વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • એસ ધમ્મો સનંતનો – વૈદિક માર્ગનાં અન્ય પાસાંઓ

    પ્રવાસી યુ. ધોળકિયા

    સનાતન ધર્મની પરંપરાના વટવૃક્ષ સમાન વૈદિક જ્ઞાનમાર્ગનો આપણે ‘આ ધર્મ સનાતન છે’ ને સમજવાની યાત્રાના અગાઉના લેખોમાં ઉલ્લેખ કરી ચુક્યાં છીએ. હવે તેનાં બાકી રહેલાં અંતિમ પાસાંઓ પર સંક્ષિપ્ત વિવેચન જોઈશું.

    બ્રહ્માણ્ડની ઉત્પતિ સાથે સંબંધિત એવાં ઋગ્વેદનાં ૧૦મા મડલના ૧૨૯માં સૂક્તથી આજના મણકાની શરૂઆત કરીશું.[1]

    नास॑दासी॒न्नो सदा॑सीत्त॒दानी॒म् नासी॒द्रजो॒ नो व्यो॑मा प॒रो यत्।
    किमाव॑रीव॒: कुह॒ कस्य॒ शर्म॒न्नंभ॒: किमा॑सी॒द्गह॑नं गभी॒रम्॥१॥

     न मृ॒त्युरा॑सीद॒मृतं॒ न तर्हि॒ न रात्र्या॒ अह्न॑ आसीत्प्रके॒तः।
    आनी॑दवा॒तं स्व॒धया॒ तदेकं॒ तस्मा॑द्धा॒न्यन्न प॒रः किञ्च॒नास॑॥२॥

     तम॑ आसी॒त्तम॑सा गू॒ळ्हमग्रे॑ऽप्रके॒तं स॑लि॒लं सर्व॑मा इ॒दं।
    तु॒च्छ्येना॒भ्वपि॑हितं॒ यदासी॒त्तप॑स॒स्तन्म॑हि॒ना जा॑य॒तैकं॑॥ ३॥

     काम॒स्तदग्रे॒ सम॑वर्त॒ताधि॒ मन॑सो॒ रेत॑: प्रथ॒मं यदासी॑त्।
    स॒तो बन्धु॒मस॑ति॒ निर॑विन्दन् हृ॒दि प्र॒तीष्या॑ क॒वयो॑ मनी॒षा॥४॥

     ति॒र॒श्चीनो॒ वित॑तो र॒श्मिरे॑षाम॒धः स्वि॑दा॒सी दु॒परि॑ स्विदासी त्।
    रे॒तो॒धा आ॑सन्महि॒मान॑ आसन्त्स्व॒धा आ॒वस्ता॒त्प्रय॑तिः प॒रस्ता॑त्॥५॥

     को अ॒द्धा वे॑द॒ क इ॒ह प्र वो॑च॒त्कुत॒ आजा॑ता॒ कुत॑ इ॒यं विसृ॑ष्टिः।
    अ॒र्वाग्दे॒वा अ॒स्य वि॒सर्ज॑ने॒नाथा॒ को वे॑द॒ यत॑ आब॒भूव॑॥६॥

     इ॒यं विसृ॑ष्टि॒र्यत॑ आब॒भूव॒ यदि॑ वा द॒धे यदि॑ वा॒ न।
    यो अ॒स्याध्य॑क्षः पर॒मे व्यो॑म॒न्त्सो अ॒ङ्ग वे॑द॒ यदि॑ वा॒ न वेद॑॥ ७॥

    હિંદીમાં અનુવાદ

    सृष्टि से पहले सत् नहीं था, असत् भी नहीं
    अन्तरिक्ष भी नहीं आकाश भी नहीं था
    छिपा था क्या? कहाँ? किसने ढका था?
    उस पल तो अगम अतल जल भी कहाँ था? ।।१।।

    नहीं थी मृत्यु थी अमरता भी नहीं
    नहीं था दिन रात भी नहीं
    हवा भी नहीं साँस थी स्वयमेव फिर भी
    नही था कोई कुछ भी परमतत्त्व से अलग या परे भी ।।२।।

    अंधेरे में अंधेरा-मुँदा अँधेरा था,जल भी केवल निराकार जल था
    परमतत्त्व था सृजन-कामना से भरा , ओछे जल से घिरा
    वही अपनी तपस्या की महिमा से उभरा ।।३।।

    परम मन में बीज पहला जो उगा ,काम बनकर वह जगा
    कवियों ग्यानियों ने जाना, असत् और सत् का निकट संबंध पहचाना ।।४।।

    फैले संबंध के किरण धागे तिरछे, परमतत्त्व उस पल ऊपर या नीचे?
    वह था बँटा हुआ पुरुष और स्त्री बना हुआ
    ऊपर दाता वही भोक्ता नीचे वसुधा स्वधा हो गया ।।५।।

    सृष्टि यह बनी कैसे?  किससे? आई है कहाँ से?
    कोई क्या जानता है? बता सकता है?
    देवताओं को नहीं ग्यात  वे आए सृजन के बाद
    सृष्टि को रचां है जिसने उसको जाना किसने? ।।६।।

    सृष्टि का कौन है कर्ता? कर्ता है वा अकर्ता?
    ऊँचे आकाश में रहता  सदा अध्यक्ष बना रहता
    वही सचमुच में जानता या नहीं भी जानता है
    किसी को नहीं पता नहीं पता नहीं है पता ।।७।।

    દિગ્દર્શક શ્યામ બેનેગલે તેમની ટી વી સિરિયલ ‘ભારત એક ખોજ’માં આ સૂક્તના હિદી અનુવાદને વસંત દેવે સંગીતમાં વણી લીધેલ છે.

    ઉપવેદ

    ઉપવેદની સંખ્યા ચાર છે. દરેક વેદને એક ઉપવેદ છે.

    ઉપવેદ                                          વેદ

    (૧) આયુર્વેદ                ઋગ્વેદ અને અથર્વવેદ (સુશ્રુતના યજ્ઞ મુજબ)

    (૨) ધનુર્વેદ                 યજુર્વેદ

    (૩) ગાંધર્વવેદ             સામવેદ

    (૪) અર્થશાસ્ત્ર               અથર્વવેદ

    આયુર્વેદ

    આયુર્વેદ આજે પણ જીવંત છે. ધન્વંતરી, સુશ્રુત અને ચરકે આયુર્વેદ પર પ્રકાંડ સંહિતાઓ લખી છે.

    ધનુર્વેદ

    આજના વૈજ્ઞાનિક કાળમાં ધનુર્વેદે પોતાનું મહત્ત્વ ગુમાવ્યું છે.

    ગાંધર્વવેદ

    ગીત, સંગીત, પવિત્ર નૃત્ય, અને નાટ્યશાસ્ત્રનો ગાંધર્વવેદમાં સમાવેશ થાય છે. ગાંધર્વવેદનાં આ તમામ અંગો આજે ભારતની સીમાઓ પાર કરીને વિશ્વભરમાં લોકપ્રિય બની રહેલ છે.

    અર્થશાસ્ત્ર

    આજે ફક્ત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પ્રાપ્ય છે. રાજ્ય વ્યવસ્થા અને કૂટનીતિ પર લખાયેલ આ ગ્રંથ દુર્લભ છે.

    ષડ્દર્શન

    વેદમાં જે જ્ઞાન છે તેને તાર્કિક રીતે સમજાવતાં દર્શનો એટલે આ ષડ્દર્શન. ષડ્દર્શનમાં ભારતીય તત્ત્વજ્ઞાનની ચર્ચા જોવા મળે છે.

    પૂર્વમિમાંસા

    જન્મથી મનુષ્યને બધું, ખાસ કરીને તો ધર્મ વિશે, જાણવું હોય છે. તે પરથી જૈમિની ઋષિએ આ ગ્રંથની રચના કરી છે. તેના પ્રારંભનું સૂત્ર  अथातो धर्म जिज्ञासा છે. તેમાં ૧૨ અધ્યાય, ૬૦ પાદ અને ૨,૬૩૧ સૂત્રો છે.

    ઉત્તર મિમાંસા (બ્રહ્મસૂત્ર)

    પરમ ચેતના બ્રહ્મ તથા મૂળ જગતનું કારણ કઈ રીતે જાણવું તેની વ્યાખ્યા તાદૃશપણે ઉત્તર મિમાંસામાં કરેલ છે. જીવન-મરણનાં ચક્રમાં રહીને વ્યક્તિ જે સંસ્કારો પૂરા કરે છે તેનું અંતિમ લક્ષ મુક્તિમાર્ગ છે. આમ ઋષિઓએ મોક્ષમાર્ગ પર આ આસ્તિક ગ્રંથની રચના કરેલ છે.

    સાંખ્ય દર્શન

    આ દર્શનના રચયિતા અતિ પ્રાચીન ઋષિ કપિલ છે. આ ગ્રંથ એટલો બધો પ્રાસંગિક બની રહ્યો છે કે ભગવદ્ ગીતા, કેટલાક ઉપનિષદો, પુરાણો, રામાયણ અને મહાભારત પર આ શાસ્ત્રની ભારે અસર જોવા મળે છે.

    ઋષિ જણાવે છે કે વિશ્વમાં જે વિરાટ પુરુષ છે તે નિષ્ક્રિય છે. તેને સક્રિય પ્રકૃતિ કરે છે.  પ્રકૃતિમાં મહત્, અહંકાર, બુદ્ધિ અને સત્વ, રજસ્ અને તમસ્ જેવાં ૨૪ જેટલાં તત્ત્વો છે. પ્રકૃતિમાં સુષુપ્ત રહેલાં ત્રણ તત્ત્વો – સત્વ, રજસ્ અને તમસ્ -માં ક્ષોભન થવાથી મહત્ત્ જેવાં અન્ય તત્ત્વો પ્રગટ થાય છે ત્યારે વિરાટ પુરુષ જાગૃત થઈને સૃષ્ટિની રચના કરે છે. તે ઉપરાંત, વ્યક્તિ માત્ર તેના જીવનકાળ દરમ્યાન જે આધિ, વ્યાધિ અને ઉપાધિ ભોગવે છે તેમાંથી નિવૃતિના પણ સાંખ્ય દર્શન આપે છે. પંચતત્ત્વોને પણ અહીયાં પ્રતિભાષિત કરવામાં આવેલ છે.

    વૈશેષિક દર્શન

    આ ગ્રંથ મહર્ષિ કણાદે રચ્યો છે. તેમાં જડ ચેતન સૃષ્ટિને સાંખ્ય દર્શનમાં આપેલાં ૨૫ તત્ત્વો નહીં, પણ સાત તત્ત્વો દ્વારા પંચમહાત્મ્યનું દર્શન આપવામાં આવેલ છે. આ દર્શનનું લક્ષ વ્યક્તિએ સાંસારિક જીવનનો ત્યાગ કરી, સુખની અનુભૂતિ કરી અને મોક્ષ પામવાનું છે. આ જ્ઞાનને વિશેષ જ્ઞાનનો દરજ્જો આપવામાં આવેલો છે, તેથી તે વૈશેષિક દર્શન તરીકે ઓળખાય છે.

    ન્યાયદર્શન

    પ્રથમ તો આ દર્શનમાં ઈશ્વરની મહાનતા પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે સાથે, આ દર્શનનો મુખ્ય વિષય નાય પણ છે, પાણ તેના ઘણા અર્થો થાય છે. અત્રે તેઓનો અર્થ સાધનના સ્વરૂપમાં કરાયો છે. તેમા ૫૩૧ સૂત્રો છે. સંખ્ય દર્શનનાં ૧૩ તત્ત્વોનો આધાર લઈને સત્યને શી રીતે શોધવું તેની ચર્ચા આ દર્શનમાં જોવા મળે છે.

    યોગદર્શન

    યોગદર્શનના રચયિતા પતંજલિ છે. અષ્ટાંગ માર્ગ ઉપરાંત તેમાં ૧૯૪ સુત્રોમાં પરમેશ્વરની સમીપતાનો અનુભવ્કરીને મોક્ષ પ્રાપ્તિ શી રીત કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભારતની આ પરંપરાને વિશ્વભરે ઉત્સાહપૂર્વક અપનાવી છે. દર વર્ષે ૨૧ જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    ધર્મશાસ્ત્ર

    કોઈ પણ સમાજ ફક્ત ધર્મદર્શનના આધારે ટકી ન શકે. તેમાં સામાજિક ન્યાયની પણ પુરી વ્યવસ્થા હોવૂ જોઈએ. તેથી, ભારતવર્ષના મહાજ્ઞાનીઓએ સમાઅજના દરેક ઘટકો માટે નિયમો ઘડ્યા છે જે પરંપરાગત રૂપે કાયદાનું સ્થાન ભોગવે છે. આ દર્શનમાં ધર્મ ઉપરાંત વ્યક્તિનાં જીવનનાં  નૈતિક ધોરણો શું હોવાં જોઈએ તેની સમજ આપવામાં આવી છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ એમ ચાર આશ્રમો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થો, પ્રાયશ્ચિત, પુરુષાર્થ, તીર્થયાત્રા, કુટુંબ જીવન, સંતાન અને સ્ત્રીનું સ્થાન, મિલકતની ન્યાયિક વહેંચણી વગેરે વિષયોને ધર્મશાસ્ત્ર નામ આપવામાં આવ્યું છે.

    વિશ્વની કોઈ પણ સંસ્કૃતિમાં ઉપરોક્ત વિષયો પર આટલું વિશદ વિવેચન જોવા મળતું નથી.આ બાબતનો ખ્યાલ આપણને એ હકીકત પરથી આવશે કે ભારત રત્ન પી વી કાણેએ ૧૯૩૦માં  ધર્મશાસ્ત્રોના ગ્રંથનો પહેલો ભાગ પાડ્યો તે પછી તેના પરથી લખાયેલા ગ્રંથોની યાદી ૧૭૦ પાનાંઓમાં સમાવાઈ શકી છે. આજે તો એ યાદી લખવા માટે કદાચ ૨૫૦ પાનાં પણ ઓછાં પડે. કાણેએ ધર્મશાસ્ત્રના પોતાના ગ્રંથનાં ૬,૫૦૦ પાનામાં ધર્મશાસ્ત્રના દરેક વિષયની અદ્ભૂત છણાવટ, બહુ સરસ ભાષામાં, કરી છે. અત્રે આપણે ધર્મશ્રુતિ અને શાસ્ત્રોની એક ટુંકી યાદી આપીને સંતોષ પામીએ –

    ૧) મનુસ્મૃતિ, ૨) યજ્ઞવાલ્કય શ્રુતિ, ૩) આપસ્તંબ ધર્મસૂત્ર ૪) બૌદ્ધાયન સ્મૃતિ, ૫) ગૌતમ ધર્મશાસ્ત્ર, ૬) કામંડક નીતિશાસ્ત્ર, ૭) નારદ સ્મૃતિ, ૮) પારસ્કર ગૃહ્ય સૂત્ર, ૯) વશિષ્ઠ ધર્મસૂત્ર, ૧૦) વિષ્ણુ ધર્મસૂત્ર, ૧૧) કાત્યાયન સ્મૃતિ, ૧૨) નિર્ણય સાગર અને ૧૩) નિર્ણય સિંધુ.

    વેદ પરંપરાના આ લેખો વાંચીને વેબ ગુર્જરીના વાચકોને એ પ્રશ્ન જરૂર થશે કે આ પરંપરા આજે કેટલી પ્રાસંગિક છે.

    આધુનિક સમયમાં વેદ પરંપરાના નિષ્ણાતોએ આ પ્રશ્ન પર ઘણું મનોમંથન કરેલ છે. તે પછી તેઓ વચ્ચે એક સહમતિ સધાઈ છે કે આજે આપણે જે હિંદુ ધર્મમાં માનીએ છીએ તેમાં ફક્ત ૨૦થી ૨૫ વૈદિક પરંપરાનાં તત્ત્વોને આપણે જાળવી શક્યાં છીએ. આ વિદ્વાનો વૈદિક પરંપરાની આ સ્થિતિ માટે નીચેના કારણો જણાવે છેઃ

    ૧) વેદમાં જે સ્રૂષ્ટિ વિજ્ઞાન છે તે આજે લુપ્ત થયું છે.

    ૨) વેદ સુક્તો અને મંત્રોમાં બહ્માણ્ડમાં વ્યાપ્ત પદાર્થો અને તત્ત્વોને સમજવાની વિચારધારાને આપણે ગુમાવી બેઠાં છીએ.

    ૩) વેદ સાહિત્યમાં મધુવિદ્યા – રહસ્યવાદ આજે વિસ્મૃત થયેલ છે.

    ૪) વેદના પાયામાં તેની ભવ્ય યજ્ઞ પ્રથા છે. છેલ્લા ૪,૦૦૦ વર્ષોથી શ્રમણ પરંપરાના પ્રવર્તકો, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી,ના દર્શન અને ઉપદેશોએ યજ્ઞ પ્રથા પર મરણતોલ ફટકો મારેલ છે. તેથી, પશ્ચિમના વિદ્વાનોએ એ સાચું કહ્યું છે કે વેદના ગ્રંથો હવે  text out of context (અસાંદર્ભિક ગ્રંથો) બની રહ્યા છે.

    પછી શંકરાચાર્ય, ગોરખનાથ, માધવાચાર્ય, રામાનુજમ અને નયનાર સંતોએ ઉપનિષદના વેદાંતનું અને હિંદુ ધર્મના ભક્તિવાદનું મહાઉત્થાન કર્યું, જેનું આપણે આજે પાલન કરીએ છીએ. આપણી ભવ્ય અને પુરાતન વેદપ્રથાનું, તેમાં રહેલા મહાવાક્યો અને શ્લોકો દ્વારા, સ્મરણ કરી તેને પ્રણામ કરીએ.

    વેદનાં ચાર મહાવાક્યો

    अहँ ब्रह्माऽस्मि ।  – હું પરમ ચેતના છું (બૃહદારણ્યક ઉપનિષદ)

    ॐ प्रज्ञानं ब्रह्म । – આ મહાજ્ઞાન જ બ્રહ્મ છે. (ઐતરેય ઉપનિષદ)

    तत्त्वमसि । –  તે બ્રહ્મ તું છે. (છાંદોગ્ય ઉપનિષદ)

    अयम् आत्मा ब्रह्म । – આ આત્મા બ્રહ્મ છે. (માણ્ડક્ય ઉપનિષદ)

    કેટલીક વેદઋચાઓ

    असतो मा सद्गमय।
    तमसो मा ज्योतिर्गमय।
    मृत्योर्मामृतं गमय ॥

    ઊંડાં અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.

    ॐ सहनाववतु
    सह नौ भुनक्तु
    सह वीर्यं करवाव है
    तेजस्वि नावधीतमस्तु मा विद्विषाव है

    ॐ शान्तिः शान्तिः शान्तिः

    ઈશ્વર અમારી એક સાથે રક્ષા કરે, એક સાથે પોષણ કરે. અમે ઘણી ઉર્જા સાથે મળીને કામ કરીએ. અમે પરસ્પર વિવાદ ન કરીએ. ॐ મારામાં, વાતાવરણમાં શાંતિ હોય. મારી આજુબાજુનાં વાતાવરણમાં શાંતિ રહે. હું જે કાર્ય કરૂં છું તેની શક્તિમાં શાંતિ રહે.

     હવે પછીના મણકામાં આપણે જૈન પરંપરા વિષે ચર્ચા કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.


    [1]

  • કુપોષણ વિરુદ્ધ ભોજનનો વેડફાટ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    “કુપોષણનો મુદ્દો ઘણો અગત્યનો છે. મને એ સ્વીકારવામાં જરાય વાંધો નથી કે એ મામલે આપણે પાછળ છીએ. પણ સરકારના પ્રયત્નો અવશ્ય નિષ્ઠાવાન છે. અમે સૌ કોઈને સાથે રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.” ગુજરાત રાજ્યના સ્વાસ્થ્યમંત્રીએ વિધાનસભામાં થયેલી ચર્ચા દરમિયાન આ મતલબનું કહ્યું. તેમણે એ તરફ પણ ઈશારો કર્યો કે શહેરમાં રહેતી યુવતીઓ ‘સાઈઝ ઝીરો’ કરવા માટે ખાવાનું ટાળે છે એટલે આ સમસ્યામાં તેમનું પણ પ્રદાન છે. શહેરી યુવતીઓનું કુપોષણ બાબતે શું અને કેટલું પ્રદાન છે એ વિષયને હાસ્યલેખકો માટે રાખીએ તોય કુપોષણ જેવા મુદ્દાનો સરકાર દ્વારા સ્વીકાર થયો એ મહત્ત્વનું કહી શકાય. સ્વાસ્થ્યમંત્રીએ આ સમસ્યાના ઊકેલ માટે વર્તમાન નાણાંકીય વર્ષમાં કરાયેલી ૩,૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઈની સામે વર્ષ ૨૦૨૪ના બજેટમાં ૫,૫૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું. આ મામલે પ્રત્યેકને તેમણે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને સમગ્રલક્ષી અભિગમથી કામ કરવાની અપીલ કરી. તેમણે વધુમાં જણાવ્યું, ‘ગામ હોય કે શહેર- આ સમસ્યા સાર્વત્રિક છે. આ કેવળ આદિજાતિવાળા જિલ્લાઓમાં જ છે એવું નથી, બલ્કે જેને આપણે સમૃદ્ધ ગણાવીએ છીએ એવા જિલ્લાઓમાં પણ છે.’ સ્વાસ્થ્યમંત્રીએ સૌને ‘પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને’ કામ કરવા જણાવ્યું એ મુદ્દાને પણ હાસ્યલેખકો માટે બાકાત રાખીએ. હકીકત એ છે કે વિકાસના કે અન્ય તમામ પ્રકારની સમૃદ્ધિના આટઆટલા દાવાઓ પછી કુપોષણની સમસ્યા એટલી વિકરાળ બની રહી છે કે તેના વિષે વાત કર્યા વિના ચાલે એમ નથી.

    એક અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યમાં ૫.૭૦ લાખ બાળકો કુપોષિત છે. જિલ્લાવાર વાત કરીએ તો અમદાવાદ ૫૬,૯૪૧ કુપોષિત બાળકોની સંખ્યા સાથે અગ્રસ્થાને છે, જ્યારે દાહોદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં અનુક્રમે ૫૧,૩૨૧ તેમજ ૪૮,૮૬૬ બાળકો કુપોષિત છે. ૨૦૨૩ના સપ્ટેમ્બર સુધીમાં કરાયેલી મોજણી અનુસાર ૩૦.૩૮ લાખ બાળકો પૈકી ૧.૪૫  લાખ એટલે કે ૪.૮૧ ટકા બાળકો અતિશય તીવ્ર કુપોષણથી પીડાતા હતા. આમાંના ૧૬,૦૦૦ બાળકોને ‘ન્યુટ્રીશન રિહેબીલીટેશન સેન્ટર’માં કે ‘ચાઈલ્ડ માલ્ન્યુટ્રીશન સેન્‍ટર’માં દાખલ કરવામાં આવ્યા હતા.

    વર્તમાન સરકારે મોટા મોટા આંકડા દેખાડવાની એવી આદત વિકસાવી છે કે હવે નાગરિકો સુદ્ધાં એ ભાષામાં વાત કરતા થઈ ગયા છે. નક્કર આયોજનની કે ગુણવત્તાયુક્ત અમલની વાત ભાગ્યે જ થાય છે. એટલું સમજવા જેવું છે કે આ આંકડા અધિકૃત અહેવાલ અનુસાર અને સરકારે જાહેર કરેલા છે, એનો અર્થ એ કે વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધુ હશે.

    બાળકો કુપોષિત ન રહે એ જોવાની ફરજ, અલબત્ત, સરકારની છે જ, પણ આપણે ત્યાં તીવ્ર વિરોધાભાસની નવાઈ નથી. સમગ્રપણે જોઈએ તો, હવે લગ્ન જેવા સામાજિક પ્રસંગોની ઉજવણીઓ ભપકાદાર બનતી ચાલી છે. વિદેશની વગર વિચારેલી નકલ કરીને અપનાવાયેલી ભોજનપ્રણાલિને આપણે સ્થાનિક રંગ આપી દીધો છે. તેને કારણે ખોરાકનો વેડફાટ ગુનાહિત રીતે વધી રહ્યો છે એનો ઈન્‍કાર થઈ શકે એમ નથી. સ્ટાર્ટરના નામે ઓળખાતી વાનગીઓ મોટા ભાગના લોકો ડીશ ભરીને લે અને સહેજ ચાખીને કચરાપેટીમાં નાખી દે એ એટલું સામાન્ય દૃશ્ય છે કે એમ કરવું ખોટું છે એવું કોઈને લાગતું નથી. કેમ કે, તેમનો માપદંડ ફક્ત ને ફક્ત નાણાંનો છે. આવા ખોરાકનો બગાડ કરવો પોતાને પોષાય એમ છે એમ માનતા મોટા ભાગના લોકો ભાગ્યે જ વિચારે છે કે આમ કરવું એ મહામૂલાં કુદરતી સંસાધનોનો ભયાનક વેડફાટ છે, જેનું મૂલ્ય નાણાંકીય કરતાં અનેકગણું વધુ છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આવું જ ઘરની બહાર ભોજન લેતા લોકોમાં જોવા મળે છે. અમસ્તું પણ ઘરની બહાર જમવાનું ચલણ દિન બ દિન વધી રહ્યું છે. એનું કારણ સમાજશાસ્ત્રનો વિષય હોઈ શકે છે. ઘરની બહાર ભોજન લેતા લોકોનો અભિગમ મોટા ભાગે એવો જોવા મળે છે કે પોતે નાણાં ખર્ચે છે એટલે ભોજનનો બગાડ કરવાનો તેમને જાણે કે પરવાનો મળી જાય છે.

    ભોજનનો સંબંધ કેવળ નાણાં સાથે નથી હોતો. એમ હોઈ શકે પણ નહીં. ભોજન રંધાઈને મનુષ્ય સુધી પહોંચે ત્યાં સુધીના તબક્કામાં તેની પર અનેક જાતના સંસ્કાર થતા રહે છે. દરેક તબક્કે તેમાં એક યા બીજા પ્રકારના સંસાધનોનો ઉપયોગ થતો રહે છે. આથી તૈયાર ભોજનનો બગાડ એટલે આ તમામ સંસાધનોનો વેડફાટ. એક તરફ બેફામ માત્રામાં ભોજનનો વેડફાટ થતો રહે, એ બાબતે કોઈને કશી સંવેદના જ ન જાગે, અને બીજી તરફ રાજ્યમાં અનેક બાળકો કુપોષિત રહે એ કેવી વક્રતા!

    રાજ્ય સરકાર આ હકીકત સ્વીકારે, એના માટે મોટા આંકડા ધરાવતા આયોજનની વાત કરે એ બધું બરાબર. કુપોષિત બાળકોના મામલે કદાચ વ્યક્તિગત સ્તરે આપણે કશું ન કરી શકીએ એ પણ બરાબર. છતાં એક નાગરિક તરીકે ભોજનના અક્ષમ્ય વેડફાટને વ્યક્તિગત સ્તરે આપણે અવશ્ય રોકી શકીએ. બીજાઓને એ માટે પ્રેરિત કરવાનું પણ પછી રાખીએ, વ્યક્તિગત રીતે આપણે એનો આરંભ કરીએ તો પણ એ એક મોટું પગલું ગણાશે.

    આજકાલ દરેક વાતે આપણી ભવ્ય સંસ્કૃતિને ટાંકવાનો રિવાજ ચાલી રહ્યો છે. તો એ પણ જાણી લેવું જોઈએ કે આપણી એ જ ભવ્ય સંસ્કૃતિમાં અન્નને દેવતા સમાન ગણવામાં આવ્યું છે. અન્નના વેડફાટ થકી આપણે આપણી જ સંસ્કૃતિનો અનાદર કરી રહ્યા છીએ એ બાબત આપણે સમજવી જોઈએ.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨– ૦૨ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ડેડ પોએટ્સ સોસાયટી : ઉત્તમ કવિતાઓના પઠન માટેના આ ગુપ્ત સંગઠનમાં જોડાવાની શરત હતી, તમારી ભીતરના પરંપરાગત જીવને મારી નાંખવો !

    સંવાદિતા

    આપણી મરજી મૂજબનું જીવન જીવી શકીએ એનાથી મોટી સફળતા બીજી કોઈ નથી .

    ભગવાન થાવરાણી

    કેટલીક ફિલ્મો કે પુસ્તકોના નામ જ એવા હોય જે તમને એમના ભણી જવા ખેંચે. ડેડ પોએટ્સ સોસાયટી એટલે કે મૃત કવિઓની મંડળી આવી એક ફિલ્મ છે. ઓસ્ટ્રેલિયન સર્જક પીટર વેર દ્વારા આ ફિલ્મ ૧૯૮૯ માં સર્જાઈ. ફિલ્મ અને એના શીર્ષકને સમજીએ.
    પચાસના દાયકામાં અમેરિકાની સો વર્ષ જૂની વેલટન બોર્ડિંગ સ્કૂલમાં દેશના સુખી કુટુંબોના નબીરાઓ ભણે છે. આ સ્કૂલ વર્ષોવર્ષ રૂઢિચુસ્ત અને બીબાંઢાળ પુરાતન શિસ્ત મૂજબના વિદ્યાર્થીઓનો ફાલ ઉતારે છે, આગળ સ્નાતક બનવા ધકેલવા માટે. આ છોકરાંઓના વાલીઓ પણ ઈચ્છે છે કે એમના સંતાનો કડક શિસ્ત હેઠળ ભણી ગણી પરંપરાગત ‘ સુશિક્ષિત ‘ યુવાનો તરીકે બહાર આવે. વિદ્યાર્થીઓને અહિયાં પરંપરા, પ્રતિષ્ઠા, શિસ્ત અને ઉત્કૃષ્ટતાનું જરીપુરાણું સુત્ર ગળથૂથીમાં પાવામાં આવે છે. એમના અંગત શોખ, પસંદગી કે વલણનું અહીં કોઈ મહત્વ નથી. સ્કૂલ કહેવાતી આ ફેક્ટરીમાં માત્ર એમના કડક ધારાધોરણ મુજબનો માલ ઉત્પન્ન થાય છે.
    સ્કૂલમાં એક નવા અંગ્રેજી ભાષાના શિક્ષય જોહ્ન કીટીંગ ( વિખ્યાત હાસ્ય અભિનેતા રોબિન વિલિયમ્સ ) જોડાય છે. એ પોતે આ સ્કૂલમાં જ ભણ્યા છે પણ છે સાવ નોખી માટીના માણસ. પહેલા જ દિવસે એ વર્ગમાં પોતાના ટેબલ ઉપર ઊભા થઈને વિદ્યાર્થીઓને હળવા લહેજામાં પૂછે છે, ‘ આપણા કવિ વોલ્ટ વ્હીટમેનની કવિતા ” ઓહ કેપ્ટન મારા કેપ્ટન ” વિષે તમારામાંના કેટલા જાણે છે ? ‘ બધા ચુપ ! એ કવિતા અમેરિકાના આ રાષ્ટ્રકવિએ એમના ક્રાંતિકારી રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનને ઉદ્દેશી એમના મરણોપરાંત શ્રદ્ધાંજલિ રૂપે લખેલી. ‘ તમે સૌ મને કીટીંગ અથવા ઓ કેપ્ટન મારા કેપ્ટન તરીકે બોલાવશો તો મને ગમશે. ‘
    કીટીંગ કવિતાના જીવ છે. પરંપરાગત કવિતાઓના નહીં પણ જીવનના આરોહ – અવરોહ નિરૂપી પ્રોત્સાહિત કરતી ધગધગતી કવિતાઓના. એ પાંગરતા જીવનના પુરસ્કર્તા છે. પ્રાચીન રોમન કવિ હોરેસ દ્વારા કહેવાયેલ ‘ આજને ઉજવો ‘ ‘ વર્તમાનમાં જીવો ‘ ‘ આ ક્ષણ એકમેવ છે ‘ માં વિશ્વાસ ધરાવનારા. એમને વિદ્યાર્થીઓની અંતરનિહિત પ્રતિભામાં રસ છે, ભણતરના ભારણમાં નહીં ! એ કહે છે ‘ યાદ રહે, આપણા સૌના જીવનમાં ગણતરીની વસંત, ગ્રીષ્મ અને પાનખર છે. એક દિવસ આપણે બધા થંભી જઈશું. સ્કૂલની દિવાલો પર લટકતા અહીંના ભૂતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા જૂઓ. આજે એ બધા કબરમાં છે. એ બધામાંથી ભાગ્યે જ કોઈ એમની પૂર્ણ ક્ષમતા પ્રમાણે ખીલ્યા. દુન્યવી સફળતા પાછળની દોટમાં એ બધાએ પોતાના બચપણના સપનાઓ જતા કર્યા. ‘
     કીટીંગ વિદ્યાર્થીઓ સાથે એક મિત્ર અને સહયાત્રી તરીકે વર્તે છે. શિક્ષકોથી આતંકિત રહેવા ટેવાયેલા સૌ કુમળા માનસ માટે આ સાનંદાશ્ચર્ય છે. એ એકવાર એમને કવિતાના પાઠયપુસ્તકમાંથી એક ભાવુકતાપૂર્ણ કરુણ કવિતા વાંચી સંભળાવે છે અને પછી તુરંત બધાને કવિતાના પુસ્તકમાંથી એ પાનું ફાડી નાંખી કચરાટોપલીમાં નાંખવાનું કહે છે ! કારણ ? ‘ તમે સૌ સંક્રાંતિના ઊંબરે ઊભેલા છો. તમારે કોઈ પણ સંજોગોમાં મુરઝાવાનું નથી. રોતલ વાતોને ફાડી ફેંકી દો જીવનમાંથી.  ભણવાનું તો છે જ, તમારે ભાષા અને શબ્દોમાં ઊંડા ઉતરવાનું છે. આપણે માનવી છીએ, આપણામાં લાગણી છે માટે કવિતા વાંચીએ છીએ. ભણતર જરૂરી છે પણ કવિતા, રોમાંસ, પ્રેમ અને સૌંદર્ય આપણને જીવાડે છે. ‘ 
    અન્ય શિક્ષકો કીટીંગની ભણાવવાની પદ્ધતિ વિષે જાણી એને સમજાવે છે કે આપણે છોકરાઓને કલાકાર બનાવવાના નથી. આમાંના કોઈ શેક્સપિયર, રેમ્બ્રાં કે પિકાસો નહીં બને. કીટીંગનો જવાબ ‘ હું એમને કલાકાર નહીં, જાતે વિચારવા સક્ષમ બનાવવા માંગું છું. ‘
    કીટીંગ અહીં ભણતા ત્યારે સ્કૂલ સંચાલકોની મંજૂરી વિના એક ડેડ પોએટ્સ સોસાયટી ચલાવતા. રસ ધરાવતા વિદ્યાર્થીઓ કેમ્પસથી દૂર એક ગુફા જેવી અવાવરુ જગ્યાએ સમયાંતરે ભેગા મળી એવી કવિતાઓ વાંચતા જે જીવનરસથી છલોછલ હોય. શેલી, થોરો, વ્હીટમેન જેવા કવિઓની કવિતાઓ. કીટીંગના મુરીદ બનેલા વિદ્યાર્થીઓ એ જગા શોધી કાઢે છે. કીટીંગ એ દિવસોનું સ્મરણ કરતાં કહે છે ‘  ના, એ સોસાયટીના નામનો અર્થ એવો નથી કે માત્ર મૃત કવિઓની રચનાઓનું પઠન થાય. એનો અર્થ એ કે એમાં જોડાવા માટે તમારે તમારી વર્તમાન વિચાર – પદ્ધતિને મારી નાખવી પડે ! થોરોએ લખેલું કે હું વનમાં એટલા માટે ગયો કે મારે સહેતુક જીવવું હતું, ઊંડું જીવવું હતું જેથી જીવનનું સત્વ ચૂસી શકું !
    હવે મિત્રો જેવા બની ચૂકેલા વિદ્યાર્થીઓને કીટીંગ ક્યારેક શાળાના ગ્રાઉંડમાં લઈ જઈ સાથે ચાલવાનું કહે અને પછી એમની ચાલનું નિરીક્ષણ કરીને નોંધે કે બીજાની ચાલનું અનુકરણ ન કરો, તમારી ચાલ પણ તમારી પોતાની મૌલિક હોવી જોઈએ ! ‘
    એ કહે છે કે કોઈ લેખક કે કવિને વાંચતા હો ત્યારે એણે કહેલું તમારી નજરે તપાસો. દરેક કળામાં, ભોજનમાં, ગણિત જેવા શુષ્ક વિષયમાં પણ કવિતા છે પણ જો બધા કવિતા કરે તો આપણે ભૂખે મરવાનો વારો આવે !
    સ્કૂલના શિસ્તના નિયમો કડક જ નહીં, અમાનવીય પણ છે. ગંભીર શિસ્તભંગ કરનાર વિદ્યાર્થીને શાળામાંથી રુખસદ કરવાની આકરી સજાને બદલે ક્યારેક રહેમ રાહે આચાર્ય નોલાન પોતે નિતંબો પર સોટીએ – સોટીએ ફટકારવાની ‘હળવી’ સજા પણ કરે !
    વિદ્યાર્થી નીલને નાટકમાં કામ કરવાનો શોખ છે. એના પિતાને ખબર પડતાં એ ભર નાટકે ધસી આવી દીકરાને જાહેરમાં અપમાનિત કરી ઘરે ઢસડી જાય છે. ઘરે એ પોતાનો નિર્ણય જાહેર કરે છે કે હવેથી તને આ સ્કૂલમાંથી કાઢી મિલીટરી સ્કૂલમાં નાંખીશું ! ‘ અમે તારા માટે આટલો ભોગ આપીએ અને તું નાટક – ચેટકમાં જિંદગી બરબાદ કરે ! ‘ અપમાનિત, હતોત્સાહિત, આહત અને નાસીપાસ નીલ ઘરમાં જ પિતાની રિવોલ્વરથી આપઘાત કરે છે.
    શાળાનું સંચાલક – મંડળ કીટીંગની ભણાવવાની ‘ બેહૂદી ‘ રીતરસમોથી નારાજ તો છે જ. એ લોકો બળજબરીપુર્વક વિદ્યાર્થીઓના એની વિરુદ્ધમાં નિવેદનો લઈ આ કરૂણ ઘટના બદલ એને જવાબદાર ઠેરવે છે અને નોકરીમાંથી પાણીચું આપે છે.
    ફિલ્મના અંતિમ યાદગાર દ્રષ્યમાં કીટીંગની બરખાસ્તીને કારણે આચાર્ય નોલાન પોતે ઈંગ્લીશનો ક્લાસ લઈ રહ્યા છે. સ્કૂલ છોડી જઈ રહેલા કીટીંગ પોતાનો સામાન લેવા ક્લાસમાં આવે છે. પોતાના પ્રિય શિક્ષકની આ રીતની વિદાયથી બધા વ્યથિત છે, સમસમે છે. એક વિદ્યાર્થીથી ન રહેવાતાં એ હિંમતપૂર્વક પોતાના ડેસ્ક પર ચડી ‘ ઓ કેપ્ટન મારા કેપ્ટન ‘ પોકારે છે. ધીમે – ધીમે બધા જ વિદ્યાર્થીઓ એને અનુસરી એમ જ કરે છે. આચાર્ય આ ગાંડપણ નિ:સહાયપણે મોઢું વકાસી જોઈ રહે છે !
    આ ફિલ્મને અન્ય અનેક પુરસ્કારો ઉપરાંત ૧૯૯૦ નો શ્રેષ્ઠ પટકથાનો ઓસ્કર એવોર્ડ મળેલો. ફિલ્મના નાયક રોબિન વિલિયમ્સ અમેરિકાના બેહતરીન સ્ટેંડ અપ હાસ્ય કલાકાર તરીકે સુખ્યાત હતા. કરુણતા એ કે ૧૯૧૪ માં માત્ર ૬૩ વર્ષની વયે એમણે આત્મહત્યા કરી.

    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • કચ્છની સેલોરો- વાવોનો અદભૂત દસ્તાવેજ

    પુસ્તક પરિચય

    કચ્છધરાની વિસ્મૃત વિરાસત: સેલોર-વાવ સ્થાપત્ય : સંજય પી. ઠાકર

    પરેશ પ્રજાપતિ

    જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ભૂજના પ્રાચાર્ય અને સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત ઇતિહાસવિદ સંજય ઠાકરે ૧૯૯૨ થી ‘૯૫ દરમ્યાન; મોટા ભાઇ ભરત `કુમાર` ઠાકર સાથે મળી `કચ્છમિત્ર`ની સાપ્તાહિક પૂર્તિ ‘સુરખાબ’માં `ભ્રમણભૂમિકચ્છʼ નામે કટાર લખી હતી. આ કટાર કચ્છના વિવિધ પ્રવાસધામો વિશેની હોવાથી તેમણે એ દરમિયાન કચ્છનો વ્યાપક અને અંતરિયાળ પ્રવાસ ખેડ્યો. એ વખતે અનેક વાવ તેમની નજરે ચડી હતી. મળે એટલી માહિતી એકઠી કરવાનું વલણ અપનાવીને તેઓ વયોવૃદ્ધો, વડીલો તેમજ રસજ્ઞ વ્યક્તિઓને મળીને નોંધો ટપકાવતા રહ્યા હતા. માહિતીનું ભાથું તૈયાર થતાં, તેમણે સાહિત્યોમાં ઉપલબ્ધ સામગ્રી સાથે ખરાઇ કર્યા બાદ કચ્છમિત્રની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં `કચ્છની સેલોર` કટારમાં ૧૫૦થી વધુ વાવ વિશે રજૂઆત કરી હતી. સંજય ઠાકરના આ ઉમદા કાર્યને પુસ્તક સ્વરૂપે સાચવી લેવા ગુજરાતની કલા, સંસ્કૃતિના સંમાર્જન માટે જાણીતા કલાતીર્થ ટ્રસ્ટે રસ લીધો અને કચ્છની વાવ અંગેના દસ્તાવેજીકરણનો આ દળદાર ગ્રંથ ઉપલબ્ધ કરાવ્યો.

    પુસ્તકમાં સરેરાશ બેથી ત્રણ પાનનાં કુલ ૧૨૯ પ્રકરણો છે. આરંભિક પ્રકરણમાં વાવની ઉપયોગિતા, બાંધણી તથા સ્થાપત્યકીય અંગો અને વાવના પ્રકારો વિશે સમજ અપાયેલી છે. કચ્છના પ્રતિષ્ઠિત ત્રિમાસિક સામયિક ʻકચ્છ કલામʼમાં વાવના અર્થમાં વપરાતા કચ્છી શબ્દ ʻસેલોરʼ અંગે છેડાયેલા સુંદર ચર્ચાભ્યાસના કેટલાક અંશની વાત બીજા પ્રકરણમાં છે. લેખકે પુસ્તકમાં વાવ માટે ‘સેલોર’ શબ્દ પ્રયોજ્યો છે. ત્રીજા પ્રકરણમાં વાવ સ્થાપત્યો અંગે પ્રસિદ્ધ થયેલાં કેટલાંક પુસ્તકોનો અછડતો પરિચય છે. તેમાં જર્મનીના કલા ઇતિહાસકાર ડૉ. જુટા જૈન- ન્યુબાઉરે ૧૯૭૬-૧૯૭૮ દરમ્યાન ભારતના અને ખાસ કરીને ગુજરાતનાં જળસ્મારકો વિશે સંશોધનકાર્ય અને દસ્તાવેજીકરણ કર્યું અને ૧૯૮૧માં `સ્ટેપવેલ્સ ઑફ ગુજરાત: ઇન આર્ટ એન્ડ હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ` નામે દળદાર પુસ્તકનો ખાસ ઉલ્લેખ છે. ખુદ ગુજરાત સરકારના માહિતી વિભાગે પ્રગટ કરેલા પુસ્તક ʻવિતેલા યુગની વિસરાતી વાવોʼમાં પણ ઉપરના પુસ્તકને ટાંકતાં લેખકે કચ્છની વાવોની ઉપેક્ષા થઇ હોવાનો મત રજૂ  કર્યો છે.

    પ્રારંભિક ત્રણ પ્રકરણોમાં ઉપરોક્ત માહિતી પીરસ્યા પછી લેખકે કચ્છની વાવોનો પરિચય આપ્યો છે. શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિના મનાતા ધોળાવીરાની વાવ (જેને કેટલાક અભ્યાસુઓ જળાશય અથવા કૂવો કહે છે)થી કરાઇ છે. એ ઉપરાંત વિવિધ સમયગાળામાં નિર્માણ થયેલી દોઢસોથી પણ અધિક વાવોનો સમાવેશ છે. આવી વાવોમાં ભદ્રેશ્વર, કંથકોટની વાવો, ચાવડા વંશના સમયની (ઇ.સ. ૬૯૦-૯૪૨)નિર્માણ થયેલી સિયોત (તા. લખપત)ની સેલોર, શ્રીધરવાળી ભૂજની વાવ (૪૦૦ વર્ષ); ધ્રંગની ખીરસરી સેલોર, આડેશરની વાવ, સંઘાડની વાવ; રાજા અર્જુનદેવનો ઇ.સ. ૧૨૭૨નો શિલાલેખ ધરાવતી રવની સેલોર વગેરે જેવી પુરાણી વાવોનો ટૂંકો પરિચય છે. તેમાં રાવ શ્રી ભારમલજી પહેલાના વખતમાં ઇસ ૧૬૩૨માં શેઠ ધનરાજે બંધાવેલી રામપર-સરવા રોડ પરની વાવ આશરે ૨૦૦ ફીટ ઊંડી છે!

    પુસ્તકમાં આ વાવ અંગેની માહિતીઓ જેવી કે, સ્થળનું ભૌગોલિક સ્થાન, સંકલિત કોઇ ઇતિહાસ જો હોય તો તેની જાણકારી; ધાર્મિક અથવા સામાજિક મહત્વ કથા, માન્યતા કે મહત્વ; કોઇ સાહિત્યિક કે ઐતિહાસિક જોડાણ વગેરે અંગેનો પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ વાવોની હાલની માહિતી જેવી કે જળસભર (જીવતી) છે કે સૂકી, ત્યજાયેલી છે કે ઉપયોગમાં; જીર્ણ અવસ્થા છે કે સાબૂત વગેરેનું વર્ણન છે. એ ઉપરાંત વાવોનાં અંદાજિત માપ, સાંકળતા શિલાલેખ ઉપલબ્ધ હોય તો તેનું સતસવીર વર્ણન છે. ક્યાંક ચિત્રોનો પણ ઉપયોગ છે. આજે વાવ ન હોય, પરંતુ જ્યાં એક સમયે વાવ- સેલોર હોય અને લોકગીતોમાં તેનો પડઘો પડતો હોય તો એના ઉલ્લેખ પુસ્તકને રસાળ બનાવે છે.

    પુસ્તકમાં વાંચવાથી જણાય છે કે મોટા ભાગે સાદી બાંધણી ધરાવતી સેલોરો છે, પરંતુ સાવ એવું નથી કે કોઇ નકશીકામ જ નથી. જેમ કે, ૩૫૦ વર્ષ પુરાણી બિદડાના પીપલેશ્વર મંદિરની સેલોરમાં ગણેશ, હનુમાનજીની પ્રતિમાઓ છે, તો મેકરણદાદાના જન્મસ્થળ તરીકે પ્રસિદ્ધ ખોંભડીની સેલોરમાં કેટલાંક શિલ્પસ્થાપત્યો જોવા મળે છે. પુસ્તક વાંચવાથી કેટલીક અચંબિત કરનારી માહિતીઓ પણ સાંપડે છે, જેમ કે કચ્છમાં ચોબારીમાં મોટો વિસ્તાર આવરી લેતી વિજયા પ્રકારની ચૌમુખી વાવ પણ છે. આશ્ચર્યમાં ગરકાવ કરી દે અન્ય બેલાની વણઝારી વાવ છે, જે ખડક કોતરીને બનાવેલી છે! ઉલ્લેખો છે કે વાવના પાણીથી માથાના વાળ ફરી ઉગે છે તથા ચામડીના રોગો મટી જાય છે..એમ પણ કહેવાય છે કે તેના પાણીમાં ક્યારેય જંતુ પડતાં નથી! આવી જ ચકિત કરનારી અન્ય વાવોમાં ગેડીની સેલોર, રતનપર (ખડીર)ની સેલોર,વાઘુરાના ફૂલેશ્વર મંદિરની વાવ, મહાતીર્થ નારાયણ સરોવરમાં (૪૦૦ વર્ષ જૂની) સીતા વાવ છે, જેમાં આજે પણ પાણી ઉપલબ્ધ છે.

    બે મુખ ધરાવતી માંડવીની ભદ્રા વાવ જેવી કેટલીકે એવી વાવો છે, જે તાજેતરના વર્ષોમાં નિર્માણ થયેલી છે. તેમાં માથકની વાવ તો હમણાં ૧૯૯૯માં નિર્માણ પામી હતી. આ નિર્માણકાર્યો કચ્છની પ્રજામાં રહેલા પરમાર્થના હેતુને સુપેરે પ્રતિબિંબિત કરે છે.

    કેટલાંક વર્ષ પહેલાં પાણીથી ભરી રહેતી અને આજે કોરીકટ રહેતી બિબ્બર સહિતની કેટલીક વાવોનાં વર્ણનોમાં લેખકનો ઝુરાપો જણાઇ આવે છે જે વાચકને પણ વ્યથિત કરે છે.

    પુસ્તકમાં છેલ્લે એવી સેલોરોની વિગતો અને ફોટા આપવામાં આવ્યા છે કે જેની કોઇ જાણકારી મળી શકી નથી. પરિણામે વાચક એ અધૂરપથી અવગત રહે છે અને ભવિષ્યમાં વધુ માહિતી ઉપલબ્ધ થાય તો ઉમેરણ કરી શકે છે.

    ◙                    ◙                      ◙

    વાવ સ્થાપત્ય એ ભારતે વિશ્વને આપેલી અનોખી ભેટ છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં અનેક વાવો જોવા મળે છે. રાજ્ય પુરાતન ખાતાના ભૂ.પૂ, નિયામક મુકુંદ રાવલે નોંધ્યું છે તે મુજબ ફક્ત ગુજરાતમાં જ વાવોની કુલ સંખ્યા ૨૦૦૦ કરતાં પણ છે. તમામ વાવોને આવરી લેતો કોઇ સંદર્ભ ગ્રંથ ઉપલબ્ધ નથી, ત્યારે કચ્છની જાણી અજાણી અનેક વાવો/ સેલોરો વિશેનો આ સુંદર અને માહિતીસભર ગ્રંથ છે. પુસ્તક વાંચવાથી તેના હાલ સુધી જારી રહેલા નિર્માણકાર્યથી ખાતરીપૂર્વક કહી શકાય કે કચ્છની સેલોરો ભલે અલંકૃત નથી, પણ તેમાં પરમાર્થના હીરાનું ગૌરવવંતુ જડતર અવશ્ય છે.

    *** * ***

    પુસ્તક અંગેની માહિતી:

    કચ્છધરાની વિસ્મૃત વિરાસત- સેલોર-વાવ સ્થાપત્ય : સંજય પી. ઠાકર

    પૃષ્ઠસંખ્યા : 334 | કિંમત : (અમૂલ્ય)

    આવૃત્તિ  પ્રથમ

    પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : રમણિક ઝાપડિયા, કલાતીર્થ ટ્રસ્ટ; ‘રંગ’ 18, ગજાનન સોસાયટી વિભાગ-3, ગજેરા સ્કૂલની સામે, કતારગામ, સુરત-395004 | સંપર્કઃ +91 98256 64161


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ # આડવાત (૧)

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    આડવાત (૧)

    નાણા અને સંપત્તિનાં મહત્ત્વની સમજ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.

    આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત અને # ૪.૪ માં રોકાણ એમ ચાર મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.

    એ પછી # ૪.૫માં ઉપાડની વાત કરતાં કરતાં આપણે થોડી આડવાત કરી લેવી જરૂરી જણાઈ. તે પેટે આજના મણકામાં આપણે નાણા અને સંપત્તિનાં મહત્ત્વની સમજ સ્પષ્ટ કરી લઈશું.

    નાણાનાં મહત્ત્વની સમજ 

    આપણી જરૂરિયાતના સમયે ઉપાડ તરીકે નાણાનું મહત્ત્વ છે.

    આજે, કે ભવિષ્યમાં, આપણી જરૂરિયાત ઊભી થાય ત્યારે તે માટેની ખરીદી કરવાનાં માધ્યમ તરીકે જ નાણાનું મહત્ત્વ છે.   મોટા ભાગે, આપણે સામાન્ય લોકો જ આ વાત ભૂલીએ છીએ એવું નથી. વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ પણ આ મૂળ મુદ્દાની વાત ભુલી જતાં હોય છે.

    સામાન્ય સંજોગોના સંદર્ભમાં, નાણા પણ બીજી બધી ચીજવસ્તુઓ જેવી જ એક જણસ છે. આપણી વ્યક્તિગત કક્ષાએ, જેમ વધુ નાણા આપણી પાસે હોય તેમ વધારે આવક, બચત કે રોકાણમાં તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ, વ્યાપક અર્થવ્યવસ્થાની કક્ષાએ નાણા અન્ય જણસો જેવી જ એક જણસ છે. વ્યાપક અર્થવ્યવસ્થાના સંદર્ભમાં, કોઈ પણ ચીજવસ્તુ કે સેવાની કિંમત તેની માંગ અને પુરવઠાની સ્થિતિ પર નિર્ભર કરે છે. વિનિમયનાં માધ્યમ તરીકે, તેની માંગના પ્રમાણમાં, લોકો પાસે જો વધારે નાણાનો પુરવઠો હોય તો નાણાની કિંમત ઘટે છે. ચીજવસ્તુઓની માંગની સરખામણીમાં જેમ જેમ ફાજલ નાણાની ઉપલબ્ધિ વધારે તેમ તેમ નાણાની સાપેક્ષ ખરીદ શક્તિ ઓછી. આ પરિસ્થિતિમાં પરિણામ એ આવે છે કે, આપણી વ્યક્તિગત કક્ષાએ પણ ફાજલ નાણાની વધારે ઉપલબ્ધિ આવક, બચત કે રોકાણની આપણી ક્ષમતામાં આપોઆપ જ વધારો કરી શકવા સામર્થ્યવાન નથી બની રહી શકતી.

    નાણાનું મહત્ત્વ ત્રણ દૄષ્ટિએ છેઃ એક, જો તેના વડે ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાય. બીજું, જો તે વધારાની આવક ઊભી કરવામાં મદદરૂપ બની શકે. અને ત્રીજું, આપણને જ્યારે જ્યારે જરૂર પડે, કે જ્યારે આપણે ઉપાડ કરવો હોય, ત્યારે તે પુરતી ખરીદ શક્તિ પુરી પાડવા સક્ષમ બની શકે.

    બીજા શબ્દોમાં કહીએ તોઃ

    ૧. ખર્ચ કરતી વખતે જો આપણને જો નાણા આપણને આજની જરૂરિયાત પુરી કરવા માટેની ખરીદી કરવામાં મદદરૂપ બની શકે તો જ નાણાનું મહત્ત્વ છે. આપણી ખરીદ શક્તિનો આધાર ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરવાની ક્ષમતા પર છે.

    ૨. બચત તરીકે નાણાનું મહત્ત્વ તો જ છે કે નાણાના ઉપયોગ કરવા માટે આપને જેને નાણા ધીરીએ તે આપણને વળતર આપી શકે, અથવા તો સંપત્તિ કે કોઈ અન્ય પ્રકારનાં રોકાણ કરવામાં એવી રીતે કામ આવે કે એ સંપત્તિ કે રોકાણ દ્વારા, કે પછી કોઇ બીજી પ્રવૃત્તિ દ્વારા આપણે વધારાની આવક ઊભી કરી શકીએ. ટુંકમાં, નાણાનું રોકાણ વધારે આવક રળી આપે તો જ તે કામનું.

    ૩. નાણાનું મહત્ત્વ તો જ છે જો રોકાણ કરેલ નાણાનો ઉપાડ કરતી વખતે આપણી જરૂરિયાત પુરી શકે એવી, અને એટલી, ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદીની ચુકવણી થઈ શકે. જેટલી આજે હોય તેટલી જ ખરીદ શક્તિ સમયની સાથે સાથે પણ એટલી ખરીદ શક્તિ જળવાઈ રહેવી જોઈએ; જેમ સમય જાય તેમ થતા ભાવ વધારાને કારણે નાણાની ખરીદ શક્તિ ઘટતી જતી હોય છે. ફુગાવાને કારણે થતા ભાવ વધારાને કારણે આજના સો રૂપિયામાં જેટલી ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરી શકાતી હોય એટલી માત્રામાં ભવિષ્યમાં ખરીદી કરવી શક્ય ન પણ બને.

    જો ખર્ચ કરવામાં, બચત કરવામાં કે પછી રોકાણ કરવામાં કામ ન આવવાનાં હોય તો પછી નાણાને પથારી હેઠળ સંઘરો કે મોંધી તિજોરીમાં સંધરો, તેનું કૉઈ મૂલ્ય નથી રહેતું. જો ભવિષ્યમાં ખરીદીઓની ચુકવણી કરવામાં, કે વધારાની આવક રળવામાં, તે ઉપયોગી નીવડવાનાં હોય તો જ સંગ્રહ કરેલાં નાણાં કામનાં

    સંપત્તિનાં મહત્ત્વની સમજ

    આપણી આજની જરૂરિયાતો પુરી કરવા માટેની ખરીદી કરી લીધા બાદ, કે પછી ભવિષ્યની જરૂરિયાતો પુરી કરી શકે એવી બચત કરી લીધા બાદ, જે નાણા ફાજલ રહે એ સંપત્તિ કહી શકાય.

    સંપત્તિ ઉપાર્જન એટલે જરૂર કરતાં વધારે નાણા કમાતાં રહેવું.

    સંપત્તિની જાળવણીનું સંચાલન  એટલે ફાજલ નાણાની એવી બચત, કે રોકાણ, જે ભવિષ્યની ખરીદ શક્તિના સંદર્ભમાં  નાણાનાં મૂલ્યના સંભવિત ક્ષયને ખાળી શકવામાં અસરકારક નીવડવું.

    સંપતિનું મૂલ્ય આપણે રોકાણ કરેલ નાણામાંથી ઉભી કરેલ અસ્કમાયતો પર નિર્ભર છે. એક જ સમયે ઊભી કરેલ સરખી સંપત્તિ, બે અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ અસ્કમાયતોમાં કરેલ રોકાણને પરિણામે, અલગ અલગ વળતર આપે તેવું બની શકે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે સંપત્તિનું મૂલ્ય ભૂતકાળમાં રોકાણ અંગેના નિર્ણયો પર આધાર રાખે છે. સંપત્તિનું સુચારૂ સંચાલન એને જ કહેવાય જે તેનાં ભાવિ મૂલ્યને, કમસેકમ,  જાળવી રાખવામાં, અને, આદર્શપણે તો, વધારી શકવામાં સક્ષમ નીવડે.

    હવે પછીના મણકામાં આપણે # ૪.૫માં ઉપાડની વાત કરી રહ્યા હતાં તેના સંદર્ભમાં ‘નાણાકીય સંપત્તિની ભ્રામકતા’ વિશે મહત્ત્વની આડવાત કરીશું.


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર’નાં અંગ્રેજી સંસ્કરણ The Economics of Life: A Guide to Personal Econmoics and Happiness   નું વિમોચન ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કરાયું.

    અંગ્રેજી સંસ્કરણ પોથી.કોમ અને એમેઝોન.ઇન પર મેળવી શકાય છે.

  • રેટ-હોલ માઈનર્સ : અસુરક્ષિત, ગેરકાનૂની, પ્રતિબંધિત છતાં તારણહાર

    નિસબત

    ચંદુ મહેરિયા

    મુન્ના કુરેશી, પરસાદીલાલ લોધી, હસન વકીલ, નાસિર ખાન, અંકુર, સૌરભ , જતીન કશ્યપ,  ઈરશાદ ખાન, ફિરોઝ કુરેશી, ભૂપેન્દ્ર રાજપૂત અને રાકેશ  : આ કેટલાંક એ નામ છે, જેમણે સિલ્ક્યારા સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા ૪૧ શ્રમિકોને જીવના જોખમે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    ચાર ધામ યાત્રાને વધુ સુગમ બનાવવા ૯૦૦ કિલોમીટરની એક પરિયોજનાનું કામ ચાલે છે. તેના એક હિસ્સા તરીકે ઉત્તરાખંડના ઉત્તરકાશી ક્ષેત્રમાં સિલ્ક્યારા અને બડકોટ  વચ્ચે ૪.૫ કિ.મી. લાંબી એક ટનલ બની રહી છે. તેના કારણે યમુનોત્રીનું અંતર ૨૦ કિ.મી.ઘટશે અને એક કલાક બચશે. આ નિર્માણાધીન સુરંગનો એક હિસ્સો અચાનક ધસી પડતાં તેમાં ૪૧ મજૂરો ફસાયા હતા. સત્તર દિવસના બચાવ કાર્યમાં મોંઘા, ભારે , આધુનિક અને વિદેશી મશીનો જ્યારે વિફળ જતાં લાગ્યા ત્યારે અંતે છેલ્લા બે દિવસોમાં પરંપરાગત ઓજારોથી કામ કરતા ૧૨ શ્રમિકોના એક જૂથને બચાવ કાર્યમાં જોડવામાં આવ્યું હતું. તેઓ છેલ્લું પંદરેક મીટરનું ખોદકામ વગર મશીને હાથથી કરીને ફસાયેલા શ્રમિકો સુધી પહોંચ્યા અને તેમને હેમખેમ બહાર કાઢ્યા. રેટ-હોલ માઈનર્સ તરીકે ઓળખાતા આ શ્રમિકો જે ખનન કામ કરે છે તેને રેટ-હોલ માઈનિંગ કહેવામાં આવે છે. તે પર્યાવરણને ભારે નુકસાનકારક છે, શ્રમિકો માટે અસુરક્ષિત છે, એટલે ગેરકાયદે અને પ્રતિબંધિત છે. પરંતુ સિલ્ક્યારા સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા શ્રમિકો માટે તે તારણહાર બન્યા હતા.

    રેટ-હોલ માઈનર્સ એટલે એવા ખાણિયા જે ખાણમાં ઉંદરના દરની જેમ છીછરી કે ઓછી જગ્યામાં ઢાળ પર કે આડુ ખોદકામ કરે છે. ઉંદર દર ખોદતા જાય અને માટી પાછળ નાંખતા જાય એમ આ શ્રમિકો પણ અતિ સાંકડી જગ્યામાં ઉભા તો ઠીક બેસી પણ ના શકાય એટલે ઢસડાતા ઢસડાતા, ઘૂંટણભેર  કે પેટે સૂઈને કામ કરે છે. પાવડો, કોદાળી, તગારા, ટોપલા જેવા પરંપરાગત, પણ નાની સાઈઝના ઓજારોથી માટી, પથ્થર , ખડકને હાથેથી ખોદવાનું કામ તે કરે છે.

    ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેમાંય ખાસ કરીને મેઘાલયની પહાડીઓમાં આવેલી કોલસાની ખાણોમાં કોલસો કાઢવાનું કપરું કામ રેટ-હોલ માઈનિંગ દ્વારા કરવામાં આવે છે. આફ્રિકાના દેશોમાં ખાણના ખોદકામની આ પધ્ધતિ સાવ સામાન્ય છે. મેઘાલયની કોલસાની ખાણોમાં કોલસાનો થર અત્યંત પાતળો હોય છે એટલે ત્યાં આ પધ્ધતિનો ઉપયોગ થાય છે. ખાણિયાઓ ૩ થી ૪ ફૂટ ઉંડે ખોદે છે, નાના ખાડા પાડે છે. પછી જ્યારે તે કોલસાની નજીક પહોંચે છે ત્યારે શરીરે દુબળા- પાતળા પુખ્ત ખાણિયા કે નાના બાળકોને અંદર મોકલીને કોલસો કાઢવામાં આવે છે.  આ કામ તેઓ દોરડા, રસીઓ  કે જાતે બનાવેલી વાંસની સીડી દ્વારા કરે છે.

    અતિ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં લગભગ કોઈ જ સુરક્ષા સાધનો વિના કોલસાની ખાણમાં આ ખાણિયા કામ કરે છે. ખાણોમાં હવા-ઉજાસના અભાવે શ્વાસ લેવો કે એક કલાકથી વધુ કામ કરવું મુશ્કેલ હોય છે એટલે વારાફરતી કામ કરે છે. ખાણકામ દરમિયાન તેઓ કોલસાની ધૂળ અને મિથેન ગેસ જેવા હાનિકારક પદાર્થોના સંપર્કમાં આવે છે. તેના કારણે તેમના  આરોગ્યને હાનિકારક અસર થાય છે અને શ્વસન સંબંધી સમસ્યાઓનો ભોગ બને છે. ખાણ ધસી પડવાના અને ખાણમાં પાણી ભરાઈ જવાના અકસ્માતો ઘણી વાર બને છે. આ પ્રકારના અકસ્માતોમાં ખાણિયાઓના મોત તો થાય જ છે પણ તેમના મૃતદેહ પણ હાથ લાગતા નથી.

    ૨૦૧૧-૧૨ના વરસમાં એકલા મેઘાલયમાં દસ મિલિયન ટન કોલસાનું ઉત્પાદન રેટ-હોલ માઈનિંગથી કરવામાં આવ્યું હતું. ૨૦૦૭ થી ૨૦૧૪ના વરસો દરમિયાન દેશમાં ૧૦ થી ૧૫ હજાર ખાણિયાઓના મોત થયા હતા. એટલે  કામકાજની અમાનવીય સ્થિતિ અને જીવનું જોખમ છતાં રોજગારીના અભાવે આ કામ કરવું પડે છે. સિલ્ક્યારા બચાવ દળમાં સામેલ રેટ-હોલ માઈનર્સના નામો વાંચતા જણાય છે કે તેઓ આદિવાસી, દલિત, પછાત, લઘુમતી  અને ગરીબ વર્ગમાંથી આવે છે. ૧૨ રેટ-હોલ માઈનર્સમાંથી ૬ દિલ્હીના ખજૂરી ખાસમાં જે સ્થિતિમાં રહે છે, તે ટી.વી પડદે નજરે જોનારને તેમની સામાજિક-આર્થિક સ્થિતિ અને નજીવા મહેનતાણાનો ખ્યાલ આવ્યો હશે. તેમની મહેનતથી દલાલો અને વચેટિયાઓ માલામાલ થાય છે.

    ૨૦૧૪માં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે રેટ-હોલ માઈનિંગને કામદારો માટે અસુરક્ષિત, અવૈજ્ઞાનિક અને પર્યાવરણનો વિનાશ કરનાર ગણાવી,  કરોડોના દંડ સાથે ગેરકાયદેસર ઠરાવી, પ્રતિબંધિત કરેલ હતી. આ પધ્ધતિથી ખનન કરવાથી નદીઓના પાણીમાં એસિડનું પ્રમાણ વધે છે. જળ વિધ્યુત પરિયોજના અને બંધોની મશીનરી ખરાબ થઈ જાય છે. મેઘાલયમાં ખાનગી કંપનીઓ,  વ્યક્તિગત અને સામૂહિક ધોરણે થતાં ખનનમાં હજુ પણ આ પ્રથા સક્રિય છે. મેઘાલય સરકારે એનજીટીના હુકમને પડકારતાં સુપ્રીમ કોર્ટે દંડની  સજા ચાલુ રાખી રાજ્યના કાયદાઓને અનુસરીને રેટ-હોલ માઈનિંગને કેટલાક કિસ્સાઓમાં મંજૂરી આપી હતી.

    સિલ્ક્યારામાં હાઈટેક ઈમ્પોર્ટેડ મશીનો કે ઓગર ડ્રિલિંગ મશીન જેવું પરિષ્કૃત ઉપકરણ કામ ના લાગ્યું ત્યારે સુરંગ ખોદકામમાં કુશળ, પ્રતિભાશાળી, અનુભવી   અને સક્ષમ એવા રેટ-હોલ માઈનર્સ ખપમાં આવ્યા હતા.  ૨૬ કલાકની મહેનત પછી તેઓ જ્યારે ફસાયેલા ૪૧ શ્રમિકો સુધી પહોંચ્યા ત્યારે સર્વત્ર તેમનો જયજયકાર થઈ ગયો હતો. ઉત્તરાખંડ અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ તેમની મુલાકાત લઈને સન્માનિત કર્યા હતા. વડાપ્રધાને પણ તેમના કામના વખાણ કર્યા હતા. સમાચાર ચેનલો પર જ નહીં મનોરંજન ચેનલો પર પણ એ જોવા મળ્યા હતા.

    પરંતુ આ ગુમનામ નાયકો તે પછી ફરી તેમની બદતર જિંદગીમાં જોતરાઈ ગયા હશે. ગેરકાયદે કોલસો કાઢનારા  અને તંત્રની મિલીભગતમાં તેમના શોષણનો  વિરોધ દબાઈ ગયો છે કે ભૂલાઈ ગયો છે. તેમની વીર નાયકની છબી વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. ચારધામ યાત્રીઓની સગવડ માટે બનનારી પરિયોજનામાં હજુ કંઈક ગરીબોના ભોગ લેવાતા રહેશે. એટલે આપણે કોઈ નવી ખાણ કે સુરંગ દુર્ઘટના સર્જાય  ત્યાં સુધી શ્રમિકો પ્રત્યેની દયા અને સહાનુભૂતિના આંસુ સાચવી રાખીએ.


    પેટા નોંધ:

    રેટ-હોલ માઈનિંગ અવૈજ્ઞાનિક, પર્યાવરણનો વિનાશ કરનાર અને કામદારો માટે અસુરક્ષિત  હોઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે તેને કરોડોના દંડ સાથે ગેરકાયદેસર ઠરાવી પ્રતિબંધિત કરેલ હતી.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • વૈશ્વિક કાળ ગણના

    ચિરાગ પટેલ

    મનુસ્મૃતિ, વિવિધ પુરાણો, સૂર્ય સિદ્ધાંત, ભગવદ્ ગીતા આદિ ગ્રંથોના આધારે આપણે ચાર યુગોની કાળગણના જોઈએ. આ લેખ સંખ્યાઓ અને ગણતરીઓથી ભરપૂર છે, એટલે જેમને ગણિત પ્રત્યે આભડછેટ હોય તેઓ સીધા છેલ્લા ખંડ પર કૂદકો મારે અને ઉલ્ટા ક્રમમાં લેખ વાંચે!

    ચાર યુગ કે ચતુર્યુગ એટલે સતયુગ કે કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. આવા ૭૧ ચતુર્યુગ મળીને એક મન્વંતર બને. એક મન્વંતરમાં ૧૨ હજાર દેવ વર્ષ હોય છે. ૧૪ મન્વંતરો તથા એક મન્વંતર સંધ્યાથી એક કલ્પ બને છે. એક મન્વંતર સંધ્યા એક સત્ યુગ જેટલી હોય છે. એક કલ્પ એટલે ભગવાન બ્રહ્માનો એક દિવસ જેમાં લગભગ એક સહસ્ત્ર ચતુર્યુગ હોય છે. ભગવાન બ્રહ્માનું આયુષ્ય ૩૬૦ કલ્પનાં બનેલા એક વર્ષ જેવા ૧૦૦ વર્ષોનું કહેવાય છે, જેને પર કે મહા કલ્પ પણ કહે છે. (આ ગણતરીમાં એક સુધારો મારા અવલોકન પ્રમાણે આગળ હું સૂચવીશ.) એક પરાર્ધ એટલે ભગવાન બ્રહ્માના ૫૦ વર્ષ. ભગવાન બ્રહ્માના દિવસમાં જીવ સૃષ્ટિ વ્યક્ત થાય છે અને તેમની રાત્રિમાં અવ્યક્ત રહે છે. અર્થાત્ ભગવાન બ્રહ્મના ૧ દિન જેટલાં સમય સુધી જીવ સૃષ્ટિનું અસ્તિત્વ હોય છે અને ૧ રાત્રિ સુધી જીવ સૃષ્ટિ અવ્યક્ત રહે છે. પુનઃ નવી જીવ સૃષ્ટિ વ્યક્ત થાય છે અને આમ સૃષ્ટિનું ચક્ર ચાલતું રહે છે. મહાકલ્પ અર્થાત્ બ્રહ્માના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં મહાપ્રલય થાય છે અને બ્રહ્માંડનો અંત થાય છે. અને, નવા બ્રહ્માંડનું બીજ રહી જાય છે. બ્રહ્માના અન્ય ૧૦૦ વર્ષ સુધી એ બીજ નિષ્ક્રિય રહે છે. અને, નવા બ્રહ્માની ઉત્પત્તિ સાથે નવું બ્રહ્માંડ આકાર લેતું જાય છે.

    એક દેવ વર્ષમાં ૩૬૦ દેવ દિવસ હોય છે. એક દેવ દિવસ એટલે મનુષ્યોના છ માસનો દિન અને છ માસની રાત્રિ એટલે કે, એક દેવ દિવસ એક મનુષ્ય વર્ષ જેટલો હોય છે. ૧૨,૦૦૦ દેવ વર્ષમાં ૪,૦૦૦ દેવ વર્ષ સત્ યુગ ૪૦૦ દેવ વર્ષ આરંભ સંધ્યા અને ૪૦૦ દેવ વર્ષ અંત સંધ્યા હોય છે. એ જ પ્રમાણે, ત્રેતા યુગના દેવ વર્ષો ૩૦૦ + ૩,૦૦૦ + ૩૦૦ = ૩,૬૦૦ હોય છે. દ્વાપર યુગના દેવ વર્ષો ૨૦૦ + ૨,૦૦૦ + ૨૦૦ = ૨,૪૦૦ હોય છે. કલિ યુગના દેવ વર્ષો ૧૦૦ + ૧,૦૦૦ + ૧૦૦ હોય છે. પ્રત્યેક સંખ્યાને ૭૧ વડે ભાગવાથી એક ચતુર્યુગના વર્ષ મળે છે, કારણ કે ૧ મન્વંતરમાં ૭૧ ચતુર્યુગ હોય છે. એ પ્રમાણે એક ચતુર્યુગ ૬૦,૮૪૫.૦૬૮૮ માનવ વર્ષનો છે.

    પ્રત્યેક યુગનો આરંભ દિન નિશ્ચિત હોય છે.

    સત્ યુગ -> વૈશાખ શુક્લ તૃતીયા
    ત્રેતા યુગ -> કાર્તિક શુક્લ નવમી
    દ્વાપર યુગ -> ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશી
    કલિ યુગ -> માઘ પૂર્ણિમા

    પ્રત્યેક મન્વંતરમાં બ્રહ્મા મનુની ઉત્પત્તિ કરે છે જે અન્ય સર્વે પ્રાણીઓનું સંવર્ધન કરે છે. જે-તે મનુના નામ પર મન્વંતર ઓળખાય છે. પ્રત્યેક મન્વંતરમાં મનુષ્યોની આકૃતિ ભિન્ન હોય છે. જેમ કે, ચાક્ષુસ મન્વંતરમાં મનુષ્યો વર્તમાન વૈવસ્વત મન્વંતરના બિલાડી કુળના પ્રાણીઓ જેવાં હતાં. પ્રત્યેક મન્વંતરના નિર્ધારિત સપ્તર્ષિ હોય છે. મન્વંતરના નામ અને સપ્તર્ષિઓ જોઈએ.

    ૧. સ્વાયંભૂવ – મરીચિ, અત્રિ, અંગિરસ, પુલહ, ક્રતુ, પુલસ્ત્ય, વસિષ્ઠ
    ૨. સ્વરોચિષ – ઉર્જા, સ્તમ્ભ, પ્રાણ, દત્તોલી, ઋષભ, નિશ્ચર, અર્વરિવત / ઉર્જા, સ્તમ્ભ, પ્રાણ, વાત, પૃષવ, નિરાય, પરિવન
    ૩. ઉત્તમ – કૌકુનિધિ, કુરુનધિ, દલય, સાંખ, પ્રવાહિત, મિત, સમ્મિત
    ૪. તામસ – જ્યોતિર્ધામ, પૃથુ, કાવ્ય, ચૈત્ર, અગ્નિ, વાનક, પિવર
    ૫. રૈવત – હિરણ્યોર્મા, વેદશ્રી, ઉર્ધ્ધબાહુ, વેદબાહુ, સુધામન, પર્જન્ય, મહામુનિ
    ૬. ચાક્ષુસ – સુમેધસ, હવિશ્મત, ઉત્તમ, મધુ, અભિનમન, સહિષ્ણુ / સુમેધ, વિરાજ, હવિશ્મન, ઉત્તર, મધુ, સહિષ્ણુ, અતિનામ
    ૭. વૈવસ્વત (વર્તમાન મન્વંતર) – વસિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, જમદગ્નિ, ભરદ્વાજ, કશ્યપ, ગોતમ
    ૮. સૂર્ય સાવર્ણ / સાવર્ણિ – દિપ્તિમત, ગાલવ, પરશુરામ, કૃપ, દ્રોણી (અશ્વત્થામા), વ્યાસ, ઋષ્યશૃંગ
    ૯. દક્ષ સાવર્ણ – સાવન, દ્યુતિમત, ભવ્ય, વસુ, મેધાતિથી, જ્યોતિષ્માન, સત્ય
    ૧૦. બ્રહ્મ સાવર્ણ – હવિષ્માન, સુકૃતિ, સત્ય, અપમ્મૂર્તિ, નભગ, અપ્રતિમૌજસ, સત્યકેતુ
    ૧૧. ધર્મ સાવર્ણ – નિશ્ચર, અગ્નિતેજસ, વપુષ્માન, વિષ્ણુ, અરુણી, હવિષ્માન, અનઘ
    ૧૨. રુદ્ર સાવર્ણ – તપસ્વી, સુતપસ્, તપોમૂર્તિ, તપોરતિ, તપોધૃતિ, તપોદ્યુતિ, તપોધન
    ૧૩. રોચમાન / દેવ સાવર્ણ – નિર્મોહ, તત્વદર્શિન્, નિશપ્રકંપ, નિરુત્સૂક, ધૃતિમત, અવ્યય, સુતપસ્
    ૧૪. ભૌતય / ઇન્દ્ર સાવર્ણ – અગ્નિબ્સુ, સૂચિ, ઔક્ર, મગધ, ગૃધ્ર, યુક્ત, અજીત

    ત્રીસ કલ્પ દિવસ અર્થાત બ્રહ્માના એક માસના પ્રત્યેક દિવસનું નામ: ૧) શ્વેતવારાહ (વર્તમાન કલ્પ) ૨) નીલલોહિત ૩) વામદેવ ૪) રથન્તર ૫) રૌરવ ૬) દેવ ૭) બૃહત્ ૮) કંદર્પ ૯) સદ્ય ૧૦) ઈશાન ૧૧) તમઃ ૧૨) સારસ્વત ૧૩) ઉદાન ૧૪) ગારુડ ૧૫) કૌર્મ ૧૬) નારસિંહ ૧૭) સમાન ૧૮) આજ્ઞેય ૧૯) સોમ ૨૦) માનવ ૨૧) તત્પુમાન્ ૨૨) વૈકુંઠ ૨૩) લક્ષ્મી ૨૪) સાવિત્રી ૨૫) અઘોર ૨૬) વારાહ ૨૭) વૈરજ ૨૮) ગૌરી ૨૯) માહેશ્વર ૩૦) પિતૃ.

    મનુષ્યના વર્ષ સૂર્યની ગતિ પર આધારિત છે, એવા ૧૨ વર્ષના સમયગાળાને બૃહસ્પતિ (ગુરુ ગ્રહ)નું એક ચક્ર કહે છે. આવા પાંચ બૃહસ્પતિ ચક્ર વર્ષો એટલે કે ૬૦ વર્ષોનાં ચક્રને સંવત્સર ચક્ર કહે છે. એ પ્રમાણે સંવત્સર (સૂર્ય વર્ષ)ના નામ: ૧) પ્રભવ ૨) વિભવ ૩) શુક્લ ૪) પ્રમોદૂત ૫) પ્રજાપતિ ૬) આંગિરસ ૭) શ્રીમુખ ૮) ભવ ૯) યુવ ૧૦) ધાતુ ૧૧) ઈશ્વર ૧૨) બહુદાન્ય ૧૩) પ્રમાદી ૧૪) વિક્રમ ૧૫) વિશુ ૧૬) ચિત્રભાનુ ૧૭) સુભાનુ ૧૮) ધારણા ૧૯) પાર્થિભ ૨૦) વિય ૨૧) સર્વજિત ૨૨) સર્વાધારી ૨૩) વિરોધી ૨૪) વિકૃતિ ૨૫) કર ૨૬) નંદન ૨૭) વિજય ૨૮) જય ૨૯) મન્મથ ૩૦) દુર્મખી ૩૧) હેવિલમ્બી ૩૨) વિલમ્બી ૩૩) વિકારી ૩૪) શરવારી ૩૫) પ્લવ ૩૬) શુભકૃતુ ૩૭) શોભકૃતુ ૩૮) ક્રોધી (સન ૨૦૨૪નું વર્ષ) ૩૯) વિશ્વાવસુ ૪૦) પરાભવ ૪૧) પ્લવઙગ ૪૨) કીલક ૪૩) સૌમ્ય ૪૪) સાધારણ ૪૫) વિરોધિકૃતુ ૪૬) પરિધાબી ૪૭) પ્રમાદીચ ૪૮) આનંદ ૪૯) રાક્ષસ ૫૦) નલ ૫૧) પિંગલ ૫૨) કાલયુક્તિ ૫૩) સિદ્ધાર્થી ૫૪) રૌદ્રી ૫૫) દુર્મતિ ૫૬) દુંદુભિ ૫૭) રુધિરોદ્ ગારી ૫૮) રકતાક્ષી ૫૯) ક્રોધન ૬૦) અક્ષય.

    શસ્ત્રો પરથી હવે આધુનિક વિજ્ઞાન પર કૂદકો મારીએ. વર્તમાનમાં પૃથ્વીની ધરી ૨૩.૫ અંશ નમેલી છે, પરંતુ એ નમન ૨૨.૧ અંશ અને ૨૪.૫ અંશ વચ્ચે પરિવર્તન પામતું હોય છે. આ પરિવર્તનનું ચક્ર આશરે ૪૧,૦૦૦ માનવ વર્ષનું છે. આ પરિવર્તન પૃથ્વી પરના ઋતુઓનો અવધિ બદલે છે. જેમ કે, ૩ મહિનાની વસંત ઋતુને બદલે એ ૨ મહિનાથી લઈને ૪ મહિના સુધીની થાય છે. વળી, પૃથ્વીની ધરી સ્થિર નથી. એ ભમરડાંની ધરીની જેમ એક વર્તુળમાં ચકરાવો લે છે. એક ચકરાવો પૂર્ણ થતાં આશરે ૨૫,૭૭૨ વર્ષ લાગે છે. ધરીનું ગમન ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર દેખાતાં આકાશમાં પરિવર્તન લાવે છે. એક ચોક્કસ વર્તુળમાં ધ્રુવનો તારો, સપ્તર્ષિ મંડળ ઇત્યાદિ ચકરાવો લે છે. ધ્રુવના તારાનું સ્થાન અન્ય કોઈ તારો લઈ લે છે. અન્ય એક પરિવર્તનમાં, ઋતુ ચક્ર પ્રત્યેક વર્ષે આશરે ૨૦ મિનિટ જેટલું વહેલું થતું જાય છે. જેમ કે, ભારત દેશમાં વસંત ઋતુ વર્તમાનમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં આવે છે. જ્યારે, ૫,૦૦૦ વર્ષ પહેલા ભારતમાં વસંત ઋતુ સપ્ટેમ્બર/ઓકટોબર મહિનામાં હતી. ધરીનું આવું એક સંપૂર્ણ ગમન પૂરું થઈને મૂળ સ્થાન પર આવતા ૨૫,૭૭૨ વર્ષ લાગે છે. મનુષ્ય અનુભવી શકે એવું આ ભૌગોલિક પરિવર્તન છે. એક આડવાત. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પોતાને વર્ષના મહિનાઓમાં માર્ગશીર્ષ (માગશર) અને ઋતુઓમાં વસંત ઓળખાવે છે. એ રીતે જોતાં, આશરે ૫,૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં વસંત ઋતુ માગશર માસમાં આવતી હતી! એટલે કે, શ્રીકૃષ્ણ એટલાં વર્ષો પૂર્વે ભારતમાં સદેહે હતાં.

    છઠ્ઠી સદીમાં થઈ ગયેલા શ્રી વિષ્ણુચંદ્રે કરેલી ગણતરી પ્રમાણે ૧ કલ્પમાં ધરીના ૧,૮૯,૪૧૧ નમન પરિવર્તન ચક્ર હોય છે. તેમના પછી થયેલા શ્રી ભાસ્કર-૧ની ગણતરી પ્રમાણે ૧,૯૪,૧૧૦ ચક્ર હોય છે. બારમી સદીમાં થયેલા શ્રી ભાસ્કર-૨ ૧,૯૯,૬૯૯ ચક્ર જણાવે છે. આ આંકડાઓનો તાળો આધુનિક ગણતરીમાં મળતો નથી.

    હવે, આધુનિક વિજ્ઞાન પ્રમાણે અમુક આંકડા જોઈએ. ગણતરી માટે પૃથ્વીનું માનવ વર્ષ એકમ રૂપે લીધેલું છે.

    બ્રહ્માંડની વય = આશરે ૧૩ અબજ ૮૧.૩ કરોડ વર્ષ
    આકાશ ગંગાની વય = આશરે ૧૨ અબજ ૧૫ કરોડ વર્ષ
    સૂર્યની વય = આશરે ૪ અબજ ૬૦ કરોડ વર્ષ
    પૃથ્વીની વય = આશરે ૪ અબજ ૫૪ કરોડ વર્ષ

    મંદાકિની આકાશ ગંગા (Milky Way) અને દેવયાની આકાશ ગંગા (Andromeda)નું મિલન = આશરે ૬ અબજ ૭૫ કરોડ વર્ષ પછી

    સૂર્યમંડળને આકાશ ગંગાના કેન્દ્રનું પરિભ્રમણ કરતાં લાગતો સમય = આશરે ૨૨ કરોડ ૫૦ લાખ વર્ષ જેને મંદાકિની વર્ષ (galactic year) કહે છે.

    સૂર્યમંડળનું આકાશ ગંગા કેન્દ્રથી અંતર = આશરે ૨૫ હજાર પ્રકાશ વર્ષ

    પૃથ્વીની ધરીનું નમન ચક્ર ૨૫,૭૭૨ વર્ષ છે જ્યારે શાસ્ત્રીય ચતુર્યુગ ૬૦,૮૪૫.૦૬૮૮ માનવ વર્ષનો છે. શ્રી યુકતેશ્વર જેવા ઘણાં વિદ્વાનો એવું માને છે કે, એક ચતુર્યુગ ચક્રમાં સત્ -> ત્રેતા -> દ્વાપર -> કલિ -> કલિ -> દ્વાપર -> ત્રેતા -> સત્ એવી રીતે યુગ પરિવર્તન થતાં હોય છે.  તો તાળો કઈક આ પ્રમાણે બેસે છે.

    ૧ નમન ચક્ર = ૨૫,૭૭૨ વર્ષ
    ૧ આધુનિક ચતુર્યુગ ચક્ર = ઊતરતો ચતુર્યુગ અને ચઢતો ચતુર્યુગ = ૫૧,૫૪૪ વર્ષ

    વળી, આમાં ૨૦% યુગસંધિ એટલે કે ૧૦% આરંભ સંધ્યા અને ૧૦% અંત સંધ્યાન્શ ઉમેરણ કરીએ તો વર્ષ થાય ૬૧,૮૫૨.૮! પૃથ્વીની ધરીનું નમન ચક્ર પણ વધ-ઘટ થતું હોય છે (૨૩,૦૦૦ વર્ષથી લઈને ૬૯,૦૦૦ વર્ષ) એટલે આપણે આ આંકડો ચતુર્યુગ માટે લઈ શકીએ. સંધિના વર્ષ ક્યારે ઉમેરવા એ અંગે ચોક્કસ નિર્દેશ મળતો નથી. આપણે એવું માની શકીએ કે એક ચતુર્યુગ પૂરો થાય પછી સંધિના વર્ષો ઉમેરવા જોઈએ. કોઈ નિશ્ચિત ખગોળીય કે ભૌગોલિક ઘટનાનું ચક્ર એની સાથે બંધ બેસતું દેખાતું નથી. કદાચ હિમ યુગ (ice age) હોઈ શકે. પણ, મને એ માટે નક્કર માહિતી મળી નથી.

    આપણી આકાશ ગંગાની વયને સૂર્યમંડળના આકાશગંગા ફરતે લગતા પરિભ્રમણ વર્ષ વડે ભાગાકાર કરીએ (૧૨,૧૫,૦૦,૦૦,૦૦૦ / ૨૨,૫૦,૦૦,૦૦૦) તો આંકડો આવે છે ૫૪. આ અંક શાસ્ત્રો પ્રમાણે બ્રહ્માની વય જે બ્રહ્માનું આયુષ્યનું ૫૧મું વર્ષ ગણાવે છે એને મળતો આવે છે. એટલે, સૂર્યમંડળનું આકાશગંગા ફરતે પરિભ્રમણ એ બ્રહ્માનું એક વર્ષ ગણી શકાય. એ પ્રમાણે, સૂર્યની વય ૪૬૦ કરોડ વર્ષ છે એટલે કે ૨૦.૪૪ મંદાકિની વર્ષ. અને, પૃથ્વીની વય ૪૫૪ કરોડ વર્ષ એટલે ૨૦.૧૮ મંદાકિની વર્ષ.

    બ્રહમાના એક દિવસમાં જીવસૃષ્ટિ વ્યક્ત થાય છે અને એક રાત્રિમાં અવ્યક્ત રહે છે. પૃથ્વી પર પ્રત્યેક ૨.૬ કરોડથી ૩ કરોડ વર્ષે સામૂહિક જૈવ વિનાશ (mass extinction) થતો હોય છે. જૈવ વિનાશ પછી પૃથ્વી પર પુનઃ જીવ સૃષ્ટિનું વૈવિધ્ય પહેલા જેવુ થતાં ૧.૫ કરોડથી ૩ કરોડ વર્ષ લાગે છે. આશરે ૬ કરોડ ૨૦ લાખ વર્ષનું આ ચક્ર છે એમ વૈજ્ઞાનિકો જણાવે છે. આ આંકડાને ચતુર્યુગ (૬૧,૮૫૨.૮) વડે ભાગીએ તો મળે છે લગભગ ૧,૦૦૨.૩૮! એક કલ્પમાં લગભગ એક સહસ્ર ચતુર્યુગ હોવાનું કહેવાય છે. એટલે, આ સામૂહિક જૈવ વિનાશના સમયગાળાને આપણે એક કલ્પ ગણીએ એ યોગ્ય લાગે છે.

    એક મન્વંતર ૧૨,૦૦૦ દેવ વર્ષ અને ૭૧ ચતુર્યુગથી બને છે. ૧૨,૦૦૦ દેવ વર્ષના ૩૬૫.૨૬ લેખે ૪૩,૮૩,૧૨૦ મનુષ્ય વર્ષ થાય છે. એને ચતુર્યુગ ૬૧,૮૫૨.૮ વડે ભાગતા ૭૦.૮૬ આવે એટલે એ રીતે મન્વંતરના વર્ષો યોગ્ય લાગે છે. એક કલ્પ (૬.૨૦ કરોડ)મા એ રીતે ૧૪.૧૪ મન્વંતર થાય છે. આ આંકડો પણ શાસ્ત્ર સિદ્ધ ૧૪ મન્વંતર અને એક મન્વંતર સંધ્યા એમ એક કલ્પના સમીકરણને મળતો આવે છે.

    હવે, બ્રહ્માનું એક વર્ષ મારી દૃષ્ટિએ શાસ્ત્રો કરતાં ભિન્ન કેવી રીતે છે એ જોઈએ. બ્રહ્માના એક વર્ષ (૨૨.૫ કરોડ)માં ૩.૬૩ કલ્પ અને ૫૧.૩૩ મન્વંતર આવે છે. એ પ્રમાણે જો ૩૬૦ કલ્પનું બ્રહ્માનું આયુષ્ય ગણીએ, તો ૫૪ (બ્રહ્માની વય) x ૩.૬૩ = ૧૯૬.૦૨ કલ્પ પૂર્ણ થયા અને ૧૬૩.૯૮ કલ્પ જેટલું આયુષ્ય બાકી કહેવાય. એટલે કે, ૧૦ અબજ ૩૫ કરોડ વર્ષ પછી આકાશ ગંગા નહીં હોય. આધુનિક વિજ્ઞાન ૬ અબજ ૭૫ કરોડ વર્ષ પછી મંદાકિની આકાશ ગંગા અને દેવયાની આકાશ ગંગા એકબીજામાં ભળી જશે એમ જણાવે છે. એટલે, ૩૬૦ કલ્પનું બ્રહ્માનું આયુષ્ય આપણે માની શકીએ. એટલે, બ્રહ્માનું એક વર્ષ એ ૩૬૦ કલ્પનું નહીં પણ ૩.૬૦ કલ્પનું હોવું જોઈએ.

    પ્રત્યેક મન્વંતરમાં સપ્તર્ષિ મંડળ ભિન્ન હોય છે. એટલે, આપણે અનુમાન કરી શકીએ કે એવું પણ કોઈ મન્વંતર રૂપ ચક્ર છે જે અમુક નિયત સમયે પુનરાવર્તન પામે છે. આપણી ગણતરીમાં ૨૨.૫ કરોડના મંદાકિની વર્ષના પરિઘનું એક વર્તુળ ગણીએ તો એક મન્વંતરને એ વર્તુળનો ૭.૦૧૨૯૯૨ અંશનો વક્ર મળે છે. એટલે, આવ્યા પ્રત્યેક વક્રમાં સપ્તર્ષિઓનું મંડળ પરિવર્તન પામતું હશે.

    શાસ્ત્રોમાં વર્ણવાયેલ કાળ ગણના અને આધુનિક વિજ્ઞાનની વૈશ્વિક સારણીને એકસાથે જોઈએ.

      શાસ્ત્રીય (મનુષ્ય વર્ષ) આધુનિક(મનુષ્ય વર્ષ)
    ચતુર્યુગ (ઋતુ પરિવર્તન/ધરી નમન ચક્ર) ૬૦,૮૪૫.૦૭ ૬૧,૮૫૨.૮
    દેવ વર્ષ ૩૬૦ ૩૬૫.૨૬
    કુલ સત્ યુગ (૪૦% મન્વંતર) ૧૭,૨૮,૦૦૦ (૪૦૦+૪,૦૦૦+૪,૦૦) ૧૭,૫૩,૨૪૮
    કુલ ત્રેતા યુગ (૩૦% મન્વંતર) ૧૨,૯૬,૦૦૦ (૩૦૦+૩,૦૦૦+૩૦૦) ૧૩,૧૪,૯૩૬
    કુલ દ્વાપર યુગ (૨૦% મન્વંતર) ૮,૬૪,૦૦૦ (૨૦૦+૨,૦૦૦+૨૦૦) ૮,૭૬,૬૨૪
    કુલ કલિ યુગ (૧૦% મન્વંતર) ૪,૩૨,૦૦૦ (૧૦૦+૧,૦૦૦+૧૦૦) ૪,૩૮,૩૧૨
    એક સત્ યુગ ૨૦,૨૮૧.૬૯ (૪૦% ચતુર્યુગ/૧.૨) ૧૦,૩૦૮.૮ (x ૨)
    એક ત્રેતા યુગ ૧૫,૨૧૧.૨૭ (૩૦% ચતુર્યુગ/૧.૨) ૭,૭૩૧.૬ (x ૨)
    એક દ્વાપર યુગ ૧૦,૧૪૦.૮૫ (૨૦% ચતુર્યુગ/૧.૨) ૫,૧૫૪.૪ (x ૨)
    એક કલિ યુગ ૫,૦૭૦.૪૨ (૧૦% ચતુર્યુગ/૧.૨) ૨,૫૭૭.૨ (x ૨)
    મન્વંતર સંધ્યા (૧ સત્ યુગ) ૨૦,૨૮૧.૬૯ ૨૦,૬૧૭.૬
    મન્વંતર (૧૨,૦૦૦ દેવ વર્ષ/સપ્તર્ષિ મંડળ પરિવર્તન ચક્ર) ૪૩,૨૦,૦૦૦ (૭૧ ચતુર્યુગ) ૪૩,૮૩,૧૨૦ (૭૦.૮૬ ચતુર્યુગ)
    લ્પ (બ્રહ્મા દિવસ) (સામૂહિક જૈવ વિનાશ ચક્ર) ૬ કરોડ ૨૦ લાખ વિજ્ઞાન પ્રમાણે ૬,૦૫,૦૦,૨૮૧.૬૯ (૧૪ મન્વંતર + ૧ મન્વંતર સંધ્યા) ૬,૧૩,૮૪,૨૯૭.૬
    બ્રહ્મા વર્ષ (સૂર્યમંડળનું આકાશ ગંગા ફરતે પરિભ્રમણ) ૨૨ કરોડ ૫૦ લાખ વિજ્ઞાન પ્રમાણે ૨૧,૭૮,૦૧,૦૧૪.૦૮૪ (૩.૬ કલ્પ) ૨૨,૪૨,૧૨,૨૮૫.૪૧ (૩.૬૫૨૬ કલ્પ)
    પરાર્ધ (બ્રહ્માના ૫૦ વર્ષ) ૧૦,૮૯,૦૦,૫૦,૭૦૪.૨ (૧૮૦ કલ્પ) ૧૧,૦૪,૯૧,૭૩,૫૬૮
    બ્રહ્માની વય (આકાશ ગંગાની વય)
    ૧૨ અબજ ૧૫ કરોડ વિજ્ઞાન પ્રમાણે
    ૧૦,૯૧,૭૬,૭૩,૪૦૭.૬૫૩ ૧૧,૦૭,૭૧,૭૦,૬૩૪.૪
    મહા કલ્પ (બ્રહ્માનું આયુષ્ય/પર/આકાશ ગંગાનું આયુષ્ય) ૨૯ અબજ ૯૮ કરોડ વિજ્ઞાન પ્રમાણે ૨૧,૭૮,૦૧,૦૧,૪૦૮.૪ (૩૬૦ કલ્પ) ૨૨,૪૨,૧૨,૨૮,૫૪૧.૩૮ (૩૬૫.૨૬ કલ્પ)

     

    વર્તમાનમાં સાતમો વૈવસ્વત મન્વંતર છે. વળી, વર્તમાન મન્વંતરના ૨૭ ચતુર્યુગ વીતી ચૂક્યાં છે અને ૨૮મા ચતુર્યુગના કલિયુગનું પ્રથમ પદ હાલ ચાલી રહ્યું છે. બ્રહ્માના આયુષ્યના ૫૧મા વર્ષનો પ્રથમ માસ ચાલી રહ્યો છે. અને પ્રથમ કલ્પ શ્વેત વારાહ કલ્પ ચાલે છે. આ લેખનું વર્ષ ૨૦૨૪ એ ક્રોધી સંવત્સર છે. શાસ્ત્રો પ્રમાણે શ્રી કૃષ્ણના મૃત્યુદિનને કળિયુગનો પ્રથમ દિવસ કહેવાય છે. એ દિનાંક હતી ૧૮ ફેબ્રુઆરી ઈસાપૂર્વ સન ૩૧૦૨. એટલે કે, ચતુર્યુગ ચક્રમાં પ્રથમ ત્રણ યુગો ઉતરતા ક્રમમા એ દિવસે પૂરા થયા. શાસ્ત્રીય ગણતરીમાં ૧૦,૮૯,૦૦,૫૦,૭૦૪.૨ (પરાર્ધ) + ૨,૫૯,૨૦,૦૦૦ (૬ મન્વંતર) + ૧૬,૪૨,૮૧૬.૮૯ (૨૭ ચતુર્યુગ) + ૫૪,૭૬૦.૫૬૩ (પ્રથમ ત્રણ યુગ) + ૩૧૦૨ + ૨૦૨૪ = ૧૦,૯૧,૭૬,૭૩,૪૦૭.૬૫૩ વર્ષ. જ્યારે આધુનિક ગણતરીમાં ૧૧,૦૪,૯૧,૭૩,૫૬૮ (પરાર્ધ) + ૨,૬૨,૯૮,૭૨૦ (૬ મન્વંતર) + ૧૬,૭૦,૦૨૫.૬ (૨૭ ચતુર્યુગ) + ૨૩,૧૯૪.૮ (ઉતરતા પ્રથમ ત્રણ યુગ) + ૩૧૦૨ + ૨૦૨૪ = ૧૧,૦૭,૭૧,૭૦,૬૩૪.૪ આવે છે; જે આધુનિક વિજ્ઞાન પ્રમાણે આકાશગંગાની વયના આંકડા ૧૨ અબજ ૧૫ કરોડ વર્ષ માટે વધુ નિકટનો આંકડો છે.

    શ્રીકૃષ્ણના મૃત્યુનું વર્ષ લઈને ગણતાં, શાસ્ત્રીય કાળ ગણના પ્રમાણે ૫,૦૭૦.૪૨ વર્ષનો કલિયુગ સન ૧૯૬૮માં પૂરો થયો અને આપણે આશરે ૧૦,૧૪૦ વર્ષની ચતુર્યુગ સંધિમાં છીએ. અન્ય એક સ્થળે એવી ગણતરી પણ મારા ધ્યાનમાં આવી છે જેમાં શાસ્ત્રીય કલિયુગ સન ૨૦૬૯ મા પૂરો થઈ નવો સત્ યુગ ૨૦૬૯ મા વૈશાખ માસની શુક્લ તૃતીયાએ આરંભાશે! આધુનિક ગણતરી પ્રમાણે, ઉતરતા કલિયુગના વર્ષ (૨,૫૭૭.૨) પૂરા થયા ત્યારે એટલે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી (૫૨૪)માં બુધ્ધ થઈ ગયા. આધુનિક ગણતરી પ્રમાણે, ચઢતો કલિયુગ સન ૨૦૫૨મા સમાપ્ત થાય છે એટલે નવા દ્વાપર યુગનો (ચઢતો) સન ૨૦૫૨ ભાદ્રપદ માસની કૃષ્ણ ત્રયોદશીએ આરંભ થશે.

    પ્રચલિત શાસ્ત્રીય કાળ ગણનામાં થોડો ફેરફાર કરી આપણે જોઈ શકીએ છીએ કે એ આધુનિક વિજ્ઞાનના અનુમાનો અને ગણતરીઓ સાથે સામ્ય ધરાવે છે. ભારતીય ઋષિઓ કઈ પધ્ધતિ કે પ્રયોગ વડે આ જાણી શક્યા હશે?

    છેલ્લે, એક વિજ્ઞાન કથામાં જોવા મળે એવી વાત! સૂર્યમંડળનું આકાશ ગંગાના કેન્દ્રથી અંતર આશરે ૨૫ હજાર પ્રકાશ વર્ષ જેટલું છે. એ કેન્દ્રમાં રહેલા બ્લેક હૉલ (જેને હું વિષ્ણુની નાભિ ગણાવું છું)માંથી કોઈ સંદેશો પ્રકાશની ઝડપે વહેતો થાય તો એ પૃથ્વી સુધી પહોંચે ત્યાં સુધીમાં ઊતરતો ચતુર્યુગાર્ધ (સત્ -> ત્રેતા -> દ્વાપર -> કલિ) પૂરો થાય અને એ સંદેશાનો પ્રત્યુત્તર કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં ચઢતો ચતુર્યુગાર્ધ (કલિ -> દ્વાપર -> ત્રેતા -> સત્) પૂરો થાય!

    ૐ તત્ સત્


    શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

  • મહા જ્ઞાની -પરમ શિષ્ય : જનક

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    ઉત્તમ શાસક હોવું એ શ્રેષ્ઠ વાત છે પણ ઉત્તમ શાસક બનવા માટે જો ઉત્તમ વિચાર અને ઉત્તમ જ્ઞાન આવશ્યક છે અને તો જ તે ઉત્તમ શાસક બની શકે.શાસનને માર્ગદર્શન આપવા ઋષિમંડળ હોય એ કેટલી અદભુત વાત છે! ભારતીય સંસ્કૃતિ પાસે એવાં અનેક ઉદાહરણ છે.રાજા હોય પણ તે ઋષિતુલ્ય હોય.વિશ્વમાં ‘રાજર્ષિ ‘ શબ્દ એકલાં ભારતમાં જ હોઈ શકે.વિદેહરાજ જનક એમાં મોખરાનું નામ છે. જનકરાજાનો દરબાર હંમેશ વિદ્વાનો અને ઋષિઓથી શોભતો હોય. બૃહદારણ્યક ઉપનિષદ અને શતપથ બ્રાહ્મણ અનુસાર જનકની સભામાં  યાજ્ઞવલ્કયઋષિ , સોમશ્રવા, અશ્વલ, જરાત્કારુપુત્ર આર્તભાગ, ભુજ્યુ,ઉષસ્તિ ચાક્રાયણ , ક્હોડ, આરુણિપુત્ર ઉદ્દાલક, શાકલ્ય અને ગાર્ગીવાચક્નવી જેવાં જ્ઞાનીઓની સતત આવન જાવન રહેતી..શાસ્ત્રોકત ચર્ચાઓથી સદાય દરબાર ગુંજતો રહે.સંસારમાં કોઈપણ જ્ઞાની કે જિજ્ઞાસુએ પોતાની જ્ઞાન પિપાસા પૂર્ણ કરવી હોય તો અંતિમ ગંતવ્ય રાજા જનકનો દરબાર જ હોય.અનેક શાસ્ત્રોમાં જનક રાજાની વિદ્વતાપૂર્ણ વાતો છે જ. આવા મહાન રાજર્ષિ વિષે લખતાં સહજમાં અનેક શિક્ષણ વિભાવનાઓ પ્રગટ થઇ જાય.

    ઉપનિષદમાં પણ અનેક સ્થળે જનકરાજાના  અનેક વિદ્વાનો-ઋષિઓ સાથેના જ્ઞાનપૂર્ણ સંવાદ છે.બૃહદારણ્યક ઉપનિષદમાં વિશેષ છે. ઉપનિષદના ચોથા અધ્યાયમાં એ વિશેષ રુચિકર છે.રાજા જનક, મૂળે મહર્ષિ યાજ્ઞવલ્કયના શિષ્ય..વિદેહરાજ જનક સિંહાસન પર વિરાજમાન છે.મહર્ષિ પધાર્યા. જનકજીનો સવાલ  ॐ जनको ह वैदेह आसां चक्रेऽथ ह याज्ञवल्क्य आवव्राज । तꣳहोवाच याज्ञवल्क्य किमर्थमचारीः पशूनिच्छन्नण्वन्तानित्युभयमेव

    सम्राड् इति होवाच ॥ ‘ આપની ઉપસ્થિતિ પશુ  ઈચ્છા (ગુરુકુળ માટે સંપત્તિ ) માટેની છે કે સૂક્ષ્મ પ્રશ્નોની ઈચ્છા માટે ?’યાજ્ઞવલ્કયજીનો હક્કપૂર્ણ ઉત્તર છે,-‘ બંને માટે ‘ અને પછી વિદ્વત ચર્ચા શરુ થાય છે.  જનકજીએ મહર્ષિ સામે પોતાની જીજ્ઞાસાની શરૂઆત કરી. जित्वा शैलिनिर्वाग्वैब्रह्मेति । ‘ શિલીંનના પુત્ર શૈલીનીએ- જિત્વાએ-વાક્બ્રહ્મ છે.-એમ કહ્યું છે.’ યાજ્ઞવલ્કયજીએ ઉત્તર વાળ્યો. वागेवा यतनमाकाशः प्रतिष्ठा  प्रज्ञेत्येनदुपासीत । ‘ વાણી જ બ્રહ્મનું શરીર છે. અને આકાશ તેની પ્રતિષ્ઠા છે.’ તેની પ્રજ્ઞા સમજીને ઉપાસના કરવી જોઈએ.’ का प्रज्ञता याज्ञवल्क्य । એવા જનકજીના પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિએ ખુબ વિસ્તૃત રીતે સમજાવ્યું. वागेव सम्राड्इति होवाच वाचा वै सम्राड् बन्धुः प्रज्ञायत ऋग्वेदो यजुर्वेदःसामवेदोऽथर्वाङ्गिरस इतिहासः पुराणं विद्या उपनिषदः श्लोकाःसूत्राण्यनुव्याख्यानानि व्याख्यानानीष्टꣳहुतमाशितंपायितमयंचलोकः परश्च लोकः सर्वाणि च भूतानि वाचैव सर्वाणि च भूतानिवाचा एव सम्राट् प्रज्ञायन्ते वाग्वै सम्राट् परमं ब्रह्म नैनंवाग्जहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति यएवं विद्वानेतदुपास्ते । हस्त्यृषभꣳसहस्रंददामीतिहोवाचजनको वैदेहः । स होवाच याज्ञवल्क्यः पिता मेऽमन्यत नाननुशिष्यहरेतेति ॥   ‘વાંકશક્તિથી જ બંધુ જ્ઞાન પ્રાપ્ત થાય.ઋગ્વેદ,યજુર્વેદ ,સામવેદ અને અથર્વવેદનું જ્ઞાન થાય.છે.એ વાંકના માધ્યમથી ઇતિહાસ ,પુરાણથી માંડીને યજ્ઞ,કર્મ,વ્યાખ્યાન વગેરે ઉપરાંત આ લોક,પરલોકનું જ્ઞાન થાય છે. હે સમ્રાટ, વાંક જ બ્રહ્મ છે.’

    જનકને પ્રારંભિક તૃપ્તિ થતાં તેમણે એક હજાર ગાયો આપવાની વાત કરી हस्त्यृषभꣳसहस्रंददामीतिहोवाचजनकोवैदेहः।  પરંતુ યાજ્ઞવલ્કય તેનો ઇન્કાર કરીને જણાવે છે કે મારા પિતા માનતા કે શિષ્ય-જિજ્ઞાસુને પૂર્ણ જ્ઞાન આપ્યા વગર દક્ષિણા સ્વીકારાય જ નહિ.होवाच याज्ञवल्क्यः पिता मेऽमन्यत नाननुशिष्य हरेतेति ॥  શિક્ષણની આ ઉચ્ચ વિભાવના કેટલી મહાન છે .પૂર્ણ શિક્ષણ -જ્ઞાન નહિ તો દક્ષિણા સ્વીકાર નહિ.

    મહર્ષિ જાણતા હતા કે સામે બેઠેલા જિજ્ઞાસુ-પિપાસુની પાત્રતા કેટલી ઉચ્ચ છે.તેમણે જનકજીને સામેથી પ્રશ્ન કર્યો.  यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मेबर्कुर्वार्ष्णश्चक्षुर्वै ब्रह्मेति । ‘અત્યાર સુધી તમને અન્ય વિદ્વાનોએ બ્રહ્મ વિષે જે જણાવ્યું હોય તે કહો..’ઉત્તરમાં જનકજીએ શુલ્બ પુત્ર ઉદકે બ્રહ્મ પર સમજાવેલ વાત કરીને કહ્યું કે,’ પ્રાણ જ બ્રહ્મ છે.’ યાજ્ઞવલ્કયજીએ તેમને અટકાવતાં કહયું કે,‘ આટલું પૂરતું નથી.આ તો અપૂર્ણ શિક્ષણ છે. હકીકતમાં પ્રાણનું શરીર પ્રાણ જ છે,આકાશ તેની પ્રતિષ્ઠા છે.પ્રાણની કામનાથી -પ્રિયતાથી જ યજન ન કરવા યોગ્યથી યજ્ઞ કરાવવામાં આવે છે.દાન ન લેવા યોગ્યથી દાન  મેળવાય છે. प्राण एव सम्राड् इति होवाच प्राणस्यवै सम्राट् कामायायाज्यं याजयत्यप्रतिगृह्यस्य प्रतिगृह्णात्यपितत्र वधाशङ्कं भवति यां दिशमेति प्राणस्यैव सम्राट् कामायप्राणो वै सम्राट् परमं ब्रह्म । नैनं प्राणो जहाति सर्वाण्येनंभूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति य एवं विद्वानेतदुपास्ते । ‘હે રાજન ,.આ બધું પ્રાણ માટે જ થાય છે.પ્રાણ જ બ્રહ્મ છે , એવું સમજીને કાર્ય કરનારનો પ્રાણ કદી પરિત્યાગ કરતો નથી.સમસ્ત ભૂત એને ઉપહાર પ્રદાન કરે છે.એ વ્યક્તિ દેવતા બની તેમની વચ્ચે બેસે છે.’.જનકજીએ ફરી ગાયોની દક્ષિણા આપવાની ઈચ્છા વ્યક્ત કરી પણ અપૂર્ણ આપ્યાની અનુભૂતિમાં મહર્ષિએ ફરી ઇન્કાર કર્યો.

    અને જનકજીને ફરી પ્રશ્ન કર્યો કે’ હજુ કોઈ આચાર્ય પાસેથી પ્રાપ્ત કરેલ જ્ઞાનની વાત કરો’ જનકજીએ ઉત્તર વાળ્યો .’ મને બર્ક વાર્ષણિએ સમજાવ્યું કે-यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मेबर्कुर्वार्ष्णश्चक्षुर्वै ब्रह्मेति ।  ‘ ચક્ષુ એ જ બ્રહ્મ છે ‘ ફરી યાજ્ઞવલ્કયથી ન રહેવાયું.’ એના વિના કશું જોઈ શકાતું નથી એટલે ચક્ષુ બ્રહ્મ છે તે યોગ્ય છે પણ આટલું જ જાણવું અપૂરતું જ છે.’ .चक्षुरेवाऽऽयतनमाकाशः प्रतिष्ठा सत्यमित्येतदुपासीत । कासत्यता याज्ञवल्क्य । चक्षुरेव सम्राड् इति होवाच चक्षुषा वैसम्राट् पश्यन्तमाहुरद्राक्षीरिति । स आहाद्राक्षमिति तत्सत्यं भवतिचक्षुर्वै सम्राट् परमं ब्रह्म नैनं चक्षुर्जहाति सर्वाण्येनंभूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति य एवं विद्वानेतदुपास्ते । ‘ચક્ષુનું આયતન ચક્ષુ જ છે.ચક્ષુને સ્વયં સત્ય છે એમ સમજીને જ તેની ઉપાસના કરવી જોઈએ  કારણકે એ જે ( દૃશ્ય ) જુએ છે તે જ હોય છે -ચક્ષુ તેનો ( સ્થૂળ અને સૂક્ષ્મ દૃષ્ટિ ) ક્યારેય પરિત્યાગ કરતા નથી.સમસ્ત પ્રાણી પણ તેને અનુગત રહે તો દેવલોકને પામે છે.’

    શિષ્યની વધુ પ્રાપ્તિની ઈચ્છા અને ગુરુની વિશેષ આપવાની ઝંખના જયારે ટોચ પર હોય ત્યારે મા સરસ્વતીના કોઠે અસંખ્ય દીવડા પ્રગટે.મહર્ષિ યાજ્ઞવલ્ક્યના પ્રશ્નો અને રાજા જનકના ઉત્તરો અવિરત ચાલતા રહ્યા.જનકજીને ભારદ્વાજ ગોત્રીય ગર્દભીએ ‘શ્રોત્ર જ બ્રહ્મ છે.’.એમ બતાવ્યુ.यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे गर्दभीविपीतोभारद्वाजः श्रोत्रं वै ब्रह्मेति, સત્યકામ જાબાલાએ ‘મનને બ્રહ્મ ‘તરીકે વર્ણવ્યુંयदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे सत्यकामो जाबालोमनो वै ब्रह्मेति.  વિદગ્ધ શાકલ્યે ‘ હૃદયને બ્રહ્મ’  તરીકે સ્થાપિત કર્યું..यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे विदग्धः शाकल्योहृदयं वै ब्रह्मेति યાજ્ઞવલ્કયજી જનકજી દ્વારા પ્રાપ્ત અપૂર્ણ જ્ઞાનની પૂર્તિ કરતાં તેમને સમજાવ્યું કે,‘ શ્રોત્ર,મન કે હૃદય દરેક અવયવ પોતે સ્વયં તેનું જ શરીર છે .આકાશ એની પ્રતિષ્ઠા છે. શ્રોત્રને અનંતરૂપ માનીને ઉપાસના કરવી જોઈએ કારણકે,   दिश एव सम्राड् इति होवाच तस्माद्वैसम्राड् अपि यां काञ्च दिशं गच्छति नैवास्या अन्तं गच्छत्यनन्ताहि दिशो दिशो वै सम्राट् श्रोत्रꣳश्रोत्रं वै सम्राट् परमंब्रह्म । नैनꣳश्रोत्रंजहातिसर्वाण्येनंभूतान्यभिक्षरन्ति।‘ દિશાઓ અનંત છે.મન ને આનંદરૂપ સ્વીકારી ઉપાસના કરવી જોઈએ’   मन एव सम्राड् इति होवाच मनसा वै सम्राट् स्त्रियमभिहार्यते तस्यांप्रतिरूपः पुत्रो जायते स आनन्दो । मनो वै सम्राट् परमं ब्रह्म नैनंमनो जहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति । ‘મન જ બધા આનંદનું કારણરૂપ છે.હૃદયહીન માણસ કશું કરી શકતો જ નથી हृदयमेव सम्राड् इति होवाच हृदयं वैसम्राट् सर्वेषां भूतानामायतनꣳहृदयंवैसम्राट्, सर्वेषांभूतानां प्रतिष्ठा हृदये ह्येव सम्राट् सर्वाणि भूतानि प्रतिष्ठितानिभवन्ति हृदयं वै सम्राट् परमं ब्रह्म नैनꣳहृदयंजहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति । ‘ તેથી હૃદયને જ બ્રહ્મ માનીતેની ઉપાસના કરવી જોઈએ.’

    વિદેહરાજ જનક અને મહર્ષિ યાજ્ઞવલ્કય -બંનેને હવે જ્ઞાનની પરિતૃપ્તિના ઓડકારની અનુભૂતિ થતી હતી. રાજા જનક પોતાના આસનથી ઉઠીને   जनको ह वैदेहः कूर्चादुपावसर्पन्नुवाच नमस्तेऽस्तु याज्ञवल्क्यानुमा शाधीति । નતમસ્તક પ્રણામ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.પાત્રતાની કદર સમજનારા મહર્ષિ પણ કહે છે,’ હે રાજન,દૂરની યાત્રા કરવા માટે જેમ વહાણ કે રથનો આશરો લેવો પડે તેમ તમે પણ ઉપનિષદોના અધ્યયનથી -વિદ્વાનોના સંવાદોથી સમાહિત આત્મા બની ગયાછો.’  स होवाच यथा वै सम्राण् महान्तमध्वानमेष्यन्रथंवा नावं वा समाददीतैवमेवैताभिरुपनिषद्भिः समाहितात्माऽस्यसिएवं वृन्दारक आढ्यः सन्नधीतवेद उक्तोपनिषत्क इतो विमुच्यमानःक्व गमिष्यसीति । नाहं तद् भगवन् वेद यत्र गमिष्यामीत्यथ वैतेऽहं तद्वक्ष्यामि यत्र गमिष्यसीति । ब्रवीतु भगवानिति ॥ આટલું કહીને યાજ્ઞવલ્કય તેમને દૂરંદેશીતા વિષે માર્ગદર્શન કરે છે.

    આ દિવ્ય સંવાદનો ઉપસંહાર પણ કેટલો દિવ્ય છે! જયારે યાજ્ઞવલ્કયએ કહ્યુકે ,’ આપ અવશ્ય અભય જ થઇ ગયા છો.’-તેના પ્રત્યુત્તરમાં જનકજીએ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી. अभयं वै जनक प्राप्तोऽसीतिहोवाच याज्ञवल्क्यः । स होवाच जनको वैदेहोऽभयं त्वा गच्छताद्याज्ञवल्क्य यो नो भगवन्न् अभयं वेदयसे नमस्तेऽस्त्विमे विदेहा  अयमहमस्मि ॥હે યાજ્ઞવલ્કયજી,આપે જ અભય બ્રહ્મજ્ઞાન કરાવ્યું છે.તેથી આપ પણ અભય બનો.આ વિદેહદેશ અને હું ( જનક ) આપના અનુગામી છીએ.’

    મહર્ષિ યાજ્ઞવલ્કય અને વિદેહરાજ  જનકનો આ અમૃત સંવાદ તો  રત્નાકરમાંથી કરેલાં એકાદ આચમન જેટલો જ છે.બૃહદારણ્યક ઉપનિષદ ઉપરાંત અન્ય ઉપનિષદોમાં રાજર્ષિ એવા જનકના યાજ્ઞવલ્કયજી અને બીજા અનેક વિદ્વાનો અને જિજ્ઞાસુ સાથેના અમૂલ્ય ચર્ચા- સંવાદના અમૂલ્ય  ખજાના ભર્યા છે.પરમોચ્ચ ગુરુ -શિષ્યનું આવી  અજોડ જોડી ભાગ્યેજ જોવા મળે તેમ છે.


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • દયાનંદની દ્વિશતાબ્દી અને આર્યસમાજની સાર્ધ શતાબ્દી સંદર્ભે થોડી વાતો

    તવારીખની તેજછાયા

    દયાનંદની વિશેષતા એમણે સ્થાપિત વાનાંને વિવેકદૃષ્ટિપૂર્વક પડકાર્યાં તપાસ્યાં એ વિગતમાં પડેલી છે.

    પ્રકાશ ન. શાહ

    દ્વિશતાબ્દીનું નિમિત્ત પકડીને સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિ સંકોરવા અને ઢંઢેરવાની ઠીક તક આર્યસમાજના સહયોગથી ભાજપ સરકારે ઝડપી છે. દયાનંદનાં બસો વરસની વાંસોવાંબ આર્યસમાજની સ્થાપનાનાં એકસો પચાસ વરસ (૨૦૨૫)નોયે અવસર બારણાં ખટખટાવી રહ્યો છે. સ્વાભાવિક જ ‘વેદ’ અને ‘આર્ય’ ઓળખના અનુસંધાનમાં દેશના હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સવિશેષ રસ હોય તે પણ સમજી શકાય એમ છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની પદસહજ દબદબાભરી સામેલગીરી ઉપરાંત ગુજરાતને તો એક આર્યસમાજી રાજ્યપાલનોયે લાભ મળેલો છે.

    ટંકારામાં તીર્થ વિકાસ સાથે ગુજરાતમાં જન્મી પંજાબમાં પ્રકાશેલા સ્વામી વતનમાંયે સુપ્રતિષ્ઠ થશે. આવે પ્રસંગે જોકે રસમી રાબેતો છે તેમ એકશ્વાસે ઓગણીસમી સદીમાં દયાનંદ અને વીસમી સદીમાં ગાંધીજી, એ પરંપરામાં એકવીસમી સદીમાંયે ચોક્કસ ધન્યનામ લેવાતું સંભળાય તો છો સંભળાતું: આપણે તો નાગરિક છેડેથી ઈતિહાસદૃષ્ટિપૂર્વક દયાનંદના જીવનકાર્યને સ્વરાજપરંપરા સાતત્ય અને શોધન, રિપીટ, શોધનપૂર્વક આગળ ચલાવવી રહે છે.

    દયાનંદની વિશેષતા એમણે સ્થાપિત વાનાંને વિવેકદૃષ્ટિપૂર્વક પડકાર્યાં તપાસ્યાં એ વિગતમાં પડેલી છે, અને ઊહાપોહભેર તેઓ એને આનુષંગિક કાર્યવાહીમાં ગયા તે અક્ષરશ: એક શગ ઘટના છે. શિવલિંગ પર રમણે ચઢેલ ઉંદર કે વૃક્ષ પરથી પડતું સફરજન, એકાદ દયાનંદ અગર ન્યૂટનને કેવી નવી ક્ષિતિજોના ખોલનાર બનાવી દે છે? ઉંદર ઘટના ને મૂર્તિપૂજાનિષેધ દયાનંદના જીવનની તરત ધ્યાન ખેંચતી બાબતો જરૂર છે, પણ એની પાછળ રહેલો મોટો મુદ્દો ધરમક્ષેત્રે તેમ જીવનમાં સર્વ સ્તરે પાખંડ મદ મર્દનનો રહેલો છે. ધર્મશાસ્ત્રો ને ધર્મસંસ્થાનોનાં જે જાળાંબાવાં તે સઘળાં સાફ કરી નાખતા ઝંડા ને ઝાડુની અવતારભૂમિકા એમની હતી તે હતી.

    ૧૮૫૭ સાથેના એમના સંબંધ વિશે કહેવાતું રહે છે. કૌતુકમિશ્રિત આદરની આ નિરૂપણા સાથે જે યાદ કરવું ગમે તે તો એ કે મીઠાના જુલમી કર સામે એમણે અવાજ ઉઠાવ્યો હતો. દલિત ઉદય, વિધવા પુનર્વિવાહ, સ્ત્રીશિક્ષણ એ બધી એમની ધર્મભૂમિકામાં રહેલ જાહેર જીવનની અભિન્ન ઓળખ હતી. સંસ્કૃતની મેડીએથી એ હિંદી મોઝાર ઊતરી આવ્યા તે પણ એમનો વિવેક દર્શાવે છે. વેદ પ્રામાણ્ય આજની તારીખે અતિરેકી લાગે, અવશ્ય અતિરેકી લાગે, પણ વેદોમાં વર્ણભેદ ને લિંગભેદ નથી એવું એમનું પ્રતિપાદન (દેખીતાં પાછાં જવા સાથે) નવા જમાનાની નાંદી શું છે, તે પણ નિ:શંક. હિંદુત્વ રાજનીતિના ચાહકોને દયાનંદ નજીકના (કે ખપના) લાગતા હોય તો તે સંભાવના સ્વીકારીને પણ જરા જુદી રીતે વિચારવાની ને જોવાની જરૂર નથી એમ નથી.

    ‘ગીતારહસ્ય’કાર ટિળકને કોલ્હાપુરના ભોંસલે રાજવંશી શાહુ મહારાજને વેદપઠનનો અધિકાર નથી એવો સનાતની ધર્મનિર્ણય માન્ય હોઈ શકતો હતો, એને મુકાબલે દયાનંદનો અભિગમ ગુણાત્મકપણે જુદો પડે છે. રાજકારણમાં જહાલ અને સંસાર સુધારામાં મવાળના પણ મવાળ એવા દયાનંદ તમે કલ્પી શકતા નથી. લાલા લાજપતરાય સરખા રાજનેતાથી માંડી રામપ્રસાદ બિસ્મિલ ને અશફાક ઉલ્લાખાં સરખા ક્રાંતિકારીઓ- અરે ભગત સિંહ પણ- આર્યસમાજના સંસ્કારે પ્લાવિત હતા. બિસ્મિલ ને અશફાકની અભિન્ન મિત્રબેલડી સારુ તો શાહજહાંપુર આર્યસમાજ જાણે કે પિયરઘર હતું! લાજપતરાય અને ભગત સિંહને મિશે બે શબ્દો જરી જુદેસર કહેવા જરૂરી સમજું છું. લોહિયા જેમ પોતાને કજપ્ત ગાંધીવાદી કહેતા તેમ કદાચ કજપ્ત આર્યસમાજી જેવા અગ્નિવેશ પાસેથી સાંભળ્યું છે કે સ્વામીજીના ગયા પછી આર્યસમાજમાં બે ભાગ પડી ગયા જેવું હતું: સુખી વર્ગ અંગ્રેજ સરકારને સાચવી લેવાની રીતે માત્ર ‘ધાર્મિક ઓળખ’ જ પસંદ કરતો. જેલમાંથી છૂટીને આવેલા લાજપતરાયનું સ્વાગત સરઘસ રખે ને લાલાજી આર્યસમાજી હોવાને નાતે આપણે ત્યાં પ્રવેશે એ બીકે લાહોર આર્યસમાજે પોતાનાં બારણાં ભીડી દીધાં હતાં અને આગળ ચાલતાં સાવચેતી ખાતર લાલાજીનું નામ પોતાના રજિસ્ટરમાંથીયે કાઢી નાખ્યું હતું.

    આર્યસમાજના જહાલ સંસ્કારે ભગત સિંહ સારુ માર્ક્સ વિચારનાંયે દ્વાર ખોલી નાખ્યાં હતાં એવું અગ્નિવેશનું અવલોકન હતું. એમણે મને કહ્યું કે આપણું સંમત થવું જરૂરી નયે હોય, પણ મારો નિર્દેશ આર્યસમાજની ક્રાંતિકારી સંભાવનાઓ ક્યારેક ટુંપાઈ ગઈ અને બેસતે સ્વરાજે તો, ૧૯૫૧-૫૨માં દિલ્હીમાં હનુમાન રોડ પરના આર્યસમાજ બિલ્ડિંગમાં જનસંઘની સ્થાપના બેઠક મળી શકે એ અનવસ્થા ભણી છે. શાહુ મહારાજને સુધાર સંભાવનાવશ આર્યસમાજ પ્રિય થઈ પડ્યો હતો. દલિતોત્થાનનું એનું વલણ એમને ગમતું હતું. દલિતો સાથે વાત કરવાનું બને ત્યારે આર્યસમાજ અને આંબેડકર બેઉને એ અચૂક સંભારતા. આંબેડકરને પોતે ઉચ્ચ શિક્ષણની સુવિધા આપી શક્યા એનો આનંદ એમને હશે, પણ એ દલિતોને આંબેડકરને અનુસરવા કહેતા એવો એમનો આદરભાવ પણ હતો. ૧૯૧૮માં નવસારી સંમેલનમાં ને ૧૯૨૦માં ભાવનગર પરિષદમાં શાહુ મહારાજે આર્યસમાજની સુધાર ચળવળની સુંડલામોંઢે પ્રશંસા કરી હતી તે આ લખતી વેળાએ સાંભરે છે. ખરું જોતાં આર્યસમાજને માટે આ અવસર એના અસલનેરના નૂરને નવસંસ્કરણભેર ઝકઝોરવા અને ઝંઝેડવાનો છે.

    આજે સત્તા-પ્રતિષ્ઠાન તરફથી પોતાનાં ચોક્કસ કારણોસર સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દીના અવસરે ગાજોવાજો ને તામઝામ હાજરાહજૂર છે. આ સુવિધા સહજક્રમે આર્યસમાજની સાર્ધ શતાબ્દી લગી લંબાઈ પણ શકે. ત્યારે વળી રા. સ્વ. સંઘનો શતાબ્દીજોગ પણ હશે. આ કશાની મૂઠ ન વાગે એ રીતે ઉજવણાંથી ઉફરાટે આર્યસમાજ અને એના ચાહકો સત્તા-પ્રતિષ્ઠાનની શેહ વગર પોતાની ક્રાંતિકારી શક્યતાઓ કંઈકે ખીલવી શકે તો એથી રૂડું શું. કેટલીક કેવિયટ સાથે ૨૦૨૪ની ૨૨મી જાન્યુઆરીને જો નવપ્રસ્થાનબિંદુ તરીકે સ્વીકારીએ તો એનાં કેટલાંક પગલાં સ્વામીચીંધ્યાં જરૂર હોઈ શકે… શરત માત્ર એટલી કે આપણે નવા જમાનામાં છીએ એનાં ઓસાણ કદાપિ ન છૂટો!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨– ૨ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ચોથો : પ્રવેશ ૧

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક ત્રીજો: પ્રવેશ ૪ થી આગળ

    અંક ચોથો

    પ્રવેશ ૧ લો

    સ્થળ : રુદ્રનાથનું મંદીર.

    [જાલકા અને શીતલસિંહ પ્રવેશ કરે છે. ]

    શીતલસિંહ : આજે સવારે કલ્યાણકામે મને બોલાવીને કહ્યું કે પૂજારણને પૂછજો કે મહારાજની આજ્ઞા હોય તોઇ તેમને નગરમાં પ્રવેશ કરવાનું મુહૂર્ત રાજજોશી પાસે નક્કી કરાવીએ.

    જાલકા : રાઈને મુહૂર્તની દરકાર નથી, પણ પર્વતરાય-રૂપ ધરત રાઈ ને પણ પર્વતરાય પેઠે મુહૂર્ત અનુસાર પ્રવૃત્તિ કરવી પડશે. છ માસ પૂરા થાય છે, માટે તે પછીનું મુહૂર્ત જોવડાવી વેળાસર ખબર મોકલાવશો એટલે નગરમાં આવવાની સવારી વિશે મહારાજ સૂચના મોકલશે.

    શીતલસિંહ : રાઈએ કાલે રાતે બને તેટલા વહેલા ભોંયરામાં દાખલ થઈ જવું જોઈએ. સવારીનું મુહૂર્ત બહાર પડશે એટલે લોકો કુતૂહલથી મંદિર બહાર એકઠા થવા માંડશે. તમને પણ ઠીક સૂઝ્યું કે તમે મંદિરના દર્શન બંધ કર્યા છે. બારણા બંધ છે એમ જાણી લોકો આ તરફ હાલ આવતા નથી.

    જાલકા : ભોંયરાનું એક ઢાંકણું મંદિરની પાછલી બાજુએ કોટ બહાર આવેલી ઓરડીએ ઉઘડે છે. ત્યાંથી જઈને કાલે દાખલ કરીશું કે બહાર ફરતા લોકોનું ધ્યાન ન ખેંચાય. રાઈ પર્વતરાય થઈ મંદિરના દ્વારમાંથી બહાર નીકળશે ત્યારે પ્રગટ કરીશું કે વૈદરાજ એ પાછલે રસ્તેથી રાતોરાત ચાલ્યા ગયા છે. રાઈને ભોંયરામાં દાખલ કરતાં પહેલાં તમારે એને એક ઠેકાણું બતાવવાનું કહ્યું છે.

    શીતલસિંહ : રાણી લીલાવતીનો આવાસ.

    જાલકા : આજ રાતે ત્યાં એને લઈ જાઓ

    શીતલસિંહ : રાણી ન જાણે એમ મહેલમાંની એક છાની બારીથી પર્વતરાયને – એટલે રાઇને રાણી બતાવવાની મેં ગોઠવણ કરી છે.

    જાલકા : રાઈએ પોતે કદી રાણીને જોવાની જિજ્ઞાસા બતાવી છે ?

    શીતલસિંહ : એમણે એ વિશે વાત જ નથી કરી. એ બાબત એમને સૂઝી જ નથી એમ લાગે છે.

    જાલકા : એ વિષય ઘણી સંભાળથી અને ઝીણવટથી એની આગળ મૂકવાનો છે.

    શીતલસિંહ : તમે સૂચનાઓ કરેલી છે તે મારા ધ્યાનમાં છે. ઠીક સાંભર્યું. કાલે એમની સાથે ફરતાં એમના ગજવામાંથી આ કાગળ પડી ગયો, તે મેં છાનોમાનો લઈ લીધો છે એમાં કવિતા લખી છે, પણ તે બિલકુલ સમજાતી નથી.

    જાલકા : (કાગળ લઈને ઉઘાડીને વાંચે છે.)

    (રથોદ્ધતા)

    રે ! વિચિત્ર પટ શું વણાય આ?
    તન્તુઓ અવશ શા તણાય આ?
    કોણ એ શી રીતથી વને બધું ?
    માનવી ! અબલ તન્તુ અલ્પ તું ! ૪૧

    ના, નથી અવશ કે અશક્ત તું,
    તું વડે જ સહુ કાર્ય આ થતું;
    બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
    તું ગ્રહે ઉભયમાંથિ એક ત્યાં. ૪૨

    (અનુષ્ટુપ)

    વસી છે શક્તિ તારામાં યથેચ્છ તે તું વાપરે;
    કહી અવશ પોતાને કોને તું રાઈ છેતરે ?

    એને તો એવી સમસ્યાઓની રમત કરવાની ટેવ છે, એનો ઉત્તર એ નીચે જ આમ લખી આપું છું (બોલીને લખે છે)

    (અનુષ્ટુપ)

    ‘રાઈ’ ને ‘જાલકા’ એ તો બાજીનાં સહુ સોકઠાં;
    છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડી એકઠાં ? ૪૩

    કાગળ પાછો છાનોમાનો એના ગજવામાં મૂકી દેજો. (કાગળ આપે છે.) હવે તમે કિસલવાડીમાં જઈ રાઈને આજ રાત્રે નીકળવા માટે તૈયાર કરો. મહેલમાં જઈ આવી પછા ફરો ત્યારે મને વૃત્તાન્ત કહી જજો.

    [બન્ને જાય છે]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત