વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મોરારજી દેસાઈ : વહીવટી પુરુષ, રાજપુરુષ , લોકપુરુષ

    નિસબત

    ચંદુ મહેરિયા

    મોરારજી દેસાઈ ( ૨૯ ફેબ્રુઆરી , ૧૮૯૬ – ૧૦ એપ્રિલ ,  ૧૯૯૫) ની એક સરળ ઓળખ તો દેશના પૂર્વ વડાપ્રધાનની છે. પરંતુ આઝાદી આંદોલનના આ લડવૈયા ઈંદિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછીની બીજી આઝાદી પછી રચાયેલી દેશની પહેલી બિનકોંગ્રેસી સરકારના વડાપ્રધાન હતા. ભારત અને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન (નિશાને પાકિસ્તાન ૧૯૯૦ માં, – ભારતરત્ન, ૧૯૯૧માં ) મેળવનારા પણ તેઓ એક માત્ર ભારતીય રાજપુરુષ છે.

    કોલેજ કાળથી જ મોરારજી દેસાઈને કોંગ્રેસ, ગાંધીજી અને આઝાદી આંદોલન પ્રત્યે ખેંચાણ હતું. તેઓ કોંગ્રેસના અધિવેશનોમાં જતા હતા અને દેશનેતાઓના ભાષણો સાંભળતા હતા. પરંતુ શિક્ષક પિતાના અપમૃત્યુ અને પારિવારિક જવાબદારીના કારણે સ્નાતક થયા પછી સરકારી નોકરી સ્વીકારવી પડી હતી. બોમ્બે પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસમાં તે જોડાયા અને ડેપ્યુટી કલેકટર, પ્રાંત ઓફિસર તથા કલેકટરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે અમદાવાદ, ભરુચ, ગોધરા, થાણા વગેરે જગ્યાઓએ ફરજ બજાવી. આ કામ દરમિયાન તેમણે ઉત્તમ વહીવટ કરી જાણ્યો હતો. નિયમો અને કાયદાઓનો લોકોની તરફેણમાં ભય, લોભ, લાલચ, લાંચ  વિના અમલ કર્યો હતો. અંગ્રેજ કે ભારતીય અધિકારીઓની સાડાબારી રાખ્યા વિના તેમણે કામ કરી , એક નોકરશાહની નહીં પણ આદર્શ વહીવટી પુરુષ તરીકેની છાપ ઉભી કરી હતી. પરંતુ મનથી તેઓ આઝાદીના આંદોલન સાથે જોડાયેલા હતા. ૧૯૧૮ થી ૧૯૩૦ની બાર વરસની બ્રિટિશ રાજની નોકરી પછી તેમણે રાજીનામું આપ્યું. રાજીનામું આપતી વખતે જ નક્કી કર્યું હતું કે બાકીની જિંદગી પૈસા કમાવાના કામમાં ના ખરચવી  પણ સેવા કાર્યોમાં ગાળવી.

    સરકારી નોકરી છોડ્યાના બીજા જ દિવસે સવારે તેઓ કોંગ્રેસના સભ્ય બન્યા હતા. કોંગ્રેસના કાર્યકર તરીકે લોકસંપર્ક કરી સત્યાગ્રહની લડત માટે લોકોને જાગ્રત કરવાનું કામ કર્યું. થોડા વરસમાં તેઓ કોંગ્રેસના મંત્રી બન્યા.સત્યાગ્રહની લડતમાં મોરારજીભાઈની સક્રિયતા તેમના પાંચ કરતાં વધુ જેલવાસથી જણાય છે. ગાંધીજીને પત્ર લખી તેમણે આશ્રમમાં જોડાવાની મંજૂરી માંગી હતી અને જણાવ્યું હતું કે તેમને નિર્ભેળ રાજકારણમાં ખાસ રસ નથી. પરંતુ તેમની ઈચ્છાથી વિરુધ્ધ તેઓ સત્તાના  રાજકારણમાં ખેંચાયા હતા. સૌ પ્રથમ ૪૧ વરસની ઉમરે ૧૯૩૭માં તેઓ અવિભાજિત મુંબઈ રાજ્યના બાળાસાહેબ ખેર મંત્રી મંડળના મહેસુલ મંત્રી બન્યા હતા. મોરારજીભાઈ ૫૬ વરસે ૧૯૫૨માં મુંબઈના મુખ્યપ્રધાન અને ૮૧ વરસે ૧૯૭૭માં દેશના વડાપ્રધાન બન્યા હતા.

    રાજ્યના અને દેશના રાજકારણમાં સત્તાના સર્વોચ્ચ  પદો પર રહીને મોરારજી દેસાઈએ લોકહિતમાં સત્તાને પ્રયોજી હતી. મુંબઈ રાજ્યના મંત્રી કે મુખ્ય મંત્રી તરીકે તેમણે એવા કાયદા ઘડ્યા જેના પર તેમની અમીટ છાપ જણાય છે. તેઓ રાજકારણી નહોતા પણ રાજપુરુષ હતા. મૂલ્યો માટેનો આગ્રહ, સ્પષ્ટ અને નિખાલસ વકતૃત્વ, કડક નિયમપાલન  અને શુધ્ધ વહીવટ તેમની વિશેષતા હતી. લોકોની નજરમાં સરેરાશ રાજકારણીની જે ઢોંગી અને જૂઠ્ઠા માણસ તરીકેની છાપ છે તેના કરતાં તેઓ સાવ નોખા હતા. તેમના વાણી અને વર્તનમાં તફાવત નહોતો. અભી બોલા અભી ફોકના રાજકારણના જમાનામાં તે પોતાની સાચી વાતને મારો જ કક્કો ખરો એવી જિદની કક્ષાએ વળગી રહેતા હતા. શાયદ એટલે વાસ્તવ  અને વ્યંગની રીતે તેમની  સર્વોચ્ચ તરીકેની ઓળખ સાર્થક જણાય છે.

    કોંગ્રેસના તે વરિષ્ઠ નેતા હતા. વડાપ્રધાનના પદે પહોંચવાની  યોગ્યતા અને તક છતાં એકથી વધુ વખત તેમની ઉપેક્ષા થઈ હતી. એટલે કામરાજ યોજના, ઈંદિરા ગાંધી સાથે મતભેદો  અને કોંગ્રેસના ભાગલા પછી તેમણે જુદો રાહ લીધો હતો. પાંચ દસક પહેલાના ગુજરાતના નવનિર્માણ આંદોલન અને જયપ્રકાશ નારાયણના બિહાર આંદોલન, ઈંદિરા ગાંધીને ગેરલાયક ઠેરવતો અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો અને આંતરિક કટોકટી પછી તેઓ વિપક્ષી રાજકારણનું  કેન્દ્ર બન્યા હતા. નવનિર્માણ આંદોલન પછી એક વરસ  સુધી વિસર્જિત ગુજરાત વિધાનસભાની  ચૂંટણી  ન થતાં, જૈફ વયે , સાચા ગાંધીજનને સોહે તેમ તેમણે આમરણ અનશન કર્યા હતા. એ રીતે ગુજરાતમાં જનતા મોરચાની જીત અને સત્તા પરિવર્તન માટે તેમની મહત્વની અને નિર્ણાયક ભૂમિકા હતી.

    કટોકટી દરમિયાન જિંદગીના આઠમા દાયકે   તેમણે લાંબો જેલવાસ વેઠ્યો હતો. આત્મકથા ‘ મારું જીવનવૃતાંત’ માં વાજબી કારણોસરનો ગાંધી- નહેરુ કુટુંબ પ્રત્યેનો તેમનો અણગમો ચોખ્ખો જણાય આવે છે. કટોકટી પછીની લોકસભા ચૂંટણીમાં વિપક્ષોને બહુમતી મળતાં મોરારજીભાઈને  વડાપ્રધાન પદ મળ્યું હતું. ગાંધી સમાધિ રાજઘાટ પર જેપી-કૃપાલાણીના નેતૃત્વમાં જનતા સાંસદોએ શપથ લીધા ત્યારે તેમને જયપ્રકાશે રાજશક્તિ અને લોકશક્તિના સમન્વય  માટે મથવા જણાવ્યું હતું. વડાપ્રધાન મોરારજીએ લોકનો બોલ શિરોમાન્યનો પ્રતિસાદ આપ્યો હતો. ખાસડે ખાંડ વેચાય તેવી સોંઘવારી અને લોકશાહીને ગળે ટૂંપો દેતા કાળા કાયદાઓની નાબૂદી મોરારજીસરકારનું  કીર્તિદા કાર્ય હતું. ૧૯૭૭ થી ૧૯૭૯ સુધીનો તેમનો પ્રધાનમંત્રીકાળ જનતાપક્ષના નેતાઓ અને મંત્રીઓની ટાંટિયા ખેંચ અને વિવાદોમાં એવો તો વહ્યો કે સરકારની એકંદર છાપ સત્તા માટે વલખાં મારનારાની બની ગઈ હતી. વડીલ મોરારજી તે બદલવામાં નાકામિયાબ રહ્યા એટલે લોકોની  આકાંક્ષાઓ ચૂરચૂર થઈ ગઈ હતી.

    અનાસકતની છબી ધરાવતા મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા પછી ઈતિહાસે મને વડાપ્રધાનપદે સ્થાપીને પોતાની ભૂલ સુધારી છે  એમ પણ કહ્યું હતું. વડાપ્રધાન તરીકે પક્ષના નેતાઓનો અસંતોષ ઠારવાને બદલે  જેપી-કૃપાલાણી કંઈ સરકાર નથી એમ પણ તે  બોલ્યા હતા.

    લોકલાગણીથી વિપરિત વિચારો વ્યક્ત કરવામાં  મોરારજીભાઈનો જોટો જડવો અઘરો છે. ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હોય ત્યારે પણ જે મંદિરમાં દલિતોને પ્રવેશ નથી મળતો તે મંદિરમાં હું જઈશ નહીં તેવું અડગ વલણ તે ધરાવતા હતા. તેમનું આ કૃત્ય પક્ષને વોટ મેળવવામાં મુશ્કેલી કરાવશે તેવી સાથીઓની દલીલ પણ તે સ્વીકારતા નહોતા. દલિતો –આદિવાસીઓને  અનામતનો લાભ ક્યાં સુધી એવા સવાલનો તેમનો રોકડો જવાંબ હતો : આભડછેટ રહે ત્યાં સુધી. ૧૯૮૬માં  અનામત અંગેના એક લેખ સંગ્રહના લોકાર્પણ પ્રસંગે તેમણે  જે ગામડાઓમાં અસ્પ્રુશ્યતા આચરાતી હોય ત્યાં દલિતો ગાંધી માર્ગે સત્યાગ્રહ કરવા માંગતા હોય તો હું તેમની સાથે જોડાવા તૈયાર છું તેમ પણ કહ્યું હતું.

    મોરારજી દેસાઈ કોઈ લોકનાયક કે લોકનેતા નહોતા  તે સ્વીકારીને પણ કહેવું જોઈશે કે તે લોકથી જુદા પણ નહોતા. સિધાંતતિષ્ઠ અને લોકનિષ્ઠ રાજપુરુષોની વિલુપ્ત થઈ ગયેલી પેઢીના તે ધ્રુવતારક હતા.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કલમને કરતાલે ….

    દેવિકા ધ્રુવ

    : ગીત :

    લો, અમે તો ચાલ્યાં પાછા કલમને કરતાલે ….

    રોમરોમ શરણાઈ વાગે, કલરવ ડાળે ડાળે
    મઘમઘ રંગ સુગંધ બનીને, મહેકે મનને માળે
    ટમટમ ટમકે અક્ષર જાણે, નભને તારે તારે
    લો અમે તો ચાલ્યાં પાછા કલમને કરતાલે ….….

    મબલક અઢળક ઘેરી-ઘેરી, વરસ્યાં નવલખ ધારે
    વાંકા કાંઠા તોડી દોડ્યા, ઉરસાગરને નાદે
    તટનાં ત્યાગી નામ પછી તો, ઉડાન પાંખે પાંખે
    લો અમે તો ચાલ્યાં પાછા કલમને કરતાલે ….…

    હળવે-હળવે જીવને શિવનો અર્થ પરમ અહીં જાગે
    જૂઠ્ઠા જગનો કાજળ-કાળો અહં ભરમ સહુ ભાગે
    સચરાચરનો પાર પમાડે, શબ્દ બ્રહ્મની પાળે
    લો અમે તો ચાલ્યાં પાછા કલમને કરતાલે ….

     

    : આસ્વાદ :

    લતા હિરાણી

    ‘દિવ્યભાસ્કર’ના મધુરિમા,’કાવ્યસેતુ’ ૩૩૮માં લતાબેન હિરાણીના સૌજન્યથી…

    દેવિકાબહેન પરદેશમાં રહીને શબ્દની સાધના કરે છે. એમના કાવ્યસંગ્રહનું નામ ‘કલમને કરતાલે’ વાંચીને નરસિંહ મહેતા યાદ આવી જાય. ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એમ અહીં શબ્દોના સંગીત પાસે, અર્થોના નૃત્ય પાસે સ્વનું આકંઠસમર્પણ છે. શબ્દોમાં ઓગળવું, શબ્દોને ચરણે પોતાનું ભાવજગત ધરી દેવું એ નાનીસૂની વાત નથી. શબ્દની સાધના ખૂબ તપસ્યા માંગી લે છે. એની આકરી આરાધના કરવી પડે છે ત્યારે સરસ્વતીદેવીના આશીર્વાદ સાંપડે છે. એ પછી લખાયેલા શબ્દોમાં બળ આવે છે. એમાં ભાવકનાં હૈયાં સુધી જવાની શક્તિ આવે છે.

    જેણે પોતાની છાતીના અંધારામાં શબ્દનો ગર્ભ સેવ્યો છે એના લોહીની બુંદે બુંદમાં સ્નેહની સુરાવલીઓ વહેતી હોય. સમજણની સુગંધથી એનો માળો મહેકતો હોય, અક્ષરોનાં પંખીડા મનની ડાળ પર કલરવ કરતાં હોય. આકાશ અને ધરતીનું સાયુજ્ય એને હૈયાવગું હોય ! કૃષ્ણની રાસલીલા અને શિવનું સર્જનનૃત્ય શબ્દસાધકની આંગળીઓમાંથી પ્રગટતાં હોય.

    કલમની કરતાલે જીવવું સહેલું નથી. એ નરસૈયા કે નર્મદ જેવાનું કામ ! સમાજ કે કુટુંબ જે આપે એ હસતાં હસતાં સહેવાનું ધૈર્ય હોય તો આ શૂરાનો મારગ પકડી શકાય. અંદરથી ઉઠતાં નાદને અનુસરી આતમ અજવાળવાનો કીમિયો સહુને ઉપલબ્ધ નથી હોતો. કહેવાતા કિનારાનાં કમનીય કામણ છોડવાં અઘરાં હોય છે. એ હાથ તો શું પાંખ પણ કાપી લેતાં અચકાતાં નથી. એ સમયે હૈયે શ્રદ્ધાનો સાગર ઘૂઘવતો હોય તો કદાચ સ્વરૂપના દર્શન થાય.

    એક વખત આ મઝધારમાં પડ્યા પછી ને એનો સ્વાદ ચાખ્યા પછીનો સમય ડૂબીને તરી જવાનો હોય છે. ખોઈને પામી લેવાનો હોય છે. ત્યાગીને ભોગવવાનો હોય છે. એ સમય આતમની તરલતા, જીવની પામરતા અને શિવની પરમતાને અનુભવવાનો હોય છે. મીરાં, નરસિંહ કે સંત કબીર જેવા કેટલાય સંત શબદને સાધી ભક્તિપદારથ પામી શક્યા. અખંડ શ્રદ્ધાથી ભવસાગરને ભાવસાગરમાં પલટાવવાનું એમને આવડ્યું અને જન્મારો તરી ગયા.

    અક્ષરનાં અજવાળાં કોઈકને જ પ્રાપ્ત થાય છે. બાકી શબ્દકોશને કાંઠે બેસી છબછબિયાં કરનારાઓનો પાર નથી. કાગળ પર કળા કરનારાઓનો તોટો નથી. એના માટે આકાર છે, નૃત્ય છે, કળા છે, એને દળીને એના રોટલાય બની શકે છે પણ શબદ સાવ જુદી અનુભૂતિ છે. એ ભાગ્યેજ સાંપડતો કોહિનૂર છે. એને પામનારા વિરલા કોઈક જ હોય છે.

    શબ્દ અને શબદનો મહિમા કરતું આ ગીત ભાવકને ગમશે જ એમાં કોઈ શંકા નથી.

    કવિ અહમદ મકરાણીના આ શબ્દો યાદ કરીએ.

    શબ્દ થઇ આવે આંગણે અતિથિ
    દ્વાર થઇ ઉઘડાય તો લખ ગઝલ ….


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.comhttp://devikadhruva.wordpress.com

  • સાવરકર બાયોપિકની આગોતરી ખાટીમીઠી સબબ

    તવારીખની તેજછાયા


    પ્રકાશ ન. શાહ

    જૂન, ૧૯૪૦માં સુભાષચંદ્ર બોઝે સાવરકરના મુંબઈ ખાતેના નિવાસસ્થાને તેમની ઓચિંતી મુલાકાત લીધી હતી અને એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝની કોલકાતાના તેમના નિવાસસ્થાનેથી ગુપ્ત રીતે ગુમ થઈ જર્મની ભાગી જવાની યોજના સાવરકર-બોઝ વચ્ચેની આ મુલાકાત દરમિયાન ઘડવામાં આવી હતી.

    ખરું પૂછો તો આ મુદ્દે કે’દીનો લખું લખું છું : ગઈ છઠ્ઠી જાન્યુઆરીએ રા. રા. રણદીપ હુડાએ યરોડા સેન્ટ્રલ જેલથી મુક્તિ શતાબ્દી યાત્રાને લીલી ઝંડી આપ્યાનું જાણ્યું ત્યારે ખયાલ આવ્યો કે આ ભાઈ તો સાવરકર જીવનચિત્ર (બાયોપિક)નું મુખ્ય માણસ છે. દરમ્યાન, જાણ્યું કે હવે બાવીસમી માર્ચે તે ફિલ્મ પ્રેક્ષકવગી થશે.

    સાવરકર બાયોપિકની એક ભૂમિકા ચોક્કસ હોઈ શકે. કાળાં પાણીની યાતનામયી કેદ, ત્યાંથી વતન આંગણે ચાલુ જેલવાસ- જુલાઈ ૧૯૧૧થી મે ૧૯૨૧ અંદામાન, ’૨૧-’૨૩ અલીપુર ને રત્નાગીરી જેલવાસ, ને અંતે યરોડા જેલમાંથી ૧૯૨૪ની છઠ્ઠી જાન્યુઆરીએ મુક્તિ, રત્નાગીરી જિલ્લાબંધીના ધોરણે. અંદામાન પૂર્વે છાત્ર દિવસોથી ક્રાંતિકારી રુઝાન, આગળ ચાલતાં ઈન્ડિયા હાઉસ (લંડન)નું રોમહર્ષક પર્વ, ગોરી સામ્રાજ્યધાનીમાં 1857ની શતાબ્દીની ધરાર ઉજવણી, ચોક્કસ જ એક અપીલકારી પૂર્વરંગ છે.

    મુશ્કેલી ત્યાં છે કે હાલના સત્તાવિમર્શમાં એમની કદ સે જ્યાદા, હદ સે જ્યાદા પ્રતિષ્ઠાની હોડ મચી છે. તેમાં ઈતિહાસવિવેકનું હોવું ન હોવું અસ્થાને છે. જેમકે, હુડાની આવતે મહિને આવી રહેલી ફિલ્મની જે આગોતરી ખાટીમીઠી (ટીઝર) આપણી સામે છે એમાં સાવરકર સહસા સુભાષબાબુ, ભગતસિંહ અને ખુદીરામ બોઝના પ્રેરણાપુરુષરૂપે જાહેર થાય છે. આ ચાર પૈકી એકેના અધિકૃત ઈતિહાસકારને નહીં એવી ને એટલી ખબરે ખબર હુડા મહાશયને છે. નેતાજીના પ્રપૌત્ર (મોટાભાઈ શરતચંદ્રની સંતાન પરંપરામાં) ચંદ્ર બોઝ, જે વચ્ચે કેટલોક વખત ભાજપમાં હતા, એમણે લાગલી જ પ્રતિક્રિયા આપી છે કે નેતાજી અને ભગતસિંહ જે સેક્યુલર ભારતનું સપનું લઈને ચાલ્યા હતા એ સાવરકરનું નહોતું. શહીદ ખુદીરામ બોઝના પ્રપૌત્ર સુબ્રતો રોયે કહ્યું છે કે હેમચંદ્ર કાનુનગો, સત્યેન બોઝ, અરવિંદ ઘોષ ને એકંદર અનુશીલન પરંપરામાં ખુદીરામનું ઘડતર થયું હતું. જર્મનીથી નેતાજીનાં પુત્રી અનીતાએ પણ ચીપિયો ખખડાવ્યો છે. અને હા, નેતાજી સ્થાપિત ફોરવર્ડ બ્લોકે પણ હુડાઈ બાબતે સખત નારાજગી દર્શાવી છે.

    મુદ્દે, હુડા તો માનો કે એમને તહેદિલ કશુંક વળગણ (ઓબ્સેશન) લાગ્યું કે આડેધડ અધ્ધરપધ્ધર મચી પડ્યા હોય. ફિલ્મ-નિર્માણની પ્રક્રિયામાં એમનાથી જુદા પડેલા દિગ્દર્શક મહેશ માંજરેકરે કહ્યું છે કે જેને અંગે તથ્યની ભોંય ન હોય એવી વાતો- જેમકે, સાવરકર ને ભગતસિંહ રૂબરૂ મળ્યા હતા- હુડા ઘુસાડવા ઈચ્છતા હતા. પ્રશ્ન લબરમૂછ વોટ્સએપ બાળુડાંનો એટલો નથી જેટલો હાલના સત્તાવિમર્શના ખેલંદાઓનો છે.

    ઓક્ટોબર ૨૦૨૩માં સરસંઘચાલક મોહન ભાગવતની પ્રસ્તાવના સાથે સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશનર ઉદય માહુરકર ‘વીર સાવરકર : ધ મેન હુ કુડ હેવ પ્રીવેન્ટેડ પાર્ટિશન’ લઈને આવ્યા ત્યારે પ્રકાશન સમારોહમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે સાવરકરને બચાડાને તમે મર્સી પિટિશન વાસ્તે ઠાલા ઝૂડો છો- ખુદ ગાંધીજીએ જ સાવરકર બંધુઓ માટે અરજી કરી હતી. અંદામાનના યાતના દિવસોમાં સાવરકરે માનો કે એક પ્રયુક્તિ તરીકે દયા અરજી કરી હોય, એક કરતાં વધુ વખત કરી હોય (જે ફાઈલબધ્ધ દસ્તાવેજ છે) એમાં ગાંધીજી ક્યાંથી ચિત્રમાં આવ્યા? એમને સજા ૧૯૧૦માં થઈ હતી. ગાંધીજી હજુ તો દ. આફ્રિકામાં બેરિસ્ટર ગાંધીભાઈ હતા. ઉપરાછાપરી અરજીઓના છેવટના હિસ્સામાં ગાંધીપ્રવેશ જરૂર થયો છે. બે સાવરકરભાઈઓ જેલમાં છે અને જે ત્રીજા બહાર છે તે ગાંધીજીને મળ્યા છે અને ભાઈઓને છોડાવવા સારુ કાંક કરો એવી વિનંતી કરી છે. તે સંદર્ભમાં ગાંધીજીએ લીધેલી ભૂમિકા એ હતી કે હિંદની અંગ્રેજ સરકારે બધા રાજદ્વારી કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો છે એનો લાભ સાવરકરભાઈઓને પણ મળવો જોઈએ, કેમ કે વિ. દા. સાવરકરે જેલ અધિકારીઓ મારફતે સરકાર જોગ કરેલ એકાધિક અરજીઓમાં લખ્યું છે કે હું તો તમારો ‘પ્રોડિગલ સન’ છું. ક્યારેક ભલે જે માનતો કે કરતો હોઉં પણ હવે તો હું બંધારણીય રસ્તે કામ કરવામાં માનું છું. મતલબ, હવે એ ક્રાંતિકારી (ત્યારના પ્રયોગ પ્રમાણે ‘ટેરરિસ્ટ’) નથી પણ રાજકીય પ્રવૃત્તિકારની એમની ભૂમિકા છે.

    હવે જો સાવરકર આમ કહેતા હોય તો સરકારે અન્ય રાજકીય કેદીઓની જેમ એમને પણ ‘એમ્નેસ્ટી’ (સાર્વત્રિક માફી)નો લાભ આપવો જોઈએ. ‘કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી’માંથી પસાર થતાં આખી વાત તરત સ્પષ્ટ થઈ જાય છે. ૧૯૦૯માં ૨૪મી ઓક્ટોબરે લંડનમાં દ. આફ્રિકાની કામગીરીસર આવેલા ગાંધી, સાવરકર અને મિત્રોના નિમંત્રણથી દશેરા ઉત્સવમાં અધ્યક્ષ તરીકે સામેલ થયા હતા. તે પછી છેક ૧૯૨૭ની પહેલી માર્ચે બંને રત્નાગીરીમાં મળ્યા છે. એ મુકાબલો, એક માન્યતા પ્રમાણે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરી સુધી ખેંચાય છે. કોઈ કોઈ ચરિત્રકાર પણ લંડન બીના અને દિલ્હી ઘટના, એ બે બિંદુઓ પકડીને ગાંધી-સાવરકર મુકાબલાની દાસ્તાં લખવી પસંદ પણ કરતા હોય છે.

    તત્કાલીન ઈતિહાસપ્રવાહના સંદર્ભે બંનેનાં વૈચારિક વલણો અને જીવનકાર્યને તપાસીએ તે ઈષ્ટ લાગે છે. ગાંધીહત્યાનો મુદ્દો અસામાન્ય મુદ્દલ નથી. માત્ર, વિચારધારાકીય તપાસને ધોરણે તેમજ વીરતા અને સ્વતંત્રતાની અભિનવ સમજને ધોરણે એમાં અટવાયા વિના ચાલવું અને વીરતાની વ્યાખ્યા જેમ ગોળી મારવામાં તેમ ઝીલવામાંયે રહેલી છે તેવો નવવિવેક કેળવવો એ હાલના કથિત વૈકલ્પિક વિમર્શની દૃષ્ટિએ વધુ પથ્ય થઈ પડશે.વીરતા ને દેશભક્તિ લગારે આથાઅમળાટ વિનાની એટલે કે નિરામય હોઈ શકે? રેશનલિસ્ટ સાવરકર અને આસ્તિક ગાધીને આ રીતે જોવાતપાસવા જેવા છે. ગોડસે હો કે હુડા, એમનું ગજું શું.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૮ – ૨ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈનો લાડકવાયો – (૪૩) મદન લાલ ધિંગડા

    દીપક ધોળકિયા

    આપણે વચ્ચે એક ૧૯૦૯ના શહીદને છોડી આવ્યા છીએ. કથાને સળંગ રાખવા માટે એ જરૂરી  લાગ્યું હતું. પણ એમને ભૂલી નથી ગયા.

    મદન લાલ ધિંગડા અમૃતસરના એક શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા. એમના પિતા રાયસાહેબ દિત્તામલ ધિંગડા પ્રતિષ્ઠાવાન  સિવિલ સર્જન હતા. એમના છ બંગલા હતા. અંગ્રેજો સાથે એમની  મિત્રતા હતી. એમના બધા પુત્રો પણ ઊંચી પાયરીએ પહોંચ્યા. આવા કુટુંબમાં  મદન લાલના રૂપમાં એક વિદ્રોહી પાક્યો.

    મદન લાલ આગળ અભ્યાસ માટે  ૧૯૦૬માં લંડન ગયા અને ત્યાં શ્યામજી કૃષ્ણવર્માના સંપર્કમાં આવ્યા અને ઇંડિયા હાઉસ સાથે જોડાયા. ઇંડિયા હાઉસ ભારતથી આવતા વિદ્યાર્થીઓનું મળવાનું સ્થાન હતું. બંગભંગ પછી દેશમાં વાતાવરણમાં ગરમી હતી અને ઘણા વિદ્યાર્થીઓ અંગ્રેજી સત્તા સામે ક્રોધની લાગણી સાથે બ્રિટન આવતા હતા. વિનાયક દામોદર સાવરકર પણ ૧૯૦૬માં જ લંડન પહોંચ્યા. ઇંડિયા હાઉસમાં મદન લાલ અને સાવરકર મળ્યા. મદન લાલ શ્યામજી કૃષ્ણ વર્માના ઉદાર વિચારોથી પ્રભાવિત થયા એટલા જ સાવરકરના સાંસ્કૃતિક વિચારોથી પણ પ્રભાવિત થયા. બ્રિટિશ સરકારે તે પછી શ્યામજી કૃષ્ણ વર્માની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો એટલે એ લંડન છોડીને પૅરિસ ચાલ્યા ગયા. તે પછી મદન લાલ અને સાવરકર સાથે મળીને કામ કરવા લાગ્યા. સાવરકરે અભિનવ ભારત નામની સંસ્થા બનાવી હતી, મદન લાલ એમાં જોડાયા અને શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી. મદન લાલ અંગ્રેજોની વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા છે એવી પિતાને ખબર મળતાં એમણે મદન લાલને પુત્ર ગણવાનો ઇનકાર કરી દીધો અને એમની સાથેના બધા સંબંધ કાપી નાખ્યા.

    થોડા વખત પછી  મદન લાલ ઇંડિયા હાઉસ છોડી ગયા.  કર્ઝન વાઇલી એ વખતના હિન્દુસ્તાન માટેના પ્રધાનનો રાજકીય મદદનીશ હતો. એ ભારતમાં કામ કરી ચૂક્યો હતો. અને મદન લાલના પિતા દિત્તામલનો મિત્ર પણ હતો. લંડન પાછા ગયા પછી એમ કહેવાતું કે એ હિન્દુસ્તાનીઓને જાસૂસ બનાવે છે. મદન લાલ વાઇલીને ઓળખતા હતા અને ખરું જોતાં, એ લંડન આવ્યા ત્યારે વાઇલી પર જ ભલામણનો પત્ર લઈને આવ્યા હતા. હવે એમણે વાઇલીની હત્યા કરવાનું નક્કી કરી લીધું

    તે પછી ૧ જુલાઈ ૧૯૦૯ના ભારતીય વિદ્યાર્થીઓના સંગઠનના વાર્ષિક કાર્યક્રમમાં વાઇલી અને એની પત્ની આવ્યાં ત્યારે  મદન લાલ આગળ ધસ્યા અને વાઇલીના મોઢા પર પાંચ ગોળી છોડી દીધી, એમાંથી એક જ આડે ફંટાઈ ગઈ.  તે પછી મદન લાલે આપઘાત કરવા માટે પોતાને જ લમણે પિસ્તોલ ગોઠવી પણ ગોળી છોડે તે પહેલાં જ એમને પકડી લેવાયા. દોઢ મહિનો કેસ ચાલ્યો પણ મદન લાલે પોતાનો બચાવ ન કર્યો. એમણે વકીલ પણ નહોતો રાખ્યો. જો કે એમના પિતાએ વકીલ રાખ્યો હતો પણ વકીલે મદન લાલનો બચાવ કરવાનો નહોતો, માત્ર કેસની કાર્યવાહીમાં હાજર રહેવાનું હતું અને એના સમાચાર અમૃતસરમાં દિત્તામલને મોકલવાના હતા.

    કોર્ટે જ્યારે એમની મોતની સજા કરી ત્યારે પણ મદન લાલે જજનો આભાર માન્યો અને કહ્યું કે ” મને દેશની સેવા કરવાનો મોકો મળ્યો.” ૧૭મી ઑગસ્ટે એમને ફાંસી આપી દેવાઈ. એ હસતે મુખે આ દુનિયા છોડી ગયા. દેશની બહાર લંડનમાં હિન્દુસ્તાન માટે મરી ખપનારા એ પહેલા અને એક માત્ર વીર છે.

    જો કે એમના પછીની પારિવારિક પેઢી હજી પણ એમના પૂર્વજ રાયસાહેબ દિત્તામલના હુકમને માને છે અને મદન લાલની શહીદીને સો વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે અંજલી  આપવાનો કાર્યક્રમ યોજાયો તેમાં ભાગ લેવાનો એમણે ઇનકાર કર્યો હતો.

    ૦૦૦

    સંદર્ભઃ

    1. mygov-999999999590844/pdf
    2. વિકીપીડિયા

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

     

  • કહો અબ્બા…

    સરયૂ પરીખ

    ઓસ્ટિનમાં સેવા આપતી Immigration Agency સાથે ગુજરાતી અને હિન્દી ભાષા બોલતાં આશ્રિતોને હું મદદ કરતી હતી. જે લોકો અમેરિકામાં ગેરકાયદે ધૂસી આવેલા હોય તેમને આશરો, asylum અહીં મળશે કે નહીં તે કોર્ટમાં નક્કી થાય. સેવા આપતાં વકીલો દ્વારા તેમનો મુકદ્દમો તૈયાર થાય.

    નક્કી કર્યા મુજબ ગોરી વકીલ મહિલા પોતાની કારમાં એક ઇસ્લામી યુવકને લઈને મારે ઘેર આવી. સરસ ફૂટડો યુવાન મને માનથી ‘આદાબ’ કહી, હાથ જોડી મળ્યો. હિન્દી, ઉર્દૂ ભાષા સાથે થોડું અંગ્રેજી પણ બોલતો હતો. મને કહે, “મારું નામ સલીમ…. આપાજાન! તમે મિસ.જેનીને કહો કે મને આ દેશમાં રહેવાની રજામંદી મેળવવામાં મદદ કરે; જેથી મારી જાન બચે.”

    “સ્વાગત છે.” મેં તેને બેસવાનું કહ્યું. નામ સલીમ. જેનો અર્થ શાંત, સરળ છે…પણ, કાયદો તોડનાર સામે સખત વિરોધી મારું મન બોલ્યું, ‘જો તું કાયદાની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયત્ન કરવાનો હોય તો હું તને મદદ નહીં કરું, કદી નહીં’.

    વકીલ, મિસ.જેનીએ તેમનું laptop ખોલી, સલીમના પ્રવાસની રૂપરેખા કહી સંભળાવી. પછી તેમણે કહ્યું કે, “આજે સલીમ તેની વાત હિન્દીમાં કહેશે, જે તમે મને અંગ્રેજીમાં કહેતાં જાવ. તેની વાત સમજવામાં જે ગફલત મારાં અહેવાલમાં હોય તે હું સુધારતી જઈશ.”

    ઊંડો શ્વાસ લઈ, સલીમે તેની વાત શરૂ કરી. “હું એક શ્રીમંત ખાનદાનનો બેટો છું. મારા માતાપિતા અને બે બહેનો સાથે મારા દેશમાં મારું બાળપણ આનંદમય હતું. મારા પ્રેમાળ અબ્બાનું વ્હાલ બિનશરતી હતું. કિશોર અવસ્થાથી મારી તકલીફ શરૂ થઈ. માધ્યમિક શાળામાં છોકરાઓ સાથેની મિત્રતા હાઈસ્કુલમાં જતા ઘણી ગહન થવા માંડી. છોકરીઓમાં કોઈ રસ નહીં. હું દસમાં ધોરણમાં હતો ત્યારે એક રાઝિબ નામનો નવો વિદ્યાર્થી મારા ક્લાસમાં દાખલ થયો અને થોડાં જ દિવસોમાં અમે જીગરજાન દોસ્ત બની ગયા. અમે એકબીજાથી અળગા નહોતા રહી શકતા. અમને એકાંતમાં એકબીજાથી નજીક આવવું ગમતું. અમારી સામે જોઈ મશ્કરીભર્યું હસવાનું શરૂ થયું અને અમને ‘ગે’ ‘gay’, એવું કાંઈક સંભળાતું…જેનો અર્થ શર્મજનક છે તે પછી સમજાયું.” સલીમના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ.

    મેં મિસ.જેની સાથે વાત કરી, એમની પાંસેની હકીકત મળતી આવે છે તેની ખાત્રી કરી લીધી. સલીમે વાત આગળ ચલાવી, “આ વાત હાઈસ્કૂલની છેલ્લી પરીક્ષા પહેલા જ ઘર સુધી પહોંચી ગઈ. મારી અમ્મીના હુકમથી, એ ઉનાળાના વેકેશનમાં મારા મામાને ઘેર મને સખત નિયમો સાથે સુધારવાના ઉપાયો થયા. મારી મનોસ્થિતિમાં જડતા અને બેદરકારીને લીધે કોઈ વાતનો હું જવાબ જ નહોતો આપતો. મામાના ઘરમાં કામ કરતા માણસોની અને બંદૂકની બીક લાગતી. જેમ કહે તેમાં હા ભણી દેતો. …ગુપ્ત સત્ય એ હતું કે હું અને રાઝિબ દૂર હોઈએ કે પાસે, દિલથી જોડાયેલા રહેતા. મારા અબ્બા દયાથી મારી સામે જોતા રહેતા પણ અમ્મી અને મામાની હાજરીમાં મારો પક્ષ લેવાની હિંમત નહોતી. મને એકાંતમાં સમજાવે ત્યારે હું નાના બાળકની જેમ રડી પડતો અને પૂછતો, ‘કહો અબ્બા! હું આવો કેમ?’”

    વકીલ જેનીએ સમાજ વ્યવસ્થા અને સગાઓનું વર્ચસ્વ વિષે સવાલો કર્યા. થોડી ચર્ચા પછી સલીમ આગળ બોલ્યો.

    “કોલેજ શરૂ થઈ ત્યારે મને મારી અમ્મીએ સખત રીતે કહેલું કે. ‘કોઈ છોકરા સાથે નાપાક  મિત્રતા નહીં રાખવાની. પરિવાર અને પરંપરા પર કલંક લગાડીશ તો તેનું પરિણામ ખત્તરનાક આવશે.’ કોલેજનાં ત્રીજા વર્ષમાં મારા જીવનની ગતિ પર મારો કાબૂ લડખડાયો અને મને મારા ક્રૂર મામાની અદાલતમાં મારી અમ્મીએ લાવીને ખડો કરી દીધો. મને ખૂબ માર્યો, તો પણ હું તેમને રસ્તે ચાલવા સહમત ન થયો. મને કહે, ‘અત્યારે જતો રહે, સવારે જોઈશું’.”

    સલીમ અતીતમાં જોતો હોય તેમ બોલ્યો, “હું કણસતો, રડતો ઊંઘી ગયો હતો. રાતના બે વાગે મારા પિતાએ મને જગાડ્યો. ‘ઊઠ દીકરા, તારી મા અને મામા તને મારી નાખવા પર ઉતરી આવ્યા છે. ભાગી જા. લે આ પૈસા અને હાં, તું ક્યાં છે તે મને કોઈ પણ છૂપી રીતે જણાવતો રહેજે.

    “હું રાઝિબને ઘેર ગયો. તે ફળિયામાં સુતો હતો. તેને જગાડી મેં વાત કરી. તેની દશા પણ મારા જેવી હતી. પથારી પરથી ઓઠવાનું ઉપાડી, પહેર્યે કપડે તે મારી સાથે ભાગી નીકળ્યો. પહેલી ટ્રેન અમને જેટલી દૂર લઈ ગઈ એ ગામમાં, અમે કોઈનું ખાસ ધ્યાન ન પડે તેમ, ગુજારો કરવા લાગ્યા. રહેવાનું અને ખાવાપીવાનું મળી રહેતાં, અમે બન્ને ખુશ હતા.

    “થોડા મહિનાઓ પસાર થઈ ગયા, એ દિવસે અમે આનંદમાં હતા. બપોરનાં શોમાં ચલચિત્ર જોયું અને ત્યારબાદ હું પાંચેક કલાક નોકરી કરવા ગયો અને રાઝિબ ઘેર ગયો. મને એ દિવસે પગાર મળ્યો હતો તેથી રાઝિબ સાથે રેસ્ટોરન્ટમાં જઈ શોખથી જમશું, એવા વિચારો કરતો ઘર નજીક પહોંચ્યો. મેં જોયું કે બારણા પાંસે રાઝિબના બાપુ, કાકા અને બીજા ત્રણ જણા ઉભા હતા અને વચ્ચે રાઝિબ લાશની જેમ પડ્યો હતો!!! મને ખાત્રી હતી કે તેમણે મારા મામાને પણ જાણ કરી દીધી હશે કે અમે ક્યાં છીએ. …અને મેં ટ્રેન સ્ટેશન તરફ દોટ મૂકી.” સલીમની આંખમાં આંસુ છલકાયા. “રાઝિબ એ દિવસે મરી ગયો હતો કે જીવતો હતો એ ખબર નથી.”

    મેં તેને શાંત થવાનો અવકાશ આપી, એ દિવસની મુલાકાત સમાપ્ત કરી.

    બીજી મુલાકાતમાં સલીમે વાત ચાલુ કરી. “એ કારમી રાતે હું દેશના મુખ્ય શહેરમાં પહોંચી ગયો. એ સમયે હું ઓગણીસ વર્ષનો અને મજબૂત બાંધાનો હતો તેથી કામ તો મળી રહેતું. એક ટોળકીના સભ્યોએ ઘણાં પૈસા આપી, મારી પાંસે સંદેશા પહોંચાડવા અને વિવિધ જગ્યાઓ પર કોણ આવે-જાય છે તેની ખબર આપવાનું કામ કરાવ્યું. હું ગુલામી કરતાં કરતાં એ રાજકીય જૂથના ઘણાં ગુંડાઓને બરાબર ઓળખતો થઈ ગયો. એક દિવસ પાંચ સ્કુટર સવાર સાથે મને પણ લઈ ગયા. મને એમ કે અમસ્તા મસ્તી કરવા નીકળ્યા છે. પણ વિપક્ષની પોલિટિકલ પાર્ટીની સભામાં ધમાલ કરી, બે જણાને ઠાર કરી ભાગી આવ્યા. મને કહે, ‘આવતા વખતે તારે આ કામ કરવાનું’. મને ભાન થયું કે આ તો જંગલી જાનવર જેવા છે જે પોતાના લીડરની વફાદારીને નામે ગમે તેનું ખૂન કરે છે. ચૂંટણીમાં જીતવાનું તેમનું લક્ષ છે. મેં જ્યારે કહ્યું કે મારાથી કોઈનું ખૂન નહીં થાય. મને છૂટો કરો. તેમના તેવર બદલાઈ ગયા. મને એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ચોથા માળ પર બંદી બનાવી દીધો. ઘણી યાતના સહ્યાં પછી એક દિવસ છાપરાં કૂદતો હું ભાગી છૂટ્યો. પછીના દિવસો ગલીકૂચીમાં સંતાઈને ભૂખ્યા તરસ્યા પસાર કર્યા.” અમે સંવેદનાથી તેની સામે જોઈ રહ્યાં.

    “મેં મારા પિતા સાથે ફોન પર વાત કરી કહ્યું કે અહીંથી બહુ દૂર ભાગી જવું પડશે નહીંતર મારો જીવ જોખમમાં છે. મારા અબ્બાને પણ લાગ્યું કે એ નામચીન રાજકીય પાર્ટીના સભ્યો બહુ જુલમી હોય છે. મારા અબ્બાએ એક એજન્ટનું નામ આપ્યું જેને હું રાતના અંધારી ગલીમાં મળ્યો. મારા અબ્બાએ તેની સાથે મારું Birth certificate, અને પૈસા મોકલાવેલ. મને ખાત્રી હતી કે મારા અબ્બાએ પોતાના બાપદાદાની જમીન વેચીને પૈસાની વ્યવસ્થા કરી હશે. મેં તે એજન્ટને દૂર દેશની ટિકિટ ખરીદવાનું કહ્યું, જ્યાં immigration visa, દેશાંતર પ્રવેશપત્રની ખાસ માથાકૂટ ન હોય. તેણે Guatemala, ગ્વાટેમાલા સૂચવ્યું. થોડાં દિવસોમાં મારો પાસપોર્ટ અને ટિકિટ તેણે મને આપ્યા. એ સમયે દેશમાં રહેવાના ભયથી થથરતો હતો તેના કરતા પણ અજાણી જગ્યાએ એકલા જવાનો ભય વધારે સતાવી રહ્યો હતો.” અહીં વકીલ જેનીએ સલીમને રાજકીય જૂથ વિષે ઘણાં સવાલો પુછ્યાં. રાજકીય તંત્રમાં બેફામ અરાજકતા ફેલાયેલી છે, તે વિષે સલીમે માહિતી આપી.

    “અબ્બાએ કહેલું કે રાઝિબનું કુટુંબના સભ્યો ગામ છોડીને ચાલ્યા ગયા છે તેથી રાઝિબના કોઈ પાકા સમાચાર નથી. અબ્બાના આશીર્વાદ અને પૈસાના આધારે અજાણ્યા દેશમાં, ન સમજાતી ભાષા અને ન સમજાતા વ્યવહાર વચ્ચે ઘણાં ગોથા ખાધાં પછી, નાની વસ્તુઓની લે-વેચ કરીને કમાણી કરવાની શરૂ કરી. સ્પેનિશ ભાષા પણ શીખી લીધી. બઝારમાંથી બાતમી મળતી કે ઘણાં લોકો અમેરિકા જવા પ્રયત્ન કરે છેઃ અમેરિકામાં તો ઘણી સારી રીતે જીવી શકાય. બસ, પછી તો મારું લક્ષ બની ગયું, અમેરિકા!!…માણસોની હેરાફેરી કરતા એજન્ટ, મોન્ટીનો પરિચય થયો. એ અરસામાં પાંચ આફ્રીકન, ત્રણ યુવકો અને બે સ્ત્રીઓ, મોન્ટીના વિશ્વાસે અમેરિકા પહોંચવાની યોજના કરતાં હતાં. તેમની વાતો ધ્યાનથી સાંભળી હું પણ સાથે જોડાયો. મને સ્પેનિશ આવડતું હતું એ જાણી તેઓને મારી હાજરી આવશ્યક લાગી. મોન્ટીને આપવાના પૈસામાં મને થોડો લાભ પણ કરી આપ્યો.”

    આવી વાતો ક્યારેક સાંભળી હતી પણ સલીમનો સ્વાનુભવ સાંભળવાનો પહેલો અનુભવ મળ્યો. સલીમે ઘણી ઊંડાણથી વાત કરી હતી. અહીં ટૂંકમાં કહીએ તો…મોન્ટીની રાહબરી નીચે આ છ જણાનું જૂથ ગ્વાટેમાલાથી એક નાની હોડીમાં રાતના નીકળી પડ્યું. લાંબી મુસાફરી પછી કોલંમ્બિયાના જંગલમાંથી લપાતાં છુપાતાં ચાલીને, અને ક્યારેક ભંગાર વાહનોમાં સફર કરી મહિનાઓ પછી પનામા થઈ, અમેરિકામાં દાખલ થઈ ગયા.

    સલીમ કહે, “મેં મોત બહુ નજીકથી જોયું છે. એક વખત જંગલમાં ચાલતાં મને ઝેરીલા નાગનો ડંસ લાગ્યો. મને દાક્તરી મદદ ન મળી હોત તો મારું મૃત્યુ નિશ્ચિત હતું. પણ મોન્ટીમાં એટલી માણસાઈ હતી કે મને તરત હોસ્પિટલમાં લઈ ગયો અને હું બચી ગયો. આ સમય દરમ્યાન હું મારા અબ્બા માટે તરસતો હતો અને મા બહેનોને યાદ કરતો રહેતો. પણ રાઝિબની યાદને અવગણતો કારણ મારા રુદન પર કાબૂ ખોઈ બેસીશ તેવી ખાત્રી હતી.”

    સલીમની સફર ઘણી મુશ્કેલ હતી પરંતુ તેને અહીં રહેવા મળશે કે કેમ? વકીલે પૂછ્યું, “સલીમ! તું પાછો તારા દેશમાં જાય તો તારું શું થશે? તારી ધારણા વિષે મને કહે.”

    “મને મારી અમ્મી અને મામા કદાચ મારી ન નાખે, તો પણ મને ઘરમાં તો નહીં જ રહેવા દે… મને સૌથી વધારે ભય એ રાજકીય જૂથનો છે. એ લોકો મને શોધીને જરૂર મારી નાખશે.” સલીમ બોલ્યો.

    મિસ.જેની વિચાર કરતી બોલી. “અમેરિકામાં આશ્રય મેળવવા માટેના નિયમો પ્રમાણે, જે વ્યક્તિને પોતાના દેશમાં રાજકીય મતભેદને લીધે જાન જોખમમાં હોય તેને અમેરિકામાં આશ્રય મળવાની શક્યતા છે. આપણી આ ચાર બેઠક પછી, મને સલીમનો મુકદ્દમો મજબૂત લાગે છે. સલીમને asylum, અમેરિકામાં આશ્રય મળી જાય તેને માટે હું શક્ય હશે તેટલો પ્રયત્ન કરીશ.”

    સલીમને વકીલની વાત ન સમજાતા મારી સામે પ્રશ્નભરી નજરે જોઈ રહ્યો. મેં તેને સમજાવ્યું અને તેના ચહેરા પર આશાભર્યું સ્મિત ફરકી ગયું.

    મહિનાઓ પસાર થઈ ગયા. એક દિવસ વકીલનો સંદેશો આવ્યો. “સલીમને અહીં રહેવાની સરકારી મંજૂરી મળી ગઈ છે. બહુ ખુશ છે.” સાથે આગળ આશ્ચર્યકારક વાત મિસ.જેનીએ જણાવી. “સલીમ થોડો સમય મારા પતિ અને મારી સાથે અમારે ઘેર રહેશે.” અજાણ્યાનો સ્નેહ પામી શકે તેવા લાગણીશીલ યુવકનો, અંધ માન્યતાવાળા અજ્ઞાન સ્વજનોએ અસ્વીકાર કર્યો હતો…”અને હાં! રાઝિબની તપાસ ચાલુ છે, સલીમનું મન કહે છે કે એ જીવિત છે.”

    અસ્વીકાર્ય

    કહો અબ્બા! હું આવો કેમ?”

    રાજકુંવર  હું જન્મ્યો જ્યારે, મા મોસાળ દુલારો ત્યારે.
    કુદરતની કો અકળ કળા રે, ખેંચાયો પરવશ અણસારે.

    ભ્રમર બન્યો પતંગો જ્યારે, અણગમતો પરાયો ત્યારે,
    જેણે  મુજને  રોપ્યો  ક્યારે, ખાડ  ફેંક્યો રસ્તે ન્યારે.

    માતા ને મામાઓ  તેથી  દુશ્મન  થઈને  મુજને ડારે,
    હરણાં  માફક  ગભરાયેલો જીવ બચાવી ભાગ્યો ત્યારે.

    સાવ  એકલો મૂંઝવણ ભારે, ભૂલ્યો રાહી પંથ અંધારે,
    અચરજ મારા અંતર દ્વારે, કોણ આપશે સહાય પ્યારે?

    પ્યારા અબ્બાની  આશિષે, પરોક્ષ રાઝિબને સથવારે,
    માણસાઈના  સ્નેહ  સહારે, દિલ ધડકે આશા  સંચારે.


    સત્યકથા પર આધારિત. મુસ્લિમ દેશમાં આ પુત્રનો તિરસ્કાર થયો, જ્યારે પુત્ર સમલિંગકામી-Gay નીકળ્યો. પોતાનો જીવ બચાવવા, તેના પિતાની મદદથી ભાગી નીકળ્યો. નેપાળ, ભૂતાન અને ભારતથી આવતા શરણાર્થીઓને યુ.એસ.એ. માં આશરો આપવાની વ્યવસ્થા કરતી સંસ્થામાં મને સહાય આપવાનું સૌભાગ્ય મળેલ.


    સુશ્રી સરયૂ પરીખ – saryuparikh@gmail.com

  • વિભાજન

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    “જિંદગી ક્યારેક જખ્મી ચિત્તાની જેમ છલાંગ મારતી દોડે છે અને ઠેર ઠેર પોતાના પંજાના નિશાન છોડતી જાય છે. આ નિશાનોને એક લીટીમાં જોડીએ તો એક અજબ જેવું ચિત્ર બને ખરું.

    “ચોર્યાસી-પંચ્યાસીના સમયની વાત છે જ્યારે અમૃતસરથી એક સાહેબ મને પત્ર લખીને મોકલતા કે, ‘ હું વિભાજન સમયે ખોવાયેલો એમનો ભાઈ છું.’

    “એમનું નામ ઈકબાલ સિંહ, ગાલેબન ખાલસા કૉલેજના એ પ્રોફેસર હતા. બેચાર પત્ર મળ્યા પછી મેં એમને જવાબ લખ્યો કે, ‘વિભાજન સમયે હું દિલ્હીમાં મારા માતા-પિતા સાથે જ હતો અને મારા કોઈ ભાઈ કે બહેન એ ટંટામાં ખોવાયા નથી.’

    “એ તો એવું જ માનતા હતા કે, ૧૯૪૭ના સમયે એક કાફલા સાથે સફર કરતા હું છૂટો પડી ગયો હતો અને એ સમયે બનેલી ઘટના હું ભૂલી ગયો છું.

    “અંતે મેં જવાબ લખવાના બંધ કરી દીધા ને એમના પત્ર પણ આવતા બંધ થઈ ગયા. એ પછી તો વર્ષો પસાર થઈ ગયા.

    “હું મુંબઈ સ્થાયી થયો. એના લગભગ એક વર્ષ પછી મુંબઈના ફિલ્મકાર-સઈ પરાંજપે તરફથી એક સંદેશો મળ્યો કે દિલ્હીના કોઈ ભજનસિંહ છે જે મને મળવા માંગે છે. મુલાકાતનું કારણ સઈએ જણાવ્યું નહોતું પણ કેટલાક એવા ભેદભર્યા સવાલ કર્યા જે અપેક્ષિત નહોતા.

    “વિભાજન સમયે તમે ક્યાં હતા, ગુલઝાર?”

    “દીલ્હી.”

    “તમારા માતા-પિતા?”

    “દિલ્હી, હું એમની સાથે જ હતો. કેમ?” મને આ સવાલો સમજાતા નહોતા.

    “અંતે સઈએ જણાવ્યું કે, “દિલ્હીમાં કોઈ સાહેબ છે જેમનું કહેવું છે કે હું વિભાજન સમયે ખોવાયેલો એમનો પુત્ર છું.”

    “આ વળી એક નવી કથા હતી. આશરે એક મહિના પછી અમોલ પાલેકરનો ફોન આવ્યો. “દિલ્હીથી કોઈ મિસિસ દંડવતેને મારી સાથે વાત કરવી છે.”

    “એ નામ પણ મારા માટે નવું હતું.

    “એક્સ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ જનતા ગવર્મેન્ટ, મિ. મધૂ દંડવતેના પત્ની.”

    “કેમ?” મેં એકાક્ષરી સવાલ કર્યો.

    “ખબર નથી, પણ એમને તમારી સાથે વાત કરવી છે.”

    “મારે મિ.દંડવતે કે એમના પત્નીને હું ક્યારેય મળ્યો નહોતો કે નહોતો એમની સાથે કોઈ સંબંધ એટલે મને નવાઈ લાગી.

    “સઈ અને અમોલની વાતની કોઈ એક કડી હતી કે નહીં એની મને ખબર નહોતી, પણ આ કથા હવે વળાંક લઈ રહી હતી.

    “થોડા દિવસ પછી પ્રમિલા દંડવતેનો ફોન આવ્યો કે, હાલમાં દિલ્હી રહેતા પંજાબના સિવિલ સપ્લાય મિનિસ્ટર હરભજન સિંહ મુંબઈ મને મળવા આવશે. એ નવેમ્બરનો મહિનો હતો. જાન્યુઆરીમાં હું ઇન્ટરનેશનલ ફિલ્મ ઉત્સવ માટે દિલ્હી જવાનો જ હતો એટલે એમને ત્યાં મળી લઈશ એવું જણાવી દીધું.

    “જાન્યુઆરીમાં હું દિલ્હી અશોકા હોટલમાં રોકાયો હતો. મુલાકાતનો સમય નક્કી કરવા એમના દીકરાનો ફોન આવ્યો. એની વાત પરથી હું એટલુ તો સમજી શક્યો હતો કે હરભજન સિંહ કાફી વૃદ્ધ હશે. એમને તકલીફ ન પડે એટલે એમના ઘેર મળવા આવીશ એવું મેં જણાવ્યું.  બીજા દિવસે એમના મોટા પુત્ર- ઈકબાલ સિંહ મને લેવા આવ્યા. નવાઈની વાત તો એ હતી કે મુલાકાતની જાણકારી હોય એમ એ સમયે સઈ અને અમોલ પાલેકર બંને ત્યાં હાજર હતાં.

    “અસલ પંજાબીની જેમ અતિ પ્રેમથી એ મને મળ્યા. મેં પણ આદરથી દીકરાની જેમ ‘પેરી પૌના’ કર્યું.  સૌ એમને ‘દારજી’ કહેતાં. ‘દારજી’એ મને મા સાથે ઓળખાણ કરાવી.

    “આ તારી મા છે બેટા.”

    “માતાજીને પણ ‘પેરી પૌના’ કર્યું. બે દીકરા, પુત્રવધૂઓ, પૌત્ર-પૌત્રીઓ, સરસ મઝાનો પરિવાર હતો. મોટાં મોકળાશવાળા ઘરની જેમ પંજાબીઓની રહેણીકરણી અને મિજાજની મોકળાશ પણ અહીં જોઈ.

    “ખાવાપીવાની સાથે અનેકવિધ વાતોનો દોર ચાલ્યો.

    “દારજીએ વાત માંડી,

    “વિભાજન સમયે ચારેકોર દંગાની આગ હતી. એ આગની વચ્ચે પણ અમે ટકવા મથી રહ્યાં હતાં. ગામના જમીનદાર મુસ્લિમ હતા, પણ અમારા પિતાના મિત્ર હોવાના લીધે અમારા પર મહેરબાન હતા. સ્કૂલમાં હું અને એમનો દીકરો સાથે ભણતા. સૌ જાણતા હતા કે એમની મંજૂરી વગર અમારા ઘરના દરવાજા પર કોઈ ટકોરો સુદ્ધાં નહીં મારી શકે. જમીનદાર સવાર-સાંજ આવીને મળી જતા અને અમને હિંમત બંધાવતા. મારી પત્નીને એમણે દીકરી માની હતી છતાં સૌના મનમાં સતત ખોફ રહેતો.”

    ‘દારજી’ ભૂતકાળના અંકોડા જોડીને વાત કરતા હતા.

    “એક દિવસ બૂમરાણ સાથે એક એવો કાફલો પસાર થયો કે આખી રાત અમે છતની દીવાલને ચોંટીને બેસી રહ્યાં. અમે જ નહીં આખો કસબો રાતભર જાગ્યો. એવું લાગતું હતું કે બસ આ અમારી અંતિમ રાત છે. સવાર પ્રલયકારી હશે. કશું જ નહીં બચે એવું વિચારીને અમે જમીનદારને જાણ કર્યા વગર જે હાથ લાગ્યું એ લઈને નીકળી પડ્યાં. જમીનદારની તો ઇચ્છા હતી કે, અમારાં ઘરને તાળું મારીને અમે એમના ઘેર રહેવા જતાં રહીએ. ત્યાં અમે વધુ સલામત રહીશું એવી ખાતરી આપતા, પણ અમે અંદરથી ડરી ગયાં હતાં. અમારાં મૂળિયાં જાણે હચમચી ગયાં હતાં. સાંભળ્યું હતું કે, મિયાંવાલીથી જમ્મુ જવું હોય તો ફૌજી ટુકડીનું રક્ષણ મળી જશે.”

    “જરા શ્વાસ લઈને ‘દારજી’એ વાત આગળ વધારી.

    “દિલ કહેતું હતું કે હવે વતન છોડી દેવાનો સમય પાકી ગયો છે. ઘર એમ જ રેઢાં મુકીને અમે નીકળી ગયાં. બે મોટા દીકરા, એક સાત વર્ષની નાની દીકરી અને સૌથી નાનો તું. મિયાંવાલીની બે દિવસની પગપાળા સફર હતી. દંગાફસાદ તો બધે જ હતા, છતાં જ્યાં જઈએ ત્યાં કંઈક ખાવાની સગવડ થઈ જતી. મિયાંવાલી પહોંચતા સુધીમાં તો કાફલો વધતો ગયો. રાત્રે મિયાંવાલી પહોંચ્યાં ત્યાં સુધીમાં તો કેટલીય વાર હાથમાંથી છોકરાંઓના હાથ વછૂટી જતા. ચારેકોર એમને શોધવા બૂમરાણ મચતી. એવા સમયે જાણ થઈ કે એ રાત્રે મિયાંવાલી પર હુમલો થવાનો હતો. મુસ્લિમોનું લશ્કર આવવાનું હતું. એ સમયે જે સન્નાટો કે ખોફનો અનુભવ થયો એવો તો ક્યારેય નહોતો અનુભવ્યો.”

    ‘દારજી’ થોડો સમય ચૂપ થઈ ગયા. એમની આંખો તરલ બની. મા શાંત હતાં. જાણે સાવ ભાવશૂન્ય. ક્ષણેક વાર પછી ‘દારજી’ બોલ્યા,

    “બસ એ રાત્રે સત્યા અને સંપૂર્ણ, નાનાં બંને છોકરાંઓ અમારાથી છૂટાં પડી ગયાં. ખબર નહીં કેવી રીતે….” એમણે વાક્ય અધૂરું મૂકી દીધું.

    જરા અટકીને ફરી વાતનો તંતુ સાધી લીધો.

    “જમ્મુ પહોંચીને લાંબા સમય સુધી રાહ જોઈ. એક-એક કેમ્પ, અમારી પાછળ ચાલ્યા આવતા કાફલાઓમાં પણ શોધવા મથ્યો. કેટલાય કાફલા પંજાબ તરફ વળી ગયા. જ્યાં શોધ કરી ત્યાં નિરાશા જ મળી. નિરાશ થઈને અમે પણ પંજાબ આવી ગયાં. ત્યાંના કેમ્પમાં શોધ કરી. છોકરાંઓ ગુમ હતાં આશા ખોઈ ચૂક્યાં  હતાં.

    “એ વાતને બાવીસ વર્ષ વીતી ગયાં હતાં. એક જૂથ ગુરુદ્વારા પંજા સાહેબનાં દર્શન માટે હિંદુસ્તાન જઈ રહ્યું હતું. પોતાનાં ઘર જોવાનો કેટલીય વાર વિચાર આવતો પણ હિંમત નહોતી રહી. અમે જમીનદારને કહ્યાં વગર નીકળી ગયાં હતાં. એમનો વિશ્વાસ ન કર્યાની ગુનાહિત લાગણીનોય મન પર ભાર હતો.

    “અંતે કોઈ પણ ભોગે જવું જ છે એવો નિર્ણય કરી લીધો. જતાં પહેલાં જમીનદાર અને એમના દીકરા અયાજના નામે એક પત્ર લખ્યો. અમારી હિજરત, પરિવારની બેહાલી, ખોવાયેલાં છોકરાંઓ વિશે બધું જણાવ્યું હતું.”

    એક ઊંડો શ્વાસ લઈને હરભજન સિંહ ફરી બોલ્યા,

    “એ પત્ર પોસ્ટ કર્યા પછી આઠ વર્ષે અયાજનો જવાબ આવ્યો. વિભાજનના થોડાં વર્ષો પછી અફઝલચાચા અવસાન પામ્યા હતા.

    “હમણાં થોડા સમય પહેલાં ખબર પડી કે અયાજ પણ અવસાન પામ્યો છે. એનાં અવસાનના સમાચાર આપતા કાગળો પરથી એક વાત જાણ થઈ કે, એના અવસાન પર ખરખરો કરવા આવેલી એક યુવતીનું નામ સત્યા હતું જે હવે દિલશાદના નામે ઓળખાય છે.”

    માતાજી હજુ શાંત હતાં પણ ‘દારજી’નો અવાજ રૂંધાવા માંડ્યો હતો.

    “વાહે ગુરુનું નામ લઈને અમે ત્યારે જ જવા નીકળી ગયાં. અફઝલચાચાના ઘરે દિલશાદ મળી. એને પોતાનું ઘર યાદ નહોતું બાકી બધું યાદ હતું. કહેતી હતી કે,ચાલીને થાકી જવાથી એ એક ઘરનાં આંગણનાં તંદૂર પાછળ જઈને સૂઈ ગઈ હતી. ઊઠી ત્યારે ત્યાં કોઈ નહોતું. આખો દિવસ આમથી તેમ રઝળીને પાછી ત્યાં સૂઈ જતી. ત્રણેક દિવસે મિયાં-બીબી આવ્યાં અને એને પોતાની પાસે રાખી લીધી. આઠ નવ વર્ષ પછી એ ઘરના માલિકે એની સાથે નિકાહ કરી લીધા. અલ્લાહની મહેરબાનીથી સત્યાને બે દીકરા છે. એક પાકિસ્તાન એરફોર્સમાં અને બીજો કરાંચીમાં ઊંચી પોસ્ટ પર છે.”

    હવે એક લેખકની આદત હોય એમ મારાથી પૂછાઈ ગયું, “ એ આપને જોઈને નવાઈ તો પામી જ હશે કે પછી મળીને ખૂબ રડી તો હશે જ ને?”

    “હા, નવાઈ પામી, પણ જરાય પ્રભાવિત તો ના જ થઈ. હવે વિચારું છું તો લાગે છે કે અમારી વાતો સાંભળીને જાણે કોઈ વાર્તા સાંભળતી હોય એમ મલકતી હતી. અમે એનાં માબાપ છીએ એવું જરાય લાગતું નહોતું.” ‘દારજી’ બોલ્યા.

    “અને સંપૂર્ણ, સત્યા એની સાથે નહોતી?”

    “ના, એને તો સંપૂર્ણ યાદ પણ નથી.”

    “આટલી વાતો થયા પછી મા મારી સામે જોઈને બોલ્યા, “ તું પિન્ની( સંપૂર્ણ) છો એ કેમ માનવા તૈયાર નથી? કેમ અમારાથી દૂર રહે છે? નામ પણ બદલી નાખ્યું છે. જેમ સત્યા દિલશાદ બની ગઈ એમ તેં પણ સંપૂર્ણના બદલે ગુલઝાર નામ રાખી લીધું? તને ગુલઝાર નામ કોણે આપ્યું, તું તો સંપૂર્ણ સિંહ છું.”

    “મારા વિશે કોણે તમને જાણ કરી, અને તમે કેવી રીતે માની લીધું કે હું તમારો દીકરો છું?” મારાથી દારજીને પૂછાઈ ગયું.

    “એવું છે પુત્તર કે વાહે ગુરુની કૃપાથી બેટી મળી તો મનમાં આશા બંધાઈ કે બેટો પણ મળી જશે. ઈકબાલે એક દિવસ તારા ઇન્ટરવ્યૂમાં વાંચ્યું કે તારું નામ સંપૂર્ણ સિંહ છે અને તારો જનમ પણ પાકિસ્તાનની એ તરફનો જ છે એટલે એણે તપાસ શરૂ કરી દીધી.”

    “બેટા, તારી મરજી હોય ત્યાં તું રહે. તું મુસલમાન બની ગયો હોય એનોય વાંધો નહીં, પણ એક વાર કહી દે કે તું જ અમારો દીકરો પિન્ની છું.” માતાજીનાં અવાજમાં કંપન હતું.

    એ ખાનદાનની કેફિયત સાંભળ્યા પછી પણ હરભજન સિંહને નાસીપાસ કરીને મારે ત્યાંથી નીકળ્યા વગર છૂટકો જ નહોતો કારણ કે સાચે જ હું એમનો સંપૂર્ણ સિંહ- પિન્ની નહોતો જ. એ વાતને પણ સાત આઠ વર્ષ થઈ ગયાં.

    ૧૯૯૩નું વર્ષ હતું ત્યારે ઈકબાલનો પત્ર મળ્યો કે સરદાર હરભજન સિંહનો સ્વર્ગવાસ થયો છે. માએ કહેવડાવ્યું છે કે પિન્નીને જરૂર ખબર પહોંચાડવી.

    અને ત્યારે સાચે મારા જ દારજીનું અવસાન થયું છે મને એવું લાગ્યું.


    ગુલઝાર લિખિત વાર્તા तक़सीम પર આધારિત ભાવાનુવાદ 


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૪૦. બૂટારામ શર્મા

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    કોઈકે સાચું જ કહ્યું છે, નામમાં શું દાટ્યું છે ! બૂટારામ શર્માની જ વાત કરીએ તો એમણે ફિલ્મો માટે જે માત્ર ત્રણ ગઝલો લખી એ  વાંચીને ખાતરી થશે કે માશાલ્લાહ, શું સંવેદન છે એમના શબ્દોમાં ! ૪૦ અને ૫૦ના દાયકામાં આ બૂટારામ શર્મા ( ક્યારેક એ પોતાને બી આર શર્મા પણ કહેવડાવતા ) જીએ રણજીત મુવીટાન સંસ્થાની ફિલ્મો બેટી, લુટેરા, જોગન, પાપી, બેદર્દી, ભૂલભુલૈયા ઈત્યાદિમાં નિયમિત ગીતકાર તરીકે ગીતો લખ્યા. એમની અંતિમ ફિલ્મ હતી ૧૯૬૪ ની ‘મૈં સુહાગન હું‘ . 

    એમની લખેલી ત્રણ ગઝલ :

    ઐ દિલ મચલ મચલ કે યું રોતા હૈ ઝાર ઝાર ક્યા
    અપના ચમન ઉજડ ગયા આએગી અબ બહાર ક્યા

    પહલે ઝરા હંસા દિયા, જી ભર કે ફિર રુલા દિયા
    કિસ્મત પે ઈખ્તિયાર ક્યા, કિસ્મત કા ઐતબાર ક્યા

    ટૂટા હૈ ઈસ તરહ સે દિલ, કાંપ ઊઠી હૈ ઝિંદગી
    જીતે જી હમ તો મર ગએ, મૌત કા ઈંતઝાર ક્યા ..

    – ફિલ્મ : મૈં સુહાગન હું  ૧૯૬૪

    – લતા

    – લચ્છીરામ તોમર

    તુમ ચાંદ સે હસીન હો તારોં સે પૂછ લો
    ફૂલોં સે ખૂબ-રૂ હો બહારોં સે પૂછ લો

    ક્યોં દેખતી હૈ મેરી નઝર તુમ કો બાર બાર
    અપની નઝર કે શોખ ઈશારોં સે પૂછ લો

    કિસ્મત મેં હો જુદાઈ તો કૈસે મિલાપ હો
    બહતી નદી કે દોનોં કિનારોં સે પૂછ લો

    કુછ આંસૂઓં સે પૂછ લો ઉલ્ફત કી તલ્ખિયાં
    કુછ બદનસીબ પ્યાર કે મારોં સે પૂછ લો ..

    – ફિલ્મ : ઔરત તેરી યહી કહાની  ૧૯૫૪

    – તલત મહેમૂદ

    – બુલો સી રાની

     

    દિલે નાશાદ કો જીને કી હસરત હો ગઈ તુમ સે
    મુહોબત કી કસમ હમ કો મુહોબત હો ગઈ તુમ સે

    દમે આખિર ચલે આએ બડા અહેસાં કિયા તુમને
    હમારી મૌત કિતની ખૂબસૂરત હો ગઈ તુમ સે

    કહાં તક કોઈ તડપે માન જાઓ, માન ભી જાઓ
    કે દિલ કી બાત કહતે એક મુદ્દત હો ગઈ તુમ સે ..

     

    – ફિલ્મ : ચુનરિયા  ૧૯૪૮

    – લતા

    – હંસરાજ બહલ

    ( ફિલ્મ ‘ જીવન મૃત્યુ ‘ ના લતાજીએ ગાયેલ ‘ ઝમાને મેં અજી ઐસે કઈ નાદાન હોતે હૈં ‘ સાથે આ ગીતની તુલના કરો અને જાણો, કોણે કોની પાસેથી ‘ પ્રેરણા ‘ લીધી !! )


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે

  • મહેન્દ્ર શાહનાં ફેબ્રુઆરી ૨૦૨૪નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

    Mahendra Shah – February 2024 crations


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સહ-નેતૃત્ત્વનું ટીમમાં સિંચન

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    થોડા વર્ષો પહેલા, સંપૂર્ણપણે નવી તકનીકમાં પ્રોજેક્ટનો અમલ કરવાની જેમના પર જવાબદારી હતી એવી ટીમને હું એ કામમાં મદદ કરતો હતો. આ નવી જવાબદારીનો અર્થ એ પણ હતો કે ટીમના દરેક સભ્યએ પહેલ કરવી પડશે અને ટેકનોલોજીના નવા ક્ષેત્રોમાં શોધખોળ કરવા મંડી પડવું પડશે.

    પ્રોજેક્ટ માટે એક નિયુક્ત પ્રોજેક્ટ મુખી તો હતો જ. તેમ છતાં, અમે ટીમના એવા ઘણા સભ્યો જોયા કે જેમણે “સહનેતૃત્ત્વ” દર્શાવ્યું. સરળ શબ્દોમાં કહીએ તો, સહનેતૃત્વ ત્યારે થાય છે જ્યારે લોકો પોતપોતાનાં પદને ભુલીને આગળ આવે છે અને પોતાનાં નેતૃત્વ કૌશલ્યને દર્શાવે છે. સહનેતૃત્વ એક એવા પ્રકારનું નેતૃત્વ છે જે સમકક્ષો વચ્ચે અસ્તિત્વ ધરાવે છે.

    અમારી ટીમમાં એક એવો સભ્ય હતો જે આગળનું વિચારતો હતો, સમસ્યાઓની આગોતરા જ અપેક્ષા કરી લેતો હતો અને એ આવી સંભવિત સમસ્યાઓ માટે ટીમને આગોતરા જાણ પણ કરી દેતો હતો.  આ ઉપરાંત, ટીમ દ્વારા ચૂકાઈ ગયેલા પ્રોજેક્ટ્સના કેટલાક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેણે ધ્યાન પણ દોર્યું હતું. તે સ્પષ્ટપણે સહઅગ્રણી હતો, કારણ કે ટીમના અન્ય સભ્યોએ તેને એવી વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કર્યું કે જેણે પ્રોજેક્ટ (અથવા પ્રોજેક્ટના કેટલાક ક્ષેત્રો) માં આગવી દૃષ્ટિ ધરાવી હતી.

    આ અને કેટલાક અન્ય અનુભવોના આધારે, સહનેતૃત્વના મેં શીખેલા કેટલાક મહત્વપૂર્ણ પાઠ અહીં આપ્યા છે:

    • સહનેતૃત્વ વ્યક્તિ દ્વારા કામને શ્રેષ્ઠ રીતે કરવાની પસંદગીમાંથી ઉદ્ભવે છે. તે વ્યક્તિની વિષય વિશેની જાણકારીનું પરિણામ પણ છે.
    • સહનેતૃત્વ પરંપરાગત પદાનુક્રમ આધારિત માળખાંની પાર જઈ ટીમમાં દરેકને એકસાથે નેતૃત્વ લેવાની, તેમજ વધારે જાણકાર અન્ય સભ્યોને અનુસરવાની, સમાન તક આપે છે.
    • સંસ્થાઓ/અગ્રણીઓએ સહનેતૃત્વનેને પ્રોત્સાહિત કરવું જોઈએ જેથી લોકોને તેમની ઔપચારીક રીતે સોંપાયેલ જવાબદારીઓથી આગળ વિચારવા માટે, અને પ્રક્રિયામાં મૂલ્યવૃદ્ધિ કરવા માટે, પ્રોત્સાહિત કરવા જોઈએ.
    • નીચેથી ઉપર તરફ પ્રસરતું નવપરિવર્તન સામાન્ય રીતે સંસ્થામાં તમામ સ્તરે લોકોના વ્યક્તિગત નેતૃત્વનું પરિણામ છે.
    • સહનેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે એવી સશક્તિકરણની સંસ્કૃતિનું નિર્માણ કરવું મહત્વપૂર્ણ છે જ્યાં લોકો પ્રોજેક્ટ/સંસ્થાના વ્યાપક દ્રષ્ટિકોણને ધ્યાનમાં લઈને વિચારે અને વર્તે અને પોતાના નિર્ણયોને અમલમાં મૂકવા માટે સક્ષમ હોય છે.

    સહનેતૃત્વ ટીમના સંદર્ભમાં થાય છે, અને વ્યક્તિગત સ્તરે વ્યક્તિગત નેતૃત્વ સાથે તેનો ખૂબ નજીકથી સંબંધ છે.

    છેલ્લે આ બે મહત્ત્વના પ્રશ્નોનો જવાબ વિશે વિચારીએ:

    • જો તમે સંચાલક/અગ્રણી છો, તો જે ટીમમાં દરેક સભ્ય પ્રોજેક્ટના એક એક ભાગનું નેતૃત્વ કરે છે એ ટીમના સભ્યોમાં સહનેતૃત્વને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય ?
    • એક પ્રોફેશનલ તરીકે, તમારા કામને અલગ તરી આવે તે રીતે અને બીજાંને દાખલો બેસે તેવી રીતે શી રીતે સતત ઉપરની કક્ષાએ લઈ જતાં રહી શકાય?

    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સપ્તાહના અંતમાં યાદ કરી લેવા જેવું

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

     

     


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.