વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ત્રેતાયુગમાં ચૌદ વર્ષ સુધી શ્રીરામની ચરણપાદુકાનું સ્થાપન કરીને ભરતે રાજ્યધુરા સંભાળી તે પછી આજના યુગમાં વિધાનબાબુની પાદુકાભક્તિ ચર્ચાનો વિષય બની છે.
વર્ષો પહેલાં કોઈનાય ઘરમાં ભગવાન સિવાય ભાગ્યે અન્ય તસવીર મૂકવામાં આવતી એટલે વિધાનબાબુના ઘરમાં એકે વડીલની તસવીર ન હોય એ સ્વાભાવિક વાત હતી. એવા ઘરમાં કાકાનાં પગરખાંનું પૂજન થાય એ સૌ માટે અચરજની વાત હતી.
વિધાનબાબુએ એમના શયનખંડમાં એક બેઠક પર લાલ રેશમી વસ્ત્ર પર કાકાનાં પગરખાંની સ્થાપના કરી હતી. દર વર્ષે ચંદન અને ધૂપથી એનું પૂજન કરતા.
ગરમીમાં પાકી સડક પર ખુલ્લા પગે ચાલવામાં કેવી તકલીફ પડે એટલે જે કોઈ એમની પાસે સહાય માંગવા જાય એને વિધાનબાબુ બીજું કશું આપે કે ના આપે એક જોડ ચંપલ લેવાના પૈસા જરૂર આપતા.
વિધાનબાબુનો આશય સારો અને સાચો હતો.
કેટલાય લાચાર ગરીબ, ભિખારી કે સહાય માંગવાવાળા, જરૂરિયાતમંદ સગાંસંબંધીઓને નવી ચંપલો ખરીદીને આપે ત્યારે કહેતા, “નાનપણથી કાકાએ શીખવાડ્યું છે કે, અન્નદાન કે વસ્ત્રદાન જ પુણ્યનું કામ નથી. ગરમીમાં, ઠંડીમાં ચંપલોનું દાન પણ ભારે મહત્વનું.”
વાત જાણે એમ હતી કે, વિધાનબાબુના કાકા એમના પિતાજીની જેમ ખાસ બુદ્ધિમાન નહોતા. એ જે કામ હાથમાં લે એ કામ ક્યારેય સફળ થતું નહીં. ક્રમશઃ કાકા નિષ્ફળ, નકામા સાબિત થવા માંડ્યા. અંતે સંયુક્ત પરિવારની ખેતીવાડી સંભાળવાનું કામ કાકાના ફાળે આવ્યું.
બહારના કામમાં કાકાની નિષ્ફળતા છતાં ઘરનું કામ એ કેવી સરળતાથી કરતા એ નાનકડા વિધાને જોયું હતું.
કાકી ઘરનું બધું કામ સંભાળતાં. આખો દિવસ ચાલતું રસોડું સમેટતાં રાત પડતી. એ પછી દાદીના પગ દબાવવાનાં. આખો દિવસ કામને લીધે કાકીની કમર જકડાતી ત્યારે વિધાને કાકાને કાકીના પગ દબાવતા, ઘૂંટણ પર મલમ લગાવતા જોયા હતા. વિધાન સમજતો કે, કાકાએ જો કાકીની તબિયતનું ધ્યાન ન રાખ્યું હોત તો આ સંયુક્ત પરિવાર ક્યારનો વીખરાઈ ગયો હોત.
આખા દિવસના થાકેલાં કાકી સવારે વહેલાં ન ઊઠી શકે તો સવારે ઊઠીને કાકા ચાનું તપેલું ચઢાવતા, ઘરના નોકર-ચાકરથી માંડીને સૌને ચા આપી છોકરાંઓને નાસ્તો બનાવી આપતા.
બપોરે ખેતીવાડી, નારિયેળી સંભાળતા. ઘી-દૂધ, માખણ સૌ ખાતાં પણ ગૌશાળાનું ધ્યાન તો કાકા જ રાખતા. એ ઉપરાંત મહેમાનોની આગતાસ્વાગતા જેવા કેટલાય કામ કાકાના માથે. પણ, એ કામમાં પૈસા ક્યાં મળે એટલે કાકા ન-કામા ગણાતા.
કાકા સાવ નકામા, છતાં વાર-તહેવારે, લગ્નપ્રસંગે દિવસ-રાત જોયા વગર વિવિધ મિષ્ટાન્ન બનાવવામાં એમનો કોઈ જોટો નહોતો.
સહેજ નવરા પડે કે ચબૂતરા પર કબૂતરો ટોળે વળે એમ કાકાની આસપાસ છોકરાંઓ ટોળે વળતાં. સાંજ પડે છોકરાંઓને વાર્તા કહેતા. કાકાને છોકરાંઓ બહુ વહાલાં. એમાં સૌથી વહાલો વિધાન. વિધાન નાનપણથી જ શાંત અને ભણવામાં હોંશિયાર.
જ્યારે વિધાનને શિષ્યવૃત્તિ માટે પાંચ માઇલ દૂરની સ્કૂલમાં જવાનું થયું ત્યારે ઘરમાં સમસ્યા સર્જાઈ, વિધાન જાય કેવી રીતે? એ સમયે ગાડીઓ નહોતી. ઘરનું એક માત્ર સાધન સાઇકલ જે પિતાજી વાપરતા. પણ, કચેરીનું કામ છોડીને એ આવી ન શકે. બાકી રહ્યા કાકા. કરવું શું?
“વિધાનને ખભે બેસાડીને હું લઈ જઈશ.” ન-કામના કાકાએ રસ્તો કાઢ્યો.
શિષ્યવૃત્તિની પરીક્ષા પૂરતા જ નહીં, શિષ્યવૃત્તિના વર્ગો ભરવા આખા મહિના સુધી કાકા વિધાનને ખભે બેસાડીને હરિપુર લઈ જતા. કાકા પાસે ચંપલો નહોતી. ગરમીના દિવસોમાં ખુલ્લા પગે ચાલવામાં કેવુંય કષ્ટ પડ્યું હશે? પગમાં છાલાં પડ્યાં હશે !? ખેતીવાડીમાં કામ કરતા લોકો ભાગ્યેજ ચંપલો પહેરતા. વળી કાકા ક્યાં કારોબાર સંભાળતા કામના માણસ હતા? ગામના પાંચ લોકો વચ્ચે એમની ઊઠકબેઠકેય નહોતી. ભલા એમને વળી ચંપલની શી જરૂર, એટલે કાકા માટે ચંપલ લેવાનો વિચાર સુદ્ધાં કોઈને ન આવ્યો.
વિધાન ભણે ત્યાં સુધી કાકા સ્કૂલ પાસેના ઓટલા પર બેસતા. વિધાન આવે એટલે એને નાસ્તો કરાવી, ચા પીને વિધાનને ખભે બેસાડીને પાછા ઘર તરફ કાકાની દડમજલ શરૂ થતી.
“કાકા, મને ખભે બેસાડીને ચાલવામાં તમારા પગની શી દશા થઈ છે?” વિધાનનો અવાજ રૂંધાતો. પણ, ખુલ્લા પગે દસ માઇલ ચાલવા કરતાં કાકાને વિધાનની ભણવાની જવાબદારી ઘણી વધુ લાગતી.
“મને શું તકલીફ, ભલા? મારે તો આમતેમ આંટાફેરા જ. તારી જેમ ભણવામાં કે ભાઈની જેમ કચેરીના કામમાં ક્યાં મગજ ચલાવવાનું છે?
“એકવાર તું પરીક્ષા પાસ કરીને હાઇસ્કૂલમાં ભણવા જઈશ, મોટો ઑફિસર બનીશ, અમારા વંશનું નામ ઉજાળીશ, એ કંઈ નાની વાત છે ! તું કમાય ત્યારે મારા માટે ચંપલ ખરીદી લાવજે.”
“કાકા, ચંપલ તો લઈ આવીશ, પણ તમે પહેરશો ખરા?”
“હા રે, કેમ નહીં? નકામા માણસો જાતે ચંપલ ન ખરીદે પણ કોઈએ આપેલા તો પહેરી શકે ને?” કાકા સરળતાથી બોલ્યા.
વિધાનને શિષ્યવૃત્તિ મળી ત્યારે ગામભરમાં સમાચાર ફેલાઈ ગયા.
“સાંભળ્યું છે કે તમારા ભત્રીજાને શિષ્યવૃત્તિ મળી?” કોઈએ પિતાજીને સવાલ કર્યો એની સાથે ગાલ પર સણસણતો તમાચો પડ્યો.
“વિધાન મારો ભત્રીજો નહીં દીકરો છે એ જાણતો નથી ? ખભે બેસાડીને લઈ જવાની મને ફુરસદ નથી તો શું એ મારો દીકરો મટી ગયો? જા, હવે આખા ગામમાં જઈને કહી આવ કે, મારા ભત્રીજાને નહીં મારા દીકરાને શિષ્યવૃત્તિ મળી છે.”
કદાચ પહેલીવાર પિતાજીને વિધાન એમનો દીકરો છે એ વાતનો ગર્વ થયો કે જાણ થઈ?
પિતાજીની વાત સાંભળીને કાકા હસ્યા હતા. એમને યાદ હતું કે, વિધાનનો જન્મ થયો ત્યારે માની બચવાની શક્યતા નહોતી. વિધાનના પિતાએ કાકીને બોલાવીને વિધાન સોંપ્યો હતો. આજથી આ દીકરો તારો, પછી સૌનો. નસીબજોગે મા બચી ગઈ, પણ વિધાન કાકા-કાકી પાસે જ ઉછર્યો.. આજે વિધાનને શિષ્યવૃત્તિ મળી ત્યારે પિતાજીને યાદ આવ્યું કે વિધાન એમનો દીકરો છે?
એ પછી તેર-ચૌદ વર્ષની ઉંમરથી વિધાને પોતાની નિષ્ઠા અને બુદ્ધિથી સફળતા મેળવી, ઊંચા હોદ્દા પર કામ કર્યું એ જોવા પિતાજી ન રહ્યા.
વિધાનબાબુને નોકરી મળી તે પછીય કાકા ગામથી ઘી-ગોળ, ચોખા, નારિયેળ લઈને આવતા.
વિધાનબાબુ આવે ત્યારે કાકા-કાકી માટે મેવા-મીઠાઈની સાથે કાકાની શ્વાસની તકલીફ માટે દવાઓ લાવતા. કાકા ભારે ખુશ. વિધાન માટે આશીર્વાદનો ખજાનો ખોલી દેતા.
વિધાનબાબુની વધતી ઉંમર સાથે કાકા સાવ ખખડી ગયા. હવે શહેર જવું મુશ્કેલ હતું. બદલાતી નોકરીના લીધે વિધાનબાબુને આજે કટક તો કાલે કોરાપુટ રહેવાનું થતું. કાકા-કાકીનું સ્વાસ્થ્ય હવે એક શહેરથી બીજા શહેર ફરવાની ઝાક ઝીલે એવું નહોતું. શ્વાસની બીમારી વધતી ચાલી એમ કાકાનું હરવાફરવાનું ઓછું થતું ગયું. ઈશ્વરના દરબારનું તેડું નજીક દેખાતું હતું. વિધાનબાબુ ઊભાઊભ કાકાને ભાવતાં રસગુલ્લા લઈને મળવા દોડ્યા.
કાકાને મળવા ભત્રીજો આવ્યો છે એ સાંભળીને આસપાસના સૌ એકઠા થયા.
“એ ભત્રીજો નહીં, દીકરો છે મારો.” કાકાના અવાજમાં જોશ આવી ગયું.
“હા ભાઈ હા. દીકરો… કોઈ ઇચ્છા છે બાકી? કમાઉ દીકરો આવ્યો છે, તમારી સઘળી ઇચ્છાઓ પૂરી થશે.”
“એક જોડી ચંપલ પહેરવાની ઇચ્છા ઘણાં સમયથી હતી. મોટાભાઈ જેવો તો હું ના બની શક્યો, પણ ચંપલ પહેરીને એકવાર એમની જેમ ચાલવું’તું. વિધાન નાનો હતો ત્યારે કહેતો કે એ લાવી આપશે. કદાચ ભૂલી ગયો લાગે છે નહીંતર એક જોડ ચંપલ તો એ ખરીદીને લાવ્યો જ હોત. હવે તો પગમાં સોજા વધી ગયા છે. કદાચ વૈદ્યની દવાથી સોજા ઓછા થાય ને પહેરી શકું તો નસીબ.”
કાકાની વાત સાંભળીને દિલમાં શારડી ફરી ગઈ હોય એમ વિધાન સ્તબ્ધ.
’ભુલાઈ ગયું કે સૌની જેમ કે પોતે માની લીધું કે, નકામા માણસોને ચંપલની શી જરૂર?’
આજે પણ કાકાના મનમાં ચંપલ પહેરવાની ઇચ્છા એટલી જ બળવત્તર હતી. કાકા માટે ઘણું લાવ્યો હતો, પણ ચંપલ લેવાયા નહોતા એ હકિકત હતી.
વિધાનબાબુ ચંપલ લઈ આવ્યા. ઈશ્વર કરે ને કાકાના પગના સોજા ઓછા થાય. કમ સે કમ એકવાર ચંપલ પહેરી શકે તો ગનીમત.
સોજા ઓછા થાય એની રાહમાં કાકાએ ચંપલ પગને સ્પર્શે એટલી અડોઅડ મુકાવી.
“મારો વિધાન લાવ્યો છે. પ્રભુ મને એ પહેરીને ચાલવાની તાકાત આપશે.” અંતિમ ક્ષણો સુધી એ બોલતા રહ્યા અને જીવ ચાલ્યો ગયો.
વિધાનની ચંપલમાં એટલી તાકાત નહોતી કે કાકાની પરમધામ તરફ જતી યાત્રા પાછી વાળી શકે. કાકાની અંતિમક્રિયા પછી ફક્ત એકવાર કાકાના ચરણસ્પર્શ પામેલા એ પગરખાં માથું નમાવી વિધાનબાબુ લઈ આવ્યા.
ચૌદ વર્ષના વનવાસ પછી પોતે પાછા ફરશે એવો શ્રીરામે ભરતને વાયદો આપ્યો હતો. કાકાએ વિધાનને એવો કોઈ વાયદો આપ્યો નહોતો, પણ ઉનાળાની બળબળતી બપોરે ધરા ધગધગતી હોય ત્યારે કાકાએ પહેરેલાં પગરખાંનો ખટખટ અવાજ વિધાનના હૃદયને વીંધતો રહે છે.
પ્રતિભા રાય લિખિત, રાજેન્દ્ર પ્રસાદ મિશ્ર અનુવાદિત વાર્તા આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
