અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

શ્રી રઘુવીર ચૌધરીકૃત દસ નારીપાત્રોને લઈને રચાયેલી આ કૃતિમાં નારીજીવનના સાંપ્રત સમયસંદર્ભની તાસીર રજૂ કરવાનો લેખકનો પ્રયત્ન ભાવકને વિભિન્ન આયામોમાં સમાજાભિમુખ બનાવવામાં સફ્ળ નીવડે છે. લેખકે આ કૃતિઓ દીર્ઘ નવલિકા કે લઘુનવલ પ્રકારની લાગવાની શક્યતા દર્શાવી છે. પણ કૃતિમાંથી પસાર થતાં એ સત્યકથાની વધુ નિકટ જણાય છે.

આ દસે નારીપાત્રો આધુનિક સમયસંદર્ભમાં જીવે છે એમ કહેવા કરતાં બદલાતા રહેતા સાંપ્રત સમયનાં, સમયની સાથે વહેવા મથતાં પાત્રો છે એમ કહેવું વધુ ઉપયુક્ત છે. આ નારીપાત્રો જે સમાજમાં જીવે છે એ સમાજે જીવનનાં અન્ય ક્ષેત્રોના પરિવર્તનો સહજ રીતે સ્વીકાર્યાં છે, પણ એ પરિવર્તનોના સંદર્ભે નારીમાં આવતા બદલાવને સ્વીકારતાં સમાજ અવઢવ અનુભવે છે એની વાત લેખકને અહીં કરવી છે. આથી અહીં જેટલી નારી કેંદ્રમાં છે તેટલો જ સમાજ પણ છે. કૃતિનો મુખ્ય વિચાર આ મુદ્દો રજૂ કરતો હોઈ, પ્રસ્તુત ચરિત્રોમાં નવલિકાની સર્જકતા કરતાં વર્તમાન સામાજિક સમસ્યા વ્યક્ત કરવાની મુખરતા વધુ ધ્યાન ખેંચે છે.

કૃતિમાં આલેખાયેલાં દસે નારીપાત્રોમાં ઘણું વૈવિધ્ય છે. આ બધી જ સ્ત્રીઓ સમસ્યાઓનો ભોગ બની જ છે એવું નથી. કેટલીક સ્ત્રીઓએ જાતે સમસ્યા સરજી છે તો કેટલીકે સરજાયેલી સમસ્યાનો ઉકેલ પણ શોધ્યો છે. કોકિલા, કુંદન કે સુરેખા જેવી નારીઓ જીવનને સમજવા મથે છે, પોતાની સમસ્યાઓને બને ત્યાં સુધી જાતે ઉકેલે છે, એ અંગે તેમની કોઈ ફરિયાદ પણ નથી. છતાં આસપાસનાં વિઘ્નો તેમને છોડતાં નથી. પરીક્ષામાં પાસ થવા માટે બાધા રાખનાર અનિલ મૈત્રીદાવે કોકિલાને પણ બાધા રાખવા માટે દૂરના સ્થળે લઈ જાય છે ને સાધન ન મળતાં એ સ્થળે બંનેને રાત્રિરોકાણ કરવું પડે છે. આ ઘટનાને કારણે પછીથી અનિલને કૉલેજ છોડવી પડે છે, ઘર પણ છોડવું પડે છે ને કોકિલાનું બીજી જગ્યાએ લગ્ન થાય છે જે સુખદ બનતું નથી. બાળકને જન્મ આપ્યા પછી કોકિલાને પિયર પાછા આવવું પડે છે. પછીથી ફરી અનિલ કોકિલાના પ્રશ્નોમાં રસ લે છે ને એ જ કારણે લાંબે ગાળે કોકિલાને નોકરી છોડવાના સંયોગો ઊભા થાય છે. આ આખીય ઘટનામાં કોકિલા પોતાનો વાંક સમજાવવા પ્રભુને પ્રાર્થે છે !

 

સુરેખા સંયુક્ત કુટુંબને ચાહતી સ્ત્રી છે. પતિ સાથેનું તેનું મધુર દાંપત્ય તેને પ્રસન્ન ગૃહિણી બનાવી શક્યું છે. પણ કુટુંબના વડીલો તેની સારપનો ગેરલાભ ઉઠાવીને તેનું જે રીતે શોષણ કરે છે એ રીતિઓ સુરેખાને અકળાવે છે. સેવા કરતાં પુત્ર-પુત્રવધૂના કપરા કાળમાં શાહમૃગી વલણ ધરાવતાં વડીલો સુરેખાના જીવનને હચમચાવી દે છે.

આ નારીઓને કેવા કેવા પ્રશ્નો છે ! કુંદન દેસાઈ જેવી આધુનિક યુવતી, જેણે વડોદરામાં શિક્ષણ લીધું છે, બાળલગ્નને તોડી નાખ્યું છે, ડી.પી.એડ. કરીને નર્સિંગનો કોર્સ કર્યો છે ને ઍર હૉસ્ટેસ થવાની ઇચ્છા ધરાવે છે – તેના જીવનમાં મધુકર મહેતાનો પ્રવેશ થાય છે. કુંદનને તેમની ખૂબ મદદ મળે છે. ધીમે ધીમે બંને સહજ રીતે એકબીજાનાં સુખ દુઃખ વહેંચતાં થાય છે. મધુકરભાઈના દુઃખી દાંપત્ય પ્રત્યે કુંદનને હમદર્દી છે. કુંદન લગ્ન ઈચ્છે છે પણ મધુકરભાઈને તો માત્ર મિત્ર માનીને જ ચાલે છે. મધુકરભાઈના વર્તનમાં પણ કોઈ અસંગતિ, અતિશયોક્તિ કે શિષ્ટતાના અભાવની છાંટ સુધ્ધાં વરતાતી નથી. પછીથી મધુકરભાઈનાં પત્ની દ્વારા જ કુંદન પાસે કુંદનનું માગું નાંખતાં કુંદન અવાક્ બને છે, એનું એક કારણ સંતાનપ્રાપ્તિની ઇચ્છા પણ છે. મધુકરભાઈને આ અંગે પૂછતાં ભારે સ્વસ્થતાપૂર્વકની બેફિકરાઈ કેળવી શકતા કુંદન તેમને જુએ છે. મધુરભાઈનાં પત્નીએ તો જડબાંતોડ સ્પષ્ટતા કરી દીધી તેમ ‘તું આમને આમ વર્ષે ખેંચ્યા કરશે અને પુત્રને જન્મ આપવા યોગ્ય નહીં રહે પછી મારા પતિના પ્રેમમાં પડશે તો હું નહીં આવકારું. કાં તો અમારો સ્વીકાર કર, કાં તો મનમાંથી અમારા વિશેનો આદર ભૂંસી નાખ.’ પરિસ્થિતિને સમજી ચૂકેલી કુંદન વિચારે છે. ‘કદાચ હું એમને અપનાવી લેવા વિવશ થઈશ. સવાલ એટલો જ છે ના છૂટકે સ્વીકાર્યું કે સ્વેચ્છાએ.’ કોઈના લીધેલા ઉપકારની નારીએ ચૂકવવી પડતી આ કિંમત છે !

કૃતિની વિશેષતા એ છે કે આ પ્રકારનાં નારીપાત્રોનાં આલેખનથી લેખક ‘નારીવાદ’નું સ્થાપન કરવા માગતા નથી. માનસી જેવું નારીપાત્ર પણ અહીં મળે છે જે એના સહાધ્યાયી ધ્રુવ ભટ્ટ સાથે મૈત્રી ધરાવે છે પણ એની સાથે લગ્ન કરવા અંગે નિશ્ચિત નથી. પછીથી એ મહેશ નામના યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. મહેશનો મિત્ર શાસ્ત્રી વિદુલા નામક યુવતીને ચાહે છે ને પોતે પરિણિત હોઈ, વિદુલાનાં લગ્ન મહેશ સાથે કરવા ઇચ્છે છે. જેનો સ્વીકાર મહેશ કરી શકતો નથી ને માનસી સાથે જોડાય છે. નોકરી પહેલાં લગ્ન કરવાનો ઈન્કાર કરતા ધ્રુવને છોડીને માનસી પણ મહેશ પર પસંદગી ઉતારે છે. પછીથી માનસી-મહેશના પ્રસન્ન દામ્પત્યને છેડતા નનામા ફોન ચાલુ થતાં ધ્રુવ જ એનાં મૂળને પકડે છે. શાસ્ત્રી ને વિદુલા મહેશની આપવડાઈની સજા કરવા એમાં ભાગીદાર બને છે. નારીનું આ બીજા પ્રકારનું ‘ચરિત’ પણ લેખકે પૂરા તાટસ્થ્યથી વ્યક્ત કર્યું છે. નારીનું આ પ્રકારનું પરિવર્તન પણ, લેખકને મતે કદાચ સમયની જ દેણ હોઈ શકે.

અહીં દીના જેવાં ગૌરવશીલ નારી પાત્રો પણ છે, જેઓ પતિને ખૂબ ચાહતાં હોવા છતાં પતિ કમાતો ન થાય ત્યાં સુધી સાસરે જવા ઇચ્છતાં નથી. હૃદયની બીમારી ધરાવતી નીલમ માતા-પિતાની ચિંતા દૂર કરવા સુકેતુ નામક યુવક સાથે પરણવાની ઇચ્છા વ્યક્ત કરે છે. સુકેતુ કૃપાને ચાહે છે ને કૃપા અમેરિકા છે. સુકેતુ પોતાને પરણીને અમેરિકા આવે ને પછીથી એને કૃપાને સોંપીને પોતે મુક્ત થાય એવા ઉદાર ખ્યાલથી પ્રેરાઈને નીલમ સુકેતુ સાથે જોડાય છે. કૃપાને સમજાવતી નીલમ કહે છે, ‘પારકી વસ્તુ પર હું દાનત નહીં બગાડું. મારે એટલું જ કહેવાનું છે કે સુકેતુનું ગૌરવ હણાય એવું પગલું તું ન ભરતી… એ કંઈ અમેરિકા માટે આવ્યો નથી. તારે માટે આવ્યો છે.’ પણ કૃપા માટે સુકેતુ હવે મહત્ત્વની વ્યક્તિ ન રહેતાં નીલમ-સુકેતુ બંને સાચા અર્થમાં પ્રસન્નતાપૂર્વક જોડાય છે. નીલમની સાથોસાથ સુકેતુની સમજની સહોપસ્થિતિ પણ પરિસ્થિતિને સ્વસ્થ વળાંક આપવામાં મદદરૂપ બને છે.

સુચેતા, ઇલા જેવાં નારીપાત્રોને પણ પોતપોતાની સમસ્યાઓ છે જ. આ નારીપાત્રો એમની વ્યથા-કથા કે એમની સમજને લઈને ભાવકને જુદી રીતે વિચારતો કરી મૂકવા માટે સક્ષમ બન્યાં છે સાથોસાથ આ પાત્રોમાં આલેખાયેલી નારીગત વિલક્ષણતાઓ, આવેશ, ઊર્મિમાંદ્ય, સ્વસ્થ દૃષ્ટિબિંદુનો અભાવ તેમને પાત્ર તરીકે જ સ્થગિત કરી દે છે, ‘ચરિત્ર’ થવા સુધી તેમને પહોંચવા દેતાં નથી. આ નારીઓમાં રહેલી સમજ તેમને બુદ્ધિશાળી ઠેરવે છે. તેઓ લગ્ન, દાંપત્ય, કુટુંબજીવનના પ્રશ્નોની લક્ષ્મણરેખાને ઓળંગી શકતાં નથી. એ માટે જોઈતી આત્મપ્રીતિ, આત્મસન્માનનો જાણે તેમનામાં અભાવ વરતાય છે. હજુ પણ એ પુરુષને ‘ચાહવા જેવો બનાવવા’ મથે છે. કુટુંબજીવનના આનંદમાં જીવનનો સંતોષ શોધે છે. આમાંનું એકાદું નારીપાત્ર જીવનના કલા જેવાં રુચિકર પાસાં પ્રત્યે પ્રીતિ રાખતું, એમાંથી જીવનને પામવા, નારીત્વની સભાનતાથી ઉપર ઊઠીને કશુંક જુદું સિદ્ધ કરવા પ્રયત્ન કરતું બન્યું હોત તો ‘ચરિત’ શબ્દ સાર્થક લાગ્યો હોત. વળી, અહીં આલેખાયેલી પરિસ્થિતિમાં તેનાથી એક નવો આયામ ઉમેરી શકાયો હોત. આવી અપેક્ષા સર્જકત્વસભર વ્યક્તિત્વ ધરાવતા રઘુવીરભાઈ પાસે ભાવક સહેજે, સાધિકાર રાખી શકે.

કૃતિનાં પાત્રોને આલેખતા, તેમની સમસ્યાઓ સાથે તાદાત્મ્ય સાધતા લેખકની મુખરતા ક્યાંક તરત વરતાય છે : “હા, જો બધા ડૉક્ટરો પરણેલા હોય અને સ્ત્રીદાક્ષિણ્યમાં માનતા હોય તો. બાકી નર્સ પાસે અંગત વફાદારીની અપેક્ષા રાખનાર પણ મળી આવતા હોય છે. ક્યારેક દર્દીઓ પણ સાજા થયા પછી પરિચિત નર્સના સાહચર્યની ઇચ્છાથી ફરી બિમાર પડવા ધારતા હોય છે.’ અલબત્ત, આ પ્રકારની મુખરતા લેખકને જે સ્થાપવું છે એના માટે ક્યાંક અનિવાર્ય પણ બની છે. સંવાદોનું ચાતુર્ય પણ આ જ રીતે સકારણ વ્યક્ત થયાનું જણાય છે.

નારીજીવનની વેદનાને સંવેદતા વાસ્તવલક્ષી અભિગમ લઈને ચાલતા સર્જક રઘુવીરભાઈનો સ્પર્શ એકાદ નાના વર્ણન કે શબ્દચિત્રના લસરકાથી પાત્ર કે પ્રસંગને પણ અજવાળી દે છે : ‘એટલી વારમાં આખું આકાશ ઝગમગી ઊઠયું હતું. પણ તેજના તાણાવાણા ગૂંથવામાં જ એ રોકાયેલું હતું…’ દીનાને ઊંચકી લેતા ગોવર્ધનને વર્ણવતાં લેખક નોંધે છે: “શિશિર ઋતુ પળવારમાં વસંતમાં પલટાઈ ગઈ.’

દસ નારીપાત્રોની સાથોસાથ એની સાથે સંકળાયેલાં અન્ય નારીપાત્રો, પુરુષપાત્રો ને સમાજનુંય આલેખન કરીને લેખકે નારી પ્રત્યેની પોતાની નિસબત વાદ-વિવાદથી ઉપર ઊઠીને વાસ્તવની ધરા પર રહીને વ્યક્ત કરી છે. લેખકે ઈચ્છેલો સમજણનો પાયો આ રીતે અહીં રચાયો છે.


સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.