માહિતી જંક્શન

વિશાખા મોઠિયા

એક એવી કલાની વાત કરવાની છે જેની શરૂઆત સભ્ય સંસ્કૃતિ શરૂ થઈ ત્યારથી લઈને આજ પર્યંત યથાવત્ છે. જ્યારે કોઈ મેટલ નહોતાં શોધાયાં, ત્યારે પ્રકૃતિની દેન એવા આ પૃથ્વીના તત્વમાંથી જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બનાવવામાં આવતી. પંચમહાભૂત તત્વોમાંની એક એવી જમીન ~ ધરતી, જેને ‘મા’ કહેવામાં આવે છે; એણે મનુષ્યોની તમામ જરૂરિયાતો પૂરી કરી છે જેમ કે – અનાજ, શાકભાજી, વનસ્પતિઓ, માટી વગેરે. પથ્થર યુગ પછીથી માનવી જેમ જેમ સામાજિક અને વ્યવહારુ થતો ગયો, તેમ તેમ તેનામાં રહેલી આવડતો પણ વિકસતી ગઈ જેમ કે – ઓજારો બનાવવા, ઘર બનાવવા, ખેતી કરવી, માટીનાં વાસણો બનાવવા વગેરે. તો આજે આપણે જાણીશું, સૌથી પ્રાચીન હસ્તકલા એવી ટેરાકોટ્ટા માટીકામ કલા વિશે. સાથે જાણીશું તેનો ઇતિહાસ, ટેરાકોટ્ટા વાસણ બનાવવાની રીત અને પ્રકાર, ભારતની પ્રખ્યાત ટેરાકોટ્ટા વસ્તુઓ વિશે.

સૌથી પહેલાં ટેરાકોટ્ટાનો પરિચય લઈશું.

ટેરાકોટ્ટા એ ઇટાલિયન શબ્દ છે જેમાં અનુક્રમે ટેરા એટલે પૃથ્વી કે ધરતી (માટીનો સંદર્ભ) અને કોટ્ટા એટલે પકવવું; આમ ટેરાકોટ્ટાનો અર્થ ‘પકવેલી માટી’ થાય છે, જેનો અંગ્રેજીમાં અર્થ Baked Earth થાય છે. ટેરાકોટ્ટાનું સાવ સીધુ  ઉદાહરણ આપીએ તો, ગામડાનાં મકાનની છતો પર જે નળિયા હોય છે એ ટેરાકોટ્ટા. ટેરાકોટ્ટામાંથી માત્ર વાસણો અને નળિયા જ નહીં, પરંતુ રમકડાં, દેવી દેવતાની મૂર્તિઓ, ફ્લાવર પોટ, માટલા, કૂંડા, કુલડીઓ, ઘોડાઓ, દીવડાઓ તેમજ ગૃહ સુશોભનની વસ્તુઓ પણ બને છે. ટેરાકોટ્ટાનો ઉપયોગ દુનિયાના દરેક દેશોમાં થાય છે, પરંતુ અલગ અંદાજમાં. આપણા ભારતના દરેક રાજ્યોમાં ટેરાકોટ્ટાની મૂર્તિઓ તેમજ વાસણો વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે, પરંતુ દરેકમાં કંઇક વિશેષતા હોય છે, કારણ કે દરેક પ્રાંતની જમીન અલગ હોય છે અને તેનો રંગ, માટી અને દેખાવ. ટેરાકોટ્ટાની વસ્તુઓ સસ્તી, ટકાઉ અને બિન નુકસાનકર્તા હોય છે. તે સિરમિકની જેમ ચમકદાર અને થોડીક બરછટ હોય છે.

ટેરાકોટ્ટાનો ઇતિહાસ

પકવેલી માટીમાંથી વાસણો, ઇંટો, મૂર્તિઓ, ઘરો તેમજ સ્થાપત્યો બનાવવાનો સિલસિલો જ્યારથી સભ્ય સંસ્કૃતિ શરૂ થઈ ત્યારથી ચાલ્યો આવે છે. એના પુરાવા પુરાતત્ત્વીય સ્થળોનાં ઉત્ખનન દરમિયાન મળી આવેલ છે. પ્રાચીન સભ્યતાઓ જેવી કે – મેસોપોટેમિયા, ઇજિપ્ત, ગ્રીક, સિંધુ ઘાટી, ચીન વગેરેનાં સ્થળો પરથી એ સમયના પકવેલી માટીમાંથી બનાવેલા વાસણો, મૂર્તિઓ, રમકડાં, સીલ (સ્ટેમ્પ) વગેરે મળી આવેલ છે. પકવેલી માટીમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવવાનું લગભગ ઇ. સ.પૂર્વે ૭૦૦૦ થી શરૂ થયું હોય એવું માનવામાં આવે છે.

– મેસોપોટેમિયા સભ્યતામાંથી દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ મળી આવેલ છે. ત્યાંનું પ્રખ્યાત સ્થાપત્ય – ઝિગરત પણ આ પકવેલી ઇંટોમાંથી (ટેરાકોટ્ટા) બનાવવામાં આવ્યું હતું.

– ઇજિપ્શિયન સભ્યતામાંથી ટેરાકોટ્ટાના ઘરો મળી આવેલ છે, જેમાં મમીનાં (મૃત વ્યક્તિ) ના કોફિન બોક્સ દફનાવવામાં આવતા. એ ઘરોનો ઉપયોગ દફનવિધિ માટે કરવામાં આવતો.

– ગ્રીક સભ્યતામાંથી ટેરાકોટ્ટાની બનેલી ઘંટ આકારની એક મહિલાની મૂર્તિ મળી આવેલ છે, જે bell Idol તરીકે ઓળખાતી. તે એ સમયની ટેરાકોટ્ટા હસ્તકલાનું નોંધપાત્ર ઉદાહરણ રહી હશે.

– સિંધુ ઘાટી સભ્યતામાંથી ટેરાકોટ્ટાના વાસણો, રમકડાં, મૂર્તિઓ તેમજ સીલ (સ્ટેમ્પ) મળી આવેલ છે. અહીં ટેરાકોટ્ટા વસ્તુઓ માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સુધી સીમિત નહોતી, પરંતુ તે વેપારમાં પણ ઉપયોગમાં લેવાતી. આ ટેરાકોટ્ટાનાં સ્ટેમ્પ પર પ્રાણીઓની આકૃતિઓ, લિપિઓ (એ સમયના symbolic અક્ષરો) વગેરે અંકિત કરેલા હતા, જે જે તે વેપારીનો બ્રાન્ડ લોગો કે એની ઓળખ હોય એવું પુરવાર થતું.

– ચીન સભ્યતામાંથી તો ઇ. સ.પૂર્વે ૨૧૦ આસપાસની, ટેરાકોટ્ટાના બનેલા સૈનિકોની એક વિશાળ ફોજ મળી આવેલ છે. આ ફોજમાં માત્ર સૈનિકોનાં પૂતળાં જ નહોતાં પરંતુ ઘોડા, તીરંદાજો, રથો વગેરે પણ હતા. આ ચમત્કારિક અજાયબી સન્ ૧૯૭૪ માં, ચીનના xi’an – શિયાન ખાતે આવેલા એક ખેતરમાં કેટલાંક ખેડૂતો ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે મળી આવી હતી. આ ફોજમાં ૬૦૦૦ જેટલા ટેરાકોટ્ટા સૈનિકોનાં પૂતળાઓ હતા, જે દૂરથી જાણે જીવિત તૈનાત કરેલા હોય એવું લાગે. ટેરાકોટ્ટાની આ વિશાળ આર્મીની ફોજ, ત્યાંના એ સમયના રાજા Qin – shi – huang (શીન શી હુઆંગ)નાં આદેશથી બનાવવામાં આવી હતી. અને આ ટેરાકોટ્ટા ફોજ બનાવવાનું કામ ખુદ રાજાના સૈનિકોએ જ કર્યું હતું, સૈનિકોએ પોતાની જ પ્રતિકૃતિ ઊભી કરી હતી. આ ટેરાકોટ્ટા ફોજ રાજાની કબર કે મકબરાની નજીકમાં જ આવેલ છે. રાજા પુનર્જન્મમાં માનતા હોવાથી, તેઓ એવું ઇચ્છતા હતા કે તેના નવા જનમમાં પણ તેની સાથે આ જ ફોજ ~ સેના રહે, તેના રાજ્યની રક્ષા કરવા.

ટેરાકોટ્ટાની પ્રક્રિયા અને પ્રકાર

ટેરાકોટ્ટાનાં વાસણો, મૂર્તિઓ તેમજ અન્ય કૃતિઓ બનાવવાની પ્રક્રિયા એકસરખી જ હોય છે, બસ પાછળથી એની સાજ સજ્જા અલગ હોય છે.

સૌથી પહેલા તો, જે આકારનાં ટેરાકોટ્ટાનાં વાસણો કે વસ્તુઓ બનાવવાની હોય, તેના માટે ભીની માટીનો પિંડલો ચકરડા પર મૂકી કુંભાર એને આકાર આપે છે. ત્યારબાદ તેને તડકામાં સૂકવવામાં આવે છે. હવે તેને પકાવવા માટે ૧૦૦૦૦ સેલ્સિયસ તાપમાન પર તપેલા ભઠ્ઠામાં મૂકવામાં આવે છે. આમાં બે વિકલ્પો હોય છે :

– જો કાણાવાળા ભઠ્ઠામાં માટીને પકવવામાં આવે તો, તેનો રંગ લાલ, નારંગી જેવો આવે છે. આનું કારણ એ છે કે કાળોમશ ધૂમાડો ભઠ્ઠાના કાણામાંથી નીકળી જાય છે એટલે વાસણને કાળો રંગ લાગતો નથી.

– જો કાણા વગરનો ભઠ્ઠો હોય તો, ધૂમાડો અંદરને અંદર જ રહે છે અને પરિણામે એ વાસણનો રંગ કાળો આવે છે.

હવે, એ વાસણોને ભઠ્ઠામાંથી બહુ કાળજીપૂર્વક બહાર કાઢીને પાણીમાં ઠંડા થવા દેવા માટે મૂકવામાં આવે છે. સુકાઈ ગયા પછી તેની પર સફેદો (ગેલ્વેનાઇઝ્ડ) લગાવવામાં આવે છે, તેને વધુ ચમકદાર બનાવવા માટે. સફેદો લગાવ્યા પછી, તે સુકાઈ ગયા બાદ તેના પર રંગ રોગાન તેમજ અન્ય ડેકોરેશન કરવામાં આવે છે. અમુક માટીના વાસણો કે મૂર્તિ પર સફેદો લગાવવામાં નથી આવતો, તે આમનામ જ રહેવા દેવામાં આવે છે જેમ કે – નળિયા, ટાઇલ્સ, તાવડી, માટલું, કુલડી, દીવડાં, મૂર્તિ, રમકડાં તેમજ ગૃહ સુશોભનની વસ્તુઓ વગેરે.

સન્ ૧૮૦૦ ના અંત સુધીમાં ઈંગ્લેન્ડ અને યુ. એસ. એ.માં ટેરાકોટ્ટા ઈંટ, નળીયા, ટાઇલ્સવાળા મકાન – ઇમારતો બનાવવાનું ચલણ વધ્યું હતું. ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં આવેલ ‘ધ વિક્ટોરિયન બેલ એડીસન ટેલિફોન બિલ્ડિંગ’  ટેરાકોટ્ટાનું નોંધપાત્ર ઉદાહરણ છે.

ભારતની અલગ અલગ રાજ્યોની પ્રખ્યાત ટેરાકોટ્ટા કૃતિઓ –

દરેક પ્રાંતોમાં આવેલ જમીન સરખી નથી હોતી, એટલે તેનો રંગ પણ સરખો નથી જ હોતો. આપણા ભારતના દરેક રાજ્યોમાં ટેરાકોટ્ટાની મૂર્તિઓ, વાસણો, રમકડાં તેમજ ગૃહ સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે. વળી પાછું એ દરેક રાજ્ય ટેરાકોટ્ટાની કોઈ એક સ્પેશિયલ વસ્તુ બનાવવા માટે પણ પ્રખ્યાત છે. દરેક રાજ્યોમાં ટેરાકોટ્ટા બનાવવાની પ્રક્રિયામાં થોડો ઘણો ફેર પડતો હોય છે. રાજ્યવાર ટેરાકોટ્ટાની અમુક પ્રખ્યાત કૃતિઓ નીચે મુજબ છે :

1) હરિયાણા – ગ્રે કલરના ટેરાકોટ્ટા વાસણો માટે પ્રખ્યાત. અહીંથી મહાભારત કાળના માટીના વાસણો પણ મળી આવેલ છે.

2) ગુજરાત – ટેરાકોટ્ટાના ‘ડિઝાઈનર પોટ્સ’ વખણાય છે, જે ભૂજના ગુંદિયાળીમાં બને છે. આ ઉપરાંત અન્ય રમકડાં જેવા કે – હાથી, ઘોડા, વાઘ, ગાય, ભેંસ, આખલો વગેરે પણ બનાવવામાં આવે છે.

3) રાજસ્થાન – રાજસ્થાનમાં ટેરાકોટ્ટાની કાગળ જેવી પાતળી અને હળવી ટાઇલ્સ હોય છે, જેની પર દેવી – દેવતાઓની આકૃતિઓ મોલ્ડ કરીને લગાવવામાં આવે છે. આ કાગળ જેવી પાતળી ટાઇલ્સ ‘કાગઝી’ તરીકે ઓળખાય છે અને તે રાજસ્થાનના અલ્વર તેમજ મોલેલામાં બને છે. આ ઉપરાંત પોખરણમાં લાઈટ પિંક કલરની ભૌમિતિક તેમજ ફ્લોરલ પેટર્નવાળી ટેરાકોટ્ટા કૃતિઓ જોવા મળે છે. આ ઉપરાંત અહીંના ઘોડાના પૂતળાંઓ પણ પ્રખ્યાત છે. આ ઉપરાંત ત્યાંના સ્થાનિક દેવતાઓની મૂર્તિઓ જોવા મળે છે.

4) મધ્ય પ્રદેશ – ત્યાંના આદિવાસી (જામ્બુઆ અને બસ્તર) લોકો દ્વારા બનાવવામાં આવતા ટેરાકોટ્ટાના દીવડાં તેમજ ધાર્મિક વિધિ માટેના પ્રાણીઓની આકૃતિઓ માટે પ્રખ્યાત છે. પ્રાણીઓમાં હાથી, ઘોડા, સાપ તેમજ અન્ય પક્ષીઓ વગેરે.

5) બિહાર – બિહારમાં ટેરાકોટ્ટાનું ચલણ મૌર્યયુગથી ચાલ્યું આવે છે. અહીંના ટેરાકોટ્ટાના ઘોડા બહુ જ પ્રખ્યાત છે જે મેઘધનુષ (સાત રંગ) રંગોના તેમજ તેજસ્વી રંગોથી રંગાયેલા હોય છે. આ સપ્તરંગી ઘોડાઓ દરભંગામાં બનાવવામાં આવે છે.

6) તમિલનાડુ – તમિલનાડુ ટેરાકોટ્ટાના બનેલા વિશાળ ઘોડાઓ માટે પ્રખ્યાત છે. ત્યાંની ગ્રામ્ય પરંપરા મુજબ, દરેક ગામડાંઓના પ્રવેશદ્વાર પર માટીના આવા વિશાળ ઘોડાઓ ગામડાની રક્ષા માટે મૂકવામાં આવે છે. ઘોડો એ ત્યાંના લોકોનાં આરાધ્ય ભગવાન અય્યનારનું વાહન છે.

7) જમ્મુ કાશ્મીર – અહીં બે પ્રકારની ટેરાકોટ્ટા કલાકૃતિઓ જોવા મળે છે : બુદ્ધિસ્ટ અને રસોડાનાં વાસણો. બુદ્ધિસ્ટ ટેરાકોટ્ટા કૃતિઓ લદ્દાખમાં જોવા મળે છે, જેમાં બૌદ્ધ ધર્મના પવિત્ર પ્રતીકો, મૂર્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. બીજી બાજુ રસોડાને લગતા વાસણોમાં અહીંની રંગબેરંગી ‘ટેરાકોટ્ટા કીટલી’ બહુ જ પ્રખ્યાત છે.

તો આ વાત હતી, પ્રાચીન સમયથી ચાલી આવેલી ટેરાકોટ્ટા માટીકામ કલાની. એક એવી કલા જે બદલાતા સમયની સાથે નવા નવા સ્વરૂપોમાં આવી છે. જે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી નાનામાં નાની વસ્તુથી લઈને ગૃહ સુશોભનની વસ્તુઓ તેમજ મોટી ઇમારતો – ઘરો બાંધવા સુધીના કામમાં આવે છે.


સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.