વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

તાળું ખોલતાંની સાથે ઘરમાં ફેલાયેલા અજગરના જડબા જેવા સૂનકારે એના મન પર ભરડો લઈ લીધો. જોર કરીને એને ધકેલતી એ અંદર પ્રવેશી. ઘરની અંદર ધૂળની સપાટી જામી હતી એ સિવાય જતી વખતે એ જેમ મૂકીને ગઈ હતી એ બધું એમનું એમ જ હતું. જ્યારે એ પોતાના ઘેરથી પાછી આવતી ત્યારે એનો રૂમ જોઈને અકારણ એનું મન ઉદાસ થઈ જતું.

કશું કરતાં પહેલાં ચા પીવાની ઇચ્છાથી સામાન એક બાજુ મૂકીને એ રસોડામાં ગઈ. ગેસ તો પેટાવ્યો પણ તરત બંધ કારી દીધો. દૂધ વગર ચા ક્યાંથી બનવાની હતી? દૂધની વાત છોડો, ઘડામાં પાણી પણ દસ-બાર દિવસ પહેલાંનું હતું. ઘરવાપસી પછી આવી નાનીનાની વાતોથી કંટાળીને અંતે એને રમાના શરણે જવું જ પડતું.

બારી ખોલીને એણે રમાને બૂમ મારી.

“સુખીયા હોય તો જરા એક જગ પાણી મોકલી આપીશ?”

અને વળતી પળે રમા પોતે પાણીનો જગ લઈને આવી ઊભી. શીલાને સંકોચ થયો.

“અરે, સુખીયાને મોકલી દેવી’તી ને? આવીને ઘર પણ સાફ કરી જાત.”

“થશે એ બધું, ચા ચઢાવીને આવી છું, પહેલાં ચા પીવા તો ચાલો.”

શીલા રમાની વાત ટાળી ના શકી. ચા પીને આવી, સીધી બાથરૂમમાં નહાવા ચાલી ગઈ. નહાઈને બહાર આવી ત્યારે સુખીયાએ ઘર વાળીને ચોખ્ખું કરી દીધું હતું. માથે લપેટેલા ભીના ટુવાલથી વાળ ઝાટકતા વિચાર આવ્યો, “કાશ મન પરથી પણ આવી રીતે ભાર ઝાટકી લેવાતો હોત તો!”

“દીદી, રસોઈ બનાવું છું. આજનો દિવસ અહીં જમી લે જો.” વળી બારીમાંથી રમાની બૂમ સંભળાઈ.

મનોમન રમાને કેટલાય આશીર્વાદ આપી દીધા. કમસે કમ આજે તો એકલી માટે બનાવવાનું કે એકલા જમવાનું સંભવ ન થાત એવી એને અને રમા બંનેને ખબર હતી. અને એટલે જ જ્યારે બહારગામથી પાછી આવતી ત્યારે એનું જમવાનું રમાનાં ત્યાં જ થતું. રમા હતી તો મકાનમાલિક, પણ શીલાની નાની બહેનની જેમ આગળપાછળ ફર્યા કરતી.

રમાએ ખૂબ પ્રેમથી જમવાનું બનાવ્યું હતું પણ, શીલા ખાઈ ન શકી.

“સાચું કહું તો ઘેરથી પાછી આવું છું ત્યારે મન બહુ ભારે થઈ જાય છે. તમારા બંને વગર તો હું સાવ એકલી.”

“ઘરમાં માજી અને સૌ ઠીક તો છે ને?” રમાએ શીલાની સામે જોયું.

“હા, ઠીક જ છે. ઈશ્વર જ એમને શક્તિ આપી દે છે નહીંતર ઉંમર અને બીમારીઓની ફોજ સાથે આટલાં મોટાં દુઃખ સામે ટકવાનું ક્યાં સહેલું છે?” શીલાએ ઊંડો શ્વાસ લઈને જવાબ આપ્યો.

“છોકરાઓ ક્યાં છે?” રમાએ પૂછ્યું.

“શશાંક અને પ્રશાંત તો પોતાના ઘેર જ છે. હવે તો એ મોટા થઈ ગયા એટલે એમની ચિંતા નથી.  સ્વાતિ હજુ ઘણી નાની છે. એનામાં તો પૂરતી સમજ પણ નથી. દીદીને એક દીકરી હોય એવી બહુ ઇચ્છા હતી. કેટલી માનતા પછી દીકરી આવી અને હવે એ જ પોતે પરલોક ચાલી ગઈ.” શીલાએ નિસાસો નાખ્યો.

વાત હરીફરીને એ જ મુદ્દા પર આવીને અટકી જે વાત કરવી શીલા માટે કપરી હતી.

જમ્યા પછી શીલા થોડી વાર બીટ્ટુ સાથે રમીને પાછી ઘેર આવી. સખત થાકી ગઈ હતી. થાક ફક્ત સફર કે શરીરનો જ હોય છે? મનનો થાક દેખાતો નથી પણ એ જ જીરવવો ભારે પડે છે.

ક્યારની એ પોતાનું એકાંત ઝંખતી હતી. ઊંઘવા પ્રયત્ન કરતી રહી. મનમાં ઘેરાયેલા વિચારોના ધુમ્મસને છેદીને ઊંઘ એના સુધી ન પહોંચી. થાકીને બહાર આવીને જોયું તો રમા વરંડામાં બેસીને કશુંક ગૂંથતી હતી. પ્રમોદ બહાર ગયો હતો. એ રમા પાસે જઈને બેઠી.

“ઊંઘ નથી આવતી દીદી?” રમાના અવાજમાં સહાનુભૂતિ હતી.

“મન ચકડોળે ચઢ્યું હોય ત્યાં ઊંઘ ક્યાથી આવે? ત્યાં સૌની વચ્ચે કશું વિચારવાનો સમય જ નહતો.

“દુઃખ જ એવું આવ્યું છે કે મનને શું આશ્વાસન આપી શકાય?”

“દુઃખ માત્ર દીદી ગયાનું નથી. દુઃખ એ વાતનું છે કે એ લોકો મને દીદીની જગ્યાએ જોવા માંગે છે. દીદીના સાસરીવાળા આવું વિચારે તો એનું મને આશ્ચર્ય ન થાત, દુઃખ તો એ વાતનું છે કે મા, ભાઈ, ભાભી, કાકા, મામા પણ એમ જ ઇચ્છે છે. એના માટે દબાણ પણ કરે છે. મારું મન શોકથી ભારે હતું અને એમાં આવી વાત! છી… એવું લાગે છે કે જાણે દીદીના મૃત્યુની ઇચ્છા કરીને આટલો સમય હું કુંવારી બેસી ના રહી હોઉં ?” શીલાથી અકળામણ ઠલવાઈ ગઈ.

“અને જીજાજી શું કહે છે?”

“એ શું કહેવાના હતા? એમનું મૌન જ જાણે એ વાતનો સંકેત આપે છે કે, આ સૌની વાતમાં એમની સંમતિ જ છે. એ જાણે છે કે સમાજ અને કુટુંબવાળા ભારે દયાળુ છે, એમને લાંબો સમય એકલા નહી રહેવા દે. એ બધું તો ઠીક પણ દીદીય જાણે ગોઠવણ જ કરીને ગઈ છે.”

રમાએ પ્રશ્નાર્થ ચહેરે શીલા સામે જોયું.

“કહીને ગઈ છે કે શીલુને સ્વાતિની મા બનાવજો.”

થોડી ક્ષણો એમ જ પસાર થઈ ગઈ. પછી રમા બોલી.

“ચાર-છ મહિના પછી હું પણ આવો જ ઉકેલ લાવવાનું કહેત.”

“કેમ રે રમા, તું પણ આમ જ વિચારે છે, તું મારી બધી વાત જાણતી નથી?”

“જાણું છું દીદી, તમે કોઈ પાવન આત્માની યાદનો દીપક દિલમાં પ્રગટાવીને બેઠાં છો. દીદી, જીવન ભાવનાઓની આધારે નથી ચાલતું. એને કોઈકના સાથની જરૂર હોય છે. આજે નહીં ને કાલે તમને આ વાત સમજાશે.”

“ત્યારે હું કોઈનો સાથ શોધી લઈશ. પણ, આજે આ લોકો જે કહે છે એ મને યોગ્ય નથી લાગતું. એ તો જાણે આવી કોઈ તકની રાહ જોતા હોય એવું નથી લાગતું?”

“તક શબ્દ ભલે ખોટો હોય છતાં વિચારી જોજો. તમે કહો છો એમ મા પણ એવું જ ઇચ્છે છે. બરાબર, અને હમણાં જ જવાબ ન આપો પણ એ દિશામાં વિચારી તો શકાય ને?” રમાના સવાલોમાં છાનો આગ્રહ હતો.

“રમા, જીજાજી માટે મને ખૂબ આદર છે, પણ પતિના સ્વરૂપે સ્વીકારવાનું તો દૂર કલ્પી પણ નથી શકતી. હવે મારી દુનિયા સાવ અલગ છે. મારી રીતે જીવન ગોઠવી લીધું છે. મારી દુનિયાના રંગો સૌ કરતા જુદા છે. ઑફિસની ફાઇલો જીજાજી માટે સાહિત્ય છે, મહિનામાં એકાદ પિક્ચર જોવા જવું એને કલાપ્રેમ માને, બાળકોના ભણતરની જવાબદારી અને પત્ની માટે વર્ષે એકાદ દાગીનો ઘડાવીને પોતાનું કર્તવ્ય પૂરું થઈ ગયું એમ માને એવી વ્યક્તિ સાથે મારો જીવનનિર્વાહ અસંભવ છે.” એક શ્વાસે શીલા ઘણું બોલી ગઈ.

બારીમાંથી આવતા પ્રકાશમાં ચમકતા શીલાના ચહેરાને રમા જોઈ રહી.

“બધું ક્યાં આપણે ઇચ્છીએ એમ મળે છે દીદી. જીવનમાં સમાધાન તો કરવું જ પડે છે.”

“એની પણ એક ઉંમર હોય છે રમા. લગ્ન પહેલા દીદી બેડમિંગ્ટન રમતી’તી, સિતાર વગાડતી’તી, કથ્થક કરતી’તી, મહાદેવીના ગીતો ગાતી’તી પણ લગ્ન પછીના આટલા વર્ષોમાં શું ઉપલબ્ધિ પામી? પાંચ-સાત જાતના પુલાવ. દસ જાતના અથાણાં, બત્રીસ જાતનાં પકવાન અને ડઝન સ્વેટર બનાવવા સિવાય બીજું એણે કર્યું શું? સોળ વર્ષની ઉંમરે પરણી એટલે એ  સાસરીના ઢાંચામાં ચૂપચાપ ઢળી ગઈ, પણ પાંત્રીસ વર્ષની ઉંમર એટલી સરળ નથી કે હું એની જેમ વળી જઉં.”

પ્રમોદના આવવાથી બંનેની વાત અહીં અટકી. રમા ચૂપચાપ ઊભી થઈ. પ્રમોદની સાથે ઘરમાં ગઈ. રમાના ઘરનો ઉજાસ અંધકારમાં ભળી ગયો. શીલા પોતાના રૂમમાં આવી.

“બસ, આને જ દાંપત્ય કહેતા હશે? રમાએ કેટલી સરળતાથી પ્રમોદના વિચારોને અપનાવી લીધા છે? પોતાની અલગ અસ્મિતાને લઈને રમાને જરાય પરેશાન થતા નથી જોઈ. પોતાનાથી આ બધું શક્ય બનશે?”

શીલાએ પોતાની જાતને પૂછ્યું. મનના કોઈ પણ ખૂણામાંથી હકારમાં જવાબ ન મળ્યો. પણ છેલ્લા કેટલાય સમયથી મનમાં સળગતો લાવા થોડો શાંત તો પડ્યો જ. એ સમજતી હતી કે એની એકલતાની પણ ચિંતા સૌને સતાવતી હતી. જ્યારે જ્યારે એ ઘેર જતી એટલી વાર મા કહેતી કે એની ચિંતામાં નથી એ શાંતિથી જીવી શકતી કે નથી મરી શકવાની. એમાં દીદીના મૃત્યુથી એના બાળકોની ચિંતાનો ભાર મન પર વધ્યો હશે.

સૌને દીદીના અવસાન પછી ગૂંચવાયેલું કોકડું ઉકેલવા જીજાજી સાથે પોતાના લગ્નનો એક માત્ર રસ્તો જ દેખાતો હતો. દીદી પણ એમ જ ઇચ્છતી હતી. જતાંજતાં જાણે એક ફરમાન બહાર પાડતી ગઈ. અરે! મને પૂછવું તો જોઈએ ને? હું શું ઇચ્છું છું એ જાણાવું તો જોઈએ ને?

અને અચાનક એ ઊભી થઈ. ટેબલલૅમ્પ ચાલુ કર્યો અને લખવા બેઠી.

“આદરણીય જીજાજી, દીદીની ઇચ્છા હતી કે હું સ્વાતિની મા બનું. દીદીની વાત ટાળવાનો તો કોઈ સવાલ જ નથી. આપ નિશ્ચિંતતાથી સ્વાતિની સોંપણી મને કરી શકો છો. એ પછી આપની પત્ની બનવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થશે એ મને દીદી જેટલી જ પ્રિય હશે, એની ખાતરી આપું છું. બસ, આટલું જ.”

પત્રને એક કવરમાં બંધ કરીને ઉપર જીજાજીનું સરનામું કર્યું. પંદર દિવસમાં પહેલી વાર એણે શાંતિનો અનુભવ કર્યો. મન પર છવાયેલું શોક અને ચિંતાનું ધુમ્મસ ધીમે ધીમે આછું થતું હતું.


માલતી જોશી લિખિત વાર્તા कोहरे के पार પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.