વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મેં તજી તારી તમન્ના | ઘરેથી નીકળો તો

    (૧) મેં તજી તારી તમન્ના – અબ્બાસ વાસી ‘મરીઝ’

    મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
    કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

    છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
    કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

    એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
    એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

    મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
    આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

    કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !
    આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

    આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
    આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

    જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
    એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

     

    (૨) ઘરેથી નીકળો તો – રશીદ ‘મીર’

    ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
    મળે છે કોણ જાણે કેવા ઝંઝાવાત રસ્તામાં.

    ગમે તે રીતે એનું મૂલ્ય ચૂકવવું પડ્યું અંતે,
    અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.

    અગર બેસી રહો ઘરમાં તો એનો થાક લાગે છે,
    અને ચાલો તો ઘરની યાદ તડપાવે છે રસ્તામાં.

    હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો,
    મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.

    રહ્યો ના ‘મીર’ કોઈ સાર હું નીકળી ગયો જ્યાંથી,
    હતી મારા જ કારણ તો બધી ઘટનાઓ કિસ્સામાં.

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ચોથો : પ્રવેશ ૨

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક ચોથો: પ્રવેશ ૧ થી આગળ

    અંક ચોથો

    પ્રવેશ ૨ જો

    સ્થળ : કનકપુરનો રાજમાર્ગ.

    [રાઈ અને શીતલસિંહ પ્રવેશ કરે છે.]

    રાઈ : શીતલસિંહ આપણે ક્યાં જઈએ છીએ ?

    શીતલસિંહ : પ્રભાપુંજ મહેલમાં.

    રાઈ : મહેલ કરતાં નગરમાં મને વધારે આનંદ થાય છે.

    શીતલસિંહ : નગરના મુખ્ય મુખ્યભાગ આપે જોયા છે તે બસ છે, પણ મહેલના તો એકએક ખૂણાની આપને માહિતી મળવી જોઈયે.

    રાઈ : મહેલમાં મારે શું જોવાનું બાકી છે ?

    શીતલસિંહ : રાણીનો આવાસ.

    રાઈ : રાણીનો ? કઈ રાણીનો?

    શીતલસિંહ : લીલાવતીનો.

    રાઈ : તેનો આવાસ જોવાની મારે શી જરૂર છે ?

    શીતલસિંહ : આપ પર્વતરાય થશો અને પર્વતરાયની રાણીને નહિ ઓળખો?

    રાઈ : શીતલસિંહ ! તમારાં વચન કંઈ મર્મવાળા લાગે છે. (અટકીને) મને કંઈ અમંગલ શંકાઓ જેવું થાય છે. તમને તેવું થાય છે?

    શીતલસિંહ : મને તો એવું કાંઈ થતું નથી.

    રાઈ : (પૂર્વ આકાશ તરફ જોઈને) પણે ચન્દ્ર હજી ઊગે છે તેટલામાં તેના તરફ કેવું વિકરાળ વાદળું ધસી આવે છે?

    [ઈંદ્રવંશા]

    કદ્રપિ કાળી અતિઘોર આકૃતિ,
    બે શૃંગ ઉંચા, શિર નાનું કૂબડું;
    બે હાથ વાંકા, પગ સ્થૂલ ટૂંકડા,
    ગાંઠો ભરેલું સહુ અંગ એહનું. ૪૫

    શીતલસિંહ : એ માત્ર આપની કલ્પના છે. વાદળા જેવું વાદળું છે. જુઓ, આપણે મહેલને પાછલે બારણે આવી પહોંચ્યા

    રાઈ : શીતલસિંહ ! મારો હાથ ઝાલો. મારા પગ ધ્રૂજે છે.

    શીતલસિંહ : આ શું ? મહેલમાં તો આપણે ઘણી વાર જઈ આવ્યા છીએ. આપની હિંમત ભરેલી બેદરકારી ક્યાં ગઈ ?

    રાઈ : ગઈ રાતે મને ઊંઘ આવી નથી. તેથી મારું માથું ઘૂમે છે એ મારી અવસ્થાનું કારણ છે. રાણીનો આવાસ આપણે શી રીતે જોઈશું.

    શીતલસિંહ : આવાસના શયન ગૃહમાં નજર પડે એવી રીતે ભીંતની ઊંચે છત પાસે પર્વતરાય મહારાજે એક નાની બારી મુકાવેલી છે. રાણીને તેની ખબર નથી. બારી બંધ હોય છે ત્યારે ભીંત ઉપરના ચિત્રકામમાં તેના દ્વાર ભળી જાય છે. અને બારી આગળ મોટું ઝુમ્મર ટાંગેલું છે, તેથી બારી ઉઘાડી હોય છે ત્યારે પણ આવાસમાં ફરતાં માણસોથી તે દેખાતી નથી. તે બારીએ જઈ આપણે બેસીશું.

    રાઈ : પર્વતરાયે એ બારી શા માટે મુકાવેલી ?

    શીતલસિંહ : રાણી એકાંતમાં શું કરે છે તેની ગુપ્ત દેખરેખ રાખવા.

    રાઈ : પર્વતરાયને રાણીનો અણભરોંસો હતો ?

    શીતલસિંહ : ઘરડા વરને જુવાન વહુનો અણભરોંસો હોય જ.

    રાઈ : એવી પ્રેમ વિનાની લજ્ઞગાંઠ પર્વતરાયે બાંધી શું કામ?

    શીતલસિંહ : પાળેલું પંખી ઊડી ન જાય માટે આપણે તેને પાંજરામાં પૂરી રાખીએ છીએ, તેથી શું આપણને તેના પર પ્રેમ નથી હોતો?

    રાઈ : (સ્વગત) ઓ પ્રેમ ! શી તારી નાલેશી !

    શીતલસિંહ : ચાલો, હવે મહેલની અંદર જઈએ. પહેલાંની પેઠે આ મારું પોટલું લઈ આપ મારા નોકર તરીકે ચાલ્યા આવજો.

    [બન્ને જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

     

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૦ : ये ज़िंदगी किसी मंज़िल पे रुक नहीं सकती, हर इक मक़ाम पे क़दम बढ़ा के चलो

    નિરંજન મહેતા

    ૧૯૬૭ની ફિલ્મ ‘હમરાઝ’નુ આ ગીત આજે ૫૭ વર્ષ પછી પણ તેના સંદેશાત્મક શબ્દોને કારણે એટલું જ લોકપ્રિય છે જેટલું તે ફિલ્મની રજૂઆત પછી હતું.

    मुँह छुपा के जियो और सर झुका के जियो
    ग़मों का दौर भी आये तो मुस्कुरा के जियो
    मुँह छुपा के जियो और सर झुका के जियो

    घटा में छुपके सितारे फ़ना नहीं होते
    अँधेरी रात में दिये जला के चलो
    मुँह छुपा के जियो और सर झुका के जियो

    ये ज़िंदगी किसी मंज़िल पे रुक नहीं सकती
    हर इक मक़ाम पे क़दम बढ़ा के चलो
    मुँह छुपा के जियो और सर झुका के जियो

    સરહદ પરના સૈનિકોના ઉત્સાહ વધારવા સુનીલ દત્ત પોતાના ગ્રુપ સાથે ત્યાં કાર્યક્રમ કરવા જાય છે અને જ્યાં આ નૃત્યગીત રજુ કરાય છે. આડકતરી રીતે વિમી, કે જે નિરાશામાં ડૂબેલી છે તેને ઉદ્દેશીને આ નૃત્યગીત રજુ થયું છે. નૃત્યગીતમાં હેલન અને ગોપીકીસનનાં ઉત્કૃષ્ટ નૃત્યને માણવાનો લહાવો મળે છે. ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રવિ અને ગાયક મહેન્દ્ર કપૂર.

    આખા કાર્યક્રમનો ઉદ્દેશ સૈનિકોને પ્રોત્સાહિત કરવાનો હતો. આ નૃત્યગીત દ્વારા તે ધ્યેયની રજૂઆત થઇ છે.

    નૃત્યગીતમાં નિરાશ થાઓ ત્યારે ક્યારેય મો સંતાડીને ન જીવો અને મસ્તક પણ ઊંચું રાખીને જીવો એ મતલબનો સંદેશ અપાયો છે. જિંદગીમાં દુઃખો આવવાના અને તેનો સામનો કરવો જ પડે. તો જરાય અચકાયા વગર તેનો સામનો પણ હસ્તે મુખે કરો.

    આકાશમાં કેટલીયે વાર રાતના તારા વાદળો પાછળ ઢંકાઈ જાય છે પણ તેથી તેનો નાશ નથી થતો, તે જ રીતે તમે જ્યારે દુઃખથી ઘેરાઈ જાઓ ત્યારે આ વાત યાદ રાખી જીવનને આગળ ધપાવો. જેમ અંધારી રાતમાં દીવો પ્રગટાવી તમારી મુસાફરીને આગળ વધારો છો તે જ રીતે તમે તમારા જીવનની સંકટમય સફરને આશાનો દીવો પ્રગટાવી આગળ વધારો.

    યાદ રાખો કે આ જિંદગી કોઈ એક જગ્યાએ અટકતી નથી. એટલે ક્યાંક અટક્યા વગર આગળ ડગ માંડતા રહો અને જીવનને વધાવતા રહો.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૪૧. મધુકર રાજસ્થાની

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    અને એક હતા મધુકર રાજસ્થાની. ( એક મધુકર બિહારી પણ હતા ! ) એમની ઓળખ રૂપે કેટલીક ગૈર-ફિલ્મી રચનાઓના મુખડા રજૂ કરીશ તો સંગીતના સાચા ભાવકો એમને તુરંત ઓળખી જશે.  ‘ યે આવારા રાતેં ‘, ‘ નથની સે ટૂટા મોતી રે ‘ ( મન્ના ડે), ‘ તેરે ભરોસે ઓ નંદ લાલા ‘ , ‘ પાંવ પડું તોરે શ્યામ ‘  ‘ તુમ આઓ રુમઝુમ કરતી પાયલ કી ઝનકાર લિયે ‘ ( રફી ) , ‘ આબાદ રહો મેરે દિલ કો જલાને વાલે ‘ , ‘ આજ ગગન મેં ચંદા ઉતરા ‘  ‘ બાત અધૂરી રહ ગઈ ઉસ દિન ‘ ( મુકેશ ) અને ‘ આંખોં મેં કિસી કી ખોકર મૈં ‘  ‘ ચુપકે સે કભી જબ યાદ મેરી ‘ ( તલત મહેમૂદ ). હા જી. આ બધી તિલિસ્મી રચનાઓના રચયિતા એટલે આ મધુકર રાજસ્થાની. રેડિયોના સુવર્ણયુગમાં આ બધા ગીતો અને વિશેષત: ભજનોનો આસવ મારા જેવા ભાવકોએ વિવિધ ભારતી પર ભરપેટ પીધો છે.

    રસપ્રદ વાત એ કે એમણે આશરે બે ડઝન ફિલ્મોમાં પણ ગીતો લખ્યા જેને રોશન, સુધીર ફડકે અને હુસ્નલાલ ભગતરામ જેવા દિગ્ગજોએ સંગીતે મઢ્યા. કમનસીબે ન ફિલ્મો ચાલી, ન ગીતો. પેશ છે એ ફિલ્મોમાંની બે ગઝલો. બન્ને ફિલ્મ ‘ દિવાલી કી રાત ‘ ( ૧૯૫૬ ) ની છે અને સંગીતકાર છે સ્નેહલ ભાટકર.

     

    કહાં મેરી મંઝિલ કહાં મેરી રાહેં,  કહાં  અપને દિલ કો લિયે જા રહા હું
    બહારોં ને મુજ સે કિયા હૈ કિનારા, ખિઝાંઓં કો શિકવે કિયે જા રહા હું

    ગિરી ઐસી બિજલી જલા આશિયાના, મગર યે ચમન મેં કિસી ને ન જાના
    લુટી મેરી મંઝિલ મિટી આરઝૂએં, મગર ફિર ભી અબ તક જિયે જા રહા હું

    શિકાયત ન ઉનસે ન કોઈ ગિલા હૈ, જહાં મેં મુહોબત કા યે હી સિલા હૈ
    છુપાએ  હુએ  દર્દ  દિલ  મેં  હઝારોં, હુઝૂમે  તમન્ના  લિયે  જા  રહા  હું

    ભુલા  દો  મુજે  ઔર  મેરી  કહાની, મુબારક હો તુમકો નઈ ઝિંદગાની
    સલામત રહો તુમ હો સહરા મુબારક, દુઆએં મૈં દિલ સે દિયે જા રહા હું..

    – તલત મહેમૂદ

    કહને કો બહુત  કુછ કહના થા, ટકરાઈ નજર શરમા હી ગએ
    ઈસ ઝુકતી નઝર કો દેખ સનમ, હમ પિયે બિના લહરા હી ગએ

    ઝુલ્ફોં કી ઘટાઓં મેં છુપકર, જી ભર કે ચલાઓ તીરે નઝર
    ઉલફત કી અદા કે દીવાને, સૌ તીર જિગર પર ખા હી ગએ

    તુમ રાઝે મુહોબત ક્યા સમજો, તુમ ઈશ્ક કી બાતેં ક્યા જાનો
    હાય કચ્ચે ધાગે  સે બંધ  કર, સરકાર મેરી  તુમ આ હી ગએ

    ઐ સાઝે  જવાની છેડ  કોઈ, એક ગીત  સુહાના  પ્યાર ભરા
    દો પ્યાર ભરે દિલ આજ મિલે, મંઝિલ કો અપની પા હી ગએ

    ઐ રાત યહીં પર  રુક જા તૂ, ઐ ચાંદ સિતારોં મત ઢલના
    અંદાઝે બયાં સે ઝાહિર હૈ, હમ ઉનકે દિલ કો ભા હી ગએ..

    – તલત મહેમૂદ / મધુબાલા ઝાવેરી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • આપણું જીવન આભારી છે, મધમાખી, પતંગિયા, પક્ષીઓ અને શલભને !

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    પૃથ્વી પર વસતા દરેક જીવની એક આગવી ભૂમિકા અને હેતુ હોય છે, જેના માટે તેઓનું અસ્તિત્વ છે.

    કુદરતે તૈયાર કરેલ આહાર શૃંખલા પર દરેક જીવ નભે છે અને આહાર શૃંખલાના ભાગ બની, એક બીજા પર નિર્ભર રહીને તેઓનું જીવન વ્યતીત થાય છે.

    જીવનનિર્વાહ અર્થે મધમાખીઓનું આગવું મહત્વ છે. મધમાખીઓ, પક્ષીઓ, પતંગિયાઓ અને શલભ પરાગનયનની ક્રિયા શક્ય બનાવે છે, તેઓ ખરા અર્થમાં પરાગનયનકારો છે. આપણું જીવન મધમાખી, પતંગિયા, પક્ષીઓ અને શલભને આભારી છે.

    પરાગનયન અનુકૂળ ખેત-ઉત્પાદન સાંકળમાં મધમાખીનું મહત્ત્વનું સ્થાન છે.

    મધમાખીઓ, અન્ય ઘણાં જીવોની જેમ ઝડપથી લુપ્ત થઈ રહી છે અને આ અંગે જાગૃકતા લાવવા, દર વર્ષે૨૦મી મેના રોજ  “હની બી ડે (મધમાખી દિવસ)”  ઉજવવામાં આવે છે, જેથી આ અંગે જાગૃતિ આવે, એમની સંખ્યામાં વધારો થાય અને એમનું આપણાં જીવનમાં જે મહત્વ છે, એ સૌને સમજાય.

    દરેક જીવન્ત વસ્તુ વિકસે છે અને બદલાય છે, જેમાં છોડનો પણ સમાવેશ થાય છે. યોગ્ય પરિસ્થિતિમાં બીજમાંથી છોડ ઉગે છે અને ઘણાં બધા છોડ પર સુંદર ફૂલો ઉગે છે. કુદરતમાં ફુલોનું ખુબ મહત્વ છે. મધમાખીનું અસ્તિત્વ જ જાણે છોડના પ્રજનન માટે છે. આ ક્રિયા પરાગનયન વડે થાય છે, જેમાં પરાગરજ એક ફૂલના પુંકેસર દ્વારા બીજા ફૂલના બીજકોષ પર મુકાય છે.

    “રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન ( NBHM)”  ભારત સરકારની એક પહેલ છે, જેમાં 2 વર્ષ દરમિયાન મધમાખીના વૈજ્ઞાનિક ઉછેર દ્વારા તેમની સંખ્યા વધારી દેશમાં “મધુર ક્રાંતિ” લાવવાનું લક્ષ્ય છે, જેનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવક વધશે, સાથે જ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે અને મોંઘા કેમિકલયુક્ત ખાતર અને દવાઓનો ઉપયોગ ખુબ જ ઓછો થઈ જશે.

    માનવસર્જિત મધપૂડામાં મધમાખીઓના વસવાટની વ્યવસ્થા કરી, માણસો હવે મધમાખીને આંશિક રૂપે પાળવા લાગ્યા છે અને મધનું ઉત્પાદન પણ કરવા લાગ્યા છે. મધપૂડામાં કે જંગલી માળામાં, મધમાખીઓના કુલ ત્રણ પ્રકાર હોય છે:

    – એક જ સ્ત્રીજાતિની રાણી માખી

    – અમુક સંખ્યામાં નર માખીઓ જે નવી રાણી માખીને જન્મ આપી શકે

    – ૨૦,૦૦૦ થી ૪૦,૦૦૦ જેટલી સ્ત્રી મજૂર માખીઓ

    મધમાખી હંમેશા પરાગનયન માટેની સુપરહીરો માનવામાં આવે છે. જે ફૂલો મધમાખી દ્વારા પરાગાધાન થાય છે એ સપાટ, થોડા પ્રમાણમાં મધવાળા, ઉઘડતા રંગ વાળા જેમકે વાદળી અથવા પીળા (મધમાખી લાલ રંગ નથી જોઈ શકતી), મધુર સુગંધવાળા, બેસવા માટે પહોળી જગ્યા ધરાવતા અને દિવસ દરમ્યાન ખુલ્લા રહેતા હોય છે.

    સાથે જ, ઘણાં ફૂલોમાં મધની માર્ગદર્શિકા હોય છે. કુદરતે અલગ અલગ જીવોને આગવી લાક્ષિણકતાઓ આપી છે, જેનો એક હેતુ છે. માણસો અલ્ટ્રાવાયોલેટ કિરણો નથી જોઈ શકતા; મધમાખીઓ આ વિરોધાભાસી પેટર્ન જોઈ શકે છે, જે તેમને ફૂલોની વચ્ચે રહેલ પોષક મધ સુધી પહોંચવામાં સહાયક બને છે.

    પરાગનયનકારો કેવી રીતે માણસોને મદદરૂપ છે ? આજે તમે શું ખાધું એ યાદ કરો: એક કેળું, એક પીનટ બટર અને જેલી સેન્ડવીચ સાથે એક સફરજન,  અને આ બધાની સાથે ટામેટાનો જ્યુસ ? હવે, એક ઘૂંટ ભરો – અને હવે છોડ અને પરાગનયનકારોનો આભાર વ્યક્ત કરો જેમના કારણે તમને આ સ્વાદિષ્ટ ભોજન મળ્યું.  ફૂલોનું પરાગન થાય છે, ત્યારે તેઓ બીજ ઉત્પન્ન કરે છે અને જીવન શૃંખલા ચાલ્યા કરે છે.

    મધમાખીઓ અને અન્ય માખીઓ દ્વારા તૈયાર થતું મધ સ્વાદમાં મધુર અને ચીકણું પ્રવાહી હોય છે. મધમાખીઓ ફૂલોમાં રહેલ મધુર સ્ત્રાવમાંથી મધ બનાવે છે. ફૂલોના મધુર સ્ત્રાવમાંથી મધમાખી મધપૂડો બનાવે છે, જેનો ઉપયોગ પોતાના શારીરિક બંધારણને મજબૂત કરવા કરે છે અને બાકીનું લાંબા સમય માટે સંગ્રહી રાખે છે. ઠંડી ઋતુમાં અથવા જયારે આહારના વિકલ્પ ન મળે, ત્યારે પુખ્ત અને નાની માખીઓ સંગ્રહિત મધનો ઉપયોગ કરે છે.

    મધ પહેલેથી જ મધમાખી દ્વારા પચાવેલું હોય છે આથી પચવામાં ખુબ જ સરળ હોય છે અને એમાં અનેક ઔષધીય ગુણો રહેલા હોય છે.

    મધનો ઉપયોગ અને ઉત્પાદન પૌરાણિક કાળથી થતું આવ્યું છે. સ્પેનમાં આવેલ કેટલીય ગુફાઓમાં મળેલ ચિત્રોથી જાણવા મળે છે કે 8000 વર્ષો પૂર્વે પણ માણસો મધની ખેતી કરતા હતા.

    આપણા ઘરોની આસપાસ મળતી મધમાખીઓમાં: ઇન્ડિજીનીયસ એપિસ સિરાના (એશિયન મધમાખી), એપિસ ફલોરિયા( ડવાર્ફ મધમાખી) અને એપિસ ડોરસાટા (જાયન્ટ મધમાખી), મેલીપોનીની (ડંખ વગરની મધમાખી) અને ઝાયલપકો (સુથારી મધમાખી).

    આ બધી જ મધમાખીઓ અલગ અલગ પ્રકારના મધપૂડાઓ બનાવે છે અને એ પણ અલગ અલગ પ્રકારની જગ્યાઓ એ અને અમુક માખીઓ એકલી જ જીવન વિતાવે છે, કેવી અજાયબી !

    વિશ્વમાં પહેલા ૨૦,૦૦૦ થી વધુ પ્રકારની મધમાખીઓ હતી !

    મધમાખીઓના બચાવ દ્વારા આપણે આબોહવા પરિવર્તનને કાબુ કરી પ્રકૃતિને આપણું યોગદાન આપી શકીશું અને પ્રાકૃતિક ખેતી સહીત સર્વજીવો સાથે સહજીવન વ્યતીત કરી શકીશું, એટલે કે સહઅસ્તિત્વ.

    આપણું જીવન મધમાખીઓ પર નભે છે.

    સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

    Love – Learn  – Conserve


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : બાવળ

    ગિજુભાઈ બધેકા

     

    પગમાં બાવળનો કાંટો લાગ્યો હશે તેણે તો બાવળનું ઝાડ જોયું હશે.

    બાવળ કાઠિયાવાડ અને ગુજરાતમાં ઠેકઠેકાણે થાય છે.

    કુદરતે ઘણાં ઝાડો ઉગાડ્યાં છે, તેમ બાવળને પણ ઉગાડ્યો છે.

    બાવળની લાંબી સૂળો પગમાં ભૉકાઈ જાય તેટલા માટે નહિ, પણ તેનું લાકડું બહુ કામનું છે માટે બાવળ ઉપયોગી છે.

    બાવળનું લાકડું કઠણ છે. તે જલદી સડતું નથી. બળતણ તરીકે બાવળનાં લાકડાં બહુ વપરાય છે. લાકડું કઠણ હોવાથી લાંબો વખત બળે છે ને તેની આંચ સખત લાગે છે.

    બીજાં બળતણ બળીને રાખ થઈ જાય છે, બાવળના લાકડાના કોલસા પડે છે. એ કોલસા ફરી વાર સગડીમાં બાળી શકાય છે.

    જંગલોમાં મોટા પાયા પર કોલસા બનાવવામાં આવે છે તે મોટે ભાગે બાવળનાં લાકડાંના. જંગલનાં મોટાં મોટાં ઝાડો સળગાવી મૂકે છે; લગભગ સળગી રહેવા આવે છે ત્યારે તેના પર ધૂળ વગેરે વાળી દેવામાં આવે છે, અગર તે દાટી દેવામાં આવે છે. આ કોલસા શહેરમાં વેચાતા મળે છે તે.

    બાવળની સૂળો ધોળી અને લાંબી છે. બે સૂળો એક છેડે જોડાયેલી રહે છે. નાનાં બાળકો તેનું એક ઉખાણું નાખે છે :–

    “બે ભાઈ વચ્ચે એક મુખ.”

    બાવળનો કાંટો એકાએક પેસી જાય તો તે ઊંડે જાય છે. બાવળના કાંટાને કેટલાક લોકો ટાંકણીઓ પેઠે ગામડામાં વાપરે છે. કોઈ વાર છોકરાઓ મોટર કે સાયકલમાં પંચર પાડવા બાવળના કાંટાને રસ્તામાં વેરે છે. બાવળની સૂળોને ગામડામાં ભીંતે કાંઈ ચોડવું હોય તો ખીલી પેઠે વાપરે છે.

    બાવળની લાંબી લાંબી શીંગો થાય છે, તેને પરડા કહે છે. પરડાનો સ્વાદ તૂરો લાગે છે. કાઠિયાવાડનાં ગામડાઓમાં લોકો તેનું અથાણું કરે છે. એ અથાણું સારું લાગે છે.

    બાવળનો ગૂંદર વધારે મોંઘો અને વધારે ઉપયોગી છે. એ દવામાં પણ કામ આવે છે. શિયાળામાં લોકો પાક કરીને ખાય છે, તેને ગૂંદરપાક કહે છે.

    પણ પેલો માસ્તર નિશાળિયાને ‘ગૂંદરપાક’ આપે છે તે જુદો. એ ગુંદરપાક એટલે તો ઠોંસા અને થપાટ !

    બાવળના થડ કે ડાળી ઉપર કુહાડીથી કાપા પાડવામાં આવે છે; તેમાંથી રસ નીકળે છે અને જામી જાય છે. એનું નામ ગૂંદર.

    બાવળ ઉપયોગી છે છતાં લોકો તેની નિંદા કરે છે. ગધેડાને કઢોર, કળથીને કધાન અને બાવળને કઝાડ કહે છે. લોકો પણ છે ને કાંઈ !

    શું કામ એને કઝાડ કહેતા હશે ? કેમકે એને છાંયે બેસી શકાતું નથી; એની નીચે એટલા બધા કાંટા હોય છે; એને છાંયે અનાજ પાકે નહિ ને ખેતી બગડે.

    બાવળને ઝાડે સુગરી પોતાના માળા ખાસ કરીને બાંધે છે. સુગરીને એમ તો અક્કલ બહુ છે. એનું નામ સુગૃહી, સારા ઘરવાળી. એનો માળો સાચે જ સુંદર હોય છે. પણ શા માટે એ કાંટાળા બાવળે જઈને બાંધતી હશે ? પણ એમ તો બુલબુલને પણ બાવળ ગમે છે. એમ તો એવું બહુ યે હશે. આપણે પક્ષીનું ક્યાં જાણીએ છીએ ?

    અને આટલું બધું લખ્યું પણ એક વાત તો રહી જ ગઈ. બાવળનાં રોજ રોજ દાતણ કરીએ છીએ એ તો યાદ રહ્યું જ નહિ ! બાવળનું દાતણ બહુ સારું ગણાય છે. તે ચાવવાથી મોં, જીભ, ગળું સુંવાળું રહે છે ને તેનો કૂચો પોચો મજાનો થાય છે.

    બાવળનું વાંકું વાઘરી નહિ બોલે; વાઘરીને તો એના ઉપર રોટલો છે.

    હું આ લખું છું તે વખતે મારી પાસે બેઠેલો એક વૈદ કહે છે: “અરે! તમે બાવળની પાલી-પાંદડાની વાત તો ભૂલી જ ગયા ! માણસનું મોઢું આવે ત્યારે બાવળની પાલી મૂકવાથી મોઢું મટી જાય છે.”

    બાવળ વિષે ઘણું લખ્યું. હવે બસ.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • સુખદ સ્મૃતિ

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    ક્યારેક પ્રવાસમાં અણધાર્યા એવી વ્યક્તિની મુલાકાત થઈ જાય જે કોઇ વાત સાવ સરળતાથી કહી દે અને જે આપણા માટે જીવનભરની યાદ બની જાય.

    એક દિવસની વાત છે. એરપોર્ટ જવા કૅબ મંગાવી. સરસ મઝાની કાર આવીને ઊભી રહી. કાર ખોલીને અંદર બેઠા તો ડ્રાઇવરે અમેરિકન સભ્યતા મુજબ ગુડ મોર્નિંગ કહ્યું. અમે પણ એવી જ રીતે ગુડ મોર્નિંગ કહીને કારમાં જરા સરખી રીતે ગોઠવાયા. ડ્રાઇવરનું નામ હતું આલ્ફ્રેટો.

    કાર ચાલુ થઈ. મેઇન રૉડ પર આવતા ગતિ પણ પકડી. ત્યાં સુધી તો અમે પણ શાંતિથી બેઠા હતા એટલે આલ્ફ્રેટોએ એક વિનંતી કરી કે વચ્ચેથી એક લેડીને રાઇડ આપવાની છે જેને પણ એરપૉર્ટ જ જવાનું હતું  તો અમને વાંધો ન હોય તો એને પણ એ સાથે લઈ લે.

    અમને શું વાંધો હોય? આગળ તો ડ્રાઇવર જોડેની સીટ ખાલી જ હતી. અમારા બે જણની જોડે એ માજીને પણ રસ્તામાંથી આલ્ફ્રેટોએ બેસાડ્યા.

    પણ જેવી કારની ગતિ પકડાઇ એવી જ ડ્રાઇવરે વાતો કરવાનું ચાલુ કર્યું. પોતાની જાતને અમેરિકન કહેવડાવતા એ ડ્રાઇવરની મા પોર્ટુરિકન હતી અને પિતા ડૉમનિકન રિપબ્લિક્ન હતો.

    અને પછી તો કારની ગતિ જેટલી ગતિએ એનો અસ્ખલિત વાણી પ્રવાહ ચાલતો રહ્યો. આખા રસ્તે એ કંઇકને કંઇક વાતો કરતો જ રહ્યો. એની પોતાની, એની પત્નીની, એના બાળકોની. વચ્ચે ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા રહ્યા ત્યારે એની એક દીકરીની તસ્વીર બતાવી જેની આંખો અસામાન્ય રીતે અલગ અલગ રંગની કીકી ધરાવતી હતી. માની આંખો બ્લ્યુ હતી અને બાપની બ્રાઉન . દિકરીએ બંનેની આંખનો રંગ એક એક લઈ લીધો હતો. આ તો સાચે જ અજાયબીની બીના હતી. જો આલ્ફ્રેટોએ એની દીકરીની તસ્વીર ન બતાવી હોત તો અમે એની વાતને ગપગોળો માની લીધી હોત.

    વળી પાછી કાર આગળ વધી. વચ્ચે આવતા ગેસ સ્ટેશન પરના ભાવ વાંચીને ભાવ વધારાથી માંડીને અમેરિકન આર્થિક ફુગાવા વિશે વિશ્લેષણ કરવા માંડ્યુ. વળી પાછું સિગ્નલ પર ઊભા રહેવાનું આવ્યું તો એની તરફનો વિન્ડો ગ્લાસ ઉતારીને બાજુમા ઊભેલી કારમાં બેઠેલ વ્યક્તિ સામે જોઇને સ્મિત કર્યું અને એકદમ ઉમળકાથી એની સાથે હમણાંથી પ્રચલિત થયેલી રૉક પેપર સિઝર રમત ચાલુ કરી. વળી પાછી ગ્રીન સિગ્નલ મળતા કારને ગતિ આપી. આ દરમ્યાન સતત એક પછી એક વિષયને લઈને એની વાતો ચાલતી જ રહી.

    આજ સુધી ભાગ્યેજ આટલી ઉત્સાહિત વ્યક્તિને મળવાનું થયું હશે. પોતાના પરિવાર કે મિત્રો સાથે ઉમળકાથી વર્તવુ અને અજાણ્યા સાથે પણ એટલી જ સાહજિકતાથી વાત કરવી એ બંનેમાં થોડો ફરક તો ખરો જ ને? અમને સાચે જ એનો બોલકો સ્વભાવ અને એની નિખાલસતા સ્પર્શી ગયા. આજે તો ઘરમાં રહેતી બે વ્યક્તિઓને પણ ક્યાં એકબીજા જોડે વાત કરવાની ફુરસદ હોય છે ત્યાં આવી અજાણી વ્યક્તિ એની વાતોથી લાંબો રસ્તો ખૂટાડી દે એની જરા નવાઇ તો લાગતી જ હતી. પાછા વાતોના વિષય પણ એકદમ અલગ-અલગ. ભૂતકાળથી માંડીને વર્તમાન સમય અને સંજોગોની વાતોથી લાંબો રસ્તો ક્યાં પુરો થવા આવ્યો એની ખબર ના પડી.

    નિર્ધારિત લક્ષ્ય પાસે આવતું ગયું ત્યારે એણે પૂછ્યું, “મારી વાતોથી તમને કંટાળો તો નથી આવ્યો ને? તમને એવું લાગતું હશે ને કે આ કેમ આટલું બધું બોલે છે? વાત જાણે એમ છે કે મને જોઇને મારા માટે અજાણી વ્યક્તિના હાવભાવ જરા ડરેલા હોય એવા હું અનુભવી શકતો હતો.”

    એની વાતમાં તથ્ય તો હતું જ કારણકે એ દેખાતો હતો એકદમ હટ્ટો-કટ્ટો. ગોરો વાન, પહાડી કે પડછંદ કહેવાય એવો શરીરનો બાંધો. ગરમીના લીધે બાંય વગરનું ટી-શર્ટ પહેરેલું હતું એટલે એની ગરદન અને બાવડા પરના ભૂરા રંગના લાંબા-ચોડા છુંદણા સ્પષ્ટ દેખાતા હતા. એને જોઇએ તો એ સાદા સીધા ડ્રાઇવરના બદલે ઇટાલિયન માફિયા જેવો વધુ લાગતો હતો. એ જો ચૂપચાપ કાર ચલાવતો હોય તો કારમાં બેઠેલા લોકો પણ ઉચાટમાં જ રહેતા હોત અને કારમાંથી ઉતરીને જાણે રાહતનો ભાવ અનુભવે એવું એને લાગ્યું હતું.

    અને સાચી વાત તો એ હતી કે અમે પણ એની કારમાં બેઠા ત્યારે એને જોઇને અમારા મનને રાજીપો તો નહોતો જ થયો.

    અત્યંત નિખાલતાથી જ એણે જણાવ્યું કે સામાન્ય રીતે સૌને એવી જ આદત હોય છે કે  કોઇનો પણ બાહ્ય દેખાવ જોઇને વ્યક્તિને જાણ્યા વગર જ એના માટે પોતાનો અભિપ્રાય બાંધી લેતા હોય છે અને એટલે જ એણે એની કારમાં બેઠેલા ઉતારુઓ સાથે વાતો કરવાનું અને એક ઉષ્માભર્યો માહોલ બાંધવાનું શરૂ કર્યું.

    કારમાંથી ઉતરવાની તૈયારી કરતા હતા ત્યારે એણે એક વાક્યુ કહ્યું, “ Don’t judge book by it’s cover.”

    કેટલી સાચી વાત કરી દીધી એ સામાન્ય ડ્રાઇવરે!

    આપણે પણ ઘણી વાર વ્યક્તિને મળીને તરત જ એના વિશે આપણા મનમાં આપણી મરજી મુજબની ધારણાઓ બાંધી જ લેતા હોઇએ છીએ.

    અને ઘણીવાર એવું ય બનતું હોય છે કોણ આપણા વિશે શું વિચારતું હશે એ વિચારવાની આપણને જરૂર જ નથી લાગતી. આપણી હાજરી અન્ય વ્યક્તિ માટે સગવડભરી છે કે અગવડભરી એની નોંધ પણ લઈએ છીએ ખરા? આપણી ઉપસ્થિતિથી કોઇને આનંદ મળે તો સારી વાત પણ જરાય તકલીફ ન પડે તો ય ગનીમત.

    ત્યારે એક આલ્ફ્રેટો જેવી વ્યક્તિની વાત અને વર્તન ખુબ વિચારવા જેવું લાગ્યું. કોઇની સાથેનો પળ-બે પળનો સાથ-સંગાથ પણ આપણા વર્તનથી કોઇના ય માટે યાદગાર બનાવી શકીએ તો એનાથી ઉત્તમ બીજું શું? આપણી વાણી- વર્તન કોઇના માટે કાયમી સુખદ સ્મૃતિ બની જાય તો એ મુલાકાતની સાર્થકતા વધે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ખોરવાતી પોષણકડીમાં ભોગવવાનું કોના ભાગે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આપણા આહાર અને આહારપ્રણાલિમાં છેલ્લા બે-ત્રણ દાયકામાં ધરમૂળથી પરિવર્તન આવતું રહ્યું છે. પરિવર્તન આવશ્યક અને આવકાર્ય છે, અને તે મોટે ભાગે એકવિધતાનો ભંગ કરવા માટે થતું હોય છે. જો કે, મનુષ્યેતર જીવો માટે આવું પરિવર્તન ઘણી વાર ઘાતક નીવડતું હોય છે. આનું એક ઉદાહરણ એટલે પશ્ચિમ ઘાટની વનસ્પતિસૃષ્ટિ.

    પશ્ચિમ ઘાટ અનેક પ્રકારની જૈવવિવિધતાઓ માટે જાણીતો છે. અત્યારે તે અન્ય ‘આયાતી’ વનસ્પતિ દ્વારા થતા આક્રમણ અને તેને પગલે સર્જાતી પર્યાવરણીય અસંતુલનની સ્થિતિનો તીવ્રપણે સામનો કરી રહ્યો છે. આ વિસ્તારમાં નૈસર્ગિક રીતે ઊગી નીકળતી વનસ્પતિને સ્થાને હવે અન્ય વિદેશી વનસ્પતિઓ તેમજ આર્થિક રીતે મૂલ્યવાન ગણાતી કૉફી, સોપારી, સાગ, લાલ ચંદન, મેહોગની, રબર જેવી જાતોનું વાવેતર થઈ રહ્યું છે. આટલું ઓછું હોય એમ લેન્‍ટેના, યુપેટોરિયમ, પાર્થેનિયમ નામની આક્રમક વનસ્પતિનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે, જેને કારણે જૈવિક અસંતુલન પેદા થઈ રહ્યું છે. શિકાર પર નભનારા જીવ માટે આને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. આવાં પ્રાણીઓ હવે માનવ વસાહતો તરફ વળી રહ્યા છે, અને માનવ-વન્ય પશુ વચ્ચે ટકરાવના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.

    રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્યના ધોરીમાર્ગો અને જિલ્લાના મુખ્ય માર્ગોની આસપાસના વિસ્તારમાં બદલાવ આવી રહ્યો છે. ‘આયાતી’ વનસ્પતિની પ્રજાતિ આક્રમક હોવાથી આ વિસ્તારનાં ફળાઉ વૃક્ષો નષ્ટ થઈ રહ્યાં છે, જેમાં જંગલી આંબા, જંગલી ફણસ, જંગલી કેળ, તેમજ વિવિધ પ્રકારનાં ઠળિયા વિનાનાં રસદાર ફળોનો સમાવેશ થાય છે. આવાં ફળો વાનર કુળનાં તેમજ અન્ય પ્રાણીઓ, ખિસકોલી, ઉંદર વગેરે માટેનો ખોરાક હોય છે. અને આવાં પ્રાણીઓનો ભક્ષ માંસાહારી પશુઓ કરતાં હોય છે. વિશાળ કદનાં-દીપડા જેવાં સસ્તન પ્રાણીઓ માનવવસાહતમાં પ્રવેશવાના બનાવો વધી રહ્યા છે. આમ, વનસ્પતિસૃષ્ટિમાં આવી રહેલા પરિવર્તનની વિપરીત અસર અનેકવિધ રીતે અને ક્ષેત્રે થઈ રહી છે.

    કર્ણાટકમાં આવેલો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન છેક ૧૯૯૦ના દાયકા સુધી અનેક તૃણાહારી પશુઓ માટેના આહારનું મહત્ત્વનું સ્થાન હતો. આને કારણે તે શિકારી પશુઓનું અગત્યનું શિકારસ્થાન પણ બની રહ્યો હતો. ઈ.સ. ૨૦૦૦ના દાયકાના મધ્યથી આ વિસ્તારમાં પાર્થેનિયમ નામની વનસ્પતિ નાનાં ઝુંડમાં દેખાવા લાગી. વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનોએ તેને ઉખેડી કાઢવા માટે સંયુક્ત રીતે પ્રયાસ કર્યા, પણ વ્યર્થ!

    એ જ રીતે એક ચોમાસા પછી આ વિસ્તારમાં લેન્‍ટેનાએ દેખા દીધી. આસપાસનાં સાઠ ગામનાં બારસો જેટલા ગ્રામજનોએ વનવિભાગના સહયોગમાં તેને ઉખેડી કાઢવાની ઝુંબેશ ચલાવી, પણ એ નિષ્ફળ ગઈ. આજે આ રાષ્ટ્રીય ઉદ્યાનના લગભગ પંચોતેર ટકા વિસ્તારમાં લેન્‍ટેના છવાયેલી છે. હજી તેને ઉખેડવાના પ્રયત્નો ચાલુ છે, પણ તેની વૃદ્ધિ અનેકગણી ઝડપી છે.

    આવી આક્રમક વનસ્પતિઓ ઘાસિયા ભૂમિમાં ઊગી નીકળી હોવાને કારણે અહીંના નિવાસી તૃણાહારી પશુઓ કાં સ્થળાંતર કરવા લાગ્યા છે, કાં નષ્ટ થવા લાગ્યા છે.

    કર્ણાટકના બીલીગીરી રંગાસ્વામી ટેમ્પલ ટાઈગર રિઝર્વમાં પણ ચાલીસ ટકાથી વધુ વિસ્તાર લેન્‍ટેનાથી આચ્છાદિત થઈ ગયો છે. આહારના અભાવ અને મર્યાદિત અવરજવરને લઈને શિકારી પશુઓ માનવ વસાહત તરફ વળી રહ્યા છે. દીપડાઓ ગામમાં પ્રવેશીને કૂતરાં અને પાલતૂ પશુઓને લઈ જાય છે, જ્યારે વાઘ માનવ તેમજ ઢોર પર હુમલા કરે છે.

    વિકાસકાર્યો, ખનનકામ, પ્રવાસન, દબાણ વગેરે માનવ-પશુ વચ્ચેના ટકરાવનાં વધતા બનાવોનાં મુખ્ય કારણ છે. હાથી, વાઘ જેવાં પશુઓની અવરજવર માટે વપરાતા કોરીડોર વચ્ચેનાં જોડાણ ઘણા વિસ્તારમાં નષ્ટ થયાં છે યા બદલાયા છે. બદલાવાનું મુખ્ય કારણ કૃષિ અને વ્યાપારી વાવેતરના વિસ્તારમાં થઈ રહેલી વૃદ્ધિ. જેમ કે, વાંસ અને કેળ હાથીઓનો મુખ્ય ખોરાક છે, જે હવે અનેક કારણોસર અપૂરતો થઈ રહ્યો છે. આને કારણે હાથીઓ પોતાના સ્થળાંતર માર્ગમાં જે આવે એ- સોપારીનાં વૃક્ષ, અનાનસના બગીચા, મરીના વેલા અને ડાંગરનો પાક સુદ્ધાં ઝાપટતા રહે છે. માનવસર્જિત માળખાકીય સુવિધાઓના કોરીડોર, જેમાં પાઈપલાઈન, વીજપરિવહનની લાઈન, માર્ગ તેમજ સિંચાઈના પ્રકલ્પ વગેરેને કારણે આમ બની રહ્યું છે.

    પર્યાવરણ અનેક રીતે અસંતુલિત થઈ રહ્યું છે, જેમાંનાં મુખ્ય પરિબળો માનવસર્જિત છે. આ અસંતુલનની અસરને ખાળવા માટે વિવિધ પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં બીજ ફેંકવામાં આવે છે, સ્થાનિક ફળાઉ ઝાડના વાવેતર માટે ગામલોકોને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. પણ આ બધા પ્રયત્નોની સામે વિકાસની ઝડપ એટલી બધી છે કે પ્રયત્નો ઓછા પડે!

    લેન્‍ટેનાનો ઉપદ્રવ આમ તો છેલ્લાં બસો વરસથી છે, અને પશ્ચિમ ઘાટ પસાર થાય છે એ ચારે રાજ્યોમાં સમસ્યારૂપ છે. પણ હવે તેના ઉપદ્રવે માઝા મૂકી છે. નૈસર્ગિક રીતે ઘાસિયાં મેદાન વિકસવા દેવાય અને માનવો દ્વારા લેન્ટેનાને ઊખાડી ફેંકાય એ સિવાય તેને અટકાવવાનો કોઈ ઊપાય નથી. ઘાસિયાં મેદાન વિસ્તરે અને વધતા રહે તો તૃણાહારી પશુઓ વનમાં જ રહે અને તેમનો ભક્ષ કરનારાં શિકારી પશુઓ પણ પોતાના વિસ્તારમાં રહેતાં થાય.

    આમ, વન વિભાગ અને ગ્રામજનો મળીને આ મોરચે લડી રહ્યા છે ખરા, પણ પરિસ્થિતિ પુન: યથાવત્‍ થશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. કેમ કે, એ માટેના ઉપાયો લાંબા ગાળાના છે, જ્યારે વિપરીત પરિબળોની ઝડપ તેને અતિક્રમી જાય એવી છે. આ પરિસ્થિતિનો ભોગ બનનારો વર્ગ અલ્પ પ્રમાણમાં છે, જ્યારે વિકાસનાં ફળનો લાભ લેનારો વર્ગ બહોળા પ્રમાણમાં. આવામાં કેવળ પોતાના લાભને બદલે નૈસર્ગિક સંપદાને થઈ રહેલા નુકસાન વિશે વિચાર કોણ કરે?


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯– ૦૨ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ખારિજ : જેઓ આપણને ચોક્ખા, નિરામય અને મોકળા રાખે છે એમને જ આપણે આપણા જીવનમાંથી ખારેજ કર્યા છે

    સંવાદિતા

    કેટલાક ફિલ્મ વિવેચકોના મતે ઋત્વિક ઘટક અને મૃણાલ સેન ફિલ્મ સર્જક તરીકે મહાન સત્યજીત રાયની સમકક્ષ જ હતા

    ભગવાન થાવરાણી

    ફિલ્મોના વિશ્વ – ફલક પર ભારતને નામના ભલે સત્યજીત રાયના કારણે મળી હોય પરંતુ ફિલ્મોની ગુણવત્તા અને વિષય વૈવિધ્યને ધ્યાનમાં લઈએ તો બંગાળના જ ઋત્વિક ઘટક અને મૃણાલ સેન એમનાથી સ્હેજે કમ નહોતા. આજે પણ ઘણા ફિલ્મ વિવેચકો એમને સમાન સ્તરે મૂલવે છે.  આજે વાત કરીએ આ મૃણાલ સેનની  કુલ ૨૭ ફિલ્મોમાંની એક, ૧૯૮૨ માં નિર્મિત ‘ ખારિજ ‘ ફિલ્મ વિષે. ઉર્દુ / અરબી શબ્દ ખારિજનો અર્થ થાય નિષ્કાસિત, બહિષ્કૃત કે રદબાતલ. એ શબ્દનો અપભ્રંશ ‘ ખારેજ ‘ પણ ગુજરાતીમાં વપરાય છે. અહીં એવા લોકો વિષેની વાત છે જે ઉવેખાયેલા છે, રદબાતલ ગણાયા છે, જે મુખ્ય પ્રવાહથી અનેક કારણોસર ખારેજ થયા છે.
    ફિલ્મ બંગાળી લેખક રમાપદ ચૌધરીની એ જ નામની નવલકથા પર આધારિત છે. ( એમની જ અન્ય વાર્તાઓ પરથી મૃણાલ સેને ‘ એક દિન અચાનક ‘ અને તપન સિંહાએ ‘ એક ડોક્ટર કી મૌત ‘ બનાવેલી. )
    વાત છે મધ્યમ વર્ગીય પરંતુ ખાધેપીધે સુખી નોકરિયાત દંપતિ અંજન સેન ( અંજન દત્ત ) અને મમતા સેન ( મમતા શંકર ) ની. બન્ને ભાડાના મકાનમાં નાનકડા પુત્ર સાથે રહે છે. ઘરકામ માટે એ લોકો એક તેર વર્ષના જરૂરતમંદ છોકરા પાલનને નોકરીએ રાખે છે. ત્રીસ રુપિયા મહિનો પગાર અને રહેવા, ખાવા-પીવાનું ‘ મફત ‘ ! સૂવાના થોડાક કલાકો સિવાય પૂર્ણ સમયની નોકરી અને સૂવાનું ફ્લેટના ભોંયતળિયે આવેલા દાદરા નીચે. એનો ગરીબ બાપ દર મહિને ગામડેથી આવીને દીકરાનો પગાર લઈ જાય. સેન દંપતિ માટે આ છોકરો પણ જાણે અન્ય કોઈ વપરાશની ફ્રીજ, ટીવી કે એસી જેવી ચીજ જેવી ઉપયોગી સગવડ છે.
    એક દિવસ અચાનક એક દુર્ઘટના બને છે. અતિશય ઠંડીના કારણે પાલન શેઠ – શેઠાણીની જાણ બહાર મોડી રાતે ઘરના રસોડામાં અંદરથી બારણું વાસી સુઈ જાય છે અને સવારે ત્યાંથી મૃત અવસ્થામાં મળે છે. રસોડામાં સળગતી રહી ગયેલી સગડી અને એમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઈડ હૂંફને બદલે એના મોતનું કારણ બને છે. કમનસીબે રસોડામાં કોઈ હવાબારી પણ નહોતી.
    હવે શરુ થાય છે ખરી વાર્તા . સેન દંપતિ પોતાને નિર્દોષ અને આદર્શ સાબિત કરવા જે કવાયત આદરે છે, જે હવાતિયા મારે છે એની કથની. આ પ્રકારના લોકોથી આપણે સૌ પરિચિત છીએ. ભીરુ, સમાજમાં પોતાની આબરૂ વિષે ચિંતિત, દૂધ અને દહીંમાં પગ રાખનારા, પોતાના હિત અને સ્વાર્થને સર્વોપરી માનનારા, દયાવાન – સહૃદય હોવાનો દંભ કરનારા પણ કટોકટી વખતે મોઢું છુપાવનારા ! સ્વાભાવિક રીતે સમગ્ર ઘટનામાં ડોક્ટર, પોલિસ, પોસ્ટમોર્ટમ પ્રવેશે છે. અડોશીપડોશીમાંના કેટલાક એમની વહારે આવે છે તો કેટલાક ટીકા કરે છે. તાણમાં આવી આ મૂળભૂત રીતે પ્રેમાળ દંપતિ પણ એકબીજાનો દોષ કાઢવા પર ઊતરી આવે છે. એ લોકોને લાગે છે કે મોટી ભૂલ તો મકાનમાલિકની. એણે રસોડામાં વેંટીલેશન જ ન રાખ્યું !
    ફિલ્મમાં ડગલે ને પગલે આર્થિક અસમાનતાને કારણે ઊભા થયેલા અને હજૂ પણ વિદ્યમાન વાડા દ્રષ્ટિગોચર થાય છે. પાલન ગૂંગળાઈ ગયો એ રાતે એ છેલ્લા શોમાં ફિલ્મ જોવા ગયેલો. એ માટેના પૈસા એની પાસે ક્યાંથી આવ્યા એની ચર્ચામાં સંભ્રાંત વર્ગમાંનુ કોઈક કહે છે ‘ આ લોકો તો ગમે ત્યાંથી પૈસાનો મેળ કરી જ લે ! ‘ અહીં પણ ‘ આપણે ‘ અને ‘ એ લોકો ‘ ! પાલનના અંતિમ સંસ્કારમાં પણ આ વર્ગભેદ ઊડીને આંખે વળગે છે. ચિતાની એક બાજુએ ગામડેથી આવેલા પાલનના પિતા, એનો પરિવાર અને પાલનની જેમ આજુબાજુના ઘરોમાં વૈતરું કરતા છોકરાઓનું જૂથ તો બીજી તરફ સાવ અળગા અંજન, એના મકાનમાલિક અને એમના ઉચ્ચભ્રૂ સાથીઓ ! વળી એ લોકો અંતિમવિધિમાં પણ નામમાત્રની હાજરી પૂરાવી ભાગી છૂટે છે !
     ફિલ્મમાં એક બુદ્ધિજીવી કહેતો સંભળાય છે કે આ બાળમજૂરીની સમસ્યા અંગે રાષ્ટ્રીય સેમિનારો થવા જોઈએ ! મૂળ મુદ્દો છે મધ્યમ વર્ગની પલાયનવાદી, સ્વાર્થી અને ડરપોક માનસિકતાનો. અહીં પાલન પર કોઈ જોરજુલમ અને જબરજસ્તી થયા નથી પણ કરુણતા પણ એ જ છે કે ‘ પોતે કેટલા સારા છે, કેવા માનવીય છે, એને કુટુંબના છોકરા જેમ રાખ્યો ‘ જેવી આત્મતુષ્ટિના અંચળા હેઠળ મૂળ વાતને ઠેકાડી દેવાય છે . પોલીસ તપાસ દરમિયાન ખબર પડે છે કે એમને પાલનનું આખું નામ કે સરનામું ખબર જ નથી ! વકીલની સલાહ લેવા ગયેલ અંજન ઠાવકાઈથી કહે છે કે છોકરો અમારા કુટુંબના સભ્ય જેવો જ હતો . હકીકતમાં ફિલ્મમાં ડગલે ને પગલે એ લોકો પોતાના દીકરાના ઠાઠમાઠની કેવી કાળજી લેતા એ વિરોધાભાસ દર્શાવાયો છે. એમનું બાળક જ્યારે નિર્દોષભાવે ‘ પાલન ક્યાં ગયો ? ‘ એવું પૂછે છે તો ઉડાઉપણે  ‘ એ તો છે જ તોફાની, પોલિસ એને લઈ ગઈ છે. ‘ એવું સમજાવવામાં આવે છે !
     પોતાને નિર્દોષ ઠેરવવાની હાયવોયમાં એ લોકો એ પણ ભૂલી જાય છે કે પાલનનો મૃતદેહ હોસ્પીટલમાં પડ્યો છે અને પાલનના કુટુંબીઓને આ ઘટનાની જાણ કરવાની છે. એ યાદ આવતાં એમને એ ભય ઘેરી વળે છે કે પાલનના કુટુંબીઓ પ્રતિશોધ લેશે, વળતરની માગણી કરશે, કોર્ટ – કચેરીનો આશરો લેશે. બન્ને પતિપત્ની એક વાર પણ ભેગા બેસીને એ ચર્ચા નથી કરતા કે એમનાથી ભૂલ શું થઈ કે એક નિર્દોષનો જીવ ગયો ! પોતાને બચાવવા અંજન તો પોલિસ આગળ એવી આશંકા પણ વ્યક્ત કરે છે કે પાલન કોઈક રોગથી પીડાતો હોવો જોઈએ !
    પુત્રના સમાચાર સાંભળી પાલનના પિતા આવે છે ત્યારે અંજનને એક મહાશય એવી સલાહ આપે છે કે કોઈ પણ સંજોગોમાં એમને ઘરે જ રાખજે, બહાર જવા ન દેતો નહીંતર ‘ એમના વાળા ‘ એને આડુંઅવળું સમજાવી ગેરમાર્ગે દોરશે . સંવેદનશીલતાનો કેવો અભાવ ! એ લોકો પાલનના પિતાના સૂવાની વ્યવસ્થા પોતાના દીવાનખાનામાં કરે છે ત્યારે એમને યાદ આવે છે કે આપણી પાસે વધારાનો ધાબળો તો હતો જે આપણે ક્યારેય પાલનને આપ્યો નહીં. પોલિસ, ડોક્ટર અને વકીલ પણ એમની સાથે છે અને તત્પર છે કે ‘ નૈતિક સત્ય પર કાયદાનું જૂઠ ‘ વિજયી બને !
    ફિલ્મના અંતિમ દ્રષ્યમાં પાલનનો અગ્નિદાહ પતી ગયા પછી પાલનના પિતા અને કુટુંબીઓ અંજનના ઘરે આવે છે ત્યારે બધા મનોમન ફફડાટ અનુભવે છે કે આ લોકો કોઈક બખેડો ઊભો કરશે પણ એ લોકો તો વિનીતભાવે આભાર માની ચાલ્યા જાય છે. ફિલ્મકાર મૃણાલ સેને મૌન અને અલ્પોક્તિના હથિયારથી આ દ્રશ્યને ગજબનું ધારદાર બનાવ્યું છે. સમગ્ર ફિલ્મ પણ આવા સંયમ અને સંવેદનશીલતાના નાજુક લસરકાઓથી પ્રેક્ષણીય બની છે.
    મૃણાલ સેન પર આ ફિલ્મ સંદર્ભે આક્ષેપ હતો કે એમણે ઉપેક્ષિત અને કચડાયેલા વર્ગ પ્રત્યે જોઈતી હમદર્દી દાખવી નથી. ખરેખર તો ફિલ્મના અંતમાં હાથ જોડી સૌની વિદાય લેતા પાલનના પિતાએ અંજનને સણસણતો તમાચો ચોડી વિદાય લેવી જોઈતી હતી. મૃણાલ સેનનો જવાબ હતો ‘ પિતા મૂંગેમૂંગા જતા રહે છે એ શું અંજન, મારા અને તમારા મોઢે મરાયેલો તમાચો નથી ! ‘

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • પગદંડીનો પંથી – ભાગ ૨ – ૯ બાયોપ્સી (Biopsy) કરવી પડશે? એ શું છે?

    તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

    ડૉ. પુરુષોત્તમ મેવાડા,
    એમ. એસ.

    બાયોપ્સી (Biopsy) એ ગ્રીક શબ્દ છે. જીવતાં શરીરના અંગમાંથી નાનો ટુકડો કાપી કાઢી માઇક્રોસ્કૉપથી તપાસી રોગનું યોગ્ય નિદાન કરવા, એની વધ-ઘટ/પ્રગતિ અને પૂર્વનિદાન (Prognosis) જાણવા માટેના ટેસ્ટને બાયોપ્સી કહેવાય. (મૃતક અંગોની તપાસને શબપરીક્ષણ\ઑટોપ્સી (Autopsy/Post Mortem) કહેવાય છે.)

    શા માટે કરાય?

    ઘણીવાર ફક્ત તબીબી તપાસમાં રોગનું સંપૂર્ણ નિદાન શક્ય નથી હોતું, એટલે ખાત્રીપૂર્વકની નિદાન અને સારવારની પધ્ધતિ નક્કી કરવા માટે બાયોપ્સી કરવી જરૂરી છે.

    ટૂંકમાં તેના ઉપયોગો નીચે પ્રમાણે હોય છે.

    (૧) શરીરમાં ગાંઠ (Tumour, Mass, ? Simple-Benign or Cancer), ચાંદું (Ulcer, ? Cancer), લસીકાગ્રંથિની રસોળી (Lymph nodes, ? Tuberculosis ? Secondary Cancer), થાન (Breast)માં ગાંઠ (સાદી કે કેન્સર ?), કાળો ઊપસેલો મસો/તલ (Mole, ? Melanoma), વગેરેમાં જો કેન્સરની આશંકા હોય અથવા ભવિષ્યના રેકૉર્ડ માટે રોગની સાદી ખાત્રી માટે.

    (૨) જૂનો કાયમી રોગ, દા.ત. કલેજાની સિરોસિસ (Cirrhosis of Liver), ચયાપચનના રોગો (Amyloidosis).

    (૩) અંગ પ્રત્યારોપણના અવયવની સ્થિતિ, દા.ત. ગુદા/કિડનીનું પ્રત્યારોપણ (Kidney Transplant).

    (૪) કાયમી ઘર કરી ગયેલું (Chronic) ચેપી (Infectious) અવયવ. જૂના નહીં મટતાં ગૂમડાં (Abscess), ઘારાં (Fistula).

    બાયોપ્સીના પ્રકારો – Types of Biopsy

    (૧) સંપૂર્ણ ગાંઠ કે રોગનો ભાગ સર્જરીથી કાઢી તપાસવા મોકલવો (Excision Biopsy).

    (૨) રોગિષ્ઠ ભાગ/ગાંઠવાળા ભાગમાંથી નાનો ટુકડો કાપી તપાસવો. (Incision/Core/Wedge Biopsy).

    (૩) સોઈ દ્વારા લેવાતી બાયોપ્સી (Needle Biopsy). ઘણી વાર આ રીત માટે બીજા ડૉક્ટર અને સાધનોનો પણ ઉપયોગ જરૂરી બને છે. (Image Guided Biopsy), જેવાં કે, સોનોગ્રાફી (Sonography/ USG), સી.ટી. સ્કાન (CTS), એમ.આર.આઈ. (MRI Scan), થાન (Breast) માટે Mammography, એક્સ રેનો ઉપયોગ કરી સ્ટીરિઓટેક્ટિક (Stereotactic Technique). ખાસ કરીને અસ્થિના રોગો અને લોહીના કેન્સર (Leukaemia)માં અસ્થિમજ્જાની બાયોપ્સી આ રીતે થાય છે.

    ખાસ પ્રકારની ગોળ બ્લેડ (Trucut, Punch Biopsy)થી ચામડીની બાયોપ્સી લેવાય છે.

    (૪) પાતળી સોય દ્વારા કોઈપણ ગાંઠ કે રસોળી માંથી કોસો અને પ્રવાહી ખેંચી તપાસવું. (Fine Needle Aspiration Cytology/FNAC). દા. ત. પ્રોસ્ટેટ ગ્રંથિ (Prostate Gland), Lymph Node (લસીકાગ્રંથિ) વગેરે.

    (૫) Liquid Biopsy – આપણા શરીરના લોહીમાં રોગોના કોષો (ખાસ કેન્સરના), જીવતા કે મરેલાના કણો ફરતા હોય તેને શોધીને રોગનો પ્રકાર, પ્રગતિ (વધ-ઘટ), અને દવાની અસર જાણવા આ પધ્ધતિ જે Epic Sciences એ વિકસાવી છે તેનો ભવિષ્યમાં ઘણો ઉપયોગ થવાનો છે.

    (૬) ખાસ પ્રકાર પણ વપરાય છે, દા. ત. Fluorescence/Immuno-Fluorescence માઇક્રોસ્કોપી.

    ગર્ભાશયના મુખના કેન્સર માટે પૅપ સ્મીયર (Pap Smear). વંધ્યત્વની તપાસ માટે પુરુષના અંડકોશમાંથી તપાસ માટે (Testicular Biopsy is a Incisional Biopsy).

    કેવી રીતે થાય છે? (Procedures)

    આમ તો બાયોપ્સી એક સામાન્ય તપાસ ગણાય, પણ ઘણીવાર એક નાના ઑપરેશન જેવું પણ કરવું પડે. આથી બાયોપ્સીના આવા પ્રકાર બને છે,

    (અ) સામાન્ય તકલીફવાળી (Minimally Invasive) અને

    (બ) જરા વધારે તકલીફવાળી (Invasive).

    કોણ કરે?

    સર્જન, સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર જેવા કે એન્ડોસ્કોપિસ્ટ, રેડિઓલોજિસ્ટ,પેથોલોજિસ્ટ (Endoscopist), Interventional Radiologist, Pathologist.)

    દર્દીને રોગની જગ્યાએ ભાગ બહેરો કરવાનું ઇંજેક્શન આપીને (Local Anaesthesia/LA), અથવા સંપૂર્ણ બેભાન કરીને (GA/General Anaesthesia) આપીને થાય છે. થોડી મિનિટોમાં થઈ જાય, એટલે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની ભાગ્યે જ જરૂર પડે છે.

    બાયોપ્સી પછી થોડો દુખાવો (Pain) રહે, ચેપ (Infection) લાગી શકે, લોહી વહે (Haemorrhage), તાવ (Fever) આવે એવું બની શકે છે અને તે માટે યોગ્ય દવાઓ લેવી પડે.

    કોણ તપાસે?

    કાપી કાઢેલો ભાગ (Specimen)ને યોગ્ય રીતે સંભાળીને સંપૂર્ણ માહિતી સાથે પેથોલોજિસ્ટની લૅબોરેટરીમાં મોકલાય છે. ત્યાં ઘણી પ્રક્રિયામાંથી પસાર કરી સ્લાઇડ બનાવી માઇક્રોસ્કૉપથી તપાસવામાં આવે છે.

    રિપૉર્ટ આવતાં અઠવાડિયાથી વધારે સમય લાગે. કોઈ કિસ્સામાં જલદી રિપૉર્ટ મળી શકે.


    પાદનોંધ:

    નોંધ – ‘?’ ચિહ્ન પહેલાંનું દાક્તરી તપાસનું નિદાન છે. ‘?’ ચિહ્ન પછીના શબ્દો બાયોપ્સી કરવાથી એ કયા પ્રકારનો રોગ હોઈ શકે તે દર્શાવે છે. દા.ત. ટ્યુમર/ગાંઠ સાદી કે કેન્સર છે.


    ખાસ નોંધઃ

    આ પ્રકારના લેખમાં સંપૂર્ણ માહિતી આપવી શક્ય નથી. મેડિકલ વિજ્ઞાન આજે ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે, અને આજનું જ્ઞાન આવતી કાલે નકામું (obsolete) થઈ જાય છે, એ યાદ રાખવું જોઈએ.


    ક્રમશ: 


    ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.