ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

દેવ આનંદ અભિનીત બે ફિલ્મો ૧૯૭૦માં રજૂઆત પામી, જેમાંની એક હજી ‘કલ્ટ’ ફિલ્મ ગણાય છે અને આજે પણ મારા જેવા અનેક એ ફિલ્મના ચાહક છે. એ ફિલ્મ હતી વિજય આનંદ દિગ્દર્શીત ‘જહોની મેરા નામ’. એ જ વર્ષની બીજી ફિલ્મ હતી ‘પ્રેમપૂજારી’. આ ફિલ્મ દેવ આનંદ દ્વારા દિગ્દર્શીત પહેલવહેલી ફિલ્મ હતી. ફિલ્મ રજૂઆત પામી અને એક જ સપ્તાહમાં તે સિનેમાઘરોમાંથી ઉતરી ગઈ. એટલે કે બૂરી રીતે પિટાઈ ગઈ. આમ તો કોઈ પણ દિગ્દર્શક માટે આ પરિસ્થિતિ એક દુ:સ્વપ્ન સમાન ગણાય. કાચોપોચો હોય તો ફરી દિગ્દર્શન કરવાની હામ ન ભણે, પણ દેવઆનંદ કાચાપોચા નહોતા. તેમણે એ પછી ‘હરે રામ હરે કૃષ્ણ’નું દિગ્દર્શન કર્યું અને એ ફિલ્મ જબ્બર સફળતાને વરી. દેવ આનંદ એક અભિનેતા તરીકે લોકપ્રિય હતા, પણ દિગ્દર્શક તરીકે તેમની ફિલ્મો બહુ નબળી. પણ ‘હરે રામ હરે કૃષ્ણ’ની સફળતાએ કદાચ તેમના દિગ્દર્શક તરીકેના આત્મવિશ્વાસમાં એટલો વધારો કરી દીધો હશે કે એ આજીવન ટકી રહ્યો.

‘જહોની મેરા નામ’માં સંગીતકાર કલ્યાણજી-આણંદજી હતા, અને ગીતકાર તરીકે ઈન્દીવર તેમજ રાજેન્દ્ર કૃષ્ણ હતા, પણ ‘પ્રેમપૂજારી’માં ગીતકાર ‘નીરજ’ અને સંગીતકાર સચીન દેવ બર્મનનું સુવર્ણ સંયોજન હતું. ફિલ્મ ભલે પિટાઈ ગઈ, પણ તેનાં ગીતો આજ દિન સુધી સંભળાતાં રહ્યાં છે. ગોપાલદાસ નીરજ વિશે વિચારું ત્યારે મને હંમેશાં કૈફી આઝમીની પંક્તિ ‘તુમ રહે ન તુમ, હમ રહે ન હમ’ ખાસ લાગુ પડતી લાગે. એક સમયનાં ‘આર.કે.’ અને ‘નવકેતન’ જેવાં મોટાં બેનરની ફિલ્મમાં તેમને ગીત લખવાની તક મળી અને તેમણે ઉત્કૃષ્ટ ગીત લખ્યાં, પણ ત્યારે એ બેનર પ્રતિષ્ઠાની રીતે ઘસાવા લાગ્યાં હતાં. નીરજની કલમનો જાદુ એવો છે કે શબ્દો સાંભળતાં જ એમની મુદ્રા જણાઈ આવે. એમાં સચીનદાનું સંગીત ભળે એટલે કેવું અદ્‍ભુત સંયોજન રચાય!

(ડાબેથી) દેવ આનંદ, લતા મંગેશકર, સચીન દેવ બર્મન અને નીરજ

‘પ્રેમપૂજારી’માં કુલ સાત ગીતો હતાં. કિશોરકુમાર અને લતા મંગેશકર મુખ્ય ગાયક-ગાયિકા હતાં. ‘શોખિયોં મેં ઘોલા જાયે ફૂલોં કા શબાબ’ (લતા, કિશોર) ના શબ્દો અને તેની ધૂન કંઈક અદ્‍ભુત પ્રકારની છે, તો ‘ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે’ (કિશોરકુમાર) ગીત એવું છે કે જાણે અનાદિથી ગવાતું હોય અને અનંત સુધી ચાલ્યા કરતું હોય. કશા પ્રિલ્યુડ વિના શરૂ થતું આ ગીત સૌથી લાંબું મુખડું ધરાવે છે એમ મિત્ર સંજય છેલે એક વાર જણાવેલું. ‘રંગીલા રે’ (લતા) ગીત પણ કંઈક અજબ મોહિની ધરાવે છે. એમાં મિશ્રિત કરુણરસ અને તેને અનુરૂપ વાયોલિન ગજબની અસર ઊભી કરે છે. ‘તાકત વતન કી હમ સે હૈ’ (મન્નાડે, રફી અને સાથીઓ) કૂચસંગીતના તાલમાં સ્વરબદ્ધ કરાયેલું છે, અને કર્ણપ્રિય અસર ઊભી કરે છે. ‘ગમ પે ધૂલ ડાલો, કહકહા લગા લો’ (કિશોર, ભૂપીન્દર) પણ એક વિશિષ્ટ પુરુષ યુગલ ગીત છે. આવાં ગીતમાં ભૂપીન્‍દરનો સ્વર બહુ ખીલે છે. ‘દૂંગી તૈનૂ રેશમી રુમાલ’ (લતા અને સાથીઓ) પંજાબી ધૂન પર આધારિત છે.

આ તમામ ગીતો સાંભળવાં ગમે એવાં છે, પણ એમાં શિરમોર હોય તો એ છે ફિલ્મનું ટાઈટલ સોન્‍ગ ‘પ્રેમ કે પૂજારી’. આનું કારણ? કારણ એટલું જ કે એ દાદા બર્મને ગાયું છે. ફિલ્મનાં ટાઈટલ શરૂ થાય એ સાથે જ બર્મનદાદાનો પહાડી અવાજ ગૂંજી ઉઠે અને ગીત શરૂ થાય એની અસર જ જુદી! આ ફિલ્મ મેં જોઈ નથી, પણ ગીત સાંભળ્યું ત્યારથી એમ કલ્પેલું કે એનો ઉપયોગ ટાઈટલ સોન્ગ તરીકે જ કરાયો હશે.

બર્મનદાદાના હિન્દી ઉચ્ચારો એવા છે કે અમુક શબ્દો વારેવારે સાંભળવા છતાં ન સમજાય. જેમ કે, આ ગીતમાં ‘રોજ મગર બઢતા જાયે’માં ‘મગર’ શબ્દ પકડતાં બહુ વાર લાગે, અથવા ‘ફૂલ હમ હજારોં લેકિન ખુશ્બૂ…’માં છેલ્લા શબ્દો પકડવા મુશ્કેલ જણાય. પણ દાદા બર્મનના અવાજનો જાદુ એવો છે કે આ બધું એમાં ઢંકાઈ જાય.

નીરજ દ્વારા લખાયેલા અને સચીન દેવ બર્મને ગાયેલા આ ગીતના શબ્દો આવા છે:

प्रेम के पुजारी
प्रेम के पुजारी
हम हैं रस के भिखारी
हम हैं प्रेम के पुजारी
प्रेम के पुजारी….

कहाँ रे हिमालय एसा कहाँ ऐसा पानी
यही वो ज़मीं,
जिसकी दुनिया दिवानी (2)
सुन्दरी न कोई जैसी धरती हमारी
प्रेम के पुजारी …
प्रेम के पुजारी
हम हैं रस के भिखारी
हम हैं प्रेम के पुजारी
प्रेम के पुजारी….

राजा गये
राज गये, ताज गये, बदला जहाँ सारा
रोज़ मगर बढ़ता जाये, कारवाँ हमारा (2)
फूल हम हज़ारों लेकिन खुशबू एक हमारी
प्रेम के पूजारी …
प्रेम के पुजारी
हम हैं रस के भिखारी
हम हैं प्रेम के पुजारी
प्रेम के पुजारी….

આ આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)