વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • અર્ઘ્ય – એ કેવળ દેવી દેવતાઓ કે પરમ તત્ત્વને જ અપાય એવું નથી. એક માણસ પોતાના મનોવાંછિત જણને પણ આપી શકે

    સંવાદિતા

    આ કિનારે આપણું હોવું જ એ વાતની સાબિતી છે કે સામા કાંઠે આપણા જેવું કોઈક છે.

    ભગવાન થાવરાણી

    ઘણા લેખકો – કવિઓ એવા હોય છે જેમણે બહુ ઓછું સર્જન કર્યું હોય છે. ઘણી વાર તો નહીંવત, પણ જે રચ્યું હોય એ લોકહૈયે એવું વસી જાય કે એવી એકાદ કૃતિને લીધે એમનું નામ એમના ગયા પછી પણ ચર્ચાતું રહે. કોઈકનો તો એક શેર કે મુક્તક એમને અમર બનાવી દે !
    ગુજરાતી કવયિત્રી કુમુદ પટવાએ મારી જાણકારી મૂજબ કેવળ આ એક શેર લખેલો પણ એ એવો સરળ અને ધારદાર કે આજે પણ એ અને એના રચયિતાનું નામ લોકજીભે રમ્યા કરે છે. કવિતાનો શોખ ધરાવનાર દરેકને આ શેર યાદ હશે :
    આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે ?
    કહ્યા વિના સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે ?
     
    એવું પણ બને કે કોઈ રચનાકારે એક ચિરસ્મરણીય કૃતિ રચ્યા ઉપરાંત બીજું ઘણું સર્જ્યું હોય પણ એ એવું સામાન્ય કક્ષાનું હોય કે માની જ શકાય નહીં કે પેલી અસામાન્ય કૃતિ એમની જ છે ! દુલાલ સેન નામના સંગીતકારે ૧૯૫૯ ની એક ફિલ્મ ‘ બ્લેક પ્રિંસ ‘ માં સંગીત આપેલું. એ ફિલ્મમાં એક અદ્ભુત ગીત ‘ નિગાહેં ન ફેરો ચલે જાએંગે હમ ‘ મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપૂરે અલગ – અલગ ગાયેલું. એ દૈવી ધુન સાંભળી ઉત્સુકતાવશ એમના બીજા ગીતોની શોધખોળ કરીએ તો મળે ખરા પણ એટલા સામાન્ય કે આપણને પછડાટ ખાધા જેવું લાગે !
    ૨૦૧૫ માં ૭૫ વર્ષની વયે અવસાન પામેલા હિંદી કવિ યજ્ઞ શર્માનું કંઈક આવું જ હતું. આમ તો એ ખ્યાતિપ્રાપ્ત વ્યંગકાર હતા. ૬૦ અને ૭૦ ના દાયકાની પ્રખ્યાત હિંદી પત્રિકા ‘ ધર્મયુગ ‘ માં એમણે નિયમિત વ્યંગ લેખોની કટાર લખી જે ધર્મયુગ બંધ થયું ત્યાં લગી ચાલી. ૧૯૯૫ થી મુંબઈથી નીકળતા એ જ પ્રકાશન સમૂહના હિંદી દૈનિક અખબાર ‘ નવભારત ટાઈમ્સ ‘ માં ‘ ખાલી પીલી ‘ શીર્ષકથી બંબૈયા હિંદી ભાષામાં વ્યંગ લેખોની કોલમ શરૂ કરી જે એમના મૃત્યુ પર્યંત જારી રહી. એમના વ્યંગ લેખોનો સંગ્રહ ‘ સરકારી ઘડા ‘ નામથી પ્રકાશિત થયેલ છે. હિંદી વ્યંગકારોમાં એમની તુલના હરિશંકર પરસાઈ અને શરદ જોશી જેવા દિગ્ગજો જોડે થાય છે.
    યજ્ઞ શર્મા કવિ પણ હતા  એ બહુ ઓછા લોકો જાણે છે. આજે વાત કરવી છે એમની એક કવિતા ‘ અર્ઘ્ય ‘ ની, જે એમણે લખેલી જૂજ કવિતાઓમાંની એક છે. કવિતા વિષે વાત કરતાં પહેલાં કવિ રમણીક અગ્રાવતે કરેલો એ કવિતાનો અનુવાદ જોઈએ –
    અર્ઘ્ય ∆ યજ્ઞ શર્મા
     
    આ એક ખોબો જળ
    એ માણસને નામે
    જેને હું જાણતો નથી
    પણ એ ક્યાંક છે
     
    આ એક ખોબો જળ
    એ માણસને નામે
    જે મારા જેવો છે
    મારી જેમ વિચારે છે
    પણ અમે કદી મળી નથી શકતા
    ન એ શોધખોળની જાહેરાત આપશે
    ન હું
     
    આ એક ખોબો જળ
    એ માણસને નામે
    ખારી નદીને કાંઠે જે ખોવાયો હશે
    રહી રહી જે હોઠ ભીનાં કરતો હશે
    વાદળોને જોતો હશે
    મારી જેમ
     
    આ એક ખોબો જળ
    એ માણસને નામે
    તરસથી ખુદ જે તડપતો હશે
    પોતાની અંદર પેદા કરતો હશે પાણી
    મારા નામે જે અંજલિ ધરતો હશે
     
    આ એક ખોબો જળ
    એ માણસને નામે
    જેને હું ઓળખતો નથી
    જે મને કદી મળશે નહીં
    પરંતુ જાણું છું
    કે એ ક્યાંક છે જરૂર
    કેમ કે અહીં હું પણ છું… 
     
    ∆ 
     
     
    કહે છે, વિદૂષકો, હાસ્ય કલાકારો અને હાસ્ય લેખકો એમણે ઓઢેલા રમૂજના મુખૌટા પાછળ અત્યંત ગંભીર હોય છે. કદાચ એ લોકો જીવનનો મર્મ પામી ચૂક્યા હોય છે એટલે જ હસી – હસાવી શકે છે. આખા જગતને આખું જીવન ખડખડાટ હસાવવાર રોબિન વિલિયમ્સ માત્ર ૬૩ વર્ષની વયે આત્મહત્યા કરે એ કેવી વિડંબના ! મહાન ચાર્લી ચેપ્લીનની રમૂજી ફિલ્મ ‘ ધ ગ્રેટ ડિક્ટેટર ‘ ના અંતે આ વિદૂષક માત્ર ચારેક મિનિટનું, એમણે પોતે જ લખેલું એક ગંભીર અને વિચારતા કરી મૂકે એવું યુદ્ધવિરોધી, સરમુખત્યારશાહી વિરોધી, માનવતાથી નીતરતું વક્તવ્ય આપે છે એ સાંભળી હસવું નહીં, રડવું આવે !
    અર્ઘ્ય એટલે જળ, ફળફૂલ ઈત્યાદિ સામગ્રી દ્વારા દેવતાઓને કરાતો અભિષેક. એક પ્રકારની સ્મૃતિ – વંદના. અહીં કવિ કોઈક જીવિત વ્યક્તિને સ્મરીને અર્ઘ્ય ચડાવે છે. એમને તલાશ છે કોઈક એવી વ્યક્તિની જે અદ્દલોઅદલ એમના જેવો છે. એમની કલ્પના પ્રમાણે એ એમનો SOUL MATE, આત્મ – મિત્ર, હમદમ છે. દરેક સંવેદનશીલ માણસને ‘ પોતાના જેવા કોઈક ‘ ની અભિપ્સા હોય તેમ !
    એ જેને શોધે છે એને એ મુદ્દલ જાણતો નથી છતાં એમને ખાતરી છે કે એ ક્યાંક છે જરૂર. એમની દલીલ છે કે એમનું પોતાનું હોવું એ જ એમના જેવા અન્યના ક્યાંક હોવાની સાબિતી છે ! એ માને છે કે એ ‘ અન્ય ‘ ને એ ક્યારેય મળી શકવાના નથી પણ માત્ર એટલા ખાતર આ ‘ અન્ય ‘ ની તલાશ થોડી છોડી દેવાય ! એમને એ પણ ભરોસો છે કે એમની જેમ જ આ ‘ સામા કાંઠાનો જણ ‘ પણ એમને શોધતો હશે કારણ કે આપણા જેવા કોઈકની તરસ હમેશાં પારસ્પરિક હોય ! કોઈક વિચારકે કહ્યું છે તેમ ‘ આપણે સૌ મનુષ્યો એક – પાંખાળા દેવદૂત છીએ અને નિરંતર અન્ય એક – પાંખાળાને શોધીએ છીએ જેથી જોડીમાં સહિયારું ઉડ્ડયન થઈ શકે ! ‘ કવિતાની સૌથી ચોટદાર પંક્તિઓમાં કવિ કહે છે કે એમનો આ અદ્રષ્ય જોડીદાર પોતે પણ તરસ્યો છે અને પોતાની તરસને અતિક્રમી, જીવ પર આવી પોતાની ભીતર પાણી પેદા કરે છે જે અંજલિરૂપે એમના નામે છોડે છે !
    અંતરંગ સાથીની આવી ખોજ આજીવન ચાલે છે. ક્યારેક જન્માંતરો લગી પણ. કોઈકે લખ્યું છે :
    તમામ  ઉમ્ર  ઢૂંઢતા રહા મૈં જિસકા પતા
    પતા મિલા તો લગા – યે પતા તો મેરા હૈ ..

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • કાર્ટૂનકથા : ૧૨

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના અગિયારમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય

    ઉધઈ ઉવાચ


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • મારો મરણતોલ ફટકો યુદ્ધને

    સમાજદર્શનનો વિવેક

    કિશોરચંદ્ર ઠાકર

     

    હેલન કેલર :૨૭ જૂન ૧૮૮૦ થી ૧ જૂન ૧૯૬૮

    ૧૯ મહિનાની ઉંમરે એક વિચિત્ર માંદગીના કારણે જેમણે દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી દીધા હતા તે હેલન કેલરનું નામ કોણ નહિ જાણતું હોય? હિંમત હાર્યા વિના દૃઢ સંકલ્પના બળે તેઓ કેવી રીતે ભણ્યા તેની એક રોમાંચક કથા પણ એટલી જ જાણીતી છે. વાત માત્ર આટલી જ હોત તો પણ ઇતિહાસે તેની નોંધ લેવી જ પડતી. પરંતુ તેઓ આગળ વધીને વિદ્વાન બન્યા પછી દેશ અને દુનિયાની ગતિવિધિમાં ઊંડો રસ લઈને શોષિત વર્ગના હામી બન્યા. આપણને તેમના વિચારોની પ્રત્તીતિ તેમણે ૫ જાન્યુઆરી ૧૯૧૬ના દિવસે ન્યુયોર્કમાં આપેલા યાદગાર પ્રવચનથી થાય છે. આ પ્રવચન તેમણે ‘વીમેનસ પિસ પાર્ટી’ અને ‘લેબર ફોરમ દ્વરા’ યોજાયેલા એક સંયુક્ત કાર્યક્રમમાં ન્યુયોર્કના કાનુગી (Carnegie) હોલમાં આપેલું. યાદ રહે કે આ સમય પ્રથમ વિશ્વયુદ્ધનો હતો અને દુનિયા આખીમાં રાષ્ટ્રવાદ ઉફાણે ચડ્યો હતો. આ વખતે આ પ્રવચન આપવું એ બહુ મોટી હિંમત માગી લે તેવું કામ હતું. અહીં તેમનાં એ યાદગાર ભાષણના અંશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    હેલન કેલર કહે છે,

             ‘પહેલા તો મારે કેટલાક સંપાદકો અને મારા હિતચિંતક એવા મિત્રોને કહેવા માગું છું. તેઓ એમ માનીને મારી દયા ખાય છે કે હું કેટલાક સિદ્ધાંતવિહોણા લોકોના વ્યર્થ વિચારો અપનાવીને તેમના હાથનું પ્રચારક રમકડું બની ગઈ છું. પરંતુ મિત્રો તમે બરાબર સમજી લો કે મારે તમારી દયાની જરૂર નથી. હું જે કહી રહી છું તે બાબતે સંપૂર્ણ સભાન છું. મારી પાસે માહિતીના સ્રોત્રો અન્ય કોઈપણ જેટલા જ વિપુલ અને ભરોસાપાત્ર છે. કદાચ તમારા બધા કરતા વધારે છે. હું ઇંગ્લે‌ન્ડ, ફ્રા‌ન્સ, ઓસ્ટ્રિયા અને જર્મનીથી પણ પ્રગટ થતાં વર્તમાન પત્રો અને સામાયિકો મારી જાતે જ વાંચું છું. આટલું કદાચ છાપાઓના તંત્રીઓ કે સંપાદકો પણ નહિ વાંચતા હોય. તેઓ માત્ર જર્મન અને ફ્રેંચ ભાષાના વાસી થયેલા સમાચાર ઉપર જ આધાર રાખતા હશે. જો કે તેમને હું જરા પણ ઓછા આંકતી નથી. કારણ કે તેઓ કામના બોજા હેઠળ લદાયેલા હોય છે તથા તેમની પરિસ્થિતિનો અને તેમના વિષે લોકોને ભાગ્યે જ સાચો ખ્યાલ હોય છે.

              મિત્રો હું તમારી સીગારેટ સળગે છે કે નહિં તે ભલે જોઈ શકતી ન હોઉ, પરતુ તમારે માટે જે શક્ય જ નથી તે અંધારામાં સો‌ય પરોવી શકતી હું કોઇના પણ પક્ષે બેસી જવાને બદલે માત્ર સત્યને જ લક્ષ્યમાં રાખું છું.

             આજની શક્તિશાળી અને પડકાર ઝીલવા હંમેશા સજ્જ એવી સીસ્ટમ અને આર્થિક વ્યવસ્થાની સામે મેં લડાઇનું બ્યુગલ ફૂંક્યું છે. હવે આરપારની લડાઇ વિના બીજો કોઈ વિકલ્પ જ નથી. જો કે મારી આ લડાઇ સામે સ્થાપિત વ્યવસ્થા સક્રિય થઈ જ ચૂકી છે, તેનો ખ્યાલ તમને કામદારોના શોરગુલ અને આંદોલનો સામે તેમના વધારે ઉંચા અવાજ પરથી આવી જ જશે. તેઓ કામદારોને કેવો સુફિયાણો ઉપદેશ આપે છે તે સાંભળો.

             “દેશપ્રેમી અને મિત્રો એવા સાથી કામદારો, તમે જાણો છો કે તમારો દેશ આજે કેવા સંકટમાં મૂકાયો છે. આપણી ચોતરફ એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રોની પાર જ્યાં જુઓ ત્યાં શત્રુઓ જ શત્રુઓ છે. તમે જુઓ તો ખરા કે બેલ્જિયમની શી દશા થઈ છે? સર્બિયામાં પણ આમ જ થવા બેઠું છે. એ તો ઠીક તમારા પોતાના વતનની આઝાદી પણ જોખમમાં છે. આવી હાલતમાં તમે તમારા અપૂરતા વેતનનું ગાણું ગાઈ રહ્યા છો? એવામાં જર્મની જો ફાવશે અને જે દોજખભરી સ્થિતિમાં આપણો દેશ મૂકાશે તેની સરખામણીમાં તમારી સ્થિતિ તો ખૂબ જ બહેતર છે. માટે તમારા રાષ્ટ્રની રક્ષા માટે એક આઝાદ અને ઝિંદાદિલ નાગરિક તરીકે આક્રમકોને મારી હઠાવવા માટે તમે સજ્જ થઈ જાઓ”

             મને ડર છે કે આ વખતે પણ કામદારો આ લોકોની શબ્દજાળમાં સપડાઇને મૂર્ખ સાબિત થશે. કારણ કે લોકો આ પ્રકારની વાક્પટુતાથી હંમેશા અંજાઈ જતા હોય છે. કામદારોના ખરા શત્રુ તો તેમના માલિકો જ છે. તેમના નાગરિકત્વની સાબિતી આપતું પતાકડું તેમના સ્ત્રીબાળકો કે તેમની પોતાની સલામતીની ખાતરી કદી આપતું નથી. તેમનો કઠોર પરિશ્રમ અને સતત સંઘર્ષમય જીવન એ તો તેમના માલિકોના હિતો માટે છે, નહીં કે તેમના પોતાના હિત માટે. તેઓ બહાદુર હોવા છતાં ગુલામો જ છે.

             ઉચ્ચ સ્થાને બિરાજેલા લોકો મૂર્ખતા કહી શકાય તેટલી હદના કામદારોના ભોળપણને બરાબર જાણે છે. તેમને ખાતરી છે કે આ લોકોને ગણવેશ પહેરાવીને એક હાથમાં રાયફલ અને બીજા હાથમાં ધ્વજ પકડાવી દઈશું તો શૂરવીર બનીને લડાઇમાં ઝંપલાવી દેશે અને મોતના મુખમાં ધસી જતા ડરશે નહિ. પણ આનાથી શું મળશે? તેમના જેવા અન્ય લાખો લોકોનું જીવન દોજખમય બની જશે. સેંકડો વર્ષોના પરિશ્રમથી મેળવેલી સિદ્ધિઓ પળ માત્રમાં ભસ્મીભૂત થઈ જશે. ખરેખર તો તમારાં સ્ત્રી અને બાળકોને રોટી, કપડા, શિક્ષણ સહિતની સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય તો જ તમારા બલિદાનની સાર્થકતા છે.

             હું માનું છું કે આ જગતમાં સ્વાર્થરહિત કોઇ વર્ગ હોય તો તે કામદાર વર્ગ છે. તેમની શહાદત તો અન્ય લોકો માટે હોય છે. તેઓ જેને દેશ માને છે તે તેમનો પોતાનો નહિ પણ માલેતુજારોનો છે. કામદારો માત્ર સત્તાધારીઓની જ આઝાદી અને સુખચેન માટે લડે છે. પોતે તો સ્વતંત્ર છે જ નહિ. તેમના લમણે તો દિવસના આઠથી બાર કલાકની થકવી નાખતી મજૂરી જ લખાઈ છે. જીવન જીવી શકાય તેટલું અલ્પ વેતન પ્રાપ્ત કરવા જેટલા પણ તેઓ સ્વતંત્ર નથી. તેમના બાળકો કારખાનાઓમાં કામ કરીને ભૂખે મરતા વેઠિયા જ છે. તેમની સ્ત્રીઓએ શરમજનક વ્યવસાયોમાં જોતરાવું પડે છે. જો તેઓ માનભેર જીવવા માટે યોગ્ય મહેનતાણું માગશે તો તેમને જેલનો દરવાજો બતાવવામાં આવશે.

             લખી રાખજો કે જ્યાં સુધી કાયદાના ઘડવૈયાઓ શોષિતોનું હિત જોયા વિના પોતાના જ હિતમાં કાયદાઓ બનાવશે ત્યાં સુધી કામદારોને માત્ર મતદાન કરવાથી શોષણમાંથી મુક્તિ નહિ મળે. વળી આ દૃષ્ટિથી જોઈએ તો વિશ્વમાં કોઇ પણ દેશ આઝાદ અને પ્રજાસત્તાક નથી. સામાન્ય લોકો તો જેની પાસે પાશવી સૈન્યબળ છે તેની શરણાગતિ સ્વીકારી લેતા હોય છે. સમરાંગણમાં પોતાના જ બાંધવોની લાશો ઢળી રહી હોય છે ત્યારે તેઓ શક્તિશાળી લોકોની જમીન ખેડી રહ્યા હોય છે અને પોતાના પરિશ્રમનું ફળ તેમને મળતું નથી હોતું. કઠોર પરિશ્રમ કરીને તે લોકો ઉંચા મહેલમિનારા, પિરામિડો કે દેવળોનું નિર્માણ કરે છે પણ તેમની પોતાની સ્વાતંત્ર્ય દેવી તો આ ઇમારતોમાંથી તો ગાયબ જ હોય છે.

             સભ્યતાઓ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ વધુ સંકુલ બનતી જાય છે અને કામદારો વધુ ને વધુ ગુલામ બનતા જાય છે. આજે તો તેઓ પોતે જે યંત્રો ચલાવે છે તેના નિજીવ પૂર્જા બની ગયા છે. ગગનચૂંબી ઈમારતો કે રેલરસ્તા બાંધતી વખતે, ગોદીમાં, ખાણમાં કે સાગરમાં કામ કરતી વખતે તેઓ સતત મોતના ઓથાર નીચે જીવતા હોય છે. તેઓ દૂર દૂરથી વાહન હંકારીને આપણા ભોગવિલાસ માટેના સાધનો લઈ આવે છે, તેના બદલામાં તેમને વેતન તો નજીવું મળે છે.

                      કામદાર મિત્રો, તમારે સંગઠિત થઈને તમારા જીવનને નવો ઓપ આપવાનો છે. આ કામ  કદી કોઈ સરકાર કે સત્તાએ કશું કર્યું નથી. હા, જર્મનોએ પાશેરામાં પૂણી જેટલું કામ કર્યું છે. તેમને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરીને સ્વચ્છ વસાહતોમાં આશ્રય આપ્યો છે અને જીવવા માટે પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક, દવાઓ વગેરે પુરી પાડી છે. પરંતુ તેની પાછળ તેમનો હેતુ તો મજબૂત સૈનિકો તૈયાર કરવાનો છે.

             માટે તમારે જરૂર છે તંત્રનું નાક દબાવીને તમારી આવશ્યકતાઓ મેળવી લેવાની. “બિચારી સરકાર આવું કરી શકશે કે નહિ” એવા વ્યર્થ વિચારો ન કરો. ખરેખર તો યુદ્ધ દરમિયાન બધી જ સરકારોએ આ કરેલું છે. વળી એ પણ હકીકત છે કે પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગો તો ખાનગી સાહસો કરતા જાહેર સાહસોથી  જ વધું સારી રીતે ચાલ્યા છે.

             આથી તમારી ફરજ બની રહે છે કે વધુ ક્રાંતિકારી પગલાઓ પર ભાર મૂકવો. તમારે એ જોવું જોઈએ કે કુમળા બાળકોએ કારખાના, ખાણ કે સ્ટોરમાં કામ કરવું ન પડે. તેમને એવાં કોઈ સ્થળે રહેવું ના પડે કે જ્યાંનું વાતાવરણ પ્રદુષિત અને ગીચ વસ્તીથી ભરેલું હોય. તમારે એ જોવાનું છે કે દેશના કોઈપણ ખૂણે જન્મેલું બાળક સારા લાલનપાલન, સારા શિક્ષણ કે સારી તબીબી સારવારથી વંચિત ન રહે.

             તમે વિશ્વશાંતિનો ભંગ કરતા યુદ્ધો અને યુદ્ધખોરો સામે આહલેક જગાવો. તમારા વિના કોઈપણ દેશ લડાઇ લડી શકે તેમ નથી. તમે યુદ્ધ સામે જેહાદ પુકારો કારણ કે યુદ્ધનું કામ તો તમારી વર્ષોની મહેનત પછી કરેલા નિર્માણને ક્ષણ માત્રમાં ભસ્મીભૂત કરવાનું છે. ઝેરી ગેસ, બોંબ કે યુદ્ધના અન્ય હથિયારો બનાવતા કારખાના સામે તમારો અવાજ બુલંદ કરો અને વિનાશ માટેની ગુલામી છોડીને નવનિર્માણ માટેના નાયકો બનો.”

    (નોંધ : સૌ પ્રથમ મને ઉપરોક્ત માહિતી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ ૧૨ના અંગ્રેજી સેક‌ન્ડ લે‌ન્‌ગ્વેજના પાઠ્યપુસ્તકમાંથી મળી અને ત્યાર પછી ગૂગલમાંથી પણ વિશેષ માહિતી મળી જેનો મેં ગુજરાતીમાં અનુવાદ કરવા પ્રયાસ કર્યો છે. આથી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને ગૂગલ ગુરુનો આભાર માનું છું)


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • પ્રાઈવેટ મેમ્બર બિલ : ઝંખવાતો ઉમદા ઉદ્દેશ

    નિસબત

    ચંદુ મહેરિયા

    વર્તમાન સત્તરમી લોકસભા (૨૦૧૯ -૨૦૨૪) માં ૧૪૩ સાંસદોએ ૭૨૯ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યા હતા. પરંતુ એક પણ બિલ પાસ થયું નથી. સોળમી લોકસભા   ( ૨૦૧૪-૨૦૧૯) માં ૧૧૧૪ પ્રાઈવેટ મેમ્બર  બિલ રજૂ થયા હતા. તે પૈકી માંડ ૧૦ બિલો ચર્ચાયા હતા. જોકે મંજૂર એકપણ થયું નહોતું. પંદરમી લોકસભામાં ૮૪ સાંસદોએ ખાનગી સભ્યના બિલ રજૂ કર્યાં હતાં. તેમાં ૧૧ બિલ દસ કે તેથી વધુ વખત રજૂ થયા હતા. ચૌદમી લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ તરીકે રજૂ થયેલા ૩૦૦ બિલમાંથી માત્ર ૪ ટકા જ ચર્ચાયા હતા. છેલ્લા પચીસ વરસોમાં આ પ્રકારના બિલો માંડ બે થી ત્રણ ટકા જ ચર્ચાયા હતા. ૧૯૭૦ સુધીમાં ચૌદ જ પ્રાઈવેટ મેમ્બર બિલ ચર્ચાને અંતે મંજૂર થઈ કાયદો બન્યા છે. પરંતુ ૧૯૭૦ પછી એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ કાયદો બન્યું નથી ! છેલ્લા પંચોતેર વરસોમાં આશરે પાંચેક હજાર ખાનગી સભ્ય વિધેયકોમાંથી ચૌદ જ સ્વીકારાયા હોય અને ૧૯૭૦ પછીના પંચાવન વરસોમાં એકપણ બિલ સંસદની મંજૂરી ના મેળવી શક્યું હોય તો સંસદની કામગીરીમાં પ્રાઈવેટ મેમ્બર બિલની જોગવાઈની પ્રસ્તુતતા અંગે જ સવાલ થાય છે.

    સંસદનું મુખ્ય કામ કાયદા ઘડવાનું છે. એટલે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે મંત્રી મંડળના સભ્ય (મંત્રી) બિલ કે વિધેયક રજૂ કરે છે. તેને સરકારી વિધેયક કહેવામાં આવે છે. મંત્રી મંડળના સભ્ય સિવાયના સાંસદો સંસદના સત્રમાં જે બિલ રજૂ કરે તેને ખાનગી સભ્યનું વિધેયક કે પ્રાઈવેટ મેમ્બર બિલ કહેવામાં આવે છે. સરકારી બિલ સંસદના સત્ર દરમિયાન ગમે તે દિવસે રજૂ કરી શકાય  છે. પરંતુ મંત્રી સિવાયના સત્તાપક્ષ કે વિરોધ પક્ષના સભ્ય પ્રાઈવેટ મેમ્બર બિલ સંસદમાં પ્રાઈવેટ મેમ્બર બિઝનેસ માટે ઠરાવેલ શુક્રવારના દિવસે જ રજૂ કરી શકે છે. કોઈ પણ સાંસદે પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરવા એક મહિનાની નોટિસ આપવાની હોય છે. ૧૯૯૭ સુધી સંસદ સત્ર દરમિયાન સભ્યો અઠવાડિયાના ત્રણ  બિલની નોટિસ આપી શકતા હતા. તેને કારણે મોટી સંખ્યામાં બિલો રજૂ થતા હતા. એટલે  તેની મર્યાદા ઘટાડીને અઠવાડિયાને બદલે સત્ર દરમિયાન ત્રણની કરવામાં આવી છે. જોકે તેમ છતાં ૨૦૨૧માં એક જ દિવસે ૧૪૫ અને ૨૦૨૨માં એક જ દિવસે ૮૦ બિલો રજૂ થયા હતા. બંધારણ સુધારા સંબંધી ખાનગી સભ્યના વિધેયક માટે રાષ્ટ્ર્પતિની મંજૂરી આવશ્યક છે. સરકારી બિલ જો નામંજૂર થાય તો તેની અસર સરકારની સ્થિરતા પર પડે છે પરંતુ સત્તાપક્ષ કે વિપક્ષના ખાનગી સભ્યનું બિલ સ્વીક્રુત-અસ્વીક્રુત થાય તો તેની અસર સરકારની સ્થિરતા પર પડતી નથી.

    સરકાર તો કાયદા ઘડવા મંત્રીઓ મારફતે વિધેયકો રજૂ કરે જ પણ ખાનગી સભ્યોને પણ સરકારે અમુક મુદ્દે કાયદા ઘડવા જોઈએ તેમ લાગે છે. એટલે ખાનગી સભ્યના બિલની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવર્તમાન કાયદામાં કોઈ ત્રુટિ હોય કે કોઈ નવા વિષય પર કાયદાની આવશ્યકતા લાગે તો તે તરફ સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે અને સરકારની બાંહેધરી મેળવવા માટેનો પણ  પ્રાઈવેટ મેમ્બર બિલનો હેતુ છે. એક રીતે ખાનગી સભ્ય બિલ રજૂ કરીને કાયદાકીય હસ્તક્ષેપની જરૂરિયાત દર્શાવે છે.સંસદની ધારાકીય કાર્યવાહીનો તે મહત્વનો હિસ્સો છે. વર્તમાન કાયદા કે કાયદાકીય પ્રણાલીની સમસ્યાઓ પ્રતિ સરકારને સચેત કરવા જેવા ઘણા ઉમદા ઉદ્દેશો તે ધરાવે છે.

    ૧૯૭૦ સુધીમાં જે ચૌદ ખાનગી સભ્યોના બિલ કાયદો બની શક્યા છે, તેમાં ૯ લોકસભામાં અને ૫ રાજ્યસભામાં રજૂ થયા હતા. ૧૯૫૬ના એક જ વરસમાં પાંચ ખાનગી સભ્ય બિલ કાયદો બન્યા હતા. ચૌદ પૈકી સાંસદ રઘુનાથ સિંહના બે બિલો કાયદો બન્યા હતા. સંસદીય કાર્યવાહી (પ્રકાશનનું સંરક્ષણ) નો કાયદો મૂળે ફિરોઝ ગાંધીનું પ્રાઈવેટ મેમ્બર બિલ હતું. મુસ્લિમ વકફ વિધેયક, ૧૯૫૨ , દંડ પ્રક્રિયા સંહિતા (સંશોધન) વિધેયક, ૧૯૫૩ અને સાંસદોના વેતન અને ભથ્થા સુધારા વિધેયક ૧૯૬૪ પ્રાઈવેટ મેમ્બર બિલમાંથી કાયદો બન્યા છે. ૧૯૭૦માં મંજૂર થઈ કાયદો બનનારું છેલ્લું પ્રાઈવેટ મેમ્બર બિલ, આનંદ નારાયણ મુલ્લાનું સર્વોચ્ચ ન્યાયાલય (અપરાધિક અપીલ ક્ષેત્રાધિકાર વિસ્તાર વિધેયક ), ૧૯૬૮ હતું.

    સામાન્ય રીતે પ્રાઈવેટ મેમ્બર બિલ પક્ષ-વિપક્ષના ભેદ સિવાય સર્વાનુમતે દાખલ થતા હોય છે. પરંતુ હવે તેને પણ રાજકારણનો વણછો લાગ્યો છે. સત્તાધારી પક્ષ વિરોધ પક્ષનું વલણ જાણવા તેમના પક્ષના સભ્યો દ્વારા ખાનગી સભ્યના બિલ રજૂ કરાવે છે. બંધારણના આમુખમાંથી સમાજવાદ શબ્દ દૂર કરવો, વસ્તી નિયંત્રણ,  વકફ બોર્ડ એક્ટ રદ  કરવો અને સમાન નાગરિક ધારો જેવા  બિલો દાખલ થયા ત્યારે જ વિપક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. એ અર્થમાં ઉમદા ઉદ્દેશ સાથેની પ્રાઈવેટ મેમ્બર બિલની જોગવાઈ ઝંખવાઈ રહી છે.

    ૨૦૦૯માં કોંગ્રેસના આંધ્રના રાજ્યસભા સભ્ય અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ એલ. રાજગોપાલ ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ કરનારા સભ્યોને દંડિત કરવાની જોગવાઈ ધરાવતું  પ્રાઈવેટ મેમ્બર બિલ લઈ આવ્યા હતા. આ પ્રકારના બિલને નાગરિકો ઉમળકાથી વધાવે જ .પરંતુ આંધ્રના વિભાજનનું સરકારી બિલ રજૂ થયું ત્યારે તેના વિરોધમાં આ મહાશયે ગૃહમાં કાળા મરચાનો ઝંટકાવ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે ગૃહની કાર્યવાહી તો ખોરવી નાંખી હતી પણ ચાર સાંસદોને  સ્પ્રેને કારણે હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા. એટલે સાંસદ મહાશયના ચરિત્રના સંદર્ભે બિલનું ઔચિત્ય કેટલું તેવો પ્રશ્ન થાય છે.

    ખાસ્સા ત્રણ દાયકા પૂર્વે ડાબેરી સાંસદ ગીતા મુખરજી સૌ પ્રથમ વખત મહિલા અનામત અંગે પ્રાઈવેટ મેમ્બર  બિલ લાવ્યા હતા. એનસીપીના સુપ્રિયા સુલેનું   ખાનગી કંપની કે ઓફિસના કર્મચારીને  કામના કલાકો બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક, કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીનું ચૂંટણી પંચની સ્વાયત્તતા અને સ્વતંત્રતા તથા રાજકીય પક્ષોમાં આંતરિક ચૂંટણીનું પ્રાઈવેટ મેમ્બર બિલ મહત્વના ગણી શકાય. શાળાઓમાં ફરજિયાત સંસ્કૃત શિક્ષણ, દરેક ઘરમાં શૌચાલય, અનિવાર્ય મતદાન, બેરોજગારી ભથ્થુ, પ્રાથમિક ઉપચાર તાલીમ, મેડિક્લેમમાં આયુર્વેદ ઉપચારનો સમાવેશ,  જળાશયોની જાળવણી જેવા વિષયો પર પણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ થયા છે.

    હજુ ગયા અઠવાડિયે જ કર્ણાટક વિધાનસભાએ સર્વાનુમતે  કર્ણાટક ક્લાઉડ સીડિંગ વિધેયક ૨૦૨૪ મંજૂર કર્યું હતું. આ  પ્રાઈવેટ મેમ્બર બિલ હતું.  આ બિલનું મંજૂર થવું દર્શાવે છે કે રાજ્યમાં દુષ્કાળની અસર ઓછી કરવા આ પ્રકારના બિલનું કાયદો બનવું જરૂરી હતું. ખાનગી સભ્યનું આ બિલ કાયદો બનતાં કૃત્રિમ વર્ષા ટેકનિકથી  ૩૦ કરોડના ખર્ચે વરસાદમાં વીસ ટકાની વ્રુધ્ધિ થશે અને રૂ.૭,૦૦૦ કરોડના પાકને જીવતદાન મળશે. એટલે વ્યાપક જનહિતના પ્રાઈવેટ મેમ્બર બિલ સારા પરિણામો લાવી શકે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સામી ચૂંટણીએ જનતા મેનિફેસ્ટો: ‘પગડી સંભાલ જટ્ટા!’

    તવારીખની તેજછાયા

    શહીદ ભગતસિંહના કાકા – પ્રખર દેશભક્ત અજિતસિંહ

    શિવ છત્રપતિનું હિંદવી સ્વરાજ હોય કે ક્રાંતિકારીઓને વહાલું મુક્ત ભારત હોય, કિસાન આંદોલન એ સંદર્ભમાં ખાસું વૈચારિક ખાણદાણ લઈને આવે છે.

    પ્રકાશ ન. શાહ

    અવરોધ પર અવરોધ અને એવો જ અનિરુદ્ધ પ્રતિરોધ : કિસાન આંદોલન જેનું નામ, થંભવાનું નામ જ લેતું નથી. બને કે કેન્દ્ર સરકાર તરતમાં ચૂંટણી જાહેરાત સાથે આચારસંહિતાનું નિમિત્ત પકડીને એમાં ઝોલો પાડવાની ફિરાકમાં હોય. મારો રસ જોકે આ લખતી વેળાએ કિસાન આંદોલને હાલના સત્તાવાર રાજકીય વિમર્શમાં જે સંસ્કારક વિચાર પ્રક્રિયા (કરેક્ટિવ થોટ પ્રોસેસ)નાં ઈંગિત આપ્યાં છે એમાં છે.

    ગયે મહિને, ત્રીજી ફેબ્રુઆરીએ ક્રાંતિકારી અજિતસિંહના જન્મદિવસનો યોગ ઝડપીને એમણે ‘પગડી સંભાલ જટ્ટા’[1] (‘તારું સ્વમાન સંભાળ, ઓ ખેડુબાળ!’) દિવસ મનાવ્યો. ‘પગડી સંભાલ’ એ લડાકુ પત્રકાર બાંકે દયાલની ઐતિહાસિક એટલી જ યાદગાર રચના છે જેનું પ્રથમ જાહેર પઠન લાયલપુરમાં ૧૯૦૭ની બાવીસમી માર્ચે થયું હતું.

    બસ, નવ દિવસ અને એને ૧૧૭ વરસ થશે. બ્રિટિશ સરકારે કિસાન વિરોધી જુલમી કાયદાઓનું એલાન કર્યું એના પ્રતિકાર રૂપે આ રચના આવી હતી. અહીં કાયદાની વિગતોમાં નહીં જતાં એટલું જ નોંધીશું કે ખેતી માટેનાં પાણી પર આકરા વેરા ઉપરાંત સવિશેષ તો મોટો પુત્ર કાચી વયે મૃત્યુ પામે ત્યારે જમીનની માલિકી પરબારી સરકાર હસ્તક ચાલી જાય એવીયે જોગવાઈ હતી.

    બે શબ્દો અજિતસિંહ વિશે. જુલમી કાયદાઓ સામે પંજાબભરમાં એમણે ઝંઝાવાતી ઝુંબેશ ચલાવી હતી. એ ભગતસિંહના કાકા હતા એમ ઓળખાણ આપવી સહેલી પડે પણ તે અક્ષરશ: અપૂરતી બલકે સપાટ ઓળખ છે. ઉત્કટ દેશભક્તિવશ અજિતસિંહે સૂફી અંબાપ્રસાદ અને જિયા ઉલ્લાહ વગેરે સાથે મળીને ‘મહેબૂબાને વતન’ (ભારતમાતા સોસાઈટી)ની સ્થાપના કરી હતી અને ૧૯૦૭માં ૧૮૫૭નાં પચાસ વરસ થતાં હતાં એની ઉજવણીનીયે યોજના કરી હતી.

    સ્વાતંત્ર્ય ચળવળના ભાગ રૂપે એમણે જલાવતન જિંદગી ગુજારી. શરૂનાં વરસોમાં અહીં કુટુંબને એમની ખાસ ભાળ નહોતી ત્યારે લાંબે ગાળે ભગતસિંહને એમના સમાચાર એગ્નીસ સ્મેડ્લીના પત્રથી મળ્યા હતા. આ એગ્નીસ એક આઝાદ મિજાજ અમેરિકી પત્રકાર હતી અને હિંદની આઝાદી, રૂસી ક્રાંતિ, ચીની ક્રાંતિ યુદ્ધ વગેરેમાં હાથ બટાવવા ને કલમ ચલાવવામાં એણે પોતાનો ધર્મ જોયો હતો. બર્લિનના દિવસોમાં એ અને ચટ્ટો- સરોજિની નાયડુના ક્રાંતિકારી ભાઈ વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય સદૈવ સહચરવત્ હતાં. આપણે ત્યાં જવાહરલાલના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ ત્યારે એમના વિશેષ પ્રયાસથી અજિતસિંહ જર્મનીની જેલમાંથી છૂટ્યા હતા અને દિલ્હીમાં નેહરુના મહેમાન તરીકે રહ્યા હતા. કથળેલી તબિયતે આરામ સારુ તેઓ ડેલહાઉસીમાં હતા ત્યારે ૧૪-૧૫ ઓગસ્ટની મધરાતે ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’નું ચિર યાદગાર સંબોધન રેડિયો પર સાંભળી ‘જયહિંદ’ના ઉરઘોષ સાથે એ ભાવસમાધિમાં સરી ગયા તે સરી જ ગયા.

    અજિતસિંહ વિશે ને મિશે જરી લાંબે પાન વાત થતાં થઈ ગઈ, પણ જે મુદ્દો હતો અને છે તે એ કે એમનું ક્રાંતિકારી રુઝાન રૂંવે રૂંવે કેવળ ભારતભક્તિમાં બદ્ધ નહોતું. એની સાથે ન્યાયી પરિવર્તનની દૃષ્ટિએ આર્થિક-સામાજિક કાર્યક્રમ અવિનાભાવ જોડાયેલો હતો. ‘પગડી સંભાલ જટ્ટા’ એ સંસ્થાનવાદ અને શોષણ સામેનું જનતાનું જાહેરનામું છે. આ લખતાં ભગતસિંહ થકી લોકપ્રિય બનેલો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ (લોંગ લિવ રેવોલ્યુશન) પણ સાંભરે છે. રામાનંદ ચેટર્જી ત્યારે ‘મોડર્ન રિવ્યૂ’ ચલાવતા. કહે છે કે આ સામયિકની રાહ જોવામાં વાઈસરોય અને ગાંધીજી બેઉ હતા. એમાં ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા વિશેની ભગતસિંહની નુક્તેચીની એમનાં યાદગાર લખાણો પૈકી છે.

    જોગાનુજોગ કહી જ દઉં કે આ નારો મૂળે તો સ્વાતંત્ર્ય લડવૈયા શાયર મૌલાના હસરત મોહાનીની ભેટ છે. (હવે તો મોહાની જોકે ‘ચૂપકે ચૂપકે રાત-દિન આંસુ બહાના યાદ હૈ, હમકો અબ તક આશિકી કા વો જમાના યાદ હૈ’[2] થકી ગુલામ અલી અને ‘નિકાહ’ની કૃપાએ યાદ હોય તો હોય.)

    કિસાન આંદોલને આ દિવસોમાં દિલ્હીની ભાગોળે ૧૯મી ફેબ્રુઆરીએ શિવ જયંતી પણ વિશેષ રૂપે મનાવી. હિંદુ-મુસ્લિમ ચોકઠામાં શિવાજીની જે એક ઠાકરે આવૃત્તિ ચલણમાં છે તેથી ઉફરાટે શિવાજી ઘટના અને હિંદવી સ્વરાજનું એક વિશિષ્ટ ચિત્ર સૌની સામે આવ્યું અને જોતીબા ફૂલે સરખા ઝુઝારુ સુધારક શા સારુ ‘શિવાજી તો અમારા શુદ્રોના રાજા’ એવું ભાવભર્યું વિધાન કરતા હશે તે સમજાયું. મુઘલ સત્તાથી માંડી મરાઠા ઠકરાતો સાથે લડતાં એમણે કિસાનોને એમનો હક અપાવ્યો. કુલકર્ણી, પાટિલ, દેશમુખ એ ભૂમિ માલિકો ને જાગીરદારો પાસેથી આ હકનું કિસાનોમાં સંક્રાન્ત થવું એ છતી રાજાશાહીએ સામંતવાદના હ્રાસની ઘટના હતી.

    સ્વરાજકાળમાં આગળ ચાલતાં ઢેબરભાઈ હસ્તક સૌરાષ્ટ્રમાં ગિરાસદાર-નાબૂદીનો જે જગન મંડાવાનો હતો એની નાન્દી ઘટના પણ તમે એમાં જોઈ શકો. વિદુષી પુષ્પા ભાવેનું માર્મિક અવલોકન છે કે એમની રાજવટમાં જે સરદારો અગ્રસ્થાને આવ્યા તે બધા ઓબીસી તબકાના હતા. શહીદ પાનસરેએ પણ શિવાજી થકી શક્ય બનેલ સંક્રાન્તિ રૂડી પેરે ઉપસાવી છે. કમનસીબે પેશવાઈએ આ બધું કોરાણે મેલ્યું. પરિણામે, શિવ પરંપરામાં આવેલા શાહુ મહારાજે પણ સંકુચિત શાસ્ત્રજ્ઞોની ખફગી વહોરવા વારો આવ્યો.

    હાલના સત્તાવિમર્શ અને પ્રાયોજિત સોશિયલ મીડિયાના ચીસોટા પરત્વે તથ્યમંડિત એવી જે સંસ્કારક સોઈ આ આંદોલન નિમિત્તે આવી મળી છે એ જરૂર સ્વાગતાર્હ છે. કબૂલ કે એક કોયલે વસંત નથી થતી, પણ એકાદા કોયલટહૂકે એનાં વધામણાં અવશ્ય સંભળાય છે. દેશમાં એક નાનાયે તબકો તો છે ને, જેને મણિલાલ દેસાઈની ઉંબરે ઊભી નાયિકા પેઠે વાલમબોલ સંભળાય છે… પગડી સંભાલ જટ્ટા!


    સંપાદકીય નોંધઃ

    વિડિયો લિંક, યુ ટ્યૂબના સૌજન્યથી, સાંદર્ભિક રસ માટે મુકેલ છે.

    [1]

    [2]


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩ – ૦૩ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈનો લાડકવાયો – (૪૪) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ (૧)

    દીપક ધોળકિયા

    પહેલું વિશ્વયુદ્ધ  ચાલતું હતું ત્યારે સરકારે ;ડિફેન્સ ઑફ ઇંડિયા ઍક્ટ’ લાગુ કર્યો હતો, પણ એનો તો યુદ્ધના અંત સાથે જ અંત આવી ગયો. બીજી બાજુ દેશમાં ક્રાન્તિકારી પ્રવૃતિઓ વધતી જતી હતી અને એને કેમ કાબૂમાં રાખવી તેની ભારે વિમાસણ સરકાર અનુભવતી હતી. પરંતુ એને લોકશાહી રસ્તા તો ક્યાંથી સૂઝે? એટલે એક જસ્ટિસ સિડની રૉલેટની આગેવાની હેઠળ સરકારે એક કમિટી બનાવી. કમિટીની ભલામણ પ્રમાણે બે બિલ બન્યાં – એક બિલથી ડિફેંસ ઑફ ઇંડિયા ઍક્ટમાં સુધારો કરાયો અને બીજા બિલ દ્વારા એક નવો કાયદો બન્યો – Anarchical and Revolutionary Crimes Act.  એ જ રૉલેટ ઍક્ટ. એમાં સરકારને અમર્યાદિત સત્તા મળી, જેમ કે કોઈ પણ વ્યક્તિને વૉરંટ વિના પકડી શકાય, જ્યૂરીને બોલાવ્યા વિના જ એની સામે બંધબારણે કેસ ચલાવી શકાય વગેરે.

    ૧૯૧૮ના જુલાઈમાં આ કાયદો જાહેર થયો કે તરત જ એની સામે વિરોધનો વંટોળ ઊઠ્યો. રાજકીય નેતાઓએ એને ભારતમાં મૂળભૂત હકો પરના હુમલા તરીકે ઓળખાવ્યો. વર્તમાનપત્રો પણ ઊકળી ઊઠ્યાં.

    ગાંધીજી હવે રાજકીય મંચના મધ્ય ભાગમાં આવી ગયા. એમણે ૧૯૧૯ની ૨૪મી ફેબ્રુઆરીએ વાઇસરૉયના અંગત મંત્રી મૅફીને તાર કરીને રૉલેટ ઍક્ટનો વિરોધ કર્યો અને એની સામે સત્યાગ્રહ કરવાની નોટિસ આપી દીધી.

    આમ છતાં, બન્ને વિધેયકોને કાયદાનું રૂપ મળી ગયું. હવે ગાંધીજીએ લડતનો દોર સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લીધો. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ વગેરે વીસ જણની મીટિંગ બોલાવી અને સત્યાગ્રહ સભાની પણ સ્થાપના કરી અને  એના સોગંદપત્ર પર બધાએ સહીઓ કરી. એમણે પહેલાં ૩૦મી માર્ચે આખા દેશમાં હડતાળ માટે એલાન કર્યું. આ દિવસે બધાએ ઉપવાસ કરવાના હતા. જો કે આ તારીખ પછી તરત જ બદલીને ૬ઠ્ઠી ઍપ્રિલ કરી દેવાઈ.

    દિલ્હી

    તારીખ બદલ્યાના સમાચાર દિલ્હીમાં ન પહોંચ્યા. એટલે આંદોલનકારીઓએ ૬ઠ્ઠી ઍપ્રિલ સુધી રાહ ન જોઈ. કોંગ્રેસે જાહેર કરેલી મૂળ તારીખે, ૩૦મી માર્ચે જ, રૉલેટ ઍક્ટ વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું. દિલ્હીની જનતાનો રોષ ભભૂકી ઊઠ્યો અને ઠેરઠેર લોકો રસ્તાઓ પર આવીને વિરોધ કરવા લાગ્યા. ભીડને વીખેરી નાખવા અને ડરાવવા, વસાહતવાદી સરકારે હિંસાનો આશરો લીધો અને ગોળીબારનો છૂટથી ઉપયોગ કર્યો. આમાં ઘણાના જાન ગયા. આમાંથી અમુક શહીદોનાં નામ મળી શક્યાં છે. એમને અંજલિ આપવા માટે અહીં એ નામો આપ્યાં છેઃ.

    આતમ પ્રકાશ, ચંદર ભાન, ચેત રામ, ગોપી નાથ, મામ રાજ, રાધા શરણ, રાધે શ્યામ, રામ લાલ, રામ સરૂપ, રામ સિંઘ, ચંદર મલ રોહતગી.

    બ્રિટિશ આર્મીના ગોળીબારમાં આ બધા શહીદ થયા, અને દિલ્હીમાં ટાઉન હૉલ પાસે બ્ર્રિટિશ આર્મીની ટૂકડીએ અબ્દુલ ગનીને બેયોનેટ ભોંકીને મારી નાખ્યા.

    પંજાબ

    દિલ્હીની આગ પંજાબ પહોંચતાં આખો પ્રાંત સળગી ઊઠ્યો. ગવર્નર માઇક્લ ઑ’ડ્વાયરને  અંગત રીતે હિન્દવાસીઓ, અને તેમાંય શિક્ષિત હિન્દીઓ દીઠા નહોતા ગમતા. એટલે જ્યારે પંજાબમાં વિરોધ પ્રબળ બન્યો ત્યારે એ અકળાઈ ગયો અને દમનકારી પગલાં લેવાનું શરૂ કરી દીધું. પ્રાંતમાં માર્શલ લૉ લાગુ કરી દેવાયો. આ જુલમ સામે લાહોરમાં વીસ હજાર માણસો શાંતિપૂર્વક સરઘસમાં જોડાયા. પંજાબના મુલ્કી અને લશ્કરી આગેવાનોને આમાંથી બળવાની ગંધ આવી.

    હડતાળની તારીખ ૩૦મી માર્ચ બદલીને છઠ્ઠી ઍપ્રિલ થઈ ગઈ હતી તે સમાચાર પંજાબમાં પણ પહોંચ્યા નહોતા. ૨૯મી માર્ચે ડૉ. સત્યપાલ અમૃતસરમાં ભાષણ કરવાના હતા પણ ઓ’ડ્વાયરે એમના પર પ્રતિબંધ મૂકી દીધો. છાપાંઓ પર પણ સેન્સરશિપ લાદી દીધી. ૩૦મીએ ડૉ. સૈફુદ્દીન કિચલૂએ જલિયાંવાલા બાગમાં સભાને સંબોધી. આથી અમૃતસરમાં ક્રોધ અને આવેશનું મોજું ફરી વળ્યું. ગાંધીજીને પંજાબના નેતાઓએ બોલાવ્યા હતા પણ એમને ટ્રેનમાંથી જ ધરપકડ કરીને પાછા મુંબઈ પ્રાંતની સરકારની નજર નીચે મોકલી દેવાયા.

    પરંતુ નેતાઓએ છઠ્ઠી ઍપ્રિલે પણ હડતાળ પાડવાનો નિર્ણય જાહેર કર્યો. અમૃતસરના ડેપ્યૂટી કમિશનર માઇલ્સ ઇર્વિંગે નેતાઓને બોલાવીને હડતાળ ન કરવાનો આદેશ આપ્યો; કેટલાક નેતાએ એ હુકમ કબૂલ્યો પણ ડૉ. કિચલૂ અને ડૉ. સત્યપાલ મક્કમ રહ્યા. ગાંધીજીએ અહિંસક અને શાંતિપૂર્ણ સત્યાગ્રહની યોજના બનાવી હતી. એમણે અપીલ કરી હતી કે –

    આપણે હવે એ સ્થિતિમાં છીએ કે ગમે તે ઘડીએ આપણી ધરપકડ થશે એમ ધારી લેવું જોઈએ. એટલે એ ગાંઠ બાંધી લેવાની જરૂર છે કે કોઈની ધરપકડ થાય તો એણે કંઈ પણ અડચણ ઊભી કર્યા વિના પકડાઈ જવાનું છે અને કોર્ટમાં હાજર થવાનો હુકમ મળે તો એ પણ કરવાનું છે. પરંતુ કોર્ટમાં પોતાનો બચાવ નથી કરવાનો કે કોઈ વકીલ પણ રાખવાના નથી.”

    પરંતુ આ પાઠ હજી લોકોએ બરાબર પચાવ્યો નહોતો. નવમી એપ્રિલે રામનવમી હતી. પણ આ સરઘસ જુદા પ્રકારનું હતું.એમાં મુસલમાનો પણ જોડાયા અને મહાત્મા ગાંધી કી જય’ અને હિન્દુ-મુસલમાન કી જય’ જેવાં સૂત્રો પોકારાતાં હતાં. મુસલમાનોના જોડાવાથી હિન્દુઓના ધાર્મિક સરઘસનું મહત્ત્વ વધી ગયું. ઑ’ડ્વાયર લાલપીળો થઈ ગયો. હડતાળ જડબેસલાખ રહી અને આખું અમૃતસર બંધ રહ્યું. તે પછી આ બન્ને યુવાન નેતાઓ ડૉ કિચલૂ અને ડૉ. સત્યપાલને તરીપાર કરવાનો એણે હુકમ આપ્યો.

    રાતે આખા અમૃતસરમાં આ સમાચાર ફેલાઈ જતાં રોષ વધ્યો, ઠેકઠેકાણે લોકોનાં ટોળાં એકઠાં થવા લાગ્યાં. રેલવેના પુલ પર ઘોડેસવાર પોલીસે ચાર જણને મોતને ઘાટે ઉતારી દીધા. લોકો ઘાયલો અને લાશોને ખભે ઉપાડીને આગળ વધ્યા. ડેપ્યૂટી કમિશનર માઇલ્સે આવીને લોકોને શાંતિથી વીખેરાઈ જવાની અપીલ કરી પણ લોકોએ એના પર લાઠીઓ અને પથ્થરોનો મારો કર્યો. સૈનિકોએ ગોળીબાર કરતાં વીસ જણનાં મૃત્યુ થયાં. બે વકીલો ગુરદયાલ સિંઘ અને મકબૂલ મહેમૂદ આર્મી અને લોકોને સમજાવવા મથતા હતા પણ ભીડમાં માંડ મરતાં બચ્યા. આ ખૂંખાર અથડામણ વચ્ચે એક ઘાયલે હિન્દુ-મુસલમાન કી જય’ પોકારતાં અંતિમ શ્વાસ લીધા.

    ટોળું એક બૅન્ક પર ત્રાટક્યું. મૅનેજરે પોતાની રિવૉલ્વરમાંથી ગોળીઓ છોડી પણ લોકો ભાગ્યા નહીં. એમણે મૅનેજરને પકડી લીધો અને લાઠીઓ વરસાવીને એને મારી નાખ્યો અને બૅન્કના ફર્નીચર સાથે જ એની લાશને બાળી નાખી. ટાઉનહૉલ, પોસ્ટ ઑફિસ, એક રેલવે સ્ટેશન અને મિશન હૉલને પણ આગ ચાંપી દેવાઈ. ભીડ તે પછી સ્ત્રીઓ માટેની હૉસ્પિટલ તરફ વળી. એવી અફવા હતી કે એની ઇનચાર્જ ડૉક્ટર ઈસબેલ મૅરી ઈઝડન ઘાયલો પર હસી હતી. લોકો એને શોધતા હતા.

    એક મિશનરી મિસ માર્શેલા શેરવૂડ પાંચ સ્કૂલોની સુપરિંટેંડન્ટ હતી. રમખાણો થતાં એ સાઇકલ પર સ્કૂલો બંધ કરાવવા નીકળી. ટોળાએ એને જોઈ લીધી. એને પકડીને ખૂબ મારપીટ કરી અને મરેલી જાણીને ટોળું આગળ નીકળી ગયું.

    ઑ’ડ્વાયરને આ બધા સમાચાર મળતાં એણે કર્નલ રેજિનાલ્ડ ડાયરને બોલાવીને અમૃતસરમાં શાંતિ સ્થાપવાની જવાબદારી એને સોંપી દીધી. ડાયરે ૧૧મીની રાતે આવીને જે ગલીમાં મિસ શેરવૂડ પર હુમલો થયો હતો એ બંધ કરી દીધી. એણે હુકમ આપ્યો કે આ જગ્યા પવિત્ર છે અને જે કોઈ અહીંથી પસાર થશે તેણે ઘૂંટણિયે પડીને ચાલવું પડશે – એણે દલીલ આપી કે શીખો અને હિન્દુઓની તો એ રીત છે કે દેવતા સામે સાષ્ટાંગ દંડવત્ કરવાં!

    ૧૨મી ઍપ્રિલે જ એ શહેરમાં સૈનિકોની ટુકડી સાથે ફર્યો.

    હજી સત્યાગ્રહીઓ મક્કમ હતા. એક બાજુ ડાયર લોકોમાં ફરીને ધમકી આપતો હતો કે લશ્કર કોઈ પણ પગલું ભરતાં અચકાશે નહીં, તો બીજી બાજુ સત્યાગ્રહીઓ લોકોમાં ફરીને એલાન કરતા હતા કે ૧૩મીએ બૈસાખીના પર્વને દિવસે જલિયાંવાલા બાગમાં જાહેર સભા મળવાની છે…!

    (ક્રમશઃ)

    ૦૦૦

     દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • સલામ દોસ્ત !

    આશા વીરેન્દ્ર

    ઉટી જેવા હીલ સ્ટેશનમાં આવેલ ટી એસ્ટેટના મેનેજરની પદવી કંઈ નાની-સૂની નહોતી. તમામ સુખ-સુવિધા સાથેનો વિશાળ બંગલો, ફરતે સુંદર બગીચો, ઘરની સંભાળ રાખવા એક દંપતી, માળી, બાવર્ચી અને એસ્ટેટની દેખરેખ રાખવા ઘણું ફરવું પડે એ માટે એક પાણીદાર ઘોડો. પૉલ રૉબર્ટ આ બધાથી ખુશ હતો. અહીં ભારતમાં આવીને રહેવા એણે પત્નીને કેટલું સમજાવી હતી !

    ‘ડાર્લિંગ, તું એક વાર આપણાં વિલીને લઈને ઇન્ડિયા આવ તો ખરી! મને ખાતરી છે; તમને બંનેને અહીં બહુ ગમશે.’ પણ કેથી તૈયાર નહોતી.

    ‘ના, હું તો આ જ દેશમાં રહીશ અને વિલીને પણ અહીં જ રાખીશ. તારે જે કરવું હોય એને માટે તું સ્વતંત્ર છે.’

    કેથી નથી જ માનવાની એ જોયા પછી પૉલે એકલા રહેવાનું સ્વીકારી લીધું હતું. વર્ષમાં એકાદ મહિનો કુટુંબ સાથે રહીને ફરી પાછું કામે લાગી જવું એવું એણે નક્કી કર્યું હતું. ઘરની દેખભાળ રાખતો ઈકબાલ અને એની પત્ની શબનમ વિશ્વાસુ હતાં. પૉલ એસ્ટેટ પર જવા નીકળે પછી શબનમ આખું ઘર સાફ કરી નાખતી. એ પાછો ફરે પછીનું બધું કામ ઈકબાલ સંભાળતો. એક સાંજે પૉલ આરામ ખુરશીમાં બેસીને ચિરુટના કશ ખેંચતો હતો ત્યારે ઈકબાલે વિનયપૂર્વક પૂછ્યું,

    ‘ હુજૂર,  શું આપને આ બૉલ કંઈ કામમાં આવે એમ છે?’ પૉલે જોયું તો એના હાથમાં સાવ જૂનો થઈ ગયેલો એક રબરનો બૉલ હતો. આવો બૉલ ઘરના કોઈક ખૂણાંમાં પડ્યો હતો એવો પૉલને ખ્યાલ પણ નહોતો. એણે પૂછ્યું,

    ‘કેમ, તારે એનું શું કામ છે?’

    ‘હુજૂર, મારો ચાર-પાંચ સાલનો દીકરો છે- મહમ્મદ. એને આનાથી રમવાની બહુ મજા પડશે. જો આપની મહેરબાની હોય તો…’

    ‘ઠીક છે, ઠીક છે. લઈ જા. આપજે તારા દીકરાને.’

    બીજે દિવસે સાંજે એ કામેથી પાછો ફર્યો ત્યારે એણે જોયું કે એક બાળક પેલા બૉલથી રમી રહ્યો હતો. એને સમજતાં વાર ન લાગી કે એ મહમ્મદ હતો. સાહેબને પોતાની આટલા નજીક જોઈને એ ઘડીક ગભરાયો પણ તરત મીઠું હસીને, પોતાની નાજુક હથેળી કપાળ સુધી લઈ જઈને એ બોલ્યો, ‘સલામ સા’બ.’

    પૉલને એને જોઈને વિલી યાદ આવ્યો. છોકરાને ખભે જરાક ટપલી મારતાં એણે કહ્યું, ‘સલામ, સલામ.’

    ધીમે ધીમે પૉલને મહમ્મદમાં રસ પડવા માંડ્યો. એસ્ટેટ પરથી આવીને હજી ઘરમાં દાખલ પણ ન થયો હોય ત્યાં એની નજર  મહમ્મદને શોધવા માંડતી. બગીચામાં પડેલા તૂટેલી ઈંટના ટૂકડા, કપચીઓ, પ્લાસ્ટીકના પાઈપના ટૂકડા જેવી નકામી વસ્તુઓમાંથી મહમ્મદ અવનવી આકૃતિઓ બનાવતો રહેતો. કોઈ કલાકાર પોતાની કલાકૃતિને આખરી ઓપ આપી રહ્યો હોય એવી તન્મયતાથી રોજ કંઈક નવું સર્જન કરતાં આ માસૂમ બાળકને જોઈને એનાં હૈયામાં વાત્સલ્ય ઊભરાતું.

    ભલે ‘સલામ સા’બ’ અને ‘સલામ, સલામ’થી વધુ સંવાદ એ બે વચ્ચે ન થતો હોય પણ બંનેને એકમેકની આદત પડી ગઈ હતી એટલું નક્કી. વપરાઈ ચૂકેલી બૉલપેનની રીફીલ, બેટરીના સેલ કે જૂનું ઘડિયાળ પૉલ સાચવીને રાખી મૂકતો અને ઈકબાલને બોલાવીને કહેતો,

    ‘લે, આ બધું મહમ્મદને આપજે. એ આમાંથી જરૂર કંઈક નવું બનાવી કાઢશે. ઈકબાલ, મને લાગે છે કે, તારો દીકરો મોટો કલાકાર બનવા સર્જાયો છે.’
    સાહેબની આવી વાત સાંભળીને ઈકબાલ ધન્ય થઈ જતો. ઘરે જઈને એ પત્નીને કહેતો,

    ‘શબનમ, ખબર છે, આજે હુજૂરે મમ્મદિયા માટે શું કીધું?’ ને પતિ- પત્ની સુખના સાગરમાં હિલોળા લેતાં.
    છેલ્લા બે દિવસથી મહમ્મદ દેખાયો નહોતો. પૉલને બેચેની થવા લાગી. સવારથી તો ઈકબાલ પણ જોવામાં નહોતો આવ્યો. એનાથી રહેવાયું નહીં. કોઈ દિવસ નહીં ને આજે એના પગ નોકરોનાં રહેઠાણ તરફ વળ્યા. ખોલીની બહાર ઊભા રહીને એણે બૂમ પાડી. માફી માગતો હોય એમ દયામણા સાદે ઈકબાલ કહેવા લાગ્યો,
    ‘હુજૂર, હમણાં આપની ખિદમતમાં હાજર થવાનો જ હતો પણ આ મમ્મદિયાને બે દિ’થી તાવ આવતો હતો ને અત્યારે જુઓને, ખેંચ આવવા માંડી તે…’ ઈકબાલની આંખો ભીની થઈ ગઈ.

    ‘અરે! મને કહેવું તો જોઈએ! હું હમણાં જ ડૉક્ટરને ફોન કરું છું.’
    ડૉક્ટરે લગભગ અડધા કલાક સુધી કાળજીપૂર્વક દર્દીને તપાસ્યો. ત્યાં સુધી પૉલે વ્યગ્રતાથી વરંડામાં આંટા માર્યા કર્યા. ડૉક્ટરે એની પાસે આવીને નિરાશાથી ડોકું ધુણાવ્યું, ‘પૉલ, આ લોકોનાં ખાવા-પીવાનાં કંઈ ઠેકાણાં હોય નહીં. સરખું પોષણ મળે નહીં. એવામાં આપણે કરી કરીને શું કરી શકીએ? જોઈએ, હવે શું થાય છે? મેં મારાથી બનતી કોશિશ તો કરી છે.’
    ડોક્ટરના આ ‘ જોઈએ, શું થાય છે’ શબ્દોએ પૉલને ચિંતામાં મૂકી દીધો હતો. એણે છ દિવસ સુધી અધ્ધર જીવે રાહ જોયા કરી. રોજ ઈકબાલને પૂછવાનો વિચાર કરતો કે, મહમ્મદને કેમ છે પણ એની સૂની અને ઊંડી ઊતરી ગયેલી આંખો જોઈને પૂછવાનું માંડી વાળતો. સાતમે દિવસે હજી એ એસ્ટેટ પર જવાની તૈયારી કરતો હતો, ત્યાં શબનમનો પોક મૂકીને રડવાનો અવાજ સંભળાયો. પૉલ ઈકબાલની ખોલી તરફ દોડ્યો. મા દીકરાને ગળે વળગાડીને છાતીફાટ રડી રહી હતી અને બાપ ડૂસકાં ભરી રહ્યો હતો.

    શું બોલવું કે શું કરવું એ પૉલને સમજાયું નહીં. એણે મહમ્મદ સાજો થાય ત્યારે આપવા માટે સાચવી રાખેલા રંગીન પેંસિલના થોડા ટૂકડા મહમ્મદના માથા પાસે મૂક્યા. ઈકબાલને ખભે હાથ મૂકતા એણે મનોમન કહ્યું, ઊગતા પહેલાં જ એક કલાકારનો અસ્ત થઈ ગયો.
    ઈકબાલ પોતાના એક સંબંધી સાથે કબ્રસ્તાન તરફ ભારે હૈયે ચાલવા લાગ્યો. સફેદ કપડામાં વીંટાળેલી દીકરાની લાશનો ભાર લાગતો હોય એમ એ વાંકો વળી ગયો હતો. એ જોઈને પૉલની આંખો ભરાઈ આવી અને એ ધીમેથી બોલ્યો, ‘સલામ દોસ્ત, સલામ. !’


    (રુડયાર્ડ કિપલિંગની અંગ્રેજી વાર્તાને આધારે)


    સૌજન્યઃ ‘ભૂમિપુત્ર’, વડોદરા


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ધુમ્મસની પાર

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    તાળું ખોલતાંની સાથે ઘરમાં ફેલાયેલા અજગરના જડબા જેવા સૂનકારે એના મન પર ભરડો લઈ લીધો. જોર કરીને એને ધકેલતી એ અંદર પ્રવેશી. ઘરની અંદર ધૂળની સપાટી જામી હતી એ સિવાય જતી વખતે એ જેમ મૂકીને ગઈ હતી એ બધું એમનું એમ જ હતું. જ્યારે એ પોતાના ઘેરથી પાછી આવતી ત્યારે એનો રૂમ જોઈને અકારણ એનું મન ઉદાસ થઈ જતું.

    કશું કરતાં પહેલાં ચા પીવાની ઇચ્છાથી સામાન એક બાજુ મૂકીને એ રસોડામાં ગઈ. ગેસ તો પેટાવ્યો પણ તરત બંધ કારી દીધો. દૂધ વગર ચા ક્યાંથી બનવાની હતી? દૂધની વાત છોડો, ઘડામાં પાણી પણ દસ-બાર દિવસ પહેલાંનું હતું. ઘરવાપસી પછી આવી નાનીનાની વાતોથી કંટાળીને અંતે એને રમાના શરણે જવું જ પડતું.

    બારી ખોલીને એણે રમાને બૂમ મારી.

    “સુખીયા હોય તો જરા એક જગ પાણી મોકલી આપીશ?”

    અને વળતી પળે રમા પોતે પાણીનો જગ લઈને આવી ઊભી. શીલાને સંકોચ થયો.

    “અરે, સુખીયાને મોકલી દેવી’તી ને? આવીને ઘર પણ સાફ કરી જાત.”

    “થશે એ બધું, ચા ચઢાવીને આવી છું, પહેલાં ચા પીવા તો ચાલો.”

    શીલા રમાની વાત ટાળી ના શકી. ચા પીને આવી, સીધી બાથરૂમમાં નહાવા ચાલી ગઈ. નહાઈને બહાર આવી ત્યારે સુખીયાએ ઘર વાળીને ચોખ્ખું કરી દીધું હતું. માથે લપેટેલા ભીના ટુવાલથી વાળ ઝાટકતા વિચાર આવ્યો, “કાશ મન પરથી પણ આવી રીતે ભાર ઝાટકી લેવાતો હોત તો!”

    “દીદી, રસોઈ બનાવું છું. આજનો દિવસ અહીં જમી લે જો.” વળી બારીમાંથી રમાની બૂમ સંભળાઈ.

    મનોમન રમાને કેટલાય આશીર્વાદ આપી દીધા. કમસે કમ આજે તો એકલી માટે બનાવવાનું કે એકલા જમવાનું સંભવ ન થાત એવી એને અને રમા બંનેને ખબર હતી. અને એટલે જ જ્યારે બહારગામથી પાછી આવતી ત્યારે એનું જમવાનું રમાનાં ત્યાં જ થતું. રમા હતી તો મકાનમાલિક, પણ શીલાની નાની બહેનની જેમ આગળપાછળ ફર્યા કરતી.

    રમાએ ખૂબ પ્રેમથી જમવાનું બનાવ્યું હતું પણ, શીલા ખાઈ ન શકી.

    “સાચું કહું તો ઘેરથી પાછી આવું છું ત્યારે મન બહુ ભારે થઈ જાય છે. તમારા બંને વગર તો હું સાવ એકલી.”

    “ઘરમાં માજી અને સૌ ઠીક તો છે ને?” રમાએ શીલાની સામે જોયું.

    “હા, ઠીક જ છે. ઈશ્વર જ એમને શક્તિ આપી દે છે નહીંતર ઉંમર અને બીમારીઓની ફોજ સાથે આટલાં મોટાં દુઃખ સામે ટકવાનું ક્યાં સહેલું છે?” શીલાએ ઊંડો શ્વાસ લઈને જવાબ આપ્યો.

    “છોકરાઓ ક્યાં છે?” રમાએ પૂછ્યું.

    “શશાંક અને પ્રશાંત તો પોતાના ઘેર જ છે. હવે તો એ મોટા થઈ ગયા એટલે એમની ચિંતા નથી.  સ્વાતિ હજુ ઘણી નાની છે. એનામાં તો પૂરતી સમજ પણ નથી. દીદીને એક દીકરી હોય એવી બહુ ઇચ્છા હતી. કેટલી માનતા પછી દીકરી આવી અને હવે એ જ પોતે પરલોક ચાલી ગઈ.” શીલાએ નિસાસો નાખ્યો.

    વાત હરીફરીને એ જ મુદ્દા પર આવીને અટકી જે વાત કરવી શીલા માટે કપરી હતી.

    જમ્યા પછી શીલા થોડી વાર બીટ્ટુ સાથે રમીને પાછી ઘેર આવી. સખત થાકી ગઈ હતી. થાક ફક્ત સફર કે શરીરનો જ હોય છે? મનનો થાક દેખાતો નથી પણ એ જ જીરવવો ભારે પડે છે.

    ક્યારની એ પોતાનું એકાંત ઝંખતી હતી. ઊંઘવા પ્રયત્ન કરતી રહી. મનમાં ઘેરાયેલા વિચારોના ધુમ્મસને છેદીને ઊંઘ એના સુધી ન પહોંચી. થાકીને બહાર આવીને જોયું તો રમા વરંડામાં બેસીને કશુંક ગૂંથતી હતી. પ્રમોદ બહાર ગયો હતો. એ રમા પાસે જઈને બેઠી.

    “ઊંઘ નથી આવતી દીદી?” રમાના અવાજમાં સહાનુભૂતિ હતી.

    “મન ચકડોળે ચઢ્યું હોય ત્યાં ઊંઘ ક્યાથી આવે? ત્યાં સૌની વચ્ચે કશું વિચારવાનો સમય જ નહતો.

    “દુઃખ જ એવું આવ્યું છે કે મનને શું આશ્વાસન આપી શકાય?”

    “દુઃખ માત્ર દીદી ગયાનું નથી. દુઃખ એ વાતનું છે કે એ લોકો મને દીદીની જગ્યાએ જોવા માંગે છે. દીદીના સાસરીવાળા આવું વિચારે તો એનું મને આશ્ચર્ય ન થાત, દુઃખ તો એ વાતનું છે કે મા, ભાઈ, ભાભી, કાકા, મામા પણ એમ જ ઇચ્છે છે. એના માટે દબાણ પણ કરે છે. મારું મન શોકથી ભારે હતું અને એમાં આવી વાત! છી… એવું લાગે છે કે જાણે દીદીના મૃત્યુની ઇચ્છા કરીને આટલો સમય હું કુંવારી બેસી ના રહી હોઉં ?” શીલાથી અકળામણ ઠલવાઈ ગઈ.

    “અને જીજાજી શું કહે છે?”

    “એ શું કહેવાના હતા? એમનું મૌન જ જાણે એ વાતનો સંકેત આપે છે કે, આ સૌની વાતમાં એમની સંમતિ જ છે. એ જાણે છે કે સમાજ અને કુટુંબવાળા ભારે દયાળુ છે, એમને લાંબો સમય એકલા નહી રહેવા દે. એ બધું તો ઠીક પણ દીદીય જાણે ગોઠવણ જ કરીને ગઈ છે.”

    રમાએ પ્રશ્નાર્થ ચહેરે શીલા સામે જોયું.

    “કહીને ગઈ છે કે શીલુને સ્વાતિની મા બનાવજો.”

    થોડી ક્ષણો એમ જ પસાર થઈ ગઈ. પછી રમા બોલી.

    “ચાર-છ મહિના પછી હું પણ આવો જ ઉકેલ લાવવાનું કહેત.”

    “કેમ રે રમા, તું પણ આમ જ વિચારે છે, તું મારી બધી વાત જાણતી નથી?”

    “જાણું છું દીદી, તમે કોઈ પાવન આત્માની યાદનો દીપક દિલમાં પ્રગટાવીને બેઠાં છો. દીદી, જીવન ભાવનાઓની આધારે નથી ચાલતું. એને કોઈકના સાથની જરૂર હોય છે. આજે નહીં ને કાલે તમને આ વાત સમજાશે.”

    “ત્યારે હું કોઈનો સાથ શોધી લઈશ. પણ, આજે આ લોકો જે કહે છે એ મને યોગ્ય નથી લાગતું. એ તો જાણે આવી કોઈ તકની રાહ જોતા હોય એવું નથી લાગતું?”

    “તક શબ્દ ભલે ખોટો હોય છતાં વિચારી જોજો. તમે કહો છો એમ મા પણ એવું જ ઇચ્છે છે. બરાબર, અને હમણાં જ જવાબ ન આપો પણ એ દિશામાં વિચારી તો શકાય ને?” રમાના સવાલોમાં છાનો આગ્રહ હતો.

    “રમા, જીજાજી માટે મને ખૂબ આદર છે, પણ પતિના સ્વરૂપે સ્વીકારવાનું તો દૂર કલ્પી પણ નથી શકતી. હવે મારી દુનિયા સાવ અલગ છે. મારી રીતે જીવન ગોઠવી લીધું છે. મારી દુનિયાના રંગો સૌ કરતા જુદા છે. ઑફિસની ફાઇલો જીજાજી માટે સાહિત્ય છે, મહિનામાં એકાદ પિક્ચર જોવા જવું એને કલાપ્રેમ માને, બાળકોના ભણતરની જવાબદારી અને પત્ની માટે વર્ષે એકાદ દાગીનો ઘડાવીને પોતાનું કર્તવ્ય પૂરું થઈ ગયું એમ માને એવી વ્યક્તિ સાથે મારો જીવનનિર્વાહ અસંભવ છે.” એક શ્વાસે શીલા ઘણું બોલી ગઈ.

    બારીમાંથી આવતા પ્રકાશમાં ચમકતા શીલાના ચહેરાને રમા જોઈ રહી.

    “બધું ક્યાં આપણે ઇચ્છીએ એમ મળે છે દીદી. જીવનમાં સમાધાન તો કરવું જ પડે છે.”

    “એની પણ એક ઉંમર હોય છે રમા. લગ્ન પહેલા દીદી બેડમિંગ્ટન રમતી’તી, સિતાર વગાડતી’તી, કથ્થક કરતી’તી, મહાદેવીના ગીતો ગાતી’તી પણ લગ્ન પછીના આટલા વર્ષોમાં શું ઉપલબ્ધિ પામી? પાંચ-સાત જાતના પુલાવ. દસ જાતના અથાણાં, બત્રીસ જાતનાં પકવાન અને ડઝન સ્વેટર બનાવવા સિવાય બીજું એણે કર્યું શું? સોળ વર્ષની ઉંમરે પરણી એટલે એ  સાસરીના ઢાંચામાં ચૂપચાપ ઢળી ગઈ, પણ પાંત્રીસ વર્ષની ઉંમર એટલી સરળ નથી કે હું એની જેમ વળી જઉં.”

    પ્રમોદના આવવાથી બંનેની વાત અહીં અટકી. રમા ચૂપચાપ ઊભી થઈ. પ્રમોદની સાથે ઘરમાં ગઈ. રમાના ઘરનો ઉજાસ અંધકારમાં ભળી ગયો. શીલા પોતાના રૂમમાં આવી.

    “બસ, આને જ દાંપત્ય કહેતા હશે? રમાએ કેટલી સરળતાથી પ્રમોદના વિચારોને અપનાવી લીધા છે? પોતાની અલગ અસ્મિતાને લઈને રમાને જરાય પરેશાન થતા નથી જોઈ. પોતાનાથી આ બધું શક્ય બનશે?”

    શીલાએ પોતાની જાતને પૂછ્યું. મનના કોઈ પણ ખૂણામાંથી હકારમાં જવાબ ન મળ્યો. પણ છેલ્લા કેટલાય સમયથી મનમાં સળગતો લાવા થોડો શાંત તો પડ્યો જ. એ સમજતી હતી કે એની એકલતાની પણ ચિંતા સૌને સતાવતી હતી. જ્યારે જ્યારે એ ઘેર જતી એટલી વાર મા કહેતી કે એની ચિંતામાં નથી એ શાંતિથી જીવી શકતી કે નથી મરી શકવાની. એમાં દીદીના મૃત્યુથી એના બાળકોની ચિંતાનો ભાર મન પર વધ્યો હશે.

    સૌને દીદીના અવસાન પછી ગૂંચવાયેલું કોકડું ઉકેલવા જીજાજી સાથે પોતાના લગ્નનો એક માત્ર રસ્તો જ દેખાતો હતો. દીદી પણ એમ જ ઇચ્છતી હતી. જતાંજતાં જાણે એક ફરમાન બહાર પાડતી ગઈ. અરે! મને પૂછવું તો જોઈએ ને? હું શું ઇચ્છું છું એ જાણાવું તો જોઈએ ને?

    અને અચાનક એ ઊભી થઈ. ટેબલલૅમ્પ ચાલુ કર્યો અને લખવા બેઠી.

    “આદરણીય જીજાજી, દીદીની ઇચ્છા હતી કે હું સ્વાતિની મા બનું. દીદીની વાત ટાળવાનો તો કોઈ સવાલ જ નથી. આપ નિશ્ચિંતતાથી સ્વાતિની સોંપણી મને કરી શકો છો. એ પછી આપની પત્ની બનવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થશે એ મને દીદી જેટલી જ પ્રિય હશે, એની ખાતરી આપું છું. બસ, આટલું જ.”

    પત્રને એક કવરમાં બંધ કરીને ઉપર જીજાજીનું સરનામું કર્યું. પંદર દિવસમાં પહેલી વાર એણે શાંતિનો અનુભવ કર્યો. મન પર છવાયેલું શોક અને ચિંતાનું ધુમ્મસ ધીમે ધીમે આછું થતું હતું.


    માલતી જોશી લિખિત વાર્તા कोहरे के पार પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૪૨. સરશાર સૈલાની

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ફિલ્મોમાં અનેક કવિઓ એવા હતા જે ગીતકાર તો હતા જ, એ ઉપરાંત સિદ્ધહસ્ત કથા – પટકથા – સંવાદ લેખક પણ હતા. આવા હરફનમૌલા લેખકોમાં શિરમોર તો રાજેન્દ્ર કૃષ્ણ જ, પરંતુ એ સિવાય પણ કમર જલાલાબાદી, કેદાર શર્મા, આરઝૂ લખનવી, પ્યારેલાલ સંતોષી, દીનાનાથ મધોક, ગુલઝાર અને જાવેદ અખ્તર હતા. આ બધાની ગઝલોની વાત આપણે કરી ગયા. એવી જ એક બહુમુખી પ્રતિભા સરશાર સૈલાનીની વાત આજે કરીએ. ( સરશાર એટલે મસ્ત કે ચકચૂર અને સૈલાની એટલે સહેલાણી )

    સરશાર સાહેબનું ખરું નામ ભીમસેન હતું. એમનો એક જાણીતો શેર છે :

    અંધેરી  રાત,  તૂફાની  હવા,  ટૂટી  હુઈ  કશ્તી
    યહી અસબાબ ક્યા કમ થે કિ ઈસ પર નાખુદા તુમ હો ! 

    લેખક તરીકે સરશાર સાહેબે આયા સાવન ઝૂમ કે, કન્યાદાન, અમન, ગુનાહોં કા દેવતા, દેવર, આયે દિન બહાર કે, ગંગા કી લહરેં, આઈ મિલન કી બેલા, આપ કી પરછાઇયાં, અનપઢ અને બરસાત કી રાત જેવી ફિલ્મોની કથા / સંવાદો લખ્યા. ગીતકાર તરીકે બેવફા, આબશાર, આધી રાત, સ્ટેજ, કનીઝ, શાદી કી રાત, બિરહા કી રાત, એક થી રીટા, ખાનદાન અને રાગરંગ જેવી પંદરેક ફિલ્મોના ગીતો પણ. એમની એક હલકી – ફુલ્કી અને એક ગંભીર ગઝલ પેશ છે :

    દિલ લેકે દિલ દિયા હૈ, અહસાન ક્યા કિયા હૈ
    ઈતના ગુરૂર  કૈસા, ક્યા  મુફ્ત  મેં  દિયા  હૈ

    કુરબાન  ઈસ  અદા કે, ફિર  દેખ  મુસ્કુરા કે
    નજરોં સે દિલ ઉડા કે, કબ્ઝા જમા લિયા હૈ

    દો  મસ્ત  નૈન  તેરે,  દો  મસ્ત  નૈન  મેરે
    દોનોં ને ચાર હો કે, એક દિલ ચુરા લિયા હૈ

    તારોં  સે  કોઈ  પૂછે , બેચૈનિયાં  હમારી
    જિસ દિન સે દિલ દિયા હૈ, એક દર્દ લે લિયા હૈ..

    – ફિલ્મ : સ્ટેજ ૧૯૫૧

    – લતા / રફી

    – હુસ્નલાલ ભગતરામ

    તુમ કો ફુરસત હો મેરી જાન ઈધર દેખ તો લો
    ચાર  આંખેં  ન  કરો  એક  નઝર  દેખ તો લો

    બાત  કરને  કે લિયે  કૌન તુમ્હેં કહતા હૈ
    ન કરો હમસે કોઈ બાત મગર દેખ તો લો

    અપને  બીમારે  મુહોબત  કી  તસલ્લી  કે લિયે
    હાલે દિલ પૂછ તો લો ઝખ્મે જિગર દેખ તો લો

    દિલે  બરબાદ  કો  આબાદ  કરો  યા  ન  કરો
    કમ સે કમ તુમ મેરા ઉજડા હુઆ ઘર દેખ તો લો..

    – ફિલ્મ : બેવફા ૧૯૫૨

    – તલત મહેમૂદ

    – અલ્લારખા કુરેશી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • પ્રેમપૂજારી (૧૯૭૦)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    દેવ આનંદ અભિનીત બે ફિલ્મો ૧૯૭૦માં રજૂઆત પામી, જેમાંની એક હજી ‘કલ્ટ’ ફિલ્મ ગણાય છે અને આજે પણ મારા જેવા અનેક એ ફિલ્મના ચાહક છે. એ ફિલ્મ હતી વિજય આનંદ દિગ્દર્શીત ‘જહોની મેરા નામ’. એ જ વર્ષની બીજી ફિલ્મ હતી ‘પ્રેમપૂજારી’. આ ફિલ્મ દેવ આનંદ દ્વારા દિગ્દર્શીત પહેલવહેલી ફિલ્મ હતી. ફિલ્મ રજૂઆત પામી અને એક જ સપ્તાહમાં તે સિનેમાઘરોમાંથી ઉતરી ગઈ. એટલે કે બૂરી રીતે પિટાઈ ગઈ. આમ તો કોઈ પણ દિગ્દર્શક માટે આ પરિસ્થિતિ એક દુ:સ્વપ્ન સમાન ગણાય. કાચોપોચો હોય તો ફરી દિગ્દર્શન કરવાની હામ ન ભણે, પણ દેવઆનંદ કાચાપોચા નહોતા. તેમણે એ પછી ‘હરે રામ હરે કૃષ્ણ’નું દિગ્દર્શન કર્યું અને એ ફિલ્મ જબ્બર સફળતાને વરી. દેવ આનંદ એક અભિનેતા તરીકે લોકપ્રિય હતા, પણ દિગ્દર્શક તરીકે તેમની ફિલ્મો બહુ નબળી. પણ ‘હરે રામ હરે કૃષ્ણ’ની સફળતાએ કદાચ તેમના દિગ્દર્શક તરીકેના આત્મવિશ્વાસમાં એટલો વધારો કરી દીધો હશે કે એ આજીવન ટકી રહ્યો.

    ‘જહોની મેરા નામ’માં સંગીતકાર કલ્યાણજી-આણંદજી હતા, અને ગીતકાર તરીકે ઈન્દીવર તેમજ રાજેન્દ્ર કૃષ્ણ હતા, પણ ‘પ્રેમપૂજારી’માં ગીતકાર ‘નીરજ’ અને સંગીતકાર સચીન દેવ બર્મનનું સુવર્ણ સંયોજન હતું. ફિલ્મ ભલે પિટાઈ ગઈ, પણ તેનાં ગીતો આજ દિન સુધી સંભળાતાં રહ્યાં છે. ગોપાલદાસ નીરજ વિશે વિચારું ત્યારે મને હંમેશાં કૈફી આઝમીની પંક્તિ ‘તુમ રહે ન તુમ, હમ રહે ન હમ’ ખાસ લાગુ પડતી લાગે. એક સમયનાં ‘આર.કે.’ અને ‘નવકેતન’ જેવાં મોટાં બેનરની ફિલ્મમાં તેમને ગીત લખવાની તક મળી અને તેમણે ઉત્કૃષ્ટ ગીત લખ્યાં, પણ ત્યારે એ બેનર પ્રતિષ્ઠાની રીતે ઘસાવા લાગ્યાં હતાં. નીરજની કલમનો જાદુ એવો છે કે શબ્દો સાંભળતાં જ એમની મુદ્રા જણાઈ આવે. એમાં સચીનદાનું સંગીત ભળે એટલે કેવું અદ્‍ભુત સંયોજન રચાય!

    (ડાબેથી) દેવ આનંદ, લતા મંગેશકર, સચીન દેવ બર્મન અને નીરજ

    ‘પ્રેમપૂજારી’માં કુલ સાત ગીતો હતાં. કિશોરકુમાર અને લતા મંગેશકર મુખ્ય ગાયક-ગાયિકા હતાં. ‘શોખિયોં મેં ઘોલા જાયે ફૂલોં કા શબાબ’ (લતા, કિશોર) ના શબ્દો અને તેની ધૂન કંઈક અદ્‍ભુત પ્રકારની છે, તો ‘ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે’ (કિશોરકુમાર) ગીત એવું છે કે જાણે અનાદિથી ગવાતું હોય અને અનંત સુધી ચાલ્યા કરતું હોય. કશા પ્રિલ્યુડ વિના શરૂ થતું આ ગીત સૌથી લાંબું મુખડું ધરાવે છે એમ મિત્ર સંજય છેલે એક વાર જણાવેલું. ‘રંગીલા રે’ (લતા) ગીત પણ કંઈક અજબ મોહિની ધરાવે છે. એમાં મિશ્રિત કરુણરસ અને તેને અનુરૂપ વાયોલિન ગજબની અસર ઊભી કરે છે. ‘તાકત વતન કી હમ સે હૈ’ (મન્નાડે, રફી અને સાથીઓ) કૂચસંગીતના તાલમાં સ્વરબદ્ધ કરાયેલું છે, અને કર્ણપ્રિય અસર ઊભી કરે છે. ‘ગમ પે ધૂલ ડાલો, કહકહા લગા લો’ (કિશોર, ભૂપીન્દર) પણ એક વિશિષ્ટ પુરુષ યુગલ ગીત છે. આવાં ગીતમાં ભૂપીન્‍દરનો સ્વર બહુ ખીલે છે. ‘દૂંગી તૈનૂ રેશમી રુમાલ’ (લતા અને સાથીઓ) પંજાબી ધૂન પર આધારિત છે.

    આ તમામ ગીતો સાંભળવાં ગમે એવાં છે, પણ એમાં શિરમોર હોય તો એ છે ફિલ્મનું ટાઈટલ સોન્‍ગ ‘પ્રેમ કે પૂજારી’. આનું કારણ? કારણ એટલું જ કે એ દાદા બર્મને ગાયું છે. ફિલ્મનાં ટાઈટલ શરૂ થાય એ સાથે જ બર્મનદાદાનો પહાડી અવાજ ગૂંજી ઉઠે અને ગીત શરૂ થાય એની અસર જ જુદી! આ ફિલ્મ મેં જોઈ નથી, પણ ગીત સાંભળ્યું ત્યારથી એમ કલ્પેલું કે એનો ઉપયોગ ટાઈટલ સોન્ગ તરીકે જ કરાયો હશે.

    બર્મનદાદાના હિન્દી ઉચ્ચારો એવા છે કે અમુક શબ્દો વારેવારે સાંભળવા છતાં ન સમજાય. જેમ કે, આ ગીતમાં ‘રોજ મગર બઢતા જાયે’માં ‘મગર’ શબ્દ પકડતાં બહુ વાર લાગે, અથવા ‘ફૂલ હમ હજારોં લેકિન ખુશ્બૂ…’માં છેલ્લા શબ્દો પકડવા મુશ્કેલ જણાય. પણ દાદા બર્મનના અવાજનો જાદુ એવો છે કે આ બધું એમાં ઢંકાઈ જાય.

    નીરજ દ્વારા લખાયેલા અને સચીન દેવ બર્મને ગાયેલા આ ગીતના શબ્દો આવા છે:

    प्रेम के पुजारी
    प्रेम के पुजारी
    हम हैं रस के भिखारी
    हम हैं प्रेम के पुजारी
    प्रेम के पुजारी….

    कहाँ रे हिमालय एसा कहाँ ऐसा पानी
    यही वो ज़मीं,
    जिसकी दुनिया दिवानी (2)
    सुन्दरी न कोई जैसी धरती हमारी
    प्रेम के पुजारी …
    प्रेम के पुजारी
    हम हैं रस के भिखारी
    हम हैं प्रेम के पुजारी
    प्रेम के पुजारी….

    राजा गये
    राज गये, ताज गये, बदला जहाँ सारा
    रोज़ मगर बढ़ता जाये, कारवाँ हमारा (2)
    फूल हम हज़ारों लेकिन खुशबू एक हमारी
    प्रेम के पूजारी …
    प्रेम के पुजारी
    हम हैं रस के भिखारी
    हम हैं प्रेम के पुजारी
    प्रेम के पुजारी….

    આ આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)