-
મોહમ્મદ રફી – યાદ આવતાં આનંદના ભાવનાં કેટલાંક ૧૯૫૦ પહેલાંનાં સૉલો ગીતો
મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે
સંકલન: અશોક વૈષ્ણવ
મોહમ્મદ રફીની ભવિષ્યના ગાયક તરીકે પહેલવહેલી નોંધ હિંદી ફિલ્મ સંગીતનાં પાર્શ્વગાયનના ‘આદિપુરુષ’ મનાતા કે એલ સાયગલે આકસ્મિક સંજોગોમાં કરી એ વાત આજે હવે બહુ જ જાણીતી થઈ ચુકી છે. ૧૯૪૨માં શ્યામસુંદરે તેમને પંજાબી ફિલ્મ ‘ગુલબલોચ’ દ્વારા મોહમ્મદ રફીને પાર્શ્વગાયક તરીકે ફિલ્મ જગતને પરિચય કરાવ્યો કે ૧૯૪૪માં ફિલ્મ ‘પેહલે આપ’નાં એક કોરસ ગીત દ્વારા નૌશાદ અને મોહમ્મદ રફીના ગાઢ સંબંધોનો પાયો નંખાયો એ વાત પણ મોહમ્મદ રફીની દરેક જીવન કથામાં વંચાઈ ચુકી છે.૧૯૪૪થી ૧૯૫૦ દરમ્યાન મોહમ્મદ રફીએ ૪૫ જેટલા સંગીતકારો માટે ગીતો ગાયાં. જોકે આ સંગીતકારોમાં હાફીઝ ખાન, ફિરોઝ નિઝામી, પંડિત ગોવિંદરામ, અલ્લા રખા ક઼ુરૈશી, બુલો સી રાની, હનુમાન પ્રસાદ, રશિદ અત્રે, દત્તા દેવજેકર, ખેમચંદ પ્રકાશ, શ્યામ સુંદર, સજ્જાદ હુસ્સૈન જેવા વિન્ટેજ એરામાં વધારે જાણીતાં નામો આનો એક અર્થ એમ કરી શકાય કે આવતાંવેંત મોહમ્મદ રફી વિન્ટેજ એરાનાં ફિલ્મ સંગીત જગતમાં સ્વીકૃત થવા લાગ્યા હતા. તેમ છતાં તેમની કારકિર્દીનો સૂર્ય હજુ ધીમી ગતિએ ઊગી રહ્યો હોય તેમ જણાતું લાગે. જોકે ‘૫૦ના દાયકાના પ્રથમ અર્ધ સુધી પણ જેમણે નોંધપાત્ર સંગીત આપ્યું હતું એવા હંસરાજ બહેલ, હુસ્નલાલ ભગતરામ જેવા સંગીતકારો સાથે મોહમ્મદ રફીએ સારી શરૂઆત કરી લીધી હોય એમ જરૂર જણાય. તદુપરાંત, ‘૫૦ના દાયકામાં પણ ખુબ જાણીતા ગણાય એવા સંગીતકાર, સી. રામચંદ્ર, સાથે મોહમ્મદ રફીનાં ગીતો અને વૈવિધ્ય કદાચ સૌથી વધારે નોંધપાત્ર રહ્યું. સંખ્યા, ગુણવત્તા તેમ જ ગીતોની લોકપ્રિયતાની દૃષ્ટિએ ખુબ મોહમ્મદ રફીનો સંગાથ જેમની જોડે બહુ અનોખો રહેવાનો હતો એવા શંકર જયકિશન, ગુલામ મોહમ્મદ, એસ ડી બર્મન, મદન મોહન કે ચિત્રગુપ્ત સાથે તો એક એક ફિલ્મ અને એક એક ગીત જેવી જ શરૂઆત રહી.જેમની પહેલી ઈનિંગ્સમાં ચિરસમરણીય ગીતો મળવાનાં હતાં એવા ખય્યામ સાથે મોહમ્મદ રફીની શરૂઆત ખય્યામનાં ‘શર્માજી” તખ્ખલુસમાં સંગીતબદ્ધ થયેલી શરૂઆતની બે ફિલ્મોમાં રહી. હિંદી ફિલ્મની ત્રિમૂર્તિ ગણાતા દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કપુરમાંથી પહેલા બે અભિનેતાઓની અધધ સફળ ફિલ્મોમાં તેમ્નો પરદા પાછળના અવાજ તરીકે મુકેશની બોલબાલા હતી. મુકેશે ‘આગ’ અને ‘બરસાત’ માટે રાજ ક્પુરનાં ગીતો ગાયાં એ સિવાય, આ વર્ષોમાં, ઉલ્ટાનું, રાજ ક્પુર માટે મોહમ્મ્દ રફીનાં ગીતો વધારે મળી આવે. બીજા શબ્દોમાં કહીએ તો મોટા ગજાંના ગણાય એવા અભિનેતાઓના પાર્શ્વ સ્વર તરીકે મોહમ્મદ રફી જ પહેલી પસંદ જ હોય એવી સ્થિતિની તો કલ્પના કરવાની કોઈ શક્યતા આ તબક્કે પણ દેખાતી નહોતી.
હિંદી ફિલ્મ સંગીતનાં સૌથી લોકપ્રિય ગણાય એવાં નિર્ભેળ રોમેન્ટીક ગીતોમાં મોહમ્મદ રફીનાં ૧૯૫૦ સુધીનાં ગીતો એક આંગળીને વેઢે જ ગણાઇ જાય, જેમકે યહાં બદલા બેવફાઈ કે સિવા ક્યા હૈ (જુગનુ, ૧૯૪૭ – સંગીત ફિરોઝ નિઝામી), એક દિલ કે ટુકડે હજ઼ાર હુએ (પ્યારકી જીત, ૧૯૪૮ – સંગીતઃ ) કે સુહાની રાત ઢલ ચુકી (દુલારી, ૧૯૪૯ – સંગીતઃ નૌશાદ). હા, તેમનાં દેશપ્રેમનાં ગીતોમાંથી શિરમોર એવાં બે ગીતો – સુનો સુનો અય દુનિયાવાલો બાપુકી યે અમર કહાની (ગૈર ફિલ્મી – સંગીતઃ હુસ્નલાલ ભગતરામ) અને વતન કી રાહમેં વતન કે નૌજવાં શહીદ હો (શહીદ, ૧૯૪૮ સંગીતઃ ગુલામ હૈદર) – ૧૯૫૦ પહેલાંનાં જરૂર છે.
આમ, મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનાં વર્ષમાં તેમનાં ૧૯૫૦ પહેલાનાં યાદગાર રોમેન્ટીક સોલો ગીતો યાદ કરવાં એ એક અનોખો લ્હાવો ગણી શકાય. આજે અહીં માત્ર આનંદના ભાવનાં ગીતો જ યાદ કરેલ છે.
પ્યાર કરના પડેગા એક દિન…… તુમ કો હંસના પડેગા એક દિન – શરબતી આંખેં (૧૯૪૫) – ગીતકારઃ પંડિત ઈશ્વર ચંદ્ર – સંગીતઃ ફિરોઝ નિઝામી
રૂસણાં મનામણાંનાં ગીતો જેવા પછીથી બહુ પ્રચલિત થયેલા પ્રકારમાં મોહમ્મદ રફીની ગાયકીની શૈલીની એક અનોખી અદા હતી. પરંતુ, ગીતોની બાંધણી અને ફિલ્મના પરદા પર રજૂઆતની રીતભાત પર જ્યારે હજુ વિંટેજ એરા શૈલીની પુરેપુરી અસર હતી એવાં કારકિર્દીનાં સાવ શરૂઆતનાં જ વર્ષમાં મોહમ્મદ રફી વટથી પોતાની અલગ શૈલીની રજૂઆત કરવાનો પ્રયોગ કરે છે.
રહે તો કૈસે રહે દિલ પે ઈખ્તિયાર મુઝે ….. તુમ ઈસ નજ઼ર સે ન દેખો બાર બાર મુઝે – રૂમ નં. ૯ (૧૯૪૬) – ગીતકારઃ નખ્શબ ઝરાચવી – સંગીતઃ રશીદ અત્રે
આ ગીત પરદા પર એ જમાનામાં જેના નામ પર ટિકિટબારી પર ટંકશાળ પડતી એવા અભિનેતા શ્યામ દ્વારા ગવાયું છે. આવા મોટાં ગજાંના અભિનેતા માટે કારકિર્દીની શરૂઆતમાં જ ગીત ગાવા મળે એ એટલી મોટી વાત ગણાય કે નવો સવો ગાયક તો ભારથી જ દબાઈ જાય. પણ, મોહમ્મદ રફી એક્દમ ખુલીને પ્રેમિકાને કરાતા પડકારને વ્યકત કરે છે. મુખડાની જે પંક્તિ વારંવાર ગવાતી હોય તેને દરેક વખતે નવા જ અંદાજમાં ગાવાની પોતાની આગવી શૈલી પણ શરૂ કરી રહે છે.
અબ વો હમારે હો ગયે … ઈકરાર કરેં યા ના કરેં …. હમકો ઉન્હી સે પ્યાર હૈ વો પ્યાર કરેં યા ના કરેં – સફર (૧૯૪૮) ગીતકારઃ ગોપાલ સિંગ (જી એસ) નેપાલી – સંગીતઃ સી રામચંદ્ર
વિંટેજ એરાની સંગીત શૈલીથી જુદા પડવાવાળી નવી પેઢીમાં સી રામચંદ્રની બધી જ પહેલ આગવી જ રહી. ૧૯૪૩થી તેમની શરૂઆત બહુ સંઘર્ષમય રહી, પણ પ્રયોગશીલતા તેમણે ન જ છોડી. ૧૯૫૦માં ‘સમાધિ’નાં ગોરે ગોરે હો બાંકે છોરેની સાથે જ ‘નીરાલા’ માં તેમણે લતા મંગેશકરનું દિલની ઊંડાઈઓને સ્પર્શી જાય એવું મહેફિલમેં જલ ઊઠી શમા પરવાને કે લિયે પણ આપ્યું. તે પહેલાં શહનાઈ (૧૯૪૭)માં જ તેમણે પાશ્ચાત્ય સંગીતના પ્રયોગનાં પહેલાં પગલાં સમાન કેડીનાં આના મેરી જાન સન્ડે કે સન્ડેથી ની સાથે મારી કટારી મર જાના હો અખીયાં મિલાના આપીને નવો ચીલો કંડારવાનું તો શરૂ કરી જ દીધેલું. માંડેલી. તે પછી પણ નદીયા કે પાર(૧૯૪૮ – દિલીપ કુમાર, કામીની કૌશલ), પતંગા, સાંવરિયા (૧૯૪૯) જેવી ફિલ્મોમાં ઠીક ઠીક સફળ ગણી શકાય એવાં ગીતો તો આપતા જ રહ્યા. જો કે એમ કહેવામાં આવે છે કે સી રામચંદ્રને વાણિજ્યિક સફળતા મળી તેમના માસ્ટર ભગવાન સાથેના અલબેલા (૧૯૫૧)થી શરૂ થયેલા સંગાથથી.
આમ, ૧૯૪૬થી લઈને ૧૯૫૦ સુધીનો સમય ગાળો એવૉ હતો કે જેમાં સી રામચંદ્રએ હિંદુસ્તાની,મધ્યપૂર્વ કે અરબી સંગીતની શૈલીઓ પર ગીતો બનાવ્યાં. આ સમય ગાળો મોહમ્મદ રફી માટે પણ પોતાનું સ્થાન નક્કી કરવાના પ્રયાસોનાં વર્ષોનો હતો. બન્ને પક્ષે પોતપોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાના પડકારોનો સામનો સી રામચંદ્ર અને મોહમ્મદ રફી, બન્નેએ, પોતાની આગવી શૈલીથી જ કર્યો. ઉદાહરણ તરીકે આ સમયગાળાનાં અન્ય સૉલો ગીતોઃ હમ કો તુમ્હારા હી આશરા તુમ હમારે હો ન હો (સાજન, ૧૯૪૭, ગીતકારઃ મોતી) ઓ બાબુ અજી બાબુ ગલી મેં તેરી ચાંદ ચમકા (સાજન, ૧૯૪૭ – ગીતકારઃ ક઼મર જલાલાબાદી), કિસ વાદેકા મતલબ ક્યા કરે (દુનિયા, ૧૯૪૯, ગીતકારઃ આરઝૂ લખનવી) યાદ આવે.
પ્રેમકી નૈયા ડોલ રહી હૈ, બોજ઼ હૃદયકા તૌલ રહી હૈ – ઊઠો જાગો (૧૯૪૭) – ગીતકારઃ ? – સંગીતઃ અઝીઝ ખાન
ગીતના બોલ સાંભળીશું તો પરંપરાગત માન્યતા ધરાવતા સમાજને પ્રેમની ભાવનાના નવા સંદેશાઓને સમજાવા માટેની વાત કહેવાતી જોવા મળશે.
પ્રેમમેં ઐસી સુરત બીગડી
સઓઅર પર જૂતે, પાંવમેં પગડી
ઈજ઼્જ઼ત કે પટ ખોલ રહી હૈઐસે ધનવાનોંકે લાલ
ઊડ ગયે જિનકે સર કે બાલ
સરકી ટાટ ભી બોલ રહી હૈપ્રેમ ન આયા તુમકો રાસ
કહે યે તુમસે ગપ્પુ દાસ
ક્યા, નિયત દાવા ડોલ રહી હૈહમ અપને દિલકા ફસાના ઉન્હેં સુના ન શકે, લગી હૈ જો આગ દિલમેં ઉસે બુઝા ન શકે – એક્ટ્રેસ (૧૯૪૮)- ગીતકારઃ નખ્શબ ઝરાચ્વી – સંગીતઃ શ્યામ સુંદર
૧૯૪૪માં મોહમ્મ્દ રફીને પહેલી તક આપ્યા પછી શ્યામ સુંદરે ૧૯૪૬માં દેવ કન્યા અને ૧૯૪૭માં એક રોઝ એમ બે ફિલ્મોમાં સંગીત આપ્યું, પણ મોહમ્મદ રફી સાથે ફરીથી કામ કરવાના સંજોગો ૧૯૪૮માં થયા!
જોકે આટલી જે રાહ જોવી પડી એનું સાટું પણ વાળી આપ્યું.
એ સમયના જ નહીં પણ છેક ‘૬૦ના પણ ઘણા અભિનેતાઓને પરદા પર અઘરી પડતી એવી રફીની એક જ પંક્તિમાં દોઢ સુરની અને મુખડા કે અંતરામાં તો સુરનૂ ઊંચનીચમાં રોલરકોસ્ટરની જેમ વહેવાની શૈલી રફી તો જાણે ગળથુથીમાં લઈ આવ્યા હોય એવી સહજતાથી રજુ કરે છે.
નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ – પરાયી આગ (૧૯૪૮) – ગીતકારઃ તનવીર નકવી – સંગીતઃ ગુલામ મોહમ્મદ
હિંદી ફિલ્મ જગતમાં કિસ્મતના ખેલ બહુ જ નિરાલા રહ્યા છે.
એક જ મુખડા પરથી અલગ અલગ ગીતો બને, એક ગુમનામીમાં એટલું ખોવાઈ ગયું હોય કે મુખડાના બોલ જોતાંવેંત પેલું બીજું અકલ્પનીયપણે સફળ રહેલું ગીત ( દિલ હી તો હૈ (૧૯૬૩) – આશા ભોસલે – ગીતકારઃ સાહિર લુઘિયાનવી – સંગીતઃ રોશન) જ યાદ આવે.
આડવાતઃ
બીજાં જ વર્ષે બનેલી ફિલ્મ ‘કરવટ’ (ગીતકારઃ સૈફુદ્દીન સૈફ – સંગીતઃ હંસરાજ બહલ) માં પણ આ મુખડા પર ફરી ગીત બનાવાયું. બસ આ વખતે એ પારો દેવી અને (કે એલ ્સાયગલની શૈલીમાં) સતીશ બાત્રા એમ અલગ અલગ સ્વરોમં ગવાયેલું જોડીયા ગીત હતું.
દિલ લેના હૈ તો લે લો ઈન્કાર નહીં હૈ, ક્યું ગર્મ સર્દ હોતે હો તક઼રાર નહીં હૈ – ચકોરી (૧૯૪૯) – ગીતકારઃ મુલ્કરાજ ભાખરી – સંગીત હંસ રાજ બહલ
હંસરાજ બહલ અને મોહમ્મદ રફીનો સંગાથ સબ કુછ લુટાયા હમને આ કર તેરી ગલીમેં (ચુનરીયા, ૧૯૪૮)નાં પ્રેમની નિષફળતાની ફરિયાદની વેદનાથી થયો. તે પછીથી આ યાદગાર સંગાથે આપણને અનેક ચિરસ્મરણીય ગીતો આપ્યાં છે.
‘ચકોરી’થી મોહમ્મદ રફી અને ભારત ભુષણની જોડીની સફર પણ શરૂ થઈ અને એક યાદ કરો અને બીજાંને ભુલો એવાં અનેક ગીતો આપણને મળ્યાં.
મેહમાન બન કે આયે થે અરમાન બન ગયે – શોહરત (૧૯૪૯) – ગીતકારઃ ખાંવર ઝમ્મા – સંગીત અઝીઝ હિન્દી
આ સૉલો ગીતમાં રફી સાહેબની ગીતની અદાયગીને સમજવી અને માણવી હોય તો સાથે સાથે તેમણે હમીદા બાનુ સાથે આ જ ગીતનું યુગલ સંસ્કરણ સાંભળવું રહ્યું.
દિલ જવાનીકે નશેમેં ચૂર હૈ, કૌન કહેતા હૈ કે દિલ્લી દૂર હૈ – બિરહા કી રાત (૧૯૫૦) – ગીતકારઃ સર્શાર સૈલાની – સંગીતઃ હુસ્નલાલ ભગતરામ
એક દિલ કે ટુક્ડે હજ઼ાર હુએ (પ્યારકી જીત, ૧૯૪૮) અને મુહબ્બત કે ધોખેં કોઈ ન આયે (બડી બહેન, ૧૯૪૯) જેવાં કરૂણ, પણ ખુબ સફળ રહેલાં, ગીતોથી શરૂ થયેલી હુસ્નલાલ – ભગતરામ અને મોહમ્મદ રફીની પણ સહસફર ખુબ જ ફળદાયી અને વૈવિધ્યપૂર્ણ રહી.
પ્રસ્તુત ગીતમાં મોહમ્મદ રફીની હળવા મિજાજની હરકતોની તેમની અભિનવ અદાનો સરસ પરિચય કરાવે છે.
અકેલેમેં વો ગબરાતે તો હોંગે મીટાકે વો મુઝે પછતાતે તો હોંગે – બીવી (૧૯૫૦) – ગીતકારઃ વલી સાહબ – સંગીતઃ શર્માજી (ખય્યામ)
પોતાની પ્રેમિકાની યાદની રજુઆત કરતાં આ ગીતમાં મોહમ્મદ રફી વિચારમાં ખોવાયેલા પ્રેમીના દિલની ભાવના બહુ ધીરગંભીર સ્વરમાં કરે છે.
આડવાતઃ
એક કાર્યક્રમમાં અમીન સાયાની મહેન્દ્ર કપુરને કહે છે કે કોલેજના દિવસોમાં તે એ ગીત ન ગાય ત્યાં સુધી કાર્યક્રમ અધુરો જ રહેતો. મહેન્દ્ર કપુર એ ગીતની રજુઆત પોતાની શૈલીમાં કરી બતાવે છે.
મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં ૧૯૫૦ પહેલાંના કરૂણ ભાવનાં રોમેન્ટીક ગીતોને યાદ કરવાની પ્ણ આટલી જ મજા આવે તેમ છે. પરંતુ એ ફરી કોઈ વાર …….
-
કાર્યકારણ
અનંત ગણેશ જાવડેકર
પ્રત્યેક પરિવર્તન પાછળ અમુક કારણ હોવું જોઈએ. જે નિર્માણ થાય છે તેને ‘કાર્ય’ અથવા ‘પરિણામ’ તરીકે ઓળખવામાં આવે છે. બટન દબાવવાથી વીજળીનો દીવો થાય છે. આમાં કારણ અને કાર્ય સ્પષ્ટ દેખાય છે. કારણ વગર કાર્ય હોતું નથી.
કારણ અને કાર્ય વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય છે તે વિશે જુદા જુદા ખ્યાલો છે. કારણનું સ્વરૂપ શું, કાર્યનું સ્વરૂપ શું, બન્નેમાં ગુણવત્તામાં ભેદ હોય છે કે નહિ, પરિણામમાં ભેદ હોય છે કે નહિ, કારણમાં કાર્યનિર્માણ કરવાની શક્તિ હોય છે કે નહિ, કારણ આપમેળે જ કાર્યમાં પરિવર્તિત થાય છે કે તેને બીજા કોઈ નિમિત્ત કે પ્રેરણાની જરૂર પડે છે, પરિવર્તન લાવવા માટે પ્રયોજન હોય છે કે કેમ, કારણ કાર્યની પ્રવૃત્તિ ભૌતિક સૃષ્ટિમાં જ હોય છે કે અભૌતિક સત્તામાં પણ હોય છે – આવા ઘણા પ્રશ્નોની ચર્ચા થાય છે.
કારણની વ્યાખ્યા : ભારતીય ન્યાયદર્શનમાં કારણની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : ‘अन्यथासिद्धिशून्यत्वे सति कार्यनियतपूर्ववृति कारणम् ।’ જેને આપણે કાર્ય કહીએ છીએ તેના સંદર્ભમાં કારણ કાર્યની પૂર્વે એટલે કે નજીકના ભૂતકાળમાં આવે છે. કારણ પ્રથમ હોય છે, કાર્ય તત્પશ્ચાત્ આવે છે; પરંતુ જે જે પ્રથમ કે પૂર્વે આવે છે તે બધું જ કારણ હોતું નથી. તાલવૃક્ષ પર કાગડો બેસે અને વૃક્ષ પડી જાય એનો અર્થ એવો નથી કે કાગડો બેસવાથી તાલવૃક્ષ પડી જાય છે. આને કાકતાલીયન્યાય કહે છે. આ બે ઘટનાઓમાં પૂર્વોત્તરભાવ છે, પરંતુ કારણકાર્યભાવ નથી. આમાં નિયમિતતા નથી. જે પૂર્વે આવે છે તે નિયમિત રીતે આવવું જોઈએ. કારણ નિયત રીતે પૂર્વવૃત્તિ હોય છે. આમાં પણ દોષ છે જ. પહેલો દિવસ આવે છે, પછી રાત આવે છે. રાત પહેલાં દિવસ હોય છે, પણ દિવસને લીધે રાત થાય છે એમ કોઈ કહેશે નહિ. દિવસ અને રાત બન્ને કાર્યો છે અને તેનું કારણ જુદું જ છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો જે ખગોળશાસ્ત્રીય સંબંધ છે તે કારણસર દિવસ અને રાત વારાફરતી આવે છે. કારણ ખરેખર અનન્યથા સિદ્ધ હોવું જોઈએ. કારણના હોવામાં વિકલ્પ ન જ હોવો જોઈએ. તાત્પર્ય એ કે કાલર્દષ્ટિથી કારણ હમેશાં તત્કાલ કાર્યની પહેલાં હોવું જોઈએ. તે નિયત રૂપમાં આ પ્રમાણે હોવું જોઈએ. નિયત કારણ સિવાય બીજું કંઈ કારણ ન હોવું જોઈએ. કારણના આ તાર્કિક ગુણો ઉપરાંત કારણ અને કાર્યમાં વજન કે માપમાં એક પ્રકારનું સમત્વ રહેવું જોઈએ. નાના કારણથી મોટું કાર્ય ઉત્પન્ન થતું નથી કે મોટા કારણથી નાનું કાર્ય પણ ઉત્પન્ન થતું નથી. કારણમાં જેટલી વિધાયક અને નિષેધક ઉપાધિઓ હોય છે, તેટલી જ કાર્યમાં પણ હોય છે. જે ઉપાધિઓના અસ્તિત્વને લીધે કાર્ય ઉત્પન્ન થાય છે તેમને વિધાયક ઉપાધિઓ કહેવામાં આવે છે અને જે ઉપાધિઓના અસ્તિત્વને લીધે કાર્ય ન થાય તેને નકારાત્મક અથવા નિષેધક ઉપાધિઓ કહે છે; દાખલા તરીકે, એક નાનકડી દીવાસળીથી મોટી આગ લાગી શકે છે એમ દેખાય છે, પરંતુ નાનકડી દીવાસળી સંપૂર્ણ કારણ હોતું નથી. જે બળે છે તે બળવા યોગ્ય હોય છે. બળનારી વસ્તુ જેટલી નાની કે મોટી હોય છે તેટલી જ આગ પણ નાની કે મોટી હોય છે. જે બળવા યોગ્ય નથી તે બળે નહિ. આગ ઉત્પન્ન થવા માટે બળવાજોગ પદાર્થોનું અસ્તિત્વ હોવું જોઈએ અને જે બળવામાં વિઘ્નરૂપ બને એવું લીલું ત્યાં ન હોવું જોઈએ. પવન હોય તો આગ વધે. વરસાદ હોય તો આગ ન હોઈ શકે. આ બધી ઉપાધિઓનો એકત્ર વિચાર કરવાની આવશ્યકતા છે. ટૂંકમાં જેના અસ્તિત્વને લીધે આ કાર્ય ઉત્પન્ન થાય છે તે કારણ છે, કારણ ન હોય તો કાર્ય પણ ન હોઈ શકે.
પાશ્ચાત્ય તર્કશાસ્ત્રી જ્હૉન સ્ટુઅર્ટ મિલે કારણની લગભગ આવી જ વ્યાખ્યા આપી છે. ગુણાત્મક રીતે કાર્યના સંબંધમાં કારણ એ કાર્યનું અવ્યવહિતપૂર્વ (immediate), નિરુપાધિક (unconditional) અને અચલ (invariable) પુરોગામી છે અને ઇયત્તા કે પ્રમાણ(quantity)ની ર્દષ્ટિએ કારણ અને કાર્ય સરખાં છે.
કારણોની અનેકતા અને કાર્યની એકતા : કારણ અને કાર્યના સંબંધમાં બીજો એક ભૂલભરેલો ખ્યાલ પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં પ્રવર્તે છે કે કારણો ભલે અનેક હોય પણ તે જુદા જુદા પ્રસંગોમાં એક જ પ્રકારનું કાર્ય ઉત્પન્ન કરે છે. આ મતને કારણોની અનેકતા અથવા વિવિધતા અને કાર્યની એકતા કહેવામાં આવે છે (doctrine of plurality of causes and unity of effect). દાખલા તરીકે મૃત્યુનાં કારણો એક જ પ્રકારનાં હોતાં નથી. બીમારીથી મૃત્યુ આવે, પાણીમાં ડૂબવાથી આવે, ઝેરથી મૃત્યુ નીપજે કે આગમાં બળવાથી નીપજે. પ્રકાશરૂપી કાર્ય જુદા જુદા પ્રકારે ઉત્પન્ન થઈ શકે. સૂર્યથી પ્રકાશ મળે, વીજળીના પ્રવાહથી પ્રકાશ મળે, પેટ્રોમૅક્સથી કે કેરોસીન ફાનસથી કે મીણબત્તીથી પ્રકાશ ઉપલબ્ધ થાય. આ બન્ને ઉદાહરણો કારણોની વિવિધતા તથા કાર્યની એકરૂપતા બતાવે છે. ઉપરઉપરથી જોતાં તો આ મત બરાબર લાગે છે, પરંતુ તે શાસ્ત્રીય નથી. શાસ્ત્રીય ઊંડાણથી વિચાર કરીએ તો આ મત તદ્દન અસત્ય છે. જેટલા પ્રકારનાં મૃત્યુનાં કારણો હોય તેટલા પ્રકારનાં મૃત્યુનાં સ્વરૂપો પણ હોય છે. જે બીમારીથી મૃત્યુ આવે તેનાં લક્ષણો મૃત્યુમાં દેખાય જ છે. ડૂબી જવાથી જે પ્રકારનું મૃત્યુ નીપજે છે તેનાથી ભિન્ન પ્રકારનું મૃત્યુ ઝેર પીવાથી થાય છે. મૃત્યુ પછી દેહનું વિશ્લેષણ કરીને મૃત્યુનું કારણ શોધી શકાય છે, એટલે કે કાર્ય ઉપરથી કારણ તરફ જઈ શકાય છે. એનું તાત્પર્ય એ કે કારણ અને કાર્યમાં સમાનતા રહેલી હોય છે. એક કારણથી એક જ પ્રકારનું કાર્ય ઉત્પન્ન થઈ શકે છે. કારણોની અનેકતાનો મત વ્યવહારર્દષ્ટિએ જ ખરો લાગે છે. જે માણસ આપઘાત કરવા માગે છે તેની સમક્ષ અનેક માર્ગ હોય છે. કયો માર્ગ અનુસરવો તે તેની ઇચ્છા પર છે; પરન્તુ સૈદ્ધાંતિક ર્દષ્ટિથી કારણ અને કાર્ય વચ્ચે એકરૂપતા જ હોય છે. ભારતીય ન્યાયશાસ્ત્રમાં આ મતની ચર્ચા એટલા માટે જ કરી નથી કે તે બિલકુલ તર્કસંગત નથી.
અસત્કાર્યવાદ – ન્યાયદર્શન : પાશ્ચાત્ય દાર્શનિકોએ નહિ ચર્ચેલી અને ભારતીય દર્શનોમાં બહુચર્ચિત એક સમસ્યા એ છે કે ‘કાર્યનું અસ્તિત્વ કારણમાં હોય છે કે નહિ ?’ તાત્વિક ર્દષ્ટિથી આ ચર્ચા ઘણું મહત્વ ધરાવે છે. જુદાં જુદાં દર્શનોમાં જુદા જુદા પ્રકારનાં મન્તવ્યો આપેલાં છે. તેમાં બે વાદ પ્રમુખ છે. ન્યાયશાસ્ત્ર માને છે કે કારણમાં કાર્યનું અસ્તિત્વ હોતું નથી. કારણ ‘સત્’ છે, પરન્તુ તેમાં કાર્ય ‘અસત્’ છે. આ વાદનું નામ છે ‘અસત્કાર્યવાદ’ અથવા ‘આરંભવાદ’. દાખલા તરીકે દૂધ કારણ છે અને દહીં કાર્ય છે. દૂધ એક પ્રકારનો પદાર્થ છે, દહીં બીજા પ્રકારનો પદાર્થ છે. બંનેના ગુણો ભિન્ન ભિન્ન છે. બન્ને સત્ય પદાર્થો છે. પરંતુ દૂધમાં જ દહીં છે એમ ન કહી શકાય. દૂધમાં દહીં છે જ એમ કહીને દહીં માગનારને દૂધ આપી શકાય નહિ. દહીં દૂધથી ભિન્ન હોવાથી દહીં દૂધમાં નથી. દહીં દૂધમાં અસત્ છે એટલે કે આ કારણમાં કાર્યનો અભાવ છે. કારણમાં જે નથી તેની નવીન ઉત્પત્તિ થાય છે. તેના માટે અમુક પ્રકારની પ્રક્રિયા કરવાની હોય છે. જો પહેલેથી જ કાર્યનું કારણમાં અસ્તિત્વ હોય તો કારણ પરની પ્રક્રિયા નિરર્થક જ થઈ જાય. પ્રક્રિયા કરવી પડે છે એનો અર્થ જ એ છે કે જે નથી તે અસ્તિત્વમાં લાવવું છે. તેથી અસત્કાર્યવાદ સિદ્ધ થાય છે. અસત્કાર્યવાદનું બીજું નામ ‘આરંભવાદ’ છે. આરંભ એટલે નવનિર્માણ.
સત્કાર્યવાદ – સાંખ્યદર્શન : સાંખ્યદર્શન ન્યાયથી વિરુદ્ધ મત ધરાવે છે, જે ‘સત્કાર્યવાદ’ તરીકે ઓળખાય છે. કાર્ય કારણમાં અસ્તિત્વ ધરાવે જ છે. કારણમાં કાર્ય સત્ છે. આ મત માટે સાંખ્યકારિકામાં ઈશ્વરકૃષ્ણે બહુ જ તર્કશુદ્ધ દલીલો આપી છે :
असदकरणादु उपादानग्रहणात् सर्वसंभवाभावात् ।
शक्तस्य शक्यकारणात् कारणभावाच्च सत्कार्यम् ।।(૧) કાર્ય જો કારણમાં ન જ હોય તો ગમે તે રીતે પણ તેને અસ્તિત્વમાં લાવી શકાય નહિ; દા. ત., દહીં દૂધમાં ન જ હોય તો કેમે કરીને તેની ઉત્પત્તિ દૂધમાંથી થઈ શકે નહિ. રેતીમાં તેલ નથી. રેતી ઉપર પ્રક્રિયા કરીને પણ જે તેમાં નથી તે તેલ ઉત્પન્ન ન જ કરી શકાય.
(૨) આટલા માટે જ યોગ્ય ઉપાદાન લેવાની જરૂર પડે છે. દહીં જોઈતું હોય તો દૂધ ઉપાદાન કારણ તરીકે લેવું જ પડે છે. તેલ જોઈતું હોય તો તલ કે શિંગદાણા લેવા પડે છે કેમ કે તેમાં તેલ હોય જ છે.
(૩) જો આવું ન હોય તો ગમે તે ઉપાદાન લઈને ગમે તે કાર્ય એમાંથી ઉત્પન્ન કરી શકાય; પણ આવું ક્યારેય પણ સંભાવ્ય નથી. અમુક કારણમાંથી ગમે તે પ્રકારનું કાર્ય ઉત્પન્ન કરવું સર્વથા અશક્ય છે. જે કાર્ય ખરેખર અસત્ જ છે તેની ઉત્પત્તિ અથવા સંભવ સર્વથા શક્ય નથી.
(૪) અર્થાત્, જે કારણમાં જે કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ મૂળમાં જ છે તે જ કારણથી તે જ કાર્ય શક્ય બને છે. રેતીમાં દહીં ઉત્પન્ન કરવાની કે દૂધમાં તેલ ઉત્પન્ન કરવાની શક્તિ હોતી નથી.
(5) આટલા માટે યોગ્ય ઉપાદાન લેવું જ પડે છે; કારણ અને કાર્યમાં એક પ્રકારની સમાનતા રહેલી હોય છે. દૂધ અને દહીંમાં કે તલ અને તેલમાં સમાનતા છે. કાર્યનો કારણમાં ભાવ હોવાથી કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે.
આ સૌ દલીલોથી સત્કાર્યવાદ સ્થાપિત થાય છે. સત્કાર્યવાદનું બીજું નામ ‘પરિણામવાદ’ છે. આ વાદ પ્રમાણે કારણમાંથી કાર્ય પરિણમે છે. કાર્ય એ કંઈ નવું હોતું નથી.
બૌદ્ધદર્શનમાં કાર્યકારણવિચાર : અનાત્મવાદી અને અનીશ્વરવાદી તેમજ કર્મ-પુનર્જન્મવાદી બૌદ્ધદર્શન પ્રમાણે દરેક ઘટનાનું કારણ પૂર્વવર્તી ઘટનામાં હોય છે અને તે ઘટના પોતે પણ અનુવર્તી ઘટનાનું કારણ બનતી હોય છે.
પ્રતીત્યસમુત્પાદ એટલે કે ‘કારણો દ્વારા ઉત્પત્તિનો નિયમ’ બૌદ્ધોને માન્ય છે. ‘આ હોય તો આ થાય અને આ ન હોય તો આ ન થાય’ એવો કાર્યકારણનો સિદ્ધાંત જ પ્રતીત્યસમુત્પાદવાદ છે. શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ એ બન્નેનો ઇન્કાર કરતો વચલો માર્ગ પ્રતીત્યસમુત્પાદનો છે. ભવચક્રના સંદર્ભમાં પ્રતીત્યસમુત્પાદને બાર અંગોવાળો કહ્યો છે, જેનું મૂળ અવિદ્યા છે. પ્રતીત્યસમુત્પાદવાદ સૂક્ષ્મ રૂપે ક્ષણભંગવાદ તરીકે સમજાય છે. તે અનુસાર જગતની બધી વસ્તુઓ ક્ષણિક છે. એક જ ક્ષણ ટકનારી વસ્તુની વિભાવના શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ બન્નેનો ત્યાગ કરે છે. સ્થાયી કે નિત્ય વસ્તુ તો એકસરખી અનેક ક્ષણિક વસ્તુઓની હારમાળા કે શ્રેણી છે અને ધારાવાહી પ્રત્યક્ષ પણ અનેક ક્ષણિક પ્રત્યક્ષોની સંતતિ જ છે. જોકે વિજ્ઞાનવાદી બૌદ્ધો બાહ્ય વસ્તુના અસ્તિત્વનો નિષેધ કરીને કેવળ ક્ષણિક વિજ્ઞાનને જ સત્ માને છે અને શૂન્યવાદીઓ તો એમ દર્શાવે છે કે પ્રતીત્યસમુત્પાદ એટલે પરસ્પર સાપેક્ષતા. દરેક વસ્તુ અન્યસાપેક્ષ હોઈ દરેક વસ્તુ પોતે નિ:સ્વભાવ હોય છે. ટૂંકમાં થેરવાદ, વૈભાષિક, સૌત્રાન્તિક, વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ – એ બૌદ્ધ સંપ્રદાયો પ્રતીત્યસમુત્પાદ રૂપે કારણવિચાર રજૂ કરે છે.
આરંભવાદ (ન્યાય) અને શૂન્યવાદ (બૌદ્ધ) : અસત્કાર્યવાદી કહે છે કે દૂધ નષ્ટ થયા પછી જ દહીં, જે પહેલાં ન હતું તે ઉત્પન્ન થાય છે એ તો દેખીતી વાત છે. દૂધથી દહીં બિલકુલ જુદું પડે છે. આ બન્ને વચ્ચે બે પ્રકારનો અભાવ રહેલો હોય છે. દૂધ નષ્ટ થયા પછી દૂધનો ‘પ્રધ્વંસાભાવ’ હોય છે અને દહીં ઉત્પન્ન થાય તે પૂર્વે તેનો ‘પ્રાગ્ભાવ’ હોય છે. આ બન્ને વચ્ચેના અભાવને કારણે જ દૂધ અને દહીં વચ્ચે ભેદ હોય છે. આ ભેદને કારણે જ દૂધમાં દહીં નથી અથવા દહીં છે એમ કહેવામાં આવે છે, જેથી તે અસત્કાર્યરૂપે સિદ્ધ થાય છે. નવા કાર્યનો આરંભ દેખાય છે જે પ્રાગ્ભાવ પ્રતિયોગી હોય છે તેને જ ખરી રીતે કાર્ય કહેવાય છે.
આ વાદમાં બૌદ્ધો કહે છે કે કાર્યના નિયતપૂર્વે જે હોય તે જ કારણ તરીકે ગણાય. ન્યાયની પણ આવી જ ધારણા છે. ઉપરના વિશ્લેષણમાં દૂધ અને દહીં વચ્ચે અભાવ છે. તેથી દૂધ નિયતપૂર્વવૃત્તિ નથી. નિયતપૂર્વવૃત્તિ તો અભાવ જ છે. આ અભાવમાંથી કે અસતમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે.
સત્તાશાસ્ત્રની ર્દષ્ટિથી બૌદ્ધોમાં જેઓ શૂન્યવાદી છે તેઓ કહે છે કે અંતિમત: ‘સર્વશૂન્યમ્’ છે, કારણ પણ શૂન્ય કે અસત્ છે અને તેમાંથી ઉત્પન્ન થયેલ કેવળ શૂન્ય કે અસત જ હોઈ શકે. પશ્ચિમમાં એક સિદ્ધાન્ત છે – Nothing comes out of nothing. અસતમાંથી અસત્ જ આવે છે. આને ‘પૂર્ણ વૈનાશિકવાદ’ કહે છે. ન્યાયનો પક્ષ ‘અર્ધવૈનાશિકવાદ’નો છે. તેઓ સર્વશૂન્યવાદી નથી. કારણ તો સત્ જ હોઈ શકે, જેમાંથી પૂર્વે અસત્ હોય તેવું કાર્ય ઉત્પન્ન થાય છે.
બૌદ્ધોમાં પૂર્ણ વૈનાશિક અથવા સર્વશૂન્યવાદથી થોડીક જુદી પણ એક ધારણા છે, તે એ કે જે કંઈ ઉત્પન્ન થયેલું લાગે છે તેને જો સત્ કહીએ તો ‘અસત્’માંથી ‘સત્’ ઉત્પન્ન થયું છે એમ કહેવામાં કશું ખોટું નથી. કાર્ય ભલે સત્ જેવું દેખાય પણ તેનું કારણ અસત્ જ હોય.
બૌદ્ધોની આ બન્ને ભૂમિકાઓ (ક) અસતમાંથી અસત્ ઉત્પન્ન થાય છે અને (ખ) અસત્માંથી સત્ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે છે. તેનું વર્ણન ‘અસત્કારણવાદ’ નામથી કરવામાં આવ્યું છે. ન્યાયનો પક્ષ ‘સત્કારણવાદ’નો છે. ન્યાય અને વૈશેષિક બન્ને આ પ્રમાણે માને છે. સાંખ્યનો મત પણ સત્કારણવાદી જ છે. યોગ સાંખ્યને અનુસરે છે. વેદાન્તદર્શન પણ સત્કારણવાદને જ માને છે.
બૌદ્ધો સિવાયના બધા જ સત્કારણવાદી છે; પરંતુ ન્યાય-વૈશેષિક અસત્કાર્યવાદને માને છે અને સાંખ્યયોગ સત્કાર્યવાદને માને છે. વેદાન્તમાંનો અદ્વૈતવાદ કારણકાર્યસંબંધ વિશે તદ્દન જુદું જ મન્તવ્ય ધરાવે છે.
પરિણામવાદ અને વિવર્તવાદ : અપ્પય્ય દીક્ષિતના ‘સિદ્ધાંતલેશ સંગ્રહ’(અનુવાદ : ડૉ. એસ્તેર સોલોમન)માં પરિણામવાદ અને વિવર્તવાદનો ભેદ સ્પષ્ટ કર્યો છે.
પરિણામવાદ પ્રમાણે દહીં દૂધનું તેમજ ઘટ માટીનું પરિણામ છે. અહીં કારણ અને પરિણામ બન્ને સરખી સત્તાવાળાં છે, પરંતુ અદ્વૈત વેદાંતના વિવર્તવાદ પ્રમાણે કારણની સત્તા(reality)થી કાર્યની સત્તા વિષમ છે, એટલે કે બન્ને એક જ પ્રકારની સત્તા ધરાવતાં નથી; દા.ત., સર્પ રજ્જુનો વિવર્ત છે અને ઘટપટાદિ પદાર્થો બ્રહ્મનો વિવર્ત છે. સર્પની સત્તા પ્રાતિભાસિક છે જ્યારે રજ્જુની સત્તા વ્યાવહારિક છે. તે જ રીતે ઘટાદિ પ્રપંચની સત્તા વ્યાવહારિક છે, જ્યારે બ્રહ્મની સત્તા પારમાર્થિક છે. કાર્ય અને કારણ પરિણામવાદમાં સમસત્તાવાળાં છે, જ્યારે વિવર્તવાદમાં તે વિષમ સત્તાવાળાં છે. આ ઉપરાંત પરિણામવાદમાં કાર્ય અને કારણનાં એક જ લક્ષણ છે; જેમ કે, પૃથ્વીત્વ, જડત્વ, આદિ માટીમાં છે અને ઘટમાં પણ છે; જ્યારે વિવર્તવાદમાં કાર્ય કારણથી ભિન્ન લક્ષણવાળું (વિલક્ષણ) છે; જેમ કે, ચૈતન્યરૂપ બ્રહ્મ કારણ છે અને જડ પ્રપંચ તેનું પરિણામ છે અથવા તો શુક્તિનું કોઈ લક્ષણ રજતમાં નથી એટલે કાર્ય કારણથી વિલક્ષણ છે. આમ (1) કારણ અને કાર્ય બન્ને સરખી સત્તાવાળાં હોય તે પરિણામવાદ, અને વિષમ સત્તાવાળાં હોય તે વિવર્તવાદ. (2) કારણ અને કાર્ય એક જ લક્ષણવાળાં હોય તે પરિણામવાદ, પરંતુ જો કાર્ય કારણથી વિલક્ષણ હોય તો તે વિવર્તવાદ. સાંખ્યદર્શનમાં પરિણામવાદ સ્વીકારાયો છે, અદ્વૈતવેદાંતમાં વિવર્તવાદ સ્વીકારાયો છે.
અદ્વૈતના ખ્યાલ પ્રમાણે પૂર્ણ વૈનાશિક અથવા અર્ધવૈનાશિકવાદી ભૂમિકાઓ સર્વથા અતાર્કિક છે. પૂર્ણ વૈનાશિક શૂન્યવાદી ભૂમિકા સર્વથૈવ આત્મવિરોધી છે, વદતોવ્યાઘાત જેવી આ વાત છે. અભાવની કે અસતની ક્યારેય ઉત્પત્તિ થાય જ નહિ. મૂલમાં સત્ તો હોવું જ જોઈએ.
સત્કાર્યવાદનાં બે સ્વરૂપો છે. તેમાંના એકને પરિણામવાદ કહે છે. સાંખ્યયોગ પરિણામવાદને માને છે. અદ્વૈત વેદાન્તની ર્દષ્ટિમાં પરિણામવાદ અધૂરો છે. કારણનું વિકાસ પામેલું કે પરિણત રૂપ જો કાર્ય હોય તો આ વિકાસ પામવાની આખી પ્રક્રિયા કારણનો જ એક મહત્વનો ભાગ છે. કારણની પ્રક્રિયાને કારણથી જુદી પાડી શકાય જ નહિ. દૂધ ખરી રીતે દહીંનું સમગ્ર કારણ હોઈ શકે નહિ. દૂધ કારણનો એક મહત્વપૂર્ણ ભાગ જરૂર છે. દૂધ સાથે થોડુંક દહીંનું મિશ્રણ મેળવણ રૂપે કરવું પડે છે. વાતાવરણ કિંચિત્ ગરમ હોવું જોઈએ અને અમુક સમય વીત્યા પછી દૂધનું રૂપાંતર દહીંમાં થાય છે. આ બધી ઉપાધિઓ મળીને સમગ્ર કારણરૂપે સંપન્ન થાય છે. પ્રશ્ન એ છે કે કારણ જ્યાં અને જ્યારે પૂર્ણ રૂપે અસ્તિત્વમાં આવે છે ત્યાં અને ત્યારે તેનાથી કાર્યને કઈ રીતે જુદું બતાવી શકાય ? કારણ અને કાર્ય એકરૂપ બની જાય છે. આ કારણ છે અને આ બીજું કાર્ય છે એમ ભેદરૂપે બે ઘટનાઓ બતાવી શકાય જ નહિ. કારણને કાર્યરૂપે બીજું નામ જ અપાય છે. કાર્યનું સ્વતંત્ર સત્ય અસ્તિત્વ હોતું નથી. કાર્ય વિવર્તરૂપે વર્તે છે; કારણ જ એકમાત્ર સત્ય છે. કાર્યને સ્વતંત્ર સત્ય રૂપ આપવું મિથ્યા છે. કારણ-કાર્યનો આ સિદ્ધાંત ‘વિવર્તવાદ’ તરીકે ઓળખાય છે. સત્કાર્યવાદનું આ રૂપ જ પરિણામવાદ કરતાં તાર્કિક રીતે શ્રેષ્ઠ છે. સાંખ્ય અને અદ્વૈત સત્કાર્યવાદને માને છે. આ સત્કાર્યવાદનું સ્વરૂપ સાંખ્યમાં પરિણામવાદ તરીકે સ્વીકારવામાં આવ્યું છે; પરંતુ સત્કાર્યવાદની પાર્શ્વભૂમિ ઉપર તેની વ્યવસ્થિત તર્કશુદ્ધ રચના કરીને અદ્વૈતમાં તેનું રૂપાન્તર વિવર્તવાદમાં કરવામાં આવ્યું છે. વિવર્તવાદ પ્રમાણે કારણ સત્રૂપ છે, પરંતુ કાર્ય અસત્રૂપ છે. કાર્યનું તાદાત્મ્ય કારણ સાથે છે, પરંતુ કાર્યનું સ્વતંત્ર યથાર્થ અસ્તિત્વ હોતું નથી. કાર્ય વિવર્ત માત્ર છે.
સત્તાશાસ્ત્રને અનુકૂલ કારણ સિદ્ધાન્ત – પ્રકૃતિવિકૃતિ અને બ્રહ્મવિવર્ત : આ બધાં દર્શનોનું પોતપોતાનું સ્વતંત્ર સત્તાશાસ્ત્ર છે. દરેક દર્શન પોતાના સત્તાશાસ્ત્રને અનુકૂળ કાર્યકારણ સમસ્યાનું વિવરણ કરે છે. સાંખ્યદર્શન પ્રમાણે મૂલ પ્રકૃતિ છે. આખું જગત પ્રકૃતિમાંથી પરિણામ પામે છે. આ પરિણામ અવ્યક્ત પ્રકૃતિમાંથી જ વ્યક્ત રૂપે પ્રકટ થાય છે. જગતરૂપમાં પ્રકૃતિનું જ પરિણામ પ્રકૃતિની જ વિકૃતિરૂપે દેખાય છે. કારણ સત્ય છે અને પરિણામ પામેલું જગતરૂપી કાર્ય પણ સત્ય જ છે. આને પ્રકૃતિપરિણામવાદ કહે છે.
અદ્વૈતમાં બ્રહ્મ અંતિમ પારમાર્થિક સત્ય છે, જે નિર્વિકાર છે અને જે દેખાય છે તે જગત છે. જગતનું સાચું સ્વરૂપ બ્રહ્મથી તેને અલગ પાડીને જોઈ શકાય નહિ. જગત વિનાશી છે. જગત અનુભવમાં આવે છે તેથી સત્ય લાગે છે; પણ જેનો વિનાશ થાય છે તે જગત પરમાર્થત: કદાપિ સત્ય હોઈ શકે નહિ. જગત બ્રહ્મ જેવું સત્ય નથી અને શશશૃંગ જેવું અસત્ પણ નથી. જગત સત્થી વિલક્ષણ અને અસતથી પણ વિલક્ષણ એવું અનિર્વચનીય રૂપ ધરાવે છે, જે વ્યાવહારિક સત્તા છે. પણ પરમાર્થત: બ્રહ્મ જ એકમેવ અદ્વિતીય પરમાર્થ સત્ય છે અને જે દેખાય છે તેવા જગતનું સાચું કારણ છે, આ બ્રહ્મ ઉપર જ જગત વિવર્તરૂપે ભાસે છે. જગતમાં પરિણામો દેખાય છે, પરંતુ બ્રહ્મમાં વિકાર થઈને જગત પરિણામરૂપે ક્યારે પણ આવી શકે નહિ.
બ્રહ્મ પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ : વેદાન્તમાં જેઓ શંકરાચાર્યના અદ્વૈતને માનતા નથી તે રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય અને વલ્લભાચાર્ય પોતપોતાના સ્વતંત્ર વિચારો ધરાવે છે. રામાનુજ અને વલ્લભ બ્રહ્મ પરિણામવાદનો આશ્રય લઈને જગતને યથાર્થ રીતે સત્ય માને છે. શંકરાચાર્યનો વિવર્તવાદ તેમને સ્વીકાર્ય નથી, તેમને સાંખ્યનો પ્રકૃતિપરિણામવાદ પણ સ્વીકાર્ય નથી, કારણ કે બ્રહ્મ જ અંતિમ સત્ય છે. પ્રકૃતિ અચેતન છે. બ્રહ્મ સચ્ચિદાનન્દરૂપ છે. આ મોટો ભેદ છે તથાપિ પરિણામવાદ સાચો છે; તેથી બ્રહ્મપરિણામ તરીકે જગતનું સાચું અસ્તિત્વ તેઓ સ્વીકારે છે.
અદ્વૈતમતાનુસાર પરિણામવાદ એ કારણમાં વિકૃતિ ઉત્પન્ન કરે છે. વિકૃતિ વગર પરિણામ હોઈ શકે નહિ. આ કારણસર બ્રહ્મમાં પરિણામ અશક્ય છે, કારણ કે બ્રહ્મ નિર્વિકાર છે, વલ્લભાચાર્ય કહે છે કે અવિકૃત પરિણામરૂપે બ્રહ્મનું પરિવર્તન જગતરૂપમાં થાય છે. અદ્વૈત આવા અવિકૃત પરિણામને વદતોવ્યાઘાતરૂપ સમજે છે.
પરમાણુવાદ અને આરંભવાદ : ન્યાય-વૈશેષિક દર્શનોમાં અંતિમ સત્તા પરમાણુઓની છે. પૃથ્વી, આપ, તેજ, વાયુ એ દ્રવ્યોના જુદા જુદા પ્રકારના પરમાણુઓ છે. આકાશ પણ એક દ્રવ્ય છે, જેના પરમાણુઓ હોતા નથી. આ પાંચ ભૂતો સિવાયનાં દિક્ અને કાલ, આત્મા અને મનસ્ અન્ય ચાર દ્રવ્યો છે. કુલ નવ દ્રવ્યો છે. આ બધાં નિત્ય છે. પરમાણુઓમાંથી નવાં નવાં સંયોજનો બનીને નવા નવા પ્રકારના પદાર્થો ઉત્પન્ન થાય છે. જે ગુણધર્મો મૂળમાં હોતા નથી તેમનો નવેસરથી આરંભ થાય છે. આ વ્યાવહારિક જગત સત્યવાદી (realist) સિદ્ધાન્ત છે. વ્યવહારમાં અનેકત્વ છે, દ્વૈત છે, ભેદ છે અને તેને અનુલક્ષીને જે વ્યવહાર્ય વિચાર છે તેને યથાર્થવાદ કહેવામાં આવે છે. આવા યથાર્થવાદને સ્વીકારીને જ રોજબરોજનો વ્યવહાર સાર્થ અને સફળ થઈ શકે છે.
સ્યાદવાદ – જૈન દર્શન : વિજ્ઞાન સામાન્ય વિચારથી આગળ જાય છે. વૈજ્ઞાનિક વ્યવહાર પણ સામાન્ય કરતાં અધિક ઊંડો વ્યવહાર છે. વૈજ્ઞાનિક પ્રગતિ આવા સાપેક્ષ વ્યવહાર પર જ નિર્ભર છે. તત્વજ્ઞાન કે દર્શન તેના કરતાં અધિક ઊંડો વિચાર કરે છે, ન્યાય-વૈશેષિક કરતાં પણ સવિશેષ ઊંડો વિચાર સાંખ્યમાં અને તેના કરતાં અધિક વેદાન્તમાં અને વેદાન્તમાં પણ અદ્વૈતમાં અત્યંત ઊંડો વિચાર સિદ્ધાન્તરૂપે આવેલો છે. આટલા માટે જ અદ્વૈતમાં કે બૌદ્ધ દર્શનમાં સિદ્ધાન્ત અને વ્યવહારમાં ભેદ દર્શાવેલો છે. વ્યવહારમાં જે સત્ય સ્વીકારાય તે જ અંતિમ નથી. પરમાર્થ સત્ય એ જ અંતિમ સત્ય છે.
આ પ્રકારે જુદા જુદા ર્દષ્ટિકોણ હોવાથી જૈનોનો સ્યાદવાદ પણ સ્વીકાર્ય બને છે. એક ર્દષ્ટિથી કાર્ય કારણમાં હોય જ છે; પણ બીજી ર્દષ્ટિથી કાર્ય કારણમાં નથી હોતું, માટે તે અવક્તવ્ય કોટિમાં જાય છે. જૈન દર્શનમાં કુલ સાત ર્દષ્ટિઓનો વિચાર કરેલો છે. ઉપર ત્રણ વિકલ્પો બતાવ્યા છે. તે સિવાય કાર્ય હોય પણ છે અને નથી પણ હોતું; હોય છે, પણ અવક્તવ્ય છે; નથી હોતું પણ અવક્તવ્ય છે. આમ હોય છે, નથી હોતું અને અવક્તવ્ય છે : આ પ્રકારે સપ્તભંગિનયનું પ્રતિપાદન કરેલું છે.
આ વાદમાં અંતિમ ર્દષ્ટિ કઈ છે તે બતાવેલું નથી. તથાપિ જૈનો કેવળજ્ઞાનને સ્વીકારે છે. આ કેવળજ્ઞાન પરમાર્થ સત્ય છે, જેમાં સાપેક્ષર્દષ્ટિ રહેતી નથી; નિરપેક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે કારણકાર્ય વિચારધારાથી પર જાય છે. આવા પારમાર્થિક ર્દષ્ટિકોણમાં અદ્વૈત, બૌદ્ધ અને જૈન દર્શનનો સમન્વય થાય છે, કારણ કે આ બધાં દર્શનોમાં અંતિમ સત્ય બુદ્ધિથી પર છે. તેનું તાર્કિક વર્ણન કરી શકાય નહિ એવું કહેલું છે.
જૈન દર્શનમાં કાર્યકારણવિચાર : સાંખ્ય અને જૈન બંને દર્શનો પરિણામવાદ સ્વીકારે છે છતાં સાંખ્ય પુરુષને કૂટસ્થનિત્ય ગણે છે અને પ્રકૃતિને પરિણામી ગણે છે; જ્યારે જૈન દર્શન જીવ અને અજીવ બન્ને પ્રકારનાં દ્રવ્યોને પરિણામી ગણે છે. જૈન દર્શન પ્રમાણે गुणपर्यायवद् द्रव्यम् એટલે કે દ્રવ્ય ગુણ અને પર્યાયવાળું છે. ગુણ અને પર્યાય બંનેનો આશ્રય દ્રવ્ય છે. જૈન મત મુજબ દ્રવ્ય અને ગુણનો પરિણામી સ્વભાવ છે (तदभावः परिणामः). ઉમાસ્વાતિએ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् એ રીતે સતનું સ્વરૂપ સમજાવ્યું છે. સતનું પરિણામી નિત્યત્વ જૈન મતને માન્ય છે. માટીમાંથી ઘટ થયો તે ‘ઉત્પાદ’ (मृत्पिण्डस्य घटपर्यायवत्). ઘટમાં પિંડના સ્વરૂપનો ત્યાગ તે ‘વ્યય’ (पूर्व भाव विगमनं व्ययः यथा घटोत्पतौ पिण्डाकृतेः ।) અને પિંડ તેમજ ઘટમાં માટીનું એકસમાન રૂપે હોવું તે ‘ધ્રૌવ્ય’ (यथा मृत्पिण्डघटाद्यवस्थासु मृदाध्यन्वयः). જૈનોની ર્દષ્ટિએ સત્તાને કૂટસ્થ નિત્ય માનો તો કાર્યકારણસંબંધ ક્યાંય શક્ય જ બને નહિ. અપરિણામી નિત્યત્વ કાલાતીત હોવાથી કદાપિ કોઈનું કારણ બની શકે જ નહિ અને સત્ જો ક્ષણિક જ માનો તોપણ કાર્યકારણભાવ ઘટાવી શકાય નહિ. જૈન મત પ્રમાણે દ્રવ્યની ર્દષ્ટિએ ‘ધ્રૌવ્ય’ મહત્વનું છે અને પર્યાયની ર્દષ્ટિએ ‘ઉત્પાદ’ અને ‘વ્યય’ મહત્વનાં છે. માટે સત્ના લક્ષણમાં કોઈ વિસંગતતા નથી.
સાંખ્ય પ્રમાણે દેશ, કાળ, આકાર અને નિમિત્ત પ્રમાણે પરિણામને સમજી શકાય. તે જ રીતે, જૈન મત પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે પરિણામને સમજી શકાય છે. જૈનોનો મત સદસતકાર્યવાદ છે જ્યારે સાંખ્યમત સત્કાર્યવાદ છે; કારણ કે, જૈનો કાર્યને એક ર્દષ્ટિએ સત્ પણ માને છે અને બીજી ર્દષ્ટિએ અસત્ પણ માને છે. ઘટ માટીના પિંડમાં અવ્યક્ત રૂપે સત્ છે પણ માટીના પિંડમાંથી ઘટ બને નહિ ત્યાં સુધી ઘટરૂપી કાર્ય વ્યક્ત ન હોવાથી અસત્ પણ છે. જૈન મત પ્રમાણે કાર્યકારણવિચાર અનેકાન્ત ર્દષ્ટિએ જ થવો ઘટે.
ઍરિસ્ટોટલ અને ન્યાયશાસ્ત્ર : કાર્યકારણ વિશે બીજાં પાસાં પણ છે. ઍરિસ્ટોટલે ચાર જાતનાં કારણો દર્શાવ્યાં છે :
(૧) ઉપાદાન કારણ,
(૨) આકારિક કારણ,
(૩) નિમિત્ત કારણ અને
(૪) પ્રયોજન કારણ.
આરસનું પૂતળું બનાવવામાં આવે તેમાં આરસ જે દ્રવ્ય તરીકે લીધેલું છે, તેનું નામ ઉપાદાન. આ પૂતળાનું જે પુરુષ કે સ્ત્રીનું રૂપ કે આકાર હોય તે આકારિક કારણ. સ્વયં શિલ્પી અને તેનાં ઓજારો કલાકૃતિનું નિમિત્ત કારણ કહેવાય. શિલ્પીના મનમાં પૂતળું બનાવતી વખતે જે પ્રયોજન હોય છે (દા.ત., કોઈ વ્યક્તિનું સ્મારક કરવું) તેને પ્રયોજન કારણ કહે છે. આ બધાની આવશ્યકતા કાર્યનું નિર્માણ કરવા માટે છે. પ્રયોજન વગર કાર્યનિર્મિતિ માટે કારણ હોતું નથી. ઉપાદાનદ્રવ્ય લીધા સિવાય શૂન્યમાંથી કાર્યનિર્મિતિ થઈ શકે નહિ. ઉપાદાનમાંથી અમુક પ્રકારનું રૂપ નિર્માણ કરવાથી જ કાર્યનિષ્પત્તિ થાય છે. અવ્યક્તમાંથી વ્યક્ત રૂપ કરવા માટે નિમિત્ત કારણ પણ અનિવાર્ય છે.
ન્યાયમાં ઉપાદાન કારણનું નામ સમવાયી કારણ છે. જેનાથી સમવાયી કારણને અમુક પ્રકારનું કાર્યરૂપ પ્રાપ્ત થાય છે તેને અસમવાયી કારણ કહી શકાય. તંતુઓ વસ્ત્રનું ઉપાદાન કારણ છે પરંતુ તંતુઓનું એકત્રીકરણ અમુક રીતે કર્યા પછી જ તે વસ્ત્રરૂપે દેખાય છે. આ તંતુસંયોગ અસમવાયી કારણ છે. ઍરિસ્ટોટલ જેને ઍરિસ્ટોટલ આકારિક કારણ કહે છે તે પ્રકારનું એ છે. બંને વિચારકો નિમિત્ત કારણનો ખ્યાલ આપે છે. ન્યાયમાં માત્ર પ્રયોજન કારણનો નિર્દેશ નથી. નિસર્ગમાં જે કારણની કાર્ય તરફ પ્રવૃત્તિ થાય છે તેમાં પ્રયોજન કલ્પવું એક પ્રકારનું માનવીકરણ છે. ન્યાયવૈશેષિકની જે અષ્ટની કલ્પના છે તેની કદાચ પ્રયોજન સાથે સરખામણી થઈ શકે.
ઉપાદાનમાંથી કાર્યની નિર્મિતિ કરવામાં જેની જરૂર હોય તે નિમિત્ત કારણ છે. વણકર વગર કાર્ય સંપન્ન થતું નથી. વણકરનાં ઓજારો વગેરે સહકારી કારણો છે. કાર્ય ઉત્પન્ન થયા પછી નિમિત્ત કારણો પૃથક થાય છે. સમવાયી અને અસમવાયી કારણો કાર્યમાં જ રહે છે.
સાધારણ અને અસાધારણ કારણ : આ ઉપરાંત કારણનું કોઈ વાર ‘સાધારણ’ અને ‘અસાધારણ’ – એવા બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે. દિક્, કાલ કાયમ રૂપે અસ્તિત્વ ધરાવે છે. તેમના વગર કાર્યકારણવ્યાપાર સંભવી શકે નહિ. તે સાધારણ જ હોવાથી તેમનો વિચાર વિશિષ્ટ પ્રસંગમાં કરવામાં આવતો નથી. બીજાં પણ ઘણાં સાધારણ કારણો માનવામાં આવે છે; જેવાં કે ઈશ્વર, ધર્મ, અધર્મ, અભાવ ઇત્યાદિ. વ્યવહારત: જે અસાધારણ છે તે જ કાર્યમાં સૌથી વિશેષ ઉપયોગી હોય છે.
વૈજ્ઞાનિક ર્દષ્ટિથી ઉપાદાન અને નિમિત્ત કારણ જ સૌથી અધિક મહત્વ ધરાવે છે. બાકીના વિચારો ગૌણ છે. ન્યાયમાં ‘અભાવ’નું વિશેષ મહત્વ છે. કાર્યની પરિભાષામાં અભાવકલ્પનાનો ઉપયોગ કરેલો છે. ન્યાયમતે ક્રિયા થાય તે પહેલાં કાર્યનો અભાવ હોય છે. તેથી કાર્ય એ ‘પ્રાગ્-અભાવ-પ્રતિયોગી’ છે, અર્થાત્, કોઈ પણ કાર્ય નિત્ય નથી. તેને આદિ છે અને અન્ત પણ છે, કારણ કે કાર્યનો વિનાશ એ જ એનો પ્રધ્વંસાભાવ છે. કાર્યની આ પરિભાષા ન્યાયના અસતકાર્યવાદની ર્દષ્ટિથી કરેલી છે. જે પહેલાં ઘટરૂપે અસત્ છે તે જ પછી ઘટરૂપે નવેસરથી ઉત્પન્ન થાય છે. ઘટના પ્રાગ્ભાવનો પ્રતિયોગી ભાવરૂપ નવો ઘટ છે. તે જ કાર્ય છે.
અદ્વૈતનો અજાતવાદ : વેદાન્તમાં સતનો ક્યારેય પણ અભાવ હોતો નથી અને અસત્ ક્યારેય પણ ભાવરૂપે સત્ થાય નહિ. આ વિચાર પ્રગલ્ભ છે, સૈદ્ધાન્તિક છે. જે ઉત્પન્ન થયું, જે નષ્ટ થયું એમ દેખાય છે તેનું સાચું અસ્તિત્વ હોઈ શકે નહિ, કાર્ય માત્ર માયિક છે. જો ખરેખર કશું જ ઉત્પન્ન થતું નથી તો તે કાર્યના અભાવમાં અંતિમત: જેને કારણ કહેવાય છે તેનું અસ્તિત્વ તો છે જ, પણ એને ‘કારણ’ એ સંજ્ઞા પણ આપી ન શકાય. કારણ અને કાર્ય બન્ને વ્યાવહારિક છે. પરમાર્થત: બ્રહ્મની જ સત્તા છે, જે કારણ નથી પરંતુ કાર્યની અપેક્ષાએ તેના ઉપર કારણત્વનો આરોપ કરવામાં આવે છે. કાર્ય અધ્યસ્ત છે અને તે પણ કારણત્વનો અધ્યારોપ બ્રહ્મ ઉપર કરીને જ શક્ય બને છે. ‘अनुत्पन्नं जगत्’ અથવા ‘અજાતવાદ’નો આ શુદ્ધ પારમાર્થિક સિદ્ધાન્ત છે.
અજાતવાદ : શંકર પૂર્વેના અદ્વૈત વેદાંતમાં ગૌડપાદે આકાશ – ઘટાકાશના નિદર્શનથી જીવોની કે સૃષ્ટિની અજાતિને સમજાવી છે. એક જ આકાશ ઘટાકાશ કે મઠાકાશ તરીકે ભાસે છે પણ ઘટાકાશની ઉત્પત્તિ કે તેનો નાશ વસ્તુત: મિથ્યા છે તેમજ આત્માની વાસ્તવિક અજાતિ અને જીવની કલ્પિત ઉત્પત્તિ ગૌડપાદ મુજબ સમજવાની રહે છે. ગૌડપાદે જીવાત્માની કે પદાર્થની કોઈની ઉત્પત્તિ માની જ નથી. કેવળ પરમ તત્વની જ સત્તા સ્વીકારી હોવાથી કાર્યકારણસિદ્ધાંત જ ઉત્પત્તિના અર્થમાં પ્રવર્તી શકે નહિ તેવું અજાતવાદ કે અજાતિવાદમાં અભિપ્રેત છે. ગૌડપાદ મુજબ અસત્ પદાર્થ અસત્ કારણવાળો નથી હોતો અને સત્ પદાર્થ અસત્ કારણવાળો નથી હોતો. તે જ પ્રમાણે સત્ વસ્તુ પણ સત્ કારણવાળી નથી. એટલે પછી અસત્ વસ્તુ સત્ કારણવાળી હોઈ શકે જ નહિ. ગૌડપાદ મુજબ ઉત્પત્તિ જાતિ છે જ નહિ. વસ્તુની સ્વત: કે પરત: ઉત્પત્તિ જ હોઈ શકે નહિ. સત્, અસત્ કે સદસત્ એવા કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ ગૌડપાદ પ્રમાણે ઘટાવી શકાય નહિ. પારમાર્થિક ર્દષ્ટિએ કાર્યકારણભાવ શક્ય નથી.
કાર્યકારણ વિશે આધુનિક ચિંતન – અનુભવવાદ : તાત્વિક સંદર્ભમાં આધુનિક જ્ઞાનમીમાંસા ઇંદ્રિયપ્રત્યક્ષ અનુભવવાદને મહત્વ આપે છે. કાર્યકારણસિદ્ધાંતનાં બે પાસાં છે : એક, દરેક પરિવર્તન માટે કારણ હોય જ છે અને તે જ કારણથી તે જ કાર્ય ઉત્પન્ન થાય છે. પહેલાને કારણસિદ્ધાન્ત અને બીજાને સૃષ્ટિની એકરૂપતાનો સિદ્ધાન્ત કે નિયમ કહેવામાં આવે છે. આ સ્વીકાર્યા પછી જ ભવિષ્યકથન કરી શકાય. વિજ્ઞાન અને સામાન્ય લૌકિક વ્યવહાર માટે ભવિષ્ય વિશે પૂર્વજ્ઞાન હોવું અગત્યનું છે, પરંતુ કેવળ પૂર્વ અનુભવ પર નિર્ભર રહીને ભવિષ્યમાં આમ જ થશે એ કહેવા માટે અનુભવાતીત જ્ઞાનનો સ્વીકાર કરવો પડે છે. આ પ્રાગનુભવિક (apriori) જ્ઞાન કહે છે. તે સિદ્ધ કરી શકાય નહિ તેથી અનુભવવાદ તેને સ્વીકારતો નથી. તેથી બધું જ્ઞાન (જેમાં કાર્યકારણવિષયક જ્ઞાન પણ આવે છે) કેવળ સંભાવ્ય જ રહે છે. તેમાં નિરપેક્ષ નિશ્ચિતતા આવતી નથી. અનિશ્ચિત જ્ઞાન જ્ઞાનસંજ્ઞાને પાત્ર નથી.
કેવળ પૂર્વ-અનુભવ પર જ અવલંબીને તો કારણ અને કાર્ય વચ્ચે એક પ્રકારની નિયમિત અનુવૃત્તિ (regularity of sequence) છે એટલું જ કહેવાય. તેમાં નિશ્ચિતતા કે અનિવાર્યતા છે એમ ન જ કહી શકાય. કારણમાં આવી કોઈ ‘શક્તિ’ હોવાનો અનુભવ થતો નથી. કાર્ય કારણને અનુસરે છે, કાર્ય કારણમાંથી ઉત્પન્ન થયેલું દેખાતું નથી. સામાન્ય અપેક્ષા એવી છે કે કારણમાં કાર્યનું નિર્માણ કરવાની શક્તિ છે, પરંતુ અનુભવવાદ પ્રમાણે આ અપેક્ષા ભૂલભરેલી છે. કારણ પછી કાર્ય અનુભવમાં આવે છે એ ખરું પરંતુ કાર્યનું સ્પષ્ટીકરણ આપવાની શક્તિ કારણમાં હોતી નથી. સ્પષ્ટીકરણ વગર સમાધાન થતું નથી. આ વાત મહત્ત્વની છે પણ તેની અવગણના અનુભવવાદમાં સ્પષ્ટ જ છે. કાર્યની નિયમિત અનુવૃત્તિ કદાચ થોડીઘણી જડ જગતમાં દેખાય છે પણ મનોવૈજ્ઞાનિક, સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રે ક્યારેય આવી નિયમિત અનુવૃત્તિ દેખાતી નથી. આ ક્ષેત્રોમાંની ઘટનાઓ ઘણી જ જટિલ હોય છે. કારણ-કાર્ય વચ્ચે સાર્વકાલિક અને સાર્વભૌમ સિદ્ધાન્ત ત્યાં લાગુ કરી શકાય નહિ અને અચૂક ભવિષ્યકથન કોઈ કરી શકે નહિ. આ ક્ષેત્રમાં દરેક કારણ વિશિષ્ટ હોય છે. તેની પુનરાવૃત્તિ થવાની શક્યતા જ હોતી નથી. તેથી ભૂતકાળ જેવો જ ભવિષ્યકાળ હશે એવું કહી શકાય નહિ. સ્થૂળ રૂપે જ ઇતિહાસની પુનરાવૃત્તિ જોવામાં આવે છે.
આ ખામીઓને લીધે બીજો એક સિદ્ધાન્ત આગળ આવે છે. આ સિદ્ધાન્ત પ્રમાણે કારણમાં કાર્ય અનુસ્યૂત હોય છે (entailment theory). કારણમાંથી કાર્ય અપરિહાર્યપણે નિષ્પન્ન થાય છે. અનુમાનમાં જે રીતે હેતુમાંથી નિષ્કર્ષ અનિવાર્યપણે નીકળે છે તે જ પ્રમાણે કાર્યકારણ વચ્ચે તાર્કિક સંબંધ છે. ડેવિડ હ્યૂમ પૂર્વે આવો તાર્કિક વિચાર તત્ત્વજ્ઞો કરતા હતા પણ તેને ડેવિડ હ્યૂમે પડકાર્યો. વ્યાપ્તિ(induction)માં જો અનુમાનને સમર્થન આપવું હોય તો વ્યાપ્તિનો આ ગૃહીત સિદ્ધાન્ત તાર્કિક રીતે સ્વીકારવો જ પડે; અન્યથા વ્યાપ્તિલક્ષી અનુમાન અને તેના પરથી કરવામાં આવે છે તે ભવિષ્યકથન શક્ય ન થાય.
નિયમિત અનુવૃત્તિ નિસર્ગમાં દેખાય છે તેનું સ્પષ્ટીકરણ કરવું હોય તો સૃષ્ટિની રચના જ આ પ્રકારની છે એવી મનમાં ધારણા કરવી પડે. આ ધારણામાં કારણ એ કેવળ એક નિયતપૂર્વવૃત્તિ-ઘટના રહેતી નથી. કારણ એ કાર્યનો હેતુ બની જાય છે. આ હેતુ કેવળ પાર્થિવ ઘટના નથી; પણ તાર્કિક અનિવાર્યતા છે. તેથી જ અનુભવવાદથી સ્પષ્ટીકરણ આપી શકાય નહિ. સ્પષ્ટીકરણ તો તાર્કિક જ હોઈ શકે. તાર્કિક અનિવાર્યતા અથવા નિશ્ચિતતા કે નિર્ધારણા આમાં મળે છે. જ્ઞાનમાં નિશ્ચિતતાનું મહત્વ છે, સંભાવ્યતાનું નહિ.
સમગ્ર સૃષ્ટિમાંની ઘટનાઓમાં અંત:સંબંધ જો હોય તો જ કારણ અને કાર્ય વચ્ચેનો સંબંધ અનિવાર્ય બની જાય. નિગમનપદ્ધતિથી સૃષ્ટિરચનામાંની પ્રત્યેક ઘટનાનું સ્પષ્ટીકરણ કરી શકાય. બે ઘટનાઓ યર્દચ્છાથી કારણ અને કાર્યરૂપે એકત્ર થાય છે. ફરી ફરીથી એકરૂપે આવો અનુભવ થાય છે તોપણ તેમની વચ્ચે અનિવાર્ય સંબંધ નથી એમ સમજવું એ જ એક મોટી ભૂલ છે. મનુષ્યમાં જેમ ઇંદ્રિયોથી અનુભવ પ્રાપ્ત થાય છે તેની અવગણના કરી શકાય નહિ, તેમ મનુષ્યમાં તર્કબુદ્ધિ છે, તેની પણ અવગણના કેમ કરાય ? મનુષ્યની બુદ્ધિ કેવળ ઇંદ્રિયપ્રત્યક્ષને જ અનુસરે એવો હઠાગ્રહ રાખવાની જરૂર નથી. જે બુદ્ધિને ગ્રાહ્ય લાગે તેને અનુસરીને ઇંદ્રિયપ્રત્યક્ષનો અર્થ કરવો. તે પદ્ધતિ જ બુદ્ધિનું મહત્ત્વ જાળવી શકે છે. ઇંદ્રિયો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે એમાં બેમત હોઈ ન શકે. જોકે તાર્કિક વિશ્લેષણાત્મક અનિવાર્યતા એ જ એકમાત્ર અનિવાર્યતાનો પ્રકાર છે એવું મંતવ્ય વધારે પડતું છે. પણ અનુભવોમાં સંશ્લેષણાત્મક અનિવાર્યતા હોઈ શકે એમ માનવું તર્કસંગત છે. વૃક્ષ ઉપરથી તૂટી પડેલું ફળ પૃથ્વી પર જ પડે છે. આને ફક્ત સંભાવ્ય પ્રત્યક્ષ સત્ય માનવા કરતાં સૃષ્ટિઘટનામાં આવું જ અનિવાર્ય રીતે હોઈ શકે એમ માનવું એ જ બૌદ્ધિક નિશ્ચિત સત્ય છે. આવી માન્યતા સિવાય વ્યાપ્તિલક્ષી અનુમાનને સમર્થન પ્રાપ્ત થાય નહિ. આ તત્ત્વ કેવળ વ્યાવહારિક ઉપયોગિતા કે ફલવાદી યુક્તિ નથી. આને યથાર્થ સત્ય અથવા તાત્વિક સિદ્ધાન્તરૂપે સ્વીકારવામાં આવે છે.
કારણને ક્રિયાશક્તિ સ્વરૂપમાં સ્વીકારવાની પણ એક ર્દષ્ટિ છે. સામાન્યત: કારણમાં કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે એમ જ મનાય છે. અનુભવવાદમાં આવી માન્યતા સ્વીકાર્ય નથી. કાર્ય કારણ પછી અનુભવાય છે. શક્તિનો અનુભવ થતો નથી એમ અનુભવવાદી માને છે. અનુસ્યૂતના સિદ્ધાન્તમાં પણ શક્તિનો વિચાર કરેલો નથી. પરંતુ બિશપ બકુલેની માન્યતા છે કે આપણે ઇચ્છા કે સંકલ્પશક્તિથી આપણા અવયવોમાં તથા બાહ્ય જગતમાં હલનચલન નિર્માણ કરી શકીએ છીએ. સંકલ્પશક્તિ એ જ કારણરૂપ શક્તિ છે. એ જ શક્તિથી કાર્યની ઉત્પત્તિ થઈ શકે. બાહ્ય જગતમાં જ્યાં પરિવર્તન થાય છે ત્યાં પણ આવી જ શક્તિ કાર્ય કરતી હોવી જોઈએ. જો માનવની સંકલ્પશક્તિથી બાહ્ય જગતમાં પરિવર્તન આવતું નથી તો તે પરિવર્તન લાવનારી ઈશ્વરીય સંકલ્પશક્તિ જ હોઈ શકે. જડ પદાર્થોમાં જે હલનચલન થાય છે તે સ્વયંભૂ હોઈ શકે નહિ. પ્રારંભિક ઈશ્વરીય સંકલ્પશક્તિથી જ અચેતન પદાર્થોમાં ચલન ઉત્પન્ન થઈ શકે. ઈશ્વરના અસ્તિત્વ માટે ઍરિસ્ટોટલ સહિત અનેક તત્વજ્ઞોએ આ જ દલીલ આપી છે. આને લીધે ઈશ્વરને તેઓ સર્વશક્તિમાન કહે છે.
આ વિચાર આપણને કાર્યકારણના સ્વરૂપ વિશે જુદાં જુદાં મંતવ્યો તરફ લઈ જાય છે. ન્યૂટનના વખતમાં જે પદાર્થવિજ્ઞાન વિકસ્યું તે પ્રમાણે કાર્યકારણનિયમથી થતું પરિવર્તન યાંત્રિક સ્વરૂપનું હોય છે. જો આપણે ઘટક કારણો વિશે સમગ્ર જ્ઞાન મેળવી શકીએ તો તેમાંથી કયા પ્રકારનું કાર્ય ઉત્પન્ન થાય તે ઉત્પત્તિ પૂર્વે પણ જાણી શકીએ. યાંત્રિકતા એક આદર્શરૂપે બધા વૈજ્ઞાનિકોએ સ્વીકારીને તેમનાં વિશિષ્ટ વિજ્ઞાનોમાં તે વિચારપદ્ધતિ ઉપયોગમાં લીધી છે. રસાયણ કે જીવવિજ્ઞાનમાં પણ યાંત્રિકતાની પદ્ધતિ સ્પષ્ટીકરણ આપવા માટે સ્વીકારી છે, પરંતુ આ પદ્ધતિ પદાર્થવિજ્ઞાન સિવાયનાં અન્ય વિજ્ઞાનોમાં નિરાકરણ લાવી શકતી નથી.
ડ્રીશ નામના જીવવૈજ્ઞાનિકે એક પ્રકારની અર્ધચેતનાત્મક શક્તિનો વાસ પ્રાણીઓમાં રહે છે અને તેની પ્રેરણાથી પ્રાણીઓના હલનચલનના પ્રયોજનાત્મક વ્યાપાર ચાલે છે એમ સ્પષ્ટીકરણ આપ્યું છે; પરંતુ એ. સી. યુંગ કહે છે કે પ્રાણીઓમાંના દરેક સેલ અથવા કોષ માનવનિર્મિત જટિલ યંત્રો કરતાં પણ જટિલ હોય છે. આવી કોષોની સંખ્યા અગણિત હોય છે. તેમનો પ્રયોજનાત્મક વ્યાપાર માનવ કરતાં શ્રેષ્ઠ એવા ચૈતન્ય દ્વારા જ થઈ શકે. આ ચૈતન્યનો વિચાર કર્યા વગર કાર્યકારણવ્યવસ્થાનો ઉકેલ આવી શકે નહિ.
સાધારણ અને અસાધારણ કારણો વચ્ચેનો ભેદ વ્યાવહારિક છે, કારણ કે સૈદ્ધાન્તિક રૂપે સાધારણ કારણો સિવાય કારણકાર્યનો વ્યાપાર સંભવી શકે નહિ. ટૂંકમાં આખું વિશ્વચૈતન્ય જ દર ક્ષણે કાર્યોત્પત્તિ માટે કાર્યરત હોય છે. સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા સિવાય કાર્યકારણવ્યાપાર સંભવે નહિ.
સંપાદકીય નોંધ:
૧. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘તર્કશાસ્ત્ર’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૨. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
-
એસ ધમ્મો સનંતનો – જૈન પરંપરા
પ્રવાસી યુ. ધોળકિયા
સનાતન ધર્મની વૈદિક પરંપરા જેટલી જ પ્રાચીન શ્રમણ પરંપરા છે. આજથી લગભગ ૩,૮૦૦ વર્ષ પહેલાં આ પરંપરા તેના મહાન અંતિમ તબક્કામાં પહોંચી. તે સમયે તેની ત્રણ મહાન પ્રતિભાઓ – આજિવક, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધનું પ્રાગટ્ય થયું. દુર્ભાગ્યે આપણી શાળા-મહાશાળાઓમાં આ મહાનાયકોને આજથી ૨,૫૦૦ થી ૨,૬૦૦ વર્ષ પહેલાં જન્મ લેતા દર્શાવાયા છે. આ કાળગણત્રી ખોટી છે.
આજિવકે સ્થાપેલો સંપ્રદાય આગળ ન ચાલ્યો કેમ કે તેમાં અતિશય દેહદમન અને આકરાં તપ પર અતિશય ભાર મૂકવામાં આવો હતો. તેથી આપણે આજના લેખમાં જૈન ધર્મ અને તે પછીના લેખમાં બૌદ્ધ ધર્મ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.
જૈન પરંપરા
જૈન પરંપરાના ૨૪ તીર્થંકરોના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં થયો હતો. રાજવી હોવા છતાં તેઓએ ગૃહત્યાગ કર્યો, કઠોર તપસ્યા કરી અને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી. પછી માનવજાતનાં કલ્યાણ અર્થે પોતાના ઉપદેશ અભિયાનમાં જોડાઈ ગયા. પ્રારંભમાં ૧૨ ગણધરો તેમના શિષ્ય થયા.
આપણી પરંપરા મહાવીર સ્વામીને આયુષ્યમાં બુદ્ધ કરતાં મોટા માને છે. તેઓએ પોતાનો ઉપદેશ લોકોની બોલચાલની અર્ધમાગધી ભાષામાં અને ભગવાન બુદ્ધે પાલી ભાષામાં આપવાનું શરૂ કર્યું. પરિણામે સંસ્કૃત ભાષામાં બોલાતી, યજ્ઞ પ્રથા કેન્દ્રિત, વૈદિક પરંપરાનો અન્ત થયો.
જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતને ત્રિરત્ન કહેવામાં આવે છે. જેમાં સમ્યક જ્ઞાન, સમ્યક વિશ્વાસ અને સમ્યક આહારનો સમાવેશ થાય છે. અહીં સમ્યકનો અર્થ પૂર્ણરૂપી શુદ્ધ એવો થાય છે. આ રીતે મહાવીરે શુદ્ધ આચરણ અને જ્ઞાનનો સંદેશ આપીને પોતાના અનુયાયીઓને સન્માર્ગે દોર્યા. તેઓના પ્રથમ મહાન શિષ્યોમાં ભદ્રબાહુ અને સ્થુલીભદ્ર મુખ્ય ગણાય છે. મહાવીરની હયાતી દરમ્યાન ઉત્તર ભારતમાં ભિષણ દુકાળ પડ્યો. તેથી કેટલાક અનુયાયીઓ દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા. અહીં તેઓએ જૈન ધર્મના નિયમોનું ચુસ્ત પાલન કર્યું. તેઓ મહાવીરની નગ્નતાનો સાંકેતિક અર્થ સમજી ન શક્યા અને પોતે નગ્ન અવસ્થામાં રહેવા લાગ્યા. તેથી તેઓ દિગંબરપંથી કહેવાયા.
જૈન ધર્મના જે અનુયાયીઓ દુકાળ હોવા છતાં ઉત્તર ભારતમાં રહ્યા અને વ્યવહારૂ દૃષ્ટિ અપનાવીને શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં તેઓ શ્વેતાંબરપંથી કહેવાયા. જૈન ધર્મના પાલનમાં પણ તેઓ લચીલાપણું દાખવ્યું. પરિણામે, આજે જૈન ધર્મમાં શ્વેતાંબરવાસીઓ બહુમતીમાં છે. તેમના આચાર્યો અને સંત મહાત્માઓની સંખ્યા પણ ઘણી વધારે છે. તેની સરખામણીમાં દિગંબર આચાર્યો અને અને અનુયાયીઓની સંખ્યા ઘણી ઓછી છે. દિગંબર અને શ્વેતાંબર એમ જૈન ધર્મના આજે બે મુખ્ય પંથો છે. શ્વેતાંબર પંથ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી એમ ત્રણ ફાંટાઓમાં વહેંચાયેલો છે.
જૈન ધર્મના સિદ્ધાંતોને સમજવા અને પાલન કરવા બહુ કઠણ હોવાને કારણે તેના અનુયાયીઓની જનસંખ્યા ભારત અને વિશ્વના અન્ય દેશો મળીને ૫૦ લાખ કરતાં ઓછી છે.
જૈન ધર્મના સિદ્ધાંતો:
૧) અહિંસામાં પરમ વિશ્વાસ
૨) જાતિ પ્રથામાં ન માનવું
૩) આત્માનો સ્વીકાર. તેને પદાર્થ તરીકે, એટલે કે ઉદગલ રૂપ હોવાનું, માનવું.
૪) આત્મા વ્યક્તિના પુનર્જન્મનું કારણ. આત્માને શ્રમ, ગરમી કે ઠંડી ન લાગે તેથી તે નિત્ય દિગંબર છે.
૫) કોઈ પણ પ્રકારનાં કર્મકાડ કે શ્રાદ્ધક્રિયામાં ન માનવું.
૬) અહિંસાનો આગ્રહ હોવાથી આ ધર્મમાં કૃષિનું કોઈ મહત્ત્વ નથી, પણ તેઓ વેપાર ઉદ્યોગમાં માને છે.
૭) તેઓમાં ઈશ્વર કે ભગવાન જેવા કોઈ પુજ્યો નથી. તેથી તેઓ મૂર્તિપુજામાં નથી માનતા. જોકે, ૨૪ તીર્થંકરોમાં તેમની અનન્ય શ્રદ્ધા હોવાને કારણે તેમની પ્રથામાં આ તીથંકરોની મૂર્તિને સ્થાન મળ્યું છે.
અહિંસા પાલન, સત્ય વચન, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય પાલન અને અપરિગ્રહ તેમનાં પાંચ મહાવ્રતો છે. જોકે બ્રહ્મચર્યપાલન સામાન્ય રીતે શ્રાવકો કરતાં આચાર્યો અને સંતોને બંધનકર્તા છે.
૮) સૃષ્ટિ અનંત અને અનાદિ છે. કોઈ ઈશ્વર આ સૃષ્ટિનો કર્તા નથી.
૯) અરિહંતો, સિદ્ધો, અને ઉપાધ્યાયો (ગુરુઓ)માં જૈનોને ખુબ શ્રધ્ધા છે.
૧૦) મહાવીર સ્વામીનું ધ્યાન શુક્લ અથવા તો શ્વેતધ્યાન કહેવાય છે. તેમાં ઉગ્ર તપ અને અપવાસ સાથે ધ્યાનક્રિયા કરવામાં આવે છે.
૧૧) જૈન ધર્મ કર્મવાદના સિદ્ધાંતમાં માને છે. માનવ જીવનનાં સુખદુઃખ કર્મના સિદ્ધાંત પર આધારિત છે. જીવાત્મા પોતે શુદ્ધ છે, પણ સંસારમાં રહેવાને કારણે તે કર્મોથી બાધિત બને છે.
૧૨) જૈન ધર્મએ વિશ્વને સ્યાદવાદ અને અનેકાંતવાદના અદ્વિતિય સિદ્ધાંતો – આદર્શો આપ્યા છે. આ સિદ્ધાંતોનો અર્થ એ થાય છે કે એક જ પદાર્થ કે વિચારમાં નિત્યતા અને અનિત્યતા, સાદ્શ્યતા અને વિરૂધ્ધતા, અભિલાષા અને અનઅભિલાષા હોઈ શકે છે. આ સત્યનો સ્વીકાર કરીએ તો અન્ય વિરોધી વિચારધારાનો સ્વીકાર પણ શક્ય બને છે અને પરિણામે વિશ્વમાં શાંતિ શક્ય બની શકે છે.
૧૩) માનવમાત્રમાં કષાયો, એટલે કે અવગુણો, હોય છે. તેના ચાર પ્રકારોમાં ક્રોધ, માન, માયા તથા લોભ મુખ્ય છે. આ ચાર અવગુણો પર દરેક જૈને સંયમ કેળવવાનો હોય છે.
૧૪) સન્યાસ – સંથારોઃ કેટલાયે મહાસાધુશ્રીઓ અને મહાસતીજીશ્રીઓએ આકરાં તપ અને અન્નજળનો ત્યાગ કરી, દેહનો અંત આણીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે.
જૈન ગ્રંથો
જૈન ગ્રંથોને આગમો કહેવામાં આવે છે. તેમાં મહાવીર સ્વામીના જીવનના પ્રસંગો, તેમના સિદ્ધાંતો અને ઉપદેશો તેમ જ જૈન ધર્મના આચાર્યો અને મુનીઓએ કાઈ રીતે જીવન જીવવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. સાધ્વીઓને પણ જૈન ધર્મમાં ખાસ સ્થાન મળ્યું છે. એટલે જૈન મુનીઓને લાગુ પડતા સિદ્ધાંતો સાધ્વીઓને પણ લાગુ પડે છે.
દિગંબર સંપ્રદાયનાં આગમો
દિગંબર પંથીઓનાં મુળ ૨૫ આગમો હતાં, પણ કાળક્રમે તે લુપ્ત થયાં. તેથી દિગંબર સંપ્રદાય મુળ આગમો પરથી રચાયેલા ગ્રંથોને સ્વીકારે છે. ષટ્ખંડાગમ અને કષાય પ્રવૃત એમ બે તેના મુખ્ય ખંડૉ છે. તે ઉપરાંત ધર્મક્થા, ચરણ અનુયોગ, ગણિત અનુયોગ અને દ્રવ્ય અનુયોગ એ ચાર અનુયોગ છે. ચરણ અનુયોગમાં આચરણ અંગે અને ગણિત અનુયોગમાં બ્રહ્માંડ સંબંધી ચર્ચા છે.
શ્વેતાંબર સંપ્રદાયના આગમો
શ્વેતાંબર સંપ્રદાયના ત્રણેય પંથો ૩૨ આગમોમાં માને છે.
૧) અનુયોગ ઉપાંગ, જેમાં આગમોની વ્યાખ્યા કરવામાં આવી છે
૨) છેદ સૂત્રો, જેમાં નૈન ભિક્ષુઓ અને ભિક્ષુણીઑ માટે આચાર – આહાર વિહારના આદેશો આપવામાં આવ્યા છે.
૩) મૂળ સૂત્ર, જેમાં ઉપરોકત વર્ગ જ્યારે ભિક્ષુ વર્ગમાં દાખલ થાય છે ત્યારે તેમને પાળવા પડતા નિયમો આપવામાં આવ્યા છે.
૪) તૂલિકા સૂત્ર, જેમાં જૈન સિદ્ધાંતોમાં વપરાયેલા શબ્દો અને વાક્યોનાં અર્થઘટન કરવામાં આવ્યાં છે.
૫) પ્રકીર્ણ, જેમાં જૈન ધર્મના સિદ્ધાંતો પર વધારાના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે.
અત્રે જે ગ્રંથો વિશે સમજ આપવામાં આવી છે તે પૈકી કેટલાંક નામો જોઈએ
આગમો
૧) આચારંગ ૨) સ્થાનાંગ ૩) સમવાયાંગ ૪) ભગવતી ૫) ઉપાસક દશાંગ ૬) પ્રશ્ન વ્યાકરણ, અને ૭) વિપાક
ઉપાંગ
૧) ઔપ પાતિક ૨) રાજ પ્રશ્નીય ૩) જીવા જીવાભિગમ
છેદ સૂત્ર
૧) નિશીથ ૨) વ્યવહાર ૩) દશાવૃત સ્કંધ ૪) પંચકલ્પ ૫) કલ્પસૂત્ર (જેનું પારાયણ પર્યુષણ પર્વ સમયે કરવામાં આવે છે)
મુળ સૂત્ર
૧) આવશ્યક ૨) ઉત્તરાધ્યાયાન
તૂલિકા
૧) નાન્દી ૨) અનુયોગ દ્વાર
આગમો વિશે બીજી ગણતરી એવી છે કે તેની સંખ્યા ૪૬ છે. શ્વેતાંબર પંથના અલગ અલગ પંથીઓ તેમને કઈ સંખ્યામાં પાળે છે તેનો કોઠો સાદર રજૂ છેઃ
આગમનું નામ મૂર્તિપૂજક સ્થાનકવાસી / તેરાપંથી
૧) ઉપાંગ આગમ ૧૨ ૧૨
૨) છેદ સૂત્ર ૬ ૪
૩) મુળ સૂત્ર ૪ ૩
૪) તૂલિકા ૨ ૨
૫) પ્રકીર્ણ ૧૦ —
જૈન ધર્મનાં તીર્થસ્થાનોની યાદી
૧) સમેદશિખર ૨) પાવાપુરી ૩) શત્રુંજય (પાલીતાણા) ૪( ગોમટેશ્વર ૫) આબુ, અને ૬) જુનાગઢ
જૈન પર્વ
હિંદુઓ જે રીતે દિવાળી તથા નવરાત્રી જેવાં પર્વો ઉજવે છે તેવું જ જૈનોનું પર્યુષણ પર્વ છે. ભાદરવા માસમાં આવતાં આ પર્વને શ્વેતાંબરપંથીઓ આઠ દિવસ માટે અને દિગંબરપંથીઓ દસ દિવસ માટે ઉજવે છે. આ પર્વમાં તપ, અપવાસ અને નિગ્ર્હનું ખાસ પાલન કરવામાં આવે છે. તેની પૂર્ણાહુતિ સંવત્સરીની ઉજવણી અને ક્ષમાયાચના સાથે કરવામાં થાય છે. દિગંબરપંથીઓ આ વખતે દશલક્ષણાનું પાલન કરીને પોતાની ધર્મશ્રદ્ધા વ્યક્ત કરે છે.
પ્રખ્યાત જૈન આચાર્યો – ગુરુઓ
પ્રાચીન
૧) ગૌતમ ૨) સુધર્મા ૩) જંબૂ ૪) કુંદ કુંદાચાર્ય ૫) ઉમા ૬) સમન્તભદ્ર ૭) પુજ્યપાદ ૮) વીરસેન ૯) નેમીરત્ન
મધ્યકાલીન
ગુજરાતના ગર્વ સમા હેમચંદ્રાચાર્યનો જન્મ ઇ. સ. ૧૦૭૮માં અને કૈવલ્યગમન ઇ. સ. ૧૧૭૨ – ૭૩માં થયું. તેમનું જન્મસ્થળ ધંધુકા હતું. તેઓની બહુશ્રુત જ્ઞાનની સમજ આપણને એ વિષય પરથી સમજાશે કે તેઓ શ્વેતાંબરપંથના મહાન જૈન આચાર્ય અને પ્રચારક હોવાની સાથે સાથે કવિ, ગણિતજ્ઞ, તત્ત્વજ્ઞાની, યોગી, ઇતિહાસકાર અને મહાન વ્યાકરણકાર પણ હતા. તેઓએ ગુજરાતી ભાષાનું નવું સ્વરૂપ બનાવ્યું. તેમની કૃતિઓમાં સિધ્ધહેમ – શબ્દાનુશાસન, યોગશાસ્ત્ર વગેરે છે.
આધુનિક કાળ
૧૯મી સદીના મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ ઇ. સ. ૧૮૬૭માં થયો હતો અને નિર્વાણ ઇ. સ. ૧૯૦૧માં થયું હતું. તેમની પ્રખ્યાત કૃતિ મોક્ષમાળામાં જૈન ધર્મના અધ્યાત્મના બધા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજી પર શ્રીમદ્ રાજચંદ્રના ઉપદેશોની ઊંડી અસર વર્તાય છે.
અર્વાચીન સમયમાં અન્ય એક સંત બુદ્ધિસાગરજી થયા. તેઓએ ૧૦૦ ઉપરાંત જૈન ગ્રંથોની રચના કરી છે અને ૨,૦૦૦થી વધારે કાવ્યો લખ્યાં છે. તેમણે ઇ. સ. ૧૯૧૭માં મહુડી તીર્થ સ્થાપી ત્યાં પદ્મપ્રભુ અને ઘંટાકર્ણ રક્ષક દેવની સ્થાપના કરી.
આધુનિક સંતોની યાદીમાં અંતિમ નામ પૂજ્ય દાદાભગવાનનું આવે છે. તેઓશ્રીએ આપ્તવાણી નામના ગ્રંથોમાં ફક્ત જૈન સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ધાર્મિક અને પવિત્ર જીવન કઈ રીતે જીવવું તેની બહુ સરસ વ્યાખ્યા આપી છે.
દિગંબરપંથના કરૂણાસાગરજીએ મધ્ય પ્રદેશમાં જન્મ લઈને દિગંબરપંથના સિદ્ધાંતોને તેમના કડવે પ્રવચન સંગ્રહમાં સમજાવ્યા છે. તેઓનું જીવન ઇ. સ. ૧૯૩૭થી ઇ. સ. ૨૦૧૬માં પૂર્ણ થયું. પરંતુ આ દરમ્યાન તેમણે ફેલાવેલી ધાર્મિક, સામાજિક અને રાજકીય વિચારધારા આપણા માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે.
અતિ કઠિન જૈન ધર્મને આજના સંદર્ભમાં સમજવો હોય તો ઓશો રજનીશનાં પ્રવચનોને આધારે રચાયેલા બે ગ્રંથો – મહાવીર વાણી અને મહાવીર મેરી દૃષ્ટિમેં – વાંચવા જોઈએ. તેઓએ આ પ્રવચનોમાં જૈન ધર્મનાં કેટલાંક રહસ્યોને અદ્વિતિય રીતે પ્રગટ કર્યાં છે. અત્રે જૈન ધર્મમાં વપરાતા પારિભાષિક શબ્દોને તેઓશ્રીએ નીચે પ્રમાણે સમજાવ્યા છે. –
૧) અનશન અને ઉપવાસ – આ બન્ને શબ્દોને સમજાવતાં તેઓ કહે છેચે કે અનશનમાં જે ચેતના છે તે માનવ શરીરની બહાર રહે છે, જ્યારે ઉપવાસમાં આ ચેતનાને આંતરમન તરફ લઈ જવાની હોય છે.
૨) પ્રતિક્ર્મણ અને સામયિક – પ્રતિક્ર્મણમાં આત્મદર્શન એ રીતે કરવાનું હોય છે કે પોતાની પ્રવ્રુતોને કેન્દ્રિત કરીને આંતરમન તરફ લી જવાની હોય છે. સામયિકમાં અંદર આવેલી ચેતનાને આત્મા સાથે જોડવાની છે.
૩) જડ અને ચેતન પદાર્થમાં આપણને હંમેશા ફરક જણાય છે. પરંતુ મહાવીર સ્વામીએ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી કે આવો કોઈ ભેદ તેમના આભામંડળમાં જરા પણ રહ્યો નહીં.
૪) જૈન માર્ગ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે. મહાવી સ્વામીને મોક્ષની પ્રાપ્તિ તો પૂર્વ જન્મમાં જ થઈ ગઈ હતી. પરંતુ, માનવ કલ્યાણ અર્થે તેઓએ બાર વર્ષ ઉગ્ર તપ કર્યું, શુક્લ ધ્યાન ધર્યું અને કૈવલ્ય પામી મોક્ષમાર્ગ સમજાવ્યો. પરિણામે, તેમની આત્મજ્યોતિ આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે સમગ્ર જગતનાં કણ કણમાં વ્યાપ્ત છે. આપણે પણ જો તેમણે પ્રબોધેલા માર્ગનું અનુસરણ કરીએ તો મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ છીએ.
આ લેખનો ઉપસંહાર વિશ્વના દરેક વ્યક્તિના કલ્યાણ અર્થે નવકાર મંત્રનું પઠન કરીને કરીએ –
નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં
નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં
એસો પંચ નમુક્કારો, સવ્વપાવ પ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલંઅર્થાત
જેમણે બધા જ અંતઃ શત્રુઓ, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષનો નાશ કરી નાખ્યો છે એવા અરિહંતોને, જેમણે આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કર્યો છે એવા સિદ્ધોને, જેણે મોક્ષ માર્ગ ખુલ્લો કર્યો છે એવા આચાર્ય ભગવંતોને, મોક્ષમાર્ગના આત્મજ્ઞાની ઉપાધ્યાય ભાગવંતોને, જગતમાં આત્મદશા સાધનાર એવાં સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. ઉપર દર્શાવ્યા પ્રમાણે જે પાંચ નમસ્કાર કર્યા, તેને બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય. બધા મંગલોમાં, સર્વ પ્રથમ મંગલ છે.
ભુલચુક માટે લેખક ક્ષમાપાર્થી છે.
मिच्छामी दुक्कड़म
હવે પછીના મણકામાં આપણે બૌદ્ધ ધર્મ વિષે ચર્ચા કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ઘરની સફાઈ
નલિની નાવરેકર
ઘરમાં આપણે સહુ રહીએ છીએ. પછી તે સાધુસંત હોય કે સામાન્ય માણસ, દરેકને માથા ઉપર છત તો જરૂરી જ હોય છે. મહારાષ્ટ્રના એક સંત, તે રામદાસ સ્વામી ! ફરતા રહેતા. મહારાષ્ટ્રમાં અને દેશભરમાં. તેઓ જ્યાં પણ રહેતા, સવારે ઊઠીને પહેલાં પોતાના નિવાસની સફાઈ કરતા હતા.
શ્રી દાંડેકર લિખિત તેમના જીવનની આ કેટલીક પંક્તિઓ જુઓ:
શરયુ નદીના તટે સ્વામીએ એક ઝૂંપડી બનાવી. સામે નાનકડું આંગણું હતું. રોજ ઝાડુ મારીને તે બધું સાફ-સુથરું રાખતા. અઠવાડિયામાં એક વાર લીંપણ પણ થતું.
પડોશી કહેતા, “જ્યારે સંસાર છાડીને આવ્યા છો, તો આટલું લીંપણ-ગુંથણ શા માટે કરો છો ?”
“આપણું શરીર ભગવાનનું મંદિર છે. તેઓ પોતે ત્યાં બિરાજમાન છે. અને તે જ્યાં રહે છે તે કુટિર તો દર્શનીય હોવી જોઈએ” – સ્વામીજીનો જવાબ આવો હતો.
પડોશી તાપસ કહેતા, “અમને તમારું તત્ત્વજ્ઞાન સમજાતું નથી પરંતુ તમારા આંગણામાં બેસીને જપજાપ કરવાનું મન જરૂર થાય છે !”
આ છે સફાઈનો મહિમા. જ્યાં સફાઈ હોય છે, ત્યાં જપજાપ, ધ્યાન, પ્રાર્થના, અધ્યયન, અને અન્ય પોતાનું જે પણ કામ હોય છે તે કામ કરવામાં મન લાગે છે. કારણ કે આવા વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે. મન પણ સાફ હોય છે. મનમાં શાંતિ રહે છે.
ગરીબોનાં ઘર તેમજ સાધુ-સંન્યાસીની કુટી અન્ય ઘરોની સરખામણીમાં વધુ સાફ હોય છે. તેનું મુખ્ય કારણ છે અસંગ્રહ. ‘અભંગવ્રત’માં વિનોબાજીએ માર્મિક રીતે કહ્યું છે, ‘वस्तुंचा संग्रह कड़ी अडगळ’ (વસ્તુઓનો સંગ્રહ અડચણ-અસુવિધાનું નિર્માણ કરે છે). જ્યાં સંગ્રહ ઓછો ત્યાં સફાઈ રાખવી સહેલી હોય છે. આપણો અનુભવ છે કે જ્યાં વિચારપૂર્વક ઓછામાં ઓછો સંગ્રહ હોય છે ત્યાં એક જુદા જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. આપણું ઘર જુદી જુદી ઘણી બધી વસ્તુઓથી ભરેલું હોય છે. ત્યાં સ્વચ્છતા હોવા છતાં એટલી શાંતિનો અનુભવ નથી થતો.
જીવનની જરૂરિયાતોને માટે કેટલીક વસ્તુઓનો સંગ્રહ તો થવાનો જ છે. કોઈનો વધુ તો કોઈનો ઓછો. સેવા તેમજ સુવિધા માટે સકારણ સંગ્રહ કરવો એ યોગ્ય છે. પરંતુ સેવા અને સુવિધા ‘ને નામે’ સંગ્રહ વધારતા જવો એ યોગ્ય નથી.
વિનોબાજી સફાઈને ધ્યાનયોગ કહેતા હતા. સ્વચ્છતા એટલે ‘મૂળસ્વરૂપ’ પ્રગટ કરવું તે છે. કોઈ વસ્તુ પર, સ્થાન પર ચઢેલું અસ્વચ્છતાનું થર દૂર કરીએ છીએ ત્યારે એ વસ્તુનું, સ્થાનનું મૂળસ્વરૂપ પ્રગટ થાય છે.
રસોડું
ઘરના જુદા જુદા વિભાગ હોય છે. જેમાંનું એક મુખ્ય છે રસોડું તેમજ ભોજનનો વિભાગ. રસોડું રોજ સાફ કરવું જરૂરી છે – ત્યાં કચરા પોતું કરવું તેમજ પાણી અને ખોરાક ઢાંકીને રાખવો જોઈએ – આ બધું આપણે જાણીએ છીએ. પરંતુ ક્યારેક ક્યારેક આ બાબતો આપણે ભૂલી પણ જઈએ છીએ. રસોડાની સફાઈ માટેના કેટલાક નાના પરંતુ મહત્ત્વના નિયમો આપણે જોઈશું.
- પીરસતી વખતે જ્યારે ઢાંકણું નીચે મૂકીએ છીએ ત્યારે તેને ઊંધું મૂકીએ.
- અનાજ, ખાવાની વસ્તુઓને કદી પણ ઓળંગવું ન જોઈએ. આપણા પગ સાથે ચોંટેલા સૂક્ષ્મકણો ખાવાની વસ્તુઓમાં પડી શકે છે. અનાજને આપણે પૂર્ણબ્રહ્મ માનીએ છીએ, તો તેને માટે પૂજ્યભાવ રાખીએ.
- જમવાના વાસણની જગ્યા પર કોગળો ન કરીએ. ત્યાં હાથ-પગ પણ ન ધોઈએ. બાથરૂમ તથા બેસીનમાં જમવાના વાસણ માંજવા જોઈએ નહીં.
- એકબીજાનું એંઠું ન ખાઈએ. આપણા પ્રાચીન ગ્રંથોમાં લખેલી આવી વાતોની આપણે મશ્કરી કરીએ છીએ. પરંતુ એ વાત આપણને શીખવવા માટે નવી નવી માંદગીઓએ આવવું પડે છે.
બેઠક ઘર
આ ઓરડા (ડ્રોઈંગ રૂમ)ને વધુમાં વધુ સાફ રાખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. પરંતુ કબાટોમાં, ગાદીની નીચે, ખૂણા-ખાંચરામાં, પલંગની નીચે અસ્વચ્છતા રહી જાય છે, ત્યાં ધ્યાન આપવું જરૂરી છે.
કબાટ, ખાટલા જેવી વસ્તુઓ દીવાલને અડેલીને ન રાખવી જોઈએ તેમજ જમીનથી થોડી ઊંચી રાખવી જોઈએ જેથી સફાઈ કરવામાં સરળતા રહે.
બાથરૂમ તેમજ શૌચાલય
બાથરૂમ તેમજ પાયખાનાની સફાઈ રોજ થવી જોઈએ. વાપર્યા પછી જો આ બંને કે એક પણ ગંદું થયું હોય તો તેને તરત સાફ કરીએ. ઘરનો દરેક સભ્ય જો આમ કરશે તો પછી તેની ખાસ સફાઈ કરવાની જરૂર રહેશે જ નહીં.
નાહતી વખતે પોતાનાં કપડાં ધોઈ નાંખવાને ગાંધીજી નાહવાનો જ ભાગ ગણતા હતા. અને તેઓ હંમેશ તેમ કરતા પણ હતા. તેઓ કહેતા, પાયખાનું એવું હોવું જોઈએ કે ત્યાં બેસીને પોથી વાંચવામાં પણ ખચકાટ ન થાય. આમ કરીને તેઓ આપણને એ કહેવા માંગતા હતા કે ‘પાયખાનું કેટલું સાફ હોવું જોઈએ.’ એમના કહેવાનો ભાવાર્થ ‘પાયખાનામાં પોથી વાંચવાનો’ કદાપિ ન હતો.
પાયખાના તેમજ બાથરૂમ સાફ કરવા માટે આજકાલ જે કેમિકલ વાપરવામાં આવે છે તે હાનિકારક હોય છે. સાથે સાથે પાયખાનાના મળ-મૂત્ર અને બાથરૂમનું ગંદું પાણી નદીઓમાં જઈને તેને ગંદી અને પ્રદૂષિત કરે છે તે પણ ખૂબ જ જોખમકારક છે. પાયખાનાની કેટલીક વૈકલ્પિક ડીઝાઈનો ઉપલબ્ધ છે જેને કારણે નદીઓનાં પાણી પ્રદૂષિત થતાં નથી અને તેમાંથી સોનખાદ મળે છે. શું આપણી ભૂમાતા માટે આપણે આટલું પણ ન કરી શકીએ કે આપણે સોનખાદ બનાવીને તેના ઋણમાંથી મુક્ત થઈએ ? અને નદીઓને પણ સુરક્ષિત રાખીએ ?
પ્લાસ્ટિકનો પ્રશ્ર્ન
પ્લાસ્ટિક આજે વિશ્ર્વવ્યાપી તેમજ વિકરાળ પ્રશ્ર્ન બની ગયો છે. તેનું નિરાકરણ હવે આપણા હાથ બહારની વસ્તુ બની રહી છે. પરંતુ આપણે એટલું તો વિચારી શકીએ કે શું આપણે કારણે આ સમસ્યા વધી તો નથી રહીને ? બજારમાંથી કેરીબૅગ નહીં લાવવી જોઈએ – બસ એટલી મર્યાદિત વાત આપણે જાણીએ છીએ. તેનું પણ પાલન કરીએ જ છીએ એવું નથી. આના સિવાય આપણા ઘરમાં પ્લાસ્ટિકની કેટલી બધી વસ્તુઓ હોય છે જેનો સહજતાથી વિકલ્પ ઉપલબ્ધ છે. જેમ કે ડોલ, મગ, ટબ, ઝાડુ, ટોપલીઓ, ખુરશી, ડબ્બા, બાટલીઓ, રમકડાં વગેરે. આવી બધી વસ્તુઓ વાપરીને આપણે પ્લાસ્ટિકનો કચરો વધારતા રહીએ છીએ. સાથે સાથે આ વસ્તુઓના સંપર્કને કારણે આપણા આરોગ્ય ઉપર જોખમ વધે છે તે વળી નફામાં.
છાણની મદદ
દેશી ગાયનું છાણ આપણને ઘરની સફાઈમાં ખૂબ મદદ કરે છે. આપણું આંગણું અને ઘરની જમીન છાણથી લીંપેલી હોય તો એનો એક જુદો જ અનુભવ તમને થશે. છાણમાં સ્વચ્છતા કરવાના ગુણોની સાથે સાથે અન્ય ગુણો પણ છે. તે ઠંડીમાં ગરમી આપે છે અને ગરમીમાં ઠંડક. આપણા દેશમાં તો પરંપરાથી છાણનો ઉપયોગ ઘરોમાં થતો આવ્યો છે અને તે અંગેનો અનુભવ પણ છે અને અભ્યાસ પણ છે. રશિયા, જર્મની જેવા કેટલાક દેશોમાં આ બાબતે રીસર્ચ પણ થયું છે.
પરંતુ આજે તો બધાં ઘરો સિમેંટનાં બની રહ્યાં છે. છાણના લીંપણનું ભાગ્ય સહુને નથી મળતું. કેટલાક લોકોએ આ અંગે કેટલાક પ્રયોગો કર્યા છે. ઘરની જમીન પર સિમેંટનું થોડું ખરબચડું પ્લાસ્ટર કરીને તેના ઉપર લીંપણ કરે છે. તો કોઈએ વળી માટીની જમીનને ઠોકીને તૈયાર કરી અને તેના ઉપર થોડું સિમેંટ નાખીને ટીપ્યું. ત્યારબાદ તેના ઉપર છાણથી લીંપણ કર્યું.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
દરેક વસ્તુની જગ્યા નક્કી હોય અને દરેક વસ્તુને તેની જગ્યાએ મૂકવામાં આવે. કેટલાંક ઘરોમાં અઠવાડિયામાં એક વાર બધા મળીને આખા ઘરની સફાઈ કરે છે. તેમનું ઘર હંમેશાં સાફ-સુથરું રહે છે. આ અનુકરણીય બાબત છે. ઘણા વળી ઘરના જુદાજુદા ભાગની સફાઈ વારાફરતી કરે છે. આ પણ સારી બાબત છે. સફાઈ સામૂહિક કામ છે. તેથી ઘરના સહુ સભ્યોએ તેમાં ભાગ લેવો જોઈએ. બાળકોને પણ ટેવ પાડવી જોઈએ. નહીં તો એક વ્યક્તિ પર તેનો ભાર આવી જાય છે.
વૃદ્ધ અને બીમાર વ્યક્તિનો ઓરડો સાફ કરવો એ પણ મોટી સેવા છે. કોઈ કારણસર, વધુ વ્યસ્ત હોવાને કારણે જે લોકો ઘરની સફાઈ નથી રાખી શકતા, તેમને મદદની જરૂર હોય છે. તે કરવી જોઈએ.
આપણું આખુંયે ઘર જ્યારે ખરેખર સાફ હોય અને સાથે સાથે ઘરમાં સ્નેહ, મેળ-મિલાપનું વાતાવરણ હોય તે ઘરમાં પ્રસન્નતાનો અનુભવ થશે.
ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ અંગે એકાગ્રતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. તેને માટે શું કરવું જોઈએ, ક્યાં બેસવું, કેવી રીતે બેસવું એ બધું કહ્યું છે. એક શ્લોક છે :
शुचौ देशे प्रतिष्ठाव्य स्थिरमानसनमात्मनः ।
‘ पवित्र स्थान में बैठना ।’ વિનોબાજીએ ગીતાઈ ચિંતનિકામાં આનો ઊંડાણપૂર્વક અને સુંદર અર્થ કર્યો છે. તેઓ કહે છે, પવિત્ર એટલે સ્વચ્છ, નિર્મળ અને જ્યાં સહચારી ભાવન પાવન હોય એવું સ્થાન ! દરેક ઘરમાં ધ્યાનનું, ભક્તિનું, વિકાર-મુક્તિનું એક સ્થાન હોવું જોઈએ.’
જેને આપણે દેવઘર કહીએ કે પ્રાર્થનાઘર કહીએ, ધ્યાનમંદિર કહીએ – જે પણ નામ આપીએ. દરેક ઘરમાં એક સ્થાન હોય જ્યાં સહુ મળીને, સમૂહમાં અથવા વ્યક્તિગત ઉપાસના કરે.
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ માર્ચ, ૨૦૨૪
-
બ્રાન્ડઑડિટનો અહેવાલ: સૌથી વધુ પ્લાસ્ટિકપ્રદૂષણ કોણ ફેલાવે છે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પ્રદૂષણ બાબતે કોઈ નાગરિક ગમે એટલો સભાન કે જાગ્રત હોય, તે પોતે જાણ્યેઅજાણ્યે પણ પ્રદૂષણ ફેલાવવા માટે નિમિત્ત બની રહેતો હોય એમ બને છે. શાકભાજી કે અન્ય ખાદ્ય ચીજો માટે કપડાની થેલીઓ વાપરીએ તો પણ જીવનજરૂરિયાતની વિવિધ ચીજોના પેકેજિંગમાં વપરાતું પ્લાસ્ટિક અનિવાર્ય અનિષ્ટ બની રહ્યું છે. પ્લાસ્ટિકનો આવિષ્કાર થયો ત્યારે તે વિવિધ નૈસર્ગિક ચીજો કે તેના થકી બનતી અન્ય ચીજોના મજબૂત વિકલ્પ તરીકે થયો હશે, પણ તેની વિશેષતાઓ જ પર્યાવરણ માટે નુકસાનકર્તા બની રહી છે. હવે તો આ સમસ્યા એ હદે વકરી ગઈ છે કે તેનો ઊકેલ વિચારવો લગભગ અશક્ય થઈ ગયો છે. આમ છતાં, તેની કેટલીક વિશેષતાઓ એવી છે કે તેનો ઉપયોગ દિન બ દિન વધતો જ રહ્યો છે.
અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પ્લાસ્ટિકના પ્રદૂષણ બાબતે જાગૃતિ ફેલાવવા માટે કાર્યરત છે, અને એ માટે તેઓ જાતજાતના કાર્યક્રમો યોજે છે. અલબત્ત, જાગૃતિ આવી ગયા પછી પણ કેટલીય બાબતો એવી છે કે જે વપરાશકર્તાના હાથની વાત નથી હોતી. ‘બ્રેક ફ્રી ફ્રોમ પ્લાસ્ટિક’ (બી.એફ.એફ.પી.) નામની એક ચળવળ વૈશ્વિક સ્તરે ચાલી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે. વિશ્વભરનાં અનેક સંગઠનો અને વ્યક્તિઓ તેની સાથે સંકળાયેલાં છે. આ ચળવળ અંતર્ગત ૨૦૧૮થી વિશ્વભરમાં સૌથી વધુ પ્રમાણમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવનારની ઓળખ કરવામાં આવે છે. ‘બ્રાન્ડ ઑડિટ’ નામના આ કાર્યક્રમમાં ‘બ્રાન્ડેડ’ પ્લાસ્ટિકના કચરાને એકઠો કરવામાં આવે છે, તેની ગણતરી કરવામાં આવે છે અને દસ્તાવેજીકરણ કરીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવનાર કંપનીની ઓળખ કરવામાં આવે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી આ કાર્યક્રમનો વર્ષ ૨૦૨૩નો અહેવાલ ફેબ્રુઆરી, ૨૦૨૪ના મધ્યમાં પ્રકાશિત કરાયો. ૨૦૨૩માં કુલ ૪૧ દેશોમાં બધું મળીને અઢીસો જેટલાં બ્રાન્ડ ઑડિટ હાથ ધરવામાં આવ્યા, જેમાં ૮,૮૦૪ સ્વયંસેવકોએ ભાગ લીધો. આ સૌએ મળીને ૫,૩૭,૭૧૯ નંગ પ્લાસ્ટિકનો કચરો એકઠો કર્યો. કુલ ૩,૮૧૦ મુખ્ય કમ્પનીઓની ૬,૮૫૮બ્રાન્ડનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. એમાં ઓળખી કઢાયેલી પ્લાસ્ટિક પ્રદૂષણ કરતી વિશ્વની ટોચની દસ કંપનીઓ અને તેમના પ્લાસ્ટિક કચરાની વિગત આ મુજબ છે: કોકાકોલા (પ્લાસ્ટિકની બૉટલ), નેસ્લે (બૉટલ અને ખોરાકી રેપર), યુનિલીવર (ડિટરજન્ટ, સેશે અને બૉટલ), પેપ્સિકો (ખોરાકી રેપર અને બૉટલ), મોન્ડેલીઝ ઈન્ટરનેશનલ (ખોરાકી રેપર, કેન્ડી રેપર અને ફૂડ પેકેજિંગ), માર્સ (ખોરાકી રેપર અને કેન્ડી રેપર), પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (સેશે અને ડાયપર), ડેનન (બૉટલ, તેનાં ઢાંકણાં અને લેબલ), અલ્ટ્રીઆ (સિગારેટનાં ઠૂંઠાં) અને બ્રિટીશ અમેરિકન ટોબેકો (સિગારેટનાં ઠૂંઠાં).
મુખ્ય પાંચ પ્રકારનો પ્લાસ્ટિક કચરો મળી આવ્યો, જેનું વર્ગીકરણ કંઈક આવું છે: પ્લાસ્ટિકની બૉટલોની સંખ્યા ૧,૦૪,૭૭૧ ખોરાકી રેપરની સંખ્યા ૬૬,૯૬૮ પીણાંનાં પાત્રોની સંખ્યા ૧૭,૮૯૭ યોગર્ટનાં પાત્રોની સંખ્યા ૧૮,૧૪૩ અને ચીઝ પેકેજિંગની સંખ્યા ૧૨,૦૨૨.
આ ઑડિટનો આરંભ થયો ત્યારથી એટલે કે ૨૦૧૮થી કોકાકોલા, પેપ્સિકો અને નેસ્લે પ્રદૂષણ ફેલાવનાર મુખ્ય કંપનીઓમાં ટોચ પર રહી છે. ૨૦૨૩માં પેપ્સિકો કંપની પર ન્યૂ યોર્ક સ્ટેટ એટર્ની જનરલ દ્વારા દાવો માંડવામાં આવ્યો હતો, જેમાં ‘સીંગલ યુઝ પ્લાસ્ટિક’ને નાબૂદ કરવાના પોતાના ધ્યેય બાબત લોકોને ગેરમાર્ગે દોરવા તેમજ પર્યાવરણ માટે ખતરારૂપ બનવા બદલ તેને જવાબદાર ઠેરવવામાં આવી હતી. એ અગાઉ ૨૦૨૦ અને ૨૦૨૧માં કોકાકોલા કંપની પર જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, એમ ૨૦૨૩માં યુરોપમાં પણ તેની સામેનો વિરોધ વધતો જણાયો હતો. બી.એફ.એફ.પી.નાં સભ્ય સંગઠનોએ ફ્રાન્સમાં ડેનન કંપની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી આરંભી હતી. ‘૧૦૦ ટકા રિસાયકલ કરેલું’ અને ‘૧૦૦ ટકા રિસાયકલ થઈ શકે એવું’ પ્લાસ્ટિક વાપરવાના પોકળ દાવા કરીને કંપનીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનું તેમાં જણાવાયું છે.
આમાંની મોટા ભાગની કંપનીઓ પોતે પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ હોવાનો દાવો કરે છે, પણ એ કેવળ જાહેરખબર પૂરતો! નથી તેઓ પોતાના વ્યવસાયની નીતિમાં કોઈ ફેરફાર કરતા કે નથી એ દિશામાં કોઈ નક્કર વિચારણા કરતા. આથી જ, ‘બી.એફ.એફ.પી.’એ પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવતી આ કંપનીઓ પાસે કેટલીક માગણી કરી છે. આ કંપનીઓ વિવિધ દેશનાં બજારોમાં વપરાતાં પેકેજિંગ અને એ પેકેજિંગમાં વપરાતાં રસાયણોના પ્રકાર તેમજ જથ્થા વિશેની વિગતો જાહેર કરે. પ્લાસ્ટિકને સળગાવવા કે રાસાયણિક રીતે રિસાયકલ કરવા જેવા ખોટા ઊકેલોને સમર્થન ન આપે. ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ને બદલે જૈવિક સામગ્રી આધારિત પ્લાસ્ટિક કે વિઘટનક્ષમ પ્લાસ્ટિક જેવી નવતર સામગ્રી પર આધારિત વ્યાવસાયિક મોડેલ તૈયાર કરવામાં આવે. તમામ બજારમાં સુલભ, પોસાય એવો પુનરુપયોગ, રિફીલ કે પેકેજિંગ વિનાની વિતરણપ્રણાલિ વિકસાવવામાં રોકાણ કરવામાં આવે અને સંબંધિત તમામ કામદારોને વાજબી તેમજ ન્યાયી રીતે સંક્રાંત કરવામાં આવે.
આ માગણીઓ એવી છે કે એનો ઊકેલ રાતોરાત ન આવી શકે, પણ આજે એની પર વિચાર કરવામાં આવે તો કાલે એ દિશામાં કંઈક આગળ વધી શકાય. તગડો નફો રળતી, જાહેરખબરો પાછળ અઢળક ખર્ચ કરતી આ કંપનીઓને પોતાના સામાજિક ઉત્તરદાયિત્વનું ભાન કરાવવાનો આ ચળવળનો મુખ્ય હેતુ છે. ‘બી.એફ.એફ.પી.’ વિવિધ દેશોમાં, સ્થાનિક સંગઠનો અને સ્વયંસેવકોની સહાયથી બ્રાન્ડઑડિટનું કામ કરી રહ્યું છે. આ કાર્યક્રમની અવારનવાર તે જાહેરાત કરે છે, અને સૌને જોડાવા માટે અપીલ પણ કરે છે. વ્યક્તિગત સ્તરે આપણે પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકવું પડે તો ખચકાટ થાય છે, જ્યારે આવડી મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓ કશા ડર વિના, નિર્લજ્જપણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધારતી રહે છે. બીજા અનેક ઉપાયોની સાથોસાથ તેમનાં ઉત્પાદનો ન ખરીદવાનો પણ એક ઉપાય તેમને પાઠ ભણાવવાનો છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧– ૦૩ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ઘણા અતિથિઓ આતિથ્યના બદલામાં સ્થૂળ અને સુક્ષ્મરૂપે ઘણું આપી જતા હોય છે !
સંવાદિતા
અંગ્રેજી શબ્દ-જોડી ‘ સ્વાન સોંગ ‘ નો અર્થ થાય કોઈ કલાકારની અંતિમ અને સંભવત: શ્રેષ્ઠ કૃતિ. ‘ આગંતુક ‘ ફિલ્મ ભલે એ કક્ષાની નહીં પરંતુ વિચારતા કરી મૂકે એવી ફિલ્મ છે.
ભગવાન થાવરાણી
મહાન સત્યજીત રાય દ્વારા દિગ્દર્શિત કુલ ૨૯ ફીચર ફિલ્મોમાંથી કારકિર્દી અને જીવનના અસ્તાચળે એમણે બનાવેલી ગણશત્રુ, શાખા પ્રશાખા અને એમની આ અંતિમ ફિલ્મ ‘ આગંતુક ‘ પ્રમાણમાં નબળી ફિલ્મો લેખાય છે. ‘આગંતુક ‘ સુધી પહોંચતાં એ શારિરિક રીતે એટલા કમજોર બની ગયેલા કે એમના ડોક્ટરોએ એમને કલકત્તા બહાર પ્રવાસની પણ મનાઈ ફરમાવેલી. એ ફિલ્મ પૂરી કર્યાના થોડાક મહિનાઓમાં જ ફિલ્મ પ્રદર્શિત થાય એ પહેલાં એમનું અવસાન થયું. એક જિનીયસ કલાકારની ‘ નબળી ‘ કૃતિ પણ કેવી હોય એનું ઉદાહરણ આ ‘ આગંતુક ‘ છે.
‘ આગંતુક ‘ ફિલ્મ રાયે એમણે જ લખેલી ટૂંકી વાર્તા ‘ અતિથિ ‘ પરથી બનાવેલી. એમના પ્રિય ઉત્પલ દત્ત આ ફિલ્મના નાયક અને કેન્દ્રવર્તી ચરિત્ર મનમોહન મિત્રની ભૂમિકામાં છે. એમના અન્ય બે માનીતા કલાકારો મમતા શંકર અને દીપંકર ડે સાથે. અન્ય બે સુખ્યાત બંગાળી અભિનેતાઓ રોબી ઘોષ અને ધૃતિમાન ચેટર્જી પણ મહેમાન ભૂમિકાઓમાં છે.કલકત્તામાં વસતા સુધીન્દ્ર અને અનિલા બોઝના નામે એક પત્ર આવે છે જે અનિલાના મામા મનમોહન મિત્રાનો છે. મનમોહન પાંત્રીસ વર્ષ પહેલાં અગમ્ય કારણોસર પિતાનું ઘર છોડીને ચાલ્યા ગયેલા જે છેક હવે પ્રગટ થયા છે. અનિલાને તો એમનો ચહેરો પણ યાદ નથી. હા, એ ભણવામાં અત્યંત તેજસ્વી હતા અને જતા રહેલા એ યાદ છે ખરું. એના મોસાળના કુટુંબમાં હવે કોઈ જીવિત નથી અને આ મામાને પણ લગભગ મૃત્યુ પામેલા માની લેવામાં આવેલા. પત્ર મુજબ, મામા અમેરિકાથી દિલ્હી આવ્યા છે અને એમના કુટુંબની એકમાત્ર હયાત સદસ્યા અનિલાની મહેમાનગતિ થોડાક દિવસ માણીને ઓસ્ટ્રેલિયા જતા રહેવાના છે.અનિલાનો પતિ આવા બનાવટી લેભાગુઓથી સુપેરે પરિચિત છે. અનિલા પણ સશંક તો છે જ પણ પત્રમાં વપરાયેલી સુશિષ્ટ ભાષા અને વિવેક એને એમ માનવા પ્રેરે છે કે આ એના ખોવાયેલા મામા જ હોઈ શકે. બોઝ દંપતિનો કિશોર પુત્ર સત્યાકિ જો કે આ સમાચાર જાણી ઉત્સાહિત છે કારણ કે એ હજી શંકા કરતાં શીખ્યો નથી !
મામા આવે છે અને અનિલા આશ્વસ્ત થાય છે કે આવા ખુલ્લા, નિખાલસ અને વિદ્વાન મારા મોસાળના પરિવારના જ હોય ! પતિ એને તાકીદ કરે છે કે સિફતપૂર્વક એમનો પાસપોર્ટ જોઈ ઓળખ પાકી કરી લેજે. અનિલાને એ વાત જ અસંસ્કારી લાગે છે. મામા આવતાંવેંત ચોખવટ કરે છે કે રખડપટ્ટીના પહેલા પાંચ વર્ષ આદિવાસીઓ જોડે રહ્યા હોઈ એ સર્વભક્ષી છે એટલે એમના જમવા બાબતે ચિંતા ન કરવી. પતિનું મહેણું ‘ સગી ભાણી પાસે મામા ખાલી હાથે આવ્યા ‘ અનિલા પચાવી જાય છે.સત્યાકિને મામા સાથે તુરંત ગોઠી જાય છે. મામા બાળમાનસ જાણે છે. એમની કુતુહલવૃતિ અને વિસ્મય પણ, કારણ કે એમણે પોતે પોતાની ભીતર એ ગુણો હજી જાળવી રાખ્યા છે. એ સત્યાકિ અને એના મિત્રો જોડે એમના જેવા થઈ એમને દુનિયાની વિલુપ્ત સંસ્કૃતિઓ, ચાંદ-તારાઓ અને બ્હ્માંડ વિષે રસપ્રદ વાતો કરે છે. એ કહે છે, જાદુ – બાદુ જેવું કંઈ નથી, આપણા મનમાં રહેલું વિસ્મય એ જ જાદુ છે ! એ એમને નવા – નવા શબ્દોથી અવગત કરે છે જેમ કે WANDERLUST ( નવા – નવા સ્થળોએ ઘૂમવા જવાની તીવ્ર ઈચ્છા ) અને કૂપમંડૂક. એ બાળકો પાસેથી કદીય તન કે મનથી કૂપમંડૂક ન થવાનું વચન લે છે!સુધીન્દ્ર હજી મામાની અસલિયત વિષે આશ્વસ્ત નથી. સામે પક્ષે અનિલાને એ હદે ભરોસો છે કે મામાના આગમન પહેલાં ઘરના દીવાનખાનામાંથી ખસેડીને તિજોરીમાં મૂકી દીધેલી કલાકૃતિઓ ફરી યથાસ્થાને નિશ્ચિંત થઈ મૂકી દે છે ! દરમિયાન સુધીન્દ્રને માહિતી મળે છે કે અનિલાના નાના અને મામા મનમોહનના ગર્ભશ્રીમંત પિતા મૃત્યુ પહેલાં જે વસિયતનામું કરતા ગયા એમાં એમણે પોતાના ખોવાયેલા પુત્ર માટે પણ ખાસ્સો હિસ્સો રાખ્યો છે. ખલાસ ! જો એ ખરેખર અનિલાના મામા હોય તો પણ આ દલ્લો હડપ કરવા જ આટલા વર્ષે ભારત પરત ફર્યા છે !સુધીન્દ્ર પોતાના ચબરાક વકીલ મિત્ર સેનગુપ્તાને મામાને મળવાના બહાને ઘરે બોલાવે છે જેથી એ ઊલટતપાસ કરી મામાની અસલિયત છતી કરે ! એ અસલિયત તો ઉઘડે જ છે પણ એ તો ઊલટાની સભ્ય નાગરિક એવા વકીલને વધુ બેબાકળો બનાવી મૂકે છે. વકીલ મિત્રની ઊલટ તપાસ દરમિયાન ઉપસી આવતી મામાની કેફિયત :– ઘર છોડ્યા પછી એ જગતભરમાં ફર્યા છે અને આજે એ જગતના પ્રતિષ્ઠિત નૃવંશશાસ્ત્રી છે.– ધર્મ જો માણસ – માણસ વચ્ચે વાડા ઊભો કરતો હોય તો એવો ધર્મ એમને સ્વીકાર્ય નથી. શાસ્ત્રો પણ ધર્મની એ જ વ્યાખ્યા કરે છે. આપણે કરીએ છીએ એ નહીં ! નાતજાત પણ એ જ છે.– જીવનમાં ‘ ઠરીઠામ ‘ થવું, લગ્ન કરવા એ એમની પ્રકૃતિ નથી. એટલે જ તો ઘર છોડી ચાલી ગયા !– ઈશ્વરનું અસ્તિત્વ જો હોત તો આજે છે એવી અંધાધૂંધી ન હોત !– વિજ્ઞાન અને ટેક્નોલોજીએ પ્રગતિના દ્વાર તો ખોલ્યા છે પણ એનાથી કેટલાય અનિષ્ટો પણ ઊભા થયા છે.– આદિવાસી સંસ્કૃતિમાં ઘણી સારી બાબતો છે. દંભી શહેરી સંસ્કૃતિ કરતાં એ ઘણી સારી.– જો માનવભક્ષી આદિવાસીઓ અસભ્ય કહેવાય તો એક બટન દબાવી એક આખા શહેરને નેસ્તનાબૂદ કરવાનો હુકમ આપનાર શાસક સભ્ય કેમ લેખાય ?સમસમી ઊઠેલ સેનગુપ્તા તાડૂકે છે કે તમારી ઓળખ સાબિત કરવાને બદલે મારા મિત્રને ત્યાં ધામા નાંખીને પડ્યા છો. જંગલી સંસ્કૃતિની હિમાયત કરતા તમારા જેવા લોકોને અમારા સભ્ય સમાજમાં રહેવાનો અધિકાર નથી ! પોતાના ઘરે પોતાના અતિથિ ( મામા હોય કે ન હોય ! ) ના અપમાનથી અનિલા તો વ્યથિત થાય છે, એના પતિને પણ એ હરકત ગમતી નથી. બન્ને મામાની માફી માંગે છે.ક્ષુબ્ધ મામા બીજા દિવસે બધા સૂતા હોય ત્યારે જ નીકળી જાય છે. એમના વારસાનું કામ સંભાળતા એમના વતનના વકીલને પૂછતાં માલૂમ પડે છે કે એ ગુમસૂમ અવસ્થામાં એમના ઘરે આવેલા ખરા પણ એમના પિતાના વસિયતનામાની વિધિઓ પૂરી કરી શાંતિનિકેતન બાજુ કોઈક સાંથાલ ગામડા તરફ નીકળી ગયા છે.ત્રણેય એમને શોધી કાઢે છે. ફરી માફી માંગી આજીજીપૂર્વક એમને ઘરે સાથે આવવાનું કહે છે. ‘ મારો સમય પૂરો થયો. કોઈને ઓળખવો એ અઘરું કામ છે. ઘરે આવીશ પણ તુરંત ઓસ્ટ્રેલિયા જવા નીકળી જઈશ. ‘મામા ઘરે આવી સામાન પેક કરે છે. ભાણીને એક બંધ પરબીડિયું આપે છે. ‘ હું જાઉં પછી ખોલજો. મારી હાજરીમાં ખોલશો તો મને મૂંજારો થશે. ‘ એમાં શું છે ના જવાબમાં એ અંગ્રેજીનો સહુથી લાંબો શબ્દ ઉચ્ચારે છે . ફ્લોકસીનોસીનિહિલીફિકેશન ! જેનો અર્થ છે ‘ પ્રથમ દ્રષ્ટિએ અગત્યની ભાસતી વાતને ઝાઝું મહત્વ ન આપવું ‘ ! આ કવરનું પણ એવું જ ! એમની વિદાય પછી કવર ખોલતાં એમાંથી અનિલાના નામે મામાએ લખેલો મોટી રકમનો ચેક નીકળે છે. એ જ રકમ જે અનિલાના નાના પોતાના ખોવાયેલા પુત્ર મનમોહનના નામે મૂકી ગયા હતા ! સાથે નોંધ ‘ સદા સોહાગણ ભાણી કાજે . ‘બોઝ દંપતિ અવાક્ !ફિલ્મમાં મનમોહન મિત્રાની ચિરસ્મરણીય ભૂમિકા ભજવનાર ઉત્પલ દત્ત, સત્યજીત રાયના અવસાનના એક વર્ષ બાદ અવસાન પામેલા.કહેવાય છે કે ફિલ્મના શૂટીંગનો અંતિમ શોટ પૂર્ણ થતાં સત્યજીત રાય બોલી ઊઠેલા ‘ ધેટ્સ ઓલ ! ‘ ( મારે જે કહેવાનું હતું તે અહીં પૂરું થાય છે. ) મનમોહન મિત્રા એ અસલમાં રાયની પોતાની છબી અને વિચારધારાનું પ્રતિબિંબ છે. કદાચ એમનો માંહ્યલો જાણતો હતો કે જે કંઈ એમની ફિલ્મો દ્વારા કહેવાનું રહી ગયું હતું એ કહી નાખવાનો આ આખરી મોકો હતો.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
માનવોર્મિના મોતીથી ગૂંથાયેલી વાર્તાઓનો દાબડો
પુસ્તક પરિચય

આત્માની અદાલત:રજનીકુમાર પંડ્યા પરેશ પ્રજાપતિ
રજનીકુમાર પંડ્યા માનવમનના અંતરંગ પ્રવાહોના અઠંગ અભ્યાસી વાર્તાકાર છે.ગુજરાતી સાહિત્યમાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરવાની સાથે સમગ્ર ગુજરાત ગર્વ લઇ શકે એવી અનેક સાહિત્યિક કૃતિઓનું સર્જન તેમણે કર્યું છે. તેમની અનેક રચનાઓને સાહિત્યનાં પારિતોષિકો અને સન્માનો મળી ચૂક્યાં છે. વાર્તાકાર હોવાની સાથોસાથ તેઓ અચ્છા નવલકથાકાર પણ ખરા. આગવાં અવલોકનો અને માર્મિક રજૂઆતો ધરાવતી તેમની અનેક વાર્તાઓ અંગ્રેજી, હિંદી, મરાઠી, સીંધી તેમજ મલયાલમ ભાષાઓમાં અનુવાદિત થઇ છે. આ વાર્તાઓ પર આધારિત ટીવી પર એપિસોડ્સ અને નાટકોનાં નિર્માણ થયાં છે.
તેમનો વાર્તાસંગ્રહ ʻઆત્માની અદાલતʼ આ પહેલાં વર્ષ ૧૯૯૩માં પ્રકાશિત થયો હતો. વર્ષોથી તે અપ્રાપ્ય હતો. લગભગ ત્રીસ વર્ષે૨૦૨૨માં તેનું પુન: પ્રકાશન થતાં તે હાલ ફરી ઉપલબ્ધ બન્યો છે. આ સંગ્રહમાં ૧૯૯૩ સુધીમાં લખાયેલી કેટલીક વધુ વાર્તાઓ સાથે કુલ ૪૯ ટૂંકી વાર્તાઓ સમાવિષ્ટ છે.
આ વાર્તાઓમાં પ્રસંગોના જાળાં ફરતે ગૂંથાયેલાં અદભૂત વ્યક્તિચિત્રો અને પાત્રાલેખનો તથા માનવસહજ લાગણીઓ અને અભિવ્યક્તિનાં આલેખનો દ્વારા વાચકને રજનીકુમારની સિદ્ધહસ્ત લેખનશૈલીનો પરચો મળે છે. તેમાં માનવસંબંધોના વિવિધ આયામ અને સ્વરુપોનો પણ ઉઘાડ થાય છે.
કોઇ વાર્તામાં હૂંફાળી લાગણીઓની રજૂઆત છે તો કોઇમાં કૂણી વેદનાની વાત છે. ક્યારેક ખોવાયેલા ʻસ્વʼની પિછાણની કવાયત છે, તો ક્યાંક પતિ-પત્નિના સંબંધનાં ઉર્મિભાવોનું આલેખન છે. ક્યારેક કોઈ વાર્તામાં વિપરિત સંજોગો, તો ક્યારેક સમય સાથે વ્યક્તિની બદલાતી માનસિકતા અને મનોભાવોનાં અદભૂત આલેખનો છે. ટૂંકમાં કહીએ તો આનંદ, વિષાદ, વ્યંગ, પ્રેમ, નફરત, ફકીરી, ક્રોધ, વ્યગ્રતા, શાંત એમ માનવસહજ તમામ ગુણોને આવરતી વાર્તાઓ આ સંગ્રહમાં છે. તેમાં લેખકે પ્રયોજેલાં રુપકો દ્વારા એવો માહોલ સર્જાય છે કે વાચક વાર્તાના પાત્રમાં ઓતપ્રોત થઇ જઇને પાત્રની અનુભૂતિનેપોતીકી માનવા લાગે છે. એમાં ક્યાંક બોધપાઠ પણ નિહિત છે, પરંતું એનું આલેખન એવું સહજ છે કે વાચકને એ ખુદનું તારણ જણાય છે. તેથી તેનો ભાર નથી અનુભવાતો. વાર્તાઓ લાગણીમાં ઝબોળાયેલી છે; પણ એ વેવલી નથી, માણસાઇથી સરાબોર છે. સ્વાનુભાવે કહી શકું કે એક વાર્તા વાંચ્યા પછી કેટલોક વિરામ પાળ્યા સિવાય બીજી વાર્તા વાંચી શકાતી નથી. આ સમયે વાચક વિવશપણે છતાં સ્વેચ્છાએ ખુદના આત્માની અદાલતમાં ઊભેલો અનુભવે છે.
વાર્તાના ઉત્તેજનાસભર ઉપાડ તથા ચોટદાર અંતના કેટલાંક સુંદર નમૂના આ સંગ્રહમાં વાંચવા મળે છે. મૃત્યુની વાસ્તવિકતા અને અમરત્વની નિરર્થકતા સમજાવતી એક વાર્તાનું શિર્ષક છે, ʻએને શું જોઇએ?ʼ અનુસંધાન સાધતી વાર્તાની શરૂઆતનો શબ્દ છે ‘મોત‘, જાણે જવાબ ન હોય! વાચકના મનમાં આ વાંચી કેવો આઘાત જન્મે?
વાર્તાનાં કથાનક જેવાં જ મજબૂત અને અર્થસભર શિર્ષકો પણ ખાસાં ધ્યાનાકર્ષક છે. એક વાર્તા માટે શિર્ષકમાં અનોખો શબ્દયુગ્મ પ્રયોજ્યો છે – ʻચંદ્રદાહʼ! મનમાં લાગલો જ પ્રશ્ન ઉદભવે, ચંદ્રનો તે કંઇ દાહ હોય? સાહજિક પણે ચાંદ અને ચાંદની પર લખાયેલાં કંઇ કેટલાંય અમર પ્રેમગીતો યાદ આવી જાય. પરંતુ, પ્રિય પત્નિનાં અવસાન બાદ તેની મધુર યાદોની કૂણી પજવણી માટે આનાથી ઉત્તમ શિર્ષક કયું હોઇ શકે? ચાંદની પણ દાહ આપે એનો અનુભવ કરવા માટે ‘ચંદ્રદાહ’ વાર્તા જ વાંચવી રહી. પીડાનું ચોટદાર આલેખન કરતાં લેખકે ચાંદનીના અજવાળે કોમળ ઘાસ પર પડતા પડછાયા માટે લખ્યું છે, ʻપડછાયો વધુ પીડાયો.ʼ આ વખતે કથાપ્રવાહમાં ખેંચાયેલા વાચકને કુમળા ઘાસનું તણખલું પણ સોય જેવું ભાસે છે!
વાર્તાઓ વાંચતી એમ લાગે છે કે લેખક જાણે વાચકને લાગણીઓનાં મોજા પર સવારી કરાવી માનવમનના અગાધ સમુદ્રની અકલ્પનીય સહેલ કરાવે છે. આ સફર દરમ્યાન સંવેદનાઓની છાલકોથી વાચકને પલાળે છે પણ ખરા! ક્યારેક અણધાર્યા ઉપાડથી કે એવા કોઇ વળાંકે વાર્તા અટકાવે કે વાચકને તેના રોમાંચ પાછળ સંવેદનાની પણ અનૂભુતી થાય! ʻઅરે ડોશી!ʼ, ʻઅંધʼ, ʻકોરાં ફલકʼ, ʻનવોઢાનો ટ્રંકʼ, ʻનામ વગરનો માણસʼ, ʻચંદ્રદાહʼ, ʻભડકોʼ, ʻલૂંટʼ, ʻશબનું સ્મિતʼ, ʻસમાધાનʼ વગેરે વાર્તાઓનો નામોલ્લેખ માત્ર નમૂના ખાતર.
સમુદ્રની ઊંડાઇ માપી શકાય, પણ માનવમનની ઊંડાઇનો તાગ પામવો અશક્ય છે. પરંતુ લેખક માનવમનના ʻગોતાખોરʼ છે; તેમાં રહેલા સંવેદનાના સાચુકલા મોતીઓની તેમને પરખ છે. પુસ્તક ʻઆત્માની અદાલતʼ આ મોતીઓ ગૂંથીને વાર્તાઓનીઅદભૂત જણસોથી ભરેલો દાબડો છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
આત્માની અદાલત:રજનીકુમાર પંડ્યા
પૃષ્ઠસંખ્યા : 272 | કિંમત : ₹ 380 | આવૃત્તિ :બીજી આવૃત્તિ
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :વિવેકગ્રામ પ્રકાશન; વિવેકાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ, નાગલપુર રોડ, માંડવી (કચ્છ); 370465
સંપર્કઃ (+91) 98252 43355
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
ઉગતા સૂરજના દેશમાં નહીં આથમતો સામાજિક ભેદભાવ
નિસબત
ચંદુ મહેરિયા
ભારતની જેમ જાપાનમાં પણ ઉંચ-નીચના ભેદ છે , આભડછેટ પળાય છે , એમ કોઈ કહે તો આપણે માનીએ ? દુનિયાના આ વિકસિત અને સમૃધ્ધ દેશનો સમાજ સમાનતાપૂર્ણ, સંવાદી અને સામંજસ્યપૂર્ણ હોવાની વૈશ્વિક છાપ છે. જાપાનના નાગરિકોનું કર્તવ્ય, સમય અને શિસ્તનું પાલન વખણાય છે. એ સ્થિતિમાં જાપાનીઝ નાગરિકો દેશના એક પ્રજાસમૂહને હેય દ્રષ્ટિએ જોતા હોય તે ઝટ ગળે ન ઉતરે એવી હકીકત છે. ૨૦૦૧માં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાયેલી વલ્ડ કોન્ફરન્સ અગેઈન્સ્ટ રેસિઝમમાં જાપાનના કથિત અસ્પૃશ્ય એવા બુરાકુમિન સમાજના નેતાઓને પ્રત્યક્ષ જોવા-મળવાનું થયું હતું. ભારતની જેમ જાપાનની સરકાર અને સમાજ પણ એમ કહે છે કે હવે ક્યાં કશા ભેદ રહ્યા જ છે ? પરંતુ શું ભારતમાં કે શું જાપાનમાં આભડછેટ પૂર્ણ ભૂતકાળ નહીં પણ ચાલુ વર્તમાનકાળ છે, તેની પ્રતિતી તાજેતરના જાપાનની સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી થઈ. બંધારણ અને કાયદાપોથીમાં તો જાપાનના તમામ નાગરિકો સમાન છે પરંતુ લોકોનો સમાજિક દ્રષ્ટિકોણ બદલાયો નથી.એટલે બુરાકુમિન આજે પણ ભેદભાવ વેઠે છે. જાપાની પ્રકાશકો બુરાકુમિન વસ્તીના નકશા, વસાહતોની તસવીરો અને તેમના વિશેની માહિતી પ્રકાશિત કરતા હોય છે. આવા જ એક પ્રકાશક સામેના દીર્ઘ કાનૂની સંઘર્ષને કારણે અદાલતે તે આચરણ ભેદભાવપૂર્ણ હોવાનું સ્વીકારીને ત્રણ કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. એટલે જાપાનમાં હજુ આભડછેટ અને ભેદભાવ મોજુદ છે અને તે સામેનો અવિરામ સંઘર્ષ પણ ચાલે છે તે પુરવાર થયું છે.

તસવીર સ્રોતઃ CHRIS MacKENZIE ILLUSTRATION @ ધ જાપાન ટાઈમ્સ જાપાનમાં યોધ્ધા, ખેડૂતો, કામદારો અને વેપારીઓની ચારસ્તરીય સમાજરચના સત્તરમી સદીના ઈદોકાળમાં જન્મી હતી. તોકુગાવા શોગુનેટ( ૧૬૦૩-૧૮૬૭) વંશ દ્વારા સમાજમાં સ્થિરતા આણવા અને રાજ્યસત્તા ટકાવવા માટે ચડતી-ઉતરતી ભાંજણીની સમાજવ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ સામંતી શાસનમાં ચાર જ્ઞાતિ, સ્તર કે વર્ણ સિવાયના લોકોને બુરાકુમિન કે બુરાકુ કહેવામાં આવે છે. પૂર્વે તેમના માટે વધુ અપમાનજનક શબ્દો (દા.ત.એટા ) વપરાતા હતા. જાપાની શબ્દ બુરાકુમિનનો સાદો અર્થ તો ગામડાના લોકો થાય. પણ જ્યારે આ શબ્દ વર્ણ, જ્ઞાતિ કે ચારસ્તરીય સમાજવ્યવસ્થા બહારના લોકો માટે વપરાતો થયો ત્યારે તેનો અર્થ બદલાઈને ગામડિયો, ગમાર, ઉપેક્ષિત અને બહિષ્કૃત એવો થવા લાગ્યો છે.
સામંતી સમાજવ્યવસ્થાની પેદાશસમા બુરાકુમિનો બહારનો પ્રજાસમૂહ એટલે પણ છે કે તેઓના માથે જે વ્યવસાય કે કામો મારવામાં આવ્યા હતા તેને ગંદા, અશુધ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે. મરેલા ઢોર ખેંચવા, સફાઈ, કબ્રસ્તાનની રખેવાળી , શબ માટેની કબર ખોદવી, જેલર થી જલ્લાદ અને કસાઈથી દેહવ્યાપારના કામો , ભીખ માંગવી અને સામંતી જમીનદારોના વેઠિયા હોવું , ચામડા કમાવા – જેવા ગંદા અને હલકા ગણાતા કામો તેઓને કરવા પડતા હતા. તેમની વસ્તી ભારતના દલિતોની જેમ ગામના છેડે, ટેકરીઓ પર કે જમીનના ઢોળાવ પર હતી. ઘેટો(GHETO)માં રહેવું, હલકા ગણાતા કામો કરવા તેને કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી અને સામાજિક દરજ્જો ઉતરતો હતો. શિક્ષણ, આરોગ્ય અને બીજી નાગરિક સુવિધાઓથી તેમને વંચિત રાખવામાં આવતા હતા. .
ભારતના દલિતોની જેમ જાપાનના બુરાકુમિન પર પણ જાતભાતના પ્રતિબંધો લદાયેલા છે. અન્ય ચાર સમૂહો સાથે કે નજીક તેઓ રહી શકે નહીં . તેઓ જુદા કે નીચા છે તે દર્શાવવા અન્ય જાપાનીઓ જેવા કપડાં પહેરી શકે નહીં.માથું ખૂલ્લું અને વાળ ટૂંકા રાખવા પડતા. મહિલાઓ આઈબ્રો કરી શકતી નહીં કે દાંત રંગી શકતી નહીં. ધાર્મિક સ્થળો અને શાળાઓમાં પ્રવેશી શકતા નહીં. બુરાકુ સિવાયના લોકો સાથે લગ્ન કરી શકે નહીં ૧૮૬૮માં મીજી સમ્રાટે આ ભેદભાવ કરતા સામાજિક પદાનુક્રમને સમતલ કરવા પ્રયાસ કર્યો. ૧૮૬૯માં સામંતશાહીના અંત સાથે ૧૮૭૧માં ચારસ્તરીય સમાજરચના નાબૂદ થઈ અને બુરાકુમિનોને નવા નાગરિક બનાવ્યા હતા.
સ્વમાન અને સમાનતા માટેની જાપાનના કહેવાતા અસ્પૃશ્યોની લડતે પણ તેમને બરાબરીનો હક્ક અપાવ્યો છે. ત્રીજી મે ૧૯૪૭થી અમલી જાપાનના બંધારણના પ્રકરણ-૩ ના અનુચ્છેદ ૧૪માં કાયદા સમક્ષ તમામ જાપાનીઓને એક સમાન ગણવામાં આવ્યા છે. ઉપરાંત જ્ઞાતિ, ધર્મ, પંથ, લિંગ, સામાજિક સ્થિતિ કે પારિવારિક મૂળના કારણે કોઈપણ નાગરિક સાથે રાજકીય, આર્થિક અને સામાજિક ભેદભાવ કરવામાં આવશે નહીં તેમ પણ જણાવ્યું છે. બંધારણીય સમાનતા મળી તેનું કારણ ૧૯૨૨થી શરૂ થયેલું બુરાકુમુક્તિ આંદોલન છે. લેવલર્સ સંગઠન( ૧૯૨૨), બુરાકુ લિબરેશન રાષ્ટ્રીય સમિતિ((૧૯૪૬) અને બુરાકુ લીબરેશન લીગ( ૧૯૫૫) , સોસાયટી ફોર ઈન્ટીગ્રેશન (૧૯૬૦) તથા ઓલ જાપાન બુરાકુ લિબરેશન મૂવમેન્ટ ( ૧૯૭૬) જેવા સંગઠનો દ્વારા તેમણે આંદોલનો કર્યા છે. અન્યાય અને અત્યાચારો સામે પ્રતિકાર અને વાજબી હકો તેમણે સંઘર્ષ કરી મેળવ્યા છે. બુરાકુ લિબરેશન લીગના લડાકૂ નેતા જિઈચિરો માત્સુમેતો (૧૮૮૭-૧૯૬૬) બુરાકુઓના મુક્તિદાતા ગણાય છે.
બંધારણના સમાનતાના અધિકારને જમીન પર ઉતારવા સરકારે પ્રયાસો કર્યા છે. ગાંધી જન્મ શતાબ્દી વરસ ૧૯૬૯માં આરંભાયેલી બુરાકુ માટેની ખાસ સવલતો- રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને રોજગારે તેમની સ્થિતિમાં સુધારો આણ્યો છે. લગ્ન અને રોજગારમાં ભેદભાવ ઘટ્યો છે. ૧૯૩૦માં માંડ ૧૦ ટકા બુરાકુમિન અન્ય સાથે લગ્ન કરી શકતા હતા તે હવે વધીને ૬૦ ટકે પહોંચ્યા છે. પરંતુ હજુ સરેરાશ જાપાનીના માનસમાં બુરાકુમિન પ્રત્યેનો ભેદભાવ કે દુર્ભાવ ઓછો થયો નથી. ૨૦૦૩નો ટોક્યો મેટ્રોપોલિટન સરકારના સર્વેમાં ૭૬ ટકા ટોક્યોવાસીઓએ બુરાકુમિન વિશેનો તેમનો ભેદભાવભર્યો મત બદલ્યો ન હોવાનું કે પાંચ ટકાએ તેમને કદી પોતાના પાડોશી તરીકે નહીં સ્વીકારવાનો મત વ્યક્ત કર્યોહતો. બુરાકુમિન નેતાઓએ ખાનગી કંપનીઓમાં બુરાકુમિનને નોકરી ના આપવા માટે બિનબુરાકુઓએ તૈયાર કરેલી તેમના નામ-સરનામા સાથેની ૩૩૦ પાનાંની હસ્તલિખિત યાદીની નકલ સરકારને આપી છે. બુરાકુઓની વસ્તીના અધિક્રુત આંકડાઓ તો ઉપલબ્ધ નથી પરંતુ તેમના નેતાઓ દેશની આશરે ૧૨ કરોડની વસ્તીમાં તેમની વસ્તી ૧૦ થી ૩૦ લાખ હોવાનું જણાવે છે. બુરાકુઓના રાજકીય પ્રતિનિધિત્વનો સવાલ પણ છે જ. બુરાકુઓના વંશજો માટે પણ કેવો ભેદ રખાય છે તેનું એક આંખ ઉઘાડનારું ઉદાહરણ જાણવા જેવું છે. ૨૦૦૧માં તત્કાલીન જાપાની સરકારમાં નંબર ૨નું સ્થાન ધરાવતા હિરોમુ નોનકાનું નામ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ચર્ચામાં હતું.પરંતુ તેઓ બુરાકુમિન હોવાથી વડાપ્રધાન પદના અન્ય ઉમેદવાર તારો એસોએ ‘ અમે કોઈ બુરાકુને વડાપ્રધાન બનવા દઈશું નહીં ‘ તેવો જાહેર હુંકાર કર્યો હતો અને બહુમતી જાપાની મતદારોએ તેમનું સમર્થન કર્યું હતું..
જાપાની સમાજ તેમના અસ્પૃશ્યોને સ્વીકારવા તૈયાર નથી તો સરકાર બુરાકુમિનને બંધારણીય સમાનતા આપે છે પરંતુ તેનો કાયદેસર ભંગ કરી ભેદભાવ આચરનારને સજા કે દંડની જોગવાઈ કરતી નથી. એટલે એકરસ કે સમરસ થવાનો માર્ગ બુરાકુઓ માટે ભારે કઠિન છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪.૬ :અંશ # ૧
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
હસ્તાંતરણ કે સખાવત દ્વારા મિલકતની વહેંચણી
અંશ # ૧
દિવ્યભાષ સી. અંજારીઆ
કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.
આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત, # ૪.૪ માં રોકાણ અને # ૪.૫માં ઉપાડ એવાં નાણાનાં પાંચ મહત્ત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ તેમજ નાણાં અને સંપતનાં મહત્ત્વ અને નાણાકીય સંપત્તિની ભ્રામકતા વે સમજને લગતી વાત કરી ગયાં છીએ.
આજના મણકામાં નાણાનાં છઠ્ઠાં મહત્ત્વનાં પાસાં – હસ્તાંતરણ કે સખાવત દ્વારા મિલકતની વહેંચણી – ની કેટલીક લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું.
મિલકતનો પોતા પુરતો ઉપયોગ
જીવનની અર્થવ્યવસ્થા વાસ્તવમાં એક માત્ર આશય તો પોતાની મિલકતનો ભવિષ્યમાં ઉપયોગ કરવા સંબંધી જ છે. આપણે બચત અને રોકાણ કરીએ છીએ જ એ માટે.
પોતાનાં રોકાણો અને મિલકત આપણી ભવિષ્યની – અપેક્ષિત કે આકસ્મિક – જરૂરિયાતો પુરી કરવા માટે હોય છે. ‘ખરૂં મહત્ત્વનું જીવન છે, અર્થવ્યવસ્થાનું નહીં’ એ જીવનની અર્થવ્યવસ્થાનો પાયાનો મંત્ર છે. જ્યારે ભવિષ્યની જરૂરિયાત સામે આવીને ઊભી રહે, ત્યારે આપણી એકઠી કરેલી મિલકત વાપરવાનો નિર્ણય લેતી વખતે, જીવનની અર્થવ્યવસ્થાનો પાયાનો આ મંત્ર ભુલાવો ન જોઈએ. આખરે,અર્થવ્યવસ્થાનું મહત્ત્વ જ આપણાં જીવનનાં અપેક્ષિત સુખને સિદ્ધ કરવા પુરતું છે. મિલકતનું મહત્ત્વ જીવનનાં આર્થિક પાસાંને સમ્રુદ્ધ કરવા પુરતું જ છે. એટલે હવે આવી પડેલ જરૂરિયાત પુરી કરવા માટે આપણી વર્તમાન આવક પુરતી ન હોય તો, આપણે એકઠી કરેલ મિલકતનો પોતાની એ જરૂરિયાત પુરી કરવામાં ખચકાટ ન અનુભવવો જોઈએ.
આપણી જરૂરિયાતોને પુરી કરવા માટે આવશ્યક મિલકતથી વધારે મિલકત, આપણે અગાઊ જોયું તેમ, ભાવ વધારો, ફુગાવો કે અન્ય કોઈ પણ બાહ્ય આર્થિક પરિબળને કારણે વણવપરાયેલી મિલકત તો પોથીમાંનાં રીંગણા સમાન બની રહી શકે છે.
જોકે એ પણ હકીકત જ છે કે આપણામાંનાં મોટા ભાગનાં લોકો મિલકત માત્ર પોતાના ઉપયોગ માટે જ એકઠી કરતાં હોય છે. કેટલાંકને ભવિષ્યની અનિશ્ચિતાઓની ચિંતા હોય છે. તો કેટલાંકને બીજાં કરતાં વધારે મોટા દેખાવા માટે મિલકત એકઠી કરવી હોય છે. તો વળી, કેટલાંકને તો પોતાની વર્તમાન આવક જ એટલી વધારે પડતી હોય છે કે તેમની મિલકત આપોઆપ જ વધ્યા કરે છે ! મિલકત એકઠી કરવા સિવાય તેમને બીજો કોઈ વિકલ્પ જ દેખાતો નથી હોતો ! ખેર, કારણ કોઈ પણ હોય, પરિણામ એ આવે છે કે કોઈ પણ સમાજમાં અમુક લોકો પાસે જરૂર કરતાં વધારે જ મિલકત હોય છે. આવી વધારે મિલકતને એકઠી જ થયા દેવાનું એક તો પરિણામ છે ભવિષ્યમાં તેનાં વાસ્તવિક મૂલ્યમાં ઘટાડો થવો.
મહામહેનતે એકઠી કરેલી મિલકતનું ભવિષ્યમાં મૂલ્યને ઘટેલુ જોઇને હાથ ઘસતાં રહી જવા સિવાયના બીજા કોઈ (સારા) ઉપયોગ પણ હશે?
મિલકત – નાણાં વ્યવસ્થાપકોને હવાલે
આપણામાંનાં ઘણાં લોકો પોતાની મિલકતની વ્યવસ્થા કરવાનું કામ બેંક કે અન્ય વ્યવસ્થાપકોને સોંપી દેતાં હોય છે. આમ કરવા પાછળનો આશય નાણાંનો ઉપયોગ વધારે ઉત્પાદક વળતર આપે તે રીતે કરવાનો હોય છે. પરંતુ એ આશય સિદ્ધ થશે જ એની કોઈ નિશ્ચિતતા કે બાયંધરી નથી હોતી. નાણા વ્યવસ્થાપક ગમે તેટલો નિષ્ણાત હોય તો પણે સર્વજ્ઞાની ભવિષ્યવેતા તો નથી હોતો. એટલે ગમે તેટલા સારા આશયથી, સમજી વિચારીને, એમના દ્વારા કરવામાં આવેલ રોકાણ ધાર્યું વળતર ન આપી શકે, કે મિલ્કતમાં ઘટાડો કરે, એવું બની શકે. કદાચ ધાર્યું વળતર મળે તો પણ આપણા ભવિષ્યના ઉપયોગમાં તે અપેક્ષિત કક્ષાએ અસરકારક ન નીવડે એમ પણ બની શકે.
નાણા વ્યવસ્થાપકને વ્યવસ્થા કરવા સોંપેલી મિલ્કત એ આપણી પોતાની જ મિલ્કત હતી, છે અને રહેશે; આપણી પોતાની ભવિષ્યની જરૂરિયાતોને પુરી કરવા માટે એકઠી કરેલી એ આપણી જમાપુંજી છે. એ મિલ્કતની વ્યવસ્થાનું કામ કોઈ પણ નાણા વ્યવસ્થાપકને સોંપવા છતાં એ જમાપુંજીના રક્ષણ માટે કરીને પણ આપણે જમાપુંજીની સુરક્ષા અને વળતર જેવી બાબતો વિશે એ નાણા વ્યવસ્થાપકની કાર્યસિદ્ધિ બાબતે નિયમિત સમયાંતરે સમીક્ષા કરતાં રહેવું જરૂરી છે.
સમકક્ષ માપદંડોની, કે અન્ય સમકક્ષ વ્યવસ્થાપકોની, સરખામણીમાં આપણે વ્યવસ્થા માટે સોંપેલ મિલ્કત પરનું વળતર કે તેનું મૂલ્ય સંતોષકારક ન હોવા માટે જો કોઈ ભરોસાપાત્ર ખુલાસો ન મળતો હોય તો એ નાણા વ્યવસ્થાપક પાસેથી આપણા નાણાનો હવાલો પાછો લઈ લેવો જરૂરી બની રહે છે.
પણ જો આપણો એ નાણા વ્યવસ્થાપક આપણી મૂડી પર સારૂં વળતર અપાવતો હોય અને નાણાનાં ભાવિ મૂલ્યમાં વધારો પણ કરી રહેલ હોય, તો શું કરવું?
સંતાનો માટે મિલ્કત મુકી જવી
આપણામાંના મોટા ભાગનાં સામાન્ય લોકો માટે પોતાની મિલ્કત સંતાનોનાં સારાં અને સુરક્ષિત ભવિષ્ય માટે મુકી જવી એ એક માત્ર,અને સારામાં સારો પણ, વિકલ્પ હોય છે. ઘણા લોકો નાણા વ્યવસ્થાપકને મિલ્કતની વ્ય્વસ્થા સોંપતી વખતે તેમને આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને મિલ્કતની વ્યવસ્થા ગોઠવવાનું કહેતાં હોય છે. જોકે બહુ લાંબા ગાળે મિલ્કતનાં મૂલ્યમાં સંભવિત ઘટાડાનાં જોખમને ધ્યાનમાં લેતાં, પોતે મહામહેનતે રળેલી પુંજીને નાણા વ્યવસ્થાપકને હવાલે સોંપવી એ પોતા પુરતો જેટલો સારો ઉપાય ગણાય તેટલો સંતાનોના સંદર્ભે કદાચ વ્યાવહારિક ઉપાય ન પણ ગણાય.
સંતાનો માટે મિલ્કત મુકી જવાથી પોતાનાં સંતાનોને અન્યોનાં સંતાનો સાથેની હરિફાઈમાં પહેલેથી જ સારી શરૂઆતની વ્યવસ્થા પાકી કરી લેવાની ગણતરી મુકવી એ આપણા માટે કદાચ સહજ માની શકાય.. પરંતુ, આ મનોદશાને સ્વાર્થી ન ગણીએ તો પણ કંઈક અંશે સ્વકેન્દ્રી મનોદશા તો ગણી જ શકાય. સંતાનો માટે વારસામાં પોતાની મિલ્કત એ પેઢીને જે લોકો પોતાનાં સંતાનો માટે મિલ્કત નથી મુકી જઈ શક્યાં તેમની સરખામણીમાં દેખીતી રીતે ફાયદાકારક નીવડતી દેખાય. જોકે, આ નિર્ણયની નૈતિકતાને એક વાર ગણતરીમાં ન પણ લઈએ તો પણ, સંતાનો માટે મુકેલી મિલ્કત તેમને હરિફાઈમાં ફાયદાકારક નીવડશે જેવી કોઈ ખાત્રી ન મુકી શકાય.
આવો વિચાર જેમ આપણને આવે તેમ બીજાંઓને પણ આવે જ. તેમની પાસેનાં સાધન સંપત્તિ આપણા કરતાં વધારે હોય તો તેઓ આપણા કરતાં વધારે મિલ્કત પોતાનાં સંતાનો માટે મુકી જાય એવું પણ બને. સંતાનો માટે મિલ્કત મુકી જવાની આજની પેઢીની ઘેટાં ચાલની મનોદશાને કારણે સંતાનોની પેઢીનો સમય આવે ત્યારે બહુ વધારે નાણા અર્થતંત્રમાં ફરતાં થઈ જવા લાગે તો એ સમયે મિલ્કતની ઘટેલી વાસ્તવિક કિંમત નવી પેઢીને ખરેખર કેટલી કામ આવશે તે અનિશ્ચિતતા તો તોળાએલી જ રહેવાની.
તદુપરાંત, સંતાનોના હાથમાં વધારે મિલ્કત આવવાથી તેઓ પોતાનું ભવિષ્ય વધારે ઉજ્જવળ બનાવવા સક્ષમ થશે એવું પણ જરૂરી નથી. ઘણા કિસ્સાઓમાં, મોટાં થતાં પોતાના હાથમાં તો બાપીકી મિલ્કતનો દલ્લો મળશે એ વિચારે, પોતાની શક્તિઓ અને અપેક્ષાઓને ખીલવવા માટેની ઉમરે જ, સંતાનોની સ્વપ્રેરણા કુંઠિત થઈ જાય એવું પણ બને. એવા દાખલાઓ પણ જોવા મળતા જ હોય છે કે સંતાનોના અપરિપક્વ કે ઉતાવળા નિર્ણયો દ્વારા, કે બેજવાદાર અને ઉડાઉ આદતોને કારણે, વારસામાં મળેલી મિલ્કત રોળાઈ ટોળાઈ જતી હોય છે.
એકંદરે, સંતાનો માટે મિલ્કત મુકી જવાની સામુહિક મનોદશા એક તરફ એવા લાભથી વંચિત વર્ગને અસમાન પરિસ્થિતિમાં મુકી શકે છે તો વારસામાં મળતી સંપતિવાળાં સંતાનો માટે, ખરેખરની તેમજ દેખાદેખીની, હરિફાઈની પરિસ્થિતિ પેદા કરી મુકી શકે છે.
આમ, સંતાનો માટે મિલ્કત મુકી જવાનો વિચાર સંતાનોને મન શાંતિ અને સુરક્ષાની ભાવના નીવડવા કરતાં આપણાં મનને વધારે શાંતિ આપતો નીવડે.
વારસા દ્વારા સંપત્તિના હસ્તાંતરણને કારણે ભવિષ્યની પેઢીમાં ઊભી થનારી આર્થિક અસમાનતા સમાજના જુદા જુદા સ્તરનાં લોકોમાં સામાજિક ઘર્ષણનું કારણ બનતું નીવારવા માટે ઘણા દેશોમાં વારસા વેરો લાગુ કરવામાં આવતો હોય છે. વધારે સંપતિ ધરાવનાર અને ઓછી સંપતિ ધરાવનાર વર્ગો વચ્ચે અસમાનતા ઓછી કરવાના સારા આશયથી લાગુ કરાતો વારસા વેરાને કારણે લોકોની વ્યક્તિગત જિંદગીમાં થતી અપેક્ષિત તેમજ વણકલ્પેલી સારી તેમ જ અવળી આડ અસરો એ વળી વ્યક્તિગત અર્થવ્યવસ્થા માટે વિગતે વિચારવા લાયક એક સ્વતંત્ર વિષય બની રહે છે !
વર્તમાન ચર્ચાના સંદર્ભમાં તો એટલું જ નોંધવું પૂરતું કહી શકાય કે જરૂર કરતાં વધારે નાણાકીય સંપત્તિ નવી પેઢીની કલ્પનાશક્તિ અને સાહસવૃત્તિને કુંઠિત કરી મુકવાનાં જોખમની પરિસ્થિતિ પેદા કરી શકે છે. આમ થવાની એક મહત્ત્વની અસર એ પડી શકે છે કે નવી પેઢી મિલ્કત રચયિતા બનવાને બદલે મિલ્કત ઉપભોગતા બની રહે છે. ભૌતિક અને માનસિક રીતે સુસજ્જ, સશક્ત અને સ્વસંપોષિત સમાજને મિલ્કતના ઉપભોગતાઓ કરતાં મિલ્કતના રચયિતાઓની આવશ્યકતા વધારે છે. વ્યક્તિગત રીતે પણ એ પેઢીને પોતાની ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવા માટે હજુ પણ વધારે સંપત્તિની જ જરૂર રહેવાની છે.
જીવનની અર્થવ્યવસ્થાનો એક બોધપાઠ તો એ જ છે કે આપણી વ્યાખ્યા મુજબનાં સુખ માટે આપણે પોતે, પોતાની રીતે, પોતાની અર્થવ્યવસ્થા ગોઠવવાની છે તેમ જ નવી પેઢીએ પોતાનાં સુખની પોતાની વ્યાખ્યા અનુસાર પોતાની અર્થવ્યવસ્થાને સમજવાની અને ગોઠવવાની છે. જીવનની અર્થવ્ય્વસ્થાની સાચી સમજ એ છે કે આપણે આપણી પેઢીને ભવિષ્ય માટે નાણાકીય સંપતિનો વારસો આપવાને બદલે તેમને પોતાનાં સમયની સ્પર્ધામાં સરસાઈ મેળવતાં રહેવા માટે જરૂરી આવક, બચત અને મિલ્ક્ત ઉપાર્જન માટે, જ્ઞાન, સમજણ અને તાલીમ દ્વારા, સામર્થ્યવાન બનાવીએ. આપણી મિલ્ક્તનાં ઉપાર્જન પ્રક્રિયામાંથી આપણને મળેલા જીવનના અનુભવો આપણી નવી પેઢીને કામ આવે એ રીતે વારસામાં આપી જઈએ.
હવે પછી આપણે નાણાકીય મિલ્કતની વહેંચણી વિશે વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
રોટલો નહિ, છૂંદો!
શિશિર રામાવત
પુ‘સ્તકો વાંચવાનો કે ફિલ્મો-નાટકો જોવાનો મારી પાસે સમય જ નથી. કામમાંથી ફૂરસદ મળે તોને?’

આવું બોલતા પહેલાં કે ઈવન વિચારતા પહેલાં અટકી જજો. દેશને આઝાદી અપાવવા જેવું વિરાટ કામ કરવાનું હોવા છતાં ગાંધીજી જો વચ્ચે વચ્ચે નવલકથાઓ વાંચવાનો, એટલું જ નહીં, એનો રિવ્યુ કરવાનો સમય કાઢી લેતા હોય તો આપણે કઈ વાડીના મૂળા? ૧૯૩૫માં બ્રિટનની પાર્લામેન્ટમાં ગર્વમેન્ટ ઑફ ઈન્ડિયા એક્ટ પાસ થયો ને તે ભારતમાં લાગુ પણ પડ્યો. ભારતને આઝાદી તરફ દોરી જતું અંગ્રેજોનું આ પહેલું કાયદેસરનું પગલું. આ અરસામાં ગાંધીજીએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની વિખ્યાત ‘પૃથિવીવલ્લભ’ નવલકથા વાંચી. એને નવલકથાને બદલે ખરેખર તો લઘુનવલ કહેવી જોઈએ. માંડ ૧૭૦ પાનાંની, એક જ બેઠકમાં વાંચી શકાય એવી રસાળ અને ઘટનાપ્રચુર એવી આ ઐતિહાસિક કથા છે. માલવપતિ મુંજ તેના નાયક છે. ‘પૃથિવીવલ્લભ’ પરથી હિન્દી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં ફિલ્મો પણ બની છે.
‘પૃથિવીવલ્લભ’ વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને એક પત્ર લખ્યો. તેમાં નવલકથાની વિગતવાર સમીક્ષા કરી. પોતાને શા માટે આ નવલકથા ખાસ ન ગમી તેનાં કારણો પણ લખ્યાં. મુનશીએ સામો પત્ર લખીને ખુલાસા કર્યા. વાંચીને મજા પડી જાય એવો આ પત્રવ્યવહાર છે. ગાંધીજી ‘પૃથિવીવલ્લભ’નું શૉર્ટ ફૉર્મ ‘પૃ. વ.’ ને બદલે ‘પ્ર.વ.’ એ રીતે કરે છે. સેગાંવ, વર્ધા (મહારાષ્ટ્ર)થી ગાંધીજી લખે છેઃ
તા. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૬.
ભાઈ મુનશી,
કાકાસાહેબ તમારા પરિચયમાં ખૂબ આવી રહ્યા છે, તેથી તમારાં લખાણો વાંચવાની તક મેળવી લે છે. તેમણે ‘પૃથિવીવલ્લભ’ વાંચ્યું ને મને વાંચી જઈ તેની ઉપર અભિપ્રાય આપવાનો આગ્રહ કર્યો. ચાર દિવસ પહેલાં વાંચી નાખ્યું ને હવે મારો અભિપ્રાય તમને જ મોકલું છું. કાકાસાહેબ આ વાંચશે, તમે તો મને તમારાં કેટલાંક પુસ્તક જેલમાં જ મોકલ્યાં હતાં ત્યાં તો તેમાંનું કંઈ વાંચવા ન પામ્યો. તમે તે વખતે જ મારો અભિપ્રાય માગ્યો હતો. ‘પ્ર. વ.’ બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય તેવાં તમે ચીતર્યાં છે એમ કહું તો એ બરોબર બંધ નહીં બેસે. આ પંચરંગી દુનિયામાં કોઈક તો સારા હશે, દંભ વિનાના હશે, કોઈક તો વફાદાર હશે. મૃણાલના તમે ચૂરા કર્યા, વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની મોહક વાતમાં ને તેના ચાળામાં પોતાના હાથ હેઠે નાખી દે? માણસ વાંચે શાને સારું? કેવળ મોજ માણવા ને તે પણ કેવી? કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ન પડી. તેઓની પાસેથી કંઈક શીખ્યો. તમારી પાસેથી કેમ નહીં? તમે પોતે તો મને રૂપાળા લાગો છો. તમારી તરફ હું આકર્ષાયો છું. તમ બંનેની પાસેથી ઘણું મેળવવાની આશાઓ બાંધી રહ્યો છું. તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે (પ્ર.વ. ગણાય છે ના?) તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? આ મારી ગૂંચ કાકા થોડી જ ઉકેલી શકે? એ તો તમે જ ઉકેલી શકો. આનો જવાબ તુરંત આપવાપણું હોય જ નહીં.
હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કંઈક આમ છેઃ ‘મુંજનું શબ હાથીના પગ તળે છૂંદાઈ રોટલો બની પડ્યું.’ રોટલો શબ્દ તો સારો લાગ્યો પણ શરીરનો રોટલો બની જ ન શકે એ વિચાર્યું છે? ‘છૂંદો થઈ રહ્યું’ ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.
બાપુના આર્શીવાદ
કનૈયાલાલ મુનશીએ નવ દિવસ પછી એટલે કે પાંચમી ઑક્ટોબર, ૧૯૩૬ના રોજ ગાંધીજીને જવાબ લખ્યો, મુંબઈથી. મુનશીએ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી તેનાં બે વર્ષ પહેલાંની આ વાત. એમણે શું લખ્યું કાગળમાં? વાંચોઃ
પૂજ્ય બાપુજીની સેવામાં,
‘પૃથિવીવલ્લભ’ સંબંધી આપનો પત્ર વાંચી મને અજાયબી નથી થઈ. આ બાબતમાં આપનું દષ્ટિબિંદુ હું જાણું છું. અને ‘Gujarat and Its Literature’માં તે લખ્યું પણ છે.પણ મારા સ્વભાવે સાહિત્યસર્જનનો જુદો માર્ગ બતાવ્યો છે. હું સાહિત્ય માટે ઉપયોગિતાનું ધોરણ સ્વીકારી શક્યો નથી. આપે ‘Art for Art’s Sake’નો નમૂનો કાકાસાહેબ પાસે માંગ્યો હતો અને તેમણે ‘પૃ. વ.’ સૂચવ્યું હતું એમ કહેતા હતા.
આ વાર્તાનું વસ્તુ ગુજરાતમાં ૯મી કે ૧૦મી સદીમાં અપભ્રંશમાં લખાયેલા કાવ્યના અવશેષો અને ૧૫મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. ૧૯૧૪-૧૫માં યોગસૂત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન Superman અને જર્મન તત્ત્વજ્ઞાની નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવો Blonde Beastની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો, આમ ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્ત્વો જન્મ્યાં. આ ભેદ ‘માનવતાના આર્ષદર્શનો’ નામના આદિવચનમાં દર્શાવ્યો છે. (આ સાથે મોકલાવેલ ‘ગુજરાત, એક સાંસ્કૃતિક વ્યક્તિ’માં આવે છે.) કાલિદાસ અને શેક્સપિયર જેવું હું લખી શકું તો હું ગાંગો તેલી શા માટે રહું? રાજા ભોજ ન બનું?
બીજું, ‘પૃથિવીવલ્લભ’ ‘Literature of Inspiration’નો નમૂનો નથી, ‘Literature of Escape’નો છે, શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી, કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે. એ ચિત્રો ચિત્રકારની કલ્પનામાં પ્રચંડ સચોટતાથી તરી આવે છે એ જ એમનો જન્મી પડવાનો હક અને માતાની માફક ધારેલા એ બાળકને – પછી જેવું હોય તેવું – જન્મ દેવામાં જ લેખકનું સાફલ્ય.
જો એ રસદાયી નીવડે તો પછી શા સારુ એને બીજાં ધોરણો વડે ડામવું? રસદાયિત્વ એ ધોરણ શા માટે નહીં? સેફોનાં ઉર્મિગીત, જયદેવનું ગીતગોવિંદ, નરસિંહની રામસહસ્ત્રપદી, શેલીનું Epipsychidion, આનાતોલ ફ્રાન્સનું Thais – આ બધાં આવા કોઈ જ નિયમને વશ થઈ, સર્જકની કલ્પનામાંથી બહાર પડ્યાં. એમાંથી શીખવાનું ન જડે, પણ યુગે યુગે માનવહૃદય એ વાંચવા ઝંખે છે.
આવા જ કુલનું એક નજીવું પુસ્તક ‘પૃ. વ.’ છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું – આચારે કૈંક સીધો છું. તો પણ મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ ને પાત્રો બની બહાર પડે છે, અને પછી તેમને લખી નાખું છું – કે લખી નાખવાં પડે છે. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે – શીખવવાના કે પ્રેરવાના હેતુઓ નહીં – પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી.
આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. स्वभावनियतं कर्म कुर्वंन्नाप्नोति किल्विषम् – એ ન્યાયે એ સ્વધર્મ પર સાહિત્ય સિદ્ધાંત રચ્યો છેઃ કલ્પના જે સરસ વસ્તુ સર્જે તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે. મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે, તો તે જ પ્રમાણે કૈવલ્યપદ પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બંને રીતે દુખનો आत्यन्तिक अभाव – પરમ આનંદ – મળી શકે તો એ બે પ્રયોગ સરખા થઈ રહે – આ એક દષ્ટિબિંદુ!
પછી આ જ પત્રમાં બીજી થોડી વાતો લખીને મુનશી અંતે ઉમેરે છેઃ
‘પૃથિવીવલ્લભ’ મારી સારામાં સારી કૃતિ કેટલાક ગણે છે. ઘણા ‘વેરની વસૂલાત’ ગણે છે. એમાં ‘કર્મયોગ’ની ભાવના પર કેટલાંક સ્ત્રીપુરુષો ચીતર્યા છે. આપ હિંદુસ્થાન આવ્યા તે પહેલાં લખી હતી – એટલે કેટલાક રંગ પૂરવા રહી ગયા છે. આ બધાં પુસ્તકો વાંચવા માટે નથી મોકલાવતો. કોઈક વાર વખત ને રુચિ હોય તો ડોકિયું કરજો. એમ તો નહીં જ લાગે કે હું ‘પૃ. વ.’ ને ‘બ્રહ્મચર્યાશ્રમ’ જ લખ્યા કરું છું.
હવે તો પરિષદમાં મળશું.
લિ. ક. મા. મુનશીના પ્રણામ
મુનશીના આ પત્રમાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદરભાવ છલકાય છે. તેમણે ખૂબ વિવેકપૂર્વક લખ્યું છે અને છતાંય એક નવલકથાકાર તરીકે માનસિક સ્પષ્ટતા છે અને ખુદની સર્જનશક્તિ પર એમને જ ગર્વ છે તે ભરપૂર દઢતાથી વ્યક્ત કર્યા છે! ગાંધીજીને ‘શરીરનો રોટલો થઈ ગયો’ શબ્દપ્રયોગ સામે વાંધો પડ્યો હતો. તેના વિશે ખુલાસો કરવાનું મુનશી ચૂકતા નથી. આ જ પત્રમાં સાવ છેલ્લે તાજા કલમ કરીને તેઓ ઉમેરે છેઃ
‘તા.ક. શરીરનો દબાઈને રોટલો કેમ ન થાય – ચપ્પટ બની જાય તો? એ ભરૂચી ઇડિયમ છે.’
ખરેખર, ભવ્ય પુરુષો હતા ગાંધીજી અને મુનશી. આ આખા પત્રવ્યવહાર પરથી આપણે એક જ વસ્તુ શીખવાની છેઃ મારી પાસે સમય નથી એવા બહાનાં ભુલેચુકેય નહીં કાઢવાનાં! દેશને આઝાદી અપાવવા જેવા ભગીરથ કાર્યની વચ્ચે મુનશી જો નવલકથાઓ લખી શકતા હોય અને ગાંઘીજી તે ધ્યાનપૂર્વક વાંચીને પત્રમાં એનો રિવ્યુ લખી શકતા હોય તો આપણને ‘મારી પાસે ટાઈમ નથી’ એવું વિચારવાનો પણ હક નથી!
(Source: http://shishir-ramavat.blogspot.com/)
સ્રોત સૌજન્ય:
