મંજૂષા

વીનેશ અંતાણી

ઘણી વાર લોકોને લાગવા માંડે છે કે દુનિયાને એમની ઉપયોગિતા રહી નથી. પરિવારમાં, વ્યવસાયના સ્થળે, સમાજમાં એમનું મહત્ત્વ રહ્યું નથી. મળવા આવનાર લોકો ઘટી ગયા છે, ફોન ઓછા થઈ ગયા છે, કોઈને એમનું માર્ગદર્શન જોઈતું નથી. પરિવારમાં પણ એમની સલાહ લેવામાં આવતી નથી. અપ્રસ્તુત થઈ જવાનો ભાવ શબ્દોમાં સમજાવી શકાતો નથી. દરેક વ્યક્તિને એનો અહેસાસ અલગઅલગ રીતે થાય છે.

કોઈને આપણી જરૂર રહી નથી એ વિચારથી વિચિત્ર ડર લાગે છે, જાણે આપણું અસ્તિત્વ ધીરેધીરે ભૂંસાવા લાગ્યું હોય. વર્ષો સુધી કેન્દ્રમાં રહેલા લોકો અનુભવવા લાગે કે એ હાંસિયામાં ધકેલાઈ ગયા છે ત્યારે એમનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને વધી પડ્યા હોઈએ એવું લાગે છે. એ અહેસાસ કે સ્થિતિને ઉંમર સાથે સંબંધ નથી. નિવૃત્તિ પછી અને વૃદ્ધાવસ્થામાં એ પ્રકારની લાગણી જન્મે તો હજી સમજી શકાય, પરંતુ દર વખતે એવું બનતું નથી. પ્રમાણમાં નાની વયે પણ બને છે.

ચાલીસ વર્ષનો મનોજ બહુ મોટી ઇન્ફર્મેશન કંપનીમાં કામ કરે છે. એની આવડત અને પ્રતિબદ્ધતા વિશે કોઈને શંકા નથી. કંપનીના પ્રોજેક્ટમાં કોઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે એના સિનિયર મેનેજર એનો હલ કાઢવાનું કામ એને જ સોંપે અને એ સફળતાપૂર્વક કરી આપે, થોડા સમયથી એમાં બદલાવ આવ્યો છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળવા લાગી છે. એથી એ ક્ષેત્રના જાણકાર નવા લોકોનું મહત્ત્વ વધ્યું છે અને મનોજ બાજુમાં હડસેલાઈ ગયો છે.

આ સ્થિતિ કોઈની પણ સાથે ઊભી થાય છે. સંતાનો મોટાં થઈ એમના જીવનમાં વ્યસ્ત થઈ જાય પછી માબાપને લાગે છે કે ઘરમાં એમનું સ્થાન રહ્યું નથી. વિદ્યાર્થીઓ અભ્યાસના મુદ્દા કોમ્પ્યૂટરના સ્ક્રીન પરથી શીખવા લાગે ત્યારે નિષ્ઠાવાન શિક્ષકો લાગે છે, તેઓ વર્ગમાં અપ્રસ્તુત બની ગયા છે. વર્ષોની સૂઝબૂઝ પછી સફળતા મેળવનાર પીઢ બિઝનેસમેન આધુનિક ટેક્નોલોજી સાથે કામ કરતા યુવાન પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં પોતાને નવા નિશાળિયા જેવો અનુભવવા લાગે છે.

દેખીતી રીતે એમાંના કોઈએ કૌશલ્ય ગુમાવ્યું ન હોય, છતાં મુખ્ય પ્રવાહમાંથી બહાર ફેંકાઈ જવાનું વજન અસહ્ય બને છે, દુનિયા આપણી સમજની બહાર બહુ ઝડપથી બદલાય છે. બદલાતા વાતાવરણમાં આપણી સિદ્ધિઓ, સફળતાઓ, આપણે પાડેલી નવી કેડી કશાયનું મહત્ત્વ રહેતું નથી. એ પરિસ્થિતિ વાસ્તવિકતા છે, છતાં એની બીજી બાજુ પણ છે. આપણે કરેલા પ્રદાનનું મહત્ત્વ ઓછું આંકવું જોઈએ નહીં. સમય બદલાયો છે એ સત્ય સ્વીકારી લેવાથી અપ્રસ્તુત બની જવાનો અફસોસ થતો નથી.

એક જૂની કલમ ટેબલ પર કોમ્પ્યૂટરની બાજુમાં પડી હતી. કોમ્પ્યૂટરે એને પૂછ્યું; ‘કેમ છે? ઘણા દિવસે દેખાઈ?’ કલમ નિસાસો નાખ્યો. ‘ક્યાંથી દેખાઉં? હવે કોઈને મારી જરૂર રહી નથી. બધાં તારી મદદથી જ કામ કરે છે.’ કોમ્પ્યૂટરે સ્મિત કર્યું. ‘તારી વાત સાચી છે, પરંતુ તું અગત્યની બાબત ભૂલી જાય છે. તારા વિના સાહિત્ય, ઇતિહાસ કે પ્રેમપત્રો સુધ્ધાં કશું લખાયું ન હોત.’ કલમે બદલાતી કાર્યપદ્ધતિને પોતાની નિષ્ફળતા માની લીધી.

ઘણા લોકો એ જ ભૂલ કરે છે. લોકો નવીનતા, નવી શોધો ઝંખે છે, પરંતુ ભૂલી જાય છે કે દરેક આધુનિકતા પરંપરામાંથી જ આકાર લે છે. કશુંય ક્યારેય અપ્રસ્તુત હોતું નથી. અમેરિકાની ગ્રેન્ડમા મોઝિસનું જીવન ખેતી, ઘરકામ, સંતાનોને ઉછેરવામાં વીત્યું. એ કલાત્મક ભરતકામ કરવા માટે એના વિસ્તારમાં જાણીતી હતી. આંખો નબળી પડી છતાં મોડી રાત સુધી હાથમાં સોય પકડી સુંદર ઝીણું ભરતકામ કરતી. સિત્તેર વર્ષની ઉંમરે એનો આર્થ્રાઇટિસ ખૂબ વધી ગયો. સોય પણ બરાબર પકડી શકતી નહોતી. સામાન્ય રીતે એ સ્થિતિમાં લોકો ગાઢ હતાશામાં ડૂબી જાય, પરંતુ ગ્રેન્ડમા અપ્રસ્તુત બની જવા તૈયાર નહોતી. એણે વૃદ્ધાવસ્થામાં પીંછી હાથમાં લીધી. થોડાં વર્ષોમાં જ લોકકળાના ઉત્તમ ચિત્રકારોમાં સ્થાન મેળવ્યું.

જીવનમાં પ્રસ્તુત રહેવા માટે પોતાને નવેસરથી શોધવાં જોઈએ તે હકીકત એ સમજતી હતી. આપણે માની લઈએ છીએ વૃદ્ધો બહુ સહેલાઈથી જીવનની મુખ્ય ધારામાંથી બહાર નીકળી જાય છે. પરંતુ આજે કેટલાંય વૃદ્ધ સ્ત્રી-પુરુષો ‘બહાર નીકળી જવા’ની પરિસ્થિતિ સામે અડીખમ ઊભાં રહ્યાં છે. તેઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શીખ્યાં છે. સ્માર્ટફોનથી પેમેન્ટ કરે છે, ઓનલાઇન ખરીદી કરે છે, વિડિયો કોલથી દૂર વસતા પરિવાર સાથે સંપર્ક જાળવે છે. વ્હૉટ્સએપ પર સક્રિય રહે છે. કશુંક ફાવે નહીં તો માર્ગ શોધી લે છે.

ભારતમાં એકલા રહેતા દાદાનો એંસીમો જન્મદિવસ હતો. વિદેશમાં રહેતા પરિવારે એમને સેલ્ફી મોકલવા કહ્યું. દાદાને સેલ્ફી લેતાં ફાવ્યું નહીં એટલે એ લાંબા અરીસા સામે ઊભા રહ્યા અને પોતાના પ્રતિબિંબનો ફોટો પાડી લખ્યું – ‘હું હજી છું.’

અપ્રસ્તુત થઈ જવાનો ડર લાગે ત્યારે જાતને કેટલાક સવાલો પૂછવા જોઈએ – શું હું આજે પણ નવાં પુસ્તકો વાંચું છું? સંગીત સાંભળું છું? ક્રિકેટ-ટેનિસ-ફૂટબોલની મેચ ટી. વી. પર જોઉં છું? મને નવુંનવું જાણવાની જિજ્ઞાસા થાય છે? સુંદર દૃશ્ય જોઈને રોમાંચિત થઈ ઊઠું છું? દેશ અને દુનિયામાં બનતી અનિચ્છનીય ઘટનાઓથી વિચલિત થાઉં છું? દુ:ખી લોકોને જોઈ મને પીડા થાય છે? એવા સવાલોના જવાબ હકારમાં આવે તો આપણે હજી અપ્રસ્તુત થયા નથી. પહેલાં હતા એવા જ છીએ…

માણસ ઇચ્છે નહીં ત્યાં સુધી કોઈ બાહ્ય પરિબળ એને હાંસિયામાં ધકેલી શકતું નથી. આપણા અસ્તિત્વનું મૂલ્ય જાળવી રાખવું આપણા હાથમાં છે. કોઈ વૃક્ષ ફળ-ફૂલ આપવાનું બંધ કરે એટલે એનું મહત્ત્વ ઘટી જતું નથી. એ છાંયડો આપે છે, સૂકાં પાંદડાં ખેરવી ધરતીની ફળદ્રુપતામાં ઉમરો કરે છે, વરસાદને વરસવા માટે આહ્વાન આપી શકે છે. દરેક માણસ એ ફીનિક્સ પક્ષી છે, જે પોતાની રાખમાંથી નવો જન્મ લે છે.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.