-
આજે સાંભરે છે અગ્નિશિખા શાં વિમલાતાઈ
તવારીખની તેજછાયા

એ ધારાધોરણસર ચૂંટણી લડવાથી માંડી હિસાબી ચોખ્ખાઈ ને વેરઝેરથી મુક્ત પ્રચાર વગેરે વાતો કરી શક્યાં હોત, પણ એમનું પહેલું બાણ છૂટ્યું તે મર્મવેધી હતું- કોંગ્રેસ કો એક ચપ્પા જમીં ભી નહીં મિલની ચાહિયે.
પ્રકાશ ન. શાહ
રામ નવમી આવવામાં હોય અને ધુળેટી હજુ હમણાં જ ગઈ હોય એવા આ દિવસોમાં, વિમલાતાઈ (૧૫ એપ્રિલ, ૧૯૨૧: ૧૧ માર્ચ, ૨૦૦૯)નાં જન્મ ને મૃત્યુ કલ્યાણકો વચ્ચે એમનું સ્મરણ એક સાથે બે છેડેથી થઈ આવે છે: હાલના ચૂંટણી કોલાહલ વચ્ચે આ મરમી જીવનસાધિકાએ શું કહ્યું હોત. તે સાથે, જગતને તો શું પૂછીએ પણ જાતને પૂછવાજોગ એ એક સવાલ પણ બારણાં ખટખટાવે છે કે ૨૦૨૧-૨૨માં એમની શતાબ્દી કેમ જાણે લગભગ વણઉજવી બલકે વણગાઈ ચાલી ગઈ. કોરોના કાળનું હોવું અને ઊતરતે ઊતરતે એનું તાઈના અંતેવાસીવત્ અરવિંદ દેસાઈને લઈ જવું, એ બીનામાં એક ખુલાસો જરૂર જડે છે: ન મહાજન પરંપરાના કલ્યાણભાઈ ત્રિકમલાલ આપણી વચ્ચે, ન તો રચનાત્મક સ્વાતંત્ર્યસૈનિક ઘરાણાના પ્રફુલ્લ દવે, નહીં થિયોસોફીમાં રમેલા ને તાઈની સંનિધિમાં વિકસેલા અરવિંદભાઈ.
ચાલુ કોલાહલ વચ્ચે તાઈને સંભારું છું ત્યારે જુલાઈ ૧૯૭૫ અને ૧૯૭૯ના ઉત્તરાર્ધના બે પ્રસંગો સામે આવે છે. ‘૭૫ના જુલાઈમાં એક દિવસે અનેરાથી ગોવિંદભાઈ રાવળનો સંદેશો મળ્યો કે તાઈ અહીંથી નીકળી ગયાં છે અને તમે એમને હીમાવન (પાલડી ચાર રસ્તા, અમદાવાદ) પાછળ કલ્યાણભાઈને ત્યાં મળો. અમે પહોંચ્યા ત્યારે તાઈ આવીને પરવારવામાં હશે બેઠકખંડમાં કલ્યાણભાઈ સાથે. અમે કેમ છો, કેમ નહીં કર્યું ન કર્યું ત્યાં તો પડખેના ખંડમાંથી તાઈ ધસમસતાં આવ્યાં, અગ્નિશિખાની એન્ટ્રી જાણે! બેઠકખંડમાંની વાતો અડધે શબ્દે અટકી પડી, કેમકે તાઈ રૂંધાયેલા ગળે પણ આક્રોશભેર બોલતાં હતાં- દેશનો બાપ જેલમાં છે ને બાબા શું કરે છે? જયપ્રકાશ ત્યારે જેલમાં હતા ને વિનોબાજી નિષ્ક્રિયવત્ દીસતા હતા એથી આવી પડેલો આ સામાન્ય સંજોગોમાં વણકલ્પ્યો એવો ઉદ્્ગાર હતો. (બાકી, તાઈને વિનોબા વિશે આદર ને આત્મીયતા કઈ હદે હશે એનો સાક્ષાત્કાર મને વિનોબાના અંતિમ પર્વમાં થયો હતો. એક્સપ્રેસ ઓફિસ પર કલાકે કલાકે ફોનમાં એ પૂછતાં પુછાવતાં હતાં.)
તાઈની આ અગ્નિશિખા આવૃત્તિ, ૧૯૭૫ પહેલાં વચલાં વરસોમાં જાણે શાંત પડી ગઈ હતી. ક્યારેક એ ઝંઝાવાતી ભૂદાનયાત્રી હશે, પણ પછી એ એક અંતર્યાત્રાના દોરમાં ચાલ્યાં ગયાં. દાન આપનાર કે દાન લેનાર, બેઉમાં આ ઘટના આસપાસ કોઈ આમૂલ પરિવર્તન નથી થતું. માલિકી હક્કનું વિસર્જન એકે પક્ષે નથી અનુભવાતું. આવી ઉત્કટ પ્રતીતિ સાથે તાઈએ કેટલાક સમય માટે જાતને સંકેલી અંતર્યાત્રાનો રાહ પકડ્યો. જે. કૃષ્ણમૂર્તિ ત્યારે એમને સારુ વાતનો વિસામો હતા. પણ આધ્યાત્મિક મુક્તિના આ આનંદકાળ પછી એમને આગલા અનુભવોએ કરીને અંતરથી ઊગ્યું કે એકલા આંતરિક વિકાસની વાત એકલા સામાજિક વિકાસ જેટલી જ ખોડંગાતી છે: જીવનમાં એક એવો અભિગમ જોઈએ, અખિલાઈભર્યો, જેમાં બંનેનો મેળ હોય. એમનો ઊંડો અભ્યાસી હોવાનો દાવો ન કરી શકું, પણ એટલું જરૂર કહું કે તાઈનાં ઉત્તરવર્ષોનો સિંહભાગ જે. કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ વચ્ચેના અનન્ય સંતુલન શો વરતાય છે.
પહેલાં ૧૮૭૫નું એક સ્મરણ કહ્યું. હવે ૧૯૭૯ની વાત કરું. કટોકટી ઊઠ્યા પછી જનતા રાજ ટૂંકજીવી પુરવાર થયું હતું, નવી ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. એ દિવસોમાં એક સાંજે યુનિ. વિસ્તારમાં દાદાસાહેબનાં પગલાંથી આગળ મોખરાના ભાગમાં થિયોસોફિકલ સોસાયટીની ‘કૃષ્ણકુટિ’માં પ્રો. બબાભાઈ પટેલ અને હું તાઈને મળવા ગયા હતા. ઘેરાતાં ચૂંટણી વાદળ વચ્ચે અમે પૂછ્યું કે આપણી ભૂમિકા શું. એ ધારાધોરણસર ચૂંટણી લડવાથી માંડી હિસાબી ચોખ્ખાઈ અને વેરઝેરથી મુક્ત પ્રચાર વગેરે વાતો કરી શક્યાં હોત. પણ એમનું જે પહેલું બાણ છૂટ્યું તે મર્મવેધી હતું- કોંગ્રેસ કો એક ચપ્પા જમીં ભી નહીં મિલની ચાહિયે.
આજે અધિકારવાદી બળો સંદર્ભે એ આથી જુદું ભાગ્યે જ કહે. સમાજનિસબત વગરની આધ્યાત્મિક જીનવચર્યા એમને એક ઐયાશી (લગ્ઝરી) લાગતી. નવી પેઢીના વાચકમિત્રોને કદાચ ખયાલ નયે હોય એટલે એમની ટૂંકી તો ટૂંકી પણ જીવનગાથા મારે ઉતાવળેય કહેવી જોઈએ. નાનપણમાં મિત્રો સાથે મળી વિવેકાનંદ મંડળ ચલાવતી આ મેધાવી છોકરીના રંગઢંગ એવા બિનદુનિયાદારી હતા કે કોઈ કુટુંબીજનોના કહ્યાથી એ મનોરોગી તો નથી ને એવી દાક્તરી તપાસ કરાવાયાનુંયે સાંભળ્યું છે. રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ અને સર્વોદય ચિંતક દાદા ધર્માધિકારી સાથેનો નિકટતાનો એના ભાવજગતને ઘડતો હશે જરૂર, પણ કુ. વિમલા ઠકાર એકદમ ઊંચકાયાં ૧૯૫૧-૫૨ આસપાસ. સર્વપલ્લી રાધાક્રિષ્ણનના આ છાત્ર ફિલસૂફીમાં એમ.એ. થયાં ન થયાં અને વર્લ્ડ એસેમ્બલી ઓફ યૂથ (વે) પ્રકારનાં આયોજનોમાં ભાગ લેવા પરદેશ ગયાં ત્યારે વિજયાલક્ષ્મી પંડિતની નજરમાં એવાં તો વસી ગયાં કે એમણે ભાઈને (જવાહરલાલને) તાર કર્યો કે આ તરુણીને સ્વરાજનિર્માણનાં કામોમાં ઝડપી લેવા જેવી છે!
પણ વિમલાને ભૂદાન આંદોલન સાદ દેતું હતું. ભૂદાનયાત્રાના વર્ષોમાં એ જયપ્રકાશનાં વ્યાખ્યાનોની નોંધ લેનાર તરીકે, તેજસ્વી વક્તા તરીકે, નશામાં ધૂત જમીનદારને ‘ભાઈ’ના સંબોધને જીતી લઈ ભૂદાન મેળવનાર તરીકે, એમ અનેકધા ઝળક્યાં. ચાલુ યાત્રાએ ધર્માધિકારી, જયપ્રકાશ ને અચ્યુત પટવર્ધને બનાવી આવેલી પુસ્તકસૂચિને સેવતાં ને જાગતા સવાલોના જવાબ વિનોબાજી અને આ ત્રણે ઉપરાંત ક્રિપાલાણી, લોહિયા, કાલેલકર પાસે મેળવતાં ગયાં અને એમ આંદોલનના નિંભાડામાં પાકતાં ગયાં.
આસામના છાત્ર આંદોલનથી માંડી વાલેસાના સોલિડારિટી આંદોલન તેમ ગ્રીન મૂવમેન્ટના મિત્રો સાથે દિલી આપલે, ગુજરાત બિરાદરી થકી નિસબત ધરાવતા નાગરિકો પેદા કરવાનો પ્રયત્ન, યુનાઈટેડ નેશન્સને સ્થાને યુનાઈટેડ પીપલ્સની પરિકલ્પના, દક્ષિણ એશિયાઈ બિરાદરી…
શું શંભારું, શું ભૂલું!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૩ – ૦૪ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
વાહનો : ભાગ (૧)
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah Kala Sampoot Vaahano 1
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
“કન્ફેશન’ : એક ડૉક્ટરની ડાયરીમાંથી
નીલેશ રાણા
લખ્યું ડેથ સર્ટિફેકેટ જે હાથે
જમ્યો છું હું એજ હાથે
શું આજ મારા સુખની વ્યાખ્યા?મારા જ લખેલા શબ્દો હજુ સુધી મને મૂંઝવી રહ્યા છે. આ લેખ આત્મપ્રસંશા કે આત્મશ્લાઘાની પ્રસાદી નથી. પણ ડૉક્ટર તરીકેના ઓગણપચાસ વર્ષના મનોમંથનનો નિચોડ છે; એની મને ખાતરી છે, છતાં નિર્ણય સુજ્ઞ વાચક પર છોડું છું.
નવેમ્બર ૧૯૬૯ – એમ.બી.બી.એસ.ની ડિગ્રી મળતા જ “ડૉક્ટર’ શબ્દ મારા નામની આગળ જોડાયો. “નીલેશ, કેમ છો?’ની જગ્યાએ “ડૉક્ટર, કેમ છો?’ પુછાતા પ્રશ્નની સાથે જ જાણે મારો નવો જન્મ થયો હોય એવી અનુભૂતિ થઈ. પણ ડૉક્ટર શબ્દે મૂકેલી જવાબદારીના ભારનો અહેસાસ સમજતા થોડાં વર્ષો જરૂર લાગ્યાં. સાથે મળેલાં સન્માનને યોગ્ય બનવું એટલું સહેલું નથી, એ પણ સમજાયું. અને આ સમજણને જીવનમાં ઉતારતા જીવવું પણ સહેલું નથી એ પ્રતીતિ પણ થઈ. સત્યને પચાવવામાં વાર તો લાગેને! માત્ર ડૉક્ટરનું મહોરું પહેરીને ચહેરાને ઢાંકી રાખવું એ નીલેશની
નિષ્ફળતા જ ગણાશે.ડૉ. સુરેશ દલાલ, આપણા જાણીતા કવિ હંમેશાં કહેતા કે વ્યક્તિએ બે જણ સામે ખુલ્લા થવું પડે. એક ઈશ્વર અને બીજા ડૉક્ટર. તો ડૉક્ટરની પણ ફરજ છે કે પોતાનો સાચો ચહેરો પેશન્ટ સમક્ષ પ્રગટ કરે. પ્રથમવાર એક સાવ જ અજાણી વ્યક્તિ જ્યારે એની જીવનદોરી મારા હાથમાં સોંપી દે ત્યારે એની આશા, શ્રદ્ધા, ભરોસા અને વિશ્વાસનું સન્માન જાળવવાની જવાબદારીનું મને સંપૂર્ણ ભાન હોવું જોઈએ. હું હંમેશા પેશન્ટને ઈશ્વરનું એકસ્ટેન્શન માનું છું. ઈશ્વર દર્દીના રૂપમાં મારી પરીક્ષા લેવા આવે છે; કે મેં લીધેલાં શપથને હું વફાદાર રહું છું કે નહીં. મારી પહેલી જવાબદારી એ છે કે એને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચાડું. ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે દીવાલ નહીં એક બારણું હોવું જોઈએ. અહીં પારદર્શકતા અનિવાર્ય છે. દર્દીઓ જ્યારે બેધડક મારી સામે પોતાના જીવનનું રહસ્ય ખોલે, પોતાની અંતરગત ગુપ્ત વાતો વિના સંકોચે મને જણાવે, તો મારે પણ નિખાલસપણે સાચી સલાહ આપવી જોઈએ.
હું સેવાનું કાર્ય કરું છું, એવાં ભ્રમમાં નથી રાચતો. સાથે ડૉક્ટરનો વ્યવસાય માત્ર ધંધો કે કમાણીનું સાધન માત્ર ન બની જાય એનું ધ્યાન રાખવું પડે છે. આ પણ એક વ્યવસાય છે જીવન નિભાવવા માટે. પણ એની સીમા બાંધવી પડે, એક લક્ષ્મણરેખા દોરવી પડે. મારો સંબંધ માણસ સાથે છે. માનવજીવન સાથે છે. જાણું છું કે આમ લખવું સહેલું છે અને જાળવવામાં જે જહેમત પડે છે એનાથી હું અણજાણ નથી, એ વાત પણ સો ટકા સાચી. નીલેશ અને ડૉક્ટર એક ચહેરો, એક મહોરું કે પછી Split personality? આજ મારું કુરુક્ષેત્ર – મારી જ કવિતાના શબ્દો:
દર્દીઓની લીધેલી ફીનું
સંગ્રહસ્થાન… મારું ઘર!
કાર, બંગલો, બેંક બૅલેન્સ
પેશન્ટના હસ્તાક્ષર!!રાત્રિમાં કશુંક ડૂબે-તરે
દ્યુત ધન્યતા કરગરે
લક્ષ્મી-સરસ્વતી
જુએ વક્ર નજરે…જમણો અંગૂઠો છે સલામત
નિર્ણયની કટારીએ.
તોય ટપકે રક્ત શાને
પૂર્વ દિશાની બારીએ?શબ્દો મને સાવધાન અને સાવચેત રાખે છે. ડૉક્ટરની જેમ નીલેશની પણ પોતાની જવાબદારી છે. એની ફેમિલી, જરૂરિયાતોને જાળવવાની ચિંતા… એટલે ડૉક્ટર અને નીલેશ વચ્ચેની ખેંચતાણની તાણ પણ અનુભવાય છે. સમતોલન જાળવવામાં શ્રમ પણ પડ્યો છે એ કબૂલું છું. પણ ઈશ્વર કૃપાએ બૅલેન્સ જળવાયું છે. માત્ર ડિગ્રી મળવાથી માનવીનો મૂળભૂત સ્વભાવ તરત જ તો બદલાતો નથી. ડૉક્ટર પણ એક સામાન્ય વ્યક્તિ જ છે. તેથી રોજિંદા તનાવથી એ અનભિજ્ઞ ન રહી શકે. મુવી જોતાં, મિત્રો સાથે ગપ્પાં મારતાં, બાળકો સાથે રમતાં કે પત્નીના આલિંગનમાં… અચાનક પેશન્ટનો કોલ આવે ત્યારે નીલેશને ગુસ્સો આવે, પણ તરત જ બીજી જ ક્ષણે ડૉક્ટર એને ઠપકારે અને શપથની યાદ દેવડાવે.
સારા ડૉક્ટર બનવા માટે, સક્સેસફુલ થવા માટે પ્રથમ સારા શ્રોતા બનવું પડે એ મારો પોતીકો અનુભવ છે. પેશન્ટની વાત શાંતિથી સાંભળો ત્યાં જ એનું અડધું દર્દ ઓછું થઈ જાય. કાનને ખુલ્લા રાખી હોઠોને બંધ રાખવાની શિસ્ત હંમેશાં કામમાં આવી છે. આમ ડૉક્ટરની ડિગ્રી મળ્યા બાદ નવું શિક્ષણ શરૂ થાય છે. પેશન્ટ પહેલાં અને પોતે પછી. એમની માનસિક, શારીરિક અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ક્યાંક વાંચેલું વિધાન મને યાદ આવે છેઃ “Each patient carries his doctor inside.’ એટલે દર્દી સારા થવાની ઇચ્છાને હંમેશાં એના મનમાં સ્થાન આપે એ મારે સમજાવવું જોઈએ. કારણ કે Health is hearty, health is harmony, health is happiness – માટે નકારાત્મક ભાવ સાથે સારવાર કરાવશો તો પરિણામ સારું નહીં આવે. એ વાત પણ સાચી છે.
ડૉક્ટર નીલેશની ઓળખાણ છે, નીલેશ – ડૉક્ટરની ઓળખાણ નથી. એ હકીકત જાણ્યા બાદ પણ બંને વચ્ચેના સંબંધોની બારાખડી લખાતી-ભૂંસાતી રહી છે. એની ખટાસ અને મીઠાશ મેં ચાખી છે. એ વિટંબણાની આંટીઘૂંટીમાંથી હજુ હું સંપૂર્ણપણે બહાર નથી નીકળી શક્યો એનો અફસોસ સાલે છે. આટલાં વર્ષોનાં સુખદ-દુઃખદ સંભારણાંઓ સાથે છે. પેશન્ટની નાડીનો ધબકાર, શ્વાસોના સૂર, હૃદયના ધડકનોનો તાલ નીલેશને ડૉક્ટર બનાવી અજાણ્યા પ્રદેશમાં દોરી જાય છે. દુ:ખ અને વ્યથાના પ્રદેશમાં આશા, આનંદ અને સુખની રોપણી કરવા મહદંશે મળતી સફળતાનો આનંદ અનેરો હોય છે. એ પ્રદેશમાં ડૉક્ટરે એકલા જ ઘૂમવું પડે. હાથમાંથી છટકી જતી પેશન્ટની જીવનદોરી ફાંસીનો ગાળો બની ગમગીન પણ બનાવી દે. મન અને હૃદયને અકળાવતી નિષ્ફળતાની ટીસ ને ભીતરમાં જ ધરબી રાખતા ચહેરા પર સ્મિતને ટાંકવું મુશ્કેલ કાર્ય છે. ડૉક્ટર સ્થિતપ્રજ્ઞ રહેવા ચાહે છે. પણ નીલેશ રડે છે, જ્યારે એક ૧૬ વર્ષની આફ્રિકન સ્ત્રી – પેશન્ટ ડિસેમ્બર મહિનાની હિમવર્ષામાં અડધો કલાક લાઈનમાં ઊભા રહીને, અમેરિકન ગવનર્મેન્ટ દ્રારા મફતમાં અપાતા બે પાઉન્ડના ચીઝ સ્લેબને કાગળમાં વિંટાળી મને ક્રિસ્મસની ભેટ તરીકે આપે છે, ત્યારેમારું ડૉક્ટર થવું સફળ થયું એમ લાગી આવે છે. હંમેશાં ક્રિસ્મસ સમયે મારા પેશન્ટ ક્રિસમસ કાર્ડ સાથે બે-પાંચ-દસ ડૉલરની ભેટ આપે છે ત્યારે હું સાચી ધન્યતા અનુભવું છું. આ સફળતા મને નમ્ર બનાવે છે. ત્યારે મારા પ્રત્યેનો એમનો વિશ્વાસ એ શ્રદ્ધાને નમન કરું છું. ત્યારે નીલેશ પણ ડૉક્ટરની પ્રશંસા કર્યા વગર રહી નથી શકતો.
તો બીજી તરફ ૭૦ વર્ષનો પુરુષ વાયગ્રાની માંગણી કરે ત્યારે હજુય જીવન માણવાની અભ્યર્થના, નર્સિંગ હોમમાં સંતાનોને જોવાની પ્રગટ થતી ઝંખના, કૅન્સરના લાસ્ટ સ્ટેજમાં મૃત્યુ માંગવાની યાચના. માતાપિતાની બિમારીની ચિંતા ન કરતાં એમના બેંક બેલેન્સ પર કબજો જમાવવા, એમની માનસિક સ્થિતિ ઠીક નથી એવા લેટર્સની માંગણી કરતાં સંતાનોની લાલસા, આવાં વિભિન્ન ઈમોશનલ ચક્રમાં ભીંસાતા કામ કરવું પણ એક ડૉક્ટર માટેની ચૅલેન્જ છે. આ સંજોગોથી મુક્ત રહેવું શક્ય નથી. નીલેશ કદીક ત્રાસી જાય છે પણ ડૉક્ટર આ ખમી લે છે. અને હંમેશાંમાથે લટકતી “Malpractice’ની તલવાર. ક્યારે કો’ક ફેમિલી મેમ્બર તમને કોર્ટમાં લઈ જાય કહેવાય નહીં. ડૉક્ટર પણ માણસ છે એને પણ બ્લડપ્રેશર, ડાયાબિટીશ થાય છે. એને પણ હાર્ટ એટેક આવે છે અને ડૉક્ટર જ્યારે પેશન્ટ બને તો…
હું ફરિયાદ નથી કરતો, માત્ર હકીકત જણાવું છું. આ વ્યવસાય મને ગમે છે એટલે અપનાવ્યો છે. હજુય ડૉક્ટર તરીકે કામ કરી રહ્યો છું. મનમાં એના માટે કોઈ વિષાદ કે અણગમો નથી. અસંતોષ નથી. જીવન અને મૃત્યુને નજદીકથી જોવાની અમુલ્ય તક મળી છે એ માટે ઈશ્વરનો આભારી છું. દર્પણ સાચું કે પ્રતિબિંબ ? કોને પ્રશ્ન કરું? જણાવશો?
વાંસળી વગાડું તો સૌ કોઈ સાંભળે
સ્ટેસ્થોસ્કોપ કોને સંભળાવું?
-
નકામું ઘાસ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
પાકિસ્તાનને અલગ દેશમાં પરિવર્તિત થયાને ત્રણ-ચાર મહિના જ થયા હતા. ઘરમાંથી આણેલો ટ્રંક, મેજ, પલંગથી માંડીને પારણાં જેવો સામાન હજુ પોલીસચોકીમાં ખડકાયેલો નજરે આવતો હતો.
ક્યારેક આ સઘળું કોઈ ઘરની શોભા હશે. ગૃહિણીઓએ કેટલાય ભાવથી ઘરમાં એને યોગ્ય સ્થળે ગોઠવ્યું હશે, પણ અત્યારે તો ઢગલામાં પડેલો સામાન કેટલાય સમયથી ગૃહિણીની કાળજી વગર આમતેમ ઠેબા ખાતો હતો. માત્ર ધરતી પોતાની જગ્યાએ હતી. શરણાર્થીઓ પણ જ્યાં એક કેમ્પથી બીજા કેમ્પમાં ફંગોળાતા હતા ત્યાં જાનવરોની દશાની તો શી વાત!
શરણાર્થીઓની તો ઠીક, ત્યાંના રહેવાસીઓનો આખેઆખી વસાહત ઉજડી ગઈ હતી. સગાંસ્નેહીઓ, મિત્રો વિખૂટા પડી ગયા હતા. મિલમજૂરના માલિક અને માલિકના મિલમજૂર બદલાઈને નવા આવી ગયા હતા. એકબીજાને અસલામાલેકુમ પણ નહોતા કહેતા કે નહોતા એકબીજા સાથે ભળી શકતા. આખેઆખા ગામની સિકલ બદલાઈ ગઈ હતી. જૂના રહેવાસીઓને પણ ગામ પરાયું લાગતું. ઘર, હવેલી પાસેથી પસાર થતી સડક-નહેર સુદ્ધાં અજાણ્યાં લાગતાં. નહેરોમાં ક્યાંય સુધી લાલ રંગનું પાણી વહ્યું. એમાંથી કેટલીય લાશોના અંગ બહાર દેખાતા. વજૂ કરવું મુશ્કેલ હતું ત્યાં નહાવાની વાત જ ક્યાં વિચારવી? ઘણું બધું પુનઃસ્થાપન કરવા જેવું હતું!
“આખો પ્રદેશ તબાહ થઈ ગયો.” ઊંડા નિસાસા સાથે એક યુવાન બૂઢ્ઢા બાપને કહી રહ્યો હતો.
“હા, થઈ તો ગયો છે પણ જોજે જ્યારે સૌ જ્યાં છે ત્યાં ટકી જશે તો બધું ઠીક થઈ જશે.” બાપ જાણે અનુભવની વાત કરતો હતો.
“એ બધું તો ઠીક છે પણ ટકશે ક્યાં અને કેવી રીતે? આ તો રોટીનો ટુકડોય ઉઠાવીને પોતના મ્હોંમાં મૂકી નથી શકતા.”
“અરે ભાઈ, ખેતી કરતાં પહેલાં ખેતરોમાં જે વધારાનું ઘાસ હોય છે એને ઉખાડવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી. એ વધારાનું નકામું ઘાસ મૂળથી ઉખાડીને ખેતરની બહાર ફેંકી દઈએ છીએ ને છતાં દસ દિવસમાં જ એનાં ફરી એનાં અંકુર ફૂટી નીકળે છે. એક મહિના પછી તો એવું લાગે કે જાણે અહીં નીંદામણ થયું જ નથી. એવી રીતે જગ્યાનો નાનો અમસ્તો ટુકડો મળશે અને અહીં લોકો ફરી પાછા આવીને વસી જશે.”
અસલમાં બાપની વાતમાં સચ્ચાઈ હતી. જેમને જમીન મળી જતી એ ત્યાં જ ટકીને રહી ગયા. કામચલાઉ મળેલાં ખેતરોથી પણ એમને રાહત લાગતી. સૌ ખેતરની વાડ પાસે એકઠા થઈને બેસતા ને સામાન્ય જીવન જીવવા મથતા. ક્યારેક કોઈ ઑફિસર કે થાણેદાર આવીને પંચ બેસાડે ત્યારે પોતાના દુઃખ એમની પાસે રજૂ કરતા.
એવામાં મારી અહીં નિમણૂંક થઈ. જબરદસ્તીથી ઉઠાવી ગયેલી સ્ત્રીઓને અને જબરદસ્તીથી મુસલમાન બનાવેલા પરિવારોને પાછા સહીસલામત હિંદુસ્તાન પહોંચાડવાનું મારું કામ હતું. હિંદુસ્તાની ફોજની ટુકડી અને પાકિસ્તાનના કેટલાક બાહોશ સિપાહીઓ મારી સહાયમાં હતા.
ખોવાયેલી યુવતીઓને શોધવાનું કામ કપરું હતું. પાકિસ્તાની સિપાહીઓ થોડી ઘણી મદદ કરતા ત્યારે કદાચ કામ સરળ બનતું.
આ એ સમયની વાત છે જ્યારે એક ફોજદારની મદદથી ગામની એક મોભાદાર વ્યક્તિની પુત્રવધૂની ભાળ મળી હતી. પાકિસ્તાનમાં સરકારનો ભારે રોફ હતો એટલે એ ગામ પહોંચ્યા ત્યારે સૌ ફોજદારનું સ્વાગત કરવા એકઠા થઈ ગયા. પૂછતાછ કરતા એક ઘર સુધી અમે પહોંચ્યા.
નાનકડું મકાન, છાજલી પર થોડા કપરકાબી, થાળીવાડકા, બસ આટલો અસબાબ નજરે પડ્યો. રૂમના એક ખૂણામાં થોડો સામાન, ચારપાઈ હતી જેની પર એ સ્ત્રી આડી પડી હતી. કદાચ થોડા દિવસથી એને તાવ હતો. હાથ પર મોટું ગૂમડું થયુ હતું એની પર પાટો હતો. શરીરે ક્ષીણ એવી એ સ્ત્રીનો અવાજ પણ અતિ ક્ષીણ હતો. એને સાંભળવા મારે એની નજીક જવું પડ્યું.
“શું થયું છે?” એના હાલ પૂછવા મેં એને સીધો જ સવાલ કર્યો.
“ચાર-પાંચ દિવસથી તાવ છે.” એણે જવાબ આપ્યો.
“તારી સાથે કોઈ સ્ત્રી નથી?”
“સાથે તો શું આસપાસ પણ નથી.” એ બોલી.
પહેલાં જોયેલી યુવતીઓ કે સ્ત્રીઓથી આની વાત સાવ જુદી હતી. એ લોકો સાથે કેટલાય સ્ત્રીપુરુષો હતાં. કોઈને કોઈની નજર કે રખવાળી એમની પર હતી. જ્યારે આને તો એના હાલ પર છોડી દીધી હોય એમ એ સાવ એકલી હતી.
“કેટલા સમયથી અહીં છું?”
“જ્યારથી આ ગામ ઉજડ્યું ત્યારથી.”
“આ કપડાં અને વાસણો તને કોણે આપ્યાં?”
“કેવી વાત કરો છો?” એ મ્લાન હસી.
પછી સમજાયું કે એ સાવ એકલીય નહીં હોય. આ ઘર, નજરે પડતો આ સામાન અને એનાં શરીરનો માલિક કોઈક તો હતો, જે અત્યારે દેખાતો નહોતો. લખવામાં જેટલી સહજતાથી આ વાત લખાઈ એ વાતની જાણકારીથી ત્યારે તો મન ત્રસ્ત થઈ ગયું હતું. આજ સુધી અહીંની દુનિયા કે અહીંના લોકો માટેના જે સુંદર વિચારો મારા મનમાં હતાં એ નષ્ટ થઈ ગયા. કડવી વાસ્તવિકતાથી મન વ્યથિત થઈ ગયું.
આ મકાનમાં કોઈએ ઉઠાવી લાવેલી સ્ત્રી ચારપાઈ પર બેસહાય પડી હતી. માણસજાતે માણસજાત પર ગુજારેલા સિતમનું ધૃણા છૂટે એવું દૃશ્ય હતું. કચડાયેલી, મસળાયેલી એક જીવંત લાશ જેવી સ્ત્રી નજર સામે હતી. એની નાતજાતનું કે સાથીદાર, કોઈ સાથે નહોતું. એને તો એ પણ કહેવામાં આવ્યું નહોતું કે એ ફરી એ સૌને મળી શકશે કે નહીં. વિશ્વાસના ભરોસે જીવી શકે એવાં ઠાલાં આશ્વાસન આપનાર પણ કોઈ નહોતું. અહીંથી કોઈ એને લઈ જશે એવો વિચાર કરવાનુંય એણે છોડી દીધું હતું.
એને અહીંથી કેવી રીતે લઈ જઈ શકાય એની શક્યતાઓ જોઈને પાછો આવીશ એમ મેં વિચાર્યું.
“સારું બહેન, તો હું ફરી આવીશ.” એમ કહીને હું ઊભો થયો.
“જતાં પહેલાં મારી એક વાત સાંભળશો, મારું એક કામ કરશો?”
હું અટકી ગયો.
“મારી એક વિનંતી છે. તમે મારાં શીખ ભાઈ છો, હવે હું તો મુસલમાન થઈ ગઈ છું. ક્યારેક હું શીખ હતી. આ દુનિયામાં એક માત્ર મારી નણંદ છે એને પણ કોઈ ઉઠાવી ગયું છે. પોલીસથી માંડીને સૌમાં તમારું માન છે, તમારી વાત બધાં માને છે. હું એની મા સમાન મોટી ભાભી છું. એને તમે શોધી શકશો? જો એ મારી પાસે હશે તો એનો હાથ કોઈને સોંપીશ. એમ કરીને અહીં અમારા સંબંધો વધશે. કોઈ તો હશે જેમને હું મારા કહી શકીશ.”
હવે પેલા વૃદ્ધ જાટની વાત મારી સમજમાં આવી. એ કહેતા હતાને કે, “ખેતી કરતાં પહેલાં ખેતરોમાં જે વધારાનું ઘાસ હોય છે એને ઉખાડવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી. એ વધારાનું નકામું ઘાસ મૂળથી ઉખાડીને ખેતરની બહાર ફેંકી દેવામાં આવે છે. પરંતુ દસ દિવસમાં જ એનાં ફરી એનાં અંકુર ફૂટી નીકળે છે ને અને એક મહિના પછી તો એવું લાગે કે જાણે અહીં નીંદામણ થયું જ નથી.”
શક્ય છે ફરી અહીં આવી જ રીતે નવો સંપ્રદાય વસતો થઈ જશે.
કુલવંતસિંહ વિર્કની વાર્તા घास પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મહેન્દ્ર શાહનાં માર્ચ ૨૦૨૪નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creations for Month of March 2024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ફિલ્મી ગઝલો – ૪૫. વિશ્વામિત્ર આદિલ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આ પહેલાં ઉલ્લેખી ચૂક્યા છીએ એવા અનેક શાયરોની જેમ વિશ્વામિત્ર આદિલ પણ પટકથાકાર, સંવાદ લેખક અને કેટલીક ગણીગાંઠી ફિલ્મોના ગીતકાર હતા. મુખ્યત્વે તેઓ લેખક અને એમણે લખેલી ફિલ્મોની સૂચિ ( કીમત, છોટી બહુ, પ્યાર કી કહાની, ફર્ઝ, શાગીર્દ, આરતી, આશિક, શારદા, ચાર મીનાર, જોરૂ કા ભાઈ, હાઉસ નં ૪૪ ) અને એમના બેનર જોઈએ તો ખ્યાલ આવે કે એ કેવડા મોટા અને લોકપ્રિય લેખક હતા. પોતે એક નિષ્ફળ ફિલ્મ ‘ ઈંસપેક્ટર ઈગલ ‘ પણ બનાવીને દિગ્દર્શિત કરી. થોડાક વર્ષ ઓલ ઈંડીયા રેડિયો અને રેડિયો સિલોન માટે પ્રોગ્રામ લખવાનું કામ પણ કર્યું.હમ લોગ, નીચા નગર, રાત કા રાહી, જોરૂ કા ભાઈ, અફસર જેવી દસેક ફિલ્મોમાં પચાસ આસપાસ ગીતો લખ્યા. એમની બે દુર્લભ ગઝલો જોઈએ :
બરબાદ મુહબ્બત કી છોટી સી કહાની હૈ
એક ટૂટા હુઆ દિલ હૈ એક તેરી નિશાની હૈસાવન ભી ગયા કબ કા, સાથી ભી ગએ કબ કે
ભીગી મેરી આંખોં મેં અશ્કોં કી રવાની હૈતકદીર કી ઠોકર ને વો ઝખ્મ લગાયા હૈ
ના મન મેં ઉમંગેં હૈં ખામોશ જવાની હૈમર જાતે કો અચ્છા થા પર હાએ રે મજબૂરી
હમ મર ભી નહીં સકતે વો મૌત સુહાની હૈ ..– ફિલ્મ : ફૂલ ઔર કાંટે ૧૯૪૮
– મીના કપૂર
– દાદા ચંદેકર
અરે ઝાલિમ ન તૂ હમસે ખફા હોતા તો ક્યા હોતા
ગલે મિલ કે હમારા હો ગયા હોતા તો ક્યા હોતાનઝર કે જામ પી લેતે, ઘડી ભર હમ ભી જી લેતે
જો ઈકરારે મુહોબત કર લિયા હોતા તો ક્યા હોતાતેરે કુછ ભી ન કહને પર તુઝી પર જાન દેતે હૈં
અગર કુછ મુસ્કુરા કર કહ દિયા હોતા તો ક્યા હોતારુલા કર મેરે અશ્કોં કો તમાશા દેખને વાલે
યે આંસૂ તેરી પલકોં સે ગિરા હોતા તો ક્યા હોતા..– ફિલ્મ : સમુંદરી ડાકુ ૧૯૫૬
– આશા ભોંસલે
– જયદેવ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વિરોધ અને ટીકા – ૮ હકીકતો અને ૮ બોધપાઠ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
જો તમે અગ્રણી સ્થાન પર છો, તો તમારે હંમેશા એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે જ્યાં:
- કોઈ કામ કરવા બદલ લોકો તમારી ટીકા કરશે.
- કોઈ કામ ન કરવા પર પણ લોકો તમારી ટીકા કરશે.
- તમારા નિર્ણયો તમારી વિરુદ્ધ જશે.
- તમે જે પહેલ કરશો તેમાં તમને ઘણા પ્રતિકારનો સામનો કરવો પડશે.
- માર્ગમાં અવરોધોનો સામનો કરવો પડશે
- લોકો તમારા નિર્ણયોનું બારીકીથીથી વિશ્લેષણ કરશે.
- તમારા પર કંઈક કરવાનો (અથવા ન કરવાનો) આરોપ લાગી શકે છે.
- અથવા, તમારે ખોટા હેતુઓવાળા લોકોનો સામનો કરવો પડશે.
તો, તમે શું કરશો? હાથ ઊંચા કરી દેશો?
આવી પરિસ્થિતિમાં આટલું જાણી, સમજી અને સ્વીકારી લેવું જોઈએ:
- ટીકા અનિવાર્ય છે. લોકો ટીકા કરી રહ્યા છે તેનો અર્થ એ છે કે તમે કંઈક અર્થપૂર્ણ કરી રહ્યા છો.
- વિવેચકો/પ્રતિકૂળતાઓ દ્વારા આપણને ધાર પર ધકેલવામાં આવે ત્યારે આપણે આપણી શ્રેષ્ઠ સ્પર્ધાત્મક સ્થિતિમાં હોઈએ છીએ.
- દરેક ટીકા કે પ્રતિકાર એ કંઈક નવું શીખવાની તક છે.
- પ્રતિકાર તમને લોકોની કામ કરવાની, કે વિચારવાની શૈલીને સમજવા માટે સક્ષમ બનાવે છે. એક નેતા માટે આ બહુ મોટી આવડત છે.
- જો કોઈ તમારી તરફ પેન લંબાવે છે, તો તમારે નક્કી કરવાનું રહે છે કે તમે તેને સ્વીકારવા માંગો છો કે નહીં. (ટીકા સાથે પણ આવું જ છે. ટીકા બરાબર સાંભળ્યા અને સમજ્યા પછી તેને અવગણવાથી એ ટીકા અર્થ વગરની બની જાય છે)
- ટીકાકારને જવાબ આપવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમે જે પણ કરો છો એમના મટે જડબાંતોડ જવાબ નીવડે. દાખલો બેસાડી દે એવું આચરણ એ પોતે જ પ્રગાઢ શક્તિ ધરાવતું વિધાન છે.
- ટીકા કરવામાં આવે ત્યારે મન ખુલ્લું રાખો – તેમાં તમારી જાતને સુધારવાની તક હોઈ શકે છે.
- કામ પર ટીકા, પ્રતિકાર અને પ્રતિકૂળતાઓ હંમેશા તમારી પોતાની વિચારધારા, નિર્ણય પ્રક્રિયા , કાર્યપદ્ધતિને સુધારવા માટે આત્મખોજ કરવાની સુવર્ણ તક છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
અવળેથી કડીઓ જોડવાની શરૂઆત કરવાની નિપુણતા: અંતથી શરૂઆત કરીએ
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
આંખ સામે ચિત્ર ખડું કરવું, મોટે પાયે વિચારવું વગેરેના ફાયદા આપણને બધાંને ખબર છે.
પરંતુ ૯૦% લોકો સીધી લીટીમાં જ વિચારે છે – એક છેડેથી શરૂ અને બીજે છેડે અંત.
અહીં જ તક છુપાએલી છે.
અવળેથી કડીઓ જોડવાની શરૂઆત કરવાની નિપુણતા કેળવીએ: અંતથી શરૂઆત કરીએ
અવળેથી કડીઓ જોડવી એ એક જાતનો ભુલભુલામણીના કોયડાનો સહેલોસટ ઉપાય છે. ‘અંત’ થી શરૂ કરીને રસ્તો ખોળતાં ખોળતાં ‘શરૂઆત’ સુધી પહોંચી જાઓ. જટિલ સમસ્યાઓને ઉકેલવાનો આ એક શક્તિશાળી ઉપાય છે.
અવળેથી કડી જોડવાના ૩ આનુષંગિક લાભ:
૧. સમસ્યાઓ ઉકેલવાનાં કૌશલ્યમાં વધારો : અંતના લક્ષ્ય બિંદુ પર ધ્યાન આપવાથી મુશ્કેલ સમસ્યા નીવડી શકે એવાં મોટાં કામને નાનાં નાનાં કામોમાં વહેંચી નાખવાની કળા આવડવા લાગે છે. બીજા શબ્દોમાં એ સફળ થતી અવળી એન્જિનિયરિંગ પ્રક્રિયા છે.
૨. આયોજન પ્રક્રિયા ધારદાર બને છે : પહેલાં ‘અંત’ની કલ્પના કરો. તેનાથી કામોની ગોઠવણી સ્પષ્ટ બની જાય છે તેમ જ લક્ષ્ય સુધી પહોંચવા માટે શું શું જોઈશે તે સમજાઈ જાય છે. પરિણામ ? સુવ્યવસ્થિત, કાર્યદક્ષ આયોજન.
૩. સર્જનાત્મક કલ્પનાશક્તિ ખીલે છે : આ સીધી સટ રીત નથી. એ તો અભિનવ અભિગમ જ છે, જે અવનવા ઉપાયોને ખોળી લાવી શકે છે.સ્ટીફન કોવીની અનુભવસિદ્ધ વાણી: “અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો.”

“The 7 Habits of Highly Effective People“ની આ લગડી જેવી ટકોર અવળેથી કડીઓ જોડવાનું હાર્દ સમજાવી જાય છે. (પુસ્તક ન વાંચ્યું હોય તો હજુ પણ વાંચી જજો. આભાર પછીથી જ માનજો!)
તમારાં લક્ષ્યનું ચિત્રમાં મનમાં દોરો અને પછી તેને પહૉંચવાનાં દરેક પગલાંને એ લક્ષ્ય ભણી કેન્દ્રિત કરો.
આ પણ અજમાવો: અવળું મનોમંથન
લક્ષ્ય દખાય છે ને? આટલું કરશો તો લક્ષ્યવેધ નક્કી છે.
બસ, પછી પુછો: “કયાં પગલાં અહીં સુધી લઈ આવ્યાં?” પગલાંનાં એ નિશાન પર ઊંધી ગણતરી માંડો. જે જે સીમાચિહ્નો અને પગલાંઓ આ કેડીએ મળતાં જાય તેને નોંધતાં જાઓ.
પરંપરાગત આયોજનને આમ ઊંધી બાજુએથી જોવાથી નવી સૂઝ ખુલવા લાગે છે અને સીધી સફર દરમ્યાન ચુકાઈ ગયેલાં પગલાં સ્પષ્ટપણે દેખાવા લાગે છે.
પાદ નોંધ: અવળી ગણતરી માંડતાં માંડતાં સવળી ગણતરીને હાંસિયામાં ન ધકેલી દેતાં. સમજી ગયાંને ! હા, આમ પણ, તમને તો ઈશારો જ બસ છે નેઃ😊
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
મનમર્કટ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
વાંદરો અને મદારી… નાનપણમાં સૌએ આ જોડી જોઇ હશે. વાંદરા વગર તો મદારી અને એનો ખેલ અધૂરો. એ ય મઝાની ડુગડુગી વગાડે અને વાંદરું એના તાલે નાચે. છોકરાઓ ખુશ ખુશ.
એક દિવસ મદારીએ વાંદરાને પકડવા જંગલમાં પાંજરું ગોઠવ્યું અને એમાં મૂક્યા મગફળીના દાણા. જેમ ઉંદરને પકડવા રોટલીનો ટુકડો પાંજરામાં મુકીએ અને રોટલીની લાલચે ઉંદર પાંજરામાં આવે અને ફસાઇ જાય એવી રીતે મગફળી લેવા વાંદરું માત્ર હાથ અંદર નાખે અને પાંજરામાં એનો હાથ ફસાઈ જાય એવી આ રચના હતી.
હવે આમાં એક શક્યતા હતી કે વાંદરું જો મગફળી લેવાનો મોહ છોડીને હાથની મુઠ્ઠી ખોલી દે તો એનો હાથ જેટલી સહેલાઇથી પાંજરામાં ગયો એવી સાવ સરળતાથી બહાર કાઢી જ શકે. પરંતુ વાંદરું એમ નહીં કરે કારણકે એને અંદર પડેલા મગફળીના દાણા લવાનો મોહ છે અને એટલે એનો હાથ ફસાયેલો જ રહેશે અને બસ પછી તો મદારી માલિક અને વાંદરું એનું ગુલામ. મદારી એને પકડીને પોતાના તાલે કાયમ માટે નાચતું કરી દેશે.
આપણે જાણીએ છીએ , સમજીએ છીએ કે વાંદરું તો જાણે કે પ્રાણી છે પણ આપણે?
આપણને પણ એકાદ ક્ષણની લાલચમાં ફસાતા ક્યાં વાર લાગે છે? દેખીતો લાભ લેવાની વૃત્તિ આપણે પણ ક્યાં જતી કરી શકીએ છીએ? એ ક્ષણે આપણે પણ ભૂલી જઈએ છીએ કે એ એક ક્ષણનો મોહ અને કાયમ માટેનું બંધન કારણકે એ ક્ષણિક લાલચ હંમેશ માટેની આપણી આદત બની જાય છે અને પછી તો કહે છે ને કે થાંભલો મને છોડતો નથી. સાચી વાત એ છે કે પેલા મગફળીની લાલચમાં જકડાયેલા વાંદરાની જેમ આપણે જ એ આદતનો થાંભલો છોડી શકતા નથી.
ખોટી કે ખરાબ આદત એ ક્ષણે તો સારી જ લાગશે, આનંદ આપનારી, લહેજતભરી લાગશે પણ ધીમે ધીમે ખબર પડતી જાય કે કેવા કળણમાં આપણે ઉતરતા જઈએ છીએ અને ત્યારે એમાંથી પેલા વાંદરાની જેમ બહાર નિકળવાની કોઇ કારી સફળ નથી થતી.
લોભામણી- લલચાવનારી ભૂમિ પર સ્વસ્થતા જાળવવાનું જરા કપરું તો છે જ પણ જો એ સમયે મનને જો થોડા સમય માટે પણ વશમાં રાખી શકીએ તો જીવનભર આપણે આપણી મરજીના માલિક.
એક સારી અને સાચી ભૂમિકા પસંદ કરવાનું ખરેખર કપરું છે પણ જો એક વાર સાચી, સારી અને નક્કર ભૂમિકા પર આપણે સ્થિરતા મેળવી લઈશું તો જીવનભરની સ્થિરતા.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
શૂન્યની નીચે દસ અંશ તાપમાનમાં તેઓ ખાલી પેટે ખુલ્લામાં સૂતા. શાથી?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
હિમડંખ અને સૂર્યદાહ બન્ને એક સાથે લાગી શકે એવું આપણા દેશનું કયું સ્થળ? ફરવાના શોખીન હોય એવા સહુ કોઈને આ સવાલનો જવાબ ખબર ન હોય એમ બને નહીં. એ છે લદાખ, જે હવે જમ્મુ અને કાશ્મીરથી અલગ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પામ્યું છે. ત્રણ હજારથી આઠ હજાર સુધીની ઊંચાઈ ધરાવતા આ પ્રદેશને ઠંડુંગાર પહાડી રેગિસ્તાન કહી શકાય. અલબત્ત, આ સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ વિશિષ્ટ છે. અહીં જલવર્ષા નહીં, પણ હિમવર્ષા થાય છે. અતિ ઊંચાઈને લઈને પ્રાણવાયુની તીવ્ર અછત હોવાથી વનસ્પતિ સાવ મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે. અહીંનું ભૂપૃષ્ઠ અતિશય નાજુક છે. મુખ્યત્વે રેતાળ પહાડો છે, અને અહીંના ખડકોમાં અનેક પ્રકારના ખનીજોનું વૈવિધ્ય છે. લદાખ હિમાલયનાં અન્ય સ્થાન જેવું રમણીય, હરિયાળું અને પ્રાકૃતિક સૌંદર્યની આપણી સામાન્ય વ્યાખ્યા ધરાવતું નથી. અહીંના સૌંદર્યને માણવા માટે દૃષ્ટિ કેળવવી પડે. હરિયાળી સિવાયના વિવિધરંગી પહાડોની વચ્ચે જાણે કે અનંત સુધી ચાલ્યા જતા રસ્તા પરથી પસાર થવાનો રોમાંચ માણવા માટે કુદરતી સૌંદર્યને નવેસરથી વ્યાખ્યાયિત કરવું પડે. પહાડો પરથી સતત ફૂંકાતો રહેતો ઠંડોગાર અને સૂકો પવન ત્વચા પરનો ભેજ શોષી લે છે, તો સૂર્યનો તાપ અહીં વધુ પડતો આકરો જણાય છે. આવા સંજોગોમાં અહીં રહેતા સ્થાનિકોનું રોજબરોજનું જીવન કેટલું કપરું હશે એનો અંદાજ લગાવી શકાય. ભૌગોલિક વિપરીતતાઓ ઉપરાંત સુરક્ષાની દૃષ્ટિએ પણ આ સ્થાન સંવેદનશીલ છે. અહીં ચીન અને પાકિસ્તાન એમ બન્નેના આક્રમણનો ખતરો છે. વિશ્વભરનું સૌથી ઊંચું રણમેદાન કહેવાતો સિઆચેન વિસ્તાર અહીં આવેલો છે.
કોવિડ પછીના કાળમાં અહીં પ્રવાસીઓનો જબ્બર ધસારો શરૂ થયો છે, જેને પગલે અહીં વિવિધ સુવિધાઓ ઊભી થઈ રહી છે. પ્રવાસીઓના ધસારાને પગલે સ્થાનિકો માટે આવકનો સ્રોત ખૂલ્યો છે, પણ ધસારાની સીધી અસર લદાખના પર્યાવરણ પર થઈ રહી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી હવામાનની અને ભૂગોળની આવી વિપરીતતા વચ્ચે આ પ્રદેશમાં એક આંદોલનનો આરંભ થયો છે, જેની નોંધ મુખ્ય ધારાનાં પ્રસાર માધ્યમોમાં ભાગ્યે જ લેવાઈ છે. લદાખ પ્રદેશના રહેવાસી, પોતાના ફળદ્રુપ દિમાગ વડે અહીંના વાતાવરણને અનુરૂપ અવનવા મૌલિક ઊપાયો થકી જાણીતા બનનાર તંત્રજ્ઞ, કર્મશીલ, અને શિક્ષક સોનમ વાંગ્ચૂક ૬ માર્ચ, ૨૦૨૪થી એકવીસ દિવસના ઉપવાસ પર ઊતર્યા હતા. આ ઉપવાસ આમરણ અનશનમાં પણ તબદીલ થઈ શકે એવી શક્યતા હતા. રાતના શૂન્યની નીચે દસ, અગિયાર અંશ સેલ્સિયસ સુધી પહોંચી જતી હાડ થિજાવી દેતી ઠંડીમાં તેઓ ખુલ્લા મેદાનમાં સૂઈ રહેતા, એટલું જ નહીં, તેમને સાથ આપવા માટે બીજા દોઢસો બસો ટેકેદારો પણ આમ કરતા. આ લખાય છે ત્યારે, 26 માર્ચના રોજ તેમણે એકવીસ દિવસના ઉપવાસ સંપન્ન કર્યા છે. તેઓ ટ્વીટર દ્વારા રોજેરોજનો અહેવાલ આપતી વિડીયો મૂકતા રહ્યા અને બહારના જગત સાથે સંપર્કમાં રહ્યા. આવું દેખીતું આત્મઘાતી વલણ અપનાવવાનું કારણ કંઈ સ્વપ્રસિદ્ધિ માટેનું ન જ હોય, બલ્કે પરિસ્થિતિ કઈ હદની ગંભીર હશે એ સૂચવે છે. પણ કઈ પરિસ્થિતિ?અને કેવી છે તેની ગંભીરતા?
૩૧ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યારે ત્યાંના રહેવાસીઓએ આ ઘટનાની ઉજવણી કરી હતી. સોનમ વાંગ્ચૂકે વડાપ્રધાનનો આભાર માન્યો હતો, અને સરકારે ઘોષિત કરેલા છઠ્ઠી અનુસૂચિના અમલના નિર્ણયને આવકાર્યો હતો. સોનમે પોતે સરકારને પત્ર દ્વારા કરેલું સૂચન અને જનજાતીય કાર્ય મંત્રી અર્જુન મુંડા દ્વારા સોનમને ઉદ્દેશીને લખાયેલો, લદાખને અનુસૂચિ 6માં મૂકવાની જાણ કરતો પત્ર ટ્વીટર પર મૂક્યો હતો. દેશની લોકશાહીમાં પોતાનો વિશ્વાસ દૃઢ બન્યો હોવાનું સોનમે જણાવ્યું હતું. એ પછી સાડા ચાર વર્ષ વીત્યાં, પણ સરકારે પોતાની ઘોષણાનો અમલ કર્યો નથી. આ અનુસૂચિના અમલ બાબતે સરકાર પર દબાણ લાવવા માટે વાંગ્ચૂક સહિત અન્ય લદાખવાસીઓ ઉપવાસ પર ઊતર્યા. રેલી કાઢીને તેમણે આ મહત્ત્વના મુદ્દે સૌનું ધ્યાન ખેંચ્યું. તેમના જણાવ્યા અનુસાર લદાખવાસીઓના ભ્રમનું હવે નિરસન થઈ ગયું છે અને તેમને પોતે છેતરાયા હોવાનું અનુભવાઈ રહ્યું છે. સોનમે જણાવ્યું છે કે પોતે એટલું જ કહી શકે એમ છે કે સત્તાધારી પક્ષ કેવળ ચૂંટણીલક્ષી જ વિચારે છે કે પોતાને કેટલી બેઠક મળી શકશે. લોકોની તેને કશી પડી નથી. ઉઘાડેછોગ હોવા છતાં સ્વાનુભવે તેમને આ સચ્ચાઈ જાણવા મળી અને તેમણે વિરોધ શરૂ કર્યો. ધીમે ધીમે આ આંદોલનની જાણ દેશભરમાં થઈ અને મુંબઈ, પૂણે, હૈદરાબાદ સહિતનાં વીસેક શહેરોમાંથી પણ તેને સમર્થન પ્રાપ્ત થતું ગયું.
દેશનાં પ્રસારમાધ્યમોની સ્થિતિ એવી છે કે સરકારની છબિ ખરડાય એવા મોટા સમાચાર તેમાં આવતા જ નથી. બીજી તરફ સરકાર સંચાલિત સાઈબર સેલ પોતાના લાભમાં હોય એવી નાનામાં નાની ઘટનાને જોતજોતાંમાં ચોમેર ફેલાવી દે છે. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનો વ્યાપક ઉપયોગ કરતા લોકો તેને પ્રસરાવવાની સાથોસાથ સરકારના સ્વઘોષિત તરફદારની ભૂમિકામાં આવી જાય છે. કોઈ પણ ઘટનાને ધાર્મિક, કોમી રંગ આપવામાં તેઓ નિષ્ણાત છે. આવા માહોલમાં અને સાવ વિપરીત હવામાનમાં આપણા જ દેશના એક પ્રદેશના લોકો જાતની ચિંતા કર્યા વિના સતત એકવીસ દિવસ સુધી રોજ રાતે મોતની આગોશમાં સૂતા રહ્યા. સોનમે જણાવ્યું છે કે ઉપવાસ ભલે પૂરા થયા, પણ લડત ચાલુ રહેશે. મહિલાઓનાં કેટલાક જૂથે આ જ માગણીઓ સાથે નવેસરથી ઉપવાસ કરવાની ઘોષણા કરી છે.
પોતે લીધેલા નિર્ણયની ઘોષણા પછી સરકાર શા માટે અનુસૂચિ 6ને અમલી નથી બનાવી રહી એ એક રહસ્ય છે, છતાં ગૂઢ નથી. પણ એ માટે પહેલાં અનુસૂચિ 6ની જોગવાઈ શી છે એ જાણવું જરૂરી છે. તેના વિશે આગામી સપ્તાહે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮– ૦૩ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
