લતા હિરાણી
બાપાની ખાસ એટલી ઉંમર નહોતી. ઘરડા બા બેઠા’તા ત્યારે છપ્પનિયાને યાદ કરી દીકરાની ઉંમર ગણતા. બહુ બહુ તો ચોપન પંચાવન – પણ લાગે પાંસઠના ! બધો ય ખેલ બીડીનો ! આખો ‘દિ ઠોં ઠોં ઠોં ઠોં કર્યા કરે. દમના માર્યા ખાંસી ખાઈખાઈને બાપાના ફેફસાંનો દાટ વળી ગયો હતો. ક્યારેક શ્વાસ એવો ચડતો કે જાણે જીવ નીકળી જશે.
ગળામાં ગાડું ભરીને કફ ખખડે. હાક, થૂ કરતાં પડખેના ખૂણામાં જ બળખો કાઢે. એમ તો મંજુએ ધૂળ ભરેલું તબકડું મૂક્યું’તું પણ કયારેક અંદર ને ક્યારેક બહાર પછી માખો બણબણે ને મંજુને કાળ ચડે. એમાં વળી બાકી રહી ગયું હોય એમ પડોશની ગંગા શિખામણ આપે !
– અલી બાઈ, ભગવાને બે છોડિયું ઉપર આ નાનકો દીધો છ. ઇ બાપાના ખાટલા ઉપર જ ખૂંદાખૂંદ કરતો હોય છે. ભગવાન નો કરે ને ઇ માંદો પડ્યો તો ? એને હાચવ્ય….’
– બાપાની ઓરડી કટલીક વાર સાફ થાય !! એકકોર આ તણેય પરજાને હંભાળવી.. હંધાયના ભાણાં તો ભરવાના ને ! ઇમના તો રોજ રાત પડે હાથ-પગ તૂટતા જ હોય.. મારો તો ચાકરી કરવામાં જ જન્મારો જાશે.. કોઈ ‘દિ હુખ નો ભાળ્યું..
એણે રાડ પાડી. – પવલીઇઇઇઇઇ
પવલી દોડતી દોડતી આવી.
– જા, ડોહાની ઓયડીમાં ડોલ ભરીને પાણી રેડ ને હાવરણો ફેરવી દે..
બબ્બે દિવસે બીડીની ઝૂડી મંગાવવી પડતી. હજી કાલે જ એક મંગાવી હતી. એક દિ’માં બધી ફૂંકી મારી. ‘પવલી, ઓલા શંકરિયાને કે ને કે બીડી લ્યાવે… નાનકો જાયગો કે ?’ ઓરડીમાંથી બાપા બોલ્યા.
મંજુ ફળિયામાં વાસણ ઉટકતી હતી. એણે તપેલી ચોકડીમાં પછાડી. વચલી રમા ડેલીમાં આવી.
– ક્યાં મૂઇ’તી અટાણ લગ ? ખોયામાંથી નાનકાને ઉપાડ ને શેરીમાં રમાડ્ય. ખાવાનું થાશે એટલે બરકીશ. એ પે’લા આવી છ તો ટાંટિયો ભાંગી નાખીસ.
– મા, બાપા બીડીનું કે’છ. – પવલી બીતાં બીતાં બોલી.
– ઇ તારા બાપુ કરસે. તું ડાઇની થા મા. તારું કામ કીધું ઇ કર.
રમલી નાનકાને કાંખમાં નાખી ડેલી બા’ર નીકળી ગઇ. મંજુએ આજ નાનકાને ઓરડીમાં ન જવા દીધો તે ન જ જવા દીધો. એ બાપા પાસે જવા રોતો ‘તો.
– ભલે, આજ તો રોઇ રોઇને અડધો થઇ જાય. એનેય હાળાને બાપાનું બંધાણ થઇ ગ્યું છ. આંય પવલીની ફીનો જોગ થાતો નથ ને ડોહાને ધુમાડા કાઢવા કાઢવાના !
બાપાની ચાકરી આકરી ને આકરી થતી જતી હતી. એ પોતાનું સંભાળી લેતા ત્યાં સુધી ઠીક હતું. હવે શરુ થયો આ કંપ-વા. હાથ-પગ ધ્રુજ્યા રાખે. ક્યારેક ચાની રકાબી મોઢે માંડવા જાય ને રેગાડો જાય લેંઘા ઉપર. દાઝે એટલે દેકારો કરી મુકે ને પછી લવરી શરુ. શાંતિ જરાય નહીં. મંજુથી આટલું જ થાય. જેને કામ સોંપ્યું હોય એને કચકચાવીને ઢીબી નાખે. પછી ક્યારેક રોવેય ખરી.. ‘આ બાપા તે મારા કિયા જનમના વેરી છે !
ક્યારેક બાપાના હાથમાં ધ્રુજારી એટલી વધી જાય ને ઘરમાં કોઈ હાજર ન હોય તો મંજુએ લાજનો ઘુમટો તાણીને બાપાને ચા પાવી પડે. શરુમાં મૂંઝારો થાતો. શરમેય લાગતી પણ પછી સમજાઈ ગયું કે બાપાના લૂગડાં ને ગોદડાં ધોવા બેસવું એના કરતાં લાજ કાઢીને ચા પાઈ દેવી સારી. મુસીબત ત્યારે થાતી, જ્યારે એ એકલી હોય ને બાપાને જાજરુ પેશાબ લાગે. શું કરે ? બધાંય કામ પડતાં મૂકી એણે કો’કને ગોતવા જાવું પડતું.
કાલની જ વાત. મંજુએ છાશની સાથે ગરમાગરમ રોટલો ને શાક થાળીમાં પીરસી પવુને મોકલી,
– જોજે, હંભાળજે. બાપા ખાઇ લે તાં લગણ રે’જે. પાછી રમતે નો ચડી જાતી.
પણ પવલીના લખણ પૂરાં ! ખાટલામાં થાળી મૂકી, “બાપા, કાંઇ જોતું કરતું હોય તો કેજો હોં..” કરતી પાંચીકા લઇને ઓસરીમાં ખોડાણી.. .. બાપાએ કોળિયો મોઢામાં મૂક્યો ને હાથમાંથી છાશની તાંસળી છટકી…. રાડેરાડ શરુ. પવલી ઉપર કકળાટ કરતી મંજુએ લાજ કાઢીને બાપાને લુગડાં દીધાં ને બારણું આડું કરીને ઓરડીની બહાર આવતી રહી. બહુ વાર થઈ. અંદરથી કંઇ અવાજ ન આવ્યો.
– પવલી માલીપા જો તો ખરી !!
– હાય હાય, બાપા તો એક કોર કોકડું વળી જ્યા સે
મંજુ હાંફળી ફાંફળી અંદર દોડી. બાપા હાંફતા’તા. જેમતેમ પગ ઉપર લેંઘો ચડાવ્યો’તો ને દીવાલને ટેકે કોથળાની જેમ ઢગલો થઈ ગયા હતા. નાડું બાંધવાની હામેય નહોતી રહી. ખાટલામાં જોયું તો ગોદડું બખબખે ! પેશાબ છુટી ગયો ’તો ! આ તો સારું થયું કે એ ટાણે જ શેરીમાં ગંગાનો કરસન જાતો દેખાણો. એને બોલાવીને ગોદડું બદલીને બાપાને ખાટલા ભેગા કર્યા. નહીંતર એ કેમનું કરત ! બધી અધ્યારી એની એકલીની જ… ઘરની કે બાપાની વાત આવે એટલે મનોર હાથ ઉંચા કરી દે.
સાંજે મનોર આવ્યો. પવલી કહેવા જાતી તી, ત્યાં મંજુએ એને ચીટલો ભરીને એક કોર કરી. આમેય પવલી આજનું જોઇને ડઘાઈ તો ગઇ’તી જ.
– બાપાને તમે ખવરાવી દ્યો. પવલીનો અંગુઠો પાક્યો છ.
– આ ઘડીક ઘરમાં આવીએ પણ શાંતિ નંઇ.. લોહીઉકાળા ચાલુ ને ચાલુ.. લાવ.
મનોર થાળી લઈ ઓરડીમાં ગયો. બાપાને બેઠા કર્યા. આગળ થાળી મૂકી.
– ખાઇ લેજો બાપા – ને બહાર આવતો રહ્યો.
– જરીક જોવો તો ખરા, બાપાને !
– નથ જરૂર. એને કાંઇ નૈ થૈ જાય. ખાટલો છે તો છે. જા પવલી, અંદર ધ્યાન રાખ.
– તમારા વન્યા જાણે હંધુય રખડતું હસે.
પવલી સમજી ગઇ’તી. આજ માનો મિજાજ જુદો હતો. એણે મૂંગા રે’વાનું હતું.
મંજુએ મુંગા મુંગા વાળુ પીરસ્યું.
– આજ પાછું બટેટાનું જ શાક ! ભેગાભેગા જરીક મરચાં નો વઘારાય !
મંજુએ બીજો રોટલો ઘડતાં હાથમાંથી પાણી જોરથી છંટકોર્યું. મનોર લૂસલૂસ ખાઈને ઝટ ઊભો થઈ ગયો. ઓસરીમાં જઈ ખિસ્સામાંથી બીડી કાઢી. સળગાવી.
– કેટલી વાર કીધું કે તમે તો આ બંધાણ છોડો ! બાપાને જોતા નથ !
– ને મેંય તને એટલી જ વાર કીધું કે શાંતિ રાખ. છોડવાનું જ છે પણ કંઇ રાતોરાત નો થાય. તનેય રાડ્યું નાખવાનું બંધાણ થઇ ગ્યું છ.
ટાંટિયા પછાડતો મનોર ડેલીની બહાર નીકળી ગયો. રાતે મોડો આવ્યો ને સીધો ખાટલામાં. ઘરના ને ડોસાના ઢસરડા કરીને મંજુની કાયા કંતાઈ ગઈ હતી. એનું ડીલ કળતું હતું. હજી તો વાત કરવા જાય ત્યાં મનોરના નસકોરા બોલવા માંડ્યા. એ ધુંધવાઈ. મનોરને હડબડાવીને ઉઠાડ્યો.
– હાંભળો છ, આ બાપાને કેમ કરીને હાચવવા ?
– જંપવા દે. એક તો આજે પગેય દાબ્યા નથ.
– હવે મારાથી નૈં થાય. આ કૈ દીધું.
– કેમ વળી ? ચાકરી કરતાં જોર પડે છે કંઇ ?
– લાજ કાઢીને એકવાર કરી દેખાડો એટલે ખબર પડે !
– જોયા જોયા હવે ! કંઇ પાડ કરે’છ ?
– કંઇક હમજો તો હારું. ચાકરી કરવાની કુણ ના પાડે’સ ? આજ બાપાને ખાટલામાં પેશાબ થઇ ગ્યો’તો. તમે તો દિ’ આખો દુકાને હો. આમાં મારે કોને બોલાવવું ? આ તો ટાણે કરસન દેખાઇ ગ્યો તે માંડ પાર પાડ્યું. પણ આમ કટલીક વાર ?
– તે દુકાન બંધ કરીને ઘરે થોડું બેહું ? આ બીડીએ જ બાપાને અધમુઆ કરી મેલ્યા છે. જિંદગી આખી તો પીધી. હજી હવાદ નથ જાતો. મને કૂણ કે’નાર છે, તોય એક હવારે, એક બપોરે ને એક હાંજે, બસ એનાથી વધારે નૈ એટલે નૈ…
મનોર પોતે બીડી પીતો તોય બાપા પર બખાળા કાઢતો. એ પડખું ફરી ગયો. એની આંખ સામે બાળપણની પટ્ટી ફરી. બાપા પોલીસ હતા ને રુઆબ કેવો ! ઘરમાં યે હાકોટા પડે. કોઈની તાકાત નહીં કે બાપાને સામો જવાબ અપાય ! મનોર વાંકમાં આવ્યો હોય તો એ ઉભો ઉભો ધ્રુજે ને ચડ્ડી પલળી જાય એ જુદું.
– ના કાલથી તો મારે ય રોજની ત્રણને બદલે બે કરી દેવી છ. – મનોર મનમાં બબડ્યો. મંજુ લાકડાની જેમ આડી પડી.
સવારમાં ઊઠતાંવેંત મનોરે બાપાની બીડીની ઝૂડી કબાટમાં મુકી તાળું મારી દીધું. ફરમાન કાઢ્યું કે હવે કોઈએ એમને બીડી નથી દેવાની. પત્યું. બે દિવસમાં બાપાની હાલત જોવા જેવી થઈ. મંજુએ કહ્યું,
– આમ રાતોરાત હાવ બંધ કરી દીધી છ તે બાપાની હાલત મરવા જેવી થૈ ગૈ છ !
– મૂંગી મર્ય. એક કોર રાવ કરે છ ને પાછી હગલી થાવા જા છ. થૈ થૈ ને હું થાવાનું ! ભલે ખાટલામાં પડ્યા રે’તા. મારે તે કામધંધો કરવો કે…. !”
– હારું. તમે જાણો ન તમારા બાપા જાણે.. મારે તો બેય કોર વીતે છ…
આખો દિ’ બાપા ‘બીડી દે, બીડી દે’ બબડતા રહ્યા. ખાસ કંઈ ખાધું પણ નહીં . બીડી વગર એમની નાડ્યું તુટતી’તી. પછીના દિ’ બાપા લાશ જેવા થઈ ગયા. એમના અણસાર ફરી ગયા. બોલવાની તાકાત પણ ખતમ. ઉંહકારા કરે ને એમાં બીડી બીડી જેવું ત્રુટક ત્રુટક સંભળાય. મંજુએ કેટલી વાર પવુને થાળી લઇને મોકલી પણ બાપા આંખ નહોતા ખોલતા. એકવાર મંજુ લાજ કાઢીને થાળી લઇને ગઈ પણ બાપાને ક્યાં હોશ હતા !
ઘરમાં ચારેકોર રમણભમણ પડ્યું’તું. એક કોર એઠાં વાસણ ને બીજી કોર મેલાં લૂગડાં ઉડતાં હતાં પણ મંજુની નજરમાં કાંઈ નહોતું આવતું. ‘આ બાપાનું કરવું શું ?’ ઓરડીમાંથી વળી કણસવાનો અવાજ આવ્યો. હવે મંજુની ધીરજ ખુટી ગઈ. ઘરમાં કોઈ નહોતું. મનોર દુકાને અને છોકરાઓ નિશાળે. નાનકો ઘોડિયામાં.
”ગયા ભવે મેં મુઇએ નકરા પાપ કર્યા હશે.” મંજુની આંખમાં ધુમાડો ભરાયો. નિસાસો નાખી એ વાસણ ઉટકવા બેઠી.
અંદરથી ઊંહકારા વધ્યા. ઘડીક મંજુ હાથમાં તપેલી એમની એમ રહી ગઈ. આંખમાં ખુન્નસ ભરાયું. એ ખાટલીને ટેકે ઊભી થઈ. અંદર ગઈ. ક્યાંકથી ચાવી ગોતી, કબાટમાંથી બીડી કાઢી. બીડી ને બાકસ બાપાના ઓશિકા આગળ મૂક્યાં. બાપાને જરીક અણસાર આવ્યો. ધ્રુજતી આંગળીઓએ ઝનૂનથી બીડી-બાકસ પકડી લીધાં. ચહેરાની લબડી પડેલી ચામડી પર એક લિસોટો પથરાઈ ગયો. સામટું બળ ભેગું કરી એ બેઠા થયા. જોર કરીને એમણે બીડી સળગાવી. મંજુ લાજ કાઢી એક કોર ઉભી ‘તી. બાપા બીડી પીતા હોય ત્યારે એ એમને એકલા ન મુકતી. ક્યાંક ગોદડામાં તિખારો પડ્યો તો !
બાપા ધ્રુજતી આંગળીઓથી માંડ માંડ બીડી હોઠ સુધી લઈ જાય ને જેવા ફૂંક મારવા જાય કે ફેફસા ધમણ થઈ જાય. ગળામાં ઘરેડી ઉપડે. કોણ જાણે કેટલી વાર એમણે ફંક મારવા મહેનત કરી પણ છાતી ફૂલી ગઈ !! ખોળિયામાં માંડ બચેલા ચપટીક શ્વાસ બીડી પીવા માટે જીવ પર આવી ઝઝુમતા ‘તા.
મંજુય ધ્રુજી ગઈ. ‘હવે કરવું હું ?’ એણે સાનભાન ગુમાવ્યા. લાજ-બાજ એકકોર ને જાણે પંડમાં પલિત પ્રવેશ્યું હોય એમ એ બાપા પાસે ગઈ.
ભગવાનનું કરવું તે એ વખતે જ ડેલીમાંથી મનોર અંદર આવ્યો. સીધો બાપાની ઓરડીમાં. ઉંબરેથી નજર પડતાં જ હેબતાઈ ગયો. મંજુનું ધ્યાન નહોતું. એ બાપાના ખાટલા પાસે હતી. મંજુએ મોઢામાં બીડી મૂકી. ઉંડો કશ ખેંચી બીડી લગાવી ને બાપાના હોંઠ વચ્ચે મુકીને એમનો બરડો પંપાળવા માંડી. બાપાએ જીવ પર આવીને છેલ્લો કશ ખેંચ્યો…
