રક્ષા શુક્લ

મેં તો ફાગણ પીધો રે ચકચૂર.

 

ફોરમ ગાય ફટાણાં, ઊમટયાં લયના ઘોડાપુર
મેં તો ફાગણ પીધો રે ચકચૂર.

 

ફૂલ કોઈ ઊઘડીને ટાંચણ મૂકે કે અહીં આવી            સુગંધ જરી પીવો,

 

અજવાળાં પ્હેરીને પડખામાં ઊભોતો                      ઝળહળતો અક્ષરનો દીવો.
પચરંગી પાઘડિયું પ્હેરીને ફૂલ કહે મઘમઘતું              મહેકીને જીવો,

  ગીતોમાં ગરમાળો, શ્વાસોમાં સુરભિના 
        સરનામાં પ્રોવીને સીવો.

 

કેસરિયો કાગળ ‘ને અર્થો ઝૂલે ગાંડાતૂર.
મેં તો ફાગણ પીધો રે ચકચૂર.

 

ઓચિંતું પંખી એકાદ ઊડી આવે ને ટહુંકાના            ચેકને વટાવે,

હિલ્લોળા લેતી કૈં ગીતોની ડાળીઓ ત્યાં જ 
        મને ઝૂલવા પટાવે.
પહેલા એ ખોબો દઈ ઊભા આ શ્વાસોને 

        પડતા- આખડતા બચાવે,
ધીરેથી ભીતરમાં તંબુ એ તાણીને ગમતીલી              ધાંધલ મચાવે.

 

કંકુવરણી પગલી પર કૂંપળ ફૂટી ઘેઘૂર,
મેં તો ફાગણ પીધો રે ચકચૂર.

 


સુરેશ દલાલ

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…
અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા
અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…
અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા
અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…
અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા
અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…