જીના શેઠ

આજે પણ પ્રસ્‍તુત પ્રભુલાલ દ્વિવેદીની રચના

(પૃથ્વીરાજનું થીમસોંગ)

“કુસંપે ખોયું હિન્દુસ્તાન”

સંપ વિનાની સુખ સંપતના વ્યર્થ અરે અભિમાન…

કુસંપે ખોયું હિન્દુસ્તાન,….

નથી દૂર, છે દષ્ટિ આગળ કુસંપનાં પરિણામ… કુંસપે…

વેર પરસ૫ર ભાઈભઈમાં જામ્યા
ભીષ્મ-કર્ણ સરખા એમા જ વિરુમ્યા…..

કૌરવ-પાંડવ લડયા અહીં

એ કુરૂક્ષેત્રનાં સ્થાન… કુસંપે

અદેખાઈની આગ વેશે અજ્ઞાની
પડ્યો વીર જયચંદ બની અભિમાની
પાણીપતમાં પડ્યા પ્રતાપી પૃથ્વીરાજ ચૌહાણ… કુસંપે

ગયો ત્યારથ! ભાગ્ય રવિ સંતાઈ,
પરવશતા ઘનઘોર નિશા પથરાઈ,
પડી ‘ભારતી’ ભર નિદ્રામાં,

ધરી ઉંદયનું ધ્યાન… કુસંપે

નાટક : પૃથ્વીરાજ ચૌહાણ (૧૯૨૫)

કવિ : શ્રી પ્રભુલાલ દ્વિવેદી

શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ

પ્રાસ્તાવિક

પ્રભુલાલ દ્વિવેદી

નાટયસમ્રાટ પ્રભુલાલ દ્વિવેદીને પહેલેથી જ ઇતિહાસના કેટલાક સમર્થ અને પ્રતિભાશાળી મહાપુરુષો પ્રત્યે આકર્ષણ હતું. તેમનાં ચરિત્રોને નાટકમાં મઢવાની તેમને એક અજબની ધૂન હતી. આ સંદર્ભે, ઇતિહાસમાં જેને નામે અનેક કડવી-મીઠી વાતો લખાયેલી છે, જેનાં શૌર્ય અને વિલાસ બંનેએ સમસ્ત હિંદમાં અનેક મતમતાંતરો જન્માવ્યા છે, જેનાં પરાક્રમો અને યશોગાથાઓ અતિશયોક્તિ જેવાં લાગે છે, એવા પ્રતાપી ભારતસમ્રાટ પૃથ્વીરાજ અને તેને વિલાસની પ્યાલીઓ પાનારી મહારાણી સંયુક્તાના ઇતિહાસનાં પુષ્પો ગૂંથવાની તેમને ખૂબ ઇચ્છા હતી. તેથી “માલવપતિ’ (૧૯૨૩) ભજવાયા પછી ધીકતી કમાણી અને આબરૂની વચ્ચે કંપનીએ પ્રભુલાલ દ્વિવેદીની ઇચ્છા પ્રમાણે ‘પૃથ્વીરાજ’ નાટકની તૈયારી કરવા માંડી.

પ્રસ્‍તુત ગીત આ નાટકની મંગલાચરણ પછીની ‘નાન્દી’માં ગવાતું.

નાટકની પ્રસ્‍તાવનારૂપે રજૂ થયેલો સંવાદ કંઈક આવો હતો.

સૂત્રધાર : બાળાઓ, આજના નાટયપ્રયોગનું નામ ‘પૃથ્વીરાજ !’ દિલ્હીના છેલ્લા પ્રતાપી મહારાજ પૃથ્વીરાજ ચૌહાણના નામથી ભારતવર્ષમાં કોઈક જ અજ્ઞાત હશે.

નટી : યથાર્થ ! જેની રસલાલસા અને વીરતાનાં યશોગાન અને જેના પ્રબળ પરાકમી સામંતોની કીર્તિકથા ચંદ વરદાયીના પ્રતાપે ઘરેઘરે ગવાઈ રહી છે.

બાળા : એવા પ્રતાપી પુરુષનો પરાજય શાથી થયો તે જણાવવા કૃપા કરશો ?

સૂત્રધાર : અવશ્ય, ભારતનો એ સ્વાતંત્ર્યસૂર્ય અસ્ત પામ્યો તેનું કારણ રંગીલા રાજેન્દ્રની વિલાસવૃત્તિ, તે કાળના રાજમંડળમાં લોકપ્રિય રહેલી ખોટી મોટાઈ, અદેખાઈ અને ભારતવર્ષમાં ઘર કરી રહેલો કુસંપ !

નટી : બરાબર… સંપ વિનાની સુખ-સંપત્તિ ક્યાં સુધી ટકે?

આ સંવાદ પછી ઉપરોક્ત ગીત ગાવામાં આવતું.

એ જમાનામાં આવા થીમ-સોંગનો ટ્રેન્ડ શરૂ કરી અને તેનો પ્રચાર કરવાવાળાઓમાંનાં એક હતા કવિ અને ચિત્રકાર ફૂલચંદ માસ્તર. તેમણે પોતાના દરેક નાટકમાં આ પ્રકારનું થીમ-સોંગ ગવડાવ્યું હતું. આવા થીમ-સોંગ કે ટાઇટલ-સોંગમાં નાટકનું હાર્દ અને નાટકનો સંદેશ રજૂ થતો.

નાટકની ભવ્યતા અને વૈભવ

આ નાટકને શણગારવા માટે નાટક કંપનીના માલિકોએ નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી દીધી હતી. ટિકિટના ભાવ રૂ. પાંચને બદલે રૂ. ૧૫ કરી નાખ્યા હતા. પૃથ્વીરાજના રંગ-મહેલનો સેટ તે સમયના પ્રખ્યાત પેઇન્ટર મહંમદ આલમે બનાવ્યો હતો. તે સેટમાં “મુગલે આઝમ’ના દશ્યની જેમ પેનલો પર કાચ જડવામાં આવ્યા હતા. યોગ્ય પ્રકાશનિયોજનથી દંશ્ય અદ્દભુત લાગતું હતું..

ફૂલચંદ માસ્તર

એટલું જ નહીં પૃથ્વીરાજ સંયુક્તાનું હરણ કરીને જાય છે તે દશ્ય આબેહૂબ રજૂ કરવા માટે સાચો ઘોડો શણગારીને સ્ટેજ ઉપર લાવવામાં આવતો. વેશભૂષા (કોસ્ચ્યુમ) પાછળ હજારો રૂપિયા ખર્ચાયા હતા.  તખ્તા ઉપર ૧૬ થી ૨૦ દાસીઓ રહેતી. તખ્તા ઉપર યુદ્ધના દંશ્યમાં અનેક લડવૈયાઓ રજૂ થતા. બાણ આબેહૂબ ખૂંચી જાય તેવાં બખ્તરો બનાવવામાં આવ્યાં હતાં.

ટૂંકમાં આ નાટકને શણગારવા માટે નાટક કંપનીએ એ સમયે, એટલે કે આજથી ૧૦૦ વરસ પહેલાં લાખ રૂપિયા જેવી રકમ ખર્ચી હતી. આ નાટકની આવી વાતો સાંભળીને આપણને બોલિવૂડના પ્રતિભાશાળી ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી યાદ આવી જાય. તો સાથે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે ફિલ્મ ‘કસુંબો’ બનાવનાર વિજયગિરિ બાવાને પણ યાદ કરી લઈએ. તેમના ફિલ્મનું behind the scenes જોઈએ ત્યારે ખબર પડે કે કેટલી મહેનત અને કેટલા બધાની મહેનત હરે આમાં! વળી, નાટકમાં તો આ જ કડાકૂટ દરેક શૉ વખતે ફરીથી કરવાની, બાપ રે! Salute to the spirit of so many people, who kep the Rang Bhoomi alive!

અને પડદો પાડી દેવો પડ્યો…

મા. ત્રિકમ

તારીખ ૨૯ એપ્રિલ, ૧૯૨૫ની રાતે વિક્ટોરિયા થિયેટરમાં લક્ષ્મીકાન્ત નાટક સમાજે “પૃથ્વીરાજ’ નાટક રજૂ કર્યું. શુંગારરસ અને વીરરસપ્રધાન એવું આ એતિહાસિક નાટક પ્રભુલાલ ઢિવેદીની એક ઉત્તમ નાટ્યકૃતિ ગણાય છે. દિગ્દર્શન મૂળચંદમામાનું હતું. લખલૂટ ખર્ચ કરીને તૈયાર કરેલા આ ખેલની હવા ખૂબ જામી હતી તેથી વિરોધી કંપનીવાળાઓએ ભેગાં થઈ પ્રથમ નાઇટની ટિકિટો લઈ નાટકમાં ખૂબ ધાંધલ કરી નાટક ઉડાડી મૂક્યું. મધ્યાંતરના ‘સંયુક્તા-હરણ’ના પ્રવેશમાં પૃથ્વીરાજ તરીકે અશરફખાન અને ચંદ તરીકે મૂળજી ખુશાલ, સંયુક્તા તરીકે મા. ત્રિકમ હતા.

સ્વયંવરમાંથી જ સંયુક્તાનું હરણ કરીને સાચો રેસનો ઘોડો સ્ટેજ પર લાવેલા તેના ઉપર બન્ને નાસી જાય છે. એ જ વખતે તોફાનીઓએ એટલું તોફાન કર્યું કે ઘોડો ભડકીને પાછલા બે પગે ઊભો થઈ ગયો. અશરફમિયાં અને મા. ત્રિકમ બંને નીચે પછડાયા. લોકોએ હુરિયો બોલાવ્યો અને પડદો પાડી દેવો પડ્યો. વળી પ્રેક્ષકો પણ કંઈક અંશે ટિકિટના ભાવવધારાથી નારાજ હતા અને કેટલાક હિતશત્રુઓ નાટકને નાપાસ કરવા કૃતનિશ્વયી હતા. આમ પહેલા પ્રયોગે જ નાટક નાપાસ થયું. કંપનીને ઘણું મોટું નુકસાન ગયું.

Behind The Curtain

કથા : પૃથ્વીરાજ ચૌહાણની… (૧૧૪૯ થી ૧૧૯૨)

પૃથ્વીરાજ ચૌહાણ

પૃથ્વીરાજ એટલે ચૌહાણવંશના મહાન ક્ષત્રિય રાજા. જેમના સાહસ અને પરાકમના કિસ્સા ભારતીય ઇતિહાસના પાના ઉપર સ્વર્ણિમ અક્ષરે લખાયેલા છે. મહંમદ શાહબુદ્દીન ઘોરી, જે ગજનીનો સુલતાન હતો, તેની નજર દિલ્હીની ગાદી પર હતી. પણ એના સિંહાસન પર બિરાજમાન હતા વીર, યશસ્વી, ઓજસ્વી અને તેજસ્વી વોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ ! સોળ-સોળવાર પૃથ્વીરાજના હાથે પરાસ્ત થયા પછી સત્તરમી વાર તેને સફળતા મળે છે, કારણ કનોજના કૂર અને ઘમંડી રાજા વીર જયચંદે પૃથ્વીરાજને નીચો નમાવવા મહંમદ ઘોરી સાથે હાથ મિલાવી લીધા હતા. ઘરનો માણસ ફૂટી જાય અને ગદ્દાર નીકળે ત્યારે પરાજય સિવાય બીજું શું થાય ? પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. પૃથ્વીરાજને ગુલામ બનાવી તેની આંખો ફોડી નાખવામાં આવે છે. આવો અંધ સમ્રાટ પાસે મહંમદ ઘોરી શબ્દવેધી બાણનો પ્રયોગ કરાવવા ચાહે છે. સાત પોલાદના તવા આડે રાખીને તે પૃથ્વીરાજને બાણ ચલાવવા આગ્રહ કરે છે ત્યારે મિત્ર ચંદ વરદાયી જેઓ પોતે એક કવિ પણ હતા તે પૃથ્વીરાજને એક દોહા દ્રારા મદદ કરે છે.

‘ચાર બાંસ ચોવીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ,
તા પર સુલતાન હૈ મત ચૂકે ચૌહાણ’

પૃથ્વીરાજની આંખો ગઈ હતી પણ હિંમત બુલંદ હતી. ઇરાદો નેક હતો. તેથી મિત્રના દોહાના આધારે તીર ચલાવી તે મહંમદ ઘોરીને મૃત્યુને ઘાટ ઉતારે છે અને પછી દુશ્મનના હાથે મરવા કરતાં મોતને વ્હાલું કરવાનું વધુ ઉચિત સમજી બંને મિત્રો પણ પ્રાણ ત્યાગી દે છે.

આસ્વાદ

કવિએ અહીં એક સનાતન સત્ય વાતને વહે મૂકી છે. સંપતિ નહી, પણ સંપનો મહિમા ગાતાં કવિ કહે છે કે સુખ-સંપત્તિ હોય પણ સંપ ન હોય એ જ સંપત્તિનું અભિમાન કરવું વ્યર્થ છે. કુંસંપે જ હિન્દુસ્તાન તારાજ થયું છે. બહાર શત્રુઓથી તો માણસ લડી શકે છે પણ ઘરનો માણસ જ ફૂટી જાય તો એ જ ઘરને કોણ બચાવી શકે ! આપી આજુબાજુ જ નજર કરશું તો આજ અનેક ઉદાહરણો મળી આવશે.

અહીં ઉદાહરણમાં કવિએ ભીષ્મ અને કર્ણની વાત કરી છે. રણભૂમિમાં ભિષ્મ પિતામહ એટલે એક અભૂતપૂર્વ યોદ્ધા, વિચક્ષણ વ્યક્તિત્વ, જે રાજગાદીની પ્રત્યેની નિષ્ઠાને લીધે, સત્ય અને ધર્મના જ્ઞાતા હોવા છતાં તેમને અસત્યને પક્ષે રહેવાની ફરજ પડે છે. અર્જુન તેમને પ્રિય હોવા છતાં અને અર્જુનને પણ તેમના પ્રત્યે અપાર પ્રેમ અને આદર હોવા છતાં પરિસ્થિતિને વશ થઈ અર્જુને ભીષ્મ પિતામહને બાણશય્યા આપવી પડે છે. ઇચ્છામૃત્યુનું વરદાન હોવા છતાં તેમને પોતાના વંશજોને હાથે જ મૃત્યુ મળે છે. કેવી વિધિની વક્રતા ! જો પાંડવો અને કૌરવો વચ્ચે સંપ હોત તો આ પરિસ્થિતિ ઊભી જ ન થાત યુકિઠિર અને દુર્યોધન જો ભાઈભાઈની જેમ રહ્યા હોત તો… મહાભારત ન સર્જાત. એવી જ રીતે કર્ણ પણ અર્જુનનો જ્યેષ્ઠ ભ્રાઈ, અર્જુન જેટલો જ  બાણવિદ્યામાં નિપુણ… અપૂર્વ અપ્રતિમ સાહસિક અર્જુનની બરોબરી કરી શકે એવો – પણ એને પણ દુર્યોધનને પક્ષે રહેવાથી અંતે શું મળું ? આવા સાહસિકો મરાયા તેનું કારણ ભાઈ-ભાઈ વચ્ચેજ  કુસંપ ! જ્યારે-જ્યારે ભાઈ-ભાઈમા પરસ્પર વેરેઝેર જામે છે ત્યારે-ત્યારે એ વેરની આગ આખા ને આખા દેશને ભરખી જાય છે.  કુસંપનાં બીજ જ્યારે મગજમાં વવાઈ જાય છે ત્યારે એની કિંમત બધાને જ ચૂકવવી પડે છે.

કવિના હૃદયની પીડા તેમને વધુ એક ઉદાહરણ આપવા પ્રેરે છે. બારમી સદીનો ઇતિહાસ તપાસશું તે જઆશે કે કનોજના રાજ જયચંદને બદલે દિલ્હીની ગાદી પૃથ્વીરાજ ચૌહાણને મળી ત્યાંથી કલહનું બીજ રોપાઈ ગયું હતું. જે પાણીપતન યૃદ્ધમાં પૃથ્વીરાજના પરાજવનું કારણ બન્યું હતું. જો જયચંદ દેશદ્રોહી ન બન્યો હોત હો ઇતિહાસ કંઈક જુદો જ હોત. ‘સંપ ત્યાં જંપ’ કહેવત બહુ નાની છે, પણ એનું પરિણામ બહું મોટું છે. જ્યાં સંપ હોય ત્યાં શાંતિ પ્રેમ, સદ્ભાવના, મૈત્રી, સંપત્તિ અને અંતે સમૃદ્ધિ ટકે છે. ટૂંકમાં સંપ હોય ત્યાં સફળતા મળે છે અને કુસંપ હોય ત્યાં વિખવાદ જાગે છે.

છેલ્લી કડીમાં કવિ નિરાશા વ્યક્ત કરતાં કહે છે કે જ્યારથી ભારતમાં કુસંપનાં બીજ વવાયાં છે ત્યારથી જ જાણે ભારતનો ભાગ્યોદય નબળો પડ્યો છે. જાણે સોનાનો સૂરજ સંતાઈ ગયો હોય અને પરવશતાની ઘનઘોર નિશા પથરાઈ ગઈ હોય એવું વાગે છે. મા’ ભારતી’ ભર નિદ્રામાં પોઢી ગઈ છે . એ ઉંદયનું ધ્યાન ધરવા ચાહે છે તો પણ કોણ એને એ નિદ્ધામાંથી જગાડશે ? આપણે સૌ પોતપોતાનો રોટલો શેકવામાં પડ્યાં છીએ તો મા ‘ભારતી’ન! ઉત્કર્ષ વિશે કોણ વિચારશે ?

આવા વેધક પ્રશ્નો અને નિરુત્તર ઉપાયો સાથે કવિ પોતાની વાતને વિરામ આપે છે. કવેએ તો પોતાનું કામ કર્યું છે. હવે આપણે વિચારવાનું છે કે આપણે શું કરવાનું છે?

સમીક્ષા :

૧૯૨૫ માં પ્રભુલાલ દ્વિવેદીએ વિચારેલી આ વાત એ હકીકતે એક વ્યથા છે. ત્યારે સો વર્ષ પહેલાં વર્ણવેલી કવિની વ્યથા-જેનું બીજ કુસંપ છે તે આજે પણ આપણને વિચારતા કરી દે તેવી છે. ભાઈ-ભાઈ વચ્ચે કુસંપને બદલે સંપ હોત તો… ઇતિહાસ બદલાઈ જાત ! સંપ છે ત્યાં સતયુગ છે કુસંપ છે ત્યાં કળયુગ છે.

સંદેશ

શું ઇતિહાસ માત્ર ભણવા માટે જ છે? શીખવા-સમજવા માટે નહીં! શું કોઈના જીવનપ્રસંગો પરથી આપણે જ્ઞાન ન લઈ શકીએ?

ઇતિહાસમાંથી શીખી, પાઠ ભણી આપણે પણ સંપ રાખતા શીખવાનું છે તો જ આપણે સાચા જ્ઞાની કહેવાઈએ. અહમૂને એક બાજુ મૂકી, નાની-નાની વસ્તુઓમાં અટવાઈ ન જઈએ. મહાન લક્ષ્ય તરફ મીટ માંડી, એ દિશામાં કાર્ય કરવા તત્પર બનવાનું છે.

કુરક્ષેત્ર એ યુદ્ધનું મેદાન છે. લડાઈનું સ્થાન છે. પણ એ સૌ પહેલાં તો જન્મે છે માણસના મનમાં. આમ ધર્મક્ષેત્ર-કુરક્ષેત્ર માત્ર કોઈ બાહ્ય સ્થાન નથી, એ તો મનની ભાવદશા છે.

મંતવ્ય અને પ્રશંસા

આ નાટક વિશે જાણીતા લેખક પ્રાગજી ડોસા લખે છે, “નાટયશાસ્ત્રના પ્રખર જ્ઞાતા કવિશ્રીએ આ નાટકમાં શુંગાર, વીર, રૌદ્ર, કરુણ, હાસ્ય, અદ્દભુત અને શાંત રસને વહાવડાવ્યો છે.”

નાટકનું બીજ છે : “કુસંપ વિખવાદ જાગે.”

તેઓ પ્રભુલાલ દિવેદીનાં ગીતો વિશે લખતાં આગળ કહે છે કે “લોકપ્રિય મનાં ગીતો ભાવવાહી અને મર્માળાં હોય છે અને તે અન્‍્તર્ગત એવું સત્ત્વ હોય છે કે તેના ઉપર તો એકેક નાટક લખી શકાય. આ નાટકનાં ગીતો

  • અજબ અંગના તું સ્વાંગમાં વાંરાગના દીસે
  • અંજબ સૌંદર્યના જાદુ
  • હો રસિયા! રમીએ ભોગવિલાસ
  • કહેજે કે ક્યારેક અમને સંભારે…

માત્ર મંચ પર જ નહીં, કિન્તુ આકાશવાણી અને દૂરદર્શન પર પણ આ ગીતો પ્રેક્ષકો અને શ્રોતાઓએ માણ્યાં છે.”

કવિશ્રીની સિદ્ધિને બિરદાવતાં તેઓ લખે છે.

“આપણી પરંપરાગત વ્યવસાયી રંગભૂમિનાં નાટકોમાં સાહિત્યકીય મૂલ્યવત્તા નથી અને આ તો “ભાંગવાડિયાં નાટકો’ છે એવું કહેનારાઓને હું નાટયમહર્ષિ પ્રભુલાલભાઈનાં નાટકો વાંચી, વિચારી અને આત્મસાત્‌ કરવા સૂચન કરું છું.”

રોચક વાતો

“રાજા હરિશ્ચંદ્ર”

નાટકથી સિનેમા સુધીની સફર

કેખુશરો કાબરાજી

ગુજરાતી રંગભૂમિની શરૂઆત પારસીઓએ કરી. તેમણે પશ્ચિમી નાટકોના અનુકરણ અને પારસીઓમાં પ્રચલિત કથાઓ પરથી નાટક ભજવવાની શરૂઆત કરી પછી… તેઓએ હિંદુ પુરાણકથાઓ પર આધારિત નાટકો ભજવવાનું પણ શરૂ કર્યું. આ દિશામાં પહેલ કરી કેખુશરો કાબરાજી અને તેમની “નાટક ઉત્તેજક મંડળી’એ.

રણછોડભાઈ ઉદયરામ દવેનું ‘હરિશ્ચંદ્ર’ ભજવવા માટે તેમણે ધોબી તળાવ પર આવેલી ફરામજી કાવસજી ઇન્સ્ટિટયૂટનો હૉલ એક વર્ષ ભાડે રાખી લીધો. અને ૧૮૭૪માં ખેલ શરૂ કર્યા. ખેલ વખતે દર્શકોની એટલી ભીડ થતી કે ઇમારતના દરવાજા ખેલ શરૂ થતાં પહેલાં અડધા કલાકે બંધ કરી દેવા પડતા અને એ જમાનામાં તેના કેટલા પ્રયોગો થયા હશે? પૂરા અગિયારસો !!!

આ નાટકમાંથી “નાટક ઉત્તેજક મંડળી’ને એટલી તો આવક થઈ કે તેમાંથી તેણે ખાસ પોતાનાં નાટક ભજવવા માટે ક્રાફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું.

ફરામજી કાવસજી ઇન્સ્ટિટયૂટ
દાદા સાહેબ ફાળકે

આ નાટક એ પછી વર્ષો સુધી છેક ૧૯મી સદીના પાંચમા કે છઠ્ઠા દાયકા સુધી સુધારા-વધારા સાથે અનેક નાટ્યકારોએ લખ્યું છે. અને મુંબઈમાં અને ગુજરાતમાં ઠેર-ઠેર અનેક નાટકમંડળીઓએ. અને છેવટે રામલીલામાં આ કથા ભજવાઈ છે. હરિશ્વંદ્ર વિશેનાં નાટક ઉર્દૂમાં ભજવાય છે એની આજે આપણને નવાઈ લાગે પણ એ વખતે મરાઠી-ગુજરાતી-ઉર્દૂ રંગભૂમિ પ૨ આવી લેવડદેવડ થતી રહેતી.

દાદા સાહેબ ફાળકે એટલે હિન્દુસ્તાનના ફિલ્મ ઉદ્યોગના  પિતા. તેઓ રણછોડભાઈ-કાબરાજીના હરિશ્વંદ્ર નાટકથી અને તેને મળેલી અસાધારણ સફળતાથી પરિચિત હોય એ સ્વાભાવિક ગણાય. તેમણે વડોદરાના કલાભવનમાં અભ્યાસ કર્યો હતો એટલે તેમને ગુજરાતી રંગભૂમિનો પણ પરિચય હોય. વળી, ૧૮૭૪થી ‘હરિશ્ચંદ્ર’ વિશેનાં નાટકો અવારનવાર ભજવાતાં રહેતાં.

આ બધાં પરિબળોને લીધે પોતાની પહેલી ફિલ્મ માટે વિષય પસંદ કરતી વખતે તેમણે આવાં ‘હરિશ્ચંદ્ર’નાં નાટકોની બહોળી અને  લાંબા સમયની સફળતાને ધ્યાનમાં રાખી હોય એવો પૂરો સંભવ છે. અને એટલે રામ-કૃષ્ણને બદલે તેમણે પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્વંદ્ર ‘ વિશે બનાવી હોય.

ઇન્દ્રસભા’ ફિલ્મનું પોસ્ટર

એવી જ રીતે પારસીઓએ ભજવેલું ‘ઇન્દ્રસભા’ નાટક પૂણેમાં જોઈને અણ્ણાસાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનું સૂઝ્યું હતું અને તેમણે લગભગ રાતોરાત “સંગીત શાકુન્તલ’ નાટક લખ્યું હતું. (૧૮૮૦માં ભજવાયેલું તેમનું “સંગીત શાકુન્તલ” મરાઠીનું પહેલું સંગીત નાટક) તો આ જ ‘ઇન્દ્રસભા’ નાટક પરથી ૧૯૩૨માં ‘ઇન્દ્રસભા’ ફિલ્મ બની હતી જેમાં ૭૦ કરતાં વધુ ગાયન હતાં. આજ સુધી દુનિયામાં બનેલી બીજી કોઈ ફિલ્મમાં આટલાં ગીતો આવ્યાં નથી (જે બનાવી હતી ‘માદન થિયેટર કંપની’એ.) આ અસર રંગભૂમિની જ કહી શકાય. એટલે કે એ જમાનામાં રંગભૂમિ અને ફિલ્મો વચ્ચે પણ વાટકી વહેવારનો સંબંધ હતો.

ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર ‘નું એક દશ્ય

આમ આપણા દેશની પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ પછી દાદાસાહેબે લગભગ ૨૫ વર્ષની કારકિર્દીમાં અનેક પૌરાણિક પાત્રો અને પ્રસંગોને લઈને સોએક ફિલ્મો બનાવી. પછી મૂંગી ફિલ્મોનો યુગ પૂરો થયો અને કોને ખબર હતી કે રાજા હરિશ્ચંદ્રના આમંત્રિતો માટેના શોમાં હાજર હતા તે અરદેશર ઈરાની પછીથી ‘આલમઆરા’થી બોલતી ફિલ્મ (ટૉકી) બનાવવાની શરૂઆત કરી નવી કેડી કંડારશે…

                                    અરદેશર ઈરાની                                                   આલમઆરા

પરિવર્તન સંસારનો નિયમ છે !


ક્રમશઃ


હવે પછી – ગરબો / રાસ – ઊગ્યો સખી

સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com