-
‘મેરી અખિંયા તરસ ગઈ અબ તો આજા…
પારુલ ખખ્ખર
આજથી ૫૦૦૦ વર્ષ પહેલા કૃષ્ણ નામે એક યુગપુરુષ આવ્યા, અદભુત જીવન જીવી ગયા અને વચન આપતા ગયા કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થશે અને અધર્મનો ઉદય થશે ત્યારે ધર્મનું સંસ્થાપન કરવા હું ફરીફરી અવતાર લઇશ.જ્યારે જ્યારે અસુરોનો ત્રાસ વધી જાશે ત્યારે ત્યારે મારા વ્હાલા ભક્તોનું રક્ષણ કરવા હું જન્મ લઇશ.બસ ત્યારથી સમગ્ર માનવજાતિ તેના પુનરાગમનની કાગડોળે રાહ જોઇ રહી છે. દર વર્ષે શ્રાવણ વદ આઠમની મેઘલી રાતે એનો જન્મોત્સવ હરખભેર ઉજવે છે.વર્ષ ૨૦૧૫ માં આકાશવાણી દ્વારા દ્વારિકાના પ્રસિદ્ધ જગતમંદિરમાંથી કૃષ્ણજન્મની લાઇવ કોમેન્ટ્રી આપવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું અને જાણે મારો તો આ અવતાર સફળ થયો. તો ચાલો મિત્રો..એ અલૌકિક અનુભવની એક ઝાંખી આપ સૌ સાથે શેર કરું છું.
દ્વારિકા એટલે ભારતના ચારધામ પૈકીનુ એક ધામ,
દ્વારિકા એટલે ભારતની સાત પાવન નગરીઓ પૈકીની એક નગરી,
દ્વારિકા એટલે ૧૨ જ્યોતિર્લીંગ પૈકીના ‘નાગેશ્વરમ’ જ્યોતિર્લીંગનું ઉદભવસ્થાન,
દ્વારિકા એટલે આદ્યશંકરાચાર્ય એ સ્થાપેલ ચાર મઠ પૈકીની એક ‘શારદાપીઠ’
દ્વારિકા એટલે વલ્લભાચાર્યજીની ૮૪ બેઠક પૈકીની એક બેઠક.આવી પુણ્યભુમી પર ભગવાન ન પધારે તો જ નવાઇ! પુરાણકથા કહે છે કે કૃષ્ણએ કંસનો વધ કર્યો હોવાથી કંસના સસરા જરાસંઘે કૃષ્ણ તથા સમગ્ર યાદવકૂળનો નાશ કરવાનું નક્કી કર્યું હતું.તે વારંવાર મથુરા પર આક્રમણ કરતો હતો અને દર વખતે હારીને પાછો જતો હતો. સોળ-સોળ વખત આક્રમણને ખાળ્યા પછી મથુરાના જાનમાલને ખાસ્સુ નુકશાન પહોંચ્યુ હતું.લોકો યુદ્ધ કરીકરીને થાકી ગયા હતાં તેથી જ્યારે સતરમી વખત જરાસંઘ યુદ્ધ કરવા આવ્યો ત્યારે કૃષ્ણ સમગ્ર યાદવવંશને લઇને મથુરા છોડી ચાલી નીકળ્યા યુદ્ધ છોડીને ભાગ્યા હોવાથી ‘રણછોડરાય’ કહેવાયા.યાદવકૂળના પુનઃવસવાટ માટે તેમણે ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ પર આવેલી કુશસ્થલી નગરી પર પસંદગી ઉતારી.
આ નગર પર એક સમયે બલરામના સસરા રૈવતનું શાસન ચાલતું હતું.જીર્ણ અવસ્થામાં રહેલી આ નગરીની કૃષ્ણએ વિશ્વકર્માની મદદથી પુનર્રચના કરી તેને દ્વારિકા નામ આપ્યું.નગરને બાવન દ્વાર હોવાથી તે દ્વારિકા કહેવાઇ.કૃષ્ણના દેહવિલય અને યાદવકુળના નાશ પછી કૃષ્ણના એકમાત્ર વંશજ પૌત્ર વ્રજનાભ બચ્યા હતાં. હસ્તિનાપુરથી અર્જુન આવ્યા અને સ્ત્રીઓ,બાળકોને અને વ્રજનાભને સાથે લઇ ગયા.મથુરાની આસપાસનો વિસ્તાર વ્રજનાભના નામે કર્યો અને તેથી એ વિસ્તાર ‘વ્રજમંડલ’ તરીકે ઓળખાય છે. વર્ષો પછી પોતાના પુર્વજોની યાદમાં વ્રજનાભે દ્વારિકામાં ‘જગતમંદિર’ બંધાવ્યું. મુખ્ય મંદિરમા દ્વારિકાધીશ બીરાજે છે જ્યારે મંદિરના પરિસરમા કૃષ્ણ પરિવારના સભ્યોના મંદિર આવેલા છે.મંદિર પર ભગવાન દ્વારિકાધીશની યશગાથા સમી બાવન ગજની ધજા લહેરાઇ રહી છે જે દસ કીલોમીટર દૂરથી પણ દેખાય છે.છપ્પન કોટિ યાદવોના છપ્પન શાસકોમા મુખ્ય કૃષ્ણ, બલરામ,અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન હતા, અન્ય બાવન શાસકોની એકતાના પ્રતિક રુપે મુખ્ય ચાર ટુકડા અને ફરતે બાવન ત્રિકોણાકાર ટુકડાઓ જોડીને સીવાયેલી આ ધજા દિવસમા પાંચ વખત બદલાવવામાં આવે છે.
એક કથા મુજબ કૃષ્ણના એક અનન્ય ભક્ત બોડાણાજી દરરોજ ભગવાનની ઝાંખી કરવા ડાકોરથી દ્વારકા આવતા, તેમની ભક્તિથી પ્રસન્ન થઇ એક વખત ભગવાન મુર્તિ સ્વરુપે જ તેમની સાથે ચાલતા થયા. પૂજારીઓ એ રસ્તો રોકી બોડાણાજીને કહ્યું આપ આ રીતે અમારા આરધ્યદેવને ન લઇ જઇ શકો અમારા ભગવાન અમને પાછા આપો, બોડાણાજી કહે જે જોઇએ તે માંગી લો પણ ભગવાન મને આપો. છેવટે મુર્તિને ભારોભાર સોનુ આપવાની શરતે પૂજારીઓ સંમત થયા. બોડાણાજી પાસે માત્ર એક નાકની વાળી જ હતી તેમ છતાં મારો વ્હાલો પોતાના ભક્તના પ્રેમની સામે ફક્ત વાળીના ભારે જોખાઇ ગયો !ત્યારથી કાળા પથ્થરમાંથી બનેલ મૂળ મુર્તિ ડાકોરમાં બીરાજે છે અને તેની પ્રતિકૃતિ સમાન શાલીગ્રામમાંથી બનાવેલ મુર્તિ હાલ દ્વારિકામાં બીરાજે છે. ખૈર…કણકણમાં વસતો પ્રભુ એમની બનાવેલી દરેક મુર્તિમાં સાક્ષાત બીરાજમાન રહી તેમનું જીવન ચલાવે છે એવી ભાવના દ્રઢ થાય તો જ્યાં છો ત્યાંજ દ્વારિકા છે એમ સમજવું.
મિત્રો, કૃષ્ણ વિશેની અનેક વાતો/વાર્તાઓ હૈયાવગી છે પણ શું કહેવું? કેટલું કહેવું? આજે એમના અનેક રુપ આંખ સામે તરવરી રહ્યા છે.એ ગોકુળમાં ગાયો ચરાવે અને એ કાળી નાગને પણ નાથે, એ વાંસળી વગાડે અને શંખ પણ ફૂંકે, એ ગોપીઓના ચીરહરણ કરે અને દ્રૌપદીના ચીર પણ પૂરે,એ માખણ ચોરે અને માતાને મુખમાં બ્રહ્માંડ પણ બતાવે,એ અર્જુનના સારથી બને અને શસ્ત્ર નહી ઉપાડવાનું વચન પણ લે, એ એંઠી પતરાવળીઓ ઉપાડે અને શીશુપાલનો વધ પણ કરે,એ રાસ રમે અને ગીતા જ્ઞાન પણ આપે. એ પૂતનાને મારે અને ગોવર્ધન પણ ઊંચકે. એના વિશે જે પણ કહીએ એ ઓછું જ પડે એવો મારા કાનાએ જે જ્ગ્યા પર રાજા બનીને ૩૬ વર્ષ રાજ કર્યુ એ પાવન જગ્યા પર ઊંભા રહી એના જ ગુણગાન ગાવાનો મને લ્હાવો મળ્યો એ માટે હું એની જ આભારી છું.
પાંચ સપ્ટેમ્બર ૨૦૧૫ની એ રાતનું શું વર્ણન કરું? આખું મંદિર નવોઢાની જેમ સાજ સજીને ઊભું હતું છેક શિખર સુધી અવનવી લાઇટોથી ઝળહળી રહ્યું હતું.ઠેરઠેર ફુલ તથા આસોપાલવનાં તોરણો બંધાયા હતા. ગર્ભગૃહની સજાવટ ઊડીને આંખે વળગે તેવી નયનરમ્ય હતી.ક્યાંક ચંદન ઘસાઇ રહ્યું હતું તો ક્યાં ફૂલોની માળા ગૂંથાઇ રહી હતી.ક્યાંક ધીમા સૂરે બાંસરી વાદન થઇ રહ્યું હતું.ચોકમાં ગૂગળી બ્રહ્મણ પરિવારના સભ્યો ભેગા મળી પુરુષસૂક્તમ્ ગાઇ રહ્યાં હતા.
નવ વાગતા સુધીમાં આખું મંદિર ખાલી કરી દેવામાં આવ્યું હતું માત્ર બ્રાહ્મણ પરિવારના સભ્યો, દૂરદર્શન તથા આકાશવાણી ટીમના સભ્યો અને સુરક્ષાકર્મીઓ સિવાય કોઇ જ જોવા ન મળે. બધા જ મંદિરોનાં દ્વાર વાસી દેવામાં આવ્યા હતા.સમગ્ર વાતાવરણમાં કૃષ્ણજન્મની આતુરતા છવાઇ ગઇ હતી.ધીમેધીમે ઘડીયાલનો કાંટો બાર વાગવા તરફ આગળ વધી રહ્યો હતો. બરાબર બારને ટકોરે ગર્ભગૃહમાંથી જોરદાર શંખનાદ થયો અને ‘કૃષ્ણ કનૈયાલાલકી જય’નો ધ્વની સંભળાયો અને જાણે આખું દ્વારકા ભાવસમાધીમાં લાગી ગયું. હાજર રહેલા તમામનાં હાથ આપોઆપ જોડાઇ ગયા અને સૌ ‘નંદ ઘેર આનંધ ભયો જય કનૈયા લાલકી’ ગાવા લાગ્યા. અમુક ઉત્સાહી યુવાનો નૃત્ય કરવા લાગ્યા, બહેનો ગોપીભાવથી રાસ રમવા લાગી, અબીલ ગુલાલની છોળો ઉડવા લાગી,ઢોલ-નગારા-ત્રાંસા-શરણાઇનાં દિવ્યનાદમાં સૌ ડૂબવા લાગ્યાં.ત્રણત્રણ કલાકથી કૃષ્ણ દર્શન માટે આતુરતાથી રાહ જોઇ રહેલો ભક્તસમુદાય જાણે ગાંડો થયો હોય તેમ મંદિરમાં ધસી આવવા લાગ્યો..
મંદિરના ગર્ભગૃહની ડાબી તરફ આવેલ આરસપહાણનાં સિંહાસન પર બેસી વર્ષો પહેલા કદાચ શંકરાચાર્યજી કે વલ્લભાચાર્યજી એ સભાને સંબોધીને બ્રહ્મજ્ઞાન આપ્યું હશે એ જગ્યા પર બેસી હું આ સમગ્ર ઘટનાક્રમની સાક્ષી બનીને સંજયનું પાત્ર નિભાવી રહી હતી. મારી આંખ સામે દેખાઇ રહેલ એ અલૌકિક દૃશ્યો હું મારી વાણી દ્વારા ભક્તજનો સુધી પહોંચાડી રહી હતી.નિજમંદિરમાં ભગવાન દ્વારિકાધીશ કેસરીયા વાઘા અને રત્નાભૂષણોથી શોભી રહ્યા હતા.ચારે તરફ એક અજબ ઉતેજનાનું વાતાવરણ રચાઇ ગયું હતું. ગાયન-વાદન-નૃત્યનો અનોખો સંગમ રચાયો હતો. એક અજબ મોહીની છવાઇ હતી. સમગ્ર સૃષ્ટિ કૃષ્ણના આગમનને વધાવી રહી હોય તેમ એક ઉલ્લાસમય ભરતી દરેકનાં હૃદયમાં છવાઇ રહી હતી. બધા લોકો તાળી પાડીપાડીને ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી’ નો જયઘોષ કરી રહ્યાં હતાં.ધકામુક્કી હોવા છતાં સૌ કોઇ વ્હાલાની એક ઝલક જોવા તલપાપડ થયાં હતાં. આખરે ટેરો હટ્યો અને ભગવાન દ્વારિકાધિશના દર્શન ખુલ્યાં.જાણે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યુ અને આખા જનસમુહ પર ફરી વળ્યુ.હું પણ એમાંથી બાકાત ન રહી. ક્યારે હાથ જોડાયા, ક્યારે આંખો છલકાઇ, ક્યારે હૃદય ભીજાયું,ક્યારે શરીર દંડવત્તની મુદ્રામાં ઢળી પડ્યું કંઇ સુધબુધ ન રહી.મારો વ્હાલો હળવેકથી આવ્યો મને હાથ ઝાલી ને બેઠી કરી….મને બોલાવી ,ઝુલાવી,વ્હાલી કરી અને હું ધન્ય બની, કૃતકૃત્ય બની, જાણે આ જન્મારો સફળ થયો.
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ચોથો : પ્રવેશ ૩ જો

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ચોથો: પ્રવેશ ૨ થી આગળ
અંક ચોથો
પ્રવેશ ૩ જો
સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસનું શયનગૃહ.
[લીલાવતી અને મંજરી શયનગૃહમાં શણગારતાં પ્રવેશ કરે છે. રાઈ અને શીતલસિંહ ઊંચે બારીમાં ઝુમ્મર પાછળ છાનાં બેઠેલા છે.]
શીતલસિંહ : (હળવેથી) ધોળો ગાળો પહેર્યો છે તે રાણી લીલાવતી અને છાયલ પહેર્યું છે તે એમની દાસી મંજરી.
રાઈ : (હળવે) વસ્ત્રની નિશાની વિના કાન્તિથી પણ કોણ કયું તે જણાઈ આવે છે.
મંજરી : (પલંગે તોરણ બાંધતા) આ મોટાં મોતીનું તોરણ પલંગે શું કામ બંધાવો છો ? પલંગની છત્રી ઝીણાં મોતીની જાળીની છે તે બસ છે. પલંગ કરતાં શયનગૃહને બારણે એ તોરણ બાંધ્યું હોય તો વધારે ન શોભે?
લીલાવતી : બારણે તો હું એકલી જ રહીશ. ત્યાં ઊભી રહીને મહારાજને આવકાર દઈશ. બારણે મારી આંખોનું તોરણ બાંધ્યું હશે અને તેની નીચે મારું હૈયું હીરો થઈ લટકતું હશે ત્યાં મહારાજની દૃષ્ટિ બારણે બીજા કશા પર શી રીતે જવાની ?
મંજરી : મહરાજ તો આપને તરત ઓળખશે, પણ આપ મહારાજને ઓળખ્યા પહેલા જ આંખોનુ તોરણ બાંધશો અને હૈયાનો હીરો લટકાવશો?
લીલાવતી : શરીરની આકૃતિથી મહારાજ ઓળખાય એવા રહ્યા નહિ હોય, પણ મારા તરફની હ્રદય વૃત્તિથી મહારાજ ઢાંક્યા વિના રહેવાના છે? પહેલે જ દૃષ્ટિપાતે હું તેમને ઓળખી કાઢીશ.
મંજરી : મહારાજ અહીં ક્યારે પધારશે.
લીલાવતી : જોશી કાલે મહૂર્ત આપશે, પણ હું પ્રધાનજીને કહેડાવવાની છું કે મહારાજની સવારી ઊતરે તેવા તરત જ મહારાજ મારા આવાસમાં આવે અને પછી દરબારમાં જાય એવી ગોઠવણ કરજો.
મંજરી : આપ મહારાજને મળાવા બહુ અધીરાં થયેલાં છો, મહારાજ પોતે પહેલાં આપની પસે આવવાની ગોઠવણ કરવા કહેવડાવે છે કે નહિ એ જોવા ઉપર બાકી રાખોને? એમ મહારાજને પણ અધીરાઈ છે કે નહિ તેની પરીક્ષા થશે.
લીલાવતી : મારે એવી પરીક્ષાનું જોખમ નથી વહોરવું. કદાચ, મહારાજ ઘણાં કામના વ્યવસાયમાં એવી સૂચના કરવાનું ભૂલી જાય. મહારાજ મને મળવાને ઉત્કંઠિત નથી એવા આભાસથી મારા હ્રદય ઉપર જે આધાત થાય તે હું કેમ સહન કરી શકું. પણ, હું એ ભૂલી ને તુંયે ભૂલી. મહારાજની પરીક્ષા શાની હોય ? અને તેમને ઉત્કંઠા વિશે શંકા શાની હોય? મારે ખાતર તો મહારાજ છ માસનું કેદખાનું ભોગવી આવે છે.
મંજરી : આપની ખાતર કે પોતાની ખાતર ?
લીલાવતી : મંજરી ! આજ તને કંઈ વાયુની અસર છે?
મંજરી : હું તો હમેશના જેવી જ છું. આપની રજા હોય તો બોલું.
લીલાવતી : બોલ. હું તને બોલવાની ક્યારે ના કહું છું?
મંજરી : મહરાજ જુવાન થયા તે આપની ખાતર શા માટે?
લીલાવતી : મને પ્રસન્ન કરવા અને મારાં સુખ પરિપૂર્ણ કરવા જુવાન થયા.
મંજરી : મહારાજ વૃદ્ધ હતા ત્યારે આપ પ્રસન્ન અને સુખી નહોતાં ? આપ મહારાજને ચાહો છો કે જુવાનીને ચાહો છો ?
લીલાવતી : આવા વિનય વગરના પ્રશ્ન પૂછવાનું તું ક્યાંથી શીખી આવી?
મંજરી : આપની રજા છે માટે બોલું છું. હું તો માનું છું કે આપને કાંઈ ઓછાપણું નહોતું, પણ મહારાજને પોતાને ઘડપણમાં ઓછાપણું લાગતું હતું તેથી જુવાન થયા.
લીલાવતી : મંજરી ! તું પંડિત થઈ છે !
મંજરી : આ છ મહિના આપે મને આપની પાસે બેસાડી પ્રેમની ઘણી ચોપડીઓ વંચાવી છે, તેથી હું પ્રેમપંડિત થઈ હોઉં તો કોણ જાણે ! બીજી કોઈ પંડિતાઈ તો મને નથી આવડતી. પણ, હું ખોટું કહું છું ? આપે કંઈ મહારાજને જુવાન થઈ આવવાનું કહ્યું હતું?
લીલાવતી : મારી અને મહારાજની ખાનગી વાત તને કહેવાનો મારો વિચાર નથી. તારા વરને છ માસમાં એંસી વર્ષનો ઘરડો બનાવી દેવાનું પેલા વૈદ્યરાજને મહારાજ પાસે કહેવડાવીશું, એટલે તારા મનના બધા ખુલાસા થઈ જશે.
મંજરી : ઘરડાં થઈ જવાને તો વૈદ્યની ય જરૂર પડતી નથી અને રાજાની આજ્ઞાનીય જરૂર પડતી નથી.
લીલાવતી : ત્યારે દુર્ભાગ્યની જરૂર પડે છે ?
મંજરી : દુર્ભાગ્ય પણ હોય કે સુભાગ્ય પણ હોય.
લીલાવતી : પલંગે તોરણ બાંધ્યું. હેવે ભીંતે આ પૂતાળાં જડેલાં છે, તે દરેકના હાથમાં આ અકેકું દર્પણ મૂક. પૂતળાના બિલોરી કાચ સાથે દરપ્નની સોનેરી તક્તી બહુ દીપશે.
મંજરી : મહેલમાં દર્પણ મૂકવાની મહારાજની મના હતી.
લીલાવતી : હવે મહારાજ દર્પણની મના કરશે?
મંજરી : રજ વિના દર્પણ કેમ મૂક્યા એમ મહારાજ પૂછશે તો ?
(અનુષ્ટુપ)
દર્પણે દોષને માટે પ્રાયશ્ચિત્ત કરેલું છે;
જામીન છું, હવે દેશે પ્રતિબિમ્બ મનોમન. ૪૫તે છતાં મહારાજને દર્પણની અણપતીજ રહી હશે તો તેમની સામે મુખ રાખી અને ભુજ સાથે ભુજ ગૂંથી હું મહારજને દર્પણ પાસે લઈ જઈશ.
રાઈ : (હળવેથી) શીતલસિંહ મારાથી દૂર ન જશો.
શીતલસિંહ : (હળવેથી) હું આપની પાસે જ છું. પણ એવું શું ?
રાઈ : (હળવેથી) એવું ઘણું છે.
મંજરી : દર્પણ પાસે લઈ જઈ મહારાજની શી ખાતરી કરશો.
લીલાવતી : તું કલાવીને પૂછી લે છે અને મારાથી બોલાઈ જાશે. બહુ પટામણી છે !
મંજરી : હું પૂછું છું કંઈ ને આપ કહો છો કંઈ. મેં એમ પૂછ્યું કે રજા વિના દર્પણ મૂકયાનું કારણ શું બતાવીશું, ત્યારે તમે મનમાં ધારી મૂકેલા કોડાની વાત બોલ્યા. એમાં મેં શું પટાવ્યું.
લીલાવતી : કોઈ પૂતળું દરપના વિનાનું રહ્યું નથી. હવે, ગોખલામાં
કોતરેલાં આ બધાં કમળની પાંખડીઓમાં લાલા રંગ ચીતરવા લાગ. આછી ને ઘેરી છાયામાં ભૂલ ન કરીશ.
મંજરી : કોઈ કમળ ભૂરાં ચીતરવાં નથી ?
લીલાવતી : મહારાજાને લાલ કમળ જ ઘણાં ગમે છે. એમની ઉપમા હંમેશ લાલ કમળની હોય છે. તે દિવસે મેં લાલ ચૂંદડી પહેરી હતી ત્યારે… પણ, પાછી તેં મને વાતમાં નાખી દીધી.
મંજરી : મેં તો કંઈ વાટમાઆમ નાંખ્યા નથી. અમથાં ઝબકી ઉઠી મારો વાંક કાઢો છો.
લીલાવતી : હું કાંઈ ઊંઘમાં છું કે ઝબકી ઊઠું ?
મંજરી : ઊંઘમાં તો નહિ, પણ ઘેનમાં છો ?
લીલાવતી : વળી ઘેનમાં શી રીતે ?
મંજરી : ઘેનમાં ના હો તો રાતે રંગ પૂરવાનું લઈ બેસો ?
લીલાવતી : જોશી કાલે મુહૂર્ત આપવાના છે, એ ખબર આવી કે તરત જ આવાસ શણગારવાનું શરૂ કર્યું છે. હવે વખત બહુ થોડો રહ્યો છે, અને વળી, દરેક કમળની બે બાજુએ બે દીવા આવશે. તેથી આ રંગ તો જેમ વહેલા પૂર્યા હોય તેમ સારું કે સુકાય અને દીપે. પણ, મંજરી ! તને એક વાત કહેવી તો હું ભૂલી જ જાઉં છું. પેલી જાલકા માલણ ઘણે મહિને આજ સવારે આવી હતી. એ પરદેશ ગઈ હતી ત્યાંથી નકશીવાળી સોનાના બે ખૂમચા લાવી છે તે નજરાણામાં આપી ગઈ છે. પેલા બાજઠ પર મૂક્યા છે તે લાવ.
[મંજરી લાવે છે.]
જો ! બંને પર બહુ સુંદર મીનાકારી કામ છે. તેમાં પહેલાંના રાજાનો રત્નદીપદેવના સમયના ચિત્ર છે. એક ખૂમચામાં એ રાજાનો દરબાર દેખાડ્યો છે અને બીજામાં એ રાજા જે યુદ્ધમાં ઉતરેલા તેનો વૃતાંત ચીતર્યો છે,
એમ જાલકા કહેતી હતી. કોઈ ઠેકાણે એ ખૂમચા વેચાતા હતા, ત્યાંથી મહેલમાં મૂકવા સારું એ લઈ આવી. જાલકા કહી ગઈ છે કે મહારાજ પધારશે ત્યારે એ ખૂમચામાં મૂકવા ફૂલ આપી જઈશ અને પલંગ પર પાથરવા ફૂલની ચાદર આપી જઈશ.
શીતલસિંહ : (હળવેથી) આપના સુખ માટે જાલકાએ કેટલી તજવીજ કરી છે !
રાઈ : (હળવેથી) વૈભવના અને યુદ્ધના દર્શનથી મને પ્રોત્સાહિત કરવાની અને ઠેઠ સુધી મારા ઉપર દેખરેખ રાખવાની જાલકાની એ તજવીજ છે. પણ રાણીને એકાએક શું થયું ?
[મંજરીને ખભે માથું નાખીને લીલાવતી નિસાસો નાંખે છે.]
મંજરી : આપની પ્રકૃતિ કંઈ બગડી આવી?
લીલાવતી : મંજરી ! આ ખૂમચા પરના જૂના વૃત્તાંત જોઈ મને એથી પણ જૂના વૃત્તાંતનું સ્મરણ થાય છે, અને ભયભરેલી શંકાઓ થાય છે. મહારાજનું કુટુંબ મૂળ દેશમાં હતું. ત્યાં મહારાજના પિતાનો પુત્ર નહોતો. તેથી પહેલી રાણીના મરણ પછી તેઓ બીજી યુવાન રાણી પરણેલા, અને બે-ત્રણ વર્ષમાં એ રાણીને પુત્ર ના થયો ત્યારે ત્રીજી રાણી પરણેલા. ત્રીજી રાણીને પેટે મહારાજ અવતર્યાં. પછી તેમના પિતાએ બીજી રાણીને કેવળ વિસારી મૂકેલાં ને અંતે ઝૂરી ઝૂરીને મારી ગયેલાં. એ બીજી રાણી જેવી મારી દશા થશે તો હું શું કરીશ ? મહારાજનું યૌવન જ મને શાપરૂપ નહિ થઈ પડે? આ બધો શણગાર મારો ઉપહાસ કરનારો નહિ નીવડે?
મંજરી : છેક છૂટી મૂકી દીધેલી કલ્પના આખરે ખોટા તરંગ સાથે અથડાઈ પડી ! બા સાહેબ, સ્વસ્થા થાઓ. મહારાજનો આપના ઉપર અપાર પ્રેમ છે.
લીલાવતી : મહારાજના પ્રેમ વિષે મને સંદેહ છે જ નહિ, પણ મારી ઉત્સુકતા શંકાઓ ઉત્પન્ન કરી મને વિહ્વળ કરે છે.
(અનુષ્ટુપ)
દિશા કે કાલનું પ્રેમે અન્તર હું સહી શકું;
અન્તર થાય શંકાનું તે તો હાય ! અસહ્ય છે! ૪૭મંજરી : આપા અત્યારે બીજા ખંડમાં જઈ આરામ કરશો તો શયનગૃહ શણગારવાનું કામ સવારે સારું થશે ને વહેલું થશે. ચાલો.
[બંને જાય છે]
શીતલસિંહ : આપ કેમ વ્યગ્ર દેખાઓ છો !
રાઈ :
(વસંતતિલકા)
ક્યાં વર્તમાનતણી ભાવિશું થાય સંધિ
તે ઝંખવા ઊંચું ઉડે મુજા ચિત્ત વેગે;
સીમા અભેદ્ય નડતી સઘળી દિશામાં,
પાછું પડી ભમી ભમી ગુંચવાય ચિત્ત. ૪૮આ મહેલની હવાથી આપણે ગોંધાઈ ગયા છીએ. ચાલો બહારની ખુલ્લ્લી હવાનો આશ્રય લઈએ.
[બંને બારીથી જાય છે]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
ફાગણ પીધો રે / અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
રક્ષા શુક્લમેં તો ફાગણ પીધો રે ચકચૂર.
ફોરમ ગાય ફટાણાં, ઊમટયાં લયના ઘોડાપુર,
મેં તો ફાગણ પીધો રે ચકચૂર.ફૂલ કોઈ ઊઘડીને ટાંચણ મૂકે કે અહીં આવી સુગંધ જરી પીવો,
અજવાળાં પ્હેરીને પડખામાં ઊભો‘તો ઝળહળતો અક્ષરનો દીવો.
પચરંગી પાઘડિયું પ્હેરીને ફૂલ કહે મઘમઘતું મહેકીને જીવો,ગીતોમાં ગરમાળો, શ્વાસોમાં સુરભિના
સરનામાં પ્રોવીને સીવો.કેસરિયો કાગળ ‘ને અર્થો ઝૂલે ગાંડાતૂર.
મેં તો ફાગણ પીધો રે ચકચૂર.ઓચિંતું પંખી એકાદ ઊડી આવે ‘ને ટહુંકાના ચેકને વટાવે,
હિલ્લોળા લેતી કૈં ગીતોની ડાળીઓ ત્યાં જ
મને ઝૂલવા પટાવે.
પહેલા એ ખોબો દઈ ઊભા આ શ્વાસોનેપડતા- આખડતા બચાવે,
ધીરેથી ભીતરમાં તંબુ એ તાણીને ગમતીલી ધાંધલ મચાવે.કંકુવરણી પગલી પર કૂંપળ ફૂટી ઘેઘૂર,
મેં તો ફાગણ પીધો રે ચકચૂર.
સુરેશ દલાલ
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયાઅમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…
અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા
અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…
અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા
અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…
અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા
અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા… -
વાદ્યવિશેષ : (૧૧) – તંતુવાદ્યો (૭) : સરોદ
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
હિન્દુસ્તાની શાસ્ત્રીય વાદ્યસંગીતમાં સરોદ અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. મૂળ અફઘાની વિસ્તારોમાં પ્રચલિત એવા આ વાદ્યનો ભારતમાં ૧૬મી સદી આસપાસ પ્રવેશ થયો. એ સમયે તેનું સ્વરૂપ મોટા ભાગે રબાબને મળતું આવતું હતું. ધીમેધીમે તેમાં ફેરફારો થતા રહ્યા અને હાલમાં ઉપર જોઈ શકાય છે એ સ્વરૂપ પ્રચલિત છે. એમાં પણ સમયસમયે નાનામોટા બદલાવો થતા રહે છે.

સરોદની રચનામાં પણ એક તુંબડા સાથે જોડાયેલ ગ્રીવા જોવા મળે છે. તેમાં મુખ્ય ચાર તાર હોય છે, જેને ચોક્કસ સ્વર સાથે મેળવી લેવા જરૂરી બની રહે છે. નખલી દ્વારા તૂંબડા પાસેના તારને ઝંકૃત કરી, ગ્રીવા ઉપર ચોક્કસ સ્થાને આંગળી દબાવીને અપેક્ષિત સૂર વગાડી શકાય છે. ગ્રીવા ઉપર પરદા હોતા નથી. આથી વાદકે પોતાની આંતરિક સુઝના આધારે કયો સૂર કઈ જગ્યાએ વાગશે તે નક્કી કરવાનું હોય છે. પરદા ન હોવાનો મોટો ફાયદો એ છે કે આ વાદ્ય ઉપર મીંડ/શ્રૂતી બહુ અસરકારક રીતે પ્રયોજી શકાય છે. સરોદના અલગઅલગ ઢાંચા પ્રમાણે તેમાં મુખ્ય તાર ઉપરાંત બાર કે પંદર કે એકવીશ ઉપતાર હોય છે, જેમનો ઉપયોગ ચોક્કસ અસર ઉપજાવવા માટે કરવામાં આવે છે.
આમ તો આ વાદ્ય ખુબ જ સંકીર્ણ રચના ધરાવે છે, પણ આપણી સમજ માટે ઉપરની માહીતિ પૂરતી છે. હવે સરોદના સૂરથી પરીચિત થઈએ. સાંભળીએ વિશ્વવિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અમજાદઅલી ખાને સરોદ ઉપર છેડેલી એક નાની ગત.
સરોદના આટલા પરિચય પછી જેના વાદ્યવૃંદમાં સરોદનો ઉપયોગ થયો હોય એવાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ.
૧૯૩૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ દેવદાસનું ગીત ‘બાલમ આયે બસો મોરે મન મેં’ સાંભળતાં ખ્યાલ આવે છે કે તેના સાદા વાદ્યવૃંદમાં મુખ્યત્વે સરોદનો જ ઉપયોગ થયો છે. સંગીત રાય ચંદ બોરાલ અને પંકજ મલ્લિકનું હતું.
ફિલ્મ સીમા(૧૯૫૫)નાં ગીતોને શંકર-જયકિશને સંગીત આપ્યું હતું. તે પૈકીનું એક યાદગાર ગીત ‘સુનો છોટી સી ગુડીયા કી લંબી કહાની’ માણીએ, જેમાં સરોદના સ્વર સતત સંભળાતા રહે છે.
ફિલ્મ દેખ કબીરા રોયા (૧૯૫૭)નાં મદનમોહને સ્વરબદ્ધ કરેલાં ગીતો આજે પણ મશહૂર છે. તેના ગીત ‘મેરી બીના તુમ બિન રોયે’ના વાદ્યવૃંદમાં સરોદની પ્રભાવક હાજરી જણાઈ આવે છે.
૧૯૫૯માં પરદા ઉપર આવેલી ફિલ્મ સંતાન(૧૯૫૯)નું એક ગીત ‘દિલ ને ઉસે માન લીયા’ સાંભળીએ. સંગીતકાર દત્તારામે આ ગીતમાં સરોદનો બહુ જ રોચક પ્રયોગ કર્યો છે.
તે જ વર્ષે પ્રદર્શિત થયેલી ફિલ્મ કન્હૈયાનું ગીત ‘મુઝે તુમ સે કુછ ભી ન ચાહીયે’ સાંભળીએ. શંકર-જયકિશનની તર્જ પર બનેલા આ ગીતમાં સરોદના સ્વરો આસાનીથી પારખી શકાય છે.
ફિલ્મ સારંગા(૧૯૬૦)નાં ગીતોને સંગીતકાર સરદાર મલિકે સંગીતથી સજાવ્યાં હતાં. તેના ગીત ‘સારંગા તેરી યાદ મેં’ના અંતરાના વાદ્યવૃંદમાં સરોદનો બહુ પ્રભાવક ઉપયોગ થયો છે.
૧૯૬૦ના વર્ષમાં જ પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ કાલા આદમીનું ગીત ‘દિલ ઢૂંઢતા હૈ સહારે સહારે’ માણીએ. દતારામના સ્વરબદ્ધ કરેલા આ ગીતના મધ્યાલાપના વાદ્યવૃંદમાં સરોદનો બખૂબી ઉપયોગ થયો છે.
ફિલ્મ આરતી(૧૯૬૨)માં રોશનનું સંગીત હતું. તેના ગીત ‘આપ ને યાદ દિલાયા તો મુઝે યાદ આયા’ના વાદ્યવૃંદમાં સરોદના સ્વર વારંવાર કાને પડતા રહે છે.
૧૯૬૩ના વર્ષે પરદા ઉપર આવેલી ફિલ્મ ફીર વોહી દિલ લાયા હૂંમાં ઓ.પી. નૈયરનું સંગીત હતું. આ ફિલ્મનાં ગીતો ભારે લોકપ્રિયતાને વર્યાં હતાં. તે પૈકીનું એક નૃત્યગીત માણીએ. શાસ્ત્રીય ઢબે સ્વરબદ્ધ થયેલા આ ગીત ‘દેખો બીજલી ડોલે બીન બાદલ કે’માં સરોદના ખુબ જ કર્ણપ્રિય અંશો સંભળાતા રહે છે.
ફિલ્મ ચિત્રલેખા(૧૯૬૪)નાં સંગીતકાર રોશને સ્વરબદ્ધ કરેલાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના ગીત ‘મન રે તૂ કાહે ન ધીર ધરે’ના વાદ્યવૃંદમાં સરોદના સ્વરોનું પ્રાધાન્ય જણાઈ આવે છે.
ફિલ્મ સરસ્વતીચન્દ્ર(૧૯૬૮)નું સંગીત કલ્યાણજી-આણંદજીએ તૈયાર કર્યું હતું. તેનું ગીત ‘છોડ દે સારી દુનિયા કીસી કે લીયે સાંભળીએ. સરોદના સ્વરોથી બરાબર પરીચિત થઈ ચૂકેલા ચાહકો વાદ્યવૃંદમાં તેનો અવાજ આસાનીથી ઓળખી શકશે.
આ કડીનું સમાપન ૧૯૭૨ની ફિલ્મ ગૂડ્ડીના ખુબ જ લોકપ્રિય નીવડેલા ગીત ‘બોલ રે પપીહરા’થી કરીએ. વસંત દેસાઈની આ સ્વરરચનાના વાદ્યવૃંદમાં સરોદનો ઉપયોગ સ્પષ્ટપણે ઓળખી શકાય છે.
આવતી કડીમા નવા વાદ્ય સાથે ફરી મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ફિલ્મી ગઝલો – ૪૩. નાઝિમ પાનીપતી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
નાઝિમ પાનીપતી ગીતકાર તરીકે મહદંશે આજે પણ અજાણ્યું નામ છે પણ એમનું ફિલ્મોમાં ગીતકાર ઉપરાંતનું પ્રદાન અમૂલ્ય છે. તેઓ સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતના ફિલ્મ જગતના મોહમ્મદ વલી ઉર્ફે વલી સાહેબ નામની હસ્તીના નાના ભાઈ હતા. વલી સાહેબ એટલે મોટા ગજાના ફિલ્મ નિર્માતા.
ગીતકાર તરીકેની એમની કેટલીક ફિલ્મો એટલે ખઝાનચી (૧૯૪૧), ખાનદાન (૧૯૪૨), ઝમીનદાર (૧૯૪૨), નૌકર (૧૯૪૩), શીરીં ફરહાદ (૧૯૪૫), ડોલી (૧૯૪૭), મજબૂર (૧૯૪૮), રૂમાલ (૧૯૪૯), શીશમહેલ (૧૯૫૦), ઝમાને કી હવા (૧૯૫૨), ડંકા (૧૯૫૪) . અનેક પંજાબી (ભારતીય અને પાકિસ્તાની) ફિલ્મોમાં પણ એમણે ગીતો લખ્યા.નાઝિમ સાહેબનું ફિલ્મોમાં પ્રદાન જરી જૂદી રીતે પણ છે. લતા મંગેશકરે ગાયેલું પ્રથમ હિંદી ગીત ‘ દિલ મેરા તોડા મુઝે કહી કા ન છોડા ‘ ( ફિલ્મ ‘ મજબૂર’ ૧૯૪૮ ) એમનું લખેલું હતું. વૈજયંતિમાલાને હિંદી – ઉર્દૂ શબ્દોના ઉચ્ચારણની તાલીમ આપી ફિલ્મોમાં તેઓ જ લાવ્યા. હેલન, પ્રાણ અને જ્હોનીવોકરને ફિલ્મોમાં લાવનાર પણ નાઝિમ પાનીપતી જ. એ એક અલગ ઈતિહાસ છે. અખંડ હિંદુસ્તાનના લાહૌરમાં જન્મી પાકિસ્તાનના લાહૌરમાં ૧૯૯૮ માં અવસાન પામ્યા. એમની બે ગઝલો :
કભી તુમ ખ્વાબ મેં ચુપકે સે આ જાતે તો ક્યા હોતા
અગર સોતે મેં યૂં કિસ્મત જગા જાતે તો ક્યા હોતામેરી નઝરોં કે અશ્કોં કા તમાશા દેખને વાલે
મેરી નઝરોં મેં ખુદ આકર સમા જાતે તો ક્યા હોતામેરી દુનિયા કો એક બેદર્દ દુનિયા ને મિટાયા હૈ
અગર તુમ અપને હાથોં સે મિટા જાતે તો ક્યા હોતા..– ફિલ્મ : ગુલ સનોબર ૧૯૫૩
– મીના કપૂર
– ખૈયામ
દિલ મેં રહતે હો નઝર સે દૂર ક્યું
મેરી દુનિયા ઈસ કદર બેનૂર ક્યુંહાયે દુનિયા તેરા યે દસ્તૂર ક્યું
દો દિલોં કા પ્યાર નામંઝૂર ક્યુંઈશ્ક રોએ હુસ્ન કે આંસૂ બહે
હૈ મુહોબત ઈસ કદર મજબૂર ક્યુંહસરતેં બેજાન હૈં ખામોશ હૈં
તોડ કર દિલ કર દિયા હૈ ચૂર ક્યું ..– ફિલ્મ : શામ સવેરે ૧૯૪૬
– શમશાદ બેગમ
– પંડિત અમરનાથ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મુજરા ગીતો : साक़िया आज मुझे नींद नहीं आएगी…..सुना है तेरी महफ़िल में रतजगा है
નિરંજન મહેતા
અગાઉના સમયમાં રાજા-રજવાડા, જમીનદાર અને નવાબોના શોખમાં મુજરા પણ સામેલ હતાં અને તે જ રીતે આવા મુજરાને ફિલ્મોમાં પણ સ્થાન મળ્યું છે. અરે, તવાયફો પર તો એક કરતા વધુ ફિલ્મો બની છે.
સૌ પ્રથમ ૧૯૫૫ની ફિલ્મ ‘દેવદાસ’ (બીજી આવૃત્તિ)માં મુકાયેલ આ ગીત જોઈએ.
दिलदार के क़दमों में
दिल डाल के नज़राना
महफ़िल से उठा और
ये कहने लगा दीवाना
अब आगे तेरी मर्ज़ी
વૈજયંતીમાલા પર રચાયેલ આ મુજરાગીતના શાયર છે સાહિર લુધિયાનવી અને સંગીત આપ્યું છે સચિનદેવ બર્મને. ગાયક લતાજી. ગીત દિલીપકુમારને ઉદ્દેશીને મુકાયું છે.
૧૯૫૫ની ફિલ્મ ‘બારાદરી’નુ ગીત છે
दिल हमसे वो लगाए जो हंस के तीर खाए
जिनको हो जान प्यारी आ आ आ आ आ आ
जिनको हो जान प्यारी वो सामने ना आए
કલાકાર છે મીનુ મુમતાઝ જે પ્રાણ માટે મુજરો કરે છે. શબ્દો છે કુમાર બારબંકવીના અને સંગીત છે નાશાદનુ. ગાયિકાઓ છે લતાજી અને શમશાદ બેગમ.
૧૯૫૮ની ફિલ્મ ‘કાલાપાની’
નલીની જયવંત દેવઆનંદને ઉદ્દેશીને આ મુજરાગીત ગાય છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દો અને સચિનદેવ બર્મનનુ સંગીત. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૫૮ની ફિલ્મ ‘અદાલત’ આ મુજરાગીત જરા જુદા પ્રકારનું છે સામાન્ય રીતે મુજરો નૃત્ય દ્વારા થાય છે જ્યારે આ ગીતમાં નરગીસજી બેઠા બેઠા રજુ કરે છે.
उनको ये शिकायत है कि हम
कुछ नहीं कहते, कुछ नहीं कहते
अपनी तो ये आदत है कि हम
कुछ नहीं कहते, कुछ नहीं कहते
માહિતી પ્રમાણે નરગીસજીએ આ ગીત મુજરાનૃત્ય રૂપે કરવાની નાં પાડી હતી અને ત્યારે તેમને આમ બેઠા બેઠા જ ગીત રજુ કરવા જણાવ્યું હતું. અન્ય કલાકાર પ્રદીપકુમાર. ગીતકાર રાજીન્દર ક્રિષ્ણ અને સંગીતકાર મદનમોહન. લતાજીનો સ્વર.
૧૯૫૮ની જ ફિલ્મ ‘સાધના’નુ આ ગીત જોઈએ
कहोजी तुम सुनोजी तुम
क्या क्या खरीदोगे
ગીત વૈજયંતીમાલા પર રચાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે એન. દત્તાએ. સ્વર છે લતાજીનો.
૧૯૬૦ની ફિલ્મ ‘મુગલે આઝમ’નું આ મુજરાગીત આજે પણ યુવાવર્ગમાં એટલું જ પ્રચલિત છે.
इंसान किसी से दुनिया में
एक बार मोहब्बत करता है
इस दर्द को लेकर जीता है
इस दर्द को लेकर मरता है
प्यार किया तो डरना क्या?जब प्यार किया तो डरना क्या?
प्यार किया, कोई चोरी नहीं कीભર્યા દરબારમાં અનારકલી (મધુબાલા) આ પ્રકારના ભાવ મુજરા દ્વારા છડેચોક દર્શાવે છે. શકીલ બદાયુનીનાં શબ્દોને સગીત આપ્યું છે નૌશાદે જેને સ્વર આપ્યો છે. લતાજીએ.
૧૯૬૨ની ફિલ્મ ‘સાહેબ બીબી ઔર ગુલામ’નુ આ મુજરાગીત જમીનદારની પરંપરા મુજબ તવાયફના કોઠા પર રજુ થયું છે.
साक़िया आज मुझे नींद नहीं आएगी
सुना है तेरी महफ़िल में रतजगा है
आँखों आँखों में यूँ ही रात गुज़र जायेगी
सुना है तेरी महफ़िल में रतजगा हैમીનુ મુમતાઝ કલાકાર છે જે રહેમાન માટે આ મુજરો કરે છે. શકીલ બદાયુનીનાં શબ્દો અને હેમંતકુમારનુ સંગીત છે અને ગાયિકા આશા ભોસલે. આ ગીતની એક ખાસ વાત જાણવા મળી છે તે એ છે કે ગુરુદત્ત દિગ્દર્શક તરીકે મીનુ મુમતાઝ ઉપર જ ફોકસ કરવા માંગતા હતા એટલે તેમણે એવી પ્રકાશ રચનાનું આયોજન કરાવ્યું જેથી અન્ય કલાકારોના ચહેરા યોગ્ય રીતે ન દેખાય.
૧૯૬૬ની ફિલ્મ ‘સાવન કી ઘટા’માં પણ એક મુજરાગીત રજુ થયું છે.
ख़ुदा हुज़ूर को मेरी भी ज़िंदगी दे-दे
बग़ैर आप के बेहतर है मेरा मर जाना
ફરી એકવાર પ્રાણ પર રચાયેલ આ ગીતની નૃત્યાંગનાઓ છે મધુમતી અને જીવનકલા. શબ્દો છે એસ. એચ. બિહારીના અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. ગાયિકાઓ ઉષા મંગેશકર અને આશા ભોસલે.
૧૯૬૭ની ફિલ્મ ‘બહુબેગમ’નુ આ મુજરાગીત કોઠા પર દર્શાવાયું છે પણ એમ જણાય છે કે ગીત મીનાકુમારીને ઉદ્દેશીને ગવાયું છે.
निकले थे कहाँ जाने के लिये पहुंचे है कहाँ मालूम नहीं
अब अपने भटकते क़दमों को मंजिल का निशान मालूम नहीं
તવાયફના રૂપમાં છે હેલન જેણે સાહિર લુધિયાનવીના શબ્દોના ભાવને વ્યક્ત કર્યા છે. રોશનનુ સંગીત અને આશા ભોસલેનો સ્વર.
૧૯૭૦નુ આ મુજરાગીત ફિલ્મ ‘ખિલૌના’નુ છે
अगर दिलबर की रुस्वाई हमें मंज़ूर हो जाये
सनम तू बेवफ़ा के नाम से मशहुर हो जाये
કોઠા પર હાજર શત્રુઘ્ન સિંહા માટે મુમતાઝ આ નૃત્ય રજુ કરે છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયિકા લતાજી.
૧૯૭૨ની ફિલ્મ ‘પાકીઝા’ પુરેપુરી તવાયફના જીવન પર રચાઈ છે તેમ કહેવું અસ્થાને નથી. ફિલ્મમાં એક કરતા વધુ મુજરાગીતો છે અને તે બધા રજુ કર્યા છે. દરેકમાં મુખ્ય કલાકાર છે મીનાકુમારી. બધા ગીતો લતાજીના મધુર સ્વરમાં મુકાયા છે અને સંગીત આપ્યું છે ગુલામ મોહમ્મદે. પણ તે ગીતો પુરા રેકોર્ડ થાય તે પહેલા તેમનું મૃત્યુ થયું હતું. તેમ છતાં તેમણે તૈયાર કરેલ નોટેશન પરથી અધુરૂ કામ નૌશાદે પુરૂં કર્યું હતું.
चलते चलते चलते चलते
यूँही कोई मिल गया था यूँही कोई मिल गया था
सरे राह चलते चलते सरे राह चलते चलते
वहीं थमके रह गई है, वहीं थमके रह गई है
मेरी रात ढलते ढलते, मेरी रात ढलते ढलते
ગીતકાર કૈફી આઝમી
आज हम अपनी दुआओं का असर देखेंगे
तीर-ए-नज़र देखेंगे, ज़ख्म-ए-जिगर देखेंगे
ગીતકાર કૈફ ભોપાલી
चाँदनी रात बड़ी देर के बाद आई है
ये मुलाक़ात बड़ी देर के बाद आई है
आज की रात वो आए हैं बड़ी देर के बाद
आज की रात बड़ि देर के बाद आई है
ठाड़े रहियो ओ बाँके यार रे ठाड़े रहियो
ગીતકાર મજરૂહ સુલતાનપુરી
इन्हीं लोगों ने, इन्हीं लोगों ने
इन्हीं लोगों ने ले लीना दुपट्टा मेरा
ગીતકાર મજરૂહ સુલતાનપુરી
૧૯૭૩ની ફિલ્મ ‘ધુંદ’નુ મુજરાગીત છે.
जुबना से चुनरिया खिसक गयी रे
दुनिआ की नजरिया बहक गयी रेફિલ્મમાં દેવેન વર્માં નિયમિત કોઠે જતો હોય છે અને પદમા ખન્નાના મુજરાને માણતો હોય છે. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે રવિનુ. ગાયકો આશા ભોસલે અને મન્નાડે.
૧૯૭૩ની ફિલ્મ ‘ધર્મા’નુ મુજરા ગીત છે
मैं तेरी गुनहगार हूँ
मैं तुझसे से शर्मसार हूँ
पर माफ करना यार
मैं फिर भी तेरा प्यार हूँપોલીસથી બચવા પ્રાણ અને નવીન નિશ્ચલ સાજિન્દાઓના રૂપમાં કોઠે જાય છે જ્યાં રેખા આ મુજરો કરે છે. શબ્દો છે વર્મા મલિકનાં અને સંગીત સોનિક ઓમીનુ. ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે.
બાકીના ગીતો હવે પછીના ભાગમાં
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
સંખ્યા નિર્દેશ
ધર્મ અને વિજ્ઞાન
ચિરાગ પટેલ
શ્રીમદ્ વાલ્મીકિ રામાયણના છઠ્ઠા યુદ્ધકાંડના અઠયાવીસમાં સર્ગમાં આ તત્કાલીન સંખ્યા વર્ગીકરણ છે. પહેલાં એ જોઈએ.
शतम् शतसहस्राणाम् कोटिमाहुर्मनीषिणः || शतम् कोटिसहस्राणाम् शङ्कुरित्यभिधीयते | शतम् शङ्कुसहस्राणाम् महाशङ्कुरिति स्मृतः || महाशङ्क्य्सहस्राणाम् शतम् वृन्दमिहोच्यते | शतम् वृन्दसहस्राणाम् महावृन्दमिति स्मृतम् || महावृन्दसहस्राणाम् शतम् पद्ममिहोच्यते | शतम् पद्मसहस्राणाम् महापद्ममिति स्मृतम् || महापद्मसहस्राणाम् शतम् खर्वमिहोच्यते | शतम् खर्वसहस्राणाम् महाखर्वमिति स्मृतम् || महाखर्वसहस्राणाम् समुद्रमभिधीयते | शतम् समुद्रसाहस्रमोघ इत्यभिधीयते || शतमोघसहस्राणाम् महौघ इति विश्रुतः |
ચિરાગ પટેલ એકમ દશાંશ મૂલ્ય આધુનિક એકમ શત સહસ્ર ૧ લક્ષ ૧૦૦,૦૦૦ = ૧૦^૫ ૧ મિલિયન / ૧૦ શત શત સહસ્ર ૧ કોટિ ૧૦^૭ ૧૦ મિલિયન ૧ સહસ્ર કોટિ ૧ નીલ ૧૦^૧૦ ૧૦ બિલિયન ૧ લક્ષ કોટિ ૧ શંકુ ૧૦^૧૨ ૧ ટ્રિલિયન ૧ લક્ષ શંકુ ૧ મહાશંકુ ૧૦^૧૭ ૧ ક્વિન્ટિલિયન / ૧૦ ૧ લક્ષ મહાશંકુ ૧ વૃંદ ૧૦^૨૨ ૧૦ સેક્સટિલિયન ૧ લક્ષ વૃંદ ૧ મહાવૃંદ ૧૦^૨૭ ૧ ઓક્ટિલિયન ૧ લક્ષ મહાવૃંદ ૧ પદ્મ ૧૦^૩૨ ૧ ડેસીલિયન / ૧૦ ૧ લક્ષ પદ્મ ૧ મહાપદ્મ ૧૦^૩૭ ૧૦ અન્ડેસીલિયન ૧ લક્ષ મહાપદ્મ ૧ ખર્વ ૧૦^૪૨ ૧ ટ્રેડેસીલિયન ૧ લક્ષ ખર્વ ૧ મહાખર્વ ૧૦^૪૭ ૧ ક્વિન્ડેસીલિયન / ૧૦ ૧ સહસ્ર મહાખર્વ ૧ સમુદ્ર ૧૦^૫૦ ૧ સેક્સડેસીલિયન / ૧૦ ૧ લક્ષ સમુદ્ર ૧ ઓઘ ૧૦^૫૫ ૧૦ સેપ્ટેન્ડેસીલિયન ૧ લક્ષ ઓઘ ૧ મહૌઘ ૧૦^૬૦ ૧ નોવેમ્ડેસીલિયન આધુનિક સંજ્ઞામાં ૧૦^૧૦૦ને ગૂગોલ કહે છે અને ૧૦^ગૂગોલ એટલે કે ૧૦^(૧૦^૧૦૦)ને ગૂગોલપ્લેક્સ કહે છે, જે સહુથી મોટી સંખ્યા છે.
શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધમાં સૂક્ષ્મ સમય માટે એકમ સારણી આપેલી છે. એ જોઈએ.
ચિરાગ પટેલ એકમ આધુનિક એકમ ૧ આધુનિક એકમ ૨ ૧ દિનરાત ૮ પ્રહર ૧ દિવસ = ૨૪ કલાક ૧ અહોરાત્ર = ૩૦ મુહૂર્ત ૧ પ્રહર ૩ મુહૂર્ત ૩ કલાક ૧૮૦ મિનિટ = ૩.૭૫ મુહૂર્ત ૧ મુહૂર્ત ૨ નાડિકા ૧ કલાક ૪૮ મિનિટ ૧ નાડિકા ૧૫ લઘુ ૩૦ મિનિટ ૨૪ મિનિટ ૧ લઘુ ૧૫ કાષ્ઠા ૨ મિનિટ ૯૬ સેકન્ડ ૧ કાષ્ઠા ૫ ક્ષણ ૮ સેકન્ડ ૬.૪ સેકન્ડ ૧ ક્ષણ ૩ નિમેષ ૧.૬ સેકન્ડ ૧.૨૮ સેકન્ડ ૧ નિમેષ ૩ લવ ૦.૫૩ સેકન્ડ ૪૨૬.૬૭ મિલી સેકન્ડ ૧ લવ ૩ વેધ ૧૭૮ મિલી સેકન્ડ ૧૪૨.૨૨ મિલી સેકન્ડ ૧ વેધ ૨૫ ત્રુટિ ૫૯.૨૬ મિલી સેકન્ડ ૪૭.૪૧ મિલી સેકન્ડ ૧ ત્રુટિ ૩ ત્રસરેણુ ૨.૩૭ મિલી સેકન્ડ ૧૮૯૬.૨૯૬૩ માઇક્રો સેકન્ડ ૧ ત્રસરેણુ ૩ અણુ ૭૯૦.૧૨ માઇક્રો સેકન્ડ ૬૩૨.૦૯૯ માઇક્રો સેકન્ડ ૧ અણુ ૨ પરમાણુ ૨૬૩.૩૭ માઇક્રો સેકન્ડ ૨૧૦.૬૯૯૬ માઇક્રો સેકન્ડ ૧ પરમાણુ – ૧૩૧.૬૯ માઇક્રો સેકન્ડ ૧૦૫.૩૪૯૮ માઇક્રો સેકન્ડ આમ, ભારતીય પૌરાણિક/વૈદિક સંસ્કૃતિમાં સમય અને સંખ્યા માટે વ્યવસ્થિત પદ્ધતિ હતી. આશ્ચર્ય એ વાતે થાય કે, ઘણી મોટી સંખ્યા અને ઘણી નાની સંખ્યા અંગેની કલ્પના એ યુગમાં વિદ્વાનોએ કેવી રીતે કરી હશે?
ૐ તત્ સત્ ||
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
બાળ ગગન વિહાર – મણકો – ૩૪ : વાત અમારા દમાનીની
શૈલા મુન્શા
કેવા કેવા નોખા ને અનોખા બાળકો આટ આટલા વર્ષોમાં મારા હાથ નીચેથી પસાર થયા. દરેકની કહાણી જુદી, હર એકનું ઘડતર જુદું અને વળી હર કોઈનો દેશ જુદો.
અમેરિકાની આ જ તો કહાની છે. ભાત ભાતના લોકો અહીંયા જીવે. કોઈ ગોરા તો કોઈ કાળા, કોઈ ચીબા તો કોઈ પીળા, પણ એક વસ્તુ સહુને સરખી લાગુ પડે. અમેરિકાનો મંત્ર “No child left behind” ના અધિકારે બાળકોને બધી જ સગવડ મળે. કોઈ નવી વસાહત ઊભી થાય કે તરત ત્યાં સ્કૂલ, પાર્ક, સ્ટોર બધું આવી જાય. સ્કુલમાં સ્પેસિઅલ નીડ વાળા બાળકોને તો આગવું સ્થાન મળે અને બધી સુવિધા તો છોગામાં.
આવા બાળકોના પણ કેટલા જુદા પ્રકાર. કોઈ mentally retarded તો કોઈ Autistic, કોઈ ADHD તો કોઈ ને behavior problem.
દમાની એ વર્ષે સ્કુલમાં અમારા PPCD ના ક્લાસમાં દાખલ થયો હતો. સામાન્ય રીતે ત્રણ વર્ષનું બાળક અમારા ક્લાસમાં આવી શકે, પણ દમાનીની મમ્મીએમ એ થોડી ચિંતા અને થોડા લાડમાં દમાનીને મોડો દાખલ કર્યો હતો. પાંચ વર્ષનો દમાની આફ્રિકન અમેરિકન છોકરો હતો. વાંકડિયા વાળ અને ચહેરે મોહરે સામાન્ય બાળક જેવો જ લાગે પણ મંદ બુધ્ધિ બાળકમાં એની ગણતરી થતી. જ્યારે એની ફાઈલ જોઈ ત્યારે ખબર પડી કે દમાની મંદ બુધ્ધિ કરતા વધુ ADHD (Attention Deficit Hyperactivity Disorder) બાળક હતો.
આ પ્રકારના બાળકો કોઈ કામ સ્થિરતાથી કરી શકતા નથી. સાદી ભાષામાં આવા બાળકોને આપ્ણે ઉત્પાતિયા બાળકો કહેતા હોઈએ છીએ. ધાંધલિયા અને કોઈ કામ પુરૂં ના કરે. શરૂ કાંઈ કરે અને પુરું કાંઈ બીજું જ કરે. ઘરના માણસો થાકી જાય કારણ એકની એક વાત વારંવાર કહેવા છતાં આ બાળકોની સમજમાં જલ્દી કશું ના આવે.
દમાની એકનો એક બાળક અને વધુ પડતા લાડનુ પરિણામ કે એ સાવ એકલસુરો થઈ ગયો હતો. મમ્મીને ને નોકરીને ઘર અને દમાનીને સાચવવાનો એટલે બધું દમાનીનુ ધાર્યું જ થતું.ઘરમાં એકનો એક એટલે જલ્દી રમકડાં કે કોઇ વસ્તુ બીજા સાથે હળીમળી ને રમી ના શકતો.
શરૂઆતમાં તો ક્લાસમાં પણ એ જ રીતે દમાની એના હાથમા જે રમકડું આવે તે કોઈ બીજાને અડવા જ ના દે, ઉત્પાત એટલો કે એક રમત હાથમાં લીધી અને પુરી રમે ના રમે ત્યાં ફેંકીને બીજાના હાથમાંથી લેગો કે બ્લોક્સ છીનવી લેતો અને અમે સમજાવવા જતા, તો સાંભળે એ બીજા. ઘરમાં તો એ ચાલે પણ સ્કુલમાં એમ ના થાય. ધીરે ધીરે અમે એને બધા સાથે મળીને રમવાની ટેવ પાડી.
આ પ્રકારના બાળકોની બીજી એક ખાસિયત હોય. ગ્રામોફોન પર ફરતી પીન ઘણીવાર એક જગ્યાએ અટકી જાય અને ગીતની એકની એક લીટી વારંવાર સંભળાયા કરે તેમ એકનો એક સવાલ આ બાળકો દરરોજ કરે.
દમાની પણ ક્લાસમાં આવતાની સાથે પુછે ઘરે ક્યારે જવાનુ? અમે કહીએ ત્રણ વાગે, એટલે બીજો સવાલ પુછે બપોરે ઊંઘીને પછી જવાનુ? અમે હા કહીએ એટલે ત્રીજો સવાલ. તમારી ધીરજની પુરી કસોટી થાય.
આવા બાળકોને હમેશા ખુશનુમા સૂર્ય પ્રકાશિત વાતાવરણ ગમે બારી બહાર જો તડકો દેખાય તો ખુશ પણ જો વાદળિયું વાતાવરણ હોય તો એમને ના ગમે.
દમાની મંદબુધ્ધિ કરતા ધ્યાનવિચલીત બાળક હતો. કોઈવાર ખુબ ધ્યાનપુર્વક જે શિખવાડતા હોઈએ એમાં રસ લે, બધા આલ્ફાબેટ્સ ઓળખે છતાં કોઈવાર ગમે તેટલું પુછીએ, જવાબ આપે એ બીજા!!!
દરરોજ બપોરનો અમારો ક્રમ હતો કે બાળકો જમીને આવે પછી બધા બાળકોને અમે એમના નામના અક્ષરો ઓળખતા શીખવાડતાં. દરરોજ એક ના એક અક્ષર પણ તોય આ બાળકો ને જલ્દી યાદ નહોતા રહેતાં. દમાની માંડમાંડ એના નામના અક્ષર ઓળખતા શીખ્યો હતો. એના નામમાં “Damani” આ આલ્ફાબેટ આવે. એ દિવસે બપોરે અમે બાળકોને A B C D મોટા સ્માર્ટ બોર્ડ પર કરાવતાં હતાં. અચાનક જ્યારે “u” અક્ષર આવ્યો તો દમાની બોલી ઉઠ્યો આતો ઊંધો “n” છે.
એની આ નિરક્ષણ શક્તિ જોઈ અમે પણ અચંબિત થઈ ઉઠ્યા. કોણ કહે આ બાળકો મંદબુધ્ધિના છે!!!!
અરે! આ તો નોખા તોય સાવ અનોખા બાળકો છે. એમને પુરતું માર્ગદર્શન મળે તો જરૂર એમનું ભવિષ્ય ઉજ્વળ છે.
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
રસહીન શિક્ષણધરા માટે જવાબદાર કોણ?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ઘણી હકીકતો એવી હોય છે કે જેની આપણને જાણ હોય, પણ એ અચાનક પ્રસાર માધ્યમોમાં ચમકવા લાગે એટલે નવેસરથી એ તરફ આપણું ધ્યાન દોરાય. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કેટલીક વિગતો રજૂ કરી, જેને કારણે આપણા રાજ્યમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વધુ એક વાર સમાચારોમાં ચમક્યો. શિક્ષણમંત્રીએ આપેલી માહિતી અનુસાર છેલ્લા બે વરસોમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ પડી રહી છે. કુલ ૧,૬૦૬ સરકારી શાળાઓમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ વચ્ચે કેવળ એક જ શિક્ષક છે. વર્ષ ૨૦૨૨માં કુલ સાતસો શાળાઓમાં આ સ્થિતિ હતી. બે જ વર્ષમાં એક જ શિક્ષક ધરાવતી શાળાઓનો આંકડો બમણા કરતાં વધી ગયો છે.
આના કારણમાં તેમણે એ પણ જણાવ્યું કે શિક્ષકો પોતાની મનપસંદ જગ્યાએ બદલી લેતા હોવાને કારણે આ સ્થિતિ થઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં બત્રીસેક હજાર સરકારી શાળાઓ છે. માન્યું કે ૨૦૨૩ના અંત સુધીમાં એક જ શિક્ષક ધરાવતી શાળાની સંખ્યા વધીને ૧,૬૦૬ સુધી પહોંચી, પણ એ અગાઉ સાતસો શાળાઓમાં આ સ્થિતિ હતી એ નાનીસૂની વાત કહેવાય? વર્ષ ૨૦૧૬માં પણ ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યા અનુસાર સરકારી શાળાઓમાં તેર હજાર કરતાં વધુ શિક્ષકોની ઘટ હતી.
સરકારે આપેલી વિગત અનુસાર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં આ ઘટ સૌથી વધુ હતી, જ્યારે તેની પછીના ક્રમે પંચમહાલ અને દાહોદ જિલ્લા હતા. આ જ પક્ષની સરકારના તત્કાલીન શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે સુયોગ્ય ઉમેદવારો મેળવવામાં સરકારને મુશ્કેલી પડી રહી છે, છતાં સરકાર વહેલામાં વહેલી તકે એ જગ્યાઓ ભરશે. હાલના શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ વેઠવું ન પડે એ માટે જ્ઞાનસહાયકોની ભરતી, હંગામી પ્રાથમિક શિક્ષકોની નિમણૂક કે શિક્ષકોની બદલીના મેળા યોજવાના પ્રયાસો ચાલુ છે.
શિક્ષણમંત્રીએ એમ પણ જણાવ્યું કે ભલે ૧,૬૦૬ સરકારી શાળાઓ એક જ શિક્ષક વડે સંચાલિત હોય, એમાંની અડધીઅડધ શાળાઓએ ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (આર.ટી.ઈ.) અનુસાર પ્રતિ ત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનું પ્રમાણ જાળવી રાખ્યું છે. ‘ઓપરેશન સફળ, પણ દર્દીનું મૃત્યુ’ જેવી કક્ષાનો આવો ચમત્કાર શી રીતે થઈ શકે એવો કોઈને વિચાર આવે તો આંકડા જુઓ, જે પણ શિક્ષણમંત્રીએ જાહેર કરેલા છે: ‘આ ૧,૬૦૬ શાળાઓ પૈકી વીસમાં વિદ્યાર્થીઓની સંખ્યા પાંચથી ઓછી છે, અને ૮૬ શાળાઓમાં તે પાંચથી દસની વચ્ચે છે. ૩૧૬ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧થી ૨૦ની વચ્ચે છે, જ્યારે ૪૧૯ શાળાઓમાં તે ૨૧થી ૩૦ની વચ્ચે છે. ૬૯૪ શાળાઓમાં ૩૧થી ૬૦ વિદ્યાર્થીઓ છે અને ૭૧ શાળાઓમાં ૬૧થી વધુ વિદ્યાર્થીઓ છે.’ બેસી ગઈ ને સરેરાશ? આ સરેરાશ બેસાડવામાં એ પણ ખ્યાલ આવે છે કે શાળાઓમાં મૂળભૂત રીતે વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી છે.
આ તો કેવળ સરકારી શાળાઓ અને એમાં શિક્ષકોની ઓછી સંખ્યાની જ વાત છે. અહીં અપાતા શિક્ષણનું સ્તર સાવ અલગ જ મુદ્દો છે. ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો સ્ટેરોઇડ લઈને બાવડાં ફુલાવવાના અને એ ફુલાયેલા બાવડાં જોઈને ગૌરવ લેવાના સામૂહિક ઉપક્રમ બની રહ્યા છે. ‘જ્ઞાન સહાયક’ જેવી ‘ક્રાંતિકારી’ પદ્ધતિના અમલ દ્વારા બાળકોના ભાવિ સાથે રમત રમાય છે. શિક્ષકોને શિક્ષણ સિવાયનાં વિવિધ કાર્યોમાં જોતરતા રહેવાનું સામાન્ય બની રહ્યું છે. આવા માહોલમાં ચર્ચા થાય તો પણ કેવળ શિક્ષકોની ઘટની! શું આ ઘટ રાતોરાત પેદા થઈ ગઈ છે?
હજી ઘણા ભાવુક લોકો ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીના કથળતા જતા સ્તર અંગે ચિંતા કરતા જોવા મળે છે. તેમને બિચારાઓને અણસાર સુદ્ધાં નથી કે કેવળ ગુજરાતીનું જ નહીં, સમગ્રપણે શિક્ષણનું સ્તર પાતાળે ગયું છે, અને હવે તો એ વાત પણ જૂની થઈ ગઈ છે. આપણી પાસે ગૌરવ લેવા જેવી ઓછી બાબતો છે કે માતૃભાષા અને એવી બધી બાબતોના સ્તરની ફિકર કરીએ? અખબારો કે પ્રસાર માધ્યમોમાં પ્રયોજાતી ગુજરાતી ભાષાનું સ્તર જોઈને ઘણા મુગ્ધ જીવોને ફિકર થાય છે કે ગુજરાતીનું કોઈ રણીધણી રહ્યું નથી. તેઓ જે જોઈ રહ્યા છે એ તો ફળ છે. જે વૃક્ષ પર તે બેઠું છે એનાં મૂળિયાંમાં કેટલો સડો થઈ ગયો છે એ તેઓ સમજી શકતા નથી.
જગતમાં એવા લોકો જૂજ હશે કે જેમના પોતાના જ પ્રદેશમાં, પોતાનું બાળક માતૃભાષામાં બોલે એ સાંભળીને એમને આશ્ચર્ય થાય. આવી દુર્લભ પ્રજાતિમાં આપણો સમાવેશ થાય છે એ ઓછા ગૌરવની વાત કહેવાય? સરકારી પાઠ્યપુસ્તકોમાં એક નજર કરો, એ ભણાવનાર શિક્ષકોને મળો, સારા ગણાતા વિદ્યાર્થીઓ સાથે વાત કરો તો જે લઘુત્તમ સામાન્ય બાબત જોવા મળશે તે હશે માતૃભાષાની મૂળભૂત જાણકારીનો અભાવ, અને એ અંગેની જાણકારી ન હોવાની અજ્ઞાનતા. આનાથી વધુ કેવી દુર્દશાની અપેક્ષા રાખી શકાય? રાજકીય લાભ લેવાની ગણતરીએ શિક્ષણપ્રણાલિને આયોજનબદ્ધ રીતે ખતમ કરાઈ રહી હોય એવી પરિસ્થિતિમાં નાગરિકો જાતભાતનાં ગૌરવ લેવામાંથી ઊંચા ન આવતા હોય એ કેવી કરુણતા!
રાજ્યમાં વિકાસ ડબલ એન્જિનની ગતિએ થઈ રહ્યો હોય, એ જોઈને નાગરિકો હરખાતા હોય, રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવા માટે દોટ મૂકતા હોય એ સ્થિતિમાં રાજ્યના શિક્ષણમંત્રી શિક્ષકોની ઘટ માટે જે કારણ આપે એ માની લેવું જોઈએ. કેમ કે, શિક્ષકોની ઘટ પૂરાશે તો પણ શિક્ષણની સ્થિતિમાં બદલાવ આવશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪– ૦૩ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પરિવર્તન – ૫ : સફેદ રેતી
અવલોકન
– સુરેશ જાની

સફેદ રેતી? હા! આ ગોરી ચામડી ધરાવતા લોકોના દેશમાં એવું હોય તેની નવાઈ શાના પામો છો?! જો કે, એ સાવ સાચી વાત છે કે, આખી દુનિયામાં માત્ર એક જ જગ્યાએ એ જોવા મળે છે – અમેરિકાના ન્યુ મેક્સીકો રાજ્યના અલામો ગોર્ડો શહેરની નજીક. એનું નામ જ ‘વ્હાઈટ સેન્ડ’. અમે એના પ્રવાસે ગયા હતા.
માઈલોના માઈલો સુધી સફેદ રેતીના ઢગલે ઢગલા – ધોળી બખ્ખ રેતી જ રેતી -વાયરાથી ફરફર ઊડતી રેતી. રેતીના નાના ને મોટા ઢગલા જ ઢગલા. અમુક ઢગલા તો ખાસી ઊંચી ટેકરી જેટલા- પચાસ સાઠ ફૂટ ઊંચા. સૂર્યનો તડકો પડતો હોય તો આંખો અંજાઈ જાય એટલું બધું ધોળાપણું. બધું દ્રશ્ય દેખીતી રીતે સ્થિર લાગે, પણ એ રેતીના ઢગલા પણ જીવતા. પવનથી ઊડીને આવતી રેતીથી એ ઊંચા ને ઊંચા થતા રહે. બહુ ઊંચા થાય એટલે એની કોર ધસી પડે. પવનની તરફની કોર મંથર ગતિએ આગળ વધતી રહે. છેક નીચેની રેતી દબાઈને કઠણ ખડક જેવી થઈ હોય. ટેકરીની નીચલી કોર નજીક એના સગડ પારખી શકાય. એક સૈન્ય પસાર થઈ ગયું હોય તેના અવશેષો જેમ દેખાઈ આવે તેમ. ટેકરીની ટોચના ભૂતકાળના સ્થાનની સાક્ષી પૂરતા આ સગડ એ ટેકરી જીવંત છે, એની આપણને ખાતરી કરાવી દે.
આ રેતી અને સમ ખાવા પૂરતાં પાણી અને ઝાકળના બુંદ પર ગુજારો કરતાં ઘાસ અને નાના છોડ, ક્યાંક ક્યાંક રડ્યાં ખડ્યાં અહીં પણ જીવન ધબકતું હોવાની ચાડી ખાતા રહે. કહે છે કે, રાત્રે આવો તો નાનકડાં જંતુઓ અને ગરોળીઓ પણ બહાર નીકળી આવે. સફેદ રેતીમાં પણ નાઈટ લાઈફ ખરી હોં!
તમે ભૂલા ન પડો તે માટે થોડે થોડે અંતરે ધાતુની ચાર ફૂટ ઊંચી પટ્ટીઓ પણ ગોડેલી રાખી હોય. બાકી આ રણમાં ભુલા પડો, તો ફસાતા જ રહો.
કદીક અહીં મધદરિયો હતો. એમાં માછલીઓ અને દરિયાઈ જળચર તરતાં હતાં. પછી ત્યાં ડુંગર બન્યા અને પછી ખીણ અને પછી સરોવર અને છેવટે આ દલદલ. સાવ સ્થિર લાગતો આ માહોલ……. સતત પરિવર્તનશીલ ધીમો બદલાવ. પણ અચૂક બદલાવ.
લગભગ ૨૪૭ માઈલની લંબાઈમાં પથરાયેલ આ જગ્યા વિશ્વની એક કુદરતી અજાયબી છે.
ભૂસ્તરશાસ્ત્રીઓના માનવા પ્રમાણે, ૨૫ કરોડ વર્ષ પહેલાં અહીં એક દરિયો હતો. એના પટના તળિયે સતત જમા થતા રહેતા જીપ્સમનું જાડું પડ હતું. પાણીના દબાણ હેઠળ એ દબાઈને ખડક બની ગયું હતું. સાતેક કરોડ વર્ષ પહેલાં ભુસ્તરીય ફેરફારોને કારણે આ જગ્યાએ જમીન ઊચકાઈ આવી અને એક લાંબો, ઊંચો પર્વત બની ગયો. એક કરોડ વર્ષ પહેલાં, આ જગ્યાની પશ્ચિમે રોકી પર્વતમાળા અસ્તિત્વમાં આવી; ત્યારે આ પર્વત નીચે બેસી ગયો. આને કારણે ટુલારોસા બસીન બન્યું. એની ધાર પર સાન આન્દ્રેસ અને સેક્રામેન્ટો પર્વતો બાકી રહ્યા. આ પર્વતો પર થતી વરસાદ અને સ્નોની વર્ષાને કારણે પર્વતની ઉપર અને અંદર રહેલા જીપ્સમના થર ઓગળી ઓગળીને આ બસીનમાં ખડકાતા રહ્યા. ચારે બાજુ પર્વતો હોવાને કારણે આ પાણી કોઈ દરિયામાં વહી શકે તેમ ન હતું. આથી ભુતપૂર્વ ઓટેરો લેકમાં આ બધું પાણી જમા થવા માંડ્યું. સુકાવાના કારણે અને નીચેની રેતીમાં શોષાવાના કારણે જીપ્સમના થર વધવા માંડ્યા. કાળક્રમે ઊંચી અને લાંબી રોકી પર્વતમાળાના વર્ષાછાયામાં ન્યુ મેક્સીકોનો આ પ્રદેશ રણમાં પરિવર્તન પામતો ગયો. સાન આન્દ્રેસ અને સેક્રામેન્ટો પર્વતો પર પડતા વરસાદ અને સ્નોને કારણે એમની ઉપર તો સરસ મજાનાં જંગલો છે પણ એ પાણી લેક ઓટેરોને યથાવત રાખવા પર્યાપ્ત ન હતું. તે સૂકાતું ગયું અને સાવ નાનકડું લેક લુસેરો જ બાકી રહ્યું. એ પણ દિન પ્રતિદિન નાનું ને નાનું થતું જાય છે.
આ ભૌગોલિક પરિવર્તનોના કારણે ત્રણ બાજુ પર્વતોથી ઘેરાયેલા આ પ્રદેશમાં જીપ્સમની રેતીના ઢગના ઢગ ભેગા થયા છે. ન્યુ મેક્સિકોનું રણ, તેની વચ્ચે લીલાંછમ પર્વત અને તેની વચ્ચે સફેદ રેતીનું આ રણ – આમ દુનિયાની એક અજાયબી જેવી ભૌગોલિક રચના અસ્તિત્વમાં આવી છે.
. એની મોટા ભાગની પરિમિતિ ઉપર પર્વતો છે. એમાંના ઘણા જીપ્સમ નામના પદાર્થના ખડકોના બનેલા છે. કાળક્રમે આ પ્રદેશનું હવામાન બદલાયું અને વરસાદની માત્રા ઓછી થઈ ગઈ. એટલે એ સરોવર સૂકાઈ ગયું. અને જીપ્સમના બારીક પાવડરથી ભરાઈ ગયું. હજુ પણ નાનાં નાનાં ઝરણાં વડે ખડકોમાંથી ધોવાયેલો જીપ્સમ અહીં ઠલવાયા જ કરે છે. પણ થોડેક જ દૂર જઈને એનાં ખાબોચિયાં, સૂકાવા માટે તૈયાર હોય છે. આ વિસ્તારમાં લાખો વર્ષોથી ભેગો થતો રહેલો જીપ્સમ, આજુબાજુના ઊંચા પર્વતોને કારણે બીજે ક્યાંય ઊડીને જઈ શકતો નથી.
આથી આ સફેદ રેતીની અસંખ્ય ટેકરીઓ અહીં અહર્નિશ મોજુદ હોય છે. અમેરિકામાં બધે મુક્ત રીતે ફરફરતો વાયરો અહીં પણ શાનો સખણો રહે? એટલે આ ટેકરીઓ ધીમે ધીમે ખસતી જ રહે. અમુક ટેકરીઓ તો સોએક ફૂટ ઊંચી થઈ ગયેલી હોય છે.
અમારા પ્રવાસના અંતે સતત પરિવર્તનનો આ સાવ અજીબોગરીબ નજારો સદાને માટે, ન ભૂલી શકાય એવી છાપ મનમાં મૂકી ગયો.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
