કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

“ A will will find a way ” લોકભારતીના કૃષિસ્નાતક થયા પછી ખેતી વિષયક સુધારા અને નવા નવા પ્રયોગો તો  છેલ્લા 45 વરસથી કરતો રહ્યો છું.પણ ચર્ચાસ્પદ ચીનની ખેતીની ઉત્કર્ષ વિષયક જાણકારી મેળવવા અને ત્યાંના પાકો અને પધ્ધતિઓ નજરે નિહાળવાનો મોકો મને તાજેતરમાં ઓચિંતા મળી ગયો .

ચીનના પ્રવાસ વિષે ઘણી વાતો કરવાનું મન થાય છે પણ ફરી ક્યારેક વાત. આજે તો મગફળીની ખેતી વિષે જ વાત કરવી છે. એક વાર્તામાં એવું આવે છે કે એક આંધળા અને વાંજિયા વેપારીને ભગવાને પ્રસન્ન થઇ, એક વરદાન માગવા કહ્યું. વેપારી તો માંડ્યો વિચાર કરવા કે શું માગું ? આ કંઇ ખેડૂત નહોતો ! ખેડૂતને તો મોકો મળ્યે માગવાની છૂટ અપાઇ હોય તો વ્યવસ્થિત માગતાંય ન આવડે મિત્રો ! આ તો હતો વેપારી ! એણે વિચાર કરીને કહ્યું “ ભલે ભગવાન ! મારા વચલા દીકરાની વહુને સાતમાળની મેડીએ સોનાની ગોળીએ છાશ ફેરવતી ભાળું !” બોલો ! એક જ વરદાને બેડો પાર થઇ ગયોને?

આમ ચીનમાં મગફળીને ભગવાનનું આવું વરદાન ફળેલું ભાળ્યું.મગફળીને ગમતા-ફાવતા-ભાવતા બધા પાસા ત્યાં અનુકુળ ભળાયાં. આ સમયે મગફળી ક્યાંક હજુ ઊભી હોય, ક્યાંક ઊપાડવાનું કામ ચાલું હોય, તો ક્યાંક છોડવામાંથી ડોડવા અલગ કરવાનું કામ ચાલતું હોય તો ક્યાંક વળી ચુંટાએલી મગફળીમાંથી ભેજ ઊડાડાતો હોય-તેવી બધી જ પ્રક્રિયાઓ નજરે જોવા જુદા જુદા જુદા વિસ્તારની ૧૫-૧૭ જગ્યાઓના ખેતરોમાં ફર્યાઅને બધું જોયું તેની વાત પર આવીએ.

જમીન = શેંડોંગ વિસ્તારમાં જમીન થોડી ઉંચાણ-નીચાણવાળી ભલે રહી, પણ બંધારણે ભરભરી,ગોરાડુ-રેતાળ, અને પૂરેપૂરી તાકાતવાળી-ફળદ્રુપ દેખાઇ. વરસાદ થયે વધારાના પાણીનો નીકાલ કરી દેનારી , એટલે તુરતમાં જ આપણે ખેતીકામો શરુ કરી શકીએ, છતાં હાથ-પગ કે ઓજારને માટી ચોટે નહીં. ચીકણી બિલકુલ નહીં-જેથી સુકાયે જમીનમાં તિરાડો પણ પડે નહીં

એટલે મગફળીના સુયાને જમીનમાં ઉંડા ઉતરવામાં સરળતા રહે, મગફળી પૂરતી વિકસવા પામે અને ઉપાડતી વખતે જલ્દી ખેંચાઇ આવે, એક પણ ડોડવો તૂટે નહીં અને ડોડવા સાથે માટી આવે નહીં.-મગફળી માટે જેવી જોઇએ એવી ઉત્તમ જમીન છે અહીંની ! અહીં જમીનનું એકમ દરેક પાસે જોવા મળ્યું ઘણું નાનું, એટલે થોડી જમીનના હિસાબે ખેડૂતો શેઢા-પાળામાં જરીકેય જમીન બગડવા દેતા નથી. અને ખાતર-પોતર બાબતે પુરતુ ધ્યાન આપી શકે છે.

બિયારણ ૯૦ ટકા ખેતરોમાં એક્સ્પોર્ટ આઇટમ ‘વર્જિનિયાલોંગ’ નામની જાત વવાએલ જોઇ. પાકવામાં ૧૫૦ દિવસ લેનારી આ જાતમાં ડોડવામાં દાણા ઘણા મોટા હોયછે. વળી ઉભડી જાત હોઇ  બેઠક થડ ફરતે  થોડીક જગ્યામાં ગુચ્છારૂપે હોય છે.એક બહુ થોડા વિસ્તારમાં વવાતી જાત ‘સુજી ‘ આપણી જી-2 જેવી, પણ ‘લોંગ’ કરતાં ડોડવે નાની અને દાણે મતિયાર એવીયે જોઇ. જેને ફોલવામાટે ફોફું આંગળીથી દબાવ્યે તૂટે જ નહીંને ! આ બે જાતો જોવા મળી.

વાવણી અને એની રીત- ચીનમાં ચોમાસુ બેસે એપ્રિલ-મે માં. વરસાદ તે ટાણે હોય તો ઠીક,  નહીંતો પાણીના તળ છે સાવ છીછરા ! પિયત આપી એપ્રિલ-મે માં જ  મગફળી ઉગાડી વાળે. ખાસ ધ્યાન ખેંચે એવી બાબત અને મગફળીના બમ્પર ઉત્પાદન પર જેની બહુમોટી અસર પડે છે, તે હકિકત એ છે કે અહીં 90 ટકા ખેડૂતો મગફળીની વાવણી મલ્ચિંગ કરીને જ કરે છે. જમીન તૈયાર કરી, વચ્ચે એકફૂટની જગા છોડી, પાવરટીલરની મદદથી દોઢ દોઢ ફૂટ પહોળા ૩-૪ ઇંચ ઉંચા બેડ બનાવે છે અને પછી એ બેડ પર સાવ પાતળા ગેજનું પ્લાસ્ટિક પાથરી તેની ધારો માટીથી દબાવી દે છે. દરેક બેડમાં  9 ઇંચના ગાળે બે લાઇનો આસાનીથી સમાઇ શકે છે. દર લાઇનમાં ૯ ઇંચના અંતરે  પ્લાસ્ટિકશીટમાં નાનાં કાણાં પાડી, મગફળીના બે બે બીજ હાથથી  થાણી, બે બેડની વચ્ચે રાખેલી એક ફૂટવાળી ચરમાં પિયત આપી દે છે. બીજ પણ ઘણું ઓછું વપરાય, બેડ રીજીને પીવે એટલે જમીન કઠ્ઠણ થાય નહીં, મલ્ચિંગ હોવાથી અંદર ગરમી જળવાઇ રહે, ઉગાવો વહેલો અને પૂરતો મળે, વળી નિંદામણ ઉગે નહીં ને ફૂગજન્ય રોગો લાગે નહીં- પાક જલ્દી ધાર્યા દિવસોમાં પૂર્ણ થાય. ટપક પધ્ધતિ કોઇ પણ ખેતરોમાં જોવા મળી નહીં ! શું ટપક પધ્ધતિ તેઓને નહીં ફાવતી હોય ?

હપ્લાસ્ટિકવાળો હોવાથી ભલે ચારાના ઉપયોગમાં ઓછો લેતા હોય પણ અહીંયા મકાઇનો પાક પણ ખૂબ લેવાતો હોઇ ચારામાં એનો ઉપયોગ થતો હોય છે. એટલે જે કાંઇ દેશી ખાતર થાય તેનાથી બધા થોડી થોડી જમીનો હોઇ ખાતરથી ધરવી દેતા હોય છે. ઉપરાંત ત્યાં અલગ અલગ પાક માટેના જરૂરી તત્વોવાળા ખાસ રાસાયણિક ખાતરોના પેકીંગ મળતા હોઇ, મગફળી માટેનું ખાસ રા.ખાતર પણ ખેડૂતો ભરપેટ વાપરતા ભાળ્યા. ચાલુ વરસે વરસાદ જ એવો રહ્યો છે કે પિયત આપવાની જરૂર પડી નથી. જરૂરિયાત ઉભી થયે મલ્ચિંગબેડની બાજુની નીકોમાં રેલાવીને પિયત કરે છે મગફળી રીજીરીજીને પાણી પી લે છે.

વાતાવરણ – એપ્રિલ કે મે મહિનામાં ગુજરાતમાં આપણે જ્યારે ૪૨-૪૩- કે ૪૫ ડીગ્રી સુધી ગરમી હાહાકાર મચાવતી હોય એવા ટાણે પણ શિંડોંગ વિસ્તારમાં ગરમીનો પારો ૨૫ -૨૮ કે બહુ બહુ તો ૩૦ થી આગળ વધતો નથી.માફકસરનું વાતાવરણ અને ઝરમરિયા વરસાદનું પ્રમાણ સારું એ મગફળીને બહુ ફાવે ! વળી ગરમી અતિ નહીં એટલે રોગ-જીવાતનો ત્રાસ પણ ઓછો..એટલે મગફળીના વધુ ઉતારા બાબતના રહસ્યમાં ત્યાંની ‘ઉત્તમ જમીન’ ની જેમ ત્યા નું મગફળી ને ‘ માફક એવું હવામાન’ પણ એક છુપું રહસ્ય જ છે.

પાક પધ્ધતિ – એક ખેતરમાં અમે મગફળીની બેઠક ઓછી જોઇ-એને પ્રશ્ન કરતાં જવાબ મળ્યો કે તેઓ છેલ્લા ચાર વરસથી આ જમીનમાં સતત મગફળી જ પકાવે છે. બોલો ! બધાજ ખેડૂતો દર વરસે ‘પાકની ફેરબદલી’ અહીં કરે છે. ખેતીમાં આ વાત  જેવીતેવી ન ગણાય ભાઇઓ ! ખેતરો પર નજર કરતાં એકધારી મગફળી કે એકધારી મકાઇ ક્યાંય દેખાયાં જ નથી. બધી જગાએ મગફળી, મકાઇ, સોયાબીન, કે અન્ય શાકભાજી જેવા પ્લોટો બાજુબાજુમાં ઉભેલા ભળાય છે એનો અર્થ જ એમ થાય છે કે ખેડૂતો માત્ર એક પાક નહીં , બીજા પાકોને સાથે રાખી પાકની ફેરબદલી કરતા રહે છે. જમીનના ઉપર-નીચેના સ્તરનું સમાન ચૂસાણ, કસની સમતૂલામાં બેલેંસ, અને રોગ-જીવાતમાં રાહત- ત્રણથરા લાભ દેનારી આ પધ્ધતિ  ભલેને સરકારના આદેશ પછીય આચરાતી હોય  પણ તે મગફળીના મબલખ ઉતારામાં વજનદાર પરિબળ બની રહે છે.

કાપણી – બસ, અમારું શેંડોંગ વિસ્તારમાં પંહોચવું અને મગફળીનું પાકપર આવવું સાથોસાથ બન્યું. કોઇ કોઇ ખેતરો હજુ ઉભા હતા પણ તેતો ઉપાડવાની અગવડતાના હિસાબે ! બાકી બધાજ પ્લોટો ઉપાડવાને પૂરા લાયક. અરધ ઉપરના ખેતરોમાં ઉપાડવાનું કામ ચાલું હતું. એમાંય બેત્રણ દિવસ પહેલા ભારે વરસાદ થયેલો. એટલે પાકી ગયેલ પ્લોટો ખેંચી ન લે તો ઉગી જવાની પૂરી ભીતિ ! સૌ બને એટલી ત્વરાથી ખેંચવાનું કામ કરી રહ્યા હતા.

કોઇ બન્ને હાથથી છોડવા પકડી ઉપાડે- તો કોઇ વળી વાંકા આંકડિયાવાળું પંજા ટાઇપનું સાધન એક હાથે છોડનીચે ભરાવી ઉચકાવે ને બીજા હાથે છોડ ખેંચે .એમતો કોઇ પાવર ટીલરના હળિયાનું ચવડું કે ઉભી ઓળો નીચેથી રાંપ કાઢીને  છોડવા વીણી લેતા ભાળ્યા. છોડવાને જમીનમાંથી ખેંચીને ત્યાંને ત્યાં જ બેડ પર જ પથારી કરી દેતા હોય છે.

ખેંચી લીધાપછી કાતો ખેતરમાં તેને હાથથી ચૂંટીને કે લાકડાસાથે ઝૂડીને અલગ કરે છે. અને સગવડ હોયતો ખેતરમાં , નહીંતો બાજુના રસ્તા કે પાકા રોડ- પછી તે અંદરગાળાના હોય કે ભલેને હોય મોટો હાય-વે ! ક્યાંક એક સાઇડ તો ક્યાંક બન્ને સાઇડે માત્ર વાહન ચાલે તેટલી જગ્યા છોડી સૌ મગફળી સૂકાવે છે. આપણે ત્યાં જેમ મોર, વાઘ કે સિંહને નુકશાન કરીએ એટલે રાષ્ટ્રિયગુનો બને છે તેમ મગફળી જાણે ચીનનો રાષ્ટ્રિય-રક્ષિતપાક હોય તેમ કોઇ વાહન ચાલક મગફળીને કચરવાનું  સાહસ કરતા નથી.જ્યારે આપણે ત્યાં આમ રોડ રોકીને મગફળી સુતી હોયતો ? પીલીને તેલ જ કાઢી નાખેને ?

ઉત્પાદન – એક ગુંઠા[૩૩ફૂટ્લંબાઇ ને ૩૩ફૂટ પહોળાઇ] જમીનમાં અઢી ફૂટના ગાળે, વચ્ચે એક ફૂટની જગા છોડી દોઢ ફૂટ પહોળા બેડ બનાવાયતો ૧૩ બેડ બને.અને અઢાર ઇંચ પહોળા અને  ૩૩ ફૂટ લાંબા એક બેડમાં ૮ ઇંચના ગાળે બે હારમાં ૯ ઇંચના અંતરે પ્લાસ્ટિકમાં કાણા  પાડીએતો  ૪૪+૪૪=૮૮ કૂલ મળી ૧૧૪૪ કાણા એક ગુંઠામાં આવે.અને દરેકમાં બેબે બીજ ચોપીએ તો ૧૧૪૪ બેતડિયા છોડવા મળે .અરે ! માની લઇએ કે થોડા ડૂલ પડી ગયા છે….૪૪ ખાલી છે. તો પણ ૧૧૦૦ છોડવાનો ઉછેર તો પાક્કો જ !

ઉભા પ્લોટમાથી અમે ઘણી જગાએથી છોડ ખેંચી ,બેતડિયા છોડના ડોડવાની ગણતરી કરી જોઇ. કૂલ ડોડવામાંથી એવરેજ ૩૩ ટકા અણવિકસિત અને ૬૬ ટકા વિકસિત શીંગો દેખાણી. અને આવી. વિકસિત શીંગોની સંખ્યા એક બેતડિયા છોડવામાં ૨૭ થી માંડી ૩૩ સુધી સંખ્યામાં એટ્લેકે સરેરાશ ૩૦ શીંગો ગણતરીમાં લઇએ તો 3૩૩,૦૦૦ કૂલ શીંગોની સંખ્યા મળે..અમે સુકી શીંગનું વજન કરી જોયું તો કીલોમાં ૩૫૦ શીંગ તોળાઇ. આ માપે એક ગુંઠામાં ૯૪ કીલો અને આપણા નાના વિઘે ૧,૫૦૮ કીલો વજન ઉતરે ! પણ આ તો થઇ ચીનની ધરતીની વાતો કે જ્યાં મગફળીને બાર બાદશાહીની અનુકુળતા મળતી રહે રહે છે.

 આપણે ત્યાં આવું કરવાનો પ્રયોગ આરંભ્યો –  ચીનમાં અઠવાડિયું રહી, મગફળીની ખેતી નજરે જોઇ-તેનો અભ્યાસ કર્યા પછી આપણી-સૌરાષ્ટ્રની ધરતીપર એકસાથે ચીન ગયેલા છ ખેડૂતો અને બીજા સાથીમિત્રોએ મળી, જુદાજુદા વિસ્તારની વીસેક વાડીઓમાં ચાલુ ઉનાળા [૨૦૧૧] દરમ્યાન જ મલ્ચીંગ પધ્ધતિથી ઊભડી મગફળી ઉગાડવાનો પ્રયોગ આરંભ્યો  તે પૈકી અમારા પંચવટીબાગમાં પણ પ્રયોગ હાથ ધર્યો.

વિગત એક એકર જમીન પસંદ કરી, તેમાં ચોમાસુ પાક તરીકેના કપાસની સાંઠી ખેંચી લઇ, ટ્રેકટર દ્વારા દાંતી-રાંપ ચલાવી,ઝીણી પાંહવાળું પસિયું તૈયાર કર્યું. જમીનના ત્રણ સરખા ભાગ કરી પહેલા ભાગમાં ટ્રેકટરના વાવણિયાથી બીજ વાવી, ક્યારા-ધોરિયા બનાવી, રેલાવીને પિયત દીધું. બીજા ભાગ માં વચ્ચે ૩૦ સે.મી. જગ્યા છોડી ૬૦ સે.મી ની પહોળાઇવાળા અને ત્રણેક ઇંચ ઉંચા એવા 16 બેડ બનાવ્યા અને એનાપર મીની ટ્રેક્ટરની મદદથી મગફળીના ૩ ચાસ વાવ્યા અને ચરમાં પિયત આપી બેડ રીજાવ્યા ત્રીજા ભાગમાં આવા જ બેડ બનાવી, તેનાપર ૫ માઇક્રોન પાણી કલરની પ્લાસ્ટિક શીટ પાથરી, એના પર ૨૦ બાય ૨૦ સે.મી. ના અંતરે કાણાં પાડી ૩ લાઇનોમાં હાથથી બીજ ચોપ્યા અને ચરમાં પિયત આપી બેડ રીજાવ્ય

નોંધ ત્રણેય પ્લોટમાં સમયે સમયે થયેલ વિવિધ કામગીરીની વિગત આ મુજબ છે.

પ્લોટ પધ્ધતિ વિસ્તાર

(ગુંઠા)

વાવણી

તારીખ

અપાએલ

પિયત

કાપણી

તારીખ

મળેલ

ઉત્પાદન

ભૂંડ થકી

બગાડ (૧૦%)

વિઘા દીઠ

શું ગણાય?

 

ધોરિયા-ક્યારા ૧૩.૩૩ ૩-૨-૧૧ ૩-૬-૧૧ ૨૫૦ કીલો ૨૫ કીલો ૩૩૦ કીલો
ખુલ્લા ગાદી-ક્યારા ૧૩.૩૩ ૩-૨-૧૧ ૩-૬-૧૧ ૪૦૦ કીલો ૪૦ કીલો ૫૨૮ કીલો
ગાદીક્યારા પર પ્લાસ્ટિક ૧૩.૩૩ ૩-૨-૧૧ ૩-૬-૧૧ ૪૪ કીલો ૪૪ કીલો ૫૮૧ કીલો

અમારો અભિપ્રાય  – એક વાતની ચોખવટ ન કરી લઉં તો પ્રયોગને અન્યાય થવાની પૂરી ભીતિ છે. અમારા વિસ્તારમાં ભૂંડડાનો એટલો બધો ત્રાસ છે કે ન પૂછો વાત ! રોજ રાત્રે એક એકરની મગફળીમાં પાંચ જગાએ બેબે માણસ રખોલું કરવા સુતા હતા તોય બધા પ્લોટમાં કેટલોય પાક તોડી-વછોડી-બગાડી નાખ્યો હતો. એટલે ખરું કહીએ તો જે ઉતારો મળ્યો છે તેમાં કમસેકમ ૧૦ ટકા ઉતારો વધુ ગણવો જોઇએ.

પ્રયોગના પરિણામની વાત કરીએ તો…….. 

પ્લોટ નં [૧]  –ધોરિયા-ક્યારા પધ્ધતિ — મગફળી વાવવાની આપણી પરંપરાગત- ધોરિયા-ક્યારા પધ્ધતિમાં સૌથી ઓછો ઉતારો મળ્યો છે.

 પ્લોટ નં[૨] ખુલ્લા ગાદી-ક્યારા પધ્ધતિ આ પ્લોટનો ઉગાવો-ઉતારો ધોરિયા-ક્યારા વાળા પ્લોટ કરતાં ખૂબજ સારો મળ્યો.

 પ્લોટ નં. [૩] ગાદી-ક્યારા ઉપર પ્લાસ્ટિક આવરણ – આ પ્લોટનો ઉતારો સૌથી વધારે મળ્યો.

        હા, એક વાતે મુંઝાયા ! મલ્ચીંગમાં વપરાએલ પ્લાસ્ટિકમાં મગફળીના સૂયાએ આરપાર નીકળી નીચે ડોડવાનું બંધારણ બનાવેલું હોઇ છોડવા ખેંચતાંવેત પ્લાસ્ટિક તૂટી જઇ, કેટલુંક છોડવાની સાથેજ ગુંચવાઇ ગયેલી સ્થિતિમાં સાથે આવવા માંડ્યું. હવે? જો એને જુદું ન કરીએ તોતો અમારા ઢોરાનો ચારો [ જે મગફળીના વજનથી પણ વધારે જથ્થામાં હોય] બધો ઉકરડે નાખ્યા જેવો થઇ જાયને ? જેથી નીરણ બચાવવા પ્લાસ્ટિકને છોડવાથી અલગ કરવાનું ગોઠવવું પડે.

એટલે ઉનાળા દરમ્યાન ઉભડી મગફળીના વાવેતર માટે આ ત્રણ પધ્ધતિઓ પૈકી ગાદીક્યારા ઉપર પ્લાસ્ટિક આવરણવાળી પધ્ધતિ પંચવટીબાગમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઇ છે. ચોમાસાની રુતુમાં કઇ પધ્ધતિ  કેવું પરિણામ આપી શકે તે ચોમાસાની રુતુમાં પ્રયોગ કરીને પૂરવાર કરવું પડે.

સાથોસાથ બીજી પણ એક વાત કરી દઉ કે જે ખેડૂતને પ્લાસ્ટિક મલ્ચ અને એની કેટલીક વધારાની ચીવટ મુદ્દે નહીં પહોંચી શકાય તેમ લાગતું હોય તેમણે ખુલ્લા ગાદી-ક્યારા પધ્ધતિનો અમલ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. પણ આ પ્રયોગનું પરિણામ જાણ્યા પછી ઉનાળા દરમ્યાન મગફળીનું વાવેતર ધોરિયા-ક્યારા પધ્ધતિથી તો જેમણે ખેતીને ખાડામાં નાખવાનો નિર્ણય કર્યો હોય તેમણે જ કરવું.


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com