-
યુનાઈટેડ નેશન્સે હંસા મહેતાને હમણાં કેમ સંભાર્યાં હશે?
તવારીખની તેજછાયા

જન્મ : ૩ જુલાઈ, ૧૮૯૭, મૃત્યુ : ૪ એપ્રિલ, ૧૯૯૫ પ્રકાશ ન. શાહ
વડોદરાના મહિલા સાંસ્કૃતિક સંગઠનને હંસા મહેતા વિશે ચર્ચાગોષ્ઠી યોજવાનું ગયે અઠવાડિયે સૂઝી રહ્યું તે જાણી સ્વાભાવિક જ આનંદ થયો. હજુ બે’ક અઠવાડિયાં પર જ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પ્રમુખીય સ્તરેથી એમનો વિશેષોલ્લેખ થયાનું ક્યાંક ખૂણેખાંચરે વાંચવાનું બન્યું ત્યારથી જ અંતરમનમાં એ વાતે અમળાટ હતો કે આપણે ગુજરાતીઓ એમને ક્યારે સંભારીશું.
યુનાઈટેડ નેશન્સે એમને કેમ સંભાર્યાં હશે એનો ખુલાસો આપું તે પહેલાં મહિલા સાંસ્કૃતિક સંગઠનને લગરીક મીઠો ઠપકો આપું? કાર્યક્રમની આગોતરી જાણ કરતા એણે હંસાબહેનને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર તરીકે કેમ ઓળખાવ્યાં? ભાઈ, એ પ્રથમ વાઈસ ચાન્સેલર (૧૯૪૯-૧૯૫૯) હતાં અને એમના કાર્યકાળમાં યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકાવા લાગી હતી જે એમની પ્રતિભા અને સંપર્કો જોતાં સહજ પણ હતું. પાછાં યુએન પહોંચી જઈશું?
આઝાદીના અરસામાં હંસા મહેતા ભારતના પ્રતિનિધિમંડળ પર ત્યાં હતાં, અને એમાં પણ માનવ અધિકારોને લગતી સમિતિ પર એલીનોર રુઝવેલ્ટ (અમેરિકી પ્રમુખ રુઝવેલ્ટનાં પત્ની) અને હંસાબહેન બેઉ સહ-ઉપપ્રમુખ હતાં. એલીનોરના અધિકૃત ચરિત્રકારે યુએન ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સ અંગેની એમની કામગીરીની ચર્ચા કરતા ખાસ નોંધ્યું છે કે મૃદુભાષી, કંઈક તનુકાય, સાડીએ સોહતાં હંસા મહેતાએ માનવ અધિકારને લગતા યુએન જાહેરનામામાં પહેલે જ ધડાકે, પહેલી જ કલમમાં શકવર્તી સંસ્કરણ માટે આગ્રહ રાખીને ઈતિહાસ સર્જ્યો હતો. ‘ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઈક્વલ’થી શરૂ થતી માંડણીમાં દરમ્યાન થઈ હંસાબહેને કહ્યું હતું કે ‘મેન’ શા સારુ, ‘હ્યુમન બીઇંગ્ઝ’ રાખો. એલીનોરનું અને બીજા કેટલાકનું કહેવું હતું કે ‘મેન’ સામાન્યપણે સ્ત્રીપુરુષ સૌને આવરી લેતા અર્થમાં સમજાતો પ્રયોગ છે. પણ હંસાબહેને આગ્રહપૂર્વક સમજાવ્યું કે ‘જેન્ડર જસ્ટિસ’નો નવ્ય અભિગમ હવે જૂના ઢાંચાની બહાર માવજત માંગે છે- માટે ‘ઓલ હ્યુમન બીઈંગ્ઝ.’
હવે ન્યૂયોર્કથી વળી વડોદરા, અને તે પણ પાછે પગલે. હંસાબહેન વડોદરાના દીવાન મનુભાઈ મહેતાનાં પુત્રી, ને મનુભાઈ વળી નંદશંકર મહેતાના પુત્ર. એટલે પહેલી ગુજરાતી નવલકથા ‘કરણ ઘેલો’ના લેખક નંદશંકરનાં એ પૌત્રી. આમ જન્મતાં જ જાણે કે ઈતિહાસકન્યા. વડોદરાથી ફિલસૂફીમાં સ્નાતક થઈ એ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રના વિશેષ અભ્યાસ સારુ પહોંચ્યાં એય આજથી સો વરસ પહેલાંના ગુજરાતની દૃષ્ટિએ નાની શી વિશ્વઘટના સ્તો! લંડનવાસ દરમ્યાન સરોજિની નાયડુનો સંપર્ક એમને સફ્રેજેટ મુવમેન્ટ- મહિલા મતાધિકાર ચળવળ ભણી દોરી ગયો. ભણી ઊતર્યાં ને પાછાં ત્યારે રાષ્ટ્રીય ચળવળના માહોલમાં ગાંધીખેંચાણ દુર્નિવાર હતું. આપણી ઈતિહાસકન્યાએ હવે પિકેટિંગમાં જોડાઈ જેલ-લાયકાત પણ હાંસલ કરી. ૧૯૩૭ના પ્રાંતિક સ્વરાજ વખતે મુંબઈ રાજ્યના ઉપલા ગૃહમાં ચૂંટાઈ એ પાર્લમેન્ટરી સેક્રેટરી તરીકે પણ કાર્યરત રહ્યાં. અખિલ હિંદ મહિલા પરિષદ (ઓલ ઈન્ડિયા વીમેન્સ કોન્ફરન્સ)ના સ્થાપકો પૈકી એક એવાં હંસાબહેને આગળ ચાલતાં એનું અધ્યક્ષપદ પણ શોભાવ્યું અને મહિલા પરિષદને સ્વરાજની લડત સાથે સાંકળી નારીજાગૃતિનો એક નવો આયામ પ્રગટાવવામાં અગ્રભાગી રહ્યાં.
અને હા, દરમ્યાન એમણે લગ્ન પણ કર્યાં હતાં પાછળથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઝળકેલા ડો. જીવરાજ મહેતા સાથે. નાગરી નાતને વણિક પુત્ર સાથેનાં આ પ્રતિલોમ લગ્ન ક્યાંથી બહાલ હોય. કહ્યું, નાત બહાર મૂકીશું. ઈતિહાસકન્યાએ આસ્તે રહીને કહ્યું, મેં તો કે’દીના તમને મુક્ત કરેલા છે!
પ્રજાસત્તાક સ્વરાજ આગમચ જે બંધારણ સભા બની એના પંદર મહિલા સભ્યો પૈકી એક હંસાબહેન પણ હતાં. એમની બંધારણ સભા પરની કામગીરીમાં બે ધ્યાનાર્હ વાતો સામે આવે છે. એક તો એમણે સમાન કુટુંબ કાયદા-કોમન સિવિલ કોડનો આગ્રહ રાખેલો. સ્ત્રીપુરુષ સમાનતાના મુદ્દે, પછી તે વારસાની વાત હોય કે લગ્ન અગર ફારગતીની, કોઈ સામાજિક રૂઢિ કે કથિત ધરમ-મજહબ નહીં પણ સ્વતંત્ર વિચારને ધોરણે એ વાત હતી. બંધારણમાં જેને માર્ગદર્શક સિદ્ધાંતો (ડાઈરેક્ટિવ પ્રિન્સિપલ્સ) કહેવામાં આવે છે તે ઘડવામાં, ખાસ તો તે અંગે શબ્દવિન્યાસમાં એમણે ઊંડો ને સક્રિય રસ લીધો હતો. આ સિદ્ધાંતો કાયદેસર બંધનકર્તા નથી એ સાચું, પણ તે ચોક્કસ માર્ગદર્શક છે જ છે, એ સંજોગોમાં એમાં મૂકાયેલા શબ્દોમાં દૃઢતા હોય તે માટેનો એમનો આગ્રહ હતો.
હજુ એક ઉલ્લેખ બંધારણ સભા વિશે. ૧૫મી ઓગસ્ટે બંધારણ સભાને દેશની નારીશક્તિ વતી રાષ્ટ્રધ્વજ ભેટ ધરવાની જવાબદારી એમણે નભાવી હતી. સરોજિની નાયડુ કોઈ કારણસર પહોંચી શકે એમ નહોતાં એટલે એમણે આ દાયિત્વ એમને ભળાવ્યું હતું. ધ્વજ અર્પતી વેળાની એમની દિલબુલંદ રજૂઆત અને સુચેતા કૃપાલાનીના કંઠે વંદે માતરમ્, બેઉ પ્રસારભારતી આર્કાઈવ્ઝમાં સચવાયેલાં છે.[1]
હંસાબહેનની નાનાવિધ લેખન કામગીરી વિશે વાત કર્યા વિના એમને સંભાર્યાં અધૂરું ગણાય. બાળકિશોર દૃષ્ટિએ વાત કરું તો ‘અરુણનું અદ્્ભુત સ્વપ્ન’ વાટે વિશ્વયાત્રા કે ‘બાવલાનાં પરાક્રમો’ એ ઈટાલિયન કથા (પિનાચિયો?)નું રૂપાંતર, વળી વાલ્મીકિ રામાયણના એકાધિક કાંડોથી માંડી શેક્સપીયરના નાટક ‘મર્ન્ટ ઓફ વેનિસ’નો અનુવાદ વગેરે એમને નામે જમે બોલે છે. એમના નાટ્યસંગ્રહ પણ પ્રકાશિત થયેલા છે. એમના એક નાટકમાં વિધુર પુરુષ માટે ગંગા સ્વરૂપની તરજ પર હિમાલય સ્વરૂપ જેવો (ગગનવિહારી મહેતાને સૂઝે એવો) પ્રયોગ આ લખતાં સાંભરે છે.
હવે એમના આ લખનારને થયેલ પરોક્ષ પરિચયની એક વાત, અમથી. જયપ્રકાશજીના આદેશ મુજબ ૧૯૭૭-૭૮માં અમે લોકસમિતિ ઝુંબેશ સારુ અમરેલી પહોંચ્યા ત્યારે મળેલો એક શુભેચ્છા સંદેશ અને પ્રતીક ફાળો મુંબઈ બેઠાં હંસાબહેન મહેતાનો પણ હતો- સદ્્ગત પતિના મતદાર મંડળ સાથે એમણે એ રીતે સંબંધ જાળવી રાખ્યો હતો. ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ એક મજાની કોલમ ચલાવે છે- ‘ઓવરલુક્ડ.’ અમે એમને પૂર્વે ઓબિટ આપવાનું ચૂકી ગયાં હતાં, માટે ‘ઓવરલુક્ડ.’ ગયે પખવાડિયે એણે પણ હંસાબહેનને યાદ કર્યા છે.
[1] નોંધ : સાંદર્ભિક વિડીયો યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધેલ છે
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૦-૦૭– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૫૨). જતીન દાસની શહીદીઃ ઍસેમ્બ્લી કાંડનો કેસ
દીપક ધોળકિયા
સાઇમન કમિશન સામે વિરોધનો વંટોળ, લાલા લાજપત રાય પર પોલીસનો હુમલો અને એમનું મૃત્યુ, આનો બદલો લેવામાં સૌંડર્સની હત્યા, ઍસેમ્બ્લી બોંબકાંડ, અને એમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસની સજા…તે પછી વાઇસરૉય પર હુમલાના બે નિષ્ફળ પ્રયાસ. ઘટના ચક્ર બહુ ઝડપભેર ફરતું હતું.
આ દરમિયાન, મેરઠમાં કમ્યુનિસ્ટો અને ટ્રેડ યુનિયન કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ ચાલતો હતો. બરાબર એ જ સાથે ત્યારે લાહોરમાં પણ સરકારને ઉથલાવી પાડવાની કોશિશના આરોપસર એક કેસ ચાલતો હતો. આ બીજા ‘લાહોર કાવતરા કેસ’ તરીકે ઓળખાય છે. એમાં ભગત સિંઘ અને એમના ૨૭ સાથીઓ આરોપી હતા. પહેલો કેસ ગદર પાર્ટીના વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલ્યો એમાં ૧૯ વર્ષના કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસીની સજા થઈ હતી
૧૯૨૯ની છઠ્ઠી જૂને દિલ્હીમાં સેશન્સ કોર્ટ સમક્ષ ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત સામે ઍસેમ્બ્લી બોંબકાંડમાં કેસ શરૂ થયો. એમણે ‘અપરાધ’નો સ્વીકાર કર્યો પરંતુ પ્રોસીક્યુશને ઘડી કાઢેલા નકલી આરોપોનો ઇનકાર કર્યો. મેરઠમાં સામ્યવાદીઓ અને ટ્રેડ યુનિયન નેતાઓ સામે પણ આ જ કાયદા હેઠળ કેસ ચાલતો હતો. ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તના નિવેદનમાં મેરઠના બિરાદરોનો બચાવ કરેલો છે. એમણે ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટને જંગલી અને અમાનવીય ગણાવતાં કહ્યું કે એ કાનૂને કરોડો સંઘર્ષરત ભૂખ્યા મજૂરોને પ્રાથમિક અધિકારોથી પણ વંચિત કરી દીધા અને એમના હાથમાંથી એમની આર્થિક મુક્તિનું એકમાત્ર હથિયાર પણ ઝુંટવી લીધું”
માત્ર ભગત સિંઘ કે બટુકેશ્વર દત્ત જ નહીં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના બધા સભ્યોનો નિર્ણય હતો કે એમણે પોતાના કૃત્યનો કોર્ટમાં સ્વીકાર કરવો પરંતુ કોર્ટ દ્વારા બોલવાની તક મળે તેનો ઉપયોગ પોતાના વિચારો રજૂ કરવા માટે કરવો જેથી એને બહોળી પ્રસિદ્ધિ મળે. રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ વગેરે કાકોરી કાંડના શહીદોએ પણ એ જ રસ્તો લીધો હતો.
ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને કોર્ટે આજીવન કારાવાસની સજા કરી. કેસ હાઇકોર્ટમાં ગયો ત્યારે પણ ભગત સિંઘે ફરી એમના દર્શનની છણાવટ કરતું નિવેદન કર્યું પણ એમની સજા મંજૂર રહી. જો કે, હાઈકોર્ટના જજ એસ. ફૉર્ડે ચુકાદો આપતાં જે લખ્યું તે ધ્યાન માગી લે તેવું છે –
“એ કહેવાનું જરાયે ખોટું નથી કે આ બયાન દેખાડે છે તેમ આ લોકો ખરા હૃદયથી વર્તમાન સમાજના માળખાને બદલવા માગે છે. ભગત સિંઘ એક સાચા અને નિષ્ઠાવાન ક્રાન્તિકારી છે અને મને એ કહેતાં સંકોચ નથી કે આ સપનું લઈને એ નિષ્ઠાથી ઊભા છે કે વર્તમાન સમાજને તોડ્યા વિના નવો સમાજ રચી ન શકાય. તેઓ કાયદાની જગ્યા વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને આપવા માગે છે. અરાજકતાવાદીઓની હંમેશાં એ માન્યતા રહી છે. આમ છતાં ભગત સિંઘ અને એમના સાથી પર જે આરોપ છે તેનો આ બચાવ નથી.”
૧૨મી જૂને આ ભગત સિંઘને પંજાબમાં મિયાંવાલીની જેલમાં લઈ ગયા અને બટુકેશ્વર દત્તને લાહોર સેંટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. બન્નેને એક સાથે એ જ ટ્રેનમાં લઈ જવાયા પણ ડબ્બા જુદા રખાયા. પરંતુ ભગત સિંઘની વિનંતિથી એમને સાથે બેસવા દેવાયા. એ જ વખતે બન્નેએ નક્કી કર્યું કે જેલમાં રાજકીય કેદીઓની સ્થિતિ ખરાબ હોય છે એટલા માટે ઉપવાસ શરૂ કરવા. ઉપવાસ દ્વારા સતત લોકોની ચર્ચાઓમાં રહેવું, એવો ભગત સિંઘનો વ્યૂહ હતો. બન્ને જણે જેલમાં પહોંચતાંવેંત ઉપવાસ શરૂ કરી દીધા, અને એમની સાથે બીજા બધા રાજકીય કેદીઓ પણ જોડાયા.
જતીન દાસ (યતીન્દ્રનાથ દાસ) પણ ઉપવાસ કરનારામાં હતા, એમણે સરકારને પત્ર લખ્યો તેમાં એમની ઓળખ પરેડનું નાટક થયું તેનો ભંડો ફોડી નાખ્યો છે. એમને એક જગ્યાએ લઈ જવાયા ત્યાં ગલીમાંથી પાંચ-છ સફાઈ કર્મચારીઓ આવ્યા. જતીન દાસ લખે છે કે ગલીમાં મૅજિસ્ટ્રેટની કાર ઊભી હતી તેમાં એક માણસ બેઠો હતો તે એ લોકોને સમજાવતો હતો. જતીન દાસ એમને ઓળખવાનો દાવો કરનારાને ચકાસવા માટે સવાલો પૂછવા માગતા હતા પણ એમને મોકો ન અપાયો. એમણે કહ્યું કે પંજાબીઓની વચ્ચે બંગાળી જોતાંવેંત ઓળખાઈ જાય, એટલે એમની સાથે એમના જેવા જ બંગાળીઓને ઊભા રાખવા જોઈતા હતા.
ઉપવાસ લાંબા ચાલ્યા અને સરકાર એમને રાજકીય કેદીઓનો દરજ્જો આપવા તૈયાર નહોતી. ઉપવાસી કેદીઓએ હોમ સેક્રેટરીને એક સંયુક્ત પત્ર લખીને જતીન દાસની સ્થિતિની જાણ કરી પણ સરકારે કંઈ ન કર્યું. ૬૩ દિવસના ઉપવાસને અંતે ૧૯૨૯ના સપ્ટેમ્બરની ૧૩મીએ જતીન દાસે પ્રાણ ત્યાગ કર્યો. મૃત્યુ સમયે એમની ઉંમર ૨૪ વર્ષની હતી.

લાહોરથી એમના પાર્થિવ દેહને કલકત્તા લઈ જવાયો. ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ લાહોરમાં શ્મશાન યાત્રાની આગેવાની લીધી. કલકત્તામાં હાવડા સ્ટેશને સુભાષ ચંદ્ર બોઝ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના બધા નેતાઓએ જતીન દાસને અંજલિ આપી. પંજાબમાં મહંમદ આલમ અને ડૉ. ગોપીચંદ ભાર્ગવે ઍસેમ્બ્લીમાંથી રાજીનામાં આપી દીધાં. મોતીલાલ નહેરુએ સેંટ્રલ ઍસેમ્બ્લીનું કામકાજ સ્થગિત રાખવાનો ઠરાવ રજૂ કર્યો, જે ૫૫ વિ.૪૭ મતે પસાર થયો. સુભાષ ચંદ્ર બોઝે જતીન દાસને દધીચિ મુનિ સાથે સરખાવ્યા. દધીચિએ ઇન્દ્રનું વજ્ર બનાવવા માટે પોતાનાં હાડકાં આપી દીધાં હતાં. જવાહરલાલ નહેરુએ પ્રાર્થના કરી કે આઝાદી માટે જતીન દાસે અધૂરી મૂકેલી લડાઈને આગળ વધારવાની અને વિજય સુધી લડતા રહેવાની શક્તિ દેશવાસીઓને મળો.
૦૦૦
સંદર્ભઃ
ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ. (બધા ફોટા પણ આ જ પુસ્તકમાંથી જ લીધા છે).
https://www.indialawjournal.org/archives/volume1/issue_3/bhagat_singh.html
૦૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક છઠ્ઠો: પ્રવેશ ૫

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક છઠ્ઠો: પ્રવેશ ૪ થી આગળ
પ્રવેશ ૫ મો
સ્થળ : વીણાવતીના મહેલની અંદરનો ખંડ.
[વીણાવતી અને જગદીપ સંભાષાણ કરતા પ્રવેશ કરે છે.]
વીણાવતી : લેખાની એ બધી દલીલ નિષ્ફળ ગઇ, ત્યારે એણે મને કહ્યું કે તમે દુઃખી થવાને સરજાયેલાં છો એમ માની લો.
જગદીપ : વિધાતા પર કેવો દુષ્ટ આરોપ ! પછી તેં શું કહ્યું?
વીણાવતી : મેં લેખાને પૂછ્યું કે આ વાડી બહારનું જગત્ આ વાડી જેવું જ છે કે કાંઇ જુદી જાતનું છે? એ બોલી કે જગત તો બધે એકસરખું જ છે. ત્યારે મેં કહ્યું કે આ વાડીમાં તો હું એકેએક ખૂણે ફરી છું અને કોઈ પુષ્પ, પલ્લવ, પશુ કે પક્ષીને દુઃખી થવા સરાજાયેલાં દીઠાં નથી.
(હરિગીત)
કળિઓ ફૂટીને ખીલતી, જન્મી પતંગો ઊડતાં,
ગતિ આવતાં મૃગશાવકો ક્રીડા કરન્તા કૂદતાં;
આ વાડીમાં ઉલ્લાસ અર્થે સૃષ્ટિ સઘળી ઉદ્ભવે.
હું એકલી સરજાઈ શું દુર્ગતિવિધાને કો નવે? ૮૬જગદીપ : કુદરત તારી આગળ ખરે સ્વરૂપે પ્રગટ થઈ છે અને
આવી સુન્દર વાડીમાં વર્ષો કાઢ્યાં છતાં લેખા કુદરતનો મર્મ સમજી નથી તો પ્રેમ કેવો આદરનીય છે તે એ ક્યાંથી જાણે?
વીણાવતી : પ્રેમને લેખા તાપ લાગતાં વરાળ પેઠે ઊડી જનારી વસ્તુ સમજે છે. કશાથી હું ડગી નહિ, ત્યારે એણે મને કહ્યું કે તમારા વૈધવ્યની વાત સાંભળતાં એમના પ્રેમનું એક બિન્દુ પણ રહે છે કે કેમ તે જોજો.
જગદીપ : એ વચન સાંભળી તને કાંઈ બીક લાગેલી ?
વીણાવતી : શાની બીક ?
જગદીપ : મારો પ્રેમ ઊડી જતાં ત્યાગ થવાની.
વીણાવતી : (આંગળીથી નિર્દેશ કરીને)
(શાર્દૂલવિક્રીડિત)
પેલું સારસ જોડું જે વિચરતું દીસે નદીને તટે,
એમાંની કંઈ વેળ સૂધિ સ્થળ આ માદા હતી એકલી;
કાંઈ કાળ વિતે પછીથિ નર ત્યાં આવી મળ્યો એહને,
એને ત્યાગની બીક લાગિ નથિ તો લાગે મને શી રિતે? ૮૭.જગદીપ : હું એવા વિશ્વાસને પાત્ર છું તેથી પોતાને ધન્ય માનુ છું, પરંતુ સંસારનો માર્ગ સરળ નથી. આપણામાં હાલ વિધવાવિવાહનો પ્રતિબંધ છે. તેથી આપણે લજ્ઞ કરીશું તો કદાચ રાજગાદીનો માર્ગ બંધ થઈ જશે, અને જનસમૂહ આપણી સાથે સંબંધ નહિ રાખે.
વીણાવતી : એથી મારા જગદીપના જગદીપપણામાં ફેર પડશે?
જગદીપ :
(ઉપજાતિ)
વીણાતણા પ્રેમથી જે વિંટાયો,
વીણાતણા સંગથિ જે ઘડાયો;
જેને ન વીણા વિણ યોગ ક્ષેમ.
જુદો બને તે જગદીપ કેમ? ૮૮વીણાવતી : તે વીણાને રાજગાદીની કે જનસમૂહના સંબંધની શી દરકાર હોય ?
જગદીપ : આપણા સુખની અપરિપૂર્ણતા કરવા લગ્નનો દિવસ ઠરાવવાનો તે મારા કનક્પુર ગયા પછી ઠરી શકશે. એટલો વિલંબ થશે.
વીણાવતી : વિલંબ એટલે વિયોગ !
જગદીપ : પ્રેમપન્થના પ્રવાસીઓના ભાથામાં થોડો ઘણો વિયોગ આવ્યા વિના રહેતો નથી, અને તેનો આરંભમાં જ આસ્વાદ કરી લેવો સારું છે, કે પછી મિષ્ટ આસ્વાદ જ બાકી રહે.
વીણાવતી : આ વાડી બહારનું જગત્ બહુ વિશાળ છે એમ મેં સાંભળ્યું છે, તો એ જગત્ આવડું મોટું છતાં તે પ્રેમમાંથી વિયોગ નાબૂદ કરવાનો કોઈ ઉપાય દર્શાવી શકતું નથી ?
જગદીપ : જગત્ તો કોઈ ઉપાય દર્શાવી શકે તેમ નથી, પરંતુ જગત્ ના જે નિયન્તાએ પ્રેમનું વરદાન આપ્યું છે તેણે આશાનું પણ વરદાન આપ્યું છે, અને તે વડે વિયોગકાળમાં પ્રેમીઓનાં હ્રદય ટકી રહે છે. આપણે ફરી મળીએ ત્યાં સુધી આશાને જ આશ્રયે જીવીશું.
[બન્ને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
ચકલીના આંસુ
રક્ષા શુક્લ
ચકલીની આંખોમાં ઉગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.
ફળિયાને, ફળિયાની રૈયતને ચકલીના ચીંચીંથી દૂર પડ્યું ખાસુ.સુરજના કાળઝાળ ટેરવાં જો અડકે તો દરિયો પણ પળમાં સૂકાતો,
ચકલીની આંખોનો ભેજ ભીંત ઓળંગી સૂરજની આંખે ડોકાતો.
પાંખ જરી પંખીની ફફડે તો થાતું કે અણધાર્યું મોંમાં પતાસું.
ચકલીની આંખોમાં ઉગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.સાવજ તો સમજ્યા કે જંગલનો રાજા, તે મોલ અને માભો ભઈ ઓહો !
નાનકડી ચકલીને સાઇડલાઇન કરવાની કેવી આ રીત, વળી હોહો !
વાદળને ઠેલીને ચકલીની પાસે ક્યાં દરિયાએ માગ્યું ચોમાસું ?
ચકલીની આંખોમાં ઉગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.રૈયતના રૂંવાડે રૂંવાડે રોણું ને ભીતર સૂનકાર અને સોપો,
માળો તો ચકલીનું રૂડું રજવાડું, લ્યા, તરણાંઓ માણસમાં રોપો.
ચકલીના ચીંચીંથી છેટું, તે છેવાડે ઊભી હું. છટકી ક્યાં નાસુ ?
ચકલીની આંખોમાં ઊગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
-
ફિલ્મી ગઝલો – ૫૯. મનમોહન સાબિર
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકાર મનમોહન સાબિર નું નામ પણ સાવ અજાણ્યું. એમની ગઝલોની જાણકારીનો તો સવાલ જ નથી ! ( સાબિર એટલે સબ્ર કરનાર, ધૈર્યવાન )
મનમોહન સાબિર મૂળભૂત રીતે ફિલ્મકાર હતા. અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની ‘ (૧૯૬૯) નું નિર્માણ એમણે કરેલું. આકાશ, પહેલી મોહબ્બત, ભગવાન ઔર શૈતાન, રિટર્ન ઓફ સુપરમેન, જિંદા લાશ, બ્યુટી ક્વિન, વક્ત કા બાદશાહ, જેવી નિષ્ફળ ફિલ્મોનું નિર્દેશન પણ એમણે કર્યું.
લકી નંબર, શીશે કી દિવાર, હોટેલ, ભગવાન ઔર શૈતાન, ઝિંદા લાશ, રિટર્ન ઓફ સુપરમેન જેવી કુલ 8 ફિલ્મોમાં માત્ર 36 ગીતો લખ્યા. 2012માં અવસાન પામ્યા. ફિલ્મ અભિનેતા આકાશદીપના તેઓ પિતા અને અભિનેત્રી શીબાના શ્વસુર થાય.
એમણે લખેલી બે ગઝલો :
સારા ચમન થા અપના વો ભી થા એક ઝમાના
અબ સામને નઝર કે જલતા હૈં આશિયાનાઅબ ઇસ મર મર કે જીને સે મિટા દેતે તો અચ્છા થા
મોહબ્બત કી ન ઇતની તુમ સઝા દેતે તો અચ્છા થાઘડીભર મુસ્કુરા કર ઉમ્ર ભર કા અબ તો રોના હૈ
નજર મિલતે હી ગર મુજકો રુલા દેતે તો અચ્છા થામોહબ્બત કે ચરાગોં કો બુઝાના થા બુઝા દેતે
મગર દિલ કી લગી કો ભી બુઝા દેતે તો અચ્છા થા..( શરૂઆતની બે પંક્તિઓ ગીતની સાખી છે. )
આ ગઝલ વાંચતાં તલત – લતાનું ‘ યાસ્મીન ‘ ફિલ્મનું યુગલ ગીત ‘ તુમ અપની યાદ ભી દિલ સે ભૂલા જાતે તો અચ્છા થા ‘ યાદ આવી જાય !
– ફિલ્મ : આકાશ ૧૯૫૨
– લતા
– અનિલ બિશ્વાસદિલ હમ કો ઢુંઢતા હૈ હમ દિલ કો ઢૂંઢતે હૈં
મંઝિલ કે પાસ આકર મંઝિલ કો ઢુંઢતે હૈંઉલ્ફત કરો તો જાનેં દિલ દો તો હમ ભી માને
દિલ કો લીયે હુએ હમ કાતિલ કો ઢુંઢતે હૈંઆસાં હૈ પ્યાર કરના કર કે નિભાના મુશ્કિલ
મુશ્કિલ સે લડને વાલે મુશ્કિલ કો ઢુંઢતે હૈંઉલ્ફત હૈ મૌજે દરિયા જિસકા નહીં કિનારા
મૌજોં મેં ઘિર ગયે હમ સાહિલ કો ઢુંઢતે હૈંઇસ ઇશ્ક ને ખબર હૈ ક્યા ક્યા હૈં ગુલ ખિલાએ
લૈલા કો ચાહને વાલે મેહમિલ કો ઢુંઢતે હૈં..( મેહમિલ = ઊંટ, વજન ઉપાડનાર )
આ જ બહર, કાફિયા અને રદીફથી એક ગઝલ જાંનિસ્સાર અખ્તર સાહેબે ફિલ્મ ‘ યાસ્મીન ‘ માટે ૧૯૫૫5 માં લખેલી જેને આપણે આ શૃંખલાના જાંનિસ્સાર સાહેબ વાળા પ્રકરણમાં સામેલ કરી ચૂક્યા છીએ. આ ગઝલ કોઈ વાદ્ય વૃંદ વિના ખૂબ જ અદભુત રીતે ગવાઈ છે. જરૂર સાંભળશો.
– ફિલ્મ : રિટર્ન ઓફ સુપરમેન ૧૯૬૦
– મીના કપુર / શંકર દાસગુપ્તા
– અનિલ બિશ્વાસ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ફિલસુફીભર્યાં ગીતો –૨૪. तुझको चलना होगा, तुझको चलना होगा
નિરંજન મહેતા
૧૯૭૦ની ફિલ્મ ‘સફર’નુ ગીત છે
ओ नदिया चले चले रे धारा
चंदा चले चले रे तारा
तुझको चलना होगा, तुझको चलना होगाजीवन कहीं भी ठहरता नहीं है (२)
आँधी से तूफां से डरता नहीं है
तू ना चलेगा तो चल देंगी राहें
मंज़िल को तरसेंगी तेरी निगाहें
तुझको चलना होगा, तुझको चलना होगापार हुआ वो रहा वो सफ़र में
ओ पार हुआ वो रहा वो सफ़र में
जो भी रुका फिर गया वो भंवर में
नाव तो क्या बह जाये किनारा
नाव तो क्या बह जाये किनारा
बड़ी ही तेज़ समय की है धाराરાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર દરિયા કિનારે બેઠા હોય છે ત્યારે એક હોડીચાલકના અવાજમાં આ ગીત ગવાતું દેખાય છે.
કહે છે કે સંસારમાં કુદરતનાં નિયમ પ્રમાણે જગતમાં નદી, ચંદ્ર જેવા કુદરતી પદાર્થો ચાલતા રહે છે ક્યાય અટકતા નથી. તે જ પ્રમાણે માનવીએ પણ પોતાના જીવનમાં આગળ વધતા રહેવું જોઈએ, અટકવાનું નામ ન લેવું જોઈએ. જો અટકયો તો તેનું જીવન અટક્યું.
મનુષ્યનું જીવન તો અટકતું જ નથી. આંધી અને તોફાનમાં પણ તે આગળ વધતું રહે છે. પણ જો તે મનુષ્ય અટકી જશે તો પણ જીવન તો ચાલતું રહેશે. જો તે અટક્યો તો તે પોતાની મંઝીલ શોધ્યા કરશે. માટે મનુષ્યે અટક્યા વગર આગળ વધતાં રહેવું જોઈએ.
જે સફર ચાલુ રાખે છે તે તે મંઝીલ સુધી પહોંચે છે. પણ જો તે અટક્યો તો તે જિંદગીના વમળમાં ફસાઈ જશે. કારણ સમયની ધારા બહુ તેજ ગતિએ વધતી હોય છે. પણ જે આગળ વધતો રહે છે તેને તો કિનારો મળી જ આવે છે
ગીતકાર ઇન્દીવર, સંગીતકાર કલ્યાણજી આણંદજી અને ગાયક છે મન્નાડે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ચીબરી, ગ્રીક દેવી અને બ્રહ્માનું વાહન
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
ચીબરી નાના કદનું, મજબૂત, જાડું અને તગડું શરીર ધરાવતું ઘુવડના વર્ગનું એક સુંદર પક્ષી છે. તેના જુદા પડતા અવાજ કે જે તિણા ચિરૃર.. ચિરૃર જેવા અવાજને કારણે ચીબરી નામ મળેલું છે. તેના શરીરના ઉપલા ભાગો રાખોડી-ભૂરા રંગના અને તેમાં જેમાં મુખ્યત્વે સફેદ રંગનાં ટપકાંઓ હોય છે અને આવા ટપકાં ટપકાંના કારણે તેને અંગ્રજીમાં સ્પોટેડ ઓવલેટ એવું નામ મળેલું છે.

ગુજરાતી: ચીબરી/ Spotted Owlet/ Scientific name: Athene Brama/ હિન્દી: ખુસટ
કદ: ૨૧ સે.મી./ ૮.૨૬ ઇંચ.
આયુષ્ય: ૧૬ વર્ષચીબરીનું વૈજ્ઞાનિક નામ, એથેન બ્રમા ગ્રીક દેવી અને હિન્દુના દેવતા પરથી પડ્યું છે. એથેન શબ્દ ‘ગ્રીક દેવી’ એથેના ‘પરથી ઉતરી આવ્યું છે, જેના પરથી એથેન્સ શહેરનું નામ રાખવામાં આવ્યું હતું. જ્યારે બ્રમા એ હિન્દુ દેવતા બ્રહ્મા પરથી આવ્યું છે.
હિન્દીમાં ચીબરી નામ ‘ખુસટ’ છે જેનો અર્થ વૃદ્ધ માણસ થાય છે. તેનું આવું હિન્દી નામ વૃદ્ધ માણસ જેવી સફેદ દાઢી, સફેદ ફ્રેમના ચશ્મા અને ભૂરા કોટના કારણે પડ્યું છે. સૌરાષ્ટ્રમાં આ પક્ષી ને ભેરબ માતા કહેવામાં આવે છે.
તેના શરીરના નીચેના ભાગો સફેદ રંગના અને તેમાં બ્રાઉન રંગની પટ્ટીઓ હોય છે. ચહેરાનો રંગ શરીરના રંગ કરતાં આછો અને આંખો મોટી અને પીળી હોય છે. ગળાની ફરતે નિસ્તેજ સફેદ રંગનો પટ્ટો આવેલ હોય છે. નર ચીબરી અને માદા ચીબરી દેખાવમાં લગભગ સરખા હોય છે, ફક્ત માદા ચીબરીનું શરીર નર ચીબરી કરતાં થોડું નાનું હોય છે.
નર ચીબરી અને માદા ચીબરી એકબિજાને વફાદાર હોય છે. ચીબરી નવેમ્બર માસથી વૃક્ષની બખોલમાં લંબગોળ ઇડા મુકે છે. વર્ષે ચીબરી બે થી ચાર બચ્ચાને જન્મ આપવા સક્ષમ હોય છે.
એક સમયે એવું કહેવાતુકે ચીબરીને પિનિયલ ગ્રંથિ (pineal gland) નથી હોતી અને પાછળથી પ્રસ્થાપિત થયું કે તેને પિનિયલ ગ્રંથિ હોય છે જે મગજની વચમાં અને પાછળના ભાગમાં આવેલી ગ્રંથિ છે. તેના કાર્યનું નિયમન પ્રકાશ અને અંધકાર સાથે સંબંધિત હોવાથી તેને પ્રકાશસંવેદી ગ્રંથિ પણ કહે છે. તે શરીરની અંદર રહેલું જાણે ત્રીજું નેત્ર છે, જે તેના રાસાયણિક સ્રાવ (secretion) વડે શરીરના કોષોને અંધકાર (રાત્રિ) થયાનો સંદેશો આપે છે. તે કારણે તે મુખ્યત્વે અંધારામાં દેખાય છે.
રાત્રીના અંધકારમાં સક્રિય થતું આ પક્ષી તેના ખાસ પ્રકારના તિણા ચિરૃર.. ચિરૃર અવાજથી તેની હાજરીનો પુરાવો આપે છે પરંતુ તે સંપૂર્ણ નિશાચર નથી. તેના અવાજને અપશુકનિયાળ ગણીને કશુંક અહિત થવાનું છે એવી માન્યતા ભલે વ્યાપક હોય પણ તે એક અવૈજ્ઞાનિક લોકવાયકા અને અંધશ્રદ્ધા છે. આજે પણ આ ભ્રામક વાત ક્યાંક ક્યાંક પ્રચલિત છે જેને કારણે દેખાવમાં ઘુવડ જેવું હોઈ, ઘુવડ સમજીને તેનો મેલી તંત્રવિઘામાં ચીબરીનો ઉપયોગ વધતો જાય છે.
એક સમયે ચીબરી ગ્રામિણ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ જયાં પ્રાચિન વૃક્ષો અને ખંડર જગ્યામાં વધુ જોવા મળતી હતી. આ પક્ષીને ગાંઢ જંગલ કરતા ખુલ્લો વિસ્તાર વધુ પસંદ હોય છે. વધતા જતા શહેરીકરણ અને ઘટતા જતાં ખુલ્લા મેદાનોને કારણે હાલ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં જલ્દી જોવા મળતાં નથી અને આ કારણે હવે ચીબરીનો અવાજ હવે પહેલા જેટલો સાંભળવા મળતો નથી.
તેનો મુખ્ય ખોરાક નાના મોટા જીવ જંતુઓ, ગરોળીઓ, ઉંદરો અને નાના પક્ષીઓ છે. ચીબરી સંધ્યાકાળે દેખાતું પક્ષી છે, છતાં તે ક્યારેક તે દિવસના પણ જોવા મળે છે. દિવસે દેખાય અને બીજા પક્ષીઓની આંખે ચઢી જાય તેવા સમયે બીજા પક્ષીઓ પોતાના ઝુંડમાં તેની ઉપર હુમલો કરી દે છે.
તે વાવેતર કરેલ વિસ્તારો અને માનવ વસવાટ સહિતના ખુલ્લા આવાસોનું સામાન્ય રહેવાસી પક્ષી છે. તેની માળા બાંધવાની ઋતુ નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીની છે. તે વૃક્ષો કે પ્રાચીન અને મોટી ઇમારતોની બખોલ કે તિરાળોમાં માળા બનાવે છે તેમજ જૂના વૃક્ષ અથવા જર્જરિત દિવાલોની બખોલમાં માળો બનાવે છે.
ભારતમાં, એશિયામાં તેમજ ઉષ્ણકટિબદ્ધ વિસ્તારોમાં તેમની વસ્તી ઘણી વધારે છે.
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
* Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
વનવૃક્ષો : કદંબ

ભગવાન શ્રીકૃષ્ણનું પ્રિય ઝાડ કદંબ. કદંબ ઝાડે ચડીને બાલકૃષ્ણ ગોવાળો સાથે રમત રમતા; ઝાડના થડ ઉપર પગની આંટી મારી, હોઠ ઉપર વાંસળી રાખી, વાંસળીના સૂર છોડતા. કદંબ નીચે ઊભેલી ગાયોને હળવે હળવે બપોરના તડકામાં પંપાળતા. કદંબના ઝાડ ઉપરથી ભગવાને ધરામાં કાલિનાગને નાથવા ભૂસકો માર્યો હતો.
આવું ભાગવતમાં વાંચેલું ને વારંવાર આંખ આગળ કલ્પેલું. આજે પણ એ મીઠી કલ્પનાનું દૃશ્ય એવું જ આંખ આગળ ખડું થાય છે.
એવું એકાદ ચિત્ર પણ જોયેલું યાદ છે. ‘કદંબ કેરે ઝાડવે’ની લોકગીતની કંઈક લીટી યાદ હતી પણ તે અત્યારે સાંભરતી નથી.
ચિત્રમાં જોયેલ કદંબ ઉપરથી ગામને પાદર આવેલા એક પીપળાને અમે કદંબનું ઝાડ કહેતા. એ પીપળા નીચે ઊભા ઊભા અમે ભાગવતની રસિક કથા ફરી ફરી વાર સહેજે યાદ કરતા.
વર્ષો પછી સાચા કદંબને જોયું. કોઈએ કહ્યું: “પેલી સીમમાં કદંબનું ઝાડ છે.” માઈલો ચાલીને હું કદંબ જોવા ગયો; ઝડપથી અને આતુરતાથી હું કદંબ પાસે ગયો. એ જૂના ઝાડને જોઈને મનને આનંદ થયો. મનમાં એમ પણ થયું કે કાઠિયાવાડના સૂકા મુલકમાં કદંબ પણ આવું લૂખુંસૂકું જ હોય; યમુનાને કિનારે જરૂર કદંબ વધારે ભવ્ય ને વધારે મોટું હશે. હવે તો યમુનાકિનારે જઇશ ને કદંબ જોઈશ, ત્યારે ફરી વાર તમને જણાવીશ કે કદંબ કેવું છે.
કાઠિયાવાડના નાના એવા લૂખાસૂકા કદંબ પર પણ ફૂલો તો સુગંધી ને સુંદર જ હતાં. એમ અમસ્તું કાંઈ ગોપના રાજાએ કદંબને પોતાનું નહિ કર્યું હોય!
માહિતી સ્રોત : વિકિસ્રોત
વધારે માહીતી માટે: કદંબ : ગુજરાતી વિશ્વકોશ
-
કૃતિ પર અધિકાર કોનો? સર્જકનો કે ભાવકનો?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સર્જકતા અને સર્જન બહુ વિશિષ્ટ બાબતો છે. સર્જન પર વધુ અધિકાર કોનો? સર્જકનો કે ભાવકનો? આ સવાલ એવો છે કે જેનો જવાબ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે અને અમુક વાર તો જુદા જુદા સંજોગોમાં પણ અલગ હોઈ શકે. કેમ કે, એક વાર કોઈ કૃતિ જાહેર બને એ પછી ભાવકો તેની સાથે અનુસંધાન સાધે છે અને તાદાત્મ્ય અનુભવે છે. અલબત્ત, એનાથી કૃતિની ગુણવત્તા નક્કી થઈ શકતી નથી.
બહુ જાણીતું ઉદાહરણ અંગ્રેજ ગુનાશોધક પાત્ર શેરલોક હોમ્સનું છે. સર આર્થર કોનન ડોયલે સર્જેલું આ પાત્ર અતિશય લોકપ્રિય બની ગયું. લોકપ્રિયતાની ચરમ સીમા પર શેરલોકની કથાઓ હતી એ વખતે આર્થર કોનન ડોયલે ‘ધ ફાઈનલ બેટલ’ વાર્તામાં આ પાત્રનું મૃત્યુ દર્શાવ્યું. એનો સીધો અર્થ એ હતો કે હવે પછી શેરલોક હોમ્સની વાર્તાઓ નહીં લખાય. આને પગલે શેરલોકના ચાહકો અકળાયા, લેખક પર પત્રોનો મારો ચલાવ્યો, તેમજ ‘ધ સ્ટ્રેન્ડ મેગેઝીન’માં આ કથાઓ પ્રકાશિત થતી હતી એનું લવાજમ રદ કરાવ્યું. આખરે લોકોની માંગ સમક્ષ લેખકે ઝૂકવું પડ્યું અને આઠ વર્ષના અંતરાલ પછી તેમણે આ પાત્રને જીવિત કરવું પડ્યું.
આવાં અનેક ઉદાહરણ જોવા મળી શકે એમ છે. ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં તત્કાલીન તંત્રી હરકિસન મહેતાની ધારાવાહિક નવલકથા ‘જડચેતન’ પ્રકાશિત થઈ રહી હતી, જેમાં બળાત્કારનો ભોગ બનેલી એક નર્સ તુલસીની કથા હતી. ઘણા વખત સુધી બેભાનાવસ્થામાં રહેલી તુલસી નવલકથાના એક હપતામાં ભાનમાં આવે છે. એ વાંચીને ઘણા વાચકોએ પેંડા વહેંચીને ખુશાલી વ્યક્ત કરી હતી.
આવી ઘટના બને ત્યારે સર્જકને આનંદ થઈ શકે ખરો, પણ હંમેશાં એમ ન બને. કેમ કે, લોકપ્રિયતા ગમે ખરી, પણ એનાથી દોરવાવું કેટલાય સર્જકને પસંદ નથી હોતું.
આવો વધુ એક કિસ્સો થોડા સમય પહેલાં બન્યો. એ અગાઉ તેની પૂર્વભૂમિકા. ૧૯૭૭માં ફિલ્મકાર જ્યોર્જ લુકાસે અવકાશી ફિલ્મના ક્ષેત્રે એક નવા યુગનો આરંભ કર્યો એમ કહી શકાય. આજ સુધી ચાહકો જેને ભૂલી નથી શક્યા એવી ‘સ્ટારવૉર્સ’ ત્રિપુટીની સૌ પ્રથમ ફિલ્મની રજૂઆત આ વર્ષે થઈ. એ પછી પછી ૧૯૮૦માં ‘ધ એમ્પાયર સ્ટ્રાઈક્સ બૅક’ના નામે આ ફિલ્મની બીજી કડી રજૂઆત પામી અને ૧૯૮૩માં ‘રિટર્ન ઑફ ધ જેદાઈ’ નામથી ત્રીજી કડી આવી. અદ્ભુત સિનેમેટોગ્રાફી, એવું જ સંગીત અને સાવ નવિન એવી ભવ્ય અવકાશી સૃષ્ટિએ પ્રેક્ષકોને રીતસર ઘેલું લગાડ્યું. ફિલ્મ તો ખરી જ, એની સાથે સંકળાયેલી અનેક ચીજોનું અમેરિકન રિવાજ મુજબ બજાર વિકસ્યું. આ ફિલ્મોએ દર્શકોના મન પર ઊંડો પ્રભાવ પાડ્યો.
વરસો વીત્યાં એમ નવિન ટેક્નોલોજી સિનેમામાં પ્રવેશતી ગઈ. તેનો લાભ લઈને લુકાસે આની પૂર્વકથા તરીકે એક પછી એક એમ ત્રણ ફિલ્મો ત્રણ ત્રણ વર્ષના અંતરાલે બનાવી. ૧૯૯૯માં રજૂ થઈ ધ ફેન્ટમ મિનેસ’. ૨૦૦૨માં ‘એટેક ઑફ ધ ક્લોન્સ’ અને ૨૦૦૫માં રજૂઆત પામી ‘રિવેન્જ ઑફ ધ સિથ’.
લુકાસે અસલમાં ત્રણ ત્રિપુટી એટલે કે કુલ નવ ફિલ્મોની યોજના વિચારેલી. એ મુજબ ત્રીજી ત્રિપુટીની પ્રથમ ફિલ્મ ‘ધ ફોર્સ અવેકન્સ’ ૨૦૧૫માં, બીજી ફિલ્મ ‘ધ લાસ્ટ જેદાઈ’ ૨૦૧૭માં અને ત્રીજી ફિલ્મ ‘ધ રાઈઝ ઑફ સ્કાયવૉકર’ ૨૦૧૯માં રજૂઆત પામી. આ ત્રણે ફિલ્મો સૌ પ્રથમ ત્રિપુટીની ઉત્તરકથારૂપે હતી.
આ બરાબર, પણ સૌ પ્રથમ ત્રિપુટીની ત્રણ ફિલ્મોની ‘વિશેષ આવૃત્તિ’ની ૧૯૯૭માં ‘લુકાસ ફિલ્મ્સ’ દ્વારા પુન:રજૂઆત કરવામાં આવી, જેમાં કેટલાંક દૃશ્યો નવાં કે બદલાવેલાં હતાં, કમ્પ્યુટર વડે કેટલીક કળા કરવામાં આવી હતી. આ ‘સુધારેલી’ આવૃત્તિ જોઈને ‘સ્ટારવૉર્સ’ના ચાહકો નારાજ થઈ ગયા. ઘણા વખતથી તેઓ ૧૯૭૭માં રજૂઆત પામેલી મૂળ ફિલ્મની હાઈ-ડેફિનેશન આવૃત્તિની માંગ કરતા રહ્યા હતા, પણ લુકાસ એમ ઈચ્છતા નહોતા. તેમના મનમાં પોતાની ફિલ્મો માટેનું એક સ્પષ્ટ દર્શન હતું, જે ટેક્નોલોજીની તેમજ આર્થિક મર્યાદાને કારણે જે તે સમયે સાકાર ન થઈ શક્યું હોય એને તેઓ પૂર્ણ કરવા ઈચ્છતા હતા. અલબત્ત, આ રીતે ફિલ્મની રજૂઆત પછી તેમાં ફેરબદલ કરવાની ‘કળા’ને એક વખત તેમણે ‘જંગલી’ ગણાવી હતી.
અમેરિકાના ફિલાડેલ્ફિયાસ્થિત એક કમ્પ્યુટર પ્રોગ્રામર રોબર્ટ વીલીઅમ્સ પાસે આ મૂળ ફિલ્મની એ આવૃત્તિ છે, જે થિયેટરમાં રજૂઆત પામેલી. પાંચ વ્યક્તિઓના એક જૂથ ‘ટીમ નેગેટીવ વન’ના તે સભ્ય છે. ‘સ્ટારવૉર્સ’ ફિલ્મના ચાહક આવાં અનેક જૂથ પૈકીનું આ એક છે. તેમણે ફિલ્મની ૩૫મિ.મી.ની પ્રિન્ટ એકઠી કરી અને મહામહેનતે તેનું રૂપાંતર 4K સ્વરૂપમાં કર્યું.
ચાહકોએ કરેલો ફિલ્મની પ્રિન્ટનો જિર્ણોદ્ધાર તેમનો પ્રેમ સૂચવે છે, પણ કાનૂની રીતે તે માન્ય નથી. એના વિશે દલીલ કરતાં ચાહકો કહે છે કે કૃતિને તેના મૂળ સ્વરૂપે જોવાનો લોકોને અધિકાર છે. આના પ્રતિભાવમાં લુકાસે ચાહકોને ઉદ્દેશીને કહ્યું, ‘મોટા થાવ હવે. આ મારી ફિલ્મો છે, નહીં કે તમારી.’
આ પરિસ્થિતિ વિશિષ્ટ કહી શકાય એવી છે. સાચો સર્જક એ છે કે જે પોતાની સર્વોચ્ચ લોકપ્રિય કૃતિથી પણ અસંતુષ્ટ હોય. તેને સતત એમ રહે કે એને હજી બહેતર બનાવી શકાય. બીજી તરફ લોકલાગણી છે, જે કૃતિને ઝનૂનપૂર્વક ચાહે છે અને કૃતિમાં કશો બદલાવ તેઓ ઈચ્છતા નથી.
આવા મામલે નાગરિકધર્મ કામ આવે કે ન આવે? નાગરિક તરીકે એ સ્વીકારવું રહ્યું કે કૃતિ પર પહેલો અધિકાર જે તે સર્જકનો છે. સર્જકની સર્જકતાને અવરોધે એવો ઝનૂની પ્રેમ લાંબે ગાળે કળાસ્વરૂપને હાનિ પહોંચાડે છે એમ કહી શકાય. લુકાસે પોતાના ચાહકોને કહ્યું એમ આ મામલે ‘મોટા થવું’ એ ખરો નાગરિકધર્મ છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪ – ૦૭ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
જાત પ્રત્યે પણ ભલા રહીએ
મંજૂષા
વીનેશ અંતાણી
પંચોતેર વટાવી ગયેલા એક વડીલ સફળ જીવન જીવ્યા હતા. એમણે એમના શ્રદ્ધાંજલિ-લેખમાં શું લખાવું જોઈએ એની વાત કરી હતી. ‘હું નથી ઇચ્છતો કે મારી શ્રદ્ધાંજલિમાં મારી આર્થિક અને અન્ય સફળતાઓ વિશે વાતો કરવામાં આવે. મેં બીજા લોકો માટે શું કર્યું, મુશ્કેલીના સમયે એમને કેટલી મદદ કરી, મેં ક્યાં કેટલું દાન આપ્યું, સેવાનાં કયાં કામ કર્યાં – એવી બધી બાબતોનો ઉલ્લેખ થાય એવું હું ઇચ્છતો નથી. એ તો મારી ફરજ હતી. એવાં કાર્યોનો મને સંતોષ છે, પરંતુ એ બધું તો મેં અન્ય લોકો માટે કર્યું હતું. ખરેખર તો મેં મારા માટે શું કર્યું એની વાત કહેવાની જરૂર છે.’આગળ કહે છે: ‘મારી અતિવ્યસ્તતામાં પણ મેં મારા પરિવાર અને મિત્રોની સાથે પૂરતો સમય વિતાવ્યો છે. મારાં સંતાનો અને એમનાં સંતાનોના વિકાસમાં મેં ધ્યાન આપ્યું છે. એ બધાંની સાથે મેં મારી જાતની પણ કાળજી લીધી છે. ત્રણ – ત્રણ કંપનીઓના સફળ વહીવટની જવાબદારીઓની સાથે મેં બીજાની દૃષ્ટિએ ક્ષુલ્લક લાગે એવી નાની – નાની બાબતોમાંથી પુષ્કળ આનંદ મેળવ્યો છે. હું રોજ સાંજે ઘેર આવું ત્યારે બીજું બધું બહાર છોડી મારી પોતાની દુનિયામાં પ્રવેશતો. મને પ્રિય પુસ્તકો અને સંગીતનો આનંદ માણ્યો છે. વિવિધ વાનગીઓ બનાવવામાં રસ લીધો છે. અમે વર્ષમાં બે’ક વાર સપરિવાર જુદાં જુદાં સ્થળોનો પ્રવાસ કરતાં. એટલું જ નહીં, ઘણીવાર આગોતરું આયોજન કર્યા વિના હું એકલો અજાણ્યાં સ્થળોએ રખડવા નીકળી પડતો અને માત્ર મારી સાથે સમય વિતાવતો. મેં મને પ્રસન્ન રાખવાના બધા પ્રયત્ન કર્યા છે. હું ઇચ્છું છું કે મેં મારી જાત સાથે વિતાવેલા સમયનો, મેં મારા માટે પણ જે કર્યું એ બધી બાબતોનો, મારા શ્રદ્ધાંજલિ -લેખમાં ઉલ્લેખ થાય. હું મારા માટે પણ જીવ્યો છું.’
એ બેનામ વ્યક્તિની આ ઇચ્છામાં મહત્ત્વનો સંદેશ છે. દરેક જણે માત્ર બીજા માટે જ જીવવાનું નથી હોતું, પોતાના માટે પણ જીવવું જોઈએ. આપણે અન્ય લોકો પ્રત્યે ભલા હોઈએ એ ઉત્તમ ગુણ છે, પરંતુ જાતને ભૂલી જઈએ, પોતાના માટે કશું જ કરીએ નહીં એ યોગ્ય નથી. આપણે જાત પ્રત્યે પણ ભલા થવું જોઈએ.
સમગ્ર જગતને પ્રેમ કરવાના આદર્શનો આરંભ જાત પ્રત્યેના પ્રેમથી થાય છે. એ સ્વાર્થવૃત્તિ નથી. અન્ય લોકો માટે બધું જ કરી છૂટનાર માણસ જાત પ્રત્યે કઠોર રહે તો એ એક પ્રકારની હિંસા છે. સર્વજનોને પ્રેમ કરવાની ભાવના માણસાઈનું લક્ષણ છે, પરંતુ જાતને પ્રેમ કરવાનું ભૂલી જઈએ તો બધા પ્રકારના સંબંધની સમજના પાયામાં જ લૂણો લાગી જાય છે. પોતાને પ્રેમ કરીને આપણે સાર્વજનિક પ્રેમનો મહિમા કરી શકીએ.
અમેરિકાના લેખક ડેનિયલ પીઅર્સે કહ્યું છે : ‘પોતાને પ્રેમ કરનાર વ્યક્તિ બીજાને ધિક્કારી શકતી નથી અને જાતને ધિક્કારનાર વ્યક્તિ બીજા કોઈને પ્રેમ આપી શકતી નથી.’ ઘણાં લોકો બીજાની લાગણીને ઠેસ ન પહોંચાડવા પોતાની લાગણીઓને અન્યાય કરે છે.
એક તેજસ્વી યુવતી જીવનમાં ઘણું કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતી હતી. એ સંગીત શીખવા માગતી હતી, લેખક બનવા માગતી હતી, પોતાના પગ પર ઊભી રહી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માગતી હતી. પરંતુ એ પરણી પછી પોતાને ભૂલી ગઈ. પતિની ઇચ્છાને વશ થઈ સાસરિયાના બૃહદ્દ પરિવાર તથા પતિ -સંતાનોને જ ખુશ રાખવા લાગી. એણે પોતાને શું જોઈએ છે એનો ખ્યાલ રાખ્યો નહીં. બીજાંને ખુશ રાખવાની ધૂનમાં એ પોતાની ખુશીને કચડતી ગઈ. એની ઉંમર થઈ, પતિ મૃત્યુ પામ્યો, સંતાનો એમના જીવનમાં વ્યસ્ત થઈ ગયાં અને એ સાવ એકલી પડી ગઈ. સમય એના હાથમાંથી સરી ગયો પછી એને લાગ્યું કે આટલાં વર્ષોમાં એણે પોતાના માટે કશું જ કર્યું નથી, એનું જીવન વ્યર્થ ગયું છે. એ અફસોસ એને કોરી ખાવા લાગ્યો અને જીવનભરનો થાક જીરવવો અસહ્ય થઈ પડ્યો. અન્ય લોકોની અપેક્ષાઓ સંતોષવામાં એણે પોતાનાં સપનાંનું ખૂન કરી નાખ્યું.
ઘણાં લોકો એમના જીવનમાં કશુંક અનિચ્છનીય બને તો પોતાને દોષ દેવા લાગે છે. તેઓ બધા જ પ્રકારની નિષ્ફળતા માટે પોતાને જવાબદાર માને છે. એ કારણે એમનામાં અપરાધભાવ જાગે છે. તેઓ પોતાને માફ કરવા તૈયાર હોતા નથી. દોષનો ટોપલો પોતાના પર ઢોળવો સહેલું છે.
ઘણીવાર અનિચ્છનીય બનાવ કે નિષ્ફળતા માટે અન્ય પરિબળો પણ જવાબદાર હોય છે. માત્ર જાતને જ અપરાધી ઠેરવવાથી પરિસ્થિતિનું તટસ્થ પૃથક્કરણ કરી શકાતું નથી. મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે જાત પ્રત્યે અનુકંપા ધરાવવી હકારાત્મક વલણ છે. પોતાની મર્યાદાઓમાંથી બહાર નીકળવા માટે પણ જાત પ્રત્યે ભલા થવું જોઈએ.
આત્મપીડન વ્યક્તિને ક્યાંય પહોંચાડતું નથી. બીજાંની ભૂલો માફ કરી શકીએ તો પોતાની કેમ નહીં? આપણું જીવન કેવળ બીજા માટે જ નથી, આપણું પણ છે. બધાં સાથે જોડાયેલા હોવા છતાં આપણે સ્વતંત્ર છીએ, શક્તિશાળી છીએ અને પૂર્ણ વ્યક્તિ છીએ. જીવન પૂર્ણ રીતે જીવી જવા માટે જ મળ્યું છે.
દરેક વ્યક્તિની જીવનયાત્રા પોતાનાથી શરૂ થાય છે અને પોતાની સાથે પૂરી થાય છે. બધાં સાથ છોડી દેશે પરંતુ આપણો પંડ આપણને છોડીને ક્યાંય જવાનો નથી. સાદી વાત છે – હું છું તો જગત છે. જાતરૂપી કાયમી સાથીદારનો અનાદાર કરવાનું બંધ કરી જાત પ્રત્યે પણ ભલા રહીએ.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
