મ પછી રીતુએ કહેલું, બાબો થોડો મોટો થઈ જાય પછી ક્યાં પાછાં નથી જવાતું આપણાંથી?

    એની આવી  દલીલોથી હવે સોહન થોડો સ્તબ્ધ થઈ ગયો હતો. પણ એમાં લૉજિક તો હતું જ. યાર, આ રીતુ છે હોંશિયાર. ને ત્યારે રીતુ પણ પોતાની હોશિયારી પર ખુશ થતી હતી. પછીની વાત પછી, એ ચૂપચાપ કહેતી હતી પોતાને.

    મિલન મોટો પણ થવા માંડ્યો. સોહન પાછાં જવાની વાત ફરી કાઢે તે પહેલાં એવું બન્યું કે મોટાભાઈનો દીકરો અમેરિકા ભણવા આવવા માંગતો હતો. ઍડમિશન મળી ગયું, અને તે પણ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં. તમારા લોકોનું ઘર પણ ન્યૂયૉર્કમાં છે, એટલે અમને શાંતિ છે, ભઇ, મોટાં ભાભીએ કહ્યા કરેલું. સોહન કહી જ નહતો શક્યો કે એ તો પાછાં આવવાનું વિચારતો હતો.

    પછી તો સોહન-રીતુએ ભત્રીજાને સાથે જ રાખ્યો. વરસેક સુધી બધો ખર્ચો પણ એમણે જ આપ્યો. એ આગ્રહ રીતુનો હતો. એ કહે, ના, મોટાભાઈ પાસેથી પૈસા ના લેવાય.

    એ પછી થોડા વખતમાં સોહનનાં મોટાં બહેનની દીકરીનાં લગ્નનો પ્રસંગ આવ્યો.  નાનાં ભાઈ-ભાભીએ આવવું જ પડશે, એવો એમનો આગ્રહ હતો. રીતુને તાજેતરમાં બહુ સારું પ્રમોશન મળેલું, અને એ નીકળી શકે તેમ હતી નહીં. એ સાંભળીને મોટાં નણંદ છંછેડાયાં. કહેવા માંડ્યાં, એવી તે કેવી નોકરી છે કે ઘરના પ્રસંગમાં ના અવાય. કે પછી બહાનું છે? અમેરિકા જેવી સાહ્યબી અહીં ના મળે એટલે?

    સોહને ફોનમાં કશી દલીલ કરી નહતી. ઑફીસમાંથી રજા તો એને પણ મળે તેમ નહતી, પણ પોતે નહીં જાય તો બહેનને બહુ ખરાબ લાગવાનું. એ ચૂપચાપ કપાતે પગારે રજા લઈને લગ્નમાં હાજરી આપવા પહોંચી ગયેલો. ભાણીએ મંગાવેલી બધી ચીજો રીતુ લઈ આવેલી. આટલી બધી વસ્તુઓ મંગાવી છે?, જોઈને સોહન બોલી ઊઠેલો.

    ઇન્ડિયા જવાને દિવસે રીતુએ એના હાથમાં એક કવર મૂક્યું. શું છે?, પૂછતાં સોહને ખોલ્યું. જોયું તો ડૉલરની થોકડી હતી. પહોળી થઈ ગયેલી એની આંખોમાંના પ્રશ્નનો જવાબ સહજે આપતાં રીતુએ કહેલું,  બહેનને હાથોહાથ આપજે. એમને જે રીતે વાપરવા હોય તે રીતે વાપરે.

    આટલા બધા ડૉલર જોયા પછી મોટાં બહેનનો ભાવ બદલાઈ ગયેલો. નાના ભાઇની વાઇફ હવે બહુ સારી ને સમજુ લાગવા માંડેલી. ભાણી તો મંગાવ્યા કરતાં પણ વધારે કૉસ્મૅટિક્સ અને પર્ફયુમની શીશીઓ જોઈ મામાને કહેવા લાગી, મામી તો કમાલ છે, હોં. મારા વતી ખાસ થૅન્ક્સ કહેજો એમને.

    તું એક ફોન કરને. તું વાત કરીશ તો રીતુ બહુ ખુશ થશે.

    ઓહ, હમણાં તો ત્યાં રાત ચાલે છે.

    હા, તો તું એક ઇ-મેલ મોકલી આપ. જો કહું એનું આઇડી.

    અરે, મામા, મને ટાઇમ ક્યાં છે. તમે તો ખરા છો. જોતા નથી મારે કેટલું કરવાનું છે? તમે પાછા જાઓ ત્યારે કહી દેજોને.

    પછી એ બહેનપણીઓ સાથે કૉફી પીવા બહાર જતી રહેલી.

    રીતુનું દિલ ઉદાર છે, ને ખરેખર એ  સમજુ પણ છે, સોહન વિચારતો હતો. એને રીતુ પર બહુ વ્હાલ ઊભરાયું, અને મિલન બહુ યાદ આવવા માંડ્યો. એ ઘેર જવાના દિવસો ગણવા માંડ્યો. ને ત્યારે એ ચોંક્યો. ઘર? અહીં ઘેર તો હતો. અહીં અમદાવાદમાં.

    પછી એક રાતે એણે ઘરનાં બધાંને કહી દીધેલું, કે હવે એ રીતુ અને મિલનને લઈને પાછો અમદાવાદ આવી જવાનો હતો. હું તો ગયો ત્યારનો જ કહેતો હતો કે થોડાં વર્ષોમાં હું પાછો આવી જઈશ, યાદ છેને?

    મોટાભાઈ ને ભાભીએ માથું હલાવ્યું. મોટાં બહેન જાણે કશી વિમાસણમાં પડ્યાં. ત્યાં સુધી બેધ્યાનપણે પગના નખ પર રંગ-પૉલિશ કરતી ભાણી આ સાંભળીને જોરથી કહેવા માંડી, અરે, હોતું હશે? હવે તમારાથી અહીં ના અવાય, હોં. અમારે હજી ત્યાં ફરવા આવવાનું બાકી છે.

    ઊંચું જોયા વગર એણે બોલ્યા કરેલું, અને મામા, ભૂલતા નહીં. મામીને ચોક્કસ કહેજો કે આવાં જ મોંઘાં કૉસ્મૅટિક્સ અને પર્ફયુમ છ છ મહિને – ના, દર ચાર મહિને મને મોકલાવતાં રહે. તમે યાદ રાખજો. મામીને પણ કહેજો કે મારો ઑર્ડર યાદ રાખે.

    સોહન જાણે ઠંડો જ થઈ ગયો. ફટાફટ કોઈ આવું બોલી નાખે, તેવું એ જાણતો નહતો. રીતુ હોય તો ક્યારેય આવું બોલે જ નહીં. વળી, સોહને માન્યું હતું કે પોતે પાછો આવવાનો છે સાંભળીને ઘરનાં બધાં ખુશ થશે. એવું તો કાંઈ લાગ્યું નહીં. જરા ઉદાસ ભાવે એ વિચારવા લાગ્યો, કે ફક્ત લેવામાં રસ હોય, ને થૅન્ક્સ જેવું આપવાનું પણ સૂઝતું ના હોય, તેવા સંબંધ માટેની પોતાની જવાબદારી કેટલી હોવી જોઇએ.

    સોહનને કંઇક સમજાતું જતું હતું. રીતુએ ક્યારેય સોહનને ઇન્ડિયા પાછાં નહીં જવાનાં કારણ આપ્યાં નહતાં, કે કોઈ જાતના વાસ્તવિક પ્રશ્નો વિષે દલીલ કરી નહતી. પણ એને બધો ખ્યાલ હશે જ, હવે સોહનને લાગતું હતું. એને નિરાંત થઈ આવી કે પોતે ઉતાવળે પત્ની અને દીકરાને પાછો ખંેચી લાવ્યો નહતો. ખરેખર તો, એને નિરાંત થઈ આવી કે ન્યૂયૉર્કમાં હતું એનું પોતાનું ઘર.

                                     .                 .                 .                   .                  .                 .

    ભાણીનાં લગ્ન પતાવીને અત્યારે સોહન ન્યૂયૉર્ક પાછો ફરી રહ્યો હતો. વિચાર કરતાં કરતાં એની નજર બહાર સ્થિર થઈ હતી. સીટ પાસેની નાનકડી બારીમાંથી વિમાનની લાંબી વિન્ગ દેખાતી હતી. એણે જોયું કે એના એક છેડે અમેરિકાનો ધ્વજ ચીતરેલો હતો. નાનો મિલન ફરકતા વાવટાને જોઇને કેવી સૅલ્યુટ મારતો તે એને યાદ આવ્યું. એણે દીકરાને મનોમન વહાલ કર્યું.

    સ્ટુઅર્ડેસને ડીનર માટેની કાર્ટ લઈને આવતી જોઈને સોહનને અચાનક ખ્યાલ આવ્યો કે એણે ભોજનમાં નૉન-વૅજની થાળી લખાવી હતી. રીતુને બહુ ગમતું નહીં કે એ નૉન-વૅજ ખાય. રીતુની સામે તો એ ક્યારે પણ ના ખાતો, ને તેથી આ એકલી મુસાફરીમાં એ તક લઈ લેવાનું એણે વિચારેલું.

    પણ આ બધા વિચારોથી એનું મન જરા ભારે થઈ ગયેલું, અને રીતુ સાવ પાસે હોય તેવું લાગતું હતું. એકદમ એણે પસંદગી બદલી, અને એક વેજિટૅરિયન થાળી ઍક્સ્ટ્રા હોય તો તે માટે સ્ટુઅર્ડેસને વિનંતી કરી. છેલ્લે વધશે તો આપીશું, એમ કહી એ આગળ ચાલી ગઈ.

    સોહન રાહ જોતો બેઠો. ફરી એની નજર બારીમાંથી બહાર ગઈ. વિન્ગના ખૂણા પરની ઝબુકતી ઝીણી લાલ બત્તી એ જોઈ રહ્યો. હલકાં સફેદ વાદળો પસાર થાય ત્યારે વિન્ગ અને અમેરિકાનો ધ્વજ ઢંકાઈ જતાં હતાં, પણ ઝબુકતી દેખાતી રહેતી લાલ નંગ જેવી ઝીણી બત્તી જાણે એક હિપ્નોટિક બિન્દુ બનતી ગઈ.

    પછી તો પોતે કોઈ વિશાળકાયી વિહંગ પર આરુઢ થયો હતો. પહોળી વિસ્તરેલી બે પાંખોથી સફેદ વાદળોનાં સ્તર કપાતાં જતાં હતાં. હલકો પવન એનાં અંગ-મનને સ્પર્શતો હતો. એણે જોયું તો વિહંગની એક પાંખ પર અમેરિકાનો ધ્વજ ફરકતો હતો. એણે માથું બીજી પાંખ તરફ ફેરવ્યું, તો એના પર ઇન્ડિયાનો ધ્વજ ફરકતો હતો. એ સાથે, હવે એને બરાબર દેખાયું કે એ વિશાળકાયી વિહંગ તો ગરુડજી પોતે હતા, અને પૃથ્વીથી ક્યાંયે ઉપર, અનંત આકાશમાં કોઈ દેવની જેમ સોહન વિહરતો હતો.

    એ ખુશ ખુશ થઈ ગયો. એના દિલમાં બેવડા ગૌરવનો ભાવ ઊભરાઈ આવ્યો. પોતે જાણે બે હાથમાં બે ધ્વજ ફરકાવતો સ્વર્ગ તરફ જઈ રહ્યો હતો. મિલન બે હાથમાં રંગરંગીન ફરકડી લઈને કેવો દોડતો હોય છે. મિલન યાદ આવતાં, મિલનની જેમ અમેરિકાના ધ્વજ સામે જોઈને એણે સૅલ્યુટ ભરી.

    ઇન્ડિયાના ધ્વજને તો વંદન જ કરવાનાં હોયને. એણે સાદર નમન કરવા બે હાથ જોડ્યા. એમ કરવામાં ગરુડજી પરથી એની પકડ સાવ છૂટી ગઈ. એ નીચે ગબડવા લાગ્યો. આકાશમાંથી નીચે નીચે, છેક પાતાળ સુધી. એ ગભરાયો. કોઈને વહારે ધાવા બોલાવવા મથ્યો. ગળામાંથી શબ્દ નીકળ્યા નહીં. ચારે બાજુ કડાકા થતા લાગ્યા, બ્રહ્માંડ આખું હચમચતું લાગ્યું. નક્કી એ હવે પછડાવાનો. હમણાં પછડાવાનો.

    સર, સર, તમારી વૅજિટૅરિયન થાળી, સોહનને જરા હલાવીને સ્ટુઅર્ડેસ કહી રહી હતી.

    થાળી એણે છેડા પરની સીટ પાસે મૂકી હતી. સોહન બારી પાસેથી માંડ ખસી શક્યો. થોડી વારે એ સ્વસ્થ થયો ત્યારે એના દિવાસ્વપ્નથી થયેલો ગભરાટ એક પ્રકારની ઉત્તેજનામાં ફેરવાઈ ગયો. ગજબનો અનુભવ થયો હતો. એના માનસમાં એકદમ તાદૃશ હતું એ દૃશ્ય. બે ધ્વજ, વાદળ, આકાશ, વિહંગ- અરે, ગરુડજી.

    આ આખા અનુભવની સાર્થતા એને સમજાતી લાગી. અમેરિકા અને ઇન્ડિયાના બે ધ્વજ, બંને ત્રિરંગા.     હા, રંગનાં નિરૂપણ જુદાં ખરાં; તોયે એકમાં તારા, ને બીજામાં ચક્ર. વળી, ગરુડ પંખી પણ બંને દેશ સાથે સંકળાયેલું છે. અમેરિકાનું એ સત્તાવાર પ્રતીક, ને ઇન્ડિયાનો તો એ દૈવી સંદર્ભ છે. વાહ, શું સામ્ય.

    સોહનને ઊંડે સુધી કશીક અનુભૂતિ થયેલી લાગી. એને રીતુએ કરેલી એક વાત યાદ આવી. રીતુએ એક ચર્ચા કરતાં ભારપૂર્વક કહેલું કે કોઈ વ્યક્તિ અમેરિકાનું ગ્રીન કાર્ડ કે સિટિઝનશીપ લે તો એ પોતાની દેશીયતા ગુમાવી નથી બેસતી. બલ્કે કદાચ અન્યદેશીયતા એ વ્યક્તિમાં ઉમેરાય છે. આ ઉમેરાની, આ સંમિશ્રણની અગત્ય રીતુ સમજી ગયેલી – ઘણી વહેલી.

    એ માનતી કે આ જમાનામાં જિંદગી પાસેથી વધારે પામવું શક્ય છે. આ તો તૅકનિકી સાધનોનો કાળ છે. જરાક વારમાં હવે ઘણી માહિતી મળી જાય છે. આંગળીનાં ટેરવાં દ્વારા છેક મન તથા બુદ્ધિ સુધી કેટકેટલી જાતની જાણકારી – ક્નૉલૅજ – પહોંચી શકે છે. રીતુનું કહેવાનું એમ હતું કે જ્યાં પણ વસો ત્યાં વિકસો.

    રીતુની આવી વાતો સોહનને અત્યાર સુધી ચાંપલાશ જેવી, કે વધારે પડતા ડહાપણ જેવી લાગતી, તે યાદ આવતાં હવે એ મનોમન શરમાયો. ખરેખર બહુ ડહાપણ હતું એની રીતુમાં. એ ક્યારની યે બેવડું પામી ગઈ હતી જીવનમાં. એ સમજતી હતી કે મૂલ્યોની સાચવણી તો ક્યાંય પણ રહીને કરી શકાય, અને દેખીતી રીતે જ, એના મનમાં એ ખ્યાલ પણ ખરો જ કે અહીં હોઇએ તો દેશમાં કુટુંબને મદદરૂપ થવાય.

    બહુ ધીરજ રાખી એણે મારી સાથે. એને લાયક મારે થવું જ પડશે, સોહને ગંભીરપણે વિચાર્યું.

    એક બીજો બિયર, સર? સ્ટુઅર્ડેસ વિવેકથી પૂછી રહી હતી.

    સોહનને કશા બાહ્ય નશા-તરંગની અત્યારે હવે જરૂર નહતી રહી. એણે થૅન્ક્સ કહીને ના પાડી. એણે બહાર જોયું. પેલી ઝીણી બત્તી ઝબુકતી જતી હતી. વાદળ ખસી ગયેલાં, ને વિમાનની પાંખ પરનો અમેરિકન ધ્વજ સ્પષ્ટ દેખાતો હતો. એણે સૅલ્યુટ ભરી. એની સીટ પરથી નહીં દેખાતી વિમાનની બીજી પાંખ પર જાણે ઇન્ડિયાનો ધ્વજ ચીતરેલો ના હોય એમ એણે, એ તરફ જોઈ, બે હાથ જોડીને નમન કર્યું. આ વખતે એ પડ્યો નહીં. હવે એને સમતોલન મળી ગયેલું હતું.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ઈશ્વર