-
અ….ધ….ધ…..! ચીનમાં મગફળીનું વિઘાદીઠ આટલું બધું ઉત્પાદન ?
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
“ A will will find a way ” લોકભારતીના કૃષિસ્નાતક થયા પછી ખેતી વિષયક સુધારા અને નવા નવા પ્રયોગો તો છેલ્લા 45 વરસથી કરતો રહ્યો છું.પણ ચર્ચાસ્પદ ચીનની ખેતીની ઉત્કર્ષ વિષયક જાણકારી મેળવવા અને ત્યાંના પાકો અને પધ્ધતિઓ નજરે નિહાળવાનો મોકો મને તાજેતરમાં ઓચિંતા મળી ગયો .
ચીનના પ્રવાસ વિષે ઘણી વાતો કરવાનું મન થાય છે પણ ફરી ક્યારેક વાત. આજે તો મગફળીની ખેતી વિષે જ વાત કરવી છે. એક વાર્તામાં એવું આવે છે કે એક આંધળા અને વાંજિયા વેપારીને ભગવાને પ્રસન્ન થઇ, એક વરદાન માગવા કહ્યું. વેપારી તો માંડ્યો વિચાર કરવા કે શું માગું ? આ કંઇ ખેડૂત નહોતો ! ખેડૂતને તો મોકો મળ્યે માગવાની છૂટ અપાઇ હોય તો વ્યવસ્થિત માગતાંય ન આવડે મિત્રો ! આ તો હતો વેપારી ! એણે વિચાર કરીને કહ્યું “ ભલે ભગવાન ! મારા વચલા દીકરાની વહુને સાતમાળની મેડીએ સોનાની ગોળીએ છાશ ફેરવતી ભાળું !” બોલો ! એક જ વરદાને બેડો પાર થઇ ગયોને?
આમ ચીનમાં મગફળીને ભગવાનનું આવું વરદાન ફળેલું ભાળ્યું.મગફળીને ગમતા-ફાવતા-ભાવતા બધા પાસા ત્યાં અનુકુળ ભળાયાં. આ સમયે મગફળી ક્યાંક હજુ ઊભી હોય, ક્યાંક ઊપાડવાનું કામ ચાલું હોય, તો ક્યાંક છોડવામાંથી ડોડવા અલગ કરવાનું કામ ચાલતું હોય તો ક્યાંક વળી ચુંટાએલી મગફળીમાંથી ભેજ ઊડાડાતો હોય-તેવી બધી જ પ્રક્રિયાઓ નજરે જોવા જુદા જુદા જુદા વિસ્તારની ૧૫-૧૭ જગ્યાઓના ખેતરોમાં ફર્યાઅને બધું જોયું તેની વાત પર આવીએ.
જમીન = શેંડોંગ વિસ્તારમાં જમીન થોડી ઉંચાણ-નીચાણવાળી ભલે રહી, પણ બંધારણે ભરભરી,ગોરાડુ-રેતાળ, અને પૂરેપૂરી તાકાતવાળી-ફળદ્રુપ દેખાઇ. વરસાદ થયે વધારાના પાણીનો નીકાલ કરી દેનારી , એટલે તુરતમાં જ આપણે ખેતીકામો શરુ કરી શકીએ, છતાં હાથ-પગ કે ઓજારને માટી ચોટે નહીં. ચીકણી બિલકુલ નહીં-જેથી સુકાયે જમીનમાં તિરાડો પણ પડે નહીં
એટલે મગફળીના સુયાને જમીનમાં ઉંડા ઉતરવામાં સરળતા રહે, મગફળી પૂરતી વિકસવા પામે અને ઉપાડતી વખતે જલ્દી ખેંચાઇ આવે, એક પણ ડોડવો તૂટે નહીં અને ડોડવા સાથે માટી આવે નહીં.-મગફળી માટે જેવી જોઇએ એવી ઉત્તમ જમીન છે અહીંની ! અહીં જમીનનું એકમ દરેક પાસે જોવા મળ્યું ઘણું નાનું, એટલે થોડી જમીનના હિસાબે ખેડૂતો શેઢા-પાળામાં જરીકેય જમીન બગડવા દેતા નથી. અને ખાતર-પોતર બાબતે પુરતુ ધ્યાન આપી શકે છે.
બિયારણ – ૯૦ ટકા ખેતરોમાં એક્સ્પોર્ટ આઇટમ ‘વર્જિનિયાલોંગ’ નામની જાત વવાએલ જોઇ. પાકવામાં ૧૫૦ દિવસ લેનારી આ જાતમાં ડોડવામાં દાણા ઘણા મોટા હોયછે. વળી ઉભડી જાત હોઇ બેઠક થડ ફરતે થોડીક જગ્યામાં ગુચ્છારૂપે હોય છે.એક બહુ થોડા વિસ્તારમાં વવાતી જાત ‘સુજી ‘ આપણી જી-2 જેવી, પણ ‘લોંગ’ કરતાં ડોડવે નાની અને દાણે મતિયાર એવીયે જોઇ. જેને ફોલવામાટે ફોફું આંગળીથી દબાવ્યે તૂટે જ નહીંને ! આ બે જાતો જોવા મળી.
વાવણી અને એની રીત- ચીનમાં ચોમાસુ બેસે એપ્રિલ-મે માં. વરસાદ તે ટાણે હોય તો ઠીક, નહીંતો પાણીના તળ છે સાવ છીછરા ! પિયત આપી એપ્રિલ-મે માં જ મગફળી ઉગાડી વાળે. ખાસ ધ્યાન ખેંચે એવી બાબત અને મગફળીના બમ્પર ઉત્પાદન પર જેની બહુમોટી અસર પડે છે, તે હકિકત એ છે કે અહીં 90 ટકા ખેડૂતો મગફળીની વાવણી મલ્ચિંગ કરીને જ કરે છે. જમીન તૈયાર કરી, વચ્ચે એકફૂટની જગા છોડી, પાવરટીલરની મદદથી દોઢ દોઢ ફૂટ પહોળા ૩-૪ ઇંચ ઉંચા બેડ બનાવે છે અને પછી એ બેડ પર સાવ પાતળા ગેજનું પ્લાસ્ટિક પાથરી તેની ધારો માટીથી દબાવી દે છે. દરેક બેડમાં 9 ઇંચના ગાળે બે લાઇનો આસાનીથી સમાઇ શકે છે. દર લાઇનમાં ૯ ઇંચના અંતરે પ્લાસ્ટિકશીટમાં નાનાં કાણાં પાડી, મગફળીના બે બે બીજ હાથથી થાણી, બે બેડની વચ્ચે રાખેલી એક ફૂટવાળી ચરમાં પિયત આપી દે છે. બીજ પણ ઘણું ઓછું વપરાય, બેડ રીજીને પીવે એટલે જમીન કઠ્ઠણ થાય નહીં, મલ્ચિંગ હોવાથી અંદર ગરમી જળવાઇ રહે, ઉગાવો વહેલો અને પૂરતો મળે, વળી નિંદામણ ઉગે નહીં ને ફૂગજન્ય રોગો લાગે નહીં- પાક જલ્દી ધાર્યા દિવસોમાં પૂર્ણ થાય. ટપક પધ્ધતિ કોઇ પણ ખેતરોમાં જોવા મળી નહીં ! શું ટપક પધ્ધતિ તેઓને નહીં ફાવતી હોય ?
હપ્લાસ્ટિકવાળો હોવાથી ભલે ચારાના ઉપયોગમાં ઓછો લેતા હોય પણ અહીંયા મકાઇનો પાક પણ ખૂબ લેવાતો હોઇ ચારામાં એનો ઉપયોગ થતો હોય છે. એટલે જે કાંઇ દેશી ખાતર થાય તેનાથી બધા થોડી થોડી જમીનો હોઇ ખાતરથી ધરવી દેતા હોય છે. ઉપરાંત ત્યાં અલગ અલગ પાક માટેના જરૂરી તત્વોવાળા ખાસ રાસાયણિક ખાતરોના પેકીંગ મળતા હોઇ, મગફળી માટેનું ખાસ રા.ખાતર પણ ખેડૂતો ભરપેટ વાપરતા ભાળ્યા. ચાલુ વરસે વરસાદ જ એવો રહ્યો છે કે પિયત આપવાની જરૂર પડી નથી. જરૂરિયાત ઉભી થયે મલ્ચિંગબેડની બાજુની નીકોમાં રેલાવીને પિયત કરે છે મગફળી રીજીરીજીને પાણી પી લે છે.
વાતાવરણ – એપ્રિલ કે મે મહિનામાં ગુજરાતમાં આપણે જ્યારે ૪૨-૪૩- કે ૪૫ ડીગ્રી સુધી ગરમી હાહાકાર મચાવતી હોય એવા ટાણે પણ શિંડોંગ વિસ્તારમાં ગરમીનો પારો ૨૫ -૨૮ કે બહુ બહુ તો ૩૦ થી આગળ વધતો નથી.માફકસરનું વાતાવરણ અને ઝરમરિયા વરસાદનું પ્રમાણ સારું એ મગફળીને બહુ ફાવે ! વળી ગરમી અતિ નહીં એટલે રોગ-જીવાતનો ત્રાસ પણ ઓછો..એટલે મગફળીના વધુ ઉતારા બાબતના રહસ્યમાં ત્યાંની ‘ઉત્તમ જમીન’ ની જેમ ત્યા નું મગફળી ને ‘ માફક એવું હવામાન’ પણ એક છુપું રહસ્ય જ છે.
પાક પધ્ધતિ – એક ખેતરમાં અમે મગફળીની બેઠક ઓછી જોઇ-એને પ્રશ્ન કરતાં જવાબ મળ્યો કે તેઓ છેલ્લા ચાર વરસથી આ જમીનમાં સતત મગફળી જ પકાવે છે. બોલો ! બધાજ ખેડૂતો દર વરસે ‘પાકની ફેરબદલી’ અહીં કરે છે. ખેતીમાં આ વાત જેવીતેવી ન ગણાય ભાઇઓ ! ખેતરો પર નજર કરતાં એકધારી મગફળી કે એકધારી મકાઇ ક્યાંય દેખાયાં જ નથી. બધી જગાએ મગફળી, મકાઇ, સોયાબીન, કે અન્ય શાકભાજી જેવા પ્લોટો બાજુબાજુમાં ઉભેલા ભળાય છે એનો અર્થ જ એમ થાય છે કે ખેડૂતો માત્ર એક પાક નહીં , બીજા પાકોને સાથે રાખી પાકની ફેરબદલી કરતા રહે છે. જમીનના ઉપર-નીચેના સ્તરનું સમાન ચૂસાણ, કસની સમતૂલામાં બેલેંસ, અને રોગ-જીવાતમાં રાહત- ત્રણથરા લાભ દેનારી આ પધ્ધતિ ભલેને સરકારના આદેશ પછીય આચરાતી હોય પણ તે મગફળીના મબલખ ઉતારામાં વજનદાર પરિબળ બની રહે છે.
કાપણી – બસ, અમારું શેંડોંગ વિસ્તારમાં પંહોચવું અને મગફળીનું પાકપર આવવું સાથોસાથ બન્યું. કોઇ કોઇ ખેતરો હજુ ઉભા હતા પણ તેતો ઉપાડવાની અગવડતાના હિસાબે ! બાકી બધાજ પ્લોટો ઉપાડવાને પૂરા લાયક. અરધ ઉપરના ખેતરોમાં ઉપાડવાનું કામ ચાલું હતું. એમાંય બેત્રણ દિવસ પહેલા ભારે વરસાદ થયેલો. એટલે પાકી ગયેલ પ્લોટો ખેંચી ન લે તો ઉગી જવાની પૂરી ભીતિ ! સૌ બને એટલી ત્વરાથી ખેંચવાનું કામ કરી રહ્યા હતા.
કોઇ બન્ને હાથથી છોડવા પકડી ઉપાડે- તો કોઇ વળી વાંકા આંકડિયાવાળું પંજા ટાઇપનું સાધન એક હાથે છોડનીચે ભરાવી ઉચકાવે ને બીજા હાથે છોડ ખેંચે .એમતો કોઇ પાવર ટીલરના હળિયાનું ચવડું કે ઉભી ઓળો નીચેથી રાંપ કાઢીને છોડવા વીણી લેતા ભાળ્યા. છોડવાને જમીનમાંથી ખેંચીને ત્યાંને ત્યાં જ બેડ પર જ પથારી કરી દેતા હોય છે.
ખેંચી લીધાપછી કાતો ખેતરમાં તેને હાથથી ચૂંટીને કે લાકડાસાથે ઝૂડીને અલગ કરે છે. અને સગવડ હોયતો ખેતરમાં , નહીંતો બાજુના રસ્તા કે પાકા રોડ- પછી તે અંદરગાળાના હોય કે ભલેને હોય મોટો હાય-વે ! ક્યાંક એક સાઇડ તો ક્યાંક બન્ને સાઇડે માત્ર વાહન ચાલે તેટલી જગ્યા છોડી સૌ મગફળી સૂકાવે છે. આપણે ત્યાં જેમ મોર, વાઘ કે સિંહને નુકશાન કરીએ એટલે રાષ્ટ્રિયગુનો બને છે તેમ મગફળી જાણે ચીનનો રાષ્ટ્રિય-રક્ષિતપાક હોય તેમ કોઇ વાહન ચાલક મગફળીને કચરવાનું સાહસ કરતા નથી.જ્યારે આપણે ત્યાં આમ રોડ રોકીને મગફળી સુતી હોયતો ? પીલીને તેલ જ કાઢી નાખેને ?
ઉત્પાદન – એક ગુંઠા[૩૩ફૂટ્લંબાઇ ને ૩૩ફૂટ પહોળાઇ] જમીનમાં અઢી ફૂટના ગાળે, વચ્ચે એક ફૂટની જગા છોડી દોઢ ફૂટ પહોળા બેડ બનાવાયતો ૧૩ બેડ બને.અને અઢાર ઇંચ પહોળા અને ૩૩ ફૂટ લાંબા એક બેડમાં ૮ ઇંચના ગાળે બે હારમાં ૯ ઇંચના અંતરે પ્લાસ્ટિકમાં કાણા પાડીએતો ૪૪+૪૪=૮૮ કૂલ મળી ૧૧૪૪ કાણા એક ગુંઠામાં આવે.અને દરેકમાં બેબે બીજ ચોપીએ તો ૧૧૪૪ બેતડિયા છોડવા મળે .અરે ! માની લઇએ કે થોડા ડૂલ પડી ગયા છે….૪૪ ખાલી છે. તો પણ ૧૧૦૦ છોડવાનો ઉછેર તો પાક્કો જ !
ઉભા પ્લોટમાથી અમે ઘણી જગાએથી છોડ ખેંચી ,બેતડિયા છોડના ડોડવાની ગણતરી કરી જોઇ. કૂલ ડોડવામાંથી એવરેજ ૩૩ ટકા અણવિકસિત અને ૬૬ ટકા વિકસિત શીંગો દેખાણી. અને આવી. વિકસિત શીંગોની સંખ્યા એક બેતડિયા છોડવામાં ૨૭ થી માંડી ૩૩ સુધી સંખ્યામાં એટ્લેકે સરેરાશ ૩૦ શીંગો ગણતરીમાં લઇએ તો 3૩૩,૦૦૦ કૂલ શીંગોની સંખ્યા મળે..અમે સુકી શીંગનું વજન કરી જોયું તો કીલોમાં ૩૫૦ શીંગ તોળાઇ. આ માપે એક ગુંઠામાં ૯૪ કીલો અને આપણા નાના વિઘે ૧,૫૦૮ કીલો વજન ઉતરે ! પણ આ તો થઇ ચીનની ધરતીની વાતો કે જ્યાં મગફળીને બાર બાદશાહીની અનુકુળતા મળતી રહે રહે છે.
આપણે ત્યાં આવું કરવાનો પ્રયોગ આરંભ્યો – ચીનમાં અઠવાડિયું રહી, મગફળીની ખેતી નજરે જોઇ-તેનો અભ્યાસ કર્યા પછી આપણી-સૌરાષ્ટ્રની ધરતીપર એકસાથે ચીન ગયેલા છ ખેડૂતો અને બીજા સાથીમિત્રોએ મળી, જુદાજુદા વિસ્તારની વીસેક વાડીઓમાં ચાલુ ઉનાળા [૨૦૧૧] દરમ્યાન જ મલ્ચીંગ પધ્ધતિથી ઊભડી મગફળી ઉગાડવાનો પ્રયોગ આરંભ્યો તે પૈકી અમારા પંચવટીબાગમાં પણ પ્રયોગ હાથ ધર્યો.
વિગત – એક એકર જમીન પસંદ કરી, તેમાં ચોમાસુ પાક તરીકેના કપાસની સાંઠી ખેંચી લઇ, ટ્રેકટર દ્વારા દાંતી-રાંપ ચલાવી,ઝીણી પાંહવાળું પસિયું તૈયાર કર્યું. જમીનના ત્રણ સરખા ભાગ કરી પહેલા ભાગમાં ટ્રેકટરના વાવણિયાથી બીજ વાવી, ક્યારા-ધોરિયા બનાવી, રેલાવીને પિયત દીધું. બીજા ભાગ માં વચ્ચે ૩૦ સે.મી. જગ્યા છોડી ૬૦ સે.મી ની પહોળાઇવાળા અને ત્રણેક ઇંચ ઉંચા એવા 16 બેડ બનાવ્યા અને એનાપર મીની ટ્રેક્ટરની મદદથી મગફળીના ૩ ચાસ વાવ્યા અને ચરમાં પિયત આપી બેડ રીજાવ્યા ત્રીજા ભાગમાં આવા જ બેડ બનાવી, તેનાપર ૫ માઇક્રોન પાણી કલરની પ્લાસ્ટિક શીટ પાથરી, એના પર ૨૦ બાય ૨૦ સે.મી. ના અંતરે કાણાં પાડી ૩ લાઇનોમાં હાથથી બીજ ચોપ્યા અને ચરમાં પિયત આપી બેડ રીજાવ્ય
નોંધ – ત્રણેય પ્લોટમાં સમયે સમયે થયેલ વિવિધ કામગીરીની વિગત આ મુજબ છે.
પ્લોટ પધ્ધતિ વિસ્તાર (ગુંઠા)
વાવણી તારીખ
અપાએલ પિયત
કાપણી તારીખ
મળેલ ઉત્પાદન
ભૂંડ થકી બગાડ (૧૦%)
વિઘા દીઠ શું ગણાય?
૧ ધોરિયા-ક્યારા ૧૩.૩૩ ૩-૨-૧૧ ૯ ૩-૬-૧૧ ૨૫૦ કીલો ૨૫ કીલો ૩૩૦ કીલો ૨ ખુલ્લા ગાદી-ક્યારા ૧૩.૩૩ ૩-૨-૧૧ ૯ ૩-૬-૧૧ ૪૦૦ કીલો ૪૦ કીલો ૫૨૮ કીલો ૩ ગાદીક્યારા પર પ્લાસ્ટિક ૧૩.૩૩ ૩-૨-૧૧ ૮ ૩-૬-૧૧ ૪૪ કીલો ૪૪ કીલો ૫૮૧ કીલો અમારો અભિપ્રાય – એક વાતની ચોખવટ ન કરી લઉં તો પ્રયોગને અન્યાય થવાની પૂરી ભીતિ છે. અમારા વિસ્તારમાં ભૂંડડાનો એટલો બધો ત્રાસ છે કે ન પૂછો વાત ! રોજ રાત્રે એક એકરની મગફળીમાં પાંચ જગાએ બેબે માણસ રખોલું કરવા સુતા હતા તોય બધા પ્લોટમાં કેટલોય પાક તોડી-વછોડી-બગાડી નાખ્યો હતો. એટલે ખરું કહીએ તો જે ઉતારો મળ્યો છે તેમાં કમસેકમ ૧૦ ટકા ઉતારો વધુ ગણવો જોઇએ.
પ્રયોગના પરિણામની વાત કરીએ તો……..
પ્લોટ નં –[૧] –ધોરિયા-ક્યારા પધ્ધતિ — મગફળી વાવવાની આપણી પરંપરાગત- ધોરિયા-ક્યારા પધ્ધતિમાં સૌથી ઓછો ઉતારો મળ્યો છે.
પ્લોટ નં—[૨] – ખુલ્લા ગાદી-ક્યારા પધ્ધતિ – આ પ્લોટનો ઉગાવો-ઉતારો ધોરિયા-ક્યારા વાળા પ્લોટ કરતાં ખૂબજ સારો મળ્યો.
પ્લોટ નં. – [૩] –ગાદી-ક્યારા ઉપર પ્લાસ્ટિક આવરણ – આ પ્લોટનો ઉતારો સૌથી વધારે મળ્યો.
હા, એક વાતે મુંઝાયા ! મલ્ચીંગમાં વપરાએલ પ્લાસ્ટિકમાં મગફળીના સૂયાએ આરપાર નીકળી નીચે ડોડવાનું બંધારણ બનાવેલું હોઇ છોડવા ખેંચતાંવેત પ્લાસ્ટિક તૂટી જઇ, કેટલુંક છોડવાની સાથેજ ગુંચવાઇ ગયેલી સ્થિતિમાં સાથે આવવા માંડ્યું. હવે? જો એને જુદું ન કરીએ તોતો અમારા ઢોરાનો ચારો [ જે મગફળીના વજનથી પણ વધારે જથ્થામાં હોય] બધો ઉકરડે નાખ્યા જેવો થઇ જાયને ? જેથી નીરણ બચાવવા પ્લાસ્ટિકને છોડવાથી અલગ કરવાનું ગોઠવવું પડે.
એટલે ઉનાળા દરમ્યાન ઉભડી મગફળીના વાવેતર માટે આ ત્રણ પધ્ધતિઓ પૈકી ગાદીક્યારા ઉપર પ્લાસ્ટિક આવરણવાળી પધ્ધતિ પંચવટીબાગમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઇ છે. ચોમાસાની રુતુમાં કઇ પધ્ધતિ કેવું પરિણામ આપી શકે તે ચોમાસાની રુતુમાં પ્રયોગ કરીને પૂરવાર કરવું પડે.
સાથોસાથ બીજી પણ એક વાત કરી દઉ કે જે ખેડૂતને પ્લાસ્ટિક મલ્ચ અને એની કેટલીક વધારાની ચીવટ મુદ્દે નહીં પહોંચી શકાય તેમ લાગતું હોય તેમણે ખુલ્લા ગાદી-ક્યારા પધ્ધતિનો અમલ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. પણ આ પ્રયોગનું પરિણામ જાણ્યા પછી ઉનાળા દરમ્યાન મગફળીનું વાવેતર ધોરિયા-ક્યારા પધ્ધતિથી તો જેમણે ખેતીને ખાડામાં નાખવાનો નિર્ણય કર્યો હોય તેમણે જ કરવું.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – વિજ્ઞાનની પધ્ધતિ – નિયમસિદ્ધિ
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
પોપટલાલ ગોવિંદલાલ શાહ

“નિયમશોધન” પછી વિજ્ઞાનની પદ્ધતિનું ચોથું પદ “નિયમસિદ્ધિ”નું આવે છે. ન્યાયશાસ્ત્રના કે નીતિશાસ્ત્રના નિયમો કરતાં વિજ્ઞાનના નિયમોની સિદ્ધિ વિલક્ષણ પ્રકારની હોમ છે. પ્રયોગ કે નિરીક્ષણથી નિયમો સિદ્ધ થાય નહિ ત્યાં સુધી નિયમોને સિદ્ધાન્તનું રૂપ આપી શકાતું નયી. સત્યનો જ વિજય થાય છે, અને પ્રામાણિકતા જ વ્યાપારમાં ફત્તેહ બાપે છે એ નિયમોના અપવાદ જોઇને સાધારણ મનુષ્યની એ નિયમોમાં શ્રદ્ધા નષ્ટ યાય છે પરંતુ વિજ્ઞાનના સિદ્ધાન્તો સ્વીકારાતાં પહેલાં તેમની એટલી સખ્ત કસોટી થાય છે કે પછી થાય છે એમ સિદ્ધ થાય તો જ કાર્યકારણનો સંબંધ સિદ્ધ કરી શકાય, અને તે પણ ક્યારે બને કે પ્રયોગો કે નિરીક્ષણમાં બીજી બધી પરિસ્થિતિ તદ્દન સરખી જ રાખવામાં આવી હોય. પ્રયોગની બીજી બધી પરિસ્થિતિ સરખી જ રાખવી અને ફકત એક કારણરૂપ પરિસ્થિતિ જુદી રાખીને તેને પ્રયોજકની ઈચ્છા પ્રમાણે નજીક કે દૂર કરી શકાય એવી વ્યવસ્થા કરવી ઘણી કઠિન છે. પણ તેવા નિર્ણાયક પ્રયોગો વિના વિજ્ઞાનના સિદ્ધાન્તો નિશ્ચિત યવા મુશ્કેલ છે.
શીત જ્વરનુ‘ કારણશોધન
વૈજ્ઞાનિક પદ્ધતિનાં એકબે દૄષ્ટાંત આપવાથી આ વિષય જરા સરળ થરો. સાધારણ શીતજ્વર (ટાઢિયો તાવ)નું કારણ વર્ષો સુધી ઝેરી હવા મનાતું. ભેજવાળી જમીનમાંથી ઝેરી દવા નીકળે છે અને આ હવાથી ટાઢિયો તાવ આવે છે એમ મનાતું. મેલેરિયા અંગ્રેજ શબ્દનો અર્થ જ એ કે “ખરાબ હવા”. અત્યારે આપશે જાણીએ છીએ કે મચ્છરથી આ રોગ થાય છે. પરંતુ તે સિદ્ધ થતાં પહેલાં વર્ષો સુધી ઘણાએક વેજ્ઞાનિકોને તે વિષે પ્રયાસ કરવો પડ્યો હતો.પહેલાં તો મેલેરિયા સંબંધી ખરી હકીકતો-તથ્યો-મેળવવાનું કામ કઠિન હતું. દાક્તર અમુક દવાથી તાવ જાય છે એ માનીને જ સંતોષ માનતા. આ તાવથી લોહીમાં શુ ફેરફાર થાય છે તેનો અભ્યાસ જ નહોતો થયો : જંતુવિદ્યાની પ્રગતિ સાથે એમ નક્કી થયું કે મેલેરિયાના કેસમાં લોહીમાં અમુક જાતનાં પરોપજીવી જંતુઓ હંમેશ દેખાય છે. તેર્મા પણ ત્રણ જાતના મેલેરિયા તાવમાં જુદાં જુદાં જંતુઓ દેખાય છે. આ બધાં તથ્યોનું વર્ગીકરણ કરતાં એક પ્રકારનાં જંતુઓ અને મેલેરિયાનો સંબંધ જણાયો. પરંતુ કેવલ બહારના સંબંધથી અંજાઈ ન જતાં આ વ્યાપ્તિસંબંધને નિર્ણાયક પ્રયોગથી સિદ્ધ કરવાની જરૂર હતી. આ જંતુઓનો નવો સમુહ બનાવીને તેને તદ્દન તંદુરસ્ત મનુષ્યના શરીરમાં દાખલ કરતાં મેલેરિયા લાગુ પડતો જોવામાં આવ્યું, પરંતુ તેનો અને મચ્છરનો સંબંધ શું? મેલેરિયાનાં જ’તુએા કેવી રીતે જીવે છે, મરે છે, જન્મે છે અને જન્મ આપે છે એ સર્વ હકીકતો મેળવતાં વર્ષો થયાં.
આ કાંમ સર રોનલ્ડ રોસના હાથે કલકત્તામાં થયું હતું. તેમણે સિદ્ધ કર્યું કે આ જંતુઓ મચ્છરના શરીરમાં જ જીવી શકે છે; અને એક મનુષ્યને ચઢેલો મેલેરિયા બીજા મનુષ્યતે આ મચ્છર મારફત ચઢી શકે છે, આ સિદ્ધ કરવાનું કાંઈ સહેલું નહોતું કારણ કે મચ્છરની આશરે ત્રણસો જાત છે; પણ તેમાંથી અમુક જાત જ અને ખાસ ડરીતે “એનોફેલીસ” નામના ખૂ’ધવાળા મચ્છરો જ આ જ’તુઓને નિભાવી રકે છે. આ જાતના મમ્છરો જુદા પાડીને તેમાંથી જ’તુઓનાં જીવન, વૃદ્ધિ અને મૃત્યુ સબ’ધી સર્વે હકીકત મેળવતાં સર રોનલ્ડ રોસને ઘણાં વર્ષો લાગ્યાં. ત્યાર પછી પણ મચ્છરો અને મેલેરિયાના સંબંધ વિષે નિર્ણાયક પ્રયોગો કરવા પડ્યા હતા. આ પ્રયોગોને અ’તે નકકી ચયુ’ કે સાધારણ તંદુરસ્ત માણસને મેલેરિયા લાગુ પડવાનો એક જ રસ્તો તેના લોહીમાં અમુક જાતનાં મચ્છરની મારફત આ રોગના જંતુ દાખલ થવાં જોઇએ છે; એટલે કે તે જાતના મચ્છરોનો નાશ કરવામાં ઓવે તો, આ જંતુઓ બીજા સાજા મનુષ્યોમાં દાખલ થઈને પોતાનું જીવતચક પૂરૂં કરી શકે નહિ, અને મેલેરિયા રોગનો નાશ થઈ જય.
સાજા મનુષ્યને મેલેરિયાવાળા મચ્છર કરડવાથી તે રોગનાં જ’તુ તેના લોહીમાં દાખલ શાય છે અને મચ્છરદાની વગેરે વડે આ મચ્છરોને દૂર રાખવાથી શીતજ્વ૨ લાગુ પડતો નથી એ પણ નિર્ણાયક પ્રયોગોથી સિદ્ધ થયું છે. કોઈદન એ આ શીતજ્વર માટે અનુભવસિદ્ધ દવા તેનું પણ વૈજ્ઞાનિક અન્વેષણ થયું છે; આ દવાથી લોહીમાંના જતુ ઉપર યતી અસર નોંધવાથી આ ૬વા! કેવળ અનુભવસિદ્ધ નહિ પણ વિજ્ઞાનસિદ્ધ ગણાય છે,કારણ કે તે રોગના મૂળ કારણરૂપ જંતુનો નાશ કરે છે એમ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે.
આ પ્રમાણે કાર્યકારણ સંબંધ સ્થાપિત થવાથી મેલેરિયા દૂર કરવાનાં સાધનો પણ જાણીતા થયાં; અતે હવે દરેક ગામમાં મેલેરિયા દૂર કરવાને મચરોનો અને તેપતે ઊછરવાને અનુકૂળ ખાબોચિયાંને નાશ કરવાનો, અથવા તો તેમાં ઘાસતેલ નાખીને તેનાં ઈંડાંને મારી નાખવાનો રિવાજ સાધારણ થઇ પડયો છે. હિંદુસ્તાનમાં દર વર્ષે લાખો માણસો આ રોગથી જ મરે છે, તેમાં કંઇ ધટાડો થવાનો સંભવ હવે લાગે છે. મેલેરિયાની માફક પીળા તાવનું કારણ પણ અમુક જતના મચ્છર છે એમ સિદ્ધ થયું છે અતે તે થયા પછી પનામાની નહેરના પ્રદેશો, અતે દક્ષિણ આક્રિકાના કેટલાએક પ્રદેશો વસવાને લાયક યયા છે. આ લાભ કરતાં કાર્યપદ્ધતિની ચોકસાઈ વધારે અગત્યની છે; અને તે ઉપર ષ્યાન આપવાનું છે.
નિર્ણાયક પ્રયોગ
વિજ્ઞાનની પદ્ધતિમાં નિર્ણાયક પ્રયોગનું સ્થાન સચોટ દર્શાવનાર એક પ્રસંગ પાશ્રરના જીવનમાં પ્રસિદ્ર છે. એકવાર કૃત્રિમ રીતે શીતળા કઢાવ્યા પછી બીજી વાર શીતળાનો રોગ મતુષ્યને થતો નથી અથવા ધણા જ નરમ રૂપમાં યાય છે એ પ્રયોગોથી જેનરે સિદ્ધ કર્યું હતું. તેવા જ પ્રયોગો પાશ્રરે “એન્થ્રાક્સ ”ના સંબંધમાં કર્યા હતા અને તેણે બનાવેલી રસીનો ઉપયોગ કરવાથી આ રોગ થતો નથી અને થાય તો ઘણા જ જીણા રૂપમાં થાય છે એવુ પ્રતિપાદિત કર્યું હતું. પણ પાશ્રરનો આ વિચાર કોઈએ કબૂલ રાખ્યો નહિ, અને જાનવરના દાકતરો, અને ઢોરોના અનુભ્રવીઓએ તેના અભિપ્રાયને હસી કાઢ્યો. અંતે છાપાંઓમાં તેના વિરુદ્ધ ઘણી ટીકા થઈ, બધુ વાતાવરણ તેની પ્રતિકૂળ હતું, પરંતુ છેવટે નિર્ણાયક પ્રયોગ કરવાની શરતો ઘડાઈ અને પ્રાચીન સમયના શાસ્ત્રાર્થની માફક એક વિજ્ઞાનાર્થ – વિજ્ઞાનયજ્ઞ – યોજવામાં આવ્યો. પચાસ ઘેટાં લેવામાં આવ્યાંઃ પચીસને એન્થ્રાક્સનાં મૃત જંતુઓમાંથી બનાવેલી રસી મૂકવાર્માં આવી, બીજાં પચીસને એમને એમ રહેવા દેવામાં આવ્યો. થોડા દિવસ પછી આ બધાં ઘેટાંને સાથે એન્થ્રાકસનાં જીવતાં જ’તુઓની બહુ જલદ રસી મૂકવામાં આવી. પછી બધાં ઘેટાંને ભેગાં કરવામાં આવ્યાં અને મોટા દાકતરો, બનુભવીઓ, અને વૈજ્ઞાનિકોની કમિટીની દેખરેખ નીચે રાખવામાં બાવ્યાં. ૧૮૮૧ના જૂન માસની બીજી તારીખે આ પ્રયોગનું છેવટ આવવાનું હતું. તે દિવસનો ઉત્સાહ અને આનંદ વિજ્ઞાનના ઇતિઠાસમાં ચિરસ્મરણીય રહેશે. જે પચીસ ધેટાને પહેલેથી રસી મૂકવામાં આવી નહોતી તે બધાં તે જ દિવસે અથવા રાત્રે એન્થ્રાક્સથી મરી ગયાં, પરંતુ બીજાં પચીસ જેને પહેલેથી રસી મુકેલી હતી, તે તદન સાજા રહ્યાં. આ સભામંડપમાં જે વખતે પાશ્ચર દાખલ થયો તે વખતે તેને મળેલો તાળીઓનો આવકાર અપૂર્વ પ્રકારનો હતો. પાશ્ચરે પોતાના પ્રયોગોની ચોકસાઈથી વિજ્ઞાનની પદ્ધતિ અને વિજ્ઞાનની ઉપયોગિતા વિષે બધી શંકા દૂર કરી હતી. આ જ પદ્ધતિનો ઉપયોગ પછીથી પાશ્ચરે હડકવાના રોગ ઉપર કર્યો હતો, અને તેના આ અન્વેષણથી મનુષ્યના અસાધ્ય રોગોમાંથી એક રોમ ઓછો થયો છે. પાશ્ચરને નિર્ણાયક પ્રયોગ ઉપર એટલી બધી શ્રધ્ધા હતી કે તે હમેશ તેના પ્રયોગની બે જોડ રાખતો, પણ તે કેટલાએક વેપારીઓ ખોટા હિસાબના ચોપડા રાખે છે તેવી દૃષ્ટિએ નહિ; બંને પ્રયોગમાં પરિસ્થિતિ એટલી તદ્ન સરખી જ રાખીને નિર્ણાયક કારણનો ભેદ રહે એટલો જ ફેર રાખી ખરુ કારણ શોધવાને માટે જ.
ઉપરના વિવેચનથી વિજ્ઞાનના સિધ્ધાન્તો સ્વીકારાતા પહેલાં કેટલી સખત કસોટીમાંથી પસાર થાય છે તેનો ખ્યાલ આવશે. હકીકતો મેળવી, તેમાંથી તથ્ય છૂટા પાડી, તેમનું વર્ગીકરણ કરીને નિયમો મેળવવામાં આવે, અથવા તો કેવળ કલ્પનાથી નિયમો પ્રતિપાદન કરવામાં આવે, તોપણ છેવટની કસોટીમાંથી છૂટવાને ધણા જ થોડા સિદ્ધાન્તો ભાગ્યશાળી નીવડૅ છે, અમુક ઘટના કે અમુક સૃષ્ટિક્રિયાની સમજુતી માટે નિયમરૂપ અમુક કૂંચીથી બધી શંકાના ઉત્તર મળે તો જ તાળું ખુલી શકે.; તે વિષયનાં બીનતથ્યનો ખુલાસો મળે, બધાં તથ્યોની સાથે બંધબેસતી ચાય તો જ તે કૂંચી સ્વીકારાય છે, અને નિયમનો આદર થાય છે, પરંતુ તેમાં કાંઈ પણ ત્રુટિ દેખાય તો તે કૂંચી નાંખી દઇને બીજી બનાવવી પડે છે. વૈજ્ઞાનિક અન્વેષણના કારખાનામાં આવી નકામી પડેલી કૂંચીઓ અસંખ્ય છે. આ સંબંધમાં પ્રખ્યાત પ્રયોગશાસ્ત્રી ફેરેડેએ કહ્યું હતું કે “વૈજ્ઞાનિક અન્વેષકના મનમાંથી પસાર થતા અસંખ્ય વિચારો અને કલ્પનાઓમાંથી કેટલા મોટા ભાગનો નાશ પોતાના હાથે જ પોતાની તીવ્ર વિવેચક બુદ્ધિ અને સખ્ત ટીકાને લીધે થાય છે તેનો ખ્યાલ સાધારણ મનુષ્યને આવી શકે જ નહિ.” આ મનોવ્યથા વૈજ્ઞાનિક અન્વેષકને કેટલો ત્રાસ આપે છે એ કવિ ઉમાશંકર જોષીએ “જ્ઞાનસિદ્ધિ (એક વૈજ્ઞાનિકની આત્મકથા) ” એ કાવ્યમાં સુંદર અને સચોટ રીતે વર્ણવ્યું છે. “ વિજ્ઞાન અને રસવૃત્તિ ” એ પ્રકરણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હવે પછીના અંશમાં બીજાં પ્રકરણ “વૈજ્ઞાનિક વૃત્તિ” વિશે વાત કરીશું.
ક્રમશઃ
-
હરિત ક્રાંતિ પછીનું લાલ ચિત્ર
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
નાગરિક સન્માનોની મોસમમાં કૃષિવિજ્ઞાની એમ.એસ.સ્વામીનાથનના નામની ઘોષણા સર્વોચ્ચ ભારતીય નાગરિક સન્માન ‘ભારતરત્ન’ માટે કરવામાં આવી. સૌ જાણે છે એમ દેશને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બનાવવામાં તેમનો સિંહફાળો હતો, અને તેમને વાજબી રીતે જ ‘હરિત ક્રાંતિના પિતામહ’ તરીકે સંબોધવામાં આવે છે. દેશ જે સમયે અન્નસંકટ અનુભવી રહ્યો હતો, વધતી જતી વસતિની માંગની સામે ઉગાડાતા અન્નનો પુરવઠો પર્યાપ્ત નહોતો. દેશને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને સ્વાવલંબનના માર્ગ પર લાવી મૂકવો એ જેવીતેવી સિદ્ધિ ન ગણાય.
આ ઘટનાને હવે અડધી સદી કરતાં વધુ સમય વીત્યો. ધ્યેય સિદ્ધ થઈ ગયું. હવે અન્નક્ષેત્રે દેશની પ્રવર્તમાન સ્થિતિ શી છે? નવેમ્બર, ૨૦૨૩માં કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્યરત ‘ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ’ (આઈ.સી.એ.આર.)ના જમીન વિજ્ઞાની સોવેન દેબનાથ અને પશ્ચિમ બંગાળના કૃષિસંશોધન ક્ષેત્રે અગ્રણી ગણાતા બિધાનચંદ્ર ઋષિ વિશ્વવિદ્યાલય તેમજ તેલંગણાસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રીશનના અન્ય અગિયાર વિજ્ઞાનીઓએ નવેમ્બર, ૨૦૨૩માં એક મહત્ત્વનો અભ્યાસ પ્રકાશિત કર્યો, જેમાં જણાવાયું છે કે હરિત ક્રાંતિએ ભારતને ખોરાકી સુરક્ષા સિદ્ધ કરવામાં મદદ કરી છે, પણ પોષણક્ષમતા સાથે સમાધાન કરીને. એ મુજબ, વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નોમાં દેશના મુખ્ય અનાજ ગણાતાં ચોખા અને ઘઉંનાં પોષણમૂલ્યો એ હદે બદલાઈ ગયાં છે કે લોકો માટે તેના આહારનું મહત્ત્વ સાવ ઘટી ગયું છે. ઉત્પાદનના જથ્થા પાછળ પડવાની દોડમાં આ છોડનાં જનીન એ હદે બદલાઈ ગયાં છે કે જમીનમાંથી અનાજ સુધી પોષણ પહોંચાડવાનું પાયાનું કામ એ કરી શકતાં નથી. આ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે આ વિજ્ઞાનીઓએ ચોખાની સોળ અને ઘઉંની અઢાર જાત ઉછેરી હતી. 1960ના દાયકા પછી ચોખા અને ઘઉંના 1,500 નમૂના ચલણી બન્યા હતા. દેશની વિવિધ કૃષિસંસ્થાઓના નિષ્ણાતો સાથેની ચર્ચા પછી એમાંથી પસંદગી કરાઈ હતી.
દેશના લોકોની ઉર્જાની જરૂરિયાતમાંથી અડધીઅડધ એટલે કે પચાસ ટકા જરૂરિયાત ચોખા અને ઘઉં થકી પૂર્ણ થાય છે. અને છેલ્લા પચાસેક વરસોમાં એનું ખોરાકી મૂલ્ય ઘટીને ૪૫ ટકા થઈ ગયું છે. આ દર રહ્યો તો ઈ.સ.૨૦૪૦ સુધીમાં આ બન્ને અનાજ માનવ માટે પોષક્ષમતાની દૃષ્ટિએ કશાં કામનાં નહીં રહે.
જો કે, ઘટતાં જતાં પોષણમૂલ્ય ઉપરાંત વધુ ફિકર તેમાં વધતા જતા ઝેરી તત્ત્વોના પ્રમાણની છે. છેલ્લા પચાસ વર્ષમાં ચોખામાં જસત અને લોહતત્ત્વનું પ્રમાણ ઘટીને ૩૩ ટકા અને ૨૭ ટકા તેમજ ઘઉંમાં તે અનુક્રમે ૩૦ ટકા અને ૧૯ ટકા થયું છે. તેની સરખામણીએ ચોખામાં આર્સેનિક જેવા ઝેરી તત્ત્વનું પ્રમાણ ૧.૪૯૩ ટકા જેટલું, અધધ કહી શકાય એ હદે વધ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા રોજિંદા આહાર જેવું આ અનાજ પોષક તો રહ્યું જ નથી, બલ્કે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહ્યું છે.
ચોખા અને ઘઉંના પોષણમૂલ્યમાં થયેલા આવા ‘ઐતિહાસિક’ પરિવર્તન બાબતે વિજ્ઞાનીઓએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે આ સ્થિતિ દેશમાં બિનચેપી રોગોના વધતા જતા પ્રમાણમાં ઓર ઉમેરો કરશે અને પરિસ્થિતિને બદથી બદતર બનાવશે.
હરિત ક્રાંતિને કારણે પેદા થતી પરિસ્થિતિની પર્યાવરણ અને આહારપ્રણાલિ પર થતી અસર બાબતે અનેક ટીકાઓ થતી આવી છે, પણ એ મહદંશે જમીનના ઘસારા, ભૂગર્ભજળના પ્રમાણમાં ઘટાડો, સપાટી જળના પ્રદૂષણ કે પાકમાં એકવિધતા જેવા મુદ્દાઓ પૂરતી મર્યાદિત રહી છે. ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ અભ્યાસ થકી હરિત ક્રાંતિની ભારતની પોષણ સુરક્ષા પર થયેલી અસર અંગે પહેલવહેલી વાર પ્રકાશ ફેંકાયો છે.
આ સમસ્યાની ઓળખ થઈ ગઈ છે, અને એ પણ વિજ્ઞાનીઓ દ્વારા, વૈજ્ઞાનિક ઢબે. આથી તેના ઉપાય પર કામ શરૂ થઈ ગયું છે. અનાજના પોષણમૂલ્યમાં વૃદ્ધિ કરવા માટેના પ્રયત્નો હાથ ધરાયેલા છે. આ વખતે વિજ્ઞાનીઓ ભૂપ્રજાતિઓ અને જંગલી પ્રજાતિઓ તરફ વળ્યા છે. એકાદ દાયકાથી આઈ.સી.એ.આર. તેમજ કૃષિ વિશ્વવિદ્યાલયોના વિજ્ઞાનીઓએ ઉચ્ચ પોષણમૂલ્ય ધરાવતી દાતા છોડની વિવિધતા માટે ‘જર્મપ્લાઝ્મ’ કાર્યક્રમ અમલી કર્યો છે. ઓછામાં ઓછું એક પોષક તત્ત્વ ભરપૂર માત્રામાં હોય એવા દાતા છોડની તલાશ ચાલુ છે. આવા છોડ મેળવવા સરળ નથી, એટલે ખેડૂતો પાસે સચવાયેલી ભૂપ્રજાતિઓ કે પ્રાકૃતિક રીતે ઊગી નીકળતી જંગલી પ્રજાતિઓનું પોષણમૂલ્ય તૈયાર કરાઈ રહ્યું છે.
આમ, પડકાર અનેકગણો છે, તેને પહોંચી વળવાના પ્રયત્નો આરંભાઈ ગયા છે. છતાં તેને સફળતા મળતાં અને પરિણામ દેખાડતાં કેટલો સમય લાગશે એ કહેવું મુશ્કેલ છે. આ નવી જાતને બરાબર વિકસાવવી, તેને ઉગાડવા માટે ખેડૂતોને તૈયાર કરવા, તેનું બિયારણ સુલભ બનાવવું જેવા પ્રશ્નો વાસ્તવિક છે.
પોષક દ્રવ્યોને સીધાં જ ખાતર તરીકે ઉમેરવાનો કે પાંદડા પર સીધો છંટકાવ કરવાનો પ્રયોગ પણ હાથ ધરાઈ રહ્યો છે. જો કે, આ પ્રક્રિયા ખર્ચાળ છે. છંટકાવ પછીના સમયગાળામાં થતો વરસાદ આ પ્રયોગને નિષ્ફળ બનાવી શકે.
દેશમાં એક તરફ કુપોષણની સમસ્યા છે જ, પણ એના માટે મુખ્યત્વે અપૂરતો આહાર કારણભૂત છે. આ સમસ્યા પોષણક્ષમ ગણાતો આહાર લેવા છતાં કુપોષિત રહેવાની છે. કુપોષણ તેમજ તેને સંબંધિત અન્ય બિનચેપી રોગની સમસ્યાના ઊકેલ તરફ આગળ વધવું હોય તો ઉત્પાદનની સાથોસાથ પોષણને પણ પ્રાધ્યાન્ય આપવું જરૂરી છે. એવી પોષણક્ષમ પ્રજાતિઓને ખેડૂતો વધુ ને વધુ અપનાવે એવા ઉપાય આવશ્યક છે.
એક સમયની જરૂરિયાત એક તબક્કે પૂર્ણ થઈ જાય પછી જે તે સમયે લીધેલાં પગલાંનું સિંહાવલોકન કરવું જરૂરી છે, એમ કહી શકાય. ભૂતકાળની સિદ્ધિનો નશો એવો હોય છે કે એ સીધો મોતને દરવાજે લાવી મૂકે અને છતાં ગૌરવગાન ચાલુ રહે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૭– ૦૩ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ઉત્તમ ખાતર વધારે સારો પાક આપે
મંજૂષા
વીનેશ અંતાણી
આપણી આસપાસનું વાતાવરણ આપણને ઘડે છે. સફળતાને વરેલા લોકોએ એમની આજુબાજુ ઉત્તમ વાતાવરણ ઊભું કર્યું હોય છે, તેઓ સામાન્યપણાથી સંતોષ માનતા નથી
તુર્કીની કહેવત છે: તમારો સંગાથ સારો હશે તો કોઈ પણ રસ્તો લાંબો લાગશે નહીં. આ કહેવત જીવનમાં ઉત્તમ વ્યક્તિઓને સાથે રાખવા પર ભાર મૂકે છે. ઘણા લોકોને સામાન્યતામાં જ રસ પડે છે, તેઓ ઉત્તમ તરફ ધ્યાન આપતા નથી, બલકે તેની અવગણના કરે છે. એમને ક્ષુદ્ર બાબતો, સામાન્ય મિત્રો, નીચું ધ્યેય ધરાવતા સાથીઓ, દૂષિત વાતાવરણ જેવી નકારાત્મક બાબતોમાં રસ પડે છે. એમનો જીવનપથ સરળતાથી કપાતો નથી કારણ કે એમણે સામાન્યતાને એમની અંદર વિકસવા દીધી હોય છે. એમણે સારાં કે ઉત્તમ પરિણામની આશા રાખી હોતી નથી, એમને એમની ક્ષુદ્રતા જ ઉત્તમ લાગે છે.
જિંદગીનાં કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે વ્યક્તિએ એની આજુબાજુ ઉત્તમ વાતાવરણ ઊભું કરવું જોઈએ. શરીરની જેમ આપણા મન, આપણા વિચારો, આપણી સંવેદનાને પણ પૌષ્ટિક આહારની જરૂર પડે છે. માનસિક તંદુરસ્તી માટે ઉત્તમ વાતાવરણની આવશ્યકતા રહે છે. કહેવાયું છે કે દરેક વ્યક્તિમાં અનેક પ્રકારની ક્ષમતા રહેલી હોય છે, છતાં બધા એમની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકતા નથી, જ્યારે કેટલાક લોકો એમની ક્ષમતાનો વધારે કસ કાઢીને સફળતાનાં નવાં શિખર સર કરે છે. સફળતાને વરેલા લોકોના જીવનનો અભ્યાસ કરવાથી ખબર પડે છે કે એમણે એમની આજુબાજુ ઉત્તમ વાતાવરણ ઊભું કર્યું હોય છે, તેઓ સામાન્યપણાથી સંતોષ માનતા નથી.
વ્યક્તિ સામાન્ય વિચારો ધરાવતા લોકોના સંપર્કમાં હશે તો એના વિચારો, અભિગમ, જીવન માટેની સમજ અને દૃષ્ટિ સામાન્ય જ રહેવાની છે. એમને ઉત્તમ શું છે તેની ખબર જ હોતી નથી. તુચ્છ લોકોનું સાન્નિધ્ય વ્યક્તિને તુચ્છ પ્રકારની વ્યક્તિ બનાવે છે. એની સામે ઊંચા વિચારો ધરાવતા લોકોનો સહવાસ આપણા વિચારોને, આપણા અભિગમને, આપણાં માપદંડોને, ધ્યેયોને ઊંચા બનાવે છે. સદા નિરાશામાં જ જીવતા લોકો એમની આજુબાજુ નિરાશાનું વાતાવરણ ઊભું કરે છે. મહત્ત્વાકાંક્ષી લોકો આપણી મહત્ત્વાકાંક્ષાને હવા દેતા રહે છે.
એવા લોકો પણ જોવા મળે છે, જેમણે સરેરાશ સફળતાથી સંતોષ માની લીધો હોય છે. અહીં સફળતાનો અર્થ માત્ર ભૌતિક સફળતા જેવા સંકુચિત અર્થમાં લેવાનો નથી. માનવનું એકમાત્ર ધ્યેય ભૌતિક સફળતા કે ભૌતિક સુખ જ હોઈ શકે નહીં. સરેરાશ જીવનમાં સંતોષ માની લેનાર લોકોએ એક પ્રકારની શરણાગતિ સ્વીકારી હોય છે. તેઓ થોડો સમય ઉત્તમ અભિગમ સાથે કામ પાડવાના પ્રયત્ન કરે છે, પરંતુ આરંભિક નિષ્ફળતાની સામે ઘૂંટણ ટેકવી દે છે. એવા લોકોએ આ કથન પર ધ્યાનથી વિચારવાની જરૂર છે – ‘તમે જવા માગતા હોય તે અજાણી જગ્યાએ કોઈ તમારી સાથે આવવા તૈયાર ન હોય તો પણ તમે ઇચ્છેલા માર્ગે એકલા જજો. આગળ જતાં માર્ગમાં તમારા જેવું જ વિચારતા થોડા લોકોનો સથવારો તમને મળતો રહેશે.`
આપણે વિરોધાભાસી સમયમાં જીવી રહ્યા છીએ. એક તરફ પ્રખર બુદ્ધિમત્તા છે, અસામાન્ય પ્રગતિ છે, ઉચ્ચ પ્રકારની સિદ્ધિઓ જોવા મળે છે. તેની સામે વ્યાપક સ્તરે ક્ષુદ્રતાનો અનુભવ થઈ રહ્યો છે. આ ક્ષુદ્રતાએ જીવનનાં ઘણાં પાસાંને આવરી લીધાં છે. રાજકારણમાં જોવા મળતી ક્ષુદ્રતા, ધાર્મિક પ્રવૃત્તિમાં નીચે ગયેલું ધોરણ, કળા-સાહિત્ય જેવાં ક્ષેત્રોમાં પ્રવર્તી રહેલી સામાન્યથી પોરસાઈ જવાની મનોવૃત્તિ. હવે બહુ ઓછા લોકોને સાધના કરવાની જરૂર લાગે છે. તદ્દન સામાન્ય કવિતા કે વિચારોને ફેસબુક જેવાં માધ્યમમાં મળતા ઢગલાબંધ લાઇક્સ વ્યાપક સ્વીકૃતિનો ભ્રામક સંતોષ જન્માવે છે અને ઉત્તમ પ્રકારનું કામ કરવા માટેની નિષ્ઠા અને પ્રયત્નો પર ચોકડી મારે છે. વ્હોટ્સએપ પર મૂકવામાં આવતી પોસ્ટ્સમાં સામાન્યતા વકરી ઊઠી છે. એક ગ્રુપમાંથી આવેલી ગમે તેવી સામાન્ય પોસ્ટ બીજાને ફોરવર્ડ કરતાં પહેલાં આપણે આપણી પોતાની કક્ષાનો કે સામેની વ્યક્તિની કક્ષાનો વિચાર કરતા નથી. એ રીતે ક્ષુદ્રતાનાં ચેપી જંતુ ફેલાતાં રહે છે. કરુણતા એ છે કે આપણે તેનો આનંદ માણીએ છીએ.
ઘણા લોકો બીજાની સફળતા કે સિદ્ધિનો ખુલ્લા મને સ્વીકાર કરતાં પણ ખચકાય છે. રાજકારણમાં આગળની સરકાર દ્વારા કરવામાં આવેલાં સારાં કામોનો અસ્વીકાર આનું એક દૃષ્ટાંત છે. આગળના સમયમાં થયેલાં કાર્યોમાં બધું જ ખરાબ હોય કે અયોગ્ય હોય તેવું માની લેવું કે પ્રજાસમૂહના મનમાં તે અસત્ય ઠોકી બેસાડવાની કળા આગળ જતાં વિનાશક સાબિત થઈ શકે. જૂઠ્ઠો અને ભ્રામક પ્રચાર પણ ક્ષુદ્રતાનું જ બીજું પાસું છે. એક સમયે કોન્ગ્રેસે પણ એવું જ કર્યું. એમાં વ્યક્તિપૂજાના વળગણે બહુ મોટો ભાગ ભજવ્યો. ઉત્તમનો આગ્રહ ભુલાયો. પરિણામ આપણી સામે સ્પષ્ટ છે.
આપણી આસપાસનું વાતાવરણ આપણને ઘડે છે. ઉચ્ચ વિચારોની જાદુઈ શક્તિના હિમાયતી ડેવિડ જે. શ્ર્વાર્ટઝ ક્ષુદ્રતા અને ઉત્તમ વચ્ચેનો ફરક સમજાવવા સરળ ઉદાહરણ આપે છે. ‘દરેક ખેડૂતને ખબર હોય છે કે એ એના ખેતરમાં ઉત્તમ ખાતર નાખશે વધારે સારો પાક ઊગશે.’
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ધી ગ્રેટ રેલવે બાઝાર : ગાડી બુલા રહી હૈ, સીટી બજા રહી હૈ
સંવાદિતા
અલગારી રખડપટ્ટી કરનાર અને પછી એનો આનંદ રસજ્ઞોમાં વહેંચનાર પણ એક પ્રકારનો અનોખો કલાકાર જ છે.
ભગવાન થાવરાણી
કોઈકે કહ્યું છે કે કેટલાક પુસ્તકો એવા હોય છે જે વાંચી લીધા પછી પણ ઓશીકા પાસે રાખી મૂકવા ગમે. જન્મજાત યાત્રિક આત્માઓ અને વિશેષત: રેલ – યાત્રાના શોખીનો માટે બ્રીટીશ લેખક પોલ થેરૂ ( PAUL THEROUX ) નું ૧૯૭૫ માં પ્રકાશિત પુસ્તક ‘ ધી ગ્રેટ રેલવે બાઝાર ‘ અને એનો ઉત્તરાર્ધ કહેવાય એવું એમનું ૨૦૦૮ નું પુસ્તક ‘ ધી ઘોસ્ટ ટ્રેન ટૂ ઈસ્ટર્ન સ્ટાર ‘ આવા પુસ્તકની ગરજ સારે છે.
બન્ને પુસ્તકોના શીર્ષક ઈંગિત કરે છે તેમ, બન્ને પ્રવાસગાથાઓ છે અને એ પણ રેલવેથી કરાયેલા પ્રવાસની, પરંતુ આવા પુસ્તકને એ ઓળખાણથી પિછાણવા એ તો મોટી નયૂનોક્તિ અને લેખક – પુસ્તકને થયેલો અન્યાય કહેવાય. કઈ રીતે, એ જોઈએ.પુસ્તકની પ્રસ્તાવનામાં જ લેખકના શબ્દો એમના ટ્રેન માટેના સંમોહનને પ્રતિબિંબિત કરે છે. એ લખે છે ‘ એવું ક્યારેય બન્યું નથી કે હું પસાર થતી ટ્રેનની સીટી સાંભળું અને મને એમાં સવાર થવાની ઝંખના ન જાગી હોય ! ‘ થેરૂને પ્રવાસનું ઘેલું તો છે જ પરંતુ રેલ પ્રવાસની તો પરમ ઘેલચ્છા ! ‘ ટ્રેનના અલાયદા કોચમાં મુસાફરીનો ખરો આનંદ એની આત્યંતિક અંગતતામાં છે. પ્રવાસીને એવું લાગે જાણે એ ગતિ કરતા કોઈક સુરક્ષિત કબાટમાં છે. એ ગતિના રોમાંચમાં ઉમેરો કરે બારીમાંથી પસાર થતી દ્રષ્યાવલિ, ટેકરીઓના ઢોળાવ, પહાડોનું વિસ્મય, ઓળંગાતા પૂલોનો ધડધડાટ અને પીળા પ્રકાશમાં ઝિલમિલ થતા અને જોતજોતાંમાં ઓઝલ થતા લોકોના ચહેરા. ‘ એ ઉમેરે છે કે રેલ-પ્રવાસમાં હવાઈ કે દરિયાઈ પ્રવાસનો ખાલીપો નથી, સભરતા છે. દરેક વળાંકે પસાર થતા દ્રષ્યોનું આગવું વૈવિધ્ય ટ્રેન – પ્રવાસમાં જ સંભવે. ટ્રેન પોતે એક રહેઠાણ છે, ભોજનકક્ષ સહિતનું . પ્રવાસોમાં એ શ્રેષ્ઠ છે.અને એમનો પ્રવાસ પણ કેવો ! પોતાના નિવાસ લંડનથી ઓરિએંટ એક્સપ્રેસમાં નીકળી તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા ( ત્યારનું સિલોન ), બર્મા, વિયેટનામ, મલયેશિયા, સિંગાપોર અને જાપાનની વિવિધ અને કેટલીક તો ઐતિહાસિક મહત્વ ધરાવતી ટ્રેનોમાં મહિનાઓનો પ્રવાસ ખેડ્યા – વેઠ્યા પછી છેવટે લેખક પહોંચે છે રશિયા, જ્યાંની જગતની સૌથી લાંબી ટ્રેન ‘ ટ્રાંસ સાઈબીરીયન રેલવે ‘ દ્વારા પુન: લંડન વાપસી ! રસપ્રદ વાત એ છે કે આ લાંબા પ્રવાસે નીકળવાનો મૂળભૂત હેતુ તો હતો નવલકથા લેખનનો અનુભવ લેવાનો ( એમણે ૨૯ નવલકથા અને ૨૦ પ્રવાસ પુસ્તકો લખ્યા છે ! ) અને આ યાત્રા પોતે જાણે એક મહાનવલ બની ગઈ !ચાર મહિનાની આ દીર્ઘ યાત્રા કેવળ પ્રવાસ વર્ણન નથી, કે નથી એ દ્રષ્યો, સ્થળો, શહેરો, દેશો વિષેની માહિતી માત્ર. આ વિચક્ષણ પ્રવાસીની એક નજર ટ્રેનની બારીની બહાર છે, બીજી સહપ્રવાસીઓ તરફ અને વળી એક ત્રીજી નિરંતર પોતે જે જૂએ, અનૂભવે છે એને પોતે વાંચેલી અથવા પ્રવાસ દરમિયાન વંચાઈ રહેલી સાહિત્યિક કૃતિઓના પરિપ્રેક્ષ્યમાં મૂલવતી જાય છે. વચ્ચે આવતા નગરો અને દેશોમાં એમનો જે ટૂંકો વિરામ છે એના વિવરણમાં એ ઝાઝા પડતા નથી કારણ કે વાચકોને ‘ સાઈટ સીંગ ‘ કરાવવું એમનો ઉદ્દેશ્ય જ નથી. એમના મનોજગતમાં તો બિરાજે છે કેવળ ટ્રેન, ટ્રેન અને ટ્રેન જ. હા, એની સાથે જોડાયેલી આનુસંગિક વસ્તુઓ – સ્ટેશનો, રેલવેના માણસો, કંડક્ટર, સ્ટોલ અને ફેરિયાઓની વાતો પણ એ સહૃદયતાથી વિગતવાર કરતા જાય છે. થેરૂ પાસે જે દ્રષ્ટિ અને ભાષા છે એ સામાન્ય લેખકની નથી. એ પ્રવાસ દરમિયાન જે જૂએ અને અનુભવે છે એને પોતાના આગવા દ્રષ્ચિકોણથી મૂલવે છે અને મન – પાટીમાં દર્જ કરતા જાય છે. પુસ્તકના વાચન દરમિયાન એવું લાગ્યા કરે કે આપણે વાચક નહીં, સહપ્રવાસી છીએ અને આપણા જ મનમાં સુષુપ્ત પડેલી મુસાફરી એમણે ખેડી છે !દરેક સાચા પ્રવાસીની એક સમસ્યા એ હોય છે કે કોઈ પણ સ્થળની મુલાકાત લઈ પરત ફર્યા બાદ એને એવું લાગ્યા કરે છે કે એણે મુલાકાત લીધી એ જગ્યાએ કશુંક કરવાનું, જોવાનું કે અનુભવવાનું બાકી રહી ગયું ! એ ફરી એકવાર એ સ્થળે જઈ ‘ એ અધૂરું રહી ગયેલું કશુંક ‘ પૂરું કરી આવવા ઝંખતો હોય છે. પોલ થેરૂએ પણ મોડા મોડા આવું અનુભવ્યું. પ્રથમ યાત્રાના બરાબર તેત્રીસ વર્ષ બાદ વર્ષ ૨૦૦૬ માં એમણે નક્કી કર્યું કે ૧૯૭૩ માં એમણે જે મુસાફરી કરી એને એ જ સ્વરૂપમાં, એ જ રૂટ ઉપર, એ જ માધ્યમ – ટ્રેન દ્વારા ફરી કરવી. એ બીજી મુસાફરીનું એવું જ એક વિલક્ષણ પુસ્તક ‘ ધી ઘોસ્ટ ટ્રેન ટૂ ઈસ્ટર્ન સ્ટાર ‘ ૨૦૦૮ માં પ્રકાશિત થયું.આ નવા પુસ્તકમાં સવાયું ગદ્ય, અદ્ભૂત વર્ણનો અને સમાંતરે વંચાતા જતા પુસ્તકોની અણમોલ વિચાર – કણિકાઓ તો છે જ પણ સાથોસાથ એક નિખાલસ કબૂલાત પણ છે. લેખક કહે છે કે એમણે અગાઉ જોયેલાં એ સ્થળો, શહેરો, સ્ટેશનો અને લોકોમાં મોટો બદલાવ તો આવ્યો જ હતો પણ એ કરતાં પણ મોટું પરિવર્તન આવ્યું હતું એમની પોતાની દ્રષ્ટિમાં અને માટે હવે એમને લાગતું હતું કે અગાઉના પ્રવાસમાં બાંધેલી ઘણી બધી માન્યતાઓમાં એ ખોટા હતા ! કોઈક વિચારકે પણ આવું જ કહ્યું છે કે જો તમને સમયાંતરે એવું લાગ્યા કરે કે પહેલાં તમે ખોટા હતા તો તમે સાચા છો !પહેલા પુસ્તકના ત્રીસ અને બીજાના બત્રીસેય પ્રકરણના શીર્ષક, એમણે જે ટ્રેનોમાં મુસાફરી કરી એના નામ પરથી રાખ્યા છે. કુલ મુસાફરીમાં સૌથી વધુ સમય એમણે ભારત અને ભારતીય ટ્રેનોમાં વીતાવ્યો જે સ્વાભાવિક છે કારણકે સમગ્ર મુસાફરીમાં સૌથી વિશાળ મુલ્ક અને વિરાટ ભાતીગળ રેલ માળખું ભારતમાં જ હતું. એમને અફઘાનિસ્તાન માટે એટલે અણગમો ઉપજેલો કે ત્યાં ‘ એક ઈંચ જેટલી પણ જાહેર રેલવે નહોતી ! ‘થેરૂ કહે છે કે રેલ – પ્રવાસ એક સાહસ પણ છે અને એક રાહત પણ. એ એકાંત આપે છે અને દૈનંદિન એકધારાપણાથી મુક્તિ પણ. એ મુસાફરીમાં બારીમાંથી પસાર થતી જિંદગી એક પ્રેક્ષક તરીકે જોઈ શકાય છે. જો રેલ – પ્રવાસ કરતા હોઈએ તો એમની આ વાત સાથે ભાગ્યે જ અસંમત થઈ શકાય !બૃહદ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો છીએ તો આપણે સૌ છીએ આ પૃથ્વીના મુસાફર જ . કાશ આપણામાં પણ આવા ઉપ-પ્રવાસો ખેડવાની ધગશ, હિંમત અને એને અમલમાં મૂકવાની સાનુકુળતા હોત .
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
‘દશ નારીચરિત’: સંક્રાંતિકાલીન નારીની વેદનકથા
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
શ્રી રઘુવીર ચૌધરીકૃત દસ નારીપાત્રોને લઈને રચાયેલી આ કૃતિમાં નારીજીવનના સાંપ્રત સમયસંદર્ભની તાસીર રજૂ કરવાનો લેખકનો પ્રયત્ન ભાવકને વિભિન્ન આયામોમાં સમાજાભિમુખ બનાવવામાં સફ્ળ નીવડે છે. લેખકે આ કૃતિઓ દીર્ઘ નવલિકા કે લઘુનવલ પ્રકારની લાગવાની શક્યતા દર્શાવી છે. પણ કૃતિમાંથી પસાર થતાં એ સત્યકથાની વધુ નિકટ જણાય છે.
આ દસે નારીપાત્રો આધુનિક સમયસંદર્ભમાં જીવે છે એમ કહેવા કરતાં બદલાતા રહેતા સાંપ્રત સમયનાં, સમયની સાથે વહેવા મથતાં પાત્રો છે એમ કહેવું વધુ ઉપયુક્ત છે. આ નારીપાત્રો જે સમાજમાં જીવે છે એ સમાજે જીવનનાં અન્ય ક્ષેત્રોના પરિવર્તનો સહજ રીતે સ્વીકાર્યાં છે, પણ એ પરિવર્તનોના સંદર્ભે નારીમાં આવતા બદલાવને સ્વીકારતાં સમાજ અવઢવ અનુભવે છે એની વાત લેખકને અહીં કરવી છે. આથી અહીં જેટલી નારી કેંદ્રમાં છે તેટલો જ સમાજ પણ છે. કૃતિનો મુખ્ય વિચાર આ મુદ્દો રજૂ કરતો હોઈ, પ્રસ્તુત ચરિત્રોમાં નવલિકાની સર્જકતા કરતાં વર્તમાન સામાજિક સમસ્યા વ્યક્ત કરવાની મુખરતા વધુ ધ્યાન ખેંચે છે.
કૃતિમાં આલેખાયેલાં દસે નારીપાત્રોમાં ઘણું વૈવિધ્ય છે. આ બધી જ સ્ત્રીઓ સમસ્યાઓનો ભોગ બની જ છે એવું નથી. કેટલીક સ્ત્રીઓએ જાતે સમસ્યા સરજી છે તો કેટલીકે સરજાયેલી સમસ્યાનો ઉકેલ પણ શોધ્યો છે. કોકિલા, કુંદન કે સુરેખા જેવી નારીઓ જીવનને સમજવા મથે છે, પોતાની સમસ્યાઓને બને ત્યાં સુધી જાતે ઉકેલે છે, એ અંગે તેમની કોઈ ફરિયાદ પણ નથી. છતાં આસપાસનાં વિઘ્નો તેમને છોડતાં નથી. પરીક્ષામાં પાસ થવા માટે બાધા રાખનાર અનિલ મૈત્રીદાવે કોકિલાને પણ બાધા રાખવા માટે દૂરના સ્થળે લઈ જાય છે ને સાધન ન મળતાં એ સ્થળે બંનેને રાત્રિરોકાણ કરવું પડે છે. આ ઘટનાને કારણે પછીથી અનિલને કૉલેજ છોડવી પડે છે, ઘર પણ છોડવું પડે છે ને કોકિલાનું બીજી જગ્યાએ લગ્ન થાય છે જે સુખદ બનતું નથી. બાળકને જન્મ આપ્યા પછી કોકિલાને પિયર પાછા આવવું પડે છે. પછીથી ફરી અનિલ કોકિલાના પ્રશ્નોમાં રસ લે છે ને એ જ કારણે લાંબે ગાળે કોકિલાને નોકરી છોડવાના સંયોગો ઊભા થાય છે. આ આખીય ઘટનામાં કોકિલા પોતાનો વાંક સમજાવવા પ્રભુને પ્રાર્થે છે !
સુરેખા સંયુક્ત કુટુંબને ચાહતી સ્ત્રી છે. પતિ સાથેનું તેનું મધુર દાંપત્ય તેને પ્રસન્ન ગૃહિણી બનાવી શક્યું છે. પણ કુટુંબના વડીલો તેની સારપનો ગેરલાભ ઉઠાવીને તેનું જે રીતે શોષણ કરે છે એ રીતિઓ સુરેખાને અકળાવે છે. સેવા કરતાં પુત્ર-પુત્રવધૂના કપરા કાળમાં શાહમૃગી વલણ ધરાવતાં વડીલો સુરેખાના જીવનને હચમચાવી દે છે.
આ નારીઓને કેવા કેવા પ્રશ્નો છે ! કુંદન દેસાઈ જેવી આધુનિક યુવતી, જેણે વડોદરામાં શિક્ષણ લીધું છે, બાળલગ્નને તોડી નાખ્યું છે, ડી.પી.એડ. કરીને નર્સિંગનો કોર્સ કર્યો છે ને ઍર હૉસ્ટેસ થવાની ઇચ્છા ધરાવે છે – તેના જીવનમાં મધુકર મહેતાનો પ્રવેશ થાય છે. કુંદનને તેમની ખૂબ મદદ મળે છે. ધીમે ધીમે બંને સહજ રીતે એકબીજાનાં સુખ દુઃખ વહેંચતાં થાય છે. મધુકરભાઈના દુઃખી દાંપત્ય પ્રત્યે કુંદનને હમદર્દી છે. કુંદન લગ્ન ઈચ્છે છે પણ મધુકરભાઈને તો માત્ર મિત્ર માનીને જ ચાલે છે. મધુકરભાઈના વર્તનમાં પણ કોઈ અસંગતિ, અતિશયોક્તિ કે શિષ્ટતાના અભાવની છાંટ સુધ્ધાં વરતાતી નથી. પછીથી મધુકરભાઈનાં પત્ની દ્વારા જ કુંદન પાસે કુંદનનું માગું નાંખતાં કુંદન અવાક્ બને છે, એનું એક કારણ સંતાનપ્રાપ્તિની ઇચ્છા પણ છે. મધુકરભાઈને આ અંગે પૂછતાં ભારે સ્વસ્થતાપૂર્વકની બેફિકરાઈ કેળવી શકતા કુંદન તેમને જુએ છે. મધુરભાઈનાં પત્નીએ તો જડબાંતોડ સ્પષ્ટતા કરી દીધી તેમ ‘તું આમને આમ વર્ષે ખેંચ્યા કરશે અને પુત્રને જન્મ આપવા યોગ્ય નહીં રહે પછી મારા પતિના પ્રેમમાં પડશે તો હું નહીં આવકારું. કાં તો અમારો સ્વીકાર કર, કાં તો મનમાંથી અમારા વિશેનો આદર ભૂંસી નાખ.’ પરિસ્થિતિને સમજી ચૂકેલી કુંદન વિચારે છે. ‘કદાચ હું એમને અપનાવી લેવા વિવશ થઈશ. સવાલ એટલો જ છે ના છૂટકે સ્વીકાર્યું કે સ્વેચ્છાએ.’ કોઈના લીધેલા ઉપકારની નારીએ ચૂકવવી પડતી આ કિંમત છે !
કૃતિની વિશેષતા એ છે કે આ પ્રકારનાં નારીપાત્રોનાં આલેખનથી લેખક ‘નારીવાદ’નું સ્થાપન કરવા માગતા નથી. માનસી જેવું નારીપાત્ર પણ અહીં મળે છે જે એના સહાધ્યાયી ધ્રુવ ભટ્ટ સાથે મૈત્રી ધરાવે છે પણ એની સાથે લગ્ન કરવા અંગે નિશ્ચિત નથી. પછીથી એ મહેશ નામના યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. મહેશનો મિત્ર શાસ્ત્રી વિદુલા નામક યુવતીને ચાહે છે ને પોતે પરિણિત હોઈ, વિદુલાનાં લગ્ન મહેશ સાથે કરવા ઇચ્છે છે. જેનો સ્વીકાર મહેશ કરી શકતો નથી ને માનસી સાથે જોડાય છે. નોકરી પહેલાં લગ્ન કરવાનો ઈન્કાર કરતા ધ્રુવને છોડીને માનસી પણ મહેશ પર પસંદગી ઉતારે છે. પછીથી માનસી-મહેશના પ્રસન્ન દામ્પત્યને છેડતા નનામા ફોન ચાલુ થતાં ધ્રુવ જ એનાં મૂળને પકડે છે. શાસ્ત્રી ને વિદુલા મહેશની આપવડાઈની સજા કરવા એમાં ભાગીદાર બને છે. નારીનું આ બીજા પ્રકારનું ‘ચરિત’ પણ લેખકે પૂરા તાટસ્થ્યથી વ્યક્ત કર્યું છે. નારીનું આ પ્રકારનું પરિવર્તન પણ, લેખકને મતે કદાચ સમયની જ દેણ હોઈ શકે.
અહીં દીના જેવાં ગૌરવશીલ નારી પાત્રો પણ છે, જેઓ પતિને ખૂબ ચાહતાં હોવા છતાં પતિ કમાતો ન થાય ત્યાં સુધી સાસરે જવા ઇચ્છતાં નથી. હૃદયની બીમારી ધરાવતી નીલમ માતા-પિતાની ચિંતા દૂર કરવા સુકેતુ નામક યુવક સાથે પરણવાની ઇચ્છા વ્યક્ત કરે છે. સુકેતુ કૃપાને ચાહે છે ને કૃપા અમેરિકા છે. સુકેતુ પોતાને પરણીને અમેરિકા આવે ને પછીથી એને કૃપાને સોંપીને પોતે મુક્ત થાય એવા ઉદાર ખ્યાલથી પ્રેરાઈને નીલમ સુકેતુ સાથે જોડાય છે. કૃપાને સમજાવતી નીલમ કહે છે, ‘પારકી વસ્તુ પર હું દાનત નહીં બગાડું. મારે એટલું જ કહેવાનું છે કે સુકેતુનું ગૌરવ હણાય એવું પગલું તું ન ભરતી… એ કંઈ અમેરિકા માટે આવ્યો નથી. તારે માટે આવ્યો છે.’ પણ કૃપા માટે સુકેતુ હવે મહત્ત્વની વ્યક્તિ ન રહેતાં નીલમ-સુકેતુ બંને સાચા અર્થમાં પ્રસન્નતાપૂર્વક જોડાય છે. નીલમની સાથોસાથ સુકેતુની સમજની સહોપસ્થિતિ પણ પરિસ્થિતિને સ્વસ્થ વળાંક આપવામાં મદદરૂપ બને છે.
સુચેતા, ઇલા જેવાં નારીપાત્રોને પણ પોતપોતાની સમસ્યાઓ છે જ. આ નારીપાત્રો એમની વ્યથા-કથા કે એમની સમજને લઈને ભાવકને જુદી રીતે વિચારતો કરી મૂકવા માટે સક્ષમ બન્યાં છે સાથોસાથ આ પાત્રોમાં આલેખાયેલી નારીગત વિલક્ષણતાઓ, આવેશ, ઊર્મિમાંદ્ય, સ્વસ્થ દૃષ્ટિબિંદુનો અભાવ તેમને પાત્ર તરીકે જ સ્થગિત કરી દે છે, ‘ચરિત્ર’ થવા સુધી તેમને પહોંચવા દેતાં નથી. આ નારીઓમાં રહેલી સમજ તેમને બુદ્ધિશાળી ઠેરવે છે. તેઓ લગ્ન, દાંપત્ય, કુટુંબજીવનના પ્રશ્નોની લક્ષ્મણરેખાને ઓળંગી શકતાં નથી. એ માટે જોઈતી આત્મપ્રીતિ, આત્મસન્માનનો જાણે તેમનામાં અભાવ વરતાય છે. હજુ પણ એ પુરુષને ‘ચાહવા જેવો બનાવવા’ મથે છે. કુટુંબજીવનના આનંદમાં જીવનનો સંતોષ શોધે છે. આમાંનું એકાદું નારીપાત્ર જીવનના કલા જેવાં રુચિકર પાસાં પ્રત્યે પ્રીતિ રાખતું, એમાંથી જીવનને પામવા, નારીત્વની સભાનતાથી ઉપર ઊઠીને કશુંક જુદું સિદ્ધ કરવા પ્રયત્ન કરતું બન્યું હોત તો ‘ચરિત’ શબ્દ સાર્થક લાગ્યો હોત. વળી, અહીં આલેખાયેલી પરિસ્થિતિમાં તેનાથી એક નવો આયામ ઉમેરી શકાયો હોત. આવી અપેક્ષા સર્જકત્વસભર વ્યક્તિત્વ ધરાવતા રઘુવીરભાઈ પાસે ભાવક સહેજે, સાધિકાર રાખી શકે.
કૃતિનાં પાત્રોને આલેખતા, તેમની સમસ્યાઓ સાથે તાદાત્મ્ય સાધતા લેખકની મુખરતા ક્યાંક તરત વરતાય છે : “હા, જો બધા ડૉક્ટરો પરણેલા હોય અને સ્ત્રીદાક્ષિણ્યમાં માનતા હોય તો. બાકી નર્સ પાસે અંગત વફાદારીની અપેક્ષા રાખનાર પણ મળી આવતા હોય છે. ક્યારેક દર્દીઓ પણ સાજા થયા પછી પરિચિત નર્સના સાહચર્યની ઇચ્છાથી ફરી બિમાર પડવા ધારતા હોય છે.’ અલબત્ત, આ પ્રકારની મુખરતા લેખકને જે સ્થાપવું છે એના માટે ક્યાંક અનિવાર્ય પણ બની છે. સંવાદોનું ચાતુર્ય પણ આ જ રીતે સકારણ વ્યક્ત થયાનું જણાય છે.
નારીજીવનની વેદનાને સંવેદતા વાસ્તવલક્ષી અભિગમ લઈને ચાલતા સર્જક રઘુવીરભાઈનો સ્પર્શ એકાદ નાના વર્ણન કે શબ્દચિત્રના લસરકાથી પાત્ર કે પ્રસંગને પણ અજવાળી દે છે : ‘એટલી વારમાં આખું આકાશ ઝગમગી ઊઠયું હતું. પણ તેજના તાણાવાણા ગૂંથવામાં જ એ રોકાયેલું હતું…’ દીનાને ઊંચકી લેતા ગોવર્ધનને વર્ણવતાં લેખક નોંધે છે: “શિશિર ઋતુ પળવારમાં વસંતમાં પલટાઈ ગઈ.’
દસ નારીપાત્રોની સાથોસાથ એની સાથે સંકળાયેલાં અન્ય નારીપાત્રો, પુરુષપાત્રો ને સમાજનુંય આલેખન કરીને લેખકે નારી પ્રત્યેની પોતાની નિસબત વાદ-વિવાદથી ઉપર ઊઠીને વાસ્તવની ધરા પર રહીને વ્યક્ત કરી છે. લેખકે ઈચ્છેલો સમજણનો પાયો આ રીતે અહીં રચાયો છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ # આડવાત (૨)
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
આડવાત (૨)
નાણાકીય સંપત્તિની ભ્રામકતા
દિવ્યભાષ સી. અંજારીઆ
કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.
આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત અને # ૪.૪ માં રોકાણ એમ ચાર મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.
એ પછી # ૪.૫માં ઉપાડની વાત કરતાં કરતાં આપણે થોડી આડવાત કરી લેવી જરૂરી જણાઈ. તે પેટે ગયા મણકામાં આપણે નાણા અને સંપત્તિનાં મહત્ત્વની સમજ સ્પષ્ટ કરી હતી. હવે, આજના મણકામાં આપણે નાણાકીય સંપત્તિની ભ્રામકતાની સમજ સ્પષ્ટ કરી લઈશું.
બચત કરેલ, રોકાણ કરેલ કે સંગ્રહ કરેલ નાણાંને આપણે સંપત્તિ કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, ખર્ચ ન કરીને જે નાણા બચાવીએ, કે રોકાણ કરીએ, તે સંપત્તિમાં રૂપાંતરિત થયેલ ગણાય.
અગાઊ આપણે જોયું હતું કે નાણાનું મહત્ત્વ ત્રણ દૄષ્ટિએ છેઃ એક, જો તેના વડે ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાય. બીજું, જો તે વધારાની આવક ઊભી કરવામાં મદદરૂપ બની શકે. અને ત્રીજું, આપણને જ્યારે જ્યારે જરૂર પડે, કે જ્યારે આપણે ઉપાડ કરવો હોય, ત્યારે તે પુરતી ખરીદ શક્તિ પુરી પાડવા સક્ષમ બની શકે. કડવી વાસ્તવિકતા એ છે કે આ ત્રણ મહત્ત્વનાં પાસાંઓના સંદર્ભમાં જ નાણાકીય સંપત્તિ ભ્રામક નીવડી શકે છે.
૧. આપણે જ્યારે સંપત્તિનું ઉપાર્જન કરીએ છીએ ત્યારે તેને ભાવિ જરૂરિયાતો પુરી કરવા માટે આવશ્યક ચીજવસ્તુ કે સેવા ખરીદવા માટેની કે નવી અસ્કયામતો ઊભી કરવા માટેનું સક્ષમ માધ્યમ તરીકે ગણતરીમાં લીધેલ હોય છે. પરંતુ ફુગાવાને કારણ વધતી રહેતી ભાવ સપાટી એ નણાકીય અર્થવ્યવસ્થાની વાસ્તવિકતા છે. આવો ભાવ વધારો એટલી હદે થાય કે ભૂતકાળમાં ઊભી કરેલી સંપત્તિનું વધેલા ભાવોને કારણે દેખીતું મૂલ્ય વધ્યું હોય પણ આપણી ભાવિ જરૂરિયાતો માટેની ખરીદી માટે પર્યાપ્ત પડે એટલે સંપત્તિનાં મૂલ્યમાં થયેલો દેખીતો વધારો ભ્રામક નીવડે છે. વધેલા ભાવોએ ઘટેલી ખરીદ શક્તિની પરિસ્થિતિને અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણાનાં મૂલ્યમાં અવમૂલ્યન કહે છે. આમ, એ સમયે ઊભી કરેલ સંપત્તિની ઉપયોગિતા આપણી ભાવિ જરૂરિયાત પુરી કરી શકે એટલી ખરીદ શક્તિ બાબતે ભ્રમ પરવડે છે.
અર્થશાસ્રીઓ જેને ભાવવધારાનો ફુગાવો કહે છે તે છૂપો ચોર છે. આ છૂપો ચોર આપણી ખરીદ શક્તિ અને સંપત્તિનાં વાસ્તવિક મૂલ્યમાં ઘટાડા રૂપે ધાડ પાડતો રહે છે. એક સમયે મૅક્ડૉનલ્ડનું બિગ મૅક જે બે ડોલરમાં મળતું તે આજે પાંચ ડૉલરમાં મળે છે. આ રોજબરોજનાં ઉદાહરણનો આધાર લઈને ધ ઈકોનોમિસ્ટ સામયિક તો હવે અલગ અલગ દેશો અને અર્થંતંત્રોનાં નાણાનાં સાપેક્ષ મૂલ્ય અને ભાવ વધારાનો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત બિગ મૅક સૂચકાંક રજૂ કરે છે. બિગ મૅકની કિંમત જુદા જુદા દેશોમાં અલગ હોવા પાછળ દરેક દેશની અર્થવ્યવસ્થા એ ભુતકાળમાં અનુભવેલ ફુગાવાનો ઇતિહાસ કારણભૂત રહી શકે છે. ભૂતકાળનો ફુગાવો એવું પરિબળ છે જે એ દેશનાં લોકોની સાપેક્ષ ખરીદ શક્તિ જેવાં આર્થિક કારણો પર અસર કરે છે. દરેક અર્થવ્યવસ્થાનાં, અને એ પ્રદેશનાં લોકોની ખરીદ શક્તિનાં, ઘટતાં જતાં મૂલ્ય એ આજની વાસ્તવિકતા છે. હકીકત એ છે કે જે વાત બિગ મૅકનાં ઉદાહરણને લાગુ પડે છે તે આપણી રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓ તેમ જ અન્ય સંપત્તિઓને એટલી જ લાગુ પડે છે.
દરેક સ્તરની વ્યક્તિ માટે આજે ઘરનું ઘર કરવું દોહ્યલું બનતું જાય છે. સામાન્ય લોકોનાં જીવનમાં ખાધાખોરાકીનો ખર્ચો જ એટલો વધી ગયો છે કે તેમની અન્ય જરૂરિયાતો માટે જ તેમની આવક માંડ પુરી પડે. એટલે, એ સંજોગોમાં બચત કે ભાવિ જરૂરિયાતો માટે રોકાણો તો બહુ દુરની વાત કદાચ બની રહે, પણ મોજશોખનો તો વિચાર કરતાં કંપારી છૂટી જાય ! આર્થિક દૃષ્ટિએ સધ્ધર વર્ગને તેમની સંપત્તિ પરની ફુગાવાની અસરો દેખીતી રીતે ભલે ચિંતા ન કરાવે, પણ વિચાર કરતાં જ મુકી જ દે છે.
જ્યારે બહુ લોકો પાસે વધારે નાણા આવે ત્યારે તેઓ તેમનો આ નાણા પુરવઠો સિમિત માત્રામાં ઉપલબ્ધ ચીજવસ્તુઓની ખરીદીમાં વાપરે છે. ચીજવસ્તુઓની ઉપલબ્ધી ઓછી હોવાથી પહેલાં જેટલી જ માત્રામાં એ ચીજવસ્તુ ખરીદવા માટે વધારે નાણા ધરાવતાં લોકો વધારેને વધારે ભાવ આપવા તૈયાર થતાં જાય છે પરિણામે, નાણાની વાસ્તવિક ખરીદ શક્તિ ઘટતી જાય છે અને સાથે સાથે નાણાનાં મૂલ્યમાં પણ ઘટાડો થતો જાય છે. નાણાનું સાપેક્ષ મૂલ્ય જેટલી હદે ઘટે એટલી હદે આપણી સંપત્તિનું પણ અવમુલ્યન થતું જાય.
૨. અંગત અર્થવ્યવસ્થામાં બચત અને રોકાણો એક જરૂરિયાત તરીકે મહત્ત્વનાં છે. એક વર્ગ એવો છે જે ખુબ મહેનત કરીને વધારાની આવક રળીને, કે કરકસર કરીને પણ, બચત કરે છે ને જુદા જુદા પ્રકારનાં રોકાણો દ્રારા સંપત્તિ એકઠી કરે છે. બીજો વર્ગે એવાં લોકોનો છે જે લોકોએ પહેલેથી ચીજવસ્તુઓનો સંગ્રહ કે વિવિધ અસ્કમાયતો ઊભી કરી લીધી હોય છે. એવાં લોકો વધી ગયેલા ભાવોનો લાભ લઈને એ ચીજવસ્તુઓના કરેલા સંગ્રહ કે અસ્કમાયતો વેંચીને તેમાંથી થયેલી આવકમાંથી ફરી ફરીને નવી સંપત્તિ ઊભી કરી લેતાં હોય છે. એક વર્ગ એવો પણ છે જે માત્ર ભૌતિક સમૃધિના લોભને વશ થઈને રોકાણો અને સંપત્તિ ઊભો કરતો રહેતો હોય છે.
વ્યાવસાયિક અર્થશાત્રીઓ અને રોકાણ સલાહકારો લોકોની બચત અને રોકાણોની આવા ભાવ વધારાને કારણે ઘટતાં મૂલ્યની અવળી અસરના ઉપાય તરીકે એટલા પ્રમાણમાં વધારે બચત કરવાની સલાહ આપતાં હોય છે. આમ કરવા પાછળનો તર્ક એ છે કે ઘટેલાં વાસ્તવિક મૂલ્યની સંભાવના સાચી પડે તો પણ રોકાણો કે બચતો ભવિષ્યની જરૂરિયાત પુરી કરવા પર્યાપ્ત બની રહે.
જેમ જેમ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવો વધતા રહે તેમ તેમ તેનાં ઉત્પાદનમાંથી આવક રળનારો સક્રિય રોકાણકારોનો વર્ગ એ ચીજવસ્તુઓ અને સેવાઓનાં ઉત્પાદનને વધારવા માટે મુડી અને દેવાંઓની માંગમાં પણ વધારો કરતો રહેતો રહે છે. બચત અને રોકાણ, કે, મુડી અને દેવું, પણ એક પ્રકારની નાણાકીય જણસ જ છે જેની કિંમત વ્યાજના સ્વરૂપે અંકાય છે. એટલે માંગ અને પુરવઠાના સિદ્ધાંત અનુસાર, જેમ જેમ વધારાની મુડી કે દેવાં માટે નાણાની માંગ વધતી જાય તેમ તેમ તેનાં વળતર પેટે ચુકવાતાં વ્યાજનો દર વધતો જાય. વધતાં જતાં વળતરને કારણે લોકો દ્વારા થતી બચત અને રોકાણો વધારે આકર્ષક બનવા લાગે એટલે નાણાનો પ્રવાહ ચીજવસ્તુઓની ખરીદીની સરખામણીમાં બચત અને રોકાણો તરફ વધવા લાગે.
આમ અનેક કારણોસર, અર્થવ્યવસ્થામાં બચત અને રોકાણોનો પુરવઠો વધતો જ રહે છે. જ્યાં સુધી ચીજવસ્તુઓનો પુરવઠો તેમની માંગ કરતાં ઓછો હોય ત્યાં સુધી આ સુચક્ર ચાલુ રહે છે. પરંતુ માંગ અને પુરવઠાના સિદ્ધાંત અનુસાર, એક તબક્કો એવો આવે છે જ્યારે વધેલા ભાવે ચીજવસ્તુઓની માંગ સ્થિર રહેવા લાગે, કે ઘટવા લાગે. જેમ જેમ માંગ ઘટવા લાગે તેમ તેમ ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો ફાજલ પડવા લાગે. પરિણામે, ન વેંચાયેલી ચીજવસ્તુઓના જથ્થાનો ભરાવો થવા લાગે. સક્રિય રોકાણકારોની મુડી કે દેવાં હવે માલના આ ભરાવાને પહોંચી વળવામાં વપરાવા લાગે. પરંતુ, આવા ઉપયોગમાં રોકાયેલ મુડી કે દેવાનું જે વ્યાજ ચુકવવું પડે તે તો બિનઉત્પાદક ખર્ચ છે. પરિણામે, આ તબક્કે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન પણ સ્થિર થવા લાગે, કે ઘટવા લાગે.
એક બાજુ ઉત્પાદન અને વેચાણ ઘટે અને બીજી બાજુ માલના ભરાવાનું ખર્ચ વધે, એટલે સક્રિય રોકાણકારના અપેક્ષિત નફામાં ગાબડાં પડવા લાગે. ઘટતા જતા નફાને કારણે સક્રિય રોકાણકારની મુડી અને દેવાં પરનું વળતર આપવાની, તેમજ દેવું પરત કરી આપવાની, ક્ષમતા નબળી પડવા લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો, મુડી અને દેવામાં કરેલું રોકાણ આર્થિક દૃષ્ટિએ પોષાણક્ષમ નથી રહેતું. એક તબક્કો એવો આવે છે જ્યારે, સમગ્ર અર્થવ્યવવસ્થામાં મુડી અને દેવાં માટે નાણાની માંગમાં ઘટાડૉ થવા લાગે છે અને તેના પ્રમાણમાં બચતો અને રોકાણોનો પુરવઠો વધી પડેલો જણાય છે. માંગ અને પુરવઠાના સિધ્ધાંત અનુસાર હવે મુડી અને દેવાં પરનું વ્યાજ ઘટવા લાગે છે, જેને પરિણામે બચતો અને રોકાણો પરનાં વળતર પણ ઘટવા લાગે છે.
બચત અને રોકાણ, કે ધિરાણો, પરનું વળતર જ તેમાં રોકાયેલાં નાણાનું મૂલ્ય છે. એટલે ઘટતું જતું વળતર બચત અને રોકાણ, કે ધિરાણો દ્વારા ઉપાર્જિત સંપતિનાં મૂલ્યને ઘટાડે છે. ભુતકાળના વળતરના દરને ગણતરીમાં લઈને કરેલ બચતો કે રોકાણો હવે આજની વધારાની આવકની જરૂરિયાત પુરી કરવા પર્યાપ્ત નથી રહેતાં. તે જ રીતે, ભવિષ્યની વધારાની આવકની જરૂરિયાત પુરી કરવા માટે વર્તમાનમાં વધારે બચત કે રોકાણ કરવાં પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહે છે. આપણે કરેલ બચત, રોકાણો, કે ધિરાણ, આપણને અમુક વળતર (વધારાની આવક) આપશે એવી અપેક્ષા હવે ભ્રમ બની રહે છે.
વિશ્વમાં આજે એવા કેટલાય વિકસિત દેશોની અર્થવ્યવસ્થાઓની પરિસ્થિતિ એવી છે કે ત્યાં વ્યાજના દર ૦% કે લગભગ તેની નજીક પ્રવર્તે છે. આ બધા દેશો વિકાસને એવે તબક્કે પહોંચી ચુક્યા છે કે હવે ત્યાં અમુક હદથી વધુ વપરાશ વધે એવી શક્યતાઓ નથી રહી. તેની સામે ત્યાંની ઉત્પાદન ક્ષમતાઓ મહત્તમ સીમાએ છે. વસ્તી પણ ખુબ સમૃધ્ધ હોવાથી ત્યાંનો બચત દર પણ ભૂતકાળમાં ઘણો વધારે હતો. એટલે ત્યાં હવે આટલા ઓછા વ્યાજ દરને કારણે બચત પર ભાર મુકવાને બદલે વધારેમાં વધારે ખર્ચ થતું રહે અને વપરાશ વધે એવી આર્થિક નીતિઓ અપનાવાઈ રહી છે. ભવિષ્ય માટે સંપત્તિ ઉપાર્જન કરવાને બદલે વર્તમાનને માણી લો એવો અભિગમ પ્રચલિત થતો ગયો છે !
૩. વધતી જતી માંગ, વધતા ભાવોની સાથે સાથે વધતો પુરવઠો અર્થવ્યવસ્થાની ફુલગુલાબી પરિસ્થિતિનાં સુચકો ગણાય છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં આ તબક્કો તેજીના તબક્કા તરીકે ઓળખાય છે. આનાથી બિલકુલ સામે છેડે એવો તબક્કો છે જ્યાં માંગ ઘટી રહી છે અને પુરવઠો તેના પ્રમાણમાં એટલો વધારે પડે છે કે ભાવો ઘટતા જાય છે. અર્થશાસ્ત્ર્ની પરિભાષામાં આ તબક્કાને મંદીનો તબક્કો કહે છે.
તેજીના તબક્કામાં ભવિષ્યમાં હજુ ભાવો વધશે, માટે આજે જ ખરીદી કરી લો એવી મનોદશાનાં ચલણમાં રહેતી જોવા મળે છે. તેની સામે, મંદીના તબક્કામાં ખરીદારો હજુ પણ ભાવો ઘટશે એવી અપેક્ષામાં ખરીદીઓ મુલતવી રાખવાનો અભિગમ ધરાવવા લાગે છે. સમગ્ર અર્થવ્યવસ્થાને સ્તરે આવી મનોદશા માંગના ઘટાડાનાં વિષચક્રમાં ફેરવાતી જાય છે.
ઘટેલા ભાવોને કારણે સ્થાયી અને જંગમ મિલક્તોનાં મૂલ્યમાં દેખીતો ઘટાડો થાય છે. આવા તબક્કામાં ઘણી વ્યક્તિઓ, વેપારી પેઢીઓ કે બેંકો પણ તેમની તાત્કાલિક જવાબદારીઓ નિભાવી શકવાને અસમર્થ બની જવાને કારણે નાદારી જાહેર કરવા સુધીની હાલતે પહોંચી જવાના અનેક દાખલા ઇતિહાસમાં નોંધાઈ છુકેલા છે. બેંકના બચત ખાતામાંતો કટોકટી માટે જરૂર પડ્યે અમુક રકમ રાખવી જોઇએ એવી સલાહ પણ રોકાણ સલાહકારો આપતા હોય છે. પરંતુ, આવી નાણાભીડના સમયે બેંકો દ્વારા તેમના ખાતાધારકો અને થાપણદારો પર ઉપાડ કરવાની બાબતે અંકુશ મુકવાની સ્થિતિમાં આવી જાય છે. પરિણામે, છતે પૈસે બેંકનો ખાતાદાર બેસહાય પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. તેમાં પણ જો મોટું વૃક્ષ પડે તો આસપાસના છોડો અને ઘાસનો તો વગર વાંકે કચ્ચરચાણ નીકળી જાય એ ન્યાયે આવી નાદારીને કારણે સામાન્ય વર્ગની મુડી, મિલ્કત કે રોકાણને પડતો ફટકો તો ઘણીવાર મરણતોલ નીવડી શકે છે.
આવી પરિસ્થિતિમાં પોતાની વર્તમાન આવક અથવા તો રોકડ કે પ્રવાહી કક્ષાની નાણા બચતમાંથી ખરીદી કરવી ફાયદાકારક નીવડે છે. જો કે એ સમયે વેચનારને નુકસાન અનુભાવતું હોય તો તે એવા ભાવે વેચવાનું ટાળે એવું પણ બને. ભૂતકાળમાં અર્જિત કરેલી સ્થાયી કે જંગમ મિલ્કતનું વેચાણ મુશ્કેલ બને છે. એટલે કે મૂળ રોકાણના પ્રમાણમાં હવે ઉપાડ કરવા માટે કરવું પડતું વેચાણ નુકસાનકારક પરવડે છે. પરિણામે, વેચનારને ખરીદનાર ન મળે અને ખરીદનારને વેચનાર ન મળે એવી વિચિત્ર લાગે એવી પરિસ્થિતિઓ પણ ઉભી થઈ શકે છે.
આમ, અર્થવ્યવસ્થાના મંદીવાળા તબક્કામાં પણ નાણાકીય મિલ્કત ભ્રામક પરવડતી અનુભવી શકાય છે.
હવે પછી આપણે નાણાંના છઠ્ઠાં પાસાં – મિલ્કતની હસ્તાંતરણ કે સખાવત દ્વારા વહેંચણી – વિશે વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
રૂઢિવાદિતા અને લૈંગિક અસમાનતામાંથી મુક્તિની દિશામાં..
નિસબત
ચંદુ મહેરિયા

આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૨૦૨૪ નિમિત્તે ગુગલ ડુગલ આમ તો એ ભારતની સર્વોચ્ચ અદાલતે પ્રકાશિત કરેલી નાનકડી પુસ્તિકા છે. પરંતુ નારી મુક્તિની દિશામાં આ નાનકડું પગલું અનેક સકારાત્મક અસરો જન્માવે તેવું છે. ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટસને યૌન હિંસાના કેસોની સુનાવણી દરમિયાન પિતૃસત્તાત્મક ધારણાઓ અને લૈંગિક રૂઢિવાદથી મુક્ત રહેવા દિશાનિર્દેશ આપ્યા હતા. માર્ચ ૨૦૨૩માં LGBTQ હેન્ડબુક પ્રગટ કરી હતી. એ વખતે જ વડા ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચૂડે મહિલા સંબંધી ભેદભાવ અંગે હેન્ડબુક પ્રગટ કરવા આશા વ્યક્ત કરી હતી. અદાલતોમાં કેસની કાર્યવાહી દરમિયાન વકીલો, ન્યાયાધીશો અને અન્ય લોકો રૂઢિવાદથી દ્રઢ થયેલા શબ્દો અને માન્યતાઓ વ્યક્ત કરે છે. તેની અસર ચુકાદા પર પણ પડે છે. એટલે માંડ ત્રીસ પાનાંની HANDBOOK ON COMBATING GENDER STEREOTYPES મહિલા સંબંધી પરંપરાગત માન્યતાઓમાંથી છૂટકારો અપાવવામાં અગત્યની છે.

સુપ્રીમકોર્ટની વેબસાઈટ પર અપલોડ આ હેન્ડબુક કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્યના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ તૈયાર કરી છે. સમિતિના સભ્યો રિટાયર્ડ જસ્ટિસ પ્રભા શ્રીદેવન, જસ્ટિસ ગીતા મિત્તલ અને પ્રોફેસર ઝૂમા સેન હતા. હેન્ડબુકમાં સ્ટિરીઓટાઈપ્સ એટલે શું તે જણાવ્યું છે. મહિલાઓ પ્રત્યેની પરંપરાગત માન્યતાઓ ઉદાહરણો સાથે જણાવી છે તો અસમાનતાસૂચક શબ્દોના વિકલ્પો દર્શાવ્યા છે. મહિલાઓ અને કન્યાઓ માટે લિંગ-તટસ્થ શબ્દોની સૂચિ સાથે તેમની મર્યાદા અને ગરિમાને અનુરૂપ વૈકલ્પિક શબ્દો આપીને મુક્તિની ભાષા કેવી હોવી જોઈએ તે જણાવવા પ્રયાસ કર્યો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચૂડે પ્રસ્તાવનામાં કાયદાના મૂલ્યો શબ્દના માધ્યમથી સંચરિત થાય છે તેમ જણાવી આશા વ્યક્ત કરી છે કે લૈંગિક દ્રષ્ટિકોણથી ન્યાયપૂર્ણ શબ્દાવલીનો ન્યાયાધીશો ઉપયોગ કરશે તો આખા સમાજ પર તેની સારી અસર પડશે અને સમાજ પણ તે શબ્દોનો ઉપયોગ કરતો થશે. એ સાચું કે અદાલતી ચુકાદામાં ન્યાયાધીશો ભેદભાવકર્તા શબ્દોનો ઉપયોગ ન કરવા સભાન હોય છે પરંતુ જ્યારે મોટાભાગનો સમાજ પિતૃસત્તાક માનસિકતા ધરાવતો હોય ત્યારે જજીસ અને એડવોકેટ્સ તેનાથી મુક્ત હોતા નથી.એટલે ઉલટતપાસમાં કે કેટલાક ચુકાદાઓ સુધ્ધાંમાં આવા શબ્દો કે માન્યતાઓ જોવા મળે છે. આ પુસ્તિકામાં એ શબ્દો, વાક્યાંશો અને માન્યતાઓની ઓળખ કરવામાં આવી છે અને તેના વિકલ્પો જણાવ્યા છે.
કેટલાક અદાલતી ચુકાદાઓ મહિલા સંબંધી રૂઢિવાદી માન્યતાઓથી ગ્રસ્ત જોવા મળે છે. નૈના સહાની તંદૂરકાંડના આરોપી સુશીલ શર્માને ફાંસીને બદલે આજીવન કારાવાસની સજા કરી હતી. કેમ કે ન્યાયાધીશો એવી પરંપરાગત માન્યતા ધરાવતા હતા કે નૈના સહાની ભણેલી-ગણેલી અને મહત્વાકાંક્ષી સ્ત્રી હતી.તે એક ગરીબ અને અસહાય મહિલા નહોતી ! પરંતુ પિતાના ખૂન કેસની આરોપી શબનમને ફાંસીની સજા એટલે આપી કે જજોની માન્યતા હતી કે પિતાનું આજીવન માન- સન્માન જાળવવાની જેની પાસે આશા હોય તે પુત્રી જ પિતાનું મર્ડર કરે તો તેને ફાંસીથી ઓછી સજા ના થઈ શકે. રાજસ્થાન હાઈકોર્ટે ૧૯૯૫ના ભંવરીદેવી સામુહિક બળાત્કારકાંડના તમામ અરોપીઓને મુક્ત કરતાં ચુકાદામાં કહેલું કે બળાત્કારનો ભોગ બનેલાં ભંવરીદેવી સુંદર નથી , કથિત નિમ્ન જ્ઞાતિના છે તેથી તેમના પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો બળાત્કાર કરી શકે નહીં. ન્યાય તોલનારા ન્યાયાધીશો કેવી લૈંગિક અસંવેદનશીલતા ધરાવી શકે છે તેના આ કેટલાંક ઉદાહરણો છે. લૈંગિક ન્યાયને હાનિકર્તા ચુકાદા અને ટિપ્પણીઓ સુપ્રીમની હેન્ડબુકથી અટકશે તેવી આશા રાખવી રહી.
સ્ટીરિયોટાઈપ્સ અર્થાત ઘસાઈ ગયેલી કે પરંપરાગત માન્યતા, પરંપરાથી ઘર કરી ગયેલી , રૂઢ થઈ ગયેલી ધારણા કેવી હોય છે તે પણ સુપ્રીમે ઉદાહરણોથી જણાવ્યું છે.
૧. મહિલાઓ અતિભાવુક અને તર્કહીન હોય છે તથા નિર્ણયો લઈ શકતી નથી.
૨. મહિલાઓ પુરુષો કરતાં શારીરિક રીતે નબળી હોય છે.
૩. દરેક મહિલા બાળક પેદા કરવા માગે છે.
૪. મહિલાઓ બીજાની દેખભાળ કરવા માટે વધુ યોગ્ય હોય છે.
જેવા ઉદાહરણોને રૂઢિગત માન્યતા ગણાવીને હેન્ડબુકમાં તે માન્યતા કે ધારણાનો છેદ ઉડાડતી તાર્કિક દલીલો કરવામાં આવી છે.
મહિલાઓ પ્રત્યે ભેદભાવ કે અસમાનતા દર્શાવતા લગભગ ચાળીસ શબ્દો તેના વિકલ્પ સહિત જણાવ્યા છે. અદાલતી કાર્યવાહીમાં હવે ઈન્ડિયન વુમન કે વેસ્ટર્ન વુમનને બદલે માત્ર વુમન, પ્રોવોક્ટિવ ક્લોથિંગ (ભડકાઉ કે ઉત્તેજક કપડાં) ને બદલે માત્ર ડ્રેસ કે કપડાં, બાસ્ટર્ડ કે નાજાયજ ઓલાદ ને બદલે એવું બાળક જેના માબાપે લગ્ન કર્યા નથી., હાઉસવાઈફ ને બદલે હોમમેકર, અવિવાહિત મા ને બદલે મા, વેશ્યાના વિક્લ્પે યૌનકર્મી કે સેક્સવર્કર, સેક્સ ચેન્જ ને બદલે જેન્ડર ટ્રાન્ઝિશન કે સેક્સરિએસાઈનમેન્ટ, પીડિતાને બદલે યૌન હિસાથી પ્રભાવિત, ઈવ ટીજિંગ કે છેડછાડ ને બદલે ગલી કે સડક પર યૌન ઉત્પીડન, બાળવેશ્યાને બદલે જેમનું ટ્રેફિકિંગ થયું છે તેવા બાળકો, પતિવ્રતા, આજ્ઞાકારી અને વિશ્વાસપાત્ર પત્નીને બદલે પત્ની, અફેર ને બદલે લગ્ન બાહ્ય સંબંધ – શબ્દોનો ઉપયોગ કરવા સૂચવ્યું છે.
આ હેન્ડબુક કોઈ અદાલતી હુકમ નથી પરંતુ અદાલતી કાર્યવાહીમાં બાળકીઓ અને મહિલાઓ માટેના નકારાત્મક તથા ઘૃણિત માનસિકતાના ધ્યોતક શબ્દોના સ્થાને તટસ્થ શબ્દોના ઉપયોગથી એ સિધ્ધ થશે કે અદાલતોને મહિલાઓ અંગેની પરંપરાગત માન્યતાઓ, ધારણાઓ અને શબ્દો સ્વીકાર્ય નથી. કમ સે કમ ન્યાયતંત્ર તો લૈંગિક સમાનતાની તલાશ અને અમલ માટે પ્રતિબધ્ધ છે. બંધારણે સમાજ પરિવર્તનની જે શક્તિ અદાલતોને આપી છે તેનો તે અમલ કરી રહી છે તેવું આ હેન્ડબુકના પ્રકાશનથી જણાશે..
જ્યારે ન્યાયાલયો સમક્ષ વેશ્યા કે પ્રોસ્ટિટ્યૂટ્ને બદલે સેક્સવર્કર શબ્દ વપરાય અને તેને કારણે વર્કરની કામની જગ્યા, કામની સ્થિતિ, આવક, આરોગ્ય જેવી બાબતો ચર્ચાય તો આ હેન્ડબુકનું હોવું સાર્થક બની શકે છે . કાયદા કે ન્યાયાલયની બહાર , ભાષા અને વ્યવહારમાં સુપ્રીમની આ હેન્ડબુકનો અને તે થકી મહિલા સમાનતા તેમજ મહિલા ગરિમાનો તેનો સંદેશ આત્મસાત થાય તો બંધારણનિર્માતાઓનો બરાબરીનો હક વાસ્તવમાં સૌને મળી શકે.
સમાજ અને તેના ભાગરૂપ પોલીસ અને શિક્ષણ રૂઠિવાદિતાને સવિશેષ પોસે છે. એટલે જો આ માર્ગદર્શિકા પ્રમાણે તેમના વ્યવહાર, વિચારો અને પધ્ધતિમાં ફેરફાર આવી શકે તો સુપ્રીમનો મોટા પરિવર્તનનો નાનો પ્રયાસ દીપી ઉઠે તથા આગળ ધપી શકે . લૈંગિક રૂઢિવાદિતાની મસમોટી ખાઈ ભરવાના આવા નાનકડા પ્રયાસો જ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ખરી ઉજવણી છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ભારતનાં સ્થાપત્યોનાં કેટલાંક રેખાચિત્રો
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah March Kalasampoot India sketches
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે : કવિતા
તવારીખની તેજછાયા

પાબ્લો નેરૂદાએ ૧૯૪૩માં મચ્છુપિચ્છુની મુલાકાત બાદ ૧૯૪૫માં ‘ધ હાઈટ્સ ઓફ મચ્છુપિચ્છુ’ કવિતા લખી હતી. સ્પેનના આંતરવિગ્રહમાં લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ પ્રેમનું અફીણડોડું નથી; માનવીય બિરાદરીમાં ન્યાય ને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે.
પ્રકાશ ન. શાહ
તાજેતરમાં બે વાત, લગરીક આગળપાછળ પણ લગભગ એક સાથે બની. સિતાંશુ યશશ્ચંદ્રે આજના જગતની કવિતામાં સહુની સહિયારી તોયે એકેએકની પોતાની સફર લઈને આવતો કાવ્યસંચય ‘संगच्छध्वम्’ હાથમાં મૂક્યો. એમ જ પાનાં ફેરવતાં હું પ્યોર્તોરિકન કવિ માર્તિન એસ્પાદાની રચના ‘બગીચામાં બંદૂકધારીઓ’ આગળ અટકી પડ્યો. ચીલે (ચીલી)ના વિશ્વવિશ્રુત ને નોબેલ પુરસ્કૃત કવિ-રાજપુરુષ પાબ્લો નેરૂદાના અંતિમ પર્વને સ્પર્શતી એ કૃતિના થોડા અંશો:
તખ્તાપલટ પછી નેરૂદાના બગીચામાં, એક રાતે સોલ્જરો તૈનાત કરવામાં આવ્યા
* * *
કવિ મરતા જતા હતા કેન્સરે એમના બદનમાં આગ લગાડી દીધી હતી
* * *
તો પણ જ્યારે લેફ્ટેનન્ટ ઉપલે માળે ધસી આવ્યા ત્યારે નેરૂદાએ એમની બરાબર સામે જોઈને કહ્યું: તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે: કવિતા લેફ્ટેનન્ટે અદબથી પોતાને માથેથી ટોપો ઉતાર્યો સેનોર નેરૂદાની માફી માગી ને દાદરા ઊતરી ગયો.
* * *
આજકાલ કરતાં ત્રીસ વરસથી અમે ગોત કરીએ છીએ એવા બીજા એક મંત્રની જેને બોલતાં બગીચામાંથી બંદૂકધારીઓ છૂ થઈ જાય.
કવિ પાબ્લો નેરૂદા મૂડીવાદ ને સરમુખત્યારી શાસનના ઘોર વિરોધી હતા. ચીલેમાં ક્યારેક સેનેટર રહ્યા હતા, તો પરદેશમાં વખતોવખત રાજનયિક (ડિપ્લોમેટિક) કામગીરી પણ બજાવી હતી. વચ્ચે કેટલાંક વરસ દેશનિકાલ પણ વેઠ્યો હતો. ૧૯૭૦માં જ્યારે સમાજવાદી-માર્ક્સવાદી ઝુકાવ સાથે ઉદાર લોકશાહી વલણોવાળી સાલ્વાદોર આયંદેની સરકાર બની ત્યારે નેરૂદા પેરિસ ખાતે ચીલેના રાજદૂત પણ હતા. 1971માં એમને નોબેલ પારિતોષિક મળ્યું. એ સ્વીકારીને તે જ્યારે પરત ફર્યા ત્યારે એમના અભિવાદન સારુ સ્ટેડિયમ સિત્તેર હજાર લોકોથી ઉભરાઈ ઊઠ્યું હતું. ૧૯૭૩માં મિલિટરી કૂ(પ)થી આયંદે સરકાર ગઈ ને જમણેરી સરમુખત્યારી શાસન સ્થપાયું ત્યારે નેરૂદા કેન્સરની સારવાર હેઠળ હતા. સરમુખત્યાર પિનોશેના ઈશારે ભળતા ઈન્જેક્શન થકી એમનું મોત નીપજ્યાની ત્યારે લાગણી હતી.હમણાં, એસ્પાદાની ઉપર ઉતારી તે પંક્તિઓ વાંચતો હોઈશ એવામાં એક સમાચાર તરફ ધ્યાન ગયું કે ચીલેની અદાલતમાં નેરૂદાના મૃત્યુને લગતો કેસ ખૂલ્યો છે અને એના શંકાસ્પદ સંજોગોનો ભેદ ખૂલે એવી શક્યતા છે. કિશોરાવસ્થા અને તારુણ્યના સંક્રાન્તિકાળે ઉત્કટ પ્રણયકાવ્યોથી ઊંચકાયેલા કવિની દલિત-દમિત માનવતા માટેની લાગણી 1936ના સ્પેનિશ આંતરવિગ્રહ સાથે જાણે કે એક નવું જ બેપ્ટિઝમ પામી એમ અભ્યાસીઓ કહે છે. પોતે ત્યારે સ્પેનમાં ચીલેના કોન્સલ હતા, અને ફેડરિક ગાર્સિયા લોર્કા સાથે એમના મૈત્રીબંધનને નવો પુટ ચડ્યો હતો. આ લોર્કા સ્પેનની લોકશાહી રુઝાનવાળી સરકાર સામે જમણેરી લશ્કરી બળોની સામે અવાજ ઉઠાવવામાં સક્રિય હતા. આ બળોનું નેતૃત્વ ફાંસીવાદી જનરલ ફ્રાન્કો કરતા હતા. લોર્કાને આ લશ્કરી બળોએ ઝબ્બે કર્યો ત્યારે જવાબદાર અધિકારીએ કહ્યું હતું કે એણે પોતાની પેનથી એવો દેકારો બોલાવ્યો હતો જે પિસ્તોલથીયે ન મચ્યો હોત.
સ્પેનિશ આંતરવિગ્રહના અનુભવ અને લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા’ નથી પણ માનવીય બિરાદરીમાં ન્યાય ને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે. એ કંઈ પ્રેમનું અફીણડોડું નથી.
સાંભરે છે, લોર્કા વિશે પેલા સ્પેનિશ લશ્કરખોરની ટિપ્પણી કે કલમ ને કવિતા, પિસ્તોલથી ક્યાંય ચડિયાતી હાણ પહોંચાડે છે! કદાચ, કોઈ એક રચનાંશ વાસ્તે નેરૂદા સતત સંભારાશે તો તે ‘હાઈટ્સ ઓફ મચ્છુપિચ્છુ’ હશે. પેરુમાં મચ્છુપિચ્છુ ખાતે ૭,૯૭૦ ફૂટની ઊંચાઈએ તેરમી-ચૌદમી સદીમાં રચાયેલી વસાહત બે’ક સૈકામાં લુપ્ત પામ્યા પછી પણ લાંબા સમય લગી વિદેશી આક્રાન્તાઓથી અસ્પૃષ્ટ, એ રીતે અજેય જેવી રહી, એમાંથી અનુભવાતા એક અવિનાશી જીવનની આ દાસ્તાં છે. દેવહુમાની પેઠે, ‘રાઈઝ અપ અને બી બોર્ન’ એ જાણે કે સ્થાનિક જન જનને, લેટિન અમેરિકા માત્રને જગવતો યુગમંત્ર છે.
લેખિકા સુવર્ણાએ ૨૦૦૫માં પ્રકાશિત વાર્તાસંગ્રહ ‘પોતાનું નામ’ની પ્રસ્તાવનામાં નેરૂદા અને લોર્કાને અનાયાસ જ એક સાથે સરસ સંભાર્યા છે. ‘લલિત’ પણ લખતાં પોતે દલિતોને સમર્પિત છે એમ કહેતાં એમણે આ મથામણ ક્યાં સુધી એવા પ્રશ્નનો ઉત્તર નેરૂદાના સપનામાં જોયો છો: ‘ચાલો, આપણે ચાંદા જેવડી મોટી પોળી બનાવીએ, જેમાંથી જાતિ-ધર્મ-દેશ-વેશના ભેદથી પર થઈ, એકબીજામાં ભળી જઈ, બધાં એક જ થાળીમાં જમીએ.’ અને પછી જાણે આ પ્રક્રિયાનું વાર્તિક કરતાં હોય તેમ લોર્કાને સંભાર્યો છે : ‘જ્યારે શોષિત મુક્ત થશે ત્યારે ખરેખર તો શોષક મુક્ત થયો હશે. શોષણે શોષિતને જ નહીં શોષકને પણ અમાનવીય બનાવી દીધો છે. અત્યારે ગુલામ અને ગુલામધારક બંને બેડીમાં છે. ગુલામની બેડી તૂટે તો જ માલિકનીયે તૂટે.’
નેરૂદા સામ્યવાદી પક્ષને આજીવન વફાદાર રહ્યા પણ પ્રસંગે ઢાંચાઢાળ વફાદારીથી ઊંચે પણ ઊઠી શકતા. કોઈક સંદર્ભે એમને સોવિયેત યુનિયન માટે પ્રીતિવશ પક્ષપાત કઠ્યો ને ખૂંચ્યો પણ હશે. ક્રાંતિકારી ચે ગુવેરાના અતોનાત ચાહક છતાં શાંતિમય પરિવર્તનની શક્યતાઓ માટે કંઈક કૂણા પણ હશે. ચીનની મુલાકાત પછી ભરીબંદૂક કહ્યું હતું એમણે કે મને માઓ ગમે તેથી માઓવાદ પણ ગમે એવું ચોક્કસ નહીં. એમના મિત્ર મેક્સિકન કવિ ઓક્ટેવિયો પાઝે (જેઓ ભારતમાં મેક્સિકી રાજદૂત હતા, એમણે) ક્યારેક સ્તાલિન ભણી અઢળક ઢળિયા નેરૂદાની અપીલ હમણેના દાયકાઓમાં એવી જ બરકરાર છે.
એકાદ દાયકા પર ‘અરબ વસંત’ના દિવસોમાં કેરોની સડકો ને દીવાલો પર નેરૂદાની એ પંક્તિ ચીતરાયેલી હતી કે તમે સઘળાં પુષ્પોને સંહાર્યા પછી પણ વસંતને ખાળી શકતા નથી.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૬ – ૦૩ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
