સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

અંક ત્રીજો: પ્રવેશ ૩ થી આગળ

અંક ત્રીજો

પ્રવેશ ૪ થો

સ્થ : દુર્ગેશનું ઘર.

[દુર્ગેશ, કમલા અને રાઈ બેઠેલા પ્રવેશ કરે છે.]

કમલા : (હસતી હસતી) તમારી વિચક્ષણતા એટલી જ કે ? મારા ઘાંટા પરથી પણ તમે મને ઓળખી શક્યા નહિ?

રાઈ : સ્ત્રીઓ કરતાં પુરુષોની વિચક્ષણતા ઓછી હોય છે તે હું કબૂલ કરું છું, પરંતુ વિચક્ષણતા દર્શાવવા સારુ સ્ત્રીને પુરુષનો વેશ લેવો પડે ત્યાં પુરુષોની નહિ તો પુરુષોના વેશની તો ખૂબી ખરી જ. એ વેશે ઘાંટામાંથી પણ સ્ત્રીત્વને પ્રગટ થવા દીધું નહિ, તે પણ પુરુષોની વેશ યોજનાનું સામર્થ્ય દર્શાવે છે.

કમલા : સ્ત્રીઓના સ્ત્રીત્વને ઢાંકી રાખવાનું સામર્થ્ય અનેક યોજનાઓમાં સમાયેલું છે, તે નિઃસંશય છે.

રાઈ : એ સર્વ ગોપનસામગ્રી છતાં કટારી ઝાલવાની ઢબથી હથિયારનો પરિચય ગુપ્ત રહેતો નહોતો.

કમલા : ક્ષત્રિયાણી હથિયારની છેક અપરિચિત તો ન હોય.

રાઈ : વીરાંગનાના તેજનો ઝબકારો જોવાનો અમને પ્રસંગ મળ્યો એ અમારું ધનભાગ્ય, પરંતુ છોકરાને વેશે અમારી સાથે નગરચર્ચા જોવા આવવાનું પ્રયોજન સમજાયું નહિ. દુર્ગેશને રાત્રે એકલા જવા ન દેવા એવો અણભરોંસો તો કમલાદેવીને હોય જ નહિ.

કમલા : અનુભવ થવાનો પ્રસંગ આવશે ત્યારે સમજાશે કે પ્રેમીજનોને પરસ્પર અવિશ્વાસ હોતો જ નથી.

દુર્ગેશ : અને પરસ્પર અવિશ્વાસ હોય છે ત્યાં પ્રેમ હોતો નથી.

રાઈ : ત્યારે ટૂંકા વિયોગની અધીરાઈ એ પણ સાથે આવવાનું કારણ ન હોય.

કમલા : વિયોગની અધીરાઈનાં જે કૃત્રિમ વર્ણનો કવિતાને નામે જોડી કાઢવામાં આવે છે તેથી જ એ અધીરાઈ હસ્યાસ્પદ થવા પામે છે.

(અનુષ્ટુપ)

જલપાનતણું મૂલ્ય અધૂરું રહે તૃષા વિના,
જે તાપથી તૃષા થાય આવજ્ઞા તેનિ ના ઘટે. ૩૯

પરંતુ કલ્પનાઓ કરવાનો વિશેષ શ્રમ તમને નહિ આપું. પર્વતરાય મહારાજના વર્તન સંબંધે થયેલા લોકમત વિષે ઉપમંત્રીને વાકેફ કરવાની તમે યોજના કરી, તેથી મહારાજના એ વર્તનથી સ્ત્રી વર્ગની થતી અવમાનના તરફ ઉપમંત્રીનું લક્ષ ખેંચવા હું સાથે આવી હતી, અને પુરુષવેશ વિના મારાથી આવા પ્રસંગોમાં સાથે ફરાય એ તો એ અવમાનના દૂર થાય ત્યારે જ શક્ય થાય.

દુર્ગેશ : એ અવમાનના આ રાત્રે દીઠેલા એક ચિત્રથી હ્રદય પર જેમ મુદ્રાંકિત થઈ છે તે સો વર્ણનોથી પણ અંકિત થઈ શકત નહિ.

રાઈ : ઉપમંત્રી અને ઉપમંત્રીના ઉપરીઓ એ અવમાનનામાંથી સ્ત્રી જાતિને છોડાવે તો જ મુદ્રાદાન સાર્થક થાય.

દુર્ગેશ : રસપ્રભાવ વડે પ્રત્યેક સ્નાયુને અને પ્રત્યેક નાડીને સ્ફુરામય કરનારી આવી દીક્ષા મળ્યા પછી ઉપમંત્રી યજ્ઞમાં શું કચાશ રાખશે?

કમલા : એમ છે તો સ્ત્રીના ઉદ્દાર માટે યજ્ઞ આરંભવાનો હું સકલ્પ કરાવું તે કરો.

રાઈ : મને પણ એ સંકલ્પમાં સામેલ થવાની અનુજ્ઞા આપો.

કમલા : ભલે. તમે બન્ને સંકલ્પ કરો કે,

(વસંતતિલકા)

સ્ત્રીજાતિની અવદશા પરિહારવાને
એવો હુતાશન મહા પ્રકટાવીશું કે
તેની પ્રચંડ ઉંચિ જ્વાળાની માંહિં થાશે.
અજ્ઞાન, સ્વાર્થ, વળિ દુર્મતિ સર્વ ભસ્મ. ૪૦

[રાઈ અને દુર્ગેશ બન્ને એ શ્લોક સાથે બોલી સંકલ્પ કરે છે.]

દુર્ગેશ : પર્વતરાય મહારાજનું નવું રાજ્ય બેસે એ સમય એ હુતાશન પ્રગટાવવા માટે અનુકૂળ થઈ પડશે.

રાઈ : નવું રાજ્ય શાથી ?

દુર્ગેશ : નવી જુવાની સાથે રાજનીતિમાં નવું બળ પ્રાપ્ત નહિ થાય?

રાઈ : જુવાની અને રાજતીતિને કેવો સંબંધ છે, અને જુવાની એક વાર ગયા પછી પાછી આવે તો એની એ આકૃતિમાં કે કોઈ બીજી આકૃતિમાં આવે – એ બધા ભારે પ્રશ્નો આ મધરાતના ભારથી વધારે ભાર શા સારુ કરવા? અત્યારે તો નિદ્રા કેમ સહેલી કરવી એ જ પ્રશ્નનું નિકારાણ ઘટે છે.

[સહુ જાય છે.]


ક્રમશઃ

● ●

સ્રોત : વિકિસ્રોત