ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

હિન્દુસ્તાની શાસ્ત્રીય વાદ્યસંગીતમાં સરોદ અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. મૂળ અફઘાની વિસ્તારોમાં પ્રચલિત એવા આ વાદ્યનો ભારતમાં ૧૬મી સદી આસપાસ પ્રવેશ થયો. એ સમયે તેનું સ્વરૂપ મોટા ભાગે રબાબને મળતું આવતું હતું. ધીમેધીમે તેમાં ફેરફારો થતા રહ્યા અને હાલમાં ઉપર જોઈ શકાય છે એ સ્વરૂપ પ્રચલિત છે. એમાં પણ સમયસમયે નાનામોટા બદલાવો થતા રહે છે.

સરોદની રચનામાં પણ એક તુંબડા સાથે જોડાયેલ ગ્રીવા જોવા મળે છે. તેમાં મુખ્ય ચાર તાર હોય છે, જેને ચોક્કસ સ્વર સાથે મેળવી લેવા જરૂરી બની રહે છે. નખલી દ્વારા તૂંબડા પાસેના તારને ઝંકૃત કરી, ગ્રીવા ઉપર ચોક્કસ સ્થાને આંગળી દબાવીને અપેક્ષિત સૂર વગાડી શકાય છે. ગ્રીવા ઉપર પરદા હોતા નથી. આથી વાદકે પોતાની આંતરિક સુઝના આધારે કયો સૂર કઈ જગ્યાએ વાગશે તે નક્કી કરવાનું હોય છે. પરદા ન હોવાનો મોટો ફાયદો એ છે કે આ વાદ્ય ઉપર મીંડ/શ્રૂતી બહુ અસરકારક રીતે પ્રયોજી શકાય છે. સરોદના અલગઅલગ ઢાંચા પ્રમાણે તેમાં મુખ્ય તાર ઉપરાંત બાર કે પંદર કે એકવીશ ઉપતાર હોય છે, જેમનો ઉપયોગ ચોક્કસ અસર ઉપજાવવા માટે કરવામાં આવે છે.

આમ તો આ વાદ્ય ખુબ જ સંકીર્ણ રચના ધરાવે છે, પણ આપણી સમજ માટે ઉપરની માહીતિ પૂરતી છે. હવે સરોદના સૂરથી પરીચિત થઈએ. સાંભળીએ વિશ્વવિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અમજાદઅલી ખાને સરોદ ઉપર છેડેલી એક નાની ગત.

સરોદના આટલા પરિચય પછી જેના વાદ્યવૃંદમાં સરોદનો ઉપયોગ થયો હોય એવાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ.

૧૯૩૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ દેવદાસનું ગીત ‘બાલમ આયે બસો મોરે મન મેં’ સાંભળતાં ખ્યાલ આવે છે કે તેના સાદા વાદ્યવૃંદમાં મુખ્યત્વે સરોદનો જ ઉપયોગ થયો છે. સંગીત રાય ચંદ બોરાલ અને પંકજ મલ્લિકનું હતું.

ફિલ્મ સીમા(૧૯૫૫)નાં ગીતોને શંકર-જયકિશને સંગીત આપ્યું હતું. તે પૈકીનું એક યાદગાર ગીત ‘સુનો છોટી સી ગુડીયા કી લંબી કહાની’ માણીએ, જેમાં સરોદના સ્વર સતત સંભળાતા રહે છે.

ફિલ્મ દેખ કબીરા રોયા (૧૯૫૭)નાં મદનમોહને સ્વરબદ્ધ કરેલાં ગીતો આજે પણ મશહૂર છે. તેના ગીત ‘મેરી બીના તુમ બિન રોયે’ના વાદ્યવૃંદમાં સરોદની પ્રભાવક હાજરી જણાઈ આવે છે.

૧૯૫૯માં પરદા ઉપર આવેલી ફિલ્મ સંતાન(૧૯૫૯)નું એક ગીત ‘દિલ ને ઉસે માન લીયા’ સાંભળીએ. સંગીતકાર દત્તારામે આ ગીતમાં સરોદનો બહુ જ રોચક પ્રયોગ કર્યો છે.

તે જ વર્ષે પ્રદર્શિત થયેલી ફિલ્મ કન્હૈયાનું ગીત ‘મુઝે તુમ સે કુછ ભી ન ચાહીયે’ સાંભળીએ. શંકર-જયકિશનની તર્જ પર બનેલા આ ગીતમાં સરોદના સ્વરો આસાનીથી પારખી શકાય છે.

ફિલ્મ સારંગા(૧૯૬૦)નાં ગીતોને સંગીતકાર સરદાર મલિકે સંગીતથી સજાવ્યાં હતાં. તેના ગીત ‘સારંગા તેરી યાદ મેં’ના અંતરાના વાદ્યવૃંદમાં સરોદનો બહુ પ્રભાવક ઉપયોગ થયો છે.

૧૯૬૦ના વર્ષમાં જ પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ કાલા આદમીનું ગીત ‘દિલ ઢૂંઢતા હૈ સહારે સહારે’ માણીએ. દતારામના સ્વરબદ્ધ કરેલા આ ગીતના મધ્યાલાપના વાદ્યવૃંદમાં સરોદનો બખૂબી ઉપયોગ થયો છે.

ફિલ્મ આરતી(૧૯૬૨)માં રોશનનું સંગીત હતું. તેના ગીત ‘આપ ને યાદ દિલાયા તો મુઝે યાદ આયા’ના વાદ્યવૃંદમાં સરોદના સ્વર વારંવાર કાને પડતા રહે છે.

૧૯૬૩ના વર્ષે પરદા ઉપર આવેલી ફિલ્મ ફીર વોહી દિલ લાયા હૂંમાં ઓ.પી. નૈયરનું સંગીત હતું. આ ફિલ્મનાં ગીતો ભારે લોકપ્રિયતાને વર્યાં હતાં. તે પૈકીનું એક નૃત્યગીત માણીએ. શાસ્ત્રીય ઢબે સ્વરબદ્ધ થયેલા આ ગીત ‘દેખો બીજલી ડોલે બીન બાદલ કે’માં સરોદના ખુબ જ કર્ણપ્રિય અંશો સંભળાતા રહે છે.

 

ફિલ્મ ચિત્રલેખા(૧૯૬૪)નાં સંગીતકાર રોશને સ્વરબદ્ધ કરેલાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના ગીત ‘મન રે તૂ કાહે ન ધીર ધરે’ના વાદ્યવૃંદમાં સરોદના સ્વરોનું પ્રાધાન્ય જણાઈ આવે છે.

 

ફિલ્મ સરસ્વતીચન્દ્ર(૧૯૬૮)નું સંગીત કલ્યાણજી-આણંદજીએ તૈયાર કર્યું હતું. તેનું ગીત ‘છોડ દે સારી દુનિયા કીસી કે લીયે સાંભળીએ. સરોદના સ્વરોથી બરાબર પરીચિત થઈ ચૂકેલા ચાહકો વાદ્યવૃંદમાં તેનો અવાજ આસાનીથી ઓળખી શકશે.

આ કડીનું સમાપન ૧૯૭૨ની ફિલ્મ ગૂડ્ડીના ખુબ જ લોકપ્રિય નીવડેલા ગીત ‘બોલ રે પપીહરા’થી કરીએ. વસંત દેસાઈની આ સ્વરરચનાના વાદ્યવૃંદમાં સરોદનો ઉપયોગ સ્પષ્ટપણે ઓળખી શકાય છે.

 

 

આવતી કડીમા નવા વાદ્ય સાથે ફરી મળીશું.


નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com